ચપટી ઉજાસ..124


અંધારામાં ભૂત ?

આજે રાત્રે અમે બધા ઘરમાં બેઠા હતા. હું ને જય રમતા હતા. પપ્પા દાદીમા સાથે કંઇક વાત કરતા હતા.અને મમ્મી ફૈબા સાથે વાત કરતી હતી.

ત્યાં અચાનક ફૈબા મને કહે,

‘જૂઇ, જા તો અંદરના રૂમમાં હું મારો મોબાઇલ ભૂલી આવી છું..ત્યાં ટેબલ પર હશે.. જરા લેતી આવીશ બેટા ? ‘

ફૈબા કહે ને હું ન કરું એવું તો બને જ નહીં ને ? હું તુરત દોડી.. પણ..પણ રૂમ પાસે જઇને ઉભી રહી ગઇ. રૂમમાં અંધારું હતું.સ્વીચ દબાવીએ એટલે લાઇટ થાય એની મને ખબર હતી..પણ લાઇટની સ્વીચ મારાથી પહોંચાય તેમ નહોતી. મને તો રૂમમાં અંદર જોતા પણ બીક લાગતી હતી.

આજે જ સ્કૂલમાં માનસીએ મને ભૂતની વાત કરી હતી. તે મને એકદમ યાદ આવી ગઇ. જોકે ભૂત એટલે શું એની તો એને યે ખબર નહોતી ને મને પણ ખબર નહોતી . અમે બેમાંથી કોઇએ ભૂત જોયું નહોતું. પણ માનસીએ કહ્યુ કે અંધારામાં ભૂત નામનું કોઇક હોય..એ આપણને મારી નાખે.. લોહી કાઢે..ને પછી ભૂત આપણુ લોહી પી જાય.
એણે કહ્યું હતું કે એને એના ઘરમાં રામુકાકા કામ કરે છે એણે કહ્યું હતું. માનસી કહે, અંધારામાં જવાય નહીં.. એટલે આજે મને પણ બહું બીક લાગી..કયાંક ભૂત અંદર હોય ને મને ખાઇ જાય તો ?

હું તો દોડીને પાછી આવતી રહી. ફૈબા કહે,

‘ જૂઇ, મારો મોબાઇલ કયાં ? કેમ ન લાવી ? જા.. લાવી આપને..પ્લીઝ..’

મમ્મી કહે, ‘ જૂઇ, જા અંદરથી ફૈબાનો ફોન લઇ આવ જોઇએ..

પણ હું કંઇ ખસી નહીં..

ત્યાં દાદીમા બોલ્યા,

‘ જૂઇ, સંભળાતું નથી ? ફૈબા કયારના ફોન લાવવાનું કહે છે ? જા..આમ ઉભી ઉભી શું જુએ છે ? ‘

પણ મારું ધ્યાન તો એ રૂમમાં સન્તાયેલા ભૂતમાં જ હતું. હું ફોન લેવા કેમ જાઉં ? હું કંઇ બોલ્યા સિવાય ચૂપચાપ ઉભી રહી.

મમ્મી ઉભી થઇને ફોન લેવા જતી હતી..ત્યાં ફૈબા કહે,

‘ એક મિનિટ, ભાભી…

પછી મારી પાસે આવ્યા.
‘ જૂઇ, કેમ જવાબ નથી આપતી ? ફોન લેવા કેમ ન ગઇ ? જૂઇ તો ફૈબાનું બધું કામ કરે એવી છે ને ?
મેં માંડ માંડ જવાબ આપ્યો..
ભૂત..ભૂત..
ફૈબા કહે, ‘ શું ભૂત છે ત્યાં ? ‘
મેં માથું હલાવી હા પાડી..
‘ અરે, એવું વળી કોણે કહ્યું તને ?

‘ માનસીએ…
‘’ શું કહ્યું માનસીએ ? ‘

’ અંધારામાં ભૂત હોય..એ બધાને ખાઇ જાય..’

‘ એને કોણે કહ્યું એવું ?
રામુકાકાએ..
‘ ઓહો.. હવે સમજાયું.. એટલે મારી જૂઇ નથી જતી ફોન લેવા ? બરાબર ?
મેં હા પાડી..
‘ અરે, જૂઇ, માનસીના એ રામુકાકા કંઇ ભણ્યા નથી ને એટલે એને ખબર નથી પડતી.. ભૂત કંઇ ન હોય..એ તો એક દિવસ એણે અંધારામાં કબાટને ભૂત સમજી લીધું હતું. બાકી એવું કંઇ ન હોય..
તો પણ મને હજુ બીક લાગતી હતી..
‘ ચાલ , મારી સાથે તો આવીશ ને ?

ફૈબાએ મારો હાથ પકડયો. ફૈબા ભેગા હોવાથી હવે મારી બીક ઓછી થઇ ગઇ હતી. મેં જોશથી ફૈબાનો હાથ પકડી રાખ્યો. ફૈબા અંધારા રૂમ પાસે ગયા. મેં કહ્યું..લાઇટ..લાઇટ…
ફૈબા કહે, ‘ નો લાઇટ.. પહેલાં આપણે જોઇ લઇએ એટલે તને ખબર પડે કે અંધારું હોય તો પણ એમાં કંઇ ભૂત ન હોય..અંધારાથી કંઇ ડરવાનું ન હોય..’ હું તો ફૈબાને જોશથી વળગી રહી. ફૈબાએ મને તેડી લીધી..ને અંધારા રૂમમાં બધે ફેરવી.

‘ એય ભૂત ભાઇ, તમે કયાંય છો ? અમારા જૂઇબેન તમારાથી ડરે છે..ચાલો…નીકળો બહાર..અરે, જૂઇ, આ તો કબાટ છે..આ ટેબલ છે.. જો તો કયાંય કંઇ દેખાય છે ? ‘ ફૈબા હસતા હસતા બોલ્યા.
ફૈબાએ મને તેડી હતી..એટલે હવે મને બીક નહોતી લાગતી. એટલે મેં બધી બાજુ જોયું..પણ કંઇ દેખાયું નહીં. પછી ફૈબા મને લાઇટની સ્વીચ પાસે લઇ ગયા.
‘ ચાલો, હવે જૂઇબેન સ્વીચ દાબીને લાઇટ કરશે..

મેં સ્વીચ દબાવી..આ તો મારું મનગમતું કામ . રૂમમાં અજવાળું..અજવાળું..ને ભૂત તો કયાંય નહોતું..

‘ જોયું..જૂઇબેન, કયાંય કશું છે ? અને કોઇ ભૂત ને એવું બધું કહે ને તો ગભરાવાનું નહીં. મારી જૂઇ, તો બહાદુર છે..બ્રેવ છે..કોઇથી ન ડરે એવી..બરાબર ને ? બોલ,
જૂઇ કેવી છે ? મેં મોટેથી કહ્યું..
‘ બ્રેવ..’

જૂઇ કોઇથી ગભરાય ?

મેં કહ્યું.. ‘ નો.. ‘

અંધારામાં ભૂત હોય ? ‘ મેં કહ્યું..’ નો..

‘ ફૈબા કહે,’ શાબાશ…! ફૈબાએ ધીમેથી મને નીચે ઉતારી અને મેં દોડીને ટેબલ પરથી ફૈબાનો મોબાઇલ ઉપાડયો ને ફૈબાને આપ્યો..

ફૈબા હસી પડયા..વાહ..મારી જૂઇએ ફૈબાનો ફોન અંતે લાવી આપ્યો ખરો.. !

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે નિયમિત પ્રગટ થતી શ્રેણી (

3 thoughts on “ચપટી ઉજાસ..124

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.