અત્તરગલી


તમે વ્હાલ ઘરની દીવાલમાં, અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણામાં મનાવીએ, હવે હેત-હૂંફનાં અવસરો,

યસ…માનવીએ જીવનમાં હેત, હૂંફના અવસરો શોધતા અને માણતા શીખવું જોઇએ. એવા અવસરો જીવનને વિવિધતા બક્ષે છે, ઉત્સાહ જાળવી રાખે છે અને જીવનને લીલુંછમ બનાવી રહે છે. જીવનમાં રોજ રોજ કોઇ મોટી વાત નથી બનતી હોતી. પરંતુ નાની નાની વાતમાંથી પણ ખુશી અવશ્ય મેળવી શકાય. છોડ ઉપર ખીલતા સુંદર ફૂલો, બગીચામાં રમતા નાના ભૂલકાઓ, સવારે ચાલવા જતી વખતે પંખીઓના ટહુકાઓ, કોઇ નાનકડું સુંદર મજાનું ચિત્ર….નભને ઝરૂખે રોજ સવાર સાંજ પ્રગટતી વિવિધ રંગલીલા કે અંધારી રાત્રિએ ટમટમતા તારલિયા…. ખુશ થવાના આવા તો અનેક કારણો આપણી આસપાસ પથરાયેલા હોય જ છે. જરૂર હોય છે એને જોતા શીખવાની… એને માણતા શીખવાની. વૃક્ષ પર ફૂટતી એક નાનકડી કૂંપળ પણ મનને રાજી કરી શકે.

માણસ એક કે બીજા કારણસર ભૌતિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહે છે. પરંતુ એ જ્યા જાય ત્યાં એના સંસ્કારો, એની આદતો, એના રીતિરિવાજો… બધું સાથે લઇ જાય છે. એ ઉપરથી બદલાય છે. પણ એનો માંહ્યલો… એનું ભીતર નથી બદલાતું.
રોજ સૂરજ તો એક જ ઉગે છે પણ છતાં દરેક સવાર અલગ હોય છે. અંધકારને હડસેલો મારી ને હળુ હળુ પગલે ક્ષિતિજે અજવાસના ટશિયા ફૂટે છે. એ અજવાસને રોજ નવા સ્મિત સાથે આવકારી આજે મળેલા એક વધુ દિવસને ઇશ્વરની સોગાદ માનીને શક્ય તેટલી સરસ રીતે પસાર કરવાનો સંકલ્પ કરી ભીતરને પણ એ અજવાસથી ભરી શકીએ તો ? રાત્રે સૂતા પછી આજે સવારે તમે જાગ્યા છો એ જ સૌથી મોટો ચમત્કાર નથી ? માણસ રાત્રે સૂએ છે ત્યારે સવારે ઉઠી જ શકશે… ફરીથી આ સુંદર દુનિયા જોઇ શકશે એવી કોઇ ખાત્રી હોઇ શકે ખરી ? અસંખ્ય લોકો રાત્રે સૂતા પછી સવારે હમેશ માટે જાગી શકતા નથી. જીવનમાં એવું બનતું રહે છે. એ આપણે સૌ જાણીએ છીએ. એટલે સૌ પ્રથમ તો આજે સવારે આપણે જાગી શકયા છીએ…. એક વધારે દિવસ આપણને મળ્યો છે. ઇશ્વરની એ કૃપાની પ્રસન્ન હૃદયે સ્વીકાર કરવો જોઇ એવું નથી લાગતું ? અને એકવાર દિલથી એનો સ્વીકાર થયા બાદ એ સવારને આપણે વેડફી શકીએ ખરા ? એ સવાર આપણા માટે નવી જ બનવી જ જોઇએ ને ?

આજે દુનિયા નાનકડી બની ગઇ છે. ગ્લોબલ બની ચૂકી છે. ત્યારે એક સંસ્કૃતિની અસર… બીજી સંસ્કૃતિ પર પડયા સિવાય કેમ રહી શકે? માણસ એક કે બીજા કારણસર ભૌતિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહે છે. પરંતુ એ જ્યા જાય ત્યાં એના સંસ્કારો, એની આદતો, એના રીતિરિવાજો… બધું સાથે લઇ જાય છે. એ ઉપરથી બદલાય છે. પણ એનો માંહ્યલો… એનું ભીતર નથી બદલાતું. હા.. બાહ્યાચાર જરૂર બદલાય છે. આજે આવા જ બે અલગ અલગ સાચુકલા કિસ્સા જોઇએ.

નીરવભાઇનો પુત્ર અમેરિકાથી સાત વરસે આવ્યો હતો. દીકરો ઘણાં સમય બાદ આવવાનો હતો તેથી નીરવભાઇએ દીકરા માટે કેક, બિસ્કીટ, મેગી, પીઝા, નુડલ્સ, કોલ્ડ્રીંક્સની બોટલો વિગેરે ખૂબ મગાવી રાખેલું કે હવે તો દીકરાને આવું બધું ખાવાની આદત હશે…અમારું દેશી ખાવાનું હવે તેને થોડું ભાવવાનું છે? એમ વિચારી તેમણે બધી તૈયારી હોંશથી કરી રાખી હતી.

“મમ્મી, આ શું? અમારે ત્યાં તો આવું ખાવું જ પડતું હોય છે, અહીં પણ આવું જ ખાવાનું? પુત્રની ફરિયાદ સાંભળીને નીરવભાઇ અને તેમના પત્ની તો ડઘાઇ જ ગયાં, ”મમ્મી, તારા હાથની સરસ મજાની ગોળપાપડી અને ચેવડો, સક્કરપારા અને ચકરી…હોં…..રોજ એક એક વસ્તુ ખવડાવીશને?
દીકરાએ તો આવીને કેક જોઇ અને કહ્યું, “મમ્મી, આ શું? અમારે ત્યાં તો આવું ખાવું જ પડતું હોય છે, અહીં પણ આવું જ ખાવાનું? પુત્રની ફરિયાદ સાંભળીને નીરવભાઇ અને તેમના પત્ની તો ડઘાઇ જ ગયાં, ”મમ્મી, તારા હાથની સરસ મજાની ગોળપાપડી અને ચેવડો, સક્કરપારા અને ચકરી…હોં…..રોજ એક એક વસ્તુ ખવડાવીશને?

નીરવભાઇ તો ખુશ થઇ ગયા, દીકરો હજુ જરા યે બદલાયો નથી. દીકરાએ તો નીચે બેસી બધા સાથે ગપાટા મારતા મારતા દાળભાતનાં સબડકા નિરાંતે બોલાવ્યા. એ પણ ચમચી એક બાજુ મૂકીને હાથેથી….

હાશ….! આજે સાચું જમ્યા એવું લાગ્યું.

આનાથી ઉલટા ઉદાહરણો પણ સમાજમાં જોવા મળતા જ રહે છે. બલ્કે આવા ઉદાહરણો કદાચ વધારે જોવા મળતા હશે.

“ઓહ…મમ્મા, કેવી ગરમી છે? સો હોટ…આમાં કઇ રીતે રહેવાય? અને ગંદકી તો જો…જ્યાં જોઇએ ત્યાં ધૂળ…નો મેનર્સ…ડર્ટી…સ્પુન વિના કેવી રીતે જમાય?“… અને એવું તો કેટલુંયે બબડતો રહ્યો. ફરિયાદ કરતો રહ્યો.
પરાગભાઇનો દીકરો બે વરસ અમેરિકા રહીને આવ્યો હતો….

“ઓહ…મમ્મા, કેવી ગરમી છે? સો હોટ…આમાં કઇ રીતે રહેવાય? અને ગંદકી તો જો…જ્યાં જોઇએ ત્યાં ધૂળ…નો મેનર્સ…ડર્ટી…સ્પુન વિના કેવી રીતે જમાય?“… અને એવું તો કેટલુંયે બબડતો રહ્યો. ફરિયાદ કરતો રહ્યો.

એની મમ્માને કહેવાનું મન તો જરૂરી થયું હશે કે બેટા, આ ધૂળમાં રમીને જ તું મોટો થયો છે. જીવનના ત્રીસ વરસ તે અહીં આ ગરમીમાં જ કાઢયા છે. પણ મા બોલતી નથી. દીકરો થોડા સમય માટે આવ્યો છે. શા માટે બોલવું?

પરંતુ દીકરાની છીછરી મનોવૃત્તિ દેખાઇ આવે છે. હા, હવે ગરમીની આદત ન રહી હોય કે ચોખ્ખાઇની આદત પડી ગઇ હોય તેથી કદાચ ગંદકી ખૂંચે એ સાચી વાત પણ તેથી જાણે આ બધું ક્યારેય જોયું જ ન હોય તેમ બધી વાતમાં ઉતારી જ પાડવાની મનોવૃત્તિને હું તો છીછરી જ ગણું. જે ધરતીમાં શ્વાસ લીધો છે, જન્મ્યા છીએ તેનો આદર ન કરી શકો તો અનાદર કરવાનો કોઇ હક્ક નથી બનતો.

દોસ્તો, આપણે ગમે ત્યાં રહીએ…હેત…હૂંફના અવસરો શોધતા ને માણતા આવડે તો જીવન સભર અને સાર્થક ચોક્કસ બની રહે.

 

અત્તરગલી..

 

અત્તરગલી..

                                                                              શબ્દકોષ તો આપણા સૌ પાસે છે ને ? 

તું જ છીણી, તું જ શિલ્પી , અને પથ્થર પણ તું..

ઘડી લે આકાર જીવનનો.. જેવો તું ચાહે તેવો તું..

માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. એમ આપણે સૌએ અનેક વાર વાંચ્યું હશે..સાંભળ્યું હશે.

પરંતુ કદી એ અનુભવ્યું  છે ખરું ? એ વાકયની સત્યતાની પ્રતીતિ કદી કરી છે ? આપણે તો કંઇ પણ આડું અવળું થાય તો નસીબને કે ઇશ્વરને દોષ દઇને બેસી જઇએ છીએ.. મારા નસીબ જ ફૂટેલા છે ત્યાં શું થાય ? પરંતુ દરેક વખતે શું ખરેખર નસીબનો જ વાંક હોય છે ? આપણો કોઇ વાંક..કોઇ ભૂલ નથી હોતી ?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પહેલા જાત સાથે સંવાદ કરવો પડે.  આપણી પોતાની ઉલટ તપાસ કરવી પડે. જે કદાચ અઘરી અને અણગમતી વાત છે. એવી બધી પળોજણ કરવાને બદલે સીધો અને સટ ઉપાય.. દોષનો ટોપલો સીધો નસીબ પર.. “ મારા  નસીબ જ ફૂટેલા છે ત્યાં શું થાય ? “

પણ એવું યે બની શકે કે આપણા હાથનું પાત્ર  જ કાણાવાળું  હોય જેની તરફ જોવાની દરકાર આપણે ન કરી હોય કે પછી ચૂકી ગયા હોઇએ. ઇશ્વર આપે તો યે લેવાની પાત્રતા તો આપણે જાતે જ કેળવવી પડે ને ?

 કયાંક વાંચેલી એક વાત યાદ આવે છે. બે માણસો વચ્ચેનો આ  નાનકડો સંવાદ થોડામાં  કેટલું બધું કહી જાય છે. એક માણસ બીજાને પૂછે છે.

‘ આવી  ગંદી  શાયરીઓ તેં રચી  છે  ? ‘

હા..

કયા પુસ્તકનો આધાર  લઇને ?

આ..

હાથમાંનો શબ્દકોષ બતાવતા પહેલા  માણસે જવાબ આપ્યો. અને સામે પૂછયું.

અને પરમાત્માની આવી સરસ સ્તુતિઓ તેં  રચી ?

હા..

અરે વાહ.. તેં કયા પુસ્તકની મદદ લીધી ? પહેલા માણસે થોડા વ્યંગમાં પૂછયું. 

બીજા માણસે જવાબ આપ્યો.

આ..કહેતા બીજા માણસે હાથમાં રહેલું પુસ્તક તેના તરફ લંબાવ્યું.

પહેલો માણસ તેના હાથમાં રહેલા શબ્દ કોષ તરફ જોઇ રહ્યો.

આધાર તો બંને માણસોએ એક જ પુસ્તક..શબ્દ કોષનો લીધો હતો. 

પરંતુ  બંનેના સર્જનમાં તફાવત કેવડો મોટો !

જીવનનું પણ કંઇક આવું જ છે ને ? આપણે બધા પરમના  એક અંશ રૂપ છીએ. આપણને બધાને  ઇશ્વરે બે હાથ, બે પગ, બે આંખ , બે કાન, એક જીભ અને  એક મગજ વગેરે  બધા અવયવો આપ્યા છે. હવે એ હાથથી આપણે શું કરીએ છીએ, એ પગથી કયાં જઇએ છીએ ? એનો આધાર તો આપણી પોતાની ઉપર જ ને ? એ પગથી મંદિરે પણ જઇ શકાય અને દારૂના બારમાં પણ જઇ શકાય. જીભથી કડવા શબ્દો બોલીને વેરઝેર પણ ઉભા કરી શકાય, અપશબ્દો પણ બોલી શકાય અને એ જ જીભથી ઇશ્વરની સ્તુતિ પણ કરી શકાય કે કોઇની સાચી પ્રસંષા પણ કરી શકાય. બધો આધાર કોની પર ? અને એ પછી જે પરિણામ આવે એ માટે જવાબદાર કોણ ? નસીબ કે આપણે પોતે ?

પરંતુ કહેવાયું  છે ને કે અતિ પરિચય હમેશા અવજ્ઞાને પાત્ર હોય છે. આપણને બે હાથ,  બે પગ કે બે આંખનું સાચું મૂલ્ય કદી સમજાયું જ નથી હોતું.

પરંતુ જે વ્યક્તિને આંખ નથી,   એક પગ નથી કે  હાથ નથી.. કોઇ અકસ્માતમાં  એમના કોઇ અવયવ છિનવાઇ ગયા છે. એવી વ્યક્તિને પૂછો.. આંખ વિનાના જીવનની કલ્પના તો કરી જુઓ.. અરે, થોડી વાર કયારેક લાઇટ ચાલી જાય અને અંધકારમાં રહેવું પડે ત્યારે આપણે સૌ કેવા હાંફળા ફાંફળા બની જઇએ છીએ અને અધીર બનીને  લાઇટ આવવાની પ્રતીક્ષા કરીએ છીએ. તો જેનું પૂરું  જીવન અન્ધકારમય હોય એમનો વિચાર આવે છે ?

કયારેય સમજાય છે  કે ઇશ્વરે  આપણા દરેક અવયવો સલામત રાખીને આપણને કેટલું  બધું આપ્યું છે  ? એનો  સમુચિત ઉપયોગ ન કરીને આપણે એનો  અનાદર કર્યો ન કહેવાય ? અને એના દ્વારા ઇશ્વરનો અનાદર ન કર્યો કહેવાય ? એવો હક્ક આપણને છે ખરો ?

ઇશ્વરે આપેલી આ અદભૂત ભેટને સાચી રીતે સમજીએ અને એનો યોગ્ય ઉપયોગ કરીએ, વિવેકબુધ્ધિ વાપરીએ તો આપણા ભાગ્યવિધાતા આપણે પોતે જરૂર બની શકીએ.. એમાં શંકાને કોઇ સ્થાન નથી. કેવો ઉપયોગ, કેવી રીતે ? એ માટે જરૂરી છે આપણી વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવાનો. પોતપોતાની શક્તિ અને ક્ષમતા મુજબ આપણે  એનો ઉપયોગ કરી શકીએ. આપણી પાસે જે શક્તિ હોય, જે આવડત હોય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ આપણી ફરજ ન કહેવાય ? ફરજ કોના પ્રત્યે ?  ઘર  પ્રત્યે,  કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે અને સૌથી વધારે આપણી જાત પ્રત્યેની ફરજ.  એના પ્રત્યે બેદરકાર રહેવાનું માનવીને ન શોભે ? માનવી જેવો અવતાર મળ્યો છે. એને સાર્થક કરવો જ  રહ્યો ને ?

ગાંધીજીના ત્રણ વાંદરાને યાદ કરીશું ?

બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો.. ઇશ્વરે  આપેલા અંગોનો આ જ તો સમુચિત ઉપયોગ. અને અંતે એક પ્રશ્નરૂપે આ મારું  નાનકડું કાવ્ય….

રાત પડી છે તો

સવાર પડશે જ

કેટલો વિશ્વાસ છે

આપણને સર્જનહાર પર ?

એટલો જ વિશ્વાસ

સર્જનહાર  પણ  રાખી શક્શે

આપણી પર ?

કે..

માનવ છે તો

માનવતા  દાખવશે જ ? 

અત્તરગલી..

 

અત્તરગલી.. 9th march 2013

 

                                                                                            મુક્તિ.યોગ્ય કે અયોગ્ય ?

આજે અત્તરગલીમાં માણીએ એક લઘુકથાની મહેક..  

મહિન અને માધુરીના લગ્ન જીવનને આજે પૂરા ચાર દાયકા વીતી ગયા હતા.વીસ વરસની માધુરી આજે સાઠ વરસની થઇ હતી. હમણાં જ તેનો જન્મદિવસ..તેની ષષ્ઠિ પુર્તિ છોકરાઓ સરસ  રીતે ઉજવી હતી. મમ્મીને કહ્યા સિવાય જ બંને દીકરા વહુએ માને સરપ્રાઇઝ આપ્યું હતું. બંને પોતાના કુટુંબ સાથે અચાનક આવી પહોંચ્યા હતા. અને બધું ગોઠવ્યું હતું. માધુરી ના ના કરતી રહી હતી. પણ છોકરાઓ તેનું સાંભળે એમ કયાં હતા ? નોકરીને  લીધે ભલે દૂર રહેતા હોય પરંતુ સદનસીબે મનથી જોડાયેલા હતા. એ યે કયાં ઓછું હતું ?

આમ પણ આજ સુધી માધુરી અને મહિનનું  જીવન બહું સરળ ગતિએ ..ખાસ કોઇ પ્રશ્નો વિના ચાલ્યું હતું. એને  ઇશ્વરની કૃપા ગણીને પતિ પત્ની આનંદથી જીવન વ્યતીત કરતા હતા. દીકરાઓ બંને પરણી ગયા હતા. અને સારી રીતે સેટલ થઇ ગયા હતા. બંનેના લગ્ન સારા કુટુંબમાં થયા હતા. વહુઓ પણ સારી, સંસ્કારી હતી. કયાંય કોઇ અસંતોશ..કોઇ ફરિયાદનું કારણ નહોતું.

મમ્મીનો જન્મદિવસ ઉજવી દીકરા વહુઓ ગયા. ફરી એકવાર ઘર ખાલી થઇ ગયું. પણ પતિ પત્નીને કોઇ ફરિયાદ નહોતી. એ  તો સંસારનો ક્રમ છે. મન થાય ત્યારે દીકરાઓને ઘેર હોંશે હોંશે જઇ આવતા. પરંતુ આ ઘર..આ ગામ છોડીને  હમેશ માટે જવાનું મન નહોતું થતું. તેથી દીકરાઓના આગ્રહ છતાં અહીં જ રહ્યા હતા.

પણ બધા દિવસો કંઇ કોઇના એકસરખા કયાં  જતા હોય છે ?  હમણાંથી માધુરીની તબિયત સારી નહોતી રહેતી.. ઘણી દવા કરાવ્યા પછી પણ કોઇ ફરક નહોતો પડતો. અંતે મહિન તેને નાના દીકરાને ઘેર લઇને ગયો. જેથી મોટું શહેર હોવાથી બધું ચેક અપ સારી રીતે થઇ શકે. જાતજાતના ટેસ્ટ થતા રહ્યા. અને અંતે પરિણામ ?

કેન્સર..લાસ્ટ સ્ટેજ.. બચવાની કોઇ આશા ડોકટર આપી શકયા નહીં. હવે બધું  ઉપરવાળાના હાથમાં છે. આયુષ્ય હોય ત્યાં સુધીની જિંદગી..  બધા આઘાતથી સ્તબ્ધ.. હવે ?

પહેલા તો મહિનને થયું માધુરીને કશું કહેવું નથી. તેને તેના રોગની જાણ ન થવી જોઇએ. નહીંતર મોત પહેલા જ તે .. દીકરા વહુ બધાનો એ જ મત હતો. પરંતુ મહિન પત્નીને બરાબર ઓળખતો હતો. તેને માધુરીથી કોઇ વાત છૂપાવવી યોગ્ય ન લાગી. અને આમ પણ વધારે વખત તો છૂપાવી શકાય એમ હતું પણ કયાં ? ટ્રીટમેન્ટ તો કરવાની જ હતી.

પરંતુ  બધાના આશ્વર્ય વચ્ચે માધુરીને પોતાના રોગની જાણ થતા તેણે બહું આસાનીથી પરિસ્થિતિ સ્વીકારી લીધી. જેવી ઇશ્વરની ઇચ્છા.. આમ પણ મેં હવે જિંદગી જીવી લીધી છે. હવે કોઇ અભરખા નથી. હા..તમને બધાને છોડીને જવું નહીં ગમે.. તમારા બધાનો પ્રેમ છોડીને  હું કેમ  જવાની ?  પણ ઇશ્વરની ઇચ્છા સ્વીકાર્યે જ છૂટકોને..? મરે..તમારે..આપણે બધાએ..

કહેતા માધુરીની આંખો ભરાઇ આવી.

પણ તે છતાં ધીમેથી ઉમેર્યું..

આમ પણ વહેલું કે મોડું બધાએ એકલું જ જવાનું છે ને ? મોહ,  મમતા ..માયાના બંધન એક દિવસ તો છોડવાના છે જ ને ?

પણ મહિન,  પ્લીઝ..એક વિનંતી.. હું દવા કરાવીશ.. તમે કહેશો એ  બધું કરીશ.. પણ જો મારી સ્થિતિ એવી થાય કે છેલ્લે હું કંઇ બોલી ન શકું..કે પરવશ થઇને પડી રહી હોઉં.. ત્યારે મારા શ્વાસ કૃત્રિમ રીતે બે પાંચ દિવસ વધારે  ટકાવી રાખવાનો મોહ ન રાખશો.. પ્લીઝ..મને હસીને વિદાય આપશો.. બસ.. એ એક જ મારી ઇચ્છા છે. મારે સારી રીતે મરવું છે..રિબાયા સિવાય.. કે કોઇને રિબાવ્યા સિવાય . મારા મોતની પ્રતીક્ષા કરતા હું તમને નહીં જોઇ શકું.. પ્લીઝ.. મારી વિનંતી સ્વીકારશોને ?

શું જવાબ આપવો તે ત્યાં હાજર રહેલા કોઇને સમજાયું નહીં. બધાની  આંખો ભીની બની હતી.મહિને મૌન રહીને ધીમેથી માધુરીનો હાથ દબાવ્યો. એમાં મૌન સ્વીક્રતિ હતી.  એ સ્પર્શની શાતા માધુરી અનુભવી રહી.

માધુરીની એક એક પળનું બધા ધ્યાન રાખતા હતા.તે કેમ આનંદમાં રહે એ એકમાત્ર બધાનું ધ્યેય બની ગયું હતું. માધુરીને જયારે સારું લાગતું હોય ત્યારે બધા સાથે બહાર ફરવા ઉપડી જતા..રોગની..વેદનાની..મૃત્યુની કોઇ વાત નહીં. હસી મજાક ચાલતા રહેતા. બને તેટલા સ્વાભાવિક  રહેવાય એનું સૌ ધ્યાન રાખતા હતા. માધુરી મનોમન ઇશ્વરનો આભાર માનતી હતે..આવા સરસ સ્વજનો મળવા એ કંઇ ઓછા નસીબની વાત છે ?

પણ ધીમે ધીમે મધુરીનો રોગ જોર પકડતો ગયો. હવે પથારીમાં પડયા પડયા મશીનો વડે જ શ્વાસ ચાલતા હતા. હવે રિબામણી સિવાય બીજું કશું નહોતું. ડોકટરોએ બધા પ્રયત્નો છોડી દીધા હતા. બસ..શ્વાસ ખૂટવાની રાહ જોતા હતા. મહિનના કાનમાં માધુરીના શબ્દો પડઘાતા હતા. જીવ નહોતો ચાલતો.. પણ …

આજે સવારે મહિન માધુરી સામે જોતો ઉભો હતો. વેંટીલેટર પર રહેલી માધુરી નિશ્વેતન જેવી હાલતમાં સૂતી હતી. દીકરા વહુ બધા પાસે જ ઉભા હતા. મહિનના કાનમાં માધુરીના શબ્દો પડઘાતા હતા.. મહિન..પ્લીઝ..તમે મને વચન આપ્યું છે.. મને મુક્તિ આપો.પ્લીઝ મુક્તિ આપો.. મહિને બધા સામે જોયું. કોઇ કશું બોલ્યું નહીં. બધાની આંખો નીચી ઢળેલી હતી.

મહિને મન મકકમ કર્યું. ધીમે રહીને  તે આગળ વધ્યો. માધુરીના શરીર સાથે જોડાયેલી નળીઓ હળવેકથી કાઢી.. અને…

મહિનની આંખે આંસુની વણખૂટ ધારા.. આજે તેણે તેની માધુરીને મુક્તિ આપી હતી.

દોસ્તો, શું માનો છો આપ ? મહિને સાચું  કર્યું ? ખોટું કર્યું ?

 

( ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં પ્રકાશિત કોલમ અત્તરગલી )  

 

અત્તરગલી

અત્તરગલી..

                                                                                      આનંદી કાગડો બનીશું?  

હમણાં રોજ સવારે ચાલવા જવાનું શરૂ થયું છે. એકવાર આળસ છોડીને જો ઉઠી જવાયું તો પછી કોઇ ડાઘાડૂઘી વિનાની વહેલી સવારનું સૌન્દર્ય અચૂક માણી શકાય.  મનની દ્રષ્ટિ ખુલ્લી હોય તો  મનને  જાણે પાંખ ફૂટે..અને સામે દેખાતા  અનેક દ્રશ્યો એક નવા સ્વરૂપે નજર સામે ઉઘડી રહે. કુદરતનું દરેક તત્વ દરેક જાણે પોતાની વાત કરવા તલપાપડ… એમની  વાતમાંથી  અનેક અર્થ ઉઘડી રહે અને મન સભરતાથી છલકી રહે. વિચાર તો માનવહ્રદયનું તીર્થ છે. આચાર વિનાના વિચારનો કોઇ અર્થ નથી એ વાત સાવ સાચી છે અને છતાં વિચાર  હશે તો જ કદી આચાર બની જીવનમાં ઝળકી ઉઠશે..અને જીવનઘડતરનો પાયો નખાશે. મનમાં વિચારની એક ચિનગારી જાગે..એક બીજ ઉગે  પછી જ અનુકૂળ સંજોગો મળે તો અને  ત્યારે આચારની લીલીછમ્મ કૂંપળ ફૂટી શકે.

આજે સવારે હમેશની જેમ ફરવા જતી હતી ત્યાં એક સૂકાયેલા  વૃક્ષ પર નજર પડી. સાવ ઠૂંઠા જેવું થઇ ગયું હતું.  મારી માફક અનેક લોકોની નજર તેના પર પડતી જ હતી. બે જણા સાથે મળીને તેને કાપતા હતા.  કૂહાડીના ઘા ધડાધડ  પડતા હતા. અને નાના, મોટા ટુકડાં વૃક્ષથી અલગ થઇને નીચે પડતા હતા.જોતજોતામાં તો એક વૃક્ષનું લાકડામાં રૂપાંતર થઇ ગયું.  હું મનોમન વિચારતી હતી  કયારેક આ  પણ લીલુછમ્મ વૃક્ષ હશે. તેની ઉપર  પણ લીલાછમ્મ પર્ણ હશે, ખુશ્બુદાર પુષ્પ  લહેરાતા હશે, પતંગિયા કે ભ્રમર નો ગુંજારવ હશે.  ફળોથી કયારેક લચી પડયું હશે. અને આજે તેની આ દશા ?  તેને કેટલું દુ:ખ થતું હશે ?  સૂકાઇ ગયું એટલે આમ ક્રૂરતાથી કાપી નાખવાનું ? ઉપયોગ પૂરો થઇ ગયો એટલે સાવ આવું  કરવાનું ?

મેં  લાકડાના એક ટુકડા પાસે જઇ  હળવેથી પૂછયું, ‘ તને કેટલું  દુ:ખ થતું હશે નહીં ? તું સૂકાઇ ગયું એટલે તને  કાપી નાખે છે. લોકો ખરા નિર્દયી બની ગયા છે. ‘

મારા પરમ આશ્વર્ય વચ્ચે લાકડાના તે ટુકડાએ હસીને જવાબ આપ્યો.  

’ ના રે,  દુ:ખ શાનું ?  અત્યારે ભલે મને કાપી નાખ્યું છે.  એક લીલાછમ્મ વૃક્ષમાંથી હું હવે લાકડાનો ટુકડો બની ગયો છું. પરંતુ એનું દુ:ખ શા માટે ? હવે હું બીજી રીતે જીવીશ.

મેં પૂછયું, ‘ એટલે ? બીજી વળી કઇ રીતે ? ‘

’ અરે, હવે હું સરસ મજાનું ટેબલ કે ખુરશી બનીશ…મારી ઉપર બેસીને કોઇ જમશે..કોઇ નાનકડું બાળક મારી ઉપર બેસીને કિલકિલાટ કરશે..અને હું ફરી મહોરી ઉઠીશ. કે પછી કોઇ નાનકડી ટીપોય બનીશ…અને તો મારી ઉપર કોઇ સરસ મજાનું ફલાવરવાઝ ગોઠવાશે..સુન્દર મજાના ફૂલોથી હું યે સુશોભિત થઇ ઉઠીશ, કે પછી ખાલી કોઇ નાનકડું સ્ટૂલ બનીશ તો પણ શું ? કોઇને ઉપર ચડવામાં મદદરૂપ તો બની શકીશ ને ? બસ…મારું જીવ્યું સાર્થક…અને કદાચ આમાંથી કશું ન બની શકું તો કોઇ ગરીબના ઘરનો ચૂલો તો જરૂર સળગાવી શકીશ…બસ…એટલું કરી શકીશ તો યે મને કોઇ અફસોસ નહીં હોય. કોઇ પણ રીતે કોઇને કામ આવી શકું એટલે મારું જીવન તો સાર્થક જ ને ?

ઓહ.. આ તો પેલા આનંદી કાગડા જેવી  વાત થઇ. ગમે તે અવસ્થામાં ખુશ રહેવાનું. કોઇ ધારે તો પણ  દુ:ખી કરી જ કેમ શકે ?  વાહ..આનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે ? સંજોગો તો આપણે ફેરવી શકતા નથી. પરંતુ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાની કળા તો જરૂર શીખી શકીએ. અને દરેક અવસ્થામાં આપણે તો હસી શકીએ..સાથે સાથે અન્યને પણ કઇ રીતે મદદરૂપ બની શકીએ તેનો વિચાર કરી શકીએ તો આપણું દુ:ખ તો કયાંય વિસરાઇ જાય. અને કદાચ બીજાને મદદરૂપ થતાં થતાં આપણી પરિસ્થિતિનો પણ કોઇ ઉકેલ મળી આવે…અને પેલા સૂકા લાકડાની માફક આપણે મહોરી ઉઠીએ…દુ:ખમાં યે મહોરવાની આ જીવનકલા આપણે શીખી શકીશું ?

પવનના સૂસવાટા બોલતા હોય , વાયરાએ રૌદ્ર  રૂપ ધારણ કર્યું હોય, એવા વાવાઝોડાના સમયે એક નાનકું તણખલું સ્વાભાવિક રીતે જ દૂર દૂર ફેંકાઇ જવાનું.. એવે સમયે પણ એ તણખલું આનંદથી  હસીને ગાઇ  શકે છે. અરે, વાહ.. મેં તો આસમાનની સહેલ કરી લીધી  ! 

એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર જબ લિયા આકાશ છૂ..

નાનકડાં તણખલાની પણ જો આ જીવન દ્રષ્ટિ હોય તો આપણે તો માનવી છીએ..ઇશ્વરનું પરમ સર્જન છીએ.. પરમાત્માનો એક અંશ છીએ.. આપણે આવી જીવન દ્રષ્ટિ કેમ ન કેળવી શકીએ ? સુખમાં તો સૌ કોઇ હસી શકે..ગાઇ શકે.. સંઘર્ષની  ક્ષણે ગાઇ શકીએ,  પીડાની પળૉમાં પણ જીવન સંગીત ચાલુ રહી શકે અને ચહેરા પર સ્મિતની હળવી લહેરખી ફરકી શકે તો જીવનમાં કોઇ ફરિયાદને અવકાશ ન રહે. જે આપણા હાથની વાત નથી એનો હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે તો હસીને  શા માટે ન કરવો ?

ઇશ્વરમાં જો ખરેખર માનતા હોઇએ તો આપણી શ્રધ્ધામાં કચાશ કેમ ચાલે ?

સર્જનહાર પર ભરોસો રાખવો તો પછી પૂરો જ રાખવો જોઇએ ને ?

અને

તો આપણે પૂરા વિશ્વાસથી ગાઇ શકીશું..

શાના દુ:ખ અને શાની નિરાશા ?

 મુકુલે મુકુલે મુખરિત આશા…

દોસ્તો, બનીશું ને આનંદી કાગડો ? 

( published in GGN regular column “atargali “

નવી પેઢી..

બહારનું છોડી  સઘળું.. ભીતર નીરખીએ,

એક ઝલક અમીભરી અંદરની   પામીએ

 

બે પેઢી વચ્ચેના વિચારોના તફાવતને..મતભેદને આપણે જનરેશન ગેપ એવું નામ આપતા હોઇએ છીએ…અને સહજતાથી સ્વીકારતા પણ હોઇએ છીએ.. જૂની પેઢીને આજના યુવાનો ઘણીવાર  ઉછાંછળા , બિન્દાસ લાગે છે. એના પહેરવેશ પરથી એના વ્યક્તિત્વનું અનુમાન કરવામાં આવતું હોય છે. કયારેક એ સાચું પણ હોય છે. પરંતુ દરેક વખતે બહારથી જે  દેખાતું હોય તે દરેક વખતે  સનાતન સત્ય જ હોય એવું જરૂરી નથી હોતું.અને ફર્સ્ટ  ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન ..એ વાત પણ દરેક સમયે સાચી નથી હોતી.

 થોડા સમય પહેલાં થયેલો એક  અનુભવ આ  ક્ષણે  સ્મ્રતિના કેન્વાસ પર ઝબકી ઉઠે છે.

 

ગયા વરસે હું  ઓખાથી બોમ્બે જતા સૌરાષ્ટ્ર મેઇલમાં મુસાફરી કરી રહી હતી.   ટ્રેન ઉપડવાને  હજુ વાર હતી. હું   બારીમાંથી  બહાર જોઇ રહી હતી. અચાનક મારી નજર  સ્ટેશન પર ઉભેલા  એક ટોળા પર પડી. ત્રણ ચાર યુવકો અને બે યુવતીઓએ મોટેથી કોઇ હસીમજાક કરી રહ્યા હતા. કદાચ કોઇકની મજાક ઉડાવતા હતા. એકદમ બેપરવા અને બિન્દાસ.. અતિ આધુનિક કપડાં, માથા પર ચડાવેલા મોટા ગોગલ્સ, અને ચહેરા પર એક નફકરું હાસ્ય.મને થોડો અણગમો થઇ આવ્યો. નક્કી આ લોકો કોઇની ફિરકી ઉડાડતા હશે.. આ નવી પેઢીના જુવાનિયાઓ સમજે છે શું પોતાના મનમાં ? જાણે કોઇની પરવા જ ન હોય એમ કેવા બેપરવા બનીને ઘૂમતા રહે છે.  

 

ગાડીની વ્હીસલ સંભળાતા જ  એમાંથી એક યુવતી અને એક યુવકે એ બધાને બાય કર્યું અને  બંને ગાડીમાં અંદર ચડયા. પેલી  અલ્લડ દેખાતી છોકરીએ જીંસ અને સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. ઉંચી હીલના સેન્ડલ, મોંઘો મોબાઇલ, રે બેનના ગોગલ્સ પહેરેલી છોકરી પૂરી આધુનિકા હતી.  સુંદર પર્સતેની સાથેનો છોકરો  તેનો મિત્ર હતો એ  જણાઇ આવતું હતું.  બનેં અંગ્રેજીમાં હસી મજાક કરતા હતા. મારી સામેની બર્થ પર જ તેમની સીટ હતી. 

 

તેમની થોડી વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે બંને અહીં ટાટા કંપનીમાં ટ્રેનીંગ માટે આવ્યા હતા. અને હવે એક મહિનાની ટ્રેનીંગ પૂરી થતા પાછા બોમ્બે ઘેર જઇ રહ્યા હતા. હું વિચારતી હતી.. આજના સમયમાં છોકરીઓ એકલી એકલી કયાંથી કયાં જતી હોય છે ? આજે સ્ત્રીનું સ્થાન ફકત રસોડની રાણીનું નથી જ રહ્યું. એની સાબિતી આપોઆપ મળતી હતી. છોકરીઓ આજે કયા ક્ષેત્રમાં છોકરાઓથી પાછળ રહી છે ?

 

હસી મજાકનો દોર સતત ચાલુ હતો. એવામાં  દ્વારકાથી  યાત્રાનો એક સંઘ અંદર દાખલ થયો. એમાં લગભગ 30 થી 35 જણાં હતા. જેમાંના લગભગ બધા મોટી ઉમરના હતા. પહેલા બે-ચાર માજી ચડયા.અને પછી  આવી સામાનની વણઝાર. નીચેથી કોઇ સામાન આપતું જતુ હતું .પણ આ સ્ત્રીઓ જલ્દીથી અંદર લઇ શકતી નહોતી. માંડ માંડ એકાદ બેગ ખસેડી ત્યાં તેઓ હાંફી ગયા.

પેલી યુવતી અને તેનો મિત્ર એકાદ મિનિટ તો બધું  જોઇ રહ્યા. પછી બંને એકાએક   ઊભા થયા.

 

તેમણે સૌ પ્રથમ માજીને તેમની જગ્યાએ બેસાડી દીધા. અને તે બંને   ફટાફટ બધો  અંદર લેવા માંડયા. ધીમે ધીમે બધા  ચડી ગયા. પેલી છોકરી અને તેનો મિત્ર  બધાનો સામાન ઉંચકી ઉંચકીને અંદર જયાં તેમની જગ્યા હતી ત્યાં મૂકતા રહ્યા. ઘણૉ બધો સામાન હતો. તેમણે બધો સામાન વ્યવસ્થિત  ગોઠવી આપ્યો. યુવતીએ એ વડીલોને  હસીને  કહ્યું,

દાદા,  હવે તમે બધા  નિરાંતે બેસો. બે ચાર મિનિટ તેમની સાથે હસીને વાત કરી તેમને બીજી કોઇ મદદની જરૂર હોય તો તેની પૂછપરછ કરી. અને   પછી બંને પોતાની જગ્યાએ બેસી ગયા.


હવે  અમારા  ત્રણેની  ઓળખાણ થઇ. જાતજાતની વાતો ચાલી. મેં  તેમને   પૂછયુ

 

આટલો બધો સામાન ઉંચકીને થાક નથી લાગ્યો? તેમણે હસીને જવાબ આપ્યો,

 ના,આન્ટી અમે તો  યંગ  છીએ. છું..એમાં થાકી શું જવાય? અને અમારા મમ્મી પપ્પા હોત તો અમે ન કરત?  કામ કરવાથી અમે થોડા ઘસાઇ ગયા છીએ ?  ઉલ્ટુ અમારે તો એ બહાને થોડી એક્ષરસાઇઝ થઇ ગઇ. સ્વાર્થ અને પરમાર્થ બંને સાથે.  કહીને યુવતી હસી પડી. હવે એ યુવતી મને બિન્દાસ ને બદલે મિલનસાર લાગી. પહેલી છાપ ભૂંસાઇ ગઇ હતી. અને જાણે એક નવા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. મને મારી ભૂલનો અફસોસ થયો કે મેં આ લોકો વિશે કશું જાણ્યા  વિના  કેવી ધારણા બાંધી લીધી હતી ?  


પછી તો  આખે રસ્તે બંનેના હેલ્પીંગ અને હસમુખા સ્વભાવનો પરિચય થતો રહ્યો.તેની વાતો અને વર્તનમાં જીવનથી છલકાતું  આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ દેખાતું હતું. તેઓ કેટકેટલી સામાજિક પ્રવૃતિમાં તેઓ જોડાયેલા છે. નવરાશના સમયમાં તેમનું આખું ગ્રુપ  ઝૂંપડપટ્ટીમાં  જઇને ત્યાંના બાળકોને ભણાવવાનું કામ કરતા હતા. એ બધું જાણીને યુવા પેઢી માટે દિલથી આદર થયો. 

 નવી પેઢીના પોષાક પરથી તેના વિષે અનુમાન બાંધી લેવું કેટલું ખોટું છે ? આપણે ધારીએ છીએ તેવી છીછરી નવી પેઢી નથી જ.સાચી દિશા મળે તો આ જનરેશન ઘણું કરી શકે. તેમનામાં  નવું વિચારવાની, કશુંક સારું કરવાની તમન્ના છે. એક ધગશ છે. કદીક એ રાહ ભૂલેલી  જણાય છે. કેમકે તેમને યોગ્ય દોરવણી આપનાર મળ્યું નથી. તેમને યોગ્ય માર્ગદર્શક મળી રહેશે એ શ્રધ્ધા સાથે..

( published in GGN regular column “atargali )

 

 

અત્તરગલી.28..

  આજનો દિવસ રળિયામણો.. .

દોસ્તો, આપણે સૌએ પોતપોતાની રીતે વરસ 2012 ને અલવિદા કરી દીધું અને નવા વરસને  આનંદ અને ઉત્સાહથી વધાવી લીધું છે.  સ્વજનો, મિત્રોને ફોન, ઇ મેલ, એસ.એમ.એસ. કે કાર્ડ થી નવા વરસની શુભેચ્છાઓ પાઠવી દીધી. રાત્રે બાર વાગ્યા સુધી ધમાલ, મોજ મસ્તી કરી, ફટાકડાઓ ફોડી, એકબીજને હરખભેર ભેટીને નવા વરસને આનંદ અને ઉત્સાહથી આવકાર્યું. અને અંતે થાકીને ઉંઘરેટી  આંખોમાં આવતી કાલના શમણાં સાથે આપણે સૌ ફરી એકવાર નિદ્રાદેવીની  આગોશમાં  લપાઇ ગયા.

પણ પછી આગળ શું ?  

પછી નવા વરસની  સવારે આંખ ખૂલી  ત્યારે ? આકાશમાં નવો સૂરજ ઊગ્યો જણાયો  ? વૃક્ષો નવી રીતે ઝૂમતા દેખાયા  ? પંખીઓ કંઇક અલગ રીતે ચહેકતા અનુભવાયા  ? આસમાનનો  રંગ બદલાઇ ગયો  ?   બધું નવું  લાગ્યું  ? ના.. એ સઘળુ એ જ હોય. .. એ જ સૂરજ એ જ દિશાથી ઊગીને એ જ  રીતે   આથમ્યો. . વૃક્ષો એ જ રીતે ઝૂમ્યા હશે.  પંખીઓ એ જ રીતે ટહુકયા. જો  કંઇ પણ  નવું  તો જ લાગી શકે જો  આપણી  દ્રષ્ટિ બદલાઇ હશે. નવું ભીતરમાં ઉગી શકે તો સૃશ્ટિ  નવી બને..બદલવી જોઇએ આપણી દ્રષ્ટિ.. બદલવું જોઇએ આપણું પોતાનું મન. બદલવા  જોઇએ આપણા વિચારો..

  જીવનમાં કંઇ રોજ રોજ મોટી વાતો મોટા પ્રસંગો બનતા નથી હોતા…એથી જ નાની નાની વાતનું મૂલ્ય વધારે ન કહેવાય ? મોટા પ્રસંગો તો મહેમાન જેવા..કવચિત આવે અને ચાલ્યા જાય..નાની નાની વાત તો હમેશની સાથીદાર. દરેક વ્યક્તિ કંઇ વિશ્વને અજવાળી ન શકે..પરંતુ ધારે તો  એક નાનું શું કોડિયું તો અવશ્ય બની શકે.

તાજેતરમાં  બનેલો એક પ્રસંગ યાદ આવે છે. 

ગયા મહિને મારી મિત્ર  પરિનિ  મળવા આવી હતી.  મોડેલીંગની દુનિયામાં  પ્રવેશવા તે થનગનતી હતી. સામાન્ય રીતે તે હમેશા હસતી અને હસાવતી જ જોવા મળે. પરંતુ સદાની હસમુખી એવી પરિની આજે મુડમાં નહોતી..આવી ત્યારે ખાસ્સી ગુસ્સામાં હતી. મને કહે,

 કેટલી હોંશથી  અલગ અલગ  સ્ટાઇલમાં ફોટા પડાવ્યા હતા…પોર્ટફોલિયો બનાવીને મોકલવાનો હતો. પણ ફોટા જોને જરા પણ સારા ન આવ્યા. મારો તો મુડ ચોપટ થઇ ગયો. અરે,  સાચો અને સારો ફોટોગ્રાફર તો એને કહેવાય જે હકીકતે સુન્દર ન હોય તેને પણ સુન્દર બનાવી શકે. અહીં તો ઉલટી ગંગા વહી છે. હું  છું તેના કરતાં પણ આ ફોટામાં ખરાબ લાગું છું. મેં  તેને શાંત કરી. અને કહ્યું,’

અરે, હવે આ તો ડીજીટલનો જમાનો છે. ચાલ, હું તારી સાથે આવું.

 અમે બંને ફોટોગ્રાફરને ત્યાં પહોંચ્યા. અમારી જરૂરિયાત તેને સમજાવી. તેણે તુરત  હસીને કહ્યું.

‘ બેન..તમે મૂંઝાવ નહીં. મને ખબર નહોતી કે તમારે શું જોઇએ છે. હવે જુઓ ટેકનોલોજીની કમાલ..ને મારી ધમાલ..  હમણાં એડીટીંગ કરીને સરસ કરી આપીશ. બોલો..તમારે કેવા ફોટા જોઇએ ? ફૉટાને એડીટ કરતાં વાર કેટલી ? અરે, જીન્સ પહેરેલ ફોટાને સાડી પણ પહેરાવી આપીએ..અને ધોતિયાને જગ્યાએ  સરસ મજાનો સૂટ પણ આવી જાય. ‘

અને બે ચાર દિવસમાં જ બધા ફોટા એડીટ થઇને આવી ગયા. પરિનિ ખુશખુશાલ. ટેકનોલોજીની આ કમાલ પર તે આફરીન…આફરીન… તેણે ઇચ્છેલું  તે મુજબનો પોર્ટફોલિયો બની જતાં તેણે રાહતનો શ્વાસ લીધો. 

પરિનિનું કામ  થઇ ગયું.

માનવજીવનને પણ બગડેલા ફોટાની માફક  આસાનીથી એડીટ કરી શકાતું  હોત તો…? એવી કોઇ ટેકનોલોજી શોધી શકાય તો ? જોકે એવી ટેકનોલોજી છે જ. એ ટેકનોલોજી  છે માનવમનની..મનના આગ્રહો, પૂર્વગ્રહોને છોડવાની..જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવવાની. મનમાંથી નકારાત્મક વાતને દેશવટો દેવાની…આ નવા વરસમાં મનની  નવી ટેકનોલોજી અપનાવીશું ?  

 બગડેલ ફોટાની માફક બગડેલ સંબન્ધો.. કે બગડેલું જીવન  પણ જરૂર એડીટ થઇ શકે. અને આપણો  જીવન પોર્ટફોલિયો શોભી રહે. અને કમાલની વાત તો એ છે કે આ ટેકનોલોજીના સંચાલક તો આપણે પોતે જ…હા, તેનું સંચાલન થોડું  અઘરું  અને કદાચ થોડું અણગમતું પણ ખરું.  પરંતુ  માનવ જેવા માનવ છીએ..ઇશ્વરનું પરમ ઘડતર….અઘરી વસ્તુથી હારી  કે ડરી થોડા જઇએ ? અઘરી વસ્તુ તો આપણને ચેલેન્જ આપે. પડકાર ફેંકે… અને એકવાર મનનું સંચાલન આવડી ગયું, મનની ટેકનોલોજી સમજાઇ ગઇ તો પછી તો આપણા ભાગ્યવિધાતા  આપણે જ..

આ નવા વરસમાં આપણા ફોટા…આપણી જાત… આપણે જ એડીટ કરીશું ને ? આપણો જીવન પોર્ટફોલિયો શોભાવીશું ને ?  

નવું નવું ચાલતા શીખેલું બાળક જયારે પહેલું પગલું ભરે છે ત્યારે માતાપિતાની આંખો ખુશીથી કેવી ચમકી ઉઠે છે ! આપણે પણ પરમ પિતા પરમાત્માનું અણમોલ સર્જન છીએ..પરમનો એક નાનકડો અંશ છીએ.. સારા બનવાની દિશામાં એક પગલું ભરીશું તો આપણા સર્જનહારની આંખ પણ  એકાદ ક્ષણ ખુશીથી અવશ્ય છલકી ઉઠશે. બાળકને કયાંય પહોંચવાની ઉતાવળ નથી હોતી એને તો હોય છે ફકત ચાલવાનો આનંદ.. નિર્ભેળ આનંદ.. એવો આનંદ આપણે માણી શકીશું ?  મનની અનંત ઇચ્છાઓને સંતોષવા  આંખો મીંચીને સતત દોડતા રહેવાને બદલે કદીક નિરાંતવા જીવે ચાલવાના આનંદનો અનુભવ કરવા જેવો છે.  

રોજ સવારે એક જ સૂરજ..એક જ દિશામાં  ઊગે છે. પણ એ સવારને નવીન અને સુંદર બનાવી શકવાની ક્ષમતા આપણા સૌમાં છે જ. એ સવારને સ્મિત સાથે આવકારી એને રળિયામણી બનાવીશુંને ?  

દોસ્તો, આ નવા વરસને સાચા અર્થમાં નવું બનાવીશું ? સારા છીએ તો વધારે સારા બનવા તરફ એક ડગ આગળ ભરીશું ? 

( ગુજરાત ગ્લોબલ ન્યુઝમાં પ્રકાશિત થતી કોલમ અત્તરગલી )

http://www.globalgujaratnews.com/article/nilam-doshi-article-about-new-year/

યાદોની ખૂલી છે પોથી..

“ ઢળતી સાંજે, નવરા હાથે, પોથી ખોલે બચપણની

યાદો મીઠી છાલકની, વિસરાય નહીં એ ઘટના છે.”

કયાંક વાંચેલી પંક્તિ મનમાં પડઘાય છે, પાંચેક દાયકા એકી સાથે ખરી પડે છે અને નજર સામે તરવરી રહે છે શૈશવની એ કુંજગલી.. શૈશવ એકવાર હાથતાળી દઇને છટકી ગયું હોય એ પછી પણ એની મીઠી યાદો કયારેક તો દરેકની ભીતરમાં ટકોરા મારીને રણઝાણી ઉઠતી હોય છે. સ્કૂલમાં ભણતા હોય ત્યારે તે હિ નો દિવસો ગતા: કે પછી શૈશવના સ્મરણો નિબંધ લગભગ દરેકે લખ્યા જ હશે. અને એ સ્મૃતિઓથી છલકયા હશે. એ વણવિસરાયેલા દિવસોના સ્મરણો વારંવાર વાગોળવા ગમતા હોય છે. શૈશવની એ ગલીઓમાંથી આવતી અત્તરની સુવાસથી મઘમઘ થવું એ એક અદભૂત રોમાંચથી ભરપૂર હોય છે. મિત્રો, આજે મારી સાથે આપ સૌને પણ શૈશવની એ ગલીમાં એક નાનકડી લટાર મારવાનું ઇજન આપું છું. સ્મૃતિની આંગળી ઝાલી આપના શૈશવની ગલીઓમાં ઘૂમવાનું પણ ગમશે. જો આપ સામેલ કરશો તો..

આજે તો મારા શૈશવની એક ગલીમાં.. .

સાત, આઠ વરસની એક છોકરી..વધુ પડતી લાગણીશીલ. નાની નાની વાતો એને હલબલાવી જાય..

ત્રીજા ધોરણમાં ભણતી એ છોકરીને સ્કૂલમાં પરિણામના દિવસે શિક્ષક ખીજાયા કે બીજો નંબર કેમ આવ્યો ? નાદાન મન છટકયું. બસ, હવે મારે જીવવું જ નથી. પણ પ્રશ્ન મોટો આવ્યો. દફતર સાથે કંઇ થોડું મરાય ? ચિંતા થઇ તો ફકત અને ફકત દફતરની. જોકે ઉપાય તુરત જડયો. એના જેવડી જ બહેનપણી નીલાક્ષી…દફતર એને સોંપ્યું. બહેનપણીએ પૂછયું,

‘ તું કયાં જાય છે ?

પૂરી સચ્ચાઇથી જવાબ અપાયો.

‘ દરિયામાં પડીને મરવા જાઉં છું. ‘ બહેનપણી પણ પૂરી વફાદાર ! મૌન રહીને દફતર લીધું. (દફતરની ચિંતા કર્યા સિવાય બહેન, તું તારે સુખેથી સિધાવ..એવું કશું બોલ્યા સિવાય ! )

છોકરી દરિયે પહોંચી. રોજનો પરિચિત માર્ગ.. દરિયો તો બહું બહું વહાલો..સાવ પોતીકો. દરિયાની ભીની રેતીમાં ચાલવાનું શરૂ કર્યું. પાણીમાં થોડે આગળ સુધી જાય.પણ મોટું મોજું આવે એટલે દોડીને દૂર ભાગી જાય. થોડીવાર ઉછળતા મોજાઓ સાથે સાતતાળીની રમત ચાલી. આગળ ન જવાના બહાનાઓ શોધાયા. પાણીમાં માછલી કે મગર હશે તો ? ખડક હશે ને લાગશે તો ? લાગી જવાની બીક લાગી ! મરવું અઘરું લાગ્યું. વિચાર પડતો મૂકાયો. તો હવે ? પરંતુ છોકરી પાસે કલ્પનાઓનો કયાં તૂટો હતો?

સ્કૂલમાં ભકત ધ્રુવની વાત સાંભળેલી. હા..એ બરાબર છે. છોકરીએ દરિયો છોડી જંગલ તરફ મહાપ્રયાણ શરૂ કર્યું. અલબત્ત જંગલ કયાં ? એ કોને ખબર ? એક સડક પકડી. કોઇ દિશાભાન વિના એક ધૂન સાથે જંગલની શોધમાં..

સવારે દસેક વાગ્યે ચાલવાનું શરૂ કરેલું.. બપોર થતા પેટે પોકાર પાડયો. ટાંટિયાએ જવાબ દઇ દીધો. પણ..ના એમ તો છોકરી જબરી જિદ્દી.. પૂરી મનચલ્લી. ધૂનની પાક્કી.. પેટ કે પગ કોઇની ફરિયાદ ગણકાર્યા સિવાય ચાલતી રહી. કયાંય જંગલ દેખાય છે ? તો જલદી તપ શરૂ કરી દઉં ! વચ્ચે એકાદ વાર કોઇ પથ્થર પર બેસીને થોડો થાક ખાઇ લીધો. અને એક પગે ઉભા રહીને જોઇ પણ લીધું કે એ રીતે ઉભી શકાય તો છે ને ?

ધીમે ધીમે સૂરજદાદાએ વિદાય લીધી. અંધકારના ઓળાઓ ઉતરવા લાગ્યા.ભય, ભૂખ, થાક, ઘરની યાદ…આંખ તો રડું રડું.. આમ પણ એક એક અંગે જવાબ આપી દીધો હતો. જંગલ મળતું નહોતું અને જંગલ સિવાય તો તપ થાય કેમ ?

અંતે થાકીને છોકરી સડકને કિનારે બેસી પડી. કેટલો સમય વીત્યો હશે કોને ખબર ? ત્યાં સડક પર જતા કોઇ મોટરવાળાનું ધ્યાન પડયું. મોટર ઉભી રાખી. પૂછપરછ કરતા ખબર પડી કે આ બહેનબા તો જંગલમાં તપ કરવા નીકળ્યા છે. કોની દીકરી છે એમ પૂછતા સાચો જવાબ મળ્યો. ઓહ.. તો સાવ જાણીતાની દીકરી. નાદાન છોકરીને સમજાવી
‘ બેટા,ચાલ, તને ઘેર મૂકી જાઉં..’ છોકરીએ પૂરી મક્કમતાથી ના પાડી.. ’ મારે તો જંગલમાં તપ કરવા જવું છે.’

‘ સારું ચાલ, તો જંગલમાં મૂકી જાઉં. ‘

‘ તમે જંગલ જોયું છે ? ‘

‘ અરે, હા..હા.. થોડું જ દૂર છે. ચાલ, બેસી જા..હમણાં જંગલમાં પહોંચાડી દઉં.’
એક હાશકારો પમાયો.અને તન, મનથી થાકેલી, ભૂખથી બેહાલ બનેલી છોકરી મોટરમાં ચડી બેઠી. બેસતાની સાથે જ આંખો ઘેરાણી.. પાંચ મિનિટમાં તો ઘોંટી જવાયું.

બીજે દિવસે આંખો ખૂલી ત્યારે જંગલને બદલે પોતાના ઘરમાં…પોતાની રોજની જગ્યાએ. છોકરીએ આંખો ચોળી. પાસે વહાલા દાદીમા દીઠા. છોકરી દાદીમાને વળગી પડી.
તો જંગલ, તપ, દરિયો.. એ બધું શું કોઇ શમણું હતું ?

યસ.. આજે તો એ બધું શમણાં જેવું જ લાગે છે. પણ તે દિવસે તો એ સત્ય હતું..સો ટચનું સત્ય..એ શહેર હતું મારું વહાલું વતન પોરબંદર. અને એ છોકરી ? એ છોકરી એટલે હું નીલમ દોશી..

અને હું આ ક્ષણે તો ખોવાઇ ગઇ છું શૈશવની એ કુંજગલીમાં. અતીતના આયનામાં દેખાય છે એ નાદાન છોકરી. અને મારા ચહેરા ઉપર ફરકે છે એક આછેરૂં સ્મિત અને મનમાં ગૂંજે છે..આ પંક્તિ..

“ વહી ગયેલ કો ક્ષણ ઓગળે
ભીતર ભીના સ્મરણ ઓગળે ”

( published in global gujarat column ” ataragali )

શ્રધ્ધા..અશ્રધ્ધા કે અંધશ્રધ્ધા

“ બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા,

તે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા. “

આ પંક્તિ સાથે જ એક દ્રશ્ય નજર સમક્ષ તરવરી રહ્યું છે.

ગયા વરસે અમેરિકા જવાનું થયું ત્યારે ત્યાંના ટેનેસી રાજયમાં આવેલું ગણેશ મંદિર જોવા ગઇ હતી. “ જોવા “ શબ્દ જ કદાચ અહીં યોગ્ય રહેશે. કેમકે દર્શન કરતાં અમેરિકાનું મંદિર જોવાની ભાવના જ મનમાં વધારે હતી. મંદિરના વિશાળ હોલમાં સત્યનારાયણની કથા ચાલતી હતી. પી.એચ.ડી. થયેલો એક યુવાન કલાવતી અને લીલાવતીની વાર્તા અંગ્રેજીમાં વાંચી રહ્યો હતો. કેમકે યજમાન દક્ષિણ ભારતીય હતા.

તેમની સાથે થોડી વાતચીત થઇ. અહીં પરદેશમાં વતનથી દૂર રહેતા લોકોને પોતાની મૂળ આઇડેંટી ખોવાઇ જવાનો ભય સતાવતો હોય છે. પોતે કશાકથી વિખૂટા પડી ગયાની લાગણી અનુભવાતી હોય છે. અને આ બધા ક્રિયાકાંડવડે એ લોકો પોતાના મૂળિયા સાથે, પોતાની સંસ્કૃતિ સાથે જોડાઇ રહ્યાનો સંતોષ મેળવે છે. બની શકે એ આત્મવંચના જ હોય. પરંતુ આ બધું તેને ધર્મ સાથે સાંકળી રાખ્યાનો એહસાસ કરાવે છે. પોતાના બાળકને પોતાની સંસ્કૃતિનો થોડો પરિચય કરાવ્યાના આત્મસંતોષમાં એ રાચે છે. આને શું કહીશું ? શ્રધ્ધા કે અંધશ્રધ્ધા ? મારી નજરે આ તો મૂળ સાથે જોડાયેલા રહેવાની એક ભાવના છે. જે છોડીને આવ્યા છે. તેનો જે વસવસો તેમના મનના એક ખૂણામાં હમેશા વસ્યા કરે છે. તે તેમને આ શ્રધ્ધા કે અંધશ્રધ્ધા સાથે જોડી રાખે છે.

આમ પણ દુનિયાના કોઇ પણ ખૂણામાં જાવ..અતિ વિકસિત, વિકાસશીલ કે અવિકસિત કોઇ પણ દેશ શ્રધ્ધા તો શું અંધશ્રધ્ધાથી પણ બાકાત નથી જ. દેશ હોય કે પરદેશ માનવસ્વભાવ તો સરખો જ ને ? આમ પણ શ્રધ્ધાનું ઉદગમસ્થાન તો માનવીનું હૈયુ જ ને ? માનવીના ચહેરા મહોરા ભલે ભિન્ન હોય પરંતુ માંહ્યલો તો સૌનો એક જ. આશા, નિરાશા, ખુશી, ગમ,ભય, રાગ, દ્વેષ, મોહ, માયા, મમતા એ બધું તો દરેકની અંદર રહેવાનું જ ને ? દરેકને એક કે બીજા અવલંબનની જરૂર તો પડવાની જ ને ?

“ થાકી ગયેલ બુધ્ધિએ ઇશ્વરની કલ્પના કરી,

એને ગમ્યું તે સાર અને બાકી બધું અસાર છે. “
અને ઇશ્વર આવે એટલે તેની સાથે જોડાય શ્રધ્ધા.

આદિમાનવથી શરૂ કરીને આજ સુધી માનવીને ભય, મનના ડર સામે લડવા માટે..સલામતી માટે કોઇ અવલંબન જોઇએ છે. શરૂઆતમાં સૂર્ય, ચન્દ્ર, વરૂણ,વિગેરે કુદરતી તત્વોને દેવ તરીકે સ્વીકારી તેની પૂજા થતી. સંસ્કૃતિના વિકાસની સાથે સાથે આ અવલંબોના પ્રકાર પણ બદલાતા ગયા. સૂર્ય હાઇડ્રોજનનો ધગધગતો ગોળો છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત કર્યા પછી આજે પણ ભાવથી આપણે સૌ સૂર્યવન્દના કરીએ જ છીએને ? આપણા ચૈતન્ય સાથે તે જોડાયેલ છે. તેને અંધશ્રધ્ધા કેમ કહી શકાય ?

શ્રધ્ધા એટલે અવલંબન..પછી એ કોઇ પણ પ્રકારનું હોઇ શકે, કોઇ પણ માટે હોઇ શકે કે કોઇ પણ કક્ષાનું હોઇ શકે. દરેક વ્યક્તિ માટે એનો પ્રકાર અલગ જ હોવાનો. દરેકની પોતાની માનસિક કક્ષા મુજબ એ અલગ જ હોય એ સ્વાભાવિક છે. અને માનવીને જેમ કોઇ વસ્તુ, પદ,પૈસો કે પ્રતિષ્ઠા કશું પણ ખોવાનો ડર હોય કે પછી કશું પામવાની મહત્વાકાન્ક્ષા હોય ત્યારે આવું કોઇ અવલંબન તેને વધારે જરૂરી બને છે. શ્રધ્ધા કે અંધશ્રધ્ધા મોટે ભાગે કોઇ ભયમાંથી જ જનમ લેતી હોય છે.અને કોઇ ઇચ્છાને વળગીને આગળ વધતી હોય છે. આ લોકનો કે પરલોકનો ડર માનવીના અજ્ઞાત મનમાં સતત અટવાતો હોય છે જે તેનું ચાલક બળ બને છે.

જે માનવીને કશું ગુમાવવાનો ભય છે તેને કોઇ ઓઠા વિના, સહારા વિના ચાલતું નથી. જેમ ગુમાવવાનો ભય વધારે તેમ તેની અંધશ્રધ્ધા પણ એટલી જ વધારે. ઐશ્રવર્યા રાય ઝાડ સાથે પરણી શકે એને શું કહેવાય ?

દરેક ફિલ્મ સ્ટાર, નેતા, ખેલાડી કોઇ ને કોઇ માદળિયા, તાવીજ પહેરતા જ હોય છે ને ? તેમને તેમાંથી એક જાતનો વિશ્વાસ, માનસિક સહારો મળે છે. જેને લીધે ઘણીવાર તેનો વીલપાવર વધે છે અને તેને સફળતા મળે છે અને તેનો યશ જાય છે પેલા માદળિયાને કે તાવીજને. આને શું કહીશું ?

માનતા, બાધા આખડી એ બધું શું છે ? એ બધું ખોટું છે એમ પણ કેમ કહી શકાય ? માનવીને વિપરિત સંજોગોમાં ટકી રહેવાનું બળ એનાથી મળતું હોય તો એની ટીકા શા માટે ? જો કોઇ નિર્દોષ વસ્તુ કે વાત માનવીને માનસિક સહારો આપી શકતા હોય તો તેનો વિરોધ શા માટે ?

પરંતુ એ બધામાં વિવેકભાન તો જળવાવું જ રહ્યું. બાકી સંતાન માટે કોઇ બાળકની હત્યા કરવી કે કોઇને ડાકણ,ભૂત, પિચાશ વળગ્યા છે માની દોરા ધાગા, કે ભૂવા ધૂણાવવા એ તો અંધશ્રધ્ધાની ચરમસીમા જ છે ને ? અન્ધશ્રધ્ધાની આ ચરમસીમાએ કહેવાતા અનેક બાપુઓ,મહંતો, આશ્રમો, મઠો, વિગેરેમાં અનેક ગોરખધંધાઓ ચાલતા રહે છે. છતાં લોકોની આંખ ઉઘડતી નથી અને ગાડરિયો પ્રવાહ ચાલુ રહે છે. આ અંધશ્રધ્ધામાંથી શિક્ષિત લોકો પણ કયાં બાકાત રહી શકે છે ?

બાકી નિદા ફાઝલીએ કહ્યું છે તેમ…આપણે માટે તો..

“ ઘરસે મન્દિર, મસ્જીદ બહોત દૂર હૈ,

ચલો કિસી રોતે હુએ બચ્ચેકો હંસાયા જાયે..”

( published in global gujarat ” atargali ” )

કબીર કહે..

આજે અત્તરગલીની શુભ શરૂઆત કબીરના એક સુંદર મજાના દોહરાથી કરીશું. સંત કબીરના નામ કે કામથી વત્તે ઓછે અંશે કોઇ ગુજરાતી અજાણ ન હોય એમ માની લેવું ગમશે.

1398માં જન્મેલા કબીર એક સાચુકલા સંત અને એક ઉચ્ચ કોટિના કવિ હતા. બનારસમાં એક પાણીની ટાંકીમાંથી કમળના પાન વચ્ચેથી કોઇ મુસ્લીમ વણકરને તે મળેલા. જેણે આ અનાથ બાળકને પ્રેમથી ઉછેરી તેને કબીર એવું નામ આપ્યું હતું. કબીરનો અર્થ થાય છે “ the great one “ પોતાના નામના આ અર્થને તેમણે જીવનમાં સાકાર કરેલો..નામ તેવા જ ગુણ તેમના જીવનમાં સતત જોવા મળતા રહ્યા છે.
બે લીટીની તેમની સુંદર પંક્તિઓ જે કબીરના દોહાને નામે પ્રખ્યાત છે. તેમાં જીવનની ઊંડી ફિલોસોફી ..જીવનનો ઉંડો મર્મ સમાયેલો હોય છે.આજે સદીઓ બાદ પણ એ દોહાઓ હોંશે હોંશે ગવાય છે..વંચાય છે.. અને વખાણાય છે. તેમની અનેક રચનાઓમાંથી આજે એક દોહાનું રસપાન અહીં કરીશું.

“ મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત “

અર્થાત માણસનું મન જયારે તેના ઉપર હાવી થઇ જાય છે.. ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું નથી. પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે, મનનો ગુલામ નહીં..મનનો માલિક બની શકે એવા સંત તો કોઇ વિરલ જ હોય છે. બહું કઠિન કામ હોય છે મન પર કાબૂ પામવાનું.

બહું ઓછા શબ્દોમાં કેવી મોટી વાત સાવ સહજતાથી કબીરે કહી દીધી છે. માનવીનું મન બહું અવળચંડુ છે. એનો પાર જલદીથી પામી શકાતો નથી. માણસની ઇચ્છાઓ..અપેક્ષાઓ પર મન સતત સવાર હોય છે. મનના ઘોડાઓ માણસને આમથી તેમ દોડાવ્યા કરે છે.. જરીયે જંપ્યા સિવાય. જીવનમાં બધાનો પાર પામી શકાય પણ માનવીના મનનો પાર પામવો..બહું અઘરી વાત હોય છે એનો અનુભવ આપણને સૌને થતો જ રહેતો હોય છે. જેણે મન જીત્યું એણે જગ જીત્યું.. માનવીના મનનો ભરોસો કરવા જેવો નથી. જે વ્યક્તિ મન પર કાબૂ રાખી શકે.. તે સંસારને જીતી શકે.. મનની ઇચ્છાઓ અપાર હોય છે.અને બધી જ ઇચ્છાઓ કંઇ પૂરી થતી નથી કે પૂરી થવા જેવી પણ હોતી નથી. નાની નાની વાતે મન રિસાયા કરે છે. એ કદી ધરાતું નથી.. સંતોષાતું નથી. ભલભલા સંતો મન ઉપર કાબૂ રાખી શકતા નથી. તો સામાન્ય માનવીનું શું ગજું ?

મનકે હારે હાર હૈ.. મન કે જીતે જીત..મન ઉપર કાબૂ મેળવવાની એક સુંદર વાત શ્રી ફાધર વાલેસે તેમના પુસ્તક વ્યક્તિ ઘડતરમાં એક ઉદાહરણ દ્વારા બહું સરસ રીતે કરી છે.
પાયથાગોરસ અને તેના પ્રમેય વિશે આપણે સૌ ભણી ગયા છીએ. એના પ્રમેયો આપણે બધાએ સ્કૂલમાં મને કે કમને ગોખ્યા કે સમજયા હશે. પણ તેમની આ વાત કદાચ આપણે સૌ નહીં જાણતા હોઇએ..

પાયથાગોરસ અને તેના અનુયાયીઓએ એક નિયમ બનાવ્યો હતો. દર થોડા થોડા દિવસે તેઓ બધા સાથે બેસે.. પાર્ટી ગોઠવે…ખૂબ સરસ ભાવતા ભોજન, મિષ્ટાન બનાવે…થાળીઓ પીરસે,એક એક વસ્તુ ના વખાણ કરે, જુએ….પણ ખાવાનું કશું નહીં…મોંમાં પાણી છૂટે,પણ હાથ નહીં લંબાવવાનો..અને થોડી વાર પછી અંતે ભોજનને હાથ પણ અડાડયા વિના ભૂખ્યે પેટે ઉઠી જવાનું. સામે ભાવતા ભોજન પડેલા હોય..પેટમાં સખત ભૂખ પણ લાગી હોય..ધારીએ તો ખાઇ શકીએ તેમ હોઇએ અને છતાં ખાવાનું નહીં..એ કંઇ સહેલી વાત નથી જ.. મન ઉપર કાબૂ મેળવવાની.. મન પાસેથી પોતાનું ધાર્યું કામ કરાવાવાની તાકાત કેળવવાની આ વાત છે. મનના ગુલામ નહીં..મનના માલિક બનવાની આ માનસિક કસરત છે. મનના લોભને એની આંકાક્ષાઓને કોઇ પાર નથી. એ હમેશા માગ્યા જ કરવાનું. આજે માનવી સતત દોડતો રહે છે. ઘડિયાળના કાંટે ભાગતો રહે છે. કોઇ પાસે આજે સમય નથી. નિરાંતે જીવવાનો ..કે જીવન માણવાનો સમય નથી. શા માટે ? મનની અનંત ઇચ્છાઓને સંતોષવા એ આંખો મીંચીને સતત દોડતો રહે છે.
એક બીજું સરસ ઉદાહરણ લઇએ..

અમુક આફ્રિકન કોમમાં યુવાન ઉમરલાયક થાય ત્યારે વિધિપૂર્વક એને સમાજમાં પ્રવેશ આપતા પહેલા તેની કસોટી બોધક રીતે કરવામાં આવે છે.

તેને તીરકામઠું આપીને એકલો જંગલમાં અઠવાડિયા સુધી રખડતો મૂકે છે..શરત બસ એટલી જ કે એ તીર નો તેણે જરા પણ ઉપયોગ નહીં કરવાનો ! હવે જુઓ.. કમાલ.. એ આદિવાસીઓનો સ્વભાવ ..જન્મજાત વૃતિ શિકારીની.. એ એની સહજ પ્રકૃતિ.. જરાક હરણ કૂદયું કે તીર ઉડયું જ સમજો.. હાથ કે તીર રોકાય જ નહીં..

આ આઠ દિવસ એને અનેક હરણ ને શિયાળ, શાહમ્રુગ, જિરાફ, બધા પ્રાણીઓ દેખા દેશે.. હાથમાં તીર કામઠું પણ તૈયાર છે. પ્રાણીઓ દેખાતા જ હાથ સાવ સ્વાભાવિકતાથી તીર પર જશે…તીર ને કામઠા ઉપર ચડાવશે…..પણ તેણે હાથને રોકી રાખવાનો છે. મન ઉપર સંયમ રાખવાનો છે. બીક લાગે કે ભૂખ લાગે…પણ હાથ ન ઉપડવો જોઇએ. મન ઉપર આટલો સંયમ એ યુવાન બતાવી શકે તો જ ગામ ના પુરુષોમાં ખપવાનો એને અધિકાર મળે.

મનના ઘોડા તેજ હોય એ બહું સારી વાત છે.. પણ એની લગામ તો આપણા પોતાના હાથમાં જ હોવી જોઇએ..

આપણા જાણીતા ક્વિ શ્રી ભગવતીકુમાર શર્માની એક સુંદર પંતિ સાથે જ વિરમીશું.

“ આમ તો સત્ય , ત્રેતા ને દ્વાપર ને જાણું,
બહું મુશ્કેલ છે મનનો પાર પામવાનું.. “

( http://www.globalgujaratnews.com/article/saint-kabir/ )

સૌથી મોટો પ્રશ્ન..

ભીતરની સંવેદનનાને જયારે વાચા ફૂટે છે.. એને શબ્દોનો સાથ મળે છે ત્યારે સરી પડે તે કવિતા.. ક્રૌંચ પક્ષીનો વધ જોઇને વાલ્મીકીના હૈયામાંથી સંવેદનાની..કરૂણાની જે સરવાણી વહી નીકળી તે શ્લોક.. એટલે કવિતા..

કોઇ સુંદર દ્રશ્યને જોઇને કોઇ હૈયું સૌંદર્યથી મન અભભભૂત બની ઉઠે ને આપોઆપ શબ્દો સરી પડે ત્યારે સર્જાય છે કવિતા.. પીડાની પરમસીમાએ હૈયું આક્રંદ કરી ઉઠે ત્યારે સર્જાય છે કવિતા.. કવિતા ખુશીની હોઇ શકે. પીડાની હોઇ શકે. સૌંદર્યની હોઇ શકે..અંધકાર કે ઉજાસની, મિલન, વિરહ, અનેક ભાવોની ભરતીમાં ઉછાળા આવે ત્યારે સર્જાય છે કવિતા.. કવિતા મૌનની હોઇ શકે..વાણીની હોઇ શકે.. એકાંતની હોઇ શકે તો એકલતાની પણ હોઇ શકે.. સમાધિની હોઇ શકે..પરમની હોઇ શકે.. કુદરતના એક એક ત્તત્વની હોઇ શકે. ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ કે ભગવા રંગની હોઇ શકે..એના અનેકરંગી સૌંદર્યમાં રંગાઇને.. એ ઝરણામાં ઝબોળાયા પછી સાચો ભાવક કોરો કેમ રહી શકે? કેમકે સાચી કવિતાનું ઉદગમ સ્થાન છે..માનવીનું હૈયું..માનવીનું ભીતર.. અને હૈયાના ઉંડાણમાંથી જે નીકળે એ સ્પર્શ્યા સિવાય કેમ રહી શકે?

કવિતા..એટલે ઉત્તમ ક્રમમાં ગોઠવાયેલા ઉત્તમ શબ્દો…અહીં ઉત્તમ શબ્દ એના વિશાળ અર્થમાં લેવાનો છે. કવિતા ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ, અનેક સ્વરૂપે અવતરી શકે છે. કયારેક એ સૌંદર્યની દીક્ષા આપે છે તો કયારેક જીવનની દીક્ષા આપે છે.. દીવાદાંડી કે ધ્રુવતારકની ગરજ સારીને એક નવો રાહ ચીંધે છે. તો મિત્રો, આજે અત્તરગલીમાં કાવ્યની સુવાસથી તરબતર બનીશું ને?

સૌથી મોટો પ્રશ્ન..
એક દિન મે’તાજીએ છોકરાને પ્રશ્ન કર્યો,
ઇતિહાસ વિશે પ્રશ્ન સહુથી કયો મોટો છે ?
યાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે,
મે’તાજીની આંગળીને ચીંધ સહુ માથે ફરે.
કુરૂક્ષેત્ર ! ટ્રોય કેરો ? ઇતિહાસ ખોટો છે
ફ્રેંચ રાજક્રાંતિ ? એવી ક્રાંતિનો ય જોટો છે.
રાજ્યકેરા ધારા ? એવા ધારાનો ય કયાં તોટો છે ?
વીજળીને સંચાશોધ ? એ તો પ્રશ્ન છોટો છે.
નોખા ધર્મ પંથ ! એમાં ગડબડ ગોટો છે.
સિપાઇના બળવાના વાંસા પર સોટો છે.
સત્યાગ્રહ ! એમાં ય તે કૈંક વાળ્યો ગોટો છે.
આવડે ન તો ગાલે મે’તાજીનો થોંટો છે.
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે..
‘સાબ ! સાબ ! પ્રશ્ન રોટલાનો એક મોટો છે..’
-મુકુંદરાય પારાશર્ય

પહેલી નજરે સાવ સરળ દેખાતા આ કાવ્યમાં કેટલ ઉંડાણ.. કેટલો વ્યાપ અને કેવી મોટી વાત સમાયેલી છે. જાણે ગાગરમાં સાગર સમાઇ ગયો છે. શાંત પાણી આમ પણ ઊંડા ગણાતા હોય છે ને?

વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન કયો? આવો કોઇ પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો આતંકવાદ, ભ્રષ્ટાચારથી માંડીને અગણિત અલગ અલગ જવાબો મનમાં તરત ઉગવા માંડે. અને એ દરેકમાં વત્તે ઓછે અંશે સત્ય પણ હોવાનું.
અહીં આ વેધક કાવ્યમાં પણ શિક્ષક વિદ્યાર્થીઓને એવો જ એક પ્રશ્ન પૂછે છે
‘ ઇતિહાસનો સૌથી મોટો પ્રશ્ન કયો? ‘

“કોઇને કુરૂક્ષેત્રનું યુદ્ધ, કોઇને ટ્રોયનું યુદ્ધ, કોઇને ઇતિહાસમાં થયેલી ફ્રાંસની કે એવી બીજી અનેક રાજક્રાંતિનાં પ્રશ્ન દેખાય છે. કોઇને ધર્મના ભેદભાવનો પ્રશ્ન સળગતો દેખાય છે.”
મ્હેતાજીની..શિક્ષકની આંગળી વારાફરથી બધા છોકરાઓ તરફ ફરતી રહે છે. અને ત્યારે સ્વાભાવિક રીતે જ જુદાજુદા અનેક જવાબ મળે છે. કોઇને કુરૂક્ષેત્રનું યુદ્ધ, કોઇને ટ્રોયનું યુદ્ધ, કોઇને ઇતિહાસમાં થયેલી ફ્રાંસની કે એવી બીજી અનેક રાજક્રાંતિનાં પ્રશ્ન દેખાય છે. કોઇને ધર્મના ભેદભાવનો પ્રશ્ન સળગતો દેખાય છે. ક્રાંતિ, યુદ્ધનો પ્રશ્ન, ધર્મના ભેદભાવનો પ્રશ્ન, ઇતિહાસમાં થયેલી અનેક ક્રાંતિનો.. સત્યાગ્રહ કે બળવાઓનો પ્રશ્ન..દેખાય છે. પણ એ બધા અગત્યના પ્રશ્નો હોવા છતાં શિક્ષકને એ સૌથી અગત્યનો નથી જ લાગતો. કોઇને નવી નવી શોધો સૌથી મહત્વની લાગે છે. પણ એવી શોધોનો તો કયાં તોટો છે? જુદાજુદા કાયદાઓ..પણ એવા કાયદાઓની ભરમાર પણ કયાં ઓછી છે?

પણ દરેક જવાબમાં શિક્ષકને એક કે બીજો વાંધો દેખાય છે. તેની આંગળી તો હજુ ફરતી રહે છે. હજુ એને સંતોષકારક જવાબની તલાશ છે.

અને અંતે એને જવાબ મળે છે..સંતોષકારક જવાબ મળે છે.. કેવો જવાબ? અને કોની પાસેથી?
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે..
‘સાબ ! સાબ ! પ્રશ્ન રોટલાનો એક મોટો છે..’

અહીં બે વાર ઉચ્ચારાયેલા શબ્દ “ સાબ..સાબ..માં છલકાતી કરૂણા ભાવકને સ્પર્શ્યા સિવાય રહી શકે ખરી?

પ્રશ્ન એક રોટલાનો મોટો છે. “સાવ સહજતાથી અપાયેલો, સાચુકલો, હૈયા સોંસરવો ઉતરી જાય એવો આ જવાબ સાંભળી શિક્ષકની આંગળી ત્યાં જ થંભી જાય છે. બની શકે શિક્ષક નિરૂત્તર..સ્તબ્ધ બની ગયા હોય..

ભાવકના ચિત્તને ખળભળાવી મૂકતો આ જવાબ કાવ્યને એક નવી ઉંચાઇ અર્પે છે.

પન્નાલાલ પટેલે તેમની પ્રખ્યાત નવલકથા માનવીની ભવાઇમાં સનાતન સત્ય ઉચ્ચારતું સો ટચના સોના જેવું એક વાક્ય મૂકયું છે. “ ભૂખ ભૂંડી છે, ભાઇ માનવી ભૂંડો નથી.”

સંસ્કૃતમાં પણ કહ્યું છે.
બુભુક્ષિત નર: કિમ ન કરોતિ પાપમ્? ભૂખ્યો માણસ કયું પાપ ન કરી શકે?

અહીં બહુ સરળ શબ્દોમાં એ જ વાત કેવી વેધકતાથી કવિએ કહી દીધી છે.

“જેને બે સમય પેટપૂરતું જમવાના પણ સાંસા હોય તેને બીજી કોઇ ચર્ચામાં..બીજાં કોઇ પ્રશ્નમાં રસ કેમ હોઇ શકે? પેટનો ખાડો ભરેલો હોય ત્યારે જ મનમાં બીજા ઉધામા શરૂ થઇ શકે.”
“ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે” ..કે “ભૂખ્યા પેટે ભજન ન થાય” એવી વાત લગભગ દરેક કવિઓએ, લેખકોએ, સંત, મહાત્માઓએ પોતપોતાની રીતે કહી છે, કહેવી પડી છે. જેને બે સમય પેટપૂરતું જમવાના પણ સાંસા હોય તેને બીજી કોઇ ચર્ચામાં..બીજાં કોઇ પ્રશ્નમાં રસ કેમ હોઇ શકે? પેટનો ખાડો ભરેલો હોય ત્યારે જ મનમાં બીજા ઉધામા શરૂ થઇ શકે. આજે પણ વિશ્વના અનેક બાળકોને પૂરતું પોષણ નથી મળી શકતું. એમની દારૂણ સ્થિતિથી આપણે કોઇ અજાણ નથી જ.. પણ આપણને એ બધું એટલું તો કોઠે પડી ગયું છે કે એ વાત આપણને અંદરથી હચમચાવી મૂકતી નથી. આપણે એની ચર્ચા કરી શકીએ… વાતો કરી શકીએ..મૌખિક સહાનુભૂતિ, ઠાલી..ખોખલી સંવેદના વ્યક્ત કરી શકીએ પણ એ માટે કોઇ નક્કર કાર્ય નથી કરતાં હોતા. અહીં કવિએ આ દિશા તરફ અંગૂલિનિર્દેશ કરીને પોતાનું કવિકર્મ બજાવ્યું છે.

સાવ સામાન્ય અને સરળ લાગતાં આ કાવ્યમાં જીવવા માટેની મથામણ..કરૂણતા કેવી વેધકતાથી રજૂ થઇ છે. ભૂખથી મોટો કોઇ પ્રશ્ન હોઇ શકે ખરો?
( ગ્લોબલ ગુજરાતી ન્યુઝ.ડોટ કોમ પર દર રવિવારે નિયમિત આવતી મારી કોલમ )

http://www.globalgujaratnews.com/article/nilam-doshi-article-on-a-poetry/