ગોપાલ એટલે નખશિખ પ્રામાણિક, આર્થિક રીતે ગરીબ પરંતુ અંતરની અમીરાત પૂરેપૂરી. ઘરના સંજોગોને લીધે ગોપાલ આઠ ચોપડીથી આગળ ભણી શકયો નહોતો. અને આઠ ચોપડી ભણેલી વ્યક્તિને આ જમાનામાં આમ તો નોકરી કયાંથી મળવાની હતી ? પરંતુ નસીબ થોડા સારા કે બહુ રઝળપાટ પછી એક ઓફિસમાં પટાવાળાની નોકરી મળી ગઇ. અને ગોપાલનું ગાડું ગબડવા લાગ્યું. પછી તો લગ્ન પણ કર્યા અને એક દીકરી પણ આવી. પત્ની શાંત, સુશીલ અને કરકસર વાળી હતી. તેથી મહિનો નીકળી રહેતો અને કદી ભૂખ્યા ન સૂવું પડતું એનો સંતોષ હતો.એક જ દીકરી હોવા છતાં ગોપાલે દીકરાની આશા નહોતી રાખી. બે સંતાનનો ખર્ચો પોતાને પોસાય તેમ નથી..એવી સમજણથી ગોપાલે એક દીકરીમાં જ સંતોષ માન્યો હતો. આમ ગોપાલ સુખી હતો. જરૂરિયાતો બને તેટલી ઓછી જ રાખી હતી.વહાલસોયી પત્ની અને મીઠડી દીકરી સાથે ગોપાલ ખુશ હતો.

પણ એ ચપટી અમથું સુખ પણ અચાનક છિનવાઇ ગયું. તે જયાં નોકરી કરતો હતો તે શેઠને હમેશ માટે પરદેશ જવાનું થતાં ઓફિસના બધા માણસોને તેણે છૂટા કર્યા. ગોપાલને તો ઉપર આભ અને નીચે ધરતી… કોઇ આશરો ન રહ્યો. શું કરવું ? કેમ કરવું ? થોડો સમય તો કશું સૂઝયું નહીં. પણ હિમત હાર્યે કંઇ વળે તેમ નહોતું. ત્રણ જણાના પેટનો ખાડો તો પૂર્યે જ છૂટકો હતો ને ? થોડા દિવસ નોકરી માટે ફાંફા મારી જોયા. પણ કોઇ મેળ પડયો નહીં. અંતે નોકરીનો મોહ મૂકી તેણે કંઇક ધંધો કરવાનું નક્કી કર્યું

. પણ એક તો મૂડી નહીં..અને કોઇ અનુભવ નહીં.. શેનો ધંધો કરવો..એ સમજાયું નહીં. ઘણી ગડમથલ પછી તેણે રેકડી કાઢવાનું નક્કી કર્યું. કેળાની રેકડી લઇ તે બજારમાં ઉભતો થયો. એમાં મૂડીરોકાણ પણ ખાસ કંઇ નહોતું. અને ધીમે ધીમે ઘરખર્ચ જેટલું નીકળવા લાગ્યું. બધા ફ્રુટવાળાઓની સાથે તે પણ એક મોટા મંદિરની બાજુમાં ઉભો રહેતો. ઓછા નફે બહોળૉ વેપાર કરવાની વૃતિને લીધે તેને સારો એવો વકરો થવા લાગ્યો. આમ પણ તે વહેલી સવારે છેક માર્કેટમાં જઇને હરરાજી માંથી સીધા કેળા લઇ આવતો. તેથી તેને સસ્તા પડતા. અને બીજા કોઇ મોંઘા ફળોની સરખામણીમાં કેળા વધારે વેચાતા. સોમવારે તો સારો એવો વકરો થતો. દર્શનાર્થીઓ મંદિરમાં પ્રસાદ ધરાવવા માટે મોટે ભાગે કેળા ખરીદતા.

બીજા પણ ઘણાં ફ્રુટવાળાઓ ત્યાં ઉભતા હતા. એમાં એક ગંગા પણ હતી. ગંગા તેના નાના દીકરાને લઇને આવતી. ગોપાલના અહીં આવવાથી ગંગાની કમાણીમાં સારો એવો ફટકો પડયો. કેમકે તે કંઇ બહું દૂર જઇને સીધા હરાજીમાંથી કેળા લાવી શકતી નહીં. પરિણામે તેને ગોપાલના ભાવે કેળા વેચવા પરવડતા નહીં. ગંગાને ગોપાલ ઉપર ગુસ્સો આવતો તેને લીધે પોતાની કમાણી ઉપર અસર પડી હતી. પણ શું કરે તે ? કોઇને ના થોડી પાડી શકાય છે ? મનોમન તે મૂંઝાતી રહેતી.

એક દિવસ ગંગા કોઇ સાથે વાત કરી રહી હતી. તેનો પતિ બીમાર હતો. અને ઘરની બધી જવાબદારી તેની એકલી પર આવી પડી હતી. આ નવા ફ્રુટવાળાને લીધે તેની કમાણીમાં કેવો ફટકો પડયો હતો. અને પતિ માટે દવા લાવવાના પૈસા પણ નહોતા રહેતા એવી બધી પોતાની મુશ્કેલીની વાત કરતી હતી. ગોપાલ બહું દૂર નહોતો. તેણે ગંગાની બધી વાત સાંભળી. તે વિચારમાં પડી ગયો. પોતાને લીધે કોઇને નુક્શાન થાય તે એને ગમ્યું નહીં. ગરીબી તેણે પણ કયાં ઓછી જોઇ હતી ? આમ પણ પહેલેથી જ તેનો સ્વભાવ બીજાની તકલીફમાં ભાગ લેવાનો હતો. શકય તે રીતે અન્યને મદદ કરવી જોઇએ એ તેના પિતાનો ગુણ તેને વારસામાં મળ્યો હતો. એક બટકામાંથી પણ બટકું આપતા તે શીખ્યો હતો.

તે ગંગા પાસે ગયો.

‘ બહેન, મેં ભૂલથી તમારી વાત સાંભળી છે. મને ખબર નહોતી કે તમે ઘણાં સમયથી અહીં કેળા લઇને ઉભો છો મારા આવવાથી તમને નુક્શાન થયું છે. હું પણ ગરીબ માણસ છું. બીજી કોઇ રીતે તો તમને મદદ કરી શકું તેમ નથી. પણ આવતીકાલથી હું કેળાને બદલે બીજું કોઇ ફ્રુટ વેચીશ. જેથી તમને મારે લીધે કોઇ નુક્શાન ન જાય.

‘ ના..ભાઇ, એ તો એમ જ મારાથી બોલાઇ ગયું હતું. સૌ કોઇ પોતપોતાના નસીબનું ખાય છે. મારા નસીબમાં હશે એટલું મને પણ મળી જ રહેશે. ‘

ગોપાલની ઉદારતાથી ગંગા ખુશ થઇ હતી. આવા ભલા માણસો આજકાલ જોવા જ કયાં મળતા હતા ? અહીં તો ગળાકાપ હરિફાઇ ચાલતી રહેતી. એમાં ગોપાલ જેવો માણસ તો શોધ્યો પણ કયાં જડવાનો હતો ? કોઇ પોતા માટે આટલું વિચારે, બોલે એ પણ કયાં ઓછું હતું ?

પણ ગોપાલે તો મનોમન નકી કરી લીધું હતું. પોતે આ ગરીબ બાઇની આડે નહીં જ આવે. બે દિવસ પછી ગોપાલ કેળાને બદલે રેકડીમાં બીજા બધા ફળો લઇને ઉભો હતો. કોઇ કેળા માગવા આવે તો તે ગંગાની રેકડી તરફ આંગળી ચીંધી દેતો.ગંગા ગોપાલ સામે ભીની આંખે જોઇ રહેતી. તેના અંતરમાંથી મનોમન દુવા સરી રહેતી.

જીવનમાં દરેક વખતે મદદ કંઇ ફકત પૈસાથી જ થાય છે એવું થોડું જ છે ?

( સ્ત્રીમાં નિયમિત પ્રગટ થતી કોલમ )