સંબંધ સેતુ..

                                                                           સંબંધોના સાચા સૂર..  

“ હું ને તું ના બધા ઘોંઘાટમાં

 કયાંક સાચા સૂર રાખી જોઇએ..”  

આજકાલ મોટે ભાગે અનેક માતાપિતાને તેમના પુખ્ત વયના સંતાનો માટે અનેક ફરિયાદો હોય છે. એમાં પણ પરણેલા દીકરા સામે વિશેષ ફરિયાદો હોય છે. અલબત્ત એ સાચી પણ  હોય છે..પરંતુ દરેક વખતે નહીં જ..હમેશા માતા પિતા જ સાચા હોય અને ફકત સંતાનોનો જ દોષ હોય છે એવું  નથી. બે પેઢી વચ્ચે જનરેશન ગેપ તો રહેવાનો જ.ત્યારે માબાપે પણ સંતાનોની વાત તેની ભાવના..તેના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.. તેમને અનુકૂળ બનવાની કોશિષ કરવી જ રહી. આજની ફસ્ટ લાઇફમાં  સંતાનોને હરિફાઇમાં ટકી રહેવા માટે અનેક મોરચે ઝઝૂમવું પડતું હોય છે.   બહારથી થાકીને  તે ઘરમાં આવે ત્યારે એને પણ  હાશકારો ..થોડી શાંતિ મળે એવી  ઝંખના હોય છે. એવે સમયે માતા પિતા દીકરાના આવતાની સાથે જ પોતાની ફરિયાદોના પોટલા ખોલીને બેસી જાય ત્યારે દીકરો કે કોઇ પણ કંટાળે એ સ્વાભાવિક નથી ? એમાં દરેક વખતે લાગણી ન હોય એવું નથી હોતું. દીકરાને પોતાની પડી નથી એવી ગેરસમજણને  દિલમાં સ્થાન આપ્યા સિવાય મન શાંત રાખી સહકાર આપતા શીખવું જ રહ્યું.

આજે આવી જ કોઇ વાત..નીલેશભાઇ જીવનના છઠ્ઠા દાયકામાં પ્રવેશ્યા ત્યાં જ પત્નીનો સાથ અચાનક છૂટી ગયો. ગામમાં એકલા થઇ જવાથી દીકરો, વહુ આગ્રહ કરીને તેમને પોતાની સાથે શહેરમાં લાવ્યા..

પપ્પા ..હવે તમારે એકલા રહેવાની જરૂર નથી. કહી લાગણીપૂર્વક દીકરો શશિન  અને  વહુ રાધિકા તેમને પોતાની સાથે  લાવ્યા. પપ્પાને પણ  નાના અંશ સાથે  મજા આવશે. તેને રમાડવામાં  એ પોતાની  એકલતા ભૂલી જશે એમ માની ખુશીખુશી પિતાને લાવ્યા હતા.

થોડા દિવસ તો બરાબર ચાલ્યું. દીકરાનો બે બેડરૂમનો ફલેટ હતો. અને ઘરમાં પતિ, પત્ની અને નાનકડો દીકરો જ હતો.તેથી નીલેશભાઇને જુદો રૂમ પણ મળી શકયો હતો. રાધિકા તેની ફરજ લાગણીથી બજાવતી  હતી. પિતાને કોઇ વાતનું ઓછું ન આવે માટે પતિ પત્ની બંને કાળજી રાખતા હતા.

પણ નીલેશભાઇ અહીં એકલા પડી  જાય એ સ્વાભાવિક છે. આસપાસમાં બધા નોકરી કરતા સ્ત્રી, પુરૂષો હતા. મોટા ભાગના ફલેટ છેક સાંજે કે મોડી રાત્રે ખૂલવા પામતા. ગામની જેમ અહીં કોઇ રોજ આવીને ગપ્પા મારવા નવરું નહોતું. નીલેશભાઇ ને મજા નહોતી આવતી. આખો દિવસ શું  કરવું ? અંશ  ચાર વરસનો  હતો. રાધિકા સવારે નીલેશભાઇને ચા નાસ્તો સમયસર આપીને પછી પોતાના કામમાં ગૂંથાઇ રહેતી. અંશને સ્કૂલે મૂકવા લેવા જવું.. શશિનને  સમયસર ટિફિન આપવું..એ બધામાં સમય તો કયાંય ઊડી જતો. નીલેશભાઇને બરાબર બારના ટકોરે જમવા જોઇએ અને તે પણ  જરા યે  ઠંડુ ન જ ચાલે.  વરસોની આદત હતી. રાધિકા તેમના સમયનો ખ્યાલ રાખતી પણ દરેક વખતે એ શકય ન બનતું. પુત્રને સ્કૂલેથી તેડીને આવે ત્યાં જ બાર વાગી જાય અને એ પછી દીકરાને જમાડે કે પહેલા સસરાને એ જ તેને ન સમજાતું. બંને ઉતાવળા થતા હોય. મોડું થાય તો નીલેશભાઇ  એકલા એકલા બોલ્યા કરે..

’ નકામો અહીં આવ્યો એના કરતા ગામમાં એકલો પડી રહ્યો હોત તો  વધારે  સુખી હોત.. એમ પરોક્ષ રીતે કંઇ ને કંઇ સંભળાવ્યા કરતા. રાધિકા બધું  સમજતી પણ સંસ્કારી હોવાથી સામે જવાબ નહોતી આપતી અને આંખ આડા કાન કર્યા કરતી.

એકાદ વાર તેણે નીલેશેભાઇને કહી જોયું..

પપ્પા , તમે અંશને તેડવા મૂકવા જાવ તો મજા આવશે.સ્કૂ લ પણ બહું દૂર નથી.  દસ મિનિટ  લાગે છે. અને તમારે થોડું ચલાઇ પણ જાય અને હું પણ થોડી ફ્રી રહું તો બીજા કામ સમયસર થઇ શકે. પણ નીલેશભાઇએ તો ચોખ્ખું કહી દીધું ..મને એવું કોઇ બંધન ન ફાવે. તમારા છોકરાઓનું તમે સંભાળો..અમે અમારી જવાબદારી પૂરી કરી હવે તમે જાણો અને તમારો સંસાર જાણે..અમે તો ભાઇ બસ  તો બે ટાઇમ રોટલી શાકના  ઘરાક..બાકી અમારે બીજી કોઇ અપેક્ષા કયાં છે તમારી  પાસે ?

આમ કેટલું યે બોલતા..પછી રાધિકાએ તેમને કહેવાનું  જ છોડી દીધું . સાંજે શશિન થાકીને ઓફિસેથી આવે એટલે નીલેશભાઇની ફરિયાદ ચાલુ જ થઇ જાય..

હું તો ભાઇ કંટાળી ગયો…. કોઇ બોલવાવાળું જ ન મળે..અને આજે પોતાને કેટલી તકલીફ પડી એનું વર્ણન  ચાલુ થાય.

શશિન બિચારો શું બોલે  ? તેને ખબર હતીકે રાધિકા પિતાનું ધ્યાન  રાખે જ છે પણ પિતાએ જીવનમાં કદી બે સળી સુધ્ધાં નથી ભાંગી.. કોઇને મદદ કરાવવી જોઇએ એવો એમને વિચાર જ નથી આવતો.  બધાએ તેમનો જ વિચાર કરવો જોઇએ એવું  જ તે માનતા.

એવામાં નીલેશભાઇનો એક મિત્ર તેને ઘેર  થોડા દિવસ માટે આવ્યો. નીલેશભાઇએ જ પોતાની સાથે રહેવા બોલાવ્યા હતા. ગિરીશભાઇ પણ  તેમના જેવડા જ હતા. રાધિકાને થયું હવે પપ્પાના મિત્રને પણ  પોતે કેવી રીતે સાચવશે ? પોતે એકલી કેટલે પહોંચી વળશે ? પપ્પા  તો અંશને પણ મન હોય તો થોડી વાર રમાડે નહીંતર નહીં. પણ પપ્પાના  મિત્રને ના તો કેમ પડાય ?

ગિરીશભાઇ આવ્યા એટલે નીલેશભાઇ ખુશખુશાલ થઇ ગયા.  ઘણાં  સમયે કોઇ વાતો કરનાર મળ્યું. રાધિકા સવારે  નીલેશભાઇ  અને તેના મિત્રને ચા , નાસ્તો આપીને અંશને સ્કૂલે મૂકવા જતી હતી..ત્યાં ગિરીશભાઇએ કહ્યું,

રાધિકા બેટા.. તમે તમારે ઘરમાં કંઇ કામ હોય તો  આ અંશને તો અમે બે દાદાજી સ્કૂલે મૂકી આવશું. નીલેશ,  તેં સ્કૂલ જોઇ છે ને ?

નીલેશભાઇ એ હા પાડી પણ કહ્યું,

આપણે કયાં  ધક્કો ખાશું ? એ તો રાધિકા મૂકી આવશે.

એ તો મૂકી જ આવશે..પણ આપણે બેઠા બેઠા શું કરીશું ? ચાલ, ઉભો થા.. પૌત્રની આંગળી પકડીને તેને મૂકવા જવાની મજા માણી છે કયારેય ?  

નીલેશભાઇ  કમને તૈયાર થયા.ત્યાં ગિરીશભાઇ બોલ્યા..

બેટા, કંઇ થેલી કે હોય તો આપો તો વળતી વખતે શાક કે કંઇ લેવું હોય તો અમે લેતા આવીએ..

અને  તેમણે પરાણે રાધિકા પાસેથી થેલી લીધી.  અંશને મૂકીને પાછા  આવતી વખતે શાકભાજી પણ લેતા આવ્યા.

એટલું જ નહીં શાક બધું છૂટું પાડીને ફ્રીઝમાં ગોઠવી પણ દીધું.

બપોરે ફરીથી અંશને લેવા ઉપડયા.. આવીને કહે,

પહેલા આ છોકરાને નિરાંતે જમાડી લો..અમે બુઢ્ઢા અમારી જાતે લઇ લેશું. અરે વાહ તમે તો રોટલી પણ તૈયાર રાખી છે ને ?

રાધિકા કહે, હું હમણાં બીજી  ગરમ ઉતારી દઉં છું.

અરે, આ યે ગરમ જ છે. નીલેશ ચાલ ભાઇ, આપણને તો  ભૂખ લાગી છે. રાધિકા ભલે શાંતિથી અંશને જમાડી લે..

નીલેશભાઇ  કશું બોલ્યા સિવાય ચૂપચાપ જમવા બેસી ગયા. સાંજે અંશને લઇને ગિરીશભાઇ બાજુના બગીચામાં  ફરવા  ઉપડયા. અંશને મજા આવી ગઇ. નીલેશભાઇ પણ પાછળ પાછળ ગયા. જોકે અંશને ફેરવવામાં તેની સાથે દોડાદોડી કરવામાં તેની સાથે બોલ અને ફુગ્ગાથી રમવામાં તેમને પણ  મજા આવી.સારું લાગ્યું.

રાત્રે શશિન આવ્યો ત્યારે બંને મિત્રોએ જમી લીધું હતું.

રાધિકા, અમે અંશને વાર્તા કરીએ છીએ તેણે જમી લીધું છે ને  ? તમે હવે નિરાંતે જમી લો. શશિન બિચારો થાકીને આવ્યો હશે..

કહીને અંશને પોતાની પાસે લઇને ગિરીશભાઇ ઉત્સાહથી અંશને વાર્તા કરવા લાગ્યા . અંશને આ નવા  દાદાજી બહું  ગમી ગયા. તે આટલા સમયમાં નીલેશભાઇ  સાથે કદી આટલું નહોતો બોલ્યો  કે નહોતો હસ્યો આ દાદાજીની  તેને જાણે માયા લાગી ગઇ.

ગિરીશભાઇ પૂરું અઠવાડિયું રોકાયા. આ દિવસોમાં   રાધિકાને કોઇ તકલીફ ન પડે અને પોતે  તેને કેવી રીતે મદદરૂપ થઇ  શકાય  એ રીતે તે રહ્યા. રાધિકા  કોઇ વાત માટે ના કહે તો પણ તે  હસીને કહેતા,

બેટા, તું ચિંતા ન કર. હું મારે ઘેર આ બધું  કરું જ છું. અહીં  એમાં કંઇ નવું નથી કરતો.  અને એટલે જ મને લાગે છે કે હું પણ  ઘરનો એક સભ્ય છું કંઇ મહેમાન કે વધારાની વ્યક્તિ નથી.  બેટા , અહીં તેં પણ  મને સરસ રીતે સાચવ્યો છે. મારા આશીર્વાદ છે.

ગિરીશભાઇ જતા રાધિકા ગળગળી બની ગઇ હતી. જાણે પોતાના પિતા ઘરમાંથી ન જતા હોય..

નીલેશભાઇ  તો બસ જોતા જ રહી ગયા હતા. મનમાં  કોઇ સમજણ ઊગી રહી હતી.

બીજે દિવસ રાધિકા જલ્દી જલ્દી તૈયાર થઇ હતી કે આજે તો અંશને મૂકવા તેને જ જવું પડશે..હવે કંઇ ગિરીશભાઇ થોડા છે ?

પણ ત્યાં તેના આશ્વર્ય વચ્ચે  નીલેશભાઇ ધીમેથી  બોલ્યા

બેટા, આજથી અંશને મૂકવા હું જવાનો છું હોં..અને હા, એક થેલી પણ આપજો..

ના..ના પપ્પા..ચાલશે.તમે ધક્કો ન ખાવ હું  જાઉં છું.

કેમ મને કાયમ ઘરનો મહેમાન જ રાખવો છે ? હું  પણ  આ ઘરનો એક સભ્ય છું..

કહેતા નીલેશભાઇ અંશનો હાથ પકડી ચાલવા લાગ્યા.

રાધિકા સસરાનું  આ પરિવર્તન જોઇ રહી.

અને આ પરિવર્તન કાયમી બની રહ્યું. હવે નીલેશભાઇને કોઇ ફરિયાદ નથી. હવે એ એકલા પણ નથી.  સાથે વહાલો પૌત્ર છે. સ્નેહાળ દીકરો  વહુ  છે.  જે  તેમની બધી જરૂરિયાતનું  ધ્યાન રાખે છે. એથી વિશેષ શું જોઇએ જીવવા માટે ?  

કોઇ ટિકા ટિપ્પણની જરૂર છે ખરી કે ?

( સ્ત્રીમાં નિયમિત પ્રગટ થતી શ્રેણી સંબંધસેતુ )

 

 

 

તમારી  આસપાસ આવા કોઇ નીલેશભાઇ  કે નીલાબહેન દેખાય છે ? કે પછી  આપણે જ એ નીલેશભાઇ  કે નીલાબહેન તો નથી ને ?  

3 thoughts on “સંબંધ સેતુ..

  1. નીલમબેન, કેટલી હ્રદયસ્પર્શી વાર્તા ? હકીકત સમજાવતી વાર્તા !

    Like

  2. સાચી વાત છે..બન્ને પક્ષે જો સમજદારી હોય, સાસુ-સસરા ન રહી માઁ-બાપ બને અને વહુ ન રહી દિકરી બને તો જ આવું શક્ય બને…સુંદર

    Like

  3. તમે એક સુંદર, અતિ સુંદર “સમઝનેવાલોંકો ઈશારા કાફી” જેવી હ્રદયસ્પર્શી વાર્તા આપી છે. આજના જમાનામાં માબાપ-પુત્રો-પુત્રીઓ- કુટુંબમાં દરેકને માટે સમજવા જેવી, જીવનમાં અમલ કરવા જેવી અને ઘરમાં-બહાર એકબીજાને સહાય કરીને મસ્ત જીંદગી જીવવા જેવું છે. અહીં અમેરીકામાં મારી દીકરી ભેગો રહું છું અને ઘરની બધી ગ્રોસરી આનંદથી લઈ આવું છું, બહારનું બધું કામ મોજથી કરું છું, જરૂર પડયે પૌત્રીને શાળાએ-કોચીંગ કલાસમાં મુકવા-લેવા જેવું કામ કરીને આનંદ તો આવે છે, ઘરનાને રાહત પણ રહે છે અને તેમને બહારના કામ માટે કોઈ જાતનું ટેન્સન નથી રહેતું, આ બહાને બહાર પણ જઈ શકાય, કસરત પણ થઈ જાય…. આપણું પણ ઘરમાં માન રહે અને અવિભાજ્ય અંગ તરીકે માનસહિત કદર પણ થાય.
    M.D.Gandhi
    Corona, CA
    U.S.A.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.