સંબંધસેતુ..

સંબંધસેતુ..
“ ચપટી તાંદુલ આપી તો જો

સંબંધોની ભ્રમણા તૂટશે.”

આપણામાં કહેવત છે કે “ ડાંગે માર્યા પાણી જુદા ન પડે..” લોહીના સંબંધોમાં પણ ઘણીવાર કડવાશ આવે છે.. વિખવાદ જાગે છે..સંબંધો તૂટતા રહે છે.. આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ વાતની કોઇને નવાઇ પણ નથી રહી.આવું તો ચાલ્યા કરે.એમ સહજતાથી લેવાય છે. કયારેક જીવનભરના અબોલા સર્જાય છે..તો કયારેક જીવનમાં કોઇ એકાદ પ્રસંગ એવો બની જાય છે કે અબોલા આપમેળે તૂટી જાય છે..અને સંબંધોનો સેતુ ફરી એકવાર સન્ધાઇ જાય છે…કયારેક કોઇ એક પક્ષ જતું કરવાની વૃતિ દાખવીને મન મોટું રાખે ત્યારે સંબંધો જલદીથી તૂટતા નથી..અને તૂટે તો જોડાતા વાર નથી લાગતી.આજે આવી જ કોઇ વાત..

આકાશ અને અરમાન બંને ભાઇઓ વચ્ચે બે ઉમરમાં વરસનો જ તફાવત હતો. બંને સાથે જ ઉછર્યા, સાથે જ રમ્યા ને સાથે જ ભણ્યા.. બંને ભાઇ વચ્ચે સ્નેહની સરિતા સતત વહેતી રહી હતી. પરંતુ લગ્ન પછી સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ બંને ભાઇઓની વહુઓને એકબીજા સાથે જામ્યું નહીં. દેરાણી..જેઠાણી વચ્ચે રોજના ઝગડા થવા લાગ્યા. સાસુ, સસરા રહ્યા નહોતા. બંનેના બાળકો પણ લગભગ સરખી ઉમરના હતા..એટલે કામ માટે, બાળકો માટે કે કોઇ પણ નિમિત્તે ઝગડો કરવાનું કારણ મળી રહેતું. આમ પણ ઝગડો કરવો જ હોય તેને વળી કારણોની કયાં ખોટ પડતી હોય છે ? હકીકતે બંનેને વહુઓને સ્વતંત્ર રહેવાના અભરખા હતા. એટલે પોતપોતાના પતિની કાનભંભેરણી ચાલુ રહેતી. અંતે એક દિવસ બંને ભાઇને અલગ થયે જ છૂટકો થયો. ઘર મોટું હતું.. અને બીજું ઘર ભાડે રાખવું આર્થિક રીતે કોઇને પોસાય તેમ નહોતું. એટલે બંને ભાઇ ઉપર, નીચે જ અલગ થયા. નોકરી તો બંનેની જુદી હતી જ. પરંતુ ભાગલા પાડતી વખતે અનેક મન દુ:ખ નાની , નજીવી બાબતે બંને કુટુંબ વચ્ચે થયા.બંનેને બીજાનો જ દોષ દેખાય તે માનવસહજ સ્વભાવ છે. પરિણામે બંને ભાઇઓના મન પણ ખાટા થઇ ગયા..અને એકબીજા સાથે બોલવાનું પણ બંધ થઇ ગયું. એમાં બે વરસ પછી આકાશની બદલી શહેરમાં થઇ. એટલે તે કુટુંબ સાથે શહેરમાં ગયો. પરંતુ જતા પહેલાં તેની પત્ની પોતાના ઉપરના ઘરને તાળું મારવાનું ન ચૂકી. અરમાનની પત્નીને બોલવાનો મોકો મળી ગયો. અને ફરી એકવાર બંને કુટુંબ વચ્ચે બોલાચાલી થઇ. આમ છૂટા પડતી વખતે પણ મીઠાશ જાળવી શકાઇ નહીં..

સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું. બંને ભાઇઓ વચ્ચેના અબોલા અકબંધ હતા. કયારેક કોઇ મારફત એકમેકના સમાચાર મળી રહેતા..એટલું જ.. બાકી પ્રત્યક્ષ રીતે કોઇ સંપર્ક રહ્યો નહોતો.

અરમાનનો દીકરો અનંત હવે કોલેજમાં આવ્યો હતો. અને તેને એ જ શહેરમાં એડમીશન મળ્યું હતું જયાં આકાશ રહેતો હતો. નાના હતા ત્યારે અનંત અને આકાશનો પુત્ર ધવલ બંને સાથે રમ્યા હતા.પણ એ તો શૈશવની વાત. હવે તો વરસોથી એકમેકને જોયા પણ નહોતા..અને એવી કોઇ યાદ પણ નહોતી.

અરમાન દીકરાને હોસ્ટેલમાં મૂકવા શહેરમાં ગયો ત્યારે તેને ભાઇની યાદ તો અચૂક આવી. મળવાનું મન પણ થઇ આવ્યું.કેટલા વરસોથી ભાઇને જોયો નથી..! મનમાં શૈશવના કેટલાયે મીઠા સ્મરણો ઝબકી રહ્યા. હવે ઉમર થતા મેચ્યોરીટી આવી હતી..કેવી ક્ષુલ્લક વાતે બંને ભાઇઓ છૂટા પડી ગયા હતા..એનું ભાન થયું. દીકરાને હોસ્ટેલમાં મૂકીને પાછા ફરતી વખતે ભાઇના ઘર તરફ પગ વળ્યા તો ખરા..પણ અંદર જવાની હિમત ન ચાલી..ભાઇ એમ જ વિચારશે કે હવે દીકરાને આ શહેરમાં ભણવા મૂકયો છે..એટલે ગરજ પડી..તેથી મળવા આવ્યો.બાકી અત્યાર સુધી કોઇ દિવસ એક ફોન પણ કર્યો ? પોતે આકાશથી મોટો હતો..પણ નાનાભાઇના કયારેય સમાચાર પણ નહોતા પૂછયા..હવે આજે શું મોઢું લઇને મળવા જાય ?

અને તેથી ઇચ્છા છતાં ભાઇને મળ્યા સિવાય જ પાછો ફરી ગયો. દીકરાને શહેરમાં ભણવા મૂકયો એટલે કોલેજના અને હોસ્ટેલના ખર્ચા કાઢવામાં તકલીફ તો પડતી હતી . કલાર્કની સામાન્ય નોકરીમાં બે છેડા ભેગા કરવા સહેલા તો નહોતા જ..પાછળ બીજો દીકરો પણ તૈયાર જ હતો. બે વરસ પછી તેને પણ ભણવા તો મોકલવો જ પડશે ને ? બંને દીકરાઓ ખર્ચો કાઢતા નાકે દમ આવી જવાનો છે એ વાતથી તે અજાણ થોડો જ હોઇ શકે ? પણ સંતાનના ભાવિનો સવાલ હોય ત્યારે એ બધું તો કર્યે જ છૂટકોને ? સારા ભવિષ્યની આશાએ..કાલની આશાએ માનવી દોડતો રહે છે. એ ન્યાયે અરમાન પણ દોડતો હતો.
જોકે નાનાભાઇ..આકાશને સારી નોકરી હતી. આર્થિક રીતે તે સધ્ધર હતો અરમાનને મનમાં ઘણી વખત અફસોસ થતો કે કાશ ! ભાઇ સાથે બગાડયું ન હોત તો આજે સંબંધો કામ લાગત.. હવે તો તેની પત્નીને પણ એ સમજ આવી હતી..પરંતુ એ બધું “ જબ ચિડિયા ચુગ ગઇ ખેત “ પછીના પસ્તાવા જેવું હતું. જીવનના કેટલાક સત્યો સમજાય ત્યારે બહું મોડું થઇ જતું હોય છે.

પણ તેના પરમ આશ્ર્વર્ય વચ્ચે બે મહિના પછી અચાનક તેના પુત્રનો ફોન આવ્યો.

‘ પપ્પા મારે ખાસ કામ છે. કોલેજમાં તમને બોલાવ્યા છે. એક દિવસ માટે પણ આવી જાવ..’ અરમાન ગભરાયો.. શું થયું હશે ?

‘ બેટા..કંઇ ચિંતા જેવું તો નથીને ? પૈસાની કોઇ જરૂર છે ? તો એ પ્રમાણે લેતો આવું..

‘ ના..પપ્પા પૈસાની તો હમણાં જરૂર નથી. હા. થોડી મીઠાઇ જરૂર લેતા આવજો.. થોડી નહીં ..ઝાઝી બધી..અહીં હોસ્ટેલમાં કંઇ એકલા એકલા ન ખાઇ શકાય.. અને હા..મમ્મીની હાથની સુખડી તો ભૂલતા જ નહીં.. મને બહું યાદ આવે છે. તમને તેડવા હું સ્ટેશને આવીશ.. ‘ છોકરાને ઘર યાદ આવ્યું લાગે છે..હજુ નવુંસવું છે ને ? ઘરથી પહેલેવાર દૂર ગયો છે..યાદ તો આવે જ ને ?

સુખડી અને મીઠાઇ લઇ તે શહેરમાં પહોંચ્યો. બસમાંથી ઉતરતા જ દીકરો
દેખાયો.

‘ બેટા, તેં ધક્કો ન ખાધો હોત તો પણ ચાલત. હોસ્ટેલ તો મારી જોયેલી જ છે ને ? હું પહોંચી જાત.
‘ પપ્પા, મેં હવે હોસ્ટેલ બદલાવી છે.. એટલે જ લેવા આવ્યો.’
.
‘ હોસ્ટેલ બદલાવી ? પણ કેમ ? કોઇ પ્રોબ્લેમ હતો ?

‘ હા..પપ્પા બધું નિરાંતે કહું છું.. પહેલા પહોંચવા તો દો..’

અને થોડીવારમાં રીક્ષા સાગરના ઘર પાસે આવીને ઉભી..

‘ અનંત, આ આપણે કયાં આવ્યા ?

‘ કયાં શું ? મારા કાકાને ઘેર..જુઓ આ ઉભા કાકા..તમારી રાહ જોતા..

અરમાનની નજર સામે ગઇ..દરવાજા પાસે જ આકાશ ઉભો હતો..કદાચ તેની પ્રતીક્ષામાં જ..
અરમાનને કશું સમજાયું ખચકાતે પગલે તે આગળ વધ્યો.. ત્યાં આકાશ નજીક આવ્યો અને ભાઇને ભેટી પડયો..

શું બોલવું તે ઘડીભર કોઇને સમજાયું નહીં.. બંનેના અંતર ભીના ભીના..
બંને અંદર ગયા..ત્યાં આકાશની પત્ની આવીને તેને પગે લાગી ..ત્યારે તેને આશીર્વાદ આપતા તો અરમાનની આંખો ધોધમાર વરસી પડી.

‘ ભાઇ, આપણે આપણા છોકરાઓને વારસામાં આપણા અબોલા નથી આપવા.. આપણા બે વચ્ચે જે થયું તે આ દીકરાઓનો એમાં કોઇ વાંક નથી. અને મારું ઘર ગામમાં હોય ને અનંત હોસ્ટેલમાં રહે..? હું એવો બધો ખરાબ છું કે તું દીકરાને હોસ્ટેલમાં મૂકીને ચૂપચાપ ચાલ્યો ગયો ? મને તો પાછળથી ખબર પડી..ને દીકરાને હું ઘેર લઇ આવ્યો..
બંને ભાઇ ફરી એકવાર ભેટીને રડી ઉઠયા.. આનંદના આંસુથી ઘર છલકાઇ રહ્યું.

પપ્પા.. મમ્મીના હાથની સુખડી કાકી યાદ કરતા હતા.. તમે લાવ્યા છો ને ? અને મારા ભાઇ ધવલને મીઠાઇ બહું ભાવે છે.. આકાશના દીકરાને બતાવતા અનંત બોલ્યો..

અરમાને જલદી જલદી મીઠાઇનું બોક્ષ અને સુખડીનો ડબ્બો આગળ કર્યા.. એ મીઠાશમાં વરસોની કટુતા ધોવાઇ ચૂકી હતી..અરમાન ભાઇના દીકરા ધવલને ભેટી રહ્યો.

અને ફરી એકવાર સંબંધો પાંગરી ઉઠયા. સમજણના સેતુમાં સઘળી ગિલા શિકવા અદ્ર્શ્ય બની રહી.. અને ડાંગે માર્યા પાણી જુદા ન પડયા.. લોહીનો સાદ આને જ કહેતા હશે ?

શીર્ષક પંક્તિ..જગદીપ નાણાવટી..
( સ્ત્રીમાં પ્રકાશિત થતી નિયમિત કોલમ )

સંબંધસેતુ..

વાત જરુર કોઇ ફરતી લાગે છે,

સંબંધો બધાય શરતી લાગે છે.

કેટલાક સંબંધો જીવવાના હોય છે.. તો કેટલાક જીરવવાના હોય છે. જીવનમાં દરેક સંબંધ આપણી પોતાની પસંદગીના નથી હોતા. મિત્રોમાં આપણી પસંદગી ચાલી શકે..પરંતુ સગાઓમાં પોતાની પસંદગી નથી હોતી. કોઇ સંબંધો લાગણીના તાણાવાણાથી જોડાયેલા હોય છે. તો કોઇ સંબંધો લોહીના તાણવાણાથી. પરંતુ લોહીના સંબંધોમાં દરેક વખતે લાગણી હોય જ એવું જરૂરી નથી હોતું અને એ શકય પણ નથી બની શકતું. અને છતાં એ સંબંધો પણ એક કે બીજા કારણ સર વત્તે ઓછે અંશે નિભાવાતા હોય છે. નિભાવવા પડતા હોય છે. કેમકે કાલે કોની જરૂર પડશે એની જાણ કોઇને હોતી નથી. કયારેક ચપટી ધૂળ પણ કામમાં આવે એવી આપણી માન્યતાને લીધે ઘણીવાર અણગમતા સંબંધો પણ આપણે જાળવી લેતા હોઇએ છીએ..
લગ્ન, મરણ કે એવો કોઇ પણ સામાજિક પ્રસંગ સ્વજનો વિના અધૂરો જ લાગવાનો. એવે સમયે જો માણસો ન દેખાય તો પ્રસંગની શોભા ઘટતી હોય એવું લાગે છે. પરંતુ આવા કોઇ પ્રસંગે પણ સગાઓ પોતપોતાના સ્વભાવ મુજબ જ વર્તન કરવાના .. જેને લીધે પ્રસંગ પછી સંબંધો કયારેક બગડતા હોય છે..તો કદીક સુધરતા પણ હોય છે. આજે આવી જ કોઇ વાત.. વસંતભાઇના પુત્રના લગ્ન હતા. સગા સંબંધીઓથી ઘર ભરચક્ક હતું. વસંતભાઇ અને તેમના પત્ની માધુરીબેન શકય તેટલી રીતે કોઇ મહેમાનોને ઓછું ન આવે તેનું ધ્યાન રાખતા હતા. પરંતુ આવા પ્રસંગે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં જાણ્યે અજાણ્યે નાની મોટી ભૂલ દરેકથી થઇ જ જતી હોય છે. જેનો ખ્યાલ તે સમયે આવી શકતો નથી. એકી સાથે અનેક મોરચા સંભાળવાના હોય ત્યારે આવું બનવું સહજ હોય છે. જો સગાઓ તેને સહજતાથી લઇ શકે તો ખાસ મુશ્કેલી થતી નથી. પરંતુ દરેક વખતે સ્વજનો મન મોટું રાખીને જતું કરી શકતા નથી. અને નાની નાની વાતને સ્વમાનનો મુદ્દો બનાવતા રહે છે.

વસંતભાઇનો એક પિતરાઇ ભાઇ અને ભાભી..જનકભાઇ અને ચારુબહેન પણ લગ્નમાં આવ્યા હતા.લગ્ન તો રંગે ચંગે પતી ગયા. ઘરમાં રૂમઝૂમ કરતી વહુરાણી આવી પહોંચી. લગ્નના બીજા દિવસે ચારુબહેન જનકભાઇને કહી રહ્યા હતા. જાણે પ્રસંગનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા.
‘ તમે જોયું ને કે આપણને તો વસંતભાઇ અને ભાભીએ આઘા જ રાખ્યા. આપણી કોઇ કદર કરી ? આટલે દૂરથી ..આટલી ટિકિટ ખરચીને પણ આપણે તેના આમંત્રણને માન આપીને આવ્યા. પણ એમણે કોઇ પ્રસંગમાં આપણને માન આપ્યું ? તેના પોતાના સગાભાઇ હતા પછી આપણા ભાવ શાના પૂછે ? આ તો તેડાવવા પડે એટલે તેડાવ્યા હતા. અને આપણે હરખપદૂડાની જેમ દોડી આવ્યા .. કોઇ જશ મળ્યો ? તેઓ આપણે ત્યાં આપણા જયના લગ્નમાં આવ્યા હતા ત્યારે આપણે તેમનું કેટલું સાચવ્યું હતું. જયારે અહીં તો આવ્યા છે તો “ નાખો વખારે જેવો “ ઘાટ હતો. પોતાના ભાઇને ઘરમાં રાખ્યો અને આપણને આઘે કાઢયા. ઉતારામાં પણ હતા કોઇ ઠેકાણા ? કોઇએ આવીને આપણી ભાળ લીધી ? જયાં જુઓ ત્યાં બીજાને જ આગળ કરતા હતા. અરે પીરસવા આવ્યા ત્યારે પણ જોયું નહીં ? બીજાને કેવો આગ્રહ કરતા હતા..આપણને તો ખાલી એકાદ વાર પૂછવા ખાતર પૂછી લીધું. આપણે ઘેરથી ગયા ત્યારે આપણે કેટલી મીઠાઇઓ સાથે આપી હતી.. આ તો એક નાનું અમથું બોક્ષ પકડાવી દીધું હાથમાં..આપણે કંઇ મીઠાઇના ભૂખ્યા નથી. આ તો એના ઉપરથી તેમની ભાવનાની ખબર પડે.. વાતો જ મોટી મોટી કરતા આવડે છે..બાકી કંઇ ભલીવાર નથી. બીજીવાર હું તો આવું જ નહીં ને ?

જનકભાઇ પત્નીની વાત મૌન બનીને સાંભળી રહ્યા. તેમને પણ થયું કે પત્નીની વાત તો સાચી છે. વસંતભાઇએ પોતાનું સાચવ્યું નહીં.અરે, પોતાના સગાઓ કરતા તો તેમણે પોતાના દોસ્તારોનું ધ્યાન પણ વધારે રાખ્યું.

બસ..થઇ રહયું.. મનમાં એક વાર દુર્ભાવ પ્રવેશે પછી એને રોકી શકાતો નથી.. પછી તો અનેક દોષ દેખાવા લાગે છે. આમ પણ દોષ શોધનારને તો એ મળી જ રહેવાના ને ?

જનકભાઇ એ ન જોઇ શકયા કે વસંતભાઇના દોસ્તારો લગ્નમાં કેટલી દોડા દોડી કરી રહ્યા હતા. ને બધી જવાબદારી સામેથી ઉપાડી લીધી હતી. જયારે પોતે મહેમાનની માફક આગતા સ્વાગતાની આશા રાખીને બેસી રહ્યા હતા. આવે સમયે મદદરૂપ થવાને બદલે પોતાને આમ જોઇશે ને તેમ જોઇશે..એમ કહી જાતજાતની સગવડ માગી રહ્યા હતા. પ્રસંગે ચલાવી લેવાની કે મદદરૂપ થવાની વૃતિને બદલે પરાયાની માફક વર્તી રહ્યા હતા..આગ્રહની આશા રાખીને દૂર જ બેસી રહ્યા હતા. અલબત વસંતભાઇએ પોતાનાથી શકય તેટલું ધ્યાન બધાનું રાખ્યું જ હતું. અને છતાં કોઇ વધારે પડતી અપેક્ષા રાખીને બેસી રહે ત્યારે કશુંક ચૂકાઇ પણ જાય. એ સહજ વાત જનકભાઇ કે ચારૂબહેન સમજી કે સ્વીકારી ન શકયા.

અને તેમનો અણગમો છૂપાવવાને બદલે દરેક આગળ તેઓ વ્યકત કરતા રહ્યા. બળાપો કાઢતા રહ્યા. વાત ફરતી ફરતી વસંતભાઇ પાસે પહોંચે તે સ્વાભાવિક જ હતું ને ? વસંતભાઇને થયું પોતે આટઆટલું રાખ્યું છતાં જનકભાઇને ઓછું લાગ્યું. અને બધા પાસે પોતાની વાતો કરી. આને સગા કેમ કહેવાય ?

બસ..જેમ દૂધને ફાટવા માટે ખટાશના બે બુંદની જ જરૂર પડતી હોય છે ને ? તે રીતે સંબંધો બગડવા માટે બે ખરાબ શબ્દોની જ જરૂર પડતી હોય છે. કડવા શબ્દના એક નાનકડા તણખાથી પણ મોટી આગ જલતી હોય છે. એ સત્ય અહીં પણ પૂરવાર થયું. બંને કઝિન ભાઇઓ વચ્ચે એક દીવાલ ચણાઇ ગઇ. આવે સમયે જો બીજા સગાઓ ધારે તો એ દીવાલ તોડી શકતા હોય છે. પરંતુ માનવસહજ સ્વભાવ મુજબ સામાન્ય રીતે આવા સમયે સગાઓ એ દીવાલ તોડવાને બદલે એ દીવાલને મજબૂત જ બનાવતા હોય છે. એમાં સિમેન્ટ પૂરતા હોય છે. શબ્દોથી ભડકાવતા હોય છે. વસંતભાઇ અને જનકભાઇના કિસ્સામાં પણ એવું જ થયું. એક સંબંધ તૂટયો.. સંબંધોની સ્વસ્થતા ખોરવાણી..

આવું અનેક પ્રસંગોએ ,અનેક લોકો સાથે બનતું રહે છે. એક કે બીજા કારણસર સારા, માઠા પ્રસંગોએ મન ખાટા થતા રહે છે. હકીકતે કોઇ પણ સામાજિક પ્રસંગે થોડી સમજદારીથી..કામ લેવાવું જોઇએ એવું નથી લાગતું ? મન મોટું રાખી થોડું ચલાવી લેવાની વૃતિ … થોડી બાંધ છોડ કરવાની ભાવના ન રાખવી જોઇએ ? પોતાને ઘેર પ્રસંગ હોય તેવે વખતે યજમાનને માથે અનેક જાતના ટેંશન હોય છે. એવે સમયે સગાઓએ ટેન્શનમાં વધારો કરવાને બદલે તેમને મદદરૂપ થવાની ભાવના ન રાખી શકાય ? તેમણે આપણું શું સાચવ્યું એ જોવાને બદલે આપણે તેને કેવી અને કેટલી રીતે મદદરૂપ થઇ શકાય એવો વિચાર ન રાખી શકાય ? આપણે શું મદદ કરી શકયા તે વિચારવું વધારે યોગ્ય ન ગણાય ? પ્રસંગ તો ચાર દિવસમાં આવીને ચાલ્યો જશે..પણ એથી કંઇ જીવનભરના સંબંધોમાં કડવાશ કેમ પ્રવેશવા દેવાય ?
કેળવી શકીશું આવી દ્રષ્ટિ ? અને પ્રસંગોએ સાચા અર્થમાં સગાઓ બનીને ઉભા રહી શકીશું તો જીવનભર સંબંધોની મધુરતા જળવાઇ રહેશે. બે ચાર દિવસ સાચવી લેવીથી કે થોડું ચલાવી લેવાની ભાવનાથી જો સંબંધો જળવાઇ શકતા હોય તો સોદો ખોટનો કહેવાય ખરો ?

શીર્ષક પંક્તિ.. નિમિષા મિસ્ત્રી
( સ્ત્રીમાં પ્રકાશિત થતી કોલમ )

નિર્ણય સાચો કે ખોટો ?

અરે, વ્યોમા તું ? મોલમાંથી થોડું શોપીંગ કરીને વ્યોમા બહાર નીકળતી હતી ત્યાં જ બાજુમાંથી તેને અવાજ સંભળાયો.

વ્યોમાને આશ્ર્વર્ય થયું..અહીં વળી પોતાને ઓળખતું હોય એવું કોણ છે ? તેણે જોયું તો સામે સોનાલી ઉભી હતી..

ઓહ..સોના..તું અહીંયા ?

હા..પણ તું અહીં કયાંથી ?

અરે, આજે જ આવી છું અહીં..કંપનીના કામે. આખો દિવસ મીટીંગથી થાકી હતી તેથી થોડી ફ્રેશ થવા અહીં મોલમાં આંટો મારવા આવી. પણ તું તો…

હા.. હું હૈદ્રાબાદ હતી..પણ બે મહિનાથી અમારી બદલી અહીં થઇ છે.. હું તને ફોન કરવાની હતી જ.. પણ અહીં છોકરીઓનું એડમીશન અને સેટ થવાના કામમાં એવી તો અટવાઇ ગયેલી કે તને જાણ કરવાનું રહી ગયું. આજે કરીશ..કરીશ.. કરતા રહી જ ગયું.. સોરી..

‘ અરે..ઇટ્સ ઓકે.. જવા દે એ બધી વાત..

‘ વ્યોમા, તું ઉતરી કયાં છો ?
‘ અહીં હોટેલ પ્રીંસમાં .. હજુ બે દિવસ રહેવાનું છે.

અરે, મારું ઘર હોય ને તું હોટલમાં રહે એટલી હિમત તારી ?

અરે..બાબા.. મને થોડી ખબર હતી કે તું અહીં આવી ગઇ છે ? એક તો ચોરી ને ઉપરથી શિરજોરી.. ? વાહ… આ તો ચોર કોટવાળને દંડે એવું તું કરે છે..
કહેતા વ્યોમા હસી પડી.

સોરી..અરે, બાબા..કાન પકડયા બસ.. ? ચાલ હવે.. ‘ સોનાલીએ પોતાના બે કાન પકડતા કહ્યું.

અને બંને બહેનપણીઓ એકી સાથે હસી પડી.

થોડીવારમાં વ્યોમા સોનાલીને ઘેર હતી. સોનાલીએ પોતાની બંને દીકરીઓ સાથે વ્યોમામાસીની ઓળખાણ કરાવી. વ્યોમાને આ મીઠડી દીકરીઓ બહું ગમી ગઇ.
સોનાલી રસોઇની વ્યવ્સ્થામાં પડી. અને વ્યોમા આ બંને છોકરીઓ સાથે રમવામાં પરોવાઇ.

‘માસી, તમે માલા છો ને ? ‘ ત્રણ વરસની યુગ્મા વ્યોમાને વહાલથી વળગી રહી.

‘ના, હોં માસી મારા છે.’ છ વરસની ત્રિચા માસી પર પોતાનો કબજો કરવા આતુર હતી.

બંને છોકરીઓને આ સરસ સરસ માસી બહુ ગમી ગયા હતા. જોકે વ્યોમાનું ઠસ્સાદાર વ્યક્તિત્વ સૌને આકર્ષતું. પણ આ બાળકીઓની વાત તો અલગ હતી.

‘માસી ચાલો, આપણે કેરમ રમીએ..ત્રિચા તેનો હાથ ખેંચી અંદર પોતાના રૂમમાં લઇ ગઇ.વ્યોમા અભાનપણે ખેંચાઇ.ત્યાં તો યુગ્મા પોતાની મોટી સરસ મજાની ઢીંગલી..બાર્બી લઇ આવી અને પરમ ઉદારતાથી આ માસીને આપી. જાણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. વ્યોમા આ નિર્વ્યાજ સ્નેહના ઝરણામાં ભીંજાયા સિવાય કેમ રહી શકે ?

નિતાંત..નવો અનુભવ..અને પોતે છલોછલ ! આવી સભરતા તો કયારેય નથી અનુભવી. તેણે વહાલથી યુગ્માને તેડી લીધી.ત્યાં ત્રિચા રિસાઇ ગઇ.

’માસી. મારી સાથે રમતા નથી..’વ્યોમા તેના ચહેરા પરના ભાવ પર ઓળઘોળ..! તે ખોળામાં યુગ્માને લઇ એક હાથમાં ઢીંગલી પકડી ત્રિચા સાથે કેરમ રમવા લાગી..કેટલા વરસો પછી….!

ત્યાં અંદરથી હાથ લૂછતી લૂછતી સોનાલી આવી, ‘ઓહ..આ છોકરીઓ તને હેરાન કરતી હશે..છે જ બંને જળો જેવી..બંને ચોંટી છે ને તને..! ચાલ, એ તો રમશે બંને જાતે..

‘ ના, સોના, તું તારે તારું કામ પતાવ. મને આ દીકરીઓ સાથે રમવાની મજા આવે છે. ‘ જેવી તારી ઇચ્છા…યુગ્મા, ત્રિચા, આંટીને હેરાન ન કરતા હોં. ‘

’ અમે કંઇ માસીને હેરાન નથી કરતા…અમે તો તેમની સાથે રમીએ છીએ..હેં ને માસી ? ‘

વ્યોમાએ હસીને હા પાડી. અને ફરીથી બંને સાથે રમવામાં મશગૂલ બની ગઇ.
સોનાલીને આશ્ર્વર્ય તો થયું. પરંતુ કશું બોલી નહીં. ને રસોડામાં ગઇ.

સોનાલી અને યુગ્મા કોલેજની ખાસ બહેનપણીઓ..જોકે બંનેના સ્વભાવમાં..વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. અને છતાં બંનેની મૈત્રી અતૂટ રહી હતી. વ્યોમા બિન્દાસ અને નારી સ્વતંત્રતાની પૂરી હિમાયતી. કોઇ છોકરો તેની આસપાસ ફરકી શકતો નહીં. લગ્નસંસ્થામાં તેને જરા યે વિશ્વાસ નહોતો. નાનપણથી જ તેણે પોતાના ઘરમાં મમ્મીને હમેશા સહન કરતી, રડીને રહી જતી જોઇ હતી.થોડી મોટી થતાં તેની આસપાસમાં પણ અનેક સ્ત્રીઓનું શોષણ થતું…અન્યાય સહન કરતી જોઇ હતી. પરિણામે તેના મનમાં સતત નેગેટીવ વિચારો ચાલતા રહેતા. પુરૂષો બધા ખરાબ જ હોય. સ્ત્રીઓને અન્યાય જ કરતા હોય એવી એક ગ્રંથિ તેના મનમાં ઘર કરી ગઇ હતી. પરિણામે પોતે કયારેય લગ્ન નહીં કરે એવું તેણે નક્કી કરી લીધું હતું. અને એ જ માર્ગ પર તે ચાલી રહી હતી.

એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર તે નોકરી કરતી હતી. પૂરી સ્વતંત્ર..કંપનીના કવાર્ટરમાં એકલી આરામથી રહેતી હતી. હમણાં કંપનીના કામે તે આ શહેરમાં આવી હતી. અને તેની મિત્ર સોનાલી આ જ શહેરમાં રહેતી હોવાથી તેને ઘેર જમવા આવી હતી. બંને બહેનપણીઓ વરસો પછી મળી શકી હતી. બંને પોતપોતાની રીતે ખુશ હતી. બંનેના રસ્તા અલગ હતા. પરંતુ મૈત્રી તો આજે પણ લીલીછમ્મ રહી હતી.

જમીને રાત્રે બધા સાથે બેઠા હતાં. સોનાલીનો પતિ શાલિન પણ એક મોટી કંપનીમાં જનરલ મેનેજર હતો. તેનો સ્વભાવ ખૂબ હસમુખો હતો. વ્યક્તિત્વ આકર્ષક હતું. બધા સાથે ગપ્પા મારતા હસી મજાક કરી રહ્યા હતા. શાલિન કહે, બહાર સરસ ઠ્ંડી હવા છે. ચાલો લોંગ ડ્રાઇવ પર જઇએ.

યુગ્મા અને ત્રિચાએ તાળીથી પપ્પાની વાતને વધાવી લીધી.

બધા બહાર નીકળ્યા. બંને છોકરીઓ વ્યોમા સાથે ખૂબ ભળી ગઇ હતી. આખે રસ્તે તેમનો કિલકિલાટ ચાલ્યો. એ કલરવથી વ્યોમા છલકી રહી. બધાએ આઇસ્ક્રીમ ખાધો, પાન ખાધું બહાર ખુલ્લી હવામાં થોડીવાર બેઠા.શાલિન સોનાલીની જે સંભાળ લેતો હતો. વ્યોમા મૌન બનીને જોતી જ રહી હતી. કયાંક કશુંક સ્પર્શી રહ્યું હતું. કંઇક……
જીવનમાં કશુંક ખૂટતું હતું કે શું ? રોજ ઓફિસેથી આવી જમી, થોડી વાર ટી. વી. પર આડીઅવળી ચેનલો ફેરવવાની, કે મેગેઝિનના પાના ઉથલાવી સૂઇ જવાનું..વહેલી પડે સવાર.રોજ એકલા એકલા કોની સાથે બહાર નીકળે ?

આજે અહીં કેવા મજા આવતી હતી. દિલમાં જાણે આનંદ છલકતો હતો. કેવી મીઠડી દીકરીઓ છે. અનેક વિચારોમાં વ્યોમા ખોવાઇ રહી.

બે દિવસ સોનાલીએ તેને પોતાને ઘેર જ રાખી. બે દિવસ જાણે બે કલાક બની ગયા હતા. બે દિવસ પછી વ્યોમા ઘેર ગઇ ત્યારે તેના મનમાં સોનાલીના શબ્દો પડઘાતા હતા.

’ વ્યોમા, એવું નથી લાગતું કે લગ્ન ન કરવાનો તારો નિર્ણય ખોટો હતો ? લગ્ન કરીને અમુક લોકો દુ:ખી થાય છે. તો એનાથી અનેકગણા લોકો સુખી પણ થાય જ છે. એ કેમ ભૂલી જાય છે ? અને સુખી કે દુ:ખી થવું એમાં કયારેક સંજોગો અને કયારેક માણસ પોતે ભાગ ભજવતો હોય છે. હજુ કંઇ મોડું નથી થયું. જીવનસંધ્યાએ એકલતા જીરવવી બહું આકરી લાગશે. હજુ તું એવી મોટી નથી થઇ ગ ઇ..હજુ સમય છે. મારો કોઇ આગ્રહ નથી. પણ એક વાર શાંતિથી વિચાર જરૂર કરજે.’

વ્યોમાને થયું પોતે કયાંક કોઇ ભૂલ તો નથી કરીને ? લગ્ન ન કરવાનો એનો નિર્ણય ખોટો નથીને ? તેની નજર સામે સોનાલીના પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર રમી રહ્યું.

અને….વ્યોમાની નજર અનાયાસે હાથમાં રહેલા પેપરમાં મેટ્રીમોનીયલ ..લગ્નવિષયક જાહેરાત પર ફરવા લાગી.
( સંદેશમાં પ્રકાશિત વાત એક નાની )

રતની, રતનિયો

મંદિરા બારીમાં ઉભી ઉભી જોઇ રહી હતી. શૈશવમાં અનેકવાર આ ખેલ જોયો હતો. મન ભરીને માણ્યો હતો. આજે પણ મદારીની ડુગડુગીના અવાજે તે આપોઆપ આકર્ષાઇ. એ દિવસોની માફક દોડીને શેરીમાં તો ન જઇ શકાયું. પરંતુ બારી પાસે ઉભી રહી તે ફરી એકવાર એ જ કુતૂહલથી નીરખી રહી.

મદારીએ વાંદરાને ..અર્થાત્ પોતાના રતનિયાને એક તરફ બેસાડયો હતો. હવે તે રતનીને તૈયાર કરી રહ્યો હતો. જેથી રતનિયો તેની તરફ આકર્ષાય.મદારીએ રતનીને પફ, પાઉડર લગાવ્યા. હોઠને લિપસ્ટીકથી લાલચટ્ટક કર્યા. હાથમાં બંગડી, પગમાં ઝાંઝર પહેરાવ્યા. રતની તૈયાર થઇ….મદારીએ એકવાર તેની સામે જોઇ સંતોષ વ્યક્ત કર્યો..હ..બરાબર..હવે રતનિયાને ચોક્કસ પસંદ આવશે.

હવે મદારીએ જાહેર કર્યું કે રતનિયો રતનીને જોવા આવ્યો છે. રતનિયો ગર્વભેર એક તરફ બેસી રહ્યો. સજી ધજીને તૈયાર થયેલ રતની હાથમાં ચાનો કપ લઇ ઠુમક ઠુમક ચાલે, પગમાં ઝાંઝર રણકાવતી રતનિયા પાસે જઇને ઉભી રહી. એક ઘૂરકિયુ કરી રતનિયાએ તેની સામે જોયું. થોડી વાર રતનિયો ઘૂરકીને રતની સામે જોઇ રહ્યો. રતની નીચું માથું કરી ચૂપચાપ ઉભી હતી. પસંદગી તો રતનિયાએ કરવાની હતી ને ?

મન્દિરા કેવા યે રસથી આખો ખેલ જોઇ રહી હતી..નજર સામે અતીતનું કોઇ દ્રશ્ય ઉભરતું હતું કે શું ? અનેકવાર તે પણ આમ જ સજી ધજીને તૈયાર થતી હતી. કેટલાયે રતનિયા આવ્યા અને મોં બગાડી ચાલ્યા ગયા. કાળી રતની કોઇને જલદી પસંદ કેમ આવે ? ભલે ને પોતે કમાતી હતી..આટલું ભણી હતી..પણ રૂપ આપવામાં ઇશ્વરે તેની સાથે પૂરી કંજૂસાઇ કરી હતી..અને ગુણ જોવાની તો આજકાલના રતનિયા પાસે દ્રષ્ટિ જ કયાં રહી છે ? એક ચકરાવામાં ફસાઇને માબાપની ઇચ્છાને માન આપીને તે તૈયાર થતી રહી..કોઇ રતનિયાની આશાએ.. અને અંતે રતનિયો મળ્યો તો ખરો.. તેની નોકરીને લીધે મળ્યો..તેના સારા પાંચ આંકડાના પગારને લીધે મળ્યો તેની જાણ તો પાછળથી થવા પામી હતી. એ સમયે તો તે રૂપને..કાળા ધોળા દેખાવને નહીં ગુણમાં માનનારો યુવક હતો. ચામડીના રંગથી શો ફરક પડે છે. સૌન્દર્ય તો ગુણને લીધે શોભે છે. અને એ જોવા માટે દ્રષ્ટિ જોઇએ..એવી રતનિયાની વાતથી ઘરમાં હરખનું મોજું ફરી વળ્યું હતું. કેવી ધામધૂમથી પપ્પાએ પોતાના લગ્ન કર્યા હતા. અને પછી જ હકીકતની જાણ થવા પામી હતી. અને જીવન બેસુરૂ બન્યું હતું. રતની ફકત કમાવાનું સાધન માત્ર બનીને રહી ગઇ હતી. ગળામાં માતૃત્વની બેડી લટકાવાઇ ગઇ હતી. અને મા તો હમેશ માટે ત્યાગમૂર્તિ..સહનમૂર્તિ..સંતાન માટે એ કોઇ પણ પીડા સહન કરી જ શકે ને ?
મન્દિરા ન જાણે કયાં ખોવાઇ રહી હતી.

અચાનક મદારીનો મોટો અવાજ કાનમાં અથડાયો. માઇ બાપ, રતનિયાને રતની પસંદ આવી ગઇ છે. હવે શરૂ થશે લગ્ન…અને ત્યાં ઉભેલ ટોળા સામે મદારી ટોપી ફેરવવા લાગ્યો. લગ્નમાં ચાંલ્લો તો આપવો પડે ને ? રતનીને રતનિયો પસંદ આવ્યો છે કે નહીં ? એવો સવાલ ત્યાં ઉભેલ કોઇને ન આવ્યો.

રતનિયો અને રતનીએ એકબીજાને હાર પહેરાવ્યા..લગ્ન થઇ ગયા. રતની પગમાં ઝાંઝરી પહેરી છમ છમ કરતી રતનિયાની આગળ પાછળ ગોળ ગોળ ઘૂમતી રહી. ખેલ પૂરો થયો. ત્યાં ઉભેલ બાળકો આનંદ અને વિસ્મયથી વાંદરા, વાંદરીને જોઇ રહ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. મન્દિરાની નજર સમક્ષ ગર્વભરી, ટટ્ટાર ચાલે ચાલતો રતનિયો અને તેની આસપાસ ઝાંઝર પહેરી ગોળ ઘૂમતી રતની કયાંય સુધી દેખાતા રહ્યા.

રતનીની જગ્યાએ પોતાની જાત કેમ દેખાતી હતી ? પોતે યે આમ જ ઘૂમતી હતી ને રતનિયાની આસપાસ…દોરડું કેટલું લાંબુ રાખવું..કયારે લાંબુ રાખવું..કયારે ટૂંકુ કરવું…એ રતનિયો નક્કી કરે..સંજોગો અને જરૂરિયાત મુજાબ પરિઘ કયારેક નાનો મોટો થતો રહેતો….પણ ઘૂમવાનું કેન્દ્રની આસપાસ જ..વર્તુળાકારે દોરાયેલ અદ્રશ્ય પણ ચોક્કસ પરિઘ પર જ…

અચાનક મન્દિરાની નજર ફરીથી બારી બહાર પડી. વાંદરી ન જાણે કઇ વાત પર વિફરી હતી…અને એક આંચકો મારી, મદારીના હાથમાંથી દોરી છોડાવી..વાંદરા તરફ નજર સુધ્ધાં નાખ્યા સિવાય ભાગી.

મન્દિરાની ભીની આંખોમાં ન જાણે કયાંથી એક ચમક ઉભરાઇ આવી..વીજળીનો ચમકાર…ચહેરા પર એક મક્કમતા..અને હવે બધાયે ગાળિયા ફગાવી દઇ, પોતાની અલગ કેડી બનાવવાનો મક્કમ નિર્ધાર મન્દિરાના આખા અસ્તિત્વને અજવાળી રહ્યો.

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ જીવનની ખાટી મીઠી.. )