1 ગુડ ટચ બેડ ટચ..
છ વરસની પુત્રીને નિકિતા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહી હતી.
દીકરી ધ્યાનથી મમ્મીની વાત સાંભળી રહી હતી.
બેટા, સમજાયું તને ? ખબર પડી ને ?
હા, મમ્મા..એટલે કે દાદાજી કરે છે એ બેડ ટચ અને તું કરે છે એ ગુડ ટચ..રાઈટ મમ્મા ?
નિકીતા સ્તબ્ધ..
2
છેલ્લી વોર્નીગ
“ આ છેલ્લી વોર્નીંગ છે. આ પેપર પર સહી કર અને ચાલી જા, મારી જિંદગી અને મારા ઘરમાંથી. “
અને અમરે દીવાલ પરથી નીતુની તસ્વીર ઉતારી જોશથી ઘા કર્યો.
ફરશ પર કાચના ટુકડાઓ વેરાઈ રહ્યા.
નીતુ પતિ સામે જોઈ રહી.પણ આજે તેના આંસુ પણ અમરને પીગળાવી ન શકયા.
આખરે નીતુ ઘરની બહાર નીકળી.
તે આંખોથી ઓઝલ થઈ ત્યાં સુધી અમર તેને નીરખી રહ્યો.
પછી નીચા નમી વેરાયેલા કાચના ટુકડાઓ એકઠા કરી તેને જોડવાનો પ્રયાસ કરતા ભીની આંખે તેણે કબાટમાંથી પોતાના રીપોર્ટની ફાઈલ કાઢી.