એ તમને નહીં સમજાય..

 

 એ તમને નહીં સમજાય…

 બીજલી અને તેનો વર રોજ બાજુના ગામડેથી અહીં શાક, ફળ વેચવા આવતા. બંને મહેનતું હતાં. યુવાન હતા.  પોતાની મીઠી બોલીથી ઘરાકને પ્રસન્ન કરતાં તેમને આવડતું  હતું. તેમનો ભાવ હમેશાં વ્યાજબી.રહેતો. પતિ, પત્ની કયારેય કોઇને છેતરતા નહીં. સતત હસતા રહેતા આ દંપતીના આમ તો લગભગ બધા બાંધેલા, નિયમિત ઘરાક હતા. બધો માલ ખાલી કરીને જ રોજ જતા. સાંજે સાત વાગે તેમની છેલ્લી બસ આવતી.  પતિ, પત્ની હાથમાં આવેલ પૈસા ગણતા બસમાં રવાના થઇ જતા. છેલ્લા એક વરસથી તેઓ અહીં શાક વેચવા આવતા. તેમના જેવા બીજા પણ કેટલાયે શાકવાળા અહીં આવતા. તેમને કયારેક વધેલું  શાક પાછું લઇ જવું પડતું. પણ બીજલીને તો બધું શાક ખાલી થઇ જ ગયું હોય. કદાચ તેમની મીઠી જીભ, તેમની સરળતા અને કોઇને ન છેતરવાની તેમની વૃતિ આ માટે કારણભૂત હતી.

 

આજે બીજલીના વરને શરીરે થોડું અસુખ જેવું હતું. તેથી બીજલી એકલી  જ શાક લઇને આવી હતી.  શાક વેચીને જાય ત્યારે તેમનો ચૂલો પેટતો. એટલે બીજલીને અનિચ્છાએ પણ પતિને મૂકી ને આવવું પડયું. આજે બીજલીનો જીવ સ્વાભાવિક રીતે જ ઉતાવળમાં હતો. આજે બને તો શાક જલ્દી વેચી તેને વહેલાસર ઘર ભેગા થઇ જવું હતું. પણ સાથે સાથે શાક પડયું રહે એ પણ પોષાય તેમ નહોતું. અને મોટા ભાગના ઘરાકો સાંજે તડકો નમે પછી જ આવતા. એટલે બહુ વહેલું પહોંચવાની કોઇ શકયતા નહોતી.

 

થોડા ભાવ ઓછા કરીને યે તેણે જલ્દી જલ્દી શાક ખાલી કરવા માંડયું. મોટા ભાગનું શાક તો ખાલી થઇ ગયું. માત્ર થોડા બોર ઘરાકની રાહ  જોતા હતા. તેની બસનો સમય પણ થવા આવ્યો હતો. આજે બોર પાછા લઇ જવા પડશે કે શું ? બીજલી હવે કયારની ઉંચી નીચી થતી હતી. તેનું મન  તો ઘેર પહોંચી ગયું હતું. પણ બોર વેચાઇ જાય તો પાછા ન લઇ જવા પડે..વળી આજે તો પતિ માટે દવા પણ લઇ જવાની હતી. એટલે તે થોડી લાલચમાં પણ હતી. તેણે આશા રાખી બે  પાંચ મિનિટ વધુ રાહ જોવાનું નક્કી કર્યું.

 

 ત્યાં જ એક ગાડી પાસે આવી ને ઉભી રહી. એક શેઠાણી તેમાંથી ઉતર્યા. બીજલીને હાશ થઇ ! હવે બોર વેચાઇ જશે.  શેઠાણીએ પાસે આવી બોર હાથમાં લીધા. બોર  સરસ મજાના તાજા જ હતા.  પણ  ભાવ ઓછા કરાવવાના ઇરાદાથી બોલી ઉઠયા , કેવા છે ? તાજા નથી લાગતા.

 

બીજલી કહે, ના, ના, એકદમ તાજા અને મીઠા છે. લો, ચાખો.   કહી એક  મોટું સરસ મજાનું બોર આપ્યું. શેઠાણીએ ઉભા ઉભા મોટું બોર નિરાંતે ખાધુ. પછી કહે,  આ તો તું શોધીને આપે.એ તો સારું જ હોય ને. એમ ખબર ન પડે. કહી બીજા ત્રણ ચાર બોર જાતે લઇ ઉભા ઉભા ખાધા. બીજલી અકળાતી હતી. બોર લેવા આવ્યા છે કે ખાવા ? પણ આજે પોતાને બોર વેચવાની ગરજ હતી તેથી કંઇ બોલી નહીં. ત્યાં શેઠાણીએ ભાવ પૂછયો. ભાવ સાંભળીને કહે,  ના રે, વીસ રૂપિયે કિલો તે હોતા હશે ? બોલ, દસમાં દેવા છે  ?

બીજલી આમ પણ ગુસ્સે થઇ હતી. કદાચ જવાની ગરજને લીધે આપી પણ દેત. પણ શેઠાણીની વૃતિ જોઇ તેને ગુસ્સો આવ્યો હતો. તેથી બોર આપવાનું મન ન થયું. તેણે સાફ ના પાડી દીધી. ભલે પાછા લઇ જવા પડે..આને તો નથી જ આપવા.

 

શેઠાણીને ખબર હતી. કે આ લોકોને ગામડે પાછા જવાનો ટાઇમ થઇ ગયો છે. એટલે નહીં આપે ને જશે કયાં ? રાહ જોઇ જોઇને પાંચ સાત મિનિટ જોશે. એટલે ધીરજ ધરીને દલીલ કરતા રહ્યા.

ત્યાં સાઇકલ પર એક કાકા આવ્યા. અને ધીમેથી પૂછયું, બેન, કેમ આપ્યા બોર ?

બીજલીએ કાકા સામે જોયું અને બોલી, કાકા, લઇ  જાવ. તમને ઠીક લાગે તે આલજો.

કાકાએ કંઇ બોલ્યા સિવાય બધા બોર લીધા અને પૂછ્યું, પંદર રૂપિયા ચાલશે ?

બીજલી મીઠુ હસીને કહે, કાકા, દસ આપત તો યે ચાલત.

 અને બીજલીએ પ્રેમથી કાકાના હાથમાં બોરની કોથળી મૂકી.

પેલા શેઠાણી જરા ધૂંધવાઇને તરત બોલ્યા, હું કયારની કેતી તી તો મને કેમ ન આપ્યા ?

બીજલી શાંતિથી બોલી.

  એ તમને નહીં સમજાય.

 

5 thoughts on “એ તમને નહીં સમજાય..

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.