એ જમાના ગયા..

જમાના ગયા.

 ‘હવે તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? ‘

દેવુ નાનો હતો ત્યારે બધા રંગો તેને બહું ગમતા. તેથી મને થયું કે આવે છે  તો…’

અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ. રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું. ‘ પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે..

 

ભૂલી ગઇ ? બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો..પણ બે દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો.

આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે નેઆવું કેટલું યે ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉંહું તો મારા દેવુને ગમશે કરીશ. આખી જિંદગી ભલે બદલાયાહવે બદલાઇશું. ‘ ’ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? ‘

બધી માને એવું લાગતું હોય છે. પણ સો વાતની એક વાત.!

આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો નથી આપવો નેકોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશુંપછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. ’

હા, અને પાછો તેનો સાત વરસનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળીએટલે નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો..બા, હું તમારું ઘર જોવા આવું છું. ‘ પૌત્રની વાત યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઇ ગયો.

 

તો રમેશભાઇની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ?

પતિ પત્ની એકબીજા સામે ધૂંધળી આંખોએ મૌન બની જોઇ  રહ્યા.

 જરાવારે સ્વસ્થ થઇ ને રમેશભાઇ બોલ્યા, ‘ એટલે તો ઘર  સરખું, એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાણી થોડું ગમેએમને તો બધી સગવડ જોઇએ.

અને દેવુએ  તેના દીકરાને કેટલીયે અને કેવી વાતો ઘર વિશે કરી હશે..તેથી તો નાનકડા રોહને મને ફોનમાં કહ્યું હતું ને કે

 “ દાદા, તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે !  “

  દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો..? ના..ના..મારા દીકરાને જરાયે ઓછું આવે એવું  હું નહીં થવા દઉં…’

 સાત વરસના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે..તેની મીઠી કલ્પનામાં  પતિ પત્ની બંને ખોવાઇ  રહ્યા.પાંચ વરસ પહેલાં દીકરો એકલો આવ્યો હતોઆજે  હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ  આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકતો હતો. દેવાંગ કયારેક  રોહન સાથે ફોનમાં વાત કરાવતો. પણ જોવા તો હવે મળશે. પૌત્રને  પોતે શું આપશે..કયાં લઇ જશે, તેને શું ગમશે, શું નહીં ગમેતેની ચર્ચામાં દાદા, દાદી  મશગૂલ થઇ ગયા.

પૈસાનો કોઇ પ્રશ્ન હતો નહીં તેથી ઘરનું કામ ઝપાટાબંધ થવા લાગ્યું. રમેશભાઇ માથે રહીને દેખરેખ રાખતા.

 કારીગરોને કહેતા રહેતા..

જોજો, કયાંય કચાશ રહેવી જોઇએ હોં. મારો દેવુ..મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ  થવું જોઇએ.પૈસા પૂરા લેજો પણ મને કામમાં વેઠ નહીં ચાલે..હા, કહી દઉં છું. મારો દેવુ આવે છે..

અને મારો દેવુ કંઈ માસ્તરના દીકરાની જેમ બે દિવસ નહીં.. તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શકયા નહીં. પછી બિચારા દીકરાનો શું વાંક ? સગવડોથી ટેવાઇ ગયો હોય એટલે આવામાં રહી શકે ને ? પણ હું કંઇ એવી ભૂલ થોડો કરું ?

રમેશભાઇ પોતાની જાતને સધિયારો આપતા હતા  કે પછી…..

 દીવાલો પર વરસોથી ટહુકતા મોર,પોપટ અદ્રશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ, ચમકતી..ડીસ્ટેમ્પરવાળી દીવાલો શોભી ઉઠી. નીતાબહેન મૌન રહી પતિની ધૂન જોઇ રહેતા.

પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખ્યુંવરસો સુધી સાચવેલ તેનું નાનું ટેબલ..જેના પર દેવુએ જાતજાતના રંગીન સ્ટીકરો ચોંટાડેલ હતા. જે  બધા હવે અડધા ફાટી ગયા હતા. તો પણ નીતાબહેનને દીકરાની યાદગીરી માનીને આજ સુધી સંભાળી રાખ્યા હતા. તે કચવાતે મને કાઢી નાખ્યાતેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ અને  કાચનો મજાનો  ફલાવરવાઝ ગોઠવાઇ ગયા. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ.. હતો જેને દેવુ પોતાનીજાદુઇ પેટી ‘  કહેતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ., જાતજાતના ચિત્રો, સાપસીડીની ઘસાઇ ગયેલ રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખા થઇ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં વીંટાયેલ થોડો ગુલાબી દોરો, તૂટી ગયેલ પૈડાવાળી બે ચાર નાની મોટરો..કેરમની થોડી કૂકરીઓ, કપડાના ગાભાનો બનાવેલ એક દડો, ચાન્દામામા માસિકના વરસો પહેલાના થોડા અંકો..જેના જીર્ણશીર્ણ થઇ ગયેલા  પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા. આવો કેટલોયે ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભારણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. માયા છૂટતી નહોતી. આજે બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે યાદો નકામી બની ગઇ હતી ?

માનવી પણ આમ એક દિવસ નકામો..ભંગાર બની જતો હશે  ને ? બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઇ સાદ સંભળાઇ રહ્યો હતો.. કોઇ તેને રોકી કે ટોકી રહ્યું હતું કે શું ? કે પછી ભણકારા ?  ‘

બા, મારી બધી કીમતી વસ્તુઓને  કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઇ ખબર પડે..તું  મારું બધું  આડુંઅવળું કરી દે છે. ભલે ધૂળ ખાતું..હું મારી જાતે સાફ કરીશ. ‘

કોણ બોલ્યું ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? તો દેવુના શબ્દો ક્ષણે પોતાને કેમ સંભળાયા ?

ભણકારા તો..! તેમની આંખો પુત્રની યાદમાં છલકી આવી. વરસો પહેલા કયારેક પોતે કબાટ સાફ કરવા લેતી તો દેવુ પોતાને કેવો ખીજાતો..આજે પણ  ખીજાય છે કે શું ? ના..આજે..તો બધું  કચરો..ભંગાર બની ગયો હતો..ભારે હૈયે, હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફસૂફી આદરી.

પતિએ ખાસ સૂચના આપી હતી.કે  દેવુનો રૂમ બરાબર સાફ કરવાનો છે

મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠયા. ફળિયામાં નવો બાથરૂમ અને કમોડ બનાવ્યા હતા. જો કે કરવા જતાં વરસોથી ફળિયામાં ઉભેલ..સુખ દુ:ખના સાક્ષી અને સાથી બની રહેલ  નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડયા હતા. તેનો  રંજ ઓછો નહોતો. રમેશભાઇનો જીવ ખૂબ કચવાયો હતો. પરંતુ મનમાં સતત એક રટણા હતી..

શિવલાલ માસ્તરના છોકરાની જેમ કયાંક દેવુ પણ…….!

 રમેશભાઇ આગળ વિચારી શકયા. ઘરમાં ડાઇનીંગ ટેબલ, સોફા, અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસમોટો પલંગ આવી ગયો. કયાંય કોઇ કચાશ રહેવી જોઇએ..દેવુને લાગવું જોઇએ કે હવે અહીં પણ બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઇએ..ફરીથી આવવાનું મન થવું જોઇએ..પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી જે પોતાને અતિ પ્રિય હતી..હમેશા સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનુ કંઇ જોઇએ..સગડી ચૂલા તો કયારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા..તે પણ ભંગારમાં ગયા..હાશ ! ચારેતરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઇ પહેલીવાર સોફામાં ગોઠવાયા..થોડું અડવું તો લાગ્યુ. પરંતુ દેવુને ગમશે. બસ એક ધૂને

 મનમાંથી બધો રંજ  તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો.

નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઇ રહેતા હતા. કયારેક તેમનાથી એક નિ:શ્વાસ નખાઇ જતો હતો. પણ….. !

ઘરનું કામ પૂરું થતાં મન ખાવાપીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી.’ તારી ગોળપાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારાબધું ભૂલી જએ. પાછી હરખપદુડી થઇને

  “  મારી ગોળપાપડી બહુ સરસ બને છે..દેવુને બહુ ભાવે છે….!  “ બધી જૂની પુરાણી  વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઇએ..શું સમજી ? હવે તેને એવું બધું ખાવાની આદત હોય તે યાદ રાખજે

નીતાબહેન શું સમજે ? બાઘાની જેમ  પતિ સામે જોઇ રહ્યા.

 દીકરા માટે ઘરમાં મેગી, નુડલસના પેકેટો, તૈયાર જયુસના પેક..જાતજાતના ડબલાસૂપના પેકેટ વિગેરે બાજુના શહેરમાંથી મગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર,ચીઝ, સોસ,જામના પેકેટ ઘરમાં ઠલવાઇ ગયાતો રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે ? દેવુ અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટીવાળી સોડા પીવાની બહું આવતી. રમેશભાઇને થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયુંલેવા પણ ગયા.પરંતુ આવ્યા ત્યારે નાળિયેરને બદલે હાથમાં સોફટડ્રીંકસની બોટલો..થમ્સ અપ, કોક અને પેપ્સી હતાનીતાબહેન બોટલોને તાકી રહ્યા.

 હવે તો એક દિવસ..બસ એક દિવસ..કાલે તો દેવુ અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. એક મહિનો..પૂરો એક મહિનો ઘર ગૂંજી રહેશે. દેવુ કંઇ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો બે દિવસમાં ભાગી જશે ?

 દેવુ સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ’ના, ના, થોડો એમ ધૂળમાં રમવાનો છે ? દેવુ સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઇને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવુ કેટલીયે વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવુ દડો લૂછતો દેખાતો હતો

જોકે હવે તો ફળિયામાં ધૂળ   કયાં હતી ? ફળિયુ તો કેવું  ચકાચક  કરાવી લીધુ હતું.

અમેરિકાવાળાઓને ધૂળની કેટલી નફરત છે પોતે કયાં નહોતું જોયુ

 ફળિયામાં બાપદાદાના સમયથી કૂવો હતો..જેનું પાણી વરસોથી પી ને  પોતે અને દેવુ પણ મોટા થયા હતા. તે પણ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આવા ઘરમાં કૂવો થોડો શોભે ?

જોકે પત્નીને બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી. પણ અંતે પુત્રપ્રેમ આગળ બધાની શું વિસાત ? તેથી  અંતે બધું સમુસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ..હવે તો કાલે દેવુ આવશે અને બધું જોઇ તેને હાશ થશે.

વિચારો..કલ્પનાઓમાં માણસ કેટકેટલું જીવી લેતો હોય છે.!

રમેશભાઇએ દીકરાનું આખું શૈશવ ફરી એકવાર બે કલાકમાં જીવી લીધું. ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા.

બરાબર ત્યારે પ્લેનમાં બેસેલ દેવાંગદેવુ પોતાના સાત વરસના પુત્રને કેટલાય રસથી થાકયા વિના બધી વાત કરતો હતો. ભારતમાં ડેડીને ઘેર શું હશે..કેવું હશે  તે સાંભળી સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઇ ગયું હતું. સમજાતી  કેટલી યે  વાતો તેણે ડેડીને પૂછી પૂછીને સમજી હતી.

ઘરની દીવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે..ફલાવર્સના ચિત્રો હશે.. વાત તો રોહનને એટલી અદભૂત અને રોમાંચકારી લાગી હતી કે તે બધું જોવા અધીર થઇ ઉઠયો હતો. અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો,’ ડેડી, કેટલા પીકોક હશે ? પેરેટ કેવા..કેવડા હશે ?..’

અને ફળિયામાં કૂવો હશે…! કૂવો એટલે શુંતેમાંથી પાણી કેમ નીકળે..કેમ કઢાય? બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો પણ તેને મજા પડી ગઇ હતી. રોહને તો કલ્પનામાં પાણીની  કેટલીયે ડોલો ઉલેચી નાખી હતી.

 

 બેટ બોલ કેવા હશે..પોતે કેવી રીતે રમશે..લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો.

 નીલગીરીના બે પાન તોડી, મસળીને હાથમાં ઘસીએ એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે વાત કરતાં તો દેવાંગ પણ ફરી એકવાર સુગંધથી સુરભિત થઇ ઉઠયો. અને રોહન તો..’ ઓહ..! વાઉ! લીફને ઘસીએ એટલે પરફયુમ જેવી સ્મેલ આવે ? વોટ મેજિકઆસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ લાલ ટેટા કેવા ખવાય.. બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકયા હતા. દિવાળીમાં વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે..નીલગીરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને  કથા કરાવશે..સત્યનારાયણની કથાનો શીરો ખાધે વરસો વીતી ગયા. હજુ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેક કે કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. બધું થોડી વાર  તેને ભૂલી જવું હતું. ફરી એકવાર દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી.

ગામમાં લાઇટો ભલે આવી ગઇ હોય..પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં બે ચાર દિવસ તેને ઝળાહળા થવું હતું. માળિયેથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે.

 બહાર ઠંડા,મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલવ સાથે ગોઠડી કરતા કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ગયોખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતાં તેને તો વાત બહુ ગમી ગઇ. સૂતા સૂતા સ્ટાર અને મુન દેખાય..વાઉ ! સ્ટારની તો કેટલી બધી પોએમ્સ પોતાને આવડે છે. ડેડીએ કહ્યું છે કે  સૂતા સૂતા દાદાજીને તારી બધી પોએમ્સ સંભળાવજે. બા, દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે  રમશે અને આખા સૂઇ જવાય તેવી ખુરશી..! વાહ.. પોતાને કેવી મજા પડશે..! અમેરિકામાં તો પોતાને ઘેર આવું  કંઇ નથી.

 ઘોડાગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા આવી ગઇ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે. મંદિર, આરતી..ઓહ..! ઇન્ડીયામાં કેટલું બધું છે.

બા અને દાદાજીને જેશ્રીકૃષ્ણ કેમ કહેવાય એની તો કેટલી બધી વાર પોતે પ્રેકટીસ કરી હતી. Indian good morning..એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો સ્ટોરી પણ ડેડીએ કરી હતી. અને દાદાજી તો રોજ બધી સ્ટોરી પોતાને કરશે..કનૈયો ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશેઇંડીયન કેડબરી દાદીમા ઘરમાં જાતે બનાવે છે.!

રોહન આતુર બની ઉઠયો. પપ્પાના સરસ મજાના ઘરને મળવા

ત્યારે દેવાંગ વિચારોને ઝૂલે ઝૂલી રહ્યો હતો. એક મહિનામાં ફરી એકાદ વરસ ચાલે તેટલું ભાથુ મળી જશે.. હવે તો લીઝા ગમે તે કહે દર વરસે એક મહિનો તો ઘેર બા પાસે આવવું છે. લીઝા આવે તો કંઇ નહીં. પોતે તો રોહન સાથે આવશે . થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ..હવે નહીં..

દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગીરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર….!

 રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો !

ત્યારે દાદાજી  ટેક્ષીની વ્યવસ્થા કરવામાં મશગૂલ હતા.મારો દીકરો ઘોડાગાડીમાં ઠચૂક ઠચૂક કરતો થોડો આવશે ? જમાના ગયા..

( parab ma prakashit 2011)

પારકા..પોતાના..

મમ્મી..મમ્મી, કરતા  ચાર   વરસના લવના ડૂસકાં શમવાનું નામ નહોતા લેતા.મમ્મી કારમાં બેસીને ગઇ..તે તેણે નજરે જોયું હતું. આજે પોતાને કેમ સાથે ન લઇ ગઇ ? દાદીમાને પૂછતાં તેને બીક લાગતી હતી. દાદીમાને પોતે નહોતો ગમતો. એટલું તો આ અબોધ બાળક સમજી ચૂકયો હતો. માયાબેને રડતાં લવને શાંત કરતાં કહ્યું હતું.

મમ્મી, થોડાં દિવસમાં આવી જશે. તે તારા માટે નાના ભાઇને લેવા હોસ્પીટલે ગઇ છે. ‘’

મને કેમ ન લઇ ગઇ ?  

ત્યાં તારે ન જવાય.

‘’ તો મારે ભાઇ નથી જોતો. મમ્મી જોઇએ છે.’’

‘ ચૂપ. પાછળથી દાદીમા જોશથી બોલ્યા.

લવ દોડીને  કામવાળા બેનની  સોડમાં લપાઇ ગયો.

માયા, આને વધારે માથે ચડાવીશ નહીં. શું સમજી ?

માયાએ સમજી હોવાના પુરાવા તરીકે માથું ધૂણાવ્યું. લવને લઇ તે ત્યાંથી ચાલી ગઇ.

રડતા લવને કેમ સમજાવવો તે માયાને ખબર પડી નહીં. અંતે તેણે બાળકને સૂવડાવવા ડરનો જ આશરો લીધો.

જો , જલદી સૂઇ જા. દાદીમા આવશે ને તો પાછા ખીજાશે. તને ખબર છે ને દાદીમા કેવા ગુસ્સે થાય છે ? બાવા પાસે પકડાવી દેશે.

’’ મમ્મી, છોડાવશેને ?

પણ મમ્મી તો હોસ્પીટલમાં ગઇ છે..ભાઇને લેવા.

 ‘’ પણ શું કામ ? મારે ભાઇ નથી જોતો. ભાઇ હોસ્પીટલમાં મળે ?

 ‘’ હા, ત્યાં મળે.’’

 મમ્મી કયારે આવશે ? 

ભાઇ આવી જશે ત્યારે.

ભાઇ કયારે આવશે ?

 થોડા દિવસ પછી.

 ‘’ જલદી કેમ નથી આવી જતો ?

 એમાં વાર લાગે. ભાઇ નાનો છે ને એટલે..’’

 બધી વાતમાં ‘ ભાઇ..  આ ન જોયેલા ભાઇ ઉપર નાનકડા  લવને એવો તો ગુસ્સો આવ્યો. એક તો મમ્મીને લઇ ગયો.  ને પોતે પાછો જલદી આવતો નથી. તેને ખબર નથી કે મમ્મી ન હોય ત્યારે દાદીમા એને કેવા ખીજાય છે.  તેને ગુસ્સો તો  મમ્મી  ઉપર પણ આવતો હતો. ભાઇને લેવા ગઇ..તો ભલે ગઇ. પણ પોતાને સાથે લઇને કેમ ન ગઇ ? નહીંતર મમ્મી જે લેવા જાય એમાં પોતાને સાથે લઇ જ જતી હતી.   ને આ બધાનું કારણ ભાઇ…ભાઇ આવે એટલી વાર છે. પોતે એને ખીજાશે..દાદીમા પાસે મૂકી આવશે. ભલે દાદીમા એને ખીજાયા કરે. પોતે તો મમ્મી પાસે….’

લવનું બાળમન કલ્પના કરતું રહેતું. પણ…

પણ.. આઠ દિવસ પછી નાનો ભાઇ ઘેર આવ્યો ત્યારે તેના આશ્ર્વર્ય સાથે લવે જોયું કે દાદીમાએ તો ભાઇની આરતી ઉતારી..તેને ચાંદલો કર્યો.  ઘરમાં આવતાની સાથે જ તેને તેડી લીધો. દાદીમા તો ખીજાવાને બદલે ગીત ગાતા હતાં. ઘર આખું સરસ શણગાર્યું હતું.

મમ્મી પણ ખુશખુશાલ હતી. થોડીવાર તો  તે પણ લવને જાણે ભૂલી જ ગઇ. પછી  અચાનક ખ્યાલ આવતા લવને નજીક બોલાવ્યો. એકાદ મિનિટ તો લવ રિસાઇ રહ્યો.પણ પછી રહેવાયું નહીં. કેટલા દિવસે માને જોવા પામ્યો હતો. દોડીને મમ્મી પાસે પહોંચી  ગયો.

અરે, અરે, ઇરા, આઘો રાખ આ છોકરાને…આને કયાંક લગાડી દેશે…દાદીમાએ વહુને કહ્યું

ઇરા લવને નાનો ભાઇ બતાવી રહી. લવની આંખોમાં તો વિસ્મયના વાદળો ઉમટયાં હતાં.કેવો નાનકડો છે !મારો ભાઇ છે ? તેણે મમ્મીને પૂછયું. ઇરાએ હસીને હા પાડી. લવને આ નાનકા ભાઇ પર વહાલ ઉભરાઇ આવ્યું. તે  તેને વહાલ કરવા નીચો નમ્યો.ત્યાં…દાદીમા તેનો હાથ પકડી દૂર ખેંચી  ગયા.એકવાર કહ્યું ને કે એને અડવાનું નહીં. લાગી જશે

‘  હું એને લગાડીશ નહીં. મારો ભાઇ છે. ‘

થોડાં ડરતાં ડરતાં  લવે  જવાબ દીધો.

જોયો મોટૉ ભાઇ વાળો… બબડતા દાદીમા ત્યાંથી ચાલતા થયા.લવને રડવું આવી ગયું. ભાઇ તેનો છે એમ કહે છે પણ  તેને કોઇ અડવા તો નથી દેતું. તે થોડો ભાઇને લગાડવાનો છે ? તે તો ભાઇને જોશે..રમાડશે… તેને વાલુ વાલુ કરશે.પોતાના  રમકડાં આપશે.

બે દિવસ વીતી ગયા. કોઇ લવને  ભાઇ પાસે જવા નથી દેતું. જે આવે છે તે બધા ભાઇના જ વખાણ કરે છે. તેને રમાડે છે. પોતાનું તો કોઇ પૂછતું પણ નથી. બધા ભાઇને કંઇક આપે છે. પોતાને કંઇ જ નહીં. મમ્મી  પણ દાદીમા ન હોય ત્યારે જ બોલાવે છે. તેને   ભાઇને અડવાનું  મન થાય છે. પણ અડતો નથી. મમ્મી પણ ભાઇની જ વાત કરે છે. ભાઇનું નામ કુશ  છે.

‘ લવ, તને ગમે છે ને તારો ભાઇ ? લવે  જોશથી ડોકુ ધૂણાવી ના પાડી. ભાઇએ આવીને પોતાની મમ્મી લઇ લીધી હતી..કેમ ગમે ?  કહે છે કે લવનો ભાઇ છે. પણ પોતાને એની પાસે જવા તો દેતા નથી. આવો ભાઇ કેમ ગમે લવને ?

બેટા, એવું ન કહેવાય.

મમ્મી લવને આગળ કશું સમજાવે ..તે પહેલાં દાદીમા હાજર..

લવ ત્યાંથી રફુચક્કર..ઇરાએ એક નિશ્વાસ નાખ્યો.  સાસુને શું કહેવું ? લવ તેને કયારેય પોતાનો લાગ્યો જ નહોતો. ને લાગવાનો પણ નહોતો. એની પોતાને  ખબર હતી જ.  હવે  કુશના આગમનથી  તો લવ તેમને  સાવ જ અળખામણો લાગતો હતો. શું કરે પોતે ?

તેણે લવને સાચવી લેવાનું પતિને  કહ્યું. પણ અંકિત પાસે એવો સમય કે એવી ધીરજ કયાં હતા ?

તું ચિંતા ન કર. થોડો સમય થશે એટલે લવ પોતે જ સમજી જશે બધું.

આખા ઘરમાં જાણે કુશનું રાજ છે.  કુશ જરાક હસે તો બધા રાજી રાજી..કુશ રડે તો બધા દોડે. દાદીમા પણ કુશની આગળ પાછળ ફરે છે. લવને નવાઇ લાગે છે..દાદીમાના વર્તનની..  

હવે પોતાને સ્કૂલે મૂકવા મમ્મી નથી આવતી. માયા મૂકી જાય છે.  બસ..આખો દિવસ કુશને ખોળામાં લઇને મમ્મી બેસી રહે છે.  કુશને પોતાની સાડી નીચે ઢાંકી રાખે છે. માયા કહે છે.

‘ કુશ મમ્મીના ખોળામાં મમ   કરે છે. ‘

 મમ્મી હવે પોતાને જમાડતી નથી. સૂવડાવતી નથી. વાર્તા કહેતી નથી.હવે એ બધું કામ માયા કરે છે. પણ લવને તો મમ્મી જોઇએ છે.  

જોકે   અકળાય તો ઇરા પણ છે પણ શું કરવું તે સમજાતું નથી. કયારેક લવને વહાલ કરી સમજાવવા જાય છે પણ સાસુ લવને તેની નજીક બહું આવવા જ નથી દેતા. કુશ રાતે જાગે છે અને પોતાને પણ  આખી રાત જગાડે છે. કુશની ઉંઘ સાવ ઓછી છે. તેથી દિવસે પણ તેની પાછળ ધ્યાન આપવું પડે છે. પરિણામે ઇરાને લવ માટે સમય કયાં જ બચે છે ? ઇરાનું આખું અસ્તિત્વ કુશ  પાછળ વ્યસ્ત થઇ ગયું છે. પોતાની છાતીમાંથી દૂધ પીતા કુશને નીરખી રહે છે. એક  હૂંફાળો  અનુભવ. આ અનુભવનો એહસાસ તો હવે જ પામી છે. લવની મા હોવા છતાં જનેતાનું ગૌરવ તો કુશે જ અપાવ્યું. પોતે  જ યશોદા અને પોતે જ દેવકી..

કુશને દૂધ પીવડાવતાં તેના મનમાં લવના વિચારો ચાલી રહ્યા છે. આજે અચાનક મનમાં રમી રહી છે ત્રણ વરસ  પહેલાની એ ક્ષણ…

એક વરસનો એ છોકરો …જોતાં જ ઇરાને ગમી ગયો હતો. થોડૉ શ્યામ વર્ણ..પણ તેની મોટી મોટી ભાવવાહી આંખોમાં  પોતાનું પ્રતિબિંબ ઝિલાયું  હતું કે શું ?  આટલા બધા છોકરાઓમાંથી તેની ઉપર જ પસંદગીની મહોર લાગી.  જયારે પસંદગીને અવકાશ હતો ત્યારે દિલને ગમી જાય એ જ લેવાય ને ? એક વરસનો આ છોકરો તેની સામે   ટગર ટગર  જોઇ રહ્યો હતો. ઇરાએ બોલાવ્યો તો ખિલખિલ હસી પડયો. પાસે તો ન આવ્યો. અજાણ્યું લાગતું હતું કે ડર લાગતો હતો તે ઇરાને સમજ ન પડી. પણ આ બાળકમાં તેને તેના કનૈયાના દર્શન જરૂર થયા. કાળા, વાંકડિયા વાળ, આકર્ષક ચહેરો, પ્રભાતના પહેલા કિરણ જેવું સ્મિત, આંખોમાં અપાર આશ્ર્વર્ય..હજુ બોલતા તો નહોતો શીખ્યો. પણ ડગુમગુ ચાલતા જરૂર શીખ્યો હતો.

ઇરાએ તેને ફરીથી બોલાવ્યો. થોડીવાર તે તેની સામે જોઇ રહ્યો. પછી ધીમેથી ડગલું ભર્યું. બે ચાર ડગલાં ભર્યા ત્યાં ગબડી પડયો. ઇરાને દોડીને ઉંચકવા ગઇ ત્યાં તો હસતો હસતો પાછો ઉભો થયો અને ફરીથી ડગુમગુ ચાલુ..  ઇરા ખુશખુશાલ. તેણે અંકિત સામે જોયું. અંકિતે માથું હલાવી સંમતિ દર્શાવી. આમ પણ આ નિર્ણય ઇરાનો હતો. તેને પોતાને તો એવી કોઇ જરૂર નહોતી લાગતી. પરંતુ  ઇરાની ઇચ્છાને તેણે હમેશની જેમ સ્વીકારી હતી.સઘળી  કાનૂની વિધી પતાવી એક વરસનું એ શિશુ  તેમના ઘરમાં આવ્યું ત્યારે મકાન ઘર બની હસી ઉઠયું.  દીવાલો એક બાળકની કિલકારીથી ચહેકી ઉઠી. ઇરાએ તેનું નામ લવ  પાડયું.

ડગુમગુ ચાલતા પગ ધીમે ધીમે સ્થિર થયા. લવની આંખો ઇરાને ઓળખતી થઇ. લવના કાલાઘેલા શબ્દોથી   ઘરમાં ચેતન ઉભરાયું.  હવે અંકિત ઓફિસેથી મોડો આવે છે તો ઇરાને ફરિયાદ કરવાનો સમય પણ નથી હોતો. આજે લવે શું કર્યું..શું નવું શીખ્યો તેની વાતો અઢળક વાતો…અંકિત ઇરાનું  આ બદલાયેલું સ્વરૂપ…માતૃસ્વરૂપ જોઇ રહે છે. આ ઇરાને તો તેણે કદી જોઇ નથી. પહેલીવાર લવે ઇરાને મમ્મી કહીને બોલાવી ત્યારે તો ઇરાની આંખોમાં ગંગા જમના ઉમટી  હતી. આ શબ્દ સાંભળવા તે દસ વરસ તડપી હતી…તરસી હતી…આજે એ શબ્દ તેના અસ્તિત્વને ઝંકૃત કરી રહ્યો હતો..રણઝણાવી રહ્યો હતો…બે  વરસ તો ચપટી વગાડતા જ..એક શમણાંની માફક ….

લવના ત્રીજા બર્થ ડેની  પાર્ટીમાં જ  અચાનક ઇરાને ઉલટીઓ….પાર્ટીમાં તેના ડોકટર મિત્ર હાજર હતા. અને…અને સર્જાયો હતો એક ચમત્કાર….જે ડોકટરે તેને તે મા બની શકે તેમ નથી એમ કહેલું  તે જ ડોકટરે આજે…

  ઇટસ એ મીરેકલ.. કહી તેને મા બનવાના સમાચાર આપી અભિનંદન આપ્યા હતા.

લવે  તેના જન્મદિવસની તેને આપેલ આ ભેટ હતી ? વરસોથી જે પળની પ્રતીક્ષા હતી..તે પળ સામે આવી હતી…અંકિત પણ સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ…ઘરમાં ખુશીનું સામ્રાજય…તેના સાસુ પણ દોડી આવ્યા હતા. અનાથાશ્રમમાંથી છોકરો લાવ્યા તે ન ગમવાથી…..

  તમને ગમે તે કરો..મારું થોડું માનવાના છો ? કહી રિસાઇને ગામડે ચાલી ગયા હતા. હવે સારા સમાચારની  જાણ થતાં જ બધું ભૂલીને ઘેર આવી ગયા હતાં. લવને લાવીને ઇરા માતા બની હતી. કુશે તેને જનેતા બનાવી. લવ  પોતાની કૂખે નથી જન્મયો તે વાત પોતે તો ભૂલી ચૂકી હતી. પણ સમાજ તેને કયાં ભૂલવા દે તેમ હતો ?

આજે ઇરાની નજર સામે બધા દ્રશ્યો ફરી એકવાર …

કુશ મોટૉ થતો ચાલ્યો. તે બેસતા શીખ્યો, ડગુમગુ ચાલતા શીખ્યો. ખૂબ ચંચળ છે કુશ. લવની બુકસ,પેન્સિલ, રબર નાસ્તા બોક્ષ બધું તેને જોઇએ છે. કશું રહેવા નથી દેતો.   દાદીમા તો લવને  ખીજાવાનો એકે મોકો નથી છોડતા.

  ‘ કશું ઠેકાણે રાખતો નથી.. કંઇ સંસ્કાર જ નથી. ન જાણે કોનું….’

જોકે દાદીમા વાકય પૂરું કરતા નથી.  લવને કંઇ સમજાતું નથી. કુશને તો કોઇ ખીજાતું નથી. તોફાન તો એ કરે છે. મમ્મી પણ આખો દિવસ તું મોટૉ છે..એ તો નાનો છે. એ થોડૉ સમજે છે ? એવું બધું જ કહ્યા કરે છે. નથી થવું તેને મોટું….કુશ આવ્યો એટલે જ પોતે મોટો થઇ ગયો. અતિ સંવેદનશીલ લવને વારેવારે રડવું આવી જાય છે. પણ તેને છાનો રાખવાનો સમય હવે કોઇ પાસે નથી.

જોકે નાનકડા કુશને તો લવ  વિના એક મિનિટ ચાલતું નથી. ભાઇ..ભાઇ કહેતો કુશ લવની પાછળ પાછળ જ ફર્યા કરે છે. લવના બાળ મનને કુશ ગમે છે..અને નથી ગમતો…બંને એકી સાથે થાય છે. કશું સમજાતું નથી.

 ઘરમાં લવ અને કુશની ધમાચકડી ચાલતી રહે છે. બંને ભાઇના તોફાનથી  ઇરા કયારેક અકળાય છે. થાકી પણ જાય છે. તે કંઇ હવે  ત્રીસ વરસની નથી.

એક દિવસ કુશના હાથમાં ભાઇના ક્રેયોનસ આવી ગયા. છ વરસનો લવ  તેનું હોમવર્ક  કરી રહ્યો હતો. લવની એક બુક લઇ તેણે તેમાં રંગો પૂર્યા.પછી હરખાઇને ભાઇને બતાવવા ગયો. પોતાની  મેથ્સબુકમાં આમ કલર પૂરેલા  જોઇ લવે ગુસ્સાથી કુશને એક લગાવી દીધી. કુશે ભેંકડો તાણ્યો. બરાબર ત્યારે જ ઇરા ત્યાં આવી. લવે  કુશને માર્યું તે જોઇ તેનાથી  ધડાધડ લવને બે લાફા લગાવાઇ ગયા.  નાના ભાઇને મારે છે ?

લવ ડઘાઇ ગયો.  મમ્મીએ તેને માર્યું ? મમ્મીએ ભાઇને માર્યું. તે જોઇ રડતો કુશ ચૂપ થઇ ગયો. અને ભાઇની આંખમાંથી વહેતા આંસુ પોતાના નાનકડા હાથોથી લૂછવા લાગ્યો.  ત્યાં દાદીમા આવી પહોંચ્યા. અને પછી તો પૂછવું જ શું ? તેમની જીભ હવે કાબૂમાં કેમ રહે ?

ઇરાને તો શું બોલવું તે સમજાયું નહીં. તે લવ અને કુશ બંનેનો હાથ પકડી અંદર ચાલી ગઇ. તેના મનમાં  કદી બંને ભાઇઓ વચ્ચે કોઇ ભેદભાવ નથી  જાગ્યો. લવ મૉટો હતો અને કુશ  અણસમજુ હતો એને લીધે સ્વાભાવિક રીતે જ લવને ખીજાવાનું વધારે થતું એટલું જ. પરંતુ  આજે તેને  એટલું તો જરૂર થયું કે પોતે  થોડું સ્ટ્રીક તો થવું જ રહ્યું. નહીંતર  છોકરાઓને બગડતા વાર કેટલી ?

રોજ કંઇ ને કંઇ તો બનતું જ રહે છે. ઇરા અકળાતી રહે છે. તેની અકળામણનું રૂપાંતર  ગુસ્સામાં થતું રહે છે.  મોટો હોવાથી સ્વાભાવિક રીતે જ એ ગુસ્સાનો ભોગ લવ  જ બને છે. દાદીમા  તો ખુલ્લેઆમ બંને ભાઇઓ વચ્ચે પક્ષપાત કરતા રહે છે. ઘરમાંથી એક લય ખોરવાતો રહે છે.

હવે તો કુશ પણ સ્કૂલે જાય છે. બંને ભાઇ વચ્ચે ઝગડાં તો દરેક ઘરની જેમ જ થાય છે. પણ ઉકેલ દરેક ઘરની જેમ નથી આવી શકતો. દરેક વખતે વાંક લવનો જ નીકળે છે. કુશ છાનોમાનો ભાઇની સળી કરતો રહે છે. અને લવ જાહેરમાં….

લવ તોફાની ગણાય છે. કુશ ચંચળ. હવે લવ દસ વરસનો  થયો છે.. દાદીમાના આખો વખત બોલાતા શબ્દોના અર્થ હવે તે પૂરા તો નહીં પણ  અડધાપડધા  સમજતો થયો હતો. અલબત્ત પોતે જે સમજયો છે તે સાચું છે કે ખોટું..એની ખાત્રી કોને પૂછીને કરે ?

અંતે  અંકિતની સૂચનાથી લવને થોડો સમય  હોસ્ટેલમાં મૂકવાનું નક્કી થયું. ત્યાં સુધીમાં કુશ પણ થોડો મોટો થઇ જશે અને સમજદાર બની જશે. પછી લવને પાછો લાવીશું  દાદીમા પણ થોડો  સમય શાંત બને એ જરૂરી હતું. નકામા ગમે તેમ બોલતા રહીને લવને વધારે હર્ટ કરતા રહેશે  એ વિચારે ઇરા પણ લવને થોડો સમય હોસ્ટેલમાં મૂકવા સંમત થઇ.

લવને હોસ્ટેલ માટે પૂછતી વખતે ઇરાને હતું કે લવ તેને છોડીને જવા તૈયાર નહીં જ થાય. પરંતુ તેના અશ્વર્ય વચ્ચે લવને વાત કરતા જ તેણે  જરા પણ  વિરોધ સિવાય તુરત હા પાડી. જાણે હોસ્ટેલમાં જવા તે આતુર કેમ ન હોય ? ઇરાને આશ્ર્વર્ય  તો થયું પણ સાથે સાથે તેણે રાહતનો શ્વાસ પણ  લીધો. તેને તો હતું કે લવને હોસ્ટેલમાં મૂકવાનું કેવું અઘરું બની રહેશે.પણ અહીં તો ઉલટુ જ બનતું જોઇ તેને ગુસ્સ્સો આવ્યો. ખરો છે આ છોકરો.. છે જરાયે પોતાને માટે માયા..મમતા..કેવી સીધી હા પાડી દીધી. એને તો હતું કે પોતાને છોડીને જવાની વાત કરતા જ લવ રડશે..ઘણાં ધમ પછાડા કરશે ..પોતે એને કેમ મનાવશે ? એ બધું  તેણે વિચારી રાખ્યું હતું. પણ અહીં તો એવી કોઇ જરૂર જ ન પડી. લવ તો જાણે  બધાથી છૂટવાનો હોય એમ તુરત તૈયાર.. અરે, કુશને તો લવનું કેટલું હતું. એ તો લવને જવાની વાત સાંભળતા જ રડી પડયો ને પોતે પણ સાથે જવાની જિદ પકડી ત્યારે લવે  જ તેને મનાવ્યો  હતો.

એટલે લવને જ જવાનું મન છે..એ જાણી ઇરાને આઘાત લાગ્યો. પોતે આટલો સ્નેહ આપ્યો છતાં તેને પોતા માટે એવી લાગણી કેમ નથી ? શા માટે તે પોતાને છોડીને જવા માટે આમ જલદી તૈયાર થઇ ગયો ?

સારી સ્કૂલ અને હોસ્ટેલમાં એડમીશન લેવાઇ ગયું. મૂકવા જવાની તૈયારી થતી રહી. ઇરા  લવની જરૂરિયાતની એક એક વસ્તુઓ ભેગી કરતી રહી. કંઇ ભૂલાઇ ન જાય..જાતજાતની ખરીદી થતી રહી. જવાનો દિવસ નજીક આવતો ગયો. લવ વધુ ને વધુ મૌન બનતો ગયો. ઇરાની દરેક સૂચનાઓનું તે અક્ષરશ : પાલન કરતો રહ્યો. હા.. રોજ રાત્રે બંને ભાઇઓ પોતાના રૂમમાં એકલા હોય ત્યારે તેમની વચ્ચે થોડી વાત થતી રહેતી. બંને ભાઇઓ સ્નેહની રેશમગાંઠે બંધાયેલા હતા જ. જવાને આગલે દિવસે  એકમેકને વળગીને બંને ભાઇ રડતા રહ્યા. અલબત્ત ફકત રાત્રે જ એકલા હોય ત્યારે જ. બાકી  કોઇની  હાજરીમાં તો  લવ બધાથી અળગો જ રહેતો. ઇરાની અકળામણ ગુસ્સારૂપે જ બહાર આવતી. એમાં દાદીમાના શબ્દો આગમાં ઘી પૂરવાનું કામ કરતા..

પારકા તે કદી પોતાના થયા સાંભળ્યા છે ? આંગળીથી નખ વેગળા તે વેગળા જ.. કુશને જેટલું થાય એટલું આ  પારકા છોકરાને તારું થોડું જ થવાનું ? જોયુંને  આ કુશ આટલો હિજરાય છે પણ એને પડી છે કોઇની ? સાવ ઢીઢ છે ઢીઢ.. ન જાણે કોનું….

પણ હમેશની જેમ ઇરા સામે નજર પડતા આગળનું વાકય પૂરું ન કર્યું.

લવની આંખો ભીની બની હોવાનો ઇરાને આભાસ થયો કે શું ?

ઇરાએ આંસુને ભીતર જ શમાવીને લવનો સામાન પેક કર્યો. લવ તો આજે આખો  દિવસ રૂમની બહાર જ નહોતો નીકળ્યો. કુશ એકલો એકલો અણોહરો થઇને ફરતો રહ્યો. આજે લવ તેની સાથે  બોલવા પણ  તૈયાર નહોતો.

બીજે દિવસે સવારે નીકળવાનું  હતું. નક્કી એવું થયું હતું કે અંકિત એકલો જઇને મૂકી આવશે. ઇરા સાથે આવશે તો ઢીલી પડી જશે.. એથી અંકિતે જ ઇરાને ના પાડી હતી. ઇરા પણ કબૂલ થઇ હતી. લવને પૂછતા તેણે કહ્યું હતું. કે મમ્મીને ધક્કો ખાવાની જરૂર નથી. ઉલટું તે સાથે ન જ આવે એવો આગ્રહ કર્યો હતો.

અને કદાચ એટલે જ ઇરાએ મન મક્કમ કર્યું હતું.

કુશને આજે  સ્કૂલે નહોતું જવું  પણ ઇરાએ તેને પરાણે ધકેલ્યો હતો. લવને જવા દેવો કુશ માટે સહેલું નહોતું એની ઇરાને જાણ હતી જ. સવારે લવનો સામાન મોટરમાં મૂકાયો. ઇરાને હતું હવે તો લવ તેને વળગીને રડશે જ.. પણ..

લવ તેને પગે લાગ્યો. અને ચૂપચાપ ગાડીમાં બેઠો. ન જાણે કેમ પણ ઇરા ગાડીમાં ચડી બેઠી.

અરે, ઇરા.. આ શું ?

અંકિત, સવારે જઇને સાંજે પાછું જ આવી જવાનું છે ને ? હું પણ આવું છું. પ્લીઝ..

અંકિતે  ઇરાની  હિંગળૉક આંખ સામે જોયું. અને કશું બોલ્યા સિવાય ગાડી સ્ટાર્ટ કરી.

આખે રસ્તે લવને બોલાવવા માટે ઇરા જાતજાતની વાતો કરતી રહી. પણ લવનું ધ્યાન તેની વાતોને બદલે બારીમાથી બહાર જોવામાં જ વધારે હતું. જરૂર પડયે એકાદ બે શબ્દમાં જવાબ આપી તે મૌન બની જતો.  અંતે  ઇરા ચૂપ બની ગઇ.

હોસ્ટેલમાં પહોંચી જરૂરી વિધી  પતાવી .ઇરાને લવની રૂમમાં આંટો માર્યો. તેની સાથે રૂમમાં બીજા કયા છોકરાઓ છે.. શું સગવડ છે બધી તપાસ કરી લીધી. બધું બરાબર લાગતા રાહતનો શ્વાસ લીધો. લવને તો જાણે આ બધા સાથે કોઇ નિસ્બત જ નહોતી.

બેટા, ફાવશે ને ? ગમશે ને ? નહીંતર આપણે  પાછા જઇએ હોં..

ના..અહીં તો મારા જેવડા કેટલા બધા છોકરાઓ છે મને મજા આવશે. ઇરા સામે જોયા વિના જ લવ બોલ્યો. અને પાછળ  ફરીને બીજા છોકરાઓ સાથે વાત કરવા લાગ્યો.

ગુસ્સો, દુ:ખ, હતાશા, વેદના, એક કસક.. ન જાણે કઇ કઇ લાગણીઓથી ઉભરાતી ઇરા લવને બાય કરી બહાર નીકળી ગઇ. ઇરા ગાડીમાં બેસી ગઇ. ગાડી નજરથી ઓઝલ થઇ ત્યાં સુધી લવ ગાડીની દિશામાં જોઇ રહ્યો. અત્યાર સુધી મહામહેનતે રોકી રાખેલા આંસુ હવે ધોધમાર વહી રહ્યા.

તેને થયું પોતે કોઇ હોસ્ટેલમાં નહીં..અનાથાશ્રમમાં આવી ગયો છે. અને   કદાચ એ જ  પોતાનું સાચું સ્થાન હતું.   

ઇરા ઘેર પહોંચી ત્યારે સાંજ પડવાની તૈયારી હતી.  કુશ કંઇક પૂછવા ગયો ત્યારે માથું દુખે છે કહીને ઇરા ડૂસકા સમાવતી પોતાના રૂમમાં જઇ પલ્ંગ પર પડી રડી પડી. લવે આમ કેમ કર્યું ? પોતે કોઇ ભૂલ કરી હતી ?

ત્યાં માયા હાથમાં ચાનો કપ લઇને આવી.

બહેન, આદુવાળી ચા પી લો..જરા  સારું લાગશે. ઇરાના આંસુ જોઇને તે બોલી ઉઠી.

બહેન, જે થયું તે સારું ન થયું.. લવને ખબર ન પડી   હોત તો સારું  થયું હોત..

એટલે ?  ઇરા સફાળી બેઠી થઇ ગઇ.

શેની ખબર ન પડી હોત તો ?

હમણાં થોડા દિવસો પહેલા દાદીમા લવ ઉપર ગુસ્સે થયા હતા અને ત્યારે મને કહેતા હતા અનાથાશ્રમમાંથી ગમે તે છોકરાને ઉપાડી આવીએ એટલે કંઇ એ પોતાના થઇ જાય. પારકા તો પારકા જ રહેવાના.. આ લવ મોટો થઇને કેવો નીકળશે કોને ખબર ? ‘

બહેન લવ આ બધું સાંભળી ગયો હતો  મને પૂછતો હતો  કે ..

માયા આગળ બોલતી રહી. પણ ઇરાને કશું સંભળાતું નહોતું. .

સૂર્ય અસ્તાચળ તરફ જઇ રહ્યો. પંખીઓ કિલબિલાટ કરતા પોતપોતાના માળા તરફ પાછા ફરીને હાશકારો પામતા હતા. ઇરાના ગળામાંથી મોટેથી  એક ધ્રૂસકું  સરી પડયું.    

 

 

 

 

 

 

રીટાયર્ડ..

રીટાયર્ડ

 બસ હવે તો એક મહિનો ..છેલ્લો મહિનો…પછી પત્નીની..અનુરાધાની  બધી ફરિયાદ દૂર થઇ જશે. પછી  તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિન્દગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય પર અનુનો પૂરો અધિકાર છે. એની બિચારીની બધી ફરિયાદ સાચી છે. કાલથી જીવન બદલાશે…બધી ઘરેડમાંથી બહાર નીકળી જીવન શાંતિથી આરામથી  વીતાવશું. બસ હવે તો મારી પાસે બધા માટે સમય જ છે. હવે તો..જિંદગી એક સફર હૈ સુહાના…..

 

ટાઇ બાંધતા બાંધતા  યશવંતભાઇ ગણગણી રહ્યા.  ચહેરા  પર સ્મિતની એક લહેરખી ફરી વળી..58 વરસની  ઉમર થઇ હતી. પણ લાગતા હતા 50 જેવા. બિલકુલ તંદુરસ્ત..આ તો કંપનીની  વયમર્યાદાની પોલીસીને લીધે નિવૃતિ આવી પડે તેમ હતી. બાકી કામથી ક્યાં થાકયા હતા? થાકવાની તો વાત જ ક્યાં હતી? કામનો એક નશો હતો  સારી કંપનીમાં જનરલ મેનેજરની પ્રતિષ્ઠાભરી પદવી હતી. માન હતું, ઇજજ્ત હતી. સત્તા હતી.

 

જોકે તેમના વર્કોહોલિક સ્વભાવની પત્નીને હમેશા ફરિયાદ રહેતી. તમે હમેશા મોડા આવો છો. બસ કામ,કામ ને કામ.કોઇ દિવસ શાંતિથી સાથે બેસવા ન પામીએ. તમારી કંપની કયારેય મળે જ નહીં. આ તેમની હમેશની ફરિયાદ હતી. વાતે ય સાચી હતી.પોતે ઘરમાં કે પત્નીને પૂરતો સમય નથી આપી શકતા તેનો એહસાસ યશવંતભાઇને પણ હમેશા રહેતો. પરંતુ કંપનીની જવાબદારીને લીધે ઘર કે પત્ની માટે ખાસ  સમય ન ફાળવી શકતા.

 

પરંતુ હવે સંજોગો બદલાવાના હતા. હવે પોતે પત્નીની ફરિયાદ દૂર કરી શકશે. ઘરમાં પૂરેપૂરો સમય આપી શકાશે. નિરાંતે હીંચકા પર બેસીને છાપુ વાંચવાનું અને કડક,મીઠી ગરમાગરમ ચા.. વાહ મજા આવી જશે. ચા પીતા પીતા પત્ની સાથે દુનિયાભરના ગપ્પા મારશે. પૌત્ર સાથે રોજ સાંજે બગીચામાં રમશે.  ઘણું કામ કર્યું. હવે જિંદગી માણવાની. એક એક પળ જીવવાની. બીજા કોઇ પ્રશ્નો હતા નહીં.  ભર્યુંભાદર્યું ઘર હતું. પત્ની હતી,દીકરો વહુ હતા. અને મૂડીના વ્યાજ જેવો નાનકડો સાત  વરસનો મીઠડો પૌત્ર હતો.  બધા સાથે મળીને કિલ્લોલ કરીશું. હવે તો બસ કુટુંબમેળાના  કંકુછાંટણા…યશવંતભાઇ  મનોમન મલકાઇ રહ્યા.

 

મુઠ્ઠીમાંથી સરતી રેતીની માફક સમય સરી રહ્યો. મહિનાને જતા શી વાર ? હમેશા સમયની  સાથે દોડતાં  યશવંતભાઇને સમયની બ્રેક લાગી ગઇ. નોકરીનો છેલ્લો દિવસ. પાંત્રીસ વરસની ઉજ્જ્વળ કારકિર્દી પર પૂર્ણવિરામ. ઓફિસમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન… યશવંતભાઇના ગુણગાન ગાતા ભાષણો…સુંદર મજાની ભેટ.. થોડા શરમાતા..થોડા હસતા..યશવંતભાઇએ  વિદાયની યાદગીરીરૂપે  નમ્રતાથી ભેટ સ્વીકારી. બધાનો આભાર માન્યો. ફોટાઓ  પડાવ્યા. અને મીઠી સ્મૃતિઓ વાગોળતા..એક ધન્યતા સાથે graceful exit  કરી તેઓ ઘેર આવ્યા. 

હાશ…હવે  શરૂ થયું નિવૃતિની….. નિરાંતની….આરામદાયક પળો માણવાનું.

રાત્રે વિદાય સમારંભની બધી વાતો ઘેર કરી.  થોડું ગૌરવ અનુભવ્યું.

 

હવે  કાલથી નિરાંત.નો દોડાદોડી.પત્ની સાથે હળવી પળો માણીશું. એનો પણ મારી ઉપર કોઇ હક્ક તો ખરો ને ? બિચારી આટલા વરસોથી ફરિયાદ કરે છે. મારી પ્રતીક્ષા કરે છે. હવે તેની બધી ફરિયાદનો અંત. મીઠા શમણા સાથે યશવંતભાઇ ઉંઘની આગોશમાં….

 સવારે  રોજના સમયે જ ઉંઘ ઉડી ગઇ. તો પણ થોડીવાર એમ જ આળસમાં રજાઇ ઓઢી પડયાં રહ્યાં.

ચાલવા કાલથી જશું. હજુ આજે તો પહેલો દિવસ છે. હવે તો  રોજ રવિવાર જ છે ને ? યશવંતભાઇ નિરાંતે ઉઠયા. જોકે વચ્ચે પત્ની બે વાર ઉઠાડવા આવી ગઇ.પણ પોતે જલદી મચક ન આપી. ઉઠી ફ્રેશ થઇ  પત્નીને પણ પોતાની સાથે ચા પીવાની ઓફર મૂકી.

‘ અનુ, ચાલ, તારો ચાનો કપ પણ  અહીં જ લેતી આવ. નિરાંતે હીંચકા પર બેસીને સાથે ચા પીશું. ‘

જાણે કોઇ વિચિત્ર વાત કહી  હોય તેમ અનુ..અનુરાધા પતિ સામે જોઇ રહી. નિરાંત ? અત્યારે સવારના પહોરમાં ? કંઇ ભાન બાન છે કે નહીં ? આવી ગાંડા જેવી વાતનો શું જવાબ આપવો ?

યશવંતભાઇને કશું સમજાયું નહીં. પત્ની આમ કેમ પોતાની સામે જુએ છે ? પોતે  સાથે ચા પીવાની એક સામાન્ય વાત કહી તેમાં  આમ બાઘાની જેમ સામે શું જુએ છે ? તેમણે ફરીથી પોતાની વાત દોહરાવી.

પત્નીએ રસોડામાં જતાં જતાં જ જવાબ આપ્યો

’મેં તો કયારની પી લીધી છે. તમે પી લો. ત્યાં ટેબલ પર કપ મૂકયો છે.

યશવંતભાઇને થયું પોતે મોડા ઉઠયા છે. બિચારી  કયાં સુધી રાહ જુએ ? વાંધો નહીં. કાલે થોડૉ વહેલો ઉઠીશ. તેમણે હાથમાં પેપર લીધું. પેપર વાંચતા વાંચતા ચાની ચુસકીઓ ભરવાની મજા આવી. નિરાંતે વાંચવા જતા હતા ત્યાં પત્નીનો અવાજ સંભળાયો,

  ‘ હવે તમે છાપુ  મૂકીને નાહવા જાવ તો સારું. નોકર ચાલ્યો જશે તો કપડાં રહી જશે. આમેય હવે તમારે કયાં ઓફિસે જવાનું છે ? છાપુ તો પછી નિરાંતે  વંચાશે.

 

યશવંતભાઇને પરાણે ઉઠવું પડયું. મનમાં તો થયું કે આટલા વરસોથી તો વહેલો જ નહાતો  હતો ને? હવે ઓફિસ નથી એટલે જ તો થાય છે કે બધું નિરાંતે કરીશું. પણ…ખેર…..બાથરૂમમાં જતા જતા યશવંતભાઇ વિચારી રહ્યા. જલ્દી જલ્દી નાહીને ફરી છાપુ હાથમાં લીધું..ત્યાં ચા યાદ આવી ગઇ. વરસોની ટેવ હતી ને? ટી-બ્રેક ની. તેમણે પત્નીને એક કપ ચાની ફરમાઇશ કરી.પણ…ત્યાં તો….

’ હમણાં તો ચા પીધી હતી.ઘરમાં નવરા બેઠા બેઠા ચા જ પીધે રાખવાની છે  કે બીજું કંઇ ? ‘

  યશવંતભાઇ મૌન. ઓફિસમાં દર બે કલાકે આવતી ચાની ટેવ તેમને તડપાવી ગઇ. ત્યાં તો થોડું  મોડું થતું તો યે પટાવાળાનું આવી બનતું. અને ..આજે એક ચા માટે યે સાંભળવાનું ? તેમને જરા ઓછું તો આવી ગયું પણ પછી મનને મનાવ્યું.  અનુ  એકલી બિચારી કેટલે પહોંચે ? વહુ નોકરી કરવા જાય એટલે બધી જવાબદારી પત્ની પર જ આવી છે ને? હું રીટાયર્ડ થયો છું. તે થોડી થઇ છે ?  મન મોટું રાખી તેમણે આશ્વાસન લીધું. અને    ફરી છાપામાં  મન પરોવ્યું.

ત્યાં….

’ ઘરમાં નવરા બેઠા છો..તે બજારમાંથી  જરા શાક લાવી આપોને.  મારે એટલો ધક્કો ઓછો.’

શાક ? શાક લેતા મને કયાં આવડે છે? હું કયાં કયારેય  શાક લેવા ગયો છું ?

કયારેય નથી ગયા તો હવે જાવ… હવે એટલી મદદની આશા તો હું રાખી શકું કે નહીં ? ‘ પત્નીએ લીસ્ટ અને થેલી હાથમાં પકડાવી દીધા. યશવંતભાઇનું મોઢું થોડું કટાણું તો બની ગયું. પરંતુ પત્નીની વાત ખોટી તો નથી જ ને ? એટલી મદદ તો કરાવવી જ રહી.

 

  યશવંતભાઇ  અનિચ્છાએ પણ અણગમતું કામ કરવા  ઉપડયા. શાકમાર્કેટમાં જરાયે મજા ન આવી. કેટલી ગંદકી અને કેવો અસહ્ય કોલાહલ. રોજ તો આ સમયે એરકંડીશન્ડ ઓફિસમાં બેઠાં બેઠાં ચાની ચૂસકીઓ  સાથે  બિસ્કીટની મજા માણતા હોય.

 

નાક આડે રૂમાલ રાખી માંડ માંડ જલ્દી જલ્દી લીસ્ટ પ્રમાણે શાક લઇને આવ્યા તો પત્નીને મોંઘુ લાગ્યું, ગુવાર જાડો ને ભીંડા ગલઢા લાગ્યા.  કાકડી કડવી નીકળી. એક ઘરરખુ ગૃહિણી બોલ્યા સિવાય કેમ રહી શકે ?

‘  જરા ચાખીને ન લેવાય ‘ ?

‘ હું ત્યાં ચાખવા બેસું ? એવું બધું મને ન ફાવે….’

તે બબડતા રહ્યાં.

થોડીવાર ટીવી.ચાલુ કરી રીમોટ હાથમાં લઇ ચેનલો ફેરવી જોઇ. પણ ખાસ મજા ન આવી. ત્યાં તો પત્નીની જમવા આવવાની બૂમ આવી.

’ હમણાં નહીં થોડીવાર પછી. હજુ તો ભૂખે ય નથી લાગી. નાસ્તો મોડો કર્યો હતો ને તે…’  એટલે તો સવારે કહેતીતી કે નાસ્તો વેલો કરી લો..ઠીક હવે…આજે જે થયું તે…ચાલો, જે ભાવે તે જમી લો. કામવાળી આવે તે પહેલા વાસણ તો ખાલી કરી દેવા પડશે ને? કાલથી  નાસ્તો વહેલો જ પતાવી લેજો.

 

યશવંતભાઇ પરાણે જમવા બેઠા. ઓફિસમાં બધા તેમનો ટાઇમ સાચવતા. આજે તેમને કામવાળાના ટાઇમ સાચવવાના હતા.

  જમીને આડા પડવાનો વિચાર કરતા હતા ત્યાં પત્નીનો અવાજ આવ્યો,

 

‘ જીતની બસનો  આવવાનો ટાઇમ થઇ ગયો છે. તમે જરા નાકા ઉપર જઇને તેડી આવોને. રોજ  હું જતી હતી. હવે તમે આમેય નવરા છો…તો તમે જઇ આવો. આમાં તો યશવંતભાઇથી ના પડાય કે દલીલ કરાય તેવું કયાં હતું ?  યશવંતભાઇ સાત વરસના પૌત્રને લેવા તડકામાં નીકળ્યા. ઓફિસની એ.સી. કેબિનની યાદ તન મનને તડપાવી રહી.

 પૌત્રને લઇને હાંફતા હાંફતા આવ્યા ત્યારે યશવંતભાઇ પરસેવાથી રેબઝેબ…બાપ રે ! કેટલો તાપ પડે છે ? એ.સી. નું વહેલી તકે કંઇક કરવું પડશે…આજ સુધી સાલી ખબર જ ન પડી.

 

હવે ઉંઘ આવે તેમ નહોતું. તેથી  છાપુ શોધવા લાગ્યા. હમણાં તો અહીં રાખીને ગયા હતા. પૂછપરછ કરતાં  ખબર પડી કે એ તો કામવાળીએ બધું સરખું કરીને જગ્યાએ રાખી દીધું હતું. યશવંતભાઇની જગ્યા કઇ હતી..તે  કદાચ હજુ કોઇને  ખબર નહોતી. નહીંતર કદાચ તેમને પણ  જગ્યાએ ગોઠવી દીધા હોત. તેમણે પત્નીને  કહ્યું ,

‘ હજું તો મેં વાંચ્યું પણ નહોતું…’

’ મને એમ કે આજે તો સવારથી તમે સાવ નવરા છો…તો વાંચી જ લીધું હશે ને? ’

 

પત્નીનો જવાબ સાંભળી યશવંતભાઇ પોતાની નવરાશ વિશે વિચારતા રહી ગયા. પહેલે જ દિવસે બોલવું સારું નહીં..તે  મૌન જ રહ્યા. પરંતુ  મન અને મોં બંને કટાણા થઇ ગયા. થોડીવાર પરાણે આડા પડયાં. પડખા ફેરવ્યાં. પરંતુ  ઉંઘ ન આવી.

 સામે ઘડિયાળમાં નજર કરી તો  ચાર વાગી ગયા હતા. ત્રણ વાગે તો ચાનો ટાઇમ હતો. તેમણે પત્નીને બૂમ પાડી. પણ કંઇ જવાબ ન મળ્યો. ઉભા થઇને જોયું તો નોકર કચરો કાઢતો હતો. પૂછતાં તેણે કહ્યું કે બેન તો બાબાને  ટયુશનમાં મૂકવા ગયા છે. કયારે આવશે ? એવા પ્રશ્નનો કોઇ અર્થ નહોતો.જવાબ કોણ આપે? નોકર  જરા વારમાં પોતાનું કામ કરી જતો રહ્યો.

થોડીવાર રાહ જોઇ..પણ પત્ની ન આવી. ચાની તલપ લાગી હતી. હવે ? ચાલ, જીવ, સવારથી નવરો  જ છું ને ? આપ મૂઆ વિના સ્વર્ગે થોડું જવાશે ?

જાત મહેનત ઝિંદાબાદ કરી તે રસોડામાં ગયા. ફ્રીઝમાંથી ખાંખાંખોળા કરી દૂધની તપેલી લેવા ગયા ત્યાં..આગળ રહેલ દહીંને ખોટું લાગ્યું હોય તેમ દહીંની વાટકી આગળ ધસી આવી અને  જાતે ઢોળાઇ ગઇ. યશવંતભાઇ હાથમાં દૂધની તપેલી લઇ નીચે ઢોળાયેલ દહીં સામે કરૂણાભરી નજરે જોઇ રહ્યા. નોકર પણ ચાલ્યો ગયો હતો. હવે  દહીં સાફ કરવા કપડું શોધવાની કવાયત ચાલી. અંતે કંઇક નેપકીન જેવું હાથ લાગ્યું ખરું. માંડમાંડ બધું સાફ કર્યું. હાથ ગંદા થઇ ગયા હતા.  દહીંવાળા કપડાનો એક તરફ ઘા કરી  તેમણે  રસોડામાં ચા-ખાંડના ડબ્બા શોધવાની પ્રક્રિયા ચાલુ કરી. પણ એ કામ કંઇ ધાર્યું હતું તેટલું સહેલું ન નીકળ્યું. બે ચાર ડબ્બા  ખોલ્યા…અંદરથી જાતજાતની અપરિચિત વસ્તુઓએ  ડોકિયા કર્યા. ડબ્બા ઉપર ચિઠી ચોંટાડતા શું થાય છે ? આટલા ડબ્બાઓની વણઝારમાંથી કયા ડબ્બામાં ચા-ખાંડ છૂપાઇને બેઠા હશે?  રસોડાનું આઇ.એસ.ઓ. કરાવવું જોઇએ..યશવંતભાઇ એકલા એકલા બબડી રહ્યા.


અંતે ચા-ખાંડ ના ડબ્બા મળતા યશવંતભાઇ વિજયીની અદાથી તેની સામે જોઇ રહ્યા.  કેવા  પકડી પાડ્યા. પરંતુ પછી  ચાનો  મસાલો શોધવાની  હિમત તો ન જ ચાલી. પરંતુ નસીબ સારા હતા. ગેસનું લાઇટર શોધવામાં તકલીફ ન પડી. દીવાલ પર લટકતું લાઇટર સામે દેખાઇ જતા યશવંતભાઇ  ખુશખુશાલ બની ગયા.

 

   લાઇટર હાથમાં લઇ ગેસ ચાલુ કરતા ગયા. પણ લાઇટરે મચક ન આપી. ચાલુ થાય એ બીજા…એમ કોઇ પણ આવીને પોતાનો ઉપયોગ કરી લે એ અનધિકાર ચેષ્ટા તેનાથી સહન ન થઇ. અને રિસાઇને બેસી ગયું. યશવંતભાઇ દયામણી નજરે લાઇટર સામે જોઇ રહ્યા. હવે માચીસ કયાં શોધવી ?  છેલ્લીવાર પ્રયત્ન કરવા ગયા ત્યાં એક ભડકો….અને ગેસ ચાલુ…

ગેસ ઉપર પાણી ઉકળવા મૂકી  ઉકળે ત્યાં સુધીમાં ગરણી અને સાણસી શોધવાનું  અભિયાન ચાલુ થયું. એક કામની પ્રતીક્ષા કરતા ઉભુ થોડું રહેવાય ? ચા ઉકળે ત્યાં સુધીમાં ગરણી શોધતા યશવંતભાઇના ફળદ્રુપ ભેજામાં સમય બચાવવાના અનેક ઉપાયો ઉભરાતા રહ્યા.  ટાઇમ મેનેજમેન્ટ એટલે શું ? તેની આ બૈરાઓને સમજ જ ન પડે. તેથી જ તેમનો આટલો બધો સમય રસોઇ જેવા નાનકડા કામમાં જાય છે. અને આખો દિવસ રસોડામાં ગોન્ધાઇ રહેવું પડે છે. કાલથી અનુને બધું વ્યવસ્થિત કરી આપશે. બધા ઉપર લેબલ લગાડી સમય કેમ બચાવવો એ શીખડાવશે. વિચાર કરતા કરતા યશવંતભાઇ ગરણી શોધતા રહ્યા. પરંતુ ગરણી શોધવામાં  એટલી  બધી વાર  લાગી કે ચાને ખરાબ લાગી ગયું અને અડધી ચા ઉભરાઇ ગઇ. યશવંતભાઇ કરૂણાભરી નજરે ઉભરાયેલી ચા સામે જોઇ રહ્યા. ડરતાં ડરતાં તપેલીમાં નજર કરી..કશું બચ્યું છે ખરું ?  સદનશીબે થોડી બચી હતી ખરી.  હાશ…કરી  ઝડપથી બચેલી ચા ગાળવા  ગયા. પરંતુ  સાણસી પકડતા ફાવ્યું નહીં. વળી અડધાની બીજી અડધી ચાએ નીચે જમીન તરફ પ્રયાણ કર્યું. અંતે બચી ખૂચી ચા  ગાળી, કપ હાથમાં લઇ નવરા બની ગયેલ યશવંતભાઇ ચા પીવા બેઠા.ત્યાં….ધડાધડ બારણે બેલ…

જાણે ધરતીકંપ  આવ્યો.  અત્યારે વળી કોણ? શાંતિથી એક ચા પણ પીવા નથી મળતી. રાતાપીળા થતાં યશવંતભાઇએ બારણુ ખોલ્યું.

‘કોણ છો ભાઇ, આવો. શું કામ છે ? ‘

’ધોબી છું.. આ  કપડા ગણી લો અને બીજા આપવાના છે ? 

માથુ ખંજવાળતા યશવંતભાઇને સમજ ન પડી. ધોબીને શેઠની દયા આવી ગઇ.

’ઠીક છે…કાલે બેનને પૂછી જઇશ.  તમને નહીં સમજાય. લો.આ કપડાં મૂકી દો..

ધોબીએ કદાચ આવા કંઇક યશવંતભાઇઓ જોઇ  નાખ્યા હતા.

‘ આ બધા કપડાં અમારા છે ? ‘

‘ ના..ના…બીજાના તમને દાન આપી જાઉં છું..’

ધોબીના ન બોલાયેલા શબ્દો યશવંતભાઇને  સંભળાયા.

તેમણે કપડાં લીધા. બારણું  જોશથી બંધ કરી ધોબી ગયો.

ઠંડી થઇ ગયેલે ચા પીવી કે નહીં એ યશવંતભાઇને સમજાયું નહીં. આમ પણ ચા તો નામની જ બચી હતી. છતાં પીવા બેઠા તો ખરા. એક ઘૂંટડો ભર્યો..કંઇ મજા ન આવી. ત્યાં  ફરીથી  બેલ વાગી. તેમનો ચહેરો દયામણો બની ગયો. વળી કોણ હશે ? આ તે ઘર છે કે ?  બારણા ખોલવા કોઇ પટાવાળો રાખવો જોઇએ..એમ વિચારતા યશવંતભાઇ ઉભા થયા. દરવાજો ખોલ્યો..

  પત્નીને જોઇ થોડી હાશ થઇ. ત્યાં પત્ની તરફથી ઉલટતપાસ આવી.

‘  દરવાજો ખોલતા આટલી વાર ? ‘

’ મને એમ કે કોણ હશે ? ‘

’ પણ તને આટલી વાર કયાં લાગી ?’

 પત્નીનો ઠાવકો જવાબ…

‘ આજે તમે ઘેર જ હતા તો થયું કે જીતને ટયુશનમાં મૂકવા જાઉં છું તો ભેગા ભેગા મીનાબેનને ઘેર  પણ જઇ જ આવું. કેટલા દિવસથી ખબર કાઢવા જવાતું નહોતું.

પછી ત્યાં પડેલ પોટલા સામે નજર જોતા પૂછયું,

’ ધોબી આવી ગયો? કેટલા કપડા આપી ગયો ? ‘

  ‘ તેં આપ્યા હશે એટલાં જ આપી ગયો હશે ને? કંઇ કોઇના લઇને વધારે ન આપી જાય.’ એટલી સમજ પડવી જોઇએ.’

 યશવંતભાઇએ સ્મિત કરતાં સ્માર્ટ જવાબ આપ્યો.
‘ વધારે ન આપી જાય…પણ ઓછા જરૂર આપી જાય..ગણીને લેવા જોઇએ. ‘

સામો ફટકો આવ્યો.

’  એના ગોટાળાની તમને હજુ ખબર નથી. ખેર! હવેથી  જરા ધ્યાન રાખજો ‘

હવેથી..?

યશવંતભાઇ   ચોંકી ગયા પણ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહ્યા. ઓફિસમાં પોતે ખીજાતા હતા ત્યારે નીચેના માણસો કેવા ચૂપચાપ સાંભળી  લેતા હતા. આજે પોતે અહીં અહીં બોસ  થોડા હતા ? ઓફિસમાં  ભલેને હોશિયાર ગણાતા હોય અહીં સાવ ઘોઘા હતા.

અનુરાધાબેન હવે રસોડામાં ગયા. અંદર જતાંવેત જ જાણે સાપ જોયો હોય તેમ બૂમ આવી.

‘ આટલીવારમાં આ શું  રમખાણ કરી નાખ્યું  છે ? ‘

’ જરા ચા ઉભરાઇ ગઇ હતી. ‘

આરોપીએ ધીમેથી જવાબ આપ્યો.

’ અરે, એક જરાવાર રાહ નતી જોવાતી? હું આવીને ચા ન કરી દેત? મારું કેટલું કામ વધારી દીધું ? અને આ શું દહીં ઢોળ્યું છે કે શું ? ‘

હે ભગવાન..કંઇ આવડે નહીં તો કરતા ન હોય તો.. ’

  બધું સાફ કરતાં અનુબેન પાસેથી અત્યારે દૂર ખસી જવામાં જ સલામતી છે એટલું ન સમજે એવા કંઇ યશવંતભાઇ મૂર્ખ થોડા હતા ?

પોતાને કંઇ નથી આવડતું નું સર્ટીફિકેટ લઇ યશવંતભાઇ બેઠાં રહ્યાં.

  સાંજે થોડું ચાલવા જવાનું મન થયું. પણ એકલાં એકલાં કેમ મજા આવે ?   કોઇ મિત્રો  બનાવવાનો તો સમય જ ક્યાં મળ્યો હતો? પત્નીને કહી જોયું. પણ તે થાકી હતી. માંડ થોડીવાર નિરાંત મળી છે. હમણાં પાછી બીજી શીફટ ચાલુ થશે.  તેની પાસે સમય જ કયાં હતો?

છતાં એકલા  તૈયાર થયા..ચાલ, થોડો બહાર આંટો મારું.

જરા સારું લાગશે.

 ત્યાં પૌત્ર  તેની મમ્મી સાથે ટયુશનમાંથી આવી ગયો હતો. તે દાદાજી પાસે આવ્યો.

 

‘ દાદાજી, મમ્મી કહે છે  આજથી  તમે  મને હોમવર્ક કરાવશો. ‘

પૂત્રવધૂએ આવીને શું કરાવવાનું છે..કેમ કરાવવાનું છે તે બધું દાદાજીને વિગતવાર સમજાવ્યું.

 ‘ પપ્પાજી, હવે તમે ફ્રી છો  તો  હવેથી જીતને રોજ તમે જ લેશન કરાવજો. જેથી હું પણ થોડી ફ્રી થઇને મમ્મીને મદદ  કરાવી શકું. આજથી જીત તમારી જવાબદારી. ‘

 નવરા  દાદાજી શું બોલે? ચૂપચાપ પૌત્રને લેશન કરાવવા બેસી ગયા. પણ ફાવ્યું નહીં. આવડતું તો બધું હતું પણ…શીખડાવતા ન ફાવ્યું. નાનકડા જીતને શીખવવામાં જે ધીરજ કે સંયમ જોઇએ તે પોતામાં કયાં હતા?  જરા મોટેથી કહેવાઇ ગયું.  જીતે લેશન અને દાદાજી બંનેનો બહિષ્કાર કરી દીધો.

‘ દાદાજી પાસે લેશન નથી કરવું..ખીજાય છે. ‘

 કહી તેણે   ભેંકડો તાણ્યો..યશવંતભાઇ ખિસિયાણા પડી ગયા. નિષ્ફળ દાદાજીને પણ મોટેથી ભેંકડો તાણવાનું મન થઇ ગયું. પણ શું કરે? પોતે તો મોટા હતા. વહુ અંદરથી દોડી આવી. મોઢેથી તો કશું ન બોલી.પણ યશવંતભાઇની સામે જોતી જોતી જીતનો  હાથ પકડી અંદર લઇ ગઇ. 

’ નવરા છો તો આટલું યે ન કરી શકયા? નાનકડા પૌત્રને યે ને સમજાવી શકયા? ‘

તેની આંખમાં રહેલી ફરિયાદ, ઠપકો  નિષ્ફળ દાદાજી મૌન બનીને ..દયામણે ચહેરે  સાંભળી રહ્યા.

રાત્રે જમવાનો સમય થતાં ચૂપચાપ  જમી લીધું.  નવરા થઇને પોતે કંઇક ગુનો કરી નાખ્યો હતો કે પોતે નકામા થઇ ગયા હતા?

  જમીને દીકરો વહુ તેના રૂમમાં ગયા. સવારે બંનેને નોકરીએ જવાનું હતું…વહેલા ઉઠવાનું હતું. તેથી જલ્દી જલ્દી સૂવા ગયા. પત્ની જરાકવાર તેની મનપસંદ સિરીયલ જોતી હતી.

 

સાવ નવરા પડેલ યશવંતભાઇને ખબર ન પડી કે તે શું કરે ?

રીટાયર્ડ થયાના ચોવીસ કલાક પૂરા થયા હતા.

 

                           

પરમ સખા..

પરમ સખા…mamta ..july 2016

ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો. દીકરો વહુ તો સાથે જ હતા.દીકરી જમાઇ પણ આવી પહોંચ્યા હતા. આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ  હતો. છોકરાઓએ માની ષષ્ઠિપૂર્તિ ઉજવવાની જોરદાર  તૈયારીઓ આદરી હતી. મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઇ માન્યા નહોતા. હવે આ ઉંમરે જન્મદિવસના ઉધામા શા ? મંજરીએ તો હસીને કહ્યું હતું,

બેટા, આજ સુધી મારી ઉમરમાં બે ચાર વરસો ઓછા કરીને કહી શકતી. હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઇ હવે સાઠ વરસની ડોસી થઇ ગઇ છું. તમારે એની જ જાહેરાત કરવી છે ને ?  કે મારી મા ગમે તેટલા વરસો કહે પણ એ પૂરા છ દાયકા વીતાવી ચૂકી છે.

મંજરીએ મોં બગાડતા કૃત્રિમ ગુસ્સો કર્યો.

અને બધા ખડખડાટ હસી પડયા હતા.

યેસ,અંશુ, મમ્મીની આ વાત સાવ સાચી છે. હવે એને આ તકલીફ પડવાની. આપણે એનો તો વિચાર જ ન કર્યો ? હવે એ બિચારી બે ચાર વરસ ઘટાડી નહીં શકે ? આપણે આ પોઇન્ટથી તો વિચાર જ ન કર્યો.

ઓકે..પપ્પા, તો આપણે ફકત મમ્મીનો જન્મદિવસ છે એટલું જ કહીશું. સાઠમો છે એ કહેશું જ નહી. પૂત્રવધૂ આરતીએ ટહુકો કર્યો.

યેસ આમ પણ મારી મમ્મી તો આ ઉમરે યે ચાલીશ જેવી જ લાગે છે. દીકરી કેમ પાછળ રહી જાય ?

એ ય, તાની, આ ઉમરે એટલે ? એમ કહીને તેં મારા મમ્મીજીને સંભળાવી તો દીધું જ ને ?

આરતી, તારા મમ્મીજી, પણ મારી તો મમ્મી…મારી એકલીની..

તાની,સોરી, પહેલા મારી મમ્મી હોં. પહેલા હું આ ઘરમાં આવ્યો હતો અને પહેલી વાર મેં મમ્મી શબ્દ ઉચ્ચાર્યો હતો. માટે મારી એકલીની એવો શબ્દ તો ઉચ્ચારતી જ નહીં.તારો નંબર તો હમેશા બીજો જ..તું બે નંબરી..

અંશુ બહેનને ચીડવવામાં પાછળ પડે તેમ નહોતો.

તમે બંને રહેવા દો..જુઓ હું આ ઘરની પૂત્રવધૂ…અર્થાત પુત્રથી વધારે એવી વધૂ.. એટલે સૌથી પહેલો હક્ક મારો .

આરતી, હક્ક જમાવવામાં આમ પણ તારો જોટો જડે એમ નથી. આ ઘરમાં સૌથી છેલ્લે આવીને પહેલો હક્ક જમાવવો છે.

ખાસ્સીવાર હસી મજાકનો આ દોર ચાલુ રહ્યો.ત્યાં નાનકડી જિયા અને જિનલ આવી અને મંજરીને વળગી પડી..

મંજરીએ હસી પડી..

તમારા બધાની આ વાત ખોટી છે.હું તો સૌથી પહેલા મારી આ પરીઓની..જિનલ અને જિયાની.કહેતા મંજરીએ જિયાને તેડી લીધી.અને જિનલની આંગળી પકડી.

લો  હવે બધાના હક્કદાવા રદબાતલ. . હવે આમાં કોઇનું ચાલવાનું નહીં.  મારો તો વારો જ ન આવ્યો.

અનિકેતે પત્ની સામે જોતા કહ્યું.

પપ્પા, તમે તો મમ્મીના ચમચા છો..

હવે અંશુ અને તાન્યા..ભાઇ બહેન એક થઇ ગયા.

બધા ખડખડાટ હસી પડયા. જિનલ અને જિયા કશું સમજયા સિવાય તાળીઓ પાડવા લાગી.

દાદી, તમે પણ આમ કલેપ કલેપ કરો. જિયાએ દાદીના બે હાથ પકડીને દાદીને શીખવ્યું.

બધા અમારી જેમ કલેપ કરો..  હાસ્યના ફુવારા વચ્ચે બધાની તાળીઓના ટહુકા ભળી રહ્યા.

આજે જમવામાં મમ્મીની પસંદગીનું મેનુ છે.

પણ મારો બર્થ ડે તો હજુ કાલે છે.આજે તમને બધાને ભાવે એવું બનાવો.

મમ્મી, આજે બર્થ ડેનું પ્રી લંચ છે.રીહર્સલ..આગોતરી ઉજવણી.. જે કહે તે. અને આ બે દિવસ તારે અમને ફોલો કરવાનું છે. ઓકે ?

ઓકે..બાબા ઓકે..ખુશ ?

ધેટસ લાઇક અ ગુડ ગર્લ..આઇ મીન માય ગુડ મોમ..

નો પાપા..માય ગુડ દાદી..પાંચ વરસની જિનલ બોલી ઉઠી.

અને ત્રણ વરસની જિયા તો  જિનલની પૂરી કોપી કેટ..

માય ગુડ દાદી..

નો તારી ગુડ નાની..એમ કહેવાય.ઓકે ?

ઓકે.. આપણા બેયની નાની.

હાસ્યના વાદળો મન મૂકીને વરસતા રહ્યાં.   

પપ્પા, તમે આજે મમ્મીને પિક્ચર જોવા લઇ જાવ. કાલે તો એવો સમય નહીં મળે.આજે અમે તૈયારીમાં બીઝી રહેવાના..સમ સ્પેશીયલ પ્રોગ્રામ.

અને હા, પપ્પા, તમારી પસંદગીનું ફાઇટીંગ વાળું પિકચર નહીં હોં.

મમ્મીને ગમે એવું કલાસીક મુવી

એટલેકે રોવા ધોવાવાળું એમ જ ને ?

નો પપ્પા..આજના બધા કલાસીક મુવી કંઇ રોવાધોવાના નથી હોતા. એ જમાના ગયા.

ના..મારે મુવી જોવા નથી જવું. એના કરતા હું ને પપ્પા, જિયા અને જિનલને લઇને સાંજે સરકસ જોવા જશું. હમણાં સરકસ આવ્યું છે ને છોકરીઓને મજા આવશે.

પણ મમ્મા, આજે તમારી ચોઇસનું..

મંજરીએ દીકરીને વચ્ચે જ અટકાવી,

મારી પહેલી ચોઇસ તો મારી આ દીકરીઓ છે. તેની તમને ખબર છે ને ?

તાની, હવે આ વાતમાં તારી  મમ્મી નહીં માને.એની આપણને બધાને ખબર છે. મને પણ એ ગમશે.તો સાંજનો અમારો પ્રોગ્રામ પાક્કો.

અનિકેત પત્ની સામે સ્મિત વેરી રહ્યો.

ઓકે પપ્પા, હું હમણાં બહાર જવાનો છું ત્યારે ટિકિટ લેતો આવીશ.

ઓકે..

અને આજે મમ્મીની પસંદગીનું મેનુ છે અર્થાત ખીચડી, કઢી, રોટલા, ઓરા,છાશ, પાપડ અને સલાડ..પૂરું કાઠિયાવાડી મેનુ બરાબર ?

યેસ..આજે પ્યોર દેશી ખાણું.

સાથે તમને અને આ છોકરીઓએ ભાવે એવું પણ કંઇક બનાવજો હોં.

એ બધું અમારા ચાર્જમાં છે. યુ નીડ નોટ વરી.મમ્મા..

ત્યાં અનિકેતનો ફોન વાગતા બધા વિખેરાયા..અને પોતપોતાને કામે વળગ્યા.

ઘરમાં ઘણીવાર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો તેથી અનિકેત બાલ્કનીમાં ગયો.

મંજરી જિયા, જિનલને વાર્તા કરવામાં ગૂંથાઇ હતી.

ફોન પૂરો કરી અનિકેત ઘરમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત ગાયબ હતું. તેની જગ્યાએ ગંભીરતાએ સ્થાન લીધું હતું

મંજરી, ચાલ, આપણે બહાર જવાનું છે.

બહાર? અત્યારે ? કયાં ?

અનિકેત બે પાંચ ક્ષણ પત્ની સામે જોઇ રહ્યો.

જવાબ  આપવો પડે એમ હતો.

મારા એક મિત્રને અકસ્માત થયો છે.હોસ્પીટલમાં છે. તેની પાસે બીજું કોઇ નથી.તાત્કાલિક જવું પડે એમ છે.

કયો  ફ્રેંડ ?  ત્યાં  તમે એકલા જઇ આવો..મારું શું કામ છે ?

મંજરી પ્લીઝ..કોઇ સવાલ કર્યા સિવાય મારી સાથે નહીં આવી શકે ? જરૂરી હોય તો જ કહેતો હોઇશ ને ?

ત્યાં દીકરો, દીકરી બધા આવી ગયા.

પપ્પા, તમે એકલા જ જઇ આવો.મમ્મી ત્યાં આવીને શું કરશે ? મમ્મી, તમારા ફ્રેન્ડ્ને કયાં ઓળખે છે ?

 પપ્પા, કયા મિત્રને,  કઇ જગ્યાએ અકસ્માત થયો છે ?

એ મિત્રને તમે કોઇ નથી ઓળખતા.અમેરિકા રહે છે. બે દિવસ પહેલા જ અહીં આવ્યો હતો. અને આજે સુરેન્દ્રનગર પાસે અકસ્માત થયો છે.

ઓહ..એટલે તમારે અમદાવાદથી ત્યાં છેક જવું પડશે ? તેના બીજા કોઇ સગા અહીં  નથી ? આજે ન જાવ તો ચાલે એમ નથી ? બધો પ્રોગ્રામ ડીસ્ટર્બ થઇ જશે.

ના..જવું પડે એમ છે. અને મમ્મી પણ મારી સાથે આવશે. હવે વધારે સવાલ જવાબ કર્યા સિવાય મંજરી જલદી તૈયાર થા. આપણે નીકળવાનું મોડું થાય છે .

મંજરીને થયું ગયા સિવાય ચાલશે નહીં.આ વળી કયો મિત્ર પાતાળમાંથી ફૂટી નીકળ્યો ?

ઓકે..હું કપડાં બદલીને આવું છું.

કહેતા મંજરી તેના રૂમમાં ગઇ.તેની પાછળ અનિકેત પણ ગયો.

મંજરી, આજે આ યલો કલરની સાડી પહેર ને..કેટલા સમયથી હું લાવ્યો છું પણ તેં કદી હાથ નથી અડાડયો.

યલો ? અત્યારે કંઇ સાડીના કલરની પસંદગી કરવાની છે ?

વાત શું છે ? અનિકેત મને કંઇક વિચિત્ર લાગે છે બધું.

અનિકેત એકાદ ક્ષણ  મંજરીની આંખોમાં ન જાણે શું  નીરખી  રહ્યો.પછી હળવેથી બોલ્યો.

મંજરી, અનીશને અકસ્માત થયો છે.

અનીશ ? મંજરીની ભીતર જાણે સુનામીના મોજા  ઉછળી આવ્યા.

અનિકેતના મોઢામાં અનીશનું નામ ? જે નામને પોતે કદી હોઠ સુધી પહોંચવા નથી દીધું એ નામ અનિકેત પાસેથી ?

મંજરી આખ્ખેઆખ્ખી થરથરી ઉઠી.

અત્યારે ? આ ક્ષણે ? જે અનીશ તેની ભીતરના કોઇ ઊંડા, અજાણ્યા ખૂણામાં વરસોથી અડ્ડો જમાવીને ચૂપચાપ બેઠો છે. એ આજે કેવી રીતે બહાર આવ્યો ?અને તે પણ પતિને હાથે ? અર્થાત…

મંજરી અનિકેતની સામે જોઇ રહી કશુંક ઉકેલવા મથી રહી.  

મંજરી, અત્યારે બધી વાત કરવાનો સમય નથી. રસ્તામાં કહું છું. તું અત્યારે જલદી કર. બહું મોડું થઇ જાય  એ પહેલા આપણે પહોંચવાનું છે.

મંજરી, બને તો પેલી યલો કલરની જ પહેર ને ? અનીશને સારું લાગશે.તું કપડાં બદલાવી લે ત્યાં હું પણ બે મિનિટમાં ફ્રેશ થઇને આવું પછી નીકળીએ.કહેતો અનિકેત ઓરડાની બહાર નીકળી ગયો. કદાચ મંજરીને થોડી સ્પેશ..મોકળાશ  આપવા માગતો હતો. આ પળે મંજરીને એના આગવા, નાનકડા એકાંતની જરૂર હશે. ઠલવાવા માટે તેને એ મળવું જ જોઇએ.

હાથમાં પીળી સાડી લઇને મંજરી સ્તબ્ધ બની ઉભી રહી.

અનિકેતને બધી ખબર છે ?કયારથી ?  આજ સુધી પોતાને કોઇ અણસાર સુધ્ધાં નથી આવવા દીધો.?

સોનેરી પીળો..અનીશનો સૌથી પ્રિય રંગ.એ રંગના વખાણ કરતા એ કદી થાકતો નહી. મંજરીએ ધ્રૂજતા હાથે સોનેરી પીળા રંગની સાડી કાઢી.પહેરતા પહેરતા આખા અસ્તિત્વમાં જાણે એક ઝણઝણાટી ફરી વળી.ને કાનમાં પડઘાઇ ઉઠયા અનીશના વરસો પહેલાના શબ્દો.

મંજરી,  આ તો ઉઘડતા સૂરજનો  રંગ..એના ઉજાસમાં અનેક પ્રતિબિંબો આપોઆપ ઉઘડી રહે. તું  સોનેરી પીળી સાડી પહેરે છે ત્યારે મને હમેશા એમ જ લાગે કે સૂરજનો રંગ લઇને જાણે કોઇ પરી સીધી આકાશમાંથી  ઉતરીને મારે આંગણે આવી છે. ઝગમગ સૂર્યના કિરણો જેવી દેદીપ્યમાન બની રહે છે તું. મારું ચાલે ને તો હું તારા દરેક કપડા આ એક જ કલરના લઉં.સોનેરી પીળો રંગ એ તારી પહેચાન બની રહે. સૂરજની જેમ.

વરસો પછી આજે મંજરીએ પીળા  રંગની સાડી હાથમાં લીધી હતી. આજે  પણ રૂંવે રૂંવે  રોમાંચ ફૂટી નીકળ્યો.

નસીબ તેને અનીશને બદલે અનિકેતને ઘેર લાવ્યું હતું. અનિકેતની સહ્રદયતા જોઇને ઘણીવાર મન થતું કે અનીશને પોતાના પહેલા પ્રેમની બધી વાત કહીને ખાલી થઇ જાઉં. ઠલવાઇ જાઉં..પણ બધાની સલાહ તેને રોકતી રહી..મંજરી, એવી ભૂલ ન કરતી.કયારેક એ ભારે પડી જાય.પુરૂષની જાત રહી વહેમીલી.કઇ પળે શંકાની કોઇ નાની શી ચિનગારી તારા સુખી સંસારમાં આગ લગાડી દે. માતા પિતાએ, મિત્રોએ બધાએ એ સલાહ વારંવાર  ગણીને ગાંઠે બંધાવી હતી.  આજ સુધી કયારેય પોતે એ ગાંઠ છોડવાની હિમત કરી શકી નહીં.

અને આજે..અચાનક..સાવ અચાનક એ અનાવૃત થઇ ગઇ હતી. પૂરા ચાર દાયકા પછી સાવ અચાનક કોઇએ તેના ભીતરના વસ્ત્રોને ખેંચીને જાણે તેને ઉઘાડી કરી દીધી હતી.

શરૂઆતના વરસોમાં અનિકેતમાં અનીશને કલ્પીને જ જીવાયું હતું.બાજુમાં અનિકેત હોય અને ભીતરમાં અનીશ શ્વસતો રહેલો. કદીક પોતે અનિકેતને અન્યાય કરે છે એવી અપરાધભાવના પણ ઘેરી વળતી.પણ મનના ખેલ તો હમેશા નિરાળા જ રહ્યા છે ને ?મન આગળ ભલભલા  મજબૂર બની રહેતા હોય છે તો તેનું શું ગજું ?

પણ ધીમે ધીમે પતિના અપાર સ્નેહને લીધે  અનીશ આપોઆપ અનિકેતમાં ઓગળતો ગયો. બંને અસ્તિત્વ જાણે એકાકાર બની ગયા. મંજરી પૂરી અનિકેતમય બની રહી.  

અનિકેતે કદી કોઇ લપ્પન્છપ્પન કરી નથી. સાવ સરળ વ્યક્તિત્વ..બધી વાતનો સ્વીકાર.. શરૂઆતમાં  પોતે  ભીતર ન  ખોલી શકી.અને પછી  એવી જરૂર ન અનુભવાઇ. હવે મંજરી માટે અનિકેત એ જ તેના જીવનનું એક માત્ર સત્ય.વર્તમાન, .ભૂત, ભવિષ્ય..બધું એક માત્ર અનિકેત.

સૂરજવર્ણી સાડી શરીર પર યંત્રવત વીંટાતી રહી. સાથે..મનના તાણાવાણા ઉકેલાતા હતા કે વીંટાતા હતા એ સમજાતું નહોતું. બસ..અનિકેતે આ સાડી પહેરવાનું કહ્યું હતું અને એ પહેરશે.અનિકેત જે કહેશે એ કરશે..એ જ એકમાત્ર સત્ય.

થોડીવારે બંને કારમાં બેઠા.અનિકેતે ગાડી ભગાવી. હજુ સુધી મૌનનો પરદો અકબંધ હતો.અનિકેત શું કહેશે ?શું બોલશે ? એવો વિચાર આવતો હતો.પણ કોઇ ફફડાટ નહોતો. સાવ અચાનક,અણધારી  રીતે અનાવૃત થવાથી બે પાંચ ક્ષણ ફફડાટ અવશ્ય જાગ્યો હતો. પણ એને શમી જતા વાર નહોતી લાગી.અનિકેત જે પૂછશે એના સાચા જવાબ જ આપશે.વરસો પછી એક અતીતના દરવાજાઓ ખોલવા અણગમતા જ બની રહેવાના..પણ એ સિવાય કોઇ ઉપાય પણ નહોતો. વહેલો મોડો અનિકેત એક વાર કુતુહલ ખાતર પણ પૂછશે તો ખરો જ ને ?

 અનિકેતને અનીશની જાણ છે. એના પ્રિય રંગની સુધ્ધાં  જાણ છે. એનો અર્થ શું ? એ અનીશને ઓળખે છે ? કયારથી ? કેવી રીતે ? અનીશ ઠીક તો હશે ને ? અનેક તર્ક, શંકા,  પ્રશ્નો ખળભળાટ મચાવતા રહ્યા. પણ કશું પૂછવાનું  મન ન થયું.  મૌન ઓઢીને એ બેસી રહી.

અનિકેતે ડ્રાઇવીંગ કરતા કરતા તેના  હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂકયો.

મંજરી, તારા મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હશે. મને કેમ, કયારે જાણ થઇ ?

મંજરી, સોરી, એકવાર મારા હાથમાં અનીશનો પત્ર આવી ગયેલો. ને હું વાંચ્યા સિવાય નહોતો રહી શકયો. કોઇ શંકાને લીધે નહીં. માનવસહજ કુતૂહલ માત્ર. અને મેં તારી જાણ બહાર, એ વાંચી લીધો હતો. એમાં છલકતી તારી પીડાનો એહસાસ કરી શકયો હતો.પણ ત્યારે અંશુ તારા ગર્ભમાં હતો એટલે કશું કહેવું કે પૂછવું યોગ્ય ન લાગ્યું.  એમ જ સમય પસાર થતો રહ્યો. તારા અતીત સાથે મારે કોઇ સંબંધ ન હોય.એના પર ફકત તારો જ અધિકાર હોય શકે. તારી અંગતતાનો પૂરા આદર સાથેનો એ સ્વીકાર  હતો. મારે મન એ જ પ્રેમનો સાચો અર્થ હતો.  મારે ફકત પતિ જ નહોતું બનવું. મારે તો બનવું હતું તારો પરમ મિત્ર..તારો સખા..

એક દિવસ બીઝનેસ ટુરમાં હું ને અનીશ મળી ગયા હતા. હું તેને ઓળખતો નહોતો. તેની નિખાલસતા મને સ્પર્શી ગઇ હતી.  થોડા સમયમાં  અમે ખાસ મિત્રો બની ગયા હતા. એક દિવસ અનીશે એની ભૂતપૂર્વ  પ્રિયતમાનો  ફોટો મને બતાવ્યો.. અનીશ ધરાઇને તારી વાતો કરતો.હું  થાકયા સિવાય સાંભળતો રહેતો.

અને..

મેં તેને કદી જણાવા ન દીધું કે એની મંજરી મારી પત્ની અને મારા બે બાળકોની મા બની ચૂકી છે.

બસ..એ તેનો પ્રેમ , પીડા ઠાલવતો રહ્યો.નિર્દોષ ભાવે. એણે તારે માટે થઇને લગ્ન નહોતા કર્યા.થોડા વરસ અમેરિકા ચાલ્યો ગયો હતો.તમારા લગ્ન શા માટે ન થયા..હું એમાં કેવી રીતે પ્રવેશી ગયો એ ત્યારે સમજાયું.

અને આજે આ અકસ્માત..? મને થયું અનીશને મળવા તારે જવું જ જોઇએ.

બસ..મંજરી..તારી પીડાનો મને અંદાજ છે. પણ…

મંજરીની આંખો વહેતી રહી.અનિકેતના, પરમ સખાના  હાથના હૂંફાળા સ્પર્શની શાતા તેના અસ્તિત્વને વીંટળાઇ વળી.

અને કાર ફુલ સ્પીડમાં હોસ્પીટલ તરફ દોડી રહી.

Nilam doshi

c/o Harish Doshi.

G.M. Biral sagar colony,

Saurashtra Chemicals.

Porbandar..360 576

094277 97524

E mail.nilamhdoshi@gmail.com

www.paramujas.wordpress.com

 

 

 

 

 

 

ગુજરાત દીપોત્સ્વી અંક..2016માં પ્રકાશિત મારી વાર્તા..” શરત “

શરત..gujarat dipotsvai..2016

 ફલેટ પાસે પહોંચીને બેલ મારવા જતા પ્રોફેસર સલીમના  હાથ એક મિનિટ અટકયા. શું જવાબ આપશે આજે પણ પોતે સાઇદાને ? એ જ નિરાશા, એ જ જવાબ..પત્નીનું એક નાનું સરખું સપનું પણ પૂરું કરવા પોતે અસમર્થ.. સાઇદાના ચહેરા પર છવાતી ઉદાસી તેમનાથી સહન નહોતી થતી.. પણ ઉપાય ? શું કરે પોતે ?મનમાં આક્રોશ છવાતો હતો. પણ એ કેવો વાંઝિયો આક્રોશ હતો એનું ભાન આ થોડા સમયના અનુભવે થઇ ચૂકયું હતું.

પ્રો.સલીમ જીવનમાં પહેલી વાર લાચારી અનુભવી રહ્યા.આજ સુધી કેવી ખુમારીથી જીવતા આવ્યા હતા.

અને આજે..?

વરસોથી જે આદર, માન સન્માન અનુભવતા આવ્યા હતા એ આજે જાણે પળવારમાં ભાંગીને ભૂક્કો થઇ ગયા હતા.

આજે સવારે  કેવી હોંશથી, વિશ્વાસથી નીકળ્યા હતા. હાશ ! આજે  નકાર નહીં સાંભળવો પડે. આજે  પોતે પોતાના ખાસ વિધાર્થી ચિરાગ ત્રિવેદી  પાસેથી ખાલી હાથે પાછા નહીં જ ફરે.  આવીને સાઇદાનો દામન ખુશીથી ભરી દેશે.સાઇદાની આંખો કેવી ચમકથી ઉભરાશે.. એની આંખોમાં કેવી ખુશીની લહેર ફરી વળશે. ત્રણ મહિનાથી ચાલતી રઝળપાટનો અંત આવી જશે..પણ…એક નિશ્વાસ સાથે પ્રો.સલીમે બેલ વગાડી.  કહો કે વગાડવી પડી.

સાઇદા જાણે બેલની પ્રતીક્ષામાં બારણા પાસે જ ઉભી હતી. તુરત બારણું ખૂલ્યું. ચહેરા પર કૃત્રિમ હાસ્ય ફરકાવી પ્રો.સલીમ અંદર દાખલ થયા.

આજે તો થાકી ગયો. એકી સાથે કેટલા કામ પતાવતો આવ્યો.

સાઇદા, બહું ભૂખ લાગી છે.  પહેલાં ફટાફટ થાળી પીરસ ,બીજી બધી વાત પછી.. હું ફ્રેશ થઇને આવું. શ્યામા નથી દેખાતી ?

શ્યામા આજે તેની એક બહેનપણીનો બર્થ ડે હોવાથી તેની પાર્ટીમાં ગઇ છે.આવતા થોડું મોડું થશે.

હા, હમણાં રહીમ પણ નથી એટલે બિચારીને એકલું લાગે જ ને ?

શું થાય ? રહીમની જોબ જ ટ્રાવેલીંગની.ચાલ, હું બે મિનિટમાં આવું. આપણે પહેલા જમી લઇએ..પહેલા પેટપૂજા પછી બીજી બધી વાત.

 કહેતા પ્રો.સલીમ જલદીથી બાથરૂમમાં ઘૂસ્યા.અણગમતી વાત..જે  થોડી ક્ષણો પાછળ ઠેલાણી તે.

જમતા જમતા કોઇ ફાલતું જોક કરી હસતા રહ્યા.

સાઇદા અપાર ધીરજવાળી હતી.

જમીને મુખવાસ આપતા સાઇદા ધીમેથી પૂછી રહી.

શું થયું ? ચિરાગે પણ એ જ વાંધો ઉઠાવ્યો કે શું ?

શું કરે તે પણ ? તેની પોતાની ગમે તેટલી ઇચ્છા હોય પણ…

એ જ કારણ કે બીજું કંઇ ?

બીજા કોઇ કારણને  તો અવકાશ જ કયાં છે  ? પૈસાનો કે એવો કોઇ પ્રશ્ન હોય તો આસાનીથી સોલ્વ થઇ શકે.પણ આ પ્રશ્ન તો નથી આપણા હાથની વાત કે નથી અન્ય કોઇના હાથની વાત..

હકીકતે આ પ્રશ્ન જ પાયા વિનાનો ન કહેવાય ?  

એ બધું આપણે સમજીએ છીએ.. કદાચ બીજા બધા પણ મનમાં તો સમજે  છે પણ કદાચ અમલ કરી શકે એમ નથી. આપણા સમાજમાં આજે પણ..

કહેતા પ્રો.સલીમ અટકયા.. એક ને એક વાત કેટલી વાર કરવાની ? છેલ્લા  એક મહિનાથી આ વાત સેંકડો વાર તેમની વચ્ચે ચર્ચાઇ ચૂકી હતી. વ્યથા  ઠાલવવા કે આક્રોશ વ્યક્ત કરવા સિવાય બીજું શું કરી શકાય એમ હતું ?

પીડાભરી થોડી મૌન પળો..

જો કે સાવ ના નથી પાડી.પણ તેણે  એક શરત મૂકી છે. કંઇક અચકાતા  પ્રો.સલીમ ધીમે રહીને બોલ્યા.

શરત ? ફલેટ લેવામાં વળી શરત કેવી ? પૈસા તો આપણે એ કહે એ રીતે અને તુરત આપી શકીએ એમ છીએ.

વાત પૈસાની નથી.

તો ? કેવી શરત ?

ચિરાગે  કહ્યું,

‘ તમારી વહુ શ્યામા હિંદુ છે. ફલેટના નંબર સામે એના પિયરનું આખું નામ લખીએ.

.” શ્યામા મોહનલાલ ત્રિવેદી “ .

.તો એને બીજો કોઇ વાંધો નથી.દસ્તાવેજ તો ગમે તેમ કરીને એ  આપણા  નામે કરી આપશે. બસ આપણે મુસ્લીમ છીએ એની જાણ ફલેટમાં આસપાસ કોઇને ન થવી જોઇએ.

બિચારો કહે,

‘ સર, ઘરમાં તમે ગમે તે  ધર્મ પાળો..એ જોવા કોણ આવવાનું છે ?  તમે તો આમ પણ પૂરા વેજીટેરિયન છો એની મને કયાં જાણ નથી ?  બીજું બધું હું સંભાળી લઇશ.’

એ બિચારો તો ગળગળો થઇ ગયો હતો.આવી શરત કહેતા પણ અચકાતો હતો.

સર, મારા પર તમારા કેટલા ઉપકાર છે. આજે હું જે કંઇ છું એ તમારે લીધે જ તો છું. નાતજાતના ભેદભાવ પણ મને કયાં નડવાના  ? તમે જ તો અમને એ બધું શીખવ્યું છે. પણ સર, આ પ્રોજેકટ મારા એકલાનો  નથી.અને મારા પાર્ટનર ચુસ્ત હિંદુ છે..એને એ બધી દીવાલ આડે આવવાની જ.. એથી હું મજબૂર છું. એકવાર કોઇ મુસ્લીમનું નામ આવે એટલે બીજા ફલેટ વેચવામાં ખાસ્સી તકલીફ પડે.અહીં કોણ કોણ..કેવી જ્ઞાતિના લોકો રહે છે.એ પૂછપરછ નવો ફલેટ લેનાર પહેલાં કરતો હોય છે  આજકાલ કેવા સંજોગો છે એની તમને તો જાણ છે.એમાં તમારા જેવા વિદ્વાન, સજ્જનનો ભોગ પણ લેવાય છે.પણ સર, આઇ એમ હેલ્પલેસ.. બાકી જો તમે શ્યામાભાભીને નામે લેવા તૈયાર હો તો કાલે ફલેટ તમારો. ‘

અરે, પણ આવી તે કંઇ શરત હોતી હશે ? આપણી પહેચાન છિનવવાનો કોઇને હક્ક નથી. સાઇદાના અવાજમાં અકળામણ ઉભરી આવી.

‘ મને પણ એ જ વાત અકળાવે છે. વહુના નામ સામે મને કોઇ વાંધો નથી. એને આપણે દીકરી માનીને સ્વીકારી જ છે ને ?  પણ આવા કોઇ કારણસર આવું કરવું પડે એ મને કોઇ રીતે મંજૂર નથી. જે થવાનું હોય તે થાય. બરાબર ને ? ‘

સાઇદાનું માથું હકારમાં હલ્યું.પણ તેની આંખ છલકાઇ આવી. જિંદગી આખી જે એકતા  માટે ઝઝૂમ્યા..આજે તેનો જ ભોગ આપવાનો ? અરે, દીકરાના પ્રેમનો પણ હસતે મોઢે કોઇ જ આનાકાની સિવાય સ્વીકારીને શ્યામાને આ ઘરમાં એક માનભર્યું સ્થાન આપ્યું હતું. અને આજે..?

પત્નીની વ્યથા સમજતા પ્રો.સલીમે કંઇ બોલ્યા સિવાય પત્નીનો હાથ હાથમાં લીધો.

બંને મૌન બનીને કયાંય સુધી એમ જ બેસી રહ્યા. મૌન સ્પર્શ દ્વારા એકમેકને હૂંફ આપવા મથી રહ્યા.બંનેની નજર સમક્ષ અનેક દ્રશ્યો પસાર થતા રહ્યા.

સલીમ અને સાઇદા એટલે જાણે મેઇડ ફોર ઇચ અધર..સલીમ નાનપણથી હિંદુના પડોશમાં મોટો થયો હતો. બંને કુટુંબમાં ઇદ અને દિવાળી એકી સાથે ઉજવાતા આવ્યા હતા.મોટા થયા બાદ કોલેજમાં પણ હિંદુ છોકરાના રૂમ પાર્ટનર તરીકે વરસો સુધી રહેવાનું આવ્યું.માંસાહાર છૂટયો. અને સંપૂર્ણ શાકાહારી બન્યો. મિત્ર અનિલ ગીતાના પાઠ કરતો એ સાંભળીને ગીતામાં રસ પડયો. અને પછી  ગીતાના અધ્યયનમાં એવા તો ડૂબી ગયા કે પ્રોફેસર બન્યા પછી અનેક જગ્યાએ ગીતાના પ્રવચનો આપવાનું આમંત્રણ તેમને મળવા લાગ્યું. ગીતાના  નિષ્ણાત તરીકે તેમની ગણના થવા લાગી.

અભ્યાસ પૂરો થયા બાદ સલીમ કોલેજમાં લેકચરર તરીકે જોડાયા. રીટાયર થયા ત્યાં સુધી તેમની કારકિર્દી ઉજ્જ્વળ રહી. હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીક વરસો સુધી સેવા આપ્યા બાદ હવે એક મહિના પહેલા તેઓ રીટાયર થયા હતા. કોલેજમાં વિધાર્થીઓ વચ્ચે પ્રો.સલીમનું નામ આદરપૂર્વક લેવાતું હતું  તે કદાચ સૌથી વધારે વિધાર્થી પ્રિય પ્રોફેસર હતા. વિધાર્થીઓને તેમના માટે લાગણી અને સ્નેહ હતા. પ્રોફેસર પણ વિધ્યાર્થીઓને તેમના સંતાનની જેમ ચાહતા. હિંદુ કે મુસ્લીમ જે પણ વિધ્યાર્થીને કોઇ પણ જાતની જરૂર હોય તે પ્રો.સલીમનો દરવાજો ખખડાવતા અને કદી નિરાશ પાછા ન ફરતા. નાતજાતના ભેદભાવ સામે તેમને સખત નફરત હતી. તક મળતા જ એ સંદેશ આપવાનું તે કદી  ચૂકતા નહીં તેમને માટે મંદિર કે મસ્જિદનૂં સ્થાન સમાન હતું.અવારનવાર તેમના પ્રવચનોમાં પણ તેઓ કુરાન અને ગીતામાં કહેલી વાતોની સરખામણી કરીને બંનેના ઉપદેશમાં રહેલી સામ્યતા સમજાવતા રહેતા. નાતજાતના ભેદભાવ સિવાયનો સમાજ એ તેમનૂં સપનું હતું.

જોકે છેલ્લા ઘણાં સમયથી દેશમાં પ્રસરી રહેલી ધાર્મિક અસહિષ્ણુતાથી તેઓ વ્યથિત રહેતા.મંદિર મસ્જિદના  વિવાદના ઉકેલ માટે તેઓ હમેશા કહેતા કે ત્યાં એક હોસ્પીટલનું નિર્માણ કરવું જોઇએ.જયાં હિંદુ, મુસ્લીમ બધાને  નિઃશુલ્ક સારવાર મળી શકે. તેમના દરેક લેક્ચરમાં  આવા અનેક મુદ્દાઓ આવતા રહેતા. થોડા લોકોને પણ અસર થાય તો તેમની મહેનત વસૂલ..આવા કોઇ વિચારે જયારે પણ તક મળે ત્યારે આ મુદ્દો તે ચોક્ક્સપણે દાખલા દલીલો સાથે પૂરી નિખાલસતાથી ચર્ચતા.

સદનસીબે પત્ની સાઇદા પણ એવા જ વિચારો વાળી મળી હતી.તેમનું સહિયારૂ  જીવન કોઇ માટે ઇર્ષ્યારૂપ તો કોઇ માટે પ્રેરણારૂપ બની રહેતું. નાનકડા રહીમના આગમન પછી તો જીવન જાણે કિલ્લોલ કરી ઉઠયું. દિવસોને પાંખો આવી હતી.

મોટા થયા પછી રહીમે જયારે હિંદુ ધર્મની શ્યામાને પસંદ કરી ત્યારે પણ એક ક્ષણના હિચકિચાહટ સિવાય પતિ પત્ની બંનેએ પુત્રની પસંદગી પર સંમતિની મહોર લગાવીને  શ્યામાને પૂરા પ્રેમથી ઘરમાં અપનાવી હતી. તેનું નામ બદલવાની વાત વિચારી પણ નહોતી. શ્યામા  ઘરમાં કનૈયાની પૂજા કરતી. એ માટે એક નાનું મંદિર પણ હોંશે હોંશે પ્રો.સલીમે લાવી આપ્યું હતું. ધર્મને નામે ઘરમાં કોઇ પ્રોબ્લેમ નહોતા. નમાઝ અને આરતી બંને આ ઘરમાં સમાન રીતે થતા. શ્યામા પણ આવા સાસુ સસરા મળવાથી પોતાને જાતને નસીબદાર માનતી હતી. આ ઘરમાં તે દૂધમાં સાકરની માફક ભળી ગઇ હતી. કયાંય ધર્મના નામે કોઇ બંધન, કોઇ રોકટોક નહોતા.

 કોલેજના કવાર્ટરમાં રહેલા પ્રોફેસરને હવે નિવૃતિ બાદ સ્વાભાવિક રીતે જ કવાર્ટર ખાલી કરવાનું હતું. એમાં તો કોઇ પ્રોબ્લેમ નહોતો. પરંતુ વરસોથી આ એરિયામાં રહ્યા હોવાથી  પત્ની અને પુત્રને આ એરિયાનું એક આકર્ષણ હતું, એક લગાવ હતો. એથી  આજુબાજુમાં જ કયાંક ફલેટ લેવાના પ્રયાસો તેમણે શરૂ કર્યા હતા. ફલેટ શોધતી વખતે તેમને કલ્પના સુધ્ધાં નહોતી કે તેમની જ્ઞાતિ આમાં બાધારૂપ બની રહેશે અને તે પણ આટલી જડ રીતે.મુસ્લીમ શબ્દ સાંભળતા જ બિલ્ડર ચોખ્ખી ના પાડી દેતો અને તેમને કોઇ  મુસ્લીમ એરિયામાં ઘર શોધવાની સલાહ આપતો. અરે જાણીતો બિલ્ડર સુધ્ધાં તેમને સોરી કહીને એ  જ સલાહ આપતો. બધેથી આ એક જ વાત નડતરરૂપ બનીને ઉભી રહેતી.

ચિરાગ ત્રિવેદી તેમનો ખાસ વિધ્યાર્થી હતો. જેને પ્રોફેસર માટે ખૂબ આદર હતો અને તેના વિધાર્થી કાળમાં પ્રોફેસર સલીમે તેમને ખૂબ મદદ કરી હતી.આજે તે એક સફળ બિલ્ડર બન્યો હતો. તેથી પ્રોફેસરને ખૂબ આશા હતી કે ત્યાં તો નિરાશ નહીં જ થવાય..પરંતુ…

પ્રોફેસરની અંદર એક આગ ઉઠી હતી.પોતે મુસ્લીમ છે એ એક જ તેમના જીવનનો માપદંડ હતો ? સેંકડો હિન્દુ વિધ્યાર્થીઓને તેમણે શિક્ષણ નહોતું આપ્યું ? હિંદુઓ તેમના માર્ગદર્શન માટે નહોતા આવતા ? તેમની જાત કયાં એમાં આડી આવી હતી ? બધા સાથે મળીને તેમણે દિવાળી કે જન્માષ્ટમી નહોતી ઉજવી ? તેઓ હિંદુઓને શિક્ષણ આપી શકે, તેમને માર્ગદર્શન આપી શકે, તેમને ઘેર જમવા જઇ શકે  કે તેમને જમવા પણ બોલાવી શકે.એમાં કોઇને કશો વાંધો નહોતો આવતો પણ એમની બાજુમાં રહી ન શકે..આ કયાંનો ન્યાય હતો ? અરે, તેમના અનેક  હિંદુ મિત્રો હતા જે કહેતા..તમે તો સવાયા હિંદુ છો. અમે તો બહાર જઇએ છીએ ત્યારે નોનવેજની મજા પણ માણી લઇએ છીએ..અને ગીતાના સંદેશની જેટલી સમજણ તને પડે છે એટલી તો અમને પણ નથી પડતી.અમે તો અર્થ સમજયા વિના પોપટની જેમ શ્લોકો રટી જનારા..તમારી તો વાત જ ન્યારી..

આવું કહેનારા લોકો પણ આજે પાણીમાં બેસી ગયા હતા.

કોઇ બિલ્ડર તેમને આ એરિયામાં ફલેટ આપવા ટસનો મસ નહોતો થતો.અને આ જ તેમની વેદનાનું કારણ બન્યું હતું. થોડા વધારે પૈસા આપવા પણ તેઓ તૈયાર હતા પણ પરિણામ શૂન્ય.

જીવનભર જે સિધ્ધાંત માટે ઝઝૂમ્યા તે આજે  નેવે મૂકવાના હતા. જો આ એરિયામાં ફલેટ જોઇતો હોય તો તેમની પોતાની સ્વતંત્ર પહેચાન, સ્વમાન બધું હોડમાં મૂકવાનું હતું.એક સાચુકલા માણસ તરીકેની તેમની ઑળખાણ પૂરતી નહોતી ? શા માટે આવા કોઇ લેબલ ?  પણ તેમનો એ આક્રોશ વાંઝિયો સાબિત થયો હતો. તેમની જીવનભરની તપસ્યા જાણે નિષ્ફળ થઇ હતી.આજે પહેલી વાર કદાચ આ હદે તેઓ નિરાશ થયા હતા.શું કરવું તે સૂઝતું નહોતું. પોતાના અસ્તિત્વને નકારતી આવી કોઇ શરત કેમ સ્વીકારી શકાય ? આવી શરત સ્વીકારવી એટલે પોતે પોતાની જાતનું અવમૂલ્યન કરીને હાર માની લેવી એમ જ ને ?

શાંત અને સરળ સ્વભાવની  સાઇદા તો આવી શરતની વાત સાંભળીને જીવનમાં પહેલી વાર આક્રોશમાં કેટલું યે બબડી ઉઠી હતી.  

 આ તે કોઇ રીત છે ? આવી તે શરત હોતી હશે ?

 પતિ પત્ની  ન જાણે કયાં સુધી આમ જ મૌનનું કવચ ઓઢીને બેસી રહેત..

પણ  બેલ વાગતા સાઇદાને બારણું ખોલવા ઉભા થવું પડયું.

 ધારણા મુજબ શ્યામા જ પાર્ટીમાંથી આવી હતી.આવીને ઉત્સાહથી મમ્મી, પપ્પાને પાર્ટીની વાત કરવા લાગી.

અચાનક કંઇક યાદ આવતા તે બોલી ઉઠી..

‘ મમ્મીજી, આપણે તે દિવસે વાત થયેલી ને ?  લગાવવી છે શરત ? બોલો..હુ જ જીતવાની હોં.’

સાસુ વહુ વચ્ચે કોઇ ને કોઇ  શરતો અવારનવાર લાગતી રહેતી.

‘ શરત ? શાની શરત ? શરતની વાત હવે પછી કરી છે તો ખબરદાર છે. શરત શબ્દ આ ઘરમાં ન જોઇએ શું સમજી ? ‘

શ્યામા સ્તબ્ધ..

સસરાના ઇશારે તે ધીમે પગલે પોતાના રૂમમાં ચાલી.

પ્રો. મૌન રહીને સાઇદાને  સ્પર્શથી આશ્વાસન આપવા મથી રહ્યા.

Published in Gujarat Deepotsvai,2016

ચપટીક આકાશ

ચપટીક આકાશ..( મારી સહેલીમાં પ્રકાશિત )

 

દેવ, આજે આપણી આ અંતિમ મુલાકાત..

કેમ ? શું થયું ? એની પ્રોબ્લેમ ?

આમ તો તને આ વાત ફોનમાં જ કરવાની હતી. પણ પછી થયું કે ના, ફોન નહીં,  રૂબરૂ જ વાત કરીશ.

પણ જાનકી, આખરે થયું છે શું ?

દેવ, માલવ ગઇ કાલે જ યુકે.થી પાછો આવી ગયો છે.

ઓહ..ઓકે..સમજી ગયો. પણ જાનકી, આપણે કોલેજના મિત્રો છીએ. આપણે એકમેકને ગમતા હતા. પણ આપણી દોસ્તી પ્રેમમાં પરિણમે એ પહેલા જ તારા લગ્ન થ ઇ ગયા.  અને આપણો પ્રેમ અવયક્ત જ રહી ગયો.

દેવાયુ, એથી જ કહેવાયું હશે કે જોડીઓ સ્વર્ગમાં બને છે.

માલવ તારી જિંદગીમાં થોડો મોડો આવ્યો હોત તો..આપણી જોડી બનતા વાર ન લાગી હોત. હકીકતે મને હતું કે બસ કોલેજની આ છેલ્લી પરીક્ષા પૂરી થાય પછી જ તારી સમક્ષ પ્રેમનો એકરાર કરીશ ને તારો જવાબ માગીશ.

બની શકે મારો જવાબ હકારમાં પણ હોત. જાનકી ધીમું હસી પડી.

બની શકે નહી.એમ જ બન્યું હોત. મને ના પાડવાની ગંભીર ભૂલ તેં ન જ કરી  હોત. પણ માલવના નસીબ જોર કરતા હશે તે વચ્ચે આવીને મારી જાનકીનું હરણ કરી ગયો.

દેવાયુ ખડખડાટ હસી પડયો.

એ ય, દેવ, મારો માલવ રાવણ નથી હોં.

મેં કયાં એવું કહ્યું છે ? પણ કહી જરૂર શકું. મારી થનાર જાનકીનું હરણ કરે એને  હું બીજું  કયું નામ આપું ?

બસ..હોં. કોઇ નામ આપવાની જરૂર નથી.

દેવ, આ એક વરસની મારી એકલતાને સભર બનાવવા બદલ આભાર નહીં માનું.

જાનકી, આપણે હજુ પણ મિત્રો ન રહી શકીએ ? મળી ન શકીએ ?

ના, દેવ, એ લપસણો માર્ગ હશે આપણા માટે. આપણે આજ સુધી એવી કોઇ મર્યાદા નથી ઓળંગી. હા, તારા હાથનો હૂંફાળો સ્પર્શ, એ અનુભૂતિ હમેશ માટે મારી મૂડી બની રહેશે. એક મીઠા સમરણ તરીકે મારી ભીતર કોઇ ખૂણે હમેશા રહેશે. તારા ખભ્ભે માથું  મૂકી હું ઠલવાઇ છું. તારા ખોળામાં માથું રાખી ને મેં તારા ગીતો સાંભળ્યા છે. મારા કપાળે તારા હોઠનો એ  પ્રેમાળ સ્પર્શ  મને ચોક્ક્સ ઝંક્રુત કરી ગયો હતો. દેવ, મારી એકલતાને હૂંફાળુ  એકાંત તેં બનાવ્યું છે. આ ક્ષણો મારી જિંદગીનો અણમોલ ખજાનો બની રહેશે.

પણ દેવ, એ પણ હકીકત છે કે હું મારા પતિને, માલવને ખૂબ પ્રેમ કરું છું. બે વરસ એને યુકે જવાનું થયું ત્યારે મને હતું કે કેમ કાઢી શકીશ હું માલવ વિનાના આ બે વરસ ?

અને એક દિવસ આપણે ફરી એકવાર અચાનક મળી ગયા. આપણી અધૂરી દોસ્તી આ સમયમાં વધારે ગાઢ બની. એક દોસ્તથી કદાચ વધારે નિકટ અને પ્રેમી, પ્રેમિકાથી દૂર એવો કોઇ નામ વિનાનો સંબંધ આપણી વચ્ચે પાંગરી ઉઠયો. દેવ, આપણી આ નિકટતાને કયું નામ અપી શકાય એની જાણ નથી.

જાનકી, નામ આપવાની જરૂર પણ શી છે ? નહીં દોસ્ત, નહીં પ્રેમીઓ, નહી  કોઇ સગપણ, નહીં કોઇ દાવાઓ, કે ન કોઇ વચનો..બસ..એક વિશ્વાસ, એક હૂંફ, થોડો સ્પર્શ, હૂંફના એક માધ્યમ તરીકે માત્ર..જાનકી, બસ …આ થોડા સમયમાં આપણે બંને જે પામ્યા છીએ..એ બની શકે કદાચ લગ્ન કર્યા હોત તો યે ન પામી શકત. રોજિંદી ઘટમાળમાં આ ક્ષણો, આ નિકટતા કદાચ ગુમાવી બેઠા હોત. કહે છે ને જે થાય છે તે સારા માટે..

હા, દેવ, કદાચ તારી વાત સાચી છે.

પણ જાનકી, માલવ આવી ગયો એટલે આપણે સાવ નહીં મળવાનું એમ ? તું માલવને મારી ઓળખાણ કરાવી શકે..મિત્ર તરીકે.

હા, દેવ ,ચોક્કસ કરાવી શકું. અને એમાં માલવને કોઇ વાંધો પણ ન હોય. પણ દેવ, આપણા સંબંધમાં ફ્કત મિત્રતાથી કંઇક વત્તે ઓછે અંશે કશુંક વધારે પણ છે. જે આપણે બંને જાણીએ છીએ. પણ માલવ જાણતો નથી. અને એનો ડંખ મને ભીતરમાં હમેશા રહેશે. આપણે કોઇ પાપ નથી કર્યું.  માલવ પ્રત્યે મેં કોઇ બેવફાઇ નથી કરી. અને છતાં સાવ જ એમ નિર્દોષ મારી પોતાની કોર્ટમાં હું મને નથી જ લાગતી. એથી દેવ, આપણે અહીં જ છૂટા પડીશું. હમેશ માટે.આ ક્ષણોને ભીતરમાં સંઘરીને…કદીક રસ્તે મળી જશું તો પણ બસ એક મીઠું સ્મિત ફરકાવીને પસાર થઇ જશું. આટલો સરસ સમય આપણે સાથે ગાળી શકયા, સભર બની શકયા એ માટે ઇશ્વરનો આભાર માનીશું.

ઓકે..જાનકી,  તારી ભાવનાનો  હું આદર કરું છું અને કરીશ.  હવે પછી આપણે કદી મળીશું નહીં. પણ મનમાં પ્લીઝ કોઇ ભાર, કોઇ ડંખ ન રાખીશ.આપણે એવું  કશું  ખોટૂં કામ નથી કર્યું.

ખોટૂં કે સાચું ? એ તો ખબર નથી. પણ જે વાત માલવને કહી ન શકું, જે વાત છૂપાવવી પડે એવી હોય તેને સાવ સાચી તો કેમ કહી શકાય ? પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ એ મોટી મૂડી છે. જે મૂડી મેં…

પ્લીઝ..જાનકી, નહીં આજે યે તારી એ મૂડી સલામત છે. તું માલવને નથી કહેવાની..કેમ કે તને પણ દરેક સ્ત્રીની જેમ એક ડર લાગે છે કે પુરૂષ આવી કોઇ વાત કદી યે સહજતાથી સ્વીકારી શકતો નથી. તારી જગ્યાએ મારી પત્ની હોય ને મને આવી કોઇ દોસ્તીની વાત કરે તો મને યે ખબર નથી કે હું કેટલે અંશે એ પચાવી શકૂં ? હા, બની શકે હું એના પર કોઇ શંકા ન કરું. પણ અંદરખાને મને કદાચ ન જ ગમે એવૂં બની શકે. જાનકી, મનના તાણાવાણા બહું અજબ રીતે ગૂંથાયેલા હોય છે.  દરેકની ભીતર એક છાનો, અંગત..સાવ જ અંગત ખૂણો હોવાનો જ. જે એની સાથે જ આખરી પળે અગ્નિમાં સ્વાહા થવાનો.

કદાચ તારી વાત સાચી હશે. ગમે તેવી નિકટતા પછી યે કદાચ માણસને થોડી મોકળાશ, એક નાનકડા ખૂણા જેટલી પોતાની આગવી સ્પેશની જરૂર પડતી હશે.

હા, અને કમનસીબે બહું ઓછા સ્ત્રી, પુરૂષો આ વાત સમજી કે સ્વીકારી શકે છે. ખેર ! ચાલ, આજે સાથે આપણી સ્પેશય્લ કોફી મગાવીશું ને ? કદાચ આખરી વાર.

જાનકી કશું બોલી નહીં. મૌન બની દેવાયુ સામે જોઇ રહી. દેવાયુ એને કેટલી સાચી રીતે સમજી શકયો હતો. એનું એને ગૌરવ હતું.

થોડી વારે કોફી આવી. બંને ચૂપચાપ કોફી પીતા રહ્યા. હવે કોઇ સંવાદ નહોતો થતો. કદાચ જરૂર પણ નહોતી.

જાનકી, કંઇ ખાવાની ઇચ્છા છે ?

ના..દેવ, હવે મારે જવું જોઇએ. માલવનો આવવાનો સમય થઇ ગયો છે.

ઓકે.. ચાલ.

દેવાયુએ જાનકીના હાથ પર પોતાનો હાથ મૂકયો.

જાનકી, ટેઇક કેર.. બની શકે..કયારેક, કયાંક મળી પણ જઇએ. જીવનનો રસ્તો કયારે, કયાં ફંટાઇ જાય છે કોણ કહી શકે ? ત્યારે એકાદ સ્મિત તો આપીશ ને ?

જાનકી કશં બોલ્યા સિવાય આ દોસ્ત સામે જોઇ રહી. ન જાણે કેમ આંખોમાં જરીક અમથી ભીનાશ અનુભવાતી હતી.

અને બંને રેસ્ટોરંટની બહાર નીકળ્યા.

રેસ્ટોરંટને બીજે ખૂણે બેસેલા ચિરાગ અને માલવ બંનેને જતા જોઇ રહ્યા.

માલવ, ભાભી…

પ્લીઝ ચિરાગ, નો કોમેન્ટ..

પણ..આ રીતે ભાભી કોઇ સાથે…

કોઇ નહોતું, ચિરાગ, કોલેજ સમયનો એનો  દોસ્ત દેવાયુ  હતો. એ બંને કોલેજમાં સાથે ભણતા. અમારા મેરેજમાં પણ  આવેલો. જાનકીએ ત્યારે જ મને ઓળખાણ પણ કરાવેલી. અલબત્ત પછી કદી જોયો નહોતો.

પણ તને ખબર છે માલવ, તારી આ લાંબી ગેરહાજરીમાં મેં ભાભીને અનેક વાર એની સાથે જોયા છે.

હા, તો શું છે ? મિત્ર સાથે જઇ ન શકે ? ખાસ કરીને ઘરમાં કોઇ હોય જ નહીં ત્યારે આખો દિવસ માણસ કરે શું ?

પણ આમ..એક પુરૂષ સાથે તારી પત્નીને જોઇને તને કશું થતું નથી ?

શા માટે થવું જોઇએ ? એક સ્ત્રી ને એક પુરૂષ સાથે છે એટલે ? દોસ્ત, શંકાની કોઇ ચિનગારી મારે મનમાં જલાવવી નથી. એ માનસિકતામાંથી હવે આપણે બહાર નીકળવું જ રહ્યું. જો એને થોડી સ્પેસ આપી શકીશું તો સ્ત્રી મોટે ભાગે બહાર જવાનું પસંદ નહીં કરે.

ને મને ખબર છે કે એની સાથે જતી વખતે મને જાણ ન કરવા માટે એના મનમાં કોઇ એક ખૂણે ડંખ જરૂર છે જ. બસ..એ ડંખ છે ત્યાં સુધી પુરૂષે ડરવાનું કોઇ કારણ નથી.

 

 

 

 

અલી શું બોલે ? ( post office )

દોસ્તો, ધૂમકેતુની અતિ પ્રખ્યાત વાર્તા ” પોસ્ટ ઓફિસ ” થી કયો ગુજરાતી વાચક અજાણ હોઇ શકે ? આ વાર્તા સ્કૂલમાં પણ ભણી ગયા હતા એ અવશ્ય યાદ હશે.
આ વાર્તાને આપણા જાણીતા વાર્તાકાર શ્રી માય ડિયર જયુએ આગળ વધારી છે.
જેમાં મરિયમને લેવા પોસ્ટ માસ્તર સ્ટેશને જાય છે ત્યાં સુધી લખેલું છે.
હવે એ જ વાર્તાને મેં મારી રીતે આગળ વધારી છે.અને ત્રીજો ભાગ લખ્યો છે.જે આ વખતના ગુજરાત દીપોત્સવી અંકમાં પ્રકાશિત થઇ ચૂકયો છે.આશા છે આપ સૌને એ વાંચવામાં અચૂક રસ પડશે.

આપ સૌના પ્રતિભાવની આતુરતા તો હમેશની..

Published in gujarat deepotsavi 2015
અલી શું બોલે ?
જાણે હંસા આવવાની હોય એવી આતુરતાથી પોસ્ટમાસ્ટર ઝડપભેર સ્ટેશનમાં દાખલ થયા. મરિયમ અલી ડોસાને, ના , તેના અબ્બુને શોધતી હશે.
પોતે મોડા નથી પડયા એની ખુશી સાથે પોસ્ટમાસ્ટર અધીરતાથી ગાડીને આવતી જોઇ રહ્યા. ગાડી સ્ટેશનની અંદર દાખલ થઇ ચૂકી હતી. પોસ્ટમાસ્ટર જાણે હંસાને તેડવા આવ્યા હોય અને બારીમાંથી હંસા તેને જોઇને ખુશખુશાલ બનીને ચીસ પાડી ઉઠવાની હોય તેમ અધીરતાથી દરેક ડબ્બાની બારીમાં જોઇ રહ્યા.
પણ મરિયમ તેને કયાં ઓળખવાની હતી કે નહોતા તે મરિયમને ઓળખવાના..ના.. એ જરૂર ઓળખી જશે.સાથે નાનકડો મહમુદ પણ છે ને.
ગાડી ઉભી રહી. એક ડબ્બામાંથી નાનકડા બાળકને તેડી એક યુવતી ઉતરી. યુવતીની બહાવરી નજર આસપાસ ફરી વળી.પોસ્ટમાસ્ટર એ તરફ દોડયા. નક્કી એ જ મરિયમ..એને ઓળખવામાં એ ભૂલ ન જ કરે. પિતાને શોધતી આવી નજર બીજા કોની હોય ?
યુવતીની પાસે જઇ ધીમેથી પોસ્ટમાસ્ટર બોલ્યા
મરિયમ,
પોસ્ટમાસ્ટરને પોતાને નવાઇ લાગી.એના સદાના રૂક્ષ અવાજમાં આવી મ્રુદુતા કયાંથી આવીને બેસી ગઇ ?
તમે ? તમે કોણ ? મારા અબ્બુ કયાં ?
બેટા, તારા અબ્બુ નથી આવી શકયા. એમણે જ મને મોકલ્યો છે.સાબિતી રૂપે હાથમાં રહેલો મરિયમનો કાગળ તેના હાથમાં મૂકતા પોસ્ટમાસ્ટરબોલ્યા.
અંકલ, આપ ?
એ બધી વાતો પછી..ચાલ બેટા, પહેલા ઘેર જઇએ. કહેતા પોસ્ટમાસ્ટરે મહમદને તેડવા હાથ લંબાવ્યા.
પણ મહેમૂદ વધારે જોશથી અમ્મીને વળગી રહ્યો.
તેને થોડી વાર અજાણ્યું લાગશે તેને. કહેતા મરિયમ મીઠું હસી રહી. તેણે મહેમૂદને નીચે ઉતારવા પ્રયત્ન કર્યો. પણ તે નીચે ઉતરવા તૈયાર ન થયો. અને માને વધારે જોશથી વળગી રહ્યો.
પોસ્ટમાસ્ટર હસી પડયા અને મરિયમની બેગ ઉંચકી લીધી અને આગળ ચાલ્યા.
મરિયમ ચૂપચાપ પાછળ દોરાઇ.
મરિયમના માસૂમ ચહેરા પર એક બાળક જેવી નિર્દોષતા છવાયેલી હતી. તેની મોટી પાણીદાર આંખો કેવી યે પારદર્શક હતી. એની સામે જોઇને જાણે કંઇ ખોટું બોલી જ ન શકાય. ઘઉંવર્ણા લંબગોળ ચહેરા પર સ્મિતની લહેરખી ફરફરતી હતી. એની આંખો જાણે અધીરાઇથી કોઇને શોધી રહી હતી. લાંબી, પાતળી સુડોળ કાયા પર મરુન ટીપકી વાળા કાળા રંગના સલવાર કમીઝ અને કપાળ સુધી ઓઢેલી એવી જ ઓઢણી. હાથમાં તાજા ખીલેલા ફૂલ જેવું ખિલખિલ હસતું શિશુ..પોસ્ટમાસ્ટર ઘડી ભર મરિયમને જોઇ રહ્યા. હંસા કદાચ મરિયમથી થૉડી નીચી હશે. જો કે હંસાના ચહેરાનો રંગ ગૌરવર્ણો ખરો.પણ નમણાશ તો મરિયમની જ.નહોતી કરવી તો યે પોસ્ટમાસ્ટરથી મનોમન સરખામણી થઇ જ ગઇ. હંસા પણ આમ જ બાળકને તેડીને આવશે ને ?
અંકલ. અબ્બુ..? મરિયમે ફરીથી તેનો પ્રશ્ન દોહરાવ્યો.
સામે હંસા ઉભી હતી કે મરિયમ ? માસ્તર જરા ગૂંચવાયા કે શું ?
સફાળા ભાન આવ્યું હોય એમ બોલી ઉઠયા.
‘ બેટા, પહેલા ઘેર ચાલ. ઘેર જઇને આપણે વાત કરીએ છીએ. ‘
હંસાને બેટા કહીને જ તો સંબોધતા હતા ને ? એ જ શબ્દ અત્યારે આ અજાણી યુવતી માટે મોઢામાંથી નીકળી ગયો.
જોકે મરિયમ અજાણી કયાં રહી હતી ? કદાચ મરિયમ અને હંસા એકમેકમાં ઓગળી ગયા હતા.
જવાબ ન મળવાથી મરિયમના મનનું સમાધાન તો ન થયું પણ એ સિવાય બીજો કોઇ ઉપાય પણ કયાં હતો ?
બેટા, ચિંતા ન કરતી. મને તારો પિતા જ સમજી શકે છે. મરિયમનો હિચકિચાટ સમજી ગયેલ પોસ્ટમાસ્ટર બોલ્યા.
મરિયમનો હાથ પકડી પોસ્ટમાસ્ટર ઘરમાં દાખલ થયા ત્યારે ફકત તેમનો ચહેરો જ નહીં આખ્ખું અસ્તિત્વ ઝળાહળા હતું.
ઘરમાં પ્રવેશતા જ પોસ્ટમાસ્ટરે રામજીને બૂમ પાડી.
રામજી, તારી વહુને કહે આરતીની થાળી લાવે. વરસો બાદ દીકરી ભાણિયાને તેડીને ઘેર આવી છે.
ઓછાબોલો રામજી માસ્તર સામે જોઇ રહ્યો.
રામજીની પત્ની કશું સમજી તો નહીં પણ પતિના કહેવા મુજબ હાથમાં આરતીની થાળી લઇને આવી. મરિયમ અને નાનકડા મહેમૂદની આરતી ઉતારી.
આવ બેટા..
કંઇક સંકોચાતી મરિયમ ધીમા પગલે અંદર આવી. પોસ્ટમાસ્ટરને પગે લાગી. મહેમૂદને પણ પગે લગાડયો. અંકલ, આશીર્વાદ આપો.
પોસ્ટમાસ્ટરે મહેમૂદને માથે હાથ મૂકી મૌન આશીર્વાદની ઝડી વરસાવી. મહેમૂદના મીઠા હાસ્ય પર માસ્તર ઓળઘોળ બની રહ્યા. આ તો અદ્લ હંસાનો દીકરો..પોતાનો દોહિત્ર.
મરિયમની આંખો ઓરડામાં આમતેમ ઘૂમી રહી. અબ્બુ કયાં ? એ કેમ દેખાતા નથી ? બીમાર હશે ?
પોસ્ટમાસ્ટર મરિયમનો મૌન પ્રશ્ન તો કયારના સમજી ચૂકયા હતા. પણ જવાબ આપવામાં બને તેટલું મોડું કરતા હતા. કદાચ ટાળી શકાય તો ટાળવા ઇચ્છતા હતા. પણ એ કયાં શકય હતું ?
મરિયમની અધીરાઇ હવે ભયમાં પરિણમી હતી.
અંકલ, સાચું કહેજો..મારા અબ્બુને કંઇ થયું તો નથી ને ? એ મને લેવા આવ્યા સિવાય રહે જ નહીં. કયાં છે મારા અબ્બુ ? મરિયમે પોસ્ટમાસ્ટરને હચમચાવી નાખ્યા.
જવાબ આપ્યા સિવાય બીજો કોઇ ઉપાય કયાં બચ્યો હતો ?
‘ બેટા, જીવનમાં આપણને ન ગમતી વાતો થતી જ રહે છે ને ? તારા અબ્બુ ઉપરથી તમારા બંને ઉપર દુવા વરસાવી રહ્યા છે. તને સુખી જોઇને એનો આત્મા જયાં હશે ત્યાં ખુશ થતો હશે.
મરિયમ ત્યાં બેસી પડી. એની આંખો ધોધમાર વરસી રહી.
અબ્બુને મળવામાં પોતે મોડી પડી એનો અફસોસ એના કાળજાને કોરી રહ્યો. હવે એના અબ્બુ એને કદી નહીં દેખાય ? મહેમૂદને કયારેય નહીં જોઇ શકે કે નહીં રમાડી શકે ?
પોસ્ટમાસ્ટરે મરિયમને રડવા દીધી. મન ભરીને રડી લે બેટા..હૈયુ હળવું કરી લે.
થોડી વાર ઘરમાં સન્નાટો છવાઇ રહ્યો. કોચમેન અલી ડોસા જાણે આ ક્ષણે જ જાણે કબરમાં પોઢયા.
‘ અલી, તારી દીકરીને તારી ખોટ સાલવા નથી દીધી હોં.પોસ્ટમાસ્ટર મનોમન બોલી રહ્યા.
મરિયમે પોસ્ટમાસ્ટરે આપેલો પિતાનો કાગળ ફરી એકવાર વાંચ્યો અને ફરી એકવાર વરસી રહી. બે હાથ જોડી, આંખો બંધ કરી મનમાં જ કશુંક ગણગણી રહી.
રામજીની વહુએ પાણીનો ગ્લાસ તેના હાથમાં થમાવ્યો. નાનકડો મહેમૂદ માના ખોળામાં સૂઇ ગયો હતો. કદાચ થાકી ગયો હતો.
બેટા, પહેલા એને જમાડીને અંદર સૂવડાવી દે.
અત્યારે એ જમશે તો નહીં રસ્તામાં ખવડાવી દીધું છે. ખાલી દૂધ પીશે. સૂતા પહેલા એને દૂધની આદત છે.
મરિયમના અવાજમાં થોડો સંકોચ હતો.
રામજી દૂધ લઇને આવ્યો. થોડી વારે બાળકને દૂધ પીવડાવી,, અંદર સૂવડાવી પરિયમ બહાર આવી.
અંકલ, તમારી ઓળખાણ તો આપી જ નહીં. મારા અબ્બુના ખાસ મિત્ર છો એ તો જણાઇ આવ્યું. એનો કાગળ લઇને તમે મને દીકરી કહીને તેડવા આવ્યા.. અંકલ, મારા અબ્બુને તમે કયારથી ઓળખતા હતા ?
એને ઓળખવામાં બહું મૉડો પડયો હતો બેટા, એક બાપના દિલને ઓળખવામાં હું બહું મૉડો હતો. પોસ્ટમાસ્ટર મનમાં જ વિચારી રહ્યા.
અંકલ, તમે જવાબ ન આપ્યો.
કેટલાક પ્રશ્નોના જવાબ નથી હોતા બેટા.તને ખબર છે મારે પણ તારા જેવી જ મીઠી અને તારા જેવડી જ એક દીકરી છે.એનું નામ હંસા. કહેતા પોસ્ટમાસ્ટરના અવાજમાં એક કુમાશ ઉમેરાઇ.
હંસાની બા એની પાસે જ ગઇ છે. એની સુવાવડ આજકાલમાં સમાચાર આવવા જ જોઇએ. હંસાની તબિયત કંઇક સારી નથી એમ છેલ્લા સમાચાર આવ્યા હતા. આજે પાંચ દિવસથી..
માસ્તરનો સાદ ગળગળો બની ગયો.પોતે તો પાંચ દિવસમાં જ ધીરજ ખોઇ બેઠા હતા.
અલીએ કેવા વસમા પાંચ વરસો કાઢયા હશે ? એક પણ દિવસ ચૂકયા સિવાય તેનું રોજ પોસ્ટ ઓફિસે આવવું. બધાની મજાકનું પાત્ર બનવું..એની આશાભરી આંખો કાગળોના થપ્પા પર કેવી મંડાઇ રહેતી.
પણ ત્યારે અલીનું, એક બાપનું બહાવરાપણું કયાં સમજાયું હતું ? એ તો હમણાં હંસાના કોઇ સમાચાર નહોતા ત્યારે જ ભાન પડી ને ?
વીજળીની જેમ માસ્તરના મનમાં અનેક વિચારો દોડી રહ્યાં.
અંકલ,
હા, બેટા, ચાલ, પહેલા નિરાંતે જમી લઇએ. માસ્તરના ..એક બાપના અવાજમાં અનાયાસે ભીનાશ ફરી વળી. આગ્રહ કરીને એ હંસાને,સાસરેથી આવેલી દીકરીને જમાડી રહ્યાં. જમતા જમતા બાપ દીકરી અલક મલકની વાતો કરી રહ્યા. રામજી અને તેની વહુ કદી ન દીઠેલું માસ્તરનું આ રૂપ જોઇ રહ્યા.
‘ બેટા, હવે થોડી વાર આરામ કરી લે. દીકરો ઉઠી જશે પછી નિરાંતે સૂવા નહીં પામ. મુસાફરીનો થાક ઉતારી લે.પછી રાત્રે નિરાંતે વાત કરીશું. કોઇ વાતનો સંકોચ ન કરીશ બેટા..
અંકલ, તમે પણ આરામ કરજો. થાકી ગયા હશો.
મરિયમના અવાજમાં દીકરીની ચિંતા હતી. બરાબર હંસા જેવી જ.
એ રાત્રે જમી લીધા બાદ ફળિયામાં ખાટલા ઢાળી મરિયમ અને પોસ્ટમાસ્ટર બેઠા હતા. રામજીની નછોરવી વહુને મહેમૂદની માયા લાગી ગઇ હતી. તે પતિ પત્ની બંને મહેમૂદમાં ગૂંથાયા હતા. થોડા કલાકમાં તો કેવી યે આત્મીયતાના તાણાવાણા વણાઇ ચૂકયા હતા.
નિસ્વાર્થ સ્નેહની સુગંધ આગળ વળી કોણ પારકું ને કોણ પરાયું ?
આસમાને પણ આજે તેનો પૂરો ખજાનો ખુલ્લો મૂકી દીધો હતો. ત્યાં પણ અંતરની અમીરાત ઠલવાઇ હતી. માણસોની અમીરાત આગળ પોતે હારી ન જવું જોઇએ. આખ્ખું યે આસમાન તેજ ભર્યા તારલાથી ઝગારા મારી રહ્યું હતું. હતા. કદાચ આ બાપ દીકરીની વાતમાં તેમને પણ રસ પડયો હતો.
માસ્તર કેવા યે સ્નેહથી હંસાની, તેના શૈશવની વાત કરી રહ્યા.
અંકલ, ચિંતા ન કરો. કાલે સારા સમાચાર આવશે જ.
બેટા, મને વિશ્વાસ છે તારી વાણી ફળશે જ.
થોડી ક્ષણો બાપ દીકરી મૌન બેસી રહ્યા. મરિયમ કદાચ તેના અબ્બુના ખયાલમાં અને માસ્તર તેની હંસાના ખયાલમાં..
અચાનક મરિયમ કહે,
અંકલ, એક વાત કહું ?
બસ..એક જ ? કહેતા પોસ્ટમાસ્ટર ખડખડાટ હસી પડયા. આવું નિર્મળ , મુકત હાસ્ય કદાચ વરસો પછી…
અંકલ, અબ્બુ મારા સાચે સાચ કોણ હતા ખબર છે ?
એટલે ? પોસ્ટમાસ્ટર મરિયમ સામે જોઇ રહ્યા.
ચાંદ, તારાની સાખે મરિયમે વાત માંડી.
અંકલ, અમે અને અબ્બુ પડોશી હતા. અબ્બુ કંઇ મુસ્લીમ નહોતા. એ હિંદુ હતા.ને અમે મુસલમાન. પણ અમારા બંને કુટુંબ વચ્ચે નાતજાતના ભેદભાવ કદી પ્રવેશ્યા નહોતા. ઇદ અને દિવાળી અમારા બંને ઘરમાં સાથે મળીને જ ઉજવાતી. મારા અબ્બુનું નામ અલી હતુ. કોચમેન અલી. તેમનું નામ તો અનિલ હતું.
ખાટલા પર આડા પડીને દીકરીની વાત સાંભળતા પોસ્ટમાસ્ટર એકદમ ટટ્ટાર બેઠા થઇ ગયા.
બેટા, સમજાયું નહીં.
અંકલ, પૂરી વાત તો મને યે કદી કયાં સમજાઇ છે ?
હું તો સાવ નાની હતી. અનિલ અંકલના ઘરમાં જ હું અને તેમની દીકરી અંજના સાથે જ રમતા, જમતા, લડતા ઝગડતા. તો મારો ભાઇ રહીમ અને અંકલનો દીકરો મહેશ અમારા ઘરમાં જ. બે પેઢીથી અમારા બંને કુટુંબ સાથે રહેતા એથી અમે અડધા હિંદુ અને એ અડધા મુસલમાન થઇ ગયેલા. કેવા મજાના દિવસો હતા એ અંકલ.
અને અચાનક એક દિવસ ન જાણે શું થયું, કેમ થયું કંઇ સમજાય એ પહેલા જ કોઇ આવીને કહી ગયું.
ભાગો જલદી..હિંદુ મુસ્લીમ વચ્ચે ભયંકર રમખાણ ફાટી નીકળ્યું છે. અહીંથી કોઇ સલામત સ્થળે ભાગો.
અમને બે કુટુંબમાંથી કોઇને ન સમજાયું કે હિંદુ, મુસ્લીમ વચ્ચે વળી તોફાન, લડાઇ,ઝગડા શા માટે થાય ?
પણ એ ક્ષણ સમજવાની નહોતી, સંભાળવાની હતી, જીવ બચાવવાની હતી.
અમે બધા દોડયા. કયાં ? કોણ કઇ તરફ એ પણ કોને સમજાયું હતું ?
મારી અમ્મીના હાથમાં નાનકડો મહેશ હતો તો અનિલ અંકલના હાથમાં હું.
હું ને મહેશ ઘરમાં સૌથી નાના હતા.
અમે હજુ તો માંડ થોડે આગળ ગયા હશું ત્યાં તો ગાંડાતૂર થયેલા બે ટોળાં અમને આંબી ગયા.એમાં હિંદુ પણ હતા અને મુસ્લીમ પણ હતા. કોણ કોને મારતું હતું એ સમજાતું નહોતું. અલ્લાહો અકબર અને હર હર મહાદેવ બંને નારા કાનમાં અથડાતા હતા.
મરિયમ આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો સામે જોઇ રહી. અબ્બુને જોવા મથતી હતી કે શું ?
પોસ્ટમાસ્ટર નાના બાળકની જેમ કૂતુહલથી પૂછી રહ્યા.પછી ? પછી શું થયું ?
પૂરી ખબર તો મને યે કયાં છે ?
બસ..ભાગવામાં હું ને અંકલ બે જ સફળ થયા. બાકી બધા ઝડપાઇ ગયા. ચારે તરફ લોહીથી લથપથ લાશો જ લાશો. મને બચાવવા અંકલ જીવ પર આવી ગયા હતા. કયાં જવું, શું કરવું કંઇ સમજાય એમ નહોતું.
એક મુસ્લીમ મિત્રનું ઘેર થોડે દૂર હતું. એમાં ઘૂસ્યા. પણ અત્યારે એ મિત્ર પણ દુશ્મન બની બેઠો હતો. કોમવાદનું ઝેર ન જાણે કયાંથી ઉતરી આવ્યું હતું. એમણે એક શરત મૂકી કે અનિલ અંકલ મુસ્લીમ ધર્મ સ્વીકારે તો જ એ અમને બંનેને બચાવે. અંકલને એમની પોતાની કોઇ પરવા નહોતી. એ કોઇ પણ ભોગે મને બચાવવા માગતા હતા. અને કોઇ પણ હિંદુ માટે સૌથી આકરી ગણાય એવી એ શરત પણ એમણે સ્વીકારી. એ વખતે એમનું દિલ કેવું કંપી ઉઠયું હશે એની કલ્પના મોટી થયા બાદ મેં અનેકવાર કરી છે અને અનેક વાર એમના ખોળામાં માથું મૂકીને આંસુ સાર્યા છે. એમણે તો કોઇ મોટું કામ કર્યું છે મારે માટે..એવી કોઇ કલ્પના પણ નહોતી આવી.બસ.એ ઘડીથી હું તેમની વહાલસોયી દીકરી અને તે મારા અબ્બુ..કોચમેન અલી અબ્બુ..અનિલ મટીને એ અલી બની ગયા. ફકત અને ફકત મને બચાવવા માટે.
હું તો ત્યારે માંડ સાતેક વરસની હતી. આ તો પાછળથી મને જેટલી જાણ થઇ એની વાત કરું છું. અમારા બે કુટુંબમાંથી ફકત અમે બે જ બચવા પામ્યા હતા.
પછી..? પછી શું થયું ?
પછી શું થવાનું હતું ? કોઇ ગરીબ બાપ દીકરી માટે જે કંઇ કરી શકે એ સઘળું કામ એમણે કર્યું. અને મને પરણાવી. અને હવે જયારે એમને મળવા આવી ત્યારે એ દૂર દૂર ચાલ્યા ગયા મારાથી. આજે મારા દીકરાને જોઇને કેવા હરખાયા હોત. અને તમને એક વાત કહું ?
સાસરિયાએ ભલે મારા દીકરાનું નામ મહેમૂદ રાખ્યું પણ મેં તો એનું નામ મહેશ જ રાખ્યું છે. મહેશ અંકલના દીકરાનું નામ હતું. હું તો તેને મહેશ જ કહું છું.
મરિયમના ચહેરા પર ચંદ્રની ચાંદનીનો ઉજાસ રેલાયો.
બીજે દિવસે સવારે નાહી ધોઇ મહેશને સાથે લઇ મરિયમ પોસ્ટમાસ્ટરની સાથે અબ્બુની કબરે પહોંચી. ફૂલ મૂકી,અગરબત્તી પેટાવી, વંદન કરી બંધ આંખે કંઇક ગણગણી રહી.પોસ્ટમાસ્ટર ચૂપચાપ જોઇ રહ્યા.
થોડી પળો સમય જાણે થંભી ગયો.
અંકલ,એ ભલે કબરમાં રહ્યા. એ પાક જીવને હિંદુ મુસ્લીમના ભેદ ભલે નહોતા નડયા. પણ મારે હિંદુ વિધિ મુજબ એમની પાછળ જે કંઇ પણ થતું હોય એ કરવું છે. ફકત મારા સંતોષ ખાતર. પૈસાની ચિંતા નથી. અબ્બુની દુઆથી અલ્લાહે કે ઇશ્વરે મને ઘણું આપ્યું છે. એમના નામનું કોઇ સ્મારક બનાવવું છે. શું કરવું, કેમ કરવું એ બધું તમારે મને સમજાવવાનું છે. અંકલ, તમે મને સમજાવશો ને ?
પોસ્ટમાસ્ટરનું માથું હકારમાં હલી રહ્યું. અલીની કબર પાસે થોડી વાર મૌન ઉભા રહીને બાપ દીકરી બંને ધીમે પગલે પાછા ફર્યા.
બે પાંચ ડગલા આગળ જતા જ અચાનક પોસ્ટમાસ્ટર બે ક્ષણ ઉભા રહી ગયા.પાછળ ફરીને અલીની કબરને જોઇ રહ્યા.
કબરમાંથી અનિલ કે અલી કશું બોલ્યો કે શું ? કે પછી ભણકારા માત્ર ?
અલી બોલે તો શું બોલે અત્યારે ?

તું..તમે મંજરી..?

ગુજરાત દીપોત્સવી 2014માં પ્રકાશિત વાર્તા

                                                         ..તમે મંજરી ?

શુચિતા, હવે બસ..બોલવાનું નથી. તારી તબિયત સારી નથી.શાંતિથી સૂઇ રહે.

દીદી,વરસો સુધી મૌન જ રહ્યા છીએ ને આપણે ? આજે બોલી લેવા દે..કાલની કોને ખબર છે ?

અતીતની કોઇ વાત આપણે નહીં કરીએ..એ વચન આપણે બંનેએ આજ સુધી પાળ્યું છે. પણ આજે ન જાણે કેમ  અતીતના એ વરસો ભીતરમાં ફરી એકવાર સળવળી ઉઠયા છે.  એને સાથે લઇને નથી મરવું. જેથી આવતા જનમમાં  ફરીથી…

આટલું બોલતા શુચિતાને હાંફ ચડી આવી..

મંજરીએ જલદી જલદી દીદીને પાણી આપ્યું.

દીદી, પ્લીઝ..

મંજરી, આજે ન અટકાવીશ.. મને ઠલવાવા દે.

મંજરી મૌન રહી. શુચિતાની ઇચ્છાનો અનાદર કરવાનું મન નહોતું સાથે સાથે એને  બહું શ્રમ પડે એ પણ નહોતું ગમતું. ડોકટરોએ જવાબ દઇ દીધો હતો. પણ  કદાચ બૂઝાતા પહેલા દીવો પ્રકાશવા મથતો હતો.

દીદી, તમને ખબર છે મારા પપ્પા મને શું કહેતા ?

અમારી શુચિને તો પગ નથી.ભગવાને એને પાંખો આપી છે.

ત્યારે મમ્મી હસીને કહેતી,

એ તો શુચિ નાની હતી ત્યારે રોજ પરીની વાર્તા સાંભળતી હતી  એથી  એની ફ્રેન્ડ  સોનપરી  મારી દીકરીને પાંખો આપી ગઇ છે.

મારી શુચિ, શુચિતા એટલે  હવામાં  ઉડાઉડ કરતું પતંગિયું. પતંગિયાની જાત કદી સ્થિર થોડી

 બેસે ? પપ્પા બોલ્યા સિવાય ન રહી શકતા.

ના,  મારી શુચિ એટલે ગાતું, કૂદતુ,  કિલકિલાટ કરીને ખળખળ વહેતું ઝરણું.. મમ્મી ટહુકતી.

હા..એટલે આખો દિવસ કલબલાટ કર્યા કરે છે અને કૂદયા કરે છે.

આવડી ઢાંઢા જેવડી થઇ તો યે શાંતિથી એક જગ્યાએ બેસતા શીખી નથી.. છોડી.

મંજરી, દાદીમા મને  ટોકવામાં કદી પાછા પડયા નહોતા.

પણ…  દાદીમાની શીખામણોનો મારો ચાલુ થાય ત્યાં સુધીમાં તો ઝરણૂં ત્યાંથી ગાયબ ગયું હોય. ઝરણાને વળી કોઇ બાંધી કેમ શકે ?

પણ ના..કોઇની નજર લાગી કે શકુંતલાની જેમ એની વીંટી ખોવાઇ ગઇ અને ઝરણૂં એક દિવસ એના ગીતો  ભૂલીને એક શાંત, સપાટ નદી બની ગયું. ધમપછાડા તો ઝરણાએ ઘણાં કર્યા..પણ

વહાલનો દરિયો  ભલે ને કહે પણ દરિયો તો યે આખરે તો દીકરીનો જ ને ? ઉછળી ઉછળીને આખરે એ કેટલો  ઉછળી શકે ?

જોકે નદી બની એનો પણ ખાસ વાંધો નહોતો. પણ કેવી નદી ? વહેતી નદી નહીં..બંધિયાર ખાબોચિયા જેવી નદી..નિર્જીવ નદી..જેમાં  નાના અમથા કાંકરીચાળાની પણ કોઇ  ગુંજાઇશ નહીંપાણી હોય પણ વહી શકાય. કોઇને પાણી પીવાની તરસ નહી તો નદી શું કરે ? પોતાના અનર્ગળ પાણીનો કોઇને ખપ નહીં ?

ઝરણાનો કલકલાટ ગુમાવી બેસેલી નદી શું કરે ? કયાં જાય ? પાણી હોય તો સૂકાઇ ગયાની ફરિયાદ કોઇને કરી શકાય. પણકોઇને એમ કહેવું કે મારી પાસે પાણી તો આટલું બધું. છે પણ કોઇને તરસ નથી એનું શું કરવું ? બધા તો એને શાંત,ડાહી ડમરી બનેલી જોઇને જે હરખાય..જે હરખાય

શુચિતા, એ બધાના મૂળમાં હું ને માત્ર હું…પ્લીઝ..શા માટે એ બધું યાદ કરે છે ? દુખદ સ્મૃતિઓને એક્વાર દેશવટો,મનવટો દીધા પછી આટલા વરસે ફરીથી….

ના, મંજરી, તું ઢીલી ન પડ.  તારો કોઇ દોષ  નથી.  આ તો નિયતિના આટાપાટા.. ખબર નહીં આજે વરસો પછી મનના આગળિયા કેમ ઉઘડી રહ્યા છે ? જેને ભૂલી ગયા હતા એ યાદો મનના પોલાણમાં આજે પણ અકબંધ સચવાયેલી હતી કે શું ? જેને પસાર થઇ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી..એ ક્ષણો  અંદર આટલી હદે….

મંજરી, આજે લાગે છે કે પોતાની હાજરીનો અણસાર સુધ્ધાં ન આવે તેમ મનના ખૂણે લપાઇને વરસોથી ચૂપચાપ બેસેલી એક આખી સૃષ્ટિ જાણે અજે અચાનક આળસ મરડીને બેઠી થઇ રહી છે.

શુચિતા એકધારી ઠલવાતી રહી.

મંજરી, તને ખબર છે ? મારા લગ્ન તો  થયા પણ સુહાગરાત જીવનમાં કદી આવી જ નહીં. મને કયાં ખબર હતી કે કબીરના અસ્તિત્વના અણુ એ અણુમાં તું ને ફકત તું જ …

અને મંજરી, નસીબની બલિહારી તો જો.. આપણને જોઇને, આપણી લાગણીને જોઇને કોઇને ભૂલથી પણ પ્રશ્ન જાગી શકે ખરો કે આપણે બંને ….

શુચિતા, શોકય કે એવો કોઇ શબ્દ ન વાપરતી પ્લીઝ..

ના, એવો શબ્દ તો કેમ વાપરું ? ન હું કબીરને કદી પામી શકી..ન એ તને પામી શકયો કે ન કે તું એને પામી શકી. કે પછી તમે બંને તો માનસિક રીતે એકમેકને કયારના પામી ચૂકયા હતા. કે પછી  આ તે આપણા કેવા રૂણાનુબંધ..એક જ તાંતણે જોડાયેલા આપણે સહુ અને છતાં દરેક તાણાવાણા સાવ અલગ જ રહ્યા.

મંજરી, કબીરે કદી ફોડ પાડીને વાત જ ન કરી.. એને સમજવાના, એના દિલની વાત જાણવાના મારા સઘળા પ્રયત્નો નાકામ જ રહ્યા.

કદીક  આયના સામે ઉભીને હું  એકી ટશે મારી  કુંવારી કાયાને નીરખતી રહેતી. તો કદીક મોટેમોટેથી  રડીને ઠલવાવાના પ્રયાસો …  ભીતરના  આવેગોને શાંત કરવાના  ઉધામા તો રોજના..  કલાક સુધી બાથરૂમમાં  શાવર નીચે, ઠંડા પાણીની ધાર નીચે સતત ઉભા રહીને  શરીરની આગ ઓલવવાના એ   પ્રયત્નો…  સઘળા  કિનારાઓઓ તોડી ફોડીને ફરી એકવાર કલકલતું ઝરણૂં  બની રહેવાની તડપ ઠારવી સહેલી કયાં હતી ? 

 ધીમે ધીમે ભીતરમાં શૂન્યતા છવાતી ચાલી. વિસ્તરવાને બદલે હું  અંદર ને અંદર સંકોચાતી, સમેટાતી ચાલી. કાચબાની જેમ અંગો સંકોરી જીવવાની આદત  પડતી રહી. છાતીના પોલાણમાં ચોવીસ કલાક એક તલસાટ ઉછર્યા કરતો. પણ કદીક વિચારો માઝા મૂકતા..બધા બંધનો ફગાવીને, મર્યાદાઓ મૂકીને બેફામ બની ઉછળવાનું, ઘરને છોડીને કયાંક ભાગી જવાના શમણાં  સળવળતા. પણ…

ઘરમાં કોઇ દુખ નહોતું. પરંતુ દુખ ન હોય એટલે સુખ હોય જ એવું જરૂરી  કયાં હોય છે ? કબીરે કદી કોઇ વાતમાં મને રોકટોક નથી કરી.પૈસાની કમી તો  કયારેય મહેસૂસ નથી થઇ. અને જે કમી સતત મહેસૂસ થતી હતી એ કદી પૂરાઇ નહીં.

શુચિતા, કબીર મનમાં કેટલો હિજરાતો હશે એનો તને ખ્યાલ આવે છે ?

આજે આવે છે..પણ મને દુખ એ જ વાતનું છે કે એણે કદી મને..

શું કહે તને ? કેમ કહે ? મેં એના પર લાદેલી શરત એને સતત …

મંજરી, ભાગ્યના આ આટાપાટામાં કોણ સાચું અને કોણ ખોટૂં એના લેખા જોખા હવે નથી કરવા.કદાચ આપણે ત્રણે પોતપોતાની રીતે સાચા હતા. આમ પણ માનવીમાત્રનું પોતપોતાનું સત્ય અલગ અલગ જ હોવાનું ને ? એમાં દરેક સાચા અને દરેક ખોટા પણ હોઇ શકે.ખેર !

એટલે જ કહું છું શુચિતા, એ બધી વાત છોડ અને જરા વાર જંપી જા..

દીદી, કોઇ અજંપાથી હવે વાત નથી કરતી.આટલા વરસો આપણે સાથે મળીને આ સંસ્થામાં નિસ્વાર્થભાવે જે કામ કર્યું છે, આપણા લોહી પાણી એક કરીને અહીં જીવ રેડયો છે એ વ્યર્થ નથી ગયું.  આજે આટલી દીકરીઓ  અહીં કિલ્લોલ કરે છે. અનાથ હોવાના ભાન સિવાય અહીં ઉછરે છે. આપણને મા કહે છે એ કંઇ ઓછા નસીબની વાત છે ?  આ દીકરીઓની ખુશીએ તો ભીતરમાં શાંતિના દીપ ઝળાહળા કર્યા છે.  એનો સંતોષ લઇને જ આપણે જશું. દુઃખને રડીને આપણે વરસો વેડફયા નથી ,વાવ્યા છે એનો સંતોષ ઓછો નથી.

ફકત આજે ન જાણે કેમ ફકત અતીતરાગ મનમાં જાગી ઉઠયો છે જે સહજતાથી આ ક્ષણે વહી રહ્યો છે બસ..એટલું જ..

હા, શુચિતા, આપણે બંને કદી મળીશું એવી તો કલ્પના પણ…

અને એ પણ આ રીતે ? આ ક્ષણે કબીર નીચે આવે અને આપણને આમ જુએ તો એ શું વિચારે ?

કદાચ આપણા બંને માટે ગૌરવ અનુભવે. અને આપણા બંનેનો હાથ પકડીને ……

શુચિતાની આંખે ઝાકળનું એક ટચુકડું બુંદ છવાયું. તો  મંજરીની આંખો છલોછલ…

મંજરી, જિંદગીમાં પડેલી સળ ઉકેલવાનો કોઇ રસ્તો શોધ્યો યે નહોતો મળતો. કબીરના મૌનનું કોચલું ને ભેદી શકાયું તે ન જ ભેદી શકાયું. કબીરના મનની ગૂંચ, એના તાણાવાણા કયારેય મારાથી  ન ઉકેલી શકાયા. મને કયાં જાણ હતી કે તેં એના પ્રિય પાત્રએ કરેલી  શરતે એની જીભને તાળા મારી દીધા હતા. એને માટે તારો પ્રેમ જીવનનો પહેલો ને આખરી પ્રેમ હતો. કોઇ પુરૂષ કોઇને આ હદે પ્રેમ કરી શકે એનું મને તો કયારેક આશ્વર્ય થાય છે.

શુચિતા, મારે લીધે તેં  વરસો સુધી જે સહન કર્યું છે એ માટે હું ….

મંજરી, તારે ગીલ્ટ અનુભવવાની કોઇ જરૂર નથી. એ વાત આપણી વચ્ચે અનેક વાર થઇ ચૂકી છે.  કબીરના જીવનની પણ કરૂણતા કે વિષમતા જે કહો તે..જેની સાથે લગ્ન કર્યા એને પ્રેમ ન કરી શકયો અને જેને દિલ ફાડીને પ્રેમ કર્યો એને કદી પામી ન શકયો.

મંજરી, પામવાની ઘડી તો આવી હતી.. પણ પામવાની એ પળે જ…કુદરતે એને …

મેં હજુ  મંગળસૂત્ર કાઢયું નહોતું અને તેં પહેર્યું નહોતું. એ બે વચ્ચેની પળમાં મોત આવીને…

તને ખબર છે મંજરી, છૂટા પડવાના એ દિવસે, એ સાંજે  એણે મને શું કહ્યું હતું ?

મંજરી મૌન રહીને શુચિતાની આંખોમાં દેખાતા પોતાના પ્રતિબિંબને જોઇ રહી

તે દિવસે હું રોજની જેમ હીંચકા પર બેઠી  બેઠી  પોતાના માળામાં પાછા ફરતા પંખીઓને નીરખતી બેઠી  હતી. મારી પાસે તો કોઇ માળો, કોઇ ઘર  કયાં હતું ? હાતું તો ફકત એક મકાન…ખેર !

ધીમે ધીમે  સાંજ ઘેરાતી  જતી હતી. નહીં અંધકાર, નહીં ઉજાસ..બરાબર મારા જીવનની જેમ જ. ધીમા પગલે અંધકાર ડગ ભરતો હતો.દૂર દૂર શુક્રતારક આંખ મીંચકારતો મારી સામે ઝળૂંબી રહ્યો હતો. મારી ભીતરમાં ગીતના શબ્દો પડઘાઇ રહ્યા હતા,

હંસલા હાલોને હવે મોતીડા નહીં રે મળે…મોતીડા નહીં રે મળે…નહીં રે મળે…

એકની એક પંક્તિ મનમાં ઘૂંટાઇ રહી હતી. ત્યાં કબીર આવ્યો,

મારી બાજુમાં હળવેકથી  બેઠો. હૂં અચરજના ઓથારમાં…

ધીમેથી કહે,

આજ સુધી તારા પૂછાયેલા, ન પૂછાયેલા કોઇ પ્રશ્નોના જવાબ નથી આપી શકયો. કદાચ આજે પણ નહીં આપી શકું. માફી માગવાનો કોઇ સવાલ નથી. કેમકે મારો અપરાધ માફીને પાત્ર નથી એની મને પૂરી ખબર છે. મારે તારી જિંદગી વેડફવી નહોતી જોઇતી. પણ સંજોગો જ એવા બન્યા કે..

ખેર ! એ બધાને તું  બહાના પણ કહી શકે. માણસ પાસે પોતાના દરેક કાર્યના સાચા ખોટા કારણોની ખોટ કદી કયાં હોય છે ?

હું મૌન બનીને ચૂપચાપ સાંભળતી રહી હતી. અમારી વચ્ચેનો  અંધકાર ઘટ્ટ બનતો જતો હતો.

મંજરી, જીવનમાં કદી તને કશું આપી શકયો નથી.એનો અફસોસ મને પણ ઓછો નથી જ. તારો પૂરો હક્ક હોવા છતાં.. આ ગુનાની સજા શું ભોગવવાની આવશે એની જાણ નથી.

અને આજે પણ કશું આપવાને  બદલે તારી પાસે કશુંક માગવા જ આવ્યો છું.

હું મૌન…

અંધકારમાં તારો ચહેરો નથી દેખાતો એટલે જ હિંમત કરું છું.

તું એક વાર ના પાડીશ તો બીજી વાર નહીં કહું. ના પાડવાનો તારો હક્ક  સ્વીકારી શકીશ. કોઇ દુરાગ્રહ નહીં હોય..એકાદ મિનિટના મૌન પછી…

મંજરી, મને છૂટાછેડા જોઇએ છે આપી શકીશ ?

ના..ના..મને તારી સામે કોઇ ફરિયાદ નથી. દોષ બધો માત્ર ને માત્ર મારો જ છે. આટલા વરસોની  શરત પૂરી થઇ છે અને કોઇનો સાદ આવ્યો છે… જેને હું અવગણી શકતો નથી. આ બંગલો, મારી સઘળી મિલ્કત બધું તારે નામે કરી દીધું છે. હું ફકત પહેરેલ કપડે…

કબીરના અવાજની ભીનાશ  અંધકારમાં યે તેની આંખમાં તગતગતી હતી જે હુ જોઇ શકી હતી.

કબીર, આપણા છેડા બંધાયા જ કયાં હતા ? તે છૂટા કરું ? હા, છેડાછેડીનું એ કપડું આજે પણ ગડીબંધ પડયું છે. કહે તો એને …

શુચિતા, ..હું મારી વાત સમજાવી નથી શકતો. મને બસ તારા  એકાક્ષરી જવાબની પ્રતીક્ષા છે.

છૂટાછેડાનું ફોર્મ મેં સહી કરીને નીચે ટેબલ પર મૂકયું છે.તારે સહી કરવી, ન કરવી એ તારા પર નિર્ભર છે.હું સવારે પૂછીશ નહીં. તારો જવાબ જોઇ લઇશ.અને એ પછી આપણી વચ્ચે આ બાબતની કોઇ ચર્ચા, કોઇ સવાલ જવાબ કયારેય નહીં થાય.

મંજરી,, જીવનમાં પહેલી વાર કબીરે મારી પાસે કશું  માગ્યું હતું.  ઇન્કાર કેમ કરું ? અને ઇન્કાર કરવાનો અર્થ પણ કયાં હતો ? એના અવાજમાં તે રાત્રે મેં જે આર્જવતા અનુભવેલી..મેં કશું  પણ વિચાર્યા સિવાય બસ  સહી કરી હતી. અને સાચું કહું ? એ દિવસે હું ઘસઘસાટ સૂતી હતી.

બીજે દિવસે સવારે કબીરે ફોર્મ જોયું.

મારી પાસે આવીને  બેઠો.

થેન્કયુ નહીં કહું, શુચિતા..શુચિ..

કહીને હળવેથી મારો હાથ પોતાના ધ્રૂજતા હાથમાં લીધો.એક હળવું ચુંબન કર્યું.પહેલી વાર. અને પછી…

 કયારેય જરૂર પડે તો એક સાદ દેવાનો તારો હક્ક છે.

કહીને ભીની આંખે સડસડાટ બહાર નીકળી ગયો. એમ જ પહેરેલ કપડે..

હું ન જાણે કયાં સુધી એમ જ બેઠી રહી હતી. મન હજુ સ્વીકારી નહોતું શકાતું કે કબીર ખરેખર મારી જિંદગીમાંથી ચાલી ગયો છે.

પણ…

અને કબીર તો મારી જિંદગીમાંથી જ નહી..દુનિયા છોડીને જ…

હું ગળામાં લટકતા  મંગળસૂત્ર પર હાથ ફેરવતી હજુ તો બેઠી હતી..ત્યાં જ અકસ્માતના સમાચાર..અને…

હું ડીવોર્સી ?  કુંવારી ? કે પછી  વિધવા..? મારા પર કયું લેબલ યોગ્ય ગણાય ? એ મને સમજાયું નહોતું. કોઇને હજુ જાણ નહોતી કે અમે એક કાગળમાં સહી કરીને…

દુનિયાની નજરે તો હું વિધવા જ બની..કબીર..જે મારો પતિ નહોતો રહ્યો એની વિધવા..

હા,દીદી, છૂટાછેડાનો  તારી સહી વાળો એ કાગળ મારા સુધી પહોંચાડવા અધીરા બનેલા કબીરને કાળ ભરખી ગયો. તારું મંગળસૂત્ર મારા ગળામાં ઝૂલે એ કદાચ કુદરતને કબૂલ નહોતું.

અને  મંજરી, કબીરની પ્રાર્થના સભામાં પહેલી વાર મેં તને જોઇ. ન જાણે કેમ હું  તને ઓળખી ગઇ. આ જ મંજરી..કાકની નહીં, કબીરની મંજરી…કબીરના ફોટા સામે નતમસ્તકે ઉભીને લાલ ગુલાબ મૂકતી મેં તને જોઇ હતી.

અને હું  ધીમેથી બોલી પડી હતી

તું..તમે મંજરી ?

 

 

 

 

 

 

પાપમાં નથી પડવું..!

published in Lekhini deepotsvai 2104

 પાપમાં નથી પડવું.

                                                                  તારીખ બે જાન્યુઆરી..

પૂરા તેર દિવસ વીતી ગયા. આ તેર દિવસ લગભગ આખો વખત  સુનીતા પાસે રહી એમ કહી શકાય. નાનપણની બહેનપણી. વરસોની અમારી મિત્રતા કોઇ જખમ વિના , કોઇ ઉઝરડા વિના લીલીછમ્મ રહી શકી છે એ શું જેવી તેવી વાત છે ? સુનીતા માટે મને કેટલી લાગણી છે એ કંઇ કહેવાની જરૂર થોડી છે ?   બિચારી સુનીતા.  સફેદ સાડલામાં તેને જોઇને મન કરૂણાથી ભરાઇ આવ્યું. હમેશા ડાર્ક રંગોની શોખીન સુનીતાની જિંદગીમાંથી કાયમ માટે રંગોની   બાદબાકી થઇ ગઇ કે શું ?  સાજા સારા કંદર્પભાઇ  ઘડીકમાં આમ હતા ન હતા થઇ જશે એવી કલ્પના પણ કોને હોય ? પણ  જિંદગીમાં  માનવીની કલ્પના બહારનું કેટકેટલું બનતું જ હોય છે ને ? એક સાવ સાજો સારો માણસ  ઘડીકમાં ધૂમાડો થઇ ગયો. એક અસ્તિત્વ પૃથ્વીના પટ પરથી અને ખાસ તો સુનીતાની જિંદગીમાંથી  ભૂંસાઇ ગયું.

પંચાવન વરસની ઉંમર કંઇ આ જમાનામાં વધારે ન કહેવાય. જોકે સુનીતા હિંમતવાળી ખરી. બે દિવસ રડી લીધું પણ હવે કેવી સ્વસ્થતાથી સ્વીકારી લીધું.

શ્યામા, મને ખબર છે કે લાખ માથા પટકીશ તો યે કંદર્પ હવે પાછો આવવાનો નથી.હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે. જનાર પાછળ કોઇ જઇ શકતું નથી. મારે જીવવાનું છે એની મને જાણ છે. અને હું જીવીશ.સારી રીતે જીવીશ. ઇશ્વરે આપેલા જીવનનો અનાદર શા માટે ? અઘરું લાગશે પણ એનો કોઇ ઉપાય નથી.

બિચારી સુનીતા ! ભગવાન, આ ઉંમરે આમ કોઇને એકાકી ન બનાવે. કેમ કાઢશે બિચારી હવે આવું એકાકી આયખું ?

તારીખ 31 જાન્યુઆરી

સુનીતા યે ખરી છે.  તેના દીકરો વહુ તો હૈદ્રાબાદથી હમેશ માટે અહીં આવી જવા તૈયાર હતા.પણ સુનીતાએ જ  ના પાડી દીધી.  બેટા, હું એકલી જરૂર થઇ ગઇ છું પણ તૂટી નથી ગઇ. મારી સંભાળ લઇ શકીશ.  કદીક બહું એકલતા લાગશે ત્યારે તમારે ઘેર આવીશ જ ને ? સુનીતા હિંમતવાળી તો કહેવાય જ હો.  ભગવાન દુખ આપે ત્યારે એ સહન કરવાની હિમત પણ સાથે આપી જ દેતો હશે. હમણાં રોજ તેની પાસે જવાનું મન થાય છે. પણ પતિદેવ કહે, તેર દિવસ જઇ આવી એ ઘણું હવે રોજ રોજ કંઇ દોડવાની જરૂર ન હોય. તારી બહેનપણી એકલી છે તું નથી.તારે ઘર  બાર છે કે નહીં ? અહીં  મને કેટલી અગવડ પડે છે એ ખબર છે ?

અરે, અગવડ શેની ? એમનું  બધું  કામ પતાવીને તો જતી હતી. બપોરે ચા કરી દેવા માટે ઘરમાં વહુ તો છે. પણ ના, મને તારા હાથની જ ચા જોઇએ.બહાના છે બધા..હું ન હોઉં  તો આખો દિવસ ઓર્ડર કોની પર છોડવાના ? વહુ થોડી સાંભળવાની છે ? વહુ તો મારી  યે સાસુ બનીને રહે એમ છે.

શ્યામા, પાણી..શ્યામા, મારો ટુવાલ, શ્યામા, મારી બી.પી.ની દવા, શ્યામા મારો ફોન કયાં ? શ્યામા, ટીવીનું રિમોટ નથી દેખાતું ? કોણે ખસેડયું અહીથી ? શ્યામા, મને જરાક લીંબુ પાણી આપજે તો.આજે બે ભજિયા ખાવાનું મન થયું છે. આજે દાળમાં કંઇ ઠેકાણું નહોતું. તારું ધ્યાન કયાં હોય છે ? શ્યામા..શ્યામા…ની બૂમ સાંભળવાની  આ દીવાલોને પણ આદત પડી ગઇ છે.

હું કોના નામની બૂમ પાડૂં ?

તારીખ..20 માર્ચ

આજે માંડ સમય કાઢીને સુનીતાને  ઘેર ગઇ હતી.પણ ઘેર તાળા.મને એમ કે બિચારી એકલી છે તો કંપની આપવાની મારી ફરજ કહેવાય. મારે ઘેર તો બહેનપણીઓ આવે એ પતિદેવને ગમે જ નહીં. ચાર ચોટલા મળીને પંચાત જ કરવાના કે બીજું કંઇ ? એ એમનું બ્રમ્ભવાકય. એમના દોસ્તારો આવીને અડ્ડો જમાવે, જાતજાતનું ખાવા પીવાની ફરમાઇશ કરે ને ખીખીયાટા કર્યા કરે એનું કંઇ નહીં ?

સુનીતાને ફોન કર્યો તો કહે, મારી ચિંતા ન કર શ્યામા, મેં મારું જીવન મારી રીતે ગોઠવી લીધું છે.

ઠીક છે. ગોઠવાઇ ગઇ એ સારું કર્યું. હું નકામી ચિંતા કરીને અડધી થતી હતી.

આજે પતિદેવે ફરીથી સંભળાવ્યું. વાતવાતમાં ટોણા મારવાની તેમની આદત શું કદી યે નહીં બદલાય ? જીવનભર એ સાંભળતું રહેવાનું ? લગ્નના ચાલીસ ચાલીસ વરસો પછી યે ? મેં મૂરખીએ લાગણીના પ્રવાહમાં તણાઇને વાત કરવાની ભૂલ કરી નાખી. મને શું ખબર કે વાતનું આ રીતે વતેસર થશે ?

લગ્નની શરૂઆતના એ દિવસોમાં..કોલેજમાં હું ને અખિલ સાથે ભણતા. અમારે બહૂં સારું બનતું એ મારો સારો મિત્ર હતો

બસ આટલું મારાથી કહેવાઇ ગયું અને એની સજારૂપે રોજ મેણા ટોણા…

કેમ ધ્યાન તારા પેલા દોસ્તારમાં હતું ?

કોઇ પણ સાથે ફોન કરતી જુએ એટલે..

દોસ્તાર સાથે વાત ગપાટા ચાલે છે ? ફોન તો આવતો  જ હશે ને તારા પેલા દોસ્તારનો ?  જોકે મને કોઇ વાંધો નથી. હોય હોય..દોસ્તાર તો હોય..જમાનો બદલાયો છે ભાઇ, હવે સ્ત્રીઓને યે દોસ્તાર હોવાના. અમારે એ બધું હવે ચલાવવાનું છે. નહીંતર અમે જૂનવાણી ગણાઇએ..’

 એવા કોઇ કટાક્ષના ચાબખા ચાલુ જ રહે.

 લાખ સમજાવવાની કોષિષ કરી જોઇ કે એ બધી તો વરસો પહેલાની વાતો અને એ પણ એટલી જ વાત હતી કે કોલેજમાં અખિલ સાથે મારે સારું બનતું. અમે કંઇ પ્રેમી નહોતા. પણ પતિદેવના મનમાં તો…

મને તો  અખિલ કયાં છે એની યે  જાણ નથી. ન જાણે કેમ  સંદીપ એને મનમાં સંઘરીને બેઠો છે.

તારીખ..24 એપ્રિલ

આજે સુનીતાને ફોન કર્યો કે એને જરૂર હોય તો કંપની આપવા આવું. એકાદ બે વારના અનુભવ પછી નક્કી કર્યું છે કે એને ઘેર ફોન કર્યા સિવાય ન જવું. એ ઘરમાં હોતી જ નથી. કંદર્પભાઇના ગયા પછી એનું બહાર ફરવાનું વધી ગયું છે. હશે બિચારી..બીજું કરે યે શું ?

સારું થયું ફોન કરી લીધો. મને કહે, હું તો સિમલામાં છું. અમે ચાર બહેનપણીઓ સાથે આવ્યા છીએ અને એન્જોય કરીએ છીએ.મારાથી કહેવાઇ ગયું કે મને કહ્યું હોત તો હું પણ આવત ને ?

તો કહે અરે, તને  એકલીને સંદીપ થોડો જ આવવા દેવાનો ? આ તો મારા જેવી જ બધી બહેનપણીઓએ એક ગ્રુપ બનાવ્યું છે  અમે  બધા સાથે હરીએ ફરીએ છીએ..એન્જોય કરીએ છીએ. જીવનના દુખને હળવા કરવાનો પ્રયાસ કરીએ છીએ..બીજું હવે કરવાનું પણ શું છે ?   ચાલ, આવજે..અત્યારે અમે બધા પહાડ ખૂંદવા નીકળીએ છીએ. શ્યામા, ખરેખર શું સરસ વાતાવરણ છે !

દુખ હળવું કરવા..વાહ ! આમાં મને તો દુખની એકાદી રેખા યે ન દેખાણી. બધી ભેગી મળીને જલસા જ કરે છે કે બીજું કંઇ ? ઘરમાં કોઇ પૂછવાકે કહેવાવાળું ન રહ્યું.  કંદર્પભાઇ પૈસો પણ સારો એવો મૂકી ગયા છે. પછી ફરે જ ને ? કહેવાય એમ કે ગમતું નથી એટલે ફરીએ છીએ.દુખને ભૂલવા માટે.. હું તો કદી આ રીતે કયાંય ફરવા પામી નથી. સંદીપને કામ સિવાય બીજું કશું કદી સૂઝયું જ કયાં છે ? મારા નસીબમાં તો આખી જિંદગી બસ ઢસરબોળૉ જ લખ્યો છે.

તારીખ 30 એપ્રિલ

આજે સુનીતાએ કહ્યું કે તેણે હવે ડાન્સ કલાસ અને મ્યુઝીક કલાસ જોઇન કર્યા છે. શ્યામા, વરસોથી મને એમાં રસ હતો અને શીખવાની  બહું ઇચ્છા હતી પણ સંજોગોને લીધે કદી શકય ન બન્યું. હવે આમ પણ એકલા એકલા સમય ખાવા દોડે છે, કંદર્પની યાદમાંથી બહાર નથી નીકળાતું. એથી મારી રીતે બીઝી રહેવાનો પ્રયાસ કરતી રહું છું.

આ ઉંમરે ડાન્સ ક્લાસ શરૂ કર્યા ? સુનીતા પણ ખરી છે. કંદર્પભાઇ હોત તો કદી કરી શકી હોત ? કંદર્પભાઇએ તો સુનીતાને જાણે મુક્તિ આપી. મને તો એવી મુક્તિ …

સોરી..હે ભગવાન, માફ કરજો..આવો વિચાર મનમાં કેમ આવી ગયો ?

પણ પ્રામાણિકતાથી કહું તો સાલ્લું પોતાની રીતે, પોતાની મરજી મુજબ જીવવાનો યે એક રોમાંચ હોય હોં. બધું મન ફાવે ત્યારે ને મન પડે એમ કરવાનું. મન થાય ત્યારે તાળું મારી નીકળી જવાનું કોઇ લપ્પનછપ્પન નહીં. કોઇને ગમશે કે નહીં ગમે.. ચિંતા જ નહીં. અને પાછું દુખી છું, ગમતું નથી કહીને બધાની સહાનુભૂતિ તો ઉઘરાવતા જ રહેવાનું.

તારીખ 4 મે.

આજે સુનીતા સાથે ખાસ્સી વાતો કરી. સંદીપ બપોરે ઘરમાં ન હોય એટલી વાર જ વાત થાય. બાકી તો…

સુનીતા તેની દિનચર્યા વર્ણવતી હતી.

શ્યામા, રોજ રોજ એકલા માટે શું રાંધવું ને શું ખાવું મને તો એ જ સમજાતું નથી. સવારે ઉઠતાની સાથે શું કરવું એની પણ ઘડીકવાર તો ગતાગમ નથી પડતી. પછી ધીમે ધીમે બધું ચાલુ થાય. બધી વસ્તુની આદત પડતી જાય છે. ભગવાન દુખ આપે છે ને સાથે એને સહન કરવાની શક્તિ પણ આપી જ દે છે.

હું તો મન થાય એ એકાદ વસ્તુ બનાવી નાખું . પછી ગમે કે ન ગમે છાપા  ને ટીવીનો સહારો જ લેવો રહ્યો. સવારમાં તો કયાં જવું ? ડાન્સની પ્રેકેટીસ કરી લઉં. થોડા રાગડાં તાણી ને રિયાઝ કર્યાનો સંતોષ માની લઉં. એટલી વાર મનને બહું સારું લાગે. ગમે તેમ તો યે વરસોની અધૂરી તમન્ના  ને ?  બપોરે પછી તો ઘરમાં રહી જ ન શકું. કંદર્પની યાદ મને ઘેરી વળે..સારું છે મારા જેવી ચાર પાંચ બહેનપણીઓ અહીં શહેરમાં છે. કોઇએ કશોક પ્રોગ્રામ બનાવી જ લીધો હોય. એટલે સમય સારી રીતે પસાર થઇ જાય છે. સાંજે મોટે ભાગે તો બહાર થોડૂં ઘણું કઈક આચરકૂચર ખાઇ લઇએ. રાત્રે વળી પાછો ટીવીનો સહારો, દીકરા સાથે વાતો અને બસ..દિવસ પૂરો. બસ શ્યામા, શ્વાસ ચાલે છે ત્યાં સુધી સમય પસાર કરતી રહું છું.

સુનીતા જાણે પોતે બહું દુખી હોય એમ રોદણા રડતી રહી. આમાં દુખ જેવી કોઇ વાત મને તો ન દેખાણી..અરે, આવી રીતે ..મરજી મુજબ જીવવા મળે એ તો સ્ત્રી માટે એક કલ્પના જ કહેવાય ને ? આને જો દુખ કહેવાતું હોય ને તો હું તો કહું ભગવાન આવા દુખ સૌને આપે. વધારે તો શું લખું ?

તારીખ 12 મે

આજે બપોરે સુનીતાએ ઘેર ગેટ ટુ ગેધર રાખ્યું હતું બધી બહેપણીઓ અને મિત્રોને બોલાવ્યા હતા. ખાસ્સી ધમાલ કરી હતી. મને યે મજા આવી. અમારી સાથે કોલેજમાં ભણતો પેલો ચિંતન પણ આવ્યો હતો. બોલાવ્યો હશે તો જ આવ્યો હોય ને ? કંદર્પભાઇ હતા ત્યારે સુનીતાની મજાલ હતી કે આમ દોસ્તારોને ઘેર બોલાવી શકે ?  કે કોઇ જેન્ટસ સાથે આ રીતે હસી હસીને , લટકા કરી કરીને વાતો કરી શકે ? હું આવું વિચારી પણ શકું ? સરસ મજાનો ગોળ મટોળ પહેલા કરતી હતી એવો જ ચાંદલો, એ જ મંગળસૂત્ર અને  કાનમાં એ જ હીરાની ઝગમગતી સરી.. કંઇ ફેર પડયો છે ખરો ? હવે તો સુધારાવાદી ગણાય આ બધું . સારું છે એના કુટુંબમાં કોઇએ વાંધો ન ઉઠાવ્યો. કે ઉઠાવ્યો હોય તો યે કોને ખબર ? કોઇ મોઢે થોડું બોલે ? બાકી હું આવા કોઇ સુધારા કરવા જાઉં ને તો મારા સગાઓ તો મને ફોલી જ નાખે.સખે જીવવા જ ન દે.

તારીખ..15 મે..

આજે તો સુનીતાએ હદ જ કરી નાખી. મારી બહેનપણી ખરી..એ ચાંદલો કરે કે બંગડીઓ રણકાવે એ તો જાણે સમજયા.હું કંઇ એવી જૂનવાણી નથી કે મારી ખાસ બહેનપણીની ટિકા કરું. પણ આજે તો સુનીતાએ હાથમાં મહેંદી મૂકી હતી. હું તો એના રાતાચોળ હાથ જોઇ જ રહી. મને કહે, કાલે અમારી લેડીઝ કલબમાં મહેંદી હરિફાઇ હતી. તને ખબર છે મને મહેંદી મૂકતા સરસ આવડે છે અને મને ગમે પણ ખૂબ. આમ તો હરિફાઇમાં ભાગ લેવાનું મન નહોતું પણ બધાએ બહું આગ્રહ કર્યો એટલે પછી ના ન પાડી શકી. અને પહેલો નંબર પણ મારો જ આવ્યો. શ્યામા, કંદર્પને મારો મહેંદીવાળો હાથ જોવો બહું ગમતો. એને યાદ કરીને કાલે તો ખૂબ રડી લીધું ત્યારે મન શાંત થયું. હવે તો જીવન આમ જ જીવવાનું ને ?

અરે, મારી બઇ, બધું યે કરી તો લીધું પછી આનાથી વધારે સારૂં જીવન વળી કેવું હોય ? અરે, મારે હવે મહેંદી મૂકવી હોય ને તો  યે સો વાર વિચાર કરવો પડે.સૌથી પહેલો વાંધો સંદીપને જ આવે.આ ઉંમરે આવું શોભતું હશે ? કાલે તારા રંગેલા નખ જોઇને મને યે રંગવાનું મન થઇ આવ્યું.પણ હું કંઇ એવી સ્વતંત્ર થોડી જ છું ? હવે પંચાવન વરસની ઉમરે આ બધા નખરા શોભતા નથી એવી ટકોર સૌ પહેલી સંદીપની જ આવે એની મને કયાં ખબર નથી ? બહેનપણી સાથે પિકચર જોવા જાઉં છું એમ આજે યે કયાં બોલી શકું છું હા, મંદિરે જાઉં છું, સત્સંગમાં જાઉં છું કે ..કોઇ સાધુ મહારાજની કથા સાંભળવા જાઉં તો ઠીક કહેવાય. એ જ શોભે હવે. વનપ્રવેશ કર્યા પછી એવા મોહ સારા નહીં.

તારીખ 20 મે

આજે સુનીતાના દીકરો વહુ આવ્યા હતા.  મને કહે, આંટી, મારી મમ્મી એકલી પડી ગઇ છે એનું ધ્યાન રાખજો હોં. તમે બધા એની નજીક છો એટલું સારું છે. પપ્પાની યાદમાં મમ્મી એકલી એકલી હિજરાયા કરે છે. જુઓ છો ને કેટલું વજન ઉતરી ગયું છે એનું ? હવે મારાથી એમ થોડૂં કહેવાય છે કે એ તો રોજ ડાંસ કરવા જાય છે અને પછી ઘેર પ્રેકટીસ કરે એટલે નાચી નાચીને વજન ઉતર્યું છે.કંઇ દુખને લીધે નથી ઉતરી ગયું. મોઢા પર ચમક કેવી આવી ગઇ છે એ જો ને. તારા પપ્પા હતા ત્યારે કદી જોઇ હતી તારી માના ચહેરા પર આવી ચમક ? સાવ મારા જેવી જ લાગતી હતી. આ તો હવે..

પણ આવું કશું બોલાય છે થોડું ? મનમાં ભલે ને સમજતા હોઇએ.

 ખેર ! બધાના નસીબ કંઇ સુનીતા જેવા થોડા હોય છે ?

કાલથી મારે ડાયરી લખવી જ નથી. નકામું મનમાં દુખ થાય અને સાલી ન કરવી હોય ને તોયે સરખામણી થઇ જાય છે. નકામું પાપ લાગે.ના, ના મારે એવા પાપમાં નથી પડવું. નથી પડવું..

અને શ્યામાએ ડાયરીનો ઘા કર્યો અને ન જાણે કેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી.

 Nilam doshi

તૂ તૂ મૈં મૈં..વાત એક નાનકડી..

તૂ તૂ મેં મેં… .વાત એક નાનકડી..( સંદેશ )

 સાસુ વહુ વચ્ચેની સનાતન કચકચથી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું.અને એમાં કોનો દોષ વધારે હતો કહેવું પણ અઘરું હતું.સાસુ ભારતીબેનને ઘરમાં  દરેક વાત પોતાની રીતે , અને પોતાને પૂછીને   થવી જોઇએ.એવો દુરાગ્રહ રહેતો.સામે પક્ષે મોનાનાં સાસુની કચકચ સાંભળવાની કોઇ  તૈયારી  નહોતી.તે તુરત સાસુને સામા જવાબ આપી દેતી. અને પછી તો મહાભારતનું યુધ્ધ શરૂ થતા કયાં વાર લાગતી હોય છે ?

અને વાત કંઇ આજકાલની નહોતી મોના પરણીને સાસરે આવી ત્યારથી સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને  કંઇ બહું જામ્યું નહીં. બંનેના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. ને બંને પક્ષે બહું  પરિવર્તનની આશા રાખી શકાય તેમ નહોતી. મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી..અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા. સદનસીબે સસરાજીને ભાગે બધું જોવાનું આવ્યું નહીં કેમકે  સસરાજી તો બધા માયાજાળથી મુકત બની બે વરસ પહેલા સ્વેર્ગે સિધાવી ગયા હતા.સાગરને પણ માનો વાંક વધારે દેખાતો. તે પત્નીને હમેશા કહેતો રહેતો,

 ’ મોના, ઘર માને નામે છે. ત્યાં સુધી આપણે કંઇ કરી શકીએ તેમ નથી. ’

 એવું  કઈ કરવાનું મેં કયાં કયારેય કહ્યું છે ? બા કંઇ ઘર ભેગું નથી બાંધી જવાના. હું પણ જાણું છું અને મને એવો કોઇ મોહ પણ નથી. પણ બાની કચકચથી હું ખરેખર  થાકી છું. મારા દરેક કામમાં ખોડખાપણ કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચે નહીં. બધી વાતમાં એમની સલાહ સૂચના ચાલુ હોય..હું તો જાણે સાવ અક્કલ વિનાની.’

મોના ગુસ્સાથી ઉકળતી રહેતી.

 સાક્ષી ભાવે બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો.

હવે મોના બે સંતાનની મા બની હતી. અને સાસુ હવે શારીરિક રીતે બહું સક્ષમ નહોતા રહ્યા.તેથી થોડા શાંત થયા હતા. અને સામે પક્ષે મોનાને પણ બાળકોમાંથી સમય નહોતો મળતો. પરિણામે ઘરમાં નાની નાની કચકચ થતી પણ મોટા ઝગડાઓ માટે બહું અવકાશ નહોતો રહેતો.

 

સાગર ને પણ માની આવી કચકચ ગમતી નહીં.પોતે આવડો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા. કે તેની વાતોમાં ખામી બતાવતા રહેતા. સાગર અકળાતો. પણ મકાન બાને નામે હતું. પિતા મકાન અને  થોડી ઘણી જે પણ મિલ્કત  હતી બધી  બાને નામે કરી ગયા હતા.

   બધું પોતાને નામે થાય ત્યાં સુધી તો માને સાચવવાની હતી. આમ તો બા જમાનાના ખાધેલ હતા..પણ હવે શક્તિ રહી નહોતીઅને તેમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો.પણ દીકરામાં તો વિશ્વાસ હતો . વિશ્વાસનો ગેરલાભ લઇને એક દિવસ સાગરે  મીઠી મીઠી વાતો કરી મા પાસે બધા કાગળોમાં સહી કરાવી લીધીહવે મા ખાલી ખમ્મ..જોકે આવી કોઇ સહીઓ  કયારે કરાવી..કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી થઇ. તે તો  બાળકોમાં..તેના અભ્યાસમાં  મશગૂલ હતી.

 હવે માની દવાનો ખર્ચો વધ્યો હતો. બી.પી,ડાયાબીટીસ, સન્ધિવાજેવી વ્યાધિઓએ પીછો પકડયો હતો. માના પૈસા તો હવે રહ્યા નહોતા. હવે સાગરને દર મહિને ખર્ચો ભારે પડતો હતો. કયાંય પણ જવું હોય તો બાને સાથે લઇ જાવ અથવા તેમને એકલા મૂકીને જાવ..અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જાય. બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે. હવે બા હોય કે હોય શું ફરક પડે છે ? સાગરને થતું કે  બુઢ્ઢા લોકો.. શાંતિથી જીવે જીવવા દે..બસ..બધા ઉપર ભારરૂપ બનીને પડયા રહે.

દીકરાને હવે માની કોઇ જરૂર નહોતી રહી. અને જાણે કળિયુગે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો. અને એક દિવસ અંતે સાગર કોઇ બહાનું કાઢીને..ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો. બા બિચારાએ ઘણાં કાલાવાલા કર્યા..પોતે એક ખૂણામાં પડી રહેશે એમ પણ કહ્યું..આમ પણ હવે પોતે કયાં કશું બોલે છે ?

પણ સાગરને કોઇ અસર થઇ. બધું થયું ત્યારે  બાળકોને  વેકેશન હતુંતેથી મોના બાળકોને  લઇને  પિયર ગઇ હતી. જતા પહેલા પણ તેને સાસુ સાથે ઝગડો થયો હતો. સાસુ તેને જવા દેવા નહોતા ઇચ્છતા પણ મોના એક કયાં કોઇનું સાંભળે એમ હતી ? વેકેશનમાં પણ બાળકોને  મામાને ઘેર જવા મળે કેમ ચાલે ? તેથી સાસુની કોઇ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ  પિયર ઉપડી ગઇ હતી.પતિને કોઇ વાંધો નહોતો.પછી બીજી શું ચિંતા કરવાની ?

તેના ગયા પછી સાગર બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. પણ સાગરે 

ફોનમાં પત્નીને આવી કોઇ વાત કરી નહીં.

પિયરથી  આવીને મોનાને ખબર પડશે ત્યારે તે  ખુશ થશે.. હવે ઘરમાં  બધા શાંતિથી રહી શકશેપોતે પત્નીને કહેશે કે બધી હેરાનગતિનો  કાયમી ઉપાય તેણે અંતે કરી  લીધો હતો. થોડા દિવસ પછી મોના પિયરથી આવી.

ઘરમાં બાને જોતા તેને આશ્ર્વર્ય થયું. સાગરને પૂછતા તેણે બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યાનું જણાવ્યું. મોના તો વાત સાંભળી સ્તબ્ધ થઇ ગઇ.

સાગર..તું..તું દીકરો થઇને બાને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો ? ’

; સારું કર્યું ને ? વરસોથી તારી ફરિયાદ હતી. હવે તારે નિરાંત..બાની કચકચમાંથી આટલા વરસે તને મુક્તિ મળીઆજે પાર્ટી તારા તરફથી હોંસાગર..પ્લીઝમોના અકળાઇ.સાગરને મોનાનું વર્તન સમજાયું. ખુશ થવાને બદલે મોના આમ…?

સાગર, સોરી..પણ તું મને ઓળખી શકયો નથી.’ ’ એટલે ? બાની ફરિયાદ તું મને કરતી હતી. ફરિયાદ તો છોકરાઓની પણ હું અનેકવાર કરું છું. તેથી એમને કોઇ અનાથાશ્રમમાં મૂકી આવીશું ? ’

મોના, કેવી પાગલ જેવી વાત કરે છે ? મને તારું વર્તન સમજાતું નથી. મને તો એમ કે તું ખુશ થાઇશઆટલા વરસે તને સાસુની કચકચમાંથી મુક્તિ મળી તેથી.પણ તેને બદલે તું તો…..’ ’ સાગર, મને અફસોસ થાય  છે કે આટલા વરસ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શકયો નથી. સાગર ઝગડા તો કયા ઘરમાં નથી થતા ? મને સાસુની કોઇ વાત ગમે તેટલી ગમતી હોય..હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હોઉં..તો પણ એનો અર્થ નથી કે પોતાની વ્યક્તિને  આપણે આમ  ઘરમાંથી કાઢી મૂકીએ ? આપણને એવો કોઇ હક્ક નથી..’ 

મોનામને તો એમ કે….’ ’ પ્લીઝ..સાગર..કાલે છોકરાઓ પણ આપણને વૃધ્ધાશ્રમમાં મૂકી આવશે ત્યારે ? હું ગમે તેટલી ખરાબ હોઉં..પણ જનેતાને કાઢી મૂકવા જેટલી અધમ તો નથી ..મારે પણ મા છે. સાગર, મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે. સાગર, તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય. પણ એણે તો કદી તને…..’

કહેતા મોનાની આંખ છલકાઇ આવી.

સાગરની આંખો પણ ભીની બની ઉઠી.

તેને પોતાની ભૂલ સમજાઇપોતે શું કરી બેઠોજનેતાને ઘરમાંથી હાંકી કાઢી ? જેણે પોતાને જન્મ આપીને કેવા યે હેતથી..કેવા સપનાઓ સાથે ઘરમાં આવકાર્યો હતો..તેને આજે પોતે આમ….? સાગરની નજર સામે હવે શૈશવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા. તેના અફસોસનો પાર રહ્યો.

સાગર, જાગ્યા ત્યાંથી સવાર. બા ની માફી માગવાથી આપણે કંઇ નાના નહીં બની  જઇએ.’

 

બીજે દિવસે સવારના મોના અને સાગર બાને વૃધ્ધાશ્રમમાંથી ઘેર લાવ્યા.. સાગરે આંસુભીની આંખે માની માફી માગી..અને માએ દીકરાને વહાલથી ગળે લગાડયો ત્યારે બધાની આંખો ભીની બની હતી.

સાગરને પોતાની ભૂલ સમજાઇ હતી..પોતે આવો સ્વાર્થી કેમ બન્યો ? શૈશવની અનેક વાતો તેને યાદ આવતી રહી. બાના ખોળામાં માથું મૂકી આજે વરસો બાદ ફરી એકવાર તે નાનો બની ગયો. બાની આંખમાંથી શ્રાવણ ભાદરવો આજે સૂકાય એમ નહોતા. મોના મા દીકરાનું મિલન જોઇ હરખાઇ રહી.

મોના, તેં મને મારી ભૂલ બતાવીહું પુત્ર હોવા છતાં…. હું થોડી પુત્ર છું..હું તો પૂત્રવધૂઅર્થાત્  પુત્રથી પણ વધારે..સમજયો ? બા મોનાને ભેટી પડયા.

બેટા, હું તને ઓળખી શકી..

બા..એનો અર્થ નથી કે આપણી તૂ તૂ મૈં મૈં બંધ થઇ જશે..એની આદત પડી ગઇ છે..એના વિના આપણને બંનેને અડવું લાગશે.’ 

કહેતા મોના ખડખડાટ હસી પડી. બાળકોએ, સાગરે અને બાએ પણ એમાં સાથ પૂરાવ્યો. અને ઘરની દીવાલોને પણ જાણે ટહુકા ફૂટી નીકળ્યા.

Nilam doshi

nilamhdoshi@gmail.com