ચપટી ઉજાસ..94

ચપટી ઉજાસ 93
કાકા ગયા…

હું તો બેગમાં સંતાઇને ચૂપચાપ પડી રહી. હવે હું કાકા સાથે તેમને ઘેર અમેરિકા જઇશ.. બેગમાં સૂતા સૂતા મને બહારના અવાજ સંભળાતા હતા. જોકે બધા નહીં..પણ જે મોટેથી બોલે એ બધું સંભળાતું હતું. થોડું સમજાતું હતું..થોડું નહોતું સમજાતું. પણ મારા મનમાં તો એક જ ધૂન હતી બસ..કાકા સાથે જવું છે. એટલે તો સરખું સૂવાતું નહોતું તો પણ જરા યે અવાજ ન થાય તેમ સૂતી રહી હતી.
થોડીવાર થઇ ત્યાં ફૈબાનો અવાજ સંભળાયો. અરે, જૂઇ, કયાં ગઇ ? કેમ દેખાતી નથી ?
અરે, જાય કયાં ? રમતી હશે કયાંક … એના કંઇ ઠેકાણા થોડા છે ? પણ જોજો..કયાંક ભરાઇને બેઠા બેઠા કોઇ પરાક્રમ ન કરતી હોય. એ છોકરીનું ભલું પૂછવું. ‘ આ અવાજ તો દાદીમાનો જ હોય ને ?
ઉમંગીફૈબા કહે, ‘ અરે, પણ હમણાં તો અહીં રમતી હતી… આટલીવારમાં કયાં ગૂમ થઇ ગઇ ? ‘ કાકા કહે, હા જરા જુઓને ભાભી… હું તો હસતા હસતા સાંભળતી હતી. બધા મને કેવા શોધતા હશે…
પછી થોડીવાર મને કંઇ ખબર ન પડી કે બહાર શું ચાલી રહ્યું હતું
પણ થોડીવારમાં મમ્મીનો અવાજ સંભળાયો..
‘ જૂઇ, તો કયાંય દેખાતી નથી. બધે જોઇ આવી. ‘
બધા કદાચ મને શોધતા હતા. ને કંઇક બોલતા હતા.
ત્યાં જય ભાઇ બોલ્યો.
જૂઇ… દીદી…
અને કદાચ તેણે જ બધાને બતાવી દીધું હશે.. કેમકે ઉમંગીફૈબાએ બેગ ખોલી…
અને….
અરે..જૂઇ… ફૈબાએ મોટેથી બૂમ પાડી. જયભાઇ બાજુમાં ઉભો ઉભો તાળી પાડતો હતો.
નક્કી આ જયનું જ કામ.. સાવ નકામો છે.. કંઇ સમજ નથી પડતી એને… હવે મને કોઇ નહીં લઇ જાય … દાદીમા ખીજાવા લાગ્યા..
‘ અહીં કયાં ભરાઇને બેઠી હતી માતાજી ?
મોટા ફૈબા કહે, ‘ ખરી છે આ જૂઇ પણ.. બેગમાં ભરાઇને બેઠી હતી
આભા દીદી કહે, ‘ જૂઇ છે જ જબરી..’ બધા કંઇક કૈક બોલતા હતા.
હું તો દોડીને કાકા પાસે પહોંચી ગઇ.
કાકા સમજી ગયા.
જૂઇ, મારી ભેગું આવવું છે ?એટલે બેગમાં સંતાઇ ગઇ હતી ?
મેં હસીને હા પાડી.
અને બધા ખડખડાટ હસી પડયા. ’ જૂઇ, તું થોડી મોટી થઇશને એટલે હું તને ચોક્કસ અમેરિકા લઇ જઇશ હોં.. આમ બેગમાં સંતાઇને ન જવાય ઓકે ?
મેં માથું ધૂણાવ્યું. અલબત્ત કશું સમજયા વિના જ.
આભાદીદી તો મારી સામે એવા ઘૂરકતા હતા… એવા ઘૂરકતા હતા…
બસ..ઘરમાં ધમાલ ચાલતી રહી. કાકા કયારે જવાના હતા તે મને સમજાયું નહીં. રાત તો પડી ગઇ હતી. કાકા , કાકી તો હજુ ઘરમાં જ હતા. કાકાના ઘણાં ફ્રેંડસ આવ્યા હતા. કાકી મમ્મી સાથે કંઇક વાત કરતા હતા. દાદીમા મને ન જાણે કેમ ઢીલા લાગ્યા. હવે બહું બોલતા નહોતા. મોટા ફૈબા દાદીમાની પાસે જ બેઠા હતા. ઉમંગી ફૈબા તો ઘડીકમાં કાકા પાસે તો ઘડીકમાં કાકી કે મમ્મી પાસે હોય. વચ્ચે પપ્પા સાથે પણ કંઇક વાતો કરતા હતા.
મને ઉંઘ આવતી હતી. જય તો સૂઇ જ ગયો હતો. હું પરાણે જાગવાનો પ્રયત્ન કરતી હતી. કયાંક સૂઇ જાઉં અને કાકા ચાલ્યા જાય તો ?
ત્યાં દાદીમા અને બધા જેજે ભગવાન પાસે ગયા. રાત્રે તો દાદીમા કયારેય જે જે ભગવાન પાસે નથી જતા અત્યારે કેમ ?
મને કંઇ સમજાયું નહીં. ત્યાં દાદીમાએ દીવો કર્યો. કાકા, કાકી, મમ્મી , ફૈબા બધા ત્યાં આવ્યા. બધાએ ભગવાનને જેજે કર્યું. દાદીમા ગાતા હતા એ બધાએ સાથે મળીને ગાયું.
પછી કાકા અને કાકી દાદીમાને પગે લાગ્યા. દાદીમાએ બંનેને ચાંદલો કર્યો. મને બહું નવાઇ લાગી. રાત્રે કોઇ ચાંદલા કરતું હશે ?
પપ્પા કહે, કુંજ, હજુ પૂરા બે કલાકની વાર છે. ચાલો, બધા સાથે બહાર બેસીએ…કોઇ કામ હવે બાકી નથી ને ? બધું બરાબર ચેક કરી લીધું છે ને ?
તો હવે શાંતિથી બધા સાથે બેસીએ.
હા..ભાઇ, બધું થઇ ગયું છે.
પછી બધા બહાર આવ્યા. હું કાકી પાસે જઇને બેઠી. કાકી મને વહાલ કરતા રહ્યા. મને ઉંઘ આવતી હતી. મેં ફૈબાના ખોળામાં આરામથી લંબાવી દીધું. અને પછી… ?
પછી શું થયું તે મને સમજાયું નહીં.
સવારે ઉઠીને સીધી આખા ઘરમાં ફરી વળી..પણ..કયાંય મારા વહાલા કાકા કે કાકી દેખાયા નહીં.
કાકા મને મૂકીને ચાલ્યા ગયા હતા..દૂર ..દૂર…
આજે આખો દિવસ હું ઉદાસ બનીને ઘરમાં ફરતી રહી. પણ મારી ઉદાસીની કોઇને ખબર પણ ન પડી.કોઇએ મને કશું પૂછયું નહીં. અમારે નાના છોકરાઓને વળી ગમવું શું ને ગમવું શું ?
ભવિષ્યમાં પણ મારી ઉદાસીની કોઇને ખબર નહીં પડે કે શું ?

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

6 thoughts on “ચપટી ઉજાસ..94

  1. કાકા મને મૂકીને ચાલ્યા ગયા હતા..દૂર ..દૂર…અમારે નાના છોકરાઓને વળી ગમવું શું ને ગમવું શું ? superb nana man ni moti vat ekdum saral ane sahajta thi ..rajuat……How we ignore our child?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.