ખંડિત મૂર્તિ..10

09/11/2009

હસતું ગાતું ઘર…
“ તોરણ માગ્યું કોઇએ ત્યાં તો આસોપાલવ વાવ્યાં,

મળે પાન્દડું પીળું ધમરખ, વસંતના દે વાવડ “

જીવનની દરેક ક્ષણ ખુશીથી સભર બની હતી. મીલીને લીધે જીવનને એક નવી ઉંચાઇ સાંપડી હતી. ત્રણેની મસ્તીથી ઘરની દીવાલો હસી રહેતી. અને રવિવાર તો બાપ દીકરીનો જ. એમાં શચીને ભાગે પણ ફકત પ્રેક્ષક જ બની રહેવાનું આવતું. આજે પણ રવિવાર હતો. ચાર વરસની મીલી લય સાથે બગીચામાં દોડી રહી હતી. બાપ, દીકરી બંને હાથમાં ટ્યુબ લઇ બગીચામાં ફરી રહ્યા હતા અને કલરવ કરતાં કરતાં છોડવાઓને પાણી પીવડાવી રહ્યા હતા. ખુશખુશાલ થતી મીલી પપ્પાને જાતજાતના પ્રશ્નોથી મૂંઝવતી હતી.
અચાનક મીલી દોડી,’

પપ્પા, જલ્દી અહીં આવો..’ અને પુત્રીનો ઉત્સાહ ભર્યો અવાજ સાંભળી લય દોડયો. ત્યાં મીલી બોલી ઉઠી,’ પપ્પા, કેવી નાનકડી સરસ ચકલી હતી…! તમે અવાજ કરીને ઉડાડી દીધી ને ? એ કંઇ આપણે રોજ જોઇએ છીએ એવી નહોતી.હોં..! ‘

’ હા, બેટા, એ દેવચકલી હતી. એનો રંગ ગમ્યો તને ? ‘ ત્યાં તો ચંચળ મીલી એક પતંગિયાની પાછળ દોડી. પપ્પા, આ પતંગિયુ ઉડે છે..એને પકડું ?

’ બેટા, તને કોઇ પકડે તો ગમે ? કે દોડાદોડી કરવી ગમે ? ‘
મને કોઇ પકડે એ જરાયે ન ગમે…”

’ બસ, તો એ પતંગિયાને યે કોઇ પકડે એ ન ગમે. એને ઉડતા જોવાની કેવી મજા આવે નહી ? તું દોડતી હોય ત્યારે તને જોવાની કેવી મજા આવે છે ! એની જેમ..બરાબર ને ? ‘

’ હા, પપ્પા હવે હું એને કયારેય પકડીશ નહીં. ખાલી જોઇશ હોં ! ’ શાબાશ બેટા, ’

’ અને પપ્પા, આ જુઓ..ફરી મીલીનો આનંદિત સ્વર ટહુકયો. ‘ જુઓ પપ્પા, તે દિવસે આપણે અહીં ગલગોટાના બીજ વાવ્યા હતા ને ? આ નાનકડો છોડ તેનો છે ને ? ‘

હા, બેટા, તેં રોજ પાણી પીવડાવ્યું છે ને ! એટલે આવો સરસ ઉગી નીકળ્યો છે. ‘ ને પપ્પા, આ સફેદ ગુલાબ..જુઓ તો..હાથમાં નાની ટયુબ લઇને હરખાતે હૈયે દોડી દોડીને તે પપ્પાને બતાવતી જતી હતી. બધા છોડવાઓને નામ લઇને બોલાવતા પપ્પાને જોઇ પુત્રી પણ તેનું અનુકરણ કરતી હતી. અને ખુશ થતી હતી.
બાપ, દીકરી બંને મસ્તીમાં હતા. એકબીજાની સંગાથે ક્ષણોમાં જીવન જીવતા હતા. ત્યાં પાછી મીલી ચહેકી,

‘પપ્પા, જુઓ જુઓ..આ ટમેટાનો છોડ…આપણે વાવ્યો હતો ને એની પર ટમેટુ ઉગ્યું..! ‘

નાનકડું ટમેટુ દેખાતા મીલીનો ઉત્સાહ છલકાઇ ગયો.તે તાળી પાડી રહી..પપ્પા પણ તેના ઉત્સાહમાં સામેલ થવા આવી પહોંચ્યા. શચી બંનેને આનંદથી નીરખતી હતી. બાપ દીકરીની આ જુગલબંદી દર રવિવારે કયાંક પહોંચી જ હોય. અને આવી જ કશી મસ્તીમાં બંને ડૂબેલ હોય. કયારેક કોઇ રવિવાર ઝૂમાં વીતતો. અને મીલી સાથે લય પણ બાળક બની રહેતો. પિતા,પુત્રીની વાતો કદી ખૂટતી નહીં. મીલીની નાની નાની વાતમાં પણ લય એટલો જ રસ લેતો.

લય અને મીલીની દોસ્તી જોઇ શચી ઇશ્વરનો ઉપકાર માની રહેતી. કયારેક તેને રંજ થતો કે પોતે લયને પત્નીનું સુખ નથી આપી શકતી. હજુ લય તેની નજીક નથી આવી શકતો..પણ લયના વર્તનમાં એ વાતનો પણ કોઇ અફસોસ કયારેય ડોકાતો નહીં. શચીએ એકાદ બે વાર એ વાત કાઢવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો.. અરે, તેણે તો લય પોતાને ન સ્વીકારી શકે તો બીજા કોઇ પાત્રને ઘરમાં આવકારવાની તૈયારી સુધ્ધાં દર્શાવી હતી. પણ..લય તરફથી એવી કોઇ વાતનો પડઘો કયારેય પડયો નહીં. આ મુદ્દે તે હમેશા મૌન બની રહેતો. બહુ થાય ત્યારે કયારેક…..
..’ બસ..શચી..જવા દે એ વાત…’ શા માટે એ બધું યાદ કરે છે..કરાવે છે ? ‘

કહી પડખું ફેરવી તે સૂઇ જતો. અને શચી પણ…. અને બંનેએ હવે આ વાત મનથી સ્વીકારી લીધી હતી. જીવન આમ જ જીવવાનું છે એ સ્વીકાર્યા પછી એ અભાવ ખૂંચતો નહોતો. બંનેને એકબીજા માટે પૂરો આદર હતો.તેથી બીજા કોઇ પ્રોબ્લેમ થતાં નહોતા.
આ એક ઉણપ બાદ કરતાં બાકી જીવન ખુશહાલ હતું. કોઇ તણાવ નહોતો..કોઇ અફસોસ નહીં. કોઇ અભાવ નહીં.. એક છલકતી ખુશીનું સામ્રાજય ..મીલીના હાસ્યથી ઘર આખું ગૂંજતું રહેતું. દિવસો દોડતા રહેતા…પ્રત્યેક સવારે ઉગતો સૂર્ય બાપ દીકરીના વહાલને એક નવી ઉંચાઇ..એક નવી ખુશી આપતો રહેતો.

સમય તેજ ગતિથી સરતો રહ્યો. આમે ય સુખના દિવસોને પાંખ હોય છે. તેથી તે ઉડતા રહેતા હોય છે. ભણવાનું પૂરું થયું અને મીલી માટે યોગ્ય છોકરાની શોધ ચાલી. લયને તો કોઇ છોકરો જલદીથી પસંદ આવતો નહીં. લયની પરીક્ષામાંથી પાસ થવું સહેલું નહોતું. શચી કયારેક હસતી, લય, તું આવી નાની વાતો જોવા જઇશ તો આપણી મીલી કુંવારી જ રહી જવાની. ‘ ’

જોવું તો પડે ને ? દીકરીના ભવિષ્યનો સવાલ છે. મારી દીકરી..મારી મીલી કોઇને સોંપવાની છે.

અંતે એક છોકરો લયની નજરમાં વસ્યો. મીલીને પણ ગમ્યો. ધામધૂમથી લગ્ન લેવાયા. અને મીલી દુલ્હન બની સજોડે માતા પિતાને પગે લાગી ત્યારે સાસરે જતી દીકરીને ભેટી રહેલ લયની આંખો અનરાધાર વરસી રહી. આજે તેને રોકવાની દરકાર પણ કયાં હતી ? મીલી પણ ભારે હૈયે વહાલા પપ્પાથી વિખૂટી પડી સાસરે ગઇ. વિદાયનો સંકેત આપતા શરણાઇના કરૂણ મંગલ સૂર વાતાવરણમાં રેલાઇ રહ્યા.
એ પછી જીવનમાં જાણે એક ખાલીપો છવાઇ ગયો.! બીજે દિવસે હમેશની આદત મુજબ લયથી બૂમ પડાઇ જ ગયેલ,

‘ મીલી, આજનો શું પ્રોગ્રામ છે ? ‘ જવાબમાં શચી ફિક્કુ હસી.ત્યારે લયને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો.

‘ મીલી વિના ઘર ખાલી ખાલી લાગે છે ને ? ‘

જવાબમાં લયની આંખો ભીની થતી અનુભવાઇ. જો કે બાપ દીકરી રોજ ફોનમાં ચહેકતા રહેતા. મીલી તેને ઘેર સુખી હતી..તેનો આનંદ હતો. જીવન ધીમે ધીમે ફરી એક્વાર ગોઠવાતું જતું હતું. લય અને શચી મીલી વિના રહેવા ટેવાતા જતા હતા. હવે મીલીની વાતો..તેના સ્મરણો તેમની વાતોના મુખ્ય વિષય હતો. બંનેના જીવનનું કેન્દ્ર એકમાત્ર મીલી હતી. એ એહસાસ બંનેને થતો રહ્યો. હવે જાણે નવરા થઇ ગયા..શું કરવું ? પોતપોતાની રીતે ખાલીપો ભરવાના પ્રયત્નો બંને કરતા રહેતા.
ફોનમાં મીલીના હુકમ ટહુકતા રહેતા,

’ મમ્મી, પપ્પા બરાબર જમે છે કે નહીં ? ફરવા જાય છે કે નહીં ? આજે તમારે પિકચર જોવા જવાનું છે. ને પપ્પા, આજે પેલો ગ્રે સૂટ પહેરવાનો છે હૉં..! અને સાંજે ફરવા જાવ ત્યારે પેલું રેડ ટી શર્ટ..અને મમ્મી, પપ્પા ઉદાસ થઇને બેસી ન રહે એ જોજે હોં. અને તારે પેલી બ્લેક સાડી આજે પહેરીને પપ્પા સાથે કલબમાં જવાનું છે ….’

અને મીલીની સૂચનાઓનું અક્ષરશ: પાલન થતું રહેતું. દૂર રહીને પણ મીલી તેમની વચ્ચે હાજર જ રહેતી. છતાં…

મીલી વિનાની એક સૂની સાંજે લય ઉદાસ બનીને બેઠો હતો..ત્યાં શચી તેના માટે ચા લઇ ને આવી.

‘શચી, મીલી વિના ઘર સૂનકાર ભાસે છે. આપણી દીકરી સુખી છે તેનો આનંદ છે. પણ તેના વિના જાણે ઘર તો…..’
શચીના આંગળા ધીમેથી લયના વાળમાં ફરતા રહ્યા.

‘લય, આ તો સંસારનો ક્રમ છે. દીકરીને પાંખ આવે ને ઊડી જાય…ને માળો ખાલીખમ્મ….પણ લય, તેં મીલી માટે જે કર્યું છે તે…’

’ એટલે..? કોઇ પણ પિતા દીકરી માટે જે કરે એનાથી વિશેષ મેં શું કર્યું છે ? ‘

પણ…મીલી…’

’ પ્લીઝ…શચી, મારું કે મારી મીલીનું અપમાન નહીં કર..કોઇ મા કયારેય પિતાને કહે કે તેં તારી દીકરી માટે બહુ કર્યું છે ?

‘ લયનો ધારદાર પ્રશ્ન સાંભળી શચી કંઇ બોલી ન શકી. મનોમન ઇશ્વરનો આભાર માની રહી. અંતરમાં સ્થપાયેલ લયની મૂર્તિ વધુ ને વધુ તેજસ્વી થતી રહી.

ત્યાં મીલીનો ફોન રણકયો..અને લયની ઉદાસી ગાયબ…શચી હસી રહી. હવે બાપ દીકરીની વાતો પૂરા કલાક સુધી ચાલવાની. અને પોતાને મૌન રહીને સાંભળવાનું. મીલી ન જાણે શું બોલી રહી હતી. લય ખડખડાટ હસતો હતો. નક્કી પોતાની જ વાત હશે.શચીને શંકા નહીં બલકે ખાત્રી હતી. બાપ દીકરી કયારેય શચીની મજાક કરવાનું ચૂકતા નહીં. વરસોની તેમની આ આદત હતી.

એક કલાક વાતો કર્યા બાદ છેલ્લે શચીનો વારો આવતો. શચી કૃત્રિમ ગુસ્સો કરતી. અને એક દિવસ મીલીએ શુભ સમાચાર આપ્યા. તેઓ નાના, નાની બનવાના હતા. લય તો ખુશીનો માર્યો ઉછળી પડયો.

‘ શચી, ચાલને આપણે આજે જ મીલીને મળવા જઇએ. આપણી મીલી મા બનશે. મને તો મીલી હજુ સાવ નાની બાળકી જ લાગે છે. ‘

’ તને તો મીલી કયારેય મોટી લાગવાની જ નહીં. ‘

હસતાં હસતાં શચી બોલી. બીજે દિવસે સવારે મીલીને મળવા જવાનું નક્કી કરી બંને ખરીદી કરવા ઉપડી ગયા. જાતજાતના રમકડાઓની અને બીજી પણ એવી અનેક જરૂરી, બિનજરૂરી ખરીદી લયે ખૂબ ઉત્સાહથી કરી. ’ અરે, લય, મીલીને મા બનવાની હજુ ઘણી વાર છે. અત્યારથી આ બધું લેવાની કોઇ જરૂર ન હોય.’ એ બધી તને સમજ ન પડે. નાના હું બનવાનો છું. તું તો નાની જ રહેવાની. ‘ અને લય નાના બાળકની માફક હસી પડયો.

પૂરા ચાર કલાક ધૂમ ખરીદી કરી બંને પાછા ફર્યા ત્યારે રાત પડી હતી. બંનેએ બહાર જ ખાઇ લીધું હતું. લય ખૂબ ઉત્સાહમાં હતો. મીલી મા બનશે..કેવી લાગશે..તેની કલ્પનામાં જ રાત વીતી. કાલે સવારે તો મીલી પાસે જવા નીકળવાનું હતું.

શકુનિના પાસા જેવો સમય ફરી એકવાર પોતાના પાના ઉતરવા તૈયાર હતો. ફરી એકવાર તે પોતાની છાપ છોડી જવાની તૈયારીમાં હતો કે શું ? સમય બાપ દીકરીને મળવા તો દેશે ને ? લય તેની વહાલી મીલીને મળી તો શકશે ને ?

( શીર્ષક પંક્તિ હર્ષદ ત્રિવેદી )
( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ પ્રકરણ 10 )

ખંડિત મૂર્તિ..8

06/11/2009

મંગલ ત્રિકોણ..

ઝળહળતી આ સમયક્ષણો,

બનાવે ઝળહળ જીવનપળો..

પણ ના, કાળદેવતા શચી પર ખરેખર પ્રસન્ન થયાં હોય તેવું લાગતું હતું. સવાર થતાં શમણું અદ્રશ્ય નહોતું બન્યું. પરંતુ હકીકતમાં પરિણ્મયું હતું. શચી ખરેખર નવજીવન જ પામી હતી.

બીજે દિવસે શચીના પપ્પા પણ આવી ગયા હતા. અને પછી તો બધું બહું ઝડપથી બની ગયું હતું. શચી માટે તો આ બધું એક સપના જેવું જ હતું. એક મેઘધનુષી સપનું. લય અને શચીના મમ્મી પપ્પા મળ્યા. લયના મમ્મી, પપ્પા તો વરસો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. એક બહેન હતી તે સાસરે હતી. તે પણ લયની સાથે જ આવી હતી. અને ના પાડવાનો કોઇને સવાલ જ નહોતો. બધું એટલું તો ત્વરિત રીતે બની ગયું કે શચીને બીજું કશું વિચારવાનો યે અવકાશ ન મળ્યો.

સદનશીબે સ્નેહા પણ લગ્ન પહેલાં આવી ગઇ હતી. અને બહેનની મસ્તી કરવામાં તેણે કોઇ કસર નહોતી છોડી. અહીં તો ચટ મંગની અને પટ્ટ વ્યાહ જેવો ઘાટ થયો હતો. લયે હવે નોકરી છોડી દીધી હતી. અને બીઝનેસ ચાલુ કર્યો હતો. અને લગ્ન પછી થોડો સમય તેમને બંનેને ઓસ્ટ્રેલિયા જવાનું હતું. તેથી લગ્ન કરવામાં ઉતાવળ કરવી પડશે એમ લયે જણાવ્યું હતું.

પેલી દુર્ભાગી ક્ષણ “ इदम् अपि गमिश्यती..” ની જેમ આવીને ચાલી ગઇ હતી. અફાટ રણમાં કયાંય દૂર દૂર સુધી ઝાંઝવાની પણ આશા ન હોય. તેવે સમયે ધસમસતા મીઠા જળનું ઝરણું કયા પાતાળકૂવામાંથી ફૂટી નીકળ્યું ? જીવનમાં કયારે કઇ ક્ષણ ઉજાસ પ્રગટાવી જાય છે..કે કઇ ક્ષણ અંધકાર ફેલાવી જાય છે.. એ કોણ કહી શકે ? પરંતુ આ પળે તો શચીના જીવનમાં ઝગમગ ઉજાસ પ્રગટયો હતો..એ એકમાત્ર હકીકત હતી.

પોતાની બધી કથની જાણ્યા પછી પણ લયની ભાવનાઓમાં..લાગણીમાં કોઇ ફરક નથી પડયો. એ એહસાસે શચી લય માટે એક અહોભાવથી અભિભૂત થઇ ગઇ હતી. લય તેને માટે માનવ નહીં દેવ બની રહ્યો હતો. તેના અંતરમાં એક મૂર્તિ સ્થાપિત થઇ હતી. લયની મૂર્તિ…તેના એક માત્ર આરાધ્યદેવની મૂર્તિ…! હવે બીજા કોઇ દેવની તેને જરૂર નહોતી.

અને એક મહિનામાં જ શચીના ગળામાં લયનું મંગલસૂત્ર ઝળહળી રહ્યું હતું.ધામધૂમથી લગ્ન સંપન્ન થયા હતાં. વિદાયની શરણાઇના કરૂણ, મંગલ સૂરો વચ્ચે શચી સાસરે આવી હતી. બંને બહેનો ભેટીને ખૂબ રડી હતી. જોકે શચી ધીમેથી કહેવાનું ચૂકી નહોતી.

’ સ્નેહા, તારી લાઇન કલીયર કરી આપી છે હોં. હવે જલદી શુભ સમાચાર આપજે. કોઇ ઇમ્પોર્ટેડ શોધી રાખ્યો હોય તો સૌ પ્રથમ જાણવાનો મારો હક્ક છે હોં. ‘

દીદીને વળગીને રડતી સ્નેહાના હોઠ મરકી ઉઠયા હતાં. શચીના પપ્પાની આંખો ભીની બની હતી. દીકરી આટલી મોટી થઇ ગઇ તેની જાણ જાણે તેમને આજે થઇ હતી. પોતે તો કયારેય પુત્રી સાથે નિરાંતે રહેવા પણ પામ્યા નહીં એ અહેસાસે તે થોદાં ઉદાસ પણ જરૂર થયાં. હવે સ્નેહા સાથે તો જરૂર થોડી નિરાંતની પળો માણવી જ છે. એમ મનોમન વિચારી રહ્યા. અનિતાબહેનની આંખો વરસતી અટકતી નહોતી. અને ભીની આંખે સ્નેહથી સૌની વિદાય લઇ શચીને લઇ લયની કાર ચાલી.

ચલચિત્રની પટ્ટી આગળ ફરે અને દ્રશ્યો બદલાય તેમ શચીની બંધ આંખો સામે જાણે દ્રશ્યો ભજવાતા રહ્યા…ફરતા રહ્યા…

સુહાગરાત…! સુહાગરાત કયારે આવીને કયારે ગઇ.. કંઇ સમજ ન પડી..બંનેના મનની સ્થિતિ કદાચ વિચિત્ર હતી. પ્રયત્ન પછી યે ન જાણે કેમ લય શચીની નજીક ન જ આવી શકયો. શચીનો હાથ પકડતાં જ તે ધ્રૂજી રહ્યો. એક કંપન તેના શરીરમાંથી પસાર થઇ ગયું. એક અજંપો તેના તન, મનને ઘેરી વળ્યો હતો કે શું ? તે પરસેવે રેબઝેબ બની રહ્યો. શચી લયની અવઢવ સમજતી હતી. શું બોલે તે ? તે લયની નજીક ગઇ..પણ….

બંને વચ્ચે એક અભેદ દીવાલ ન જાણે કયાંથી ચણાઇ ગઇ. શચીને થયું ભાવનાના વહેણમાં તણાઇને લયે ભલે પોતાની સાથે લગ્ન કરી લીધા પરંતુ મનથી લય પેલી બળાત્કારવાળી વાત ભૂલી નથી શકતો. તેથી મારી નજીક નથી આવી શકતો. પોતાની પત્નીના ઉદરમાં બીજા કોઇનું બાળક પાંગરી રહ્યું છે. એ જાણ્યા પછી લયે ભલે પોતાને અપનાવી હોય..પણ કદાચ એ લયનો ભાવાવેશ હતો..!

..તેને લયનો કોઇ દોષ ન લાગ્યો.પોતે આમ પણ તેને લાયક કયાં રહી હતી ? આ તો લયની મહાનતા હતી. બાકી પોતે તો મરવાનો વિચાર સુધ્ધાં કરી જ લીધો હતો ને ? શચી વિચારોના વમળમાં અટવાતી રહી. અને લય…? લય તો ન જાણે કઇ દુનિયામાં ખોવાયેલ રહ્યો ? અને રાત એમ જ સરતી રહી

અને પછી તો એવી અગણિત રાતો……

આકાશમાં ગોરંભો છવાયેલ હતો. વાદળા નહોતા વરસતા કે નહોતા અદ્રશ્ય થતાં. એક ઉદાસીનું અકબંધ સામ્રાજય….

બંને વચ્ચેનું એ બે ઇચનું અંતર અકબંધ જ રહ્યું. એ કયારેય ઓળંગી ન શકાયું.. કદાચ એવા ખાસ પ્રયત્ન જ બેમાંથી કોઇ તરફથી ન થયા. મનોમન બંને એક અપરાધભાવથી પીડિત હતા કે શું ?
લગ્ન પછી તુરત બંને ઓસ્ટ્રેલિયા આવી ગયા હતા. લયને એ જરૂરી લાગ્યું હતું. જેથી બાળક કેમ વહેલું આવી ગયું એવા કોઇ સવાલ ઉપસ્થિત ન થાય. સાતમે મહિને બાળક આવી ગયું એમ પરદેશથી આસાનીથી કહી શકાય.કોઇ પૂછપરછ કે કોઇ શંકા ન જાગે. અને શચીને કોઇ પ્રશ્નોનો સામનો ન કરવો પડે. લય શચીનો પડછાયો બની રહેતો. પણ દરેક રાત તો એમ જ વીતતી રહી.

જોકે દિવસના અજ્વાસમાં વાતાવરણ પલટાઇ જતું. પેલી ઉદાસીનું નામોનિશાન ન રહેતું. સૂર્યના પ્રકાશ સામે વાદળો ટકી શકતા નહીં. દરેક સવાર તો ખુશહાલીનો સંદેશ લઇને જ ઉગતી.

લય એક સ્નેહાળ પતિ બની પત્નીની પૂરી કાળજી લેતો. તેની નાની નાની ઇચ્છાનો તે ખ્યાલ રાખતો. શચી કેમ ખુશ રહે એ જ જાણે તેના જીવનનું એકમાત્ર ધ્યેય બની ગયું હતું. તે કયારેય શચીને ઉદાસ ન જોઇ શકતો. આ છલકતો સ્નેહ પામી શચી પોતાની જાતને ફરી એકવાર નશીબદાર માની રહી. જો કે તે સમજી ન શકતી. દિવસે વહેતાં આ સ્નેહનું ઝરણું રાતના અંધકારમાં કયાં અદ્રશ્ય થઇ જાય છે ?

આવનાર શિશુની સંભાળમાં કોઇ ઉણપ ન રહી જાય..તે માટે લય પૂરો જાગૃત હતો. શચીના સઘળા કોડ પૂર્ણ કરવા તે મથી રહેતો. જેમાં કયાંય કોઇ બનાવટ નહોતી. એ શચી અનુભવી શકતી. લયની દુનિયા શચીની આસપાસ જ વીંટળાઇ રહેતી. છતાં… છતાં કયાંક કંઇક ખૂટતું હતું..એ હકીકતનો ઇન્કાર પણ કયાં થઇ શકે તેમ હતો ? એક અધૂરપનો એહસાસ બંનેને હતો પણ કયારેય બંને વચ્ચે એ અંગે કોઇ ચર્ચા નહોતી થતી. એ વાત પૂરતા બંને મૌન હતા. બાકી બંને કિલ્લોલતા રહેતા. મિત્રો સાથે ફરતા રહેતા. શચી માટે લયને પૂરો આદર, સન્માન હતા. અતીતની કોઇ વાતનો અણસાર પણ લયે કયારેય આવવા નહોતો દીધો.અને શચી માટે તો લય દેવ જ હતો.

શચીએ જયારે વહાલના દરિયા જેવી દીકરીને જન્મ આપ્યો ત્યારે તેના મનમાં ઉંડે ઉંડે એક આશંકા હતી..એક ભય હતો કે કદાચ લય આ બાળકીને અપનાવી નહીં શકે તો ? પણ લય તો જાણે દીકરીમય બની ગયો હતો. ઘરમાં હોય ત્યારે તેની એક એક ક્ષણ નાનકડી મીલી પાછળ જ જતી. રાત્રે કયારેક મીલી જાગી જાય કે રડે ત્યારે બે હાથમાં પુત્રીને લઇ આકાશના ચાંદ, સિતારા બતાવતા લય વહાલથી કંઇક ગણગણી રહેતો. પુત્રી સાથે વાતો કરતો રહેતો. મીલી પણ જાણે બધું સમજતી હોય તેમ શાંત થઇ જતી. અને ભાવવિભોર શચી એક સંતોષથી નીરખતી રહેતી. મનમાં સ્થપાયેલ મૂર્તિ વધુ ને વધુ ઉજ્જવળ બનતી રહેતી.

મીલીના એક રુદને લય ખળભળી રહેતો. અને તેના એક હાસ્યે તેની દુનિયા હસી ઉઠતી. એક મંગલ ત્રિકોણ રચાયો હતો. શચી અને લય આખો દિવસ મીલીની વાતો કરતા ધરાતા નહીં.ઓફિસેથી આવી મીલી આજે શું શીખી…આજે શું કર્યું ? એ બધી વાતો સાંભળવાનો લહાવો માણતા, પિતૃત્વના એહસાસે છલકતા લયને જોઇ શચી પણ છલકાતી. મીલી પહેલીવાર પપ્પા બોલતા શીખી એ દિવસ તો ઘરમાં જાણે એક ઉત્સવ બની ગયો હતો. મીલીના પહેલાં જન્મદિવસનું દ્રશ્ય અત્યારે શચીની બંધ આંખો સામે યે એક સ્મિત ફરકાવી ગયું. મીલી બેસતાં શીખી કે મીલીએ પહેલું પગલું ભર્યું કે પહેલો અક્ષર ઉચ્ચાર્યો. દરેક દિવસ એક ખાસ પ્રસંગ બની જતો. બાપ દીકરીના વહાલનું ખળખળ ઝરણુ અવિરત વહેતું રહેતું.

રવિવારે તો ઘર બાપ દીકરીની ધમાલ, મસ્તીથી ગૂંજતું રહેતું. મીલીની દરેક ફરમાઇશ પૂરી કરતાં લય કયારેય થાકતો નહીં. તેની સાથે બાળક બની રમતો રહેતો. મીલી પણ પપ્પાની જ લાડલી બની રહી. મમ્મી કોઇ વાતની ના પાડે પણ પપ્પાની કોર્ટમાં બધું મંજૂર થઇ જ જાય. શચી કયારેક કૃત્રિમ ગુસ્સો કરતી કે દીકરીને બહુ માથે ચડાવવી સારી નહીં. પણ એ બધું સાંભળે કોણ ? મીલી લયનું સંતાન નથી એ વાત તો કયારેય અંતરના કોઇ ખૂણે પણ ઊગવા નહોતી પામી. અને શચીના મનમંદિરમા સ્થપાયેલ મૂર્તિ વધુ ને વધુ ઉજજ્વળ બનતી રહેતી.
અને ત્રણ વરસની મીલીને લઇ તેઓ બંને જયારે વતનમાં પાછા ફર્યા ત્યારે અનિતાબહેન પૌત્રીને જોઇ હરખાઇ રહ્યા. સ્નેહા લગ્ન કરી અમેરિકા ચાલી ગઇ હતી.

શચી, લય અને મીલી.. એક મંગલત્રિકોણ રચાયો હતો. સમયદેવતાએ સુખની છોળૉ આ ઘર પર ઉડાવી હતી. આ ક્ષણો કાયમ રહી શક્શે ને ? કે પછી..?

( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ..પ્રકરણ..8 )

આજની ખાટી મીઠી..

05/11/2009


કોઇ વાર તમને જીવનમાં એવા જ્ઞાની માણસો ભેટી જાય છે કે તમને થાય છે..” અજ્ઞાન જેવી કોઇ ચીજ હોય તો કેવું સારું.! “

ખંડિત મૂર્તિ..8..

03/11/2009

આ તે શમણું કે સત્ય ?

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ પર જાણે રાસ લાગે છે

‘ શચી…પ્લીઝ કઇક તો બોલ.’ લયે શચીને હચમચાવી નાખી. હું ખરેખર કહું છું. તારા કોઇ પણ અતીતની વાત હું કયારેય નહીં પૂછું. તું જેવી છે તેવી મારી છે અને રહીશ. તને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ? ‘

’લય, મને કદાચ મારી જાત પરથી જ વિશ્વાસ ઉઠી ગયો છે. ‘

’ શચી, તારા ખોવાયેલ વિશ્વાસને હું પાછો લાવીશ. શચી રીયલી આઇ લવ યુ.. અને તારા કોઇ જ અતીત સાથે મારે કોઇ સંબંધ નથી. ટ્રસ્ટ મી.’

લય, તારા પર તો ટૃસ્ટ છે. પરંતુ…’

શચીનું મૌન અંતે તૂટયું.

’ પરંતુ શું શચી ? મારી પર વિશ્વાસ હોય તો આ પરંતુને જવા દે આપણી વચ્ચેથી.’

શચી લયની આંખોમાં જોઇ રહી. બધી વાત કરવી કે નહીં એ જાણે નક્કી કરવા મથતી હોય. લયની આખોમાં તેને પોતાનું પ્રતિબિંબ દેખાયું. પોતા માટે સ્નેહ દેખાયો અને શચીએ કોઇ નિર્ણય કરી લીધો હોય તેમ ધીમેથી પણ મક્ક્મતાથી કહ્યું.

‘ લય, તને ખબર નથી..પરંતુ મારો અતીત મારા ભવિષ્ય સાથે પણ જીવનભર સંકળાઇ ચૂકયો છે. ‘

’ શચી, તારો અતીત, વર્તમાન, ભવિષ્ય બધું મારું છે. પ્લીઝ…’

’ લય, કોઇ પણ વાતનો ફેંસલો લેતા પહેલાં તારે મારી વાત સાંભળવી જ રહી…પછી તું જે પણ નિર્ણય લઇશ તે મને મંજૂર છે. લગ્નનો પાયો જ શ્રધ્ધા, વિશ્વાસ છે. હું તને અંધારામાં ન રાખી શકું. છેતરી ન શકું…’

ન જાણે કેમ લય ધ્રૂજી ઊઠયો…

’ શચી, આવો દુરાગ્રહ શા માટે ? જીવનની એવી કોઇ ક્ષણોને યાદ કરી, વાગોળવાનો પ્રયત્ન કરી દુ:ખી શા માટે થવું ? ગમે તેવા અતીત સાથે તું મને સ્વીકાર્ય છે. હું કયારેય કોઇ વાત જાણવાની કોશિશ પણ નહીં કરું. બસ ? આ મારું વચન છે. તારી નજર આવનાર ભવિષ્ય તરફ …’ લય કોઇ વાત સાંભળવા જ જાણે તૈયાર નહોતો. અને કહ્યા સિવાય શચીને ચાલે તેમ નહોતું.
’ ના, લય…મારી પૂરી વાત તને જણાવ્યા સિવાય હું કોઇ નિર્ણય લઇશ નહીં.’

હવે મૌન રહેવાનો વારો કદાચ લયનો હતો.

જવાબની રાહ જોયા સિવાય જ ડૂસકા લેતી શચીએ પોતાની વ્યથાની કથાની શરૂઆત કરી. ’ લય, યાદ છે તને ? બે મહિના પહેલાં એકવાર કોઇ ફાઇલ આપવા મારે બોસને ઘેર જવાનું હતું. તેં જ મને કહેલ. અને હું ગઇ હતી..ત્યારે….ત્યારે મારા પર શું વીતેલ એની કલ્પના તને કયાંથી હોય ?
કઇ રીતે કહેવું ? શચી અસ્વસ્થ બની ગઇ.

’ રહેવા દે..શચી..મારે કશું જ જાણવું..સાંભળવું નથી…તું અસ્વસ્થ થાય એવી કોઇ વાત મારે સાંભળવી નથી. ‘

‘ ના, લય મારે સત્ય કહેવાની હિમત કરવી જ રહી. આ વલોપાત..આ વ્યથા મને કોરી ખાય છે. આજે મારા ઘરમાં કોઇને જાણ નથી. પરંતુ હવે વધારે સમય એ છૂપાવી શકાય તેમ પણ નથી જ. અને આ વાતની જાણ થશે ત્યારે મારા માતા પિતાની હાલત કેવી થશે તેની કલ્પના માત્ર મને ધ્રૂજાવી દે છે. લય, મારી જિંદગી તો કોઇના પાપે બગડી..પરંતુ એને લીધે મારી નાની બહેનનો હાથ પણ કોણ ઝાલશે ? શચી આક્રન્દ કરી રહી. તેને શું આશ્વાસન આપવું તે લયને સમજાયું નહીં. કોઇ યોગ્ય શબ્દો મળ્યા નહીં. મૌન રહી લયે તેનો હાથ ધીમેથી પકડયો. લયનો એ સ્પર્શ તેને થોડી સાંત્વના આપી રહ્યો.

અંતે થોડીવારે સ્વસ્થ થઇ શચીએ બે મહિના પહેલાં બોસે તે દિવસે પોતાના પર કરેલ બળાત્કારની વાત અને તેના પરિણામરૂપે પોતાના ઉદરમાં પાંગરતા એના ચિન્હની વાત કરી ત્યારે થોડી ક્ષણો લય હતપ્રભ બની ગયો. તે શચી સામે નજર ન માંડી શકયો. મૂઢની માફક તે શચીની આંખમાં પડતાં પોતાના પ્રતિબિંબને જોઇ રહ્યો.

શચીની આંખ વરસતી હતી. તો લયની પાંપણ પણ કયાં કોરી રહી શકી હતી ?

’ લય, આ વાત સાંભળ્યા પછી તારી સ્થિતિ હું કલ્પી શકું છું. મને તારો કોઇ દોષ નથી દેખાતો. કોઇ પણ પુરુષ….’

વચ્ચે જ શચીના બાકીના શબ્દો તેના ગળામાં અટકી ગયા. લયે તેના મોં પર હાથ મૂકી દીધો..

‘ શચી, પ્લીઝ…તારો અતીત, વર્તમાન, ભવિષ્ય બધું જેવું છે, જે છે, તે મારું છે…મારું હશે..’

’ લય, આ સાંભળ્યા પછી પણ ? આવનાર શિશુ તારું નહીં હોય. છતાં તું તેને આવકારી શકીશ ? હું એબોર્શનમાં નથી માનતી. આવનાર બાળકનો આમાં કોઇ દોષ હું નથી જોતી.’

’ શચી, એ શિશુ તારું છે. એટલું જ મારે માટે પર્યાપ્ત..હશે..’

’ લય, બોલવું આસાન છે. અને એ શિશુ……’

’ એ શિશુ આપણું હશે. એ મારા નામ સાથે આ દુનિયામાં આવશે..’

’તું શું કહે છે તેની પૂરી જાણ છે તને ? ‘

’ હા, શચી ..જવાબદારીના પૂરા ભાન સાથે હું આ કહું છું. ‘ હું એને………’

શચી લયની દલીલો સામે હારી હતી કે જીતી હતી.. ? એ પળે કોઇ સમજ કયાં પડી હતી ?

લય ગળગળો બની ગયો.. શચીની વેદના પોતાની જ હોય તેમ એ વેદનાના તાપે લય દાઝતો રહ્યો. શચીએ તેની એ સ્થિતિ અનુભવી અને આગળ કંઇ બોલી ન શકી. શચીની વેદના લયની બની ચૂકી હતી કે પછી ..?

બંને એકબીજાનો હાથ પકડી કયાંય સુધી ઊછળતા દરિયાની સાક્ષીએ, ડૂબતા સૂર્યની સાખે મૌન બેસી રહ્યા. શબ્દો હવે ત્યાં વામણા બની ગયાં હતાં. બંને એક્બીજાનો ધબકાર, સ્પર્શની ભાષા અનુભવી રહ્યા. સમજવાનો પ્રયત્ન કરતાં રહ્યા હતાં.

જીવનને અલવિદા કહેવા નીકળેલી શચી નવું જીવન લઇ ઘેર પાછી ફરી હતી. અનિતાબહેન તેની રાહ જોઇને જ બેઠા હતાં.

’ બેટા, બહું મોડું થઇ ગયું ? મને ચિંતા થતી હતી. અને તું તારો ફોન લેતા પણ ભૂલી ગઇ હતી. ‘ સોરી, મમ્મી, હવેથી એવું નહીં થાય..કહેતી શચી મમ્મીને સ્નેહથી આલિંગી રહી. આ આલિંગનનો અર્થ અનિતાબહેન સમજી ન શકયા. શચી હમણાં કેમ આમ કરે છે. તે તેની સમજની બહાર હતું. તેને કયાં જાણ હતી કે પુત્રી આજે નવજીવન પામીને ઘેર પાછી ફરી હતી.. આ તેની અભિવ્યક્તિ હતી.

જમ્યા પછી તેણે મમ્મી પાસે વાત કાઢી હતી. કેમકે બહું મોડું કરાય તેમ નહોતું જ. કોઇને શંકા આવે તે પહેલાં જ લગ્ન કરવાના હતા.

‘ મમ્મી, એક વાત કહું ? ‘

’ બોલ બેટા, ‘ ’ આપણે આભામાસીવાળા કુંતલની વાત પડતી મૂકીએ તો ? ‘

’ બેટા, હવે તું મોટી થઇ છે. હવે બહું મોડું મારે નથી કરવું. ‘

’ મમ્મી….’ શચી અટકી. તે મમ્મી સામે જોઇ રહી. અચાનક અનિતાબહેનના મનમાં જાણે વીજળીનો ચમકારો થયો.

’ શચી, તારા મનમાં કોઇ છે ? ‘

’ મમ્મી, લય અમારી ઓફિસમાં મેનેજર હતો તે તને કેવો લાગે છે ? તું તો તેને ઓળખે છે. તેં એને જોયો પણ છે.’

’ ઓહ..લય..સરસ છોકરો છે બેટા, એટલે..એટલે ? ‘

અનિતાબહેન વાકય પૂરું ન કરી શકયા. શચી નીચું જોઇ રહી.

’ અરે, તું તો છૂપી રુસ્તમ નીકળી. આટલા દિવસથી બોલતી નહોતી. હં..એટલે કુંતલની ના પાડતી હતી. આ તો શાંત પાણી ઉંડા હોય છે એમ સાંભળેલ..આજે એનો અર્થ સમજાયો. મારે સ્નેહાને કહેવું પડશે. પછી જો એ તારી કેવી ઉડાવે છે.’

શચી મમ્મીના ખોળામાં માથુ નાખી શાંતિથી સૂતી રહી. મમ્મીનો હાથ પુત્રીના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો. લયને કયારે ઘેર બોલાવવાની છે ? ‘

’ આવતી કાલે એ તને મળવા આવવાનો છે.’

હં..એટલે બેનબા બધું પાકું કરવા ગયા હતા ? તારા પપ્પા પણ કાલે સવારે જ આવી જવાના છે. લયના ઘરમાં બીજું કોણ કોણ છે ?

‘ આવે ત્યારે તું જ પૂછી લેજે. ‘
‘ અરે, હું તો પૂરો ઇંટરવ્યુ લઇશ. નોકરીમાં ભલે એણે તારો ઇંટરવ્યુ લીધો હોય હવે તો હું જ લેવાની. એને કહેજે બરાબર તૈયારી કરીને આવે. નાપાસ થતાં વાર નહીં લાગે.’ અનિતાબહેન મૂડમાં આવી ગયા હતાં.

શચીને કહેવાનું મન થઇ ગયું નાપાસ તો તારી દીકરી થાય એમ હતી પણ લયે બચાવી લીધી. ઇશ્વરે લયના રૂપમાં એક દેવદૂત જ મોકલ્યો હતો તેની જિંદગીમાં.

આજે રાત ખૂબ સોહામણી ઉગી હતી. તારલાઓ તો બહું નહોતા પરંતુ છતાં ઝગમગાટ જરૂર હતો. દિવસો પછી આજે શચી સ્વસ્થ બની હતી. કોઇ એક પાસે વેદના ઠાલવી દેવાથી તે હળવી બની શકી હતી. અને લય..જેને માટે તેના મનમાં એક આકર્ષણ હતું તે લયને પોતે પામવાની હતી. આ શમણું હતું કે સત્ય ? તે ખરેખર આને લાયક હતી ? ઇશ્વરની આવી અસીમ કૃપા હતી તેના પર ? સવાર થતાં આ સુંદર શમણું વરાળ બનીને ઉડી તો નહીં જાય ને ?

( શીર્ષક પંક્તિ ગૌરાંગ ઠાકર )

( દિવ્ય ભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ..પ્રકરણ..8 )

ખંડિત મૂર્તિ..7..

02/11/2009

આશાની ઉજળી કિનાર..

” પહાડ ઝરણાંને ખોઈ બેઠો છે,

એને ખળખળનો ભાસ લાગે છે.”

છેક મોડી રાત્રિએ થાકેલ શચીને અંતે નીંદરરાણીએ પોતાના આગોશમાં લીધી ખરી. નિન્દ્રા જેવું દયાળુ બીજું કોઇ નથી. જીવનના આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી તે ક્ષણિક છૂટકારો અવશ્ય આપે છે. રાહતની બે ચાર ક્ષણો તે જ આપી શકે છે. નહીંતર માનવી પાગલ થઇ જાત. વિચારોના વમળમાં ફસાયેલ માનવીને તે થોડો હાશકારો આપે છે.
આત્મહત્યાનો અંતિમ નિર્ણય કરી થાકેલ, હારેલ શચીની પાંપણો થોડીવાર બિડાઇ. સવારે ઉઠી ત્યારે માથુ ભારે હતુ. પરંતુ આજે તો હસતાં રહેવાનું હતું. મમ્મીને ક્ષણવાર માટે પણ પોતાની ઉદાસીની ઝલક સુધ્ધાં ન મળવી જોઇએ. જેથી પોતાના મૃત્યુ બાદ તેના મનમાં એવી કોઇ શંકા, કોઇ વહેમને સ્થાન ન રહે.

‘ મારી શચી તો હમેશા હસતી જ હોય. અરે, આજે સવારથી ખુશખુશાલ હતી. અને આ શું થઇ ગયું ? ‘ પોતાના ગયા બાદ કલ્પાંત કરતી મમ્મીની કલ્પનાથી ભીની બનેલ આંખો મમ્મીની નજરે ચડે તે પહેલાં શચીએ હાસ્યનો મુખવટો ઓઢી લીધો.

‘ ગુડમોર્નીંગ, મમ્મી ‘ હમેશની જેમ શચી બહાર નીકળી મમ્મીને વહાલથી ભેટી પડી ત્યારે અનિતાબહેનને હાશ થઇ. તેને ડર હતો કે ફરી પાછો કયાંક તાવ ન આવ્યો હોય.

‘ મમ્મા, આજે નાસ્તામાં ગરમાગરમ આલુ પરોઠા…અને તે પણ મારા હાથના. ‘ ઓકે તને ગમે તેમ. તો હું જરા મંદિરે થતી આવું. ? ‘ ’ નો..આજે મારી સામે જ…હું પરોઠા બનાવું અને તું ગરમ ગરમ ખા.’ ’ કેમ સાસુજીને ખવડાવવાની પ્રેકટીસ કરવાની છે ? ‘ શચીને હસતી જોઇ અનિતાબહેન પણ હળવા મુડમાં આવી ગયા.

’ હા, તું અમને ઘરમાંથી ભગાડવાના પેંતરા કરે છે તો શીખવું જ રહ્યું ને ? ‘

’ શચી, કુંતલને મળવાનું કયારે ગોઠવવું છે ? ‘ અનિતાબહેનના હૈયાની વાત તુરત હોઠ પર આવી જ ગઇ.

શચી પોતાની આ ભોળી, સરળ મા સામે જોઇ રહી. આવી માને તે છેતરતી હતી ? પણ..શું કરે પોતે ? પોતાની પાસે બીજો કોઇ ઉપાય વિધાતાએ કયાં રહેવો દીધો હતો ? મનના ભાવોને સંતાડી તેણે હસીને કહ્યું,

’ તું કહે ત્યારે..હવે આપણે તો બધા હથિયાર હેઠાં મૂકીને તારી શરણાગતિ સ્વીકારી જ લીધી છે. ‘

‘ સરસ.. “ મામ્ એકમ્ શરણમ્ “

એવું તો ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું જ છે. હવે તું મારે શરણે આવી છે તો તું જો હું તને કેવા સરસ છોકરાઓ બતાવું છું. મારી દીકરીને બધી રીતે ગમી જાય તેવો છોકરો શોધી કાઢવાની જવાબદારી હે ભક્ત, આજથી હું ઉપાડું છું. ‘ અનિતાબહેન પણ ન જાણે કેમ પણ આજે ખીલ્યા હતા. શચીએ તાળીઓ પાડી તેમને વધાવ્યા. અને મા દીકરીના ઘૂઘવાટનું મોજું આખા ઘરમાં ફરી વળ્યું. મા દીકરીને ખુશ રાખવાના પ્રામાણિક પ્રયત્નો કરતી હતી તો દીકરી માને ખુશ કરવાના સભાન પ્રયત્નો કરીને માને છેતરતી હતી. જે હોય તે પણ આ બે ચાર ખુશહાલ ક્ષણો તો મા દીકરીની પોતાની જ હતી. સવારે નાસ્તો અને બપોરની રસોઇ પણ શચીએ જ બનાવ્યા. અને બંને સાથે જ જમ્યા. એકબીજાને પ્રેમથી આગ્રહ કરી રહ્યા. અને હસીમજાકની છોળૉ ઉડતી રહી. અનિતાબહેન તો ખુશખુશાલ હતા. આભાને ફોન કરી કુંતલને એક બે દિવસમાં જ જોઇ લેવાનું પણ નક્કી થયું. શચીએ હસીને હા પાડી. શચીના હાસ્યમાં રહેલ કરૂણતા કે વિષાદની છાંટ આનંદમાં ડૂબેલ અનિતાબહેન પારખી ન શકયા.

સમય નિસ્પૃહભાવે મા દીકરીને નીરખતો વહી રહ્યો. એને તો કયારેક કશું કહેવાનું હોતું જ નથી. એના તો રંગ જ નિરાળા. એ તો ચૂપચાપ પોતાને જે કરવાનું હોય તે કરી નાખે અને પછી અલિપ્ત રહીને, પોતાની છાપ છોડીને ખસી જાય.

સાંજે શચી કહે, ‘

મમ્મી, લાયબેરીમાં આ પુસ્તક પાછું આપવાની તારીખ કયારની ચાલી ગઇ છે. આ તાવ આવ્યો તેમાં આપવાનું ભૂલાઇ ગયું હતું. જરા પુસ્તક આપતી આવું. અને મન થશે તો વળતા પાંચ મિનિટ દરિયાકિનારે આંટો મારીને જ આવીશ. દરિયા માટે શચીના પ્રેમને અનિતાબહેન કયાં નહોતા જાણતા ? અને દરિયો લાયબ્રેરીથી કંઇ એવો દૂર પણ નહોતો. ’પાછી દરિયાને જોઇને ગાંડાની જેમ પાણીમાં ન પહોચી જતી. બેટા, પાણીનો ભરોસો કયારેય ન કરાય. ’

પાણીનો વિશ્વાસ તો કદાચ કરી શકાય. પરંતુ માનવીનો ભરોસો કયારેય ન કરાય. ‘ શચી વિચારી રહી.

‘ અને વહેલી આવી જજે. પાછી થાકીશ તો વળી માથુ દુખશે.હું આવું તારી સાથે ? ‘ ’

ના, મમ્મી, હું જલદી જ આવી જઇશ. તું મારી ચિંતા ન કર. શચીએ જલદીથી જવાબ આપ્યો.

જોકે દરિયે જાય એટલે શચી પાણીમાં પગ ભીના કર્યા સિવાય રહી જ ન શકે. અને દરિયેથી શચી જલદી પાછી આવી ન જ શકે. તે માને ખબર હતી જ. દરિયે પહોંચે એટલે શચી પાણીમાં દોડી જાય અને ઉછળતા મોજાઓ દોડીદોડીને શચીને વહાલ કરવા તેના પગે વળગી જ જાય.

અને સાંજે માને વહાલથી ભેટી શચી ઘરની બહાર નીકળી ત્યારે તેની આંખો તરલ બની હતી. પરંતુ મા જોઇ શકે તે પહેલા માને હાથ હલાવી તે જલદીથી નીકળી ગઇ. પપ્પા કે સ્નેહાને છેલ્લે નહીં મળી શકાય. પરંતુ તેનો કોઇ ઉપાય નહોતો. આમ પણ હવે જિંદગીની અંતિમ ક્ષણોએ મોહ છોડવો જ રહ્યો. અને ઘર તરફ એક લાલસાભરી નજર નાખી શચી ભારે હૈયે બહાર નીકળી. પાછું વળી એક નજર મા તરફ નાખી લેવાની ઇચ્છાને દબાવી, અંદર ઉઠતાં ડૂસકાને ગળામાં જ અટકાવી શચીએ ઝડપથી પગ ઉપાડયા. તે જાણતી જ હતી કે મા તેને જોતી ઉભી જ હશે. પણ રખેને ઢીલું પડી જવાય તો ? જીવનને અલવિદા કહી શચીએ મોત સામે ડગ ભર્યા. લાઇબ્રેરીમાં જઇ તેણે પુસ્તક પણ બદલાવ્યું. કોઇને શંકા ન આવવી જોઇએ. જાણીજોઇને લાઇબેરીયન સાથે થોડી વાતો કરી. કયા નવા પુસ્તકો આવ્યા છે. અને કયા મગાવવા જોઇએ તેની પણ વાત કરી. અને હાથમાં પુસ્તક લઇ શચી દરિયે પહોંચી. પુસ્તક પણ પોતાની સાથે જ જળસમાધિ લેશે. હવે કોઇ વિચારો કરવા નથી. અને છતાં વિચારોથી મુકત થવું કદી આસાન હોય છે ખરું ?

નજર સમક્ષ સમુદ્રના મોજા ઘૂઘવતા હતા. પણ એ ઘૂઘવાટ શચીના કાન સુધી કયાં પહોંચતો હતો ? કદાચ મનનો ઘૂઘવાટ વધુ તીવ્ર હતો. જિંદગી કે મોત ? મનમાં તુમુલ યુધ્ધ ચાલી રહ્યું હતું. બળાત્કાર ફકત શરીર પર થોડો જ થાય છે ? બળાત્કાર થાય છે શરીર પર..પરંતુ એનો ભોગ બને છે મન.

શરીર પરના ઉઝરડા તો મટી જાય..પણ મન પરના ઉઝરડા..આ દૂઝતા જખમમાંથી સતત કંઇક વહેતું રહેવાનું..નિરંતર એક આશંકા, ભયના ઓથાર નીચે શ્વાસ લેવાયા કરશે..એને જીવન કહી શકાશે ? અપરાધી તો સમાજમાં વટથી ઘૂમી શકતો હતો. યુગેયુગે જવાબ તો વૈદેહી પાસેથી જ માગવામાં આવે છે ને ? ચારિત્ર્યની કસોટી… તો સીતાએ જ આપવાની ને ?

અને પોતા પાસે એવી કોઇ સાબિતિ કયાં હતી ? બલ્કે કલંકિની હોવાનો પુરાવો..જીવંત પુરાવો તેની ઉદરમાં સ્થાપિત થઇ ચૂકયો હતો. શું કરે તે ? કયાં જાય ? તે ધીમે પગલે પાણીમાં આગળ ચાલી. ઊછળતા મોજા તેને આમંત્રણ આપીને આવકારી રહ્યા હતા ?

ડૂબતા સૂર્ય પર એક નજર નાખી, મનોમન બધાને યાદ કરી જીવનનો અંત આણવા શચી ધીમેથી આગળ વધી. ઉછળતા મોજામાં તે હમણાં શમાઇ જશે અને તેની સઘળી વ્યથાઓનો અંત….આંખો બંધ કરી તે આગળ વધી ત્યાં જ…..

પાછળથી કોઇએ તેનો હાથ જોશથી પકડયો. તે ધૂજી ઉઠી. પાછળ ફરીને જોયું તો લય હતો. લય અત્યારે..? આ પળે અહીં ? શચી ધ્રૂજી ઉઠી. શું તેને પોતાના ઇરાદાની ગંધ આવી ગઇ છે ?

આગળ કશું વિચારે તે પહેલાં લયે પૂછયું, ’ શચી, ફરવા આવી છે ? ’

શચી મૌન રહી. શું જવાબ આપે ? ’

હું પણ થોડો ટહેલવા નીકળ્યો હતો. ત્યાં દૂરથી તને જોઇ અહીં આવી પહોંચ્યો. તું એકલી જ આવી છે ? હવે કેમ છે તારી તબિયત ? ‘

શચી હજુ જવાબ આપી શકવાની સ્થિતિમાં આવી નહોતી શકી. તે લય સામે જોઇ રહી.

’ શચી, તું તો જાણે મને ઓળખતી જ ન હોય તેમ મારી સામે જુએ છે. નોકરી છોડી દીધી એટલે સાવ જ ભૂલી ગઇ ? ‘

એક નાજુક ક્ષણ પસાર થઇ ચૂકી હતી. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવામાં તકલીફ તો પડી.

ધીમેથી તેણે જવાબ આપ્યો..

’ ના, ના, સર એવું નથી. હું તો…’

શચી વાકય પૂરું કરે તે પહેલાં લયે વચ્ચે જ કહ્યું,

’ શચી, નાઉ નો સર..તેં હવે નોકરી છોડી દીધી છે. અને મેં પણ …હવે અહીં કોઇ સર નથી. ‘ શચી આશ્ર્વર્યથી લય સામે જોઇ રહી. લયે પણ નોકરી છોડી દીધી.

કેમ ? ‘ તે કશું બોલી નહીં. પરંતુ તેની આંખનો પ્રશ્ન વાંચી લયે જ કહ્યું,

’ હા, શચી, મેં હવે મારો પોતાનો બીઝનેસ ચાલુ કર્યો છે. નોકરીમાં જલદી આગળ નહીં અવાય એમ લાગતાં મેં પણ નોકરીને તિલાંજલિ આપી દીધી છે. તો શચી, આજથી આપણે મિત્રો છીએ..ફકત મિત્રો..એમ આઇ રાઇટ ? ‘ અને લયે હાથ આગળ ધર્યો.

મૌન શચીનો હાથ અનાયાસે લંબાયો.

‘ ઓકે શચી થેન્કસ…નાઉ વી આર ફ્રેંડઝ…અને એનાથી આગળ વધીને એક વાત કહું ? જોકે આવી કોઇ વાત કરવા માટે કોઇ સારી પ્રસ્તાવના કરવી જોઇએ. પણ તને તો ખબર છે. હું બધી બાબતમાં થોડો ઉતાવળિયો છું. કામમાં પણ અને જીવનમાં પણ.. તો શચી, આજે ફ્રેંકલી એક વાત કરી શકું ? ન ગમે તો ના પાડવાની પૂરી સ્વતંત્રતા છે જ.’ શો જવાબ આપવો તે શચીને સમજાયું નહીં. તેણે લય સામે જોયું.

તેના મૌનને અર્ધસંમતિ ગણી લઇ લયે વાત આગળ વધારી.

’ શચી, ઘણાં સમયથી તને એક વાત પૂછવી છે. આજે હિમત કરું ? પૂછું ? તને ખરાબ તો નહીં લાગે ને ? ‘

છતાં પોતાનું મૌન કયાં તૂટયું હતું ? પ્રશ્નાર્થભરી આંખે તે લય સામે એમ જ તાકી રહી.

’ શચી, તું ..તું મને પસંદ છે..હું તને……’ શચીની વિશાળ,પાણીદાર આંખોમાં તાકતા તેણે ઉમેર્યું,

‘ અને હું તારી સાથે લગ્ન કરવા માગુ છું. હું તને પસંદ છું કે નહીં તેની જાણ નથી. તું વિચારીને જવાબ આપી શકે છે. ’

મોટી હિંમત કરતો હોય તેમ લય એકીશ્વાસે બોલી ગયો.

એક ક્ષણ..! ક્ષણભર માટે શચીની આંખોમાં એક જયોત પ્રગટી…પણ બીજી જ ક્ષણે બૂઝાઇ ગઇ. જે પળની એને પ્રતીક્ષા હતી..તે સામેથી આવી હતી. પરંતુ….અત્યારે…. આ પળે..જયારે તે જીવન મરણના વિચારો વચ્ચે ઝોલા ખાતી હતી.મોતને આવકારવા અહીં આવી હતી ત્યારે ? જીવનની કોઇ હોંશ..કોઇ અરમાન રહ્યા નહોતા ત્યારે આ પ્રસ્તાવ..? શું જવાબ આપે તે ? શચી મૌન જ રહી. લયનો એ જ પ્રશ્ન ફરીથી આવ્યો.

‘ શચી, મને ખબર છે આ અણધાર્યો પ્રસ્તાવ છે. અને એ માટેનું આ યોગ્ય સ્થળ પણ નથી જ. એ બદલ સોરી…પરંતુ તને અહીં જોઇને હું રહી ન શકયો અને મારા મનની વાત કહી દીધી. શચી, કોઇ ઉતાવળ નથી. પરંતુ તારા જવાબની મને પ્રતીક્ષા રહેશે. આજે, કાલે કે ગમે ત્યારે…. તું વિચારીને જવાબ આપજે.’
અને મૌન રહેલ શચીથી અનાયાસે બોલાઇ જવાયું.

‘નહીં લય, હવે એ શકય નથી. ‘

’કેમ શકય નથી ? હું તને પસંદ નથી ? ‘

’એ વાત નથી. તારા જેવી વ્યક્તિ તો નશીબદારના ભાગ્યમાં જ હોય..’

તો એ નશીબદાર તું કેમ ન થઇ શકે ? ‘

’ એ મારી કમનશીબી છે. તું કંઇ જાણતો નથી.’

’ અને મારે જાણવું યે નથી…’

’નહીં લય, મારી જિંદગીમાં એક ડાઘ લાગી ગયો છે..’

’ મને ચન્દ્ર એના ડાઘ સાથે જ ગમે છે.’

’ લય, આ સાહિત્ય નથી…જીવન છે.’

’ તારી સાથે જીવી શકાય તો જ મારે માટે જીવનનો કોઇ અર્થ છે. ‘

’ તું મારી વાત જાણીશ, સાંભળીશ તો તારી બધી ભાવનાઓનો ભાંગીને ભૂક્કો બની જશે.’

’ પણ મારે એવી કોઇ વાત સાંભળવી જ નથી. ‘ ’ અને કહ્યા સિવાય મારો છૂટકો નથી..’

’ જો શચી, તારો અતીત ગમે તે હોય…..તેની સાથે મારે કોઇ સંબંધ આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં જ હોય.. હું કયારેય તને કંઇ જ નહીં પૂછું. મને તારા વર્તમાનમાં અને ભવિષ્યમાં રસ છે.’

શચી મૂઢની માફક ઉભી રહી. લયને કેમ કહે કે ખાલી તેના અતીતની જ આ વાત હવે નથી રહી. અતીતને તો કદાચ તે અંતરના કોઇ ખૂણામાં દફનાવી દે. પરંતુ તેના અતીતથી પીછો છોડાવી શકાય તેમ હવે નથી રહ્યું. તેનો અતીત તેના વર્તમાન અને તેના ભવિષ્ય સાથે..તેની આખી જિંદગી સાથે સંકળાઇ ચૂકયો છે.

શચીની દ્વિધા પારખતા સૂર્યે સાગરમાં અંતિમ ડૂબકી લગાવી. અને સમય તો હમેશની માફક એક ગૂઢ મૌન સાથે ધીમે પગલે ત્યાંથી સરકી ગયો.

( શીર્ષક પંક્તિ ગૌરાંગ ઠાકર )
( દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ )

ચપટી ઉજાસ..14

01/11/2009

“ પ્રતીક્ષાની પળ લાંબી લાગે છે,

હરએક ક્ષણ યુગ જેવી ભાસે છે. “

ઘરમાં હાશકારાનું વાતાવરણ છવાયેલ છે. બધાના હૈયામાં જાણે ટાઢકનો શેરડો ફરી વળ્યો હતો.

મને યાદ આવી ગયા..મારા જન્મ પહેલાના ..ગર્ભમાં રહીને મેં સાંભળેલા શબ્દો…મારા અપમાનની..અવહેલનાની એ શરૂઆત… એનો અંત કયારેય..કયાંય હશે ખરો કે ? મને તો આજે પણ બહું ખરાબ લાગી રહ્યું હતું. હું આવવાની હતી ત્યારે જાણે ઘરમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અને આજે ? એવા ભેદભાવ શા માટે ? અમે કંઇ અમારી ઇચ્છાથી જનમ લીધો છે ? મારા નાનકડા મનમાં પણ આ ભેદભાવ..આ તફાવત આંખના કણાની માફક ખટકી રહ્યો. પણ એનો કોઇ ઉપાય
મારી પાસે કયાં હતો ? દીકરાના આવા માનપાન અને દીકરીની આવી અવગણના શા માટે ? આ ક્ષણે તો મારો આ પ્રશ્ન વણઉકેલ્યો જ
……
‘ એ તો મારા ઘડપણની લાકડી…’
’ મમ્મી, આ જમાનામાં તો એ લાકડી સહારો બનવાને બદલે વાગે જ છે. એ લાકડીથી માર ખાવાનો જ આવે છે.

અને મને લાગે છે હું પણ ભૂલથી જ જનમી ગઇ હઇશ..બીજો કોઇ ઉપાય નહીં રહ્યો હોય એટલે..ખરું ને મમ્મી ? ‘

ઉમંગી ફૈબા હસતા હસતા કહે છે.

‘અને દાદીમાનો ગુસ્સો સાતમા આસમાને…

’ બસ..બસ..હવે રહેવા દે…જે મનમાં આવે તે બકયે જાય છે. તે સારી નથી લાગતી.’
’ આમ પણ દીકરી કયારે સારી લાગી છે ? બાકી સારી..ખરાબ મમ્મી, જે કહે તે હું તો દીકરી તો તારી જ ને ? ’
’ મને એનું જ આશ્ર્વર્ય થાય છે. મારી દીકરી હોવા છતાં તું આવી કેમ થઇ ? અને હમણાં તો સાવ જ બગડી ગઇ છે. હવે જલદી ખીલે બાંધવી પડશે. ‘

’ તમારા બધાથી થોડું અલગ વિચારું એટલે બગડી ગઇ ખરું ને ? ચીલે ચાલે એ ડાહ્યા કહેવાય ને જુદો ચીલો ચાતરવા જાવ એટલે પૂરું..મમ્મી, હું કંઇ ગાય છું તે ખીલે બાંધવાની વાત કરે છે. એમ ખીલે બંધાય એ બીજા…તારી આ દીકરી તો એવા કંઇક ખીલા ઠેકી જવાની.’

’ બસ હવે ચીબાવલી થતી બેસી રહે છાનીમાની. આજે ભાઇને કહેવાની છું કે તારી આ પાગલ બેન માટે જલદીથી કોઇ મુરતિયો શોધી કાઢ નહીંતર પૂરી બગડી જતાં વાર નહીં લાગે..’
’ હા, કોઇ ઉલ્લુનો પઠ્ઠો શોધી કાઢો જે મારા જેવી માથાભારે ને સંભાળી શકે..’

દાદીમા, ફૈબાની આવી રોજિંદી લડાઇની મને તો ખૂબ મજા આવી જાય.સમજણ પડે કે ન પડે હું મારા બે ચાર દાંત બતાવતી હસતી રહું…

મને મજા પડી જશે..નાનકડા ભાઇલા સાથે રમવાની..
હું તો રાજાના કુંવરની માફક કે પછી કોઇ ઉકરડાની માફક દિવસે ન વધું એટલી રાતે અને રાતે ન વધું એટલી દિવસે એમ ઝડપભેર મોટી થતી રહું છું. ઘરમાં બધાની આ જ માન્યતા છે. હકીકતે તો સમય સાથે જેમ મોટા થવાતું હોય તેમ જ થતી હોઇશ ને ? છતાં આવા વાકયો હું સાંભળતી રહું છું. દિવસે દિવસે મારો ઉધમાત ..મારા ઉધામા વધતા જાય છે. હું પહેલીવાર એકલી ટટ્ટાર બેસતા શીખી.

‘ વાહ! જૂઇબેન તો આજથી દરબારમાં બેસતા થયા. ‘
ફૈબાએ જાણે મને વધાવી લીધી.

અને એમના એ શબ્દોથી જાણે હું ઉત્સાહમાં આવી ગઇ..અને ઝટપટ બધું શીખવા લાગી. પહેલાં બેસતા પછી ચાર પગે ચાલતા શીખી. બરાબર પૂર્વજોની જેમ.

હવે ઘરમાં બધી વસ્તુઓ અડકતાં શીખી, ઓળખતા શીખી પરંતુ મને કોઇ કશું અડવા દે તો ને ? કૂતુહલથી જેવું કશુંક અડકવા જાઉં એટલે કોઇ તુરત દોડીને એ વસ્તુ ઉંચી મૂકી દે..જાણે મને તો આ ઘરમાં કશું અડવાનો હક્ક જ નહીં. હું ગમે તેટલા ઉંચા થવાનો પ્રયત્ન કરું પણ મારા હાથ કેટલેક પહોંચે ? અને દાદીમા કંટાળીને બોલી ઉઠે

’ આને તો બધું તોડફોડ કરવા જ જોઇએ..ભારે જબરી…

’ અરે, દાદીમા, હું કંઇ તોડફોડ કરવા નથી જતી. મારે તો એ બધી વસ્તુઓને નજીકથી જોવી છે.. જાણવી છે..માણવી છે. સ્પર્શથી એને ઓળખવી છે.

પણ બધાને મારી બીક જ લાગે છે. “ લાગી જશે કે તૂટી જશે..” એવા શબ્દો જ મારા કાને અથડાયા કરે છે.

જોકે તેમની વાત કે ડર કંઇ ખોટો તો નહોતો જ..એ તો મને જાતે એકવાર અનુભવ થયો ત્યારે જ સમજાયું.

એકવાર કોઇનું ધ્યાન નહોતું. તેથી ઉચા થઇને ટીપોય પર રહેલ કાચનો ગ્લાસ લેવાનો પ્રબળ પુરૂષાર્થ મેં આદર્યો હતો. મારા હાથનો ધક્કો ગ્લાસને લાગ્યો. ગ્લાસ નીચે પડયો..અને મને કાચ લાગ્યો. લોહી નીકળ્યું. હું તો રાડારાડ……

’ એક જરાવાર શાંતિથી બેસતી નથી કે બેસવા દેતી નથી. નિશાને કેટલીવાર કહ્યું છે..કે હવે વસ્તુઓને ઠેકાણે રાખો..ઉંચી રાખો..પણ મારું સાંભળે છે કોણ ? લો, થયુંને નુકશાન ? ‘
’ દાદીમા, મને લાગ્યું તેનું કંઇ નહીં ? ગ્લાસ તૂટયો એનું જ દુ:ખ ?

પણ દાદીમાને મતે..” લાગેલું તો મટી જશે…પણ ગ્લાસ કંઇ થોડો પાછો સન્ધાઇ જવાનો ? “

બસ..ઘરમાં મારી કીંમત એક ગ્લાસથી પણ ઓછી ? છોકરી છું એટલે ?

છે કોઇ જવાબ ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

ચપટી ઉજાસ..13

28/10/2009

<stron

“ દીકરાના આગમનની એંધાણી આવી છે,

ઘરમાં ખુશહાલીની વધાઇ લાવી છે. “

આજે તો ઘરમાં જાણે ખુશીનો દરિયો હિલોળા લઇ રહ્યો છે. દાદીમા મમ્મીને લઇને હોસ્પીટલથી આવ્યા ત્યારે તેમનો હરખ સમાતો નહોતો. ઉમંગી ફૈબા સાથે નહોતા ગયા કેમકે એ આવી બધી વાતોથી વિરુધ્ધ હતા. આવી બધી એટલે કેવી ? એની તો મને સમજ પડી નહીં. પણ કોઇક વાત જરૂર હતી અને એમાં દાદીમાએ પોતાનું જ ધાર્યું કર્યું હતું એટલું હું સમજી શકી.

જે હોય તે પણ હોસ્પીટલેથી આવ્યા બાદ દાદીમા ખુશખુશાલ હતા એટલી હકીકત હું જાણી શકી. અને મમ્મીના ચહેરા પર પણ ખુશી સાફ ઝલકતી હતી.

આજે તો દાદીમા મારી ઉપર પણ ખુશ છે. સામાન્ય રીતે મારી ઉપેક્ષા કરતાં દાદીમા આજે મારી સાથે હસીને વાતો કરવા લાગ્યા. હું આની પાછળનું રહસ્ય સમજી ન શકી..આખિર માજરા કયા હૈ ? અચાનક આવડો મોટો બદલાવ ?
મને હીંચકા નાખતા દાદીમા કહે,

’ ભલે આવ્યા કાળીબાઇ….પાછળ ભાઇને લાવ્યા ખરા…ઘણી ખમ્મા…’

મને તો ખોટું લાગી ગયું. પણ….આવા તો કંઇ કેટલાયે અપમાન ગળી જવાની આદત ભવિષ્યમાં પાડવાની હતી ? …આ તેનું માત્ર નાનકડું રીહર્સલ હતું કે શું ? એ તો ભવિષ્ય જ કહી શકે ને ?

હવે દાદીમા મમ્મીનું બહું ધ્યાન રાખે છે.

‘ બસ, હવે બહું કામ કર્યું. ડોકટરે આરામ કરવાનું કહ્યું છે એ નથી ખબર ? તબિયતનું પહેલા ધ્યાન રાખવાનું..બીજું બધું પછી.’

ઉમંગી ફૈબા આ સાંભળી હસી પડે છે. ને પછી બોલે છે.

’ ભાભી, ફૂલાતા નહીં હોં કે આ બધા વહુના માનપાન છે. આ વહુનું ધ્યાન નથી રખાતું. આ તો આવનાર વારસદારના માનપાન છે. આ ધ્યાન તો રખાય છે પૌત્રનું..તમારી કૂખમાં દીકરો છે એ જાણી લેવાથી હવે બધી સંભાળ લેવાશે. ‘

દાદીમા ગુસ્સાથી બોલે છે,’ તને નહીં પહોંચાય તોબા તારાથી તો..’

’ તોબા યે મતવાલી ચાલ, ઝૂક જાયે ફૂલોકી ડાલ…’

ઉમંગી ફૈબા તો ગાતા જાય અને દાદીમાના હાથ પકડી તેને પણ નચાવતા જાય છે.

‘ ચલો, આજે તો તમારે પણ ડાન્સ કરવાનો છે. આ કંઇ જેવી તેવી વાત છે ? દાદીમાને સ્વર્ગની સીડી ચડાવનાર પૌત્રની પધરામણી થવાની છે.

દાદીમાના ખડખડાટ હાસ્યના પડઘા ઘરમાં રેલાઇ રહે છે.
’ તારે જે બોલવું હોય તે બોલ…એ તો અનુભવે જ સમજાશે. ધીરી પડ મારી બાઇ..’

’ ના રે, મમ્મી, હું તો મારે ઘેર પૌત્રી આવશે ને ત્યારે જ નાચીશ. ‘

’ હા, તું તો આમ પણ ગામ આખાથી ઉલટું જ કરવાવાળી છે ને ?બેનબા સાસરે જશો, ખીલે બન્ધાશો ત્યારે જ ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે.’

’ પાંચ વીસે સો…

ઉમંગીફૈબા ટપ દઇને બોલી ઉઠયા. ઇટસ સો સીમ્પલ…

દાદીમા અને ફૈબાની આવી ટકાટકી અવારનવાર ચાલતી જ રહે છે. બંને વચ્ચે ચર્ચાઓ, દલીલોનો કોઇ પાર નથી હોતો. મને તો સમજાય નહીં તો પણ ફૈબાની વાત જ સાચી લાગે. જાણે હું મોટી ન્યાયાધીશ..જે કહો તે પણ ફૈબા મને બહું ગમે છે. દાદીમાને યે એ ખરું સંભળાવી દે છે. આમ પણ દાદીમાને આ ઘરમાં કોઇ કંઇ કહી શકતું હોય તો તે ફૈબા જ છે. દાદાનો તો ન જાણે કેમ પણ આ ઘરમાં કોઇ અવાજ જ નથી. એ તો ચૂપચાપ જ રહે છે. કદાચ હમેશા માંદા જ હોય છે. અને પપ્પા તો આખો દિવસ બહાર જ હોય છે. એમને બહું કામ રહે છે એમ બધા કહે છે.

હા, તો આ બધાનો અર્થ મારે માટે એટલો જ કે મારે નાનકડો ભાઇ આવવાનો છે. જે આ ઘર માટે અણમોલ છે.

મમ્મી દીકરાને..આ ઘરના વારસદારને..વંશવેલો આગળ વધારનારને જનમ આપવાની હતી તેથી તેના માનપાન ..સારસંભાળ વધી ગયા હતા. મારા આગમનથી ઘરમાં ઉકળાટનું વાતાવરણ છવાયેલ હતું હવે દીકરાના આગમનથી જાણે ધોમધખતા તાપમાં વરસાદનું આગમન..ઠંડી હવાની લહેરખી ફરી વળી..અને બધાએ રાહતનો શ્વાસ લીધો. મને એકને તો માંડ માંડ..પરાણે સ્વીકારી હતી..હવે બીજી લક્ષ્મીજીને આ ઘરમાં કોઇ આવકારી શકે તેમ નહોતું જ. કદાચ મમ્મી પોતે પણ નહીં. જો દીકરી છે એવી ખબર મળી હોત તો….એક તોફાન મચત…અને એ જનમતા પહેલા જ……

પણ..હવે આ ક્ષણે તો એવો કોઇ સવાલ નહોતો…..

બાકી હવે પછીની ક્ષણ વિશે તો કોણ કહી શકે ? માના ગર્ભમાં શું છે એ જાણી શકયા..પરંતુ કાળના ગર્ભમાં શું છે એ કોણ જાણી શકયું છે ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી શ્રેણી )

ચપટી ઉજાસ..12..

26/10/2009

“ જીવનની તેજ રફતાર ચાલે છે,

પ્રસંગો અહીં પળવાર ચાલે છે.”

તહેવારના દિવસો પૂરા થઇ ગયા. અને ફરી પાછા ઠેરના ઠેર..પણ એ દિવસોની સ્મૃતિ દિવસો સુધી જીવંત રહી. સમય પંખીની માફક ઉડવા લાગ્યો. ..અને સાથે સાથે હું પણ ઝડપભેર મોટી થવા લાગી. કોઇને મન હું તો ઉકરડો રહીને ? ઉકરડાંને વધતા વળી શી વાર ?

આજે મારા અન્નપ્રાશન થયા. સરસ મજાના ચાંદીના રૂપિયા પર શીરાનો પ્રસાદ ધરાવાયો. અને પછી ઉમંગી ફૈબાએ પોતાના હાથે મને જરીક અમથો ચટાડયો. હું તો ચપચપ ચાટી ગઇ. આ દુનિયામાં આવ્યા બાદ પાંચ મહિને કશુંક બીજું ખાવા મળ્યું..અને તે પણ ભગવાનનો પ્રસાદ…મીઠો, મજાનો શીરો..મજા જ આવી જાય ને ? મને તો થયું આખો વાટકો ખાઇ જાઉં. પણ ફૈબાએ તો ખાલી જરીક અમથો ચખાડયો જ.

‘બસ.બસ ભાભી, આજે વધારે નથી આપવો. પહેલીવાર આપીએ છીએ કયાંક ન પચે તો ? ‘

અરે, ફૈબા, હું બધું યે પચાવી જઇશ. તમે તમારે આપોને… પણ ફૈબા કંઇ મારી વાત થોડી સાંભળવાના કે સમજવાના હતા ? હું તો કયાંય સુધી ચપચપ અવાજ કરતી રહી. તે જોઇને દાદીમા કહે
,’ આ ભૂખાળવી જો…..હજુ માગે છે..આ તો બધું યે પચાવી જાય તેવી છે. ’

’લ્યો..પહેલાં કજિયાળી અને હવે ભૂખાળવી…સારા વિશેષણો મને મળવાના જ નહીં ? મારા વિશે તો જાણે બધાને ઇચ્છા થાય તે બોલવાની છૂટ..મારે ચૂપચાપ સાંભળી લેવાનું..કયાં સુધી ?
હવે તો રોજ મને જુદી જુદી વાનગીઓ મળવા લાગી. ખીચડી પણ મળે, ને શીરો પણ કયારેક મળે..દાળ ભાત પણ મળે. દૂધ મળવાનું હવે ઓછું થઇ ગયું છે. એ નુક્શાન થયું. મમ્મીનો ખોળો હવે જલદી નથી મળતો. અમારા મા દીકરીના અંગત સમયમાં કાપ મૂકાઇ ગયો. દાદીમા જ મોટે ભાગે મને ખવડાવવાનું કામ કરે છે. ફૈબા ઘરમાં હોય ત્યારે હોંશથી એ ખવડાવે. કંઇક ગીતો ગણગણતા જાય અને મને વહાલથી કોળિયા ભરાવતા જાય. બાકી દાદીમા તો…..

’ લે છોડી, હવે નખરા કર્યા સિવાય ખાઇ લે..તને એમ કે બધા તારી પાછળ નવરા જ બેઠા છે કાં ? ‘

દાદીમાની જીભ ચાલતી રહેતી. અરે, કયારેક મને ખાતા વાર પણ લાગે..કે કયારેક કોઇ વસ્તુ ન ભાવતી હોય તો હું મોં ન પણ ખોલું… મને એટલી પણ સ્વતંત્રતા નહીં ?

આજે સવારથી મમ્મીની તબિયત સારી નહોતી. એને ઉલટીઓ થતી હતી. હું તો મારી મમ્મીની હાલત જોઇને ગભરાઇ ગઇ. મારી આંખો છલોછલ…થોડીવાર પછી તો હું મોટેથી રડી પડી. પરંતુ મારું રૂદન સાંભળે કોણ ? અને દાદીમા તો મમ્મીની ચિંતા કરવાને બદલે હસતા હતા..ખુશ થતાં હતાં. મને તો ગુસ્સો આવ્યો.

પણ આ શું ? હમેશા મમ્મીની ચિંતા કરવાવાળા ઉમંગી ફૈબા પણ મમ્મીને ઉલટી કરતી જોઇને ખુશ થતાં હતા. મને તો કેમે ય સમજાયું નહીં. ફૈબા આવું કરે ? પછી મમ્મી અને ફૈબા હોસ્પીટલે ગયા. અને હું દાદીમાને હવાલે..

‘ છોડી…તું આવી તો ભલે આવી. પણ હવે સારા સમાચાર આવવા જોઇએ હોં..ભાઇને લાવવાનો છે..શું સમજી ? ‘

ન જાણે દાદીમા શું યે બોલતા હતા. ફૈબા તો મમ્મીની સાથે ગયા હતા. હું તો રડવાની હિમત પણ નહોતી કરતી. દાદીમાના રાજમાં રડું તો યે કંઇ બહું ફરક ન પડે. મારા આંસુ કંઇ સોનાના થોડાં છે ? વધુમાં વધુ દાદીમા હીંચકાની દોરી જોશથી ખેંચે..ને મને બે ચાર સંભળાવી દે..જાણે મને ફંગોળતા ન હોય ! હું ડરની મારી અંતે આંખો બંધ કરી દઉં.

આજે મને તો મમ્મીની ચિંતા થતી હતી. પણ હું અબોલ..અબોધ…કોને પૂછું ? મને કોણ કહે ? હું ચૂપચાપ પડી રહી. ખાસ્સી વારે મમ્મી અને ફૈબા આવ્યા. ફૈબાનો ચહેરો હસુ હસુ થતો હતો.

‘ મમ્મી, તું પાછી દાદી બનવાની..સારા સમાચાર છે. ‘

’ સારા તો ત્યારે કહેવાય…દીકરો આવે તો. એ તપાસ કરાવી કે નહીં ? ‘

દાદીમાને તો કંઇક બીજી જ વાત જાણવી હતી..શું એ તો મને ન સમજાયું. પણ મમ્મીની તબિયતના સમાચાર પૂછવાને બદલે તે તો કંઇક જુદી જ વાત કરતા હતા…અને ફૈબા પણ….

’ તપાસ કયારે કરાવવાની છે ? ‘દાદીમા બોલ્યા…

’ અરે, મમ્મી, એવી તપાસ કરાવવી એ અપરાધ ગણાય છે. એવી કોઇ જરૂર નથી. ’

બસ..હવે બધી વાતમાં કંઇ તારું નહીં ચાલે શું સમજી ? અહીં શું કંઇ દીકરીઓની લંગાર કરવાની છે ? દીકરો હોય તો ઠીક છે..નહીંતર હવે હું કોઇનું સાંભળવાની નથી..એ સમજી લેજે..શું સમજી ? ગયે વખતે તું યે ભાભીના ગાડે ચડી બેઠી હતી એમાં આ માતાજી પધારી ગયા. પણ હવે બહું થયું હોં…અને આપણે તો દાકતર ઘરના છે. તારા મામાની દીકરી જ છે..એ થોડી મને ના પાડવાની હતી ? ‘

દાદીમા બોલતા રહ્યા. ફૈબાને કોલેજમાં જવાનો સમય થઇ ગયો હતો તેને મોડું થતું હતું તેથી તે પણ ભાગ્યા. મમ્મી તો હમેશની જેમ રસોડામાં..દાદી અને ફૈબા બંનેની વાત તેણે સાંભળી હતી. કદાચ એ સાંભળી શકે માટે જ દાદીમા મોટેથી બોલ્યા હતા.

મને તો આમાનું કશું જ ન સમજાયું. આખરે આ બધું છે શું ? કોઇ મમ્મીની તબિયતના સમાચાર પૂછવાને બદલે આ બધી શેની ચર્ચા લઇને બેઠા છે. નક્કી કશુંક છે.. પરંતુ શું ? એ વિચારોમાં મારી આંખોમાંથી ઉંઘ અદ્રશ્ય…

તે રાત્રે..મમ્મી અને પપ્પા વચ્ચે પણ ન જાણે શું ગૂસપૂસ થતી રહી.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રકાશિત થતી કોલમ )

આજની ખાટી મીઠી…

24/10/2009

તમારા માથાના વાળ રૂપેરી થઇ જાય ત્યારે તમે સોનેરી દિવસો યાદ કરવા લાગો છો…

સાવકી મા…..

22/10/2009


’ ભાઇવાળી મોટી ન જોઇ હોય તો..બેસ હવે હેઠી. આખો દિવસ ‘ભાઇ ભાઇ ‘કહી એની પાછળ ફર્યા કરે છે. કંઇ ભાન તો પડતી નથી. ‘

ફૈબાની વાત કંઇ ન સમજાતા નવ વરસની પલક ચૂપચાપ ફૈબા સામે જોઇ રહી. જોકે પછી ફૈબાને થયું.

’ આ બિચારી છોકરીનો શું વાંક ? એ શું સમજે ? એને શું ભાન પડે ? પણ મારે તો મા વિનાની આ છોકરીનું હિત વિચારવું રહ્યું ને ? ‘

અને ફૈબા પોતાની જવાબદારી ન નિભાવે તેવું તો બને જ નહીં ને ? સાવકી માના પનારે પડેલી આ છોકરીને તે દિલથી ચાહતા હતા. મરતી વખતે ભાભીએ તેને જ જવાબદારી સોંપી હતી ને ?

‘ બહેન, મારી નમાયી દીકરીનું તમે ધ્યાન રાખશોને ? ‘

ભાભીના ગયા પછી પોતે બે મહિના ભાઇ સાથે રહી હતી. પરંતુ અંતે તો પોતાને ઘેર ગયા વિના કેમ ચાલે ? જતી વખતે પલકને પોતાની સાથે લઇ જવાની ખૂબ જીદ કરી હતી. પરંતુ ભાઇ એક નો બે ન થયો.

’ બેન, પલકને સહારે તો મારે હવે જિન્દગી કાઢવાની છે. એને લઇ જઇશ તો હું સાવ એકલો…અનાથ બની જઇશ. ‘

પછી બધાના સમજાવવાથી એક વરસમાં ભાઇએ બીજા લગ્ન કર્યા હતા. ભાઇએ બીજા લગ્ન કર્યા તેની સામે તો બહેનને કોઇ વાન્ધો નહોતો. પરંતુ એક તો ભાઇએ પોતાને પૂછયા વિના જ લગ્નનો નિર્ણય લીધો. અને તે પણ ચાર વરસના દીકરાની મા સાથે. રમ્યા ભાઇની ઓફિસમાં જ કામ કરતી હતી. અને વિધવા હતી. શશાંક અને રમ્યાએ સાથે મળીને ખૂબ વિચાર્યા બાદ આ નિર્ણય લીધો હતો. લગ્ન કોર્ટમાં જ કર્યા હતા. ત્યારે મોટીબહેનના પતિની તબિયત થોડી સારી ન હોવાથી તે નહોતી આવી શકી. પછી તેની વહુને ડીલીવરી આવી. બહેન એક પછી એક સંજોગોમાં ફસાતી રહી. તેથી લાખ ઇચ્છા છતાં જલદી આવી શકી નહીં. હવે છેક છ મહિને ભાઇને ઘેર આવી શકી હતી.

સાવકી મા ગમે તેટલી સારી હોય પણ પારકા જણ્યાને પોતાનાની જેમ થોડા સાચવી શકવાની હતી ? પુરૂષને બિચારાને શું ખબર પડે ? અને તે વળી ઘરમાં કેટલો સમય હોય ? આને તો વળી આગલા ઘરનું પોતાનું છોકરું પણ છે. અને તે યે વળી દીકરો. પછી આ બિચારી છોકરીના ભાવ કોણ પૂછવાનું હતું ? પલકનું બિચારીનું શું થતું હશે એ વિચારી વિચારીને મોટીબહેન દુ:ખી થઇ રહેતી. હવે પોતાના સંસારમાંથી થોડી નવરાશ મળતાં તે પલક માટે થઇને દોડી આવ્યા હતા. આવતાની સાથે જ પલકનો હવાલો પોતે સંભાળી લીધો હતો. રમ્યા મનમાં સમજી ગઇ. પરંતુ કશું બોલી શકી નહીં.

પલકને નાનકડો લવ્ય ખૂબ વહાલો હતો. રમ્યા કયારેય ભાઇ બહેન વચ્ચે કોઇ ભેદભાવ રાખતી નહીં. તેના મનમાં એવો કોઇ વિચાર પણ કયારેય આવ્યો નહીં કે પલક પારકી છે. ભાઇ બહેન વચ્ચે નિર્વ્યાજ સ્નેહ પ્રગટી રહે તેવા જ તેના પ્રયત્નો રહેતા. લવ્યના આવ્યા પછી પલક ખુશખુશાલ રહેતી. આ નાનકડો ભાઇલો કેવો તેની પાછળ પાછળ ફર્યા કરતો. તેને દીદી કહીને બોલાવતો. અને પોતે જે કરે તેની કોપી કર્યા કરતો. સાવ બુધ્ધુ છે. કંઇ ખબર નથી પડતી. ભાઇ બહેન આખો દિવસ સાથે જ ફર્યા કરતા. પલક લવ્યનું ખૂબ ધ્યાન રાખતી. પણ ફૈબા માટે તો લવ્ય પારકો જ હતો. એ કંઇ પોતાના ભાઇનો દીકરો થોડો હતો ? અને આ રમ્યા જબરી લાગે છે. પહોંચેલી માયા દેખાય છે. પોતાની હાજરીમાં કેવું મીઠું બોલે છે. પણ બાઇ, મેં આખી દુનિયા જોઇ છે. હું કંઇ એમ છેતરાઉં તેમ નથી. તારા શબ્દોથી ભરમાય એ બીજા…આ મોટીબહેન તો બધા સ્ત્રીચરિત્ર જાણે. બારીક નિરીક્ષણ કરવા છતાં પણ રમ્યાનો કોઇ વાંક જલદી શોધી ન શકાતા ફૈબાને થયું પલકને જ સમજાવવી પડશે. નહીતર પોતે જશે પછી આ છોકરી હેરાન જ થવાની. બાપ આખો દિવસ ઓફિસમાં અને ઘેર સાવકી મા..અને સાવકો ભાઇ. ફૈબાનું દિલ કરૂણાથી ઉભરાઇ આવ્યું. ભીની આંખો લૂછી તેણે પલકને પોતાની પાસે બોલાવી ખોળામાં બેસાડી. રમ્યા કશુંક લેવા બજારમાં ગઇ હતી. અને લવ્ય ઉંઘી ગયો હતો.

‘ જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળજે ને સમજજે.. બેટા, હવે તારે આ ઘરમાં ધ્યાન રાખીને રહેવાનું છે. ‘

’ શેનું ધ્યાન ફૈબા ? ‘

’ અરે, મારી ભોળી દીકરી…તને કેમ સમજાવવી ? તું માને છે તેવી દુનિયા સરળ નથી. અહીં તો જીવવા માટે, પોતાના હક્ક માટે જાતજાતના ખેલ કરવા પડતા હોય છે. બેટા, એ બધું તને કેમ સમજાવવું ? સાવકી માના સાચા ચહેરાને ઓળખવો કંઇ સહેલો છે ? ફૈબા એકલા એકલા ગણગણી રહ્યા.

પલકને કશું સમજાયું નહીં. ફૈબા આ બધું શું બોલે છે ? અને ફૈબા મમ્મીને સાવકી મા એવું કેમ કહ્યા કરે છે ? સાવકી મા એટલે વળી શું ?’

’ બેટા, આ મમ્મી તારું ધ્યાન રાખે છે ? તને મારતી તો નથી ને ? ‘

’મમ્મી વળી શું કામ મારે ? એ તો ધ્યાન જ રાખેને..પોતાને કેટલું વહાલ કરે છે. મમ્મી તો બધાને ગમતી જ હોય ને ? ફૈબા આમ કેમ પૂછે છે ?

‘ હા, ફૈબા, મમ્મી મને ખૂબ ગમે છે. મારો નાનકડો ભાઇલો લવ્ય તો મને બહું વહાલો છે. ‘

‘ જો બેટા, તારે છે ને ધ્યાન રાખીને રહેવાનું. આ મમ્મી છે એ કંઇ તારી સગી મા નથી. અને આ લવ્ય કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? ‘

‘ કોણ લવ્ય ? ના, ફૈબા પપ્પાએ જ મને કહ્યું છે કે લવ્ય તારો ભાઇ છે. ‘

ત્યાં સૂતેલ ચાર વરસના ભાઇને સ્નેહથી નીરખતી પલક બોલી ઉઠી.

‘ અરે રે,આ અબૂધ છોકરીને કેમ સમજાવવી ? આ બાઇ પહેલા પોતાના છોકરાનું વિચારશે કે આ નમાયી પારકી છોકરીનું ? હવે આ ધીમેધીમે પોતાનું પોત પ્રકાશશે અને આ બિચારી છોકરીને માથે દુ:ખના વાદળો આવવાના જ. આ માસૂમ તો કંઇ સમજવાની નહીં. પાછો પોતાનો દીકરો છે ને આ તો છોકરીની જાત. અને તે પણ સાવકી…બીજી શું આશા એની પાસેથી રાખી શકાય ? પોતે આવા દાખલા ઓછા જોયા છે ? ફૈબા મનોમન પોતે જોયેલ ઉદાહરણો યાદ કરી રહ્યા. અને જીવ બાળતા રહ્યા.

પોતાનો ભાઇ તો સાવ ભગવાનનું માણસ..જોને આ છોકરો જાણે પોતાનો સગો દીકરો હોય એમ જ એને ચાગ કરે છે ને ? આમાં બિચારી છોકરીનું કોણ બેલી ? હજુ નવું સવું છે ત્યાં સુધી સારી રીતે સાચવશે. આ ભણેલા તો બહું ઉંડા હોય. અંદર જુદા ને બહાર જુદા. મન કળાવા જ ન દે ને…આપણી જેમ કંઇ જેવા હોય એવા ન દેખાય..

પણ પોતે કરી યે શું શકે ? પલકને પોતાની સાથે લઇ જાય..પણ ભાઇ ચોખ્ખી ના જ પાડી દેવાનો.. છોડીને નશીબ ઉપર જ છોડી દેવાનીને ? ફૈબા મૂંઝાઇ રહ્યા. પણ ફરી એકવાર પલકને સમજાવવાની કોશિશ કરવાનું તો ન જ ચૂકયા.

’ જો બેટા, આ ..શું નામ..લવ્ય ને ? ‘ ’ જો એ કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? અને આ તારી મા છે ને એ કંઇ તારી સગી મા નથી. એ તારી સાવકી મા છે.’

ફૈબાએ વહેવારનો એકડો ઘૂંટાવવો શરૂ કર્યો.

’ સાવકી મા ? કોણ ? મારી મમ્મી ? ‘

’ હવે રાખ..મમ્મી શાની ? તારી મમ્મી તો કયારની ઉપર ભગવાન પાસે પહોંચી ગઇ છે. ‘

ફૈબાના અવાજમાં થોડી ભીનાશ તો ભળી..પરંતુ ન જાણે કેમ પલકને સ્પર્શી નહીં.

ફૈબા ફરીથી પલકને સમજાવવામાં વ્યસ્ત થઇ ગયા.

થોડાં દિવસ પછી ફૈબા ગયા ત્યારે પલકને બીજું કશું તો નહીં પરંતુ સાવકી માનો અર્થ સમજાઇ ગયો હતો. અને લવ્ય પોતાનો સગો ભાઇ નથી..અને હવે પોતાને આ નવી મમ્મી મારશે એવું બધું સમજાઇ ચૂકયું હતું. ફૈબા બિચારા પોતાની ફરજ બજાવી રડતી આંખે વિદાય થયા.

પલકનું બાળમાનસ ભયંકર ગૂંચવાડામાં પડયું હતું. ફૈબા કહેતા હતા એવું કશું દેખાતું તો નહોતું..પણ ફૈબા ખોટું થોડું બોલે ? પોતાની મમ્મી ઉપર ભગવાન પાસે હમેશ માટે ચાલી ગઇ હતી એવું તો પહેલાં પણ બીજા કોઇક પાસેથી સાંભળ્યું હતું.

તો પછી શું ફૈબાની વાત સાચી હશે ? મમ્મી હવે મને દુ:ખ આપવાની ? ખાલી લવ્યનું જ ધ્યાન રાખવાની ? લવ્ય મારો સગો ભાઇ નથી ? સાવકો અને સગો બે જુદા જુદા ભાઇ હોતા હશે ? હવે પૂછવું કોને ? પપ્પાને કે મમ્મીને પૂછવાની કે કશું કહેવાની ફૈબાએ ના પાડી છે. ફૈબાએ કહ્યું છે કે મમ્મી શું કરે છે તે બધું બરાબર જોતી રહેજે. જમવામાં પણ લવ્યને શું આપે છે ને તને શું આપે છે તેનું ધ્યાન રાખજે. તારે જ લવ્યનું બધું કામ કરવું પડશે..લવ્યની ગુલામ થઇને રહેવું પડશે. ગુલામ એટલે શું ? એ પણ ફૈબાએ સમજાવ્યું હતું.

પલક મનોમન ધ્રૂજી ઉઠી. એમાં એક દિવસ કોઇક ટી.વી.માં કોઇ જૂના પિકચરમાં સાવકી માને દીકરીને મારતી જોવામાં આવી ગયું. અને પલકના હોશહવાસ ઉડી ગયા. બસ હવે થોડા દિવસોમાં પોતાના હાલ પણ આવા જ થવાના.

હસમુખી, ચંચળ પલક ઉદાસ રહેવા લાગી. હવે એ લવ્યનું ધ્યાન રાખતી નથી. લવ્યને હેરાન કરવાની એક પણ તક ચૂકતી નથી. લવ્ય ‘ દીદી દીદી’ કરતો એની પાછળ ફરે છે. પણ પલક પહેલાની જેમ એને વહાલ કરવાને બદલે એનાથી દૂર જ ભાગે છે. આજે પણ એવું જ થયું.
‘ દીદી, કરતો લવ્ય પલક પાછળ દોડી રહ્યો હતો. પલકના હાથમાં રહેલ રંગીન ક્રેયોનનું બોક્ષ લેવા મથી રહ્યો હતો. પહેલા તો પલક હોંશે હોંશે ભાઇલાને આપી દેતી હતી. પરંતુ હવે સાવકા ભાઇને કેમ આપે ?

નાનકડા લવ્યએ દીદીના હાથમાંથી ક્રેયોન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. પલકે ગુસ્સામાં આવીને લવ્યને ધક્કો માર્યો. લવ્ય પડી ગયો. અને રડવા લાગ્યો. રમ્યા શાક સમારતી ત્યાં જ બેઠી હતી. તેણે જોયું કે પલકે લવ્યને ધક્કો માર્યો.

તેણે સ્વાભાવિક રીતે જ પલકને ઠપકો આપ્યો

’ ભાઇને આમ મરાય ? બેટા, તું તો મોટી છે. ભાઇને સોરી કહી દે.’

’ નહીં કહું સોરી..’ કહી પલક ત્યાંથી ભાગી ગઇ.

રમ્યા સ્તબ્ધ. પલક કયારેય આવું તો નહોતી કરતી. તે વિચારમાં પડી ગઇ.નક્કી આમાં ફૈબાનો જ હાથ..ફૈબા જૂનવાણી હતા. અને આખો વખત પલક સાથે કંઇક ઘૂસપૂસ કર્યા કરતા. પોતે આવી ચડે તો વાત બદલી નાખતા હતા. આ નિર્દોષ છોકરીના મનમાં કશુંક ભરાવ્યું છે તે ચોક્કસ. નહીંતર પલકને લવ્ય કેટલો વહાલો હતો. હમણાંથી પલક ‘ મમ્મી મમ્મી ‘ કરતી પોતાની પાસે પણ આવતી નથી. એનો ખ્યાલ પણ અચાનક રમ્યાને આવ્યો. આનો ઉપાય કરવો જ રહ્યો. શું કરવું તે રમ્યા વિચારતી રહી.

પણ હજુ રમ્યા કશું વિચારે તે પહેલા જ…. તે દિવસે રવિવાર હતો. પલકને થોડા શરદી, ઉધરસ થયા હતા. રમ્યાએ લવ્યને કેળુ આપ્યું. પલકને પણ કેળુ ખૂબ ભાવતું હતું. સામાન્ય રીતે તો રમ્યા રોજ બંનેને સાથે જ આપે. પરંતુ આજે પલકને શરદી હોવાથી તેણે પલકને ના પાડી. અને પલકને ભાવતો લાડુ આપ્યો. પલકે જોયું કે ભાઇને કેળુ આપ્યું અને પોતાને ના પાડે છે. તેને ફૈબાની વાત યાદ આવી ગઇ. તે કશું બોલ્યા સિવાય ઉપર ભાગી ગઇ. રમ્યાને થયું. પોતે કૂકર મૂકીને હમણાં ઉપર જશે. અને પલકને મનાવી લેશે.
ત્યાં લવ્ય દીદીની પાછળ તેને કેળુ આપવા ઉપર ગયો.

‘દીદી…’ કહી તેણે પોતાનો નાનકડો હાથ પલક તરફ લંબાવ્યો. પલક ગુસ્સામાં હતી. તેણે લવ્યને જોશથી ધક્કો માર્યો.

લવ્ય દાદર પાસે જ હતો. રમ્યા બરાબર દાદર પાસે પહોંચી હતી. પલકને મનાવવા ઉપર આવતી હતી. ત્યાં… લવ્યને દાદર પરથી ગબડતો જોઇ રમ્યાની ચીસ નીકળી ગઇ. શશાંક પણ દોડી આવ્યો. રમ્યાએ લવ્યને ખોળામાં લીધો. લવ્યના કપાળ ઉપરથી લોહીની ધાર વહેતી હતી. શશાંકે તુરત ડોકટરને બોલાવ્યા.

આટલું બધું લોહી અને ડોકટરની ધમાલ જોઇ પલક ગભરાઇ ગઇ હતી. પોતે ભાઇલાને આ શું કરી નાખ્યું ? તેને એ પણ ખબર પડી ગઇ હતી કે મમ્મીએ પોતાને લવ્યને ધક્કો મારતા જોઇ લીધી છે. હવે પોતાને….

તે ધ્રૂજી ઉઠી.

સદનશીબે લવ્ય બચી ગયો હતો. કપાળ ઉપર બાર ટાંકા લેવા પડયા હતા. લવ્યના કપાળ પર પટ્ટી બાન્ધેલી જોઇ પલક એક ખૂણામાં ગુનેગારની જેમ ઉભી હતી. તેને મનોમન રડવું આવતું હતું.

અચાનક શશાંકે રમ્યાને પૂછયું,

’ પણ લવ્ય પડી કેમ કરતાં ગયો ? ‘

બસ..પૂરું…. હમણાં મમ્મી પોતાનું નામ લેશે. અને પછી…. ‘

પલકના અસ્તિત્વમાં એક ધ્રૂજારી..આંખો સામે ટી.વી.માં જોયેલા અઢળક દ્રશ્યો….

પલક સામે જોતી રમ્યાએ ધીમેથી જવાબ આપ્યો.

’ તમને તો ખબર છે. લવ્ય કેટલો તોફાની છે. પલક તેને રમાડતી હતી ત્યાં ભાઇ સાહેબ ગબડી પડયા.

પલક સાંભળી રહી. તે રાત્રે પલક ધીમેથી મમ્મી પાસે આવી.

’ મમ્મી….’
તે ધીમેથી કશું બોલવા જતી હતી. ત્યાં રમ્યાએ તેને વહાલથી ખોળામાં લીધી.

પલક “ મમ્મી “ કહી મોટેથી રડી ઉઠી.

( ” અખંડ આનંદ ” દીપોત્સવી અંક 2009માં પ્રકાશિત વાર્તા )