આખરી પ્રશ્ન..

આખરી પ્રશ્ન..

 ઉર્વશી અને આલમ  બંગલાની બાલ્કનીમાં હીંચકા પર બેસીને જાણે સદીઓનો  થાક ઉતારતા હતાં. અંધકારને અજવાળવા મથતા બીજના ચન્દ્રની પાતળી કોરનો ઝગમગાટ  પતિ પત્નીની આંખમાં ડોકાઇ રહ્યો હતો. સામેના વૃક્ષ પર આખ્ખું યે આકાશ  ઉતરી આવ્યું હતું અને  થાકેલી પાંખો સંકોરીને એની  હૂંફાળી આગોશમાં લપાઇ ગયું હતું. ઉર્વશીને થયું.. પંખીઓને વિસ્મરણનું કેવું અણમોલ વરદાન મળ્યું છે. રોજ રાત્રે આંખો મીંચાય અને એક વર્તમાન પૂરો.. જયારે માણસને તો આખું યે જીવતર સ્મૃતિઓનો ભાર વેંઢારવાનો..!

જીવનની સાચી, ગહન  પીડા માનવીને  દિવ્ય પ્રસન્નતા તરફ  દોરી શકે છે..અંધકારમાંથી અજવાસ તરફ લઇ જાય છે એ અહેસાસ..એ સત્યનું દર્શન આજે પમાયું હતું.  સમયના મૌન અવકાશમાંથી  ધીમા શબ્દો સર્યા.    

‘ ઉરૂ, આજે આપણે  જીવનનો અર્થ પામ્યા હોઇએ  એવું લાગે છે ને ?

‘ હા..પણ કયા ભોગે ? ‘

આસમાનમાં દેખાતા કોઇ તારામાં પુત્રને જોવા મથી રહેલી એક માથી  બોલાઇ જવાયું. આલમ મૌન    

ઉર્વશીએ  હળવેથી પતિનો હાથ દાબ્યો. એ સ્પર્શમાં વરસોથી  ખોવાઇ ગયેલી  ઉષ્મા.. હૂંફ અનુભવાતા હતા.

માના ગર્ભ જેવા અંધકારમાં છ મહિના પહેલાના સમયની ગઠરી  ખૂલી હતી અને પતિ, પત્નીની બંધ પાંપણૉ સામે દીકરાની ડાયરીના પાનાઓ ફરી એકવાર ફરફરતા હતા.  

 

તારીખ 30 ડીસેમ્બર

                                                                                           એક સાદો સીધો પ્રશ્ન

 

કેવળ મારુ મન જાણે છે , મનને કેટલા માર પડયા છે

ઘા, ઘસરકા, કયાંક ઉઝરડા, અન્દર ને આરપાર પડયા છે..

 

સુરેશ દલાલની આ પંક્તિ શું મારા માટે જ લખાઇ હશે ? કે પછી મારા જેવી અનેક વ્યક્તિઓ માટે ? 

 

કોણ છું હું ?  શું  પરિચય આપું મારો ?  વીસમા વરસના પ્રવેશની આ પૂર્વસંધ્યાએ પણ મારી પાસે મારો સાચો પરિચય નથી…જીવનમાં એના જેવી કરૂણતા  બીજી કઇ હોઇ શકે ? મિત્રો મને નશીબદાર માને છે. શ્રીમંત માતા પિતાનો  એકનો  એક લાડલો  પુત્ર…એને વળી શું દુ:ખ હોઇ શકે ? પણ…

 

ચાર વરસની અબૂધ વયે મનમાં અનાયાસે જાગેલો  એક પ્રશ્ન આજે વરસો પછી પણ અનુત્તર જ રહ્યો છે. મનમાં સતત એક ઘૂટન, એક અજંપો છે..અને એ જ એક માત્ર સત્ય..

 

 એ અજંપાનો ઓથાર ન વેઠાય ત્યારે ડાયરીમાં શબ્દોરૂપે ઠલવાય છે. મારી ઉદાસ..એકલતાની ક્ષણોની સાથીદાર આ એક માત્ર ડાયરી. કાણાવાળી બાલદીની માફક હું  ખાલી થતો રહું છું અને ફરી ફરી ભરાતો  રહું છું. ખાલી શીશીમાં તડકો ભરવાની અર્થહીન રમત રમતો  રહું છું.   

 

લખતા લખતા એકાએક મારી નજર સામે ઉભરે  છે સ્મૃતિના કેન્વાસ પર કાયમી છાપ છોડી  ગયેલું  શૈશવનું એક દ્રશ્ય

ચાર વરસનો  નટખટ, ચંચળ  છોકરો   નાચતો, કૂદતો,  હસતો હસતો  સ્કૂલેથી આવીને માને  એક  સવાલ પૂછે છે.

મમ્મી, હું રહીમ છું કે રામ  ? મારું સાચું નામ શું છે ?  મારા ભાઇબંધ મને રોજ પૂછે છે કે  તારું સાચું નામ  રામ છે કે રહીમ ? બધા રોજ મારી મસ્તી કરે છે. કે તને તારા સાચા નામની પણ ખબર નથી. મમ્મી..જલદી બોલ મારું સાચું નામ કયું છે ?  ‘

એકી શ્વાસે હું  કેટલું બધું  બોલી ગયો હતો.  બીજે દિવસે સ્કૂલમાં ભાઇબંધોને   જવાબ આપવાનો હતો ને ?

 

પણ બીજે દિવસે ન ભાઇબંધોને જવાબ આપી શક્યો કે ન આજ સુધી મારી જાતને..

 મારા એ સીધા  સાદા  પ્રશ્નનો જવાબ મમ્મી માટે કેવો અઘરો  બની રહેશે  એની જાણ  ચાર વરસના  એક અબોધ શિશુને   કયાંથી હોય ?

હું તો મારી ધૂનમાં ….’ મમ્મી, જલદી કહે ને..’

બેટા, તું રામ  છે..મારો રામ. કહેતા  મમ્મી  કંઇક બબડતી હતી.

  ત્યાં જ અચાનક આવી ચડેલા પપ્પા આ  જવાબ સાંભળી ગયા. 

ના, બેટા, તારું સાચું નામ રહીમ છે. સ્કૂલમાં કોઇ પૂછે તો તારે રહીમ  જ કહેવાનું. 

હું સાચા ખોટાનો નિર્ણય ન કરી  શકયો. મેં  મમ્મી સામે જોયું.

‘ ના..ના..તારું નામ રામ છે.  માત્ર રામ …

અને  પપ્પાની આંખોમાં અંગારા….  

પછી તો પળવારમાં  શરું થયું  તમારું કુરુક્ષેત્ર..!

પપ્પાની એક થપ્પડ મમ્મીના ગાલ ઉપર. 

પપ્પાનું કદી ન જોયેલું  એ રૌદ્ર સ્વરૂપ અને મમ્મીની ધોધમાર વરસી રહેલી  આંખો હું  આજ સુધી નથી વિસરી શકયો. .!

 

મમ્મી રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઇ હતી.

 

 પપ્પા ગુસ્સામાં ઘરની બહાર.. 

અને હું, ચાર વરસનો  છોકરો, ભયથી થરથર ધ્રૂજતો, હીબકાં ભરતો  એક ખૂણામાં ભરાઇને એકલો  અટૂલો  ઊભો  હતો.

 

કુરૂક્ષેત્રનું યુધ્ધ તો અઢાર દિવસમાં પૂરું થયેલું. પણ  તે દિવસે ઘરમાં મમ્મી, પપ્પા  વચ્ચે આ પ્રશ્નને લઇને શરૂ થયેલું  મહાભારત તો આજ સુધી અવિરત ચાલુ..

હું રામ કે રહીમ ?

એ પ્રશ્ન  આજે પણ મારી છાતીમાં ઢબૂરાઇને અકબંધ  પડયો છે.  

 

 

                                                                                      તારીખ વીસ જાન્યુઆરી

                                                                                      સમજદાર પુત્ર

આયખામાં આરો કે ઓવારો નહીં

મારી વેદનાનો  કોઇ કિનારો નહીં.

 હું કયાં અને શું ભૂલ કરું છું ? નાનો  હતો ત્યાં  સુધી  મને એ કદી સમજાયું નહીં.

 

પણ એટલી સમજ જરૂર પડી  કે મારે લીધે જ મમ્મી, પપ્પામાં ઝગડા  થાય છે.   મમ્મી, પપ્પાના  દરેક ઝગડાનું નિમિત મોટે ભાગે  હું અને માત્ર હું... એ ભાન જરૂર આવી હતી.

 

 બસ..  આ ભાનને લીધે  મારા પ્રશ્નો ઓછા થતાં ગયા. રામ અને રહીમ  વચ્ચે ભીંસાતું એક શિશુ અને પછી  એક કિશોર ભીતરની ભાવનાઓ  છૂપાવીને  બેવડું નહીં કદાચ ત્રેવડું જીવન  જીવતો થયો. સઘળી વેદના..વલોપાત ભીતરમાં સંગોપીને  મમ્મી, પપ્પા બંનેને કેમ ખુશ રાખવા ..એ માટે શું કરવું..એ ઉપાયો વિચારતો  રહ્યો.  શાંત દેખાતું જળ  ભીતરમાં સુનામીના  ઉછળતા  મોજા સંઘરીને  પડયું હતું એનો ખ્યાલ કોને આવે ? પુત્ર હવે ખોટા પ્રશ્નો પૂછતો નથી.. હેરાન કરતો નથી. બહું  સમજદાર બની ગયો છે  એવા મનગમતા  ભ્રમમાં રાચતા મમ્મી, પપ્પા   હરખાતા રહ્યા. પપ્પા બહારગામ ગયા હોય ત્યારે મમ્મી ઘણી વાર ઘરમાં સત્યનારાયણની કથા,  આરતી કરતી.  એ પ્રસાદનો શીરો ખાવો મને બહું ભાવતો. પણ પપ્પા આવે એ પહેલા બધું  સમેટી લેવાનું..અને પપ્પાની હાજરીમાં એવી કોઇ વાતનો ઉલ્લેખ ન થાય માટે સાવચેત રહેવાની મમ્મીની સૂચનાઓ..અને છતાં પપ્પાને કયારેક  કોઇ વાતની ખબર પડી જાય ત્યારે…. ?

હું રોજા રાખું કે નમાજ પઢું ત્યારે પપ્પાનો વહાલો દીકરો અને ગીતાજી વાંચુ કે માતાજીની આરતી ગાઉં ત્યારે મમ્મીનો દીકરો. નમાજ પઢતી વખતે મમ્મીનો ઉદાસ ચહેરો દેખાય અને ગીતા વાંચુ ત્યારે પપ્પાનો ક્રોધિત ચહેરો સામે તરવરે.

 

 

                                                                                                   તારીખ પાંચ માર્ચ 

                                                                                                   ટગ ઓફ વોર

જોશીએ ઝળહળતા જોઇ દીધા જોશ

તારી હથેળિયુમાં બેઠેલી આંખોમાં.

 પાણી લખ્યા છે પોશ પોશ;

 

કયાંક વાંચેલી પંક્તિ મનમાં રણઝણી રહી છે. મારો અજંપો કદીક શબ્દો બનીને ફરી કાગળમાં ઉતરતો  પણ બીજે દિવસે હું જ એ ફાડી નાખતો.

જે ઘરમાં કુરાન અને ભગવદગીતા વચ્ચે રોજ તણખા ઝરતા  હોય ત્યાં મન અજંપ જ રહેવાનું ને ?

દિવસે દિવસે હું વધારે  ને વધારે અંતર્મુખી અને એકાકી બનતો ગયો.

 

ત્યારે હું દસમા ધોરણમાં હતો. સ્કૂલમાં  રમતગમતનો વાર્ષિકોત્સવ  હતો. છેલ્લી ગેઇમ ટગ ઓફ વોરની ..રસ્સાખેંચની  હતી.

બંને તરફ જબરી રસાકસી હતી. એક ટીમ આ તરફ ખેંચતી હતી.

અને બીજી ટીમ બીજી તરફ.

કોઇ જલદીથી મચક આપતા નહોતા.

હું   પ્રેક્ષક બનીને એક તરફ ઉભો હતો. મનમાં એક વંટોળ..મારી જિંદગી  પણ એક રસ્સી જેવી જ નથી?

અને મારી નજર ખેંચાતી રસ્સી તરફ મંડાઇ રહી.

પૂરા જોશ સાથે બંને ટીમ  રસ્સીને પોતાની તરફ  ખેંચતા હતા.

મારું ધ્યાન કઇ ટીમ  જીતે છે તે જોવાને બદલે..રસ્સીનું શું થાય છે તે તરફ કેમ જતું હતું ?

રસ્સીની જગ્યાએ મને મારી જાત કેમ દેખાતી હતી ? અને બંને ટીમની જગ્યાએ મમ્મી…પપ્પા…

દોરડું બિચારું ખેંચાતું હતું. 

 બંને પક્ષ આનંદ માણતા હતા..! તેને પોતાની તરફ ખેંચવાનો.

બિચારી રસ્સી…  ગમે તે જીતે……એના નશીબમાં હતું ફકત ખેંચાવાનું .

ઘડીકમાં આ તરફ અને ઘડીકમાં પેલી તરફ..

શું આ જ તેની નિયતિ હતી ?

કદાચ મારી પણ…..

                                                                                              તારીખ 20 માર્ચ

                                                                                              ઝંખના ખીચડીની..

ભીતરમાં  ઝંઝાવાતો છો  અપાર 

બહાર ના મળે આછેરો કોઇ અણસાર

એક હતી ચકી..અને એક હતો ચકો. ચકી લાવી ચોખા દાણો..અને ચકો લાવ્યો મગનો દાણો.  પછી બની ખીચડી..

આ વાર્તા શૈશવમાં અનેકવાર  સાંભળી હતી.

જીવનમાં મને યે મગ અને ચોખા અલગ અલગ તો  ખૂબ મળ્યા..પરંતુ મને તો ઝંખના હતી ખીચડીની.. મગ ચોખાનું અલગપણું મારા અતિ ભાવુક મનને મંજૂર નહોતું..અને ખીચડી કદાચ મારા ભાગ્યમાં નથી.મારા ભાગ્યમાં તો છે ખીચડીનો  ઝૂરાપો…

ઓરડાના પંખા  ઉપર બેસીને  ચીં ચીં કરી રહેલી એક ચકલી પર મારી નજર સ્થિર થઇ હતી. 

 

આ ચકા, ચકીમાં હિંદુ, મુસ્લીમ જેવું કંઇ હોતું હશે ? કે તેની તો એક જ નાત અને એક જ જાત..નર અને નારી… તો માણસમાં એક જ જાત કેમ નહીં ? કોણે ઉભા કર્યા આ વાડાઓ ? કોઇ લેવાદેવા સિવાય એનો ભોગ મારે બનવાનું કેમ આવ્યું ? શા માટે એ મારી ભીતરમાં ઉઝરડાં કરતા  રહે છે ?

રોજ કોઇ નવો જખમ..ઘા અને ઘસરકા થતા રહે છે. જે બહારથી કોઇ જોઇ શકતું નથી પણ મારા અંતરને કોરી કોરીને ખોખલું કરતા રહે છે. 

હવે હું મોટૉ થઇ ગયો છું. કોલેજમાં આવી ગયો છું. પણ મારી ભીતર તો હજુ એજ શિશુ શ્વસે છે. તરફડે છે.. ન સમજાતી અનેક વાતો આજે સમજાય છે. પણ એ સમજ દુ:ખ, વેદના, પીડા સિવાય બીજું  કશું નથી આપી શકતી.

કાશ મમ્મી, પપ્પા સાચા અર્થમાં એક થઇ શકયા હોત !

કયારેક મમ્મી, પપ્પા  બંનેને ઝકઝોરી નાખવાનું મન થઇ આવે છે. તેમને હચમચાવીને પૂછવાનું મન થઇ આવે છે..

તમે બંને તમારો ધર્મ છોડી નહોતા શકવાના..પોતપોતાના  ધર્મ પ્રત્યે જો આટલી મમત હતી તો શા માટે જીવનભરના સાથી બન્યા ? શા માટે મને જન્મ આપ્યો ? શા માટે મને ફકત મુસ્લીમ કે ફકત હિન્દુ ન બનવા દીધો  ? તમારો  ધર્મ  મારી ઉપર શા માટે  થોપતા રહ્યા ?

 

શા માટે મને તમારા બંને વચ્ચે ત્રિશંકુની માફક લટકતો  રાખ્યો ? જે પ્રશ્નોના જવાબ તમે નહોતા આપી શકવાના તે પ્રશ્નો મારા મનમાં શા માટે જગાવ્યા ? રામ કે રહીમ  એ સમાધાન તમે જિંદગી આખી ન કરી શકયા..તેનો ઓથાર મારી પર શા માટે ?

કયા ગુનાની આ સજા મને મળી રહી છે ?

 

 પ્રાણમાં એક અજંપો સતત ઉમટયો રહ્યો.  મારો  કોઇ અલગ માળો કયારેય બની શકશે ખરો ? માળો બનાવવા જતાં ભૂલથી યે કોઇ બીજા રહીમનો જન્મ થાય તો ?  અને… ફરી એકવાર કોઇ શિશુ….  

અંદરથી જાણે કોઇ ચીખી ચીખીને મને પૂછી રહ્યું છે…કોણ છે તું ? રામ કે રહીમ ? 

એ જ  સદાના સાથી..સંગી..અનુત્તર પ્રશ્નો…!

 

                                                                                              તારીખ ચૌદ  નવેમ્બર  

                                                                                     વિભાજનની વ્યથા હજુ જીવંત ?

માણસો નહીં પડછાયાઓ લાગે,

પ્રતિબિંબો સાવ અજાણ્યા લાગે..

તારીખની સાથે વરસો પણ બદલાઇ રહ્યા છે. નથી બદલાઇ શકતો તો ફકત હું.. અને મારો અજંપો..

નાનપણમાં દાદાને ત્યાં જતો ત્યારે દાદા હમેશા ભારત,પાકિસ્તાનના ભાગલા સમયે હિંદુઓ વડે થયેલા  અત્યાચારની વ્યથા, કથાઓ.. પીડાની વાતો અચૂક કરે જ.

 

એક ઝનૂની હિંદુ ટોળાએ કઇ રીતે તેમની બહેન પર….!  કેટલી દારૂણ વ્યથામાંથી તેમને પસાર થવાનું આવ્યું હતું..કેવી હાલતમાં બધું છોડીને ભાગી છૂટવું પડયું હતું તે વાત કરતા તેમની આંખોમાં ભીનાશ તરવરી રહેતી. આજે પણ તેઓ મનથી કયારેય હિંદુઓને માફ નહોતા કરી શકયા. એ બધી વાતો વારંવાર સાંભળીને મોટા થયેલા  પપ્પા સમાનતાની વાતો બહાર જરૂર કરી શકતા હતા.ભણતરે તેમની ક્ષિતિજ થોડી વિસ્તારી હતી. બીજાના ધર્મ વિશે ખરાબ કે સારું કશું બોલતા નહીં. પણ મનથી પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ કયારેય ભૂલાયું  નહીં.

 

પરંતુ વ્યથા, કથાની  એ જ ભીનાશ નાનાજીની વાતોમાં પણ કયાં નહોતી  જોઇ ? કઇ રીતે..મુસ્લીમોએ તેમના ઘર સળગાવેલા..કેટલી યાતનાઓ વેઠીને, બધી મિલક્ત છોડીને પહેરેલા  કપડે  ભાગી છૂટવું પડયું હતું.

આ  બધી વાતો અનેકવાર સાંભળી છે. કોને  દોષ આપું  ?

બંને પોતપોતાની રીતે સાચા હોવા છતાં બંને ખોટા છે..કયાંક ભૂલ કરે છે એમ કહેવાની ઇચ્છા થઇ આવે છે. ત્યારે એ સમયે સંજોગોને લીધે હજારો હિંદુઓ અને  મુસ્લીમોએ એકબીજાના અત્યાચારો સહન કર્યા હતા. પરંતુ એ બીજ આજ સુધી જીવંત રાખીને..તેને નવી પેઢીને વારસામાં આપતા રહેવાનો કોઇ અર્થ ખરો ?

આમાં મારા જેવી  કેટલી  નિર્દોષ વ્યક્તિઓ હોમાતી હશે ?  તેમનો કોઇ અંદાજ  કયારેય તેમને  આવી શક્તો હશે  ખરો ? વિભાજનની વ્યથાના મૂળ એટલા ઉંડા હશે ? કે પછી એને ફાલવા ફૂલવા માટે ખાતર પાણી બરાબર મળતાં રહ્યાં છે..એટલે વિસરયા વિસરાતા નથી.

કયારેક દાદાજી, નાનાજીને હચમચાવીને કહેવાનું મન થઇ આવે છે. પ્લીઝ..બંધ કરો હવે એ વાતો. ભૂંસી નાખો ઇતિહાસના એ લોહિયાળ પાનાઓને..કયારેક કોઇ હિન્દુને કોઇ મુસ્લીમે,  તો કયારેક કોઇ મુસ્લીમને કોઇ હિંદુએ મદદ પણ કરી હશે..બચાવ્યા પણ  હશે જ..એ વાતો યાદ કરો,  એ વાતો બધા પાસે કરતા રહો..એનો પ્રચાર..પ્રસાર કરતા રહો..  પણ.. કંઇ જ બોલી શકાતું નથી.  

 

પપ્પા..મમ્મીને એકબીજા માટે  પ્રેમ છતાં ધર્મ માટે  સમાધાન કરવા કોઇ તૈયાર નથી.

 

આજે હું…જેને એ બધા સાથે કોઇ સીધી નિસ્બત  નથી..છતાં એ વ્યથાના ફળ ભોગવી રહ્યો છું…બહારથી હસતો રહ્યો છું અને અંદરથી વેરાતો..વિખેરાતો  રહ્યો છું. 

 

 

                                                                                      તારીખ 30 જાન્યુઆરી

                                                                                           અલવિદા

હું શું  છું તે મને  યે કયાં સમજાય છે
ને બહુ કઠિન છે અન્યને સમજાવવું !

 

નોકરીને લીધે માતાપિતાથી દૂર આવ્યો. સારું કમાતો થયો. મારા  લગ્ન માટેના મમ્મી, પપ્પાના પ્રયત્નોને અવગણતો રહ્યો. પહેલા મન શાંત બને એ બહું જરૂરી હતું. હું હિન્દુ છું કે મુસ્લીમ એ નક્કી કરી લઉં પછી બીજો  કોઇ  નિર્ણય લઇ શકાય ને ? મારી સ્વની શોધ ચાલુ હતી ત્યાં….. પચીસ વરસની વયે કેન્સરનું આગમન..  

 આજ સુધી જે કદી કહી શકયો નથી એ બધી વાત આજે  જીવનના અંતિમ પડાવે લખીને  હૈયુ ઠાલવી રહ્યો છું. મારા જવાની પીડાની સાથે એક વધારાની પીડા પણ તમને આપી રહ્યો છું..પણ … આ પળે જે યોગ્ય લાગે છે એ કરું છું. મારી વિદાય તમને એક કરી શકે  એવી અપેક્ષા સાથે..  મારી  કોઇ ભૂલ થઇ હોય તો  ક્ષમા કરશો. અને  હા,  મારો એક આખરી પ્રશ્ન..

“ મમ્મી, પપ્પા  ઉપર જઇશ ત્યારે મને ત્યાં કૉણ મળશે ? રામ કે રહીમ ? અલ્લાહ  કે ઇશ્વર ? તમે બંનેએ મારા  માટે પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરી જ હશે.પણ મને ડર લાગે છે.. કયાંક એવું તો નહીં બને કે ઇશ્વર વિચારે કે અલ્લાહ જશે ને અલ્લાહ ઇશ્વરનું વિચારે..અને તો..ઉપર જઇને  પણ હું એ બંને વચ્ચે ત્રિશંકુ  જ બની રહું  એવું તો નહીં થાય ને ? અલવિદા..

રામ..રહીમના  જે શ્રીકૃષ્ણ ?  સલામ આલેકુમ ..?  “

 પતિ પત્નીની બંધ આંખે આંસુના તોરણ ટિંગાઇ રહ્યાં

( જલારામ દીપમાં  વરસ 2013ની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કૃત  )

     

  

  

ek adhuro interview

 

એક  અધૂરો ઇંટરવ્યુ…….

તમારું નામ ? ’

ઉજાસે ડાયરી કાઢતા પૂછયું.                                                                                                

મને લાગે છે મારું નામ વિસામો છે.’

લાગે છે મતલબ ? ’

અમારામાં નામ પાડવાની  ખાસ કોઇ પ્રથા નથી. પણ અહીં આવતા લોકો  “ હાશ ! વિસામો આવ્યો એમ કહે છે. ‘

તમારી જ્ઞાતિ ? ‘

હજુ યે આ પ્રશ્નમાંથી તમે લોકો બહાર નથી નીકળી શકયા ? જોકે કયાંથી  નીકળો જ્ઞાતિના નામે તો તમે સૌ….

 ખેર જવા દો.. કોઇની પંચાત કરવી એ અમારું કામ કે અમારું ગજુ પણ નહીં..’

આ મારા પ્રશ્નનો જવાબ નથી. ‘

ઉજાસને ફકત જવાબ સાથે નિસ્બત હતીશું જવાબ મળ્યો એની સાથે નહીં. તેને મન તો આ ઇંટરવ્યુ એટલે  તેના તંત્રીને જાગેલ એક તઘલખી  તુક્કો..એક તરંગી અભરખો હતો..જે તેને પોષવાનો હતોપાપી પેટને માટે….

અમારે તો ઇંટરવ્યુમાં નક્કી કરેલ દરેક સવાલ પૂછવા પડે. તેથી જવાબ મળી શકે તો વધારે સારું

ઠીક છે. લખો અમારી  જ્ઞાતિ……..

આભાર………

તમારી ઉંમર ? ‘

પાક્કી ખબર નથી. પણ સીનીયર સીટીઝનની ઉમરે તો પહોંચી જ ગયો છું..’

તમારા જન્મ અને ઉછેર વિશે બે ચાર વાતો કહેશો ? ‘

અમે તો ધરતીના છોરૂવગડાઉ જીવગુલાબની જેમ માવજતની અમને જરૂર ન પડે.. શ્રીમંતના છોકરાઓને ઉછેરવાના હોયગરીબના તો એમ જ મોટા થઇ જાય. એમ અમે પણ જાતે જ ઉછરી જઇએ..હા, નાનો હતો ત્યારે કયારેક કોઇ બે લોટા પાણી જરૂર પીવડાવી જતું. ‘

તમારો અભ્યાસ..? શિક્ષણ કયાંથી થયું ? ‘

કુદરતમાંથી….ધરતી અને  આકાશ..અમારી યુનીવર્સીટીશિક્ષણ તો હજુ ચાલુ જ છેજીવનભર ચાલુ જ રહેશે. રોજ કંઇક નવું શીખીએ છીએ.’

તમે કામ શું કરો છો ?તમારી આવક ?..’

અમારું મુખ્ય કામ  અમારી પાસે આવનાર દરેકને શાતા  આપવાનુંઆવકમાં અસંખ્ય ટહુકાઅને અનેકના હાશકારાએ એક એક હાશકારાની કિંમત કાઢો તો તમારા બિલ ગેટસ કરતાં પણ આવક વધી જાયતમે લોકો  બધી વસ્તુની કિંમતમાં જ સમજોને  એટલે તમને સમજાય  એ ભાષામાં કહ્યું..’

ઉંધુ ઘાલીને ડાયરીમાં જવાબ ટપકાવતા જતા ઉજાસે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેને તો તે જવાબ મળે તે ટપકાવવાના હતા.. ઝાઝી નિસ્બત રાખ્યા સિવાયપત્રકાર જેવો સાક્ષીભાવ  સૌ કોઇ  કેળવી શકે ખરા ? અનેક રમખાણૉ..હોનારતો, અકસ્માતો. ખૂન સુધ્ધાં સાક્ષીભાવે નિસ્પૃહ રહીને ઉજાસે જોયા છે..જરૂર પડયે આગળ વિશેષણો ઉમેરીનેલોકોની ઉત્તેજના જાગૃત થાય, વાંચવામાં રસ પડે  એ રીતે અહેવાલો  લખી નાખ્યા છે. જરા યે હલબલ્યા સિવાયઆ ધંધામાં લાગણીશીલ બનવું ન પાલવે..ખોટા વેવલાવેડા પોસાય જ નહીં

 પ્રશ્નોત્તરી આગળ ચાલુ રહી.

તમે મેળવેલ કોઇ સિધ્ધિ ? ‘

ટાઢ, તાપ, વરસાદ, વંટૉળ, કે વાવાઝોડાનો ભાર પોતાની  લીલીછમ્મ છાતીએ ઝિલી, કોઇને રક્ષણ આપવું તે સિધ્ધિ ગણાય કે નહીં તે ખબર નથી..’

સમાજમાં તમારું સ્થાન ? ’

લોકો અમને સ્નેહથી દાદા કહે છે..એ વાત સમાજમાં અમારું સ્થાન સૂચવવા પર્યાપ્ત નથી ?

 ‘ તમને કયારેય ડર લાગે ખરો ? ‘

ડર ? અમે તો  વરસોવરસ  ખરનારા અને  ફરી ફરીને ખીલનારાઅમને ડર  શાનો ?

’  લોકોને કયો સન્દેશ આપવાનું  પસંદ કરો..?  ‘

અહીં એકવાર  કોઇ સંત જેવી, ઋષિ સમાન વ્યક્તિએ ગાંધીકથા સંભળાવી હતી. મેં પણ હોંશે હોંશે  ધ્યાનથી સાંભળી હતી. ’

હા, એ અમારા નારાયણ દેસાઇબીજું કોણ ?  ‘

ઉજાસ પોતાની  ધૂનમાં જ  બોલી રહ્યો.

તોમારે જો કોઇ સન્દેશ આપવાનો હોય તો હું પણ એ એક જ વાકય  કહું.’

મારું જીવન એ જ મારો સન્દેશ..

તમારે કોઇ મિત્રો ખરા ? ‘

મિત્રો..? ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં..એટલા….

ઓકે..સરસ ! ’

નીચું ઘાલી જવાબ ટપકાવી, પ્રશ્નોત્તરીના કાગળનો  વીંટો વાળતા ઉજાસે કહ્યું.

હવે અંતિમ પ્રશ્ન….

 અહીં તમને તો અનેકને મળવાનો,સાંભળવાનો  મોકો મળતો હશે..તમારે એના વિશે કશું કહેવાનું છે ? ’

દાદા મૌન..

કેમ આમ મૌન થઇ ગયા ? ‘

અરે, ભાઇ, આ જિંદગીમાં એટલું બધું જોયું, જાણ્યું  અને સાંભળ્યું છે કે એ બધું જો વિગતવાર કહેવા બેસું તો એક જનમારો ઓછો પડે..’

છતાં થોડું..બે ચાર યાદગાર પ્રસંગો…..’

અન્યાય  કરનાર જ નહીં..પરંતુ મૂંગે મોઢે અન્યાય સહન કરનાર કે અન્યાય થતો જોઇ રહેનાર પણ ગુનેગાર ગણાય. એ ન્યાયે હું પણ ગુનેગાર જ ગણાઉં. જ્ટાયુની માફક અન્યાયનો પ્રતિકાર કરી શકવાનું સામર્થ્ય અમને નથી મળ્યું. પરંતુ આજે  હૈયાની વાત કહી થોડું હળવું થવું ગમશેતમારા દ્વારા મારી વાત સમાજ સુધી પહોંચે.. અને બની શકે કોઇના ભીતરને  ઝકઝોરેકોઇ એકાદને સ્પર્શીને  અંતરના કમાડ ઉઘાડે..બસએ એક માત્ર ઝંખનાથી, આશાની ઉજળી લકીર લઇ હું થોડી વાત જરૂર કરીશ

ઓહ..સ્યોરશરૂ કરશો ? ‘

આજે નહીં..એ માટે તમારે કાલે આવવું પડશે. ‘

કાલે કેમ ? આજે શો વાંધો છે ? ‘

સવાલ વાંધાનો નથીહૈયાના ઉંડાણમાં એટલો ખજાનોએટલી બધી વાતો સંગ્રહાયેલી છે કે એમાંથી કઇ કહેવી ને કઇ ન કહેવી એ વિચારવા માટે કે યાદ કરવા માટે પણ મારે સમય જોઇશે. ‘

ઓકે..તો કાલે મળીએ….કાલે સ્યોર ને ? ‘

બોલીને ફરી જતા અમને ન આવડે.’

 ‘ એક વાતતમને દાદા કહીને બોલાવી શકું ? ‘

ઉજાસે પહેલી વાર તેની સામે ધ્યાનથી જોતા પૂછયું.

દાદા..? જરૂર એ તો મારું ગૌરવ, મારી પ્રતિષ્ઠા છે.

થેંકયુ દાદા… ‘ અને ઉજાસે વિદાય લીધી.

ઉજાસ તો ગયો. પણ આજે  દાદાની આંખોમાં ઉંઘ નથી. કેટલાયે તડકા છાંયા જોઇ નાખ્યા..અને હજુ ન જાણે કેટલા જોવાના બાકી છે. ટાઢતાપ, વરસાદ, વાવાઝોડા, વંટૉળ બધું સામી  છાતીએ  ટટ્ટાર ઉભીને ઝિલ્યું  છે. અનેકને આશરો આપ્યો છે. નાનકડી કીડીથી માંડીને દરેક પશુ, પંખી માણસો..બધાનો વિસામો બન્યા છે. અંતરના પટારામાં એ બધો સમય અકબંધ સચવાઇ રહ્યો છે. યાદોના અઢળક વાદળૉ ભીતર ઉમટી આવ્યા છે. આજે કોઇ તેનો ઇંટરવ્યુ લેવા આવ્યું છે. પહેલીવાર કોઇ તેના હૈયાની  વાતુ  જાણવા આવ્યું છે. સાવ નવતર વાતચાલ , જીવ એ અનુભવ પણ લઇ લેવા દે..

પણ શું કહીશ કાલે હું ? કોની કોની વાતો કરીશ અનંતકાળથી મારી ઉપર પકડદાવ રમી રહેલી આ ખિસકોલીઓની ચંચળતાની વાત કરું એ કયારેય થાકતી કે ધરાતી નથી. શું છે એના હૈયામાં ? કોને પકડવાની આ મથામણ છે ? કાળને ? એ તો હમેશનો વણપકડાયેલ..કોઇથી કયારેય પકડાયો છે ખરો ?

એ ખિસકોલીઓને  જાણ હશે ખરી ? કે કાળને પકડવો એટલે  ખાલી શીશીમાં ગરમાળા જેવા પીળા ધમરક કિરણોને ભરવાની રમત

કે પછી  મારી  મખમલી ત્વચાને ફોલી ખાતી હારબંધ કીડીઓના સંપની  વાત કરું ?

માળો બનાવીને જંપી ગયેલ પંખીડાઓ તો મારા લાડકા સંતાનોએમની વાત કરું ?

 સાવ સૂક્કા ભઠ્ઠ થઇને પછી યે લીલાછમ્મ કૉળવાના મારા અનુભવોની વાત કરું ?

સરી ગયેલ કાળની અગણિત ક્ષણો અંતરમાં સંઘરાઇ રહી છે.

 અહીં મારી છાતી સામે  અનેક કાવાદાવા ખેલાયા છે. રાજકારણની રમતુંના આટાપાટા રમાયા  છે. સભાઓ ભરાઇ છે. મુખી કે સરપંચે અહીં બેસીને લોકોના  ન્યાય કે અન્યાય તોળ્યા છે. સાચા કે ખોટા અનેક  સાધુ,સંતોએ અહીંથી પોતાની કથાઓ રેલાવી છે, રાતભર ભજનોની મહેફિલ  જામી છે. ચૂંટણીટાણે  સભાઓ ગાજી છે. નિસ્વાર્થભાવે સેવાની ધૂણી ધખાવી બેસેલ સાચા માનવીઓને જોયા છે. હરખના આંસુ પણ અહીં વહ્યા છેઅને દુ:ખની  અગણિત વ્યથાઓ…,કથાઓનો સાક્ષી પણ બન્યો છુંકઇ વાત કરવી અને કઇ ન કરવી ?

 રાતભર અંતરમાં અવઢવ ચાલતી રહી. વાયરો  ફૂંકાતો રહ્યો. રૂપેરી ઓઢણી ઓઢી હોવા છતાં  રાત આખી થરથર ધ્રૂજતી રહી. દાદા  કાંપતા રહ્યા. ખખડતા રહ્યા…  લીલા,પીળા વસ્ત્રો ખેરવતાં રહ્યાં.

એક અજંપો..અઢળક મથામણોઅનેક  દ્રશ્યો મનમાં પડઘાતાં રહ્યાં.

   કાલે ઇતિ, અને આર્યની વાત માંડું ? એમના શૈશવની મીઠી ક્ષણોનો હું સાક્ષી… 

 આ ક્ષણે પણ મારી ભીતર  એ લીલાછમ્મ ભણકારા..મોજુદ છે. જુઓ, સંભળાય છે નાનકડી ઇતિનો અવાજ….

  આર્યઆ ડાળીએ તારો હીંચકો..અને અહીં હુ મારો હીંચકો બાન્ધીશ.. ‘

ના, ઇતિ, આપણા બંનેનો હીંચકો એક જ હશે. ‘

અરે, પણ એક હીંચકો હોય તો બંને સાથે કેમ હીંચકાય ? પોતાના વારાની રાહ  જોવી પડે. ‘

ભલે જોવી પડે..હું જોઇશ..પણ આપણો હીંચકો તો એક જ ડાળે.. ‘

સહિયારો..હીંચકો..સહિયારું ઘરસહિયારું જીવન….’

 ઇતિએ વરસો સુધી  રાહ જોઇ રહી હતી.

આર્ય અને ઇતિનો હીંચકો આભને આંબતો. વાદળો સાથે વાતો કરતોબંને બાળકોના  ખડખડાટ હાસ્યના પડઘા દિગંતમાં રેલાઇ રહેતા. અને મારા અંતરમાં પીઠીવર્ણો ઉજાસ ઉગતો.

 મોટા થયા પછી અહીં ઓટલા પર કલાકો બેસીને તેમની ગુફતુગૂ ચાલતી. હું મારી મર્યાદા સમજતો હોં. ચૂપચાપ ડાળીઓ ઝૂકાવી, આંખો બંધ કરી દેતો. પણ થોડા શબ્દો તો કાને અથડાતા જ

આર્ય, તું આટલો દૂર કેમ જાય છે ભણવા ? ‘

મમ્મી,પપ્પાનું સપનુ છે. મને અમેરિકા મોકલવાનું. ‘

અને તારું સપનુ ? ‘

 ‘ મારું સપનુ તો તું…’

સાચું કહે છે ? ‘

પેલી તારી ચિબાવલી બહેનપણી મેઘાના સમ… ‘

આર્ય, માર ખાઇશ હોં…’

ગાલ ઉપર મારજે..જેથી બીજો ગાલ ધરી શકાય.’

તને તો બધી વાતમાં મશ્કરી જ સૂઝે છેતું કયારેય સીરીયસ નહીં થા ? ‘

ઓકે..હવે હું સીરીયસ છું..સાવ સીરીયસ…’

હા, પછી  સઘળું સીરીયસ થઇ ગયું હતું.

ઇતિની આંગળીમાં હળવેથી  વીંટી પહેરાવતા આર્યને પોતે સગી આંખે જોયો હતો. આર્યને વળગી ઇતિ ધ્રૂસકે ધ્રૂસકે રડી હતી. આર્યએ પોતાના  હોઠથી ઇતિના આંસુ ઝિલ્યાં હતાં.

આર્ય, આપણે અહીં જ  લગ્ન કરીશું. અહીં જ માંડવો નખાશે હોં. ‘

હા, ઇતિ, અહીં જ આપણે ફેરા ફરીશું. અગ્નિની સાક્ષીએ તો ખરા જ..પણ આપણે તો આ દાદાની સાક્ષી પહેલાં જોઇએ..’

પછી દર વરસે વડસાવિત્રીનું વ્રત કરવા હું અહીં આવીશ. ….’

રાતાચોળગુલમહોરી શમણાંઅઢળક શમણાં  બંનેની આંખોમાં અંજાયા હતાં. પોતે તો કેવા ખુશખુશાલ..એ ધન્ય પળની પ્રતીક્ષા ઇતિની જેમ પોતે પણ કરી હતી. પણ…..એ પળ કદી આવી જ નહીં…..

બે વરસ પછી  ઇતિ અહીં આવી હતી. પણ એકલી..સાવ એકલીબે ચાર પળ મારા હાથ પકડી ઉભી હતી. પછી મારી  આગોશમાં એક વીંટી મૂકીને દોડી ગઇ હતી. પોતે એ વીંટી ઓળખી  કાઢી હતી. ઇતિના આંસુના અભિષેકથી ભીંજાયા હતા. આજે પણ એ ભીનાશ  અંતરમાં અકબંધ….

કારણની તો  કેમ ખબર પડે ? જોકે ધારણા કંઇ અઘરી નથી.

ખેર ! એમના એટલા જ ઋણાનુબંધ હશે..આમ પણ જે વાત આપણી સમજથી બહાર હોય તેને માટે ઋણાનુબંધ જેવું રૂપાળું બીજું કયું નામ હોઇ શકે ?

હજુ  તો  ઇતિ અને આર્ય મનમાંથી  હટયા નહોતા ત્યાં ….

કપાળ સુધી માથે ઓઢી, હાથમાં સૂતરની દોર અને આંખમાં ઉભરાતા આંસુઓને સંતાડવા મથતી પરાગી….

દાદા, બધી સ્ત્રીઓ  પોતાનું સૌભાગ્ય અખંડ રહે માટે અહીં  પૂજા કરવા આવે છે. પતિના આયુષ્ય માટે….દાદા, હું.. અભાગીએ નથી માગી શકતી..દાદા, નથી માગી શકતી….

વ્રતના ચાર દિવસ પછી  પરાગી સળગી ગઇપોતાના સઘળા દુ:ખોની ફરિયાદ કરવા  ઇશ્વર પાસે પહોંચી ગઇ. સળગી ગઇ કે સળગાવાઇ ગઇ શું થયું હશે તેની ગામ લોકોને જાણ હતી જ. પણ…..

આ દેશમાં હજુ આજે પણ આમ જ  આવી કેટકેટલી  પરાગીઓ દાઝતી રહેતી હશે ?

દાદાની આંખો અનરાધાર વરસતી રહી. દાદા ઉદાસ..ઉદાસ

અને પેલા જમનામાને કેમ વિસરાય  ? વિધવા માને કંઇક આંબલીપીપળી બતાવી દીકરો અમેરિકા ચાલ્યો ગયો તે કયારેય પાછું વળીને જોવાની તકલીફ નથી લીધી. જમનામા પુત્રની રાહ જોઇ જોઇને  થાકયા હતા. મારી પાસે આવીને ઓછા આંસુડા નથી સાર્યા. હું યે શું કરું ?દીકરાએ માને  કહ્યું હતું

મા,મારા ભવિષ્યનો સવાલ છે. ‘

મને તો કહેવાનું ઘણું યે મન થઇ આવ્યું..કે

હા, બેટા,પાંખો આવે ને ઉડી જાવ એ સાચું..પણ દરેક માને યે એક ભવિષ્ય તો  હોય છે હોં. એક એવું ભવિષ્ય..જેની પ્રતીક્ષામાં તમારા જાજેરા જતન કરીને જેણે પોતાના રાત દિવસ એક કર્યા છે તે માના ભવિષ્યને દીકરાઓ  ભૂલી ન જતા. બેટા, તમારી પાસે  તો આખું ભવિષ્ય છે.. પણ તેની પાસે તો હવે બચ્યા છે ભવિષ્યના ગણ્યાગાંઠયા વરસો  જ…..

કોઇ માને દીકરાનો વિશ્વાસ કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો પડે..એવી સ્થિતિ કાલે આવે તો આશ્ર્વર્ય નહીં થાય

જમનામાની આંખમાં આજે યે હું શબરીની પ્રતીક્ષા જોઇ શકું છું. મારી ભીતર મૂક આક્રન્દ….વાંઝિયો આક્રોશ….

સામેના ઘરની વહુવારૂનિરાલીદર વરસે પૂરા ભાવથી મારી પૂજા કરવા  અચૂક આવે. મને પણ તેના માટે બહું ભાવ.. છેલ્લે  આવી ત્યારે આંખમાંથી  બોર બોર જેવડા આંસુડા ટપક..ટપકહું તો ગભરાઇ ગયોકંઇ સમજાયું નહીં. ત્યાં તેની બહેનપણી આવી..ધીમે રહીને નિરાલીએ પોતાની વીતક કથા તેને સંભળાવી.રડતી જાય અને બોલતી જાય..પેટમાં દીકરી હતી તેથી સાસુ અને પતિએ જબરજસ્તીથી

મીક્ષા, મને તો રોજ રાતે મારી ન જન્મેલ દીકરીનો આંસુભીનો ચહેરો દેખાય છે. તેનો  સાદ સંભળાય છે. ‘ મા,મને કાં અવતરવા ન દીધી ? શું જવાબ આપું હું એને ? હું મા થઇને એને બચાવી ન શકી…’

મીક્ષા તેને સાંત્વન આપતી રહી.. હું તો અવાચકશું બોલું ? આશ્વાસનના બે શબ્દો યે કેમ ઉચ્ચારું ?

કેટકેટલા અનુભવો મારી નજર સમક્ષ તરવરી રહ્યા છે.

કંચનકાકીની  રોજની કચકચથી ત્રાસેલ મહેશકાકા મારે આંગણે આવીને હાશકારો પામે છે. લડ નહીં તો લડનારો દે..કાકીના એ સ્વભાવથી ઝગડાના કાયર કાકાને જલદી ઘેર જવાની ઇચ્છા ન થાય તે સ્વાભાવિક જ છે  ને ?

તુલસી ઇસ સંસારમેં ભાતભાત કે લોગઆવું કશુંક સાંભળેલું યાદ આવે છે.

તે દિવસે સામે રહેતી ચૈતાલી આખો દિવસ દેખાઇ  નહીં. હું તો ચિંતામાં ડૂબી ગયો. રોજ વહેલી સવારે છ વાગ્યામાં ચૈતાલી ટયુશન જવા નીકળે..અહીં તેની બીજી બહેનપણી પણ ભેગી થાય અને પછી બંને સાથે ભણવા જાય..પણ આજે અને પછી તો  કેટલાયે દિવસો સુધી તે દેખાઇ નહીં. શું થયું હશે ?

પાછળથી ખબર પડી કે કોઇ બે નરાધમોએ તેને ઉપાડી જઇને પીંખી નાખી હતીમારું આખુ અસ્તિત્વ ચિત્કારી ઉઠયું. મારે રુંવે રુંવે આગ પ્રગટી હતી..પણ ….

પછી તો અનેક  વાતો આવતા જતા લોકો પાસેથી સાંભળી….

મારી અંદર તો ધધકતો જવાળામુખી….

 થોડા સમય પછી ચૈતાલી હિંમત કરી કોલેજે ગઇ ત્યારે પણ સહાનુભૂતિને નામે તેને પીંખી ખાનારા ..ઉન્દરની જેમ  ફૂંક મારી મારીને ફોલી ખાનાર લોકો…..તેના અસ્તિત્વને ખોતરતા રહ્યાલોહીલૂહાણ કરતા રહ્યા.જાતજાતના અનેક પ્રશ્નોજુદા જુદા નામે….અનેકવાર એ પીડાદાયી પ્રક્રિયામાંથી ફરી ફરીથી  પસાર કરતા રહ્યા. તેને બધું ભૂલી  જવું હતું. પણ સમાજ, મિત્રો તેને ભૂલવા દે તેમ  નહોતા. બીજી કોઇ દીકરી સાથે આવું ન થાય માટે તેના  માતા પિતાએ પોલીસને ફરિયાદ કરવાની હિંમત બતાવી હતી….પણ હવે જાણે પોતે ભૂલ કરી હોય એવો અહેસાસ સમાજ તેને કરાવી રહ્યો હતો. આ પીડા કોને કહેવી ? પીડિતને વધુ કુરેદવાની સમાજની આ રૂગ્ણ મનોવૃતિથી કેમ બચવું ? સમાજ પોતાની નૈતિક જવાબદારી કયારે સમજશે ?

મન ઉદાસ સાવ ઉદાસ બની ગયું હતુંઆ બધુ સાંભળીને….આનો  કયાંય આરો કે ઓવારો નહીં હોય ? કયાં સુધી આમ…?

 ત્યાં તો….દાદા, મને ભૂલી ગયા..બસ ને ?

નાનકડી વિરાજે  દાદાના મનમાં ડોકિયું કર્યું. અને  દાદાની ભીતર ચન્દનની શીતળતાનો લેપ….

તે દિવસોમાં ધરતીકંપની દારૂણ યાતના ચારે તરફ પ્રસરેલી હતી.પોતે પણ એ આંચકાથી હલી ઉઠયા હતા. સામે રહેતા રહીમચાચાનું આખું ઘર એ ધરતીકંપમાં મોતની સોડ તાણી સૂતું હતું. પણ રામ રાખે તેને કોણ ચાખે ? કે પછી ટિટૉડીના ઇંડાની માફક રહીમચાચાની ત્રણ વરસની પુત્રીને ઉની આંચ નહોતી આવી. ત્યારે એ બાળકીને એમ જ મૂકીને જતાં તેના પડોશી વિનેશભાઇનો જીવ નહોતો ચાલ્યો. તેમણે પ્રેમથી..એ મુસ્લીમ બાળકીને અપનાવી લીધી હતી. તેને નવું નામ, નવુ જીવતર, નવું કુટુંબ આપ્યું હતું. થોડી મોટી થતાં રોજ સવારે  તેના  ભાઇ સાથે  દફતર ઝૂલાવતાં અહીંથી પસાર થાય ત્યારે ભાઇ, બહેનના કિલકિલાટ હાસ્યમાં પોતે પણ અચૂક સાદ પૂરાવે. બે પાંચ મિનિટ પોતાની ડાળે બંને ઝૂલે..અને પછી સ્કૂલે દોડી જાય.

કોણ કહે છે હિંદુ, મુસ્લીમ દુશ્મન છે સૌને સંપીને રહેવું ગમે છે. પણમઝહબને નામે, જન્નતને નામે બાળકો અને યુવાનોને અવળે માર્ગે દોરી જતાં ધર્મગુરૂઓ, સ્વાર્થી રાજકારણીઓ, ને ધર્માન્ધ, ઝનૂની, સ્વાર્થી એવા મુઠ્ઠીભર માનવીઓ

કોઇને જંપવા દે ત્યારે ને ? દાદાના મનમાં આક્રોશ ઉઠયો.

 અનાથાશ્રમની યાતના સહન ન થતાં બાજુના શહેરમાંથી  એક દિવસ સંજુ ભાગી છૂટયો હતો. રડતો. પડતો આખડતો, કૂટાતો એક દિવસ પોતાના શરણે આવી ચડયો હતો. બે દિવસ અહીં જ ..આ ઓટલા પર પડયો રહ્યો હતો. તેનો  વલોપાત  સાંભળી પોતે થરથરી ઉઠયા હતા. કૂમળા ફૂલ ઉપર પણ આવો અત્યાચાર…? માનવતા સાવ જ મરી પરવારી ? માનવજાત ઉપર આવો તિરસ્કાર,…આવી નફરત તો પહેલાં કયારેય નથી થઇ. પણ સંજુની વ્યથાએ હલબલાવી દીધો.પણ ના, સિક્કાની બીજી બાજુનો અનુભવ પણ તુરત થયો જ.

સંજુને પેલા ઇબ્રાહિમકાકા  અને અમીનાકાકી  પોતાને ઘેર લઇ ગયા. પોતાને દીકરો હોવા છતાં સંજુ આજે તેમનો ત્રીજો દીકરો બનીને ખીલી રહ્યો છે. કાકીના સ્નેહે સંજુને ઉગારી લીધો..નહીંતર કદાચ સંજુના રૂપમાં સમાજને એક મવાલી, ગુંડો જ મળતભલુ થજો એ કાકા, કાકીનું..સંજુને આજે અઢળક સ્નેહ મળી રહ્યો છે. રોજ મારી પાસેથી હસતો હસતો પોતાના બીજા બે ભાઇ સાથે સ્કૂલે જતો નીરખી મારા હૈયામાંથી હેત અને  આશીર્વાદની સરવાણી વહે છે. ખૂણે ખાંચરે ફેલાયેલ આવા માનવીઓની મહેકથી જ સમાજ ટકી રહ્યો છે. ને ટકી રહેશે. ઇશ્વરને માનવમાંથી  સાવ શ્રધ્ધા ઉઠી નથી ગઇ એનું કારણ સમજાય છે.

તો સામે રહેતાં વૃધ્ધ,અપંગ  રહીમચાચાને  પિતાની માફક સાચવતા કિશનભાઇ અને તેના પરિવારની સુવાસની તો વાત જ ન થાય. નાતો તો ફકત એક પડોશીનો..પણ નાત, જાત કે ધર્મના ભેદભાવ ભૂલવા જોઇએ ..એવી કોઇ વાતોના વડા કર્યા સિવાય આ પરિવાર માનવધર્મ નિભાવી જાણે છે

દાદાના અંતરમાં પરમ સંતોષ છલકી રહ્યો.

 આવા અનેક સાચુકલા માનવીઓ પણ જોવા મળતા રહ્યા છે. જોકે  એનું પ્રમાણ કમનશીબે ઓછું  દેખાયું છે. છતાં એ અહેસાસ ભીતરની શ્રધ્ધાના દીપને ઓલવવા નથી દેતો. કયાંક કયાંક આવા કોડિયા જલતાં રહે છેબની શકે કાલે એક કોડિયામાંથી અનેક દીપ જલી ઉઠે

દાદા પૂર્ણ શ્રધ્ધાથી  સર્જનહારને નમી રહ્યા.

કાલે પેલા છોકરા પાસે સારા..નરસા થોડાં અનુભવો જરૂર કહીશ.

દાદાના અંતરમાં આખી રાત અનેક સારા, નરસા  દ્રશ્યો ઉમટતાં રહ્યાં. જાણે સમુદ્રમંથન ચાલતું રહ્યું. ઘડીક અમૃત અને ઘડીક હળાહળ વિષ….દાદા વલોવાતા રહ્યા..વલોવાતા રહ્યા…..ચાંદ સિતારા દાદાને ટાઢક આપવાનો પ્રયત્ન કરતાં  રહ્યાં. અને રાત ચૂપચાપ ખરતી રહી.

પૂર્વાકાશે લાલ ટશિયા ફૂટવાની એંધાણી દેખાતા જ, પંખીઓએ કલબલાટ કરી મૂકયો. ટહુકાઓનો  એલાર્મ વાગતાં જ  સવાર આળસ મરડીને બેઠી થઇ. અને પૂર્વ દિશાનું પ્રભાતમાં રૂપાંતર થયું. ડાળે ડાળે સૂર્યકિરણોના ટકોરા પડયાં.પંખીઓ પ્રાત:કર્મ પતાવી,પોતાના બાલુડાઓને દાદાને ભળાવીરોજીરોટીની શોધમાં આસમાનમાં ઉડવા તત્પર થયા.

દાદા પણ પોતાનું અંતર ઠાલવવા તૈયાર હતા. આજે તેમને ઉજાસની પ્રતીક્ષા હતી. દિલનો ઉભરો ઠાલવવા તે કદાચ આતુર બની ગયા હતા. પણ ત્યાં

બે ચાર માણસો હાથમાં મસમોટા કૂહાડા સાથે ધસી આવ્યાઅને દાદા કંઇ સમજી શકે તે પહેલાં તો ધડાધડ તેમના આંખા અંગ પર……

દાદાની આસપાસનો પ્લોટ વેચાઇ ગયો હતો. અને હવે ત્યાં એક હોટેલ બનાવવાની હતી..જેના પ્લાનમાં દાદા નડતરરૂપ હતા.

 હૈયાની વાતું વણકહી જ રહી ગઇ. પંખીઓ થરથરી રહ્યા. પોતપોતાના ટચુકડા ઘરમાંથી નીકળી ઉપર ચકરાવા લેતા રહ્યાટપોટપ નીચે પડતા પોતાના ફલેટોને જોઇ આર્તનાદથી આખું  આકાશ ભરી દીધુંધરતી પર પડતાં પડતાં દાદાએ એક આખરી,અસહાય  નજર ઉંચે નાખી. પંખીઓના ચિત્કાર અને દાદાની વ્યથા જોઇ શરમથી ઢીલોઢફ બની ગયેલ સૂર્ય વાદળો પાછળ છૂપાઇ ગયો.

પડતાં પડતાં દાદાના અંતરમાં એક જ વલોપાત, એક જ વ્યથા…. ધોમધખતા તાપથી અકળાયેલ  કોઇ વટેમાર્ગુ વિસામાની ઝંખનામાં અહીં આવશે ત્યારે…? હવે  પોતે કદી કોઇનો વિસામો નહીં બની શકે..કોઇને હાશકારો નહીં આપી શકેનહીં આપી શકે

જુઓ…..એક પણ મૂળિયું ન બચવું જોઇએ હોં..નહીંતર આને ફરીથી ઉગતા વાર નહીં લાગે. ‘

કોઇએ સૂચના આપી.    

સાંજે ઉજાસ આવે તે પહેલાં તો વડલાદાદા મૃતપ્રાય….મૂળસોતા ઉખડી પડેલ……ઉજાસનો ઇંટરવ્યુ અધૂરો જ રહી ગયો. વણકહી રહી ગઇ દાદાના અંતરની વાતુ

 અને…. સવારથી વાદળો પાછળ છૂપાઇ ગયેલ સૂરજ મહારાજે તો આજે આખો દિવસ  ડોકિયું કાઢવાની પણ  હિંમત  ન કરી.

( ગુજરાત દીપોત્સવી અંક 2011માં પ્રકાશિત વાર્તા )

 

 

 

પાનખરે ફૂટી કૂંપળ

પાનખરે ફૂટી કૂપળ…વાત એક નાનકડી…

 

ત્રણ દિવસ વરસદ અટકવાનું નામ નહોતો લેતો. આખરે વરસી વરસીને થાકેલા વાદળોએ આજે પોરો ખાધો હતો. આકાશ જાણે  વાદળોના સકંજામાંથી માંડ છૂટયું હોય તેમ ઝગમગતું હતું. તક મળતા સૂરજ મહારાજે પણ તુરત હાઉકલી કરી પોતાના કિરણો ધરતી પર વેરી દીધા હતા.

વરસી વરસીને સ્વચ્છ થયેલા આકાશને બારીમાંથી નીરખતા અનિલભાઇ  બરાબરના અકળાયા હતા. જીવનમાં આવા દિવસો  પણ આવશે એવી કદી કલ્પના પણ કયાં કરી હતી ? પણ કદી કલ્પના પણ કરી હોય એવું બને એને જીવન કહેવાતું હશે ? કોઇ દિશા સૂઝતી નહોતી. નજર સામે વીતેલા દિવસોના પાના ફરફરતા  હતા.

અનેક વૃધ્ધો સાથે બનતું આવ્યું છે તેમ અનિલભાઇને પણ અંતે જીવનસન્ધ્યાએ ઘરડાઘરમાં આશરો લેવાનું આવ્યું. પત્નીનો સાથ બે વરસ પહેલાં છૂટી ગયો હતો. શરૂઆતમાં તો  ખાસ વાંધો નહોતો આવતો. કેમકે અનિલભાઇનું સારું એવું પેન્શન આવતું હતું.. જે અનિલભાઇ પુત્રને આપી દેતા હતા…જોકે પુત્રને કોઇ આર્થિક જરૂરિયાત નહોતી. છતાં પૈસા આવે કોને ગમે ?

પણ હમણાં છેલ્લા બે મહિનાથી અનિલભાઇએ તેમના એક મિત્રની સલાહ માનીને પુત્રને પૈસા આપવાનું બંધ કર્યું હતું. કદાચ મનમાં એવી કોઇ ભાવના પણ ખરી કે જોવા તો દે પૈસા આપવાનું બંધ કરું તો દીકરો વહુ કેવી રીતે રાખે છે ? તેમના વર્તનમાં કોઇ ફરક પડે છે કે કેમ ? અને આમ પણ પૈસા તો અંતે પુત્રને આપવાના છે ને ? પોતાને કયાં બે ચાર દીકરા કે કોઇ દીકરી છે ?

આવા કોઇ વિચારને લીધે અનિલભાઇએ ઘરમાં પૈસા આપવાનું બંધ કર્યું.. અલબત્ત બહાર જાય ત્યારે શાક, ફ્રુટ કે એવી કોઇ ઘરની વસ્તુ અચૂક લઇ આવે.. પણ એથી વહુને સંતોષ નહોતો. પૈસા બંધ થતા વહુ અને દીકરા બંનેનું વર્તન ફરી ગયું.   હવે તેમને  પપ્પા   પોસાતા નહોતા.તેમનો ખર્ચો ભારે પડતો હતો. બે ચાર વાર કહ્યા પછી પણ પપ્પાએ પૈસા આપવાની ના પાડી ત્યારે દીકરા અને વહુ બંનેનું વર્તન બદલાઇ ગયું. નાની નાની વાતમાં તેમનું અપમાન થવા લાગ્યું. સવારે ચા પણ કદી સમયસર મળતી નહીં. વરસોથી રાત્રે સૂતી વખતે  દૂધ પીવાની આદત હતી તે દૂધ મળતું સાવ બંધ થઇ ગયું.

 

ધીમે ધીમે મહિનામાં અનિલભાઇ એવા તો કંટાળી ગયા…બે ટાઇમ વ્યવસ્થિત રીતે જમવાનું મળવાના પણ ફાંફા પડવા લાગ્યા. જોકે અનિલભાઇ પણ જિદે ચડયા હતા..એમ ડરીને હવે તો પૈસા આપવા નથી. એક દિવસ તેમણે સામેથી દીકરાને કહી દીધું,

તમને બાપનો ખર્ચો ભારે પડતો હોય તો હું કોઇ વૃધ્ધાશ્રમમાં રહેવા ચાલ્યો જઇશ..પછી સમાજમાં તમારું ખરાબ દેખાય તો મને કહેતો નહીં.. ‘ ’ કાલે જતા હો તો આજે જાવ.. ને અમારું કેવું દેખાશે એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. અમે તમારી એવી કોઇ ધમકીથી ડરવાના નથી. ‘ દીકરાને બદલે વહુએ જવાબ આપી દીધો. અનિલભાઇએ દીકરા સામે નજર કરી..પણ તે યે  મૌન રહ્યો.

સ્વમાની અનિલભાઇથી અવગણના સહન થઇ. અઠવાડિયામાં તેઓ જાતે જ  એક વૃધ્ધાશ્રમમાં પૈસા ભરી આવ્યા. અને કોઇને કહ્યા સિવાય પોતાની જાતે એમાં રહેવા ચાલ્યા ગયા.

થોડા દિવસો તો બહું આકરું લાગ્યું. કયારેક  આંખમાં પાણી પણ આવી જતા. ઘર છોડીને આમ અનાથની જેમ રહેવાનું ? કેટકેટલું કર્યું હતું દીકરા માટે ? અને છતાં યે દિવસો જોવાના આવ્યા ?  બારી પાસે ઉભેલા અનિલભાઇના  મનમાં આજે અનેક સવાલો ઉભરાતા હતા .જેના કોઇ જવાબ નહોતા તેમની પાસે.

પણ ધીમે ધીમે તેમણે મન વાળી લીધું. જેવા ઋણાનુબંધ કહીને મન મનાવી લીધું. પોતાને તબિયતનો ખાસ કોઇ પ્રશ્ન નહોતો. તેથી આશ્રમના કામમાં રસ લેવા લાગ્યા. થાય તે મદદ કરતા રહ્યા બધા સાથે પરિચય કેળવતા રહ્યા.

એવામાં એક દિવસ તેમની નજર વૃધ્ધાશ્રમની એક બેંચ પર આંખ બંધ કરીને  બેસેલી પ્રૌઢા પર પડી. અનિલભાઇ ચમકયા.. “શીલા તો નથીને ? “ ધીમેથી તેઓ તેમની નજીક ગયા. હૈયુ એક ધબકાર જાણે ચૂકી ગયું. અરે, તો શીલા જ… જેની સાથે જીવવા મરવાના કોલ અપાયા હતા.. પણ કમનસીબે સંજોગોએ સાથ નહોતો આપ્યો..અને અચાનક  બંનેના જીવનના માર્ગ ફંટાઇ ગયા હતા. પણ મનના ઉંડાણમાંથી કદી શીલાની છબી ખસી નહોતી. આજે આમ અહીં દશામાં ? અનિલભાઇના મનમાં અનેક જૂની યાદો દોડી આવી. શીલાને પણ પોતે યાદ હશે કે કેમ ?  આજે જીવન સંધ્યાએ આમ કુદરતે તેનો મેળાપ કરાવી દીધો ?

અનિલભાઇ તેની પાસે જઇને ઉભા.. જરાક અવાજ કર્યો.પ્રૌઢાની આંખ ખૂલી. તેણે સામે જોયું. થોડી વાર બંને એકમેક સામે  જોઇ રહ્યા.

અનિલ…….ધ્રૂજતા શબ્દો ગળામાંથી નીકળ્યા..

શીલા… તું અહીં ?

પછી તો વચ્ચેના વરસો ખરી ગયા. બંને એકમેકને પોતાની વ્યથા..પોતાની આપવીતી કહીને હળવા થયા. વિધવા શીલાને કોઇ સંતાન નહોતું.અને હવે વૃધ્ધ થવાથી  કુટુંબમાં કોઇ રાખવા તૈયાર નહોતું. 

પછી  તો રોજ સાંજે બંને આશ્રમના બગીચાની બેંચ પર બેસીને સુખ દુખની વાતો કરતા રહ્યા.  વરસોથી સંઘરી રાખેલી વાતોનો ખજાનો એકબીજા સામે ઠલવાતો રહ્યો.  અને મનમાં હળવાશ અનુભવાતી રહી. અનિલભાઇ તો મનોમન કુદરતનો આભાર માની રહ્યા. કે પોતે અહીં આવ્યા અને શીલાને મળી શકયા.

એક દિવસ અચાનક અનિલભાઇના મનમાં વિચાર આવ્યો. બે જણાં સારી રીતે રહી શકે  એટલું પેંન્શન તો પોતાને આવે છે. તો શા માટે શીલા સાથે ફરી એકવાર નવેસરથી જીવન શરૂ કરી શકાય ? એક દિવસ હિમત કરીને  મનની વાત  શીલા સામે વ્યક્ત કરી નાખી.

શરૂઆતમાં તો શીલા અચકાણી..  બે દિવસ અનિલભાઇ સાથે સતત વાત ચાલતી રહી. જેણે આપણી પરવા નથી કરી એવા સગાઓને કેવું લાગશે જોવાની પરવા હવે ઉમરે આપણે શા માટે કરવી જોઇએ ? એકબીજાનો સાથ મળી રહેશે અને એક વખતના પોતાના સપના પૂરા કરવાની કુદરતે તક આપે છે તો એને કેમ વધાવી લેવી ?  એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?

અંતે એક દિવસ શીલા અને અનિલભાઇ આશ્રમના અન્ય વડીલોની હાજરીમાં લગ્નગ્રંથિથી બંધાઇ ગયા. આશ્રમના સંચાલકોએ બધી વ્યવસ્થા હોંશે હોંશે કરી. બધાએ ઉલટભેર તેમના લગ્નમાં ભાગ લીધો. તેમની જૂની પ્રેમકહાણી સાંભળી બધાએ વાહ..આનું નામ ઋણાનું બંધ.. જે તમને બંનેને અહીં ખેંચી લાવ્યું.. સાદાઇને બદલે સારી એવી ધામલ અને ધામધૂમ બધાએ કરી મૂકી. સ્ત્રીઓ શીલાબેનના પક્ષમાં ને પુરૂષો અનિલભાઇની સાથે રહ્યા. હોંશેભેર ગીતો પણ ગવાયા.. આશ્રમમાં જાણે ઉત્સવનો માહોલ જામ્યો. અનિલભાઇ અને શીલાબેન બધાની લાગણી જોઇ ગળગળા બની ગયા.  વરસો  પહેલા જે હસ્તમેળાપ થવો જોઇતો હતો..તે આજે પાંસઠ વરસની ઉમરે થયો ત્યારે પણ બંનેના મનમાં એક રોમાંચ અવશ્ય ઉભરાઇ આવ્યો. બધાની આંખો ભીની બની. સૂકાભઠ બની ગયેલા જીવનમાં ફરી એકવાર નવી કૂંપળૉ  ફૂટી ..વસંતનું આગમન થયું. અને બે જિંદગી હસી ઉઠી. અનિલભાઇએ બધાને પાર્ટી આપી..સરસ જમાડયા.

 અનિલભાઇએ અગાઉથી એક ઘર ભાડે રાખી લીધું હતું. બંનેને વિદાય કરતી વખતે સૌની આંખો છલકતી હતી. કન્યા વિદાય નહીં પણ એક પ્રૌઢ યુગલને  આશ્રમવાસીઓએ સ્નેહપૂર્વક વિદાય આપી. જાણે એક જીવતરની નવી દિશા ઉઘડી હતી. એક નવી કેડી કંડારાઇ હતી.બની શકે કાલે નાનકડી  કેડી કોઇ મોટો રસ્તો બની શકે જેના પરથી  અનેક લોકો ચાલી શકે ને એક નવી દિશા તરફ પ્રયાણ કરી શકે.આખરે સુખી થવાનો અને તે પણ પોતાની રીતે સુખી થવાનો અધિકાર તો દરેક પાસે હોવો જ જોઇએ ને ? લોકો શું કહેશે એ માનસિકતામાંથી બહાર આવવું જ જોઇએ અને પોતાની જિંદગી પોતાની રીતે જીવતા શીખવું જોઇએ.  કોઇ ખરાબ કામ કરતી વખતે લોકો શું કહેશે એ અવશ્ય જોઇએ પણ સારું કામ કરતી વખતે નહીં જ.

 

( સંદેશ વાત એક નાનકડી કોલમમાં પ્રકાશિત ) 

 

મા જીવે છે..

મા જીવે છે…

 

 

દેરીના  ઝાંખાપાંખા દેવ સામે,

 ધ્રૂજતા હાથની આડશ કરી,

હવાઇ ગયેલી માચિસને

ઘસરકા કરતી

દીવાસળીએ આખરે

પેટાવી દીધું એક કોડિયું

અને દેરીના દેવ..

 ઝગમગ..ઝગમગ..

બે ચાર થીગડાં દીધેલા

સાડલામાં વીંટળાયેલી કૃશ કાયા

ભીની આંખે

વંદી  રહી,

 દેરીના ઝાંખુકડા  દેવને….

પાછળથી સરી પડયો..

એક નિ:શ્વાસ ..  

કૃશ કાયાએ ચમકીને

 ફેરવી નજર… 

સામે ઉભેલા ઝળાહળાં રૂપને

એકીટશે તાકી  રહી.

દેરીમાં બેસેલા દેવી પ્રસન્ન થઇને

 સામે આવીને ઉભા કે શું ?

બે ચાર પળ..

નીરવતા.. સન્નાટો ..

પછી..

થોડા શબ્દો.. થોડું મૌન..

અને..  

થોડી વારે બે સ્ત્રીઓ

એકમેકનો  હાથ ઝાલી 

નીકળી પડી.. ચાલતી રહી.

એક નાનકડી ખડકી..અને .. 

મસમોટો લીમડો..

 પંખીડાઓએ..  

કરી મૂકયો કલબલાટ..

‘ બેસ બેટા..’   

‘ બેટા…’  શબ્દ સાથે જ

બંધ સઘળા તૂટયા

ભીતરી જળ ખળભળ્યા

અને ફરી વળ્યા

 ધોધમાર પૂર… 

બસ..પછી તો પૂરના એ વેગીલા પ્રવાહમાં પારિજા અને જાનકીબહેન  ધોધમાર ઠલવાયા. અપરિચિતતાની દીવાલ કડડડભૂસ. અંતરના તાળા ખૂલ્યા.. અતીત ઉલેચાયો.   કહેવા ..સાંભળવા માટે કેટકેટલી વાતો  હતી બંને પાસે..

   બે સ્ત્રીઓ વચ્ચે  આત્મીયતાનું સ્વયંભૂ ઝરણું ફૂટી નીકળ્યું.  પારિજા તો સાસુમા ઉપર ઓળઘોળ બની બેઠી હતી. કોઇ ફરિયાદ નહીં..વ્યથાની કોઇ કથા નહીં.. કેટકેટલા વીતક વેઠયા હશે આ સ્ત્રીએ…એકના એક દીકરાએ તરછોડયાની કેટલી પીડા હશે  અને  છતાં એની  કોઇ વાત નહીં..નિતાંત પ્રસન્નતા…સંજોગોનો સ્વીકાર આ લગભગ અભણ બાઇએ  કેવી સહજતાથી કરી લીધો હતો.. તકલીફ તો પડી જ હશે ને મનને મનાવતા ?

‘ બેટા, તને મળ્યા  પછી  મને  બિરેનની વાત સમજાય છે. ‘  

પારિજા પ્રશ્નાર્થ નજરે સાસુ સામે જોઇ રહી.

‘ બેટા, તારી અને મારી વચ્ચે એને પસંદગી કરવાની હોય તો બિરેન શું કોઇ પણ છોકરો તને જ પસંદ કરે ને ? ‘  કહેતા મા મીઠું  હસી પડી.

‘ મા, મને દુ:ખ એ વાતનું છે કે…’    

‘ બેટા..માણસથી એકવાર ખોટું બોલાઇ જાય પછી એને સાચું  મનાવવા  જીવનભર જાતજાતના  કૂંડાળા રચવા પડતા હોય છે.  માણસ ધારે તો યે એ વમળમાંથી નીકળવું સહેલું નથી બનતું.  એ તું બિરેનની વાત પરથી  સમજી  શકી હોઇશ. ‘

પારિજા  નર્યા નીતરતા સ્નેહથી સાસુ સામે જોઇ રહી.

‘ મા.. બિરેનની ડાયરીએ મને ઘણું કહ્યું છે. અને એની વ્યથા.. એનો અફસોસ જોયા પછી જ મેં એને માફ કર્યો છે. નહીંતર હું કંઇ તમારી જેટલી મોટા  મનની નથી કે એમ જલદી માફ કરી શકું.

અને મા, મને અફસોસ એ વાતનો છે કે  લગ્નના ચાર વરસ સાથે રહ્યા પછી યે એ મને ન ઓળખી શકયો..ભૂલ થઇ ગઇ  એટલું જ કહી દીધું હોત તો.. ?

’ જવા દે..બેટા..બિરેન કંઇ દેવ નથી. માણસ તો ભૂલ કરવાનો જ..’   

‘ મા..તમે મને બેટા કહી છે. આજથી બિરેન નહીં  હું તમારી દીકરી..’  

‘ હા..બેટા.. તારા જેવી  દીકરી તો નસીબદારને મળે..’

’ ના..એમ કહેવા ખાતર દીકરી નહીં. સાચી,  સાચુકલી દીકરી.. પાંચ વરસની ઉમરે ગુમાવેલી માનો તો  મને ચહેરો પણ યાદ નથી. પણ એ તમારા જેવો જ હશે નહીં ? ‘

 પારિજાના અવાજમાં ભાવુકતા આવીને બેસી ગઇ હતી.

‘ હા..સાચુકલી દીકરી..બસ રાજી ? અને આમ પણ  બેટા, માના ચહેરા મહોરા જુદા હોય પણ ભીતરનું પોત  તો  બધી યે  માનું એક સરખું. ‘  

‘ તો આ દીકરીનું કહ્યું માનશો ને ? ‘  

‘ હા..પણ.. ‘

‘ મા, વચ્ચે  પણ કેમ  આવ્યું ? ‘

‘ નહીં આવે બસ..  બોલ, મારે શું કરવાનું છે ? તારી સાથે ઘેર આવવાનું છે ? ‘

બોલતા જાનકીમા  હસી પડયા. પાંચ વરસ બાદ કદાચ  આવું  હસવા પામ્યા હતા.   

 ‘ ઘેર તો આવવાનું જ છે..પણ…’  

પારિજા અચકાઇ..

‘ મા, મારી ઉપર,  આ અજાણી દીકરી ઉપર વિશ્વાસ રાખી શકશો ? ‘

‘ આંખ બંધ કરીને !  મને તો તું દેરીમાંથી નીકળી આવેલી દેવી જેવી જ દેખાય છે. ‘

‘ તો એ દેવીની આજ્ઞા માનવાની છે..’  

‘ એટલે મારે તારી સાથે આવવાનું છે ? આજે..અત્યારે ? ‘

‘ ના મા, મારે તમને એ રીતે  નથી લઇ જવા.’  

‘ તો ? ‘

‘ મા, તમારું ગૌરવ..સ્વમાન  તો જ જળવાય..જો બિરેન એની ભૂલ કબૂલે અને જાતે આવીને તમને સાથે લઇ જાય.’  

‘ બેટા, હવે મને એવો કોઇ હરખ શોક નથી.અને સાવ સાચું કહું તો મને હવે  કયાંય જવું ગમશે પણ નહીં.  હા, મરતા પહેલા એક વાર દીકરાને જોવાનું મન હતું. રોજ સાંજે એ એક માત્ર ઇચ્છા  દેરીના માતાજીને કહેતી. અને આજે માતાજી જાણે હાજરાહજૂર..તારા રૂપમાં મળી ગયા. હવે માતાજીનો જે હુકમ થાય એ સાચો..બોલ, મારે શું કરવાનું છે ?  ‘ એ બધું કાલે સવારે કહીશ. આજે આખી રાત તમારી પાસે સૂઇને તમારી વાતો  સાંભળવી છે. ‘  

પારિજા લાડથી  બોલી. તેણે તો બિરેનની મા..એટલે કેવી યે કલ્પના કરી હતી. અહીં તો સામે હતી  નરી ગરવાઇથી છલકતી  સ્ત્રી.. જેના ચહેરા પર  દુ:ખની  રેખા  તો કદાચ હતી  પણ કોઇ દીનતા  નહીં.. ન જાણે કેવી આભા ઝલકતી હતી.

‘ બેટા, તને શું ભાવે છે ? શું બનાવું  તારે  માટે ?

‘ મા, તમારા હાથનું જે બનાવશો એ  નિરાંતે ઝાપટીશ.  કકડીને ભૂખ લાગી છે. બિરેનથી છાનીમાની આવી છું. અને  અજાણ્યા ગામમાં તમને શોધવા સારું એવું  રખડી છું હોં.’   

એ રાત્રે બંને વચ્ચે  બિરેનની..તેના શૈશવની..પારિજાના શૈશવની..પારિજાના  મમ્મી, પપ્પાની..કોલેજની..તેમના લગ્નની ..બિરેનની સફળતાની..કેટકેટલી વાતો .. ખૂટતી જ નહોતી. આ પરમ દ્રશ્યના સાક્ષી બનવા  ચન્દ્ર વારે વારે બારીમાંથી હાઉકલી કરતો રહ્યો.

મોડી  રાત્રે આંખ મીંચાઇ ત્યારે અર્ધ ઉંઘમાં પારિજાના મનમાં   બિરેનની ડાયરીના પાના ફરફરી રહ્યા.  

તારીખ 14 જુલાઇ..

“ એક ચહેરાને, એક યાદને ભીતરમાં ગમે તેટલી ઉંડી છૂપાવી દીધી હોવા છતાં એની સળવળ, એના પડઘા મનના પોલાણમાં ખખડયા કર્યા છે.  એક  અદ્રશ્ય ઝૂરાપો પાંચ વરસથી  ભીતરમાં ઢબૂરાઇને અડ્ડૉ  જમાવી બેઠો છે. એનું ભાન આજે  અચાનક  થઇ રહ્યું છે.  ચાર વરસ પારિજા સાથેના લગ્નજીવનના  અને એ પહેલાનું એક વરસ પરિચય અને પ્રણયનું.. 

પાંચ વરસ પહેલા સાવ નાદાનીમાં હું  કેવી મોટી ભૂલ કરી બેઠો હતો. એનો અહેસાસ હવે થાય છે.  જે શબ્દો આસાનીથી બોલાઇ ગયા હતા. કોઇ ગંભીરતા સમજયા વિના,  એ સમય જતા આવો રંગ ધારણ કરશે એવી કયાં ખબર હતી ? ત્યારે તો નજર સામે  એક જ લક્ષ્ય હતું.. પારિજા..માત્ર પારિજા.. અર્જુનની જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી. મારા  બોલવાથી કંઇ મા થોડી મરી જવાની હતી ? હા..મરી તો નહોતી ગઇ..પણ  હું  એને જીવતી યે કયાં રાખી શકયો હતો ?

એ દિવસ હમણાં છેલ્લા થોડા સમયથી  રાખમાંથી ફિનીકસ પક્ષીની જેમ  ભીતરમાં અવારનવાર બેઠો થતો રહે છે. 

કોલેજની શરૂઆતના એ દિવસો.. પારિજા સાથે  નવી સવી મૈત્રી થઇ હતી. મધર્સ ડે વિશેનો મારો  આર્ટીકલ વાંચીને પારિજા રડી  પડી હતી. મા નથી ની પીડા તેને પીડતી હતી..

‘ નહીં બિરેન, મા ન હોવાની પીડા તું કયારેય ન સમજી શકે. એ તો જેને એ અહેસાસ હોય એ જ સમજી શકે. ઘાયલની ગત ઘાયલ જાણે…  

ત્યારે વાતોના પ્રવાહમાં વહીને  આગળ પાછળનું કશું વિચાર્યા સિવાય હું  બોલી ગયો હતો.કદાચ અભાનપણે જ શબ્દો સરી પડયા હતા. .

’ પારિજા,  આપણે સમદુખિયા છીએ. મેં પણ માને ગુમાવી છે. એથી એ પીડા હું ન સમજી શકું તો કૉણ  સમજી શકે ? ‘ 

અને એ દિવસથી મેં  માને ગુમાવીને પારિજાને મેળવી હતી. એક સમાન ભૂમિકા બંધાઇ હતી. બુધ્ધિથી વિચારતા એ સોદો એ ક્ષણે તો  ફાયદાનો જ લાગ્યો હતો.

ગામડામાં ઉછરેલો, સ્કોલેરશીપ લઇને માંડ માંડ ભણતો, ગરીબ, વિધવા માનો દીકરો.  પારિજા જેવી ગર્ભશ્રીમંત પિતાની હોંશિયાર, સંસ્કારી, રૂપવાન પુત્રી એના  નસીબમાં કયાંથી ? બંનેએ શૈશવમાં મા ગુમાવી છે એ એક કોમન પ્લેટફોર્મ..સમદુખિયાને નાતે  પહેલાં સહાનુભૂતિ અને પછી જલદીથી  નિકટતા સધાઇ હતી. જે  ધીમે ધીમે પ્રણયમાં અને અંતે લગ્નમાં પરિણમી હતી.

એક અસત્ય અનેક અસત્યોને જન્મ આપતું હોય છે એ ન્યાયે એક જુઠાણાને સાબિત કરવા એક પછી એક કેટલા અસત્યો ઉચ્ચારવા પડશે એની કલ્પના મનમાં કદી  નહોતી આવી. માને લગ્નમાં નહોતી બોલાવી શકાઇ.  કુટુંબમાં નજીકનું કોઇ નથી કહીને  લગ્ન  કોર્ટમાં જ કર્યા.   મનના  ખટકાને ઉંડે ઉંડે દફનાવીને, પાછળ જોયા સિવાય પારિજાના પ્રેમમાં મનને મનાવી લીધું.     

શરૂઆતમાં  કદીક ભીતરમાં કંઇક ખૂંચતું..પણ ધીમે ધીમે નહીં..બહું જલદી ચડાતી જતી સફળતાની સીડીઓની વચ્ચે એ ખટકો અદ્ર્શ્ય બની રહેતો.  સમયની સાથે ભાગવામાં ધીમે ધીમે તો જાણે મને ખુદને યે  યાદ નહોતુ આવતુ કે મારી  મા ખરેખર  જીવે છે. એક અસત્ય વારંવાર ઉચ્ચારવાથી  તે સત્યના વાઘા પહેરી લે છે.

એકવાર પારિજા માની  મરણતારીખ પૂછી બેઠી ત્યારે હું કેવો  બોખલાઇ ગયો હતો.જાણે મારી ચોરી પકડાઇ ગઇ હતી. અજાણતા જ   હું એક તારીખ બોલી બેઠો હતો. જે  માની જન્મતારીખ હતી.. 

જીવનની  ગતિ એટલી તેજ બની છે  કે  હવે લાંબુ વિચારવાનો, કોઇને યાદ કરવાનો સમય જ કયાં બચે છે   ? પારિજાની પ્રેરણાથી  બહું ઓછા સમયમાં પ્રતિષ્ઠિત લેખક  બની શકયો. અનેક શિબિરો, કાર્યક્રમો, લેખન, ભાષણૉથી ભરચક્ક જીવન. ભીતર સુધી સ્પર્શી જાય એવા શબ્દો  કેવી સહજતાથી નીકળતા રહ્યા.

પણ ધીમે ધીમે શબ્દો  ખોખલા થતા જાય છે એવું કેમ લાગે છે  ?  હવે શબ્દો આવે છે તો  આદતથી.. વાંચનથી.. બાકી મન  તો સાવ કોરૂકટ..ધોધમાર વરસાદમાં શરીર તો ભીનું થાય પણ ભીતરમાં એક છાંટો પણ કયાં ? જે લખાતું તે બીજાને સ્પર્શતું હતું. મને   નહીં.  

બે મહિના પહેલા  એક સુંદર સવારે   પારિજા  હળવેકથી  કાનમાં ટહુકી હતી.અને ત્યારે..

મારે તો તારા જેવી પરી જ જોઇએ.. નાનકડી ઢીંગલી.. એકદમ  તારા જેવી..હું ભાવુક બનીને બોલી ઉઠયો હતો.

 ‘ ના, મને તો નાનકડો બિરેન જોઇએ..તારા જેવો જ.. 

‘ મારા જેવો જ..?  અચાનક હું આખ્ખો ને આખ્ખો  ધ્રૂજી ઉઠયો હતો. ભીતરમાં વીજળીનો ઝટકો…અસ્તિત્વ આખું થરથર ધ્રૂજી ઉઠયું. મારા જેવો  એટલે ? જે પણ મોટો થઇને  મારી  જેમ જ જીવતી  માને….? .

અને ભીતરને ઘેરી વળ્યો એક અજંપો.. શું કરું હું ? નથી વેઠાતો હવે આ વલોપાત..કહી દઉં પારિજાને બધું ? તે મને માફ કરી શકશે ? આવડા મોટા અસત્યને જીરવી શકશે ? મને નફરત કરશે ? છોડીને ચાલી જશે તો ? ના..ના.. 

પારિજા મારો  પ્રાણ છે. પારિજાને દુ:ખ થાય એવું હું  કંઇ નહીં કરી શકું.

પણ આ પાંચ વરસ માએ કેવી રીતે કાઢયા હશે ? એ શું કરતી હશે ? કેમ કરતી હશે ? મારા વિશે કેવું કેવું વિચારતી હશે ?  શા માટે પોતે એવું બોલી ગયો ? કેવી રીતે બોલી શકયો એ એવું ? અને  આજ સુધી સાચી વાત ન કહી શકયો ?  શબ્દોમાં જ વાઘ છે બાકી  પોતે કાયર..સાવ કાયર..  આત્મઘૃણાથી  મન ભરાઇ આવ્યું છે. 

પારિજાની વાતોમાં વારંવાર તેની મમ્મી ડોકિયા કરી જાય છે.  માની  યાદની સાથે જ પારિજાની આંખોમાં કેવો સાગર ઉમટી આવે છે.   એકવાર તેણે મને પૂછયું હતું. 

‘ બિરેન, તું તો તારી મમ્મીની,  મારા  સાસુમાની વાત કદી નથી કરતો. તને કોઇ દિવસ મા યાદ નથી આવતી ?

શું જવાબ આપું હું ? મૌન ઓઢીને બેસી રહ્યો.  મારો  ઉતરેલો ચહેરો જોઇને….

 ‘ બિરેન સોરી, તારા જેવી સંવેદનશીલ  વ્યક્તિને કેટલું દુખ થતું હશે નહીં ? મેં યાદ કરીને તને દુ:ખી કરી દીધો..

કેવી યે નિર્દોષતાથી પારિજા બોલી ઉઠી હતી. અને હું..? 

માનો ગુનેગાર,પારિજાનો ગુનેગાર એક નાલાયક પુત્ર બિરેન….

બસ.. આટલું જ લખાયું હતું..બિરેનની ડાયરીમાં.. જે અનાયાસે પારિજાના હાથમાં આવી ચડી હતી.

 વિચારોમાં ખોવાયેલી, થાકેલી પારિજાને અંતે નીન્દરરાણીએ પોતાની આગોશમાં સમાવી લીધી.   

બીજે દિવસે સવારે જાનકીબેનને ભેટીને ઘેર જતી પારિજાના મનમાં અનેક વમળો ઉઠતા રહ્યા.  

ઘેર પહોંચી ત્યારે બિરેન તેની રાહ જોઇને જ બેઠો હતો. થોડી સામાન્ય વાતચીત પછી… 

 ‘ બિરેન, બે દિવસ પછી શ્રાધ્ધ શરૂ થાય છે. પપ્પાએ જ મને યાદ કરાવ્યું. મારી મમ્મીનું શ્રાધ્ધ તો ત્યાં થાય જ છે. આપણે પણ મમ્મીનું શ્રાધ્ધ કરવું જોઇએ. બિરેન, હું કાલે જ બધી તૈયારી કરું છું. કેવી રીતે કરવું, શું કરવાનું છે બધું  મેં પપ્પા પાસેથી જાણી લીધું છે. તેં કહેલી તારીખ પરથી પપ્પાએ મમ્મીની  મૃત્યુની તિથિ પણ  જાણી લીધી છે. તેમનું શ્રાધ્ધ પહેલે જ દિવસે આવે છે.  

બિરેન આખો  ને આખો ધ્રૂજી  ઉઠયો. જીવતી માનું શ્રાધ્ધ ?  પારિજા તેની સામે તાકી  રહી.

‘ પારિજા, પ્લીઝ..મને એવી કોઇ વાતમાં વિશ્વાસ નથી અને આપણે એવું  કંઇ કરવું  નથી. હું ના પાડું છું ને નથી કરવું કશું.. હું નથી માનતો એવી બધી વાતમાં.. ‘

‘ પણ હું તો માનું છું ને ?  મમ્મીના આત્માને શાંતિ થાય એ માટે પણ આપણે  કરવું જ રહ્યું. હું નથી ઇચ્છતી  કે એને લીધે ભવિષ્યમાં આપણને કંઇ  નડતરરૂપ થાય.  બિરેન,  હું મા બનવાની છું એ સંજોગોમાં હું કોઇ રીસ્ક લેવા નથી માગતી. અને આપણે માનીએ કે ન માનીએ, કરવામાં કંઇ નુકશાન તો નથી જ..

અને  બધી વિધિ તારે હાથે જ થવી જોઇએ. એમ પપ્પાએ ખાસ કહ્યું છે. તેથી નો બહાના અલાઉડ.. ‘ કહીને પારિજાએ  ફોન જોડયો.

હા, પંડિતજી, પરમ દિવસે આવી જશો. તમે લખાવેલા લીસ્ટ મુજબ બધું  આવી જશે. તો પરમ દિવસે ભૂલાય નહીં.

અચાનક બિરેન નાના શિશુની જેમ  રડી ઉઠયો..મોટે મોટેથી રડી ઉઠયો. ફફક ફફક રડી ઉઠયો. ચોધાર, મુશળધાર રડી ઉઠયો. સૂપડાધારે રડી ઉઠયો.

અને ડૂસકાં ભરતા  બિરેનનો થરથર ધ્રૂજતો અવાજ  દિગંતમાં રેલાઇ રહ્યો.   

‘ માનું શ્રાદ્ધ નહી થાય..પારિજા..નહીં થાય. મા…મારી મા મરી નથી.. પારિજા..એ મરી નથી..એ જીવે છે.. જીવે છે..તેં સાંભળ્યું..પારિજા, મા જીવે છે. ‘   

  ( મેગેઝિન મમતા માં પ્રકાશિત વાર્તા ) 

                                                                                                                                                     

 

 

 

 

 

 

 

 

 

  

 

  

હાશકારો..

હાશકારો..  

વ્હીસલ વાગી અને ગાડી ઉપડી. છેલ્લી ઘડીએ ચડવાવાળા મુસાફરો  રઘવાયા  બનીને દોડી રહ્યા. ટ્રેનમાં ચડતા જ રીવાની નજર આસપાસ ફરી વળી. આજકાલ  તો સેકન્ડ એ.સી.ના ડબ્બામાં પણ આલતુ ફાલતુ મુસાફરો ચડતા હોય છે. બાજુમાં કોણ આવશે ?  ‘ જે આવે તે. મારે શું ? ’  બેફિકરાઇથી બારી પાસે બેસતા રીવા બબડી.

ત્યાં એક આધેડ વયના બહેન અને અને એની સાથે લગભગ રીવા  જેવડી જ એક યુવતી બંને  હાંફતા હાંફતા ચડયા. સીટ નીચે સામાન મૂકી  હાશ કરીને  રીવાની બરાબર સામે  ગોઠવાયા.

 ‘ બિંદી, તને કેટલી વાર કહ્યું છે કે ઘેરથી થોડા વહેલા નીકળીએ. પણ મારું સાંભળે  કોણ ? જોયુંને પછી છેલ્લી ઘડીએ કેવી દોડાદોડી  થઇ ? ‘  

‘ પહોંચી તો ગયા ને ? મારી મા.. હવે બંધ કર.. હવેથી આગલે દિવસે  સ્ટેશને આવીને બેસી જશું.. ઓકે ?’  કહેતા બિંદી  નખરાળું હસી પડી.

રીવાએ એક મેગેઝિન કાઢયું. જોકે વાંચવાની બહું તત્પરતા દેખાઇ નહીં. થોડીવાર બારીના કાચમાંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો. પણ આકાશમાં કાળા વાદળોએ ઘેરો ઘાલ્યો હતો. ગગનના ઝરૂખે પણ ઉદાસી  છવાઇ હતી. રીવાના મનનું પ્રતિબિંબ પાડતું  હતું કે શું ?  રીવાને થયું.. એ.સી. કોચની આ જ તકલીફ..કાચ ઉઘડે તો હવાની લહેરખીઓ આવે કે  દોડી જતા ઝાડવા સાથે અલપઝલપ વાત થઇ શકે. પણ અહીં તો નરી એકલતા..

 એકાએક  રીવા ઉભી થઇ. ટ્રેનના બારણા પાસે જઇને ઊભી રહી. કશુંક અવલોકન કરતી હોય એમ આસપાસ જોતી રહી.  થોડીવાર બારણા પાસે ઉભી કંઇક બબડતી ફરીથી  પોતાની જગ્યાએ ગોઠવાઇ.  

‘ ખરી છે આ છોડી.. જરીયે જંપ નથી. ‘ મા બબડી.

‘ જે હોય તે..એના પગે આવ જા કરે છે ને ? તને શું તકલીફ પડી ? એને  જોઇને તારા ગોઠણ નથી દુ:ખવાના. એ તો આપણે જાતે ચાલીએ તો જ દુખે..એટલે તું એની ચિંતા  કર્યા સિવાય ડબલા ડૂબલી ખોલીને તારું  રસોડું ચાલુ કર  તો કંઇક મજા આવે. એ સિવાય ટ્રેનની મુસાફરી કરી હોય એવું લાગે જ નહીં.

માએ  થેલામાંથી થેપલાનો ડબ્બો અને બટાટાની સૂકી ભાજી, અથાણું..વઘારેલા સેવ મમરા… જાતજાતની વસ્તુઓ કાઢી. એક પેપર પાથરી તેના પર ઢગલો કર્યો.

‘ મમ્મી, પેપર પ્લેટ લેતા ભૂલી ગઇને ? ‘

‘ અમને તો છાપા જ યાદ આવે. પ્લેટુની ટેવ નહીં ને..તારે યાદ રાખવું હતું ને ? ‘

‘ તે રાખ્યું જ છે. કંઇ તારા ભરોસે  નથી રહી. કહેતા બિંદીએ હસીને પેપર પ્લેટ કાઢી.

ત્યાં રીવા ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઇ..

માએ એક પેપર પ્લેટમાં  રીવાને પણ સહજતાથી  થેપલા, શાક આપ્યા..

 રીવાએ  ઇન્કાર  કર્યો..  

‘ અરે, બેટા,  ના ન પડાય..  અહીં તો આપણે સૌ પ્રવાસીઓ. ઘડીભરની આવનજાવન..  આ તો પંખીનો  માળૉ. ‘

  જૂની પુરાણી ફિલસૂફી  કાને અથડાઇ. રીવાનો  હાથ તો યે  ન લંબાયો.

’  તું તો અમારી આ બિંદી જેવી જ  કહેવાય. લઇ લે બેટા. તને મૂકીને અમે ખાઇએ એ કંઇ સારું ન લાગે.’   

‘ મમ્મી, એમ અજાણ્યા લોકો પાસેથી આજકાલ ટ્રેનમાં કોઇ તારા થેપલા લે નહીં. આજકાલ કેવા કિસ્સા બનતા હોય છે  ? ‘

‘ અરે, આપણે કંઇ….’   

વાકય પૂરું થાય  તે પહેલા જ રીવા બોલી  ઉઠી. 

‘ ના..ના આંટી..એવું નથી. બધા કંઇ એવા  થોડા હોય ? ‘

‘ તો પછી લે ને બેટા..નામ શું તારું? ’    

 રીવાએ આંટીની આંખમાં જોયું. ન જાણે શું  દેખાયું. તેણે ચૂપચાપ  પ્લેટ હાથમાં લીધી..

‘ થેંકયુ આંટી..અને હા, મારું નામ રીવા છે. ’  

 રીવાને ખાવાનું  જરાયે મન નહોતું. પણ  કોઇ મોટેરાનું દિલ દૂભાવવાનું મન ન થયું. ખાસ કરીને આજે તો નહીં જ.. આમ પણ મન વિનાની કેટકેટલી વાતો જીવનમાં  કરાતી જ આવી છે ને ? છેલ્લી એક  વાર વધારે..શો ફરક પડે છે ?

પણ  એકાદ ટુકડો ખાધો..ત્યાં શાકનો સ્વાદ ગમી ગયો. અને નહોતું ખાવું તો પણ આપોઆપ પ્લેટ ખાલી થઇ. 

’ બેટા, એકલી જ છો ? મુંબઇ જાય છે  ? ‘

રીવાનું  માથું હકારમાં  જરીક અમથું હલ્યું.  

‘ સારું..સારું.. આજકાલ તો છોકરીઓ યે એકલી ફરે છે. અમારા જમાનામાં તો ..’

’ બસ..મમ્મી હવે અમારા જમાનામાં.. આ શબ્દ જો બોલી,  તો તું  ઘરડી છે એ આપોઆપ સાબિત થઇ જશે..’

બોલતી  બિંદી હસી પડી.  

‘ બોલ બેના,  હું એવી ઘરડી લાગું છું ? ‘  

‘ ના રે આંટી, તમે તો સરસ દેખાવ છો. બિલકુલ મારી મમ્મી જેવા.. અને..

અચાનક રીવા અટકી ગઇ. જાણે કંઇક ન બોલવાનું બોલી નાખ્યું હોય તેમ …

ત્યાં તેનો મોબાઇલ રણકયો. રીવાએ એક નજર નંબર પર નાખી.. ફોન ઉપાડવાને બદલે  સ્વીચ ઓફ કરી નાખી. આંટી  કશુંક બોલવા જતા હતા ત્યાં દીકરીએ તેનો હાથ હળવેથી  દાબી માને રોકી.

એકીટશે રીવાને નીરખતી બિંદીની નજર જાણે  રીવાને  વાંચી રહી હતી.

રીવાએ આંખો  બંધ કરી. પાંપણે આવતા પાણીને  રોકી રાખવા મથતી હોય તેમ હોઠ સખતાઇથી ભીડાયા. કશુંક ગળે ઉતારવા મથી રહી.

થોડી વારે તે ફરીથી ઉભી થઇને દરવાજા તરફ ચાલી. તેના  ખોળામાનું મેગેઝિન નીચે પડી ગયું..એનું યે ધ્યાન ન રહ્યું.

બિંદીએ  પડી ગયેલું મેગેઝિન  ઉપાડયું. રીવાની સીટ પર મૂકવા જતી  હતી  ત્યાં મેગેઝિનમાંથી ગડી વાળેલો એક કાગળ નીચે સરકી પડયો.  કાગળ ફરીથી મેગેઝિનમાં મૂકવા જતી હતી ત્યાં કાગળ ઉપર લખાયેલા બે શબ્દોએ તેનું ધ્યાન ખેંચ્યું.  તેણે ઝડપથી કાગળ  ખોલ્યો. નજર કાગળ પર ફરી રહી. કાગળ કંઇ બહું મોટૉ નહોતો. તેણે  કાગળ માના હાથમાં  મૂકયો. માએ પણ વાંચ્યો. તેનો ચહેરો  ગંભીર બની ગયો. કંઇક બોલવા જતી હતી ત્યાં બિંદીએ ચૂપ રહેવાનો ઇશારો કર્યો. અને ઝડપથી કાગળ ફરીથી મેગેઝિનમાં  મૂકી દીધો. મેગેઝિન જગ્યાએ  મૂકી,  માને બેસી  રહેવાની નિશાની કરી  તે  ઊભી થઇ અને  અને  ઝડપથી  ડબ્બાના દરવાજા પાસે પહોંચી.

 રીવા  બારણા પાસે કોઇ વિચારોમાં ઉભી હતી. બાજુમાં બીજા પણ બે ચાર જણા ઊભા હતા. કદાચ પોતાનું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં. રીવાના ચહેરા ઉપર આ  બધાની હાજરીનો સાફ અણગમો ઝલકતો હતો..

રીવાને જોઇ  બિંદીએ એક નિરાંતવો શ્વાસ લીધો. હાશ!

 હવે બિંદી દરવાજાની એકદમ નજીક જઇને ઊભી. રીવાનું ધ્યાન તેના પર પડયું.  તે બિંદી સામે જોઇ ફિક્કુ હસી.. બિંદીનો  ચહેરો એવો જ ગંભીર રહ્યો. જાણે કશુંક નિરીક્ષણ કરતી હોય તેમ દરવાજાની બહાર જોયું..

‘ ના..સ્ટેશન આવતું લાગે છે. આ યોગ્ય સમય ન કહેવાય..’ બિંદી ધીમેથી બબડી .

  રીવાના કાન ચમકયા. તેના ચહેરા પર હવે આશ્વર્યની રેખાઓ ફરી વળી..કશું બોલી નહીં. પણ હવે તે ધ્યાનથી બિંદીનું, .તેની એક એક ક્રિયાનું  અવલોકન કરી રહી.  બિંદી એકાદ મુસાફરને ધક્કો મારી સાવ બારણા પાસે આવી ગઇ.  આ છોકરી હમણાં કદાચ ઝંપલાવી દેશે કે શું ? રીવાથી બિંદીનો હાથ પકડાઇ ગયો. બિંદીએ પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. પણ રીવાએ મચક ન આપી.

ત્યાં સ્ટેશન આવતા ગાડી ઊભી રહી. ચડવાવાળાઓના ધક્કો લાગવાથી બિંદી અને રીવા બંને અંદરની  તરફ ધકેલાયા.  

‘ મારો હાથ કેમ પકડયો ? ‘  બિંદીએ કહ્યું.

‘ તમે  બહાર એવી  રીતે નમીને જોતા હતા કે મને બીક લાગી કે કયાંક પડી  જશો તો ? ‘

તો શું ?

રીવા ચમકી..  

‘ શું કરવું  છે આ છોકરીને ? શું તે યે ?

 રીવા આગળ કશું વિચારે તે પહેલાં તેની નજર બિન્દી પર..

બિન્દી બહાર ઝંપલાવવા જતી હતી.પણ…પાછળથી રીવાએ તેને મજબૂત રીતે પકડી લીધી.

’ શું કરે છે બિંદી ? ‘  

મને છોડ રીવા..પ્લીઝ..

અરે, પાગલ થઇ છે કે શું ??

તને ભાન છે કે શું કરી રહી છે તું ?

હા..ભાન છે.. અને એટલે જ ..

શું ભાન છે ? તને ભાન છે કે  આ તું  શું કરી રહી છે ?

હા..મને ભાન છે. જીવનમાં આમ પણ બચ્યું યે શું છે ?

તારા આવા કોઇ  પગલાથી આંટીને.. તારી મમ્મીને કેવું દુ:ખ થશે એનો વિચાર કર્યો છે ?  આંટી કેટલા પ્રેમાળ છે એ હું  આ થોડા સમયમાં પણ જાંઈ શકી છું.  

‘ હા.. પણ મારા જીવનથી જે દુ:ખ થશે એના કરતા મોતથી ઓછું દુ:ખ થશે. એ પ્રેમાળ મમ્મીને હજુ કોઇ વાતની ખબર નથી એટલે..જાણ થશે એટલે એ જ કહેવાની કે આના  કરતા મરી ગઇ હોત તો  વધારે સારું થાત.’  

‘ એવું બધું શું છે ? કોઇ મા એવું ન કહે..’  

 બોલાઇ ગયા પછી  રીવા  એકદમ અચકાઇ.

‘ રીવા, પ્લીઝ મને છોડી દે..મને જવા દે..’  

‘ એટલે કે  મરવા  દઉં ? મારી નજર સામે  કોઇ  ઠેકડો મારે અને હું જોતી ઊભી રહું..કે હા, બેન, તું તારે સુખેથી સિધાવ એમ ? મારી જગ્યાએ તું હોય તો તું પણ  મને ન મરવા દે..’

‘ રીવા પ્લીઝ..તું મારા વિશે.. મારા સંજોગો વિશે કંઇ નથી જાણતી.’  

‘ સંજોગો વિશે નથી જાણતી ..પણ તારી સાથે તારી પ્રેમાળ મમ્મી છે એટલી મને જાણ છે જ..’  

‘ એ પ્રેમાળ મમ્મીનો પ્રેમ  દીકરી કોઇ ભૂલ કરી બેસે ત્યારે વરાળ થઇને કેવો ઊડી જાય છે  એ તને નહીં સમજાય રીવા..  જીવનના અમુક સત્યો  જાત અનુભવ સિવાય કદી સમજાતા નથી.  રીવા, પ્લીઝ મને જવા દે.. મારે  માટે એક જ રસ્તો બચ્યો છે.’  

રીવા એકાદ પળ અચકાઇ. કદાચ શું બોલવું તે સમજાતું નહોતું.

  બિંદીએ રીવાને  ધક્કો મારી નીચે ઝંપલાવવાની ફરીથી  એક નાકામ કોશિશ કરી જોઇ.  

રીવાએ બિંદીને ઝંઝોડી નાખી. અને જાણે માતાજી આવ્યા હોય એમ  એકીશ્વાસે બોલતી રહી. .

‘ બિંદી, દીકરી એવી કોઇ ભૂલ કરે ત્યારે મા ખીજાતી  ચોક્કસ હશે. કદાચ ન બોલવાના આકરા બોલ પણ બોલી જતી હશે.. પણ એની પાછળ એના ગુસ્સા કરતા એની વેદના..એની પીડા જ વધારે હોય છે. અને આપણા જીવન પર ફકત આપણા એકલાનો જ હક્ક  હોય છે ? બિંદી, જીવન એટલું સસ્તું નથી. અને… ’  

‘  રીવાએ નાનું સરખું લેકચર જ કરી નાખ્યું.

બિંદી રડી પડી. ‘ રીવા, તારી વાત સાચી છે પણ  મારાથી સહન નથી થતું. નહીં થાય.  

‘ અને  તારા ગયા પછી  તારી મમ્મી, જીવનભર દીકરીને યાદ કરીને દુ:ખી થઇને રડતી રહેશે એ તારાથી  સહન થશે ? ગ્રેટ..બિંદી..’

‘ આપ મૂએ પીછે ડૂબ ગઇ દુનિયા..પાછળથી  મારે કયાં જોવાનું છે ? દેખવું  યે નહીં ને દાઝવું યે નહીં.’  

‘ મને ખબર નહોતી તું આટલી સ્વાર્થી હોઇશ.’  

‘ સ્વાર્થી ? ‘

‘ હા..સ્વાર્થી જ તો. મા  આકરા વેણ કહે એટલે એ ભલે દુ:ખી થાય હું તો આ ચાલી..મને તમે કહ્યું જ કેમ ? અમે ગમે તે ભૂલ કરીએ.. તમને કશું  કહેવાનો હક્ક નથી. એમ જ ને ? ‘

‘ ના..સાવ એવું તો નહીં  બિંદી જરીક  ગૂંચવાઇ. માબાપને ખીજાવાનો હક્ક તો ખરો જ. ‘   

‘ અને ખીજાયા પછી એ જ મા વહાલ કર્યા સિવાય રહી શકવાની ખરી ? ‘

રીવાએ પોતાની વાત ચાલુ રાખી. મન પર એક ઝનૂન સવાર થયું હતું. ગમે તેમ કરીને આ છોકરીને બચાવવી જ રહી. ખબર પડયા પછી આમ કંઇ કોઇને મરવા થોડું દેવાય ?

‘ રીવા..’  

‘ બિંદી, પ્લીઝ..મારી વાત પર વિચાર કર. બેન, જીવન બહું અણમોલ છે. અને દરેક પ્રશ્નનો ઉકેલ હોય જ છે. બસ શોધવો પડે..એટલું જ. આવતી કાલ કોઇ ચમત્કાર લઇને ઉગે એવી શકયતા નકારી કેમ શકાય ? અને આમ પણ મરી તો ગમે  ત્યારે  શકાય જ છે ને ? આવડી ઉતાવળ શું ?

‘ રીવા….બિંદીનો અવાજ ગળગળો બન્યો.

‘ બિંદી, હું તને એ નહીં પૂછું કે તું શું ભૂલ કરી બેઠી છો કે તારા સંજોગો કેવા છે ?  તારી અંગત વાતમાં માથું નહીં મારું..મને એવો કોઇ હક્ક નથી.  છતાં  એટલું ચોક્કસ જ કહીશ કે મમ્મી કે કોઇ પોતીકું સ્વજન  બોલે ત્યારે  મૌન રહીને સાંભળી લેવું. આપણી  ભૂલ થઇ હોય તો કબૂલ કરી  લેવી અને પછી માના ખોળામાં  માથું મૂકીને શરણાગતિ સ્વીકારી લેવી..

‘  બોલો,  હવે તમે  જ રસ્તો  બતાવો..ભૂલ તો મેં કરી જ છે. હવે તમે  કહે એમ હું કરું..જે સજા આપો  એ મને કબૂલ બસ..જીવન, મરણ બધું માને ખોળે સોંપી દેવું..’   

રીવા એકી શ્વાસે બોલી રહી.. તેના મનમાં આ  શું ઉઘડી  રહ્યું હતું ? પોતે આવું બોલી શકતી હતી ? વિચારી શકતી હતી ? આ બધું તે કહી રહી હતી ?

 ‘ થેંકયુ રીવા.. તેં મને આજે બચાવી લીધી. તારી વાત સાચી છે. હું સ્વાર્થી છું.  મેં ફકત મારો જ વિચાર કર્યો. મારા સ્વજનોનો નહીં.  મારી આત્મહત્યાથી મારા કુટુંબની કેવી બદનામી થાત..મારી નાની બહેનના લગ્નમાં  પણ કદાચ વિઘ્ન આવત.  મારી ભૂલની સજા મારા કુટુંબને હું આપતી હતી ?  રીવા, હું સાચું  કહું છું. હું આવી કાયર તો કદી નહોતી. ક્ષણિક આવેશમાં આવીને….નહીં રીવા, હું સામનો કરીશ..મોત માટે જે હિમત એકઠી કરી હતી એ  હિમત હવે જીવન માટે  વાપરીશ. રીવા, તારો ખૂબ ખૂબ આભાર..તારી આ વાત હું કદી નહીં ભૂલું.. કદી નહીં. રીવા, પ્લીઝ મારી મમ્મીને આ વાતનો અણસાર ન આવવો જોઇએ. એ ભાંગી પડશે. પ્લીઝ..રીવા..

કહેતા બિંદીએ પોતાની  આંખો  ફરી એકવાર લૂછી.અને પોતાનો હાથ લંબાવ્યો.

‘ ફ્રેંડ ? ‘

રીવાએ એ હાથમાં પોતાનો હાથ મૂકયો. હળવેથી દબાવ્યો. તેની આંખો પણ ભીની બની હતી.  તેના ચહેરા પર એક જિન્દગી બચાવાયાનો આનંદ..એક નશો  તરવરતો હતો. કોઇની જિન્દગી બચાવવી એટલે શું ? એ અનાયાસે સમજાયું હતું.

એકબીજાનો  હાથ પકડી બંને ધીમેથી પોતાની જગ્યાએ પાછા ફર્યા.

બિંદીની મમ્મી  ઉચાટ જીવે બેઠી હતી.   બિંદી આવતા જ તેણે પ્રશ્નાર્થભરી નજરે દીકરી સામે જોયું.  જવાબમાં માત્ર મમ્મી જ સમજી  શકે એવું નાનકડું વિજયી સ્મિત કરી બિંદીએ મા સામે આંખ મીંચકારી. માએ હાશ  કરી ફરીથી લંબાવી દીધું.

 બિંદી અને રીવા બંનેના મનમાં  એક હાશકારો છવાયો હતો.

 ઘેરાયેલું આકાશ ચોખ્ખું ચણાક બનીને નિરાંતવા જીવે વરસી પડયું. આકાશનો ગોરંભો છૂમંતર..   

 ગાડી દોડતી રહી. રીવાએ થોડી વારે પેલા મેગેઝિનમાંથી કાગળ કાઢયો. ફાડીને ઝીણા ઝીણા ટુકડા કર્યા. મોબાઇલની સ્વીચ ઓન કરી..

‘  હેલ્લો ….. ‘

( મમતા મેગેઝિન ડીસેમ્બર 2013 માં પ્રકાશિત )   

    

   

 

દીકુ ઊડી ગયો..

દીકુ ઉડી ગયો…

 

 ઘરની સામેનું  તળાવ વરસોથી  એમ જ મૌન ઓઢીને સૂતુ હતુ.  હવાની કોઇ લહેરખી  એના  ભીતરી  જળને જગાડી  નહોતી શકતી. કોઇ વમળો કે ઉથલપાથલ વિના પાણીથી છલોછલ ભરેલું તળાવ દૂર દૂર ઉડતા વિમાનોને તાકતું રહેતું. કુબેરભાઇ અને દીવાબહેન એક સન્નાટો ઓઢીને એ  વિમાનોની ઘરઘરાટી સાંભળતા બાલ્કનીમાં  બેસી રહેતા.

 પણ આજે સવારે જળ જરીક ખળભળ્યા હતા. વહેલી સવારે રોજના નિયમ મુજબ બાલ્કનીની પાળી ઉપર પંખીડાઓને ચણ  નાખવા કુબેરભાઇ આવ્યા.

‘ દીવા, જરા જો તો ખરી..’

પતિની બૂમે હાંફળા ફાંફળા  દીવાબહેન દોડી આવ્યા.  જોયું તો બાલ્કનીમાં  એક નાનકું બુલબુલ  જખ્મી હાલતમાં પડયું હતું.

‘ ઓહ..બિચારાને લાગી ગયું લાગે છે. ‘ દીવાબહેનના અવાજમાં ચિંતા ભળી. 

‘ એક મિનિટ’  કહેતા તે   ઝડપથી અંદર ગયા.

બીજી જ મિનિટે  પાણી, રૂ અને કોઇ દવા લઇને હાજર..

નીચે બેસી પતિ પત્નીએ  ધીમેથી બુલબુલને હાથમાં  લીધું.  બુલબુલ  જરીક કણસ્યું.  દીવાબહેને હળવે હાથે એનો ઘાવ પાણીથી  ધોયો. થોડું લોહી  નીકળ્યું હતું. એ સાફ કર્યું. દવા લગાડી રૂ નું પોતું મૂકયું. પછી બે હાથે ઉંચકી.. સંભાળપૂર્વક ઘરમાં અંદર લાવ્યા.

રોજ તેનો ઘા તપાસીને  કોઇ કુશળ  સર્જનની જેમ એનું ડ્રેસીંગ  કરતા દીવાબહેન દવા લગાવે ત્યારે કુબેરભાઇની સૂચના અચૂક આવે જ.

જોજે..જરા ધીમે..હળવે હાથે..દુ:ખે નહીં.. એ બિચારો આપણી જેમ “  ઓય મા ”  નથી કરી શકવાનો..

હા..હા…મને ખબર પડે છે.’  સામેથી મીઠો છણકો આવતો.

  રોજ રોજ  પતિ પત્નીની ભીતરમાં  કશુંક..કદાચ જિંદગી ઉમેરાતી હતી.

 બુલબુલ હવે દીકુ હતો.  દીવાબહેનનો દી અને કુબેરભાઇનો કુ એટલે કે દીકુ..  

કુબેરભાઇ પક્ષીઓ વિશેની કેટલીયે બુક લાવ્યા હતા. એમાંથી  બુલબુલની ખાસિયતો વાંચી સંભળાવતા. દીવાબહેન મીઠું   મલકતા રહેતા..

‘ એમ કંઇ ચોપડીઓ વાંચીને છોકરા ન ઉછેરાય.  હું મા છું  મને ખબર પડે છે. ‘

શબ્દોની સાથે જ અચાનક  મૌનનું પતંગિયું ઊડીને બંનેની વચ્ચે બેસી જતું.

 ત્યાં  દીકુ કલબલાટ કરી મૂકતો.  અને બંને  સફાળા જાગીને  દીકુની સેવામાં લાગી જતા.

ધીમે ધીમે દીકુનો ઘાવ રૂઝાવા લાગ્યો. દીકુને શું ભાવે છે.. દીકુને શું ગમે છે. આજે દીકુએ ખાવામાં કેવા નખરા કર્યા.. કેટલો  મનાવવો   પડયો   ત્યારે ભાઇસાહેબે ખાધું. વગેરે વાતો થાકયા સિવાય અખૂટ રસથી થતી રહેતી.   

  હવે દીકુ ધીમે ધીમે ઘરમાં ફરતો થયો  હતો. દીવાબહેનની આગળ પાછળ  ઘૂમતો  રહેતો.  કદીક દીવાબહેનના હાથની પાલખીમાં બિરાજમાન થઇને તો કદીક કુબેરભાઇના ખભ્ભા પર બેસીને  રાજા મહારાજાની માફક સવારી કરતો.   દીવાબહેન એને ખોળામાં સૂવડાવીને એનો ઘા સાફ કરીને દવા લગાડે ત્યારે   એવો  તો ડાહ્યો  ડમરો બની જતો.  જરાયે ન હલે કે  ન ડૂલે..કદીક એનો ઘા  સાફ કરતા દીવાબહેનના હાથ એકાદ ક્ષણ રોકાઇ જાય છે. આંખો સામે કોઇ પાતળું તરલ આવરણ…એ આવરણની આરપાર કોઇની વણવિસરાયેલી  સ્મૃતિઓ….  

 થંભી ગયેલા સમયને એકાએક પાંખો ફૂટી છે. રૂડા રૂપાળા દિવસે પાંખો પહેરીને ફરફર ફૂ….  

 હીંચકા પર કુબેરભાઇ અને દીવાબહેન બંનેની સાથે દીકુભાઇ બરાબર ગોઠવાઇ જાય છે. સામેના તળાવના જળ તો ખળખળ..ખળખળ.. ઘરમાં  ખુશીએ ડેરા નાખ્યા છે.

કુબેરભાઇએ એક વાર દીકુ  માટે  સરસ મજાનું  પિંજરૂ  લાવવાની  વાત  કરી.  દીવાબહેન એવા તો ગિન્નાયા. મારા દીકુને પિંજર ન ગમે.  આ આખું ઘર એનું  આકાશ છે. એમાં એ  મોજથી રહેશે..ફાવે ત્યાં ફરશે..ગીતો ગાશે ..કિલ્લોલ કરશે.  આપણે એ જોઇને હરખાશું.. એને માટે  એક લાડી  પણ લાવીશું. એના  બચ્ચા થશે ને આપણને  તો  ઘડીભર નવરા નહીં બેસવા દે.. ધમાલ  કરીને ઘર આખું  વેરણછેરણ કરી  મૂકશે.. ભલે કરતા. બાલુડા  ધમાલ મસ્તી નહીં કરે તો બીજું કોણ કરવાનું ?

 દીવાબહેનના શબ્દોમાં જીવતરનો કસુંબી રંગ ઉઘડી ઉઠે. હાથ દીકુને પંપાળતા રહે. કીકીઓમાં ફરી એક્વાર નવપલ્લવિત   સપનાંના દીપ ઝગમગ..ઝગમગ..

  એક માની  આંખોના ઉજાસથી કુબેરભાઇ આખ્ખા ને આખ્ખા ઝળાહળા….   

દીકુ હવે સાવ સાજો નરવો… ને જબરો તોફાની બની ગયો છે. એને  આખો વખત  બાલ્કનીમાં જ દોડવું હોય છે. બારણું બંધ કરે એટલે એની ચીસાચીસ ચાલુ થઇ જાય. દીવાબહેન થાકી જાય. પણ માને તો એ  દીકુ શાનો ?

આજે સવારે દીવાબહેનની આંખ ખૂલી ત્યાં  દીકુ કયાંય ન દેખાય.દીવાબહેન  હાંફળાફાંફળા…  

‘ જલદી ઉઠો..દીકુ કયાં ? ‘

‘ અરે, કયાં જશે ? એ નટખટ અહીં જ કયાંક આંટા ફેરા કરતો  હશે.  

‘ પણ મેં બધે જોઇ લીધું .. દીકુ કયાંય નથી. રડમસ અવાજે દીવાબહેન બોલી ઉઠ્યા.

આ બારણું ખુલ્લું રહી ગયું હતું ? કહેતા કુબેરભાઇ બાલ્કનીમાં દોડયા..એમની પાછળ પાછળ દીવાબહેન.. 

બંનેની નજર એકી સાથે સામે ગઇ. દીકુભાઇ સામેના મસમોટા  ઝાડ પર બેસીને  મજાના  ઝૂલા ખાતા હતા. કુબેરભાઇએ બૂમ પાડી..

’ બસ..દીકુ  બહું થયું. હવે જલદી આવી જા..તારી માને તું  ઑળખે છે ને ? ‘

દીવાબહેન અધીરતાથી  આશાભરી નજરે દીકુ સામે તાકી  રહ્યા. 

દીકુ ઊડીને દીવાબહેન પાસે આવ્યો. તેના ખભ્ભા પર બેઠો. જરીક કલબલાટ કર્યો. દીવાબહેન હરખાયા..ત્યાં  તો બીજી  જ પળે દીકુ ફફરર ફૂ..ઉંચે આકાશમાં,  દૂર દૂર ક્ષિતિજને પેલે પાર  ઉડયે જ જાય છે..ઊડયે જ જાય છે. દીવાબહેન દીકુ દીકુની રાડ પાડી ઉઠે  છે. પણ તેમનો અવાજ દીકુ   સુધી પહોંચતો  નથી.

દીવાબહેનની  આંખો છલક છલક..આજે ફરી એક્વાર એમનો દીકુ ઉડી ગયો હતો. તળાવના જળ ફરી એકવાર જંપી ગયા. 

( મમતા માસિકમાં પ્રકાશિત વાર્તા એપ્રિલ ૨૦૧૩ )

વાત એક નાનકડી..

મૈત્રી..

‘ તમે એકવાર પ્રયત્ન તો કરી જુઓ.. કદાચ આ વખતે બા અહીં આવવા તૈયાર થઇ પણ જાય.. ત્યાં એકલા રહે તો આપણને પણ એમની  ચિંતા તો થાય ને ? અહીં આવીને પૌત્ર, પૌત્રી સાથે આનંદ  કિલ્લોલ કરે તો એમને પણ સારું લાગે..હવે બાળકોને લીધે એમને પહેલાની જેમ અહીં એકલું પણ  નહીં  લાગે.મૂડી કરતા વ્યાજ બધાને વધારે વહાલું હોય ને ? એમને પણ મન થતું જ હશે ને પૌત્ર, પૌત્રી  સાથે રહેવાનું..’  

પંથીએ દીપેનને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. દીપેન ને પણ મન તો હતું જ કે બા અહીં આવે તો બાળકોને દાદીનો પ્રેમ મળે.. બા અહીંના સીટીઝન તો બની જ ગયા હતા. તેથી વીઝાનો કે એવો કોઇ પ્રશ્ન નહોતો. બા ધારે તેટલું રોકાઇ શકે તેમ હતા. પણ બા ધારે તો .. વચ્ચે તેર મણનો તો આડો આવતો હતો એનું શું ?

અને આ તો ની પાછળના કારણથી પણ પોતે કયાં અજાણ હતો ? બા  અહીં  હતા  ત્યારે પત્નીએ તેમની સાથે જે વર્તન કર્યું હતું એ નહોતા બા ભૂલી શકયા કે નહોતો પોતે ભૂલી શકયો. ખાસ્સો ઝગડો પણ પત્ની સાથે કર્યો હતો. પણ પંથી સુધરી શકે એવી કોઇ શકયતા નહોતી દેખાતી. અંતે પોતે જ બાને દેશમાં મૂકી આવ્યો હતો. બા ત્યાં જ વધારે સારી રીતે રહી શકશે એ વિશ્વાસ હતો.  બાને પૈસાની  કોઇ તકલીફ ન પડે એની વ્યવસ્થા કરી આવ્યો હતો. એક મિત્રને બાનું ધ્યાન રાખવાનું સૂચન પણ  કરી આવ્યો હતો.બાએ શાંતિથી કહ્યું હતું,

બેટા, તું તારે તારી જિંદગી સારી રીતે જીવ.. મને અહીં કોઇ વાંધો..કોઇ તકલીફ નથી. વહુનો સ્વભાવ કંઇ હું કે તું બદલી શકીએ એમ નથી.. જેવી લેણાદેણી.. તું મનમાં  ઓછું  ન આણીશ..તેં તારાથી બને એ બધું કર્યું જ છે. ભાઇ, મારે લીધે તારો સંસાર બગાડીશ નહીં. જરૂર પડશે ત્યારે તું આવવાનો જ છે. એની મને ખાત્રી છે. અને હું કંઇ હજુ એવી ઘરડી નથી થઇ ગઇ. અને ભગવાનની દયાથી  શરીર ચાલે છે..એટલે મારી ચિંતા કર્યા સિવાય બેટા, તું સુખી રહે.

ભીની આંખે દીપેન બા સામે જોઇ રહ્યો હતો. બાની આંખોમાં નર્યું વહાલ નીતરી રહ્યું હતું. બા હજુ તો સાઠ વરસના થયા હતા. બાપુજીનો સાથ  બહું વહેલો છૂટી ગયો હતો. પોતે જિંદગી સારી  રીતે જીવી શકે માટે માએ દીકરા સાથે રહેવાનો મોહ છોડયો હતો.. અને એકલતાને વહાલી કરી હતી. એ પોતે સારી રીતે જાણતો હતો. અને બાની વાત સ્વીકારીને દીપેન કમને પાછો ફર્યો હતો.

અને હવે પત્નીએ બાને લાવવા માટે જિદ કરી હતી. અને એ જિદની પાછળનું કારણ એ સારી રીતે જાણતો હતો. બે બાળકોને ડે કેરમાં મૂકવાના ખર્ચા કરતા બાનો ખર્ચો ઓછો જ આવવાનો હતો. એની ગણતરી પત્નીએ કરી લીધી હતી. અને બા સાથે રહેવાથી બીજા અનેક કામોમાંથી  પણ છૂટકારો મળવાનો હતો. બાનો સ્વભાવ પોતે જાણતો હતો. બા  બેસી રહે એવી હતી જ નહીં. હવે છોકરાઓ નાના હોવાથી  પંથીને  એક ફુલ ટાઇમ આયાની જરૂર પડી હતી. અને એથી જ બાની ચિંતા જાગી હતી. એ વાત ન સમજે એવો બુધ્ધુ પોતે નહોતો જ. શરૂઆતમાં તો  દીપેને બહું દાદ ન આપી. પણ  પત્ની લીધી વાત મૂકે તેમ નહોતી. અને અંતે દીપેને એક વાર દેશમાં જઇ બાને વાત કરી જોવાનું નક્કી કર્યું. ઉંડે ઉંડે એક આશા પણ હતી કે બાને પણ કદાચ બાળકો સાથે રહેવાનું ગમશે .. અને તો પોતે બા ઉપર કોઇ વધારે બોજો ન આવે એનું ધ્યાન રાખશે. ત્યાં ગયા પછી બાની સાથે વાત કરીને નક્કી કરીશ. એમ વિચારી તેણે પત્નીની વાત કબૂલ કરી.

‘ જો,  પંથી, અહીંથી બાને એકલા આવવાનું કહીશું તો તને ખબર છે કે બા  ના જ પાડવાના છે. હું જાતે જઇને  બાને સમજાવીને તેડી આવું તો જ કદાચ બા આવે.’

હા.. એ વાત બરાબર છે. પણ કદાચ નહીં  બાને ગમે તેમ કરીને લાવવાના જ છે.  હવે મારે બાને એકલા નથી રાખવા.. ‘

અને દીપેન બાને તેડવા દેશમાં આવ્યો.

પુત્રને આવેલો  જોઇ બા રાજી રાજી થયા.

‘ બેટા, ટાઇમ લઇને આવ્યો છે ને ?

હા..બા પૂરા વીસ  દિવસ રોકાવાનો છું. પોતે શા માટે આવ્યો છે એની કોઇ સ્પષ્ટતા દીપેને  કરી નહીં. પહેલા બાનું મન તો જોવા દયો. બાની ઇચ્છા  વિરુધ્ધ તેને કશું  જ નહોતું કરવું. બા જેમાં  ખુશ રહે એમ જ પોતે કરશે. આજે જ કયાં ઉતાવળ છે ?

બાએ પ્રેમથી દીકરાને ભાવતો શીરો, બટાટાવડા  બનાવવામાં પડી ગયા હતા.

ત્યાં બાજુવાળા રોહિતભાઇ આવ્યા,

કેમ, મધુબેન, દીકરો આવી ગયો ને ? આજે તો તમારે ગોળના ગાડા ને ? હાથમાં રહેલ થેલો  રસોડામાં મૂકતા રોહિતભાઇ હસીને બોલ્યા. આજે શું  જમાડવાના છો દીકરાને  ?

બસ..જુઓ આ એની જ તૈયારી ચાલે છે. તમે આ શું લાવ્યા ?

 તમે  એકવાર કહ્યું હતું ને કે દીપેનને  શીખંડ બહું વહાલો છે ..એટલે શીખંડ અને આ થોડો નાસ્તો લેતો આવ્યો. અને લાવો, રસોડામાં  શું  મદદ કરાવું ?

હા, શીખંડ લાવ્યા એ સારું કર્યું. હું તો સાવ ભૂલી ગઇ હતી. લો, કરાવવું જ હોય તો આ બટાટા છોલી આપો.. આમ પણ એ કામ તમને સારું  આવડે છે. ‘

અને રોહિતભાઇ રસોડામાં બટાટા છોલાવવા લાગ્યા. અને સાથે સાથે દીપેન સાથે પણ વાત કરતા રહ્યા. દીપેનને નવાઇ તો લાગી. બા આમ કોઇ સાથે આટલી નિકટતાથી વાત કરી શકતા હતા..? પણ એ કશું બોલ્યો નહીં. રસોઇ થઇ જતા રોહિતભાઇ પણ તેમની સાથે જ જમ્યા. જમતી વખતે  હસતા હસતા અનેક વાતો થતી રહી. દીપેનેને પણ સારું લાગ્યું. મમ્મી કેવી ખુશ રહે છે.

અને દસ દિવસ એમ જ વીતી ગયા.

દીપેને  હજુ સુધી બાને કશું પૂછ્યું નથી. પત્નીના ફોન રોજ આવતા રહે છે. તમે બાને વાત કરી ? બા આવે છે ને ? એમને લઇને જ આવવાનું છે.  તે દિવસે બા  બેઠા હતા. રોહિતભાઇ પોતાને ઘેર ગયા હતા. ત્યાં અચાનક બા બોલ્યા,

દીપેન, તને એમ થતું હશે કે આ રોહિતભાઇ વળી કોણ છે ? અને રોજ અહીં  આપણે ઘેર શા માટે જમે છે ?  શું સંબંધ છે એને આપણી.. મારી સાથે ?

બેટા,  રોહિતભાઇના પત્ની ગયા વરસે મરી ગયા પછી તે સાવ એકલા થઇ ગયા હતા. રસોઇ કરવાવાળી બાઇ કોઇ દિવસ આવે..કોઇ દિવસ ન આવે..અને આ ઉમરે  બહારનું ખાઇને તેમની તબિયત બગડતી હતી. મારાથી એ જોવાયું નહીં. એટલે એક દિવસ હિમત કરીને તેમને અહી જ જમવાનું કહ્યું. એકથી બે ભલા.રોહિતભાઇ કહે, પેઇંગ ગેસ્ટ તરીકે જમાડો .પૈસા લો તો જ જમું.

મને ખબર હતી કે એ વિના તે નહીં માને. એટલે મેં હા પાડી. બે ચાર મહિના પૈસા પણ લીધા.. પણ પછી તો રોહિતભાઇ ઘરના બની ગયા. દીપેન, નેહના કયા માળા કયારે બંધાઇ જાય છે કોને ખબર છે ? ઘરની બધી વસ્તુઓ એ લેતા આવે છે. બહારના બધા કામ એ કરે છે. હું રસોઇ કરું છું. રોહિતભાઇ પણ ઘણીવાર મદદ કરાવે છે. સાંજે જમીને પોતાને ઘેર જાય છે. બેટા, તને કંઇ અજુગતું તો નથી લાગતું ને ? અમારા સંબંધમાં..અમારી મૈત્રીમાં  કોઇ પાપ નથી.. એવી કોઇ ભાવના અમારા બેમાંથી કોઇના મનમાં નથી. સમાજને જે કહેવું હોય એ કહે..મને કોઇની પરવા નથી.  બેટા, આ કયો સંબંધ છે એની મને  પણ  ખબર નથી. પણ તું…. 

બાને વચ્ચે જ બોલતા અટકાવીને દીપેન ભાવથી બોલ્યો,

બા.. કોઇ ખુલાસા કરવાની જરૂર નથી. હું  તારી અને રોહિતભાઇની આંખ અને અંતર બંને વાંચી  શકયો છું. આવી નિર્મળ મૈત્રી  તો કોઇ નસીબદારને જ મળે. દરેક સંબંધને એક જ દ્રષ્ટિથી જોવાતો નથી. બા, તારી જિંદગી તને ગમે એ રીતે તું જીવી શકે છે. એકવાર એ વાકય તેં મને કહ્યું હતું. આજે એ જ વાત હું તને કહું છું. બા, હું તો ખુશ છું..હવે તું એકલી નથી. અને ભવિષ્યમાં કયારેય પણ  આ સંબંધને કોઇ નામ આપવાની ઇચ્છા થાય તો પણ હું ખુશ થઇશ.

ના..બેટા, તારા બાપુજીને હું કદી ભૂલી શકું એમ નથી. એમનો પ્રેમ આજે પણ મારી અંદર જીવંત છે. અને એ સ્થાન હું કોઇને આપી શકું એમ નથી.  આજે એ જીવતા હોત તો પણ અમારી મૈત્રી આવી જ હોત અને તારા બાપુજીએ એનો વાંધો ન જ લીધો હોત એનો મને વિશ્વાસ છે. પતિની  તસ્વીર સામે જોતા મધુબેન ભાવથી બોલ્યા. તેમની  આંખો છલકી રહી.

દીપેન ભાવથી મા સામે જોઇ રહ્યો .હવે બા એની જિંદગી એની પોતાની રીતે  જીવતી હતી.. ખુશ થઇને જીવતી હતી. પત્નીને જે કહેવું હોય એ કહે  પણ એણે  બાને લઇ જવાની વાત કાઢી જ નહીં.

વીસ  દિવસ પછી  એ જતો હતો.. ત્યારે રોહિતભાઇ ગળગળા થઇને બોલ્યા,

બેટા, મને ડર હતો કે તું અમારા સંબંધને કોઇ બીજી રીતે જોઇશ તો..? બેટા, તારી બાની ચિંતા ન કરતો. અમારા સંબંધને હું ધર્મની બહેન કે એવું કોઇ નામ નહીં આપું.

‘ અંકલ, એવી જરૂર પણ નથી. મૈત્રી કોઇ નામની મોહતાજ નથી હોતી. મને તમારી મૈત્રીનું ગૌરવ છે. હવે મને બાની ચિંતા પણ નથી. આ થોડા  દિવસોમાં હું ઘણું બધું શીખ્યો છું.

કહેતા દીપેને ભાવથી રોહિતભાઇને ભેટી રહ્યો. મધુબેન હેત નીતરતી નજરે દીકરાને જોઇ રહ્યા.

સન્દેશમાંનિયમિત પ્રગટ થતી શ્રેણી ” વાત એક નાનકડી “)        

 

 

        

દીદી વા’લી વા’લી…

‘ તારી આ ગાંડી ઘેલી છોકરીને એક રૂમમાં પૂરીને રાખતી જા..આ જો તેણે શું કર્યું છે ? ‘

પતિનો “ તારી “ શબ્દ ધગધગતા સીસાની જેમ સુજાતાના કાનમાં રેડાયો.

તેની નજર મીલી પર પડી. મીલીના હાથમાં મિહિરની ડાયરી હતી અને મીલીએ તેમાં લિટોડા કર્યા હતાં. અલબત્ત લિટોડા તો બીજાની નજરમાં..મીલીએ તો સરસ મજાનાં ચિતર દોરેલાં..ગુસ્સાના આવેશમાં તેનાથી મીલીને એક લગાવાઇ ગઇ. નાનકડી મીલી થરથર ધ્રૂજતી, ટૂંટિયું વાળીને પલંગ નીચે ઘૂસી ગઇ. ઘરમાં કોઇના પણ ગુસ્સાથી બચવા માટે એની પાસે આ એકમાત્ર હાથવગો ઉપાય..જોકે નિકી હોય ત્યારે તેના ખોળામાં લપાઇ જવાનો વિકલ્પ ખરો…પણ નિકી સ્કૂલે ગઇ હોય ત્યારે તો આ એક જ ઉપાય તેને સૂઝતો..

આવું તો અનેકવાર બનતું રહેતું. અલબત્ત મરાઇ ગયા પછી એક માની પાંપણે ભીનાં ભીનાં અદ્રશ્ય વાદળો ટિંગાઇ રહેતા અને છાતીના ઓરડામાં ડૂમાઓ પડઘાઇ ઉઠતા.

સુજાતા કોનો વાંક કાઢે ? મીલી તો સમજ નામના શબ્દથી કોસો દૂર હતી. વાંક કાઢવો જ હોય તો ભગવાન..કુદરત..નસીબ…જે કહો તેનો જ ..અને છતાં ભોગવવાનું કેટકેટલાને ?

એક તો બીજી દીકરી… અને તે પણ આવી ! પતિ કે સાસુ કોઇ રીતે એને સ્વીકારી ન શકયા..
કયારેક કોઇ પાર્ટીમાં …
‘ તમારે કેટલા બાળકો ? ‘ તેવા કોઇ પ્રશ્ન વખતે મિહિરનો જવાબ..
‘ બસ એક પુત્રી…નિકી…’
મીલીના અસ્તિત્વનો ધરાર ઇન્કાર થતો રહેતો..સુજાતાનું, હૈયુ ચીખતું..વલોવાતું..
પણ….
આવા તો કેટકેટલાં “ પણ “ જીવનમાં જીવાતા રહ્યાં છે…જિરવાતા રહ્યાં છે..અસ્તિત્વ પર અદ્રશ્ય ઉઝરડાઓ પડતા રહ્યાં છે.

આવી દીકરીને જન્મ આપવા બદલ એ જ દોષિત હોય તેમ ઘરમાં, કુટુંબમાં , ઓળખીતા પાળખીતા સૌની નજરનો સામનો કરતી સુજાતા કદીક રડી પડતી.
પુત્રીનો શારીરિક વિકાસ તો બરાબર થશે.. પણ એના મગજના વિકાસની કોઇ શકયતા ભવિષ્યમાં પણ નથી એવું ડોકટર પાસેથી જાણ્યા પછી તો…આ છોકરીથી કયારે છૂટકારો મળશે ? કદીક એવો વિચાર પણ સુજાતાના મનમાં ધરાર ઉગી જતો. સુજાતા તો સામાન્ય સ્ત્રી..પતિ, સાસુ, કુટુંબ, સમાજ બધાના રોષ સામે સામે ટકવાનું એનું ગજુ નહીં…મા કદી હારે જ નહીં, કે થાકે જ નહીં.. એવું તો વાર્તામાં કે ફિલ્મોમાં ચાલે..બાકી તો …

મીલી એટલે ખળખળ વહેતું ઝરણું.. જોતા જ ગમી જાય..પરાણે વહાલી લાગે એવી આ મીઠડી દીકરી પર કુદરતનો કેવો અભિશાપ ઉતર્યો હતો એની એને પોતાને તો ભાન પણ કયાં હતી ?
કશું સમજયા વિના એ તો બસ ખિલખિલ હસતી હોય…મીલીનું હસવાનું ભારે.. એ કઇ વાત ઉપર હસતી હોય એની જાણ કોઇને ન થાય..કોઇ ગલૂડિયું, બિલાડીનું નાનકું બચ્ચું, ફળિયાના લીમડાને ગલીપચી કરી ભાગી જતી ખિસકોલી, આંગણામાં કૂદતી, ફૂદકતી ચકલી, ઘૂ ઘૂ કરતું કબૂતર, પીળચટ્ટી ચાંચના અભિમાનથી ફળિયું ગજાવતી કાબર કે પછી કણી જેવડી કીડી કે મંકોડો સુધ્ધાં તેના સાથીદાર…એ બધાને જોયા નથી કે તેનું ખળખળ હસવાનું ચાલુ થાય. મીલીનું મન પતંગિયું બની થિરકવા લાગે.

પ્રેમ અને માત્ર પ્રેમની જ તેને ઓળખાણ…એ સિવાય કોઇ ભાષા સાથે તેને મતલબ નહોતો..કોઇ જરાક તેની સામે હસે કે મીલી આખેઆખી કોળી ઉઠે. હસવું કે રડવું બે જ એની ભાષા..કોઇ ખીજાય એની ખબર મીલીને અચૂક પડે પણ શા માટે ખીજાયા એની ગતાગમ કોઇ રીતે ન પડી શકે..ત્યારે ભય, રૂદન અને થરથર ધ્રૂજારી એના અંગઅંગમાં ઉભરાય.

પણ આ બધા છતાં મીલી નસીબદાર તો ખરી જ.. સુજાતા જનેતા હતી..પરંતુ એની મા તો બની એની મોટી બહેન નિકી..મીલીથી ચાર વરસ મોટી. બે વરસની મીલી માટે છ વરસની નિકી જાણે જશોદામા..
બે બહેનો વચ્ચે આ કયો રૂણાનુબંધ પ્રગટયો હતો..!

સૌની અળખામણી, અબૂધ આ નાનકડી બેન માટે છ વરસની નિકીના રૂંવેરૂંવે હેત ઉભરાતું. મીલી સાથે વહાલની રેશમગાંઠે બંધાયેલી નિકી એની સાથે ગાંડીઘેલી વાતો કરતા કદી થાકતી નહીં..મીલી તેની આ વા’લી..વા’લી દીદીને બિલાડીના બચૂલિયાની જેમ ચોંટેલી જ હોય. ભાંગ્યા તૂટયા જેટલા શબ્દો તે બોલી શકતી એમાં આ “ દીદી “ શબ્દનું રટણ સતત ચાલુ જ હોય.

નિકી જે કંઇ કરે એ બધું મીલીને કરવું હોય.. નિકીની દરેક વસ્તુ પર એનો અબાધિત અધિકાર…નિકીની કોઇ પણ વસ્તુ જોઇને ..
” મારું..મારું.. ” કે “ મને…મને “ …કે પછી “ હું..હું…” એવા શબ્દો મીલીના મોંમાંથી અચૂક નીકળે. એકી સાથે બે શબ્દોથી વધારે બોલી શકવા તે સમર્થ નહોતી..આખા વાકય તેનાથી બહું દૂર હતા.. તેના બે શબ્દો પણ પારકા માટે સમજવા તો અઘરા જ બની રહેતા. પણ નિકી તો શબ્દો વિના પણ મીલીની આંખો વાંચી શકતી. એ મોટી મોટી આંખોમાંથી પોતા માટે નીતરતો અગાધ સ્નેહ તે અનુભવી શકતી…

રાત્રે નિકીના પડખામાં ભરાઇને, એને વળગીને જ મીલી સૂઇ શકે. નિકી એટલે મીલી માટે સલામતી..સુરક્ષાનું અભેદ કવચ.

એક વખત નિકી સ્કૂલની ટ્રીપમાં એક દિવસ માટે બહારગામ ગઇ હતી ત્યારે મીલી આખી રાત રડતી રડતી પલંગ નીચે ભરાઇ રહી હતી..સુજાતાની લાખ સમજાવટ કે પિતા અને દાદીની સોટીનો માર પણ તેને પલંગ નીચેથી હટાવી નહોતો શકયો. ખાધા પીધા વિના એ પોટલું બનીને પડી રહેલી. નિકીએ આવીને કાઢી ત્યારે જ બહાર નીકળી હતી. તે દિવસ પછી નિકી સ્કૂલ સિવાય મીલીને મૂકીને કયાંય જતી નહીં. આ વહાલકુડી બેનને હૈયાસરસી ચાંપીને નિકી ગાતી રહેતી….

“ મીલી વા’ લી..વા’ લી…
મીલી મારી મારી…,
દીદીની પ્યારી પ્યારી.. “

આ સાંભળતા જ મીલીના આખ્ખા યે અસ્તિત્વમાં અજવાળાં ઉતરી આવતાં.

નિકીને સ્કૂલે જવાનું હોય એટલું તે સમજી શકી હતી. તેથી એ સમય દરમ્યાન નિકી ન દેખાય તો તે એકલી એકલી ફર્યા કરતી, ચિતર દોર્યા કરતી કે બિલાડીના બચ્ચાને ખોળામાં લઇ પંપાળ્યા કરતી. ઘડિયાળની કોઇ ગતાગમ સિવાય પણ નિકીના સ્કૂલેથી આવવાના સમયની એ અબૂધને અજબ રીતે ખબર પડી જતી..

જો નિકીને આવતા મોડું થાય તો રઘવાઇ થઇને તે ફળિયામાં આમતેમ ફરતી રહેતી. એ સમયે એને કોઇ બોલાવી ન શકે. નિકી ન દેખાય ત્યાં સુધી એને કોઇ દરવાજા પાસેથી ખસેડી ન શકે. નિકી આવે એટલે મીલી આખ્ખી ઝળાહળાં… નિકીને વળગીને જ અંદર જાય. કદીક તોફાને ચડી હોય ત્યારે નિકી સિવાય કોઇનું ગજું નહીં કે તેને સંભાળી શકે..

એકલી હોય ત્યારે મીલી પોતાની ડ્રોઇંગબુકમાં ચિતર… આડા અવળા લીટા કર્યા કરતી…નિકી આવે એટલે દોડીને તુરત તેની સામે નોટ ધરી દે..નિકી પૂછે,

‘ આ શું દોર્યું છે ?
’દીદી’

અને આ.. ?
મીલી…
ને આ… ?
આડી લીટી એટલે મમ્મી..અને ઉભી લીટી એટલે નિકી..બે લીટીઓ સાથે એટલે મીની…બિલાડીનું બચ્ચું…
અને ઉભી લીટીઓથી અર્થાત્ ..નિકીથી તો મીલીની આખી બુક ભરચક્ક…

એક દિવસ કોઇ કારણસર સુજાતા નિકીને ખીજાઇ હતી. તુરત મીલીએ હાથમાં રહેલો વાટકો સુજાતાને માથે ફટકારી દીધો હતો અને પછી દીદી સામે જોઇને ખિલખિલ હસી પડી હતી. પોતાની દીદીને કોઇ ખીજાય એ મીલીને ન જ પોસાય.

ઘડિયાળના કાંટા ટિકટિક કરતા સમયની છડી પોકારી રહેતા. અને કેલેન્ડરના પાના તારીખ, વાર, મહિના અને વરસો કૂદાવતા રહ્યાં..

પંદર વરસની મીલીના કપડામાં એક દિવસ લાલ લાલ ડાઘ..
’ લોહી..લોહી..’ ગભરાતી મીલીની ચીસાચીસ…
હમેશની જેમ નિકી દોડી આવી..એક ક્ષણમાં વાત પામી ગઇ..પણ મીલીને કેમ સમજાવવું..શું સમજાવવું એની સમજ જલદી ન પડી. તે મીલીને બાથરૂમમાં લઇ ગઇ..
’ જો..મીલી આવું તો થાય..બધાને થાય..
’ બધાને ?
‘ હા..’
‘ તને ? ‘
‘ હા..’
તો બરાબર..
મીલીના મનનું સમાધાન થયું. દીદીને થાય એ એને થવું જ જોઇએ.
‘ જો મીલી, આવું થાય ને ત્યારે આમ આ પેડ રાખવાનું…
સેનીટરી નેપકીન મીલીને બતાવતા નિકીએ સમજાવ્યું..રાખીને બતાવ્યું..
’ છિ..ગંદુ.. નઇ.. …નઇ ..ન ગમે..’
’ મીલી, રાખવું પડે..નહીંતર કપડાં ખરાબ થાય..’
’ તું..તું રાખ્યું ? ‘
’ હા..હું પણ..’
નિકીએ રાખ્યું છે..તો પોતે પણ રાખશે..નિકી કરે એ બધું તો કરવાનું જ હોય..

જોકે પછીથી ડોકટરની સલાહ મુજબ મીલીના સ્ત્રીત્વને સર્જરી દ્વારા મિટાવી દેવામાં આવ્યું. એ સિવાય બીજો ઉપાય પણ કયાં હતો ?

અનેક પ્રશ્નો આવતા રહ્યા..ઉકેલાતા રહ્યા.

પણ સમયદેવતાને જાણે હજુ સંતોષ નથી થયો.

અચાનક એક અક્સ્માતમાં માબાપ બંને બહેનોને અને દુનિયાને અલવિદા કરી ગયા અલબત્ત ત્યારે પણ મીલીને તો ઘરમાં કોઇ દેખાતું નથી..એટલી જ ખબર પડી હતી. નિકી દેખાતી હતી એ એનો એકમાત્ર સધિયારો..એથી એને તો ખાસ કોઇ ફરક ન પડયો.. પણ નિકી…? આ કારમો ઘા સહેવાનું તેને ભાગે જ આવ્યું. કાળદેવતાની આવી થપાટ પણ મીલીનું હાસ્ય નથી છિનવી શકયું. એ જોઇ નિકીના મનમાં કયારેક વિચાર ઝબકી જતો..
કાશ..! પોતે પણ મીલી જેવી હોત તો..? સઘળી વ્યથામાંથી મુક્તિ..

રોજ નવા નવા પ્રશ્નો આવતા રહ્યા. નિકી ઝઝૂમતી રહી. કયારે ? કેમ થયું ? શું થયું ? એનો વિચાર કરવાનો સમય પણ કયાં છે ?

માતાપિતાની વિદાય પછી નિકીએ એક સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી.

એક દિવસ નિકી સ્કૂલેથી આવી ત્યારે પડોશીનો યુવાન દીકરો ઘરમાંથી બહાર નીકળતો હતો..
નિકીને જોઇ એકાદ મિનિટ ખચકાયો…
’ નિકી, ઘરમાંથી કંઇક અવાજ આવ્યો તેથી મને ચિંતા થઇ..મીલીને કશું થયું તો નથી ને ? તેથી દોડીને જોવા આવ્યો હતો…’
આકાશે વગર પૂછયે ખુલાસો કર્યો..
’ નિકી, ગમે ત્યારે કંઇ પણ કામ હોય તો ચોકક્સ કહેજે…’ કહેતા તે ભાગ્યો.
નિકી તેની સામે જોઇ રહી..કોઇ વિચિત્ર ગંધ તેના મનમાં…
નિકી અંદર ગઇ..
મીલી કંઇક અલગ રીતે જ ખુશખુશાલ દેખાઇ..નિકીને આશ્ર્વર્ય થયું..
તેણે પૂછયું.
’ નિકી..આકાશ આવ્યો હતો ?
’ હા..
’ પછી શું કર્યું ?
’ વા’લુ..વા’લુ…અહીં..’
મીલીએ તુરત પોતાના કપડાં ઉંચા કરી છાતી બતાવી..
‘ મજા..મજા..ગમે..આકાશ ગમે..’
નિકી સ્તબ્ધ..
અબૂધ મીલીમાં યૌવનનો છાના પગલે પ્રવેશ… કેમ સમજાવવી મીલીને ? નિકીની આંખોમાં લોહી ઉતરી આવ્યું…
મીલીને ભાન નથી..આકાશે તેનો ગેરફાયદો ઉઠાવ્યો ?
તેણે મીલી સામે જોયું..

તે તો હમેશની જેમ હસતી હસતી..નિકીની પર્સમાં ચોકલેટ શોધવા ખાંખાખોળા કરતી હતી..

નિકીના મનમાં ચિંતાએ ઘેરો ઘાલ્યો. તે એકલી કેટકેટલા મોરચે ઝઝૂમતી રહેશે ? કેવી રીતે અને કયાં સુધી ?

સમયનો વરસાદ ધોધમાર નહીં..પણ જાણે ટીપું, ટીપું વરસતો હતો.

એક દિવસ નિકીની સ્કૂલમાં જ ભણાવતા, એકલા રહેતા સાગર સાથે નિકીએ પ્રભુતામાં પગલા પાડયા. હાશ.. હવે જીવનના સંઘર્ષો સામે તે એકલી નથી.
પણ…
રોજ રાત્રે નિકી હમેશની જેમ મીલી સાથે સૂવે. મીલી બરાબર સૂઇ જાય એટલે નિકી હળવેથી ઉઠીને બીજા રૂમમાં રાહ જોઇ રહેલા પતિ પાસે …

પણ એક રાત્રે મીલી ભર ઉંઘમાંથી જાગી ગઇ. બાજુમાં નિકી ન દેખાતા તે ભયભીત બની ઉઠી. બેબાકળી બની તે બહાર દોડી અને સામેના ઓરડાના બંધ બારણા ધધડાવવા લાગી..
શું થયું ? ગભરાઇને નિકીએ બારણા ખોલ્યા..આકુળ વ્યાકુળ બનેલી મીલી દીદીને વળગી પડી. આગ ઝરતી નજરે તે સાગર સામે જોઇ રહી.તેની દીદીને તેની પાસેથી ખૂંચવી જનારને મીલી કેવી રીતે માફ કરી શકે ?
સાગરે આવીને પોતાની દીદીમાં ભાગ પડાવ્યો છે. આ માણસને લીધે જ દીદી પોતાને છોડીને અડધી રાતે એની પાસે જતી રહે છે, પોતાના કરતા દીદી એની સાથે વધારે વાત કરે છે. કેટકેટલી મૂક ફરિયાદો ઉઠતી રહી છે મીલીના અબૂધ મનમાં સાગર માટે..
છેલ્લા એક મહિનાથી મીલીના અવિકસિત મગજમાં સતત ઘૂમરાતી આવી કોઇ વણબોલાયેલી વાતથી નિકી કે સાગર અજાણ નહોતા. તેમના લગ્નને એક મહિનો જ થયો હતો અને આ પ્રશ્નનો કોઇ કાયમી ઉકેલ શોધવાની મથામણ ચાલુ હતી. ત્યાં આજે મીલીની સહનશક્તિએ જવાબ દઇ દીધો.
ઉંઘતા સાગરના માથા પર દસ્તો ફટકારવા જતી મીલી પર સદનસીબે નિકીની નજર સમયસર પડી. તેના ગળામાંથી એકસામટી ચીસોના ટોળા ઉતરી આવ્યા.
‘ મીલીલ્લીલી…મીલ્લીલીલીલીલી….. મીલ્લીલ્લીલીલી…’
દોડીને મીલીના હાથમાંથી દસ્તો ઝૂંટવી લઇ પહેલી વાર..જીવનમાં પહેલી વાર ધડાધડ બે લાફા તેણે મીલીના ગાલ પર ખેંચી કાઢયા.. બે ચાર ક્ષણ મોડી પડી હોત તો.. ઉંઘતા સાગરના માથા પર મીલીએ દસ્તો ઝીંકી જ દીધો હોત.
નિકીની ચીસ અને મીલીના રૂદનથી સાગર સફાળો બેઠો થઇ ગયો. નિકીના હાથમાં દસ્તો અને મીલીનું રૂદન….શું બન્યું હશે તેની કલ્પના સાગર માટે અઘરી નહોતી.
નિકીના લાફાની સાથે જ મીલીની આંખો ચકળવકળ.. પોતે કશુંક ખોટું કર્યું છે એટલી ભાન તેને આવી, પણ..દીદીએ તેને માર્યું !? તે દોડીને નાની છોકરીની જેમ પલંગ નીચે ઘૂસીને કોકડું વળી ગઇ. તેના ધ્રૂજતા ડૂસકાંનો ઘેરો, ધીમો અવાજ ઓરડામાં પડઘાતો રહ્યો.
મીલીને પલંગ નીચેથી બહાર કાઢતા નિકીને નાકે દમ આવી ગયો. બહાર નીકળીને હીબકાં ભરતી એ અબૂધ કેવી યે રઘવાઇ બનીને નિકીને વળગી પડી હતી.
પણ એ દિવસે નાદાન મીલીને એક વાત સમજાઇ હતી કે પોતે સાગરને મારે એ દીદીને નથી ગમતું. અને દીદીને ન ગમે એવું તો મીલી ન જ કરે..હવે પોતે સાગરને કયારેય નહીં મારે. પોતે પણ હવે દીદીની જેમ જ સાગરને વા’લુ વા’લુ કરશે. એટલે દીદી ખુશ થશે..! પોતાની વહાલી દીદીને ખુશ કરવા મીલી કંઇ પણ કરી શકે..કંઇ પણ.. હવે તે હરપળે દીદીને ખુશ કરવા મથી રહી.
સમયદેવતાને નિકીની..નિકીના પ્રેમની કસોટી કરવાની જાણે હજુ બાકી રહી ગઇ હોય તેમ એ દિવસથી મીલીના મને યુ ટર્ન લીધો હતો.

હવે સાગર ઘેર આવે એટલે મીલી દોડીને સાગરને વા’લુ વા’ લુ કરવા પહોંચી જતી. નિકી બાજુમાં હોય તો એને પણ ખેંચી જાય. રાત્રે નિકીની સાથે સૂવાની જીદ કર્યા સિવાય પોતે જ નિકીને લઇને સાગર પાસે આવીને સાગરને વળગીને સૂઇ જવા લાગી. કયારેક નિકી અને સાગરની વચ્ચે પોતે ગોઠવાઇ જાય છે તો કયારેક નિકીને વચ્ચે સૂવડાવી પોતે દીદીનો હાથ પકડી સૂઇ જાય છે. દરેક ક્ષણે એ અબૂધ દીદીને બતાવવા માગતી હતી કે હવે તે સાગરને કંઇ નહીં કરે. એને પણ દીદીની જેમ સાગર ગમે છે. સાગર મીલીને દૂર કરવા મથે છે. પણ…..
નાદાન મીલીની રગરગથી વાકેફ નિકીના મનમાંથી એક ઉંડો નિ:શ્વાસ સરી પડે છે. તેણે સઘળાં પ્રયત્નો છોડી દીધા છે. બધું નિયતિને હવાલે કરી દીધું છે.બસ..એ તો જે પળ સામે આવે છે એ જીવી નાખે છે કે પછી જીરવી નાખે છે.

આજે નિકી હજુ સ્કૂલેથી આવી નહોતી. સાગરને થોડું તાવ જેવું લાગતું હતું તેથી તે ઓફિસેથી વહેલો આવી ગયો. આવીને સીધો પોતાના રૂમમાં જઇને સૂઇ ગયો. મીલી દોડીને તેની બાજુમાં સૂઇને તેને વળગી પડી. સાગર ચોંકી ગયો. મીલી સાગરને ચોંટીને વા’ લુ વા’ લુ કરી રહી. સાગર જરાવાર તો મૂંઝાઇ ગયો. શું કરવું તે સમજાયું નહીં. મીલીને દૂર કરવાના પ્રયત્નો તેણે કરી જોયા..પણ મીલી વધારે ને વધારે ચોંટતી ગઇ. અને.. થોડી ક્ષણો નિકીનું અસ્તિત્વ વિસરાયું.. કે પછી મીલી નિકીમાં ઓગળી ગઇ. અને…

બરાબર ત્યારે જ નિકી રૂમમાં આવી….

નિકીની આંખોમાં લોહીના ટશિયા ફૂટી નીકળ્યા.

સાગર ચોંક્યો. આવેગ ઓસરી ચૂકયો હતો. મીલીના ચહેરા પર તૃપ્તિની લહેર.. નિકી જોઇ રહી..બસ જોઇ રહી..

‘ નિકી..સોરી..નિકી ..સોરી…’
સાગર કોઇ ખુલાસો કરે તે પહેલાં નિકી રૂમની બહાર….

ત્યાં મીલીની નજર દીદી પર પડી. તે પલંગ પરથી ઉભી થઇને તેની પાસે દોડી.

‘ દીદી.. દીદી.. સાગર વા’લુ વા’લુ… સાગર ગમે.. નઇ મારું.. સાગર તને ગમે..સાગર મને ગમે.. દીદીને ગમે.. મીલીને ગમે..’

મીલી પોતાની ધૂનમાં બબડતી રહી..

પણ નિકી..એક સ્ત્રી આજે મૂળિયાસોતી ઉખડી પડી છે. તે મનોમન વલવલતી રહી.

‘ મીલી, હું દેવ નથી કે ફકત તારી દીદી નથી.. હું એક સ્ત્રી પણ છું..સામાન્ય..સાવ સામાન્ય સ્ત્રી.. તારાથી અલગ મારી પોતાની પણ એક જિંદગી છે. મારા પોતાના પણ ગમા છે, અણગમા છે. કોઇ અરમાન છે.. સપના છે. મીલી, તું કેમ સમજતી નથી ? ’

નિકીના પ્રાણમાં આજે એક અજંપો ઉમટયો છે. આજે પહેલીવાર તે હારી છે..થાકીને સૂનમૂન બેસી રહી છે..સાવ એકલી અટૂલી..

વચ્ચે બેચાર વાર સાગરે તેની પાસે આવીને તેને મનાવવાના, સમજાવવાના, માફી માગવાના પ્રયત્ન કરી જોયા. પણ…
‘ સાગર પ્લીઝ.. મને અત્યારે એકલી રહેવા દે.. પ્લીઝ..’

ક્ષણો મિનિટમાં અને મિનિટ કલાકોમાં સંકેલાઇ રહી.

બારીમાંથી ડોકાતા પ્રકાશના કિરણોની છેલ્લી રેખા નિકીના કોરાધાકોર ચહેરા પર અળપાઇ રહી..સૂરજદાદાએ પોતાના બચ્યાખૂચ્યા કિરણોની બચકી બાંધીને વિદાય લીધી.. અંધકારના કાળામશ ઓળાઓ ધરતી પર ઉતરી આવ્યાં છે.

પણ આજે નિકી ઉપર એની કોઇ અસર નથી થઇ. પલંગ પર માથું ટેકવી નિકી એમ જ બેસી રહી. ધીમે ધીમે તેની આંખો થાકીને ઉંઘરેટી તો બની પણ ઉંઘનું એકે કણસલું આજે ડોકાયું નહીં. પણ…
નિકી કંઇ અમરતકાકી નહોતી.

આટલા વરસોમાં કદી ન વિચારેલા, ન કલ્પેલા અનેક અદીઠ દ્રશ્યોની ભૂતાવળ આજે નિકીની બંધ આંખો સામે નાચતી રહી.

ટ્રાફિકથી ભરચક્ક રસ્તા પરથી એકાએક મીલીનો હાથ છોડી દેતી નિકી..સામેથી પૂરપાટ દોડી આવતો કોઇ ટૃક .. મીલીની ચીસ… અને..
નિકી આઝાદ… પોતાની જિંદગી જીવવા આઝાદ…વરસોનો જાતે સ્વીકારેલો કારાવાસ પૂરો..

બીજે ક્ષણે દ્રશ્ય પલટાયું.. મીલીનો હાથ પકડી તેને ચૂપચાપ “ વાત્સલ્યધામ”માં મૂકીને પાછળ જોયા સિવાય ઝડપથી ભાગી જતી નિકી..
અને નિકી આઝાદ..!

બંધ આંખે ફરી દ્રશ્ય બદલાયું..

મીલીનો હાથ પકડીને પરાણે ક્રૂર કાકાને ઘેર મૂકી આવતી નિકી..
અને નિકી આઝાદ …!
પણ…પણ આ બધા દ્રશ્યમાં મીલીની “ દીદી, દીદી” ની ચીસો તેનો કેડો નહોતી મૂકતી તેનું શું ?

એક પછી એક જાતજાતના દ્રશ્યો નિકીની ભીતરમાં ઉથલપાથલ મચાવતા રહ્યાં.

રાત્રિએ પોતાના તારલાની ગઠરી બાંધી વિદાય લીધી. અંધકારને ખસેડીને ઝાંખુંપાંખું અજવાળું અવનિ પર ઉતરી આવ્યું. રાતનું નામ પ્રભાત થયું. પણ આજે નિકીને સમયનું કોઇ ઓસાણ નથી રહ્યું.

એકાએક નિકીની આંખ ખૂલી ગઇ. બહાવરી નજર ચારે બાજુ ચકળવકળ ફરી રહી. મીલી…મીલી કયાં ? પોતે..પોતે આ શું કરી બેઠી ?

પરસેવે રેબઝેબ નિકીની નાભિમાંથી એક પ્રચંડ, અસ્ફૂટ સ્વર પ્રગટયો.

‘ મીલીલીલીલી….’

નિકીની ચીસ સાંભળી ત્યાં જ નિકી પાસે નીચે સૂઇ રહેલી મીલી સફાળી જાગી ઉઠી. નીતર્યા વહાલથી તે દીદી પર પાછળથી ઝળૂંબી રહી.

નિકી એકદમ જ પાછળ ફરી. આંખો બે ચાર વાર ઉઘાડ બંધ થઇ. મીલીને અછડતો સ્પર્શ થયો. બે ચાર પળ મીલીની આંખોમાં પોતાનું ઉભરતું પ્રતિબિંબ જોઇ રહી. પછી આંખો બંધ કરી ભીતરમાં ગરકાવ બની રહી. હળુ હળુ ખામોશી..સમાધિ જેવી ક્ષણો વહેતી રહી.

ધીમે ધીમે અંદર કશુંક ઉગી રહ્યું હતું કે શું ? ભીતરમાં કોઇ અદીઠ દિશાનો અણસાર ઉઘડયો હોય તેમ હવે નિકીના ચહેરા ઉપર કોઇ વલવલાટ..કોઇ અજંપાનો આછેરો અણસાર સુધ્ધાં નહોતો..ચહેરા પર છવાઇ હતી માત્ર પરમ શાંતિની એક દિવ્ય આભા..

બરાબર ત્યારે ક્ષિતિજ પરથી સૂર્યના ગભારાની ગાંઠ પૂરેપૂરી છૂટી ગઇ હતી. એમાંથી ઝગમગ સોનેરી કિરણસળીઓ રમવા ઉતરી પડી હતી. સામેના ઝાડ પરના પંખીઓ એકસામટા ટહુકી ઉઠયા..

” દીદી વા’લી વા’લી..”

( શબ્દસૃષ્ટિ જુન 2012માં પ્રકાશિત અને વિવેચકોની પ્રશંષા પામેલી વાર્તા )

સારા સમાચાર..

સારા સમાચાર…
ફોન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી.. હમણાં અનૂપનો ફોન આવવો જ જોઇએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર….શું આવશે રીપોર્ટ ? કંઇ માઠા સમાચાર તો નહીં હોય ને ? પણ..બહું રાહ ન જોવી પડી. ફોનની એક જ રીંગ…અને આરતીએ ઝાપટ મારી..

’ શું થયું અનૂપ ? રીપોર્ટ શું આવ્યો ? બધું બરાબર છે ને ? કંઇ ચિંતા જેવું નથી ને ? ‘ એકી સાથે પ્રશ્નોનો મારો…

સામે છેડે મૌન..
’ અનૂપ, પ્લીઝ કંઇક બોલ તો ખરો..’

શું બોલું ? ‘

એક ધીમો અવાજ… અને બે ચાર ડૂસકાં…’

અનૂપ…ભાઇ, બોલ તો ખરો…શું આવ્યો મમ્મીનો રીપોર્ટ ? ‘

બે ચાર સેકન્ડ પછી ધ્રૂજતો એક અવાજ….’ આરતી, મમ્મીને..મમ્મીને….લ્યુકેમિયા..બ્લડ કેન્સર…અને તે પણ લાસ્ટ સ્ટેજમાં…’

ડૂસકાનો અવાજ હવે બંને છેડે…આગળ શું બોલવું તે કદાચ કોઇને સમજાતું નહોતું.

’ ભાઇ, કશું થઇ શકે તેમ નથી ? ‘

એવું શકય હોય તો હું બાકી રાખું ખરો ? એક તો મમ્મીની ઉમર…આટલી વીકનેસ…અને આ રીપોર્ટ..કેમોથેરાપી પણ આ કેઇસમાં શકય નથી…

’’ કોઇ ઉપાય ? ‘


કોઇ જ નહીં…બસ..આપણાથી થાય તેટલી સેવા કરી લઇએ..અને મમ્મીની બાકી રહેલી જિંદગીની દરેક ક્ષણ ખુશીથી ભરી દઇએ..પપ્પાએ તો કશું કરવાનો કોઇ મોકો નહોતો આપ્યો….હવે મમ્મીની સ્થિતિની આપણને જાણ થઇ છે તો સેવા કરવાની તક મળી છે એમ પોઝિટીવ લઇએ..એ એક માત્ર આપણા હાથની વાત..બાકી કશું નહીં….અને તે પણ વધુમાં વધુ પંદર દિવસ….’

આરતીએ ફોન મૂકયો અને શૂન્યમનસ્ક થઇ ગઇ.અંતે શંકા સાચી નીકળી. ભાઇ ખુદ ડોકટર હતો…શકય તે બધું કરી છૂટવાનો જ..પૈસાની કોઇ કમી નહોતી. તેથી બીજો કોઇ સવાલ નહોતો.

આરતી તુરત પિયર પહોંચી ગઇ. ઓસ્ટ્રેલિયાથી નાની બહેન, અવની પણ આવી પહોંચી. રીપોર્ટ મુજબ મમ્મી પંદર વીસ દિવસોથી વધારે કાઢે તેમ નહોતા.છેલ્લે છેલ્લે જે થોડા દિવસો મમ્મી સાથે રહેવા મળ્યું..કે જે સેવા થઇ શકે તેટલી કરી લઇએ જેથી પાછળથી વસવસો ન રહે.

બધાએ મળીને નક્કી કર્યું કે મમ્મીને તેમના રોગનો ખ્યાલ સુધ્ધાં નથી આવવા દેવાનો.. મમ્મીની જીજીવિષાથી તેઓ અજાણ નહોતા જ. મોત પહેલા જ તેમને મોતની પીડા આપવાનો કોઇ અર્થ નથી. મમ્મીને સમજાવી દીધું કે તમારા લોહીમાં ઇનફેક્શન થઇ ગયું છે. તેથી જરૂર પડે તમને લોહી આપતું રહેવું પડશે. પછી તમને સારું થઇ જશે..કહેતાં કહેતાં અનૂપની આંખો છલકી હતી. બંને બહેનો ધ્રૂસકુ છૂપાવવા બાથરૂમમાં દોડી ગઇ હતી.અનૂપની પત્ની વિરાજ સાસુનો હાથ પકડી ચૂપચાપ બેઠી રહી.

‘બેટા, તું ડોકટર છે તેથી મારે બીજી શું ચિંતા હોય ? તું જે કહે કે કરે તે બરાબર જ હોય ને ?

અલોપાબેને વિશ્વાસથી કહ્યું. પછી તો તેમનું સમયપત્રક ગોઠવાઇ ગયું. આરતી અને અવનીએ મમ્મીને સમયસર દવા આપવાની, ખાવા પીવાની સંભાળ રાખવાની બધી જવાબદારી લઇ લીધી

‘ ભાભી, આજે મમ્મી માટે થોડો બદામનો શીરો બનાવજો.

વિરાજ ચૂપચાપ શીરો બનાવીને નણંદના હાથમાં ડીશ મૂકી દેતી.

આરતી માને ચમચીથી શીરો ખવડાવતા કહેતી,

‘ ભાભી, લાવો તો મમ્મીની દવા અને પાણી..મમ્મીની દવાનો સમય થઇ ગયો. વિરાજ દવા આને પાણીનો ગ્લાસ લઇને રસોડામાંથી દોડી આવતી. આરતી માને દવા પીવડાવતી. અવની, તું યે મમ્મીની દવાનો સમય યાદ નથી રાખી શકતી ? એ પણ મારે એકલીએ જ કરવાનું ? સારું છે હું સમયસર હાજર છું.. નહીંતર તમારા કોઇનો ભરોસો કયાં કરાય તેમ છે ? ભાભી, સાંજે બરાબર સાત વાગ્યે દવા આપવાની છે..એ યાદ રહેશે ને ?
જવાબ આપવાની વિરાજને કે જવાબ સાંભળવાની આરતીને ટેવ જ કયાં હતી ?

અવની, મમ્મીનું ધ્યાન આપણે જ રાખવાનું છે. વહુને સાસુની કેટલીક પડી હોય ? આપણી તો જનેતા છે. ‘

મોટે ભાગે સવારે અને સાંજે અલોપાબેનના પગે ભયંકર દુખાવો ઉપડતો.

’ ભાભી, મમ્મીના પગ દુખે છે. થોડીવાર દબાવી આપો તો તેમને સારું લાગે. છેલ્લે છેલ્લે સાસુની સેવા કરવાનો મોકો મળ્યો છે. તો લહાવો લઇ લો.. મારા નસીબમાં તો એ સેવા નથી. મારા પોતાના શરીરના જ ઠેકાણા નથી. મમ્મીના પગ દબાવીશ તો મારા હાથ દબાવવાનો વારો આવશે.અને અવની તું મમ્મીને ગમતી કેસેટ ચાલુ કર તો બહેન..’

આરતીની એક કે બીજી સૂચનાઓ આખો દિવસ ચાલુ રહેતી. કેમકે એ મોટી દીકરી હોવાથી મમ્મીની સંભાળની બધી જવાબદારી તેણે લીધી હતી

વિરાજ પૂરા ભાવથી અલોપાબેનના પગ દબાવતી રહેતી. અવની કેસેટમાં ભજન ચાલુ કરતી.

રાત્રે અનૂપ આવે એટલે આખા દિવસનો અહેવાલ આરતી આપતી. અને ઉમેરતી

‘ ભાભી, દિવસ આખો તો અમે બંને બહેનો મમ્મીને સંભાળી લઇએ છીએ.. હવે રાત્રે તમારો વારો. રાત્રે મારાથી ઉજાગરા નથી થતા..નહીંતર મમ્મી પાસે હું જ સૂત. પણ શું થાય ? પછી વળી મારી તબિયત બગડે તો અત્યારે બીજી ઉપાધિ.. એટલે અત્યારે તો મારે પહેલા મારી તબિયત સાચવવી રહી. ભાઇ બિચારો કેટલેક પહોંચે ? માનું કરશે કે બહેનનું ?

મને તો જોકે તબિયતનો કોઇ પ્રશ્ન નથી.. પણ મને બીક લાગે. રાત્રે કંઇ જરૂર પડે ને મમ્મીને કંઇ થાય તો ? મારાથી તો સહન જ ન થાય. અમારી તો મા છે ને ? દિવસ આખો મમ્મી દીકરીઓના ચાર્જમાં અને રાત્રે ભાભીને સેવાનો લાભ આપીએ..મમ્મી ઉપર એમનો યે થોડો હક્ક તો ખરો ને ? આ તો પુણ્ય કમાઇ લેવાનો અવસર છે ભાઇ.. ‘ અવની ઉમેરતી.

હમણાં કામવાળા બેન પણ રજા ઉપર હતા. એક છૂટક નોકર વાસણ અને ઝાડુ પોતા કરી જતો.

દિવસના વિરાજનો મોટા ભાગનો સમય રસોડામાં જ પસાર થતો. આરતીનો સાદ આવતો રહેતો. . ભાભી, મમ્મી માટે જયુસ બનાવો છો તો અમારા બંને માટે પણ ભેગાભેગ જ બનાવી લેજો. અત્યારે બધાનું જુદું જુદું કરવા કયાં બેસીએ ?

વિરાજ રાત્રે સાસુના રૂમમાં જ સૂઇ રહેતી. રાત્રે અલોપાબેનને કેમે ય ઉંઘ ન આવતી. શરીર જાણે તૂટતું હતું. વિરાજ ઘડીક હાથ તો ઘડીક પગ હળવા હાથે દબાવે. કદીક માથા પર..વાંસામાં હાથ ફેરવી રહે. કદીક સાસુને ગમતા ભજનની કોઇ કડી ગાતી રહે. અલોપાબેન સંતોષ પામીને સૂઇ જાય.

‘ બેટા, તું સૂઇ જા..હવે .હું સૂવાનો પ્રયત્ન કરું છું.’ ’ મમ્મી, મારી ચિંતા ન કરો.’ ઓછાબોલી વિરાજ ધીમા અવાજે કહેતી.

અલોપાબેનનું શરીર સાવ લેવાઇ ચૂકયું હતું. ખોરાક પણ નામ માત્રનો જ લઇ શકતા હતા. પરંતુ તેમની જિજિવિષા ખૂબ પ્રબળ હતી. વીલપાવર મજબૂત હતો. વરસોથી પોતે ખૂબ સક્રિય રહ્યા હતા. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. હવે બહાર નહોતા જઇ શકતા તેથી ફોન પર વાતો કર્યા કરતા. સલાહ, સૂચના આપતા રહેતા.

આજે અલોપાબેનનો જન્મદિવસ હતો. બધાએ ધામધૂમથી જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઘરમાં બધાને જાણ હતી કે મમ્મીનો આ છેલ્લો જન્મદિવસ છે. આમ તો દર વખતે આવી કોઇ ખાસ ધામધૂમ નહોતા કરતા. પરંતુ હવેની વાત અલગ હતી. જિન્દગીના સમીકરણો બદલાયા હતા. દ્રષ્ટિ બદલાઇ હતી.

મમ્મીનો રૂમ ફૂલોથી મઘમઘી ઉઠયો. અલોપાબેને કેક કાપી. ને મીણબત્તી ઓલવી ત્યારે બધાની આંખો ભીની બની ઉઠી. આમ જ હવે જીવનની મીણબત્તી ઓલવાવાને પણ કયાં વાર હતી ? કાળની એક જ ફૂંક અને…..બસ ..કઇ પળ આવશે અને…..?

આરતી અને અવનીએ મમ્મી માટે નવી સાડી લીધી હતી. આજે તે જ સાડી મમ્મીને પહેરાવી. વિરાજે સાસુના જૂના ફોટાઓનું એક અલગ આલ્બમ તૈયાર કરી..તે દરેક ફોટાની નીચે કશુંક સરસ લખીને સાસુને આપ્યું હતું. અલોપાબેન નવી સાડી પહેરી આલ્બમમાં કેદ થયેલી સુખદ સ્મૃતિઓ જોતા આખા કોળી ઉઠયા હતાં. દસ વરસના પૌત્ર અને સાત વરસની પૌત્રીએ “ હેપી બર્થ ડે ગ્રાંડમા “ ગાઇને રૂમ ગજાવી મૂકયો. બાળકોને તો આમ પણ બીજી કોઇ ખબર નહોતી. અલોપાબેન ખુશખુશાલ… માન્દગી આવી તો બાળકોએ પોતાના માટે સમય કાઢયો. નહીંતર તો બધા રોજના કામોમાં જ વ્યસ્ત રહેતા હતા. પુત્રીઓ પણ કયારેય નિરાંતે રહેવા આવી શકતી નહોતી.

એક દિવસ અમોલાબેનને ઘરમાં સત્યનારાયણની કથા કરવાનું મન થયું. આમ તો ગયા વરસથી મન હતું. પરંતુ ગયા વરસે અનૂપે ચોખ્ખી ના પાડી દીધી હતી.

’ એવા બધા તૂત કરવાની કોઇ જરૂર નથી.. એ બધા ક્રિયાકાંડ બકવાસ છે એમાં હું માનતો નથી. ‘ અમોલાબેન કશું બોલી નહોતા શકયા. આ વખતે ફરી એકવાર મન થઇ ગયું. કદાચ પુત્ર હા પાડે તો ? હમણાં ઘણું ન ગમતું પણ પુત્ર કરતો હતો. તેથી તેમના મનમાં થોડી હિમત આવી. ડરતાં ડરતાં ધીમેથી પુત્રને કહી જોયું.

‘ અરે,મમ્મી, એમાં શું મોટી વાત છે ? કાલે જ કરીએ…કરવું જ છે તો મોડું શા માટે ?

‘બહેન સામે જોતા અનૂપે કહ્યું. બહેને ધીમેથી માથુ હલાવ્યું.બીજે જ દિવસે બધી વ્યવસ્થા થઇ ગઇ. અને ખૂબ સરસ રીતે કથા સંપન્ન થઇ. અમોલાબેન આ માન્દગીનો લાખ લાખ ઉપકાર માની રહ્યા. જેને લીધે તેમને પોતાના સંતાનો ફરીથી મળ્યા હતા. કયારેય ન ધારેલું બધું થતું હતું. અમોલાબેનનો પડયો બોલ ઝિલાતો હતો.

આમ ને આમ પંદર દિવસને બદલે એક મહિનો પસાર થઇ ગયો. ધાર્યા કરતાં અમોલાબેનની તબિયત ઘણી સારી હતી. સુધારો તો જોકે નહોતો થયો. પરંતુ બગડયું પણ નહોતું. પહેલી વખત રીપોર્ટ જોઇ અનૂપને થયું હતું કે મમ્મી માંડ થોડાં દિવસો કાઢી શકશે. પરંતુ ધાર્યા કરતા બધું લંબાયુ હતું. અને હવે લંબાતું જશે એવું લાગતું હતું. અલબત્ત સાજા થવાના…આમાંથી ઉભા થવાના કોઇ ચાંસીસ નહોતા જ. પરંતુ ઘણીવાર ઘણાં દર્દીઓ આમ જ પથારીમાં જ લાંબો સમય ખેંચી નાખતા તેણે કયાં નથી જોયા ?
ભાઇ, શું લાગે છે ? મારે બે મહિના પછી દીકરાના લગ્ન લીધા છે. લગ્નમાં કંઇ વિઘ્ન તો નહીં આવેને ?

મને શું ખબર ? કંઇ મારા હાથમાં બધું થોડું છે ? અનૂપે થોડી અકળામણથી જવાબ આપ્યો.

મારે પણ વેકેશનની ટિકિટો બુક થઇ ગઇ છે..પણ..

ભાઇ, મારે પણ જવું પડશે. ત્યાં હિતેનને જમવાની તકલીફ પડે છે.

અહીં તો ધાર્યા કરતા બધું લંબાતું જતું હતું. અંતે જરૂર પડશે તો પાછા આવીશું આવીશ એમ કહી બંને બહેનો ગઇ. આમ બેસી રહીને કયાં સુધી સમય બગાડે ?
રોજ બહેનોના ફોન આવતા રહેતા.

‘ ભાઇ, મમ્મીને કેમ લાગે છે હવે ? ‘
’ નવું કશું નહીં. જેમ છે તેમ જ ચાલે છે.

અનૂપના અવાજમાં રણકો નહોતો.

અમોલાબેન કદીક દીકરીઓને આવવાનો આગ્રહ કરતા રહેતા

.’ મમ્મી, તને ખબર છે ને નિશાંતની સ્કૂલ હોય ત્યારે નીકળવું મારા માટે કેવું અઘરું બની રહે ? વળી હમણાં જ રોકાઇ ગઇ ને તારી પાસે ? હવે ફરીથી અનુકૂળતાએ જરૂર આવી જઇશ. મારો યે જીવ બહું ખેંચાય છે. પણ શું કરું ? મારે તો બધી બાજુનું જોવું ને ? પછી ધીમેથી ઉમેરતી ખરી…અને હા, દવા બરાબર લેજે..અને જયુસ ન ભાવે તો પણ પીવાનો. તબિયતનું ધ્યાન રાખજે. ભાભી, તારું ધ્યાન તો બરાબર રાખે છે ને ? ‘

‘ બેટા, મને નથી લાગતું કે હું આમાંથી હવે ઉભી થાઉં. હવે થાકી ગઇ હું તો..’

’ ના, ના , મમ્મી એવું કંઇ નથી…’

’ મને સારું તો થઇ જશે ને ? ‘ નરી નિર્દોષતાથી અમોલાબેન પૂછી રહેતા.

’ હા, મમ્મી , સારું થઇ જશે..’ બોદો અવાજ આવતો, પરંતુ અમોલાબેનને ખ્યાલ ન આવતો. સંતોષનો શ્વાસ લઇ પૂર્ણ વિશ્વાસથી તે ફરીથી સૂઇ જતા. કે સૂવાનો સફળ, નિષ્ફળ પ્રયત્ન ચાલતો રહેતો.

‘ ભાઇ, લગ્નની તૈયારી કરું ને ? વાંધો નહીં આવે ને ? ‘


મને શું ખબર પડે ? હું કંઇ ભગવાન છું ? અનૂપ ચીડાઇ જતો. મારે પણ બધી ટિકિટો બુક થઇ ગઇ છે. હું કોને કહું ? ‘

વાતાવરણ ધીમે ધીમે તંગ થતું જતું હતું. વહુ ચૂપચાપ..મૌન બની સાસુના કૃશ થઇ ગયેલા ડિલે હાથ પસવારતી રહેતી.

નાની બહેને પણ કહી દીધું હતું કે એમ ધક્કા ખાવા મને ન પોસાય..હું આવું ને આમ ને આમ ખેંચાયા કરે તો મારે તો સમય થાય એટલે જવું જ પડે. “ કંઇક સમાચાર” હોય તો મને કહેજો..હું તુરત નીકળી જઇશ.’

અનૂપ અકળાય છે. બધાને “ સારા “ સમાચાર જોઇએ છે. જાણે કેમ બધું મારા હાથમાં હોય ? એક વિરાજ સિવાય બધાની ધીરજ જાણે ખૂટી ગઇ હતી. અંદર સતત એક અવઢવ…..પણ અંતે એ અવઢવમાંથી ઇશ્વરે જ મુકત કર્યા.

એ રાત્રે આસપાસ કોઇ નહોતું. વહુનો હાથ પરમ સ્નેહથી સાસુને માથે ફરતો હતો. અલોપાબેને સંતોષથી વહુ સામે અંતિમ દ્રષ્ટિ નાખી. બે પાંચ ક્ષણો સાસુ, વહુ એકમેક સામે જોઇ રહ્યા.અને…. અમોલાબેને બધાને મુક્તિ આપી દીધી. વહુની આંખોમાં વાદળો છવાયા. અને ભાઇએ બહેનોને “ સારા સમાચાર “ આપ્યા.

બહેનો દોડતી આવી પહોંચી. હૈયાફાટ રૂદન…

’મમ્મી, આટલી જલદી તું અમને છોડીને ચાલી ગઇ ? ‘

ડૂસકા સાથે નાની બહેન બોલી નહોતી શકતી. અમોલાબેનને પલંગ પરથી નીચે લેવાયા. ઘીનો દીવો થયો. નવીનક્કોર સાડી ઓઢાડાઇ. સુવાસિત ગુલાબના પુષ્પોથી અમોલાબેનનું શરીર મઘમઘી ઉઠયું.

‘ ભાભી, મમ્મીના કાનમાંથી હીરાની બુટ્ટી, અને બધા દાગીના કાઢી લો..’

’ ના, તમે જ કાઢો..મારું ગજુ નહીં. ’

’ દીકરી થઇને અમારું મન કેમ માને ? તમે તો પારકી જણી છો. અમારી તો મા હતી. મારો તો હાથ લગાડતા પણ જીવ ન ચાલે..તમે વહુ છો તમારી ફરજ કહેવાય.. ‘
વહુએ નણંદ સામે નજર નાખી.

સાસુને જરા પણ દુ:ખે નહીં એનું ધ્યાન રાખી પારકી જણીએ પરમ મૃદુતાથી..હળવે હળવે સાસુના નિર્જીવ શરીર પરથી ઘરેણા ઉતાર્યા. અંતર થડકી ઉઠયું. આંખોમાં ભીનાશ ઉતરી આવી.

‘ સહેજે બે લાખ રૂપિયાના તો થાય જ ‘ દાગીના સામે એકીટશે જોઇ રહેલી પુત્રીના મનમાં અંદાજ મંડાઇ ગયો.

’ લાવો, કબાટમાં સાચવીને રાખી દઉં.’ દીકરીએ હાથ લંબાવ્યો.

વિરાજે ચૂપચાપ દાગીના તેના હાથમાં મૂકયા.

બહેને આંસુથી છલકતી આંખે માના દાગીના લીધા. ભાવથી કપાળે અડાડયા.મનમાં વિચાર ઝબકી ઉઠયો.

’ કેવી સરસ ડીઝાઇન છે. હવે તો આવી ડીઝાઇન જોવા પણ ન મળે. લગ્નમાં પહેરીશ તો બધા જોતા રહી જશે.’

આસપાસ નજર ફેરવી..કોઇ સાંભળી તો નથી ગયું ને ?

થોડાં ડૂસકાઓ સાથે બહેને દાગીના કબાટમાં મૂકયા.કબાટ લોક કર્યો અને ચાવીનો ઝૂડો કમરે ખોસ્યો. સગાઓ આવ્યા. ભાઇ બહેનોએ મમ્મીની કેટલી..કેવી રીતે રાત દિવસ ઉજાગરા કરીને સેવા કરી તે કહેતા આરતી કે અવની થાકતા નહોતા.

’ અમે કોઇ ક્રિયામાં માનતા નથી. તેથી કોઇ વિધિ કરવાના નથી. અનાથાશ્રમ કે વૃધ્ધાશ્રમમાં જે આપવું હશે તે આપી દેશું.’

ત્રીજે જ દિવસે સગાઓ બધા વિખેરાયા.

તે રાત્રે ભાઇ અને બંને બહેનો બેઠી હતી. ત્યાં મોટી બહેને કહ્યું,

’ ભાઇ, મારાથી હવે વધારે રોકાવાશે નહીં. મા વિના અહીં રોકાઇને શું કરું.? કયાંય મન નથી લાગતું મમ્મી જ યાદ આવ્યા કરે છે. આંખો લૂછતા આરતીએ કહ્યું. ‘

’ અને હું પણ બહેન સાથે જ નીકળી જઇશ. આવી જ છું તો થોડું જરૂરી શોપીંગ કરવાનું છે તે આજે પતાવી લઇશ. ગમે કે નહીં બધું કર્યે જ છૂટકોને ? માની ખોટ તો થોડી પૂરાવાની છે ? ’

અનૂપે ચૂપચાપ ડોકું હલાવ્યું.

’ ભાઇ, હું સૌથી મોટી છું. તો મમ્મીના દાગીના અને બધી વસ્તુઓ ઠેકાણે પાડવાની જવાબદારી મારે જ લેવી રહીને ? હું છું ત્યાં એ કામ પતાવી લઇએ. પછી તારે કોઇ ચિંતા નહીં.

આમ તો છેલ્લે આવી હતી ત્યારે જ મમ્મીએ બધું મારી પાસે લખાવ્યું હતું. મમ્મીની ઇચ્છા મુજબ જ આપણે તો કરવાનું રહ્યું ને ? તેમના આત્માને શાંતિ મળે એ જ હવે તો આપણે જોવું રહ્યું. ગળગળા અવાજે મોટી બહેન માંડ બોલી શકી.

ધીમેથી બહેને પર્સ ખોલ્યું. મમ્મીનો કાગળ કાઢયો..

‘ લે, હું જ મોટેથી વાંચી સંભળાવું. પછી તને આપું. ‘

’ બહેન, આ તો મમ્મીના અક્ષર નથી.’ ભાઇએ ધીમેથા કહ્યું.

’ અક્ષર તો મારા જ હોય ને ? મમ્મી કંઇ લખી શકે એવી તાકાત બિચારામાં કયાં બચી હતી ? એ બોલતા ગયા અને હું લખતી ગઇ. મારા યે હાથ ધ્રૂજતા હતા. પણ શું કરું ? મોટી મૂઇ છું તો કરવું જ રહ્યું ને ? તમે બધા તો નાના છો..અમને ખબર ન પડે કહીને છટકી જાવ..મારે તો ન ગમે તો યે કરવું જ રહ્યું ને ? ‘

રડતા અવાજે બહેને મમ્મીનો છેલ્લો કાગળ વાંચ્યો ત્યારે બધાને જાણ થઇ કે મોટી દીકરીએ મમ્મીની ખૂબ સેવા કરી છે તેથી મોટા ભાગનું બધું તેને આપ્યું છે. બે ચાર વસ્તુઓ નાની બહેનને આપી છે. વહુને પ્રસાદી તરીકે પોતે પહેરતી હતી તે તુલસીની કંઠી આપી છે.

‘લે ભાઇ, વાંચ…’ ભાઇએ કાગળ હાથમાં લીધો. અછડતી નજર ફેરવી. કશું બોલ્યા સિવાય પત્નીના હાથમાં મૂકયો.’

પત્નીએ હાથ ન અડાડયો.તેની ધૂંધળી નજર સાસુના ફોટા પર સ્થિર થઇ હતી.
નાની બહેન કશુંક બોલવા જતી હતી પણ ત્યાં….

મોટી બહેનનો આંસુભીનો સાદ આવ્યો.

‘ મમ્મીને જે ઠીક લાગ્યું એ તેણે કર્યું. મા જેવી મા ગઇ..હવે દાગીનાને શું કરવાના ? મા, અમને કોઇને દાગીનાનો મોહ નથી. પણ આપણને ગમે કે ન ગમે મરનારની આખરી ઇચ્છાને માન આપવું જ રહ્યું ને ? મા, બધું તારી અંતિમ ઇચ્છા મુજબ જ થશે. બસ ? ‘
” મમ્મી…” કહેતાં મોટી બહેન ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી.

તસ્વીરમાં સમાઇ ગયેલા અમોલાબેન કશુંક બોલ્યા પણ કોઇને સંભળાયું નહીં.

બે દિવસ પહેલા સાસુએ જાતે લખી આપેલો કાગળ વિરાજના બ્લાઉઝની ભીતર સળવળી ઉઠયો.. વિરાજે હળવેથી છાતીને સ્પર્શ કર્યો. એક સુવાસભરી હૂંફ તેને ઘેરી વળી.

( નવનીત સમર્પણ 2012 મે ના અંકમાં પ્રકાશિત મારી વાર્તા )

i am sure…

ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો…

ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક યુવક..

.
’કોણ છો તમે ? છોડો..મારો હાથ કેમ પકડયો છે ? મને બચાવવાની કોશિષ કરવાની કોઇ જરૂર નથી…મારી જિંદગીનું મારે જે કરવું હોય તે કરી શકું છું..અને હા..પ્લીઝ..કોઇ લેક્ચર નહીં…’

એકી શ્વાસે ગુસ્સાથી ધમધમતા અવાજે યુવતી બોલી ઉઠી…

યુવક મોટેથી ખડખડાટ હસી પડયો.એ હાસ્યના પડઘા નીચે ખીણમાં ફરી વળ્યા.

’ કેમ હસ્યા ? હસવા જેવી કોઇ વાત મેં નથી કરી…કે નથી કોઇ જોક કર્યો…’

’ એક મિનિટ..એક મિનિટ…મારી વાત તો સાંભળો…’

’ મારે કોઇની વાત સાંભળવાની જરૂર નથી…અને હસ્યા શા માટે ? ’

’ તમારે વાત સાંભળવી જ નથી..તો કેવી રીતે કહું કે હું શા માટે હસ્યો ? ‘

‘ એટલે..એટલે કે હું એમ કહેતી હતી કે… કે….’

યુવતી થોડી ગૂંચવાઇ..

જોકે બે પાંચ ક્ષણના મૌન પછી યુવકની સામે જોતા તેણે ઉમેર્યું.

‘ એટલે કે મને આત્મહત્યા ન કરવાની કોઇ શીખામણ..સલાહ આપવાના હો તો મારે કોઇ લેકચર નથી સાંભળવું…એમ હું કહેતી હતી..પણ મને નથી લાગતું મેં આમાં કોઇ હસવા જેવી વાત કરી હોય…બાય ધ વે…મારો હાથ પકડવાનો તમને કોઇ હક્ક નથી..’
’ ઓહ..સોરી.. રીયલી સોરી… ’ યુવકે હાથ છોડયો..

‘ ઇટસ ઓકે… હવે કહો હસ્યા શા માટે ?’

’ જયારે મરવા જ જઇ રહ્યા છો ત્યારે છેલ્લી ઘડીએ કશું જાણીને શો ફાયદો ?’

‘ એક નાનું સરખું કુતૂહલ માત્ર..નથીંગ એલ્સ…’ ’ ઓકે..આમ પણ મરનારની અંતિમ ઇચ્છા પૂરી થવી જોઇએ..નહીંતર કયાંક ભૂત થઇને વળગે..અને મને ભૂત સાથે જરા પણ લગાવ નથી…’

‘ હવે વાતમાં મોણ નાખ્યા સિવાય સીધી રીતે કહી દો..મારે મોડું થાય છે.’

’ મોડું થાય છે ? મરવાનું ? ઓકે..ઓકે…..’ આમ તો હસવાનું ખાસ કોઇ કારણ નથી.. વિનાકારણે પણ મારાથી ઘણીવાર હસાઇ જતું હોય છે. જોકે આજે કંઇ વિનાકારણે નથી હસાયું. .. ‘

‘ શું કારણ છે આજે ? ‘

‘ આજે તો મને હસવું આવ્યું.. તમારા ભ્રમ ઉપર….જોકે કેટલાક ભ્રમ પણ કેવા મજાના હોય છે..અકબંધ જાળવી રાખવા જેવા…’

’ ભ્રમ..મારો ? કયો ભ્રમ ? કેવો ભ્રમ ? શાનો ભ્રમ ?

’ બાપ રે…એકી સાથે આટલા બધા પ્રશ્નો ?
‘ તમે એમ કહીને વાત ઉડાવો છો…..

’ ઉડાવું છું ? તમારી વાત ? ના રે..સુંદર યુવતીઓની વાત ઉડાડવા જેટલો હું બેવકૂફ નથી. ’

’ બસ..બસ.. મસ્કા મારવાની કોઇ જરૂર નથી. છોકરીઓને ભોળવવાનો એ સૌથી સરળ ઉપાય … પણ અહીં તમારી દાળ ગળે તેમ નથી જ. તમારે સીધી રીતે વાત કરવી છે કે નહીં ? ’

યુવતીના અવાજમાં લાલ લાલ ગુલમહોરી ગુસ્સો…..ચહેરા પર રતાશના ટશિયા ફૂટયા…

‘ અરે, બાબા..સાવ સીધી વાત છે..તમે કહ્યું કે મને બચાવવાની કોઇ જરૂર નથી..તો તમારા એ ભ્રમ પર મારાથી હસાઇ ગયું..મને હસવાની થોડી કુટેવ ખરી…’

‘ એમાં ભ્રમ શાનો ? અને તો પછી મારો હાથ કેમ પકડયો ? ‘

’ બચાવવા માટે નહીં.. કશુંક બતાવવા માટે… ’

શું બતાવવા માટે ? ’

એટલું જ કે ખરેખર મરવાનો ઇરાદો હોય તો આ જગ્યા યોગ્ય નથી..હા..હાથ પગ તોડવા માટે આ લોકેશન પરફેકટ ખરું…..’

’ એટલે ? ‘

એટલે એમ જ… સાવ સીધી સાદી વાત… જરા નીચે જુઓ…ધ્યાનથી જુઓ.. નીચે ઉંડી ખીણ ખરી… પણ કૂદયા પછી મરવાની કોઇ ગેરંટી નહીં… ‘

આટલે ઉંચેથી કૂદયા પછી માણસ મરે નહીં તો બીજું શું થાય ? ‘

આઇ એમ સોરી ટુ સે..પણ તમારો ઓબ્ઝર્વેશન પાવર… અર્થાત..નિરીક્ષણ શક્તિ બહું poor … નબળી જણાય છે.

કેમ ? ‘

’ અરે, જોતા નથી ? ખીણમાં નીચે કેટલા બધા ઝાડવાઓ છે ? આખું જંગલ જ ઉગી નીકળ્યું છે. હવે તમે કૂદયા અને સીધા ખીણમાં જવાને બદલે એકાદ ઝાડવામાં અટવાઇ ગયા…એકાદ ઝાડવાને તમારી ઉપર પ્રેમ ઉભરાઇ આવ્યો ને તમને ઝાલી લીધા તો…? ન મરી શકો..ન જીવી શકો..ન નીચે જઇ શકો..ન ઉપર આવી શકો..બરાબર ત્રિશંકુની જેમ લટકી રહો..બસ..એ દ્રશ્યની કલ્પનાથી જ હું હસી પડયો..તમે આમ ઝાડ ઉપર લટકતા હો એ દ્રશ્ય કેવું લાગે ? બચાવોની ચીસ પાડો તો પણ કોઇ સાંભળી ન શકે..’

યુવતીએ નીચે જોયું..યુવકની વાત તો સાચી હતી…નીચે અસંખ્ય વૃક્ષો હતા. એમાં ફસાઇ જવાની શકયતા નકારી શકાય તેમ નહોતી જ.. પણ હજુ પેલી રતાશ અકબંધ….

‘ મીસ્ટર..તમે ખાંડ ખાવ છો..ઝાડમાં અટવાઇ ગઇ તો પણ છોડતા કંઇ વાર નથી લાગવાની..ઝાડ કંઇ મને પકડી નથી રાખી શકવાનું. .’

’ ઓહ..યસ..યુ આર રાઇટ..એ તો મને વિચાર જ ન આવ્યો..યુ આર જીનીયસ…..

‘ ફરી ખુશામત ? એવી કોઇ જરૂર નથી. ‘

યેસ.. એટલી તો મને પણ ખબર છે કે તમારી ખુશામત કરવાની મારે કોઇ જરૂર નથી જ. આ તો આવી સીધી સાદી વાત હું ન વિચારી શકયો..ને તમે એ બધું આગોતરું વિચારી લીધું એથી મેં કહ્યું. પરફેક્ટ પ્લાનીંગ… હવે તમે ઝંપલાવી શકો છો… ગો એહેડ…..’

યુવતી તેની સામે જોઇ રહી.. પોતાની મશ્કરી કરે છે કે શું ? ‘ પણ યુવક ગંભીર દેખાયો. તે ખીણમાં નીચે બારીકાઇથી જોઇ રહ્યો હતો. નહોતું બોલવું તો પણ યુવતીથી બોલાઇ જવાયું.

‘ નીચે ઝાડવા ગણો છો ? ‘

‘ ના..ના..’ ખીણમાં જોતા જોતા જ યુવકે જવાબ આપ્યો.
.
લાગે છે તો એવું જ કે જાણે ખીણના ઝાડવા ગણી રહ્યા છો.. ? ’ ના રે..મને એવી કોઇ ગણતરીમાં રસ નથી…’

તો પછી આમ બાઘાની જેમ નીચે … ‘

વચ્ચે જ યુવકે તેને અટકાવી…

‘ થેંક્સ ફોર કોમ્પ્લીમેન્ટસ.. પણ એક મિનિટ જરા નીચે જુઓ…

શું જોવાનું છે હજુ ? કહેતા યુવતી થોડીક યુવકની નજીક ખસી અને તેની સાથે નીચે નજર કરી.

‘ શું છે અહીં ? ‘

‘ નીચે..સાવ નીચે સુધી ઝાડવાઓ છે..દેખાય છે ?

‘ હા..તો તેનું શું છે ? ‘

‘ એ જોઇને તમને કોઇ વિચાર નથી આવતો..? ‘

‘ એમાં વિચાર શો આવવાનો ? ‘

‘ કોઇ મહાન વિચાર નહીં.. સાવ સીધો સાદો..સીમ્પલ..ક્ષુદ્ર વિચાર…

યુવતીના નાકના બંને ફોયણા ફૂંગરાયા.. બરાબર લાલઘૂમ કેસૂડા જેવા…

મરવાની ક્ષણે કોઇ તેની આ રીતે મશ્કરી કરી જાય ? છોકરાઓ બધા સરખા… યશવંતીયા જેવા જ.. એમનો વિશ્વાસ કરાય જ નહીં..

કશુંક બોલવા..બરાબર સંભળાવી દેવા જતી હતી ત્યાં જ…

‘ એમાં આમ મેઘધનુષી ન થાવ પ્લીઝ… જુઓ હું તમને સમજાવું.તમારી વાત બિલકુલ સાચી છે..સો ટકા સાચી છે.. કોઇ વૃક્ષ કંઇ તમને પક્ડી રાખી શકે નહીં.. ધારો તો તમે ચોક્ક્સ છોડી શકો..પરંતુ તો યે મારી વાત સાવ નાખી દીધા જેવી નથી જ. ધારો કે કૂદયા પછી તમે કોઇ સાવ નીચા વૃક્ષની ડાળીમાં અટવાયા તો..? અહીં તો છેક નીચે સુધી ઝાડવાઓ છે. અને એકવાર જંપલાવ્યા પછી તમે કયાં અટવાવ એની તો ખાત્રી ન જ હોય ને ?

એનો સીધો સાદો અર્થ એટલો જ થાય કે ઝાડની ડાળીઓ છોડયા પછી..મરવાની આટલી મહેનત..અને હિમત પછી પણ મરવાની કોઇ ખાત્રી નહીં..કેમ કે પછી તો નીચે બહું અંતર રહે જ નહીં ને ? નકામા હાથ પગ જ ભાંગે….કંઇ શકરવાર ન વળે…
એના કરતા જુઓ, હું તમને બેસ્ટ જગ્યા બતાવું..મરવાની પૂરી ખાત્રીવાળી..એક છલાંગ અને ખેલ ખતમ…પૂરી ગેરંટી…’

’ કેમ તમે મરવાની જગ્યા શોધવાના એક્ષપર્ટ છો ? ‘

’ ના રે…પણ આપણે બંને એક જ હોડીના સવાર છીએ…’

’ એટલે ? ’

એટલે એમ જ કે હું પણ તમારી જેમ જ મરવાના ભવ્ય ઇરાદા સાથે જ અહીં આવ્યો છું.. તેથી બેસ્ટ..ખાત્રીબંધ લોકેશનની તલાશ કરતો હતો…પૂરી રીસર્ચ કર્યા પછી જ મેં આ તારણ કાઢયું છે. આપણને અધકચરું કશું ફાવે નહીં..કામ કરવું તો પાક્કું કરવું..

’ એટલે… તમે ..તમે પણ આત્મહત્યા માટે અહીં આવ્યા છો ?

’’ શંકાને કોઇ સ્થાન નથી..આવી સૂમસામ જગ્યાએ શું ફરવા આવ્યો છું ? એ પણ સાવ એકલા એકલા ? હા..સાથે તમારા જેવી સંદર યુવતીનો સથવારો હોય તો આ સૂમસામ જગ્યાએ આવવાનો ફાયદો ખરો… ‘

‘ શટ અપ…’

‘ સોરી..સોરી.. જસ્ટ જોકીંગ…પણ હા..છેલ્લી ઘડીએ થયેલી આ મજાની મુલાકાત બદલ આપનો આભાર માનું કે ઇશ્વરનો ? ‘

‘ તમે ઇશ્વરમાં માનો છો ? ‘ ’ કેમ તમે નથી માનતા ? ‘

‘ માનું છું..પણ…..’

‘ તો પછી વચ્ચે પણ કેમ આવ્યો ? ‘

‘ કયારેક એના અસ્તિત્વ અંગે શંકા જાગે ખરી…’

‘ કયારે ? આપણું ધાર્યું બધું ન થાય ત્યારે ? ‘

યુવતી મૌન રહી. થોડી પળ યુવક સામે જોઇ રહી.

‘ જવા દો..એ અંતહીન ચર્ચા.. પણ… તમે તો પુરૂષ છો..તમારે વળી મરવાની જરૂર કેમ પડે ? ‘

’ કેમ ? દુ:ખી હોવાનો ઇજારો સ્ત્રીઓએ જ રાખ્યો છે..અમને કોઇ દુ:ખ હોય જ નહીં..એવું માનો છો ? ‘

‘ આપણા પુરૂષપ્રધાન સમાજમાં સહન કરવાનું મોટે ભાગે સ્ત્રીઓને જ આવતું હોય છે.. તેથી..’

’ હશે.. એ તમારી અંગત માન્યતા છે અંતિમ સમયે કોઇ વાદ વિવાદમાં ઉતરવાની મને પણ ઇચ્છા નથી…ચાલો, હું તમને મરવાની પરફેકટ જગ્યા બતાવું..તમે ઇચ્છો તો મારી સાથે..જ ઝંપલાવી શકો છો..એકથી બે ભલા…જીવનમાં સારી કંપની ન મળી તો વાંધો નહીં..મરતી વખતે સારી કંપની મળે એ પણ નસીબની વાત છે ને ? આમ પણ જીવનના હમસફર તો બધાને મળે..મોતના હમસફર કોને મળે ? એકલા એકલા મરવાની મજા ન આવત. હવે તો તમારા જેવો સંગાથ મળી જવાથી મૃત્યુની યે મજા જ મજા… ‘

’ પણ..તમારે વળી એવું કયું દુ:ખ આવી ગયું કે મરવા સુધી પહોંચી ગયા..? ‘

યુવતીનું આશ્ર્વર્ય હજુ શમ્યું નહોતું. કોઇ પુરૂષને દુ:ખ હોય ને તે આમ મરવા નીકળે એ કદાચ માન્યામાં નહોતું આવતું.

’ જવા દો..મેં કહ્યું ને મને પણ કોઇ ચર્ચામાં રસ નથી. દુ:ખના નગારા શા માટે વગાડવા ? જોકે મારા મરવાથી મમ્મી ચોક્ક્સ રડશે…કે પપ્પાને પણ દુ:ખ તો બહું થશે….

પણ શું થાય ? અને આમ પણ મારે એ થોડું જોવું પડશે ? મર્યા પછી કંઇ દેખવું યે નહીં ને દાઝવું યે નહીં…જેને જે થવું હોય તે થાય..

લો..આ ચ્યુઇંગ ગમ ખાશો ? આપણી આ અંતિમ મુલાકાતની એક સહપ્રવાસી તરીકેની અંતિમ ભેટ..’
‘ એક નંબરના સ્વાર્થી… તમારે જોવાનું નથી…એટલે મમ્મી રડે કે પપ્પા…ચાલે એમ જ ને ? ‘

’ આ તમે કહો છો ? તમે ? ‘

યુવતી મૌન રહી… કોઇ વિચારમાં કે…

યુવકે ખીસ્સામાંથી ચુઇંગ ગમ કાઢીને યુવતી તરફ લંબાવી..

‘ જવા દો..એ બધા ફાલતુ વિચારો…. એમ બધાના વિચાર કરવા બેઠા તો મરી રહ્યા…લો..આ ચ્યુઇંગ ગમ ખાવ… ’ મરતી વખતે વળી ચ્યુઇંગમ ? ખરા છો તમે પણ….’

’ ચુઇંગ ગમ મને અતિ પ્રિય છે..તમે એને એક જાતનું વ્યસન કહી શકો લો…આત્મહત્યા કરનારે તો પોતાની આખરી ઇચ્છા પણ જાતે જ પૂરી કરવી રહી ને…’

મોઢામાં ચ્યુઇંગ ગમ મૂકતા યુવકે નિસાસો નાખ્યો. ’ આજની આ અંતિમ ચ્યુઇંગ ગમ..લો..તમે પણ…’ લેવી કે ન લેવી ? યુવતી એકાદ ક્ષણ કોઇ અવઢવમાં લાગી.

‘ અરે, ચ્યુઇંગ ગમ જ છે કોઇ ઝેર નથી..જોકે ઝેર હોય તો પણ હવે તમને કે મને શો ફરક પડે છે ? ઉલટું આપણે કૂદવાની જરૂર નહીં પડે.’

યુવતીએ ચુઇંગ ગમ લીધી..મોં માં મૂકી…

‘ સાલ્લું કૂદવા માટે આમ તો ખાસ્સી હિમતની જરૂર પડે નહીં ? મને તો થોડી બીક લાગે ..તમને બીક નથી લાગતી ? ‘

‘ મરવું જ હોય એને વળી બીક શાની ? ‘

‘ મને તો.. તો યે ડર લાગે છે. … કેટલું વાગશે..કયાં વાગશે ? પડતાની સાથે જ કંઇ જીવ નીકળી જ જશે એની કોઇ ગેરંટી થોડી છે ? પડયા પછી થોડી વાર પણ જીવી ગયા તો…. ? બાપ રે..કેવું દુ:ખવાનું ? મરતા પહેલા યે સાલ્લી પીડા સહન કરવાની .. મરવાની બીજી કોઇ આસાન રીત નહીં હોય ? “ આત્મહત્યા કરવાના એક હજાર અને એક સરળ ઉપાય..”

એવી કોઇ ચોપડી વિશે સાંભળ્યું હતું. તમે એ ચોપડી વિશે સાંભળ્યું છે ?

યુવતીએ માથું ધૂણાવ્યું.

‘ મેં પણ ખાલી સાંભળ્યું જ છે..વાંચી નથી..નહીંતર વધારે સારો, સરળ અને ..ખાત્રીબંધ ઉપાય સૂઝયો હોત..પણ એ અહીં નથી મળતી..આવું બધું લખવાનું વિદેશી લેખકોને જ સૂઝે..જોકે જવા દો..હવે એ બધા માટે આમ પણ બહું મોડું થઇ ગયું છે. હવે તો ચાલો… યાહોમ કરીને પડો… ‘

યુવતીએ કશો જવાબ ન આપ્યો. ચૂપચાપ યુવક સામે જોઇ રહી.

યુવકની નજર સામે દેખાતા સૂર્ય તરફ મંડાઇ હતી.

યુવતી તરફ જોતા તેણે ધીમેથી પૂછયું.

‘ પાંચેક મિનિટ બેસવું છે ? રાહ જોવી છે ? ’ રાહ શેની ?’

‘ આ સૂરજ મહારાજ અંતર્ધ્યાન થાય તેની..જુઓ..સામે..અસ્ત થવાની તૈયારી ચાલી રહી છે.. કાલે ઉગતો સૂરજ ભલે ન જોઇ શકીએ…આથમતો સૂરજ હી સહી…જોકે આથમતો..એ પણ આપણો એક ભ્રમ માત્ર જ ને ? કયાંક આ જ સૂર્ય આ ક્ષણે ઉગતો હશે.. આમ પણ જુઓ ને..સૂરજ તો રોજ એક જ… પણ સવાર તો રોજ અલગ જ ને ? કયારે કઇ સવાર..કેવો રંગ લાવે એ કોણ કહી શકે ? આથમતો સૂરજ કદાચ માનવીને ફિલસૂફ બનાવી દેતો હશે નહીં ? જુઓ…જુઓ.. વાહ… જતા જતા યે કેવો રંગવૈભવ વેરી રહ્યો છે નહીં ? યુવકે સામે આંગળી ચીંધી. યુવતીએ તે તરફ નજર કરી..

આકાશમાં સંધ્યાની લાલિમા પ્રસરતી જતી હતી.પર્વતની પેલે પાર અદભૂત દ્રશ્ય સર્જાયું હતું..

‘ ચાલો, આપણે આપણા ઇરાદાને આખરી અંજામ આપીશું ? રેડી ? વ..ટુ..થ્રી…કરીશું ? સાથે કે વારાફથી ?

યુવતીએ કશો જવાબ ન આપ્યો..
ફરી થોડી ક્ષણો મૌનનું આવરણ ઓઢીને બંને ચુઇંગ ગમ ચગળતા રહ્યા..

ક્ષિતિજ પરથી ધીમે ધીમે સૂર્ય આંખોથી ઓઝલ થતો રહ્યો. માળામાં પાછા ફરતા પંખીઓએ ઝાડવે ઝાડવે કલરવના દીવા પ્રગટાવ્યા..અઢળક ટહુકાઓ ખીણમાં પડઘાઇ રહ્યા.

અચાનક યુવતી ધીમેથી બોલી ઉઠી..

‘ થેંકસ…મને બચાવવા માટે..ક્ષણિક આવેશમાંથી ઉગારવા માટે..’

‘ અરે, હું કંઇ તમને બચાવવા માટે થોડો જ… હું તો પોતે…. .

વાકય પૂરું થાય એ પહેલા જ…

’ આઇ એમ સ્યોર..તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા…’

ઝાંખાપાંખા અજવાસમાં યુવકના ચહેરા પર સ્મિતની આછેરી લહેરખી ઉડાઉડ….યુવતીની આંખોમાં દીપ ઝળાહળા… ઝાડવાઓ કલબલાટથી ખીણ ગજવી રહ્યા.

( પરબ ડીસેમ્બર 2011માં પ્રકાશિત મારી વાર્તા )