સંબંધસેતુ..

પાંગરે સંબંધ સહુ આપસી વિશ્વાસથી

સંશયોનું આવરણ જિંદગી બદલી શકે..

જીવનમાં શંકા..વહેમની એક નાનકડી ચિનગારી પણ ઘણીવાર મોટી આગ પ્રગટાવી શકે છે અને સંબંધોને ભસ્મીભૂત કરી દે છે. વહેમ સંબંધોને ખાક કરી દે છે. શ્રધ્ધા ..વિશ્વાસ આ બે નાનકડા શબ્દનો જો જીવનમાં અમલ કરી શકાય તો એ જીવનને રળિયામણું બનાવી શકે છે. સંબંધો હમેશા શ્રધ્ધા..વિશ્વાસથી ટકે છે. શંકાની ચિનગારી સંબંધોને આગ લગાડીને જીવન નર્ક સમાન બનાવી દે છે. કોઇ પણ સંબંધ.. વિશ્વાસથી જ શરૂ થાય છે.વિશ્વાસથી જ ટકે છે..પાંગરે છે. અને સુદ્રઢ બને છે. જીવનના ઝંઝાવાતોમાં ટકી રહેવાનું બળ આપે છે. આજે આવી જ કોઇ વાત..

નેહલ અને સૌરભ બંને પ્રતિષ્ઠિત કંપનીમાં સારી પોસ્ટ ઉપર હતા. બંને નવી પેઢીના યુવક..યુવતી હતા.. આધુનિક વિચારસરણી ધરાવતા હતા. એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરતા હતા. નોકરીને લીધે સ્વાભાવિક રીતે વિજાતીય મિત્રો પણ હોય જ. પણ બંને પોતપોતાની મર્યાદા પણ સમજતા જ હતા..તેથી કોઇ પ્રશ્નો નહોતા.

પરંતુ છેલ્લા થોડા સમયથી બધું બદલાયું હતું. ઘરનું વાતાવરણ ડહોળાઇ ગયું હતું. વાત કંઇક આવી હતી. થોડા દિવસ પહેલાં નેહલને પોસ્ટમાં એક કવર મળેલું..જેમાં સૌરભ સાથે કોઇ યુવતીનો ફોટો હતો. જેમાં યુવતી સૌરભના ખભ્ભે માથું રાખીને બેઠી હતી.પરમ આત્મીયતાની ઝલક દર્શાવતો એ ફોટો જોઇ નેહલ ચોંકી હતી. એમાં હમણાં સૌરભને ઓફિસેથી આવતા રોજ મોડું થતું હતું. નેહલ પૂછે ત્યારે મીટીંગ છે કે એવું કંઇ પણ કારણ આપતો. જોકે આમાં કોઇ નવી વાત નહોતી. આવું તો અનેકવાર પહેલાં પણ બનતું જ હતું. એમ તો પોતાના યે આવવાના ઠેકાણા ઘણીવાર નહોતા રહેતા. આજ સુધી આવો કોઇ વિચાર મનમાં નહોતો આવ્યો.પણ આ ફોટો મળ્યા પછી દ્રષ્ટિ બદલાઇ હતી. અને દ્રષ્ટિ બદલાતા દરેક નાની વાતનો અર્થ બદલાઇ રહ્યો હતો.

તેણે ફોટો સૌરભને બતાવ્યો. અને એ સ્ત્રી કોણ છે એનો જવાબ માગ્યો.
સૌરભે કહ્યું..

અરે, તને મારામાં વિશ્વાસ નથી ?

પણ..આ ફોટો..

નેહલ, આ છોકરી મારી જ ઓફિસમાં કામ કરે છે. મેં તને અવનીની વાત નહોતી કરી ? આ અવનીનો ફોટો છે.
પણ આ રીતે ?

અરે, એ જ તો મને યે નથી સમજાતું.. પણ મને લાગે છે કે અમારી ઓફિસમાં આવા કંઇક નમૂના છે. જે ગમે તેની ગમે તેવી વાતો ઉડાડીને અફવા ફેલાવ્યા કરતા હોય છે. આ કોઇ ટ્રીક ફોટોગ્રાફીની કમાલ છે. બંને ફોટાને જોડી દીધા છે. આજકાલ આવી બધી વાતની કયાં નવાઇ રહી છે ? મારે અવનીને પણ પૂછવું પડશે..એને બિચારીને આવો કોઇ ફોટો નથી મળ્યો ને ? અને આ કોનું કાવતરું છે એની પણ તપાસ કરવી પડશે..

સૌરભે નિખાલસતાથી બધી વાતના ખુલાસા કર્યા. પણ ન જાણે કેમ નેહલને આજે પતિની વાત પર વિશ્વાસ ન આવ્યો. નક્કી કોઇક વાત હોવી જોઇએ..નહીંતર કોઇ આવું શું કામ કરે ?
એવામાં એક દિવસ નેહલે સૌરભ અને અવનીને એક રેસ્ટોરંટમાં સાથે કોફી પીતા બેસેલા જોયા. અને નેહલનું મગજ છટક્યું. હવે તો તેને દાળમાં કાળું નહીં..પણ આખી દાળ જ કાળી છે એવું લાગ્યું. પુરૂષોનો ભરોસો કરાય જ નહીં..કોઇ સુંદર યુવતી જુએ એટલે પૂરું.. એની ભ્રમરવૃતિ ઊછળવાની જ..

હવે શું કરવું ? સૌરભને પૂછશે તો એ એની રીતે ખુલાસા કરશે. એ કંઇ સાચી વાત થોડો જ મને કહેવાનો છે ? હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.. એ ગમે તે જવાબ આપી દેશે. એને તો જુદી રીતે જ પાઠ ભણાવવો પડશે.. પોતે કંઇ પહેલાની સ્ત્રીઓ જેવી થોડી જ છે ? કે રડીને બેસી રહે ? કે પતિ પરમેશ્વર માનીને બધું ચલાવી લે…નેહલને હવે સૌરભ અને અવની બંને પર ગુસ્સો આવ્યો હતો.

નેહલે પોતાની રીતે અવનીના ઘરની તપાસ કરી લીધી. અવની ચોવીસેક વરસની યુવતી હતી. અને હજુ કુંવારી જ હતી. મીડલ કલાસ ફેમીલીની છોકરી હતી. અને જરૂરિયાતને લીધે નોકરી કરતી હતી. નેહલે બધી માહિતી એકઠી કરી હતી. તેને થયું મીડલ કલાસની આવી છોકરીઓ જ પૈસા માટે થઇને બીજાને ફસાવે છે. નક્કી અવની પણ સૌરભ પાસેથી પૈસા પડાવતી હશે..

નેહલના મનમાં રાત દિવસ જાતજાતના તર્ક ચાલતા રહ્યા. સૌરભને તો એમ જ હતું કે પોતે સાચી વાત કરી દીધી છે. અને નેહલ સમજી શકી છે. એના મનમાં કોઇ ગીલ્ટ ન હોવાથી તેણે આ વાતને એટલી ગંભીર રીતે નહોતી લીધી..અને તે તપાસમાં હતો જ આ ફોટાનું પગેરૂ મેળવવાના તેના પ્રયત્નો ચાલુ હતા. તેને ઓફિસની એક વ્યકિત પર શંકા હતી. તેના હાથ નીચે કામ કરતા અનિલનું પ્રમોશન તેણે કોઇ કારણસર રોકયું હતું. અને તેના કામમાં અવારનવાર ભૂલો થવાને લીધે તેને હમેશા ખીજાવાનું બનતું રહેતું. કદાચ અનિલે જ આ વાતનો બદલો લેવા માટે આવું કશુંક કર્યું હોવાની પૂરી શકયતા હતી. પરંતુ કોઇ આરોપ મૂકતા પહેલા તે ચોકસાઇ કરી લેવા માગતો હતો.

પણ એ બધું થાય તે પહેલાં જ એક દિવસ નેહલ સીધી અવનીને ઘેર પહોંચી ગઇ. ત્યાં જઇ તેણે અવનીના માતાપિતાને પેલો ફોટો બતાવ્યો. અને ગુસ્સાના આવેશમાં બોલવા..ન બોલવાનું કેટલું યે બોલતી રહી. અવનીના માબાપ તો ડઘાઇ જ ગયા. કોઇ પરિણિત પુરૂષ સાથે પોતાની પુત્રીનો આવો ફોટો જોઇ તે સ્તબ્ધ બની ગયા. નેહલની ફરિયાદનો શો જવાબ આપવો તે પણ તેને ન સમજાયું. તેઓ તો સાવ સીધા સાદા માણસો હતા. પોતે દીકરીને પૂછશે.. કહેશે એટલું માંડ બોલી શકયા.. બીજું તો શું કહે ?

ઘેર આવીને નેહલે સૌરભને કોઇ વાત કરી નહીં. પણ બે દિવસ પછી સૌરભને બધી વાતની જાણ થઇ. અવનીએ નોકરી છોડી દેવી પડી હતી. તેના માતાપિતા હવે દીકરીને નોકરી કરવા દેવા તૈયાર નહોતા. અવનીએ પોતાની રીતે સમજાવ્યા હતા. પણ તેઓએ પુત્રીને એટલું જ કહ્યું, બેટા, બની શકે તારી વાત સાચી હોય..અમે તારી વાત પર વિશ્વાસ રાખીએ..પરંતુ બેટા, આપણી વાત સમાજમાં કોણ માનશે ? તારી બદનામી થાય તો કોણ છોકરો તારો હાથ પકડવાનો ? આજે નેહલે અમને વાત કરી..કાલે ઓફિસમાં.. સમાજમાં આ વાત ફેલાવે. ત્યારે ? બેટા, આપણા મધ્યમવર્ગના લોકો પાસે આબરૂ સિવાય બીજું હોય છે પણ શું ? અને તારી બદનામી થાય એ અમે સહન નહીં કરી શકીએ.. પૈસા નહીં આવે તો ચાલશે..કહીને તેમણે અવનીને નોકરી છોડી દેવાની ફરજ પાડી હતી.

સૌરભને આ બધી વાતની જાણ થતા તેને નેહલ પર ખૂબ ગુસ્સો આવ્યો.

મને ખબર નહોતી કે તારા જેવી શિક્ષિત છોકરી પણ આવું વિચારી શકે અને આવું કરી શકે ? તારા મનમાં શંકા હતી..વહેમ હતો..તો મારી સાથે ખુલાસો કરવો હતો ને ?અવનીને ઘેર જઇને આવી ધમાલ કરવાની શી જરૂર હતી ? તને ખબર છે બિચારી અવનીને તારી આવી વાતને લીધે નોકરી છોડી દેવી પડી ? મધ્યમવર્ગ માણસોને નોકરી છોડવી એટલે શું એ સમજાય છે તને ?

સૌરભ ગુસ્સાથી ધમધમતો હતો.

‘ વાહ..અવની બિચારી. અવનીનું બહું દાઝે છે ? એ નોકરી કરે કે ન કરે એમાં આપણે શું ? બહું ખરાબ લાગ્યું તને ? મને કેટલું ખરાબ લાગ્યું હતું એનો વિચાર તેં ન કર્યો ? ‘ નેહલ પણ આજે લડી લેવાના મૂડમાં હતી..

વાતનું વતેસર થતા આમ પણ કયાં વાર લાગતી હોય છે ? અને શંકાનો કીડો એકવાર મગજમાં ઘૂસ્યા પછી એને બહાર કાઢવો આસાન નથી જ હોતો. બંને પોતપોતાની વાત પર અડી રહ્યાં હતાં. કોઇ નમતું જોખવા કે એકબીજાની વાત સાંભળવા પણ તૈયાર નહોતા.
સૌરભે પેલી ફોટાવાળી વાતની તપાસ પણ કરી લીધી હતી.અને અનિલે જ ઇર્ષ્યાથી એ કામ કર્યું હતું. એ વાતની કબૂલાત પણ અનિલ પાસે કરાવી હતી. પરંતુ નેહલ પ્રત્યેના ગુસ્સાને લીધે તેણે નેહલને એ બધી વાત કરવાનું જરૂરી ન માન્યું. નેહલ આવું કરી જ કેમ શકે ?

અંતે મનમાં પડેલી તિરાડ દિવસે દિવસે વધતી ગઇ. એક ટાંકો સમયસર ન લેવાય.અને કપડું ન સંધાય તો આખા કપડાને ફાટતા વાર નથી લાગતી. અહીં પણ લગભગ એવું જ થયું.

એકબીજા પર આરોપો મૂકાતા ગયા.અને અંતે એક મજાનો સંબંધ તૂટી ગયો. સાવ નજીવી વાતમાં પતિ પત્ની વચ્ચે દીવાલ રચાઇ ગઇ. આમ પણ સંબંધો જોડાતા વાર લાગે છે. તૂટતા કયાં વાર લાગતી હોય છે ? શંકાની કોઇ ચિનગારી મનમાં પ્રવેશે નહીં એ માટે કાળજી રાખીશું ને ? જેથી સંબંધો વચ્ચે દીવાલ ન સર્જાય.. સંબંધોનું સૌન્દર્ય તો સમજણના સેતુથી જ શોભે ને ?

શીર્ષક પંક્તિ..ડો. મહેશ રાવલ
( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

સંબંધસેતુ..

વાત જરુર કોઇ ફરતી લાગે છે,

સંબંધો બધાય શરતી લાગે છે.

કેટલાક સંબંધો જીવવાના હોય છે.. તો કેટલાક જીરવવાના હોય છે. જીવનમાં દરેક સંબંધ આપણી પોતાની પસંદગીના નથી હોતા. મિત્રોમાં આપણી પસંદગી ચાલી શકે..પરંતુ સગાઓમાં પોતાની પસંદગી નથી હોતી. કોઇ સંબંધો લાગણીના તાણાવાણાથી જોડાયેલા હોય છે. તો કોઇ સંબંધો લોહીના તાણવાણાથી. પરંતુ લોહીના સંબંધોમાં દરેક વખતે લાગણી હોય જ એવું જરૂરી નથી હોતું અને એ શકય પણ નથી બની શકતું. અને છતાં એ સંબંધો પણ એક કે બીજા કારણ સર વત્તે ઓછે અંશે નિભાવાતા હોય છે. નિભાવવા પડતા હોય છે. કેમકે કાલે કોની જરૂર પડશે એની જાણ કોઇને હોતી નથી. કયારેક ચપટી ધૂળ પણ કામમાં આવે એવી આપણી માન્યતાને લીધે ઘણીવાર અણગમતા સંબંધો પણ આપણે જાળવી લેતા હોઇએ છીએ..
લગ્ન, મરણ કે એવો કોઇ પણ સામાજિક પ્રસંગ સ્વજનો વિના અધૂરો જ લાગવાનો. એવે સમયે જો માણસો ન દેખાય તો પ્રસંગની શોભા ઘટતી હોય એવું લાગે છે. પરંતુ આવા કોઇ પ્રસંગે પણ સગાઓ પોતપોતાના સ્વભાવ મુજબ જ વર્તન કરવાના .. જેને લીધે પ્રસંગ પછી સંબંધો કયારેક બગડતા હોય છે..તો કદીક સુધરતા પણ હોય છે. આજે આવી જ કોઇ વાત.. વસંતભાઇના પુત્રના લગ્ન હતા. સગા સંબંધીઓથી ઘર ભરચક્ક હતું. વસંતભાઇ અને તેમના પત્ની માધુરીબેન શકય તેટલી રીતે કોઇ મહેમાનોને ઓછું ન આવે તેનું ધ્યાન રાખતા હતા. પરંતુ આવા પ્રસંગે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં જાણ્યે અજાણ્યે નાની મોટી ભૂલ દરેકથી થઇ જ જતી હોય છે. જેનો ખ્યાલ તે સમયે આવી શકતો નથી. એકી સાથે અનેક મોરચા સંભાળવાના હોય ત્યારે આવું બનવું સહજ હોય છે. જો સગાઓ તેને સહજતાથી લઇ શકે તો ખાસ મુશ્કેલી થતી નથી. પરંતુ દરેક વખતે સ્વજનો મન મોટું રાખીને જતું કરી શકતા નથી. અને નાની નાની વાતને સ્વમાનનો મુદ્દો બનાવતા રહે છે.

વસંતભાઇનો એક પિતરાઇ ભાઇ અને ભાભી..જનકભાઇ અને ચારુબહેન પણ લગ્નમાં આવ્યા હતા.લગ્ન તો રંગે ચંગે પતી ગયા. ઘરમાં રૂમઝૂમ કરતી વહુરાણી આવી પહોંચી. લગ્નના બીજા દિવસે ચારુબહેન જનકભાઇને કહી રહ્યા હતા. જાણે પ્રસંગનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા.
‘ તમે જોયું ને કે આપણને તો વસંતભાઇ અને ભાભીએ આઘા જ રાખ્યા. આપણી કોઇ કદર કરી ? આટલે દૂરથી ..આટલી ટિકિટ ખરચીને પણ આપણે તેના આમંત્રણને માન આપીને આવ્યા. પણ એમણે કોઇ પ્રસંગમાં આપણને માન આપ્યું ? તેના પોતાના સગાભાઇ હતા પછી આપણા ભાવ શાના પૂછે ? આ તો તેડાવવા પડે એટલે તેડાવ્યા હતા. અને આપણે હરખપદૂડાની જેમ દોડી આવ્યા .. કોઇ જશ મળ્યો ? તેઓ આપણે ત્યાં આપણા જયના લગ્નમાં આવ્યા હતા ત્યારે આપણે તેમનું કેટલું સાચવ્યું હતું. જયારે અહીં તો આવ્યા છે તો “ નાખો વખારે જેવો “ ઘાટ હતો. પોતાના ભાઇને ઘરમાં રાખ્યો અને આપણને આઘે કાઢયા. ઉતારામાં પણ હતા કોઇ ઠેકાણા ? કોઇએ આવીને આપણી ભાળ લીધી ? જયાં જુઓ ત્યાં બીજાને જ આગળ કરતા હતા. અરે પીરસવા આવ્યા ત્યારે પણ જોયું નહીં ? બીજાને કેવો આગ્રહ કરતા હતા..આપણને તો ખાલી એકાદ વાર પૂછવા ખાતર પૂછી લીધું. આપણે ઘેરથી ગયા ત્યારે આપણે કેટલી મીઠાઇઓ સાથે આપી હતી.. આ તો એક નાનું અમથું બોક્ષ પકડાવી દીધું હાથમાં..આપણે કંઇ મીઠાઇના ભૂખ્યા નથી. આ તો એના ઉપરથી તેમની ભાવનાની ખબર પડે.. વાતો જ મોટી મોટી કરતા આવડે છે..બાકી કંઇ ભલીવાર નથી. બીજીવાર હું તો આવું જ નહીં ને ?

જનકભાઇ પત્નીની વાત મૌન બનીને સાંભળી રહ્યા. તેમને પણ થયું કે પત્નીની વાત તો સાચી છે. વસંતભાઇએ પોતાનું સાચવ્યું નહીં.અરે, પોતાના સગાઓ કરતા તો તેમણે પોતાના દોસ્તારોનું ધ્યાન પણ વધારે રાખ્યું.

બસ..થઇ રહયું.. મનમાં એક વાર દુર્ભાવ પ્રવેશે પછી એને રોકી શકાતો નથી.. પછી તો અનેક દોષ દેખાવા લાગે છે. આમ પણ દોષ શોધનારને તો એ મળી જ રહેવાના ને ?

જનકભાઇ એ ન જોઇ શકયા કે વસંતભાઇના દોસ્તારો લગ્નમાં કેટલી દોડા દોડી કરી રહ્યા હતા. ને બધી જવાબદારી સામેથી ઉપાડી લીધી હતી. જયારે પોતે મહેમાનની માફક આગતા સ્વાગતાની આશા રાખીને બેસી રહ્યા હતા. આવે સમયે મદદરૂપ થવાને બદલે પોતાને આમ જોઇશે ને તેમ જોઇશે..એમ કહી જાતજાતની સગવડ માગી રહ્યા હતા. પ્રસંગે ચલાવી લેવાની કે મદદરૂપ થવાની વૃતિને બદલે પરાયાની માફક વર્તી રહ્યા હતા..આગ્રહની આશા રાખીને દૂર જ બેસી રહ્યા હતા. અલબત વસંતભાઇએ પોતાનાથી શકય તેટલું ધ્યાન બધાનું રાખ્યું જ હતું. અને છતાં કોઇ વધારે પડતી અપેક્ષા રાખીને બેસી રહે ત્યારે કશુંક ચૂકાઇ પણ જાય. એ સહજ વાત જનકભાઇ કે ચારૂબહેન સમજી કે સ્વીકારી ન શકયા.

અને તેમનો અણગમો છૂપાવવાને બદલે દરેક આગળ તેઓ વ્યકત કરતા રહ્યા. બળાપો કાઢતા રહ્યા. વાત ફરતી ફરતી વસંતભાઇ પાસે પહોંચે તે સ્વાભાવિક જ હતું ને ? વસંતભાઇને થયું પોતે આટઆટલું રાખ્યું છતાં જનકભાઇને ઓછું લાગ્યું. અને બધા પાસે પોતાની વાતો કરી. આને સગા કેમ કહેવાય ?

બસ..જેમ દૂધને ફાટવા માટે ખટાશના બે બુંદની જ જરૂર પડતી હોય છે ને ? તે રીતે સંબંધો બગડવા માટે બે ખરાબ શબ્દોની જ જરૂર પડતી હોય છે. કડવા શબ્દના એક નાનકડા તણખાથી પણ મોટી આગ જલતી હોય છે. એ સત્ય અહીં પણ પૂરવાર થયું. બંને કઝિન ભાઇઓ વચ્ચે એક દીવાલ ચણાઇ ગઇ. આવે સમયે જો બીજા સગાઓ ધારે તો એ દીવાલ તોડી શકતા હોય છે. પરંતુ માનવસહજ સ્વભાવ મુજબ સામાન્ય રીતે આવા સમયે સગાઓ એ દીવાલ તોડવાને બદલે એ દીવાલને મજબૂત જ બનાવતા હોય છે. એમાં સિમેન્ટ પૂરતા હોય છે. શબ્દોથી ભડકાવતા હોય છે. વસંતભાઇ અને જનકભાઇના કિસ્સામાં પણ એવું જ થયું. એક સંબંધ તૂટયો.. સંબંધોની સ્વસ્થતા ખોરવાણી..

આવું અનેક પ્રસંગોએ ,અનેક લોકો સાથે બનતું રહે છે. એક કે બીજા કારણસર સારા, માઠા પ્રસંગોએ મન ખાટા થતા રહે છે. હકીકતે કોઇ પણ સામાજિક પ્રસંગે થોડી સમજદારીથી..કામ લેવાવું જોઇએ એવું નથી લાગતું ? મન મોટું રાખી થોડું ચલાવી લેવાની વૃતિ … થોડી બાંધ છોડ કરવાની ભાવના ન રાખવી જોઇએ ? પોતાને ઘેર પ્રસંગ હોય તેવે વખતે યજમાનને માથે અનેક જાતના ટેંશન હોય છે. એવે સમયે સગાઓએ ટેન્શનમાં વધારો કરવાને બદલે તેમને મદદરૂપ થવાની ભાવના ન રાખી શકાય ? તેમણે આપણું શું સાચવ્યું એ જોવાને બદલે આપણે તેને કેવી અને કેટલી રીતે મદદરૂપ થઇ શકાય એવો વિચાર ન રાખી શકાય ? આપણે શું મદદ કરી શકયા તે વિચારવું વધારે યોગ્ય ન ગણાય ? પ્રસંગ તો ચાર દિવસમાં આવીને ચાલ્યો જશે..પણ એથી કંઇ જીવનભરના સંબંધોમાં કડવાશ કેમ પ્રવેશવા દેવાય ?
કેળવી શકીશું આવી દ્રષ્ટિ ? અને પ્રસંગોએ સાચા અર્થમાં સગાઓ બનીને ઉભા રહી શકીશું તો જીવનભર સંબંધોની મધુરતા જળવાઇ રહેશે. બે ચાર દિવસ સાચવી લેવીથી કે થોડું ચલાવી લેવાની ભાવનાથી જો સંબંધો જળવાઇ શકતા હોય તો સોદો ખોટનો કહેવાય ખરો ?

શીર્ષક પંક્તિ.. નિમિષા મિસ્ત્રી
( સ્ત્રીમાં પ્રકાશિત થતી કોલમ )

મળેલા જીવ..

છેલ્લા છ મહિનાથી શિવાનીનું અપ ડાઉન ચાલુ થયું હતું. આણંદથી અમદાવાદની સવારની મેમુ ટ્રેનમાં નીકળવાનું. અને સાંજે અમદાવાદથી નીકળી પાછું આણંદ પહોંચી જવાનું. વરસોથી અપડાઉન કરતાં અનેક લોકોને તે ચૂપચાપ જોતી રહેતી. પહેલેથી જ શાંત સ્વભાવ અને ઓછું બોલવાની આદત અને અંત્રમુખ સ્વભાવને લીધે છ મહિનાથી આ જ ગાડીમાં..આ જ સમયે જતી હોવા છતાં કોઇ સાથે મૈત્રી નહોતી કેળવી શકી. તેમની ઠઠા મશ્કરીમાં સામેલ ન થઇ શકતી. જે અપડાઉન કરતી વ્યક્તિઓ માટે રીલેક્ષ થવાનું સાધન હોય છે. પરંતુ શિવાની પોતાના વાંચવાના શોખને લીધે કોઇ મેગેઝિન કે કોઇ પુસ્તક લઇ તે વાંચતી રહેતી.

હા, રોજ સાંજે અમદાવાદથી પાછા ફરતી વખતે ખારી સીંગ.. રોજ અપડાઉન કરવાવાળા મુસાફરોએ જેને “ટાઇમપાસ “ એવું નામ આપેલું તે અચૂક લેતી. આમ તો જોકે એ કંઇ સીંગ ખાવાની એવી શોખીન નહોતી. પરંતુ આ સીંગ વેચવાવાળી દસ થી બાર વરસની એક છોકરી હતી. ફાટયાતૂટયા કપડાં..જીંથરાની જેમ ઉડતા વાળ, ઘઉંવર્ણો , લંબગોળ ચહેરો અને મોટી ..પાણીદાર આંખ..ચહેરા ઉપર સો ટચના સોના જેવું હાસ્ય સતત રમતું હોય. એના અવાજમાં એક મીઠાશ ઉભરતી.

પહેલી વાર થોડો આગ્રહ કરીને એણે શિવાનીને સીંગ આપી હતી. ‘અને પછી તો શિવાની જાણે સીંગની બંધાણી થઇ ગઇ હતી કે આ છોકરીની…?

સાવ ઓછા બોલી શિવાની તેની સાથે એકાદ બે મિનિટ અચૂક વાત કરે જ. છોકરીનું નામ હેમા હતું. એ પણ તેણે જાણી લીધું હતું. કયારેક તેની સાથે તેનો નાનો ભાઇ પણ દેખાતો. સ્ટેશન એ જ તેનું ઘર હતું. એ પણ વાતવાતમાં શિવાની જાણી ચૂકી હતી.

શિવાની પર્સમાં પાંચ રૂપિયાનો સિક્કો તૈયાર જ રાખીને બેસી હોય. હેમાને પણ શિવાનીને જોયા સિવાય જાણે ચેન ન પડતું. શિવાની મોડી વહેલી થાય તો સીંગ વેચવાને બદલે એ શિવાનીની જગ્યા રોકીને ઉભી હોય. શિવાની આવીને બેસે એટલે મીઠું હસીને દોડી જાય.

કોઇ શબ્દો વિના બંનેની દોસ્તી જામી ગઇ હતી.

રવિવારે શિવાનીને જવાનું ન હોય એની હેમાને જાણ હોય.સોમવારે શિવાની આવે એટલે એ અચૂક કહે, ’બેન, કાલે તમને બહું સંભાર્યા’તા. જવાબમાં શિવાની હસી દે…તે જાણતી હતી કે કંઇ પાંચ રૂપિયા માટે આ છોકરી તેને આમ નથી કહેતી.

આજે શિવાની થોડી ગુસ્સામાં હતી. ઓફિસમાં બોસનો વિના કારણે ઠપકો સાંભળવો પડયો હતો. ગુસ્સો તો એવો આવ્યો હતો કે બે ચાર સામે ચોપડાવી દે..પણ સત્તા આગળ શાણપણ સાવ નકામું…અને તેને ગુસ્સો ગળી જવો પડયો હતો. ટ્રેનમાં આજે હેમા પણ ન દેખાઇ.. એક તો મન ધૂંધવાયેલું હતું જ..એમાં આજે સીંગ પણ ન મળ્યા. હકીકતે હેમા ન મળી…થોડીવાર રાહ જોઇ..કદાચ આડીઅવળી ગઇ હશે.પોતે એક જ ઘરાક થોડી હતી ? પણ આજે હેમા ન જ દેખાઇ… જવા દો..હેમા વિના મારે કંઇ અટકયું નથી.

પણ છેલ્લા આઠ દિવસથી હેમા ન જ દેખાઇ..શિવાનીની આંખો ટ્રેનમાં રોજ હેમાને શોધ્યા કરતી હતી..જાણે તેના વિના કંઇક ખૂટતું હતું..એક ખાલીપો અનુભવાતો હતો. ઓફિસેથી થાકેલા મનને હેમાના હાસ્યથી..બે વાતો થી જાણે શાતા મળતી. ઘેર પહોંચીને તો ફરી એ જ રામાયણ રહેતી…મધ્યમવર્ગના પ્રશ્નો તો જેના પર વીતતી હોય એને જ સમજાય. કયારેક હેમા પર ગુસ્સો આવતો હતો તો કયારેક ચિંતા પણ થતી હતી…પણ કોને પૂછે ? પણ..હેમાને મળ્યા સિવાય જાણે ચેન નહોતું પડતું. એ નાનકડી છોકરીની ચિંતા તેને ચેન નહોતી લેવી દેતી. આજે શનિવાર હતો.ઓફિસેથી વહેલી છૂટી થઇ હતી.રોજની જેમ સીધી ટ્રેનમાં ન બેસતા તે સ્ટેશન પર આમતેમ આંટા મારવા લાગી. કદાચ હેમા કયાંક દેખાઇ જાય તો …એ આશાએ…પણ એનો કોઇ અત્તોપત્તો મળ્યો નહીં.

એ વાતને પૂરા ચાર મહિના વીતી ગયા. હવે શિવાનીએ હેમાની પ્રતીક્ષા મૂકી દીધી છે. ધીમે ધીમે તેની યાદ પણ ઝાંખી થતી રહી છે. અપડાઉન તો રોજની જેમ જ ચાલુ રહ્યું. એના સિવાય તો છૂટકો જ કયાં હતો ? .

આજે તો છેક છેલ્લી મિનિટે શિવાની માંડ માંડ પહોંચી શકી . જગ્યા મળવાની કોઇ આશા નહોતી. આજુબાજુ નજર ફેરવતી હતી ત્યાં તો તેને બૂમ સંભળાઇ …

‘ દીદી, આ બાજુ આવી જાવ..’ શિવાની જોઇ રહી. અવાજ તરફ જોયું તો..સામે ખિલખિલ હસતી હેમા અને તેનો નાનો ભાઇ દેખાયા.. હેમા જગ્યા રોકીને ઉભી હતી. શિવાની આશ્ર્વર્યથી જોઇ રહી. કશું બોલી શકી નહીં.

‘ દીદી, ભૂલી ગયા મને ? બસ ને ?

હેમાના અવાજમાં ફરિયાદ હતી. શિવાની હેમાએ રોકેલી જગ્યાએ બેઠી.

‘ અરે, આટલા મહિના સુધી કયાં હતી ? તને ખબર છે હું રોજ તારી કેટલી રાહ જોતી હતી ? સ્ટેશન પર પણ તપાસ કરી હતી. પણ તું દેખાય તો ને ? મને તારી ચિંતા થતી હતી. બીજી કોઇ ગાડીમાં ચાલી ગઇ હતી કે શું ? ‘ શિવાની બોલી ઉઠી.

ના..દીદી, તમને કે આ ગાડીને છોડીને કયાં જાઉં ?

તો પછી કેમ દેખાતી નહોતી ?

‘દીદી, નવો પગ લેવા ગઇ હતી..તે વાર તો લાગે ને ? જરા હસીને હેમાએ કહ્યું.
નવો પગ ? એટલે ?

‘ દીદી, આ જોતા નથી ? મારો નવો પગ ? હવે શિવાનીનું ધ્યાન હેમાએ કાંખમાં ભરાવેલી ઘોડી તરફ ગયું.

‘ ઓહ..માય ગોડ.. હેમા, આ શું ? શું થયું ? કેમ થયું ? કયારે થયું ?

‘ ધીમે દીદી…એકીસાથે આટલા બધા પ્રશ્નો..

‘ આ કેમ કરતા ?

‘ એક અકસ્માત.. અને એક પગ ..છૂમંતર….પછી તો સરકારી હોસ્પીટલ.. પગ કપાયો ને આ નવો પગ કોઇ દયાળુની કૃપાથી… નવા પગથી ચાલતા શીખવામાં યે વાર લાગી..
દીદી, આજે પહેલો દિવસ છે.. ફરીથી કામે ચડવાનો..

‘ અરે, મને માંડીને વાત તો કર..

‘ દીદી, પછી નિરાંતે વાત કરું છું. એક આંટો ગાડીમાં મારી આવું. અત્યાર સુધી ઘણાંએ સીંગ માગી પણ હજુ સુધી કોઇને એકે ય પડીકું નથી આપ્યું હોં. મને ખાત્રી હતી કે તમે આવશો જ..એટલે જગ્યા રોકીને ઉભી હતી. આજે પહેલા દિવસની બોણી તો તમારા હાથે જ હોં..’

એકી શ્વાસે કહેતા હેમાએ ખારી સીંગનું પડીકું શિવાની તરફ લંબાવ્યું.

મેં યે આટલા મહિનાથી બીજા કોઇની સીંગ નથી ખાધી હોં..

તારું કામ પતાવીને જલદી આવજે..મારે તારી સાથે કેટલી બધી વાતો કરવાની છે. ને હવે ધ્યાન રાખજે.. તને તકલીફ…

તેને વચ્ચેથી જ અટકાવીને હેમાએ કહ્યું..

તકલીફ તો બેન કોને નથી હોતી ? કોઇને નાની ને કોઇને મોટી.. એને ગણકારીએ તો અમે તો જીવી જ ન શકીએ ને ? લો.. આ સીંગ…એટલે બીજા ઘરાકો પાસે ઉપડું.. એ બધા કંઇ મારી રાહ જોઇને બેસી નહીં રહ્યા હોય ..

હેમાએ ધરેલું સીંગનું પડીકું લેતા શિવાની પૈસા આપવા પર્સ ખોલવા લાગી.

‘ બેન, આજે પૈસા નહીં…

‘ અરે, આજે તો મારે શુકનના ડબલ પૈસા આપવા જોઇએ.. લે..આ.. ‘ કહેતા શિવાનીએ પર્સમાંથી એકાવન રૂપિયા કાઢયા ને હેમાના હાથમાં પરાણે થમાવ્યા.
‘ દીદી…

બસ હવે હવે ચૂપચાપ લઇ લે.. બહું ડાહી થતા શીખી ગઇ છે ને મોટી મોટી વાતો કરતા હોસ્પીટલમાંથી શીખી આવી છે કે શું ? ‘ હેમાએ શિવાનીના હાથમાંથી એકાવન રૂપિયા લીધા.. તેની આંખોમાં વાદળો તરવરી ઉઠયા. તેણે પચાસ રૂપિયાની નોટ માથે ચડાવી. ને ઘોડીના સહારે ખોડંગાતી આગળ બીજા ઘરાક પાસે જઇ રહી.

શિવાનીની આંખ પણ કયાં કોરી રહી શકી હતી ?

શિવાનીએ પર્સમાંથી પન્નાલાલની “મળેલા જીવ “ ચોપડી કાઢીને વાંચવામાં જીવ પરોવ્યો.

( સંદેશમાં પ્રકાશિત કોલમ ” વાત એક નાની ”

પપ્પા થેંકયુ

અનિતાબહેન અને અવનીશભાઇ એટલે જાણે મેઇડ ફોર ઇચ અધર જેવી જોડી. જોડિયા સંતાનો..દીકરો સોહમ અને દીકરી સુમેધા…. એકી સાથે દીકરો અને દીકરી બંને ઇશ્વરે આપી દીધા. ચાર જણાનું સુખી કુટુંબ.

ભાઇ બહેનના બંનેના લગ્ન પણ એકી સાથે જ કર્યા. લગ્નમાં અનિતાબહેન કે અવનીશભાઇએ સ્વાભાવિક રીતે જ કોઇ કચાશ નહોતી રાખી.. દીકરીને સાસરે વળાવી અને બીજી દીકરીને ઘરમાં આવકારી. પૂત્રવધૂ શિવાનીને અનિતાબહેને હૈયાના હરખથી પોંખી. અને હવે અવનીશભાઇએ પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ લીધો. સોહમની નોકરી સારી હતી. તેથી સોહમે પપ્પાને પરાણે વી.આર.એસ. લેવડાવ્યું હતું.

‘ બેટા, નોકરી ફકત જરૂરિયાત માટે નથી કરતો. મને કોઇ શારીરિક તકલીફ તો છે નહીં.. ઘરમાં બેસીને શું કરું ? નવરો માણસ નખ્ખોદ વાળે…હું ઘરમાં રહીને કંઇ નખ્ખોદ વાળું એના કરતાં તો… ‘

અવનીશભાઇએ હસીને જવાબ આપ્યો…

પણ દીકરો એમ ફોસલાય તેમ કયાં હતો ? પપ્પાની વાત ઉડાવી તેણે જવાબ આપ્યો.
‘ પપ્પા, ઘણાં વરસ નોકરી કરી..હવે તમને ગમતું કામ કરો. નોકરી સિવાય પણ જીવનમાં બીજું ઘણું કરવા જેવું છે. તમારી મનગમતી પ્રવૃતિ કરો. જે ગમે તે કરો.પણ હવે નોકરીની ગુલામી તો નહીં જ કરવા દઉં.. તમારી નોકરીમાં કેટલું ટેન્શન અને દોડાદોડી છે..એની મને ખબર છે જ. અત્યાર સુધી મજબૂરી હતી..પણ હવે હું સારું કમાઉં છું.. ત્યારે તમારે આવી નોકરી કરવાની કોઇ જરૂર નથી.. આ મારો ઓર્ડર છે..શું સમજયા ?

પુત્રની આવી ભાવના જોઇ કયા માબાપ ન હરખાઇ ઉઠે ? પુત્રના આગ્રહ અને ભાવનાને માન આપી અવનીશભાઇએ નોકરી છોડી. અને સ્વૈચ્છિક રીતે એક સ્કૂલમાં બે કલાક બાળકોને ભણાવા જવા લાગ્યા..જે તેમની મનપસંદ પ્રવૃતિ હતી.

શિવાની પણ આ ઘરમાં દૂધમાં સાકર ભળે એ રીતે ભળી ગઇ હતી. ઘરમાં સુખ શાંતિ અને સ્નેહનો સાગર ઘૂઘવી રહ્યો હતો. અવનીશભાઇ અને અનિતાબહેન આવી વહુ મળવાથી ફૂલ્યા નહોતા સમાતા અને મનોમન ઇશ્વરનો આભાર માનતા હતા.

આજે અનિતાબેનનો જન્મદિવસ હતો. સોહમ કંપનીના કામે ચાર દિવસથી બહારગામ ગયો હતો. શિવાનીએ સવારે અનિતાબહેનના હાથમાં એક પેકેટ થમાવ્યું. અનિતાબહેન આશ્ર્વર્યથી જોઇ રહ્યા. આ શું છે ? મમ્મી.. સરપ્રાઇઝ.. શિવાનીએ હસીને જવાબ આપ્યો. જાતે ખોલો અને જુઓ..

અનિતાબહેને પેકેટ લીધું. તેમનો ચહેરો હસુ હસુ બની ઉઠયો હતો. આજ દિવસ સુધી તેમના જન્મદિવસે તેમને આ રીતે કોઇ સ્પેશીયલ ગીફટ નહોતી આપી. અવનીશભાઇને એવી કોઇ આદત નહોતી. કદાચ પહેલેથી જ ન જાણે કેમ પણ તેમના ઘરમાં આવો કોઇ રિવાજ કદી પ્રવેશ્યો જ નહોતો. જયારે જે જોઇતું હોય તે લેવા માટે પૂરા સ્વતંત્ર હતા. પતિ તરફથી કોઇ બંધન નહોતું.. એથી કયારેય એવો કોઇ અફસોસ પણ નહોતો થયો.

પરંતુ આજે અચાનક આ રીતે કોઇએ તેમનો વિચાર કર્યો..અને તે પણ ઘરની વહુએ… અનિતાબહેન દિલથી હરખાઇ ઉઠયા. તેમણે પેકેટ ખોલ્યું..અંદરથી એક સુંદર પંજાબી ડ્રેસ નીકળ્યો. અનિતાબેન આશ્વર્યથી જોઇ જ રહ્યા.

‘ બેટા, હું તો હમેશા સાડી જ પહેરું છું. તેં મને પંજાબી પહેરતા વળી કયારે જોઇ ? ‘
‘ એટલે તો હવે જોવા છે.’ શિવાનીએ હસીને કહ્યું.

મમ્મી, તે દિવસે તમે ફોનમાં માસીને કહેતા હતા ને કે સાડીથી હવે તો કયારેક કંટાળો આવે છે. આપણે પણ પંજાબી કે એવું ક્શુંક પહેરવાનું ચાલુ કરી દેવું જોઇએ..કેવી નિરાંત.. આ પહેર્યું ને આ ચાલ્યા..

મમ્મી, આવું તમે જ બોલ્યા હતા ને ?

એટલે મારી વહુ છાનીમાની મારી વાત સાંભળે છે એમને ?

બોલતા બોલતા અનિતાબેન હસી પડયા.

બેટા, મેં કયારેય પહેર્યો નથી. કેવો લાગશે ? કોઇ હસશે તો ? પતિ તરફ જોતા અનિતાબેન બોલ્યા. ’ અરે શિવાની આટલા પ્રેમથી લાવી છે તો પહેરને.. એમાં શું છે ?

પતિ તરફથી પણ પ્રોત્સાહન મળતા અનિતાબેને હોંશે હોંશે પન્જાબી ડ્રેસ પહેર્યો.
વાહ..મમ્મી તમને તો ખૂબ સરસ લાગે છે. હવે આજથી નો સાડી,.. આપણે કાલે જ બીજા પણ લાવીશું. અને હવે મમ્મી..લો આ બે ટિકિટ..
ટિકિટ..શેની ?

મમ્મી, ટાઉનહોલમાં સરસ નાટક આવેલ છે. હું બે ટિકિટ લાવી છું. આજે તમારે ને પપ્પાએ નાટક જોવા જવાનું છે.

પણ બેટા..ના અમે બે તને એકલી મૂકીને નાટક જોવા નહીં જઇએ.. લાવવી જ હતી તો ત્રણ લાવવી હતી.

મમ્મી, આ નાટક મારું જોયેલું છે. અને આજે તમારે બેઉએ જ જવાનું છે..નો આર્ગ્યુમેન્ટ..

અને અંતે શિવાનીએ સાસુ, સસરાને નાટક જોવા મોકલ્યા જ .

સ્નેહનો છલોછલ સાગર ઘરમાં ઘૂઘવતો રહ્યો.એમાં વહાલના દરિયા જેવી નાનકડી પૌત્રીના આગમને તો ઘરની દીવાલોને પણ જાણે ટહુકા ફૂટી નીકળ્યા. પણ..કુદરતને જાણે આ ઘરના સુખની ઇર્ષ્યા આવી હોય તેમ…

શિવાનીના લગ્નને પાંચ વરસ પણ પૂરા નહોતા થયા અને એક અકસ્માતમાં સોહમ ગંભીર રીતે ઘવાયો. અને ડોકટર કશું કરી શકે તે પહેલા સોહમ…..

.
યુવાન પુત્રના અવસાનનો કારમો ઘા અનિતાબેન અને અવનીશભાઇના આંસુ સૂકાતા નહોતા. જયારે શિવાની સાવ ગૂમસૂમ… આ શું બની ગયું ? કોની નજર લાગી ગઇ ? કાળની ? ઘરમાં યુવાન પૂત્રવધૂને આ રીતે જોઇ અનિતાબહેન અને અવનીશભાઇના દુખનો પાર નહોતો. શિવાનીને લેવા માટે તેનો ભાઇ આવ્યો ત્યારે શિવાનીએ પિયર જવાની સાફ ના પાડી દીધી.

અનિતાબહેને ખૂબ આગ્રહ કર્યો. બેટા, આ ઘર સાથેના તારા લેણ દેણ પૂરા થયા. તારી સામે આખી જિંદગી પડી છે. તું નવેસરથી ફરીથી શરૂઆત કર.. અમારા તને આશીર્વાદ છે. અમે સદા તારી સાથે જ છીએ. ‘
પરંતુ શિવાની એક ની બે ન થઇ.

ના, મમ્મી, સોહમની અધૂરી જવાબદારી હું પૂરી કરીશ. આ ઘરને છોડવાનૌં પ્લીઝ મને કદી ન કહેતા..હું તમને ભારે નહીં પડું..

‘ અરે, બેટા, દીકરી કદી મા બાપને ભારે પડે ? પણ બેટા, અમારે તને સુખી જોવી છે. હવે તું અમારી વહુ નથી. યુવાન દીકરી છે. અને યુવાન દીકરીના લગ્ન કરવા એ અમારી પહેલી ફરજ છે. “ પરંતુ બધી સમજાવટ નકામી ગઇ. શિવાનીએ પિયર જવાને બદલે હમેશ માટે અહીં જ રહેવાનું સ્વીકાર્યું.

‘ પપ્પા, સોહમે તમારી નોકરી છોડાવી હતી. હવે સોહમના જતા પપ્પાને પાછી નોકરી કરવી પડે એ મને મંજૂર નથી. કહી શિવાનીએ નોકરી ચાલુ કરી.

સદનસીબે શિવાનીને સોહમની કંપનીમાં જ નોકરી મળી ગઇ.જીવનની ગાડી ફરી એકવાર પાટે ચડી ગઇ. શો મસ્ટ ગો ઓન.એ ન્યાયે જીવન જીવાતું રહ્યું. .અનિતાબહેન અને અવનીશભાઇ પૌત્રીના લાલનપાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા. અંદરથી તો બધાના દિલમાં એક વેદના કોરી ખાતી હતી. પણ બધા પોતપોતાની વ્યથા છૂપાવતા રહેતા અને એકબીજા સામે હસતા રહેતા.

હવે તો પૌત્રી પાંચ વરસની થઇ હતી. હમણાં અવનીશભાઇનો એક મિત્ર અને તેનો પુત્ર અમેરિકાથી દેશમાં આવ્યા હતા. અવનીશભાઇ અને તે લંગોટિયા મિત્રો હતા. શૈશવથી સાથે જ રમીને મોટા થયા હતા. અમેરિકામાં સારી રીતે સેટલ થયા હતા. તેમના દીકરાની વહુ બે વરસ પહેલાં કેન્સરની બીમારીમાં મૃત્યુ પામી હતી. અને હવે દીકરાને માંડ માંડ સમજાવીને બીજા લગ્ન કરવા માટે મનાવ્યો હતો. અને એટલે જ દેશમાં આવ્યા હતા.થોડી છોકરીઓ જોઇ પણ કોઇનું મન જલદી માનતું નહોતું. તેથી પાછા જવાનું નક્કી કરી લીધું હતું. જયારે અંજળ હશે ત્યારે એમ મન મનાવી લીધું હતું. બીજી વાર કયારેક આવીશું. એમ વિચારી જતા પહેલાં એક દિવસ મિત્રને મળવા તેમને ઘેર આવ્યા હતા.

બંને મિત્રો ઘણાં સમય પછી મળતા હતા. સુખ દુખની વાતો થતી રહી. તેમનો પુત્ર મનન લગભગ સોહમની ઉમરનો જ હતો. તેને જોતા અવનીશભાઇ અને અનિતાબહેનની આંખો ભીની બની ઉઠી હતી. દીકરાના સ્મરણોએ તેમને થોડી વાર અજંપ બનાવી દીધા. પણ ત્યાં જ ઓફિસેથી શિવાની આવતા જલદી જલદી સ્વસ્થ થઇને બોલ્યા.

‘ બેટા, આ મારો ખાસ મિત્ર.. અને બધાની ઓળખાણ કરાવી. શિવાની બધા માટે રસોઇની વ્યવ્સ્થા કરવા અંદર સાસુ પાસે ગઇ.

થોડીવારે શિવાનીની બધી વાત સાંભળી મિત્ર બોલી ઉઠયો.

દોસ્ત, તારી આ દીકરી મને આપીશ ? મારા મનન માટે આનાથી સારું પાત્ર બીજું કયાં મળવાનું હતું ?

અવનીશભાઇને શું બોલવું તે ન સૂઝયું. પછી તો બંને દોસ્તો વચ્ચે ઘણી ચર્ચા થઇ. આખરી ફેંસલો શિવાની અને મનન ઉપર છોડાયો. મનહરભાઇ એક દિવસને બદલે ચાર દિવસ રોકાયા.
શિવાની શરૂઆતમાં તો કોઇ રીતે તૈયાર ન થઇ. પણ આજે અવનીશભાઇ અને અનિતાબહેન જાણે જિદે ચડયા હતા.

બેટા, તને આ રીતે જોઇને અમને બંનેને કેટલું દુખ અને કેટલી ચિંતા થાય છે એને તને જાણ છે ? આજે અમે છીએ.કાલે ન હોઇએ ત્યારે તારું કૉણ ? અને આ દીકરીને બાપનો પ્રેમ મળે એમ છે ત્યારે એને એ સ્નેહથી વંચિત શા માટે રાખવી ? એ હજું નાની છે.. એટલે કોઇ તકલીફ નહીં પડે. બેટા, મારે ખાતર કે આ નાની દીકરી માટે થઇને તું અમારી વાત રાખી લે.. બેટા , સોહમ ગયો ત્યારથી તું અમારી વહુ તો મટી જ ગઇ છે. અને દીકરીને કંઇ જીવનભર કુંવારી ન રખાય. મનન તને કે આ ઢીંગલીને કોઇ રેતે ઓછું નહીં આવવા દે..એની અમને ખાત્રી છે. આવું જાણીતું પાત્ર ન મળ્યું હોત તો કદાચ અમે તને ફોર્સ ન કરત..આટલા સમય સુધી અમે તારી જિદ સ્વીકારી જ હતી ને ? ..હવે આજે આ અમારી જિદ તારે સ્વીકારવાની છે.

કહેતા આનિતાબહેન પણ રડી ઉઠયા. શિવાની માને ભેટીને રડી ઉઠી.અને અંતે દસ દિવસ પછી કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ વખતે સાક્ષી તરીકે સહી કરતા અવનીશભાઇ અને અનિતાબહેન દીકરીને વળાવીને એક જબાદારી સારી રીતે પૂરી કરી શકયાની ખુશીમાં છલકાતા હતા. મનન અને શિવાની તેમને પગે લાગ્યા ત્યારે મનનની આંખોમાં તેમને દીકરાનું પ્રતિબિંબ દેખાઇ રહ્યું.જે કદાચ તેમને કહી રહ્યું હતું.

‘ પપ્પા..થેંકયું..’ મને બહું ગમ્યું. મારી શિવાની અને મારી દીકરી હવે દુખી નહીં થાય.

( સંદેશમાં પ્રકાશિત કોલમ વાત એક નાની )