સંબંધસેતુ..

સંબંધસેતુ

એકપક્ષી અપેક્ષાઓ સંબંધોને તોલ્યા કરે,

ગાંઠ જોડયા પહેલા જ કોઇ છોડયા કરે.

આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પાસેથી અનેક અપેક્ષાઓ રખાતી હોય છે. સ્ત્રી પોતાની કારકિર્દીમાં ગમે તેટલી આગળ વધી હોય, બહારની ગમે તેટલી મોટી જવાબદારીઓ સંભાળતી હોય પરંતુ ઘરની જવાબદારીથી સાવ વિમુકત થઇ શકતી નથી. ઘરનું કામ તો સ્ત્રીનું જ. એ અપેક્ષા છોકરાના માનસમાં જાણ્યે અજાણ્યે રોપાતી હોય છે. કોઇ છોકરો ઘરનું કામ કરે તો છોકરી જેવો ગણાય છે. છોકરાનો ઉછેર,તેની આસપાસનું વાતાવરણ વિગેરે ઘણાં પરિબળો આમાં ભાગ ભજવતા હોય છે. પરંતુ બદલાતા આ સમયમાં સ્ત્રી એકલી ઘરનું અને બહારનું બધું સંભાળે તે શકય નથી બનતું.અને ત્યારે કોઇ પરિવર્તન આવવું જોઇએ એવું નથી લાગતું ?

અર્ચન અને આરતી પતિ પત્ની બંને એંજીનીયર હતા. બંને સારી કંપનીમાં જોબ કરતા હતા. હકીકતે આરતી સારી જોબ કરતી હતી તેથી જ અર્ચને તેને પસન્દ કરેલી. આરતીના મનમાં નારીવાદના કે સમાનતાના એવા કોઇ ખ્યાલો પણ નહોતા. ઓફિસેથી આવીને તે જલદી જલદી રસોઇ કરી નાખતી. બીજા બધા કામ માટે તો નોકર હતો. રસોઇ આરતીએ જ બનાવવી એવો અર્ચનનો આગ્રહ હતો. અને આરતીને એમાં ખાસ કોઇ વાંધો પણ નહોતો. થોડી તૈયારી સવારે ઓફિસે જતાં પહેલા તે કરી લેતી તેથી આવીને બહુ સમય લાગતો નહીં.આમ પણ ઘરમાં હજુ તેઓ બે જ હોવાથી બહુ તકલીફ પડતી નહોતી. હા, કયારેક તે થાકી જરૂર જતી.અને ઇચ્છતી કે અર્ચન થોડી મદદ કરાવે તો સારું. પણ અર્ચનને એવી કોઇ આદત નહોતી. નાનપણથી તેને બધું તૈયાર મળેલ..અને છોકરી તો બધું કરે..કરવું જ જોઇએ એમાં શું ? એવી માન્યતામાંથી તે બહાર આવ્યો નહોતો. સ્ત્રી ઘરની બહાર કામ કરે એ સ્વીકારાયા પછી પણ ઘરની તેની ભૂમિકા એવી જ અકબંધ કેમ રહી શકે ? એ વિચાર પુરુષને કયારેય આવતો નથી હોતો.

અહીં પણ શરૂઆતમાં તો આરતીએ બધું કર્યા કર્યું. પણ પછી ઓફિસમાં તેની જવાબદારી વધતી ગઇ. ઘેર આવવામાં તેને કયારેક વહેલું મોડું થવા લાગ્યું. કયારેક તે ઓફિસેથી મોડી આવે અને અર્ચન વહેલો આવી ગયો હોય તો તે આરતીની રાહ જોઇને ઉંચો નીચો થતો હોય..અને આરતી આવે એટલે ‘ જલદી કરજે..બહું ભૂખ લાગી છે…’ કહી દેકારા કરી મૂકે. એકવાર આરતીએ તેને કહ્યું કે તું વહેલો આવી જા ત્યારે શાક સમારી રાખ કે એવું કશું થોડું કરી રાખ અથવા હું આવું ત્યારે મારી સાથે રસોડામાં આવીને મને થોડી મદદ કરાવે તો જલદી થઇ જાય અને મને પણ થોડી રાહત મળે.

અર્ચન કહે,’ એ મારું કામ નહીં. મને એ બધું આવડે નહીં અને ફાવે પણ નહીં. ‘

આરતી કહે ; એ તો તેં કરેલ નથી તેથી શરૂઆતમાં ન ફાવે. હું થોડું શીખડાવીશ. અર્ચન ગુસ્સે થઇ ગયો,’ એટલે મારે ઓફિસેથી થાકીને આવીને પછી રસોઇ શીખવાની છે ? તો જખ મારવા લગ્ન કર્યા છે ? ‘

આરતી આજે અર્ચનની વાત સાંભળી થોડી ગુસ્સે થઇ ગઇ અને તેણે કહ્યું, ’ લગ્ન રસોઇ માટે..જમવા માટે જ કર્યા છે ? તો પછી કોઇ રસોયાણી જ રાખી લેવી હતી ને ? લગ્ન કરવાની કોઇ જરૂર જ કયાં હતી ? અને ઓફિસેથી આવીને હું પણ થાકી જાઉં છું. હું પણ કંઇ ઓફિસે બેસવા નથી જતી. ‘

અર્ચન કહે ‘ નોકરી કરીને તું કંઇ નવી નવાઇ નથી કરતી. હવે તો દરેક સ્ત્રીઓ કરે છે અને ઘર પણ સંભાળે છે. આ તારી જ ફ્રેંડ નિરાલી પણ નોકરી કરે જ છે ને ? અને ઘર પણ સંભાળે જ છે ને ?

આરતી વધારે ગુસ્સે થ ઇ ‘ હવે બધી સ્ત્રીઓ બહાર કામ કરે છે તે તને ખબર છે અને તેમાં કંઇ નવું નથી કરતી એ તું માને છે તો પછી પુરુષ પણ ઘરમાં મદદ કરાવી શકે કે કરાવવી જોઇએ તે કેમ નથી સમજતો ? અને નિરાલી ઘર અને ઓફિસ બંને સંભાળે છે એ તને ખબર છે તો તેનો પતિ નીરવ તેને હમેશા મદદ કરાવે છે એ પણ તેં નજરે જોયું જ છે ને ? ‘

હવે અર્ચનનો મગજ છટકયો.’ તો નીરવ સાથે લગ્ન કરવા હતાને ? એ સારો લાગતો હોય તો…’

આરતી કહે ‘ એવા ઉન્ધા અર્થ લઇને ગમે તેમ બોલવાની જરૂર નથી..’

અને આમ વાત વણસી ગઇ. નાની વાતમાંથી મોટું સ્વરૂપ કયારે થઇ ગયું.કોઇને ખબર ન પડી. વાત વધતી ગઇ. તે દિવસે તો બંને જમ્યા વિના જ અંતે સૂઇ ગયા. પરંતુ આ પ્રશ્ન તો હમેશનો હતો. અને વાત હવે વટે ચડી ગઇ હતી. આરતી આમ તો સીધી સાદી હતી. પણ અર્ચનની વાતથી તેને ખૂબ ગુસ્સો આવેલ અને પોતે સાચી છે તો શા માટે તે સમાધાન કરે ?

અને જયાં બેમાંથી કોઇ સમાધાન કરવા કે નમતું જોખવા તૈયાર ન હોય ત્યારે પરિણામ સારું ન જ આવે ને ? અને પછી તો એક દોષમાંથી અનેક દોષ દેખાવા લાગે. વાંકદેખી દ્રષ્ટિને વાંક શોધતા જરાયે સમય નથી લાગતો. બંનેને એકબીજાના અનેક દોષ દેખાવા લાગ્યા.

આરતી હવે એકલી રસોઇ કરવા તૈયાર નથી અને અર્ચન મદદ કરાવવા તૈયાર નથી. અને આરતી નોકરી મૂકી દે એ પણ અર્ચનને મંજૂર નથી. કેમકે પૈસા વધારે આવે એ કોને ન ગમે ?

અને અંતે આજે બંને અલગ થઇ ગયા છે. એક સંબંધ પૂરો વિકસે તે પહેલા જ તેનો અંત આવી ગયો.

આવા તો અનેક અર્ચન, આરતી આપણા સમાજમાં જોવા મળે છે. આજે મૂલ્યો બદલાયા છે. દરેક જગ્યાએ પરિવર્તન આવ્યું છે ત્યારે પુરુષના માનસમાં જો પરિવર્તન ન આવે તો પ્રશ્નો ઉભા થવાના જ.

અર્ચનનો દોષ એટલો જ કે સમય મુજબ તે પરિવર્તન કરી કે સ્વીકારી શકયો નહીં. સ્ત્રી જેટલી સહેલાઇથી પરિવર્તન સ્વીકારી શકે છે. એટલી સહેલાઇથી પ્રુરુષ કયારેય સ્વીકારી શકતો નથી. હકીકતે હવે સમય આવી ગયો છે કે નાનપણથી માતા પિતાએ જ દીકરા કે દીકરીમાં કોઇ ભેદભાવ રાખ્યા સિવાય દીકરાને પણ દરેક કામ શીખડાવવું જોઇએ. તું છોકરો છે તેથી આ કામ તારાથી ન કરાય એ માન્યતા તેનામાં ન આવે તેનું ધ્યાન રાખે તે મુજબ પોતાના વર્તનમાં ફેરફાર કરવો જોઇએ. છોકરી જો બહારનું દરેક કામ કરી શકે તો તે જ રીતે છોકરો પણ જરૂર પડે તો ઘરનું દરેક કામ શા માટે ન કરી શકે ? એમાં તેને કોઇ અહમ ન જ નડવો જોઇએ. આ કોઇ નારીવાદના ઝંડાની વાત નથી. સામાન્ય સામાજિક પરિવર્તનની વાત છે. જયારે તમે વધારે ભણેલી છોકરી શોધો છો ત્યારે તેની અપેક્ષાઓ પણ વિચારવી જ રહી. છોકરાને શું ગમે છે તે જ નહીં બંનેને શું ગમે છે તેનો વિચાર કરવો જ રહ્યો. આજે છોકરી આર્થિક રીતે એટલી સક્ષમ બની છે કે તે પોતાનું શોષણ તો નહીં જ થવા દે. તેથી જૂની માન્યતાઓમાં પરિવર્તન લાવવું જ રહ્યું. સુખી થવાનો..સંબંધો જાળવવાનો એ જ ઉપાય છે. બાકી છૂટા થવું તો બહું આસાન છે. અને એ કોઇ સમશ્યાનો ઉપાય નથી જ. દરેક માતા પોતાના પુત્રને નાનપણથી આ વાત શીખડાવે તો જ છોકરાના વિચારમાં પરિવર્તન આવી શકે.ને ભવિશ્યમાં આવા પ્રશ્નો જલદીથી ઉભા ન થાય. અને સંબંધોનો સેતુ રચી શકાય અને ધીમે ધીમે એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય.

9 thoughts on “સંબંધસેતુ..

  1. ઘરની જવાબદારી એ ફૂલટાઈમ જોબ જેટલી જ હોય છે. નોકરી કરતી સ્ત્રીઓ પર બોજો વધ્યો છે. અને તે વ્હેંચવાની તૈયારી ન હોય તેમણે એક યા બીજી રીતે આર્થિક લાભની આશા જતી કરવી જ પડે છે. સરસ લેખ

    Like

  2. પૈસા દ્વારા બધુ જ પ્રાપ્ત કરી શકાય છે. આવી માન્યતા ધરાવતા શિક્ષિત યુવક-યુવતી જ્યારે સમાજમાં પોતાની કારકિર્દી કેળવવા બહાર પડે છે ત્યારે નૈતિક મૂલ્યો, સત અસતના માર્ગો, અન્યોને મદદ કરવાની વૃત્તિ વગેરે બાબતો સાથે તેને સ્નાનસૂતક જ નથી રહેતું.આવી વિકૃત ભાવના એટલી પ્રબળ બને છે કે કારકિર્દીમાં સ્થિરતા તેમજ સફળતા પ્રાપ્ત કર્યા બાદ જે માબાપએ પેટે પાટા બાંધી પોતાના સંતાનની શૈક્ષણિક કારકિર્દી ઘડી હોય છે તેને તરછોડી ‘સફળ અને જ્વલંત કારકિર્દી ધારક’ પોતાનું ઋણ ચૂકતે કરે છે !ત્યાં પતિપત્નીના સંબંધમાં સમજશક્તી આવતા વાર લાગે છે તે પણ સંસ્કારી હોય તો…
    ‘‘દૂર તક તન્હાઇ ભરા સફર હૈ
    ના કોઈ સાથી ના કોઈ હમસફર હૈ
    ચલે જાતે હૈ દિલ કે સહારે યે સોચ કર
    કી બસ અગલે હી મોડ પર ખુશિયોં કા શહેર હૈ.’’

    Like

  3. May be u r right !

    But at the same time when it has been imposed on husband as duty instead of extending hand to help…

    The marriage looses its importance..

    It becomes something like western culture..

    Living in relationship !!!!

    Like

  4. નીર્વીવાદ સાચું. અમેરાકામાં તો બન્ને જણ મોટે ભાગે ઘરકામ વહેંચતા જ હોય છે.
    પણ આ વાતમાં કશું નવું નથી. આનો બીજો ધ્રુવ પણ છે. અને તે અત્યંત જોખમી રીતે વધતો જાય છે. હું જો સત્યકથાઓને વાચા આપું તો પુરુષ હોવાના કારણે મેથીપાક પામું, માટે ઘણી ઈચ્છા થતાં મારા બ્લોગ ઉપર નથી લખતો.
    પણ સ્ત્રી સ્વાતંત્ર્ય હવે જોહુકમીની સીમાએ પણ પહોંચવા માંડ્યું છે.

    Like

  5. સાવ સાચી વાત..જવાબદારી તો બન્ને ની સરખી જ હોય ને..!! પતિ – પત્ની નો સંબંધ ક્ષણેક્ષણ વહેઁચવાનો છે..! પ્રેમ કોને કહેવાય..!! ગમે તેવી તકલીફ માં પણ ” આ તો તારી ફરજ, આમ તો તારે જ કરવું પડે’ એને કે પછી સામે ના પાત્ર ને અનુકુળતા આપીએ એને..! વાત થોડી સમજણ કેળવવાની છે.. અને પ્રેમ ને સાચા અર્થ માં સમજવાની પણ છે.. અગાઉ કોઇ એ કહ્યું એમ આર્થિક લાભ મેળવવા કે જતા કરવા ની વાત જ નથી આવતી.. કોઇ સંબધ અને લાગણીઓ આ બધી આર્થિક મુલ્યો ની બાબત થી ક્યાંય પર હોય છે એમ મારુ અંગત મંતવ્ય છે.

    Like

  6. આપનો લેખ ખૂબ વાસ્તવિક છે પણ આની આગળ ની વાત કરું તો કઈક આમ છે. મારી પોતાની વાત કરુ તો હું અને મારી પત્ની બંને જોબ કરિયે છિયે, અમારા પ્રેમલગ્ન છે. મેં મારી પત્ની ને હમેશા બરાબર નું સ્થાન આપ્યુ છે. હું ઍને ઘરકામ મા મદદ કરુ છુ, જો કે લગ્ન પેહલા મે પણ રસોડઆ મા પગ નતો મૂક્યો. પણ આ વસ્તુ નો હવે ઍ ગેરફાયદો ઉઠાવે છે. હવે ઍ ઍવુ ઈચ્છે છે કે હું મોટાભાગ ના ઘરકામ કરી લૌ. ઍને ઘર ની જવાબદારી મા કોઈ ઈન્ટેરેસ્ટ નથી. મને ઑફીસ ટાઇમ સર જવુ ગમે છે ઍટલે હું જલ્દી ઉઠી જાઉ છું. મારી પત્ની આ વાત નો ફાયદો ઉઠાવી ને લેટ ઉઠે છે જેથી હું મારી સાથે ઍનો પણ સવાર નો બ્રેકફાસ્ટ રેડી કરી દૌ. ઘર ને સ્વચ્છ રાખવું ઍ ઍનૂ વીક્લી કામ છે. મને સ્વછ્તા ના હોય ઍ પસંદ નથી ઍથિ હું મને જે પણ વસ્તુ બરોબર ના લાગે ઍ હું ઠીક કરી લૌ છુ. આ વસ્તુ પણ હવે ઍને મારા પર ઢોળી દીધી છે. ઍને ઘર ને સ્વચ્છ રાખવાનુ છોડી દીધુ છે અને માત્ર વીકેંડ પર થોડી સાફસફાઈ કરી લે છે.

    Like

  7. કોઇ પણ સારી વાતનો ગેરફાયદો ઉઠાવાય ત્યારે તે માર્ગ અળખામણો બની જાય એ સ્વાભાવિક છે.
    દરેક વ્યક્તિના પોતાના સંસ્કાર અને સ્વભાવ મુજબ સારી વાતાનો સદઉપયોગ કે દુરુપયોગ કરતી હોય છે. આપના જેવા અગણિત કિસ્સા સમાજમાં બનતા જ હોય છે. જયારે પતિ, પત્ની એકબીજાને taken for granted લઇ લે ત્યારે આવા પ્રશ્નો અચૂક ઉભા થાય જ. અને તેનો ઉકેલ સ્ટ્રોંગ બનીને કરવો જ રહ્યો.

    આવતા સંબંધસેતુના હપ્તામાં હું આ જ વાત મૂકવાની છું. જરૂર વાંચશો.

    આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.