ચપટી ઉજાસ..190

 

ચપટી ઉજાસ.. 190

                                                                                     અમારો પરિવાર

દસ વરસ.. પૂરો એક દાયકો વીતી ચૂકયો છે. હું ચાલીસની થઇ ચૂકી છું. મારા જીવનની શરૂઆતના દસ વરસ અને આ છેલ્લા દસ વરસ..મારી જિંદગીનો સુવર્ણ સમય.. વરસો પહેલાં સેવેલું મારું શમણું ઇશ્વરકૃપા અને અનેક મિત્રોની સહાયથી સાકાર થયું છે. હું અને  નીરજ..અમે બે છતાં એક..અનોખું અદ્વૈત રચાયું છે અમારી વચ્ચે. નીરજ..મારી એક એક પળનો સાથીદાર..સહભાગી..મારો પરમ સખા.. મારો પતિ ..મારું સર્વસ્વ . એના વિના આજે હું મારું જીવન કલ્પી શકું એમ નથી. નીરજ સાથે જીવન જોડવાનો મારો નિર્ણય એ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો એમ હું આજે ગર્વથી કહું છું.

આ વરસોમાં  સંસારના શાશ્વત ક્રમ મુજબ દાદીમા,  મમ્મી બંનેએ વિદાય લઇ લીધી છે. પલક એક દીકરી અને એક દીકરાની મા બની ચૂકી છે. અને દર વેકેશનમાં અહીં અમારા પરિવારમાં સામેલ થવા આવી પહોંચે છે. અમે સાથે મળીને કિલ્લોલ કરીએ છીએ.. 

આજે અમારી છેલ્લી દીકરી શચી  અમારા મોટા પરિવારમાં સામેલ થવા આવી  પહોંચી છે. છ મહિનાની શચી સૌથી નાની અને બાર વરસની પ્રાચી સૌથી મોટી.. વચ્ચે છે બીજી નવ દીકરીઓ.. અમી પણ અગિયાર વરસની થઇ ચૂકી છે. મેં ખોલેલા  સંગીત કલાસમાં મારે બહારના વિધ્યાર્થીઓની જરૂર જ નથી પડતી. બધી બહેનો કદીક લડે છે..ઝગડે છે પણ એકબીજા વિના જરીયે ચાલતું નથી. એકને ખીજાઇએ તો બીજી દસ તેનો  બચાવ  કરવા દોડી  આવે છે. હવે મારો અને નીરજનો બંને બંગલા અમે વેચી નાખ્યા છે. અને એને બદલે એક મોટું ફાર્મ હાઉસ લીધું છે. જયાં અમે ..અમારો પરિવાર રહીએ છીએ. નીરજનો બીઝનેસ પહેલા કરતા પણ વધારે સારો ચાલે છે. ઇશ્વરે કદી પૈસાની તંગી નથી વરતાવા દીધી. દસે દીકરીઓ એના નસીબ સાથે લઇને આવી છે.

આખો દિવસ મમ્મી, પપ્પાની બૂમો સંભળાયા કરે છે. મંજુબેને પણ આ સંસારમાંથી વિદાય લીધી છે. તેની વહુ કિશોરી છે અને બીજા  પણ બે બહેનો મદદ માટે છે. તેથી વાંધો નથી આવતો. રસોઇ માટે મહારાજ છે. હું તો આખો દિવસ દીકરીઓને હોમવર્ક  કરાવવામાં, તેમને તેમની રસ રુચિ પ્રમાણે  જુદા જુદા કલાસમાં લેવા મૂકવામાં કે ઘેર શીખવાડવામાં જ વ્યસ્ત રહું છું. ઓફિસનો સમય બાદ કરતા નીરજ પણ અમારી સાથે જોડાય છે. પ્રાચી તો તેનું પોતાનું સંતાન છે.પણ કોઇ ભેદભાવ દીકરીઓ વચ્ચે નથી.  દસે દીકરીઓ અમારા જ સંતાન છે ને ? અમારી કળીઓ ખીલતી રહે છે..વિકસતી રહે છે. અને અમે હરખાતા રહીએ છીએ..ઇશ્વરની કૃપાનો વરસાદ અમારી ઉપર સતત વરસતો રહ્યો છે. સમયદેવતાના અમારી ઉપર ચાર હાથ છે. પૂરા   પ્રસન્ન છે.  

રોજ સવારે અને સાંજે સાથે પ્રાર્થના કરવાની..સાથે જમવાનું.. દરેક દીકરીને પૂરી સ્વાવલંબી બનાવી છે. પોતાના રૂમની સફાઇ તેઓ જાતે જ કરે છે. રવિવારે  મોટી દીકરીઓ એટલેકે પ્રાચી અમી, અને પરી તો કીચનમાં પણ ઘૂસે છે. અમારા માટે એટલે કે એમના વહાલા મમ્મી, પપ્પા માટે જુદા જુદા અખતરા પણ કીચનમાં કરે છે જે અમારે બંનેને હસતા મોઢે ખાવા પડે  છે.

રવિવારની સવાર એટલે ફાર્મહાઉસના બગીચાની સફાઇ..એને પાણી પીવડાવવાનું.. નવા ઉઘડતા ફૂલો  જોવાનું. પોતાના જન્મદિવસે  પોતે વાવેલો છોડ કેટલો મોટૉ થયો..ફૂલ આવ્યા કે નહીં એની રસપૂર્વક તપાસ કરવી સાંજે બહાર પિકનીકમાં જવું કે કદીક કોઇ અનાથાશ્રમની મુલાકાતે જવું..ત્યાં એમની સાથે આખો દિવસ રમવું.. . અમારી દીકરીઓ બીજા કોઇ ક્ષેત્રમાં હોંશિયાર બને કે ન બને.. પણ એક સારી વ્યક્તિ..તો બનવી જ જોઇએ. માનવતામાં એ પાછળ ન જ હોવી જોઇએ.. એક માણસ તરીકે તો એ ઉત્તમ હોવી જ જોઇએ.. જીવનના મૂલ્યો શીખવાડવાનો પ્રયાસ અમે અમારી રીતે કરતા રહીએ છીએ..કોઇ સલાહ સૂચનોથી નહીં જાતે અમલ કરીને.. દરેકનો જન્મદિવસ પરંપરાગત રીતે નહીં પણ સાવ જુદી જુદી રીતે ઉજવાય છે. તેઓ જાતે જ નક્કી કરે છે કે આજે કયાં જઇને કોને મદદ કરીશું ? કદીક કોઇ હોસ્પીટલમાં..કદીક અનાથાશ્રમમાં તો કદીક સ્ટેશન પરના બાળકોને કોઇ રીતે મદદકરી આર્થિક રીતે પગભર કરવા.. અનેક કામોના લીસ્ટ મારી પાસે તૈયાર હો છે. જેમાંથી પસંદગી  દીકરીઓ જાતે કરે છે.

સમયને તો  પાંખો ફૂટી છે. નાની દીકરીઓના કિલકિલાટ  હાસ્યથી સભર બની અમે સૌ છલકતા રહીએ છીએ.. ઓફિસેથી આવ્યા બાદ નીરજની  એક એક પળ દીકરીઓ સાથે વીતે છે. ઓફિસે પણ એ જરૂર પૂરતો જ સમય જાય છે. અમારું દામ્પત્ય સોળે કળાએ  મહોરી ઉઠયું છે. નીરજ,  મારી એક એક ક્ષણનો સાથીદાર.. મારી ક્ષણે ક્ષણને શણગારી એને ખુશીથી છલકાવી દેતો મારો પરમ સખા..

અમારું કુટુંબ શહેરમાં જાણીતું થઇ ગયું છે. કયારેક કોઇ અમારી દીકરીઓ વિશે જાણવા ..કંઇ પૂછવા આવે છે ત્યારે મને નથી ગમતું.. કેમ અમારે અગિયાર દીકરીઓ ન હોઇ શકે ? તમે તમારા જમાનામાં કેટલા ભાઇ બહેન હતા ?

તો કોઇ  વળી પૂછે છે..અમારી  દયા ખાય છે..બિચારાઓને ત્યાં  દીકરાની રાહ જોવામાં..દીકરાની આશામાં દીકરીઓની લંગાર લાગી ગઇ. શું થાય ? આ બધી તો  ઇશ્વરની માયા છે. દીકરીઓને કંઇ નાખી થોડી દેવાય છે ?

મને ગુસ્સો આવે છે..પણ નીરજ મને ઇશારાથી ચૂપ રહેવા સમજાવે છે. આપણા સમાજની માનસિક્તા કયારે બદલાશે ?  કદી બદલાશે ખરી ? 

5 thoughts on “ચપટી ઉજાસ..190

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.