ચપટી ઉજાસ..૧૬૬

ચપટી ઉજાસ.. 166

                                                                                          હાશકારો..

મને મનમાં મૂંઝવણ થતી હતી કે મેં નક્કી તો કર્યું છે કે ઘરમાં કોઇને મારાથી દુખ ન થાય એમ જ મારે કરવું છે. અને એ સાચા દિલથી જ નક્કી કર્યું હતું. પણ આજે વિવેકને જોઇને મનમાં ન જાણે કેવો યે નકાર..એક અણગમો ઉઠયો હતો. આની સાથે જીવન જોડવું પડશે ? દાદીમાનું  હમણાંનું વલણ જોતા તો એવું જ લાગતું હતું કે દાદીમા જે પહેલો છોકરો દેખાશે અને હા પાડશે એની સાથે મારું નક્કી કરી જ નાખશે.. અને એટલે હું ગભરાતી હતી. મનમાં જ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે દાદીમાને સદબુધ્ધ્દિ સૂઝે અને એ જ સામેથી ના પાડી દે.. આજે આખી રાત મને ઉંઘ ન આવી.

સવારે તો રોજની જેમ કોલેજે ગઇ ત્યારે પણ મન ફફડતું હતું કે આવીશ ત્યારે મારા ભાગ્યનો ફેંસલો થઇ ચૂકયો હશે ? દાદીમાએ શું વિચાર્યું હશે ? શું વાત થઇ હશે ? કોલેજમાં કલાસમાં… લેકચરમાં પણ જીવ ન લાગ્યો. પ્રાચીએ હળવી ટકોર પણ કરી લીધી,

આજે જૂઇનું ધ્યાન કયાં છે ? કિસકે ખયાલમેં ગુમશુમ બૈઠે હૈ ?

પણ હું મજાકના મૂડમાં જરાયે નહોતી. મેં કોઇ જવાબ ન આપ્યો.

સાંજે ઘેર ગઇ ત્યારે દાદીમા મમ્મી સાથે કશીક વાત કરતા હતા.મને જોઇને બંને મૂંગા થઇ ગયા.  મને થયું નક્કી મારી જ વાત ચાલતી હશે.. હું કશું પૂછયા સિવાય અંદર જતી હતી ત્યાં દાદીમાએ કહ્યું,

‘  જૂઇ, અહીં આવ.. મારી પાસે બેસ..

માર્યા ઠાર.. નિર્ણયની ઘડી આવી પહોંચી કે શું ?

હું ધીમા પગલે પાછી ફરી. દાદીમા પાસે બેઠી. મમ્મી સામે જોયું.  મમ્મીના ચહેરા પર હળવું સ્મિત હતું. પણ એના પરથી મને કસું સમજાયું નહીં.

ત્યાં દાદીમાએ કહ્યું,

જૂઇ, તને  વિવેક કેવો લાગ્યો ?

મેં કંઇ જવાબ ન આપ્યો. શું બોલું હું ?

અરે, મોઢામાં મગ ભર્યા છે ? મનમાં જે હોય એ બોલી દે ને.. અમને તો છોકરો અને કુટુંબ બધું ગમ્યું છે. તું હા પાડે તો પાક્ક્કું કરી નાખીએ.. બોલ , પછી તને એમ ન થાય કે મને કોઇએ પૂછયું પણ નહીં. હવે તો તમારા જમાના પ્રમાણે અમારે કરવાનું છે ને ?

નતે થયું કે કશું બોલ્યે જ છૂટકો થવાનો છે. એટલે ધીમા સાદે હું બોલી,

તમને બધાને જે ઠીક લાગે એ નક્કી કરો..હું તો તમે લોકો કહેશો એમ જ કરવાની છું.

અરે, બાપા,..કંઇ સાસરે અમારે નથી જવાનું..

તમે જે કરશો એ મારા સારા માટે જ કરશો ને ? તમે કોઇ મરા દુશ્મન થોડા જ છો ?  

તો અમને તો ગમ્યું છે. તારા  મમ્મી, પપ્પાને પણ ગમ્યું છે.   બોલ કરી નાખીએ ને પાક્કું ? પછી ફરાશે નહીં શું સમજી ? કંઇ મનમાં ન રાખતી..જે હોય તે પહેલેથી કહી દેજે..

તમને બધાને ગમ્યું હોય તો પછી મારે શું કહેવાનું હોય ? મેં તો પહેલા જ મારો જવાબ આપી દીધો છે..

હું બોલી તો ખરી પણ મારા અવાજમાં રણકો જરાયે નહોતો.જમાનાના અનુભવી દાદીમા એ રણકો ન પાર ખી શકે એ કેમ બને ?

પણ છોડી, તારા અવાજમાં ખુશી તો નથી દેખાતી..આમ મરેલાની જેમ શું બોલે છે ?

શું દાદીમા..તમે યે .. કહેતી હું ઉભી થઇ.

ત્યાં  દાદીમાએ મને પકડીને ફરી  બેસાડી.

છોડી, એમ ભાગે છે કયાં ?

મારે બેસી જવું પડયું. . મનમાં થયું.. આ મમ્મી પણ ખરી છે. જોને કંઇ બોલતી નથી. ઉલટી જાણે પોતે બહું ખુશ થઇ હોય એમ દેખાય છે. મારી આંખ રડું રડું  થતી હતી..માંડ માન્ડ પ્રયત્ન  કરીને હું બહાદુર બની રહી. ત્યાં દાદીમા બોલ્યા,

છોડી, તું અમને ભલે ગમે તેટલા જૂનવાણી માનતી હો..પણ હું કંઇ  સાવ એવી નથી હોં.. સાચું કહું ? મને  જ છોકરો જરા યે નથી ગમ્યો. અને એમ કંઇ મારી છોકરી હું ગમે તેને  ન આપી દઉં હોં..

હેં દાદીમા..સાચ્ચે તમને નથી ગમ્યો ?

નહોતું બોલવું તો યે મારાથી બોલાઇ જ ગયું.

હં…જોયું નિશા, ? આ બહેનબાને યે નહોતો ગમ્યો. પણ આપણું માન રાખવા  તૈયાર થતી હતી. પણ સાચું કહું, નિશા, આજે મને થોડી શાંતિ થઇ. જૂઇ ઓલી જેવું  કંઇ નહીં કરે. હવે મને સમજાયું મમ્મી કેમ ખુશ હતી..

થોડી વાર અમે ત્રણે  મૌન  બની રહ્યા. દાદીમાને પાછા ફૈબા  યાદ આવી જ ગયા હતા. વહાલસોયી દીકરીની એમ ભૂલી જવી કંઇ સહેલી છે ? ઘરમાંથી ભલે કાઢી હતી પણ દિલમાંથી કાઢવી કંઇ સહેલી નહોતી જ.. 

બે ચાર પળની ચૂપકીદી પછી દાદીમા જ બોલ્યા,

તને ખબર છે જૂઇ, ? એના બેશરમ માબાપે તો સીધી દેવા લેવાની જ વાત કરી. આ જમાનામાં પણ દહેજ લેવાની વાત કરતા હતા ..સીધી રીતે નહીં તો આડી રીતે કરી. અમારે યે  દીકરી છે ને ? અમારે પણ એને આપવું જ પડશે ને ?

જા..રે મારી બઇ..એમ કંઇ અમારી જૂઇ રેઢી નથી પડી.

દાદીમા તો રંગમાં આવીને આજે ઘણું  બોલતા રહ્યા. અને દાદીમાનો  અવાજ આવો મીઠો તો મને કદી નથી લાગ્યો.

મને હાશકારો થયો…