એ જમાના ગયા.
‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? ‘
’ દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા. તેથી મને થયું કે એ આવે છે તો…’
’ અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ. રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. ‘ પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ નહીં ટકે..
ભૂલી ગઇ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો..પણ બે દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો.
‘ આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે છે ? ‘ યાદ છે ને ? આવું કેટલું યે ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉં. હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું. ‘ ’ એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? ‘
‘ બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત.!
આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને ! કોઇ જોખમ મારે નથી લેવું. બધું તેને ગમે તેવું કરી નાખીશું. પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. ’
’ હા, અને પાછો તેનો સાત વરસનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળી…એટલે એ નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો..બા, હું તમારું ઘર જોવા આવું છું. ‘ પૌત્રની વાત યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઇ ગયો.
તો રમેશભાઇની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ?
પતિ પત્ની એકબીજા સામે ધૂંધળી આંખોએ મૌન બની જોઇ રહ્યા.
જરાવારે સ્વસ્થ થઇ ને રમેશભાઇ બોલ્યા, ‘ એટલે તો આ ઘર સરખું, એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાણી થોડું ગમે ? એમને તો બધી સગવડ જોઇએ.
અને દેવુએ તેના દીકરાને કેટલીયે અને કેવી વાતો ઘર વિશે કરી હશે..તેથી જ તો નાનકડા રોહને મને ફોનમાં કહ્યું હતું ને કે
“ દાદા, તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે ! “
દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો..? ના..ના..મારા દીકરાને જરાયે ઓછું આવે એવું હું નહીં થવા દઉં…’
સાત વરસના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે..તેની મીઠી કલ્પનામાં પતિ પત્ની બંને ખોવાઇ રહ્યા.પાંચ વરસ પહેલાં દીકરો એકલો આવ્યો હતો. આજે હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકતો હતો. દેવાંગ કયારેક રોહન સાથે ફોનમાં વાત કરાવતો. પણ જોવા તો હવે મળશે. પૌત્રને પોતે શું આપશે..કયાં લઇ જશે, તેને શું ગમશે, શું નહીં ગમે… તેની ચર્ચામાં દાદા, દાદી મશગૂલ થઇ ગયા.
પૈસાનો કોઇ પ્રશ્ન હતો નહીં તેથી ઘરનું કામ ઝપાટાબંધ થવા લાગ્યું. રમેશભાઇ માથે રહીને દેખરેખ રાખતા.
કારીગરોને કહેતા રહેતા..
’ જોજો, કયાંય કચાશ ન રહેવી જોઇએ હોં. મારો દેવુ..મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ થવું જોઇએ.પૈસા પૂરા લેજો પણ મને કામમાં વેઠ નહીં ચાલે..હા, કહી દઉં છું. મારો દેવુ આવે છે..
અને મારો દેવુ કંઈ માસ્તરના દીકરાની જેમ બે દિવસ નહીં..એ તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શકયા નહીં. પછી બિચારા દીકરાનો શું વાંક ? એ સગવડોથી ટેવાઇ ગયો હોય એટલે આવામાં ન જ રહી શકે ને ? પણ હું કંઇ એવી ભૂલ થોડો કરું ?
રમેશભાઇ પોતાની જાતને સધિયારો આપતા હતા કે પછી…..
દીવાલો પર વરસોથી ટહુકતા મોર,પોપટ અદ્રશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ, ચમકતી..ડીસ્ટેમ્પરવાળી દીવાલો શોભી ઉઠી. નીતાબહેન મૌન રહી પતિની આ ધૂન જોઇ રહેતા.
પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખ્યું. વરસો સુધી સાચવેલ તેનું નાનું ટેબલ..જેના પર દેવુએ જાતજાતના રંગીન સ્ટીકરો ચોંટાડેલ હતા. જે બધા હવે અડધા ફાટી ગયા હતા. તો પણ નીતાબહેનને દીકરાની યાદગીરી માનીને આજ સુધી સંભાળી રાખ્યા હતા. તે કચવાતે મને કાઢી નાખ્યા. તેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ અને કાચનો મજાનો ફલાવરવાઝ ગોઠવાઇ ગયા. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ.. હતો જેને દેવુ પોતાની ‘ જાદુઇ પેટી ‘ કહેતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ., જાતજાતના ચિત્રો, સાપસીડીની ઘસાઇ ગયેલ રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખા થઇ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં વીંટાયેલ થોડો ગુલાબી દોરો, તૂટી ગયેલ પૈડાવાળી બે ચાર નાની મોટરો..કેરમની થોડી કૂકરીઓ, કપડાના ગાભાનો બનાવેલ એક દડો, ચાન્દામામા માસિકના વરસો પહેલાના થોડા અંકો..જેના જીર્ણશીર્ણ થઇ ગયેલા પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા. આવો કેટલોયે ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભારણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. એ માયા છૂટતી નહોતી. આજે આ બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે એ યાદો નકામી બની ગઇ હતી ?
માનવી પણ આમ જ એક દિવસ નકામો..ભંગાર બની જતો હશે ને ? બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઇ સાદ સંભળાઇ રહ્યો હતો.. કોઇ તેને રોકી કે ટોકી રહ્યું હતું કે શું ? કે પછી ભણકારા ? ‘
‘ બા, મારી એ બધી કીમતી વસ્તુઓને કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઇ ખબર ન પડે..તું મારું બધું આડુંઅવળું કરી દે છે. ભલે ધૂળ ખાતું..હું મારી જાતે સાફ કરીશ. ‘
કોણ બોલ્યું આ ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? આ તો દેવુના જ શબ્દો…આ ક્ષણે પોતાને કેમ સંભળાયા ?
ભણકારા જ તો..! તેમની આંખો પુત્રની યાદમાં છલકી આવી. વરસો પહેલા કયારેક પોતે આ કબાટ સાફ કરવા લેતી તો દેવુ પોતાને કેવો ખીજાતો..આજે પણ ખીજાય છે કે શું ? ના..આજે..તો આ બધું કચરો..ભંગાર બની ગયો હતો..ભારે હૈયે, હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફસૂફી આદરી.
પતિએ ખાસ સૂચના આપી હતી.કે દેવુનો રૂમ બરાબર સાફ કરવાનો છે.
મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠયા. ફળિયામાં નવો બાથરૂમ અને કમોડ બનાવ્યા હતા. જો કે એ કરવા જતાં વરસોથી ફળિયામાં ઉભેલ..સુખ દુ:ખના સાક્ષી અને સાથી બની રહેલ નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડયા હતા. તેનો રંજ ઓછો નહોતો. રમેશભાઇનો જીવ ખૂબ કચવાયો હતો. પરંતુ મનમાં સતત એક જ રટણા હતી..
શિવલાલ માસ્તરના છોકરાની જેમ કયાંક દેવુ પણ…….!
રમેશભાઇ આગળ વિચારી ન શકયા. ઘરમાં ડાઇનીંગ ટેબલ, સોફા, અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસમોટો પલંગ આવી ગયો. કયાંય કોઇ કચાશ ન રહેવી જોઇએ..દેવુને લાગવું જોઇએ કે હવે અહીં પણ બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઇએ..ફરીથી આવવાનું મન થવું જોઇએ..પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી જે પોતાને અતિ પ્રિય હતી..હમેશા સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનુ કંઇ ન જોઇએ..સગડી ચૂલા તો કયારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા..તે પણ ભંગારમાં ગયા..હાશ ! ચારેતરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઇ પહેલીવાર સોફામાં ગોઠવાયા..થોડું અડવું તો લાગ્યુ. પરંતુ દેવુને આ ગમશે. બસ એ એક જ ધૂને
મનમાંથી બધો રંજ તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો.
નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઇ રહેતા હતા. કયારેક તેમનાથી એક નિ:શ્વાસ નખાઇ જતો હતો. પણ….. !
ઘરનું કામ પૂરું થતાં મન ખાવાપીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી.’ તારી ગોળપાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારા…બધું ભૂલી જએ. પાછી હરખપદુડી થઇને
“ મારી ગોળપાપડી બહુ સરસ બને છે..દેવુને બહુ ભાવે છે….! “ એ બધી જૂની પુરાણી વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઇએ..શું સમજી ? હવે તેને એવું બધું ખાવાની આદત ન હોય તે યાદ રાખજે.
નીતાબહેન શું સમજે ? બાઘાની જેમ પતિ સામે જોઇ રહ્યા.
દીકરા માટે ઘરમાં મેગી, નુડલસના પેકેટો, તૈયાર જયુસના પેક..જાતજાતના ડબલા, સૂપના પેકેટ વિગેરે બાજુના શહેરમાંથી મગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર,ચીઝ, સોસ,જામના પેકેટ ઘરમાં ઠલવાઇ ગયા. તો રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે ? દેવુ અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટીવાળી સોડા પીવાની બહું આવતી. રમેશભાઇને થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયું. લેવા પણ ગયા.પરંતુ આવ્યા ત્યારે નાળિયેરને બદલે હાથમાં સોફટડ્રીંકસની બોટલો..થમ્સ અપ, કોક અને પેપ્સી હતા. નીતાબહેન એ બોટલોને તાકી રહ્યા.
હવે તો એક દિવસ..બસ એક દિવસ..કાલે તો દેવુ અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. એક મહિનો..પૂરો એક મહિનો ઘર ગૂંજી રહેશે. દેવુ કંઇ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો બે દિવસમાં ભાગી જશે ?
દેવુ સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ’ના, ના, એ થોડો એમ ધૂળમાં રમવાનો છે ? દેવુ સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઇને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવુ કેટલીયે વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવુ દડો લૂછતો દેખાતો હતો.
જોકે હવે તો ફળિયામાં ધૂળ જ કયાં હતી ? ફળિયુ તો કેવું ચકાચક કરાવી લીધુ હતું.
અમેરિકાવાળાઓને ધૂળની કેટલી નફરત છે એ પોતે કયાં નહોતું જોયુ?
ફળિયામાં બાપદાદાના સમયથી કૂવો હતો..જેનું પાણી વરસોથી પી ને પોતે અને દેવુ પણ મોટા થયા હતા. તે પણ આ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આવા ઘરમાં કૂવો થોડો શોભે ?
જોકે પત્નીને આ બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી. પણ અંતે પુત્રપ્રેમ આગળ આ બધાની શું વિસાત ? તેથી અંતે બધું સમુસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ..હવે તો કાલે દેવુ આવશે અને આ બધું જોઇ તેને હાશ થશે.
વિચારો..કલ્પનાઓમાં માણસ કેટકેટલું જીવી લેતો હોય છે.!
રમેશભાઇએ દીકરાનું આખું શૈશવ ફરી એકવાર આ બે કલાકમાં જીવી લીધું. ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા.
બરાબર ત્યારે જ પ્લેનમાં બેસેલ દેવાંગ…દેવુ પોતાના સાત વરસના પુત્રને કેટલાય રસથી થાકયા વિના બધી વાત કરતો હતો. ભારતમાં ડેડીને ઘેર શું હશે..કેવું હશે તે સાંભળી સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઇ ગયું હતું. ન સમજાતી કેટલી યે વાતો તેણે ડેડીને પૂછી પૂછીને સમજી હતી.
ઘરની દીવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે..ફલાવર્સના ચિત્રો હશે..એ વાત તો રોહનને એટલી અદભૂત અને રોમાંચકારી લાગી હતી કે તે એ બધું જોવા અધીર થઇ ઉઠયો હતો. અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો,’ ડેડી, કેટલા પીકોક હશે ? પેરેટ કેવા..કેવડા હશે ?..’
અને ફળિયામાં કૂવો હશે…! કૂવો એટલે શું ? તેમાંથી પાણી કેમ નીકળે..કેમ કઢાય? એ બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો પણ તેને મજા પડી ગઇ હતી. રોહને તો કલ્પનામાં પાણીની કેટલીયે ડોલો ઉલેચી નાખી હતી.
બેટ બોલ કેવા હશે..પોતે કેવી રીતે રમશે..લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો.
નીલગીરીના બે પાન તોડી, મસળીને હાથમાં ઘસીએ એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે એ વાત કરતાં તો દેવાંગ પણ ફરી એકવાર એ સુગંધથી સુરભિત થઇ ઉઠયો. અને રોહન તો..’ ઓહ..! વાઉ! લીફને ઘસીએ એટલે પરફયુમ જેવી સ્મેલ આવે ? વોટ એ મેજિક ? આસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ લાલ ટેટા કેવા ખવાય..એ બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકયા હતા. દિવાળીમાં આ વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે..નીલગીરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને કથા કરાવશે..સત્યનારાયણની કથાનો શીરો ખાધે વરસો વીતી ગયા. હજુ એ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેક કે કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. એ બધું થોડી વાર તેને ભૂલી જવું હતું. ફરી એકવાર એ દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી.
ગામમાં લાઇટો ભલે આવી ગઇ હોય..પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં બે ચાર દિવસ તેને ઝળાહળા થવું હતું. માળિયેથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે.
બહાર ઠંડા,મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલવ સાથે ગોઠડી કરતા કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ગયો. ખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતાં તેને તો એ વાત બહુ ગમી ગઇ. સૂતા સૂતા સ્ટાર અને મુન દેખાય..વાઉ ! સ્ટારની તો કેટલી બધી પોએમ્સ પોતાને આવડે છે. ડેડીએ કહ્યું છે કે સૂતા સૂતા દાદાજીને તારી બધી પોએમ્સ સંભળાવજે. બા, દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે રમશે અને આખા સૂઇ જવાય તેવી ખુરશી..! વાહ.. પોતાને કેવી મજા પડશે..! અમેરિકામાં તો પોતાને ઘેર આવું કંઇ નથી.
ઘોડાગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા આવી ગઇ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે. મંદિર, આરતી..ઓહ..! ઇન્ડીયામાં કેટલું બધું છે.
બા અને દાદાજીને જેશ્રીકૃષ્ણ કેમ કહેવાય એની તો કેટલી બધી વાર પોતે પ્રેકટીસ કરી હતી. Indian good morning..એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો સ્ટોરી પણ ડેડીએ કરી હતી. અને દાદાજી તો રોજ એ બધી સ્ટોરી પોતાને કરશે..કનૈયો ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશે…ઇંડીયન કેડબરી દાદીમા ઘરમાં જાતે જ બનાવે છે.!
રોહન આતુર બની ઉઠયો. પપ્પાના સરસ મજાના ઘરને મળવા…
ત્યારે દેવાંગ વિચારોને ઝૂલે ઝૂલી રહ્યો હતો. આ એક મહિનામાં ફરી એકાદ વરસ ચાલે તેટલું ભાથુ મળી જશે.. હવે તો લીઝા ગમે તે કહે દર વરસે એક મહિનો તો ઘેર બા પાસે આવવું જ છે. લીઝા ન આવે તો કંઇ નહીં. પોતે તો રોહન સાથે આવશે જ. થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ..હવે નહીં..
દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગીરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર….!
રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો !
ત્યારે દાદાજી ટેક્ષીની વ્યવસ્થા કરવામાં મશગૂલ હતા.મારો દીકરો ઘોડાગાડીમાં ઠચૂક ઠચૂક કરતો થોડો આવશે ? એ જમાના ગયા..
( parab ma prakashit 2011)
Like this:
Like Loading...