કંજૂસ કાકાના આશીર્વાદ

 

કંજૂસ કાકાના આશીર્વાદ

વિરલ અને ચતુરા મૂંઝાયા હતા. મૂંઝાવાનું  યોગ્ય કારણ હતું. આજે સાંજે  અમદાવાદથી મહેશકાકા આવવાના હતા. અને મહેશ કાકા એટલે ? એમને સાચવવા કંઇ સહેલા નહોતા એનો અનુભવ અનેક વાર તેમને થઇ ચૂકયો હતો.

એક તો ઘરમાં દીકરીના લગ્નનો પ્રસંગ નજીક આવતો હતો. એની જોગવાઇ હજુ થઇ નહોતી.એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિશ્થિતી હતી. દિવસે દિવસે મૂંઝવણ વધતી જતી હતી. હજુ સુધી  પૈસાનો મેળ પડયો નહોતો. કાશ ! આજે અનીશ હોત તો..! વિરલને પુત્ર અનીશની યાદ આવે એ સ્વાભાવિક હતું. વીસ વરસનો અનીશ હ્જુ તો કમાવાનું શરૂ કરે એ પહેલા જ મોટું ગામતરૂ કરી ગયો હતો. મહિનાઓ સુધી ઘરમાં માતમ છવાયું હતું. પણ કાળ પાસે કોનું ચાલ્યું છે ? ચતુરાના આંસુ સૂકાતા નહોતા. પણ આખરે શો મસ્ટ ગો ઓન..ની જેમ જીવન ફરી એકવાર વહેતું રહ્યું હતું. એ સિવાય બીજો ઉપાય પણ કયાં હતો ? ચાર વરસ પહેલા એક અકસ્માતમાં ચાલ્યા હયા પુત્રને યાદે વિરલભાની આંખો ફરી એકવાર આજે ભીની બની રહી.

દીકરીના લગ્ન માટે કયાંકથી લોન મળી જાય એ માટેના પ્રયત્નો ચાલુ હતા. મળશે કે કેમ એ સવાલ હતો. નહીંતર પ્રસંગ કેમ ઉકેલાશે એની ચિંતામાં ઉંઘ પતિ પત્ની બંનેની ઉંઘ ઉડી ગઇ હતી.

આવા સંજોગોમાં મહેશકાકા અહીં તબિયત બતાવવા આવવાના હતા. મુંબઇ જેવા શહેરમાં મહેમાનને સાચવવા આમ પણ અઘરા બની રહેતા હોય છે. એમાં મહેશકાકાનો પહેલાનો અનુભવ સારો નહોતો. અને એ કંઇ સગા કાકા તો હતા નહી. દૂરના સગપણે કાકા થતા હતા. અને મોટી ઉમરને લીધે કુટુંબમાં બધા તેમનું માન જાળવતા હતા. બે વરસ પહેલાં કાકી મરી ગયા પછી કાકા સાવ એકલા પડી ગયા હતા.અને તેથી કોઇને ને કોઇને ઘેર જઇ ચડતા. એમાં વિરલ અને ચતુરાનો વારો અવારનવાર આવતો રહેતો. ગમે કે ન ગમે..ઇચ્છાએ કે અનિચ્છાએ પણ વિરલ અને ચતુરા કાકાની સગવડ સાચવતા અને તેમને માન આપતા. પતિ પત્ની બંનેનો સ્વભાવ પહેલેથી જ માયાળૂ હતો. તેથી વિચારતા કે બિચારા કાકા એકલા પડી ગયા છે. તો ભલે થોડા દિવસો રહી જતા.કાકાને સંતાન તો હતા નહી. જોકે કાકા પાસે બહું નહીં તો યે પોતે આરામથી,છૂટથી રહી શકે એટલી મિલ્કત તો જરૂર હતી. પણ કોઇ માટે વાપરતા કાકા શીખ્યા જ નહોતા.

 પાછું કાકા આવે એટલે તેમની જાતજાતની ડીમાન્ડ  પૂરી કરવી પડતી.અને કાકા તો પૂરા  કંજૂસ. ચમડી તૂટે પણ દમડી ન છૂટે..કાકા આવે એટલે ખર્ચો કેટલો વધી જતો અને તેને પહોંચી વળવા માટે શું શું કરવું પડતું એ વિરલ અને ચતુરાનું મન જ જાણતું હતું.

સવારે નાસ્તામાં થોડું વહેલું મોડું થાય તો પણ કાકાનો મિજાજ જતો. તેમને સવારે ગરમા ગરમ નાસ્તો જોઇએ.બપોરે જમવામાં પણ બધું વ્યવ્સ્થિત જોઇએ.એમાં એક વસ્તુ પણ ઓછી ન ચાલે. ઘરમાં તેમની બૂમ સતત સંભળાતી જ રહેતી. દીકરી તેજલને પણ ઉભે પગે રાખતા. બધા ત્રાસી જતા પણ કોઇ ઉપાય નહોતો. ના કેમ પાડી શકાય ? અહીં ન આવો એવું પણ કેમ કહી શકાય ?

વિરલ, શું કરીશું ?

શું થઇ શકે ? જેવા નસીબ..બીજું શું ? પાછી આ વખતે તો તબિયત સારી નથી એવું કહે છે એથી ઘર માથે લેશે.

ઠીક છે.જે થાય તે સાચું.

સાંજે મહેશકાકા આવ્યા.

આ વખતે કાકા પૂરા દસ દિવસ રોકાવાના હતા.. વિરલને રજા મળે એમ નહોતી તેથી ચતુરા અને દીકરી તેજલ પર તેમને હોસ્પીટલમાં બતાવવા લઇ જવાની જવાબદારી આવી હતી. મુંબઇ માં હોસ્પીટલના ધક્કા એટલે આખો દિવસ એમાં જ વીતી જતો.લોકલ ટ્રેનમાં ધક્કા ખાવા અને એમાં કાકાને સાચવીને લઇ જવા.ટેક્ષીનો ખર્ચો પોસાય એમ  નહોતો.છતાં સાંજે પાછા ફરતી વખતે કાકા થાકી જતા અને ટેક્ષી કરવી જ પડતી.ખૂંચતું તો ખરું પણ કોઇ ઉપાય નહોતો.

સાંજે થાકી પાકીને ઘેર આવતા ત્યારે મહેશકાકાની ફરમાઇશ ચાલુ રહેતી. થાકેલી ચતુરાને સીધા રસોડામાં ઘૂસવું પડતું.

આખરે દસ દિવસ પૂરા થયા.કાકાના બધા રીપોર્ટ નોર્મલ આવ્યા હતા.

કાકાની બધી સગવડ પૂરી સચવાઇ હોવાથી કાકા ખૂબ  ખુશ થયા હતા. તેજલ અને ચતુરાને ખૂબ આશીર્વાદ સાથે તેજલના હાથમાં ફકત સો રૂપિયા મૂકયા. કાકાને સ્ટેશને મૂકીને ચતુરા અને તેજલ પાછા આવ્યા ત્યારે હાશકારાનો દમ લીધો.

લગ્ન આડા બે મહિના જ રહ્યા હતા.અને હજુ સુધી કયાંયથી લોનનો મેળ નહોતો પડયો.

એવામાં અચાનક એક દિવસ મહેશકાકાના પડોશી તેનું વિરલનું ઘર  શોધીને આવી ચડયા.

કાકાએ એક નાનકડી બેગ તેની સાથે મોકલાવી હતી તે અને એક કવર આપી ગયા.

વિરલને નવાઇ લાગી. કાકાએ વળી આજે આ શું મોકલ્યું છે ? ચતુરાને પણ નવાઇ લાગી. બેગને તાળૂં મારેલું હતું. વિરલે કવર ખોલ્યું તો તેમાંથી બેગની ચાવી  નીકળી અને સાથે એક નાનકડો પત્ર નીકળ્યો.

બેટા, વિરલ અને ચતુરા,

આજ સુધી તમારે ઘેર હક્કથી આવતો રહ્યો છું. અને તમે બંને એ તકલીફ વેઠીને પણ મને પ્રેમથી સાચવ્યો છે. હું બધા સગાઓને ઘેર આ રીતે જતો હતો.કેમકે હું મારા પૈસા કોને દેવા એ માટે યોગ્ય પાત્રની શોધમાં હતો. અને મને તમે મારા દીકરા વહુ જેવા જ લાગ્યા છો. આ વખતે આવ્યો ત્યારે મને જાણ થઇ કે તમે આપણી તેજલના લગ્નની ચિંતામાં છો. તમારી વાત એકવાર મેં સાંભળી લીધી હતી.

બેટા, આ સાથે બેગમાં તારી કાકીના ઘરેણા પડયા છે એ આશીર્વાદ તરીકે દીકરીને મોકલું છું.અને સાથે લગ્ન માટે રૂપિયા બે લાખ પણ મોકલું છું. તમારો હક્ક છે કાકા પાસે. સ્વીકારીને મને આભારી કરજો. લગ્નમાં પણ હમેશની જેમ વગર આમંત્રણે જ આવવાનો છું. દીકરાને ત્યાં આવવામાં વળી માન કેવા ?

મારા અવસાન પછી મારા ઘરનો વારસદાર પણ તું જ છે.અને મને વિશ્વાસ છે કે મારી બધી ઉત્તરક્રિયા તમે કરશો જ. બસ..બેટા,મને અગ્નિદાહ તારે હાથે જ મળશે ને ?

કાકાના આશીર્વાદ.

વિરલે બેગ ખોલી.એમાંથી નીકળેલા  કાકીના દાગીના  સામે બંને અભીની આંખે જોઇ રહ્યા.કંજૂસ કાકાની આવડી મોટી ભેટ..! કાકાના રૂપમાં ઇશ્વરે આવી મોટી મદદ મોકલી દીધી.મનમાં શબ્દો પડઘાઇ રહ્યા.

કરેલું કદી નકામું જતું નથી.

 

 

 

જીવનની ખાટી મીઠી..

 

સ્મારક..

મિનાર આજે વરસો પછી નિલયને ઘેર આવ્યો હતો. મિનાર અને નિલય સ્કૂલના સમયથી મિત્રો હતા. મિનાર આર્થિક રીતે સાધારણ ઘરનો છોકરો હતો.જયારે નિલય ગર્ભશ્રીમંત પોતાનો પુત્ર હતો. પરંતુ તેમની દોસ્તીમાં  એવા કોઇ તફાવત નડતા નહીં. નિલય ચાર ભાઇઓમાં સૌથી નાનો હતો. જયારે મિનાર તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.

બારમા ધોરણ પછી નિલય આગળ ભણવા માટે મુંબઇ ગયો. અને એ પછી એક વરસમાં તેનું  આખું કુટુંબ ત્યાં ચાલ્યું ગયું. અને  હમેશ માટે બધા મુંબઇમાં જ સેટલ થઇ ગયા. બંને મિત્રો વચ્ચે કયારેક ફોનથી વાતો થતી  રહેતી.

મિનારનું ભણવાનું  પૂરું થાય તે પહેલાં જ મિનારના પિતા અચાનક હાર્ટ એટેકમાં અવસાન પામ્યા. આર્થિક પરિસ્થિતિ નબળી અને એમાં  આવું થયું તેથી મિનારને આગળ ભણવાનું છોડીને જે નોકરી મળી તે લઇ લેવી પડી. સદનસીબે એક પ્રાઇવેટ કંપનીમાં તેને નોકરી મળી ગઇ. અને ઘરનું ગાડું ચાલતું રહ્યું. થોડા સમય પછી સાધારણ કુટુંબની એક છોકરી લિપિ સાથે તેના લગ્ન પણ થઇ ગયા. જીવન ખાસ કોઇ વિઘ્નો વિના ચાલતું  રહ્યું. લગ્નના ચાર વરસ પછી મિનારને ત્યાં દીકરીનો જન્મ થયો. પૌત્રીને રમાડી માતા ખુશ થતી રહેતી.  એક શિશુના આગમનથી આખું ઘર કેવી રીતે બદલાઇ જાય એ તો અનુભવે જ સમજાય.  

પતિના જવાથી  મિનારની માતા મનથી ભાંગી પડી હતી. તેની તબિયત સારી નહોતી રહેતી. દીકરો ,વહુ બંને માની સેવા, ચાકરીમાં પાછું વાળીને જુએ તેવા નહોતા. ઘણી વખત દવાના પૈસા પણ પાસે ન હોય ત્યારે મિત્રો પાસેથી ઉધાર   લઇને પણ મિનાર પોતાની ફરજ ચૂકયો નહીં. સદનસીબે મિનારની પત્ની પણ એવી જ સેવાભાવી હતી. સાસુની સેવા કરવામાં તેણે પણ કદી મોં બગાડયું નહોતું. ઘરડા માણસોની સેવાથી મોટું બીજું કોઇ પુણ્ય નથી. એમ માની તે દિલથી માની ચાકરી કરતી. છેલ્લા છ  મહિના તો મા પથારીમાંથી ઉભા પણ નહોતા થઇ શકતા..ત્યારે પણ જરાયે કંટાળ્યા સિવાય મિનાર અને તેની પત્નીએ માનું દરેક કામ કરવામાં કોઇ કચાશ રાખી નથી.

‘ બેટા, હવે તો ભગવાન બોલાવી લે તો હું ને તમે બંને છૂટીએ..’

એમ મા કહેતી ત્યારે મિનાર તેને ખીજાતો.. માની દરેક ઇચ્છા પૂરી કરવા પતિ, પત્ની બંને હમેશા પ્રયત્નશીલ રહેતા.  માનો શ્રવણ બનીને જ મિનાર રહ્યો છે. તો સાસુને ભાવતી વસ્તુઓ બનાવીને ખવડાવવામાં લિપિ પણ કદી પાછી નથી પડી. માતા  દીકરા વહુથી સંપૂર્ણ સંતોષ પામીને ..અંતરના અનેક આશીર્વાદ આપીને અંતે અલવિદા કરી ગઇ.

માની સેવા બજાવ્યાનો સંતોષ મિનારના મનમાં અચૂક થયો. સમય વહેતો રહ્યો. દીકરી મોટી  થતી રહી.

મિત્ર નિલયના ફોન હજુ પણ અવારનવાર આવતા રહેતા.

એવામાં નિલયના  મોટાભાઇના દીકરાના  લગ્નનું નક્કી થયું. મિનારે આવવું જ પડશે એવા નિલયના આગ્રહને  મિનાર ટાળી ન શકયો.આમંત્રણ તો  બધાને જવાનું હતું. પણ ટિકિટના એટલા ખર્ચા પોસાય તેમ નહોતા. તેથી અંતે મિનારે એકલા જ જઇ આવવું એવું નક્કી થયું. પત્ની અને દીકરીને એકલા  મૂકીને જવાનું મિનારને જરાયે મન નહોતું. પણ મિત્રના આગ્રહને  માન આપી અંતે મિનાર મુંબઇ ગયો.

મિત્રને લેવા નિલય સ્ટેશને આવી પહોંચ્યો હતો. વરસો પછી બંને મિત્રો મળ્યા. બંનેના આનંદનો પાર નહોતો.

મોટરમાં આખે રસ્તે જાતજાતની  વાતો બધા વચ્ચે થતી રહી. રસ્તામાં કોઇ મોટું બિલ્ડીંગ બતાવરા નિલયે કહ્યું,

’ મિનાર, આ જો મમ્મીની યાદમાં એમના નામનો  આ હોલ બનાવ્યો છે.. મિનારે જોયું તો મીનાબેન હોલના નામની તકતી સુવર્ણ  અક્ષરે ચમકતી હતી. એ પછી અગાળ જતા “મીનાબેન  અતિથિ ગૃહ “ નામની બીજી તકતી નિલયે બતાવી.

આ બધું  જોઇને મિનારને મનમાં અફસોસ થયો કે  પોતે પોતાની માના નામે આવું કશું  કરાવી શકયો નથી. મા માટે કશું કરી શકયો નથી એની ગ્લાનિથી તેનું દિલ ભરાઇ આવ્યું. કાશ..પોતાની પાસે પણ નિલય જેટલા પૈસા હોત તો.. ?

મિનાર થોડો ઉદાસ થઇ ગયો. તેણે પોતાની આ  ભાવના મિત્ર પાસે દર્શાવી..

દોસ્ત, તું નસીબદાર છો.. તમે લોકો મા માટે આટલું બધું કરી શકયા છો.. અમારા એવા નસીબ કયાંથી ? ‘

નિલય કશું બોલ્યો નહીં. ન જાણે કયા વિચારોમાં ખોવાઇ રહ્યો.

એક અઠવાડિયા પછી મિનાર ઘેર પાછો ફરતો હતો..ત્યારે પોતાને સ્ટેશને મૂકવા  આવેલા મિત્રના શબ્દો કાનમાં ઘૂમરાતા હતા.  

મિનાર, તારી માતા તો તારા હાથની સેવા લઇને..સંતોષ પામીને ગઇ  હતી. માની વાત કરતી વખતે આજે પણ તારી આંખો ભીની બની ઉઠે છે એ મેં જોયું છે. તારી વાતો સાંભળી છે. અને આમ પણ તારા સ્વભાવથી હું કયાં અપરિચિત છું ? દોસ્ત, હવે તારાથી શું છૂપાવવું ? તું  તો જીવતી  માની સેવા કરી શકયો છે. જયારે અમે તો તેના ગયા પછી  ખાલી પથ્થરના સ્મારક જ બનાવી  શકયા..એ પણ સમાજમાં  અમારી વાહ વાહ માટે…કહેતા નિલય ગળગળો બની ગયો.

અને દોસ્ત, એક વિનંતી કરું ? તારી દીકરી મને વહુ તરીકે આપી શકીશ ? તારા અને ભાભીના સંસ્કાર લઇને આવતી દીકરીની મારે બહુ જરૂર છે. દોસ્ત, આપી શકીશ તારી દીકરી ?  

મિનારે મૌન રહીને  હળવેથી મિત્રનો હાથ દાબ્યો. 

જીવનની ખાટી મીઠી..

 

માય પાપા  ઇઝ ગ્રેટ..( જીવનની ખાટી મીઠી )

ડો.માધવ શહેરના જાણીતા અને માનીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ હતા. તેમના હાથમાં કુદરતે જાણે યશરેખા દોરી હતી. તેમના હાથે આજ સુધી કોઇ કેસ કદી નિષ્ફળ નહોતો ગયો. મરણ પથારીએ પડેલું બાળક પણ તેમના ક્લીનીકમાં આવે એટલે ત્યાંથી  હસતું રમતું થઇને જ જાય એવી લોકોને શ્રધ્ધા હતી.  અને સદનસીબે આજ સુધી લોકોની એ શ્રધ્ધા  ખોટી નહોતી પડી.  તેમની પત્ની માધવી જોકે ડોકટર તો નહોતી. પણ રોજ સાંજે પતિની હોસ્પીટલમાં એક રાઉન્ડ તે જરૂર લગાવતી. કોઇ ગરીબ દર્દીને કોઇ જરૂરિયાત હોય અને માધવીને જાણ થાય તો તે અચૂક પૂરી થતી. દર્દીના માતા પિતા સાથે હસીને વાત કરવી, તેમને સાંત્વના આપવી , તેમના દુખમાં ભાગ લેવો એવું બધું કામ  માધવીને ખૂબ ગમતું. બાળકો માટે તેના હૈયામાં સાચો સ્નેહ છલકતો રહેતો.  સાવ  સ્વાભાવિક રીતે જ આ દંપતીને  લોકોની શુભેચ્છા અને મૌન આશીર્વાદ મળતા રહેતા. તેમને પોતાને પણ સંતાનમાં એક પુત્ર ધ્રુવલ હતો. પોતે માતા પિતા હતા  અને તેથી બીજા માતા પિતાની સ્થિતી સમજી શકતા. કદીક કોઇ બાળદર્દીના માતા પિતા આકરા  શબ્દો બોલી જાય  ત્યારે પણ તેમની વ્યથા સમજી શકતા.  પૈસાની શ્રીમંતાઇની સાથે સાથે સંસ્કારની શ્રીમ્ંતાઇનો  પણ તેમનામાં અભાવ નહોતો. અને આજના સમયમાં તો  એ બહું મોટી વાત હતી. એક જમાનામાં  ડોકટર અને શિક્ષકનો વ્યસાય નોબલ… ઉમદા વ્યવસાય ગણાતો. આજે તે સંપૂર્ણપણે પ્રોફેશનલ બની ગયો છે. એવા સમયમાં કયાંક કોઇ ખૂણે હજુ આવા ડોકટર દેખા દેતા રહે છે અને માનવતા મહેકતી રહે છે.

ધ્રુવલ પણ  સમય મળે ત્યારે મમ્મી સાથે અહીં આવતો રહેતો. પપ્પા  શું કરે છે..કેમ કરે છે તે જોવામાં..જાણવામાં તેને બહું રસ પડતો. તે હમેશા કહેતો.. ‘

પપ્પા.. હું પણ મોટો થઇને તમારા જેવો ડોકટર બનીશ.. “ માય પાપા ઇઝ ગ્રેટ.. “ તે ગર્વથી કહેતો.

‘ એંડ માય સન વીલ બી ગ્રેટર.. ‘

ડોકટર માધવ હસીને પુત્રને જવાબ આપતા.. ધ્રુવલ હવે બાર વરસનો થયો હતો. તેની પ્રગતિ જોઇ માધવ અને માધવી બંને હરખાતા. પુત્રની પ્રગતિના શમણાં તેમની આંખોમાં ઉછરતા રહેતા.

પણ  જીવનમાં દરેક શમણાં હમેશા સાચા જ પડે  છે તેવુ કયાં શકય બનતું  હોય છે ? કાળની એકાદ ક્રૂર થપાટ ભલભલાના શમણાં ઝૂંટવી લે છે.

આજે રવિવાર હતો. ધ્રુવલની સ્કૂલમાં ક્રિકેટ મેચ હતી. ધ્રુવલ  પણ સ્કૂલ ટીમમાં હતો. અને તેની ટીમ જીતી હતી. ખુશખુશાલ ધ્રુવલ તેની સાઇક્લ પર ઘેર પાછો ફરતો હતો ત્યાં જ… એક ટૃક તેની સાઇકલ સાથે જોશથી અથડાયો. અને ધ્રુવલ કયાંય ફંગોળાઇ ગયો. અને કોઇ કશું કરી  શકે તે પહેલા  બે જ મિનિટમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધ્રુવલના મિત્રો પણ તેની સાથે જ હતા. તે બધા હેબતાઇ ગયા. કોઇએ જલદી જલદી ધ્રુવલને ઘેર સમાચાર આપ્યા.

ડોકટર માધવ અને તેમના પત્ની બેબાકળા બનીને દોડયા. પણ અનેકને જીવતદાન આપી શકનાર ડોકટર આજે પોતાના વહાલસોયા દીકરા માટે કશું કરી શકે તેમ નહોતા. કુદરતે એવી કોઇ તક જ નહોતી રહેવા દીધી. પતિ પત્ની  બંને હેબતાઇ ગયા હતા. ઘડીકમાં આ શું થ ઇ ગયું ? તેમના હર્યાભર્યા સંસારને  આ કોની નજર લાગી ગઇ ? 

સત્ય ગમે તેવું  અકારું..અળખામણું લાગતું હોય તો પણ માનવીને સ્વીકારવું જ પડતું હોય છે ને ?  આજે ડોકટર માધવને પણ  જીવનનું આ કપરૂં સત્ય સ્વીકારવું પડયું. આ કારમો ઘા જીરવવવો કયાં આસાન હતો ? સગા વહાલાઓ..મિત્રો ભેગા થઇ ગયા. માધવીનું કારમું કલ્પાંત ભભલાની આંખમાં પાણી લાવી દેતું હતું.

સાંજે એકના એક પુત્રને અગ્નિદેવતાને સોંપી ડોકટર લથડતી ચાલે  ઘેર પાછા ફર્યા. પત્નીનો..એક માનો  સામનો કરવાની આજે તેમનામાં હિમત નહોતી. ભાંગેલા તન, મન સાથે નિરાશ બનીને  બધા સ્વજનો સાથે તે બેઠા હતા.

ત્યાં તેમની જ હોસ્પીટલમાંથી ફોન આવ્યો. તેમનો એક દર્દી… અમર  જે દસેક વરસનો છોકરો હતો તેની તબિયત અચાનક ખૂબ બગડી હતી. અને કેસ સીરીયસ બની ગયો હતો. ડોકટરની તાત્કાલિક જરૂર હતી. ડોકટર માધવના  એક મિત્રએ ફોન લીધો અને કહ્યું કે બીજા કોઇ ડોકટરને બોલાવી લો..આજે ડોકટર માધવ આવી શકે તેમ નથી. એટલું કહીને મિત્રએ ફોન મૂકી દીધો.

ડોકટર માધવ સાવ અવાચક જેવા બની ગયા હતા. ત્યાં થોડી વારમાં અમરની માતા આવી. ડોકટર માધવને પગે લાગીને રડતા રડતા તેણે કહ્યું..

’ સાહેબ, મને ખબર છે અત્યારે મારે તમારી પાસે અવાય નહીં..પણ મારા દીકરાને તમે એક જ  બચાવી શકો એમ છો..ડોકટર પ્લીઝ.. તમારો દીકરો તો ચાલી ગયો છે..પણ મારો દીકરો હજુ જીવે છે..તેને બચાવી લો..ડોકટર બચાવી લો..

રડતી કકળતી માતા એકી શ્વાસે ન જાણે શું યે બોલી રહી હતી. ડોકટર માધવની નજર સામે ઘડીકમાં પોતાનો પુત્ર ધ્રુવલ અને ઘડીકમાં બીમાર અમરનો ચહેરો દેખાતો હતો. બંને ચહેરા  જાણે સેળભેળ થઇ રહ્યા હતા.

અમરની માતાનું કલ્પાંત ચાલુ હતુ. બે ચાર મિનિટ એમ જ મૌન વીતી રહી. ડોકટર માધવના મિત્ર તે બેનને ખીજાઇને  પાછી મોકલવા જતા હતા. ત્યાં ભીની આંખો લૂછી નાખી ડોકટર માધવ ઉઠયા.

‘ ચાલ, બહેન..કહેતા તે અગળ ચાલતા થયા. સૌ જોઇ જ રહ્યા.

ડોકટર માધવના કાનમાં જાણે પુત્રના શબ્દો પડઘાઇ ઉઠયા.

“ માય પાપા ઇઝ ગ્રેટ..”  

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

પપ્પા રાહ જોતા હશે..

તાપસ મનુભાઇ અને અનુબેનનો એક નો એક પુત્ર. લગ્નના પાંચ વરસ પછી  આવેલા તાપસે તેમના સંસારમાં ખુશી છલકાવી દીધી હતી. ખાસ કરીને અનુબહેને થોડી રાહત  અનુભવી હતી. કેમકે મનુભાઇ  પહેલેથી ગરમ પ્રકૃતિવાળા.. તેમના  મિજાજનો કોઇ ભરોસો નહીં..કયારે કઇ નાનકડી વાતમાં પણ તેમનું મગજ છટકી જાય એ કોઇ કળી  ન શકે. અલબત્ત દિલના સાફ અને નિખાલસ માણસ..મનમાં  કોઇ મેલ નહીં. પરંતુ ગુસ્સે થાય ત્યારે તેમની જીભ કાતરની જેમ ચાલે. પોતે શું બોલે છે એનું ભાન પણ તેમને ન હોય. તેજાબી શબ્દો ભલભલાને જખમી કરી દે. કોઇ કોઇના મનમાં અંદર  ઘૂસીને થોડું જોવા જાય છે કે તેમના દિલમાં કશું નથી. બહું નજીકથી ઓળખતા લોકો તેમનો સ્વભાવથી પરિચિત ખરા..પણ કોઇ તેમની  બહું નજીક જવાની હિમત ન કરે.

પતિના સ્વભાવને શાંત  કરવા અનુબહેને ઘણાં પ્રયત્નો કરેલા..પણ  પરિણામ શૂન્ય. થોડા દિવસ ગાડી બરાબર ચાલે અને કઇ ઘડીએ પાછી પાટા ઉપરથી ઉતરી જાય ..અને મનુભાઇની જીભ ચાલુ થાય. ન બોલવાના શબ્દો બોલાતા  રહે. અનુબહેન આંસુ સારતા રહે અને મૌન રહીને અંદર ચાલ્યા જાય. જોકે કલાક પછી એ જ મનુભાઇ અનુબહેનને પ્રેમથી મનાવતા પણ જોવા અચૂક મળે. બસ.. વરસોથી આ જ તેમનું રૂટિન હતું.

તેથી પુત્રનું આગમન થયું ત્યારે અનુબહેનને હતું કે હવે પતિનો સ્વભાવ કદાચ બદલાશે. અને થોડો  સમય તો એમની એ ધારણા સાચી પણ  પડી. મનુભાઇ દિલના તો  લાગણીવાળા જ. દીકરાના લાડકોડમાં કોઇ કમી ન રહી. અનુબહેનને હાશકારો થયો.

દિવસે દિવસે તાપસ મોટો થતો ગયો. દસેક વરસ સુધી તો બહું વાંધો ન આવ્યો.પણ તાપસ ટીન એજ માં આવ્યો. ત્યારે પિતા પુત્ર વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઇ. તાપસની કોઇ વાત ન ગમે ત્યારે મનુભાઇ માટે  શાંત રહેવું અશકય બની જતું. અને તાપસ પણ ચૂપ ન રહી શકતો. પિતાને સામે જવાબ દઇ દેતો. પરિણામે  પિતા પુત્ર વચ્ચે  વાકયુધ્ધ ચાલતું રહેતું. ધીમે ધીમે આ રોજિંદી વાત બનતી ગઇ. અનુબહેન ન પુત્રને કહી શકતા ન પતિને..તાપસમાં પણ પિતાનો જ સ્વભાવ ઉતર્યો હતો.

હવે તાપસ કોલેજમાં આવ્યો હતો. યુવાન લોહી તો વધારે જ ગરમ હોય. એ ન્યાયે તાપસ ના સ્વભાવની ઉગ્રતા દિવસે દિવસે વધતી જતી હતી. જાણે અસલ બીજા મનુભાઇ.    

 આજે  તાપસ અને મનુભાઇ વચ્ચે ફરી એકવાર તણખા ઝરી રહ્યા. બાપ દીકરા વચ્ચે અવારનવાર શાબ્દિક યુધ્ધ થતું રહેતું. હવે તો પરિસ્થિતિ એવી આવી હતી કે જે દિવસે બંને વચ્ચે  બોલાચાલી ન થાય તે દિવસે અનુબહેનને નવાઇ લાગતી. પિતા, પુત્રની બોલાચાલીથી  ટેવાઇ ગયા હોવા છતાં અનુબહેનના  મનમાં હમેશા એક ફડક રહેતી. હવે દીકરો યુવાન થયો હતો. પિતાના ખભ્ભા સુધી પહોંચતો દીકરો મિત્ર જ કહેવાય.. એવું માનતા અનુબેન પતિને વારવાનો પ્રયત્ન કરતા રહેતા. પણ.. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ કહેવત કદાચ સાચી જ હશે.

આજે મનુભાઇએ  તાપસની કોઇ વાત પર ગુસ્સો આવવાથી તોરમાં ને તોરમાં  તાપસને કહી દીધું..

‘ જા..આવું જ કરવું હોય તો  મારા ઘરમાંથી નીકળી જા..

અને આવેશમાં આવીને તાપસ પણ “ નથી રહેવું તમારા ઘરમાં “  એવું કહીને ઘરની બહાર નીકળી ગયો. અનુબહેન પુત્રને રોકવા પાછળ દોડયા.. પણ તાપસ આજે મમ્મીની વાત  સાંભળવા પણ  ન રોકાયો.

 શું કરવું તે  અનુબહેનને સમજાયું નહીં. પતિને કંઇક કહેવા જતા હતા ત્યાં જ તે બોલ્યા..

કંઇ ચિંતા કરવાની જરૂર નથી. એની મેળે ઠેકાણે આવશે..નહીં આવે ને જશે કયાં ? કોણ સંઘરવાનું હતું તેને ?

અને બોલતા બોલતા હમેશની જેમ હીંચકા પર જઇને બેઠા.

એકાદ કલાક એમ જ પસાર થયો. હવે મનુભાઇ  શાંત થયા હતા. તેમના  મનમાં દીકરાની  ચિંતા થવા લાગી. પોતે કેવી ભૂલ કરી બેઠા હતા એનું ભાન થયું. ચપ્પલ પહેરી દીકરાને શોધવા નીકળી પડયા.અનુબહેને તેમને નાસ્તો કરીને જવા કહ્યું. પણ તાપસ પાછો ન આવે ત્યાં સુધી મનુભાઇને..એક પિતાને ગળે નાસ્તો ઉતરી શકે એમ નહોતો. પોતે ગુસ્સામાં આવીને ન બોલવાના શબ્દો  બોલી બેસતા હતા.. એ વાત સાચી,  પણ તેથી દીકરા માટે કંઇ પ્રેમ નહોતો એવું થોડું હતું ?

તાપસના મિત્રોને તે ઓળખતા હતા. નક્કી એમાંના કોઇ પાસે જ તાપસ ગયો હશે.

અને ભૂખ્યો  તરસ્યો એક પિતા દીકરાને શોધવા એક પછી એક મિત્રને ઘેર દોડી રહ્યો.

બે ચાર મિત્રોને ઘેર ગયા બાદ તે એક બીજા મિત્રને ઘેર તપાસ કરવા જતા હતા..ત્યાં જ તાપસ અને તેનો એક મિત્ર એક જગ્યાએ વાતો કરતા ઉભા હતા તે દેખાયું.

દીકરાને જોતા જ મનુભાઇના જીવમાં જીવ આવ્યો.

દીકરાની પાછળ ઉભા રહીને તેને બોલાવવા જતા હતા ત્યાં તાપસનો મિત્ર કશુંક કહેતો હતો તે સાંભળવા છાનામાના ઉભા રહી ગયા.

અરે, તાપસ..મારા પપ્પાએ એવું કહ્યું હોય અને આમ વારંવાર ગુસ્સો કરતા હોય તો હું એવા બાપનું મોં ન જોઉં. આ લોકો આપણને સમજે છે શું ? આવા નાલાયક લોકો બાપ થવાને લાયક  જ નથી હોતા. તાપસનો મિત્ર મન ફાવે તેમ તાપસના પપ્પા વિશે બોલતો રહ્યો. મનુભાઇ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા.

ત્યાં   તાપસ બોલી ઉઠયો.

મનન, સ્ટોપ ઓલ ધીસ નોનસેન્સ.. મારા પપ્પા વિશે ગમે તેમ બોલવાનો તને કોઇ હક્ક નથી. ઠીક છે..મેં તારી પાસે મારો ઉભરો ઠાલવ્યો. પણ  એનો અર્થ એ હરગિઝ નથી કે મને મારા પપ્પા માટે લાગણી નથી. આઇ લવ માય ફાધર.. અંડરસ્ટેંડ ? અને ખાલી એ જ બોલે છે એવું નથી. હું પણ બોલવામાં કયાં પાછળ રહું છું. હું પણ એમનો જ  દીકરો છું ને ?  અમારી પ્રકૃતિને લીધે અમારું આ યુધ્ધ બની શકે જીવનભર ચાલતું રહે પણ અમારો સ્નેહ પણ જીવનભર ટકી જ રહેવાનો..સમજયો ? ચાલ, હું જાઉં છું..મને ખબર છે મારા પપ્પા મારી રાહ જોતા જ હશે..

મનુભાઇની આંખો ભીની  બની ઉઠી. .. તે મનોમન બોલી ઉઠયા..

‘ ના..બેટા, હવે આપણું યુધ્ધ ચાલુ નહીં રહી શકે..હવે આપણો સ્નેહ જ જીવનભર ચાલશે..    

   ( સંદેશમાં પ્રકાશિત વાત એક નાનકડી ) 

વાત એક નાનકડી..

 

નિમુબાને રોજ સવારે મંગળાના દર્શન કરીને પછી જ દૂધ પીવાનો નિયમ. ત્યાં સુધી તેઓ  મોઢામાં કશું ન નાખે. સવારે પાંચ વાગ્યામાં ઉઠી , નાહી ધોઇને મંદિરે જવા નીકળી જાય.  ઘેર આવીને પાછા પોતાના ઠાકોરજીની સેવા પૂજા તો ખરી જ. જો વહુનો આઠ મહિનાનો  નાનો દીકરો રડતો હોય કે રહેતો ન હોય તો એને ખોળામાં લઇને  બેસે..એની સાથે વાત પણ કરતા જાય , ઘંટડી વગાડતા જાય અને આ તો મારો બાલગોપાલ કહીને એને રમાડતા જાય. વહુ  દીકરીને સ્કૂલે મોકલવા તૈયાર કરતી  હોય ત્યાં સુધીમાં નિમુબા આ નાનકા લાલાને રમાડતા રહે. સાંજે પણ પાછા શિવમંદિરે અચૂક જવાનું. સાથે સાત વરસની  પૌત્રી પણ હોય જ. દાદીમા સાથે દર્શન કરીને તે  મંદિરના બગીચામાં એના જેવડા  બાળકો સાથે રમતી રહે અને નિમુબા બેંચ પર બેસીને માળા કરતા હોય કે પછી કયારેક એમના જેવડું કોઇ મળી રહે તો ગામગપાટા  પણ ચાલતા હોય. આમ નિમુબાનો સમય કયાં પસા થઇ જાય કંઇ ખબર ન પડે. ઘરમાં બધી વાતે ઇશ્વરની મહેરબાની હતી. વહુ દીકરા અને પૌત્ર, પૌત્રી  સાથે  ખુશ હતા. રાત્રે નિમુબા રામાયણના બે ચાર પાના વાંચે. બધાએ ફરજિયાત સાથે બેસવાનું  કયારેક નિમુબા વાંચે તો કયારેક હમણાં જ વાંચતા શીખેલી પૌત્રીના હાથમાં રામાયણ પકડાવે એ ધીમે ધીમે વાંચે અને બધા સાંભળે.. તો કયારેક દીકરા વહુનો વારો પણ  આવી જાય. અલબત્ત વાંચવાનો એ સમય પંદર વીસ મિનિટથી વધારે ન હોય. દીકરા વહુને, પૌત્રીને  સવારે વહેલું ઉઠવાનું હોય એટલે બધા વહેલા સૂવા જાય. પૌત્રી નિમુબા ભેગી જ સૂવે. દાદીમાએ સૂતા પહેલા એને વાર્તા કરવી જ પડે. નિમુબા ખાસ કંઇ ભણેલા નહીં.. બસ.. વાંચતા લખતા આવડે.  નિમુબાને પોતાના જમાનાની વાર્તાઓ આવડે, ભજનો આવડે. વાર્તા સાંભળીને દાદી , દીકરીની આંખો કયારે મીંચાઇ જાય ખબર ન પડે.. કે રાત થાય પૂરી અને સીધી પડે સવાર. આ હતી નિમુબાની રોજની દિનચર્યા .

હમણાં  નિમુબાના ભાઇની યુવાન દીકરી, જેના,  અમેરિકાથી આવી હતી. અને દસેક દિવસ રોકાવાની હતી. જેના અમેરિકાના વાતાવરણમાં ઉછરેલી છોકરી હતી.દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત.એને નિમુબાની બહું માયા. આ વખતે પૂરા પાંચ વરસ પછી દેશમાં આવી હતી. નિમુબાની વહુ શુભા સાથે પણ તેને સારું બનતું. અહીં  બધા સાથે તે  ભળી ગઇ હતી.

કાલે સાંજે  નિમુબાને થોડું  તાવ જેવું હતું. એવું નાનું મોટું તો આ ઉમરે ચાલ્યા કરે. નિમુબા કંઇ એમ જલદીથી ગણકારે તેવા નહોતા. સવારે રોજની જેમ ઉઠીને તે  તૈયાર થયા અને મંગળાના દર્શને  જવા નીકળી ગયા.તે આવ્યા ત્યારે જેના તેમને જ શોધતી હતી.

‘ ફૈબા, કાલે રાત્રે  ના પાડી હતીને આજે  કયાંય જવાનું નથી. તો યે મંદિરે ઉપડયા હતા ને ? જેનાએ વહાલથી નિમુબાને ઠપકો આપ્યો.

‘ બેટા, મંદિરે ગયા વિના મને ન ચાલે. મંગળાની આરતીના દર્શન કર્યા વિના  મને ચેન ન પડે. અને હું કંઇ એવી માંદી નહોતી કે એટલું યે ન જઇ શકું.

’ પણ ફૈબા ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું  છે.. ધતિંગ .. ફૈબા, એવા કોઇ ક્રિયાકાંડની આપણે જરૂર જ નથી. બસ આપણું  મન સાફ હોય, શકય તેટલી કોઇને  મદદ કરીએ , એ જ  સાચો ધર્મ..જનસેવા એ જ પ્રભુ સેવા એ તમે નથી સાંભળ્યું ? આજે યે તમે રામ સીતાની વાતો પોપટની જેમ પઢયે જાઓ છો.. એનાથી કોનું ભલું થવાનું છે ? સમયનો બગાડ છે બધો. તમારી માળાની, કે તમારી પૂજાની ભગવાનને કોઇ જરૂર નથી. એની પાસે બધું છે જ એમ તમે પણ માનો છો.. તો પછી આટલા બધા પ્રસાદના દંભ શાના ? આ અન્ન્નકૂટ ને એવા દેખાડા શા માટે ? અરે, ધંધો માંડીને બેઠા છે આ બધા પંડાઓ ને પૂજારીઓ..ભગવાન તો આપણી  અંદર બેઠા છે.. તમે જ કહો  છો ને કે ભગવાન તો કણકણમાં  બધે છે.. તો પછી એને માટે બહાર જવાની શી જરૂર ?

જેના હમણાં જ બનારસમાં  જઇ આવી હતી અને ત્યાં  પંડાઓને લીધે જે હેરાનગતિ ભોગવી હતી તેને લીધે વધારે ઉશ્કેરાટમાં હતી.

પછી તો પૂરા બે દિવસ સુધી તેણે નિમુબાનું બ્રેઇન વોશ કર્યા કર્યું. નિમુબા જેનાની કોઇ વાતને ન સ્વીકારી શકયા કે ન નકારી શકયા. તેની બધી વાતોનો જવાબ જેનાએ જોરદાર દલીલોથી આપ્યો હતો ને નિમુબાને ગળે ઉતાર્યો હતો.

એટલે, આટલા વરસો સુધી હું જે કંઇ કરતી આવી છું એ બધું ખોટું ? નિમુબા મનોમન વિચારી રહ્યા. જેનાની વાત ખોટી તો નહોતી જ લાગતી. પણ છતાં મન નહોતું માનતું. શું કરવું તે નહોતું સમજાતું. તે વિચારમાં પડી ગયા. જાણે શાંત જળમાં  કાંકરી પડી હતી અને વમળો ઉઠયા હતા.

શુભાએ જેનાની બધી વાત સાંભળી હતી. તેણે જેનાને પાસે બોલાવી.

‘ જેના, તું કહે છે એ બધી વાત સાચી. આજે મંદિરો પ્રોફેશનલ બની ગયા છે. પૂજારી, પંડા ..અન્નકૂટ એ બધી તારી વાત સાચી કોઇ ક્રિયાકાંડ જરૂરી નથી. હું પોતે એવું કશું કરતી નથી. શું સાચું ને શું ખોટું એવી કોઇ ચર્ચા આપણે નહીં કરીએ. પણ જેના, મમ્મી જે કરે છે એ તેને માટે.. અમારા બધા માટે બહું જરૂરી છે.

‘ ભાભી, મને સમજાયું નહીં.’

‘ જો, હું તને સમજાવું. આપણે  બીજી રીતે વિચારીએ. રોજ સવારે ચાલવા જવું મમ્મી માટે સારું ગણાય કે નહીં ?

‘ ઓફ કોર્સ સારું જ  ગણાયને. વોક તો જરૂરી છે જ.

‘ તો ફૈબાને  તું આ ઉંમરે મોર્નીગ વોકમાં જાવ એમ કહે તો એ જાય ખરા ? એને બદલે મંગળાના દર્શન કરવા માટે થઇને રોજ કેટલું ચાલી આવે છે. સવારે ભગવાનની સેવાપૂજા કરે છે તો એમાં જીવ પરોવાઇ રહે છે. નહીંતર ઘરમાં આ કામ નથી થયું ને અહીં આમ પડયું છે આમ ન કરાય વગેરે સૂચનાઓ ચાલુ જ રહે. સ્વાભાવિક રીતે જ તેમની અને મારી કામ કરવાની રીતમાં ફરક હોવાનો જ.. એ મારું ન સ્વીકારી  શકે કે હું એની રીતે ન કરી શકું.. એને બદલે સેવાપૂજામાં સમય પસાર થાય છે તો અમારી વચ્ચે મતભેદ થવાની શકયતાઓ ઘટી જાય છે. સાંજે પણ મંદિરને બહાને ચાલી આવે છે ત્યાં એના  જેવડા કોઇને મળે..કયારેક બે વાતો કરીને મનનો ઉભરો ઠલવાઇ જાય. સાથે નવ્યાને પણ રોજ બગીચામાં ફરવા લઇ જાય છે. અને આવીને થાકી ગયા હોય એટલે  બીજી કોઇ પન્ચાતમાં પડે જ નહીં. દરેક ઘરમાં વત્તે ઓછે અંશે બે પેઢી વચ્ચે જનરેશન ગેપ હોય અહીં પણ છે..પણ  અહીં તને એ અનુભવાય છે ખરો ? કારણ સમય જ નથી બચતો એ બધા માટે..

અને રાત્રે  રામાયણ વાંચવાનો કાયદો તો મને બહું  ગમે છે.એ બહાને બધા સમયસર જમી લે છે.. શાંતિથી બધા સાથે થોડીવાર  બેસીએ છીએ બાળકોને એક  સંસ્કાર પડે છે. મોહિતને રોજ જમ્યા પ્છી બહાર ભાઇબંધો સાથે  પાન ખાવા જવાની આદત હતી એને બદલે મમ્મીએ આ નિયમ કર્યો છે એટલે  પરિવાર સાથે બેસે છે એ કંઇ ઓછા ફાયદાની વાત છે ? બોલ, હવે બીજી બધી વાતો જવા દે..પણ  મમ્મી જે કરે છે એમાં ખોટું શું છે ?

બીજે  દિવસે જેનાએ ફૈબાને કહ્યું,  ‘ ફૈબા,  હું તો તમારી પરીક્ષા કરતી હતી. બાકી અમારા જેવા  યુવાનો તો મનમાં  જે આવે તે બોલ્યે રાખે.. આજે મંદિરે જાવ ત્યારે ભગવાન પાસે મારી યે થોડી લાગવગ લગાડજો હોં.. મને સારો છોકરો મળે એવી પ્રાર્થના કરશો ને મારા વતી ? ફૈબા, તમારે તો એની સાથે સીધો નાતો..

નિમુબા હરખાઇને દર્શન માટે ઉપડયા. જેના અને શુભા હસી રહ્યા. હવે ઘરની શાંતિ સલામત હતી.  

 

( સન્દેશમાં પ્રકાશિત થતી શ્રેણી ” વાત એક નાનકડી..)  

       

 


જીવનની ખાટી મીઠી..

 

સોરી સર.. ( જીવનની ખાટી મીઠી..)

નિલયના પિતા..મહેશભાઇ  એક ખેડૂત હતા. ગામડામાં થોડી ઘણી ખેતી હતી. ગુજારા પૂરતું મળી રહેતું. કદી ભોખ્યા નથી સૂવું પડતું એનો સંતોષ હતો. પત્ની પણ એવી જ સંતોષી મળી હતી. સીધે રસ્તે ચાલવું.. અને સંજોગોથી કે મુશીબતોથી ગભરાવું નહીં..  એ બે વસ્તુ તેમણે જીવનમાં  ઉતારી હતી. સુખ, શાંતિથી જીવન વીતતું હતું. ઘરમાં  બે દીકરીઓ અને એક દીકરો..એમ પાંચ જણાનું કુટુંબ કિલ્લોલ લરતું હતું. અભાવની કોઇ ફરિયાદ સિવાય ગામડા ગામમાં બારમું ધોરણ પાસ કરે એટલે તો બહું થયું કહેવાય અને એમાં યે દીકરીઓ માટે તો બહાર.. શહેરમાં જઇને  કોલેજના પગથિયા ચડવા, હોસ્ટેલમાં રહેવું એવો તો વિચાર પણ કોઇને આવે તેમ નહોતો. મહેશભાઇ પોતે થોડા આધુનિક વિચારના ગણાતા અને તેથી જ દીકરીઓને બારમા ધોરણ  સુધી ભણાવી હતી અને બારમું ધોરણ પાસ થતા જ દીકરીઓના હાથ પીળા કરી તેમને એક પછી એક સાસરે વલાવી હતી. પુત્ર નિલય ત્યારે હજુ દસમા ધોરણમાં ભણતો હતો.

નિલય ભણવામાં તેજસ્વી હતો.  બારમા ધોરણમાં પણ સારા માર્ક્સ સાથે પાસ થયો ત્યારે માબાપના આનંદનો પાર ન રહ્યો. સ્કૂલમાંથી શિક્ષકોએ કહ્યું હતું કે નિલય ભણવામાં હોન્શિયાર છે તો તેને કોલેજમાં મોકલો. જોકે મહેશભાઇ માટે હોસ્ટેલ અને કોલેજનો ખર્ચો ઉપાડવો સહેલો નહોતો. નિલય પણ ઘરની પરિસ્થિતી જાણતો હતો. પરન્તુ  પિતાએ તેને ચિંતા ન કરવા કહ્યું. અને જેમતેમ કરી પૈસાની સગવડ કરીને દીકરાને ભણવા મોકલ્યો.

બેટા, સીધા રસ્તે ચાલજે..ને ગભરાતો નહીં.

અને નિલયે પિતાની શીખામણ બરાબર યાદ રાખી હતી અને જીવનમાં ઉતારી હતી. શહેરમાં પણ નિલય સીધા રસ્તે જ ચાલ્યો. ગ્રેજયુએટ થયા પછી  તેણે બી.એડ. કર્યું અને તેમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. ઘરમાં બધા ખુશ થયા. મહેશભાઇએ સારી છોકરી જોઇ પુત્રના લગ્ન કરી પોતાની બધી જવાબદારી પૂરી કરી.

નિલયને શહેરમાં એક સ્કૂલમાં વિદ્યા સહાયક તરીકે નોકરી મળી હતી. અને થોડા સમયમાં કાયમી નોકરી પણ મળવાની આશા હતી. એક સારા અને સાચા શિક્ષક તરીકે આગળ વધવાની તેને હોંશ હતી. 

સમય સરતો ગયો. નિલયને ત્યાં પણ હવે એક દીકરીનો જનમ થઇ ચૂકયો હતો. નિલયના માતા પિતા કમનસીબે પૌત્રીનું મોઢુ જોઇ શકે તે પહેલા જ ઉપર પહોંચી   ગયા  હતા.

હમણાં  સ્કૂલમાં શિક્ષકોની નવી ભરતી થવાની હતી. નિલયને પણ ખૂબ આશા હતી કે આ વખતે તેનો નંબર જરૂર લાગી જશે. વિદ્યા સહાયક તરીકે જે પૈસા મળતા તે પ્રમાણમાં ખૂબ ઓછા હતા. અને આમ પણ તે બધી રીતે લાયક હતો. એથી તેને મનમાં વિશ્વાસ હતો કે આ વખતે તેને નોકરી મળી જ જશે.

ઇંટરવ્યુને દિવસે ભગવાનને પગે લાગી તે ઘરની બહાર નીકળ્યો. પત્નીએ હોંશભેર દહીં ખવડાવી શુકન કર્યા.

ઇંટરવ્યુ કમિટિએ નિલયના બધા સર્ટીફિકેટ જોયા. તેમાં કશું બોલવા જેવું નહોતું.

ત્યાં અચાનક  ત્રણ જણાની કમિટિમાંથી એકે સીધો જ પ્રશ્ન કર્યો.

આ બધા કાગળિયા  તો જાણે સમજયા. પણ એમાં અમને શું મળવાનું  ?

એટલે  ?  આવા સીધા પ્રશ્નથી નિલય તો ગભરાઇ ગયો.

એટલે એનો અર્થ ન સમજો એવા બુધ્ધુ  તો નથી લાગતા.  

સર..

જુઓ..અમારે પણ પેટ છે  ને આ તો આ જમાના પ્રમાણે ચાલવાની વાત છે.. એક જાતનો વ્યવહાર છે. એક હાથે લો ને બીજા હાથે આપો.. અમને ચોખ્ખી જ વાત ગમે. ગોળ ગોળ ઘૂમાવીને કહેવામાં અમે  કોઇ નથી માનતા.

ગુસ્સાન આઅવેશમાં નિલય ઊભો થઇ ગયો.

સોરી..સર.. હું શિક્ષક થઇને આવું કરી શકું તેમ નથી. મારા પિતાએ મને આવા સંસ્કાર નથી આપ્યા. તેમણે મને સીધા રસ્તે ચાલવાનું શીખવાડયું છે અને આજ સુધી હું એમ જ જીવ્યો છું. સોરી..સર મારી પાસે એટલા પૈસા છે પણ નહીં અને હોય તો પણ હું આપું નહીં.

‘ જો યંગમેન, આદર્શોથી જીવન જીવાતું  નથી.  આદર્શ અને હકીકત વચ્ચે ઘણો ફરક હોય છે. અમને ઉતાવળ નથી. ઘેર જઇને શાંત મને વિચાર કરીને આવતી કાલે જવાબ આપી શકીશ. અમે એક દિવસ રાહ જોઇ શકીએ તેમ છીએ.. બાકી તારા આ સર્ટીફિકેટને ભરોસે રહીશ તો કયારેય આગળ નહીં આવી શકે ..એટલું ધ્યાન રાખજે..

નિલય ઓફિસની બહાર નીકળી ગયો. ઘેર જઇ તેણે પત્નીને બધી વાત કરી.

આશાએ તો સમજદારીથી કામ લેવાનું કહ્યું.

નિલય, દુનિયામાં બધે આવું જ ચાલે છે. કાગડા બધે કાળા.. એકવાર  એમને પૈસા બાળી દો એટલે જીવનભરની શાંતિ..બીજું શું થાય ?

ના.. આશા, મારું મન માનતું  નથી. હું આવું નહીં કરી શકું.

પણ નિલય,…

આશા પતિને સમજાવવા જતી હતી. પણ નિલયે વચ્ચે જ કહ્યું.

નહીં આશા, હું એવું નહીં કરી શકું. ભલે મને આ નોકરી ન મળે..હું ટયુશન કરીશ.. બીજું કોઇ પણ કામ કરીશ.. પણ આ રીતે તો નહીં જ..

પત્નીની વ્યવહારૂ બનવાની બધી શીખામણ નકામી ગઇ.

બીજે દિવસે  કમિટિએ તેને ફરીથી બોલાવ્યો.

હા તો યંગમેન, પછી શું  વિચાર્યું ? શું નક્કી કર્યું ?

સોરી..સર એમાં મારે કશું વિચારવાનું હતું જ નહીં.. મને નોકરી નહીં મળે તો ચાલશે.. પણ ખોટું કામ હું નહીં કરી શકું.

નિલયે ખુમારીથી જવાબ આપ્યો. અને બહાર જવા ઉભો થયો.

ત્યાં સામેથી જવાબ આવ્યો.

અભિનંદન યંગમેન.. લો આ તમારો એપોઇન્ટમેન્ટ લેટર..

અમારી સ્કૂલને તમારા જેવા શિક્ષકની જ જરૂર છે. આ તો તમારી પરીક્ષા હતી અને એમાં તમે પાસ થયા છે. કહેતા એકે હાથ લંબાવ્યો.

નિલય બાઘાની જેમ પોતાનું નામ લખેલા એપોઇંટમેન્ટ લેટર તરફ જોઇ રહ્યો. 

કોને શાબાશી આપીશું ? નિલય ને કે અધિકારીઓને ? બંને ને જ ને ?

( સ્ત્રીમાં સતત છ વરસથી પ્રગટ થતી નિયમિત શ્રેણી )       

વરસાદ..

ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા પછી વરસાદ બસ તૂટી જ પડ્યો. મોડો થયાનું વટક વાળવું હોય એમ એ આજે ધોધમાર વરસતો હતો. એકાએક  ઊભો થઈને રાકેશ ભાગ્યો ઘરની બહાર..ને….

‘ વહુ…તારા દીકરાને પાછો બોલાવ. આવા મુશળધાર વરસાદમાં પલળવા ભાગી ગયો ! શરદી થાશે કે માંદો પાડી જશે. આજકાલના છોકરાંવ..માળા પૂછવાય નથી રોકાતા. એને બૂમ પાડ.’

પણ આરતીને એનું બચપણ યાદ આવી ગયું. વરસાદનું એને બહુ ઘેલું,ને એમાંય પહેલાં વરસાદે તો એ બહેનપણીઓ હારે ઘેલા કાઢતી. વરસાદ પડે ને એ ઉપડે ઘરની બહાર. જલદી ઘરમાં પાછી આવે તો એ આરતી નહીં. બધા એની માને સમજાવવા મથતા કે આ છોરીને જરા રોકો,ડારો દ્યો. બહુ ભીંજાઈ જશે તો ક્યાંક…પણ એની મા જવા દેતી. કહેતી, ‘ વરસાદ તો પ્રસાદ કહેવાય. ને પ્રસાદ ક્યારેય માંદા ન પાડે. તું તારે જા દીકરી..’  આરતી બારીમાંથી વરસાદ અને પલળતો એનો દીકરો સાનંદ નીરખી રહી.

વરસાદ તો બરાબરનો જામ્યો. સાસુમાએ ફરી કડક સૂચના આપી. ને “ ઊભો ‘રે તારો વારો કાઢું. એય..સાંભળે છે કે નહીં ? એવી બુમ પાડી આરતી ખૂલ્લા પગે દોડી. મા-દીકરા વચ્ચે લાંબો સમય પકડાપકડી ચાલી. માએ ઘણી કોશીશ કરી પણ હાથમાં આવે તો એ રાકેશ શાનો ?

‘ એ છે જ એવો. હું એને ઓળખું ને ? એ એમ સાંભળે ?! એને પકડવા જતાં હું…’ એવું સાસુમાને કહેતાં આરતી ઘરમાં પ્રવેશી. સાસુમા બોલ્યાં, ‘એટલે તું ખાલી હાથે પાછી ફરી..એમ જ ને ? પણ તારે  છેક ત્યાં સુધી જવાની શી જરૂર હતી ? ને ગઈ તો હારે  છત્રી ન લઇ જવાય ?’

…..પાણીથી લથબથ ભીંજાયેલી આરતી એટલું તો ધીરે દોડતી ને બોલતી હતી કે રાકેશ પકડાય જ નહીં અને…. આરતી ખાલી હાથે પાછી નહોતી ફરી.

(લેખક  દુર્ગેશ ઓઝાની આ લઘુકથા કુમાર ડીસેમ્બર 2012ના અંકમાં પ્રકાશિત થયેલી છે.  )

આપણે જ આપણા અન્ના

નિલય અને મહિન બંને શૈશવથી સાથે જ ભણ્યા હતા. બંને મધ્યમવર્ગમાંથી આવતા હતા. જોકે બંનેનો સ્વભાવ બિલકુલ અલગ હતો. અને છતાં તેમની મૈત્રી અભિન્ન હતી. મિત્રતા કોઇ સ્થૂળા કે બાહ્ય વસ્તુની મોહતાજ નથી હોતી.. જો અંતર લાગણીના તંતુથી જોડાયેલા હોય તો. સ્કૂલ અને કોલેજમાં બંને સાથે જ ભણ્યા. અને નસીબજોગે એક જ કંપનીમાં નોકરી મળી ગઇ. બંનેના લગ્ન થયા..સંસાર વસાવાયો. બંનેની મૈત્રીમાં હવે તેમના કુટુંબ પણ જોડાયા હતા. બંનેની પત્ની અને બાળકો વચ્ચે પણ ખાસી મિત્રતા જામી હતી. મહિન હમેશા કહેતો..

‘ નિલય, આપણે આપણી દોસ્તી પણ આપણા બાળકોને ગીફટમાં આપી છે..આપણી મૈત્રી વારસાગત બની રહેશે.. નિલય હસીને એમાં ટાપસી પૂરાવતો. બંનેના ઘર પણ એકબીજાથી બહું દૂર નહોતા..તેથી એક મેકને ઘેર આવવા જવાનું ચાલતું રહેતું. જીવન શાંતિથી ચાલતું રહેતું હતું. .
હમણાં નિલય અને મહિનની ઓફિસમાં મિત્રો વચ્ચે એક જ વાતની જોરદાર ચર્ચા ચાલતી રહેતી. વિષય એક જ..અન્ના હઝારે.. લોકપાલ બીલ….ભ્રષ્ટાચાર … શું સારું ને શું ખરાબ..યોગ્ય કે અયોગ્ય.. વગેરે દલીલો થતી રહેતી. જાણે અચાનક લોકોમાં દેશભક્તિનો જુવાળ પ્રગટયો હતો. ભ્રષ્ટાચાર વિરોધી આક્રોશ તો કોન મનમાં ન હોય ? તેથી કયારેક આ ચર્ચાઓ ઉગ્રૌગ્ર રૂપ પણ ધારણ કરતી રહેતી. તો કોઇ નિરાશાવાદી કહેતા… અરે, જવા દો ને આ બધી ચર્ચાઓનો કોઇ અર્થ જ કયાં છે ? આપણે કોઇ કરી તો કશું શકવાના નથી. ખાલી ખાલી વાતો કરીને સમય બગાડીએ છીએ..વળવાનું કશું નથી. આ બધું કંઇ એમ હટે એમ નથી જ..
જોકે આમ તો આજકાલ તેની ઓફિસમાં જ નહીં..ચોરે ને ચૌટે..ઘર ઘરમાં એજ ચર્ચા કયાં નહોતી ચાલતી? કદાચ ઘણાંને તો પૂરી સાચી વાતની જાણ કે માહિતી ન હોય તો પણ જોરશોરથી કૂદી રહેતા. જાણે કશુંક નવું થઇ રહયું હોય એવું જોશ પ્રગટી રહ્યું હતું. અન્ના હજારેના સમર્થકો અને વિરોધીઓ..બંનેની સંખ્યા કંઇ નાનીસૂની નહોતી. રોજ જાતજાતની અપીલો થતી રહેતી. ટીવી. કે દરેક છાપાઓમાં પણ આ વિષય અંગે રોજ નવા રંગો ફૂટી નીકળતા.. ફેસબુક જેવી સોશયલ સાઇટ પર અનેક ગ્રુપો ઉભા થયા હતા. જુદી જુદી વિચારસરણીના ધોધ ફૂટી નીકળ્યા હતા.બધાને જાણે એક વિષય મળી ગયો હતો. કદીક ચર્ચામાં બાબા રામદેવ પણ આવી જતા. સમર્થન અને વિરોધ ચાલતા રહેતા. છાપાઓ અને ટીવી.ના ગરમાગરમ અમાચારોની એથી યે વધારે ગરમાગરમ ચર્ચા ચાલતી રહેતી.

નિલય અને મહિન પણ આવી કોઇ ચર્ચાઓમાંથી બાકાત નહોતા જ.. જોકે નિલય ઓછાબોલો અને મહિન બોલકો હતો. બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. મહિન ઉત્સાહથી અન્નાની વાત…એના વખાણ કરતા થાકતો નહોતો. નિલય કોઇ વિરોધ કે સમર્થન સિવાય ઉદાસીનતાથી મિત્રની વાત સાંભળતો હતો. એને મન આવી કોઇ વાતનો બહું અર્થ નહોતો. કયારેક બહું થાય ત્યારે કહેતો..

‘ મહિન,સાચી વાત એ છે કે આપણને એટલી જ અને એવી જ ખબર છે જે છાપાઓ કે ટીવી..મીડિયાવાળા આપણી સામે રજૂ કરે છે. અંદરની સાચી વાતની જાણ કોને છે ? અને કયારે થવાની છે ? આપણને તો જે વાતો બહાર આવે છે એટલી જ માહિતી હોય છે ને ? એક જ વાતને પણ સૌ પોતપોતાની રીતે વાતને રજૂ કરતા હોય છે. અને અન્ના પોતે ભલે સાચી વ્યક્તિ હોય… પણ તેના સમર્થકો બધા કંઇ દૂધના ધોયેલા નથી જ..બધાને અન્નાએ પેટાવેલા અંગારામાં પોતપોતાના રોટલા શેકવામાં રસ છે. એથી વિશેષ કશું નહીં.. બધાને છાને ખૂણે એમ જ છે કે જાણે એમાંથી પોતાને કંઇક લાડવો મળી રહેશે. એથી કોઇ વિચારીને તો કોઇ વગર વિચાર્યે..કોઇ સાચી રીતે, તો કોઇ સમજયા સિવાય ગાડરિયા પ્રવાહની માફક એમાં તણાતા રહે છે. ‘

ઓછાબોલો મહિન ન જાણે કેમ પણ આજે એકીશ્વાસે બોલી રહ્યો હતો. કદાચ તેના મનનો ઉભરો આજે બહાર આવી રહ્યો હતો.

‘ અરે, શું યાર..તું યે ખરો છે..તને તો દૂધમાંથી પોરા કાઢવાની આદત પડી છે. લોકોના ઉત્સાહને ટેકો આપવાને બદલે આપણે શિક્ષિત યુવાનો જ આમ પાણીમાં બેસી જઇએ તે કેમ ચાલે ? કંઇ નહીં થઇ શકે એવું માનીને બેસી રહીએ તો કેમ ચાલે ? સારા માણસો મૌન રહીને બેસી રહે છે એટલે જ નઠારા માણસોને મોકળું મેદાન મળી રહે છે. ચૂંટણીથી દૂર રહીને..કે મત આપવા પણ ન જનારને..એટલી તકલીફ સુધ્ધાં ન લેનારને રાજકારણીઓને કે કોઇને ગળો દેવાનો હક્ક નથી. બાકી તું આમ પાણીમાં બેસી જાય એ ઠીક કહેવાય ?

‘ યાર, પાણીમાં બેસવાની વાત નથી. પણ મને લાગે છે કે આવા કોઇ એકાદ બીલથી કોઇ ભ્રષ્ટાચારનો ભોરીંગ નાથી ન શકાય.. એક કાઢીશું ને બીજા હજાર અનિષ્ટો ઘૂસી જશે.ઉપરથી નીચે સુધી સડો પેસી ગયો હોય ત્યારે મને તો લાગે છે ..કોઇ નાનાસૂના પ્રયોગોથી ન ચાલે. એ માટે તો ક્રાંતિ જોઇએ.. સમૂળી ક્રાંતિ.. ફેસબુક પર લખીને કે ચર્ચાઓ કરીને કંઇ શુકરવાર વળે નહીં. આપણી દાઝ તો ફકત શબ્દો પૂરતી.

એટલે આપણે કંઇ ન કરવું એમ ? હાથ જોડીને બેસી રહેવું ? જે થાય તે જોયા કરવું ? ખરો છે તું ! દરેક ક્ષેત્રમાં આટલો ભ્રષ્ટાચાર જોઇને તારા પેટનું પાણીયે નથી હલતું ? તારામાં દેશદાઝ જેવી કોઇ વસ્તુ છે કે નહીં ? અરે, મારું તો લોહી ઉકળી ઉઠે છે. બસ..હવે બહું થયું..હવે તો કંઇક કરવું જ રહ્યું.. કોઇકે તો જાગીને બીજાને જગાડવા જ રહ્યા.. કંઇ જ ન કરવાની આ તે કેવી તામસ હરિફાઇ ?

‘ દોસ્ત, લોહી તો મારું યે ઉકળે છે..પણ મારી માન્યતા થોડી અલગ છે..

‘ અલગ ..એટલે ? શું અન્ન્નાની વાત ખોટી છે ?

‘ ખોટી કે સાચી એની મને જાણ નથી..એ નક્કી કરવાની યોગ્યતા પણ મારામાં નથી. પણ મને તો એક જ ઉપાય દેખાય છે.

‘ ઉપાય ? તને ઉપાય દેખાય છે ? કયો ઉપાય ? અરે તો બોલતો કેમ નથી ? ‘

‘ સાવ સાદો સીધો ઉપાય.. જેના દિલમાં ખરેખર સાચી દેશ દાઝ હોય.. દેશપ્રેમ હોય..ભ્રષ્ટાચારથી ખરેખર થાકયો હોય અને એ દૂર કરવાની સાચી તમન્ના હોય તો વાતો કરવાને બદલે એક જ પ્રતિજ્ઞા લે કે હું કે મારા કુટુંબીજનો કોઇને લાંચ આપીશું નહીં કે લાંચ લઇશું નહીં. પછી ભલે અમારું ગમે તેટલું નુકશાન થાય.. જો દેશની દરેક વ્યક્તિ આવી પ્રતિજ્ઞા લે તો શું ન થઇ શકે ? આપણે જ આપણા અન્ના બનવું જોઇએ.. બાકી બધી વાતો માત્ર.ફીફા ખાંડવાના.. જરીક અમથા લાભ માટે આપણે પણ… ! ખેર જવા દે.. ‘

દોસ્તની વાત સાંભળી મહિન એકાએક મૌન બની ગયો. કદાચ શું બોલવું તે તેને સમજાયતું નહોતું. કોઇ વાતે જાણે તે મૂંઝાતો હતો. કદાચ ભીતરમાં કશુંક ખૂંચતું હતું.

ત્યાં નિલયને અચાનક કશુંક યાદ આવ્યું.

અરે, મહિન, છોડ એ બધી ચર્ચા.. આજે તારે મકાનની કોઇ ફાઇલ માટે મ્યુનીસીપાલીટીમાં જવાનું હતું ને ? તેનું શું થયું ? જઇ આવ્યો ?

હા..જઇ આવ્યો. મહિને ધીમા અવાજે કહ્યું. તેના ચહેરા પર ઉદાસીની એક ઝલક ફરી વળી..

‘ કેમ, આજે પણ કામ ન થયું ? આજે વળી એ લોકોએ શું બહાનું કાઢયું ?

‘ ના..ના..કામ તો થઇ ગયું..

‘ તો પછી આવો ઢીલો અવાજ શા માટે ? ‘

નિલય, એ કામ પૂરું કાયદેસર હતું અને છતાં એ કરાવવા માટે પાંચસો રૂપિયાનું નૈવેધ્ય ધરવું પડયું..કોઇ ફાઇલને હાથ અડાડવા જ તૈયાર નહોતું.. આટલા ધક્કા ખાધા પછી અંતે ચા પાણીના પૈસા ધર્યા ત્યારે જ..

અને ઉલટું મારી મશ્કરી કરી કે અન્નાની સાથે સૂત્રો ભલે ગજાવો.. બાકી અહીં આવીને એવી સૂફિયાણી વાતો નહીં કરવાની. એ બધું મેદાનમાં બોલવા માટે..પ્રચાર માટે બરાબર છે. બાકી વ્યવહારમાં આદર્શની વાતો કે આદર્શ ન ચાલે. અમે પણ અહીંથી સીધા અન્ન્ના ના કાર્યક્રમમાં જોડાવા જવાના છીએ.. એને સમર્થન આપવા માટે..

દોસ્ત, હું તો ડઘાઇ ગયો હતો. અને એક વાત કહું ?

એમને પૈસા…અર્થાત લાંચ આપીને હું પણ સીધો અન્ના હઝારેના સમર્થકો સાથે ભ્રશ્ટાચાર હટાવોના સૂત્રોચ્ચાર કરવામાં જોડાયો હતો. મહિનનો ધીમો સાદ આવ્યો.

દોસ્ત, મને લાગે છે..તારી વાત સાચી છે. દરેક વ્યક્તિ પોતે પોતાનું આંગણું જાતે સાફ કરી નાખે તો આખી શેરી આપોઆપ સાફ થઇ જાય..એના જેવું જ કંઇક..અને તો કોઇ ચર્ચાઓની..શબ્દોની જરૂર જ ન પડે.

હવે તો આપણે જાતે જ આપણા અન્ના બનવું રહ્યું. તો કોઇ લોકપાલ બીલની જરૂર જ ન રહે.. મને તો લાગે છે. અન્નાએ તેના દરેક સમર્થક પાસે પહેલાં આવી પ્રતિજ્ઞા લેવડાવવી જોઇએ..દોસ્ત, આજથી આપણે કરીશું આવી કોઇ પ્રતિજ્ઞા ? બોલ છે તૈયારી ? અને આ એક જ વાત આપણા બીજા મિત્રોને પણ સમજાવીશું ?

નિલયે પોતાનો હાથ લંબાવ્યો. મહિન એક ક્ષણ મિત્ર સામે જોઇ રહ્યો. નિલયની આંખોમાં એક ઉજાસની અનોખી આભા પ્રગટી હતી. તેના ચહેરા પર દિલની સચ્ચાઇની રાતી ઝલક ઉભરી હતી. મહિને પણ હવે પૂરી મક્કમતાથી એમાં પોતાનો હાથ મૂકયો. આજે બે હાથ મળ્યા..કાલે એમાં બીજા બાવીસ ભળી શકશે…અને સૌ પોતપોતાના અન્ના જાતે જ બની રહેશે..એવી શ્રધ્ધા સાથે નવા સૂર્યોદયની એ આશાએ બંને મનોમન ઇશ્વરને વંદન કરી રહ્યા.

હૂંફાળું સ્મિત..

સાંજ ઉદાસ હતી..કે દીના બહેનની આંખોમાં ..અંતરમાં ઉદાસી હતી..તેથી બધું ઉદાસ લાગતું હતું. જોકે ઉદાસી સ્વાભાવિક જ હતી. કાલે પતિની પહેલી પુણ્યતિથિ હતી. પતિને ગયે એક વરસ થઇ ગયું…! એકલતાથી ધીમે ધીમે ટેવાતા જતા હતા…સમય ધીમે ધીમે દૂઝતા ઘા પર મલમપટ્ટા કરી રહ્યો હતો.

‘ દીના , થોડી જબરી થતાં શીખ..હું નહીં હોઉં તો ત્યારે આ દુનિયા તને ફોલી ખાશે…આમ બધો આધાર મારી પર નહીં રાખવાનો. બધાથી ડરી ડરીને ન જીવાય..ફૂંફાડો રાખતા તો શીખ…’

આ કોણ બોલ્યું ? પતિ હમેશા કહેતાં રહ્યાં. પણ પોતે ભીરુતા ન છોડી શકયા…કોઇને નહીં ગમે તો..? ઝગડો કરશે તો ? પોતે ખૂબ લાગણીશીલ હતા..તે તો બસ રડી જ પડે.. ન ગમતી વાત પણ સ્વીકારવાની આદત પડી ગઇ હતી. કોઇનો વિરોધ પોતે કયારેય કરી શકતા નહીં..પોતાને ન ગમતી વાત આવે ત્યારે વિરોધ કરવાને બદલે મૌન બની જતા. દુનિયા આખીથી મનોમન ફફડતા રહેતા..પણ પતિ હોય ત્યારે સલામતીની લાગણી અનુભવી રહેતા. પતિના ગુસ્સાવાળા સ્વભાવથી સૌ ડરતા.. જોકે તેમના આ સ્વભાવની જાણ ફકત પતિને જ હતી.બહાર કોઇને જાણ થવા નહોતી પામી. પણ જીવન જીવાતું ગયું હતું..જીવાતુ જતું હતું..

સંતાનમાં એક માત્ર પુત્ર હતો. આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતો. દિવસો દોડયે જતા હતા..અને ત્યાં અચાનક એક ક્ષણ…અને દોડતા દિવસોને એક જબરજસ્ત બ્રેક…!

પૂરપાટ દોડતી કારને સમયસર બ્રેક ન લાગી અને જિંદગીને બ્રેક લાગી ગઇ.એક અકસ્માત…એક ક્ષણ….અને દીના બહેનનું કપાળ ચાંદલાવિહિન…! જીવન પતિવિહિન…! સમયની એક ક્ષણમાં ઉથલપાથલ કરવાની કેવી તાકાત છે એ સત્ય જાણતા તો હતા..પણ જાણવું અને અનુભવવું…એ બંને વચ્ચે જે તફાવત છે એ પ્રત્યક્ષ અનુભવ સિવાય કયારેય નથી સમજાતો..અને એ અનુભવ મોંઘો..બહુ મોંઘો હોય છે..! અમુક વાતો અન્યના અનુભવથી કયારેય નથી શીખી શકાતી. બીજાને આશ્વાસન આપવું કેટલું આસાન છે..સાંત્વનાના બે શબ્દો બોલવા..કંઇ અઘરી વાત નથી..પણ એને જીરવવા…? કોઇ બહુ કહે ત્યારે મનમાં થતું.

.’હા, ભઇ, મને પણ બધી જાણ છે..હું યે આમ જ બધાને કહેતી આવી છું. અમુક સત્યો જીરવવા જ પડતા હોય છે. કાળ પાસે આપણું કશું ચાલતું નથી…તો તો કોઇ ઇશ્વરને માને નહીં…આપણાથી પણ વધુ દુ:ખી કેટલા હોય જ છે ને ? ‘

આવા વાકયો..આજે પોતે સાંભળતા હતા..કયારેક અકળાતા હતા…અને કોઇની વાત ખોટી પણ કયાં હતી ? લોકો બીજું કહે કે કરે પણ શું ? એમાં કોઇનો દોષ કાઢી શકાય તેમ હતું જ કયાં ? છતાં તેમને હવે એવું લાગતું હતું કે આવું કશું બને ત્યારે શબ્દો કરતાં હાથને એક આત્મીય સ્પર્શ..અને મૌન…જ વધું સારું. પોતે તો હવે કયારેય કોઇ પાસે આશ્વાસનના શબ્દો નહીં જ બોલી શકે. મૌન સહાનુભૂતિ કદાચ વધુ …!

આગણિત વિચારોના વમળ આજે મનમાં ઉઠતા હતા..

એક વરસ..પુરું એક વરસ..બાર મહિના…પૂરા ત્રણસો પાંસઠ દિવસો પતિ વિના પૂરા થયા હતા..! ઘણું બદલાયું હતું..આ દિવસોમાં..નહોતી બદલાઇ પોતાની એકલતા..બહારથી તો સ્વસ્થ થવાનો ડોળ કરતા હતા..પણ ભીતરની એકલતાથી કેમ છૂટવું ? બે મહિના પહેલાં દીકરાએ લગ્ન કર્યા હતા. દેવશ્રી શ્રીમંત માતા પિતાની એકની એક લાડલી પુત્રી હતી. પુત્રની પસંદગી હતી..હા..ના નો કોઇ સવાલ જ કયાં હતો ? આટલા પૈસાવાળાની પુત્રી તેમના સંસારમાં ગોઠવાઇ શકશે ? દેવેન પણ સારું કમાતો હતો. પૈસાની એવી કોઇ તંગી નહોતી . છતાં ગર્ભશ્રીમંત માતા પિતાની પુત્રી…! ખેર! પોતે તો હવે દરેક ઘટનાના સાક્ષી માત્ર રહ્યા હતા. પુત્ર જો કે સંસ્કારી હતો. પણ પહેલેથી ઓછાબોલો..અને જલદી ગુસ્સે થઇ જવાનો સ્વભાવ કદાચ પિતા તરફથી તેને વારસામાં મળ્યો હતો…મમ્મી માટે સ્નેહ જરૂર હતો પણ કદાચ એ સ્નેહની અભિવ્યક્તિનો અભાવ હતો..અને આમ પણ દેવેન પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતો.

લગ્ન પણ દેવેને કોર્ટમાં જ કર્યા..

’મમ્મી, આ કંઇ અમે મોટું પરાક્રમ કરતાં નથી..લાખો લોકો પરણે છે. એમ અમે પણ પરણીએ છીએ. એવા ખોટા ખર્ચા કે દેખાડામાં હું માનતો નથી. દીના બહેનને જોકે એકના એક પુત્રના લગ્ન ધામધૂમથી કરવાની હોંશ હતી. પણ વિરોધ કરવાની તેમને આદત જ કયાં હતી ? તેમને હતું કે દેવશ્રીના માતા પિતા વિરોધ કરશે એટલે….પરંતુ દેવેને તેમને પણ સમજાવી લીધાં હતાં. અને દેવશ્રી વહુ બનીને ઘરમાં આવી ગઇ.

આમ પણ પતિના ગયા પછી દીનાબહેન એક કોચલામાં પૂરાઇ ગયા હતા.હવે ઘરમાં વહુ આવવાથી વધારે પૂરાયા. શ્રીમંતની લાડલી પુત્રી વહુ બનીને ઘરમાં આવે ત્યારે મૌન રહેવામાં જ ભલાઇ છે..તે પોતાની આસપાસના અનેક ઉદાહરણોથી તે જાણતા હતા. તેથી કાચબો અંગોને સંકોરી લે તેમ તે સંકોચાઇ ગયા હતા. દીકરા વહુની આડે ખાસ આવવું જ નહીં..તેમને ગમે તે કરે..આપણે માથુ મારવું જ નહીં..જેથી કોઇ પ્રશ્નો થાય જ નહીં. તેમના ભીરુ સ્વભાવની ઢાલ તો કુદરતે છીનવી લીધી હતી.. હવે તો…

જોકે દીકરા વહુ તરફથી એવો કોઇ પ્રશ્ન પણ નહોતો જ. વહુ પણ સારી, સંસ્કારી જણાતી હતી. પરંતુ બે મહિનામાં સાચી ખબર કેમ પડે ? એ તો નીવડે વખાણ..! શરૂઆતમાં સૌ સારા જ લાગે..પોતે કેટકેટલા દાખલા જોયા હતા ?

દીનાબહેનના અસ્તિત્વમાં આજે ન જાણે કેમ પણ એક ઉદાસી ઘેરી વળી હતી. અતીતની યાદો…પતિની વાતો તેના મનમાં પડઘાતી હતી. ઘરના બગીચામાં હીંચકા પર પગની ધીમી ઠેસથી ઝૂલો મંદ ગતિથી ડોલી રહ્યો હતો..

આજે સવારે હજુ તો ઉઠયા જ હતા ત્યાં અચાનક જ દીકરા વહુની વાત કાને પડી ગઇ હતી. અવાજ વહુનો હતો.

‘ દેવેન, હવે મમ્મીને આવડા મોટા બેડરૂમની જરૂર કયાં છે ? આપણૉ રૂમ તેમને આપી દઇએ તો ? આપણે કંઇ મમ્મીને હેરાન થોડા જ કરવા છે ? આ તો ફકત આપણને થોડી સગવડતા રહે. કાલે સવારે આપણે બેમાંથી ત્રણ બનીએ ત્યારે મોટો રૂમ હોય તો તકલીફ ન પડે. અને એમ કંઇ આપણૉ રૂમ પણ કંઇ એવો નાનો તો નથી જ ને ? મમ્મીને એમાં કોઇ તકલીફ પડે તેમ નથી જ. જીવનમાં સંજોગો મુજબ થોડા પ્રેકટીકલ તો બનવું જ જોઇએને ‘

તારી વાત આમ તો સાચી છે. પણ મને લાગે છે કે એ મમ્મીને નહીં ગમે. વરસોથી એ રૂમમાં જ રહ્યા છે..એટલે હવે એમને બીજે કયાંય કદાચ નહીં ફાવે.

‘ અરે, નહીં ફાવે..તો ના પાડશે ..અને તો આપણે કંઇ પરાણે થોડા એમને કહેવાના છીએ ? આ તો ફકત મમ્મીને કાને વાત નાખી જોઇએ. પછી જોઇએ તે શું કહે છે. આપણી વાત કંઇ ખોટી તો નથી જ.. મમ્મી જરૂર સમજશે. ‘દેવશ્રીએ પોતાની વાત સમજાવવાનો એક વધારે પ્રયાસ કરી જોયો.

દીનાબહેન ત્યાંથી ખસવા જતા હતા..પણ દીકરાનો જવાબ સાંભળવા રોકાઇ ગયા.

પણ તકલીફ એ જ છે કે મમ્મીને નહીં ગમે તો પણ મમ્મી મોઢેથી બોલી શકે તેવા નથી. આપણે કહીશું એટલે એ ના પાડી શકે તેમ નથી જ. મમ્મીના સ્વભાવની મને ખબર છે.એ ન ગમતી વાતનો પણ જલદીથી વિરોધ કરી શકતા નથી. પપ્પા તેમને ઘણીવાર કહેતા પણ મમ્મીની એ સ્વાભાવિક પ્રવૃતિ છે. અને એટલે જ મને એમને પૂછવાનું મન નથી થતું.આપણે પૂછીએ અને એમને ન ગમે તો પણ એ ના ન પાડી શકે.. અને…
બોલતા બોલતા દેવેનના અવાજમાં ભીનાશ ભળી ગઇ હતી.

દીકરા વહુ વચ્ચે આગળ તો શું ચર્ચા ચાલી તે સાંભળવા દીનાબહેન વધારે ઉભા ન રહી શકયા. તેની આંખો છલકાઇ આવી.

જોકે તેમને કંઇ રૂમનો મોહ નહોતો. વહુની વાત કયાં ખોટી હતી ? પણ આ રૂમમાં વરસોની જે સ્મૃતિઓ સંઘરાયેલી હતી.. મધુર સ્મરણો..અનેક નાની નાની સહિયારી ક્ષણોની સુવાસ અહીં સચવાયેલી અનુભવાતી હતી. આ રૂમની દરેક વસ્તુઓ પોતે બંનેએ સાથે મળીને પસંદ કરી હતી.અહીં જ અનેક સ્વપ્નો જોવાયા હતા. તેમને માટે આ કંઇ ફકત નિર્જીવ ઓરડો થોડો હતો ?

પણ દીકરાનો જવાબ સાંભળ્યા પછી મનમાં શાંતિ થઇ હતી. પણ વહુ જીદ કરશે અને દીકરો કહેશે તો ? પોતે ના પાડી શકશે ? દીના બહેનના મનમાં એક ઉચાટ રહેવા લાગ્યો.

પણ એ વાતને દસ દિવસ વીતી ગયા,દીકરાએ કશું કહ્યું નહીં કે વહુના વર્તનમાં પણ કોઇ ફરક પડયો નહીં. કદાચ દીકરાએ વહુને સમજાવી લીધી હતી.

દીનાબેનનો જીવ હવે હેઠો બેઠો..હાશ.. હવે પોતાને કોઇ એ રૂમથી અલગ નહીં કરી શકે.

પણ તે રાત્રે જાણે સપનામાં પતિનો અવાજ સંભળાયો.

‘ દીના , હું હમેશા તારી સાથે જ છું..તારા હૈયામાં છું. આપણે દેવેનને કયારેય કોઇ વાતની ના નથી પાડી. તેની દરેક ઇચ્છા વગર માગ્યે પૂરી કરી છે. જો દેવેને તને કશું કહ્યું તને ? એણે તારો વિચાર કર્યો..તો તું એક મા થઇને એને એટલી ખુશી નહીં આપે ? જીવનમાં દરેક વળગણૉ કયારેક છોડવાના જ હોય છે. જોને મારું વળગણ પણ છોડવું જ પડયું ને ? તો આ નાનું અમથું વળગણ નહીં છોડી શકાય ?

ન જાણે કયાં સુધી દીનાબહેન સપનું જોતા હતા ? એકલા એકલા પતિ સાથે વાત કરતા હતા કે પછી પોતાના મન સાથે વાત કરતા હતા એ તેમને પણ સમજાયું નહીં.

પરંતુ અઠવાડિયામાં દીનાબહેન બીજા ઓરડામાં શીફટ થઇ ગયા. સામેથી જિદ કરીને..દીકરા, વહુએ લાખ ના પાડી છતાં દીનાબહેન માન્યા નહીં.

સામેની દીવાલમાં ફોટો બનીને બેસી ગયેલા પતિના ચહેરા પર તેમને એક હૂંફાળુ સ્મિત અનુભવાઇ રહ્યું હતું.
( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ” )

નો છાપુ..નો ટી.વી.

રહીમ અને રાધિકાની ઓળખાણ કોલેજની એક વકતૃત્વ સ્પર્ધા દરમ્યાન થઇ હતી.

તે દિવસે કોલેજમાં વકતૃત્વ સ્પર્ધામાં રાધિકાએ પહેલીવાર ભાગ લીધો હતો. આમ તો એ કદી સ્ટેજ પર બોલી નહોતી. પરંતુ આ વખતે બધાના કહેવાથી હિમત કરી જ નાખી હતી. કેમકે સ્પર્ધાનો વિષય તેને બહું ગમ્યો હતો. વિષય હતો..

ધર્મ મારી દ્રશ્ટિએ “ રાધિકાએ આ વિષય ઉપર સારી તૈયારી કરી હતી.બોલી શકાશે કે કેમ એ અંગે મનમાં ડર હતો. સ્ટેજ પર જતા જ પોતાના પગ ધ્રૂજશે તો ? કદી આમ જાહેરમાં બોલવાનો અનુભવ નહોતો. જે થાય તે ખરું.હવે તો હિમત રાખ્યે જ છૂટકો હતો. બહેનપણીઓએ સતત હિમત આપી હતી.ઘણાં છોકરાઓ અને છોકરીઓએ ભાગ લીધો હતો. પોતાનું તો હજુ કોલેજનું આ પહેલું જ વરસ હતું.

પણ બોલી લીધા પછી તેને લાગ્યું કે ધાર્યા કરતા તો પોતે વધારે સારી રીતે બોલી શકી હતી. નંબર ન આવે તો કંઇ નહીં..પણ સ્ટેજ ફીયર તો ઓછો થયો. તે પણ એક સારી વાત હતી જ ને ?

અંતે પરિણામ જાહેર થયું. ત્યારે રાધિકાનો ત્રીજો નંબર આવ્યો હતો. તેના આનંદ અને આશ્ર્વર્યનો પાર નહોતો. પોતે ખરેખર એવું સરસ બોલી હતી ? બહેનપણીઓએ તાળીઓથી વધાવી લીધી હતી. પહેલો નંબર રહીમ કરીને એક છોકરાનો આવ્યો. તે કોલેજના બીજા વરસમાં હતો. તે ખરેખર ખૂબ સરસ બોલ્યો હતો. રાધિકાની રહીમ સાથેની આ પહેલી ઓળખાણ.. તે દિવસે બંને એ એકબીજાને અભિનન્દન આપ્યા. થોડી વાતો કરી. સારું લાગ્યું.

રહીમે કહ્યું, રાધિકા, તમે પણ ખૂબ સરસ બોલ્યા. તમારા વિચારો મને બહું સ્પર્શી ગયા. આજકાલ સાચા ધર્મને સમજયા સિવાય જ લોકો ધર્મને માટે લડતા ઝગડતા રહે છે. ત્યારે આપણી પેઢી એ આ વિષય અંગે જાગૃતિ લાવવી જ જોઇએ. એવું નથી લાગતું ? મને તો એ આપણી…યુવાનોની..નવી પેઢીની પહેલી નૈતિક ફરજ લાગે છે.તમે શું માનો છો ?
અને પછી તો ચર્ચાઓ ચાલી. મજા આવી. ધીમે ધીમે રહીમ સાથે પરિચય વધતો ગયો.

રહીમ શ્રીમંત કુટુંબનો દીકરો હતો. લાગે છે. પરંતુ સામાન્ય રીતે શ્રીમંત છોકરાઓમાં હોય છે તેવી કોઇ આછકલાઇ તેનામાં ન દેખાઇ. ધીમે ધીમે પરિચયને મૈત્રીમાં બદલતા વાર ન લાગી. અને એ મૈત્રીમાંથી પ્રેમની કૂંપળો બંને વચ્ચે કયારે ફૂટી નીકળી એની ખબર બંનેને ન પડી.બે યુવાન દિલને નજીક આવતા આમ પણ કયાં વાર લાગતી હોય છે ? સાથે જીવવા મરવાના કોલ અપાયા. અલબત્ત એ બંને વચ્ચે નહીં..પણ બંનેના કુટુંબ વચ્ચે તો ધર્મની અડીખમ દીવાલ ઊભી હતી. જેને તોડવાનો વિચાર પણ શકય નહોતો. બંને કુટુંબ એ બાબતમાં કેવા ચુસ્ત હતા એની જાણ તેમને હતી જ. રહીમ કે રાધિકા બેમાંથી કોઇનું કુટુંબ એકબીજાને સ્વીકારી શકે તેમ નહોતું. હિંદુ, મુસ્લીમના ભેદને તોડવા તો ગમે તેવા આધુનિક વિચારોવાળા કુટુંબ માટે પણ આસાન તો નથી જ બનતું. એ સિવાય બીજી જ્ઞાતિને અપનાવી શકતા કુટુંબ પણ આ વાત નથી સ્વીકારી શકતા..અને એમાં એ લોકો સાવ ખોટા પણ નથી હોતા.આવેશમાં આવીને આ રીતે થતા લગ્નમાં અમુક સમય પછી કેટકેટલા પ્રશ્નો સરજાતા હોય છે.

પણ રહીમ અને રાધિકાને પોતાના પર અને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો. થોડો સમય મૂંઝાયા પછી, અંતે બંને એ ઘરમાં કોઇને જાણ કર્યા સિવાય મિત્રોની મદદથી લગ્ન કરી લીધા હતા. અને તેના પ્રત્યાઘાત ધાર્યા મુજબના જ આવ્યા હતા. બંનેના કુટુંબે તેમના નામનું નાહી નાખ્યું હતું. કોઇ સંબંધ તેમની સાથે નહોતો રાખ્યો. મનમાં દુ:ખ થવા છતાં બંનેને એ સ્વીકારવાનું જ હતું. એની જાણ અને માનસિક તૈયારી પહેલેથી હતી જ.એથી મોટો આઘાત ન લાગ્યો. અને મનમાં એવી પણ આશા હતી કે સમય જતા ધીમે ધીમે બંને કુટુંબ તેમનો સંબંધ સ્વીકારી લેશે. અને તેમને અપનાવી લેશે.

સમય વીતતો રહ્યો. એની પોતાની ગતિએ એકધારો.. રહીમ અને રાધિકા સુખી હતા. સદનસીબે . ધર્મને લીધે કોઇ મતભેદ બંને વચ્ચે આજ સુધી નહોતો થયો. બંને ખુશ હતા. આમ પણ રહીમ તો વરસોથી નોનવેજ કે એવું કશું નહોતો ખાતો. અને માનવધર્મ સિવાય બીજા કોઇ ધર્મમાં બેમાંથી માનતા નહોતા.તેથી જીવન સુખરૂપ ચાલતું હતું.બંને એકબીજાની લાગણી સમજી શકતા હતા ..સ્વીકારી શકતા હતા. કદીક રાધિકા લાલચટ્ટાક બાંધણી પહેરી, કપાળમાં મોટો ચાંદલો કરી, હાથમાં કાચની બંગડીઓ રણકાવી, રહીમની સામે ઓભી રહી જતી ત્યારે પણ રહીમને એટલી જ વહાલી લાગતી. ઇદ અને દિવાળી બંને સરખી રીતે ઉત્સાહથી ઉજવતા. આમ કોઇ પ્રશ્નો નહોતા આવ્યા. કેમકે સાચી સમજણનો સેતુ બંને વચ્ચે રચાયેલો હતો.

રહીમને વરસોથી એક આદત હતી. ઉઠતાની સાથે જ તેને સવારનું છાપુ અવશ્ય જોઇએ. જો કદીક છાપાવાળો મોડો આવે તો તેના આંટાફેરા ચાલુ જ રહે. ત્યાં સુધી શાંતિથી એક જગ્યાએ બેસી ન શકે. આજે તો રવિવાર હતો. સ્વાભાવિક રીતે જ આજે ઉઠવાની થોડી નિરાંત હતી. એ ઉઠયો ત્યારે ખાસ્સુ મોડું થઇ ગયું હતું.

’ અરે, રાધિકા, મને ઉઠાડયો નહીં…’ રાધિકાએ કશો જવાબ ન આપ્યો. કેમ આજે કશું થયું છે ? તારો ચહેરો કેમ આમ ઝાંખો લાગે છે ?

ના..ના કશું નહીં. તું બ્રશ કરીને આવ ત્યાં હું ચા મૂકી દઉં..કહેતી રાધિકા રસોડામાં ઘૂસી ગઇ.

રહીમને રાધિકાના વર્તનથી થોડું આશ્ર્વર્ય તો થયું.. પણ..કદાચ પિયર યાદ આવ્યું હશે. માતાપિતાની વિરુધ્ધ જઇને બંનેએ લગ્ન તો કરી લીધા હતા..અને સુખી પણ હતા. હિંદુ ,મુસ્લીમના કોઇ ભેદ આજે બે વરસથી તેમના સુખની આડે નહોતા આવ્યા. છતાં કયારેક બંનેને માતા પિતા યાદ આવ્યા સિવાય કેમ રહે ?

બ્રશ કરીને રહીમ આવ્યો. રોજની જગ્યાએ છાપુ દેખાયું નહીં. અરે, રાધિકા આજનું છાપું કયાં ?

છાપું..? છાપુ..ખબર નહીં…આજે છાપાવાળો દેખાયો જ નહીં. અરે, રવિવારે છાપુ ન આવે એ કેમ ચાલે ? છાપાવાળો હજુ કેમ ન આવ્યો ? મને શું ખબર ? કહી રાધિકા અંદર ગઇ. ઠીક છે..હું નાકા ઉપર જઇને છાપું લેતો આવું. મને મજા નહીં આવે. રહેવા દે ને.. આવી જશે…કદાચ આજે મોડું થયું હશે. એકાદ બે દિવસ છાપું ન વંચાય તો કંઇ આસમાન નથી તૂટી પડવાનું.. છાપુ લેવા માટે એમ કંઇ ધક્કો ખાવાની જરૂર નથી. ’

અરે, એમાં ધક્કો શાનો ? કયાં દૂર જવાનું છે ? મોડું થશે તો પછી ત્યાં પણ નહીં મળે. કહેતા રહીમે ચપ્પલ પહેર્યા. રહીમ, એક દિવસ છાપુ નહીં વાંચો તો ન ચાલે ? આજે નિરાંત છે તો મારી સાથે બેસીને વાત કરને. . આવીને વાતો જ કરીશું ને ? આજે તો રવિવાર છે. આખો દિવસ બીજું કરવાનું પણ શું છે ?

પછી કામવાળી આવી જશે..ને હું રસોઇમાં પડી જઇશ.અત્યારે એકલા છીએ અને માંડ સમય મળ્યો છે..ત્યાં આ ઉપડયા.

રાધિકા, તને ખબર છે મને છાપું વાંચ્યા સિવાય મજા નથી આવતી. એક દિવસ છાપા વિના ન રહી શકાય ? એમાં રોજ શું નવું હોય છે ? એ જ વાસી સમાચારો…એ જ કોલમો…

અરે, બાબા આજે કેમ છાપા ઉપર ગુસ્સો ચડયો છે ? તું પણ રોજ વાંચતી જ હોય છે ને ? રહીમે હસતા હસતા કહ્યું.

’ હા..પણ રોજ જે કરીએ તે જ ચાલુ રાખવું જોઇએ એવું થોડું છે ? આજે રુટિનનું કોઇ કામ નહીં..નો છાપુ..નથીંગ ‘

રાધિકાએ જરાક લાડ કરતા કહ્યું. ઓકે..ચાલ..જરા ટી.વીમાં સમાચાર જોઇ લઇએ બસ.. રહીમ ટી.વી. ચાલુ કરવા ઉભો થયો. રાધિકા, રીમોટ કયાં ?
ખબર નથી..કયાંક આડું અવળું મૂકાઇ ગયું લાગે છે. પણ હમણાં કહ્યું ને આજે નો ટી.વી. નથીંગ રુટિન..

રહીમને આજે રાધિકા સમજાઇ નહીં. પણ થોડી દલીલ પછી તેણે રાધિકાની વાત સ્વીકારી લીધી..ઓકે..આજે નો છાપુ…નો ટી.વી. ખુશ ?

નહાવા જવાની પરમીશન છે કે એ પણ આજે બંધ. હા..હા..હું થોડું મારું કામ પતાવું ત્યાં નાહી લો.

રહીમ વ્હીસલ વગાડતો બાથરૂમમાં ઘૂસ્યો. રાધિકાએ જલદી જલદી છાપાનો ડૂચો કરીને માળિયા ઉપર ઘા કર્યો..

આજે આખા છાપામાં હિંદુ મુસ્લીમના રમખાણ સિવાય કોઇ વાત નહોતી. એ બધું વાંચવું તેને આકરૂં લાગ્યું હતું. રહીમ એ વાંચીને કયાંક અસ્વસ્થ બને તો ? એવા કોઇ અજ્ઞાત ભયને લીધે એ આજે નહોતી ઇચ્છતી કે રહીમના હાથમાં આજનું છાપું આવે.

રસોઇ કરતા કરતા રાધિકાના મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાતું રહ્યું.

બરાબર ત્યારે રહીમ નાહીને આવીને કોઇ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો.. ; ના..ના છાપુ આજે નથી જોવાયું. કંઇ ખાસ છે ? અને સામે છેડેથી વિગતવાર સમાચાર વહેતા રહ્યાં. રહીમ સ્તબ્ધ…ભારે હૈયે તેણે ફોન મૂકયો. પાછળ ફર્યો ત્યાં રાધિકા ઉભી હતી. રહીમ ચૂપચાપ રાધિકાની ભીની આંખની લિપિ ઉકેલી રહ્યો.

રાધિકાએ ધીમેથી રહીમને ખભ્ભે માથું ઢાળી દીધું. રહીમનો હાથ તેને હેતથી પસવારતો રહ્યો.થોડીવાર બંને એકમેકની ધડકન સાંભળી રહ્યાં..પછી રહીમ મૃદુ સ્વરે બોલ્યો..
’ રાધિકા, તારી વાત સાચી છે..આજે નો છાપુ…નો ટી.વી… આજે તો આપણે આપણી પહેલી મુલાકાત યાદ કરીશું . આપણી કોલેજની એ વકતૃત્વ સ્પર્ધા યાદ કરીશું ?

રાધિકા રહીમની આંખોમાં જોઇ રહી. ત્યાં નર્યા સ્નેહનો દીપ જલતો હતો.

( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ” )