પપ્પા થેંકયુ

અનિતાબહેન અને અવનીશભાઇ એટલે જાણે મેઇડ ફોર ઇચ અધર જેવી જોડી. જોડિયા સંતાનો..દીકરો સોહમ અને દીકરી સુમેધા…. એકી સાથે દીકરો અને દીકરી બંને ઇશ્વરે આપી દીધા. ચાર જણાનું સુખી કુટુંબ.

ભાઇ બહેનના બંનેના લગ્ન પણ એકી સાથે જ કર્યા. લગ્નમાં અનિતાબહેન કે અવનીશભાઇએ સ્વાભાવિક રીતે જ કોઇ કચાશ નહોતી રાખી.. દીકરીને સાસરે વળાવી અને બીજી દીકરીને ઘરમાં આવકારી. પૂત્રવધૂ શિવાનીને અનિતાબહેને હૈયાના હરખથી પોંખી. અને હવે અવનીશભાઇએ પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ લીધો. સોહમની નોકરી સારી હતી. તેથી સોહમે પપ્પાને પરાણે વી.આર.એસ. લેવડાવ્યું હતું.

‘ બેટા, નોકરી ફકત જરૂરિયાત માટે નથી કરતો. મને કોઇ શારીરિક તકલીફ તો છે નહીં.. ઘરમાં બેસીને શું કરું ? નવરો માણસ નખ્ખોદ વાળે…હું ઘરમાં રહીને કંઇ નખ્ખોદ વાળું એના કરતાં તો… ‘

અવનીશભાઇએ હસીને જવાબ આપ્યો…

પણ દીકરો એમ ફોસલાય તેમ કયાં હતો ? પપ્પાની વાત ઉડાવી તેણે જવાબ આપ્યો.
‘ પપ્પા, ઘણાં વરસ નોકરી કરી..હવે તમને ગમતું કામ કરો. નોકરી સિવાય પણ જીવનમાં બીજું ઘણું કરવા જેવું છે. તમારી મનગમતી પ્રવૃતિ કરો. જે ગમે તે કરો.પણ હવે નોકરીની ગુલામી તો નહીં જ કરવા દઉં.. તમારી નોકરીમાં કેટલું ટેન્શન અને દોડાદોડી છે..એની મને ખબર છે જ. અત્યાર સુધી મજબૂરી હતી..પણ હવે હું સારું કમાઉં છું.. ત્યારે તમારે આવી નોકરી કરવાની કોઇ જરૂર નથી.. આ મારો ઓર્ડર છે..શું સમજયા ?

પુત્રની આવી ભાવના જોઇ કયા માબાપ ન હરખાઇ ઉઠે ? પુત્રના આગ્રહ અને ભાવનાને માન આપી અવનીશભાઇએ નોકરી છોડી. અને સ્વૈચ્છિક રીતે એક સ્કૂલમાં બે કલાક બાળકોને ભણાવા જવા લાગ્યા..જે તેમની મનપસંદ પ્રવૃતિ હતી.

શિવાની પણ આ ઘરમાં દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગઇ હતી. ઘરમાં સુખ શાંતિ અને સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો હતો. અવનીશભાઇ અને અનિતાબહેન આવી વહુ મળવાથી ફૂલ્યા નહોતા સમાતા અને મનોમન ઇશ્વરનો આભાર માનતા હતા.

આજે અનિતાબેનનો જન્મદિવસ હતો. સોહમ કંપનીના કામે ચાર દિવસથી બહારગામ ગયો હતો. શિવાનીએ સવારે અનિતાબહેનના હાથમાં એક પેકેટ થમાવ્યું. અનિતાબહેન આશ્ર્વર્યથી જોઇ રહ્યા. આ શું છે ? મમ્મી.. સરપ્રાઇઝ.. શિવાનીએ હસીને જવાબ આપ્યો. જાતે ખોલો અને જુઓ..

અનિતાબહેને પેકેટ લીધું. તેમનો ચહેરો હસુ હસુ બની ઉઠયો હતો. આજ દિવસ સુધી તેમના જન્મદિવસે તેમને આ રીતે કોઇ સ્પેશીયલ ગીફટ નહોતી આપી. અવનીશભાઇને એવી કોઇ આદત નહોતી. કદાચ પહેલેથી જ ન જાણે કેમ પણ તેમના ઘરમાં આવો કોઇ રિવાજ કદી પ્રવેશ્યો જ નહોતો. જયારે જે જોઇતું હોય તે લેવા માટે પૂરા સ્વતંત્ર હતા. પતિ તરફથી કોઇ બંધન નહોતું.. એથી કયારેય એવો કોઇ અફસોસ પણ નહોતો થયો.

પરંતુ આજે અચાનક આ રીતે કોઇએ તેમનો વિચાર કર્યો..અને તે પણ ઘરની વહુએ… અનિતાબહેન દિલથી હરખાઇ ઉઠયા. તેમણે પેકેટ ખોલ્યું..અંદરથી એક સુંદર પંજાબી ડ્રેસ નીકળ્યો. અનિતાબેન આશ્વર્યથી જોઇ જ રહ્યા.

‘ બેટા, હું તો હમેશા સાડી જ પહેરું છું. તેં મને પંજાબી પહેરતા વળી કયારે જોઇ ? ‘
‘ એટલે તો હવે જોવા છે.’ શિવાનીએ હસીને કહ્યું.

મમ્મી, તે દિવસે તમે ફોનમાં માસીને કહેતા હતા ને કે સાડીથી હવે તો કયારેક કંટાળો આવે છે. આપણે પણ પંજાબી કે એવું ક્શુંક પહેરવાનું ચાલુ કરી દેવું જોઇએ..કેવી નિરાંત.. આ પહેર્યું ને આ ચાલ્યા..

મમ્મી, આવું તમે જ બોલ્યા હતા ને ?

એટલે મારી વહુ છાનીમાની મારી વાત સાંભળે છે એમને ?

બોલતા બોલતા અનિતાબેન હસી પડયા.

બેટા, મેં કયારેય પહેર્યો નથી. કેવો લાગશે ? કોઇ હસશે તો ? પતિ તરફ જોતા અનિતાબેન બોલ્યા. ’ અરે શિવાની આટલા પ્રેમથી લાવી છે તો પહેરને.. એમાં શું છે ?

પતિ તરફથી પણ પ્રોત્સાહન મળતા અનિતાબેને હોંશે હોંશે પન્જાબી ડ્રેસ પહેર્યો.
વાહ..મમ્મી તમને તો ખૂબ સરસ લાગે છે. હવે આજથી નો સાડી,.. આપણે કાલે જ બીજા પણ લાવીશું. અને હવે મમ્મી..લો આ બે ટિકિટ..
ટિકિટ..શેની ?

મમ્મી, ટાઉનહોલમાં સરસ નાટક આવેલ છે. હું બે ટિકિટ લાવી છું. આજે તમારે ને પપ્પાએ નાટક જોવા જવાનું છે.

પણ બેટા..ના અમે બે તને એકલી મૂકીને નાટક જોવા નહીં જઇએ.. લાવવી જ હતી તો ત્રણ લાવવી હતી.

મમ્મી, આ નાટક મારું જોયેલું છે. અને આજે તમારે બેઉએ જ જવાનું છે..નો આર્ગ્યુમેન્ટ..

અને અંતે શિવાનીએ સાસુ, સસરાને નાટક જોવા મોકલ્યા જ .

સ્નેહનો છલોછલ સાગર ઘરમાં ઘૂઘવતો રહ્યો.એમાં વહાલના દરિયા જેવી નાનકડી પૌત્રીના આગમને તો ઘરની દીવાલોને પણ જાણે ટહુકા ફૂટી નીકળ્યા. પણ..કુદરતને જાણે આ ઘરના સુખની ઇર્ષ્યા આવી હોય તેમ…

શિવાનીના લગ્નને પાંચ વરસ પણ પૂરા નહોતા થયા અને એક અકસ્માતમાં સોહમ ગંભીર રીતે ઘવાયો. અને ડોકટર કશું કરી શકે તે પહેલા સોહમ…..

.
યુવાન પુત્રના અવસાનનો કારમો ઘા અનિતાબેન અને અવનીશભાઇના આંસુ સૂકાતા નહોતા. જયારે શિવાની સાવ ગૂમસૂમ… આ શું બની ગયું ? કોની નજર લાગી ગઇ ? કાળની ? ઘરમાં યુવાન પૂત્રવધૂને આ રીતે જોઇ અનિતાબહેન અને અવનીશભાઇના દુખનો પાર નહોતો. શિવાનીને લેવા માટે તેનો ભાઇ આવ્યો ત્યારે શિવાનીએ પિયર જવાની સાફ ના પાડી દીધી.

અનિતાબહેને ખૂબ આગ્રહ કર્યો. બેટા, આ ઘર સાથેના તારા લેણ દેણ પૂરા થયા. તારી સામે આખી જિંદગી પડી છે. તું નવેસરથી ફરીથી શરૂઆત કર.. અમારા તને આશીર્વાદ છે. અમે સદા તારી સાથે જ છીએ. ‘
પરંતુ શિવાની એક ની બે ન થઇ.

ના, મમ્મી, સોહમની અધૂરી જવાબદારી હું પૂરી કરીશ. આ ઘરને છોડવાનૌં પ્લીઝ મને કદી ન કહેતા..હું તમને ભારે નહીં પડું..

‘ અરે, બેટા, દીકરી કદી મા બાપને ભારે પડે ? પણ બેટા, અમારે તને સુખી જોવી છે. હવે તું અમારી વહુ નથી. યુવાન દીકરી છે. અને યુવાન દીકરીના લગ્ન કરવા એ અમારી પહેલી ફરજ છે. “ પરંતુ બધી સમજાવટ નકામી ગઇ. શિવાનીએ પિયર જવાને બદલે હમેશ માટે અહીં જ રહેવાનું સ્વીકાર્યું.

‘ પપ્પા, સોહમે તમારી નોકરી છોડાવી હતી. હવે સોહમના જતા પપ્પાને પાછી નોકરી કરવી પડે એ મને મંજૂર નથી. કહી શિવાનીએ નોકરી ચાલુ કરી.

સદનસીબે શિવાનીને સોહમની કંપનીમાં જ નોકરી મળી ગઇ.જીવનની ગાડી ફરી એકવાર પાટે ચડી ગઇ. શો મસ્ટ ગો ઓન.એ ન્યાયે જીવન જીવાતું રહ્યું. .અનિતાબહેન અને અવનીશભાઇ પૌત્રીના લાલનપાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. અંદરથી તો બધાના દિલમાં એક વેદના કોરી ખાતી હતી. પણ બધા પોતપોતાની વ્યથા છૂપાવતા રહેતા અને એકબીજા સામે હસતા રહેતા.

હવે તો પૌત્રી પાંચ વરસની થઇ હતી. હમણાં અવનીશભાઇનો એક મિત્ર અને તેનો પુત્ર અમેરિકાથી દેશમાં આવ્યા હતા. અવનીશભાઇ અને તે લંગોટિયા મિત્રો હતા. શૈશવથી સાથે જ રમીને મોટા થયા હતા. અમેરિકામાં સારી રીતે સેટલ થયા હતા. તેમના દીકરાની વહુ બે વરસ પહેલાં કેન્સરની બીમારીમાં મૃત્યુ પામી હતી. અને હવે દીકરાને માંડ માંડ સમજાવીને બીજા લગ્ન કરવા માટે મનાવ્યો હતો. અને એટલે જ દેશમાં આવ્યા હતા.થોડી છોકરીઓ જોઇ પણ કોઇનું મન જલદી માનતું નહોતું. તેથી પાછા જવાનું નક્કી કરી લીધું હતું. જયારે અંજળ હશે ત્યારે એમ મન મનાવી લીધું હતું. બીજી વાર કયારેક આવીશું. એમ વિચારી જતા પહેલાં એક દિવસ મિત્રને મળવા તેમને ઘેર આવ્યા હતા.

બંને મિત્રો ઘણાં સમય પછી મળતા હતા. સુખ દુખની વાતો થતી રહી. તેમનો પુત્ર મનન લગભગ સોહમની ઉમરનો જ હતો. તેને જોતા અવનીશભાઇ અને અનિતાબહેનની આંખો ભીની બની ઉઠી હતી. દીકરાના સ્મરણોએ તેમને થોડી વાર અજંપ બનાવી દીધા. પણ ત્યાં જ ઓફિસેથી શિવાની આવતા જલદી જલદી સ્વસ્થ થઇને બોલ્યા.

‘ બેટા, આ મારો ખાસ મિત્ર.. અને બધાની ઓળખાણ કરાવી. શિવાની બધા માટે રસોઇની વ્યવ્સ્થા કરવા અંદર સાસુ પાસે ગઇ.

થોડીવારે શિવાનીની બધી વાત સાંભળી મિત્ર બોલી ઉઠયો.

દોસ્ત, તારી આ દીકરી મને આપીશ ? મારા મનન માટે આનાથી સારું પાત્ર બીજું કયાં મળવાનું હતું ?

અવનીશભાઇને શું બોલવું તે ન સૂઝયું. પછી તો બંને દોસ્તો વચ્ચે ઘણી ચર્ચા થઇ. આખરી ફેંસલો શિવાની અને મનન ઉપર છોડાયો. મનહરભાઇ એક દિવસને બદલે ચાર દિવસ રોકાયા.
શિવાની શરૂઆતમાં તો કોઇ રીતે તૈયાર ન થઇ. પણ આજે અવનીશભાઇ અને અનિતાબહેન જાણે જિદે ચડયા હતા.

બેટા, તને આ રીતે જોઇને અમને બંનેને કેટલું દુખ અને કેટલી ચિંતા થાય છે એને તને જાણ છે ? આજે અમે છીએ.કાલે ન હોઇએ ત્યારે તારું કૉણ ? અને આ દીકરીને બાપનો પ્રેમ મળે એમ છે ત્યારે એને એ સ્નેહથી વંચિત શા માટે રાખવી ? એ હજું નાની છે.. એટલે કોઇ તકલીફ નહીં પડે. બેટા, મારે ખાતર કે આ નાની દીકરી માટે થઇને તું અમારી વાત રાખી લે.. બેટા , સોહમ ગયો ત્યારથી તું અમારી વહુ તો મટી જ ગઇ છે. અને દીકરીને કંઇ જીવનભર કુંવારી ન રખાય. મનન તને કે આ ઢીંગલીને કોઇ રેતે ઓછું નહીં આવવા દે..એની અમને ખાત્રી છે. આવું જાણીતું પાત્ર ન મળ્યું હોત તો કદાચ અમે તને ફોર્સ ન કરત..આટલા સમય સુધી અમે તારી જિદ સ્વીકારી જ હતી ને ? ..હવે આજે આ અમારી જિદ તારે સ્વીકારવાની છે.

કહેતા આનિતાબહેન પણ રડી ઉઠયા. શિવાની માને ભેટીને રડી ઉઠી.અને અંતે દસ દિવસ પછી કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ વખતે સાક્ષી તરીકે સહી કરતા અવનીશભાઇ અને અનિતાબહેન દીકરીને વળાવીને એક જબાદારી સારી રીતે પૂરી કરી શકયાની ખુશીમાં છલકાતા હતા. મનન અને શિવાની તેમને પગે લાગ્યા ત્યારે મનનની આંખોમાં તેમને દીકરાનું પ્રતિબિંબ દેખાઇ રહ્યું.જે કદાચ તેમને કહી રહ્યું હતું.

‘ પપ્પા..થેંકયું..’ મને બહું ગમ્યું. મારી શિવાની અને મારી દીકરી હવે દુખી નહીં થાય.

( સંદેશમાં પ્રકાશિત કોલમ વાત એક નાની )