સંબંધસેતુ..

પાંગરે સંબંધ સહુ આપસી વિશ્વાસથી

સંશયોનું આવરણ જિંદગી બદલી શકે..

જીવનમાં શંકા..વહેમની એક નાનકડી ચિનગારી પણ ઘણીવાર મોટી આગ પ્રગટાવી શકે છે અને સંબંધોને ભસ્મીભૂત કરી દે છે. વહેમ સંબંધોને ખાક કરી દે છે. શ્રધ્ધા ..વિશ્વાસ આ બે નાનકડા શબ્દનો જો જીવનમાં અમલ કરી શકાય તો એ જીવનને રળિયામણું બનાવી શકે છે. સંબંધો હમેશા શ્રધ્ધા..વિશ્વાસથી ટકે છે. શંકાની ચિનગારી સંબંધોને આગ લગાડીને જીવન નર્ક સમાન બનાવી દે છે. કોઇ પણ સંબંધ.. વિશ્વાસથી જ શરૂ થાય છે.વિશ્વાસથી જ ટકે છે..પાંગરે છે. અને સુદ્રઢ બને છે. જીવનના ઝંઝાવાતોમાં ટકી રહેવાનું બળ આપે છે. આજે આવી જ કોઇ વાત..

નેહલ અને સૌરભ બંને પ્રતિષ્ઠિત કંપનીમાં સારી પોસ્ટ ઉપર હતા. બંને નવી પેઢીના યુવક..યુવતી હતા.. આધુનિક વિચારસરણી ધરાવતા હતા. એકબીજાની સ્વતંત્રતાનું સન્માન કરતા હતા. નોકરીને લીધે સ્વાભાવિક રીતે વિજાતીય મિત્રો પણ હોય જ. પણ બંને પોતપોતાની મર્યાદા પણ સમજતા જ હતા..તેથી કોઇ પ્રશ્નો નહોતા.

પરંતુ છેલ્લા થોડા સમયથી બધું બદલાયું હતું. ઘરનું વાતાવરણ ડહોળાઇ ગયું હતું. વાત કંઇક આવી હતી. થોડા દિવસ પહેલાં નેહલને પોસ્ટમાં એક કવર મળેલું..જેમાં સૌરભ સાથે કોઇ યુવતીનો ફોટો હતો. જેમાં યુવતી સૌરભના ખભ્ભે માથું રાખીને બેઠી હતી.પરમ આત્મીયતાની ઝલક દર્શાવતો એ ફોટો જોઇ નેહલ ચોંકી હતી. એમાં હમણાં સૌરભને ઓફિસેથી આવતા રોજ મોડું થતું હતું. નેહલ પૂછે ત્યારે મીટીંગ છે કે એવું કંઇ પણ કારણ આપતો. જોકે આમાં કોઇ નવી વાત નહોતી. આવું તો અનેકવાર પહેલાં પણ બનતું જ હતું. એમ તો પોતાના યે આવવાના ઠેકાણા ઘણીવાર નહોતા રહેતા. આજ સુધી આવો કોઇ વિચાર મનમાં નહોતો આવ્યો.પણ આ ફોટો મળ્યા પછી દ્રષ્ટિ બદલાઇ હતી. અને દ્રષ્ટિ બદલાતા દરેક નાની વાતનો અર્થ બદલાઇ રહ્યો હતો.

તેણે ફોટો સૌરભને બતાવ્યો. અને એ સ્ત્રી કોણ છે એનો જવાબ માગ્યો.
સૌરભે કહ્યું..

અરે, તને મારામાં વિશ્વાસ નથી ?

પણ..આ ફોટો..

નેહલ, આ છોકરી મારી જ ઓફિસમાં કામ કરે છે. મેં તને અવનીની વાત નહોતી કરી ? આ અવનીનો ફોટો છે.
પણ આ રીતે ?

અરે, એ જ તો મને યે નથી સમજાતું.. પણ મને લાગે છે કે અમારી ઓફિસમાં આવા કંઇક નમૂના છે. જે ગમે તેની ગમે તેવી વાતો ઉડાડીને અફવા ફેલાવ્યા કરતા હોય છે. આ કોઇ ટ્રીક ફોટોગ્રાફીની કમાલ છે. બંને ફોટાને જોડી દીધા છે. આજકાલ આવી બધી વાતની કયાં નવાઇ રહી છે ? મારે અવનીને પણ પૂછવું પડશે..એને બિચારીને આવો કોઇ ફોટો નથી મળ્યો ને ? અને આ કોનું કાવતરું છે એની પણ તપાસ કરવી પડશે..

સૌરભે નિખાલસતાથી બધી વાતના ખુલાસા કર્યા. પણ ન જાણે કેમ નેહલને આજે પતિની વાત પર વિશ્વાસ ન આવ્યો. નક્કી કોઇક વાત હોવી જોઇએ..નહીંતર કોઇ આવું શું કામ કરે ?
એવામાં એક દિવસ નેહલે સૌરભ અને અવનીને એક રેસ્ટોરંટમાં સાથે કોફી પીતા બેસેલા જોયા. અને નેહલનું મગજ છટક્યું. હવે તો તેને દાળમાં કાળું નહીં..પણ આખી દાળ જ કાળી છે એવું લાગ્યું. પુરૂષોનો ભરોસો કરાય જ નહીં..કોઇ સુંદર યુવતી જુએ એટલે પૂરું.. એની ભ્રમરવૃતિ ઊછળવાની જ..

હવે શું કરવું ? સૌરભને પૂછશે તો એ એની રીતે ખુલાસા કરશે. એ કંઇ સાચી વાત થોડો જ મને કહેવાનો છે ? હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.. એ ગમે તે જવાબ આપી દેશે. એને તો જુદી રીતે જ પાઠ ભણાવવો પડશે.. પોતે કંઇ પહેલાની સ્ત્રીઓ જેવી થોડી જ છે ? કે રડીને બેસી રહે ? કે પતિ પરમેશ્વર માનીને બધું ચલાવી લે…નેહલને હવે સૌરભ અને અવની બંને પર ગુસ્સો આવ્યો હતો.

નેહલે પોતાની રીતે અવનીના ઘરની તપાસ કરી લીધી. અવની ચોવીસેક વરસની યુવતી હતી. અને હજુ કુંવારી જ હતી. મીડલ કલાસ ફેમીલીની છોકરી હતી. અને જરૂરિયાતને લીધે નોકરી કરતી હતી. નેહલે બધી માહિતી એકઠી કરી હતી. તેને થયું મીડલ કલાસની આવી છોકરીઓ જ પૈસા માટે થઇને બીજાને ફસાવે છે. નક્કી અવની પણ સૌરભ પાસેથી પૈસા પડાવતી હશે..

નેહલના મનમાં રાત દિવસ જાતજાતના તર્ક ચાલતા રહ્યા. સૌરભને તો એમ જ હતું કે પોતે સાચી વાત કરી દીધી છે. અને નેહલ સમજી શકી છે. એના મનમાં કોઇ ગીલ્ટ ન હોવાથી તેણે આ વાતને એટલી ગંભીર રીતે નહોતી લીધી..અને તે તપાસમાં હતો જ આ ફોટાનું પગેરૂ મેળવવાના તેના પ્રયત્નો ચાલુ હતા. તેને ઓફિસની એક વ્યકિત પર શંકા હતી. તેના હાથ નીચે કામ કરતા અનિલનું પ્રમોશન તેણે કોઇ કારણસર રોકયું હતું. અને તેના કામમાં અવારનવાર ભૂલો થવાને લીધે તેને હમેશા ખીજાવાનું બનતું રહેતું. કદાચ અનિલે જ આ વાતનો બદલો લેવા માટે આવું કશુંક કર્યું હોવાની પૂરી શકયતા હતી. પરંતુ કોઇ આરોપ મૂકતા પહેલા તે ચોકસાઇ કરી લેવા માગતો હતો.

પણ એ બધું થાય તે પહેલાં જ એક દિવસ નેહલ સીધી અવનીને ઘેર પહોંચી ગઇ. ત્યાં જઇ તેણે અવનીના માતાપિતાને પેલો ફોટો બતાવ્યો. અને ગુસ્સાના આવેશમાં બોલવા..ન બોલવાનું કેટલું યે બોલતી રહી. અવનીના માબાપ તો ડઘાઇ જ ગયા. કોઇ પરિણિત પુરૂષ સાથે પોતાની પુત્રીનો આવો ફોટો જોઇ તે સ્તબ્ધ બની ગયા. નેહલની ફરિયાદનો શો જવાબ આપવો તે પણ તેને ન સમજાયું. તેઓ તો સાવ સીધા સાદા માણસો હતા. પોતે દીકરીને પૂછશે.. કહેશે એટલું માંડ બોલી શકયા.. બીજું તો શું કહે ?

ઘેર આવીને નેહલે સૌરભને કોઇ વાત કરી નહીં. પણ બે દિવસ પછી સૌરભને બધી વાતની જાણ થઇ. અવનીએ નોકરી છોડી દેવી પડી હતી. તેના માતાપિતા હવે દીકરીને નોકરી કરવા દેવા તૈયાર નહોતા. અવનીએ પોતાની રીતે સમજાવ્યા હતા. પણ તેઓએ પુત્રીને એટલું જ કહ્યું, બેટા, બની શકે તારી વાત સાચી હોય..અમે તારી વાત પર વિશ્વાસ રાખીએ..પરંતુ બેટા, આપણી વાત સમાજમાં કોણ માનશે ? તારી બદનામી થાય તો કોણ છોકરો તારો હાથ પકડવાનો ? આજે નેહલે અમને વાત કરી..કાલે ઓફિસમાં.. સમાજમાં આ વાત ફેલાવે. ત્યારે ? બેટા, આપણા મધ્યમવર્ગના લોકો પાસે આબરૂ સિવાય બીજું હોય છે પણ શું ? અને તારી બદનામી થાય એ અમે સહન નહીં કરી શકીએ.. પૈસા નહીં આવે તો ચાલશે..કહીને તેમણે અવનીને નોકરી છોડી દેવાની ફરજ પાડી હતી.

સૌરભને આ બધી વાતની જાણ થતા તેને નેહલ પર ખૂબ ગુસ્સો આવ્યો.

મને ખબર નહોતી કે તારા જેવી શિક્ષિત છોકરી પણ આવું વિચારી શકે અને આવું કરી શકે ? તારા મનમાં શંકા હતી..વહેમ હતો..તો મારી સાથે ખુલાસો કરવો હતો ને ?અવનીને ઘેર જઇને આવી ધમાલ કરવાની શી જરૂર હતી ? તને ખબર છે બિચારી અવનીને તારી આવી વાતને લીધે નોકરી છોડી દેવી પડી ? મધ્યમવર્ગ માણસોને નોકરી છોડવી એટલે શું એ સમજાય છે તને ?

સૌરભ ગુસ્સાથી ધમધમતો હતો.

‘ વાહ..અવની બિચારી. અવનીનું બહું દાઝે છે ? એ નોકરી કરે કે ન કરે એમાં આપણે શું ? બહું ખરાબ લાગ્યું તને ? મને કેટલું ખરાબ લાગ્યું હતું એનો વિચાર તેં ન કર્યો ? ‘ નેહલ પણ આજે લડી લેવાના મૂડમાં હતી..

વાતનું વતેસર થતા આમ પણ કયાં વાર લાગતી હોય છે ? અને શંકાનો કીડો એકવાર મગજમાં ઘૂસ્યા પછી એને બહાર કાઢવો આસાન નથી જ હોતો. બંને પોતપોતાની વાત પર અડી રહ્યાં હતાં. કોઇ નમતું જોખવા કે એકબીજાની વાત સાંભળવા પણ તૈયાર નહોતા.
સૌરભે પેલી ફોટાવાળી વાતની તપાસ પણ કરી લીધી હતી.અને અનિલે જ ઇર્ષ્યાથી એ કામ કર્યું હતું. એ વાતની કબૂલાત પણ અનિલ પાસે કરાવી હતી. પરંતુ નેહલ પ્રત્યેના ગુસ્સાને લીધે તેણે નેહલને એ બધી વાત કરવાનું જરૂરી ન માન્યું. નેહલ આવું કરી જ કેમ શકે ?

અંતે મનમાં પડેલી તિરાડ દિવસે દિવસે વધતી ગઇ. એક ટાંકો સમયસર ન લેવાય.અને કપડું ન સંધાય તો આખા કપડાને ફાટતા વાર નથી લાગતી. અહીં પણ લગભગ એવું જ થયું.

એકબીજા પર આરોપો મૂકાતા ગયા.અને અંતે એક મજાનો સંબંધ તૂટી ગયો. સાવ નજીવી વાતમાં પતિ પત્ની વચ્ચે દીવાલ રચાઇ ગઇ. આમ પણ સંબંધો જોડાતા વાર લાગે છે. તૂટતા કયાં વાર લાગતી હોય છે ? શંકાની કોઇ ચિનગારી મનમાં પ્રવેશે નહીં એ માટે કાળજી રાખીશું ને ? જેથી સંબંધો વચ્ચે દીવાલ ન સર્જાય.. સંબંધોનું સૌન્દર્ય તો સમજણના સેતુથી જ શોભે ને ?

શીર્ષક પંક્તિ..ડો. મહેશ રાવલ
( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

સંબંધસેતુ..

સંબંધસેતુ..
“ ચપટી તાંદુલ આપી તો જો

સંબંધોની ભ્રમણા તૂટશે.”

આપણામાં કહેવત છે કે “ ડાંગે માર્યા પાણી જુદા ન પડે..” લોહીના સંબંધોમાં પણ ઘણીવાર કડવાશ આવે છે.. વિખવાદ જાગે છે..સંબંધો તૂટતા રહે છે.. આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ વાતની કોઇને નવાઇ પણ નથી રહી.આવું તો ચાલ્યા કરે.એમ સહજતાથી લેવાય છે. કયારેક જીવનભરના અબોલા સર્જાય છે..તો કયારેક જીવનમાં કોઇ એકાદ પ્રસંગ એવો બની જાય છે કે અબોલા આપમેળે તૂટી જાય છે..અને સંબંધોનો સેતુ ફરી એકવાર સન્ધાઇ જાય છે…કયારેક કોઇ એક પક્ષ જતું કરવાની વૃતિ દાખવીને મન મોટું રાખે ત્યારે સંબંધો જલદીથી તૂટતા નથી..અને તૂટે તો જોડાતા વાર નથી લાગતી.આજે આવી જ કોઇ વાત..

આકાશ અને અરમાન બંને ભાઇઓ વચ્ચે બે ઉમરમાં વરસનો જ તફાવત હતો. બંને સાથે જ ઉછર્યા, સાથે જ રમ્યા ને સાથે જ ભણ્યા.. બંને ભાઇ વચ્ચે સ્નેહની સરિતા સતત વહેતી રહી હતી. પરંતુ લગ્ન પછી સામાન્ય રીતે બને છે તેમ અહીં પણ બંને ભાઇઓની વહુઓને એકબીજા સાથે જામ્યું નહીં. દેરાણી..જેઠાણી વચ્ચે રોજના ઝગડા થવા લાગ્યા. સાસુ, સસરા રહ્યા નહોતા. બંનેના બાળકો પણ લગભગ સરખી ઉમરના હતા..એટલે કામ માટે, બાળકો માટે કે કોઇ પણ નિમિત્તે ઝગડો કરવાનું કારણ મળી રહેતું. આમ પણ ઝગડો કરવો જ હોય તેને વળી કારણોની કયાં ખોટ પડતી હોય છે ? હકીકતે બંનેને વહુઓને સ્વતંત્ર રહેવાના અભરખા હતા. એટલે પોતપોતાના પતિની કાનભંભેરણી ચાલુ રહેતી. અંતે એક દિવસ બંને ભાઇને અલગ થયે જ છૂટકો થયો. ઘર મોટું હતું.. અને બીજું ઘર ભાડે રાખવું આર્થિક રીતે કોઇને પોસાય તેમ નહોતું. એટલે બંને ભાઇ ઉપર, નીચે જ અલગ થયા. નોકરી તો બંનેની જુદી હતી જ. પરંતુ ભાગલા પાડતી વખતે અનેક મન દુ:ખ નાની , નજીવી બાબતે બંને કુટુંબ વચ્ચે થયા.બંનેને બીજાનો જ દોષ દેખાય તે માનવસહજ સ્વભાવ છે. પરિણામે બંને ભાઇઓના મન પણ ખાટા થઇ ગયા..અને એકબીજા સાથે બોલવાનું પણ બંધ થઇ ગયું. એમાં બે વરસ પછી આકાશની બદલી શહેરમાં થઇ. એટલે તે કુટુંબ સાથે શહેરમાં ગયો. પરંતુ જતા પહેલાં તેની પત્ની પોતાના ઉપરના ઘરને તાળું મારવાનું ન ચૂકી. અરમાનની પત્નીને બોલવાનો મોકો મળી ગયો. અને ફરી એકવાર બંને કુટુંબ વચ્ચે બોલાચાલી થઇ. આમ છૂટા પડતી વખતે પણ મીઠાશ જાળવી શકાઇ નહીં..

સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું. બંને ભાઇઓ વચ્ચેના અબોલા અકબંધ હતા. કયારેક કોઇ મારફત એકમેકના સમાચાર મળી રહેતા..એટલું જ.. બાકી પ્રત્યક્ષ રીતે કોઇ સંપર્ક રહ્યો નહોતો.

અરમાનનો દીકરો અનંત હવે કોલેજમાં આવ્યો હતો. અને તેને એ જ શહેરમાં એડમીશન મળ્યું હતું જયાં આકાશ રહેતો હતો. નાના હતા ત્યારે અનંત અને આકાશનો પુત્ર ધવલ બંને સાથે રમ્યા હતા.પણ એ તો શૈશવની વાત. હવે તો વરસોથી એકમેકને જોયા પણ નહોતા..અને એવી કોઇ યાદ પણ નહોતી.

અરમાન દીકરાને હોસ્ટેલમાં મૂકવા શહેરમાં ગયો ત્યારે તેને ભાઇની યાદ તો અચૂક આવી. મળવાનું મન પણ થઇ આવ્યું.કેટલા વરસોથી ભાઇને જોયો નથી..! મનમાં શૈશવના કેટલાયે મીઠા સ્મરણો ઝબકી રહ્યા. હવે ઉમર થતા મેચ્યોરીટી આવી હતી..કેવી ક્ષુલ્લક વાતે બંને ભાઇઓ છૂટા પડી ગયા હતા..એનું ભાન થયું. દીકરાને હોસ્ટેલમાં મૂકીને પાછા ફરતી વખતે ભાઇના ઘર તરફ પગ વળ્યા તો ખરા..પણ અંદર જવાની હિમત ન ચાલી..ભાઇ એમ જ વિચારશે કે હવે દીકરાને આ શહેરમાં ભણવા મૂકયો છે..એટલે ગરજ પડી..તેથી મળવા આવ્યો.બાકી અત્યાર સુધી કોઇ દિવસ એક ફોન પણ કર્યો ? પોતે આકાશથી મોટો હતો..પણ નાનાભાઇના કયારેય સમાચાર પણ નહોતા પૂછયા..હવે આજે શું મોઢું લઇને મળવા જાય ?

અને તેથી ઇચ્છા છતાં ભાઇને મળ્યા સિવાય જ પાછો ફરી ગયો. દીકરાને શહેરમાં ભણવા મૂકયો એટલે કોલેજના અને હોસ્ટેલના ખર્ચા કાઢવામાં તકલીફ તો પડતી હતી . કલાર્કની સામાન્ય નોકરીમાં બે છેડા ભેગા કરવા સહેલા તો નહોતા જ..પાછળ બીજો દીકરો પણ તૈયાર જ હતો. બે વરસ પછી તેને પણ ભણવા તો મોકલવો જ પડશે ને ? બંને દીકરાઓ ખર્ચો કાઢતા નાકે દમ આવી જવાનો છે એ વાતથી તે અજાણ થોડો જ હોઇ શકે ? પણ સંતાનના ભાવિનો સવાલ હોય ત્યારે એ બધું તો કર્યે જ છૂટકોને ? સારા ભવિષ્યની આશાએ..કાલની આશાએ માનવી દોડતો રહે છે. એ ન્યાયે અરમાન પણ દોડતો હતો.
જોકે નાનાભાઇ..આકાશને સારી નોકરી હતી. આર્થિક રીતે તે સધ્ધર હતો અરમાનને મનમાં ઘણી વખત અફસોસ થતો કે કાશ ! ભાઇ સાથે બગાડયું ન હોત તો આજે સંબંધો કામ લાગત.. હવે તો તેની પત્નીને પણ એ સમજ આવી હતી..પરંતુ એ બધું “ જબ ચિડિયા ચુગ ગઇ ખેત “ પછીના પસ્તાવા જેવું હતું. જીવનના કેટલાક સત્યો સમજાય ત્યારે બહું મોડું થઇ જતું હોય છે.

પણ તેના પરમ આશ્ર્વર્ય વચ્ચે બે મહિના પછી અચાનક તેના પુત્રનો ફોન આવ્યો.

‘ પપ્પા મારે ખાસ કામ છે. કોલેજમાં તમને બોલાવ્યા છે. એક દિવસ માટે પણ આવી જાવ..’ અરમાન ગભરાયો.. શું થયું હશે ?

‘ બેટા..કંઇ ચિંતા જેવું તો નથીને ? પૈસાની કોઇ જરૂર છે ? તો એ પ્રમાણે લેતો આવું..

‘ ના..પપ્પા પૈસાની તો હમણાં જરૂર નથી. હા. થોડી મીઠાઇ જરૂર લેતા આવજો.. થોડી નહીં ..ઝાઝી બધી..અહીં હોસ્ટેલમાં કંઇ એકલા એકલા ન ખાઇ શકાય.. અને હા..મમ્મીની હાથની સુખડી તો ભૂલતા જ નહીં.. મને બહું યાદ આવે છે. તમને તેડવા હું સ્ટેશને આવીશ.. ‘ છોકરાને ઘર યાદ આવ્યું લાગે છે..હજુ નવુંસવું છે ને ? ઘરથી પહેલેવાર દૂર ગયો છે..યાદ તો આવે જ ને ?

સુખડી અને મીઠાઇ લઇ તે શહેરમાં પહોંચ્યો. બસમાંથી ઉતરતા જ દીકરો
દેખાયો.

‘ બેટા, તેં ધક્કો ન ખાધો હોત તો પણ ચાલત. હોસ્ટેલ તો મારી જોયેલી જ છે ને ? હું પહોંચી જાત.
‘ પપ્પા, મેં હવે હોસ્ટેલ બદલાવી છે.. એટલે જ લેવા આવ્યો.’
.
‘ હોસ્ટેલ બદલાવી ? પણ કેમ ? કોઇ પ્રોબ્લેમ હતો ?

‘ હા..પપ્પા બધું નિરાંતે કહું છું.. પહેલા પહોંચવા તો દો..’

અને થોડીવારમાં રીક્ષા સાગરના ઘર પાસે આવીને ઉભી..

‘ અનંત, આ આપણે કયાં આવ્યા ?

‘ કયાં શું ? મારા કાકાને ઘેર..જુઓ આ ઉભા કાકા..તમારી રાહ જોતા..

અરમાનની નજર સામે ગઇ..દરવાજા પાસે જ આકાશ ઉભો હતો..કદાચ તેની પ્રતીક્ષામાં જ..
અરમાનને કશું સમજાયું ખચકાતે પગલે તે આગળ વધ્યો.. ત્યાં આકાશ નજીક આવ્યો અને ભાઇને ભેટી પડયો..

શું બોલવું તે ઘડીભર કોઇને સમજાયું નહીં.. બંનેના અંતર ભીના ભીના..
બંને અંદર ગયા..ત્યાં આકાશની પત્ની આવીને તેને પગે લાગી ..ત્યારે તેને આશીર્વાદ આપતા તો અરમાનની આંખો ધોધમાર વરસી પડી.

‘ ભાઇ, આપણે આપણા છોકરાઓને વારસામાં આપણા અબોલા નથી આપવા.. આપણા બે વચ્ચે જે થયું તે આ દીકરાઓનો એમાં કોઇ વાંક નથી. અને મારું ઘર ગામમાં હોય ને અનંત હોસ્ટેલમાં રહે..? હું એવો બધો ખરાબ છું કે તું દીકરાને હોસ્ટેલમાં મૂકીને ચૂપચાપ ચાલ્યો ગયો ? મને તો પાછળથી ખબર પડી..ને દીકરાને હું ઘેર લઇ આવ્યો..
બંને ભાઇ ફરી એકવાર ભેટીને રડી ઉઠયા.. આનંદના આંસુથી ઘર છલકાઇ રહ્યું.

પપ્પા.. મમ્મીના હાથની સુખડી કાકી યાદ કરતા હતા.. તમે લાવ્યા છો ને ? અને મારા ભાઇ ધવલને મીઠાઇ બહું ભાવે છે.. આકાશના દીકરાને બતાવતા અનંત બોલ્યો..

અરમાને જલદી જલદી મીઠાઇનું બોક્ષ અને સુખડીનો ડબ્બો આગળ કર્યા.. એ મીઠાશમાં વરસોની કટુતા ધોવાઇ ચૂકી હતી..અરમાન ભાઇના દીકરા ધવલને ભેટી રહ્યો.

અને ફરી એકવાર સંબંધો પાંગરી ઉઠયા. સમજણના સેતુમાં સઘળી ગિલા શિકવા અદ્ર્શ્ય બની રહી.. અને ડાંગે માર્યા પાણી જુદા ન પડયા.. લોહીનો સાદ આને જ કહેતા હશે ?

શીર્ષક પંક્તિ..જગદીપ નાણાવટી..
( સ્ત્રીમાં પ્રકાશિત થતી નિયમિત કોલમ )