સંબંધસેતુ..

“ સંબંધો ય કારણ વગર હોય જાણે,

આ માણસ બીજાઓથી પર હોય જાણે.

જીવનમાં ઘણીવખત કોઇ અજાણી વ્યક્તિ સાથે અચાનક પરિચય થાય છે.. સંબંધો ઉગી નીકળે છે અને કયારેક જીવનભર પણ જળવાઇ રહેતા હોય છે..જેને આપણે કોઇ ઋણાનુબંધ એવું નામ આપતા હોઇએ છીએ. આવા સંબંધો કોઇ નામના મોહતાજ નથી હોતા. એમાં હોય છે..લાગણીની મીઠી સુવાસ.. આવા સંબંધો માનવ માટે અણમોલ સોગાદ બની રહે છે.
આજે હમણાં જ સાંભળેલી એક સાચી વાત.. અમદાવાદનું જ એક પટેલ કુટુંબ હૈદ્રાબાદ ફરવા ગયેલું. પતિ, પત્ની અને બે પુત્રીઓ..મોટી દીકરી પાંચ વરસની અને નાની બે વરસની..

હૈદ્રાબાદમાં રામોજી સીટી જોવા ગયેલા.. ચારે જણા આનંદથી ફરતા હતા. અચાનક નાની દીકરી રિચા એક પગથિયા પરથી ગબડી પડી. કપાળ પાસેથી લોહીની ધાર થઇ. પતિ, પત્ની ગભરાઇ ગયા. લોહી બંધ નહોતું થતું. શું કરવું તે સમજતું નહોતું. પત્ની તો રડી પડી. ત્યાં ઉભેલા ટોળામાંથી એક ભાઇ આગળ આવ્યા અને કહે,

જરા દૂર ખસો..હું ડોકટર છું. મને તપાસવા દો… પતિ પત્ની માટે તો જાણે કોઇ દેવદૂત આવ્યા.

ડોકટરે દીકરીને તપાસી..ઘા ઉંડો હતો. ટાંકા લેવા પડે તેમ હતા. તેમણે પટેલભાઇને કહ્યું.. હું અહીં હૈદ્રાબાદનો જ છું.. બેબીને ટાંકા લેવા પડશે. એમ કહી પોતાનું કાર્ડ બતાવ્યું. પછી તો ત્યાના સંચાલકોએ પણ મદદ કરી.

બધા તાત્કાલિક ડોકટરના કલીનીકમાં પહોંચ્યા. રિચાની સારવાર થઇ. અને થોડીવારમાં રિચા તો રમવા લાગી. પટેલભાઇ જેનું નામ અમર હતું..તે તથા તેની પત્ની…
અમોલાએ ડોકટરનો આભાર માન્યો. ડોકટર કહે,

તમે અમારા શહેરના મહેમાન કહેવાવ..અતિથિ કહેવાવ.. અને અતિથિ તો ભગવાન કહેવાય. પછી તો બંને વચ્ચે ઘણી વાતો થઇ. ડોકટરે અમર ભાઇ અને તેની પત્નીને પોતાને ઘેર જમવા નોતર્યા.

ડોકટરને અમરભાઇની દીકરીની ઉમરનો જ એક નાની દીકરો હતો. હા..ના કરતા બધા સાથે જમ્યા. ડોકટરે ફી તો ન જ લીધી. પટેલભાઇએ પરાણે ડોકટરના દીકરાને ભેટ આપી. આ ફી નથી..મારી નાના દીકરાનું મોઢું જોઇને આપું છું..એમાં તમે ના ન પાડી શકો.. ડોકટર અજિત નાયર હતા. તેમની ભાષા તામિલ હતી. પરંતુ જયાં સ્નેહ અને લાગણી હોય, દિલની અમીરાત હોય ત્યાં ભાષાના કે બીજા કોઇ બંધનો કયાં નડી શકતા હોય છે ?
પછી તો બંને કુટુંબ વચ્ચે સંબંધો કેળવાયા.અમરભાઇએ ડોકટર નાયર અને તેના કુટુંબને ગુજરાત ફરવા આવવાનું આમંત્રણ આપ્યું. બે દિવસ બધા સાથે ફર્યા. એકબીજાના ફોન નંબર અને સરનામાની આપ લે થઇ.

અમરભાઇ ફરીને અમદાવાદ આવ્યા. બંને પરિવાર વચ્ચે વાતચીત ચાલુ રહી. સંપર્ક જળવાઇ રહ્યો. આત્મીયતા વધતી રહી.વચ્ચે એકવાર ડોકટર અને તેનું કુટુંબ ગુજરાતની મુલાકાતે આવી ગયું. અમરભાઇએ પૂરા દસ દિવસ તેમની સાથે રહીને તેમને ફેરવ્યા. હવે તો એક જ ઘર જેવા સંબંધો બંધાયા હતા.

સમય પોતાની રીતે વહેતો રહ્યો. અમરભાઇની મોટી પુત્રીના લગ્ન વખતે ડોકટર નાયર અને તેનું કુટુંબ એક સ્વજનની માફક જ સાથે રહ્યા હતા. એ સમય દરમ્યાન ડોકટરનો પુત્ર સંદીપ અને અમરભાઇની પુત્રી રિચા વચ્ચે સ્નેહનો એક તંતુ ન જાણે કયારે જોડાઇ ગયો એની તેમને પણ ખબર ન પડી. રિચા અને સન્દીપ બંને હવે મોટા થયા હતા. મોટી બહેનના લગ્ન પછી બંને છૂટા તો પડયા પરંતુ મનના તાર જોડાયેલા જ રહ્યા. બંને યુવાન હૈયામાં મીઠી લાગણીઓ આકાર લઇ રહી હતી. આમ પણ ફોન અને ઇ મેઇલ, ચેટીંગ જેવી ટેકનોલોજી સ્થળ, કાળના અંતર , દૂરતાના સીમાડા કયારના અદ્ર્શ્ય કરી દીધા હતા.

બંનેનું ભણવાનું પૂરું થતા સુધીમાં તો તેમની મૈત્રી પ્રેમમાં પરિણમી હતી. પરંતુ લગ્નનો કોઠો ભેદવો સહેલો નહોતો લાગતો. ગમે તેવા સંબંધો પછી પણ બંને કુટુંબ તેમના લગ્ન માટે સંમતિ આપશે કે કેમ એ શંકા સ્વાભાવિક રીતે જ બંનેના મનમાં હતી. મૈત્રીની વાત અલગ હતી અને જીવનભરના સાથની વાત આખી અલગ હતી. બંનેના કલ્ચરમાં ખૂબ તફાવત હતો. જોકે રિચા અને સન્દીપ બંને મક્કમ હતા. જરૂર પડયે માતા પિતા સાથે લડી લેવાના મૂડમાં હતા. વિરોધનો વંટોળ જયારે ફૂંકાતો હોય ત્યારે આમ પણ યુવાનોની સંવેદના વધારે તીવ્ર બનતી હોય છે. આમ પણ માનવમન જ એવું છે જે વસ્તુની ના પાડો..મનાઇ કરો તે તરફ વધારે ભાગે. બંધન હોય ત્યાં જ મુક્તિની ઝંખના હોય ને ?
રિચાનું ભણવાનું પૂરું થતા સ્વાભાવિક રીતે જ હવે રિચાની સગાઇની વાતો ચાલતી હતી.આમ તો અમરભાઇનું કુટુંબ બીજી બધી રીતે આધુનિક વિચારનું હતું. પરંતુ લગ્ન તો પોતાની જ્ઞાતિમાં જ થવા જોઇએ અને તો જ સુખી થવાય એવી તેમની માન્યતાથી દીકરી અજાણ નહોતી જ. તેથી પિતાને કહેતા અચકાતી હતી. પરંતુ હવે કહ્યા સિવાય બીજો કોઇ ઉપાય પણ નહોતો. સંદીપને વિશ્વાસ હતો કે તેના માતા પિતા રિચાને જરૂર અપનાવી લેશે.

આવતા અઠવાડિયે રિચાને જોવા એક છોકરો અને તેના માતા પિતા આવવાના હતા એવી જાણ રિચાને થતા જ તે ગભરાઇ. હવે ? હવે શું કરવું કેમ કહેવું ? પરંતુ કહ્યા સિવાય બીજો કોઇ ઉપાય પણ કયાં હતો ?

એક દિવસ રિચાએ હિમત કરી જ નાખી.

મમ્મી, સંદીપ માટે તું શું માને છે ?

એટલે ?

એટલે એમ જ કે સન્દીપ કેવો છોકરો છે ?

અરે, દીવો લઇને શોધવા જઇએ તો અપ્ન સન્દીપ જેવો છોકરો કે તેન અજેવું કુટુંબ જલદી ન મળે. સરસ મજાનો છોકરો છે..અને કુટુંબ પણ કેવું માયાળું.. !

મમ્મી, ખરેખર ? તું માને છે કે સંદીપ સારો છોકરો છે ? ‘

એમાં ન માનવા જેવી શું વાત છે ? આપણે એને અને એના ફેમીલીને આટલા વરસોથી ઓળખીએ જ છીએ ને ?

મમ્મી… સન્દીપ…

કહેતા રિચા અચકાઇ.. આગળ શું બોલવું તે ન સમજાયું.

શું બેટા ? કોઇ ખાસ વાત છે ?

ના..હા.. કહેતા કહેતા રિચા થોથવાઇ.. શબ્દોએ જલદી સાથ ન આપ્યો.

બેટા, જે હોય તે મનની વાત મમ્મીને જરૂર કહી શકાય.

મમ્મી, સન્દીપ સરસ છોકરો છે એમ તો તું પણ કહે જ છે ને ?

હા..હા.. પણ વાત શું છે એ કહે ને ? મમ્મી, સન્દીપ તારો જમાઇ બને તો ?

જો બેટા, સારો છોકરો હોય એનો મતલબ એ નથી કે એની સાથે જીવન જોડવાનું..એને એને આપણે જ્ઞાતિ.. આપણા રિતરિવાજો..ભાષા બધું જ અલગ…બેટા, વાતો કરવી સહેલી છે અને જીવનભર સાથ નિભાવવો અઘરો છે.

મમ્મી…

‘ જો રિચા, સો વાતની એક વાત.. આ સંબંધ શકય નથી. આવતા અઠવાડિયે જે છોકરો તને જોવા આવવાનો છે. એ દરેક રીતે યોગ્ય છે. સન્દીપને ભૂલી જા.. આ અમારો આખરી ફેંસલો છે. ‘

મમ્મી, જીવન મારે જીવવાનું છે. મને મારા જીવનનો ફેંસલો લેવાનો કોઇ હક્ક નહીં ? ‘ તારું સારું..ખરાબ વિચારવાવાળા અમે બેઠા છીએ..જે કરીશું તે સમજી વિચારીને જ કરતા હઇશું ને ? બેટા, તેં હજુ દુનિયા નથી જોઇ..પણ અમે ઘણું જોયું છે. જે કરીએ છીએ તે તારા સુખ માટે જ કરીએ છીએ.. બેટા, અમારો વિશ્વાસ રાખ.. અમે જબરજસ્તી નહીં કરીએ..પણ એકવાર તું અમે નક્કી કરેલા છોકરાને જોઇ તો લે… જોવાથી કંઇ પરણી થોડું જવાય છે ? પછી તને નહીં ગમે તો વિચારીશું. બસ ? હવે આ રોતલ ચહેરો બંધ..

રિચા થોડી આશ્વસ્ત બની. એટલીસ્ટ મમ્મીએ વિચારવાની તો હા પાડી. પોતે જોઇને કોઇ પણ બહાનું કાઢીને ના પાડી દેશે. પછી તો મમ્મી, પપ્પાને પોતાની વાત પોતાની વાત સ્વીકારવી જ પડશે ને ?

અઠવાડિયા પછી રિચા કમને મમ્મી, પપ્પા ખાતર છોકરાને જોવા તૈયાર થઇ. તે સન્દીપના જ વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં નીચેથી મમ્મીની બોલાવવા આવી..

રિચા, મહેમાન આવી ગયા છે. બેટા, ચાલ નીચે.

‘ મમ્મી, ફકત તમારા માન ખાતર જ આવું છું..હોં..

હા..બેટા, એકવાર જોઇ તો લે..બીજી બધી વાત પછી. અત્યારે બીજી વાતો કરવાનો સમય નથી. ચાલ જલદી.. અને આમ સોગિયું મોં લઇને નહીં..પ્લીઝ.. કોઇને ખરાબ ન લાગવું જોઇએ. ઓકે ? ‘

રિચા કચવાતે મને નીચે આવી. અને જોયું તો… ?

તો નીચે સન્દીપ તેના મમ્મી, પપ્પા અને પોતાના પપ્પા કોઇ વાત પર ખડખડાટ હસી રહ્યા હતા. રિચાને કશું સમજાયું નહીં. અત્યારે સન્દીપ અહીં ? કાલે જ તો સન્દીપ સાથે પોતે વાત કરી હતી. તે તો અહીં આવવાનું કશું બોલ્યો નહોતો. અને અચાનક આમ ?
તેણે મમ્મી સામે જોયું.

મમ્મીએ હળવેથી કહ્યું.. બેટા, આ સામે બેઠો છે તે છોકરો પસંદ છે ? અમને અત્યારે જ જવાબ જોઇએ..

રિચા સન્દીપ સામે જોઇ રહી. સન્દીપ તેની સામે સ્મિત કરતો જોઇ રહ્યો.
અચાનક સંદીપના પપ્પા બોલી ઉઠયા..

‘બસ.બહું થયું હવે.. હવેથી રિચા અમારી દીકરી છે હોં.. નથી હવે એને કોઇ હેરાન નહીં કરી શકે. ‘ અને બધાના સમૂહ હાસ્યથી ઘરની દીવાલો પણ જાણે હસી પડી.

રિચાના મગજમાં અચાનક ટયુબલાઇટ થઇ..આ બધા મળીને તેને ઉલ્લુ બનાવતા હતા.અને સન્દીપ પણ આ કાવતરામાં બધાની સાથે સામેલ હતો. એ સમજતા તેને વાર ન લાગી.

અને વાતાવરણમાં જાણે શરણાઇના સૂર ગૂંજી ઉઠયા.

સંબંધોનો મજાનો સેતુ કેવી સરસ રીતે નિર્માણ થતો હતો.

શીર્ષક પંક્તિ..આદિલ મન્સૂરી
( સ્ત્રી સાપ્તાહિકમાં નિયમિત પ્રગટ થતી શ્રેણી )

7 thoughts on “સંબંધસેતુ..

  1. સંબંધો ય કારણ વગર હોય જાણે,..ઋણાનુબંધ એવું નામ આપતા હોઇએ છીએ…સંબંધોનો મજાનો સેતુ કેવી સરસ રીતે નિર્માણ થતો હતો. …sunder saral Rachna

    Like

  2. પિંગબેક: સંબંધસેતુ.. | | GujaratiLinks.comGujaratiLinks.com

  3. જીવનમાં ઘણીવખત કોઇ અજાણી વ્યક્તિ સાથે અચાનક પરિચય થાય છે.. સંબંધો ઉગી નીકળે છે અને કયારેક જીવનભર પણ જળવાઇ રહેતા હોય છે..જેને આપણે કોઇ ઋણાનુબંધ એવું નામ આપતા હોઇએ છીએ. આવા સંબંધો કોઇ નામના મોહતાજ નથી હોતા. એમાં હોય છે..લાગણીની મીઠી સુવાસ.. આવા સંબંધો માનવ માટે અણમોલ સોગાદ બની રહે છે.
    Nilamben sunder abhivyakti..like this very much..Thanks

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.