અત્તરગલી.28..

  આજનો દિવસ રળિયામણો.. .

દોસ્તો, આપણે સૌએ પોતપોતાની રીતે વરસ 2012 ને અલવિદા કરી દીધું અને નવા વરસને  આનંદ અને ઉત્સાહથી વધાવી લીધું છે.  સ્વજનો, મિત્રોને ફોન, ઇ મેલ, એસ.એમ.એસ. કે કાર્ડ થી નવા વરસની શુભેચ્છાઓ પાઠવી દીધી. રાત્રે બાર વાગ્યા સુધી ધમાલ, મોજ મસ્તી કરી, ફટાકડાઓ ફોડી, એકબીજને હરખભેર ભેટીને નવા વરસને આનંદ અને ઉત્સાહથી આવકાર્યું. અને અંતે થાકીને ઉંઘરેટી  આંખોમાં આવતી કાલના શમણાં સાથે આપણે સૌ ફરી એકવાર નિદ્રાદેવીની  આગોશમાં  લપાઇ ગયા.

પણ પછી આગળ શું ?  

પછી નવા વરસની  સવારે આંખ ખૂલી  ત્યારે ? આકાશમાં નવો સૂરજ ઊગ્યો જણાયો  ? વૃક્ષો નવી રીતે ઝૂમતા દેખાયા  ? પંખીઓ કંઇક અલગ રીતે ચહેકતા અનુભવાયા  ? આસમાનનો  રંગ બદલાઇ ગયો  ?   બધું નવું  લાગ્યું  ? ના.. એ સઘળુ એ જ હોય. .. એ જ સૂરજ એ જ દિશાથી ઊગીને એ જ  રીતે   આથમ્યો. . વૃક્ષો એ જ રીતે ઝૂમ્યા હશે.  પંખીઓ એ જ રીતે ટહુકયા. જો  કંઇ પણ  નવું  તો જ લાગી શકે જો  આપણી  દ્રષ્ટિ બદલાઇ હશે. નવું ભીતરમાં ઉગી શકે તો સૃશ્ટિ  નવી બને..બદલવી જોઇએ આપણી દ્રષ્ટિ.. બદલવું જોઇએ આપણું પોતાનું મન. બદલવા  જોઇએ આપણા વિચારો..

  જીવનમાં કંઇ રોજ રોજ મોટી વાતો મોટા પ્રસંગો બનતા નથી હોતા…એથી જ નાની નાની વાતનું મૂલ્ય વધારે ન કહેવાય ? મોટા પ્રસંગો તો મહેમાન જેવા..કવચિત આવે અને ચાલ્યા જાય..નાની નાની વાત તો હમેશની સાથીદાર. દરેક વ્યક્તિ કંઇ વિશ્વને અજવાળી ન શકે..પરંતુ ધારે તો  એક નાનું શું કોડિયું તો અવશ્ય બની શકે.

તાજેતરમાં  બનેલો એક પ્રસંગ યાદ આવે છે. 

ગયા મહિને મારી મિત્ર  પરિનિ  મળવા આવી હતી.  મોડેલીંગની દુનિયામાં  પ્રવેશવા તે થનગનતી હતી. સામાન્ય રીતે તે હમેશા હસતી અને હસાવતી જ જોવા મળે. પરંતુ સદાની હસમુખી એવી પરિની આજે મુડમાં નહોતી..આવી ત્યારે ખાસ્સી ગુસ્સામાં હતી. મને કહે,

 કેટલી હોંશથી  અલગ અલગ  સ્ટાઇલમાં ફોટા પડાવ્યા હતા…પોર્ટફોલિયો બનાવીને મોકલવાનો હતો. પણ ફોટા જોને જરા પણ સારા ન આવ્યા. મારો તો મુડ ચોપટ થઇ ગયો. અરે,  સાચો અને સારો ફોટોગ્રાફર તો એને કહેવાય જે હકીકતે સુન્દર ન હોય તેને પણ સુન્દર બનાવી શકે. અહીં તો ઉલટી ગંગા વહી છે. હું  છું તેના કરતાં પણ આ ફોટામાં ખરાબ લાગું છું. મેં  તેને શાંત કરી. અને કહ્યું,’

અરે, હવે આ તો ડીજીટલનો જમાનો છે. ચાલ, હું તારી સાથે આવું.

 અમે બંને ફોટોગ્રાફરને ત્યાં પહોંચ્યા. અમારી જરૂરિયાત તેને સમજાવી. તેણે તુરત  હસીને કહ્યું.

‘ બેન..તમે મૂંઝાવ નહીં. મને ખબર નહોતી કે તમારે શું જોઇએ છે. હવે જુઓ ટેકનોલોજીની કમાલ..ને મારી ધમાલ..  હમણાં એડીટીંગ કરીને સરસ કરી આપીશ. બોલો..તમારે કેવા ફોટા જોઇએ ? ફૉટાને એડીટ કરતાં વાર કેટલી ? અરે, જીન્સ પહેરેલ ફોટાને સાડી પણ પહેરાવી આપીએ..અને ધોતિયાને જગ્યાએ  સરસ મજાનો સૂટ પણ આવી જાય. ‘

અને બે ચાર દિવસમાં જ બધા ફોટા એડીટ થઇને આવી ગયા. પરિનિ ખુશખુશાલ. ટેકનોલોજીની આ કમાલ પર તે આફરીન…આફરીન… તેણે ઇચ્છેલું  તે મુજબનો પોર્ટફોલિયો બની જતાં તેણે રાહતનો શ્વાસ લીધો. 

પરિનિનું કામ  થઇ ગયું.

માનવજીવનને પણ બગડેલા ફોટાની માફક  આસાનીથી એડીટ કરી શકાતું  હોત તો…? એવી કોઇ ટેકનોલોજી શોધી શકાય તો ? જોકે એવી ટેકનોલોજી છે જ. એ ટેકનોલોજી  છે માનવમનની..મનના આગ્રહો, પૂર્વગ્રહોને છોડવાની..જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવવાની. મનમાંથી નકારાત્મક વાતને દેશવટો દેવાની…આ નવા વરસમાં મનની  નવી ટેકનોલોજી અપનાવીશું ?  

 બગડેલ ફોટાની માફક બગડેલ સંબન્ધો.. કે બગડેલું જીવન  પણ જરૂર એડીટ થઇ શકે. અને આપણો  જીવન પોર્ટફોલિયો શોભી રહે. અને કમાલની વાત તો એ છે કે આ ટેકનોલોજીના સંચાલક તો આપણે પોતે જ…હા, તેનું સંચાલન થોડું  અઘરું  અને કદાચ થોડું અણગમતું પણ ખરું.  પરંતુ  માનવ જેવા માનવ છીએ..ઇશ્વરનું પરમ ઘડતર….અઘરી વસ્તુથી હારી  કે ડરી થોડા જઇએ ? અઘરી વસ્તુ તો આપણને ચેલેન્જ આપે. પડકાર ફેંકે… અને એકવાર મનનું સંચાલન આવડી ગયું, મનની ટેકનોલોજી સમજાઇ ગઇ તો પછી તો આપણા ભાગ્યવિધાતા  આપણે જ..

આ નવા વરસમાં આપણા ફોટા…આપણી જાત… આપણે જ એડીટ કરીશું ને ? આપણો જીવન પોર્ટફોલિયો શોભાવીશું ને ?  

નવું નવું ચાલતા શીખેલું બાળક જયારે પહેલું પગલું ભરે છે ત્યારે માતાપિતાની આંખો ખુશીથી કેવી ચમકી ઉઠે છે ! આપણે પણ પરમ પિતા પરમાત્માનું અણમોલ સર્જન છીએ..પરમનો એક નાનકડો અંશ છીએ.. સારા બનવાની દિશામાં એક પગલું ભરીશું તો આપણા સર્જનહારની આંખ પણ  એકાદ ક્ષણ ખુશીથી અવશ્ય છલકી ઉઠશે. બાળકને કયાંય પહોંચવાની ઉતાવળ નથી હોતી એને તો હોય છે ફકત ચાલવાનો આનંદ.. નિર્ભેળ આનંદ.. એવો આનંદ આપણે માણી શકીશું ?  મનની અનંત ઇચ્છાઓને સંતોષવા  આંખો મીંચીને સતત દોડતા રહેવાને બદલે કદીક નિરાંતવા જીવે ચાલવાના આનંદનો અનુભવ કરવા જેવો છે.  

રોજ સવારે એક જ સૂરજ..એક જ દિશામાં  ઊગે છે. પણ એ સવારને નવીન અને સુંદર બનાવી શકવાની ક્ષમતા આપણા સૌમાં છે જ. એ સવારને સ્મિત સાથે આવકારી એને રળિયામણી બનાવીશુંને ?  

દોસ્તો, આ નવા વરસને સાચા અર્થમાં નવું બનાવીશું ? સારા છીએ તો વધારે સારા બનવા તરફ એક ડગ આગળ ભરીશું ? 

( ગુજરાત ગ્લોબલ ન્યુઝમાં પ્રકાશિત થતી કોલમ અત્તરગલી )

http://www.globalgujaratnews.com/article/nilam-doshi-article-about-new-year/