“ બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત, બગડેલા સંબંધનું શું ?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું. “
વૃક્ષની કોઇ શાખા બટકી જાય તો આપણે આસાનીથી તોડી શકીએ છીએ. કાપી શકીએ છીએ. પરંતુ જીવનમાં કોઇ સંબંધ કયારેક વણસી જાય તો એવી આસાનીથી તોડી શકાય ખરા ? મિત્રો સાથેના કદાચ તોડી નાખીએ..પરંતુ લોહીના સંબન્ધો એમ સહેલાઇથી તોડી શકાતા નથી. ત્યાં તો સમાધાન કે જતું કરવાની વૃતિ જ રાખવી રહી. અને આમ પણ સંબન્ધો બન્ધાય ત્યારે કયારેક અન્દરથી ન સ્પર્શે એવું પણ બની શકે પરંતુ સંબન્ધો તૂટે ત્યારે મનમાં એક ફાંસની જેમ જરૂર ખટકે છે. સંબન્ધો જાળવી રાખવા એ પણ એક કલા છે. કદાચ ખૂબ અઘરી કલા. એ કલાને આત્મસાત કરી શકાય તો જીવનમાં આવતા અનેક પ્રશ્નો ઉકેલી શકાય.
આજે અહીં એક સાવ અલગ પરંતુ હમણાં જ બનેલી સાચી વાત કરવી છે.
ગિરાબેન હમણાં પુત્રને ત્યાં અમેરિકા આવ્યા હતા. પતિનો સાથ જીવનના અડધે રસ્તે જ છૂટી ગયો હતો. એક અકસ્માતે કાળે તેમને છિનવી લીધા હતા. અને ગિરાબહેને પાંચ વરસના પુત્રને ઉછેરવામાં આયખાના દિવસો પસાર કરતા હતા. પોતે પહેલેથી નોકરી કરતા હતા. તેથી પૈસાની કોઇ બહુ મોટી મુશ્કેલી ઉભી નહોતી થઇ. નોકરી, ઘર અને પુત્ર, અંગદ પાછળ દિવસો દોડતા રહ્યા હતાં.
અંગદનું ભણવાનું પૂરું થયું અને તે નોકરીએ લાગ્યો ત્યારે ગિરાબહેને પુત્ર માટે છોકરીઓ જોવાની શરૂ કરી. અને શ્રુતિ પર માતા અને પુત્ર બંનેની નજર ઠરી હતી. પુત્રને પરણાવી પોતાની બધી જવાબદારી પૂર્ણ કર્યાનો સંતોષ ગિરાબહેન માણી રહ્યા. વહુ પણ સમજદાર આવી હતી. તેથી કોઇ પ્રશ્નો ઉભા ન થયા. તેમની નોકરી હજુ ચાલુ જ હતી. રીટાયર થવાને હજુ પાંચ વરસની વાર હતી. દીકરો , વહુ તો હવે નોકરી છોડી દેવા માટે કહેતા હતા. પરંતુ ગિરાબહેન માનતા નહોતા. ઘેર બેસીને શું કરું ? પાંચ વરસ પછી તો છોડવાની જ છે ને ? થાય ત્યાં સુધી કરીશ.
એવામાં અંગદને તેની કંપની કોઇ પ્રોજેકટ માટે ત્રણ વરસ પત્ની સાથે અમેરિકા મોકલતી હતી. અંગદ એક અવઢવમાં હતો. શું કરવું ? મમ્મીને એકલા મૂકીને જવા મન માનતુ નહોતું. અને આવી સરસ તક કંઇ જીવનમાં વારંવાર મળતી નથી.
ગિરાબહેનને ખબર પડતાં તેમણે હસીને તેમને જવાની હા પાડી. પુત્રનું ભવિષ્ય બનતું હોય તો પોતે વચ્ચે કેમ આવે ? દીકરો , વહુ કચવાયા તો ખરા. પહેલાં તો શ્રુતિ અને અંગદે નક્કી કર્યું કે અંગદ ભલે જાય અને શ્રુતિ અહીં જ રહે. વચ્ચે થોડો સમય અમેરિકા આવશે અને પછી અહીં મમ્મી સાથે જ રહેશે. સંબન્ધોની ગાંઠ મજબૂત હતી. મા દીકરાના ભવિષ્યનું વિચારતી હતી અને દીકરો, વહુ માની એકલતાનું વિચારતા હતાં. વરસોથી જે માએ ફકત પુત્રના ભવિષ્યનો જ વિચાર કર્યો છે તેને હવે એકલી મૂકીને ફકત પોતાના ભવિષ્યનો જ વિચાર કરી સ્વાર્થી કેમ બની શકાય ? અને ભવિષ્ય કંઇ અમેરિકા જવાય તો જ બને છે એવું થોડું છે ? અને અંગદે અમેરિકા જવાનું માંડી વાળ્યું. શ્રુતિ પણ પતિની આ ભાવના સાથે સહમત થઇ. સન્યુકત કુટુંબમાંથી આવેલ શ્રુતિ સંબન્ધોના મૂલ્યને ઓળખતી હતી.
ગિરાબહેનને અંગદના આ નિર્ણયની જાણ થતાં તેમણે જોરદાર વિરોધ કર્યો. અને પોતાને તો અહીં નોકરી છે..મિત્રો છે. અને વેકેશનમાં પોતે પણ અમેરિકા ફરવા આવશે. જરૂર પડશે તો બે મહિનાની વધારે રજા લ ઇ લેશે. મને પણ અમેરિકા જોવા મળશે. આમ અનેક દલીલો કરી ગિરાબહેને દીકરા, વહુને સાથે જ મોકલ્યા.
માતાને સંભાળ રાખવાનું કહી અંતે થોડા કચવાતા હૈયે બંને પ્લેનમાં બેઠા. થોડા દિવસો તો ગિરાબહેનને એકલું એકલું લાગ્યું. પરંતુ પછી નોકરીને લીધે બહું વાંધો ન આવ્યો મન સાથે સમાધાન કરી લીધું હોવાથી કોઇ તકલીફ ન પડી. અને ફોન પર દીકરા, વહુ સાથે વાતો થતી રહેતી.
આમ સમય પસાર થતો રહ્યો. હવે ગિરાબહેનને ઉનાળાની લાંબી રજાઓ સ્કૂલમાં પડી હતી. પુત્રના આગ્રહથી બીજા બે મહિનાની રજા વધારે લઇ લીધી. આમ પણ વીઝીટર વીઝા પર છ મહિનાથી વધારે તો રહી શકાય તેમ પણ કયાં હતું ? અંગદે ટિકિટ મોકલી આપી હતી. અને ગિરાબહેન અમેરિકા પહોંચ્યા. માને જોઇ દીકરો વહુ ખુશખુશાલ થયા. શ્રુતિને પણ ત્યાં નોકરી મળી ગઇ હતી. થોડા દિવસોની રજા બંનેએ લીધી હતી. ગિરાબહેનને ફેરવ્યા. ત્રણે એ સાથે ખૂબ મજા કરી.
પરંતુ વધારે રજા મળવી મુશ્કેલ હતી. ગિરાબહેન હવે સેટ થઇ ગયા હતા. તેથી બંને પાછા નોકરીએ ચડયા.
આ શનિ,રવિ, શ્રુતિના એક કાકા જે અમેરિકામાં જ વરસોથી રહેતા હતા તે તેમને ઘેર બે દિવસ માટે આવ્યા. કાકા વિધુર હતા. અને તેમનો પોતાનો સ્ટોર હતો. કાકાને એક પુત્રી જ હતી. જેના લગ્ન થઇ ગયા હતા. કાકા લગભગ ગિરાબહેનની ઉમરના જ હતા. કાકા ખૂબ રમૂજી સ્વભાવના હતા. ગિરાબહેન સાથે પણ તુરત મીક્ષ થ ઇ ગયા. ગિરાબહેનને પણ કાકા સાથે મજા આવી.
બે દિવસ રહીને કાકા તો ગયા. પર્ંતુ શ્રુતિના મનમાં અચાનક એક વિચાર આવ્યો. કાકા પણ એકલા છે અને મમ્મી પણ…તો.. જરા ડર તો લાગ્યો. છતાં અચકાતા અચકાત તેણે પોતાનો વિચાર અંગદને કહ્યો. ’ તારી વાત કંઇ ખોટી નથી. પણ મમ્મી આટલા વરસે માનશે ? ‘ એ તો ખબર નથી. પરંતુ સમય પ્રમાણે હવે આપણે બદલાઇને નવા વિચાર મુજવ જીવતા શીખીએ તો એમાં ખોટું નથી જ. મમ્મી ભલે કશું બોલે નહીં. પરંતુ કયારેક તો તેમને એકલતા જરૂર લાગતી હશે. અને દરેક વ્યક્તિને સુખી થવાનો પૂરો હક્ક છે જ. સમાજની પરવા કર્યા સિવાય. અને કાકાને તો આપણે ઓળખીએ છીએ.મમ્મીને દુ:ખી થવાનો કોઇ પ્રશ્ન જ નથી. આમ પણ આપણે કદાચ હમેશ માટે અહીં રહેવું પડે એવા સંજોગો ઉભા થયા જ છે. તો મમ્મી ત્યાં એકલા રહે તે કરતાં….અને આમ પણ જીવનમાં કંઇ ફકત શારીરિક જરૂરિયાતો જ થોડી હોય છે ? એ સિવાય પણ બીજી અનેક જરૂરિયાતો કયાં ઓછી હોય છે ? ’ અને પછી તો ઘણી દલીલો થઇ.
મમ્મીને સમજાવવાનું..મનાવવાનું કામ સહેલું તો નહોતું જ.શરૂઆતમાં તો ગિરાબહેન આ વાત સાંભળીને ખૂબ ભડકયા..ફાવે તેમ પુત્રને બોલ્યા પણ ખરા…તને હું ભારે પડું છું ? શરમ નથી આવતી આવી વાત આ ઉમરે કરતાં ? ‘ પરંતુ તેમની દરેક આવતના જવાબ પુત્ર પાસે હતા. થોડા દિવસો સતત સમજાવટ ચાલી. દીકરા, વહુની ભાવનામાં કોઇ ખોટ નહોતી જ અને તેથી જ કદાચ ગિરાબહેનને સ્પર્શી ગઇ. અને અંતે એક દિવસ ગિરાબહેન કોર્ટ મેરેજ કરી કાકાને ત્યાં આવ્યા. ત્યારે બધાની આંખો છલકતી હતી. કાકાના દીકરી, જમાઇ પણ ખુશખુશાલ થયા. તેમને પણ હવે પપ્પાની ચિંતા કરવાની જરૂર નહોતી રહી.
આજે તો આ વાતને પાંચ વરસો વીતી ગયા છે. બધા ખુશ છે. એક નવી દિશા ઉઘડી છે. સમય અનુસાર જૂની માન્યતાઓના કોચલામાંથી બહાર આવવું જોઇએ એવું નથી લાગતું ? અને આ કિસ્સામાં એક વહુએ સાસુ માટે આવો વિચાર કર્યો અને અમલમાં મૂકયો એ મોટી વાત નથી ?
જીવનમાં એક નવા…સુવાસિત સંબંધોની શરૂઆત કરવા માટે કયારેય મોડું નથી થયું હોતું. સંબંધોના નવા નવા સેતુ આ રીતે રચાતા રહેવા જ જોઇએ…એ આજના સમયમાં યોગ્ય નથી ?
(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ ..શીર્ષક પંક્તિ..ડો. વિવેક ટેલર. )