બલિદાન

બલિદાન..

બહેન,તમારા જોડિયા બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે.પણ કમનસીબે અમે બેમાંથી એકને જ બચાવી શકીએ તેમ છે.દીકરાને જ બચાવીએ ને?

ડોકટરે ફોરમાલિટી ખાતર પૂછયું.   જવાબની  તેમને  જાણ હતી જ.

સરિતાની નજર સામે સાસુ અને પતિની લાલઘૂમ આંખો તરવરી રહી. પણ બીજી ક્ષણે તે બોલી ઉઠી.

ડોકટર,જો એવું જ હોય તો દીકરીને જ બચાવશો.સદીઓથી દીકરીઓ બલિદાન દેતી આવી છે.આજે એક દીકરો બલિદાન આપશે.

ડોકટરની વિસ્ફારિત આંખો સરિતાને તાકી રહી.

 

હેપી એનીવર્સરી…

 દિવ્ય  ભાસ્કરમાં પ્રકાશિત મારી માઈક્રોફીકશન વાર્તા

 

હેપી એનીવર્સરી

  

 પોતાની વીસમી એનીવર્સરી પર લગ્ન સમયનો ફોટો ફેસબુક પર  પોસ્ટ કરીને વૈશાલીએ લખ્યું,

મિત્રો,

અમારા વીસ વરસના સહિયારા સખ્યજીવનની સુખદ પળો આજે પણ    એવી જ મઘમઘતી રહી છે.  મધુર દાંપત્યજીવનની બે દાયકાની  મહેકતી  યાત્રાના મંગલ  દિવસે આપના  આશીર્વાદની આકાંક્ષા..

 લખાણ પૂરું કરીને  વૈશાલી એકીટશે ફોટાને નીરખી રહી. એક નિસાસો સરી પડયો. ત્યાં બહારથી આવેલા મંથનનો ઘાંટો  સંભળાયો.  ધ્રૂજી ઉઠેલી વૈશાલી ઝડપથી  ભીની આંખો લૂછી,ફોન બંધ કરીને  રસોડામાં ઘૂસી ગઈ.

ફોટા પર હેપી એનિવર્સરીની કોમેન્ટો  વરસતી રહી.