હરખ તો થાય જ ને ?
અયના ધૂમ ખરીદી કરીને ઘેર આવી. પૂરા બે લાખની મનપસંદ ખરીદી પછી પણ ન જાણે કેમ પણ મજા ન જ આવી. બલ્કે થાકી જવાયું હતું. તેણે હાશ કરી, હોલમાં સોફા પર જ લંબાવ્યું. પર્સમાંથી મોબાઈલ કાઢયો. વોટ્સ અપ ખોલ્યું. તેની આંખો કદાચ એમાં કોઈનો મેસેજ કે મીસ કોલ શોધવા મથી રહી. પણ…
ગુસ્સો કે પછી નિરાશા…તેણે મોબાઈલનો ઘા કર્યો. અને રમાને કોફી માટે બૂમ પાડી.
થોડી જ મિનિટોમાં રમાએ કોફીનો મગ મેડમ સામે ધર્યો.
આજે રમાના હસુ હસુ થતા ચહેરાને જોઈ અયનાને આશ્વર્ય થયું.
‘રમા, આજે તો તું કંઈ બહું ખુશ દેખાય છે ને ?
રમાનો ચહેરો શરમથી ગુલમહોરી..
‘ અલી, વાત શું છે ? ‘
‘ મેડમ, દિવાળી આવે છે ને એટલે આજે મારો વર મારા માટે એક સાડી લાઈવો છે. સાવ નવી નક્કોર હોં. છ મહિનાથી પૈસા બચાવતો હતો. કડિયાકામ કરતી વખતે એને વચ્ચે વચ્ચે ચા પીવાની લત હતી. પણ છેલ્લા છ મહિનાથી રોયાએ ચા પીવાની બંધ કરીને પૈસા બચાવ્યા હતા. કાલે એમાંથી મારે હારૂ સાડી..
એટલે હરખ તો થાય જ ને ? ‘
અયનાના ચહેરા પર ન જાણે કેવી યે ઉદાસીની છાયા..
કાશ !
અચાનક તેના મનમાં કોઈ વિચાર સળવળ્યો.
તેણે ધીમેથી ફોન ઉપાડયો.
બહુ જ મસ્ત માઇક્રોફિક્શન દીદી
LikeLiked by 1 person