સંબંધસેતુ..

 

 

સંબંધસેતુ…       

 

લખો સંબંધનો ઈતિહાસ, તો લખજો
અમારાએ જ અંતરિયાળ છોડ્યા છે !

જીવનમાં ઘણીવાર અણધાર્યા વળાંકો આવતા હોય છે એનો અનુભવ વત્તે ઓછે અંશે દરેકને થતો જ રહે છે. એમાંથી કેટલાક વળાંકો સુખદ હોય છે તો કેટલાક દુ:ખદ..કેટલાક રોમાંચક…અને એ મુજબ જીવનની રફતાર બદલાતી રહે છે.કેટલાયે સંબંધો અધવચ્ચેથી ખરી પડે છે..તો નવા સંબન્ધો બન્ધાતા પણ રહે છે. જીવન કે સમય કદી કોઇની હાજરી કે કોઇની ગેરહાજરીથી અટકતા નથી.

આજે એક થોડી અલગ વાત કરવી છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.. સમગ્ર સ્ત્રીજાતિને માથે લાગેલું આ  કલંક  કદી ભૂંસાઇ શકશે ખરુ ? એ તો સમય સિવાય કોણ કહી શકે ? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે એ કોણ કહી શકે છે ?  

તે દિવસે અલ્પા ઘેર પાછી ફરતી  હતી ત્યાં…

અલ્પા, તું ?

ઉતાવળે દોડી જતી અલ્પાએ જાણીતો અવાજ લાગતા ચમકીને પાછળ જોયું.

અરે, અનુ ..તું ?

બંને બહેનપણીઓ ભેટી પડી..કેટલા વરસે બંને આમ અચાનક મળી હતી.

વચ્ચેના વરસો જાણે ખરી ગયા હતા..

પ્રથમ મિલનનો ઉભરો શમ્યા બાદ હવે અનુરાધાની નજર અલ્પાનો છેડો  પકડીને ઉભેલ છ સાત વરસની છોકરી પર પડી.

તેની નજરનો પ્રશ્નાર્થ અલ્પાએ પારખ્યો.

અનુ, આ મારી વહાલી દીકરી શર્વરી.. બેટા, આંટીને નમસ્તે કરો..

શર્વરીએ હસીને નમસ્તે કર્યું.

અનુરાધાની આંખોમાં અચરજ ઉભરી આવ્યું.

અલ્પાએ ધીમેથી કહ્યું,

અનુ, ઉતાવળ ન હોય તો ચાલ મારે ઘેર..નિરાંતે બેસીને વાતો કરીશું.

મારું ઘર અહીંથી બહું દૂર નથી. તારા મનમાં ઉઠી રહેલ પ્રશ્નોના જવાબ પણ મળી જશે.

ઓકે..આમ તો ખાસ કોઇ ઉતાવળ નથી શાલિન આજે બહારગામ ગયો છે અને દીકરાને સ્કૂલેથી છૂટવાને હજુ વાર છે. ચાલ, ઘણાં વરસે સાથે બેસીને નિરાંતે ગપ્પા મારીશું.

બંને બહેનપણીઓ અલ્પાને ઘેર ગઇ. ચા નાસ્તાને ન્યાય આપ્યા પછી  શર્વરી તેનું હોમવર્ક કરવા અંદર ગઇ. બંને બહેનપણીઓએ હીંચકા પર જમાવ્યું.

અનુ, તને આમ તો મારા વિશે ઘણી ખબર છે જ. અલ્પેશની જિંદગીમાં શાશ્વતીના પ્રવેશ પછી હું  અલ્પેશથી  છૂટી પડી હતી. કોઇ અન્ય સ્ત્રી સાથેના પતિના સંબંધો  હું  કોઇ પણ  સ્ત્રીની માફક આસાનીથી સ્વીકારી શકું નહીં તે સ્વાભાવિક જ હતું ને ? એ બધી વાતની તો તને ખબર છે.

અલબત્ત અમે છૂટાછેડા લીધા હતા કે એવી કોઇ કાનૂની વિધિ નહોતી કરી…એવી કોઇ જરૂર નહોતી લાગી. અમે શાંતિથી જ છૂટા થયા હતા. કોઇના મન ઉપર..કોઇની લાગણી ઉપર આપણો કાબૂ થોડો જ હોય છે ? મનમાં કોઇ કડવાશ વિના જ અમે છૂટા થયા હતા. સંતાન નહોતું તેથી બીજી કોઇ સમશ્યા નહોતી.

હા..અને એટલે જ તારી દીકરીને જોઇને આશ્રવર્ય થયું. તું અલ્પેશથી અલગ થઇ ત્યારે તારે કોઇ સંતાન નહોતું એની મને જાણ છે જ.તો પછી આ પુત્રી ? તેં બીજા લગ્ન કર્યા ? અને આવડી મોટી વાતની મને જાણ પણ ન કરી ?

પણ બીજા લગ્ન કર્યા હોય તો જાણ કરું ને ?

તો પછી…

 એ વાત હવે આવે છે.

અલ્પેશથી અલગ થયા બાદ મેં જુદું ઘર લીધું. મારી નોકરી તો ચાલુ હતી જ. તેથી ખાસ કોઇ પ્રશ્નો ન આવ્યા. ધારું તો બીજા લગ્ન સહેલાઇથી કરી શકું તેમ  હતી. પરંતુ મારું મન ઉઠી ગયું હતું. બીજીવાર કોઇ કડવા અનુભવ માટે હવે હું તૈયાર નહોતી. જીવનને જેમ છે એમ સ્વીકારી લીધું હતું..કોઇ ફરિયાદ વિના.

પરંતુ  વરસો પછી એક દિવસ અચાનક અલ્પેશ મને મળવા આવ્યો.

અલ્પા, એક વિનંતિ કરી શકું ?

હું તેની સામે જોઇ રહી..આટલા વરસો બાદ હવે શું છે ? કોઇ કાનૂની ગૂંચવણ છે કે શું ? કાયદાની દ્રષ્ટિએ હજુ હું તેની પત્ની હતી જ.

કશું બોલ્યા સિવાય હું તેની સામે જોઇ રહી.      

આમ તો મને કોઇ હક્ક નથી. મેં તને અન્યાય કર્યો છે એ હું જાણું છું. પણ…

છતાં હું મૌન રહી..શું બોલું ?

બે મિનિટ પછી અલ્પેશે ધીમેથી કહ્યું,

શાશ્વતીને તને એકવાર મળવાની ખૂબ ઇચ્છા છે.

પણ મને એને મળવાની કોઇ તમન્ના નથી. મારો સંસાર બગાડનારનું મોઢું જોવા હું નથી માગતી.

તારી વાત સાચી છે. તને અમે બંને એ અન્યાય કર્યો છે. શાશ્વતી એ માટે તારી માફી માગવા ઇચ્છે છે.

માફી ? આટલા વરસે ? એવી શી જરૂર પડી ? આજે હું કેમ યાદ આવી ? અને સાંભળ્યું છે તમારે એક દીકરી પણ છે..

હા..ચાર વરસની.

અભિનંદન..

અલ્પા…પ્લીઝ..એકવાર..આખરી વાર શાશ્વતીને તું મળી લઇશ તો એને શાંતિ થશે .

 જેણે મારા જીવનમાં અશાંતિ ફેલાવી એને મારા મળવાથી શાંતિ થશે ? નવાઇની વાત છે.

મેં થોડા કટાક્ષથી કહ્યું.

તને કંઇ પણ કહેવાનો હક્ક છે. પણ મરનારની આખરી ઇચ્છા પૂરી કરવી એ તો પુણ્યનું કામ કહેવાય.પછી મરનાર ભલે દુશ્મન હોય .

મરનાર..? કોણ મરવાનું છે ?

શાશ્વતી…કેન્સરના લાસ્ટ સ્ટેજમાં બે મહિનાથી છે.હવે બે દિવસ પણ કાઢશે કે કેમ એ ખબર નથી.

બે મહિનાથી  સતત એક જ વલોપાત કરે છે..તેને લીધે તારી જિંદગી બગડી..તેથી ઇશ્વરે તેને સજા કરી..એવું કહ્યા કરે છે. તું આવીને એકવાર તેને માફી આપીશ તો કદાચ શાંતિથી…

કહેતા અલ્પેશનો અવાજ ગળગળો બની ગયો.

તે કહે છે અલ્પા જરૂર આવશે.મને વિશ્વાસ છે.

હું હતપ્રભ બની ગઇ.

અલ્પેશ સાથે હોસ્પીટલ પહોંચી. શાશ્વતીની હાલત જોઇ હું ગભરાઇ ગઇ. ભૂતકાળની બધી વાત ભૂલી ગઇ.મને જોઇ શાશ્વતીના ચહેરા પર મંદ હાસ્ય ફરકયું. ધીમા અવાજે તે બોલી

મને માફ કરી શકીશ ? માફી માગવાને લાયક તો નથી..પણ..

મેં મૌન રહીને તેનો હાથ દબાવ્યો. શું બોલું હું ? બત્રીસ વરસની ઉમરે દુનિયામાંથી  આખરી વિદાય લેતી એક સ્ત્રીને શું કહું હું ?

મને ખબર હતી..હું ખરાબ છું..તું નહીં જ..

મારી નાનકડી દીકરીની  ભલામણ તને કરવી હતી..તારા સિવાય મને કોઇ પર વિશ્વાસ આવે તેમ નથી..પરંતુ કયા મોંએ કરું ?

કહેતી શાશ્વતી રડી પડી હતી. હું ચૂપચાપ તેને માથે હાથ ફેરવતી રહી.

આટલું બોલતા તેને હાંફ ચડી હતી. તેના ધબકારા ઓછા થતા જતા હતા. ન જાણે કૈ શક્તિ પર તે આટલું પણ બોલી હતી. એમ ડોકટર કહેતા હતા.

વળી થોડીવારે તેણે આંખ ખોલી.તૂટતા સાદે માંડ માંડ બોલી..

અલ્પા, હું ખરાબ હતી..છું..પણ..પણ મારી  નાનકડી દીકરી ખરાબ નથી..એનો કોઇ વાંક નથી..એને..એને…

પણ વાકય પૂરું ન થયું. શ્વાસ ખૂટી ગયા..અને નાની દીકરી તરફ એકીટશે જોઇ રહેલી એક માના શ્વાસ અટકી ગયા.

એક દીકરી પાસેથી મા છિનવાઇ ગઇ.

હું હતપ્રભ બની રહી. અલ્પેશની આંખો વરસતી હતી.

બસ..પછી તો ઘણી વાતો થઇ..ચર્ચાઓ થઇ.

હું કોઇ રીતે અલ્પેશને માફ કરી શકું એમ નહોતી.પરંતુ  શાશ્વતી સામે હવે ફરિયાદનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?મરેલ માનવીની અદબ આમ પણ આપણે જાળવતા હોઇએ છીએ ને ?

પણ મારા મનમાં શાશ્વતીના આખરી શબ્દો પડઘાઇ રહ્યા હતા.  એક માનવીની આખરી ઇચ્છાને અવગણવાની તાકાત મારામાં નહોતી. જતા જતા એક માએ મારામાં વિશ્વાસ મૂકયો  હતો. એ મારાથી વિસરાતું નહોતું .અને આમ પણ જે કંઇ બન્યું એમાં આ બાળકીનો કોઇ દોષ કયાં હતો ? એક નિર્દોષ બાળકીને તેની કઇ ભૂલની સજા હું આપું ? કેમ આપું  ? અલ્પેશને તો હું મારી જિંદગીમાં ફરીથી સ્થાન આપી શકી નહીં.પરંતુ  શર્વરીને હું હમેશ માટે મારી સાથે લાવી. મારી દીકરી બનાવીને…મા બાપની ભૂલની સજા એક માસૂમ કેમ ભોગવે ?

બસ…હવે હું બધું ભૂલી ચૂકી છું. શર્વરી મારા જીવવાનું પ્રેરક બળ બની રહી છે. નહીતર કદાચ કયારેક હું એકાકી બની રહેત..અને ઉદાસીની ગર્તામાં ધકેલાઇ જાય.પરંતુ હવે તો મારે એક મજાની દીકરી છે..એને ઉછેરવાની છે..હું પત્ની છુ  કે કેમ એ ખબર નથી..પરંતુ એક દીકરીની મા અવશ્ય છું.

કહેતા અલ્પાની આંખો ભીની બની રહી. તો અનુરાધાની આંખ પણ કયાં કોરી રહી શકી હતી ?

ત્યાં નાનકડી શર્વરી દોડીને આવી અને મમ્મીના આંસુ લૂછીને તેને વળગી રહી.

કેવો મજાનો સેતુ  રચાયો હતો નહીં ?

શીર્ષક પંક્તિ..ડો.  મહેશ રાવલ

 

વાત એક નાનકડી

 

 સ્ત્રી ની દુશ્મન સ્ત્રી જ ? વાત એક નાનકડી…( સંદેશ )

ના, ના..આપણે જયારે આપણા દીકરાને ઓળખીએ છીએ..ત્યારે તેનામાં કોઇ બદલાવ ન આવે, કોઇ સુધારો ન થાય ત્યાં સુધી એના લગ્નનો વિચાર પણ કેમ કરી શકાય ? કોઇ છોકરીની જિંદગી કેમ બગાડાય ?

નીલા, તારી બધી વાત સાચી. આપણે એને સુધારવા માટેના સઘળા પ્રયત્નો કરીએ જ છીએ ને ? બની શકે લગ્નથી એનામાં કોઇ પરિવર્તન આવે. આવનાર છોકરી તેને સુધારી શકે. કોઇનો પ્રેમ એને બદલાવી શકે એ શકયતા નકારી કેમ શકાય ? પ્રેમની તાકાત કંઇ ઓછી નથી જ.

પતિ પત્ની વચ્ચે કયાંય સુધી ચર્ચા ચાલતી રહી. જોકે ઘણાં સમયથી આ ચર્ચા ઘરમાં ચાલી રહી હતી. એક બાજુ ઘરમાં ઉમરલાયક દીકરો, અઢળક સમ્રુધ્ધિ, પણ કમનસીબે પુત્ર ખરાબ દોસ્તારોની સંગતમાં આડે રસ્તે ચડી ગયો હતો. માતા પિતા કમી કહે તો મરી જવાની કે ભાગી જવાની ધમકી આપતો રહેતો. એકના એક પુત્રની આવી ધમકીનો ડર કયા માબાપને ન લાગે ? કયાંક આવેશમાં આવીને દીકરો કશુ આડું અવળૂં પગલું ભરી બેસે તો ?

 કોઇ પણ માબાપની જેમ નીલાબહેન અને નિમેશભાઇને પણ સ્વાભાવિક રીતે જ દીકરાના લગ્નની હોંશ હતી જ. અને મનમાં ઉંડે ઉંડે એક આશા પણ ખરી કે લગ્ન પછી કદાચ દીકરો સુધરી જાય.. વહુ આવતા કદાચ ઘરમાં રહેતા શીખે..અને ખરાબ મિત્રોથી છૂટકારો પામે.. વહુનો પ્રેમ દીકરાના પગની બેડી બની રહે ને દીકરાને ઘરમાં બાંધી શકે તો જીવતર સુધરી જાય..આવી કોઇ આશાથી નીલાબહેને દીકરા માટે છોકરીઓની શોઅધખોળ ચાલુ કરી દીધી.

અલબત્ત સમાજમાં, કુટૂંબમાં મોટા ભાગના બધાને અપૂર્વના કુલક્ષણોની  જાણ હતી તેથી જલદીથી કોઇ છોકરી આપવા  તૈયાર થાય એમ નહોતું.  અંતે ખૂબ શોધખોળ પછી   પૈસાને લીધે ગરીબ કુટૂંબની  એક  છોકરી મળી  ગઇ. અને લીબહેને પસંદગીનો કળશ અનન્યા પર ઢોળ્યો. અનન્યા સાદ્દી, સીધી અને  શાંત છોકરી હતી. ચટ મંગની અને પટ વ્હાય કરવામાં જ નીલાબહેને સલામતી જોઇ. .. છોકરો બધી રીતે બગડેલ હતો..એની  છોકરીવાળામાંથી કોઇને ખબર જ નહોતી પડી.તેઓ તો આવું શ્રીમંત સાસરું પુત્રીને મળ્યું તેથી હરખાતા હતા. અને પુત્રીને નસીબદાર ગણતા હતા. બહુ ટૂંક સમયમાં ધામધૂમથી લગ્ન લેવાયા. . અને આંખોમાં નવજીવનના શમણાં આંજી અનન્યા પરણીને સાસરે આવી.

 અનન્યા બધી રીતે સંસ્કારી અને શાંત  છોકરી હતી. દરેક છોકરીની માફક  અંતરમાં એક થનગનાટ અને અગણિત ખ્વાબ સાથે તે સ્વસુરગૃહે આવી.  પરંતુ થોડા દિવસોમાં જ તેને પતિના સાચા સ્વરૂપની જાણ થઇ ગઇ. અપૂર્વ રોજ  દારૂ પીતો  હતો અને મોડી રાત સુધી દોસ્તો સાથે બહાર રખડતો રહેતો. . નશામાં ચૂર બનીને ઘેર આવતો ત્યારે અનન્યાને દરેક રીતે ત્રાસ આપવામાં કોઇ કસર નહોતો છોડતો.  નીલાબહેને  ખૂબ કાળજી રાખી હતી..પરંતુ સત્ય અંતે કયાં સુધી છૂપાઇ શકે ? અનન્યાએ પતિને સુધારવા માટેના દરેક પ્રયત્નો પોતાની રીતે કરી જોયા. નીલાબહેને પણ અથાક મહેનત કરી..પરંતુ પરિણામ શૂન્ય.

 નીલાબહેનની આશા પર પાણી ફરી વળ્યું.  લગ્ન પછી દીકરો સુધરી જશે એવી તેમની માન્યતા ખોટી પડી. કોઇ પ્રયત્નોનું પરિણામ ન આવ્યું. લગ્ન પછી પણ અપૂર્વના વર્તનમાં કોઇ ફરક ન પડયો. એક દિવસ અનન્યાએ પતિને એ બાબત અંગે કશુંક કહ્યું અને બસ….અપૂર્વનો પિત્તો ગયો.  તેણે અનન્યાને  ઢોર માર માર્યો..અને  બેશરમ બનીને કહી દીધું કે એ તો એમ જ રહેશે.તારે આ ઘરમાં રહેવું હોય તો રહે..નહીંતર…..તારા બાપને ઘેર જતી રહે..તને અહીં રોકવાવાળું કોઇ નથી. મારી કોઇ વાતમાં તારે માથું મારવાની જરૂર નથી. હું જે છું..જેવો છું..એવો જ રહેવાનો છે..શું સમજી ? મારી પત્ની હોવાનો કોઇ દાવો કયારેય કરતી નહીં મારી જિંદગીમાં  તારું કોઇ  સ્થાન નથી. મમ્મી, પપ્પાને લીધે મારે લગ્ન કરવા પડયા છે. તો એની વહુ બનીને રહેવું હોય તો રહે. મારી પત્ની નહી>

અનન્યા ડઘાઇ ગઇ..હવે ?

અનન્યાએ રડીને તેના મમ્મી, પપ્પાને બધી વા કરી.  અનન્યાનું પિયર  સાવ ગરીબ હતું. ..તેના માબાપને  થયું કે દીકરી પાછી આવશે તો આખી જિંદગી કેમ સાચવીશું ? ને સમાજમાં આબરૂ શું રહેશે ? હજુ દીકરાનું કરવાનું બાકી છે. દીકરી કાયમ ઘરમાં બેસેલી હશે તો  પુત્રને જલદી છોકરી આપવા  કોઇ તૈયાર નહીં થાય..આવા બધા કારણોને લીધે મા બાપે દીકરીને  કહી દીધું કે તારા નસીબ..અમે તો સારું જોઇને જ પરણાવી હતી..હવે આવું નીકળ્યું એમાં અમે શું કરી શકીએ ? થોડી ધીરજ રાખીને સહન કરી લે..ધીમે ધીમે બધું સારું થઇ જશે.ઘરમાં બીજા બધા તો સારા છે ને ?ખાધે પીધે તો કોઇ દુ:ખ નથી ને ? હવે તો પડયું પાનુ નિભાવવું જ રહ્યું. અને પ્રશ્નો તો જીવનમાં કોને નથી આવતા ?  

આમ પુત્રીને તેમણે સારા શબ્દોમાં  શિખામણના શબ્દો સાથે જાકારો આપ્યો. હમેશ માટે દીકરીને રાખવાની અશક્તિ જાહેર કરી મા બાપ તો ખસી ગયા.ઘરમાં બીજું કોઇ દુ:ખ તો નથી અને  પૈસા છે..સાસુ સારા છે. ઘણાંને તો એટલું પણ નથી મળતું. ધીમે ધીમે અપૂર્વ પણ સુધરશે..એમ કહી દીકરીને સાસરે મોકલી દીધી.

અનન્યા  લાચાર થઇ ગઇ.  હવે કોને કહે ? કયાં જાય ? જન્મ દેનાર મા બાપ જ જયાં આઘા ખસી ગયા. ત્યાં કોની આશા રાખી શકે ?

 પણ ના..અહીં તો જાણે ચમત્કાર થયો.  નીલાબહેનને જયારે  ખબર પડી કે અનન્યાના પિયરવાળા પણ તેને રાખવા તૈયાર નથી. ત્યારે તેમની અંદરની સ્ત્રી જાગી ઉઠી. અનન્યાનો કોઇ વાંક કયાં હતો ? પોતાનો સિક્કો સાવ જ ખોટો છે એની જાણ હોવા છતાં પોતે એક છોકરીની જિંદગી સાથે રમત રમ્યા હતા…દીકરો સુધરી જશે એ આશાએ એક છોકરીને છેતરી હતી..અંધારામાં રાખી હતી. પોતે પોતાની  આ ભૂલનું પ્રાયશ્વિત કરવું જ રહ્યું.

 નીલાબહેને   સામે ચાલીને અનન્યાની  માફી માગી કે અમને તો બધી જાણ હતી જ..છતાં લગ્ન પછી દીકરો સુધરી જશે એ આશાએ અમે બધી વાત છૂપાવી અને  તને ઘરમાં લાવ્યા ને તારી જિંદગી બગાડી..બેટા, અમે તારા ગુનેગાર છીએ. હું સ્ત્રી થઇને એક સ્ત્રીની દુશ્મન બની.

 પણ તારે હવે જરાયે ચિંતા કરવાની જરૂર નથી. મારી ભૂલ હું જ સુધારીશ. તું આજથી મારી વહુ નહીં દીકરી બનીને આ ઘરમાં  રહીશ. તેમણે જોઇ લીધું હતું કે પુત્રમાં કંઇ ફરક પડે તેમ નથી જ.

 અનન્યા સાસુને વળગીને રડી પડી…નીલાબહેને અનન્યાને હૈયુ ઠાલવવા દીધું.

બેટા, તું જરાયે ચિંતા કરીશ નહીં..તારી જિંદગી અમારે લીધે બગડી છે અને હવે એ સુધારીશું પણ અમે જ…તારા મા બાપ અમે બનીશું અને મા બાપનું કર્તવ્ય નિભાવીશું.

  સાસુ, સસરાએ  સામે ચાલીને દીકરા, વહુના છૂટાછેડા કરાવ્યા..જે પ્રશ્નો આવ્યા તે બધા ઉકેલતા ગયા. થોડા સમયમાં અનન્યાના છૂટાછેડા થઇ ગયા.  હવે નીલાબહેને દીકરા સાથે પણ હમેશ માટે છેડો ફાડી નાખ્યો.

 અનન્યાએ કહ્યું કે હું હમેશ માટે તમારી દીકરી બનીને અહીં જ રહીશ.તમે જ મારા સાચા માવતર છો. .

અનન્યાને સાસુ માટે અથાગ લાગણી જન્મી હતી.

ના બેટા, દીકરીને કંઇ હમેશ માટે ઘરમાં થોડી જ રખાય છે ? તો તો અમે સ્વાર્થી કહેવાઇએ.

 તે અનન્યા માટે સારું પાત્ર શોધતા રહ્યા. અને થોડા સમયમાં જ બધી સાચી હકીકત જણાવીને અનન્યાના લગ્ન  પોતાના જ એક દૂરના સગામાં કરાવ્યા. દીકરી માનીને વહુનું કન્યાદાન એક સાસુએ કર્યું. વહુ બનેલી દીકરી વિદાય થતી વખતે સાસુને ભેટીને રડી પડી..મારી જન્મદાત્રી મા આવે સમયે દૂર ખસી ગઇ..પણ તમે ….

બાકીના શબ્દો તેના ગળામાં જ રૂન્ધાઇ ગયા. ભીની આંખે સાસુ, વહુ બંને ભેટી રહ્યાં.

 કંઇ જન્મ આપવાથી જ મા બની શકાય એવું થોડું જ છે ? જન્મ આપીને જનેતા બની શકાય..મા તો સ્નેહના..પ્રેમના..લાગણીના અધિકારે પણ બની જ શકાય ને ?

 આજે પણ અનન્યાનું પિયર નીલાબહેનનું ઘર જ છે. અને સગી દીકરીની માફક જ નીલાબહેન અનન્યાને  બધા વહેવાર કરે છે.

અને અનન્યા પણ નીલાબહેનને જ મા માને છે..

  કોણ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે ?

 

 

સંબંધસેતુ..

                                                                                           હું  લોહી  વેચતો  નથી.

નહી આવી શકે તારા ઘરે, તુ જીદ છોડી દે,
સંબંધો  એમ બન્ધાતા નથી અવસરો બદલવાથી..

જન્મથી જીવનની છેલ્લી ઘડી સુધી આપણે સૌ એક કે બીજા સંબંધોને જાળવતા હોઇએ છીએ.. નિભાવતા હોઇએ છીએ.. કયારેક સ્વાર્થથી તો કયારેક નિસ્વાર્થભાવે  પણ સંબંધો સચવાતા હોય છે અને સચવાવા પણ જોઇએ. જીવનમાં દરેક વખતે દરેક  કામ ફકત પૈસાથી નથી થઇ  શકતા .. ઘણીવાર જે કામ પૈસાથી નથી થઇ શકતા  તે કામ સંબંધથી આસાનીથી થઇ શકે છે. પરંતુ ઘણીવાર માનવી પૈસાના મદમાં જીવનનું પરમ સત્ય ભૂલી જતા  હોય છે. અને જયારે સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયેલું હોય છે.

અક્ષય ગર્ભશ્રીમંત ઘરમાં ચાંદીના ચમચા સાથે જનમ્યો  હતો  અને એવી રીતે મોટો  થયો  હતો. . શ્રીમંત પિતાનો એક નો એક પુત્ર હોવાને નાતે પાણી માગે ત્યાં દૂધ મળતું. તેમની બધી ઇચ્છા ..બધી જિદ પૂરી થતી. પરિણામે શૈશવથી તે જિદ્દી અને પોતાનું ધાર્યું કરવાવાળા બની રહ્યા. નોકરો ઉપર હુકમ કરીને તેમને ધમકાવવામાં બાળક અક્ષયને મજા આવતી. અને ત્યારે કોઇ ટોકવાવાળું નહોતું. અને ધીમે ધીમે મોટા થતા એ આદત હવે કાયમી  બની ગઇ. તેમના સ્વભાવનો એક અંશ બની ગઇ. પોતાને કોઇની જરૂર નથી.. બધાને પોતાની જરૂર પડે એવી ભ્રામક માન્યતા દ્રઢ થતી ગઇ.

સમય પસાર થતો રહ્યો. અક્ષયના લગ્ન થયાશ્રીમંત પિતાની પુત્રી વૈશાલી પણ લગભગ એવા સ્વભાવની હતી. આમ પતિ પત્ની બંને..   આવ ભાઇ હરખા..આપણે બે સરખા જેવા હતા. પૈસાના જોરે કામ થતા રહેતા. પણ કોઇને તેમનો સ્વભાવ ગમે એવો નહોતો. પણ અક્ષય અને  વૈશાલીને કોઇની પરવા કયાં હતી ?પોતાના પૈસાના ગુમાનમાં તેઓ મસ્ત રહેતા હતા.

લગ્નના ત્રણ વરસ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. હવે તો સુખમાં  ચાર ચાંદ લગી ગયા હતા. દાદા, દાદીએ એક વરસ સુધી  પૌત્રને  રમાડવાનો લહાવો માણ્યો હતો. અને પછી  એક ટૂંકી બીમારીમાં એક વરસના અંતરે બંને પ્રભુ પાસે પહોંચી ગયા હતા. જીવન એની ગતિએ વહેતું રહ્યું હતું.

એવામાં અક્ષયની તબિયત બગડી. જાતજાતના ટેસ્ટ થતા રહ્યા. વધુ પડતા શરાબને લીધે લીવર ડેમેજ થયું હતું. ઓપરેશન સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. પરંતુ  અક્ષયનું હીમોગ્લોબીન બહું ઓછું હતું. તેથી ઓપરેશન પહેલા લોહી આપવું  પડે તેમ હતું. પરંતુ અક્ષયનું બ્લ્ડ ગ્રુપ બહું રેર ગણાતું.આર.એચનેગેટીવ પ્રકારનું હતું.. જે સહેલાઇથી મળી શકે એમ નહોતું. લોહી મેળવવા માટે વૈશાલી બધે તપાસ કરતી રહી. પરંતુ કોઇનું લોહી મેચ નહોતું થતું. એવામાં ખબર પડી કે તેમના માળીનું લોહી આ પ્રકારનું છે. વૈશાલીના જીવમાં જીવ આવ્યો. માળી તો ના  પાડી જ્ કેમ શકે ? તે તો તેનો નોકર હતો. માગશે એટલા પૈસા આપી દેશું..પછી પૂરું.

વૈશાલીએ માળીને બોલાવ્યો. તેના લોહીની જરૂર પડી છે એમ કહ્યું. વૈશાલીના વર્તનમાં ..તેના શબ્દોમાં આજે પણ ઉધ્ધતાઇ હતી. તેણે બીજી કોઇ વાત કરવાને બદલે.. કોઇ વિનંતી કે સારા શબ્દોને બદલે સીધું માળીને કહ્યું,

બોલ, તારે કેટલા રોપિયા જોઇએ છે લોહી આપવાના કહેતા વૈશાલીએ પર્સ ખોલ્યું.

માળી ડઘાઇ ગયો. પોતે જાણે લોહીનો વેપારી હોય એમ તેને પૂછવામાં આવ્યું હતું કે બોલ, તારા લોહીનો શું ભાવ છે ?

માળી બે ચાર ક્ષણ તેની ઉધ્ધત શેઠાણી સામે જોઇ રહ્યો. પછી પૂરી મક્કમતાથી બોલ્યો.

હું લોહી વેચવાનો ધંધો નથી કરતો. મારે લોહી નથી આપવું. તમે બીજો કોઇ લોહી વેચનાર વેપારી હોય તો શોધી લો..

કહીને માળી આજે  વૈશાલીની વાત સાંભળવા પણ રોકાયો. તેના મનમાં આક્રોશ પ્રગટયો હતો. પૈસાવાળાઓ સમજે છે શું એમના મનમાં ? આમ પણ તે મજબૂરીને લીધે બંગલામાં કામ કરતો હતો.બાકી તેને દિલથી લોકો માટે કોઇ આદર નહોતો .

તે જવાબ આપ્યા સિવાય  સીધો પોતાને ઘેર ચાલ્યો ગયો. વૈશાલી તો ડઘાઇ ગઇ. આવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.. તેને તો એમ હતું કે તે માળી માગશે એટલા પૈસા આપી દેશે..અને વાત પૂરી. પણ અહીં તો એની ધારણાથી બધું વિપરીત થયું. તેણે બૂમ પાડીને માળીને બોલાવવાનો પ્રયાસ કરી જોયો. પણ તેની બૂમ સાંભળીને પણ આજે માળી રોકાયો નહીં.

હવે  વૈશાલીને થોડી વાર તો ગુસ્સો આવ્યો. એક સામાન્ય નોકર પોતાને ના પાડી કેમ શકે ? તેણે ઘરના બીજા નોકરને માળીને ઘેર તેને બોલાવવા મોકલ્યો કે  જો તે નહીં આવે તો તેની નોકરી હમેશ માટે જશે..એવી ધમકી પણ આપી.  જો  પૈસા ઓછા પડતા હોય તો તે વધારે આપવા તૈયાર છે. એમ પણ કહેવડાવ્યું.

હજુ વૈશાલીની વાતમાંથી પૈસા જતા નહોતા.

થોડીવારે નોકર વીલે ચહેરે પાછો આવ્યો. અને કહ્યું કે માળીને હવે અહીં આમ પણ નોકરી કરવી નથી. અને તે પોતાનું લોહી વેચવા નથી માગતો.

વૈશાલી હવે થોડી ગભરાઇ. લોહીની વ્યવસ્થા નહીં થાય તો ?જેમ જેમ  સમય વીતતો જતો હતો તેમ તેમ જોખમ વધતું જતું હતું.

ત્યાં વૈશાલીની મમ્મી આવ્યા. શું થયું બેટા, લોહી મળ્યું ? તું તો કહેતી હતી ને  તારા કોઇ  માળીનું લોહી જમાઇને મેચ થાય તેમ છે. તેં એને પૂછયું

હા.. પણ મમ્મી એણે લોહી આપવાની ના પાડી.

ઓહ..ના પાડી..? હવે કોઇનું લોહી તો પરાણે લઇ શકાય. હવે  શું કરીશું ? તેની મમ્મીના અવાજમાં  ચિંતા ભળી હતી.

હવે તો મમ્મી, મને યે નથી સમજાતું કે શું કરવું ? પણ માળીએ લોહી આપવાની કેમ ના પાડી ? તેં એને પરિસ્થિતી સમજાવી નહીં ?

મેં તો  બધું કહ્યું..અરે એ માગે તેટલા પૈસા આપવાનું પણ કહ્યું.. પણ એ જિદ્દીએ તો એક જ વાત પકડી રાખી..

હું કંઇ લોહીનો વેપારી નથી. લોહી વેચવાનો ધંધો નથી કરતો..

આવું સંભળાવીને તે ચાલ્યો ગયો. મેં નોકરીની ધમકી આપી એને પણ ગણકારી.

વૈશાલીની મમ્મી એક મિનિટ દીકરી સામે જોઇ રહી.એને બધી વાત સમજાઇ . પોતે દીકરીએન સંસ્કાર નહોતી આપી શકી. ભાડૂતી  આયા પાસે ઉછરેલી દીકરી પાસેથી બીજી શું આશા રાખી શકાય ? તેને પોતાની ભૂલ તો ઘણાં  સમયથી  સમજાઇ હતી. પણ સમય વીતી ગયા પછી. ખેર ! જે હોય તે અત્યારે એ બધો વિચાર કરવાનો સમય નથી. તેણે કહ્યું

હું માળીને ઘેર જાઉં છું. તું પણ મારી સાથે ચાલ.

એને ઘેર ?

હા..અને તારે હું કહું એમ કરવાનું છે જો અક્ષયની જિંદગી બચાવવી હોય તો..

વશાલી આશ્વર્યથી  મા સામે જોઇ રહી. મા એ જિદ્દીને  કેમ મનાવી શકશે ?

મા દીકરી બંને માળીને ઘેર પહોંચ્યા. માળી તેમને પોતાને ઘેર આવેલા જોઇ રહ્યો. તેના ચહેરા પર કઠોરતા અને મક્કામતા હતી.

ત્યાં વૈશાલીની મમ્મી આવી.

ભાઇ, મારી નાદાન દીકરીને તું માફ કરી શકીશ ? હું લોહી માટે નથી આવી. પરંતુ મારી દીકરીએ પૈસાના  અભિમાનમાં તારું લોહી ખરીદવાની વાત કરી ભૂલની માફી માગવા આવી છું. લોહી કોઇનો જીવ બચાવવા માટે માગી શકાય..ખરીદી ન શકાય એની કોઇ કીમત ન લગાવી શકાય. ભાઇ, મારી દીકરીની બહું મૉટી ભૂલ થઇ ગઇ છે. તારી વાત સાચી છે..તું તો ભાઇ  ઝાડવા ઉછેરનારો છે.. લોહી વેચનારો નહીં. વૈશાલીતેં નાના માણસનું અપમાન કર્યું છે. એની માફી માગ પછી આપણે બીજી જગ્યાએ લોહીની તપાસ કરવા જશું. નહીંતર ભલા માણસના નિસાસા આપણને  બધેથી  પાછા કાઢશે

 વૈશાલીએ મા સામે જોયું. તેને જાણે પળે કશુંક સમજાઇ રહ્યું હતું. તેણે  બે હાથ જોડી માળીને સોરી કહ્યું.

માળી તો જોઇ રહ્યો. શેઠાણી તેની માફી માગી રહી હતી..

ભાઇ, ચાલ, હવે એને  માફ કરી દેજે હોં.. અમે જઇએ,, બીજે લોહીની તપાસ કરવા જવાનું છે. મોડું થાય છે. ભગવાન તને સુખી રાખે ભાઇ..અને હા..તારી નોકરી અંગે આણે જે કહેવડાવ્યું હતું એ પણ એની ભૂલ હતી હોં..

કહેતા    વૈશાલીનો હાથ પકડી તેની મમ્મી દરવાજા તરફ ચાલી.

ત્યાં માળીનો અવાજ આવ્યો.
બેન, હું યે આવું છું. મારું લોહી કોઇને બચાવવાના કામમાં આવી શકતું હોય તો એનાથી મોટું પુણ્ય બીજુ કયું હોય ? અમે કંઇ તમારી જેમ  દાન ધરમ નથી કરી શકતા.. એક પુણ્ય  કમાવાનો મોકો ભગવાને આપ્યો છે તો હું પાછો નહીં પડું.. તો બેને.. વાકય  અધુરૂ રાખીને  માળી તેમની સાથે જ બહાર નીકળ્યો.

વૈશાલી તો જોઇ રહી. તેની મમ્મીએ માળીનો આભાર માન્યો. અને બધા જલદી જલદી હોસ્પીટલે પહોંચ્યા.

ભગવાનની કૃપાથી ઓપરેશન સરસ રીતે સફળ થયું હતું. અક્ષયની જિંદગી બચી ગઇ હતી.

  વાતને મહિના વીતી ગયા હતા. હવે  રોજ સવારે અક્ષય અને વૈશાલી માળી સાથે ચા પીતા બગીચામાં  બેસે છે અને પછી માળી કામે ચડે છે.

અક્ષય અને વૈશાલીનો જાણે નવો અવતાર થયો છે. હવે એમની વાતમાંથી  પૈસો શબ્દ અદ્રશ્ય થઇ ગયો છે.

 હવે તેમના જીવનમાં  સંબંધોના નવા નવા સેતુઓ બંધાઇ રહ્યા છે. હવે પૈસાને નહી જં સંબંધને..માનવતાને જીવનમૂલ્યોને મહત્વ અપાઇ રહ્યું છે.   વાતાવરણમાં હવે તેમનો પુત્ર મોટો થઇ રહ્યો છે. સૌથી મોટી  વાત કહેવાય ? એક નવી પરંપરા સ્થપાઇ રહે ત્યારે એનો વિશુધ્ધ આનંદ કંઇક અલગ હોય ને ? આપણે  કોઇ પણ આવી કોઇ ભૂલ તો  નથી  કરી રહયા ને ? પૂછીશું  જાતને સવાલ ?

 શીર્ષક પંક્તિ..હિતેન આનંદપરા..

 

સંબંધસેતુ..

                                                                                                                                                                      સંબંધોની કાવડ..

કાન ધરો જો હૈયે તો, શુકનવંતા વાવડ છે,

સંબંધોની સાવ અનોખી અહીં કાવડ છે

હમણાં એક સરસ વાત વાંચી  કે ઘટે તે ઘરડાં અને વધે તે વૃધ્ધ .. વાત ગમી ગઇ. કેલેન્ડરના રોજ રોજ ફાટતા પાના વરસોમાં  આપણી ઉમર વધારતા રહે છે અને આપણા આયખાની  ઉમર ઘટાડતા રહે છે. માનવમાત્ર  માટેનો એ સ્વાભાવિક ક્રમ છે. સમય સમયનું કામ કરતો રહે છે. અને ઉમર વધતા શરીરને ઘસારો લાગતો રહે છે. કોઇને થોડો વહેલો તો કોઇને મોડૉ.. પણ એ સમય  દરમ્યાન આપણે આપણને   મળેલો સમય કેવી રીતે વીતાવીએ છીએ એના પર આપણા ઘરડા થવાનો કે વૃદ્ધ થવાનો  આધાર રહેલો છે. વૃધ્ધ અર્થાત જેમના   માનસિક વિકાસમાં વૃધ્ધિ થતી રહે છે. સમયની સાથે જે વિકસતા રહે છે. જેમના વિચારોમાં પરિપકવતા આવતી રહે છે. અને શકય તેટલા કોઇને મદદરૂપ થવાની ભાવના જનમતી રહે છે. એવા વૃધ્દો સમાજને ભારરૂપ થવાને બદલે મદદરૂપ બની રહે છે. આજે આવી હમણાં જોયેલી એક સાચી વાત..

હમણાં  એક સ્વજનની તિથિ હોવાથી નિમિત્તે આણંદમાં એક વૃધ્ધાશ્રમમાં જમાડવા જવાનું થયું હતું. ત્યાં શારદાબહેનને જોઇ હું ચમકી ઉઠી. કેમકે તેમને ..અને તેમના કુટુંબને હું સારી રીતે ઓળખતી હતી. આવા સંસ્કારી કુટુંબની વ્યક્તિ અહીં વૃધ્ધાશ્રમમાં ? હું તેમની સામે આશ્વર્યથી જોઇ રહી.

મારી મૂંઝવણ જોઇ તે હસી પડયા. મને કહે, ‘ તને થાય છે ને કે હું અહીં કેવી રીતે

મેં માથું હલાવ્યું.

આવ અહીં થોડી વાર નિરાંતે બેસીએ.. અમે બંને ત્યાં એક બેંચ પર બેઠા. હું તેમની વાત સાંભળવા આતુર હતી.

જો, બેટા, તને ખબર છે કે તારા કાકાના ગયા પછી  હું થોડી   એકલી થઇ ગઇ હતી. ઘરમાં દીકરો વહુ અને તેના બાળકો હતા એટલે સમય તો ચાલ્યો જતો. પણ માનસિક રીતે એકલતા તો સાલતી જ હતી. દીકરાના બાળકો નાના હતા  ત્યાં સુધી તો બહું વાંધો ન આવ્યો. એમની સાર સંભાળની જવાબદારી મેં લઇ લીધી હતી. આમ પણ  નવરા બેસી રહેવું તો મને કોઇ રીતે ગમે નહીં એ મારો સ્વભાવ તું જાણે છે.

હવે બાળકો મોટા થઇ ગયા.સ્કૂલે જવા માંડયા. હું કંઇ બહું ભણેલી નથી જેથી એમને ભણવામાં  મદદ કરાવી શકતી  નથી. એ લોકો  હવે દાદીનો ખોળૉ છોડીને તેમની દુનિયામાં મશગૂલ છેહવે તેમની પાસે સમય નથી. હવે તેઓ તેમના ભણવામાં અને બીજી બધી  પ્રવૃતિઓમાં  વ્યસ્ત રહે છે. વહુ એની રીતે વ્યસ્ત છે. હું  તેને સવારના થોડી મદદ  કરાવી લઉં.પછી આખો દિવસ  ઘરમાં  કોઇ  કામ હોતું નથી. એક દિવસ હું સમય પસાર થતો નથી..એકલી પડી ઉં છું. એવી કોઇ ફરિયાદ કરતી હતી ત્યારે દીકરો વહુ કહે,

મમ્મી, તમે કોઇ કલબમાં કે કોઇ સંસ્થામાં મેમ્બર થઇ જાવ. તમારો સમય સરસ રીતે પસાર થશે અને તમને બધાને મળવાનું ગમશેબહાર જવાથી મન પણ મોકળું રહેશે. અમે બધા તમને વધારે સમય આપી શકતા નથી એની અમને ખબર છેપણ સિવાય ઉપાય નથી. આજકાલ હરિફાઇના જમાનામાં અમારે બધાને દોડવું પડે છે.

તેમની  એવાત સાચી હતી. રાત્રે થાકીને આવે ત્યારે હું તેમની પાસેથી એવી આશા કેમ રાખી શકું કે હવે તેઓ મારી સાથે બેસી રહે. પાંચ દસ મિનિટ બેસી લે..પણ  પછી તેમને સવારથી પાછી ભાગદોડ શરૂ થવાની  હોય એટલે જલદી સૂઇ જાય અને છોકરાઓને પણ જલદી સૂવડાવી દેવા પડે. હું ટી.વી. જોતી બેસી  રહું.

દીકરા વહુની વાત માનીને મેં એક કલબની મેમ્બર બનીને તેમાં જવાનું શરૂ કર્યું. થોડો સમય સારું લાગ્યું. બધા સાથે મળીને કંઇક રમીએ.. વાતો કરીએ કે કયારેક કોઇ ર્પોગ્રામ થાય..પિકનીક થાય ..

પણ બધું લાન્બુ ચાલ્યું. મનમાં થતું હતું કે તો હું સમય વેડફું છું. સાઠ વરસ પછી તો  મને મળેલો આ સમય એ ઇશ્વરે આપેલું બોનસ કહેવાય. અને સદનસીબે મારી તબિયત પણ  સારી હતી. કોઇ  ખાસ શારીરિક પ્રશ્ન નહોતા. તો આમ સમય બગાડવો યોગ્ય ન કહેવાય . એવો કોઇ અજંપો મનમાં ચાલતો હતોત્યાં એક દિવસ કોઇની સાથે અહીં આવવાનું  થયું. અહીં બધું જોયું. મને ગમી ગયું. અને મનમાં વિચાર આવ્યો કે હું વૃધ્ધાશ્રમ જોઇન કરી લઉં તો ? અહીં ઘણું  કામ છે અને ઘણું નવું થઇ શકે તેમ છે. અહીના સંચાલકોને હું મળી. અને મારી ભાવના જણાવી. તેઓએ રાજીખુશીથી પરવાનગી આપી.

બસ..અને હું રોજ સવારે મારું  ટિફિન ..રોટલી, શાક મારી જાતે બનાવીને અહીં  લઇને આવી જાઉં છું.. અને અહીં  બધા તરછોડાયેલા..દૂભાયેલા વૃધ્ધોને એક કે બીજી રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું. શરૂઆતમાં દીકરા વહુને થતું કે મમ્મી આવી જગ્યાએ જાય તો અમારું ખરાબ દેખાય પણ  પછી  તેઓએ પણ મારી ભાવનાની કદર કરી. હું સવારથી સાંજ સુધી અહીં રહું છું. સાંજે સાત વાગ્યા પછી ઘેર આવી જાઉં છું. શરૂઆતમાં તો બધા મને શંકાની નજરે જોતા..કોઇ તરફતી ખાસ સાથ નહોતો મળતો. પણ ધીમે ધીમે તેમને મારામાં વિશ્વાસ જાગવા માંડ્યો.

અહીં રહેતા દરેક વૃધ્ધ પાસે પોતાની કથા ને વ્યથા છે. તેમના પ્રશ્નોનો ઉકેલ તો મારી પાસે નથી હોતો..પણ તેમની વાત પૂરી સહાનુભૂતિથી સાંભળવાવાળું કોઇ તેમની પાસે નથી હોતું. હું તેમની વાતો નિરાંતે સાંભળું છું. જરૂર  પડયે બે સારી વાત કહું છું. કોઇ બીમાર વૃધ્ધની સાર સંભાળ પ્રેમથી લઉં છુંકોઇ વૃધ્ધ પાસે કોઇ વિષિશ્ટ આવડત હોય તો એની એ આવડતનો લાભ બીજાને મળે એવું ગોઠવું છુંઅહીંના રસોડામાં પહોંચીને જમવાનું બનાવતા લોકો પર જાતે દેખરેખ રાખું છું. જુઓ..હમણાં આ બગીચાને પાણી પીવડાવવાનું કામ હું કરતી હતી. એ જોઇને આ લોકો જાતે એમાં મદદ કરાવવા આવી જાય છે. પાઇપ લઇને પાણી પીવડાવવાનું કામ તો એ લોકો પણ કરી શકે છેરોજ સવારે ખીલતા ફૂલોને જોઇ આનંદ પામતા તેમને શીખવાડું છુંઅનેક  નાના મોટા   કામ એ લોકો કરતા થયા છે. આજ સુધી એમનામાં ઉત્સાહનો અભાવ હતો અને બસ બેઠા બેઠા પોતાની વ્યથાને વાગોળતા રહેતા. હવે તેમનું મન બીજી વાતોમાં પરોવાવાને લીધે એ વ્યથાને વિસરતા જાય છે. બસ..હું તો એ જ મુખ્ય કામ કરું છું. તેમનો ઉત્સાહ મંદ ન પડી જાય અને જીવનરસ સૂકાઇ ન જાય કે નિરાશાવાદી ન બની જાય એનું ધ્યાન  રાખીને એ માટે જાતજાતની રમતો કે  તેમને રસ પડે તેવી પ્રવતિઓ કરાવતી રહું છું. હમણાં હોળીનો તહેવાર હતો તો અમે બધા સાથે અહીં હોળી  પણ રમ્યા. બસ.. આવા નાનકડાં કામ કરીને મને યે સંતોષ મળે છે.

બધા સાથે સંબંધોનો એવો તો સેતુ બંધાઇ ગયો છે કે હવે તો મને તેમના વિના નથી ગમતું. કયારેક ભૂલથી પણ કોઇ  કારણસર  એકાદ દિવસ અવાય તો લોકો ફરિયાદ કરે છે. મને તેમના વિના નથી ચાલતું અને તેમને મારા વિના  નથી ચાલતું. તને ખબર છે ? હમણાં મારો જન્મદિવસ હતો એની આ લોકોને ન જાણે કેમ ખબર પડી ગઇ હતી. બધાએ ફૂલોનો બુકે બનાવીને .. કોઇએ સરસ લખાણ લખીને તો કોઇએ પોતાની અંગત વસ્તુમાંથી મને ભેટ આપીને મારો જન્મદિવસ ઉજવ્યો હતો. હું તો આનંદથી છલોછલ બની હતી. આ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તેનાથી હું સભર બની  છું. હવે તો અમે અહીં બધાનો જન્મ દિવસ જુદી જુદી રીતે ઉજવીએ  છીએ..મુખ્ય વસ્તુ એમનો જીવનમાંથી રસ ન ઊડી જાય અને નિરાશ બનીને બેસી ન રહે બસ એ જ તો હું કરું છું..અને કહ્યું છે કે બીજાને આપે છે એ ખુદ પણ એનાથી વંચિત નથી રહેતો. એમને માટે કશુંક કરવા જતા હું કેટલું બધું પામી રહી છું..એ વાતનો એહસાસ મને થતો રહે છે.

હું તેમની વાત સાંભળીને તેમને ધન્યવાદ આપી રહી. અહીં તો લોહીના  સંબંધથી તરછોડાયેલા લોકો  હતા..પણ આજે એક વ્યક્તિના થોડા પ્રયત્નોથી.. નવી દ્રષ્ટિથી અહીં બીજા કેટલા સંબંધોને કૂંપળ ફૂટતી હતી જોઇ મન પ્રસન્નતા અનુભવી રહ્યું.

આપણે પણ આવી કોઇ નવી દ્રષ્ટિથી વિચારતા શીખીશું ? તો કરવા જેવા કામોનો દુનિયામાં તૂટો નથી. આપોઆપ દેખાશે.. અને આપણે પોતે પણ વિકસતા રહીશું. બીજાને ફૂલો આપવા જતા  આપણૉ  પોતાનો હાથ આપોઆપ મહેકી રહે ને ?  

 ( published in stree magazine regularly) 

સંબંધસેતુ..

                                                                                                    એક મજાનો સેતુ..

 

 

 

તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

 

 

 

ગિરાબહેનને  શૈશવથી સંગીતનો શોખ..ભગવાને ગળામાં કુદરતી મીઠાશ પણ ભરપૂર આપેલી. પરંતુ નાનકડું ગામ…અને ઘરમાં જૂનવાણી વાતાવરણ…એમાં દીકરીની જાતને એમ રાગડા તાણતા શીખવાની મોકળાશ કયાંથી મળે ? કોણ આપે ? સ્કૂલના કોઇ નાનકડા કાર્યક્રમમાં ગાવાની તક મળતી..અને ગિરા ખીલી ઉઠતી.

તારે ઘેર જ ઇને જે નખરા કરવા હોય તે કરજે..

કોલેજમાં જવાનો તો સવાલ જ ઉભો ન થયો. બારમું ધોરણ પાસ કર્યું ત્યાં તો  મા બાપે  સાપના આ ભારાના હાથ પીળા કરાવીને પોતાની જવાબદારી પૂરી કર્યાનો..ભાર હળવો કર્યાનો હાશકારો લીધો.

ગિરા પરણીને પોતાને ઘેર આવી. હવે તો ગિરા શહેરમાં અને પોતાને ઘેર આવી હતી.શૈશવથી શ્વસેલ સપના હવે જરૂર પૂરા થશે એવી એક આછી પાતળી આશા છાના ખૂણે બન્ધાઇ. પરંતુ થોડા સમયમાં જ ખબર પડી ગઇકે શહેર મોટું હોવાથી કોઇ ફરક નથી પડતો. ઘરમાં તો એ જ જૂનવાણી વાતાવરણ..એ જ રીતિરિવાજો..અને અહીં તો વહુની ભારેખમ પદવી. ઘરમાં સાસુએ ઘડેલ ચોક્કસ નીતિનિયમોના દાયરામાંથી ચસકી શકવાનો સવાલ જ નહોતો. શમણાં તો સળવળવાનું નામ પણ લઇ શકે તેમ નહોતા. પોતાના ઘરનો બધો યે ભ્રમ વરાળ થઇને ઉડી ગયો.

પતિ પાસે પણ મનના આગળિયા ખૂલવા ન પામ્યા.. અને વરસો વીતતા રહ્યા. હવે તો ગિરાને યાદ પણ નથી આવતું કે પોતાને ગાતા આવડે છે..કે પોતે ગાઇ શકે છે. જીવનની જંજાળમાં અટવાતી ગિરા…ગિરાબહેનના માથામાં સફેદી ડોકિયા કરવા લાગી હતી. મનમાં હતું કે દીકરી આવશે તો પોતે એને સંગીત જરૂર શીખડાવશે…પણ…એ ઇચ્છા યે અધૂરી જ રહી. બે દીકરાઓની માતા બની..ઘરમાં દીકરાની માનું ગૌરવ મળ્યું.

અને હવે બંને દીકરાઓના લગ્ન કરી દીધા હતા. મોટા દીકરાની નોકરી બીજા શહેરમાં હોવાથી તે લગ્ન કરીને દૂર ગયો. નાના દીકરો લગ્ન પછી પણ સાથે જ રહ્યો. હવે ગિરાબહેન વહુ મટી સાસુ થયા હતા.આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતા. વહુ પણ સારી મળી હતી. ઘરનો બધો વહેવાર..જવાબદારી સાચવી લેતી હતી. ગિરાબહેન નવરા..સાવ નવરા ધૂપ બની ગયા. વહુએ ઘરમાં બ્યુટી પાર્લર ચાલુ કર્યું હતું. ઘરની અને પાર્લરની બંને જવાબદારી નિભાવવાની તેનામાં કુશળતા હતી. ગિરાબહેને એક દિવસ ડરતા ડરતા પતિ પાસે વાત મૂકી જોઇ…

મોકો જોઇને એક દિવસ ભીતરમાં સંતાયેલ શમણાં સળવળી ઉઠયા..

હવે મારી પાસે ઘણો સમય છે. અને મને સંગીતનો શોખ છે..હું સંગીતના કલાસમાં જાઉં ?

સંગીત ?આ વળી શું ભૂત ભરાયું છે ? આ ઉમરે વળી સંગીત ? લોકો શું કહેશે ? વહુ શું ધારશે ? અરે, દેવ દર્શને જા.. જોઇએ તો કોઇ મહિલામંડળમાં જા…રોજ સવાર સાંજ મંદિરે જતી જા..હવે ધરમધ્યાન કરવાના દિવસો છે. આ ઉમરે એવા કોઇ નવા નખરા..નવા ધખારા કરવાની કોઇ જરૂર નથી..આપણા ઘરમાં જે શોભતું હોય તે જ શોભે.

તે દિવસે તો વાત અટકી ગઇ. પણ ગિરાબહેન હવે હાર માનવાના મૂડમાં નહોતા. પતિને પોતે જરૂર સમજાવશે.અને ફરી એક દિવસ પતિ મૂડમાં લાગ્ય અત્યારે ગિરાબહેને વાત કાઢી.થોડી દલીલો પછી ન જાણે કેમ આજે પતિએ હ પાડી.

ઠીક છે..તને આટલું બધું  મન છે તો કર.

ગિરાબહેન રાજી રાજી.. પતિ આમ આટલી સહેલાઇથી માની જશે એવી કલ્પના નહોતી..પણ આજે કોઇ સારા મૂહુર્તે વાત થ હતી અને બધું પાર ઉતર્યું હતું. કાલે જ સંગીતકલાસમાં જ ઇ ફોર્મ  લઇ આવશે. પોતે બધી તપાસ કરી જ રાખી હતી.

પરંતુ બીજે દિવસે વહુને તાવ આવ્યો ને ગિરાબહેન જઇ ન શકયા. થોડા દિવસ તાવ ચાલ્યો.. ગિરાબહેનને થયું મોડા ભેગું મોડું..આમ વહુને તાવમાં મૂકીને થોડું જવાય ? ગિરાબહેન સંવેદનશીલ હતા. વહુની સેવા હસતા મોંએ કરતા રહ્યા..આટલા વરસો વહી ગયા તો આટલા દિવસોમાં શું ખાટું  મોળું થઇ જવાનું ?

પણ..ના..માનવીની બધી ધારણાઓ એમ સાચી કયાં  નીવડતી હોય છે ? થોડા દિવસોમાં તો કેટકેટલી ઉથલપાથલ માનવજીવનમાં સર્જાઇ શકે છે એનો અનુભવ સમય અનેકવાર કરાવતો જ રહે છે ને ?

વહુનો તાવ ઉતર્યો ત્યાં જ..ગિરાબહેનના પતિ અચાનક સાવ સાજા નરવા સૂતા હતા..તે  ઉંઘમાં જ મોટું ગામતરું કરી ગયા. અને ગિરાબહેન પર વૈધવ્યનો બોજ ખડકાઇ ગયો.

બે મહિના સુધી તો આઘાતની કળ પણ ન વળી શકી..આઅચાનક શું થ ઇ ગયું ?

સગાવહાલાઓથી ઘર ઉભરાતું રહ્યું.

સમય કદી થોભતો નથી. ધીમે ધીમે બધા ફરી એકવાર પોતાના રુટિનમાં ગોઠવાતા ગયા. કોઇન અજવાથી જીવન અટકી નથી જતું.જેના વિના નહીં જ જીવી શકય એવુઍં લાગતું હોય તેના ગયા પછી પઁઅ જીવન ચાલતું જ રહે છે. અને ચાલવું જ જોઇએ.

 

સમયની સાથે ગિરાબહેન પણ થોડા સ્વસ્થ થયા. પણ હવે શું કરવું ? જીવનમાં અચાનક ઉભરાઇ આવેલ ખાલીપ હવે કેમ ભરવો ?

બધા દેવદર્શન કરવાની..ભગવાનમાં જીવ પરોવવાની સલાહ ..સૂચનાઓ આપતા રહ્યા. પણ એમ કોઇના કહેવાથી  શું થઇ શકે છે ?

ગિરાબહેનને ફરી એકવાર સંગીતના કલાસ યાદ આવ્યા. પતિએ તો હા પણપાડી હતી.પરંતુ હવે જો આ વાત કોઇને કહે તો બધા એમ જ કહેને કે પતિને નામે ચરી ખાય છે. હવે પતિ કયાં રોકવા આવવાનો છે ? બાકી તેને ઓળખતા લોકો કોઇ સ્વીકારવ અતૈયાર ન જ થાય કે તેમણે હા પાડી હતી..

હવે વર નથી..એટલે ફાવ એતેમ ભટકવાની છૂટ મળી છે..કુટુંબમં તો બધા એમ જ વિચારવાના હતા..એનાથી ગિરાબહેન અજાણ નહોતા જ.

સેવાપૂજામાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો..વિશ્ણુસહશ્ત્ર નામ લેતા લેતા તુલસીપત્ર ચડાવતા રહ્યા..ભજનો ગાતા રહ્યા. બસ…એમ જ સમય પસાર કરતા રહ્યા.

ત્યાં એકવાર તેમને ભજન ગાતા સાંભળી તેમની વહુ..ધરા કહે,

મમ્મી, તમે સરસ ગાવ છો..તમારા ગળામાં કેવી મીઠાશ છે..તમે થોડી પધ્ધતિસરની તાલીમ લો તો ?

ગિરાબહેન આશ્વ્રયથી ધરા સામે  જોઇ રહ્યા.

ધરાએ કહ્યું,

મમ્મી, સાવ સાચું કહું છું..તમે કોઇ સંગીતકલાસ જોઇન કરી લો..તમને ઘણું શીખવા મળશે…અને તમારો સમય સરસ પસાર થશે. સંગીતજેવું વરદાન તો બીજું એકે નથી.

પણ…લોકો…’

ગિરાબહેન બોલવા ગયા

મમ્મી.લોકોની ચિંતા છોડો..જેને બોલવું હશે તે બે ચાર દિવસ બોલશે..આપણે એ સાંભળવાની કોઇ જરૂર નથી..આપણી જિંદગી આપણી રીતે જીવવાનો દરેકને હક્ક છે. અને તમે કયાં કશું  ખોટું કરો છો ? શીખવા માટે કોઇ ઉમર નથી હોતી.

આ તો પોતાના જ મનની વાત…

અને અઠવાડિયામાં જ ગિરાબહેનના સંગીતકલસ ચાલુ થ ઇ ગયા. ગિરાબહેન વહુને અંતરના આશીર્વાદ આપી રહ્યા.

આજે તો આ  વાતને દસ વરસ વીતી ચૂકયા છે. ગિરાબહેન આજે પોતે સંગીતના કલાસ શરૂ કર્યા છે. અને તેમાં સૌથી પહેલી શિષ્યા છે તેમની વહાલી નાનક્ડી  પૌત્રી. એક જીવન સભર બનીને છલકી ઉઠયું છે. એક વહુએ સાસુની જીવનને ચેતનાથી ભરી દીધું..અને બીજાના જીવનમાં ખુશી ભરી શકનાર કયારેય પોતે તેનાથી વંચિત રહી શકે ખરું ?

કોણ કહે છે..સ્ત્રી..જ સ્ત્રીની દુશ્મન છે ?

સંબન્ધનો કેવો મજાનો સેતુ..અને તે પણ બે સ્ત્રીઓ વચ્ચે..સાસુ ..વહુ વચ્ચે…

શીર્ષક પંક્તિ… વિવેક  ટેલર

 ( સ્ત્રી સાપ્તાહિકમાં નિયમિત પ્રકાશિત થતી શ્રેણી ) 

સંબંધસેતુ..

                                                                                 વાત  નવતર સંબંધોની .. 

  મારામાં રોજ રોજ મોતી બન્ધાય છે

    એવી છે મારી એક છાનેરી છીપ

 

મહેલ હોય કે ઝૂંપડી..શ્રીમંત હોય કે ગરીબ, સંબંધોનું પોત તો બધે સરખું જ હોવાનું.  શ્રીમંતના દિલમાં લાગણી વધારે હોય અને ગરીબના હૈયામાં ઓછી હોય એવું નથી હોતું. બલ્કે કયારેક તેથી ઉલટું હોઇ શકે. શ્રીમંતો મોટે ભાગે ( અપવાદ તો દરેક જગ્યાએ હોવાના જ. ) સંબન્ધોને પૈસાને ત્રાજવે તોલતા હોય છે. દરેક સંબંધને મૂલવવાની તેની રીત અલગ હોય છે. મોટેભાગે એવું જોવા મળતું હોય છે કે કોઇ અમીર વ્યક્તિને ઘેર જાવ તો તમારું સ્ટેટસ કેવું છે..તમે હીરા મોતીના ઘરેણાં કેવા પહેર્યા છે..કપડાં કેવા પહેર્યા કે કઇ ગાડી લઇને આવ્યા છો કે તેમને માટે શું લઇને ગયા છો…એ બધા પરથી તમારી કિંમત નક્કી થાય છે અને એ મુજબ જ તમારી આગતા સ્વાગતા થાય છે. પણ આજે તો મારે વાત કરવી છે  દિલની અમીરાતની…ઝૂંપડીમાં ઝળહળતી માનવતાની..

 

ઘણાં વરસ પહેલા અમારે ઘેર એક બેન કામ કરવા આવતા હતા. તેનું નામ સવિતા હતું. સવિતાનો  પતિ છૂટક મજૂરીએ જતો હતો અને પોતે  ઘરકામ કરતાં હતાં. તેમને એક દીકરો અને એક દીકરી હતા. સવિતા  ખૂબ પ્રામાણિક, ચોખ્ખી અને સંસ્કારી હતી. તેના કામમાં કયારેય કશું કહેવાપણુ હોય નહીં.  અમારા ઘરની એક ચાવી હમેશા તેની પાસે રહેતી. એટલી વિશ્વાસુ.  અમારે ઘેર આખો દિવસ સવારથી સાંજ રહેતી. કદાચ અમારું ઘર સવિતા ઉપર જ આધારિત બની ગયું હતું. એમ કહું તો જરાયે અતિશયોક્તિ નહીં કહેવાય.

તેની દીકરી દસ વરસની હતી. અને દીકરો બાર વરસનો.  સ્વાભાવિક રીતે જ બંને બાળકો મ્યુનીસીપાલીટીની શાળાએ ભણતા હતા.કયારેક રવિવારે અમારે ઘેર પણ આવે. હું હમેશા જોતી કે સવિતા દીકરીને વધારે લાડ કરે છે. ગમે તે વસ્તુ આપીએ એટલે પહેલા દીકરીનો ભાગ જ હોય. પછી જ દીકરાનો વારો આવે. દીકરીને શક્ય  તેટલા સારા કપડાં પહેરાવે..દીકરી પણ ખૂબ પ્રેમાળ હતી. ભાઇ બહેન વચ્ચે ખૂબ સંપ હતો. કયારેક ઝગડે તો સવિતા દીકરાને જ ખીજાતી. દીકરી વહાલનો દરિયો કહેવાય કે એવી કોઇ જાણ તેને નહોતી..પરંતુ દીકરી પ્રત્યે દરિયા જેટલું વહાલ તેના વર્તનમાં ઘૂઘવતું રહેતું.મને કયારેક નવાઇ લાગતી.સામાન્ય રીતે આ લોકો દીકરાને જ વધારે મહત્વ આપતા હોય છે એવું ઘણાં અનુભવોમાં મેં જોયું હતું. પણ સવિતા દીકરીનો વધારે ખ્યાલ રાખતી હતી એવું મને ઘણીવાર લાગતું હતું.

 એકવાર કંઇક વાત નીકળતા મેં તેને કહ્યું, ’ સવિતા, તારો દીકરો એકદમ તારા જેવો જ દેખાય છે. દીકરી સાવ જુદી દેખાય છે. નથી મા જેવી દેખાતી કે નથી તેના બાપ જેવી.

સવિતાએ ધીમેથી જવાબ આપ્યો,’ ના, બેન, એકદમ એના બાપ ઉપર ગઇ છે. ‘

મેં કહ્યું,’ ના રે, એના બાપને મેં જોયો છે હોં. એ તો એકદમ કાળો છે. ને આ તો રૂના ઢગલા જેવી.’’ મેં હસતા હસતા કહ્યું.

’ બેન. તમે એના બાપને જોયો નથી. એનો બાપ પણ આવો જ રૂપાળો હતો. ‘

’ કોણે કહ્યું મેં નથી જોયો.? રવિવારે આપણે ઘેર બગીચાનું કામ કરવા તો આવે છે. ‘

’ બેન એ મારો વર આવે છે. આનો બાપ નહીં.’

’એટલે ? ‘ હવે મને સમજાયું નહીં.

’બેન, આ છોકરી મારી નથી..’

હું પ્રશ્નભરી નજરે એને જોઇ રહી.

હવે સવિતાએ માંડીને વાત કરી.

’ આમ તો હું કયારેય કોઇને કહેતી નથી. પણ તમારી હારે મન મળી ગયું છે. એટલે પેટછૂટી વાત કરું છું. આ છોકરીના મા ને બાપ અમારી બાજુમાં જ નાનકડી ઝૂંપડીમાં  રહેતા હતા. શાકની રેકડી ફેરવતા હતા. આ છોકરી તેમની સાત ખોટની હતી. એક જ દીકરી હતી. દીકરીને રેકડીમાં નીચે કપડાનું પારણુ બાંધીને એમાં સૂવડાવીને ભેગી લઇ જાય. મા ગીત ગાતી જાય અને શાક વેચતી જાય.

એક દિવસ અચાનક એક કાળમુખા ટૃકે રેકડીને હડફેટમાં લઇ લીધી. મા અને બાપ બંને ત્યાં જ મરી ગયા. અને આ નાનકડી છોકરી બચી ગઇ. દૂર ફેંકાઇ ગઇ. પણ બેન, રામ રાખે તેને કોણ ચાખે ? આ ફૂલ બચી ગયું. પણ મા ને બાપ વિનાનું. તેમના સગામાં પણ એવું કોઇ નહોતું. હવે આ આવડી અમથી છોકરીને કયાં મૂકવી ? કોઇએ કહ્યું કે અનાથાશ્રમમાં અનાથ છોકરાઓને રાખે છે. આને પણ ત્યાં મૂકી આવો.

પણ બેન, મારો જીવ ન ચાલ્યો. તેની મા મારી બહેનપણી હતી. હવે ચાલી ગઇ તો એની છોકરીને હું અનાથ કેમ થવા દઉં ? આપણે સાવ માણસાઇમાંથી જઇએ ? એટલે પછી અમે જ એને દીકરી કરીને રાખી લીધી. મોટી કરી..અને જે આછું પાતળુ મળે છે તેમાં તેનો પણ સમાવેશ થઇ જાય છે. તેને તો ખબર પણ નથી કે તેને મેં જનમ નથી આપ્યો. અમારા નશીબમાં આ દીકરી ભગવાને લખી હશે. મેં તેને જનમ ભલે નથી આપ્યો.તો યે હું એની મા તો છું જ.હું એને   મારા પેટની દીકરીથી વધારે સાચવું છું. જોકે અમે તો હવે ભૂલી પણ ગયા છીએ કે આ અમારી દીકરી નથી. કંઇ જનમ આપીએ તો જ પોતાની કહેવાય એવું થોડું છે ?’

કેટલી મોટી વાત કરી નાખી સવિતાએ..અને તે પણ બિલકુલ સજહતાથી…જનમ આપવાથી દેવકી મા થવાય. પણ સવિતા તો યશોદામા બની હતી. અને યશોદાનું માતૃત્વ દેવકીથી ઉતરતું  થોડું જ હતું ?

આ કયો સંબંધ હતો ? કોઇ મોટી મોટી વાતો નહીં. કશું કર્યું છે એવું કોઇ ભાન નહીં. બહેનપણીની દીકરીને આ ગરીબ બાઇએ કેવી સહજતાથી અપનાવી લીધી હતી.એની જગ્યાએ કોઇ શ્રીમંત સ્ત્રી હોત તો ? એની કોઇ બહેનપણીના બાળકની જવાબદારી એ લઇ શકે ખરી ?  એવી વેઠ કે લપમાંએ પડે જ નહીં. બહું થાય તો કોઇ અનાથાશ્રમમાં મૂકી આવે. એનાથી વધારે અમીરી એ દાખવી ન શકે. જયારે આ ગરીબ સવિતાને તો પૈસાનો..ખર્ચનો એવો કોઇ વિચાર સુધ્ધાં નથી આવ્યો. અડધામાંથી અડધો આપવાની આપણી સંસ્કૃતિ આવા લોકોથી જ ઉજાગર છે એવું નથી લાગતું ? વગર કહ્યે..એ સંબંધો જાળવી જાણે છે. કોઇ ચર્ચાઓની એને જરૂર નથી. સવિતાના દિલની ગરિમાને હું મનોમન નમી રહી. આની જગ્યાએ હું પોતે હોત તો પણ કાયમ કોઇને ઘરમાં રાખીને જવાબદારી ન જ લઇ શકી હોત. કોઇને પૈસા આપી દેવા કે કોઇ સંસ્થાઓમાં ફંડફાળા આપી દેવા બહું આસાન વાત છે. પણ વગર કહ્યે સંબંધો જાળવીને એનું જતન તો સવિતા જેવી સામાન્ય સ્ત્રી જ કરી શકે. આપણા મોટા લોકોનું એ ગજુ નહીં. આપણે તો આપણા પોતાના સગાઓના સંબંધો પણ કયાં જાળવી શકીએ છીએ ? એમાં પણ બે વ્યક્તિ વચ્ચે દીવાલો જ ઉભી કરીએ છીએ ને ?આપણે સૌ સંબંધો વિશે મોટી મોટી વાતો કરી શકીએ..લખી કે વાંચી શકીએ..જયારે આવા મુઠ્ઠીભર લોકો સંબંધને ઉજાળે છે..સમાજને ઉજાળે છે અને સાર્થક કરી જાય છે.

 ( published in stree as regular column )

જીવનની ખાટી મીઠી..

 

 નિમુબા..

નિમુબાને રોજ સવારે મંગળાના દર્શન કરીને પછી જ દૂધ પીવાનો નિયમ. ત્યાં સુધી તેઓ  મોઢામાં કશું ન નાખે. સવારે પાંચ વાગ્યામાં ઉઠી , નાહી ધોઇને મંદિરે જવા નીકળી જાય.  ઘેર આવીને પાછા પોતાના ઠાકોરજીની સેવા પૂજા તો ખરી જ. જો વહુનો આઠ મહિનાનો  નાનો દીકરો રડતો હોય કે રહેતો ન હોય તો એને ખોળામાં લઇને  બેસે..એની સાથે વાત પણ કરતા જાય , ઘંટડી વગાડતા જાય અને આ તો મારો બાલગોપાલ કહીને એને રમાડતા જાય. વહુ  દીકરીને સ્કૂલે મોકલવા તૈયાર કરતી  હોય ત્યાં સુધીમાં નિમુબા આ નાનકા લાલાને રમાડતા રહે. સાંજે પણ પાછા શિવમંદિરે અચૂક જવાનું. સાથે સાત વરસની  પૌત્રી પણ હોય જ. દાદીમા સાથે દર્શન કરીને તે  મંદિરના બગીચામાં એના જેવડા  બાળકો સાથે રમતી રહે અને નિમુબા બેંચ પર બેસીને માળા કરતા હોય કે પછી કયારેક એમના જેવડું કોઇ મળી રહે તો ગામગપાટા  પણ ચાલતા હોય. આમ નિમુબાનો સમય કયાં પસા થઇ જાય કંઇ ખબર ન પડે. ઘરમાં બધી વાતે ઇશ્વરની મહેરબાની હતી. વહુ દીકરા અને પૌત્ર, પૌત્રી  સાથે  ખુશ હતા. રાત્રે નિમુબા રામાયણના બે ચાર પાના વાંચે. બધાએ ફરજિયાત સાથે બેસવાનું  કયારેક નિમુબા વાંચે તો કયારેક હમણાં જ વાંચતા શીખેલી પૌત્રીના હાથમાં રામાયણ પકડાવે એ ધીમે ધીમે વાંચે અને બધા સાંભળે.. તો કયારેક દીકરા વહુનો વારો પણ  આવી જાય. અલબત્ત વાંચવાનો એ સમય પંદર વીસ મિનિટથી વધારે ન હોય. દીકરા વહુને, પૌત્રીને  સવારે વહેલું ઉઠવાનું હોય એટલે બધા વહેલા સૂવા જાય. પૌત્રી નિમુબા ભેગી જ સૂવે. દાદીમાએ સૂતા પહેલા એને વાર્તા કરવી જ પડે. નિમુબા ખાસ કંઇ ભણેલા નહીં.. બસ.. વાંચતા લખતા આવડે.  નિમુબાને પોતાના જમાનાની વાર્તાઓ આવડે, ભજનો આવડે. વાર્તા સાંભળીને દાદી , દીકરીની આંખો કયારે મીંચાઇ જાય ખબર ન પડે.. કે રાત થાય પૂરી અને સીધી પડે સવાર. આ હતી નિમુબાની રોજની દિનચર્યા .

હમણાં  નિમુબાના ભાઇની યુવાન દીકરી, જેના,  અમેરિકાથી આવી હતી. અને દસેક દિવસ રોકાવાની હતી. જેના અમેરિકાના વાતાવરણમાં ઉછરેલી છોકરી હતી.દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત.એને નિમુબાની બહું માયા. આ વખતે પૂરા પાંચ વરસ પછી દેશમાં આવી હતી. નિમુબાની વહુ શુભા સાથે પણ તેને સારું બનતું. અહીં  બધા સાથે તે  ભળી ગઇ હતી.

કાલે સાંજે  નિમુબાને થોડું  તાવ જેવું હતું. એવું નાનું મોટું તો આ ઉમરે ચાલ્યા કરે. નિમુબા કંઇ એમ જલદીથી ગણકારે તેવા નહોતા. સવારે રોજની જેમ ઉઠીને તે  તૈયાર થયા અને મંગળાના દર્શને  જવા નીકળી ગયા.તે આવ્યા ત્યારે જેના તેમને જ શોધતી હતી.

‘ ફૈબા, કાલે રાત્રે  ના પાડી હતીને આજે  કયાંય જવાનું નથી. તો યે મંદિરે ઉપડયા હતા ને ? જેનાએ વહાલથી નિમુબાને ઠપકો આપ્યો.

‘ બેટા, મંદિરે ગયા વિના મને ન ચાલે. મંગળાની આરતીના દર્શન કર્યા વિના  મને ચેન ન પડે. અને હું કંઇ એવી માંદી નહોતી કે એટલું યે ન જઇ શકું.

’ પણ ફૈબા ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું  છે.. ધતિંગ .. ફૈબા, એવા કોઇ ક્રિયાકાંડની આપણે જરૂર જ નથી. બસ આપણું  મન સાફ હોય, શકય તેટલી કોઇને  મદદ કરીએ , એ જ  સાચો ધર્મ..જનસેવા એ જ પ્રભુ સેવા એ તમે નથી સાંભળ્યું ? આજે યે તમે રામ સીતાની વાતો પોપટની જેમ પઢયે જાઓ છો.. એનાથી કોનું ભલું થવાનું છે ? સમયનો બગાડ છે બધો. તમારી માળાની, કે તમારી પૂજાની ભગવાનને કોઇ જરૂર નથી. એની પાસે બધું છે જ એમ તમે પણ માનો છો.. તો પછી આટલા બધા પ્રસાદના દંભ શાના ? આ અન્ન્નકૂટ ને એવા દેખાડા શા માટે ? અરે, ધંધો માંડીને બેઠા છે આ બધા પંડાઓ ને પૂજારીઓ..ભગવાન તો આપણી  અંદર બેઠા છે.. તમે જ કહો  છો ને કે ભગવાન તો કણકણમાં  બધે છે.. તો પછી એને માટે બહાર જવાની શી જરૂર ?

જેના હમણાં જ બનારસમાં  જઇ આવી હતી અને ત્યાં  પંડાઓને લીધે જે હેરાનગતિ ભોગવી હતી તેને લીધે વધારે ઉશ્કેરાટમાં હતી.

પછી તો પૂરા બે દિવસ સુધી તેણે નિમુબાનું બ્રેઇન વોશ કર્યા કર્યું. નિમુબા જેનાની કોઇ વાતને ન સ્વીકારી શકયા કે ન નકારી શકયા. તેની બધી વાતોનો જવાબ જેનાએ જોરદાર દલીલોથી આપ્યો હતો ને નિમુબાને ગળે ઉતાર્યો હતો.

એટલે, આટલા વરસો સુધી હું જે કંઇ કરતી આવી છું એ બધું ખોટું ? નિમુબા મનોમન વિચારી રહ્યા. જેનાની વાત ખોટી તો નહોતી જ લાગતી. પણ છતાં મન નહોતું માનતું. શું કરવું તે નહોતું સમજાતું. તે વિચારમાં પડી ગયા. જાણે શાંત જળમાં  કાંકરી પડી હતી અને વમળો ઉઠયા હતા.

શુભાએ જેનાની બધી વાત સાંભળી હતી. તેણે જેનાને પાસે બોલાવી.

‘ જેના, તું કહે છે એ બધી વાત સાચી. આજે મંદિરો પ્રોફેશનલ બની ગયા છે. પૂજારી, પંડા ..અન્નકૂટ એ બધી તારી વાત સાચી કોઇ ક્રિયાકાંડ જરૂરી નથી. હું પોતે એવું કશું કરતી નથી. શું સાચું ને શું ખોટું એવી કોઇ ચર્ચા આપણે નહીં કરીએ. પણ જેના, મમ્મી જે કરે છે એ તેને માટે.. અમારા બધા માટે બહું જરૂરી છે.

‘ ભાભી, મને સમજાયું નહીં.’

‘ જો, હું તને સમજાવું. આપણે  બીજી રીતે વિચારીએ. રોજ સવારે ચાલવા જવું મમ્મી માટે સારું ગણાય કે નહીં ?

‘ ઓફ કોર્સ સારું જ  ગણાયને. વોક તો જરૂરી છે જ.

‘ તો ફૈબાને  તું આ ઉંમરે મોર્નીગ વોકમાં જાવ એમ કહે તો એ જાય ખરા ? એને બદલે મંગળાના દર્શન કરવા માટે થઇને રોજ કેટલું ચાલી આવે છે. સવારે ભગવાનની સેવાપૂજા કરે છે તો એમાં જીવ પરોવાઇ રહે છે. નહીંતર ઘરમાં આ કામ નથી થયું ને અહીં આમ પડયું છે આમ ન કરાય વગેરે સૂચનાઓ ચાલુ જ રહે. સ્વાભાવિક રીતે જ તેમની અને મારી કામ કરવાની રીતમાં ફરક હોવાનો જ.. એ મારું ન સ્વીકારી  શકે કે હું એની રીતે ન કરી શકું.. એને બદલે સેવાપૂજામાં સમય પસાર થાય છે તો અમારી વચ્ચે મતભેદ થવાની શકયતાઓ ઘટી જાય છે. સાંજે પણ મંદિરને બહાને ચાલી આવે છે ત્યાં એના  જેવડા કોઇને મળે..કયારેક બે વાતો કરીને મનનો ઉભરો ઠલવાઇ જાય. સાથે નવ્યાને પણ રોજ બગીચામાં ફરવા લઇ જાય છે. અને આવીને થાકી ગયા હોય એટલે  બીજી કોઇ પન્ચાતમાં પડે જ નહીં. દરેક ઘરમાં વત્તે ઓછે અંશે બે પેઢી વચ્ચે જનરેશન ગેપ હોય અહીં પણ છે..પણ  અહીં તને એ અનુભવાય છે ખરો ? કારણ સમય જ નથી બચતો એ બધા માટે..

અને રાત્રે  રામાયણ વાંચવાનો કાયદો તો મને બહું  ગમે છે.એ બહાને બધા સમયસર જમી લે છે.. શાંતિથી બધા સાથે થોડીવાર  બેસીએ છીએ બાળકોને એક  સંસ્કાર પડે છે. મોહિતને રોજ જમ્યા પ્છી બહાર ભાઇબંધો સાથે  પાન ખાવા જવાની આદત હતી એને બદલે મમ્મીએ આ નિયમ કર્યો છે એટલે  પરિવાર સાથે બેસે છે એ કંઇ ઓછા ફાયદાની વાત છે ? બોલ, હવે બીજી બધી વાતો જવા દે..પણ  મમ્મી જે કરે છે એમાં ખોટું શું છે ?

બીજે  દિવસે જેનાએ ફૈબાને કહ્યું,  ‘ ફૈબા,  હું તો તમારી પરીક્ષા કરતી હતી. બાકી અમારા જેવા  યુવાનો તો મનમાં  જે આવે તે બોલ્યે રાખે.. આજે મંદિરે જાવ ત્યારે ભગવાન પાસે મારી યે થોડી લાગવગ લગાડજો હોં.. મને સારો છોકરો મળે એવી પ્રાર્થના કરશો ને મારા વતી ? ફૈબા, તમારે તો એની સાથે સીધો નાતો..

નિમુબા હરખાઇને દર્શન માટે ઉપડયા. જેના અને શુભા હસી રહ્યા. હવે ઘરની શાંતિ સલામત હતી.  

 

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )  

       

 


સંબંધસેતુ..

સંબંધોના સાચા સૂર..  

“ હું ને તું ના બધા ઘોંઘાટમાં

 કયાંક સાચા સૂર રાખી જોઇએ..”  

આજકાલ મોટે ભાગે અનેક માતાપિતાને તેમના પુખ્ત વયના સંતાનો માટે અનેક ફરિયાદો હોય છે. એમાં પણ પરણેલા દીકરા સામે વિશેષ ફરિયાદો હોય છે. અલબત્ત એ સાચી પણ  હોય છે..પરંતુ દરેક વખતે નહીં જ..હમેશા માતા પિતા જ સાચા હોય અને ફકત સંતાનોનો જ દોષ હોય છે એવું  નથી. બે પેઢી વચ્ચે જનરેશન ગેપ તો રહેવાનો જ.ત્યારે માબાપે પણ સંતાનોની વાત તેની ભાવના..તેના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.. તેમને અનુકૂળ બનવાની કોશિષ કરવી જ રહી. આજની ફસ્ટ લાઇફમાં  સંતાનોને હરિફાઇમાં ટકી રહેવા માટે અનેક મોરચે ઝઝૂમવું પડતું હોય છે.   બહારથી થાકીને  તે ઘરમાં આવે ત્યારે એને પણ  હાશકારો ..થોડી શાંતિ મળે એવી  ઝંખના હોય છે. એવે સમયે માતા પિતા દીકરાના આવતાની સાથે જ પોતાની ફરિયાદોના પોટલા ખોલીને બેસી જાય ત્યારે દીકરો કે કોઇ પણ કંટાળે એ સ્વાભાવિક નથી ? એમાં દરેક વખતે લાગણી ન હોય એવું નથી હોતું. દીકરાને પોતાની પડી નથી એવી ગેરસમજણને  દિલમાં સ્થાન આપ્યા સિવાય મન શાંત રાખી સહકાર આપતા શીખવું જ રહ્યું.

આજે આવી જ કોઇ વાત..નીલેશભાઇ જીવનના છઠ્ઠા દાયકામાં પ્રવેશ્યા ત્યાં જ પત્નીનો સાથ અચાનક છૂટી ગયો. ગામમાં એકલા થઇ જવાથી દીકરો, વહુ આગ્રહ કરીને તેમને પોતાની સાથે શહેરમાં લાવ્યા..

પપ્પા ..હવે તમારે એકલા રહેવાની જરૂર નથી. કહી લાગણીપૂર્વક દીકરો શશિન  અને  વહુ રાધિકા તેમને પોતાની સાથે  લાવ્યા. પપ્પાને પણ  નાના અંશ સાથે  મજા આવશે. તેને રમાડવામાં  એ પોતાની  એકલતા ભૂલી જશે એમ માની ખુશીખુશી પિતાને લાવ્યા હતા.

થોડા દિવસ તો બરાબર ચાલ્યું. દીકરાનો બે બેડરૂમનો ફલેટ હતો. અને ઘરમાં પતિ, પત્ની અને નાનકડો દીકરો જ હતો.તેથી નીલેશભાઇને જુદો રૂમ પણ મળી શકયો હતો. રાધિકા તેની ફરજ લાગણીથી બજાવતી  હતી. પિતાને કોઇ વાતનું ઓછું ન આવે માટે પતિ પત્ની બંને કાળજી રાખતા હતા.

પણ નીલેશભાઇ અહીં એકલા પડી  જાય એ સ્વાભાવિક છે. આસપાસમાં બધા નોકરી કરતા સ્ત્રી, પુરૂષો હતા. મોટા ભાગના ફલેટ છેક સાંજે કે મોડી રાત્રે ખૂલવા પામતા. ગામની જેમ અહીં કોઇ રોજ આવીને ગપ્પા મારવા નવરું નહોતું. નીલેશભાઇ ને મજા નહોતી આવતી. આખો દિવસ શું  કરવું ? અંશ  ચાર વરસનો  હતો. રાધિકા સવારે નીલેશભાઇને ચા નાસ્તો સમયસર આપીને પછી પોતાના કામમાં ગૂંથાઇ રહેતી. અંશને સ્કૂલે મૂકવા લેવા જવું.. શશિનને  સમયસર ટિફિન આપવું..એ બધામાં સમય તો કયાંય ઊડી જતો. નીલેશભાઇને બરાબર બારના ટકોરે જમવા જોઇએ અને તે પણ  જરા યે  ઠંડુ ન જ ચાલે.  વરસોની આદત હતી. રાધિકા તેમના સમયનો ખ્યાલ રાખતી પણ દરેક વખતે એ શકય ન બનતું. પુત્રને સ્કૂલેથી તેડીને આવે ત્યાં જ બાર વાગી જાય અને એ પછી દીકરાને જમાડે કે પહેલા સસરાને એ જ તેને ન સમજાતું. બંને ઉતાવળા થતા હોય. મોડું થાય તો નીલેશભાઇ  એકલા એકલા બોલ્યા કરે..

’ નકામો અહીં આવ્યો એના કરતા ગામમાં એકલો પડી રહ્યો હોત તો  વધારે  સુખી હોત.. એમ પરોક્ષ રીતે કંઇ ને કંઇ સંભળાવ્યા કરતા. રાધિકા બધું  સમજતી પણ સંસ્કારી હોવાથી સામે જવાબ નહોતી આપતી અને આંખ આડા કાન કર્યા કરતી.

એકાદ વાર તેણે નીલેશેભાઇને કહી જોયું..

પપ્પા , તમે અંશને તેડવા મૂકવા જાવ તો મજા આવશે.સ્કૂ લ પણ બહું દૂર નથી.  દસ મિનિટ  લાગે છે. અને તમારે થોડું ચલાઇ પણ જાય અને હું પણ થોડી ફ્રી રહું તો બીજા કામ સમયસર થઇ શકે. પણ નીલેશભાઇએ તો ચોખ્ખું કહી દીધું ..મને એવું કોઇ બંધન ન ફાવે. તમારા છોકરાઓનું તમે સંભાળો..અમે અમારી જવાબદારી પૂરી કરી હવે તમે જાણો અને તમારો સંસાર જાણે..અમે તો ભાઇ બસ  તો બે ટાઇમ રોટલી શાકના  ઘરાક..બાકી અમારે બીજી કોઇ અપેક્ષા કયાં છે તમારી  પાસે ?

આમ કેટલું યે બોલતા..પછી રાધિકાએ તેમને કહેવાનું  જ છોડી દીધું . સાંજે શશિન થાકીને ઓફિસેથી આવે એટલે નીલેશભાઇની ફરિયાદ ચાલુ જ થઇ જાય..

હું તો ભાઇ કંટાળી ગયો…. કોઇ બોલવાવાળું જ ન મળે..અને આજે પોતાને કેટલી તકલીફ પડી એનું વર્ણન  ચાલુ થાય.

શશિન બિચારો શું બોલે  ? તેને ખબર હતીકે રાધિકા પિતાનું ધ્યાન  રાખે જ છે પણ પિતાએ જીવનમાં કદી બે સળી સુધ્ધાં નથી ભાંગી.. કોઇને મદદ કરાવવી જોઇએ એવો એમને વિચાર જ નથી આવતો.  બધાએ તેમનો જ વિચાર કરવો જોઇએ એવું  જ તે માનતા.

એવામાં નીલેશભાઇનો એક મિત્ર તેને ઘેર  થોડા દિવસ માટે આવ્યો. નીલેશભાઇએ જ પોતાની સાથે રહેવા બોલાવ્યા હતા. ગિરીશભાઇ પણ  તેમના જેવડા જ હતા. રાધિકાને થયું હવે પપ્પાના મિત્રને પણ  પોતે કેવી રીતે સાચવશે ? પોતે એકલી કેટલે પહોંચી વળશે ? પપ્પા  તો અંશને પણ મન હોય તો થોડી વાર રમાડે નહીંતર નહીં. પણ પપ્પાના  મિત્રને ના તો કેમ પડાય ?

ગિરીશભાઇ આવ્યા એટલે નીલેશભાઇ ખુશખુશાલ થઇ ગયા.  ઘણાં  સમયે કોઇ વાતો કરનાર મળ્યું. રાધિકા સવારે  નીલેશભાઇ  અને તેના મિત્રને ચા , નાસ્તો આપીને અંશને સ્કૂલે મૂકવા જતી હતી..ત્યાં ગિરીશભાઇએ કહ્યું,

રાધિકા બેટા.. તમે તમારે ઘરમાં કંઇ કામ હોય તો  આ અંશને તો અમે બે દાદાજી સ્કૂલે મૂકી આવશું. નીલેશ,  તેં સ્કૂલ જોઇ છે ને ?

નીલેશભાઇ એ હા પાડી પણ કહ્યું,

આપણે કયાં  ધક્કો ખાશું ? એ તો રાધિકા મૂકી આવશે.

એ તો મૂકી જ આવશે..પણ આપણે બેઠા બેઠા શું કરીશું ? ચાલ, ઉભો થા.. પૌત્રની આંગળી પકડીને તેને મૂકવા જવાની મજા માણી છે કયારેય ?  

નીલેશભાઇ  કમને તૈયાર થયા.ત્યાં ગિરીશભાઇ બોલ્યા..

બેટા, કંઇ થેલી કે હોય તો આપો તો વળતી વખતે શાક કે કંઇ લેવું હોય તો અમે લેતા આવીએ..

અને  તેમણે પરાણે રાધિકા પાસેથી થેલી લીધી.  અંશને મૂકીને પાછા  આવતી વખતે શાકભાજી પણ લેતા આવ્યા.

એટલું જ નહીં શાક બધું છૂટું પાડીને ફ્રીઝમાં ગોઠવી પણ દીધું.

બપોરે ફરીથી અંશને લેવા ઉપડયા.. આવીને કહે,

પહેલા આ છોકરાને નિરાંતે જમાડી લો..અમે બુઢ્ઢા અમારી જાતે લઇ લેશું. અરે વાહ તમે તો રોટલી પણ તૈયાર રાખી છે ને ?

રાધિકા કહે, હું હમણાં બીજી  ગરમ ઉતારી દઉં છું.

અરે, આ યે ગરમ જ છે. નીલેશ ચાલ ભાઇ, આપણને તો  ભૂખ લાગી છે. રાધિકા ભલે શાંતિથી અંશને જમાડી લે..

નીલેશભાઇ  કશું બોલ્યા સિવાય ચૂપચાપ જમવા બેસી ગયા. સાંજે અંશને લઇને ગિરીશભાઇ બાજુના બગીચામાં  ફરવા  ઉપડયા. અંશને મજા આવી ગઇ. નીલેશભાઇ પણ પાછળ પાછળ ગયા. જોકે અંશને ફેરવવામાં તેની સાથે દોડાદોડી કરવામાં તેની સાથે બોલ અને ફુગ્ગાથી રમવામાં તેમને પણ  મજા આવી.સારું લાગ્યું.

રાત્રે શશિન આવ્યો ત્યારે બંને મિત્રોએ જમી લીધું હતું.

રાધિકા, અમે અંશને વાર્તા કરીએ છીએ તેણે જમી લીધું છે ને  ? તમે હવે નિરાંતે જમી લો. શશિન બિચારો થાકીને આવ્યો હશે..

કહીને અંશને પોતાની પાસે લઇને ગિરીશભાઇ ઉત્સાહથી અંશને વાર્તા કરવા લાગ્યા . અંશને આ નવા  દાદાજી બહું  ગમી ગયા. તે આટલા સમયમાં નીલેશભાઇ  સાથે કદી આટલું નહોતો બોલ્યો  કે નહોતો હસ્યો આ દાદાજીની  તેને જાણે માયા લાગી ગઇ.

ગિરીશભાઇ પૂરું અઠવાડિયું રોકાયા. આ દિવસોમાં   રાધિકાને કોઇ તકલીફ ન પડે અને પોતે  તેને કેવી રીતે મદદરૂપ થઇ  શકાય  એ રીતે તે રહ્યા. રાધિકા  કોઇ વાત માટે ના કહે તો પણ તે  હસીને કહેતા,

બેટા, તું ચિંતા ન કર. હું મારે ઘેર આ બધું  કરું જ છું. અહીં  એમાં કંઇ નવું નથી કરતો.  અને એટલે જ મને લાગે છે કે હું પણ  ઘરનો એક સભ્ય છું કંઇ મહેમાન કે વધારાની વ્યક્તિ નથી.  બેટા , અહીં તેં પણ  મને સરસ રીતે સાચવ્યો છે. મારા આશીર્વાદ છે.

ગિરીશભાઇ જતા રાધિકા ગળગળી બની ગઇ હતી. જાણે પોતાના પિતા ઘરમાંથી ન જતા હોય..

નીલેશભાઇ  તો બસ જોતા જ રહી ગયા હતા. મનમાં  કોઇ સમજણ ઊગી રહી હતી.

બીજે દિવસ રાધિકા જલ્દી જલ્દી તૈયાર થઇ હતી કે આજે તો અંશને મૂકવા તેને જ જવું પડશે..હવે કંઇ ગિરીશભાઇ થોડા છે ?

પણ ત્યાં તેના આશ્વર્ય વચ્ચે  નીલેશભાઇ ધીમેથી  બોલ્યા

બેટા, આજથી અંશને મૂકવા હું જવાનો છું હોં..અને હા, એક થેલી પણ આપજો..

ના..ના પપ્પા..ચાલશે.તમે ધક્કો ન ખાવ હું  જાઉં છું.

કેમ મને કાયમ ઘરનો મહેમાન જ રાખવો છે ? હું  પણ  આ ઘરનો એક સભ્ય છું..

કહેતા નીલેશભાઇ અંશનો હાથ પકડી ચાલવા લાગ્યા.

રાધિકા સસરાનું  આ પરિવર્તન જોઇ રહી.

અને આ પરિવર્તન કાયમી બની રહ્યું. હવે નીલેશભાઇને કોઇ ફરિયાદ નથી. હવે એ એકલા પણ નથી.  સાથે વહાલો પૌત્ર છે. સ્નેહાળ દીકરો  વહુ  છે.  જે  તેમની બધી જરૂરિયાતનું  ધ્યાન રાખે છે. એથી વિશેષ શું જોઇએ જીવવા માટે ?  

કોઇ ટિકા ટિપ્પણની જરૂર છે ખરી કે ?તમારી  આસપાસ આવા કોઇ નીલેશભાઇ  કે નીલાબહેન દેખાય છે ? કે પછી  આપણે જ એ નીલેશભાઇ  કે નીલાબહેન તો નથી ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )  

 

સંબંધસેતુ..

 

સંબંધસેતુ..

નક્કરપણામાં પણ નિયત પોલાણ હોવું જોઇએ
નહીતર ગમે તે સાજ હો, રણકાર નહીં નીકળી શકે

જીવનમાં ઘણી વખત આપણે માણસોને, સગાઓને, મિત્રોને ઓળખવામાં થાપ ખાઇ જતા હોઇએ છીએ. કોઇ બેચાર વાતો પરથી કોઇ વ્યક્તિને કદી જજ કરી શકાય નહીં. એ રીતે મૂલવવા જઇએ તો હમેશા ખોટું  તારણ જ નીકળે.. જુદા જુદા સંજોગોમાં માણસ જુદી જુદી રીતે વર્તતો હોય છે. એથી જયારે પૂરી વાતની જાણ ન હોય ત્યારે કદી કોઇ વાતનો કે કોઇ માણસનો ન્યાય તોળવા ન બેસી જવું જોઇએ કે કોઇ વ્યક્તિ વિશે સાચો ખોટો અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કદી ન કરવી જોઇએ. આપણે પોતે પણ ઘણી વાર ધાર્યા કરતા સાવ જુદું વર્તન કરતા હોઇએ છીએ.. બની શકે સામી વ્યક્તિને પણ આપણું એ વર્તન ખૂંચતું હોય. પણ આપણે મોટે ભાગે  બીજાએ શું કરવું જોઇએ..કેવી રીતે કરવું જોઇએ એનો જ વિચાર કરતા હોઇએ છીએ..જાત સામે આયનો ધરવો બહું અઘરી વાત હોય છે. આજે કોઇ આવી જ વાત..

પાયલ પરણીને  સાસરે આવી. પિયરમાં અને સાસરામાં પણ આર્થિક રીતે સધ્ધર કહી શકાય એવી સ્થિતી હતી. પાયલના હાથમાં પિયરમાં કદી રસોડાનો ચાર્જ નહોતો આવ્યો. ઘરમાં ભાભી અને મમ્મી બંને હતા એથી કદીક ભૂલથી રસોડામાં ગઇ હોય એટલું જ. હા સગાઇ પછી બે ચાર મહિનામાં  થોડું શીખવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જવાબદારી કદી નહોતી આવી.

અહીં સાસરામાં જેઠ, જેઠાણી, તેમની એક નાની  પુત્રી  અને પોતે બે અને સાસુ, સસરા એમ કુલ સાત જણાનું  કુટુંબ હતું. ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો. તેથી ખાસ કોઇ પ્રશ્નો નહોતા. સાસુ પણ રસોડામાં મદદ કરાવતા રહેતા. એકવાર ઉતાવળમાં કોઇ બરણી ઉપર મૂકવા જતા પાયલથી પડી  ગઇ. અને તૂટી ગઇ. આખા વરસનું અથાણું પણ ગયું અને બરણી પણ ગઇ. પાયલના સાસુ ત્યાં જ હતા તેણે પાયલને જરા મોટેથી  કહ્યું,

જરા ધ્યાન રાખીને કામ કરવાનું.. ખબર છે આજે  કેટલું નુકશાન થયું ? આવું આપણને ન પોસાય. જરાક સંભાળીને કામ કરવાનું. પાયલને ગમ્યું તો નહીં.પણ પોતાનો વાંક હતો એટલે કશું બોલી નહીં.

સાસુ રસોડામાં   સાથે જ હોવાથી નાની નાની વાતમાં તેમની સલાહ સૂચના..જેને પાયલ કચકચ કહેતી એ ચાલુ જ રહેતી. લોટમાં આટલું મોણ ન નખાય. ગેસ ઉપર તપેલી મૂકીને પછી જ ગેસ ચાલુ કરવાનો..નકામો ગેસ કેટલો બળી જાય.. કોઇ પણ નાની નાની  વાતમાં કરકસર કરવાની તેમની સલાહોથી પાયલ કંટાળી જતી. પોતે પિયરમાં કેવી બિન્દાસથી કરતી. અહીં તો તેને ડર જ લાગતો. અને એ ડરમાં ને ડરમાં જ તેનાથી વધારે ભૂલો થતી રહેતી કે પછી વધારે નુકશાન થતું રહેતું અને સાસુનું સાંભળવાનું થયા કરતું. જોકે  સાસુ ફકત તેને એકલીને જ કહેતા હતા એવું નહોતું.. ઘરના બધાને એ સલાહ સાંભળવાની આવતી. ખાસ કરીને વધારે ખર્ચો થાય કે કોઇ નુકશાન થાય ત્યારે કરકસર કરવાની સલાહ અચૂક આવતી. દરેક વાતમાં વિચારી વિચારીને પૈસા કેમ બચાવાય એના નવા નવા આઇડીયા તેમની પાસે તૈયાર જ હોય.

અને આમં સૌથી વધારે સાંભળવાનો વારો પાયલનો જ આવતો. કેમકે બાકી બધા તેમના પ્રમાણે રહેવા ટેવાઇ ગયા હતા..અને તેમના સાંભળવાથી પણ ટેવાઇ ગયા હતા. પાયલ માટે હજુ બધું નવુ6 હતું.

જોકે આ જ સાસુ બધા જમવા બેસે ત્યારે અન્નપૂર્ણાનો અવતાર બની જતા. પાયલે  કોઇ દિવસ થોડું ઓછું ખાધું હોય ત્યારે  આગ્રહ કરીને અચૂક તેને ખવડાવીને  જ જંપતા. કયારેક મંદિરે ગયા હોય ત્યારે ત્યાંથી આવે ત્યારે પાયલને ભાવતી ફરાળી પેટિસ લાવવાનું કદી ભૂલતા નહીં..અને પ્રેમથી ખવડાવતા. જેઠાણીની બેબી એક મિનિટ પણ  રડે તો સાસુથી સહન ન થતું..કામ તો થયા કરશે..હું કરી નાખીશ..પણ  છોકરું રડે એ મને ન પોસાય.એ તો ભગવાનનું સ્વરૂપ છે. પૂજા કરવા બેઠા હોય ત્યારે પણ  જો બેબીનો અવાજ સંભળાય તો સાસુ બધું પડતું મૂકીને દોડયા જ હોય.

આમ સાસુનું વ્યક્તિત્વ પાયલને કદી સમજાતું નહીં. કયારેક  સાસુ બહું કડક લાગતા તો કયારેક સ્નેહાળ લાગતા..કયું સ્વરૂપ સાચું ને કયું ખોટું એ નક્કી નહોતું થતું. કયારેક પતિને કહેતી તો એ હસતા હસતા કહેતા,

થોડો સમય થવા દે..મમ્મી સાથે વધારે સમય રહીશ એટલે એમને સાચી રીતે ઓળખી  જઇશ.

એવામાં એક દિવસ પાયલની વીંટી કયાંક ખોવાઇ ગઇ. હાથમાંથી કયારે કયાં સરી ગઇ કંઇ ખબર ન પડી. અને આ એ જ વીંટી હતી જે  પહેલીવાર  સાસુને  પગે લાગી  હતી ત્યારે  સાસુએ  તેને  આપેલી. વીંટી શોધી શોધીને પાયલ થાકી. પણ મળી નહીં.. જેઠણીએ અને બધાએ શોધી. સાસુ ત્યારે બહાર ગયા હતા.. પાયલ ગભરાતી હતી. તે રડવા  જેવી થઇ ગઇ હતી. હવે સાસુને શું  જવાબ આપશે ? નાની એવી વાતમાં ખીજાનાર સાસુ આવડું મોટું નુકશાન જોતા શું  કહેશે ? શું કરશે ? જેઠાણીએ તેને ચિંતા ન કરવા કહ્યું,

પાયલ, ન મળે તો થયું..એમાં ચિંતા  કરીને શું ફાયદો ? નકામો જીવ ન બાળીશ..

પણ ભાભી, બાને ખબર પડશે ત્યારે..

ત્યારે બા કંઇ નહીં કહે..હું તેમને ઑળખું છું ને ?

‘ અરે જરાક નુકશાન થાય તો પણ  બા..

કહેતા પાયલ રીતસર રડી જ પડી. જેઠાણીએ તેને પાણી આપ્યું અને શાંત કરી ત્યાં જ સાસુ બહારથી આવ્યા. પાયલને રડેલી જોઇને તેમણે તુરત પૂછપરછ શરૂ  કરી.

બધી વાત સાંભળી હસીને  બોલ્યા..

અરે મારી પાયલ તો સાવ ગાંડી  છે. હું બીજી વીંટી કરાવી આપીશ..બસ ? અરે, એવી તો કેટલીયે વીંટીઓ મારી વહુ ઉપર હું ઓળઘોળ કરી શકું એમ છું. તું ચિંતા ન કર.

પાયલ તો રડવાનું પણ ભૂલી ગઇ. તેણે સાસુ સામે જોયું. સાસુએ હસીને કહ્યું,

હું કંઇ વાઘ દીપડો છું ? મારાથી  બીક લાગે છે ?

ગભરાટમાં પાયલથી હા પદાઇ ગ ઇ.

એમ હું  વાઘ છું કે દીપડો ? બોલ તો..એટલે મને યે ખબર પડે.. સાસુના અવાજમાં કદી ન જોયેલી મસ્તી .. મજાક હતા.

પાયલ ગૂંચવાઇ..ના..હું એમ કહેતી હતી કે…

કે આજે સાસુ ધોકો લેશે નહીં ?

બેટા, મને ખબર છે મારો સ્વભાવ ..કરકસરની મારી ટેવ.. પણ બેટા, તને ખબર છે એ ટેવે જ એકવાર આ કુટુંબને ઉગારી લીધું હતું. પછી તો સાસુએ  ઘણી  વાત કરી. એકવાર કેવી રીતે ખોટ ગઇ હતી ત્યારે કરકસર કરીને બચાવેલા પૈસા કેવા કામ આવ્યા હતા અને રસ્તો નીકળ્યો હતો. અને પાંચ વરસ તો કેવી કરક્સરથી ઘર ચલાવવું પડયું હતું.. એ બધી વાત કરી અને ઉમેર્યું,

બેટા, કાલની કોને ખબર છે ? કરકસરની..બચાવવાની આદત પડી હોય તો કયારેક કામ આવે. મારો સ્વભાવ જ હવે પડી ગયો છે એટલે બોલ્યા સિવાય રહી  નથી શકાતું. બાકી તમે બંને મારા ઘરની લક્ષ્મી છો.. એને દુખી કરીને હું સુખી થોડી થઇ શકવાની ? બસ… આજથી હું ધ્યાન રાખીશ..તમને ખીજાવાય નહીં એનું.. મારી વહુ મને વાઘ દીપડો સમજે એ કેમ પોસાય ?

પાયલ અચાનક જ બોલી ઉઠી..

ના..બા..તમે તમારે ખીજાજો અને પછી આવો પ્રેમ પણ કરજો..મને જરાયે ખરાબ નહીં લાગે..

સાચ્ચે જ ?

હા..બા..હું  કદાચ તમને ઓળખી નહોતી શકી..

‘ અરે.. આ ખબર નથી પડતી કયારનો કૂકરનો ગેસ ધીમો કરવાની ? ગેસ કેટલો મોંઘો છે ખબર છે ? ‘ સાસુ મોટેથી બોલી ઉઠયા.

હવે પાયલ અને તેની જેઠાણી હસી પડયા.. ત્યં સસરાજી આવ્યા.   બધાને સાથે  હસતા જોઇને તે  બોલ્યા.. એક મિનિટ હું કેમેરો લેતો આવું.. આ સમૂહ હાસ્યનો ફોટો તો જોઇએ હોં..

અહીં સંબંધોનો કેવો મજાનો સેતુ હતો..સંયુકત કુટુંબમાં થોડી થોડી  સમજદારી  બધા દાખવે ત્યારે સુખ કદી ગેરહાજર રહી શકતું  નથી.અને જે ઘરમાં સુખ અને સમજણ હોય એવી ઘરમાં રહેવું કોને ન ગમે ? શું કહો છો ? 

( સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )   

શીર્ષક  પંક્તિ.. ડો. મહેશ રાવલ 

સંબંધસેતુ..

નક્કરપણામાં પણ નિયત પોલાણ હોવું જોઇએ

નહીતર ગમે તે સાજ હો, રણકાર નહીં નીકળી શકે

જીવનમાં ઘણી વખત આપણે માણસોને, સગાઓને, મિત્રોને ઓળખવામાં થાપ ખાઇ જતા હોઇએ છીએ. કોઇ બેચાર વાતો પરથી કોઇ વ્યક્તિને કદી જજ કરી શકાય નહીં. એ રીતે મૂલવવા જઇએ તો હમેશા ખોટું  તારણ જ નીકળે.. જુદા જુદા સંજોગોમાં માણસ જુદી જુદી રીતે વર્તતો હોય છે. એથી જયારે પૂરી વાતની જાણ ન હોય ત્યારે કદી કોઇ વાતનો કે કોઇ માણસનો ન્યાય તોળવા ન બેસી જવું જોઇએ કે કોઇ વ્યક્તિ વિશે સાચો ખોટો અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કદી ન કરવી જોઇએ. આપણે પોતે પણ ઘણી વાર ધાર્યા કરતા સાવ જુદું વર્તન કરતા હોઇએ છીએ.. બની શકે સામી વ્યક્તિને પણ આપણું એ વર્તન ખૂંચતું હોય. પણ આપણે મોટે ભાગે  બીજાએ શું કરવું જોઇએ..કેવી રીતે કરવું જોઇએ એનો જ વિચાર કરતા હોઇએ છીએ..જાત સામે આયનો ધરવો બહું અઘરી વાત હોય છે. આજે કોઇ આવી જ વાત..

પાયલ પરણીને  સાસરે આવી. પિયરમાં અને સાસરામાં પણ આર્થિક રીતે સધ્ધર કહી શકાય એવી સ્થિતી હતી. પાયલના હાથમાં પિયરમાં કદી રસોડાનો ચાર્જ નહોતો આવ્યો. ઘરમાં ભાભી અને મમ્મી બંને હતા એથી કદીક ભૂલથી રસોડામાં ગઇ હોય એટલું જ. હા સગાઇ પછી બે ચાર મહિનામાં  થોડું શીખવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જવાબદારી કદી નહોતી આવી.

અહીં સાસરામાં જેઠ, જેઠાણી, તેમની એક નાની  પુત્રી  અને પોતે બે અને સાસુ, સસરા એમ કુલ સાત જણાનું  કુટુંબ હતું. ઘરમાં બધાનો સ્વભાવ સારો હતો. તેથી ખાસ કોઇ પ્રશ્નો નહોતા. સાસુ પણ રસોડામાં મદદ કરાવતા રહેતા. એકવાર ઉતાવળમાં કોઇ બરણી ઉપર મૂકવા જતા પાયલથી પડી  ગઇ. અને તૂટી ગઇ. આખા વરસનું અથાણું પણ ગયું અને બરણી પણ ગઇ. પાયલના સાસુ ત્યાં જ હતા તેણે પાયલને જરા મોટેથી  કહ્યું,

જરા ધ્યાન રાખીને કામ કરવાનું.. ખબર છે આજે  કેટલું નુકશાન થયું ? આવું આપણને ન પોસાય. જરાક સંભાળીને કામ કરવાનું. પાયલને ગમ્યું તો નહીં.પણ પોતાનો વાંક હતો એટલે કશું બોલી નહીં.

સાસુ રસોડામાં   સાથે જ હોવાથી નાની નાની વાતમાં તેમની સલાહ સૂચના..જેને પાયલ કચકચ કહેતી એ ચાલુ જ રહેતી. લોટમાં આટલું મોણ ન નખાય. ગેસ ઉપર તપેલી મૂકીને પછી જ ગેસ ચાલુ કરવાનો..નકામો ગેસ કેટલો બળી જાય.. કોઇ પણ નાની નાની  વાતમાં કરકસર કરવાની તેમની સલાહોથી પાયલ કંટાળી જતી. પોતે પિયરમાં કેવી બિન્દાસથી કરતી. અહીં તો તેને ડર જ લાગતો. અને એ ડરમાં ને ડરમાં જ તેનાથી વધારે ભૂલો થતી રહેતી કે પછી વધારે નુકશાન થતું રહેતું અને સાસુનું સાંભળવાનું થયા કરતું. જોકે  સાસુ ફકત તેને એકલીને જ કહેતા હતા એવું નહોતું.. ઘરના બધાને એ સલાહ સાંભળવાની આવતી. ખાસ કરીને વધારે ખર્ચો થાય કે કોઇ નુકશાન થાય ત્યારે કરકસર કરવાની સલાહ અચૂક આવતી. દરેક વાતમાં વિચારી વિચારીને પૈસા કેમ બચાવાય એના નવા નવા આઇડીયા તેમની પાસે તૈયાર જ હોય.

અને આમં સૌથી વધારે સાંભળવાનો વારો પાયલનો જ આવતો. કેમકે બાકી બધા તેમના પ્રમાણે રહેવા ટેવાઇ ગયા હતા..અને તેમના સાંભળવાથી પણ ટેવાઇ ગયા હતા. પાયલ માટે હજુ બધું નવુ6 હતું.

જોકે આ જ સાસુ બધા જમવા બેસે ત્યારે અન્નપૂર્ણાનો અવતાર બની જતા. પાયલે  કોઇ દિવસ થોડું ઓછું ખાધું હોય ત્યારે  આગ્રહ કરીને અચૂક તેને ખવડાવીને  જ જંપતા. કયારેક મંદિરે ગયા હોય ત્યારે ત્યાંથી આવે ત્યારે પાયલને ભાવતી ફરાળી પેટિસ લાવવાનું કદી ભૂલતા નહીં..અને પ્રેમથી ખવડાવતા. જેઠાણીની બેબી એક મિનિટ પણ  રડે તો સાસુથી સહન ન થતું..કામ તો થયા કરશે..હું કરી નાખીશ..પણ  છોકરું રડે એ મને ન પોસાય.એ તો ભગવાનનું સ્વરૂપ છે. પૂજા કરવા બેઠા હોય ત્યારે પણ  જો બેબીનો અવાજ સંભળાય તો સાસુ બધું પડતું મૂકીને દોડયા જ હોય.

આમ સાસુનું વ્યક્તિત્વ પાયલને કદી સમજાતું નહીં. કયારેક  સાસુ બહું કડક લાગતા તો કયારેક સ્નેહાળ લાગતા..કયું સ્વરૂપ સાચું ને કયું ખોટું એ નક્કી નહોતું થતું. કયારેક પતિને કહેતી તો એ હસતા હસતા કહેતા,

થોડો સમય થવા દે..મમ્મી સાથે વધારે સમય રહીશ એટલે એમને સાચી રીતે ઓળખી  જઇશ.

એવામાં એક દિવસ પાયલની વીંટી કયાંક ખોવાઇ ગઇ. હાથમાંથી કયારે કયાં સરી ગઇ કંઇ ખબર ન પડી. અને આ એ જ વીંટી હતી જે  પહેલીવાર  સાસુને  પગે લાગી  હતી ત્યારે  સાસુએ  તેને  આપેલી. વીંટી શોધી શોધીને પાયલ થાકી. પણ મળી નહીં.. જેઠણીએ અને બધાએ શોધી. સાસુ ત્યારે બહાર ગયા હતા.. પાયલ ગભરાતી હતી. તે રડવા  જેવી થઇ ગઇ હતી. હવે સાસુને શું  જવાબ આપશે ? નાની એવી વાતમાં ખીજાનાર સાસુ આવડું મોટું નુકશાન જોતા શું  કહેશે ? શું કરશે ? જેઠાણીએ તેને ચિંતા ન કરવા કહ્યું,

પાયલ, ન મળે તો થયું..એમાં ચિંતા  કરીને શું ફાયદો ? નકામો જીવ ન બાળીશ..

પણ ભાભી, બાને ખબર પડશે ત્યારે..

ત્યારે બા કંઇ નહીં કહે..હું તેમને ઑળખું છું ને ?

‘ અરે જરાક નુકશાન થાય તો પણ  બા..

કહેતા પાયલ રીતસર રડી જ પડી. જેઠાણીએ તેને પાણી આપ્યું અને શાંત કરી ત્યાં જ સાસુ બહારથી આવ્યા. પાયલને રડેલી જોઇને તેમણે તુરત પૂછપરછ શરૂ  કરી.

બધી વાત સાંભળી હસીને  બોલ્યા..

અરે મારી પાયલ તો સાવ ગાંડી  છે. હું બીજી વીંટી કરાવી આપીશ..બસ ? અરે, એવી તો કેટલીયે વીંટીઓ મારી વહુ ઉપર હું ઓળઘોળ કરી શકું એમ છું. તું ચિંતા ન કર.

પાયલ તો રડવાનું પણ ભૂલી ગઇ. તેણે સાસુ સામે જોયું. સાસુએ હસીને કહ્યું,

હું કંઇ વાઘ દીપડો છું ? મારાથી  બીક લાગે છે ?

ગભરાટમાં પાયલથી હા પદાઇ ગ ઇ.

એમ હું  વાઘ છું કે દીપડો ? બોલ તો..એટલે મને યે ખબર પડે.. સાસુના અવાજમાં કદી ન જોયેલી મસ્તી .. મજાક હતા.

પાયલ ગૂંચવાઇ..ના..હું એમ કહેતી હતી કે…

કે આજે સાસુ ધોકો લેશે નહીં ?

બેટા, મને ખબર છે મારો સ્વભાવ ..કરકસરની મારી ટેવ.. પણ બેટા, તને ખબર છે એ ટેવે જ એકવાર આ કુટુંબને ઉગારી લીધું હતું. પછી તો સાસુએ  ઘણી  વાત કરી. એકવાર કેવી રીતે ખોટ ગઇ હતી ત્યારે કરકસર કરીને બચાવેલા પૈસા કેવા કામ આવ્યા હતા અને રસ્તો નીકળ્યો હતો. અને પાંચ વરસ તો કેવી કરક્સરથી ઘર ચલાવવું પડયું હતું.. એ બધી વાત કરી અને ઉમેર્યું,

બેટા, કાલની કોને ખબર છે ? કરકસરની..બચાવવાની આદત પડી હોય તો કયારેક કામ આવે. મારો સ્વભાવ જ હવે પડી ગયો છે એટલે બોલ્યા સિવાય રહી  નથી શકાતું. બાકી તમે બંને મારા ઘરની લક્ષ્મી છો.. એને દુખી કરીને હું સુખી થોડી થઇ શકવાની ? બસ… આજથી હું ધ્યાન રાખીશ..તમને ખીજાવાય નહીં એનું.. મારી વહુ મને વાઘ દીપડો સમજે એ કેમ પોસાય ?

પાયલ અચાનક જ બોલી ઉઠી..

ના..બા..તમે તમારે ખીજાજો અને પછી આવો પ્રેમ પણ કરજો..મને જરાયે ખરાબ નહીં લાગે..

સાચ્ચે જ ?

હા..બા..હું  કદાચ તમને ઓળખી નહોતી શકી..

‘ અરે.. આ ખબર નથી પડતી કયારનો કૂકરનો ગેસ ધીમો કરવાની ? ગેસ કેટલો મોંઘો છે ખબર છે ? ‘ સાસુ મોટેથી બોલી ઉઠયા.

હવે પાયલ અને તેની જેઠાણી હસી પડયા.. ત્યં સસરાજી આવ્ય.  બધાને સાથે  હસતા જોઇને તે  બોલ્યા.. એક મિનિટ હું કેમેરો લેતો આવું.. આ સમૂહ હાસ્યનો ફોટો તો જોઇએ હોં..

અહીં સંબંધોનો કેવો મજાનો સેતુ હતો..સંયુકત કુટુંબમાં થોડી થોડી  સમજદારી  બધા દાખવે ત્યારે સુખ કદી ગેરહાજર રહી શકતું  નથી.અને જે ઘરમાં સુખ અને સમજણ હોય એવી ઘરમાં રહેવું કોને ન ગમે ? શું કહો છો ?    

શીર્ષક  પંક્તિ.. ડો. મહેશ રાવલ 

( સ્ત્રીમાં  સતત  છ વરસથી પ્રગટ થતી નિયમિત શ્રેણી )