બલિદાન

બલિદાન..

બહેન,તમારા જોડિયા બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે.પણ કમનસીબે અમે બેમાંથી એકને જ બચાવી શકીએ તેમ છે.દીકરાને જ બચાવીએ ને?

ડોકટરે ફોરમાલિટી ખાતર પૂછયું.   જવાબની  તેમને  જાણ હતી જ.

સરિતાની નજર સામે સાસુ અને પતિની લાલઘૂમ આંખો તરવરી રહી. પણ બીજી ક્ષણે તે બોલી ઉઠી.

ડોકટર,જો એવું જ હોય તો દીકરીને જ બચાવશો.સદીઓથી દીકરીઓ બલિદાન દેતી આવી છે.આજે એક દીકરો બલિદાન આપશે.

ડોકટરની વિસ્ફારિત આંખો સરિતાને તાકી રહી.

 

હેપી એનીવર્સરી…

 દિવ્ય  ભાસ્કરમાં પ્રકાશિત મારી માઈક્રોફીકશન વાર્તા

 

હેપી એનીવર્સરી

  

 પોતાની વીસમી એનીવર્સરી પર લગ્ન સમયનો ફોટો ફેસબુક પર  પોસ્ટ કરીને વૈશાલીએ લખ્યું,

મિત્રો,

અમારા વીસ વરસના સહિયારા સખ્યજીવનની સુખદ પળો આજે પણ    એવી જ મઘમઘતી રહી છે.  મધુર દાંપત્યજીવનની બે દાયકાની  મહેકતી  યાત્રાના મંગલ  દિવસે આપના  આશીર્વાદની આકાંક્ષા..

 લખાણ પૂરું કરીને  વૈશાલી એકીટશે ફોટાને નીરખી રહી. એક નિસાસો સરી પડયો. ત્યાં બહારથી આવેલા મંથનનો ઘાંટો  સંભળાયો.  ધ્રૂજી ઉઠેલી વૈશાલી ઝડપથી  ભીની આંખો લૂછી,ફોન બંધ કરીને  રસોડામાં ઘૂસી ગઈ.

ફોટા પર હેપી એનિવર્સરીની કોમેન્ટો  વરસતી રહી.

 

 

 

 

 

 

 

 

micro stories

 

1 ગુડ ટચ બેડ ટચ..

વરસની પુત્રીને નિકિતા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહી હતી.

દીકરી ધ્યાનથી મમ્મીની વાત સાંભળી રહી હતી.

બેટા, સમજાયું તને ? ખબર પડી ને ?

હા, મમ્મા..એટલે કે દાદાજી કરે છે બેડ ટચ અને તું કરે છે ગુડ ટચ..રાઈટ મમ્મા ?

નિકીતા સ્તબ્ધ..

2

છેલ્લી વોર્નીગ

છેલ્લી વોર્નીંગ છે. પેપર પર સહી કર અને ચાલી જા, મારી જિંદગી અને મારા ઘરમાંથી. “

અને અમરે દીવાલ પરથી નીતુની તસ્વીર ઉતારી જોશથી ઘા કર્યો.

ફરશ પર કાચના ટુકડાઓ વેરાઈ રહ્યા.

નીતુ પતિ સામે જોઈ રહી.પણ આજે તેના આંસુ પણ અમરને પીગળાવી શકયા.

આખરે નીતુ ઘરની બહાર નીકળી.

તે આંખોથી ઓઝલ થઈ ત્યાં  સુધી અમર તેને નીરખી રહ્યો.

પછી નીચા નમી વેરાયેલા કાચના ટુકડાઓ એકઠા કરી તેને જોડવાનો પ્રયાસ કરતા ભીની આંખે તેણે કબાટમાંથી પોતાના રીપોર્ટની ફાઈલ કાઢી.

 

 

 

 

 

 

 

એ જમાના ગયા..

જમાના ગયા.

 ‘હવે તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? ‘

દેવુ નાનો હતો ત્યારે બધા રંગો તેને બહું ગમતા. તેથી મને થયું કે આવે છે  તો…’

અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ. રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. ‘ પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે..

 

ભૂલી ગઇ ? બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો..પણ બે દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો.

આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે નેઆવું કેટલું યે ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉંહું તો મારા દેવુને ગમશે કરીશ. આખી જિંદગી ભલે બદલાયાહવે બદલાઇશું. ‘ ’ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? ‘

બધી માને એવું લાગતું હોય છે. પણ સો વાતની એક વાત.!

આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો નથી આપવો નેકોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશુંપછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. ’

હા, અને પાછો તેનો સાત વરસનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળીએટલે નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો..બા, હું તમારું ઘર જોવા આવું છું. ‘ પૌત્રની વાત યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઇ ગયો.

 

તો રમેશભાઇની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ?

પતિ પત્ની એકબીજા સામે ધૂંધળી આંખોએ મૌન બની જોઇ  રહ્યા.

 જરાવારે સ્વસ્થ થઇ ને રમેશભાઇ બોલ્યા, ‘ એટલે તો ઘર  સરખું, એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાણી થોડું ગમેએમને તો બધી સગવડ જોઇએ.

અને દેવુએ  તેના દીકરાને કેટલીયે અને કેવી વાતો ઘર વિશે કરી હશે..તેથી તો નાનકડા રોહને મને ફોનમાં કહ્યું હતું ને કે

 “ દાદા, તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે !  “

  દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો..? ના..ના..મારા દીકરાને જરાયે ઓછું આવે એવું  હું નહીં થવા દઉં…’

 સાત વરસના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે..તેની મીઠી કલ્પનામાં  પતિ પત્ની બંને ખોવાઇ  રહ્યા.પાંચ વરસ પહેલાં દીકરો એકલો આવ્યો હતોઆજે  હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ  આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકતો હતો. દેવાંગ કયારેક  રોહન સાથે ફોનમાં વાત કરાવતો. પણ જોવા તો હવે મળશે. પૌત્રને  પોતે શું આપશે..કયાં લઇ જશે, તેને શું ગમશે, શું નહીં ગમેતેની ચર્ચામાં દાદા, દાદી  મશગૂલ થઇ ગયા.

પૈસાનો કોઇ પ્રશ્ન હતો નહીં તેથી ઘરનું કામ ઝપાટાબંધ થવા લાગ્યું. રમેશભાઇ માથે રહીને દેખરેખ રાખતા.

 કારીગરોને કહેતા રહેતા..

જોજો, કયાંય કચાશ રહેવી જોઇએ હોં. મારો દેવુ..મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ  થવું જોઇએ.પૈસા પૂરા લેજો પણ મને કામમાં વેઠ નહીં ચાલે..હા, કહી દઉં છું. મારો દેવુ આવે છે..

અને મારો દેવુ કંઈ માસ્તરના દીકરાની જેમ બે દિવસ નહીં.. તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શકયા નહીં. પછી બિચારા દીકરાનો શું વાંક ? સગવડોથી ટેવાઇ ગયો હોય એટલે આવામાં રહી શકે ને ? પણ હું કંઇ એવી ભૂલ થોડો કરું ?

રમેશભાઇ પોતાની જાતને સધિયારો આપતા હતા  કે પછી…..

 દીવાલો પર વરસોથી ટહુકતા મોર,પોપટ અદ્રશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ, ચમકતી..ડીસ્ટેમ્પરવાળી દીવાલો શોભી ઉઠી. નીતાબહેન મૌન રહી પતિની ધૂન જોઇ રહેતા.

પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખ્યુંવરસો સુધી સાચવેલ તેનું નાનું ટેબલ..જેના પર દેવુએ જાતજાતના રંગીન સ્ટીકરો ચોંટાડેલ હતા. જે  બધા હવે અડધા ફાટી ગયા હતા. તો પણ નીતાબહેનને દીકરાની યાદગીરી માનીને આજ સુધી સંભાળી રાખ્યા હતા. તે કચવાતે મને કાઢી નાખ્યાતેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ અને  કાચનો મજાનો  ફલાવરવાઝ ગોઠવાઇ ગયા. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ.. હતો જેને દેવુ પોતાનીજાદુઇ પેટી ‘  કહેતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ., જાતજાતના ચિત્રો, સાપસીડીની ઘસાઇ ગયેલ રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખા થઇ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં વીંટાયેલ થોડો ગુલાબી દોરો, તૂટી ગયેલ પૈડાવાળી બે ચાર નાની મોટરો..કેરમની થોડી કૂકરીઓ, કપડાના ગાભાનો બનાવેલ એક દડો, ચાન્દામામા માસિકના વરસો પહેલાના થોડા અંકો..જેના જીર્ણશીર્ણ થઇ ગયેલા  પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા. આવો કેટલોયે ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભારણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. માયા છૂટતી નહોતી. આજે બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે યાદો નકામી બની ગઇ હતી ?

માનવી પણ આમ એક દિવસ નકામો..ભંગાર બની જતો હશે  ને ? બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઇ સાદ સંભળાઇ રહ્યો હતો.. કોઇ તેને રોકી કે ટોકી રહ્યું હતું કે શું ? કે પછી ભણકારા ?  ‘

બા, મારી બધી કીમતી વસ્તુઓને  કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઇ ખબર પડે..તું  મારું બધું  આડુંઅવળું કરી દે છે. ભલે ધૂળ ખાતું..હું મારી જાતે સાફ કરીશ. ‘

કોણ બોલ્યું ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? તો દેવુના શબ્દો ક્ષણે પોતાને કેમ સંભળાયા ?

ભણકારા તો..! તેમની આંખો પુત્રની યાદમાં છલકી આવી. વરસો પહેલા કયારેક પોતે કબાટ સાફ કરવા લેતી તો દેવુ પોતાને કેવો ખીજાતો..આજે પણ  ખીજાય છે કે શું ? ના..આજે..તો બધું  કચરો..ભંગાર બની ગયો હતો..ભારે હૈયે, હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફસૂફી આદરી.

પતિએ ખાસ સૂચના આપી હતી.કે  દેવુનો રૂમ બરાબર સાફ કરવાનો છે

મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠયા. ફળિયામાં નવો બાથરૂમ અને કમોડ બનાવ્યા હતા. જો કે કરવા જતાં વરસોથી ફળિયામાં ઉભેલ..સુખ દુ:ખના સાક્ષી અને સાથી બની રહેલ  નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડયા હતા. તેનો  રંજ ઓછો નહોતો. રમેશભાઇનો જીવ ખૂબ કચવાયો હતો. પરંતુ મનમાં સતત એક રટણા હતી..

શિવલાલ માસ્તરના છોકરાની જેમ કયાંક દેવુ પણ…….!

 રમેશભાઇ આગળ વિચારી શકયા. ઘરમાં ડાઇનીંગ ટેબલ, સોફા, અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસમોટો પલંગ આવી ગયો. કયાંય કોઇ કચાશ રહેવી જોઇએ..દેવુને લાગવું જોઇએ કે હવે અહીં પણ બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઇએ..ફરીથી આવવાનું મન થવું જોઇએ..પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી જે પોતાને અતિ પ્રિય હતી..હમેશા સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનુ કંઇ જોઇએ..સગડી ચૂલા તો કયારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા..તે પણ ભંગારમાં ગયા..હાશ ! ચારેતરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઇ પહેલીવાર સોફામાં ગોઠવાયા..થોડું અડવું તો લાગ્યુ. પરંતુ દેવુને ગમશે. બસ એક ધૂને

 મનમાંથી બધો રંજ  તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો.

નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઇ રહેતા હતા. કયારેક તેમનાથી એક નિ:શ્વાસ નખાઇ જતો હતો. પણ….. !

ઘરનું કામ પૂરું થતાં મન ખાવાપીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી.’ તારી ગોળપાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારાબધું ભૂલી જએ. પાછી હરખપદુડી થઇને

  “  મારી ગોળપાપડી બહુ સરસ બને છે..દેવુને બહુ ભાવે છે….!  “ બધી જૂની પુરાણી  વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઇએ..શું સમજી ? હવે તેને એવું બધું ખાવાની આદત હોય તે યાદ રાખજે

નીતાબહેન શું સમજે ? બાઘાની જેમ  પતિ સામે જોઇ રહ્યા.

 દીકરા માટે ઘરમાં મેગી, નુડલસના પેકેટો, તૈયાર જયુસના પેક..જાતજાતના ડબલાસૂપના પેકેટ વિગેરે બાજુના શહેરમાંથી મગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર,ચીઝ, સોસ,જામના પેકેટ ઘરમાં ઠલવાઇ ગયાતો રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે ? દેવુ અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટીવાળી સોડા પીવાની બહું આવતી. રમેશભાઇને થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયુંલેવા પણ ગયા.પરંતુ આવ્યા ત્યારે નાળિયેરને બદલે હાથમાં સોફટડ્રીંકસની બોટલો..થમ્સ અપ, કોક અને પેપ્સી હતાનીતાબહેન બોટલોને તાકી રહ્યા.

 હવે તો એક દિવસ..બસ એક દિવસ..કાલે તો દેવુ અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. એક મહિનો..પૂરો એક મહિનો ઘર ગૂંજી રહેશે. દેવુ કંઇ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો બે દિવસમાં ભાગી જશે ?

 દેવુ સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ’ના, ના, થોડો એમ ધૂળમાં રમવાનો છે ? દેવુ સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઇને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવુ કેટલીયે વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવુ દડો લૂછતો દેખાતો હતો

જોકે હવે તો ફળિયામાં ધૂળ   કયાં હતી ? ફળિયુ તો કેવું  ચકાચક  કરાવી લીધુ હતું.

અમેરિકાવાળાઓને ધૂળની કેટલી નફરત છે પોતે કયાં નહોતું જોયુ

 ફળિયામાં બાપદાદાના સમયથી કૂવો હતો..જેનું પાણી વરસોથી પી ને  પોતે અને દેવુ પણ મોટા થયા હતા. તે પણ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આવા ઘરમાં કૂવો થોડો શોભે ?

જોકે પત્નીને બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી. પણ અંતે પુત્રપ્રેમ આગળ બધાની શું વિસાત ? તેથી  અંતે બધું સમુસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ..હવે તો કાલે દેવુ આવશે અને બધું જોઇ તેને હાશ થશે.

વિચારો..કલ્પનાઓમાં માણસ કેટકેટલું જીવી લેતો હોય છે.!

રમેશભાઇએ દીકરાનું આખું શૈશવ ફરી એકવાર બે કલાકમાં જીવી લીધું. ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા.

બરાબર ત્યારે પ્લેનમાં બેસેલ દેવાંગદેવુ પોતાના સાત વરસના પુત્રને કેટલાય રસથી થાકયા વિના બધી વાત કરતો હતો. ભારતમાં ડેડીને ઘેર શું હશે..કેવું હશે  તે સાંભળી સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઇ ગયું હતું. સમજાતી  કેટલી યે  વાતો તેણે ડેડીને પૂછી પૂછીને સમજી હતી.

ઘરની દીવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે..ફલાવર્સના ચિત્રો હશે.. વાત તો રોહનને એટલી અદભૂત અને રોમાંચકારી લાગી હતી કે તે બધું જોવા અધીર થઇ ઉઠયો હતો. અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો,’ ડેડી, કેટલા પીકોક હશે ? પેરેટ કેવા..કેવડા હશે ?..’

અને ફળિયામાં કૂવો હશે…! કૂવો એટલે શુંતેમાંથી પાણી કેમ નીકળે..કેમ કઢાય? બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો પણ તેને મજા પડી ગઇ હતી. રોહને તો કલ્પનામાં પાણીની  કેટલીયે ડોલો ઉલેચી નાખી હતી.

 

 બેટ બોલ કેવા હશે..પોતે કેવી રીતે રમશે..લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો.

 નીલગીરીના બે પાન તોડી, મસળીને હાથમાં ઘસીએ એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે વાત કરતાં તો દેવાંગ પણ ફરી એકવાર સુગંધથી સુરભિત થઇ ઉઠયો. અને રોહન તો..’ ઓહ..! વાઉ! લીફને ઘસીએ એટલે પરફયુમ જેવી સ્મેલ આવે ? વોટ મેજિકઆસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ લાલ ટેટા કેવા ખવાય.. બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકયા હતા. દિવાળીમાં વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે..નીલગીરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને  કથા કરાવશે..સત્યનારાયણની કથાનો શીરો ખાધે વરસો વીતી ગયા. હજુ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેક કે કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. બધું થોડી વાર  તેને ભૂલી જવું હતું. ફરી એકવાર દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી.

ગામમાં લાઇટો ભલે આવી ગઇ હોય..પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં બે ચાર દિવસ તેને ઝળાહળા થવું હતું. માળિયેથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે.

 બહાર ઠંડા,મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલવ સાથે ગોઠડી કરતા કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ગયોખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતાં તેને તો વાત બહુ ગમી ગઇ. સૂતા સૂતા સ્ટાર અને મુન દેખાય..વાઉ ! સ્ટારની તો કેટલી બધી પોએમ્સ પોતાને આવડે છે. ડેડીએ કહ્યું છે કે  સૂતા સૂતા દાદાજીને તારી બધી પોએમ્સ સંભળાવજે. બા, દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે  રમશે અને આખા સૂઇ જવાય તેવી ખુરશી..! વાહ.. પોતાને કેવી મજા પડશે..! અમેરિકામાં તો પોતાને ઘેર આવું  કંઇ નથી.

 ઘોડાગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા આવી ગઇ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે. મંદિર, આરતી..ઓહ..! ઇન્ડીયામાં કેટલું બધું છે.

બા અને દાદાજીને જેશ્રીકૃષ્ણ કેમ કહેવાય એની તો કેટલી બધી વાર પોતે પ્રેકટીસ કરી હતી. Indian good morning..એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો સ્ટોરી પણ ડેડીએ કરી હતી. અને દાદાજી તો રોજ બધી સ્ટોરી પોતાને કરશે..કનૈયો ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશેઇંડીયન કેડબરી દાદીમા ઘરમાં જાતે બનાવે છે.!

રોહન આતુર બની ઉઠયો. પપ્પાના સરસ મજાના ઘરને મળવા

ત્યારે દેવાંગ વિચારોને ઝૂલે ઝૂલી રહ્યો હતો. એક મહિનામાં ફરી એકાદ વરસ ચાલે તેટલું ભાથુ મળી જશે.. હવે તો લીઝા ગમે તે કહે દર વરસે એક મહિનો તો ઘેર બા પાસે આવવું છે. લીઝા આવે તો કંઇ નહીં. પોતે તો રોહન સાથે આવશે . થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ..હવે નહીં..

દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગીરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર….!

 રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો !

ત્યારે દાદાજી  ટેક્ષીની વ્યવસ્થા કરવામાં મશગૂલ હતા.મારો દીકરો ઘોડાગાડીમાં ઠચૂક ઠચૂક કરતો થોડો આવશે ? જમાના ગયા..

( parab ma prakashit 2011)

microfiction

હરખ તો થાય જ ને ?

 અયના ધૂમ ખરીદી કરીને ઘેર આવી. પૂરા બે લાખની મનપસંદ ખરીદી પછી પણ ન જાણે કેમ પણ મજા ન જ આવી. બલ્કે  થાકી જવાયું હતું. તેણે હાશ કરી, હોલમાં  સોફા પર જ  લંબાવ્યું. પર્સમાંથી મોબાઈલ કાઢયો. વોટ્સ અપ ખોલ્યું. તેની આંખો કદાચ એમાં કોઈનો મેસેજ કે મીસ કોલ  શોધવા મથી રહી. પણ…

ગુસ્સો કે પછી નિરાશા…તેણે  મોબાઈલનો  ઘા કર્યો. અને રમાને કોફી  માટે બૂમ પાડી.

થોડી જ મિનિટોમાં  રમાએ કોફીનો મગ મેડમ સામે ધર્યો.

આજે રમાના હસુ હસુ થતા ચહેરાને જોઈ અયનાને આશ્વર્ય થયું.

‘રમા, આજે તો તું કંઈ બહું ખુશ દેખાય છે ને ?

રમાનો ચહેરો શરમથી ગુલમહોરી..

‘ અલી,  વાત શું છે ? ‘

‘ મેડમ, દિવાળી આવે છે ને એટલે  આજે મારો વર મારા માટે એક સાડી લાઈવો છે. સાવ નવી નક્કોર હોં.  છ મહિનાથી પૈસા બચાવતો હતો. કડિયાકામ કરતી વખતે એને વચ્ચે વચ્ચે ચા પીવાની લત હતી.  પણ છેલ્લા છ મહિનાથી રોયાએ ચા પીવાની બંધ કરીને પૈસા  બચાવ્યા હતા. કાલે એમાંથી મારે હારૂ સાડી..

એટલે  હરખ તો થાય જ ને ? ‘

અયનાના ચહેરા પર ન જાણે કેવી યે ઉદાસીની છાયા..

કાશ !

અચાનક  તેના મનમાં કોઈ વિચાર સળવળ્યો. 

 તેણે  ધીમેથી ફોન ઉપાડયો.

 

આજનો અનુભવ..

આજનો અનુભવ..
ગઈ કાલે ડેલસ આર્ટ મ્યુઝીયમ જોવા ગયા હતા. અહીં અમેરિકામાં જોવાલાયક સ્થળો સામાન્ય રીતે અતિ ભવ્ય જ હોય છે. મારે અહીંના સ્થળોની વાત નથી કરવી. એ બધી વિગતો તો ગૂગલ પરથી આંગળીના ટેરવે મેળવી શકાય છે. મારે તો અહીંના એ અનુભવોની, એ સંવેદનાની વાત કરવી છે જે ભીતરના ગૂગલને સ્પર્શે છે. અને એ આંગળીના ટેરવે નહીં, પણ દિલના દરવાજે ટકોરા દેવાય તો જ મળી શકે.
મ્યુઝીયમ જોયા પછી બાજુના જ એક રળિયામણા અને વિશાળ એવા કલાઇડ વોરન પાર્કમાં ગયા હતા.
ત્યાં લગભગ સીતેરેક વરસનો એક પુરુષ એક મોટી કાર્ટમાં બાળકો માટેની જાતજાતની રમત લઈને કશું બોલ્યા સિવાય બાળકોને મોજ કરાવતો હતો. તેની સામે વીસેક જેટલા બાળકો ખુશખુશાલ બનીને દોડાદોડી કરતા હતા. મસમોટા બબ્બલ કરીને હવામાં ઊડે અને બાળકો જમ્પ કરી કરીને એને ફોડે. ખાસ્સી વીસેક મિનિટ એ ચાલ્યું. પછી એકી સાથે બે ચાર ફ્રીઝ બી હવામાં ફંગોળે અને બાળકો દોડે. જેના હાથમાં આવે એ ફ્રીઝ બી એ બાળકની થઈ જાય. બધા બાળકો લગભગ ત્રણથી છ, સાત વરસની ઉંમરના હતાં. ફરીથી સાબુના ફીણ જેવા બબ્બલસનો વારો આવે.
એકાદ કલાક બાળકોને રમાડયા પછી પાંચેક મિનિટનો વિરામ લઈ ચૂપચાપ એ પાર્કની બીજી બાજુએ જયાં બાળકો દેખાય ત્યાં પહોંચે અને ફરીથી ત્યાં એ રમત ચાલુ થાય.

ત્યાં બીજા કોઈ સાથે વાતચીત કરતા ખબર પડી કે એ રોજ અહીં પાર્કમાં આવી જે બાળકો હોય તેની સાથે આ રીતે આખી સાંજ વીતાવે છે. કોઈ મોટી મોટી વાતો નહીં, બસ મૌન રહીને સાવ અજાણ્યા બાળકોને મોજ કરાવ્યે જાય છે. બાળકોના ચહેરા પરનું હાસ્ય જોઈને એ ખુશખુશાલ.

આપણે ત્યાં પણ સીનીયર સીટીઝનોનો કયાં તોટો છે ? આ દ્રશ્ય જોઈને ઘણાં વિચારો મનમાં ઉમટી પડયા. પણ તેજીને ટકોર જ હોય. અને મિત્રો બધા તેજી છે જ ને ?

અમેરિકાના અનુભવો..

આજનો અનુભવ..1

મારો દીકરો અહીં કાર્ડિયોલોજીસ્ટ છે. સાંજે ઘેર આવીને એવી કોઈ વાત હોય તો કહેતો હોય છે.
આજે આવીને એણે આજની વાત કહી,
મમ્મી, આજે એક પેશન્ટને પેસમેકર મૂકવાનું હતું. 85 વરસની લેડી હતી ( આપણા દેશી શબ્દમાં કહીએ તો 85 વરસના માજી..! ) પેસ મેકર મૂકાવતા પહેલાં એણે મને એક સવાલ પૂછયો,
મારે બે વીક પછી બોલીંગની ટુર્નામેન્ટ છે. મૂકયા પછી હું એમાં ભાગ લઈ શકીશ કે નહીં ? જો લઈ શકાય તો હું પછી પેસમેકર મૂકાવીશ.
હાર્દિકે જવાબ આપ્યો કે હા, તમે પંદર દિવસ પછી ટુર્નામેન્ટમાં જરૂર ભાગ લઈ શકશો. ‘
ત્યારે તેને હાશકારો થયો અને પેસમેકર મૂકાવવા તૈયાર થયા. .જે તેને માટે તાત્કાલિક મૂકાવવું ખૂબ જરુરી હતું..
મને સ્વાભાવિક રીતે મનમાં વિચાર આવી ગયો કે આપણે ત્યાં 85 વરસના માજી મંદિર કે કોઈ ધાર્મિક સ્થળ સિવાય બીજી કોઈ વાત વિચારે ખરા ? વિચારે તો પણ સમાજ કે સ્વજનો તેને માટે કેવી વાત કરે ? કોઇ મોટી ઉમરની સ્ત્રી જરાક વધારે તૈયાર થાય તો કહેવાય કેઘરડી ઘોડી ને લાલ લગામ .”
અહીં કોઈ પણ ઉંમરે જીવનને માણવાની જે તત્પરતા છે મને ખૂબ ગમે છે, ખૂબ સ્પર્શે છે.
કોઈ સરખામણી કરવી નથી છતાં મનમાં વિચાર ફરકી જાય છે.

 

ગઈ કાલનો એક અનુભવ…2

અહીં સવારે ઘરમાં એકલા હોઈએ ત્યારે અમે બંને બાજુમાં આવેલા મોલમાં ચાલવા જઈએ. મજાની વાત કે અહીં રસ્તો ઓળંગવામાં જરા યે ડર નથી લાગતો. અમદાવાદ કે રાજકોટ, જામનગર કે કદાચ ગુજરાતના કોઈ પણ શહેરમાં રસ્તો ક્રોસ કરતા મને તો બહું ડર લાગતો હોય છે.
ગઈ કાલે મોલમાં ચાલતા હતા ત્યાં એક સ્ટોરમાં ખેડા જિલ્લાના એક બહેન કાઉન્ટર સંભાળતા હતા. એની સાથે થોડી વાતચીત થઈ. છેલ્લે એક બીજાના નામ પૂછયા ત્યારે મારું નામ સાંભળીને એમણે પૂછયું,
આખું નામ ” ?
નીલમ દોશી
એટલે પેલા દીકરી મારી દોસ્ત જેમણે લખી છે એના લેખક તો તમે નહીં ને ?
અને મારો જવાબ હકારમાં મળ્યા પછી તો
વહાલની જે વર્ષા થઈ છે.એમાંથી હું હજુ સુધી કોરી નથી થઈ.
મજા પડી ગઈ.

 

આજનો અનુભવ..3

આજનો અનુભવ જોકે સારો નથી રહ્યો.

બે દિવસ પહેલા મારા દીકરાના મિત્ર અને તેની પત્ની અમને મળવા આવ્યા હતા. એ મિત્ર દંપતી પણ ડોકટર છે.

તેમને છ વરસની એક દીકરી છે. કંઇક વાત નીકળતા મિત્રપત્ની  ડો. દર્શનાએ કહ્યું,

‘ ગયા વરસે ક્રીસમસ ઉપર હું કોલ ઉપર હતી. તેથી પ્રાચીના ટીચર માટે ગીફટ લેવા નહોતી જઈ શકી.તો ક્રીસમસના અનુસંધાનમાં  ટીચરે બીજા બધા બાળકોને કાર્ડ આપ્યા. ફકત મારી દીકરીને  ન આપ્યું. કેમકે તેણે ગીફટ નહોતી આપી.

છ વરસની પ્રાચીને  અપમાન લાગ્યું. તે ઘેર આવીને રડી પડી કે ટીચરે મને કેમ ગીફટ ન આપી ?

ડો. દર્શનાને ખૂબ ખરાબ લાગ્યું. કે કદાચ હું સમયસર ગીફટ ન મોકલી શકી તો નાના બાળક સાથે આવું કેમ કર્યું ?

તેણે સ્કૂલના પ્રીન્સીપાલને આ વાત કરી.અને પરિણામ..?

આજે પણ પ્રાચી સાથે રોજ રોજ ઓરમાયું વર્તન થાય છે અને પ્રાચી રોજ સવારે સ્કૂલે નથી જવું ની રટ લગાવે છે.

ડો.દર્શના અફસોસ કરતા કહે છે કે કાશ ! મેં ટીચરની ફરિયાદ કરવાની ભૂલ ન કરી હોત.

કોઈ ટિકા ટિપ્પણ કર્યા સિવાય જે વાત થઈ એ એમ જ મૂકું છું.

આજનો અનુભવ..4

ગયા અઠવાડિયે એક મિત્રને ઘેર જમવા ગયા હતા. મિત્રના દાદીમા પહેલી વાર અમેરિકા એક મહિના માટે આવ્યા હતા. દાદીને અમેરિકા બતાવવાની હોંશથી એણે મમ્મી, પપ્પા સાથે દાદીમાને પણ ખાસ તેડાવ્યા હતા.

મેં હસતા હસતા દાદીમાને પૂછયું,

‘ બા, મજા આવે છે અમેરિકામાં ? ગમે છે ?

ગામડેથી આવેલા માજીએ ઉભરો ઠાલવ્યો.

“ ન મળે દેવ દર્શન, ન મંગળા આરતી. બાથરૂમમાં ના’વા ઘૂસીએ તો માલીકોર મોટી મોટી કુંડિયું. માંય ગરવું કેમ ? આવી કૂંડિયું ન નખાવતા હોય તો.

 પાડોશમાં કોણ રે છે એની યે ખબર ન પડે. બાઈ આવું તે કંઈ હોતું હશે ? પેલો સગો તો પડોશી જ કેવાય ને ?

અને આ મારો ધવલિયા કોઇ દિ ઘેર પાણીનો ગલાસ નો’તો ભર્યો અને અહીં વહુના રાજમાં રોજ રાતે ઠામડાં ઘસે છે.’

માજીની વાતો તો ઘણી લાંબી ચાલી. અમે બધા હસતા રહ્યા. મજા પડી માજીની વાતો સાંભળવાની..

 

પ્રિયની પ્રતીક્ષામાં..

 

હંસના મના હૈ..

 

પ્રિયની પ્રતીક્ષામાં…

હે પ્રિય,

આંખમાં આવકારનું આંજણ આંજી, હૈયામાં આસ્થાનો દીપ જલાવી,મેઘની રાહ જોતા ચાતકની જેમ હું તારી પ્રતીક્ષા કરી રહી છું. પ્રિય,તું આવીશને? તારા ઇંતજારમાં નયનો બિછાવી,તારા પુનિત પદરવ સાંભળવા મારા કાન નહીં, મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ અધીર બની ગયો છે.મારી આશાભરી આંખો રસ્તા પર દૂર દૂર સુધી દોડતી રહે છે. તારી એક ઝાંખી કરવા માટે હું જલ બિન મછલીની જેમ તડપી રહી છું.તારી ફકત તારી પ્રતીક્ષામાં જન્મજન્માંતરથી હું ઝૂરતી રહી છું તારા માટે . પ્રિય, તારા માટે

હે પ્રિય, તારા વિરહમાં, તારી પ્રતીક્ષા કરતા કરતા  મેં અનેક કાવ્યો લખી નાખ્યા. જેના કરૂણરસથી દ્રવિત થઇને ભીની થયેલ આંખો વડે કડક વિવેચકોને પણ તે કાવ્યોના વખાણ લખવા પડયા.  કદાચ ટૂંક સમયમાં એ પ્રતીક્ષા કાવ્યનો એકાદ સંગ્રહ પણ થઇ જાય અને તેને બેચાર નાના મોટા એવોર્ડ મળવાની શકયતા પણ નકારી શકાય નહીંજોકે એમ તો સમયાંતરે તારા અદભૂત  મિલનનું સન્નિધ્ય પણ મને મળતું જ  રહે છે. તેનો મારે સહર્ષ સ્વીકાર કરવો રહ્યોમિલન પછી વિરહ અને ઇંતજારપ્રતીક્ષાના અગાધ મહાસાગરમાં હું વારાફરતી હિલોળા લેતી રહુ છું.

હે પ્રિય,તારું મિલન મને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે.આનંદરસના મોજા પર સવાર થઇને મારી ઉર્મિઓ છલકતી રહે છે.  દૂર દૂરથી તારા દર્શનની ઝાંખી થતા  જ  હું ગાઇ ઉઠું છું.

 આને સે ઉસકે આઇ બહાર, જાને સે ઉસકી જાયે બહાર.. બડી મસ્તાની હૈ મેરી મહેબૂબા..મેરી જિંદગાની હૈ મેરી મહેબૂબા..આવું કોઇ ગીત પણ હું ગણગણી ઉઠું છું. આમ જીવનના અદભૂત આનંદરસનું પાન કરાવવા બદલ હે પ્રિય,હું તારી ઓશિંગણ છું.

હે પ્રિય, તો કયારેક અચાનક તું તારા  અણધાર્યા, આકસ્મિક, અણચિંતવ્યા વિરહથી મને કરૂણરસના ઘેરા મહાસાગરમાં ડૂબાડી , જીવનના સૌથી અમૂલ્ય રસ, કરૂણ રસનો પરિચય, અનુભવ કરાવી આપે છે.

( અલબત્ત એ કરૂણ રસ પછી રૌદ્ર રૂપ ધારણ કરીને ઘરના અન્ય સભ્યોને  રૌદ્ર રસનો અનુભવ કરાવી જાય  એ અલગ વાત છે. )

બાકી દરિયામાં યે ભરતી ઓટ છે, તો માનવજીવનમાં મિલનના માધુર્ય પછી વિરહની વેદના હોય ને? મહાન વેદના સાથે કાયમનો અતૂટ નાતો બંધાવી આપવા માટે હે પ્રિય,હું તારી ભવોભવની ઋણી છું ને રહીશ..અને વિરહની મારી ગઝલો તો હવે વિશ્વમાં પ્રખ્યાત થવા માંડી છે.શુધ્ધ વેદનાની શાહીમાં ઝબોળાઇને લખાયેલ કાવ્યોમાંથી ટપકતા કરૂણરસથી ભલભલા કઠોર હ્રદયો મીણની જેમ પીગળી ગયા છે.હે પ્રિય, માટે હું તારો આભાર માનું એટલી કૃતઘ્ન..કે નિર્દય તો હું થઇ શકું ને?

અને મિલન અને વિરહ વચ્ચે વહેતી પરમ ઇંતજારપ્રતીક્ષાની પુનિત ..પરમ પળોનું તો કહેવું શું ? કોઇએ કહ્યું છે કે

 ”પ્રાપ્તિ કરતા પ્રયત્નનો આનંદ વધુ હોય છે…”  જોકે મને તો કયારેય સાચું નથી લાગ્યું. તારી પ્રાપ્તિનો જે અદભૂત આનંદ છે હું કેમેય જતો કરી શકું તેમ નથી .

પણ પ્રિય, મારી તને એક વિનંતિ છેઆજીજી છે કે પ્રતીક્ષાની પળો મહેરબાની કરી હવે બહુ લંબાવીશ નહીં. મારી ધીરજનો..દોર ,આશાનો તંતુ, પતંગની જેમ કપાઇ જાય, તૂટી જાય, બટકી જાય.. પહેલા હે પ્રિય,તું આવીશને ? મારાથી તારો વિરહ હવે સહન નથી થતોનથી થતો

પ્રતીક્ષાની પળો મને પરમની સમીપે પણ લઇ જાય છે એની ના નહીં.તારી પ્રતીક્ષામાં મારા બે હાથ અનાયાસે ઇશ્વરને જોડાઇ જાય છે. રીતે જીવનના બીજા એક અમૂલ્ય રસ..ભક્તિરસનો પણ તેં મને લાભ આપ્યો છે.
જોકે ભગવાનના દર્શન કરતીવખતે પણ મારા મનમાં તો તારું રટણ હોય છે..એનો સ્વીકાર મારે ખાનગી ધોરણે પણ કરવો રહ્યો.

હે પ્રિય, તારો ઇંતજાર કરતી હું અનિમેષ નયને આવતી જતી દરેક વ્યક્તિને નીરખી રહું છું.કાલિદાસના કયા મેઘ સાથે હું તને સંદેશો પાઠવું ? યે મને સૂઝતું નથી. આવતી જતી દરેક વ્યક્તિમાં તારા દર્શન કરવાની મને તડપ જાગે છે. મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ  તીવ્ર આતુરતાથી તને ઝંખી રહે છે.

હે પ્રિય તું આમ કઠોર શા માટે થાય છે ? તારી ઉપર ગુસ્સો કરવાની મારી હિંમત કે શક્તિ નથી . અને મારી મજબૂરી  તું બરાબર જાણે છે, સમજે છે. પ્રિય,  તું ખૂબ સારી રીતે જાણે છે કે તારા વિના મારી જીવનનાવ સરળતાથી આગળ ચાલી શકે તેમ નથી .

પણ હે પ્રિય,મારા મજબૂર પ્રેમથી મગરૂર થઇને એનો તું ગેરલાભ ઉઠાવીશ. તારી દરેક શરત મને મંજૂર છે. મને તારાવિના નહીં ચાલે એનો આજે  હું  અહીં જાહેરમાં સ્વીકાર કરું છું. મિથ્યા જગતમાં તારા વિના મારે બધું મિથ્યા છે.  

“ તારા વિના મને જગ લાગે ખારો રે….” મીરાબાઇની જેમ હું યે ગાઇ શકું તેમ છું.

તારો વિરહ મને જેટલી અપસેટ કરી નાખે છે. તેટલુ અપસેટ બીજુ કોઇ કરી શકતું નથી. તારા વિરહનો પ્રતાપ મારા જીવનની એક એક ક્ષણમાં સંકળાયેલ છે,તાણાવાણાની જેમ વણાયેલ છે.હું બધું યે સહન કરી શકુ છુ. જો એક તારો સાથ મળે તો….

બાકી તો યે દુનિયા અગર મિલ ભી જાયે તો કયા ?”

ના,ના, હે પ્રિય, હવે ઇંતજાર સહન નથી થતો. અને

ઇંતજારકે એક એક પલકા બદલા લૂંગી

એમ પણ હું નથી કહી શકતી.પ્રેમમાં બદલાની ભાવના તો પામર લોકો રાખે.  એવો કુવિચાર મારા દિલમાં કેમ પ્રવેશે?

 

જોકે અનેક કુવિચારો પ્રવેશે તો છે પણ છતાં  કંઇ કરી શકું તેમ નથી..)

 

પણ હે પ્રિય, હવે તું મને વધુ તડપાવીશ નહીં. જીવનના ઘણા રસોનો વારંવાર અનુભવ કરાવવા બદલ હું તારી ઋણી છું ને રહીશ. લાગણીઓના લાખ લબાચાથી લથપથ થયેલી  હું અત્યારે, પળે પણ તારી પ્રતીક્ષામાં તરફડી રહી છું. જળ વિનાની માછલીની જેમ ટળવળી રહી છું તારા વિરહમાં તારા પરનો ગુસ્સો ઘરની દરેક વ્યક્તિ પર અનાયાસે મારાથી નીકળી જાય છે. તારી ગેરહાજરીમાં મારા રૌદ્રરૂપના દર્શન ઘરમાં બધાને થાય છે. માટે હે પ્રિય,મને આમ તું વિરહવેદનામાં તડપાવીશ નહીં.કવિવર ટાગોરની પરમને પામવાની જે ઝંખના ગીંતાજલિમાં વ્યકત થઇ છે.એટલી ઉત્કટતા..પ્રબળ ઝંખના હું તારા માટે અનુભવી રહી છું.

તારા માટેના મારા પ્રેમના પુરાવા તો મારા ઘરની દરેક વ્યક્તિ આસાનીથી આપી શકશે.

પ્રિય, તો હવે તો તું મને તડપાવીશ નહી ને? પ્લીઝ

એક તું ના મિલી..સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ?” દુનિયા તો મારી પાસે છે..જરૂર છે ફકત તારી અને માત્ર તારી . કયારેક કયારેક તું તારી ઝલક દેખાડી જાય છે અને દિવસ મારા માટે ઉત્સવ બની જાય છે. કેમકે સામાન્ય રીતે દિવાળ, હોળી કે કોઇ પણ ઉત્સવ, તહેવારમાં તારા દર્શન દુર્લભ હોય છે. અને તારા વિના મારો દરેક તહેવાર વાંઝિયો બની જાય છે. એની શું તને જાણ નથી ? તારું આવવું, તારું દેખાવું એ મારે માટે અવસર બની રહે છે. મારે માટે તો  તારી ઉપસ્થિતિ પરમ ઉત્સવનું ટાણુ.   મારો તહેવાર.  બાકી પ્રિય,તારા વિનાના ઉત્સવો મને હમેશા ફિક્કા લાગ્યા છે. (અને બીજાને પણ ફિક્કા લગાડયા છે.. જુદી વાત છે.)

વિનંતિઆજીજી હું હમેશા તને કરતી રહી છું.

અરજી અમારી સુણજો પિયુજી….,આવજે તું મારા ધામમાં…”

પણ રે નિર્દય ,મારી અરજી તે હમેશા નિષ્ઠુર બનીને ફગાવી છે..

દુનિયા રૂઠે તો ભલે રૂઠે,પણ તું ના રૂઠીશ મારા પ્રિય…” આ ક્ષણે પણ હું એ ગીત ગાતી તારા આવવાની દિશામાં નજર નાખતી બેઠી છું. મનમાં આશંકાનો ઓથાર છે.આજે તો તું આવીશ ને ?

અરે, મારી પ્રાર્થના ફળી કે? દૂરદૂરથી તારી ઝાંખી મને થઇ રહી છે.તારા પદરવને હું આટલે દૂરથી યે ઓળખી લઉ છું. મને તારા ભણકારા સંભળાઇ રહ્યા છેઓહ.. આખરે તું આવી. મારી અરજી સ્વીકારાઇઅને તું આવી. બસ બસ હવે આનંદના અતિરેકમાં મારાથી આગળ નહી લખી શકાય.

આજ મારે આંગણે પધારશે મા ચંપાવાળી.. એ મારા વાલાજી આવ્યાની વધામણી રે…

એના દર્શન માત્રથી હરખાતું હૈયુ  કેવું કેવું ગાઇ ઉઠયું છે નહીં ?

હાશ ! દોસ્તો, અંતે મારી કામવાળી બાઇ, મારી એકની એક કામવાળી.. ચંપા આવી ખરી !

 

આજ મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો ખરો.  વધામણા..વધામણા. એને ચોખાથી વધાવું કે કંકુના છાંટણાં છંટાવું ?

મિત્રો,તમે તો એની પ્રતીક્ષા કરતા કરતા નથી વાંચી રહ્યા ને?

દોસ્તો, ચિંતા કરશો..જે લેખ બે વાર વાંચશે તે સૌને મને ફળ્યા તેમ  જરૂર ફળશે.

 

 

સમસ્યા સંક્રાન્તિકાળની..

મારા પુસ્તક સાસુ વહુ ડોટ કોમમાંથી..

સ્ત્રીના..કેટકેટલા સ્વરૂપો…તેમાં સૌથી પ્રેમાળ..પાવન સ્વરૂપ એટલે સ્ત્રીનું માતૃસ્વરૂપ…એક મા કે એક દીકરી તરીકે સ્ત્રી હંમેશા પ્રેમાળ જ હોય છે. એ સહજ સ્વીકારાયેલી વાત છે. પરંતુ એ જ સ્ત્રી જયારે સાસુ કે વહુ બને છે ત્યારે એ પ્રેમ, એ લાગણીનું ઝરણું બંનેમાંથી કયાં અદ્ર્શ્ય થઇ જાય છે..એ જલદી સમજાતું નથી. કયું રસાયણ બંનેને બદલી નાખે છે ?

એક પ્રેમાળ મા, કઠોર સાસુ કેમ બની જાય છે કે દીકરીનો વહાલનો દરિયો ખારો કેમ બની જાય છે ? કયા સંજોગો..કઇ પરિસ્થિતિ..કયું અજ્ઞાત તત્વ બંનેમાં બદલાવ લાવે છે..એના કારણો..પરિણામો કે ઉપાયોની શોધ થઇ શકે તો ઘણાં અનિષ્ટ પરિણામોથી બચી શકાય. આ એક સંબંધ સમાજની સૂરત બદલી શકે…આ એક સંબંધને મહેકાવી શકાય તો સમાજમાં વૃધ્ધાશ્રમોની આવશ્યકતા ન રહે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજી શકે…તો આનો ઉપાય અશકય નથી જ..એમ માનું છું. જોકે દરેક વાતની માફક અહીં પણ તેર મણનો “તો “ આડો આવે છે..જેને હટાવવો કઠિન બની રહે છે.

કોઇ પણ ઘરમાં લગ્નપ્રસંગ આવે ત્યારે બંને પક્ષે તેની અનેક તૈયારીઓ થતી રહે છે. પરંતુ કોઇ પક્ષે માનસિક તૈયારી થતી નથી. ખાસ કરીને દીકરી..જે વહુ થવાની છે..અને મા જે સાસુ થવાની છે તે બંનેએ પોતાની માનસિકતા અંગે વિચાર કરવો જોઇએ…એમ મને તો લાગે છે. બની શકે કોઇને આ વાત હાસ્યાસ્પદ લાગે..કોઇને તુચ્છ કે વેવલી વાતો લાગે..કોઇને અર્થહીન જણાય..પરંતુ મને તો બહું પ્રામાણિકતાથી લાગે છે કે આજના સમયમાં આવી કોઇ તૈયારી ખૂબ જરૂરી છે. હું જાણું છું..આ કંઇ ધારીએ છીએ તેટલી સહેલી વાત નથી જ. પરંતુ જો બંને પક્ષે નિષ્ઠા હશે તો એ અશકય પણ નથી જ.
સાસુ, વહુના સંબંધોમાં બદલાવની આવશ્યકતા એ આજના સમયની માંગ છે.આ સંબંધને એકવીસમી સદીના વાતાવરણને અનુલક્ષીને એકવાર ફરીથી મઠારવાની જરૂર છે.
કારણ એટલું જ કે પહેલાના જમાનામાં સ્ત્રીનું સ્થાન મોટે ભાગે ઘરમાં જ હતું. કુટુંબમાં તેનું ખાસ કોઇ આર્થિક યોગદાન નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર ચલાવે..એ સહજ હતું. પરિણામે આજના જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા નહીં..કે પ્રમાણમાં ઓછા થતા.. આજે પરિસ્થિતિ બદલાઇ છે. છોકરી વધારે ભણતી થઇ છે, કમાતી થઇ છે. બહારની દુનિયામાં એણે પ્રવેશ કરી લીધો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એ પોતાના અધિકાર વિશે જાગૃત બની હોય. અને જયારે એ અધિકાર ન મળે ત્યારે એનું મન વિદ્રોહ કરી ઉઠે છે કે એ ગૂંગળાઇ રહે છે.
આ ક્ષણે હીરાબહેન પાઠકના એક સુંદર કાવ્યની પંક્તિઓ મનમાં રમી રહી છે.

“ હવે તો માળામાંથી ઊડું !
બસ, બહું થયું
કયાં લગી આમ ભરાઇ રહેવું ?
સાવ ઘરકૂકડી !

આ જ કાવ્યમાં હીરાબહેન પાઠક આગળ કહે છે

હા, માળામાં છે
મારા સુંવાળા સુખ શાંતિ,
પણ આ દૂરનું આકર્ષણ
તો છે આભ,
મારી ગતિ હવે એ જ સન્મતિ,
હું જીવું મારા વતી..
પાંખોમાં વિધ્યુત સંચાર
અડધા ચરણ માળામાન્હ્ય,
અડધા કેવા ઉંચકાય!
ચંચુ ને ચક્ષુ આભે ધાય
કરું ગતિ ઉતાવળી
આ હું ઊ…..ડી ચલી! “

એક પગ ઘરમાં અને બીજો બહાર જવા તત્પર..દ્રષ્ટિ વિશાળ ગગન તરફ..
આવા સંક્રાંતિકાળે પ્રશ્નો તો આવવાના જ. એ પ્રશ્નના સાચા જવાબ શોધવાની આ આપણી જાગૃત મથામણ બની રહેશે.
એક ચિનગારી જલી શકે અને વધારે નહીં તો ચપટીક ઉજાસ ફેલાઇ શકે તો પણ ઘણું. સાસુ, વહુના સંબંધોને શકય તેટલા મીઠાં બનાવી એક સ્વસ્થ કુટુંબના અને એ દ્વારા એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થવાનો આ એક સંનિષ્ઠ પ્રયાસ માત્ર.
હું તો ઇચ્છું.. આપણી સાસુ, વહુની આ સહિયારી યાત્રામાં અનેક લોકો સહભાગી થાય. અને આ યાત્રા ફકત આપણા બેની ન બની રહેતા સહુની સહિયારી બની શકશે તો વધારે આનંદ થશે.
આ ક્ષણે સઘળી આશંકાઓથી મુકત..કોઇ જ પૂર્વગ્રહો સિવાય ખુલ્લા દિલથી તને આવકારવાની તૈયારી સાથે……

સાસુમા..સાસુ +મા

જીવન જયાંથી પુનઃ શરૂ થયું.

જીવન જયાંથી પુનઃ શરૂ થયું. ( નવચેતન દીપોત્સવી અંકમાં પ્રકાશિત લેખ )


લાગે છે જયારે જીવનમાં કંઇ બચ્યું નથી
જીવનની નવી શરૂઆત હોય છે. “ 


નવચેતન તરફથી દિવાળી અંકમાં લખવાનો વિષય મળ્યો. બહું ગમી ગયો.અને રઇશ મણિયારની ઉપરની પંક્તિ મનમાં રમી રહી. વિષયના અનુસંધાને જીવનકિતાબના પાના મનઃચક્ષુ સામે ફરફરી રહ્યાં. વીતેલા વરસોની હારમાળા એક પછી એક પસાર થતી રહી. જીવન પુનઃ કયાંથી શરૂ થયું ? ક્ષણે તો તંત્રીશ્રીનો મજાનો પ્રશ્ન મનને મૂંઝવી રહ્યો છે.
જીવનના છઠ્ઠા દાયકામાં પ્રવેશવાની ઘડી હવે બહું દૂર નથી. ત્યારે પાછળ વળીને જોઉં છું, તો મને પોતાને પણ આશ્વર્ય થાય છે. સાચું કહું તો ઇશ્વર કૃપાથી આજ સુધી જીવન મોટે ભાગે સીધી રેખા પર સરળતાથી વહ્યું છે. એવો કોઇ મોટો વળાંક, કોઇ મોટો સંઘર્ષ જીવનમાં આવ્યો નથી. હા, કદીક નાના, મોટા પ્રસંગો બનતા રહ્યા, એવા કોઇ પ્રશ્નો આવતા રહ્યાં જે પીડાની અનુભૂતિ કરાવી ગયા. પરંતુ જેને જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહી શકાય, જે બિંદુથી સમગ્ર જીવન પલટાઇ ગયું હોય એવી કોઇ મોટી ઘટના તો જીવનમાં બની નહીં ? મને પોતાને પ્રશ્ન થાય છે. વિષય મળ્યો ત્યારે જાણે વાતનું ભાન થયું. આને ઇશ્વર કૃપા ગણું ? સદનસીબ સમજું કે કમનસીબ ?
દરેકના જીવનમાં આવો કોઇ ટર્નીંગ પોઇન્ટ આવતો હશે અને હું એક માત્ર એનાથી વંચિત રહી છું ? ફરી એકવાર જીવનયાત્રા પર નજર નાખું છું. અડધી સદી જેવડા જીવનમાં સાવ કશું બન્યું હોય એવું થોડું હોય
સૂર્યોદયની સાથે રોજ એક નવી સવાર ઉઘડે છે અને સાથે સાંપડે છે ઇશ્વરની કૃપા સમો અણમોલ એવો એક વધારે દિવસ..પળપળનું બનેલું એક નવું જીવન રોજ સવારે શરૂ થતું હોય છે પરંતુ આપણે એનો અહેસાસ કરી શકતા નથી. દુનિયામાં અનેક લોકો સૂતા પછી સવારે ઉઠી શકતા નથી , જીવનલીલા કયારે, કેવી રીતે, કઇ પળે સમાપ્ત થઇ જાય છે કોણ કહી શકે છે ? એથી તો રોજ સવારે આપણને જીવતદાન મળ્યું છે એમ વિચારી શકીએ તો દિવસને વેડફી શકીએ ખરા ?
જીવન છે તો ખુશીની, સુખની, આનંદની ક્ષણો પણ છે અને પીડા, વેદના અને સંઘર્ષની કપરી પળો પણ આવવાની . આશા અને નિરાશાની આવનજાવન જીવનભર ચાલતી રહેવાની
જીવન ઝરણું કદી સીધી લીટીમાં નથી વહેતું. એમાં નાના મોટા અનેક વળાંકો તો આવતા રહેવાના. કોઇ વળાંક જીવનમાં કશુંક ઉમેરે છે તો કોઇ વળાંક કશુંક બાદ પણ કરી જાય છે. જીવન શારીરિક, માનસિક આર્થિક, સામાજિક વગેરે કેટકેટલા આયામોમાં પથરાયેલું હોય છે. એમાં કોઇ પણ ક્ષેત્રે અચાનક કોઇ મોટો ફેરફાર થાય ત્યારે થોડી વાર માટે જાણે જીવન થંભી ગયું હોય એવો આભાસ, એવી અનુભૂતિ મનને ઘેરી વળે છે. જેમાંથી સમયસર જો બહાર નીકળી શકાય તો હતાશાની ઘેરી લાગણી ફરી વળે છે જે ડીપ્રેશન તરફ લઇ જાય છે. માનવીમાત્રનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો છે. ખુશીથી હસી ઉઠે છે તો પીડાથી રડી પણ પડે છે.


2005
માં આવી કોઇ હતાશા ભીતરમાં ઘેરી વળેલી. દીકરી લગ્ન કરીને અને દીકરો આગળ ભણવા માટે અમેરિકા ગયા. સ્નેહથી કલબલતો માળો ખાલી થઇ ગયો. પરંતુ મારી સાથે મારી સ્કૂલ, મારા સંતાન જેવા વહાલા વિધ્યાર્થીઓ હતા તેથી વાંધો આવ્યો. પરંતુ અરસામાં શારીરિક તકલીફ એવી શરૂ થઇ કે દસ મિનિટ પણ બેસી શકાય. ગુજરાત અને મુંબઇ બંનેના અનેક ડોકટરો પાસે ફરી વળ્યા.પરિણામ શૂન્ય. પીડા સાથે જીવતા શીખવું પડશે એક માત્ર ઉપાય. હાઇસ્કૂલની મારી અતિ પ્રિય નોકરી , મારા પ્રિય વિધ્યાર્થીઓને છોડવા પડયા.બહું વસમું લાગ્યું.


દુકાળમાં અધિક માસની જેમ વરસો સુધી ગુજરાતમાં રહ્યા બાદ અચાનક અમારી બદલી વેસ્ટ બેંગાલમાં કોલકત્તા પાસે આવેલા હલ્દિયામાં થઇ. નવી જગ્યાએ પતિદેવ એક્દમ બીઝી..દેશ, વિદેશમાં સતત ફરતા રહેવાનું. નરી એકલતા. આખી કોલોનીમાં હું એક ગુજરાતી.  નવા પુસ્તકો પણ ન મળી શકે. ઘરમાં હોય એ વારંવાર વાંચ્યા કરવાના. મળે કોઇ ગુજરાતી છાપા. કશું મળે. અનેક પાર્ટીઓમાં જવાનું ફરજિયાત અને મળે ભાત, માછલા, ચીકન, મટન અને શરાબની રેલમછેલ.. એમાં ખાવું શું ? તમે તો ઘાસફૂસ ખાવાવાળાએવી કોમેન્ટ સાંભળવા મળે

 દીકરો, દીકરી કહે મમ્મી, તું કોમ્પ્યુટર શીખી લે. પણ બેસવાની તકલીફ મોટી. એકી સાથે અડધો કલાક બેસી શકાય. પણ એમ નિરાશ થઇને બેસી રહું તો તો આજ સુધીનું વાંચેલું, અન્યને કહેલું બધું નકામું કહેવાય ને
કોમ્પ્યુટરનો પણ નહોતી જાણતી. દીકરા, દીકરીએ મેઇલ કેમ કરાય સમજાવ્યું. ધીમે ધીમે હું મેઇલ કરતી તો થઇ. રોજ કોમ્પ્યુટર ખોલીને કંઇક ને કંઇક શીખતી રહી. એવામાં રીડ ગુજરાતીના મૃગેશભાઇ ( હજુ પણ એમના નામની આગળ સ્વ. લખતા જીવ નથી ચાલતો.)નો પરિચય થયો. તેમણે બ્લોગ બનાવતા શીખવાડયું. ગુજરાતી ફોન્ટ શીખવ્યા. બ્લોગમાં શું લખવું સમજ નહોતી પડતી. પણ દીકરીને બહું મીસ કરતી હતી.તેથી એના શૈશવના સ્મરણો લખવા ચાલુ કર્યા. ભાષાનો કે અભિવ્યક્તિનો કોઇ પ્રશ્ન નડયો. કેમકે શૈશવથી વાંચનનો અતિશય શોખ, પાગલપનની હદે શોખ હતો બીજરૂપે ભીતરમાં સંઘરાયું હશે. જેનો મને પોતાને પણ ખ્યાલ નહોતો.


વહાલના દરિયા જેવી દીકરી સાથેના સ્મરણો બ્લોગ પર મૂકવા માંડયા.મારા આશ્વર્ય અને આનંદ વચ્ચે વાચકોનો અસાધારણ પ્રતિભાવ સાંપડવા લાગ્યો. ઉત્સાહ વધતો ગયો. લખાતું ગયું. જીવનસાથી હરીશે સૂચન કર્યું કે બહું સરસ રીતે લખાયું છે. અનેક લોકોને સ્પર્શશે. આનું પુસ્તક કર


આખરે પુસ્તક થયું. “ દીકરી મારી દોસ્તપુસ્તકનું નામકરણ કરીને ફૈબા બન્યા તરૂબેન કજારિયા. પુસ્તકની આજે તો પાંચ આવૃતિ થઇ ચૂકી છે.અંગ્રેજી  આવૃતિ પણ થઇ છે.  (મરાઠી આવૃતિ અત્યારે પ્રેસમાં છે. )
બસ. મને લાગે છે જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો આને કહી શકું. એકલતા દૂર થઇ શકી. જીવન સ્થિર થઇ જશે કે શું ? એવા કોઇ અદીઠ ભયના ઓથારમાંથી બહાર આવી શકાયું. ફરી એકવાર જીવન ઝરણું ખળખળ કરતું વહી રહ્યું. ફરી એકવાર ઉત્સાહ અને આશાનો સંચાર થયો. એકલતા રળિયામણા એકાન્તમાં પરિણમી રહી. એક પછી એક પુસ્તકો લખાતા ગયા. કુલ પુસ્તકોની સંખ્યા આજે 20 થઇ ચૂકી છે. જેમાંથી ચાર પુસ્તકોને વરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકેના એવોર્ડ પણ મળ્યા. સંદેશ, જનસત્તા, લોકસત્તા, ગુજરાત ગાર્ડિયન જેવા છાપાઓમાં તથા ઘણાં મેગેઝિનોમાં નિયમિત કોલમ પણ શરૂ થઇ. આમ સાહિત્યના ક્ષેત્રમાં સાવ અનાયાસે પદાર્પણ થયું એને જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહેવાય ?  બાકી અમારી સાત પેઢીમાં કોઇને શબ્દો કે પુસ્તકો સાથે દૂર દૂરનો પણ કોઇ નાતો નહીં. અને આજે સાહિત્ય, પુસ્તકો મારું જીવન બની ચૂકયા છે.. સાહિત્ય તો દરિયો છે પણ એક ટીપું બનીને એમાં ભળી શકાયું છે એનો આનંદ છે. શબ્દોએ મને નવું જીવન આપ્યું છે. અને હું સભર બનીને જીવી ગઇ છું. જીવનસાથી હરીશનો પૂરેપૂરો સાથ, સહકાર અને પ્રોત્સાહન મારા ઉત્સાહને વધારતા રહ્યાં છે. અનેક પરિચિત, અપરિચિત લોકોનો પણ હૂંફાળો સાથ અને સહકાર સાંપડયા છે. કંઇ ઓછા નસીબની વાત છે ? મારી પાત્રતા કરતા ઇશ્વરે મને વધારે આપ્યું છે .બે વરસ પહેલાં પૂરા બાર મહિના બે પગ અને એક હાથ પ્લાસ્ટરમાં રહ્યાં. ફ્રેકચર થતા રહ્યાં, શારીરિક મર્યાદાઓ આવતી ગઇ. ઓળંગાઇ તો નથી શકાઇ પણ એને મારી ઉપર હાવી પણ નથી થવા દીધી. શારીરિક તકલીફને લીધે અમુક કોલમ સામેથી બંધ કરવી પડી. પણ એનો ઝાઝો અફસોસ કર્યા સિવાય ગુજરાતથી દૂર બંગાળ અને ઓરીસ્સામાં વરસો સુધી એકલા થઇ ગયાની કે  શારીરિક પીડાની કોઇ ફરિયાદ કર્યા સિવાય શબ્દોને સહારે જીવન જિવાતું રહ્યું.
સંતાનો અમેરિકામાં ડોકટર છે એથી મેડીકલ ક્ષેત્રે જે પણ નવી શોધખોળ થાય એનો લાભ લેવાય છે ઇશ્વરની કૃપા ને ?  અનેક મિત્રોની હૂંફાળી લાગણીથી જીવન સભર સભર.. અને સૌથી મોટું વરદાન એટલે એ જ કે મને જીવનમાં માણસો હમેશા બહું મજાના મળ્યા છે એનો સંતોષ અને આનંદ છે. કદાચ જીવનની સૌથી મોટી ખુશી છે
બે વરસથી  ફરીથી ગુજરાતમાં, વતનમાં આવી શકાયું છે એનો આનંદ પણ ઓછો નથી. જીવનયાત્રામાં ઇશ્વર હમેશા સતત સાથે રહ્યો છે, દરેક સમયે માર્ગ મળ્યો છે. એક પછી એક દરવાજા એની કૃપાથી ખૂલતા રહ્યા છે.
આજે પણ અનેક શારીરિક મર્યાદાઓ અકબંધ છે. પણ સાથે સાથે અનેક સગવડો મળી છે, કોઇ આર્થિક, સામાજિક પ્રશ્નો નથી. જીવન સાથી સાચા અર્થમાં મિત્ર  છે.સહજીવન સખ્ય જીવન બનીને પાંગરી ઉઠયું છે. કોઇ અપેક્ષા વિના તેના હમેશના શબ્દો..
“ મારા જીવનનું એક માત્ર ધ્યેય..એટલે તારી ખુશી..”

દિલની પૂરી સચ્ચાઇથી બોલાતા આવા શબ્દો સાંભળીને દુખનો તો ઓછાયો પણ કેમ સ્પર્શી શકે ?
સંતાનોનો સ્નેહ સતત અમારી સાથે છે. ભૌતિક રીતે દૂર છીએ પણ મન જુદા નથી થયા એનો આનંદ છે. બધી જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે. વિદેશ જઇએ ત્યારે ડોકટર દીકરો આજે પણ પગ દબાવી આપે છે એથી વિશેષ બીજું શું જોઇએ ? દીકરીનો સ્નેહ તો હોય . જમાઇ અને વહુરાણીના પણ એવા સ્નેહથી સભર છીએ.. તો જીવનની મૂડી છે જે અમારી પાસે મબલખ છે અને કદી ખૂટે એમ નથી

ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો મારી પાસે તો આ જ છે. પાછળ ફરીને જોઇને યાદ કરવા મથું છું તો પણ બીજો કોઇ એવો મોટો ટર્નીંગ પોઇન્ટ મારી જિંદગીમાં તો દેખાતો નથી. અને હવે કોઇ  નય મોટો ટર્નીંગ પોઇન્ટ આવે એવું લાગતું નથી.  અને આવી જાય તો સ્વીકારવાની માનસિક પુખ્તતા આવી શકી છે. બાકી કોઇ પણ પળે જીવન પર એન્ડનું પાટિયું લાગી જાય તો પણ  તૈયારી છે . મારી પોતાની શ્રધ્ધાંજલિ, મારી આખરી ઇચ્છાઓ પણ લખીને જાહેરમાં બ્લોગ પર મૂકી દીધી છે. કોઇ એવી ઇચ્છાઓ અધૂરી નથી. મરવાની કોઇ ઉતાવળ પણ નથી. ભરપૂર જીવવું છે, માણવું છે. પણ ઇશ્વરનું તેડું આવે તો કોઇ વિરોધ પણ નથી. પણ જીવન છે ત્યાં સુધી તો..બાકી કઇ ક્ષણે કાળ કરવટ બદલે છે કોણ જાણી શકયું છે ? સમયની એક વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ સંતાયેલી હોય છે તો જીવનનું પરમ સત્ય..માટે ક્ષણ ક્ષણને માણવી રહીને..?
અને ક્ષણે તો..
શાના દુઃખ ને શાની નિરાશા ? મુકુલે મુકુલે મુખરિત આશા
નિયતિ કેરા અદભૂત પાસા..શ્રધ્ધાની નવ જાગી પિપાસા..
અસ્તુ..