એ જમાના ગયા..

જમાના ગયા.

 ‘હવે તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? ‘

દેવુ નાનો હતો ત્યારે બધા રંગો તેને બહું ગમતા. તેથી મને થયું કે આવે છે  તો…’

અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ. રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. ‘ પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે..

 

ભૂલી ગઇ ? બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો..પણ બે દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો.

આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે નેઆવું કેટલું યે ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉંહું તો મારા દેવુને ગમશે કરીશ. આખી જિંદગી ભલે બદલાયાહવે બદલાઇશું. ‘ ’ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? ‘

બધી માને એવું લાગતું હોય છે. પણ સો વાતની એક વાત.!

આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો નથી આપવો નેકોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશુંપછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. ’

હા, અને પાછો તેનો સાત વરસનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળીએટલે નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો..બા, હું તમારું ઘર જોવા આવું છું. ‘ પૌત્રની વાત યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઇ ગયો.

 

તો રમેશભાઇની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ?

પતિ પત્ની એકબીજા સામે ધૂંધળી આંખોએ મૌન બની જોઇ  રહ્યા.

 જરાવારે સ્વસ્થ થઇ ને રમેશભાઇ બોલ્યા, ‘ એટલે તો ઘર  સરખું, એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાણી થોડું ગમેએમને તો બધી સગવડ જોઇએ.

અને દેવુએ  તેના દીકરાને કેટલીયે અને કેવી વાતો ઘર વિશે કરી હશે..તેથી તો નાનકડા રોહને મને ફોનમાં કહ્યું હતું ને કે

 “ દાદા, તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે !  “

  દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો..? ના..ના..મારા દીકરાને જરાયે ઓછું આવે એવું  હું નહીં થવા દઉં…’

 સાત વરસના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે..તેની મીઠી કલ્પનામાં  પતિ પત્ની બંને ખોવાઇ  રહ્યા.પાંચ વરસ પહેલાં દીકરો એકલો આવ્યો હતોઆજે  હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ  આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકતો હતો. દેવાંગ કયારેક  રોહન સાથે ફોનમાં વાત કરાવતો. પણ જોવા તો હવે મળશે. પૌત્રને  પોતે શું આપશે..કયાં લઇ જશે, તેને શું ગમશે, શું નહીં ગમેતેની ચર્ચામાં દાદા, દાદી  મશગૂલ થઇ ગયા.

પૈસાનો કોઇ પ્રશ્ન હતો નહીં તેથી ઘરનું કામ ઝપાટાબંધ થવા લાગ્યું. રમેશભાઇ માથે રહીને દેખરેખ રાખતા.

 કારીગરોને કહેતા રહેતા..

જોજો, કયાંય કચાશ રહેવી જોઇએ હોં. મારો દેવુ..મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ  થવું જોઇએ.પૈસા પૂરા લેજો પણ મને કામમાં વેઠ નહીં ચાલે..હા, કહી દઉં છું. મારો દેવુ આવે છે..

અને મારો દેવુ કંઈ માસ્તરના દીકરાની જેમ બે દિવસ નહીં.. તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શકયા નહીં. પછી બિચારા દીકરાનો શું વાંક ? સગવડોથી ટેવાઇ ગયો હોય એટલે આવામાં રહી શકે ને ? પણ હું કંઇ એવી ભૂલ થોડો કરું ?

રમેશભાઇ પોતાની જાતને સધિયારો આપતા હતા  કે પછી…..

 દીવાલો પર વરસોથી ટહુકતા મોર,પોપટ અદ્રશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ, ચમકતી..ડીસ્ટેમ્પરવાળી દીવાલો શોભી ઉઠી. નીતાબહેન મૌન રહી પતિની ધૂન જોઇ રહેતા.

પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખ્યુંવરસો સુધી સાચવેલ તેનું નાનું ટેબલ..જેના પર દેવુએ જાતજાતના રંગીન સ્ટીકરો ચોંટાડેલ હતા. જે  બધા હવે અડધા ફાટી ગયા હતા. તો પણ નીતાબહેનને દીકરાની યાદગીરી માનીને આજ સુધી સંભાળી રાખ્યા હતા. તે કચવાતે મને કાઢી નાખ્યાતેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ અને  કાચનો મજાનો  ફલાવરવાઝ ગોઠવાઇ ગયા. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ.. હતો જેને દેવુ પોતાનીજાદુઇ પેટી ‘  કહેતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ., જાતજાતના ચિત્રો, સાપસીડીની ઘસાઇ ગયેલ રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખા થઇ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં વીંટાયેલ થોડો ગુલાબી દોરો, તૂટી ગયેલ પૈડાવાળી બે ચાર નાની મોટરો..કેરમની થોડી કૂકરીઓ, કપડાના ગાભાનો બનાવેલ એક દડો, ચાન્દામામા માસિકના વરસો પહેલાના થોડા અંકો..જેના જીર્ણશીર્ણ થઇ ગયેલા  પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા. આવો કેટલોયે ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભારણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. માયા છૂટતી નહોતી. આજે બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે યાદો નકામી બની ગઇ હતી ?

માનવી પણ આમ એક દિવસ નકામો..ભંગાર બની જતો હશે  ને ? બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઇ સાદ સંભળાઇ રહ્યો હતો.. કોઇ તેને રોકી કે ટોકી રહ્યું હતું કે શું ? કે પછી ભણકારા ?  ‘

બા, મારી બધી કીમતી વસ્તુઓને  કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઇ ખબર પડે..તું  મારું બધું  આડુંઅવળું કરી દે છે. ભલે ધૂળ ખાતું..હું મારી જાતે સાફ કરીશ. ‘

કોણ બોલ્યું ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? તો દેવુના શબ્દો ક્ષણે પોતાને કેમ સંભળાયા ?

ભણકારા તો..! તેમની આંખો પુત્રની યાદમાં છલકી આવી. વરસો પહેલા કયારેક પોતે કબાટ સાફ કરવા લેતી તો દેવુ પોતાને કેવો ખીજાતો..આજે પણ  ખીજાય છે કે શું ? ના..આજે..તો બધું  કચરો..ભંગાર બની ગયો હતો..ભારે હૈયે, હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફસૂફી આદરી.

પતિએ ખાસ સૂચના આપી હતી.કે  દેવુનો રૂમ બરાબર સાફ કરવાનો છે

મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠયા. ફળિયામાં નવો બાથરૂમ અને કમોડ બનાવ્યા હતા. જો કે કરવા જતાં વરસોથી ફળિયામાં ઉભેલ..સુખ દુ:ખના સાક્ષી અને સાથી બની રહેલ  નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડયા હતા. તેનો  રંજ ઓછો નહોતો. રમેશભાઇનો જીવ ખૂબ કચવાયો હતો. પરંતુ મનમાં સતત એક રટણા હતી..

શિવલાલ માસ્તરના છોકરાની જેમ કયાંક દેવુ પણ…….!

 રમેશભાઇ આગળ વિચારી શકયા. ઘરમાં ડાઇનીંગ ટેબલ, સોફા, અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસમોટો પલંગ આવી ગયો. કયાંય કોઇ કચાશ રહેવી જોઇએ..દેવુને લાગવું જોઇએ કે હવે અહીં પણ બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઇએ..ફરીથી આવવાનું મન થવું જોઇએ..પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી જે પોતાને અતિ પ્રિય હતી..હમેશા સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનુ કંઇ જોઇએ..સગડી ચૂલા તો કયારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા..તે પણ ભંગારમાં ગયા..હાશ ! ચારેતરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઇ પહેલીવાર સોફામાં ગોઠવાયા..થોડું અડવું તો લાગ્યુ. પરંતુ દેવુને ગમશે. બસ એક ધૂને

 મનમાંથી બધો રંજ  તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો.

નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઇ રહેતા હતા. કયારેક તેમનાથી એક નિ:શ્વાસ નખાઇ જતો હતો. પણ….. !

ઘરનું કામ પૂરું થતાં મન ખાવાપીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી.’ તારી ગોળપાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારાબધું ભૂલી જએ. પાછી હરખપદુડી થઇને

  “  મારી ગોળપાપડી બહુ સરસ બને છે..દેવુને બહુ ભાવે છે….!  “ બધી જૂની પુરાણી  વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઇએ..શું સમજી ? હવે તેને એવું બધું ખાવાની આદત હોય તે યાદ રાખજે

નીતાબહેન શું સમજે ? બાઘાની જેમ  પતિ સામે જોઇ રહ્યા.

 દીકરા માટે ઘરમાં મેગી, નુડલસના પેકેટો, તૈયાર જયુસના પેક..જાતજાતના ડબલાસૂપના પેકેટ વિગેરે બાજુના શહેરમાંથી મગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર,ચીઝ, સોસ,જામના પેકેટ ઘરમાં ઠલવાઇ ગયાતો રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે ? દેવુ અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટીવાળી સોડા પીવાની બહું આવતી. રમેશભાઇને થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયુંલેવા પણ ગયા.પરંતુ આવ્યા ત્યારે નાળિયેરને બદલે હાથમાં સોફટડ્રીંકસની બોટલો..થમ્સ અપ, કોક અને પેપ્સી હતાનીતાબહેન બોટલોને તાકી રહ્યા.

 હવે તો એક દિવસ..બસ એક દિવસ..કાલે તો દેવુ અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. એક મહિનો..પૂરો એક મહિનો ઘર ગૂંજી રહેશે. દેવુ કંઇ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો બે દિવસમાં ભાગી જશે ?

 દેવુ સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ’ના, ના, થોડો એમ ધૂળમાં રમવાનો છે ? દેવુ સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઇને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવુ કેટલીયે વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવુ દડો લૂછતો દેખાતો હતો

જોકે હવે તો ફળિયામાં ધૂળ   કયાં હતી ? ફળિયુ તો કેવું  ચકાચક  કરાવી લીધુ હતું.

અમેરિકાવાળાઓને ધૂળની કેટલી નફરત છે પોતે કયાં નહોતું જોયુ

 ફળિયામાં બાપદાદાના સમયથી કૂવો હતો..જેનું પાણી વરસોથી પી ને  પોતે અને દેવુ પણ મોટા થયા હતા. તે પણ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આવા ઘરમાં કૂવો થોડો શોભે ?

જોકે પત્નીને બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી. પણ અંતે પુત્રપ્રેમ આગળ બધાની શું વિસાત ? તેથી  અંતે બધું સમુસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ..હવે તો કાલે દેવુ આવશે અને બધું જોઇ તેને હાશ થશે.

વિચારો..કલ્પનાઓમાં માણસ કેટકેટલું જીવી લેતો હોય છે.!

રમેશભાઇએ દીકરાનું આખું શૈશવ ફરી એકવાર બે કલાકમાં જીવી લીધું. ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા.

બરાબર ત્યારે પ્લેનમાં બેસેલ દેવાંગદેવુ પોતાના સાત વરસના પુત્રને કેટલાય રસથી થાકયા વિના બધી વાત કરતો હતો. ભારતમાં ડેડીને ઘેર શું હશે..કેવું હશે  તે સાંભળી સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઇ ગયું હતું. સમજાતી  કેટલી યે  વાતો તેણે ડેડીને પૂછી પૂછીને સમજી હતી.

ઘરની દીવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે..ફલાવર્સના ચિત્રો હશે.. વાત તો રોહનને એટલી અદભૂત અને રોમાંચકારી લાગી હતી કે તે બધું જોવા અધીર થઇ ઉઠયો હતો. અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો,’ ડેડી, કેટલા પીકોક હશે ? પેરેટ કેવા..કેવડા હશે ?..’

અને ફળિયામાં કૂવો હશે…! કૂવો એટલે શુંતેમાંથી પાણી કેમ નીકળે..કેમ કઢાય? બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો પણ તેને મજા પડી ગઇ હતી. રોહને તો કલ્પનામાં પાણીની  કેટલીયે ડોલો ઉલેચી નાખી હતી.

 

 બેટ બોલ કેવા હશે..પોતે કેવી રીતે રમશે..લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો.

 નીલગીરીના બે પાન તોડી, મસળીને હાથમાં ઘસીએ એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે વાત કરતાં તો દેવાંગ પણ ફરી એકવાર સુગંધથી સુરભિત થઇ ઉઠયો. અને રોહન તો..’ ઓહ..! વાઉ! લીફને ઘસીએ એટલે પરફયુમ જેવી સ્મેલ આવે ? વોટ મેજિકઆસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ લાલ ટેટા કેવા ખવાય.. બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકયા હતા. દિવાળીમાં વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે..નીલગીરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને  કથા કરાવશે..સત્યનારાયણની કથાનો શીરો ખાધે વરસો વીતી ગયા. હજુ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેક કે કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. બધું થોડી વાર  તેને ભૂલી જવું હતું. ફરી એકવાર દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી.

ગામમાં લાઇટો ભલે આવી ગઇ હોય..પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં બે ચાર દિવસ તેને ઝળાહળા થવું હતું. માળિયેથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે.

 બહાર ઠંડા,મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલવ સાથે ગોઠડી કરતા કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ગયોખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતાં તેને તો વાત બહુ ગમી ગઇ. સૂતા સૂતા સ્ટાર અને મુન દેખાય..વાઉ ! સ્ટારની તો કેટલી બધી પોએમ્સ પોતાને આવડે છે. ડેડીએ કહ્યું છે કે  સૂતા સૂતા દાદાજીને તારી બધી પોએમ્સ સંભળાવજે. બા, દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે  રમશે અને આખા સૂઇ જવાય તેવી ખુરશી..! વાહ.. પોતાને કેવી મજા પડશે..! અમેરિકામાં તો પોતાને ઘેર આવું  કંઇ નથી.

 ઘોડાગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા આવી ગઇ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે. મંદિર, આરતી..ઓહ..! ઇન્ડીયામાં કેટલું બધું છે.

બા અને દાદાજીને જેશ્રીકૃષ્ણ કેમ કહેવાય એની તો કેટલી બધી વાર પોતે પ્રેકટીસ કરી હતી. Indian good morning..એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો સ્ટોરી પણ ડેડીએ કરી હતી. અને દાદાજી તો રોજ બધી સ્ટોરી પોતાને કરશે..કનૈયો ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશેઇંડીયન કેડબરી દાદીમા ઘરમાં જાતે બનાવે છે.!

રોહન આતુર બની ઉઠયો. પપ્પાના સરસ મજાના ઘરને મળવા

ત્યારે દેવાંગ વિચારોને ઝૂલે ઝૂલી રહ્યો હતો. એક મહિનામાં ફરી એકાદ વરસ ચાલે તેટલું ભાથુ મળી જશે.. હવે તો લીઝા ગમે તે કહે દર વરસે એક મહિનો તો ઘેર બા પાસે આવવું છે. લીઝા આવે તો કંઇ નહીં. પોતે તો રોહન સાથે આવશે . થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ..હવે નહીં..

દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગીરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર….!

 રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો !

ત્યારે દાદાજી  ટેક્ષીની વ્યવસ્થા કરવામાં મશગૂલ હતા.મારો દીકરો ઘોડાગાડીમાં ઠચૂક ઠચૂક કરતો થોડો આવશે ? જમાના ગયા..

( parab ma prakashit 2011)

રોંગ નંબર

રોંગ નંબર…

 

 જીવનની અંતિમ સાંજ…! બસ…હવે બહું થયું. આ  જીવનનો કોઇ અર્થ નથી.  કોઇને મારી પડી જ નથી. આખી જિંદગી શું બધાનું સાંભળ્યા કરવાનું  અને સહન કર્યા કરવાનું ? કોઇને મારી જરૂર નથી. હું જાણે વધારાની થઇ ગઇ છું…નકામી..સાવ નકામી બની ગઇ છું. જાણે ખાલી શીશીમા તડકો ભરવાની રમત રમ્યા કરુ છુ.  અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત……

 

આવા જીવન કરતાં તો….. અને હવે આ નિર્ણયમાં કોઇ ફેરફર નહીં…. આમ પણ આ ચાર દિવસ એકલી છું. આવો મોકો બીજી વાર મળે ન મળે…બસ….જેને જે માનવું હોય,..જે વિચારવું હોય તે વિચારે.  મર્યા પછી મને શો ફરક પડે છે ? દુનિયા આખી સ્વાર્થી છે. બે દિવસમાં બધું ભૂલી જશે..દિશા હોય કે ન હોય કોને ફરક પડે છે ?  મારા એક વિના દુનિયા અટકી તો નથી પડવાની. અને હું નહીં હોઉં ત્યારે જ  બધાને મારી કીંમત સમજાશે.

 

બધાને ખબર પાડી દેવા માટે હાથમાં ગોળીઓની આખી બોટલ સાથે  બેસેલી દિશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ  બાજુમાં ટીપોય પર રહેલ ફોન રણકયો. દિશાએ કંટાળાથી ફોન તરફ જોયું. આને પણ છેલ્લી ઘડીએ રણકવું છે ? નથી ઉપાડવો..હવે ઉપાડીને કામ પણ શું છે ? ભલે વાગતો….મારે હવે આ બધી બાબતો સાથે કોઇ નિસ્બત ખરી ?

 

પણ ફોન કરનાર જાણે જિદે ભરાયું હોય તેમ રણકવાનું બંધ જ નહોતું થતું..કંટાળીને કે ગુસ્સાથી દિશાએ ફોન ઉપાડયો.’ લાવ, જોઉં તો ખરી.. મારા નશીબમાં અંતિમ વાત કોની સાથે કરવાની લખાઇ છે ..’

 

હલ્લો…

વિરલ છે ?

કોણ વિરલ ?

વિરલ…વિરલ શાહ..

સોરી..રોંગ નંબર…અહીં કોઇ વિરલ રહેતો નથી.

તો કોણ રહે છે ત્યાં ?

તમારે મતલબ ? દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

પૂછવાનો અર્થ એ હતો કે આપ કોણ બોલો છો ?

હું વિરલ તો નથી જ બોલતી…એટલું પૂરતું નથી ?

એ તો સમજાઇ ગયું..આ અવાજ વિરલનો નથી.પણ..પ્લીઝ કોઇ ગેરસમજ ન કરશો.  આ તો જસ્ટ તમારો અવાજ ખૂબ સરસ.. બહું મીઠો લાગ્યો તેથી પૂછાઇ ગયું. સોરી..કંઇ ખરાબ લાગ્યું હોય તો….

દિશાનો ગુસ્સો  થોડો  શાંત થયો.. એકાદ પળ મૌન રહી  તેણે જવાબ આપ્યો.

હું  દિશા બોલુ છું. આઇ મીન…મારું નામ દિશા છે.

ઓહ. .! ગ્રેટ.. જીવનમાં બધાને ગાઇડ કરનાર…દિશા બતાવનાર….વાહ..!

’ સોરી…હું કોઇને ગાઇડ કરતી નથી.

અગેઇન સોરી …આઇ વોઝ જસ્ટ જોકીંગ..

અજાણ્યાઓ સાથે જોક કરવાની તમને આદત છે ?

ના, પણ તમે અજાણ્યા લાગ્યા જ નથી..એનું શું ?

વાત કરવામાં તો સ્માર્ટ લાગો છો.

ખાલી વાત કરવામાં ? હું આખ્ખો સ્માર્ટ છું.

તમારી જાત વિશે બહું ઊંચી  માન્યતા ધરાવતા લાગો છો.

પોતાની જાત વિશે માન હોવું એ મારા ખ્યાલ મુજબ કંઇ ખરાબ વાત તો નથી જ. જાતની અવગણના શા માટે ?

લેખક છો ?

લેખક થવાના સ્વપ્નો જોઉં છું ખરો..

’ સપના ? હમ્ !  ખાલી દિવાસ્વપ્નોમાં રાચો છો કે પછી મહેનત પણ કરો છો?

દિશા અજાણપણે વાતમાં ગૂંથાતી જતી હતી.

આ અત્યારે શું કરી રહ્યો છું ? મહેનત જ ને ?  દિશા નામની  કોઇ સુંદર છોકરીને પટાવવાની…

વોટ ? હવે દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.

સોરી..સોરી..મીઠાશની સાથે તીખાશ પણ છે કે નહીં તે જરા ચકાસતો હતો.એકલી મીઠાશ બહું સારી નહીં. ડાયાબીટીશ થઇ જાય. આમ પણ મને રોગીઓ પ્રત્યે બહુ માન નથી જ. પણ તમારે વાંધો નથી..મીઠાશ..તીખાશ બંને છે તમારામાં.

’ બોલતાં… મસ્કાં મારતાં સારું આવડે છે…

’ થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ..તમારા જેવી સુંદર યુવતીઓની શુભેચ્છાઓની મહેરબાની હમેશા મારી ઉપર રહી છે.

’ હું સુંદર છું એમ કોણે કહ્યું ?

’ યુવતીઓને હું સુંદર જ ગણુ છું. આમ પણ સુંદરતા તો દ્રષ્ટિમાં છે…અને મારી દ્રષ્ટિ સુંદર છે જ. તેથી મને વિશ્વમાં કશું અસુંદર દેખાતું જ નથી. હું તો સીધો કવિ કલાપીનો વંશજ..

અને સામે છેડેથી ખડખડાટ હાસ્યનો અવાજ સાંભળી  દિશા થોડી ખીજાઇ

જાતે સુંદર બની જવાનો તમારો આ આઇડીયા સારો છે. પેલા દલા તરવાડીની વાર્તા વાંચી લાગે છે.

તમે બધા નાહક દલા તરવાડીને વગોવો છો..તેણે બિચારાએ તો આપણને કેટલી બધી સગવડ કરી આપી છે.

ઓહ..! તમને દલા તરવાડી માટે પક્ષપાત લાગે છે..કે પછી એના પણ વંશજ છો ? એની વે.. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી લાગે છે.

 નહોતું હસવું તો પણ દિશાના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી તો ફરી જ વળી.  બાકી આત્મહત્યાની અંતિમ પળે વળી હાસ્ય કેવું ?  જીવનમાં હાસ્યની પળો નિર્માણી હોત તો તો આવો વિચાર જ ….

મારી સેન્સ ઓફ હ્યુમર માટે મિત્રોને માન છે.

તમારા મિત્રોને હ્યુમર એટલે શું ? એ ખબર નહીં હોય

;કેમ તમને હ્યુમરમાં ખબર નથી પડતી ?

હું તમારી મિત્ર થોડી છું ?

નથી ? હું તો ભ્રમમાં હતો કે તમે મારા મિત્ર બની જ ગયા છો. રોંગ નંબર સાથે કોઇ આટલી વાત થોડી જ કરે ?

દિશાએ ધડ દઇને ફોન કાપી નાખ્યો..સમજે છે શું એના મનમાં ?

 

બે પાંચ મિનિટ એમ જ પસાર થઇ.

ત્યાં વળી ફોન રણકયો.

ન જાણે કેમ પણ દિશાથી  આ વખતે  ફોન તુરત ઉપાડાઇ ગયો. નક્કી એ જ..! એમ સહેલાઇથી પીછો છોડે તેમ નથી લાગતું.  જરા ખખડાવવો પડશે. સમજે છે શું પોતાની જાત ને ?

’ હેલ્લો…’ દિશા સાચી હતી. સામેથી ફરી એ જ અવાજ..

’ સોરી દિશાજી , મારો ઇરાદો તમને હર્ટ કરવાનો નહોતો. આ તો મને એમ કે જીવનની અંતિમ પળે કઇ નશીબદાર વ્યક્તિ સાથે વાત કરીને હું સંસારને અલવિદા કરીશ ? એ જાણવાના લોભમાં……’

દિશા ચમકી..આ પણ કોઇ પોતાના જેવું સમદુખિયુ છે કે શું ? નહોતું બોલવું તો યે મોંમાંથી નીકળી જ ગયું.

’ એટલે ? તમે યે મારી જેમ…? ‘

સામે છેડે એકાદ ક્ષણ મૌન…

’ મારી જેમ એટલે ? તમે પણ…? ‘

’ હા, મારી પણ આ અંતિમ સાંજની અંતિમ વાત છે. આપણી મુલાકાત કંઇક અનોખી નથી લાગતી ? ‘

’ અનોખી છે જ. અંતિમ પળના સાથીદાર નહીં ? ‘

‘ પણ તમે તો પુરુષ છો..તમારે વળી આત્મહત્યાનું શા માટે વિચારવું પડે ? ‘?

એકાદ બે ક્ષણના મૌન પછી ..

’ કેમ પુરુષને કોઇ તકલીફ ન હોય એવો કોઇ નિયમ છે ? ‘

દિશા ગૂંચવાઇ….’ ના, ના, નિયમ તો નથી..પણ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષપ્રધાન છે તેથી જે સહન કરવાનું આવે તે મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે આવે છે ને ?’

’ એ તમારો ભ્રમ છે. આપણી અંતિમ સાંજે હવે  એ ભ્રમ તોડીને શું ફાયદો ? નહીંતર જરૂર કહેત. જતાં પહેલા કદાચ દિલ હળવું કરવાની એક તક …..પણ,,ના જવા દો…અંતિમ સાંજે દિલ હળવું થાય કે નહીં..શો ફરક પડે છે ખરું ને ? ‘

’હા….ના.. સાવ એવું તો નહીં….કોઇ સહ્રદયી વાત સાંભળનાર મળે તો જરૂર ગમે. હસતા હસતા દુનિયાને અલવિદા કહેવાનું સદનશીબ બધા પાસે નથી હોતું. ‘

’ તમે તો ફિલસૂફની માફક વાત કરવા લાગ્યા..’

’ અંતિમ પળે કદાચ દરેક માનવી ફિલસૂફની અવસ્થાએ આપોઆપ પહોંચી જતો હશે. નહીં ?

 દિશા અનાયાસે વાતોના પ્રવાહમાં ખેંચાઇ. આમ તો  પોતાની  વાતો સાંભળવાનો સમય કોઇની પાસે હતો જ કયાં ?

‘ બની શકે તમે સાચા હો… પણ મને તો આ પળે મોત જેવું બીજું કોઇ સુખ દેખાતું નથી. ‘

સામે છેડેથી નિરાશ અવાજ સંભળાયો

’ ના, ના, સાવ એવું નથી.. તમે તો  પુરુષ થઇને પણ સાવ હિમત હારી ગયા. આમ સાવ નિરાશાવાદી થવું તમને બરાબર લાગે છે ? ‘

’ મને તો કશું જ બરાબર નથી લાગતું…બરાબર લાગતું હોત તો મરવાનો વિચાર જ શા માટે આવત ? ‘

 

’ બધું  બરાબર  હોય ત્યારે તો સૌ કોઇ જીવે..મરવું તો બહું આસાન છે. બની શકે તમે જીવવાનો પૂરતો પ્રયત્ન જ ન કર્યો હોય ? ‘

દિશા હવે જાણે કાઉન્સેલરની ભૂમિકામાં આવી ગઇ.

’ બની શકે..બધું બની શકે…પણ હવે એક વાર નિર્ણય લેવાઇ ગયો એમાં ફેરફાર કરવાની મને કોઇ ઇચ્છા નથી. ‘

’  જીવનમાં કેટલીયે વાર આપણે આપણા નિર્ણયો ફેરવતા નથી હોતા ? દ્રષ્ટિ થોડી બદલીએ..થોડા પોઝીટીવ થઇએ તો બની શકે દુનિયા કંઇક અલગ પણ દેખાય. ‘

‘ કદાચ તમારી વાત સાચી હશે..’

’ કદાચ નહીં..સો ટકા સાચી જ છે. ‘

દિશા જાણે એક ઝનૂનમાં આવી ગઇ.

’ હશે..પણ મારે હવે એવું કશું વિચારવું નથી. જીવવા માટે આટલા બધા સમાધાન કરવાના હોય …ડગલે ને પગલે આપણે જ….’

સામે છેડેથી શબ્દો અધૂરા જ રહ્યા.

‘ મુશ્કેલીઓથી હારીને રણમેદાન છોડી દેવું..એ તો કાયરતા કહેવાય….’

 

દિશાની કાઉંસેલરની ભૂમિકા અનાયાસે આગળ ચાલી. 

‘ ઘણીવાર સાવ નાની વાતમાં આપણે આવેશમાં આવી જતા હોઇએ એવું પણ બને. ‘

’ હા, બની તો બધું શકે…આમ તો કોઇએ કહ્યું જ છે ને કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો આપોઆપ ખૂલે છે. ફકત આપણી દ્રષ્ટિ જ એ ખુલ્લા દરવાજા તરફ બદલવાની જરૂર હોય છે. હમ્બગ બધું…’

અને કોઇ દોઢડાહ્યા કવિએ તો વળી  ગાયું જ છે ને કે ..

આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….

કવિઓને બીજું કામ પણ શું હોય છે ? ‘

 

અરે, વાહ.! તમે તો કવિતાના  શોખીન લાગો છો ? ‘

’ કવિતા ? સારું છે તમારું નામ કવિતા નથી.

સમજાયું નહીં…’

‘ મને પણ પૂરું કયાં સમજાયું છે ? આમ પણ આપણે   બધી વાત સમજીને જ બોલીએ છીએ એવું થોડું છે ?  સમજયા વિના પણ જીવનમાં કેટકેટલું થતું હોય છે..કરતા હોઇએ છીએ..

       

 ‘’ તમે તો સારું એવું વાંચ્યું  લાગે  છે …અભ્યાસી છો..’

’ થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ… પણ વાંચેલું બધું અમલમાં થોડું મૂકી શકાય છે ? એ બધું તો પોથીમાના રીંગણ જેવું. બીજાને કહેવું આસાન છે..બાકી પોતાની ઉપર થોડા પ્રોબ્લેમ આવે ત્યારે માણસ પોતે બધું ભૂલી જાય છે. જુઓ કોઇ હૈયાફૂટો લેખક શું કહે છે ?

 

ફૂલે નિસાસો નાખ્યો  હાય…મારુ ઝાકળબિન્દુ સૂકાઇ ગયુ.. પણ સવાર પડી ત્યારે  આસમાનનો તો આખો તારાલોક ખોવાઇગયો હતો.

લેખકોને તો ઠીક છે લખી નાખવું છે. ‘

 ‘ ના, ના, સાવ એવું તો નથી. ઘણાં પુસ્તકોએ અનેકની દુનિયા બદલી નાખી હોય એવા ઉદાહરણોની ખોટ નથી જ.

‘ તમારી વાત વિચારવા લાયક તો ખરી જ. અને સાચું કહું તો કયારેક મને એવો વિચાર પણ આવે છે કે હું તો આત્મહત્યા કરીને છૂટી જઇશ..મારે તો પછી કંઇ જોવાનું રહેતું નથી…પણ એટલો સ્વાર્થી હું થઇ શકું ?  કદાચ આપણા જવાથી દુનિયાને ખાસ કોઇ ફરક ન પડે..પણ…પણ એકાદ બે વ્યક્તિ  તો કયાંક હોવાની જ. જેમને આપણા જવાથી ખરેખર દુ:ખ થાય. અને તેથી જ આટલા સમય સુધી વિચારતો હતો. ‘

’ તે વિચારી વિચારીને અંતે તો આવું નેગેટીવ જ વિચાર્યુંને ? ‘

 ‘ શું કરું ? આદત સે મજબૂર…’

’ ના, ના, એમ કહીને છૂટી જવાનો આપણને કોઇ હક્ક નથી. આપણી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાયે લોકોનો ફાળો હશે જ. માતા પિતા, સગાં વહાલાંઓ. મિત્રો..કોઇક તો હશે જ જેમણે આપણા માટે…..’

બોલતાં બોલતાં દિશા અચાનક અટકી ગઇ. પોતે આમ વાતોના પ્રવાહમાં  આવીને કોઇ અપરિચિત વ્યક્તિ સાથે આ બધું શું બોલી રહી છે ? અને પોતે પણ જયારે  મરવાનું નક્કી કરી લીધું છે ત્યારે આવી કોઇ દલીલો પોતાને શોભે ખરી ? પણ ના, પોતાની દલીલોથી કોઇનું જીવન બચી શકતું હોય તો…. જતાં જતાં એક સત્કાર્ય…..’

’ કેમ , તમે પણ બોલતા બંધ થઇ ગયા ને ? પોતાની વાત આવે એટલે બધા આમ જ..બીજાને ઉપદેશ આપવો કે મોટી મૉટી વાતો કરવી જ આસાન છે. અમલ આસાન થોડો જ છે ?

અને હું જાણું છું કે હવે તમે આવું જ  કશું લેકચર કરશો કે  જીવન અણમોલ છે. અરે, સમાજમાં આપણાથી વધારે દુ:ખી અગણિત લોકો છે..હશે..તેમના તરફ દ્રષ્ટિ રાખીએ ત્યારે જ સમજાય કે ઇશ્વરે આપણને કેટલું આપ્યું છે…! ‘

’ આવું જ કંઇક કહેવું છે ને તમારે ? અરે, મેડમ..આવું ઘણું બધું હું સાંભળી ચૂકયો છું…અને મને હવે એની કોઇ અસર નથી થતી.’

દિશાને થોડો ગુસ્સો ચડયો. બધું જાણવા છતાં જેને સમજવું જ

નથી..એને કોણ સમજાવી શકે ?

 

છતાં…જાણ્યા પછી કોઇને આમ મરવા થોડા દેવાય ? જિંદગી કંઇ આમ ફેંકી દેવા માટે થોડી જ છે ?

‘ જુઓ મીસ્ટર, તમે જે હો તે…પણ …લેટ મી ટેલ યુ વન થીંગ…. તમે નિર્ણય ભલે કરી લીધો પણ એક કામ કરો..તમે વધારે નહીં તો એક દિવસ માટે તમારો આ  વિચાર મુલતવી રાખી  ન શકો ? આત્મહત્યા કરવી જ  હોય તો આવતીકાલે કરો તો પણ ચાલેને ? ‘

‘ એક દિવસમાં શું ફરક પડી જવાનો ? ‘

’ એ તો મને પણ  નથી ખબર…પણ કદાચ તમે આ પગલું કોઇ ક્ષણિક આવેશમાં લીધું હોય…બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઇ શુભ સંદેશ લઇને પણ ઊગે….તમારા કારણોની તો મને જાણ નથી..પણ બની શકે કાલે તમને જિંદગી જીવવાલાયક પણ લાગે…’

’દલીલ પૂરતી તમારી વાત સાચી છે. તમને લોકોને સમજાવતા સારું આવડે છે.

 

 તમે

એક કામ કરો ને.. એક કાઉન્સેલીંગ સર્વીસ ખોલી નાખો..સારી ચાલશે. ‘

’ તમારી ઉપર મારા કાઉન્સેલીંગની કોઇ અસર થતી નથી તો મારી સર્વીસ સારી ચાલશે એમ કેમ કહી શકાય ? ‘

’કોણે કહ્યું ? અસર નથી થઇ ? ‘

’ એટલે ? તમે…તમે મારી વાત સ્વીકારી ? ‘

’ આ પળે તો લાગે છે એક વધુ દિવસ રાહ જોવાનું તમારું સૂચન કંઇ ખોટું તો નથી જ.  વિચારવાલાયક તો ખરું જ. ‘

’ ફકત વિચારવાલાયક જ નહીં..અમલમાં મૂકવાલાયક પણ ખરું જ..’

 દિશાએ ભારપૂર્વક પોતાની વાત દોહરાવી.

‘ ઓકે..મેડમ..તમે જીત્યા…અને હું હાર્યો…તમારી વાત સ્વીકારી હું આજનો દિવસ..મરવાનો મારો કાર્યક્રમ મુલતવી રાખુ છું.  બની શકે આપ મારા માટે ખરા અર્થમાં દિશાસૂચક બનો…ખૂબ ખૂબ આભાર..સો નાઇસ ઓફ યુ…’

અને રોંગ નંબર કપાઇ ગયો.

દિશાના કાનમાં પોતાના શબ્દો જ પડઘાઇ રહ્યા…

બે પાંચ મિનિટ મૌન પસાર થઇ ગઇ. તેના મનમાં આખી વાતચીત પડઘાતી રહી.

 થોડીવારે તેણે હાથમાં રહેલી ગોળીઓની  બોટલનો ઘા કર્યો.

 રોંગ નંબર  ત્યારે ખુશખુશાલ થતો પિકચર જોવા જતો હતો.

બાજુમાં બેસેલ તેનો મિત્ર પૂછતો હતો…’ શું  હતું આ બધું ? આ આત્મહત્યાની વાતો કોની  સાથે કરતો હતો ?

હું જરા જોક કરવાના મૂડમાં હતો. અને સામે સાચેસાચ

‘ કોઇ દિશા નામની સ્ત્રી હતી…આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી. મેં મારી સાયકોલોજી કામે લગાડી. બની શકે તેણે મરવાનો તેનો વિચાર પડતો મૂકયો હોય ‘

અને રોંગ નંબરે ખુશ થઇ મોઢેથી વ્હીસલ વગાડી..

 ( નવનીત સમર્પણ.2008 સપ્ટે.માં પ્રકાશિત વાર્તા )  

ચપટી ઉજાસ..૧૬૬

ચપટી ઉજાસ.. 166

                                                                                          હાશકારો..

મને મનમાં મૂંઝવણ થતી હતી કે મેં નક્કી તો કર્યું છે કે ઘરમાં કોઇને મારાથી દુખ ન થાય એમ જ મારે કરવું છે. અને એ સાચા દિલથી જ નક્કી કર્યું હતું. પણ આજે વિવેકને જોઇને મનમાં ન જાણે કેવો યે નકાર..એક અણગમો ઉઠયો હતો. આની સાથે જીવન જોડવું પડશે ? દાદીમાનું  હમણાંનું વલણ જોતા તો એવું જ લાગતું હતું કે દાદીમા જે પહેલો છોકરો દેખાશે અને હા પાડશે એની સાથે મારું નક્કી કરી જ નાખશે.. અને એટલે હું ગભરાતી હતી. મનમાં જ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે દાદીમાને સદબુધ્ધ્દિ સૂઝે અને એ જ સામેથી ના પાડી દે.. આજે આખી રાત મને ઉંઘ ન આવી.

સવારે તો રોજની જેમ કોલેજે ગઇ ત્યારે પણ મન ફફડતું હતું કે આવીશ ત્યારે મારા ભાગ્યનો ફેંસલો થઇ ચૂકયો હશે ? દાદીમાએ શું વિચાર્યું હશે ? શું વાત થઇ હશે ? કોલેજમાં કલાસમાં… લેકચરમાં પણ જીવ ન લાગ્યો. પ્રાચીએ હળવી ટકોર પણ કરી લીધી,

આજે જૂઇનું ધ્યાન કયાં છે ? કિસકે ખયાલમેં ગુમશુમ બૈઠે હૈ ?

પણ હું મજાકના મૂડમાં જરાયે નહોતી. મેં કોઇ જવાબ ન આપ્યો.

સાંજે ઘેર ગઇ ત્યારે દાદીમા મમ્મી સાથે કશીક વાત કરતા હતા.મને જોઇને બંને મૂંગા થઇ ગયા.  મને થયું નક્કી મારી જ વાત ચાલતી હશે.. હું કશું પૂછયા સિવાય અંદર જતી હતી ત્યાં દાદીમાએ કહ્યું,

‘  જૂઇ, અહીં આવ.. મારી પાસે બેસ..

માર્યા ઠાર.. નિર્ણયની ઘડી આવી પહોંચી કે શું ?

હું ધીમા પગલે પાછી ફરી. દાદીમા પાસે બેઠી. મમ્મી સામે જોયું.  મમ્મીના ચહેરા પર હળવું સ્મિત હતું. પણ એના પરથી મને કસું સમજાયું નહીં.

ત્યાં દાદીમાએ કહ્યું,

જૂઇ, તને  વિવેક કેવો લાગ્યો ?

મેં કંઇ જવાબ ન આપ્યો. શું બોલું હું ?

અરે, મોઢામાં મગ ભર્યા છે ? મનમાં જે હોય એ બોલી દે ને.. અમને તો છોકરો અને કુટુંબ બધું ગમ્યું છે. તું હા પાડે તો પાક્ક્કું કરી નાખીએ.. બોલ , પછી તને એમ ન થાય કે મને કોઇએ પૂછયું પણ નહીં. હવે તો તમારા જમાના પ્રમાણે અમારે કરવાનું છે ને ?

નતે થયું કે કશું બોલ્યે જ છૂટકો થવાનો છે. એટલે ધીમા સાદે હું બોલી,

તમને બધાને જે ઠીક લાગે એ નક્કી કરો..હું તો તમે લોકો કહેશો એમ જ કરવાની છું.

અરે, બાપા,..કંઇ સાસરે અમારે નથી જવાનું..

તમે જે કરશો એ મારા સારા માટે જ કરશો ને ? તમે કોઇ મરા દુશ્મન થોડા જ છો ?  

તો અમને તો ગમ્યું છે. તારા  મમ્મી, પપ્પાને પણ ગમ્યું છે.   બોલ કરી નાખીએ ને પાક્કું ? પછી ફરાશે નહીં શું સમજી ? કંઇ મનમાં ન રાખતી..જે હોય તે પહેલેથી કહી દેજે..

તમને બધાને ગમ્યું હોય તો પછી મારે શું કહેવાનું હોય ? મેં તો પહેલા જ મારો જવાબ આપી દીધો છે..

હું બોલી તો ખરી પણ મારા અવાજમાં રણકો જરાયે નહોતો.જમાનાના અનુભવી દાદીમા એ રણકો ન પાર ખી શકે એ કેમ બને ?

પણ છોડી, તારા અવાજમાં ખુશી તો નથી દેખાતી..આમ મરેલાની જેમ શું બોલે છે ?

શું દાદીમા..તમે યે .. કહેતી હું ઉભી થઇ.

ત્યાં  દાદીમાએ મને પકડીને ફરી  બેસાડી.

છોડી, એમ ભાગે છે કયાં ?

મારે બેસી જવું પડયું. . મનમાં થયું.. આ મમ્મી પણ ખરી છે. જોને કંઇ બોલતી નથી. ઉલટી જાણે પોતે બહું ખુશ થઇ હોય એમ દેખાય છે. મારી આંખ રડું રડું  થતી હતી..માંડ માન્ડ પ્રયત્ન  કરીને હું બહાદુર બની રહી. ત્યાં દાદીમા બોલ્યા,

છોડી, તું અમને ભલે ગમે તેટલા જૂનવાણી માનતી હો..પણ હું કંઇ  સાવ એવી નથી હોં.. સાચું કહું ? મને  જ છોકરો જરા યે નથી ગમ્યો. અને એમ કંઇ મારી છોકરી હું ગમે તેને  ન આપી દઉં હોં..

હેં દાદીમા..સાચ્ચે તમને નથી ગમ્યો ?

નહોતું બોલવું તો યે મારાથી બોલાઇ જ ગયું.

હં…જોયું નિશા, ? આ બહેનબાને યે નહોતો ગમ્યો. પણ આપણું માન રાખવા  તૈયાર થતી હતી. પણ સાચું કહું, નિશા, આજે મને થોડી શાંતિ થઇ. જૂઇ ઓલી જેવું  કંઇ નહીં કરે. હવે મને સમજાયું મમ્મી કેમ ખુશ હતી..

થોડી વાર અમે ત્રણે  મૌન  બની રહ્યા. દાદીમાને પાછા ફૈબા  યાદ આવી જ ગયા હતા. વહાલસોયી દીકરીની એમ ભૂલી જવી કંઇ સહેલી છે ? ઘરમાંથી ભલે કાઢી હતી પણ દિલમાંથી કાઢવી કંઇ સહેલી નહોતી જ.. 

બે ચાર પળની ચૂપકીદી પછી દાદીમા જ બોલ્યા,

તને ખબર છે જૂઇ, ? એના બેશરમ માબાપે તો સીધી દેવા લેવાની જ વાત કરી. આ જમાનામાં પણ દહેજ લેવાની વાત કરતા હતા ..સીધી રીતે નહીં તો આડી રીતે કરી. અમારે યે  દીકરી છે ને ? અમારે પણ એને આપવું જ પડશે ને ?

જા..રે મારી બઇ..એમ કંઇ અમારી જૂઇ રેઢી નથી પડી.

દાદીમા તો રંગમાં આવીને આજે ઘણું  બોલતા રહ્યા. અને દાદીમાનો  અવાજ આવો મીઠો તો મને કદી નથી લાગ્યો.

મને હાશકારો થયો…

   

 

સંબંધસેતુ..

સંબંધસેતુ..
“ ચપટી તાંદુલ આપી તો જો

સંબંધોની ભ્રમણા તૂટશે.”

આપણામાં કહેવત છે કે “ ડાંગે માર્યા પાણી જુદા ન પડે..” લોહીના સંબંધોમાં પણ ઘણીવાર કડવાશ આવે છે.. વિખવાદ જાગે છે..સંબંધો તૂટતા રહે છે.. આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ વાતની કોઇને નવાઇ પણ નથી રહી.આવું તો ચાલ્યા કરે.એમ સહજતાથી લેવાય છે. કયારેક જીવનભરના અબોલા સર્જાય છે..તો કયારેક જીવનમાં કોઇ એકાદ પ્રસંગ એવો બની જાય છે કે અબોલા આપમેળે તૂટી જાય છે..અને સંબંધોનો સેતુ ફરી એકવાર સન્ધાઇ જાય છે…કયારેક કોઇ એક પક્ષ જતું કરવાની વૃતિ દાખવીને મન મોટું રાખે ત્યારે સંબંધો જલદીથી તૂટતા નથી..અને તૂટે તો જોડાતા વાર નથી લાગતી.આજે આવી જ કોઇ વાત..

આકાશ અને અરમાન બંને ભાઇઓ વચ્ચે બે ઉમરમાં વરસનો જ તફાવત હતો. બંને સાથે જ ઉછર્યા, સાથે જ રમ્યા ને સાથે જ ભણ્યા.. બંને ભાઇ વચ્ચે સ્નેહની સરિતા સતત વહેતી રહી હતી. પરંતુ લગ્ન પછી સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ બંને ભાઇઓની વહુઓને એકબીજા સાથે જામ્યું નહીં. દેરાણી..જેઠાણી વચ્ચે રોજના ઝગડા થવા લાગ્યા. સાસુ, સસરા રહ્યા નહોતા. બંનેના બાળકો પણ લગભગ સરખી ઉમરના હતા..એટલે કામ માટે, બાળકો માટે કે કોઇ પણ નિમિત્તે ઝગડો કરવાનું કારણ મળી રહેતું. આમ પણ ઝગડો કરવો જ હોય તેને વળી કારણોની કયાં ખોટ પડતી હોય છે ? હકીકતે બંનેને વહુઓને સ્વતંત્ર રહેવાના અભરખા હતા. એટલે પોતપોતાના પતિની કાનભંભેરણી ચાલુ રહેતી. અંતે એક દિવસ બંને ભાઇને અલગ થયે જ છૂટકો થયો. ઘર મોટું હતું.. અને બીજું ઘર ભાડે રાખવું આર્થિક રીતે કોઇને પોસાય તેમ નહોતું. એટલે બંને ભાઇ ઉપર, નીચે જ અલગ થયા. નોકરી તો બંનેની જુદી હતી જ. પરંતુ ભાગલા પાડતી વખતે અનેક મન દુ:ખ નાની , નજીવી બાબતે બંને કુટુંબ વચ્ચે થયા.બંનેને બીજાનો જ દોષ દેખાય તે માનવસહજ સ્વભાવ છે. પરિણામે બંને ભાઇઓના મન પણ ખાટા થઇ ગયા..અને એકબીજા સાથે બોલવાનું પણ બંધ થઇ ગયું. એમાં બે વરસ પછી આકાશની બદલી શહેરમાં થઇ. એટલે તે કુટુંબ સાથે શહેરમાં ગયો. પરંતુ જતા પહેલાં તેની પત્ની પોતાના ઉપરના ઘરને તાળું મારવાનું ન ચૂકી. અરમાનની પત્નીને બોલવાનો મોકો મળી ગયો. અને ફરી એકવાર બંને કુટુંબ વચ્ચે બોલાચાલી થઇ. આમ છૂટા પડતી વખતે પણ મીઠાશ જાળવી શકાઇ નહીં..

સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું. બંને ભાઇઓ વચ્ચેના અબોલા અકબંધ હતા. કયારેક કોઇ મારફત એકમેકના સમાચાર મળી રહેતા..એટલું જ.. બાકી પ્રત્યક્ષ રીતે કોઇ સંપર્ક રહ્યો નહોતો.

અરમાનનો દીકરો અનંત હવે કોલેજમાં આવ્યો હતો. અને તેને એ જ શહેરમાં એડમીશન મળ્યું હતું જયાં આકાશ રહેતો હતો. નાના હતા ત્યારે અનંત અને આકાશનો પુત્ર ધવલ બંને સાથે રમ્યા હતા.પણ એ તો શૈશવની વાત. હવે તો વરસોથી એકમેકને જોયા પણ નહોતા..અને એવી કોઇ યાદ પણ નહોતી.

અરમાન દીકરાને હોસ્ટેલમાં મૂકવા શહેરમાં ગયો ત્યારે તેને ભાઇની યાદ તો અચૂક આવી. મળવાનું મન પણ થઇ આવ્યું.કેટલા વરસોથી ભાઇને જોયો નથી..! મનમાં શૈશવના કેટલાયે મીઠા સ્મરણો ઝબકી રહ્યા. હવે ઉમર થતા મેચ્યોરીટી આવી હતી..કેવી ક્ષુલ્લક વાતે બંને ભાઇઓ છૂટા પડી ગયા હતા..એનું ભાન થયું. દીકરાને હોસ્ટેલમાં મૂકીને પાછા ફરતી વખતે ભાઇના ઘર તરફ પગ વળ્યા તો ખરા..પણ અંદર જવાની હિમત ન ચાલી..ભાઇ એમ જ વિચારશે કે હવે દીકરાને આ શહેરમાં ભણવા મૂકયો છે..એટલે ગરજ પડી..તેથી મળવા આવ્યો.બાકી અત્યાર સુધી કોઇ દિવસ એક ફોન પણ કર્યો ? પોતે આકાશથી મોટો હતો..પણ નાનાભાઇના કયારેય સમાચાર પણ નહોતા પૂછયા..હવે આજે શું મોઢું લઇને મળવા જાય ?

અને તેથી ઇચ્છા છતાં ભાઇને મળ્યા સિવાય જ પાછો ફરી ગયો. દીકરાને શહેરમાં ભણવા મૂકયો એટલે કોલેજના અને હોસ્ટેલના ખર્ચા કાઢવામાં તકલીફ તો પડતી હતી . કલાર્કની સામાન્ય નોકરીમાં બે છેડા ભેગા કરવા સહેલા તો નહોતા જ..પાછળ બીજો દીકરો પણ તૈયાર જ હતો. બે વરસ પછી તેને પણ ભણવા તો મોકલવો જ પડશે ને ? બંને દીકરાઓ ખર્ચો કાઢતા નાકે દમ આવી જવાનો છે એ વાતથી તે અજાણ થોડો જ હોઇ શકે ? પણ સંતાનના ભાવિનો સવાલ હોય ત્યારે એ બધું તો કર્યે જ છૂટકોને ? સારા ભવિષ્યની આશાએ..કાલની આશાએ માનવી દોડતો રહે છે. એ ન્યાયે અરમાન પણ દોડતો હતો.
જોકે નાનાભાઇ..આકાશને સારી નોકરી હતી. આર્થિક રીતે તે સધ્ધર હતો અરમાનને મનમાં ઘણી વખત અફસોસ થતો કે કાશ ! ભાઇ સાથે બગાડયું ન હોત તો આજે સંબંધો કામ લાગત.. હવે તો તેની પત્નીને પણ એ સમજ આવી હતી..પરંતુ એ બધું “ જબ ચિડિયા ચુગ ગઇ ખેત “ પછીના પસ્તાવા જેવું હતું. જીવનના કેટલાક સત્યો સમજાય ત્યારે બહું મોડું થઇ જતું હોય છે.

પણ તેના પરમ આશ્ર્વર્ય વચ્ચે બે મહિના પછી અચાનક તેના પુત્રનો ફોન આવ્યો.

‘ પપ્પા મારે ખાસ કામ છે. કોલેજમાં તમને બોલાવ્યા છે. એક દિવસ માટે પણ આવી જાવ..’ અરમાન ગભરાયો.. શું થયું હશે ?

‘ બેટા..કંઇ ચિંતા જેવું તો નથીને ? પૈસાની કોઇ જરૂર છે ? તો એ પ્રમાણે લેતો આવું..

‘ ના..પપ્પા પૈસાની તો હમણાં જરૂર નથી. હા. થોડી મીઠાઇ જરૂર લેતા આવજો.. થોડી નહીં ..ઝાઝી બધી..અહીં હોસ્ટેલમાં કંઇ એકલા એકલા ન ખાઇ શકાય.. અને હા..મમ્મીની હાથની સુખડી તો ભૂલતા જ નહીં.. મને બહું યાદ આવે છે. તમને તેડવા હું સ્ટેશને આવીશ.. ‘ છોકરાને ઘર યાદ આવ્યું લાગે છે..હજુ નવુંસવું છે ને ? ઘરથી પહેલેવાર દૂર ગયો છે..યાદ તો આવે જ ને ?

સુખડી અને મીઠાઇ લઇ તે શહેરમાં પહોંચ્યો. બસમાંથી ઉતરતા જ દીકરો
દેખાયો.

‘ બેટા, તેં ધક્કો ન ખાધો હોત તો પણ ચાલત. હોસ્ટેલ તો મારી જોયેલી જ છે ને ? હું પહોંચી જાત.
‘ પપ્પા, મેં હવે હોસ્ટેલ બદલાવી છે.. એટલે જ લેવા આવ્યો.’
.
‘ હોસ્ટેલ બદલાવી ? પણ કેમ ? કોઇ પ્રોબ્લેમ હતો ?

‘ હા..પપ્પા બધું નિરાંતે કહું છું.. પહેલા પહોંચવા તો દો..’

અને થોડીવારમાં રીક્ષા સાગરના ઘર પાસે આવીને ઉભી..

‘ અનંત, આ આપણે કયાં આવ્યા ?

‘ કયાં શું ? મારા કાકાને ઘેર..જુઓ આ ઉભા કાકા..તમારી રાહ જોતા..

અરમાનની નજર સામે ગઇ..દરવાજા પાસે જ આકાશ ઉભો હતો..કદાચ તેની પ્રતીક્ષામાં જ..
અરમાનને કશું સમજાયું ખચકાતે પગલે તે આગળ વધ્યો.. ત્યાં આકાશ નજીક આવ્યો અને ભાઇને ભેટી પડયો..

શું બોલવું તે ઘડીભર કોઇને સમજાયું નહીં.. બંનેના અંતર ભીના ભીના..
બંને અંદર ગયા..ત્યાં આકાશની પત્ની આવીને તેને પગે લાગી ..ત્યારે તેને આશીર્વાદ આપતા તો અરમાનની આંખો ધોધમાર વરસી પડી.

‘ ભાઇ, આપણે આપણા છોકરાઓને વારસામાં આપણા અબોલા નથી આપવા.. આપણા બે વચ્ચે જે થયું તે આ દીકરાઓનો એમાં કોઇ વાંક નથી. અને મારું ઘર ગામમાં હોય ને અનંત હોસ્ટેલમાં રહે..? હું એવો બધો ખરાબ છું કે તું દીકરાને હોસ્ટેલમાં મૂકીને ચૂપચાપ ચાલ્યો ગયો ? મને તો પાછળથી ખબર પડી..ને દીકરાને હું ઘેર લઇ આવ્યો..
બંને ભાઇ ફરી એકવાર ભેટીને રડી ઉઠયા.. આનંદના આંસુથી ઘર છલકાઇ રહ્યું.

પપ્પા.. મમ્મીના હાથની સુખડી કાકી યાદ કરતા હતા.. તમે લાવ્યા છો ને ? અને મારા ભાઇ ધવલને મીઠાઇ બહું ભાવે છે.. આકાશના દીકરાને બતાવતા અનંત બોલ્યો..

અરમાને જલદી જલદી મીઠાઇનું બોક્ષ અને સુખડીનો ડબ્બો આગળ કર્યા.. એ મીઠાશમાં વરસોની કટુતા ધોવાઇ ચૂકી હતી..અરમાન ભાઇના દીકરા ધવલને ભેટી રહ્યો.

અને ફરી એકવાર સંબંધો પાંગરી ઉઠયા. સમજણના સેતુમાં સઘળી ગિલા શિકવા અદ્ર્શ્ય બની રહી.. અને ડાંગે માર્યા પાણી જુદા ન પડયા.. લોહીનો સાદ આને જ કહેતા હશે ?

શીર્ષક પંક્તિ..જગદીપ નાણાવટી..
( સ્ત્રીમાં પ્રકાશિત થતી નિયમિત કોલમ )

પપ્પા થેંકયુ

અનિતાબહેન અને અવનીશભાઇ એટલે જાણે મેઇડ ફોર ઇચ અધર જેવી જોડી. જોડિયા સંતાનો..દીકરો સોહમ અને દીકરી સુમેધા…. એકી સાથે દીકરો અને દીકરી બંને ઇશ્વરે આપી દીધા. ચાર જણાનું સુખી કુટુંબ.

ભાઇ બહેનના બંનેના લગ્ન પણ એકી સાથે જ કર્યા. લગ્નમાં અનિતાબહેન કે અવનીશભાઇએ સ્વાભાવિક રીતે જ કોઇ કચાશ નહોતી રાખી.. દીકરીને સાસરે વળાવી અને બીજી દીકરીને ઘરમાં આવકારી. પૂત્રવધૂ શિવાનીને અનિતાબહેને હૈયાના હરખથી પોંખી. અને હવે અવનીશભાઇએ પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ લીધો. સોહમની નોકરી સારી હતી. તેથી સોહમે પપ્પાને પરાણે વી.આર.એસ. લેવડાવ્યું હતું.

‘ બેટા, નોકરી ફકત જરૂરિયાત માટે નથી કરતો. મને કોઇ શારીરિક તકલીફ તો છે નહીં.. ઘરમાં બેસીને શું કરું ? નવરો માણસ નખ્ખોદ વાળે…હું ઘરમાં રહીને કંઇ નખ્ખોદ વાળું એના કરતાં તો… ‘

અવનીશભાઇએ હસીને જવાબ આપ્યો…

પણ દીકરો એમ ફોસલાય તેમ કયાં હતો ? પપ્પાની વાત ઉડાવી તેણે જવાબ આપ્યો.
‘ પપ્પા, ઘણાં વરસ નોકરી કરી..હવે તમને ગમતું કામ કરો. નોકરી સિવાય પણ જીવનમાં બીજું ઘણું કરવા જેવું છે. તમારી મનગમતી પ્રવૃતિ કરો. જે ગમે તે કરો.પણ હવે નોકરીની ગુલામી તો નહીં જ કરવા દઉં.. તમારી નોકરીમાં કેટલું ટેન્શન અને દોડાદોડી છે..એની મને ખબર છે જ. અત્યાર સુધી મજબૂરી હતી..પણ હવે હું સારું કમાઉં છું.. ત્યારે તમારે આવી નોકરી કરવાની કોઇ જરૂર નથી.. આ મારો ઓર્ડર છે..શું સમજયા ?

પુત્રની આવી ભાવના જોઇ કયા માબાપ ન હરખાઇ ઉઠે ? પુત્રના આગ્રહ અને ભાવનાને માન આપી અવનીશભાઇએ નોકરી છોડી. અને સ્વૈચ્છિક રીતે એક સ્કૂલમાં બે કલાક બાળકોને ભણાવા જવા લાગ્યા..જે તેમની મનપસંદ પ્રવૃતિ હતી.

શિવાની પણ આ ઘરમાં દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગઇ હતી. ઘરમાં સુખ શાંતિ અને સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો હતો. અવનીશભાઇ અને અનિતાબહેન આવી વહુ મળવાથી ફૂલ્યા નહોતા સમાતા અને મનોમન ઇશ્વરનો આભાર માનતા હતા.

આજે અનિતાબેનનો જન્મદિવસ હતો. સોહમ કંપનીના કામે ચાર દિવસથી બહારગામ ગયો હતો. શિવાનીએ સવારે અનિતાબહેનના હાથમાં એક પેકેટ થમાવ્યું. અનિતાબહેન આશ્ર્વર્યથી જોઇ રહ્યા. આ શું છે ? મમ્મી.. સરપ્રાઇઝ.. શિવાનીએ હસીને જવાબ આપ્યો. જાતે ખોલો અને જુઓ..

અનિતાબહેને પેકેટ લીધું. તેમનો ચહેરો હસુ હસુ બની ઉઠયો હતો. આજ દિવસ સુધી તેમના જન્મદિવસે તેમને આ રીતે કોઇ સ્પેશીયલ ગીફટ નહોતી આપી. અવનીશભાઇને એવી કોઇ આદત નહોતી. કદાચ પહેલેથી જ ન જાણે કેમ પણ તેમના ઘરમાં આવો કોઇ રિવાજ કદી પ્રવેશ્યો જ નહોતો. જયારે જે જોઇતું હોય તે લેવા માટે પૂરા સ્વતંત્ર હતા. પતિ તરફથી કોઇ બંધન નહોતું.. એથી કયારેય એવો કોઇ અફસોસ પણ નહોતો થયો.

પરંતુ આજે અચાનક આ રીતે કોઇએ તેમનો વિચાર કર્યો..અને તે પણ ઘરની વહુએ… અનિતાબહેન દિલથી હરખાઇ ઉઠયા. તેમણે પેકેટ ખોલ્યું..અંદરથી એક સુંદર પંજાબી ડ્રેસ નીકળ્યો. અનિતાબેન આશ્વર્યથી જોઇ જ રહ્યા.

‘ બેટા, હું તો હમેશા સાડી જ પહેરું છું. તેં મને પંજાબી પહેરતા વળી કયારે જોઇ ? ‘
‘ એટલે તો હવે જોવા છે.’ શિવાનીએ હસીને કહ્યું.

મમ્મી, તે દિવસે તમે ફોનમાં માસીને કહેતા હતા ને કે સાડીથી હવે તો કયારેક કંટાળો આવે છે. આપણે પણ પંજાબી કે એવું ક્શુંક પહેરવાનું ચાલુ કરી દેવું જોઇએ..કેવી નિરાંત.. આ પહેર્યું ને આ ચાલ્યા..

મમ્મી, આવું તમે જ બોલ્યા હતા ને ?

એટલે મારી વહુ છાનીમાની મારી વાત સાંભળે છે એમને ?

બોલતા બોલતા અનિતાબેન હસી પડયા.

બેટા, મેં કયારેય પહેર્યો નથી. કેવો લાગશે ? કોઇ હસશે તો ? પતિ તરફ જોતા અનિતાબેન બોલ્યા. ’ અરે શિવાની આટલા પ્રેમથી લાવી છે તો પહેરને.. એમાં શું છે ?

પતિ તરફથી પણ પ્રોત્સાહન મળતા અનિતાબેને હોંશે હોંશે પન્જાબી ડ્રેસ પહેર્યો.
વાહ..મમ્મી તમને તો ખૂબ સરસ લાગે છે. હવે આજથી નો સાડી,.. આપણે કાલે જ બીજા પણ લાવીશું. અને હવે મમ્મી..લો આ બે ટિકિટ..
ટિકિટ..શેની ?

મમ્મી, ટાઉનહોલમાં સરસ નાટક આવેલ છે. હું બે ટિકિટ લાવી છું. આજે તમારે ને પપ્પાએ નાટક જોવા જવાનું છે.

પણ બેટા..ના અમે બે તને એકલી મૂકીને નાટક જોવા નહીં જઇએ.. લાવવી જ હતી તો ત્રણ લાવવી હતી.

મમ્મી, આ નાટક મારું જોયેલું છે. અને આજે તમારે બેઉએ જ જવાનું છે..નો આર્ગ્યુમેન્ટ..

અને અંતે શિવાનીએ સાસુ, સસરાને નાટક જોવા મોકલ્યા જ .

સ્નેહનો છલોછલ સાગર ઘરમાં ઘૂઘવતો રહ્યો.એમાં વહાલના દરિયા જેવી નાનકડી પૌત્રીના આગમને તો ઘરની દીવાલોને પણ જાણે ટહુકા ફૂટી નીકળ્યા. પણ..કુદરતને જાણે આ ઘરના સુખની ઇર્ષ્યા આવી હોય તેમ…

શિવાનીના લગ્નને પાંચ વરસ પણ પૂરા નહોતા થયા અને એક અકસ્માતમાં સોહમ ગંભીર રીતે ઘવાયો. અને ડોકટર કશું કરી શકે તે પહેલા સોહમ…..

.
યુવાન પુત્રના અવસાનનો કારમો ઘા અનિતાબેન અને અવનીશભાઇના આંસુ સૂકાતા નહોતા. જયારે શિવાની સાવ ગૂમસૂમ… આ શું બની ગયું ? કોની નજર લાગી ગઇ ? કાળની ? ઘરમાં યુવાન પૂત્રવધૂને આ રીતે જોઇ અનિતાબહેન અને અવનીશભાઇના દુખનો પાર નહોતો. શિવાનીને લેવા માટે તેનો ભાઇ આવ્યો ત્યારે શિવાનીએ પિયર જવાની સાફ ના પાડી દીધી.

અનિતાબહેને ખૂબ આગ્રહ કર્યો. બેટા, આ ઘર સાથેના તારા લેણ દેણ પૂરા થયા. તારી સામે આખી જિંદગી પડી છે. તું નવેસરથી ફરીથી શરૂઆત કર.. અમારા તને આશીર્વાદ છે. અમે સદા તારી સાથે જ છીએ. ‘
પરંતુ શિવાની એક ની બે ન થઇ.

ના, મમ્મી, સોહમની અધૂરી જવાબદારી હું પૂરી કરીશ. આ ઘરને છોડવાનૌં પ્લીઝ મને કદી ન કહેતા..હું તમને ભારે નહીં પડું..

‘ અરે, બેટા, દીકરી કદી મા બાપને ભારે પડે ? પણ બેટા, અમારે તને સુખી જોવી છે. હવે તું અમારી વહુ નથી. યુવાન દીકરી છે. અને યુવાન દીકરીના લગ્ન કરવા એ અમારી પહેલી ફરજ છે. “ પરંતુ બધી સમજાવટ નકામી ગઇ. શિવાનીએ પિયર જવાને બદલે હમેશ માટે અહીં જ રહેવાનું સ્વીકાર્યું.

‘ પપ્પા, સોહમે તમારી નોકરી છોડાવી હતી. હવે સોહમના જતા પપ્પાને પાછી નોકરી કરવી પડે એ મને મંજૂર નથી. કહી શિવાનીએ નોકરી ચાલુ કરી.

સદનસીબે શિવાનીને સોહમની કંપનીમાં જ નોકરી મળી ગઇ.જીવનની ગાડી ફરી એકવાર પાટે ચડી ગઇ. શો મસ્ટ ગો ઓન.એ ન્યાયે જીવન જીવાતું રહ્યું. .અનિતાબહેન અને અવનીશભાઇ પૌત્રીના લાલનપાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. અંદરથી તો બધાના દિલમાં એક વેદના કોરી ખાતી હતી. પણ બધા પોતપોતાની વ્યથા છૂપાવતા રહેતા અને એકબીજા સામે હસતા રહેતા.

હવે તો પૌત્રી પાંચ વરસની થઇ હતી. હમણાં અવનીશભાઇનો એક મિત્ર અને તેનો પુત્ર અમેરિકાથી દેશમાં આવ્યા હતા. અવનીશભાઇ અને તે લંગોટિયા મિત્રો હતા. શૈશવથી સાથે જ રમીને મોટા થયા હતા. અમેરિકામાં સારી રીતે સેટલ થયા હતા. તેમના દીકરાની વહુ બે વરસ પહેલાં કેન્સરની બીમારીમાં મૃત્યુ પામી હતી. અને હવે દીકરાને માંડ માંડ સમજાવીને બીજા લગ્ન કરવા માટે મનાવ્યો હતો. અને એટલે જ દેશમાં આવ્યા હતા.થોડી છોકરીઓ જોઇ પણ કોઇનું મન જલદી માનતું નહોતું. તેથી પાછા જવાનું નક્કી કરી લીધું હતું. જયારે અંજળ હશે ત્યારે એમ મન મનાવી લીધું હતું. બીજી વાર કયારેક આવીશું. એમ વિચારી જતા પહેલાં એક દિવસ મિત્રને મળવા તેમને ઘેર આવ્યા હતા.

બંને મિત્રો ઘણાં સમય પછી મળતા હતા. સુખ દુખની વાતો થતી રહી. તેમનો પુત્ર મનન લગભગ સોહમની ઉમરનો જ હતો. તેને જોતા અવનીશભાઇ અને અનિતાબહેનની આંખો ભીની બની ઉઠી હતી. દીકરાના સ્મરણોએ તેમને થોડી વાર અજંપ બનાવી દીધા. પણ ત્યાં જ ઓફિસેથી શિવાની આવતા જલદી જલદી સ્વસ્થ થઇને બોલ્યા.

‘ બેટા, આ મારો ખાસ મિત્ર.. અને બધાની ઓળખાણ કરાવી. શિવાની બધા માટે રસોઇની વ્યવ્સ્થા કરવા અંદર સાસુ પાસે ગઇ.

થોડીવારે શિવાનીની બધી વાત સાંભળી મિત્ર બોલી ઉઠયો.

દોસ્ત, તારી આ દીકરી મને આપીશ ? મારા મનન માટે આનાથી સારું પાત્ર બીજું કયાં મળવાનું હતું ?

અવનીશભાઇને શું બોલવું તે ન સૂઝયું. પછી તો બંને દોસ્તો વચ્ચે ઘણી ચર્ચા થઇ. આખરી ફેંસલો શિવાની અને મનન ઉપર છોડાયો. મનહરભાઇ એક દિવસને બદલે ચાર દિવસ રોકાયા.
શિવાની શરૂઆતમાં તો કોઇ રીતે તૈયાર ન થઇ. પણ આજે અવનીશભાઇ અને અનિતાબહેન જાણે જિદે ચડયા હતા.

બેટા, તને આ રીતે જોઇને અમને બંનેને કેટલું દુખ અને કેટલી ચિંતા થાય છે એને તને જાણ છે ? આજે અમે છીએ.કાલે ન હોઇએ ત્યારે તારું કૉણ ? અને આ દીકરીને બાપનો પ્રેમ મળે એમ છે ત્યારે એને એ સ્નેહથી વંચિત શા માટે રાખવી ? એ હજું નાની છે.. એટલે કોઇ તકલીફ નહીં પડે. બેટા, મારે ખાતર કે આ નાની દીકરી માટે થઇને તું અમારી વાત રાખી લે.. બેટા , સોહમ ગયો ત્યારથી તું અમારી વહુ તો મટી જ ગઇ છે. અને દીકરીને કંઇ જીવનભર કુંવારી ન રખાય. મનન તને કે આ ઢીંગલીને કોઇ રેતે ઓછું નહીં આવવા દે..એની અમને ખાત્રી છે. આવું જાણીતું પાત્ર ન મળ્યું હોત તો કદાચ અમે તને ફોર્સ ન કરત..આટલા સમય સુધી અમે તારી જિદ સ્વીકારી જ હતી ને ? ..હવે આજે આ અમારી જિદ તારે સ્વીકારવાની છે.

કહેતા આનિતાબહેન પણ રડી ઉઠયા. શિવાની માને ભેટીને રડી ઉઠી.અને અંતે દસ દિવસ પછી કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ વખતે સાક્ષી તરીકે સહી કરતા અવનીશભાઇ અને અનિતાબહેન દીકરીને વળાવીને એક જબાદારી સારી રીતે પૂરી કરી શકયાની ખુશીમાં છલકાતા હતા. મનન અને શિવાની તેમને પગે લાગ્યા ત્યારે મનનની આંખોમાં તેમને દીકરાનું પ્રતિબિંબ દેખાઇ રહ્યું.જે કદાચ તેમને કહી રહ્યું હતું.

‘ પપ્પા..થેંકયું..’ મને બહું ગમ્યું. મારી શિવાની અને મારી દીકરી હવે દુખી નહીં થાય.

( સંદેશમાં પ્રકાશિત કોલમ વાત એક નાની )

ગોપાલ એટલે નખશિખ પ્રામાણિક, આર્થિક રીતે ગરીબ પરંતુ અંતરની અમીરાત પૂરેપૂરી. ઘરના સંજોગોને લીધે ગોપાલ આઠ ચોપડીથી આગળ ભણી શકયો નહોતો. અને આઠ ચોપડી ભણેલી વ્યક્તિને આ જમાનામાં આમ તો નોકરી કયાંથી મળવાની હતી ? પરંતુ નસીબ થોડા સારા કે બહુ રઝળપાટ પછી એક ઓફિસમાં પટાવાળાની નોકરી મળી ગઇ. અને ગોપાલનું ગાડું ગબડવા લાગ્યું. પછી તો લગ્ન પણ કર્યા અને એક દીકરી પણ આવી. પત્ની શાંત, સુશીલ અને કરકસર વાળી હતી. તેથી મહિનો નીકળી રહેતો અને કદી ભૂખ્યા ન સૂવું પડતું એનો સંતોષ હતો.એક જ દીકરી હોવા છતાં ગોપાલે દીકરાની આશા નહોતી રાખી. બે સંતાનનો ખર્ચો પોતાને પોસાય તેમ નથી..એવી સમજણથી ગોપાલે એક દીકરીમાં જ સંતોષ માન્યો હતો. આમ ગોપાલ સુખી હતો. જરૂરિયાતો બને તેટલી ઓછી જ રાખી હતી.વહાલસોયી પત્ની અને મીઠડી દીકરી સાથે ગોપાલ ખુશ હતો.

પણ એ ચપટી અમથું સુખ પણ અચાનક છિનવાઇ ગયું. તે જયાં નોકરી કરતો હતો તે શેઠને હમેશ માટે પરદેશ જવાનું થતાં ઓફિસના બધા માણસોને તેણે છૂટા કર્યા. ગોપાલને તો ઉપર આભ અને નીચે ધરતી… કોઇ આશરો ન રહ્યો. શું કરવું ? કેમ કરવું ? થોડો સમય તો કશું સૂઝયું નહીં. પણ હિમત હાર્યે કંઇ વળે તેમ નહોતું. ત્રણ જણાના પેટનો ખાડો તો પૂર્યે જ છૂટકો હતો ને ? થોડા દિવસ નોકરી માટે ફાંફા મારી જોયા. પણ કોઇ મેળ પડયો નહીં. અંતે નોકરીનો મોહ મૂકી તેણે કંઇક ધંધો કરવાનું નક્કી કર્યું

. પણ એક તો મૂડી નહીં..અને કોઇ અનુભવ નહીં.. શેનો ધંધો કરવો..એ સમજાયું નહીં. ઘણી ગડમથલ પછી તેણે રેકડી કાઢવાનું નક્કી કર્યું. કેળાની રેકડી લઇ તે બજારમાં ઉભતો થયો. એમાં મૂડીરોકાણ પણ ખાસ કંઇ નહોતું. અને ધીમે ધીમે ઘરખર્ચ જેટલું નીકળવા લાગ્યું. બધા ફ્રુટવાળાઓની સાથે તે પણ એક મોટા મંદિરની બાજુમાં ઉભો રહેતો. ઓછા નફે બહોળૉ વેપાર કરવાની વૃતિને લીધે તેને સારો એવો વકરો થવા લાગ્યો. આમ પણ તે વહેલી સવારે છેક માર્કેટમાં જઇને હરરાજી માંથી સીધા કેળા લઇ આવતો. તેથી તેને સસ્તા પડતા. અને બીજા કોઇ મોંઘા ફળોની સરખામણીમાં કેળા વધારે વેચાતા. સોમવારે તો સારો એવો વકરો થતો. દર્શનાર્થીઓ મંદિરમાં પ્રસાદ ધરાવવા માટે મોટે ભાગે કેળા ખરીદતા.

બીજા પણ ઘણાં ફ્રુટવાળાઓ ત્યાં ઉભતા હતા. એમાં એક ગંગા પણ હતી. ગંગા તેના નાના દીકરાને લઇને આવતી. ગોપાલના અહીં આવવાથી ગંગાની કમાણીમાં સારો એવો ફટકો પડયો. કેમકે તે કંઇ બહું દૂર જઇને સીધા હરાજીમાંથી કેળા લાવી શકતી નહીં. પરિણામે તેને ગોપાલના ભાવે કેળા વેચવા પરવડતા નહીં. ગંગાને ગોપાલ ઉપર ગુસ્સો આવતો તેને લીધે પોતાની કમાણી ઉપર અસર પડી હતી. પણ શું કરે તે ? કોઇને ના થોડી પાડી શકાય છે ? મનોમન તે મૂંઝાતી રહેતી.

એક દિવસ ગંગા કોઇ સાથે વાત કરી રહી હતી. તેનો પતિ બીમાર હતો. અને ઘરની બધી જવાબદારી તેની એકલી પર આવી પડી હતી. આ નવા ફ્રુટવાળાને લીધે તેની કમાણીમાં કેવો ફટકો પડયો હતો. અને પતિ માટે દવા લાવવાના પૈસા પણ નહોતા રહેતા એવી બધી પોતાની મુશ્કેલીની વાત કરતી હતી. ગોપાલ બહું દૂર નહોતો. તેણે ગંગાની બધી વાત સાંભળી. તે વિચારમાં પડી ગયો. પોતાને લીધે કોઇને નુક્શાન થાય તે એને ગમ્યું નહીં. ગરીબી તેણે પણ કયાં ઓછી જોઇ હતી ? આમ પણ પહેલેથી જ તેનો સ્વભાવ બીજાની તકલીફમાં ભાગ લેવાનો હતો. શકય તે રીતે અન્યને મદદ કરવી જોઇએ એ તેના પિતાનો ગુણ તેને વારસામાં મળ્યો હતો. એક બટકામાંથી પણ બટકું આપતા તે શીખ્યો હતો.

તે ગંગા પાસે ગયો.

‘ બહેન, મેં ભૂલથી તમારી વાત સાંભળી છે. મને ખબર નહોતી કે તમે ઘણાં સમયથી અહીં કેળા લઇને ઉભો છો મારા આવવાથી તમને નુક્શાન થયું છે. હું પણ ગરીબ માણસ છું. બીજી કોઇ રીતે તો તમને મદદ કરી શકું તેમ નથી. પણ આવતીકાલથી હું કેળાને બદલે બીજું કોઇ ફ્રુટ વેચીશ. જેથી તમને મારે લીધે કોઇ નુક્શાન ન જાય.

‘ ના..ભાઇ, એ તો એમ જ મારાથી બોલાઇ ગયું હતું. સૌ કોઇ પોતપોતાના નસીબનું ખાય છે. મારા નસીબમાં હશે એટલું મને પણ મળી જ રહેશે. ‘

ગોપાલની ઉદારતાથી ગંગા ખુશ થઇ હતી. આવા ભલા માણસો આજકાલ જોવા જ કયાં મળતા હતા ? અહીં તો ગળાકાપ હરિફાઇ ચાલતી રહેતી. એમાં ગોપાલ જેવો માણસ તો શોધ્યો પણ કયાં જડવાનો હતો ? કોઇ પોતા માટે આટલું વિચારે, બોલે એ પણ કયાં ઓછું હતું ?

પણ ગોપાલે તો મનોમન નકી કરી લીધું હતું. પોતે આ ગરીબ બાઇની આડે નહીં જ આવે. બે દિવસ પછી ગોપાલ કેળાને બદલે રેકડીમાં બીજા બધા ફળો લઇને ઉભો હતો. કોઇ કેળા માગવા આવે તો તે ગંગાની રેકડી તરફ આંગળી ચીંધી દેતો.ગંગા ગોપાલ સામે ભીની આંખે જોઇ રહેતી. તેના અંતરમાંથી મનોમન દુવા સરી રહેતી.

જીવનમાં દરેક વખતે મદદ કંઇ ફકત પૈસાથી જ થાય છે એવું થોડું જ છે ?

( સ્ત્રીમાં નિયમિત પ્રગટ થતી કોલમ )