નારી દિવસની ઉજવણી માત્ર એક દિવસ ?

નારી દિવસ એક દિવસની ઉજવણી માત્ર ?

                                                                      આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ    

હમણાં 8 માર્ચે આપણે સૌએ હોંશે હોંશે મહિલા દિવસ ઉજવ્યો. મન ભરીને નારીના ગુણગાન ગાયા.વોટસ અપ અને ફેસબુક જેવા માધ્યમોથી સરસ મજાના સંદેશાની આપ લે આખો દિવસ ચાલતી રહી. નારીને અનુલક્ષીને  અનેક કાર્યક્રમો યોજાયા. અનેક મહાન નારીઓનું પુણ્ય સ્મરણ કરીને તેમને શ્રધ્ધાંજલિ અપાઇ. નારીની ગૌરવગાથા ગવાતી રહી. ખૂબ સારું કામ છે એની ના નહીં . એ નિમિત્તે સ્ત્રીનું ગૌરવ સ્થાપિત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ જરૂર કહી શકાય. એને અભિનંદીએ.પણ એની સાથે સાથે મનમાં એક પ્રશ્ન પણ જરૂર ઉઠે છે.

હકીકતે આ દિવસ ઉજવીને આપણે એટલું તો જરૂર સાબિત કરીએ જ છીએ ને કે આવો કોઇ દિવસ ઉજવવાની આપણે જરૂર પડે છે. મેન ડે..પુરૂષ દિવસ ઉજવવાનો વિચાર કેમ નથી આવતો ? નહીતર આપણા પુરૂષ પ્રધાન સમાજમાં પહેલો વિચાર તો એનો જ થતો હોય છે. પરંતુ એવી જરૂર જ કયાં છે ? પુરૂષનું સ્થાન સદીઓથી સ્થાપિત થયેલું જ છે. એનું સ્થાન ઉંચુ છે જ. એથી એને માટે આવા  કોઇ દિવસની જરૂર જ નથી. એને માટે તો કદાચ બધા દિવસ એના જ છે.

નારી દિનની જેમ જ  આપણે વિશ્વ દીકરી દિવસ ઉજવીએ છીએ, કદાચ ઉજવવો પડે છે એમ કહી શકાય.કેમકે એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો”  આંદોલન કરવા પડે છે કે વિશ્વ દીકરી દિવસ ઉજવવાની જરૂર પડે છે.  આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખ માટે ઝઝૂમવું પડે છે.

જયારે દીકરો તો વહાલો હોય જ…એમાં કહેવા જેવું શું છે ? એમાં નવી વાત શી છે ?  સદીઓથી સમાજમાં એનું સ્થાન સ્થાપિત થયેલું છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું.  તેથી કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની  મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી  આપણો સમાજ પુરૂષપ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતા રહ્યા છે. માનતાઓ માનતા રહ્યા છે. તરસતા રહ્યા છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો માબાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઇ શકે, દીકરો ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે, દીકરો એટલે વંશવેલો વધારનાર,  કૂળને તારનાર,  વૃધ્ધાવસ્થાની ટેકણ લાકડી, માબાપનું ગૌરવ, દીકરો એટલે“ પૂં “ નામના નરકમાંથી ઉગારનાર.

જયારે દીકરી એટલે સાપનો ભારો, પેટે પાકેલો પથરો, નારી નરકની ખાણ એમ કહેતા પણ આપણો સમાજ  અચકાણો નથી. ધોકે નાર પાંસરી, બૈરાની બુધ્ધિ પગની પાનીએ..આવી અનેક કહેવતોને હવે દેશવટો મળવો જોઇએ એવું નથી લાગતું ? અરે, ભગવાનને પણ જન્મ લેવા માટે પહેલા નવ મહિના સ્ત્રીના ઉદરમાં રહેવું પડે છે. એવી સ્ત્રીને આજે એકવીસમી સદીમાં પણ  પોતાની આગવી ઓળખ માટે ઝઝૂમવું પડે છે.

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા..કે પછી જે કર ઝૂલાવે પારણૂં જગ પર શાષન કરે..આવી ઉક્તિઓ પણ છે જ પણ એનો અમલ કયાં ?

તાજેતરમાં નારી દિન નિમિત્તે આટલી ધામધૂમ પછી..ગૌરવની ગાથા ગવાયા બાદ આજે સ્ત્રીના સ્થાનમાં તસુ ભાર પણ ફરક પડયો ખરો ? અરે, જે પુરૂષે અનેક મિત્રોને નારી દિનના મજાના  મેસેજ કર્યા એણે પણ પોતાના ઘરની સ્ત્રીનું,પોતાની પત્ની,માતા,બહેન, ભાભી..કોઇનું ઉચિત સન્માન  કર્યું ? એક દિવસ પૂરતું પણ ઘરનું કામ સંભાળ્યુ ? કેટલા ટકા લોકોએ આવું કશું કર્યું ? મિત્રોને મેસેજ કર્યા પણ ઘરની સ્ત્રીઓનું શું ?

પણ સૌ પ્રથમ તો સ્ત્રીએ પોતે સ્ત્રીનું સન્માન કરતા શીખવું પડશે.સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એ મેણામાંથી બહાર આવવું પડશે. આજે મહિલા દિને પ્રત્યેક શિક્ષિત નારી પોતાને અનુરૂપ, પોતાના સંજોગો પ્રમાણે  થોડા સંકલ્પો પોતાની જાતે કરે અને નિષ્ઠાપૂર્વક વળગી રહે તો વહેલો કે મોડો વત્તે ઓછે અંશે બદલાવ જરૂર આવી શકે.

સમાજને બદલવો હશે, સ્ત્રી, પુરૂષને સમાનતાની ભૂમિકામાં લાવવા હશે તો એની શરૂઆત પાયાથી થવી જોઇએ.

  દીકરા કે દીકરીના ઉછેરમાં, તેમને મળતી સ્વતંત્રતામાં કોઇ ભેદભાવ શૈશવથી જ ન હોવો જોઇએ. આ બહું અગત્યની પાયાની વાત છે. આજે આપણે દીકરીને પણ દીકરા જેટલું શિક્ષણ જરૂર આપતા થયા છે. પરંતુ હજુ પણ  આપણે ઘેર કોઇ મહેમાન આવે ત્યારે દીકરીને કહેતા હોઇએ છીએ કે ‘ બેટા, પાણી  લાવ તો.’  દીકરો ત્યાં જ બેઠો હોય તો પણ તેને ઉઠાડતા નથી.અર્થાત સ્ત્રી જ માને છે  કે આવા કોઇ કામ દીકરીને જ કહેવાય,દીકરાને નહીં.બહારનું કામ હોય તો દીકરાને  કહીએ છીએ. અને ઘરનું કે રસોડાનું કોઇ કામ હોય તો દીકરીને..આવા ભેદભાવ આપણે જ શૈશવથી પાડીએ છીએ..છોકરો નાનપણથી આ બધું જોઇને જ મોટો  થાય છે. અને ત્યારે સ્વાભાવિક રીતે જ એનામાં એક ગ્રંથિ બંધાય છે કે આવું બધું કામ તો છોકરીનું જ ગણાય. ઘરનું કામ તેણે જ કરવું જોઇએ. સ્ત્રી કે પુરૂષની આ માનસિકતા જયાં સુધી નહીં બદલાય ત્યાં સુધી સમાનતા સંભવી શકે નહીં. સદનસીબે આ વલણમાં સુધારાની ધીમી પ્રક્રિયા શરૂ ચોક્ક્સ થઇ છે. પણ હજું એનું પ્રમાણ પાશેરામાં પહેલી પૂણી જેટલું જ રહ્યું છે.

હવે શાંતિથી વિચાર કરીએ તો આ ગ્રન્થિ તેનામાં રોપનાર કોણ ? સ્ત્રી પોતે જ ને ?

તો સુધારો શૈશવથી જ થવો જોઇએ એવું નથી લાગતું ? બહારનું કામ છોકરીને અને ઘરનું કામ છોકરાને સોંપવાની શરૂઆત થવી જોઇએ એવું નથી લાગતું ?  દરેક વખતે કામની અદલાબદલી થવી જોઇએ. નાનપણથી જ છોકરો કે છોકરી બંનેને ભાગે બંને કામ આવવા જોઇએ.અને એ પણ સાવ સહજતાથી. બીજ રોપાશે તો કદીક સમાનતાની  કૂંપળ જરૂર ફૂટશે. સ્ત્રી કે પુરૂષ કોઇ આગળ કે પાછળ નહીં..મિત્રતાની સમાનતાની ભૂમિકાએ કેમ ન રહી શકે ? પુરૂષ પ્રધાન સમાજ પણ નહીં અને સ્ત્રી પ્રધાન સમાજ પણ નહીં જ. જીવનરથના બે પૈડામાં કોણ મુખ્ય ને કોણ ગૌણ એ પ્રશ્ન જ અસ્થાને ન કહેવાય ?

જો આવો કોઇ પ્રયત્ન થાય તો બની શકે એક દિવસ નવા સમાજના મંડાણ થાય, એક નવી શરૂઆત થાય અને જીવન રળિયામણું બની રહે.કયારેક, કયાંકથી, કોઇકે તો શરૂઆત કરવી જ રહી ને ? ફરિયાદ કરવાને બદલે શરૂઆત જ કરીએ તો ?

 આપણું માન, સ્વમાન, ગૌરવ જાળવવું એ આપણા હાથમાં જ છે જો સાચા દિલથી સંકલ્પ કરીએ તો.

બાકી  વરસમાં એક દિવસ  મહિલા દિન  તરીકે ઉજવીને કે સંસદમાં 33% અનામતનો કાયદો પસાર કરવાથી આપણું કર્તવ્ય પૂરું નથી થઇ જતું. મમ્મી, મને તો લાગે છે 33% મહિલા અનામત રખાયા બાદ પણ એનો પાછળથી દોરીસંચાર તો મોટે ભાગે પુરૂષના હાથમાં જરહેવાનો.રાબડીદેવી મુખ્યમંત્રી બન્યા..પણ સત્તાની લગામ તો લાલુપ્રસાદ પાસે જ હતી..એનાથી આપણે કોઇ અપરિચિત નથી જ ને ?

દોસ્તો, સ્ત્રી, પુરૂષને સમાન ભૂમિકાએ લાવવામાં આપણે આપણી રીતે આપણા ઘર પૂરતો તો  થોડો ફાળો જરૂર નોંધાવીશું ને ? સૌ પ્રથમ આપણા ઘરની સ્ત્રીઓને તો સન્માનીશું ને ?

શૈશવમાં મદારી તેના વાંદરાને નચાવતો હોય તેવો ખેલ કોણે નહીં જોયો હોય ? અલબત્ત આ પ્રશ્ન અમારી ઉંમરના..એટલેકે પચાસની આસપાસની ઉંમરની વ્યક્તિ માટે છે. બની શકે તમે લોકોએ તે ન જોયો હોય..તમે બધા તો વીડીયો ગેઇમ રમીને મોટા થવાવાળા….અમારા જમાનામાં તો  એની કલ્પના સુધ્ધાં કયાં હતી ? નસીબદાર તમે કહેવાવ કે અમે ? એ પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આપી શકાય તેમ નથી. આમ પણ  અત્યારે એ ચર્ચા અસ્થાને છે.

 મૂળ વાત એ હતી કે નાનપણમાં મદારીની ડુગડુગીનો અવાજ સાંભળતા જ અમે સૌ  શેરીમાં દોડી જઇએ. મદારી પાસે વાંદરો અને  સાપ આ બે તો હોય જ. ઘણાં મદારી પાસે બે વાંદરા હોય..એક વાંદરી..અર્થાત્ નારી જાતિ…અને એક વાંદરો…નર જાતિ..અને બધા મદારીના વાંદરા..વાંદરીના નામ ન જાણે કેમ પણ એક જ હોય..રતનિયો..અને રતની…ખબર નહીં પણ  મેં તો જેટલી વાર આ ખેલ જોયો છે એટલી વાર આ જ નામ સાંભળ્યા છે. મદારી બદલાય..વાંદરો..વાંદરી બદલાય..પણ નામ ન બદલાય. આ નામ પાછળ કોઇ રહસ્ય હશે કે કેમ એ તો ખબર નથી.

મદારી રતનિયાને એક તરફ બેસાડે..પછી રતનીને તૈયાર કરે..પફ, પાઉડર અને  લિપસ્ટીક  લગાવી, હાથમાં બંગડી, પગમાં ઝાંઝર  પહેરી રતની તૈયાર થાય..મદારી જાહેર કરે કે રતનિયો રતનીને જોવા આવ્યો છે. કોઇ આધુનિક… એ જમાનાના શબ્દમાં કહું તો છેલબટાઉ  રતનિયો  ગોગલ્સ ચડાવીને બેઠો હોય.  રતની સજી ધજીને તૈયાર થઇ હાથમાં ચાનો કપ લઇ રતનિયા પાસે જાય. રતનિયો ઘૂરકીને તેની સામે જુએ. રતની નીચું માથું કરી ઉભી રહે.  પછી મદારી મોટેથી  જાહેર  કરે કે રતનિયાને રતની પસંદ આવી છે તેથી હવે તેના લગ્ન  થશે. ( રતનીને રતનિયો પસંદ આવ્યો છે કે નહીં ? એવો સવાલ કોઇને કદી થતો નહીં.)  અને લગ્ન માટે ચાંદલો તો આપવો પડે ને ?  એટલે જોનાર સહુ સામે મદારી તેની ટોપી ફેરવે. સૌ તેમાં યથાશક્તિ પૈસા નાખે. રતનિયો, રતની એકબીજાને હાર પહેરાવે..નાચે..રતની પગમાં ઝાંઝરી પહેરી છમ છમ કરતી રતનિયાની આગળ પાછળ ગોળ ગોળ ફરતી રહે. અને ખેલ પૂરો થાય.

 ત્યારે તો બાલસહજ આનંદ અને વિસ્મયથી હું પણ એ ખેલ માણતી.

આજે આ લખતા લખતા ન જાણે કેમ મગજમાં એ દ્રશ્ય ઉભરી આવ્યું. નજર સમક્ષ દેખાય છે. ગર્વભરી, ટટ્ટાર ચાલે ચાલતો રતનિયો અને તેની આસપાસ ઝાંઝર પહેરી ગોળ ઘૂમતી રતની…

વધારે કંઇ કહેવાની જરૂર છે ખરી ?

પણ હવે આજની રતનીને રતનિયાની પાછળ ગોળ ગોળ..એક જ પરિઘમાં ઘૂમવું પસંદ નથી. પરિઘની બહારની દુનિયા..બહારનું આકાશ એણે જોઇ લીધું છે. દૂરની ક્ષિતિજો એને સાદ કરે છે. અલબત્ત એનું કેન્દ્ર..એનું ઘર એને  કુદરતી રીતે ખેંચતું  રહે છે. પરંતુ સાથે સાથે   દૂરની ક્ષિતિજનો સાદ એને સતત આકર્ષી રહે છે. હવે આજનો રતનિયો તેને મુક્તિ આપવા તૈયાર તો થયો છે. એને જવું હોય ત્યાં ભલે જાય..પણ એને પૂછીને..એની મંજૂરી લઇને..અને તે પણ સીમિત દાયરામાં જ. પોતાનું સ્વામીત્વ, સત્તા,પઝેસીવનેસ એ જલદીથી છોડી શકે તેમ નથી. પરંતુ  આજની રતનીને  એવી શરતી મુક્તિ મંજૂર નથી. સ્વામીત્વની નહીં સખ્યની ભાવના તે ઝંખે છે.   બહારથી ઘરમાં આવતા  તેને મોડું થાય તો આરોપીના પિંજરમાં ઉભીને ખુલાસા આપવાની વાત તેને કબૂલ નથી. પુરૂષની જેમ તે પણ ફકત એટલો જવાબ આપી શકે કે કામ હતું. શંકાની દ્રષ્ટિએ  આરોપીની માફક  તેની પૂછપરછ થાય એ હવે તેને મંજૂર નથી.  આજની રતની  ફકત સ્ત્રી નહીં..એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની પહેચાન માગે છે.

 રતનિયા અને રતનીનો સંઘર્ષ ચાલતો રહે છે. જયાં રતનિયાની વાત ખાસ કોઇ વિરોધ સિવાય  જે રતની  સ્વીકારી લે છે  એને આવા કોઇ પ્રશ્નોનો સામનો કરવાનો આવતો નથી. પણ જેને એ સ્વીકાર્ય નથી એને માટે અગણિત પ્રશ્નો આવવાના જ. એના સૂક્ષ્મ સંવેદનો એની પીડા બની રહે છે.

છે કોઇ જવાબ ?

સાંપ્રત સમયમાં વહુ ઉપર પહેલા જેવા બંધનો તો હરગિઝ નથી જ. એટલું પરિવર્તન તો બધે જ આવ્યું છે. ઘણી જગ્યાએ તો ઉલટું પરિવર્તન પણ જોવા મળે છે. વહુ આવ્યા પછી સાસુની સ્થિતિ દયામણી બની જતી પણ જોવા મળતી રહે છે. 

શિક્ષિત ..બહાર કામ કરતી  પત્નીની અગ્રતાઓ બદલાય છે. તે બહારના કે  પોતાના કોઇ પણ રસના વિષયમાં ધ્યાન પરોવે છે ..એનું ધ્યાન હવે ઘરમાંથી થોડું હટીને બહારના જગત તરફ.. જાય  છે  ત્યારે પતિને એ કઠે છે.ઘર કદાચ પહેલાં પણ અવ્યવસ્થિત રહેતું હશે તો એને એનો વાંધો નહોતો. પરંતુ હવે ઘર થોડું પણ અવ્યવસ્થિત  રહે તો તુરત એનું ધ્યાન જાય છે. પત્નીનું ધ્યાન ઘરમાં નથી માટે જ આવું થાય છે. હકીકતે એનો વાંધો ઘર સામે નહીં..પત્નીનું ધ્યાન બીજે વધારે જાય છે એ તરફ છે. પત્ની લેખિકા હોય, ચિત્રકાર હોય કે કોઇ પણ ક્ષેત્રમાં આગળ હોય તેનું ગૌરવ લેવું એને ગમે છે. એની  સામે  એને વાંધો નથી. પણ તેના ફાજલ સમયમાં..નવરાશની પળોમાં એ કામ થવું જોઇએ..લખવા માટે કયારેક રસોઇ ન કરે કે ઘરમાં ધ્યાન ન આપે એ ન ચાલે. સ્ત્રીએ લખવાના મૂડ પ્રમાણે નહીં પરંતુ નવરાશના સમયે લખવાનું કે એવું બીજું કોઇ પણ કામ નવરાશના સમયે જ કરવાનું હોય. પતિ ઓફિસેથી આવે એટલે બધું છોડીને ચા બનાવવા કે પતિની હાજરી ભરવા ઉભા થવું જ જોઇએ. નહીંતર  કટાક્ષનો એકાદ ચાબખો વીંઝાવાનો જ. અલબત્ત  સ્ત્રીએ પણ પતિની ભાવના સમજતા અને સ્વીકારતા શીખવું રહ્યું. એકમેક પ્રત્યે સાચા દિલથી આદર હોય તો ઘણી સમશ્યાઓ હળવી બની જાય.

મુખ્ય  વાત  એટલી જ કે પુરૂષનો ઇગો હર્ટ ન થવો જોઇએ. એનો સૂક્ષ્મ અહમ સંતોષાતો  રહેવો  જોઇએ. કુદરતે જ કદાચ એને એ બક્ષિસરૂપે આપેલ છે. 

 સંસારની ગાડી સુખરૂપ ચાલતી રહે માટે પત્નીએ પતિનો અહમ ન ઘવાય એનુ ધ્યાન રાખવું  જ જોઇએ. પોતાના કામને લીધે એ તેની અવગણના તો ન જ કરી શકે.. એકાદ સ્મિત ફરકાવી ‘ આ જરા પૂરું કરીને આવું છું..’ એમ એ કહી શકે અને પતિએ તે હસીને સ્વીકારતા શીખવું જોઇએ.

 બહારના વ્યાવસાયિક જગતના ઝગમગાટમાં પોતાના  ઘર અને કુટુંબના પ્રેમ અને સુખની જયોત બૂઝાવી ન જોઇએ.

પોતાની સ્વતંત્રતાની જવાબદારી સમજી  પોતાની   લક્ષ્મણરેખા સ્વેચ્છાએ જાતે દોરવી રહી.

આખરે તો સ્ત્રી હોય કે પુરૂષ..બંનેની ઝંખના તો એક જ હોવાની ને ? સુખ, શાંતિ, આનંદ, ઉત્સાહ, સંતોષ..બસ..એ કયે માર્ગે પોતે મેળવી શકે છે  એ વિચારી એને ક્રાઇટ એરિયા બનાવીને બંનેએ સાથે મળીને પોતાની દિનચર્યા એ મુજબ  ગોઠવવી જોઇએ. સ્ત્રીની પ્રગતિથી પુરૂષે લઘુતાગ્રંથિ અનુભવવાને બદલે સાચા અર્થમાં દિલથી ખુશ થઇ એને આગળ વધવાની પ્રેરણા, સાથ, સહકાર અને સગવડ આપવી જોઇએ. અને સ્ત્રીએ તેનો ગેરલાભ ઉઠાવવાને બદલે પતિ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવી શકય તેટલો સમય ઘરમાં આપી શકે તેમ ગોઠવવું જોઇએ. આમા પતિ જ નહીં ઘરના દરેક સભ્યો..સાસુ, સસરા, કે બીજા જે પણ સભ્યો હોય તે બધા એકબીજાને સમજીને સહકાર આપી શકે તો સુખનું પતંગિયું એની જાતે ઘરમાં દોડી આવશે.

સ્વામી  સચિદાનન્દજીએ એક જગ્યાએ કહ્યું છે કે   સ્ત્રીના ચાર પ્રકાર હોય છે.

  1. . ..જે હમેશા પુરૂષના પગ નીચે દબાયેલી રહે છે.
  2. …જે પુરૂષની પાછળ પાછળ ચાલે છે..દરેક વાતમાં કોઇ દલીલ સિવાય પુરૂષને અનુસરે છે.

3 જે સ્ત્રી પુરૂષની સાથે  સાથે ચાલે છે. દરેક વાતમાં બંને સાથે મળીને સહિયારો નિર્ણય લે છે.

 4 જે સ્ત્રી પુરૂષની આગળ ચાલે છે. દરેક વાતમાં પોતે જ  નેતૃત્વ લે છે. બધી વાતમાં એ પુરૂષથી આગળ હોય છે.

મોટે ભાગે પુરૂષોને બીજા પ્રકારની સ્ત્રી વધારે પસંદ હોય છે..જેમાં એનો ઇગો સચવાઇ રહેતો હોય છે.

જોકે આજે ભણેલા પુરૂષો ત્રીજા પ્રકારની સ્ત્રીને પણ આવકારી શકે છે..ઇચ્છે છે. પરંતુ  મને લાગે છે ચોથા પ્રકારની સ્ત્રી કદાચ કયારેય કોઇ પુરૂષને પ્રિય બની શકે નહીં..અમારી કોલેજમાં આવી છોકરીને “ ભાયડાછાપ “નું બિરુદ અપાતું.

આજે પણ  સમાજમાં સ્ત્રી માટે કેટકેટલા નિયમો..વ્રતો, ઉપવાસ, પૂજા…

પુરૂષ માટે કોઇ નિયમોની આવશ્યકતા જ કયાં છે ? એ તો કુટુંબનો વડો કહેવાય..રાજા કહેવાય..રાજાને વળી નિયમ કેવા ? આપણા શાશ્ત્રોએ, વેદ, પુરાણોએ પણ કંઇ સ્ત્રીને ઓછો અન્યાય નથી કર્યો. એવું તમે જ એકવાર અનેક ઉદાહરણો સાથે મને સમજાવેલ…

પુરૂષને તો એની પત્ની ઘર, વર, બાળકો, કપડાં અને ઘરેણાંની દુનિયામાં જ પરોવાયેલી રહે એ જ ગમે છે. અને પાછું જોવાની ખૂબી એ છે કે બીજી કોઇ સ્ત્રી કોઇ ક્ષેત્રમાં આગળ આવી હોય ત્યારે એની પ્રશંષા કરતાં એ થાકતો નથી. પરંતુ એ બધું બીજાની પત્ની માટે..બીજાની પત્ની દલીલ કરે તો એ તેજસ્વી ગણાય..હોંશિયાર ગણાય..પોતાની પત્નીની દલીલ કયો પુરૂષ સહન કરી શકે તેમ છે ?

નોકરી કરતી સ્ત્રીના સંતાનો આગળ નથી આવી શકતા એવું તો કોઇ મૂરખ જ કહી શકે. તારો આક્રોશ સાચો છે.ઘરમાં કોઇ પણ પ્રોબ્લેમ આવે ત્યારે ઘણાં ઘરોમાં એને માટે સ્ત્રીની નોકરીને જ જવાબદાર ગણવામાં આવે છે. જાણે જે ઘરમાં સ્ત્રી નોકરી ન કરતી હોય ત્યાં કોઇ પ્રશ્નો આવતા જ ન હોય ! યેસ..જરૂર પડયે પુરૂષે પણ રજા લઇને ઘરમાં કે બાળકોમાં ધ્યાન આપવું જ રહ્યું. એમાં કોઇ નાનમ નહીં બલ્કે ગૌરવ છે. સહિયારી જવાબદારી નિભાવ્યાનો આનંદ હોવો જોઇએ. આર્થિક જવાબદારી સહિયારી હોય તો ઘરની જવાબદારી ફકત સ્ત્રીની જ કેમ હોઇ શકે ? કોઇ જડ નિયમ સિવાય પોતપોતાના સંજોગો અને જરૂરિયાત મુજબ ઘરના સૌ સભ્યોએ સાથે મળીને, મુકત મને ચર્ચા વિચારણા કરીને જ પોતાના  નિર્ણય લેવા જોઇએ. સ્ત્રી એટલે અહીં સાસુ અને વહુ બંનેનો સમાવેશ થઇ જાય છે.

હકીકતે આજે પુરૂષ જે કામ કરી શકે છે તે લગભગ બધા કામ સ્ત્રીકરી શકે છે..પરંતુ સ્ત્રી જે કામ કરી શકે છે તે બધા કામ પુરૂષ કરી શકે છે ખરો ? સ્ત્રી ઘર અને  ઓફિસ બંને સંભાળી શકે છે. જયારે પુરૂષ એ બંને સંભાળી શકે છે ખરો ? એ સંભાળવાની  ઇચ્છા પણ દાખવી શકતા પુરૂષો કેટલા ? સ્ત્રીને પુરૂષથી ઉતરતી કેમ કહી શકાય ?

માનવસમાજમાં સ્ત્રીનુ એક આગવું સ્થાન છે. પુરૂષની સાથે સરખામણી કરી એને હોડમાં મૂકવાની વાત જ મને તો બહું  છિછરી લાગે છે.

હા, આજે બદલાતા સમયમાં સ્ત્રી માટે આર્થિક સ્વાતંત્ર્ય જરૂરી લાગે છે. આર્થિક સ્વાતંત્ર્ય..પોતાના પગભર ઉભીને સ્વમાનથી જીવવાની વાત એ નાનીસૂની કે મામૂલી વાત નથી.  એ એક ગૌરવનો વિષય જરૂર છે. સ્ત્રી મુક્તિનો એ પાયો છે. પરંતુ  ફકત આર્થિક રીતે પગભર થવાથી જ  જીવનના બધા પ્રશ્નો પર પૂર્ણવિરામ નથી આવી જતું.

હકીકતે પ્રકૃતિએ જ સ્ત્રી અને પુરૂષ બંનેને  જુદા બનાવ્યા છે. બંનેનું શારીરિક, માનસિક બંધારણ અલગ છે. બંનેની  દ્રષ્ટિ, અપેક્ષાઓ, ભાવના,  શારીરિક માનસિક ક્ષમતાઓ  બધું  કુદરતી રીતે જ અલગ છે. આ  કુદરતી ભિન્નતાનો સમજદારીપૂર્વક સ્વીકાર કરવો જ રહ્યો. એને ભૂલીને  સમાનતાની ઝૂંબેશમાં કે નારીવાદના કૃત્રિમ અંચળા હેઠળ   પુરૂષ કરે છે તે જ ઉત્તમ છે..કરવા જેવું છે એમ માનીને પોતાના  ઇશ્વરદત્ત કાર્યને હીણું લેખવાની ભૂલ કરવા જેવી નથી. પોતાના સ્ત્રીત્વનું પોતે જ અપમાન કરવાની મોટી ભૂલ કરવાથી એણે બચવું જોઇએ..એવું નથી લાગતું ?

 સ્ત્રી સદીઓથી પોતાની બુદ્ધિ, કૌશલ્ય, અને પ્રતિભાથી સિધ્ધ કરી જ ચૂકી છે કે  બંનેમાં બુધ્ધિ ,આવડત,  કુશળતા, સમજણ, યોગ્યતા,  બધું  સમાન છે…અને છતાં પણ બને સરખા તો નથી જ નથી.

 મને લાગે છે આ પ્રશ્નોનો  ઉદભવ પુરૂષના આપખુદ વર્તનને લીધે જ થયો છે. સમાજ વધારે ને વધારે પુરૂષપ્રધાન બનતો ગયો. દરેક રીતે સ્ત્રીનું શોષણ કરતો ગયો. સ્ત્રીને સમાનતાનો દરજ્જો આપી તેનું સન્માન કરવાને બદલે…તેને ગૌરવ આપવાને બદલે તેને પોતાનાથી નીચી ગણતો ગયો. સ્ત્રીને એક હાંસિયામાં ધકેલતો ગયો…અને કયારેક તો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે..તેની જેમ સ્ત્રીનો આત્મા જાગશે ત્યારે શું ? એનો વિચાર કરવાનું ભૂલી ગયો.  શોષણ..અત્યાચાર સહન કરવાની દરેકની એક મર્યાદા હોય છે.  “ અતિની ગતિ નહીં..” એવું તેથી જ તો કહેવાયું છે ને ?

પુરૂષે સ્ત્રીને એક બાજુ  હાંસિયામાં ધકેલી દીધી જેથી સંસ્કૃતિએ પોતાનું સમતોલન ગુમાવ્યું. અને જયારે જયારે કુદરતનું સંતુલન ખોરવાય  ત્યારે પ્રશ્નો તો અચૂક ઉઠવાના જ.

એને લીધે  સ્ત્રીએ આગળ આવી પુરૂષની અવિચારી સત્તાના વિરોધ માટે ચળવળ ઉપાડી તો આજે પણ એને નારીવાદ કહી એની હાંસી ઉડાડતા સમાજ..પુરૂષ કયાં અચકાય છે ? એને પોતાના હક્ક માટે લડવું પડે એ વાત જ આપણી સમાજ વ્યવસ્થામાં કયાંક ખામી છે એ દર્શાવે છે.

 હજુ પણ સમાજ જો નહીં સુધરે..સ્ત્રીને એનું યોગ્ય સ્થાન નહીં આપે..એનું ગૌરવ કરતાં નહીં શીખે તો બની શકે આ સમસ્યા દિવસે દિવસે વધારે વિકટ બનતી જાય… પીડિત સ્ત્રી વધારે બંડખોર બનતી જાય એવી શકયતા નકારી કેમ શકાય ?

શો ઉકેલ હોઇ શકે આ સમશ્યાનો ?

કોઇ સમ્યક ઉકેલ જ  હોઇ શકે ને ?

સ્ત્રીનું કુદરતી વલણ ઘર તરફનું વધારે હોય છે..એ વલણ જાળવી રાખીને પણ તેની  દ્રષ્ટિ તે  બાહ્યજગત  અને બહારની પ્રવૃતિ  તરફ  રાખી શકે તો એ પોતાની આગવી પહેચાન પણ પામી શકે અને  એક સમતોલન જળવાઇ શકે

એ જ રીતે  પુરૂષનું મુખ્ય વલણ કુદરતી રીતે  ઘરની બહાર હોય પરંતુ તેનું ધ્યાન..તેની દ્રષ્ટિ પોતાના ઘર તરફ.. સ્ત્રી તરફ રાખે તો બંનેનું સાર્થકય જળવાઇ શકે.

સાચા અર્થમાં સ્ત્રીને ગૃહલક્ષ્મી તરીકે સ્વીકારી પોતાના કરતાં પણ તેનું કામ વધારે શ્રેષ્ઠ છે..વધારે ગૌરવવંતુ અને વધારે કઠિન છે એમ દિલથી સ્વીકારી તેને દરેક જાતનો સહકાર આપી તેને તેની પસંદના બહારના કામ માટેની પણ તમામ અનુકૂળતા કરી આપવી જોઇએ.

 સાંપ્રત સમયમાં પુરૂષે  સ્ત્રીને દરેક રીતે સહકાર આપી તેના નારીત્વનું સન્માન..બહુમાન કરતા શીખવું પડશે. મહાભારતમાં બાણશય્યા પર સૂતેલાં ભીષ્મ પિતામહે મૃત્યુ પહેલાં તેના અંતિમ સંદેશમાં એક વાકય કહેલું

  સમાજમેં  નારી જાતિકા માન હોતા હૈ યા અપમાન હોતા હૈ..ઉસી પર દેશકી પ્રગતિકા આધાર હૈ. “

માનવજાતના સુખ, શાંતિનો ઉપાય કદાચ આમાંથી  મળી શકે. આવો કોઇ ઉકેલ આ સદીની એક મહાન ક્રાંતિકારી ઘટના  બની શકે.

જોકે કોઇ પણ વાત લખવી..વિચારવી જેટલી આસાન છે..તેનો અમલ આસાન નથી હોતો..પણ એક વિચારરૂપી  બીજ વવાઇ શકે..તેને થોડા થોડા ખાતર પાણી મળતા રહે તો કયારેક તો કૂંપળ ફૂટવાની જ ને ? અત્યારે કદાચ ધીમી ગતિએ પણ એ પ્રક્રિયા શરૂ થયેલી કયાંક કયાંક અચૂક દેખા દે છે.

બીજી એક વાત પણ  વિચારવા જેવી નથી લાગતી ? આજે પુરૂષ જે કામ કરે છે તે બધા કામ સ્ત્રી પણ કરી જ શકે છે. પરંતુ સ્ત્રી જે કામ કરી શકે છે તે બધા કામ પુરૂષ કરી શકે છે ખરો ? એ રીતે જોઇએ તો  સ્ત્રી તો કયારની પુરૂષ સમોવડી બની જ ચૂકી છે. એક સ્ત્રી નોકરી પરથી આવીને ઘરની જવાબદારી સંભાળી શકે છે. ઘરમાં રસોઇ કરનાર કોઇ હોય તો પણ મેનેજ કરવાની જવાબદારી તો સ્ત્રી જ સંભાળે છે ને ?  જયારે પુરૂષ ?

સાસુ વહુની વાત કરતાં કરતાં હું સ્ત્રી પુરૂષની વાત પર ચડી ગઇ.. ગાડી આડે રસ્તે ફંટાઇ ગઇ..ખરું ને ? પત્રમાં તો મનમાં જે વિચાર આવે તે શબ્દોમાં ઉતરતા રહેવાના ને ? જોકે આડી વાત તો કેમ કહેવાય ? આપણી યાત્રા સાથે એને  પરોક્ષ સંબંધ તો ખરો જ ને ? 

 હમણાં એક નજરે જોયેલા  કિસ્સાની વાત કરું ?

સ્વાતિબહેનના ઘરમાં દીકરો વહુ અને તેના બે નાના સંતાન..એક પુત્ર અને એક પુત્રી હતા. છ વરસનો પુત્ર  દર્શ અને આઠ વરસની પુત્રી દિયા…બંને સ્વાતિબહેનના ચાર્જમાં રહેતા..કેમકે દીકરો વહુ બંને પોતપોતાની નોકરીમાં વ્યસ્ત હતા. સ્વાતિબહેન દર્શ અને દિયામાં કોઇ ભેદભાવ કોઇ રીતે કરતા નહીં. આમ તો ઘરમાં કામ કરનાર નોકર હતો  જ. પરંતુ દિયા અને દર્શે પોતાનો રૂમ સાથે મળીને જાતે જ સાફ કરવાનો રહેતો.  બંને હજુ નાના હતા તેથી હોંશે હોંશે દોડી દોડીને કામ કરતા. દર્શ હાથમાં કપડું લઇને બધું લૂછી નાખે અને દિયા કચરો વાળી લે. પોતપોતાના પુસ્તક, કપડાં, બૂટ મોજા બધું જગ્યાએ ગોઠવીને જાતે જ રાખવાનું. પોતાની વોટરબેગ ભરવાની. સ્કૂલબેગ રાત્રે તૈયાર કરીને જ સૂવાનું. અને બધું કામ સરસ રીતે જાતે કરી નાખે એટલે સ્વાતિબહેને તેમને વાર્તા અચૂક કરવી પડે.

શરૂઆતમાં વહુ..ચૈતાલીને થતું કે સાસુ પોતાના છોકરાઓ આગળ આવા બધા કામ કરાવે છે. દર્શ તો હજુ કેટલો નાનો છે. છોકરો છે છતાં છોકરીના પણ બધા કામ તેને કરવાના જ..અને દિવસે દિવસે રોજ સાસુ તો તેમના કામ વધારતા જાય છે. એકાદ બે વાર સાસુ સાથે તે ઝગડી પણ પડી.

મમ્મી, ઘરમાં નોકર છે જ..પછી આવા બધા કામ બાળકો પાસે કેમ કરાવો છો ? ‘

ત્યારે સ્વાતિબેને તેને પાસે બેસાડીને કહ્યું,’ તું મને ઘણીવાર અર્પિતની ફરિયાદ કરે છે ને કે અર્પિત તને કોઇ મદદ નથી કરાવતો. ‘

હું જાણું છું કે તું  નોકરી કરે છે ત્યારે એની પણ ફરજ છે કે તને રસોડામાં મદદ કરાવે. પણ સાથે સાથે હું એ પણ જાણું છું કે એ નહીં કરાવી શકે. કેમકે નાનપણથી એને એવી આદત જ નથી પડી..અને રસોડાનું કામ છોકરાથી કરાય જ નહીં..એ એના દાદીમાએ તેના દિમાગમાં નાનપણથી  ફીટ કરી દીધું છે કે એ તો છોકરીઓનું કામ છે. અર્પિત નાનો  હતો અને કયારેક રસોડામાં ઘૂસતો તો પણ મારા સાસુ તેને તુરત બોલાવી લેતા

છોકરીની જેમ રસોડામાં કયાં ભરાયો છે ? ‘

હું ઇચ્છવા છતાં કશું બોલી શકતી નહોતી. અમારા જમાનામાં સાસુને સામો જવાબ કયાં આપી શકાતો હતો ?

પણ બેટા, મારા સાસુએ જે ભૂલ કરી તે ભૂલ મારે નથી કરવી. છોકરાને નાનપણમાં કોઇ કામ કરવા ન દઇએ અને પછી મોટો થાય ત્યારે તેની પાસેથી આશા રાખીએ કે તે કંઇ મદદ કરાવતો નથી. પણ એ કેવી રીતે કરાવે ?

આજે જયારે સ્ત્રી જાગૃત બની છે ત્યારે પુરૂષ એને સહકાર નથી આપી શકતો એના કારણો તેના શૈશવમાં જ કયાંક હોય છે. પુરૂષપ્રધાન સમાજને બદલવો હશે તો એ શરૂઆત નાનપણથી જ થઇ શકે. છોકરો નાનો હોય ત્યારે એની માનસિકતા આસાનીથી બદલી શકાય..ઘરમાં બહેનને આદર આપતા શીખડાવીએ અને બહેનની સાથે સાથે જ ઘરમાં દરેક કામ બંને સાથે મળીને જ કરે એવો આગ્રહ રાખવામાં આવે તો એ છોકરો છે માટે કંઇક અલગ છે એવો ભાવ ઉત્પન્ન જ ન થાય. શૈશવથી જ પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર થઇ શકે તો પાછળથી કોઇ પ્રશ્નો ઉભા ન થાય.આ માટે ઘરના દરેક સભ્યે જાગૃત રહેવું પડે.

બોલ…હવે તું કહે તેમ કરું..તારી વહુ પણ તારી જેમ જ ફરિયાદ કરતી રહેશે…તું તો હજુ ફકત ફરિયાદ કરીને જ રહી જાય છે…નવી પેઢી તમારાથી  પણ એક સ્ટેપ આગળ જ હોવાની ને ? અમે ફરિયાદ નહોતા કરી શકતા..તમે ફરિયાદ સુધી પહોંચ્યા અને તમારી આવનાર વહુ એથી આગળ જ પહોંચવાની. અને બેટા, આ કામ આપણે સ્ત્રીએ જ કરવાનું છે. કદાચ એના ફળ આપણને ખાવા ન મળે તો યે શું ? આવનાર પેઢી માટે આપણે ઉત્તમ વારસો તો તૈયાર કરી શકીએ ને ? પુરૂષપ્રધાન સમાજ છે..એમ કહીને બેસી રહેવાથી કે નારા લગાવવાથી કે બગાવત કરવાથી, બંડખોર બનવાથી કશું નક્કર પરિણામ નહીં મળી શકે. નક્કર પરિણામ તો નવી પેઢીને એ રીતે ઉછેરવાથી જ મળી શકે. ‘

બસ..સાસુની આ વાત સાંભળ્યા અને સમજયા પછી ચૈતાલી સાસુને પૂરો સહકાર આપે છે. છોકરાઓ કેળવાય છે. ઘરના કામમાં મદદ મળે છે. સ્વાશ્રયની આદત પડે છે. અને ભાવિ પેઢીની પ્રગતિના પગરણ મંડાય છે.એક નવી દિશા ઉઘડી રહી હોય એવું ચૈતાલીને લાગે છે. બાળકો નાના છે ત્યારે હોંશથી બધું કરે છે અને પછી તો એ આદત બની જાય છે. હવે તો ચૈતાલી સાંજે આવે ત્યારે પોતે જ બાળકોને રસોડામાં મદદ માટે બોલાવે છે. અને મમ્મીને મદદ કરવા દર્શ અને દિયા બંને હોંશથી દોડે છે. પોતે જાણે મોટા થઇ ગયા હોય એવો ગૌરવપૂર્ણ એહસાસ તેમના મનમાં જાગે છે. એક સુદ્રઢ પાયો નખાઇ રહ્યો છે..તેના પર ભવિષ્યમાં મજબૂત ઇમારત અચૂક રચાઇ શકશે.

સ્વતિબહેનની આ સમજણ મને તો બહું ગમી. આપણે સ્ત્રીઓ જ સંતાનો નાના હોય ત્યારે છોકરા, છોકરીમાં અમુક ભેદભાવ ઉભા કરીએ છીએ અને પછી પાછળથી બૂમો પાડીએ છીએ..આમ કેમ ચાલે ?

ઘણાં માબાપ કહેતા હોય છે કે અમે અમારી દીકરીને દીકરાની જેમ જ ઉછેરી છે. અરે, ભાઇ..દીકરાની જેમ ઉછેરવાની કોઇ જરૂર નથી..અને દીકરાની જેમ એટલે એટલું તો કબૂલ કરો છો ને કે છોકરાને વધારે સારી રીતે રાખો છો? ભેદ તમે જ  પાડો  છો ને ? આવનાર સમયમાં બંનેનો ઉછેર બધી બાબતમાં  સમાન જ થવો જોઇએ.  હવે જયારે દીકરી પણ દીકરા જેટલું જ શિક્ષણ લેતી થઇ છે ત્યારે દીકરાના ઉછેરમાં..તેના માનસિક વલણમાં  ફેરફાર કરવાની જરૂરિયાત ઓળખીને શૈશવથી જ એની શરૂઆત કરવી જોઇએ. જેથી છોકરાના મનમાં પોતે  છોકરીથી  ઉંચો, ચડિયાતો છે કે અમુક કામ તેનાથી ન થાય એવા કોઇ  ખ્યાલ જન્મે નહીં અને  ઘરમાં કે બહાર બધી જગ્યાએ બંને આપોઆપ સમાનતાની ભૂમિકાએ રહી શકે.

 “  ઘરની શોધ લઈ જાય છે નારીને
  અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
  સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
  સમાઈ જવું પડે છે ધરતીમાં.
   અશ્રુને વળી, ઘર કેવું ?

 Man !  Stop loosing  game you cant win

  Join hands  with her  & achieve win –win

સ્ત્રીને સાથે રાખીને જ સંસાર જીતી શકાય ને ? પછી એ સાસુ સ્વરૂપે હોય કે વહુ સ્વરૂપે કે કોઇ પણ સ્વરૂપે..પરંતુ એની સામે થઇને તો આગળ નહીં જ વધી શકાય એ સત્યનો સ્વીકાર આજના જમાનામાં બધાએ કરવો જોઇએ એવું નથી લાગતું ?

માટે છોકરીઓએ પોતે જ જાગૃત થવું રહ્યું.  એક પણ છોકરી દહેજ લેનાર છોકરા સાથે પરણવા તૈયાર ન થાય..કુંવારા ભલે રહેવું પડે પરંતુ દહેજ આપીને તો લગ્ન નહીં જ કરે એવું દરેક દીકરી નક્કી કરી લે  તો કયાં સુધી આ રિવાજ ચાલુ રહી શકે ? આ તો કોઇ એકાદ છોકરી હિંમત કરીને  એ રીતે લગ્ન કરવાની ના પાડે તો એની જગ્યાએ બીજી છોકરી તુરત જ  ગોઠવાઇ જાય છે. છોકરાને એક નહીં તો બીજી મળી જાય છે. આમાં સુધારો કયાંથી આવી શકે ?

 કોઇ  પણ સુધારા માટે બલિદાન આપવા જ પડતા હોય છે. અનેક બત્રીસલક્ષણાઓ હોમાય છે ત્યારે કોઇ નવો ચીલો પડી શકે છે. ઇતિહાસ એનો સાક્ષી છે.બાકી કોઇને ભોગ નથી આપવો અને ફકત વાતો  કે ચર્ચા જ કરવી હોય તો આ પ્રશ્ન હજુ લાંબા સમય સુધી વણઉકેલ્યો જ રહેવાનો.  કોઇ નક્કર પરિણામ વિના પેઢીઓ સુધી ચર્ચાઓ ચાલુ રહેવાની. ગમે તેટલા કાયદા થાય પણ જનજાગૃતિ વિના કોઇ કાયદો કયારેય સફળ ન થઇ શકે. એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા સમાજની…આપણા સૌની આ માનસિકતા છે. કોણે નક્કી કર્યા આ માપદંડ ?  આપણને સૌને તે કેટલા સહજ પણ લાગે છે. એમાં કોઇને કશું અજુગતું નથી દેખાતું. એ તો એમ જ હોય..એમ જ હોવું જોઇએ. એ સર્વસ્વીકૃત નિયમ છે.  જો સગાઇ પહેલાં થઇ ગઇ હોય અને પછી છોકરો આગળ ન ભણતો હોય તો છોકરીનું ભણવાનું પણ રોકી દેવાય છે. પત્ની આગળ ન નીકળી જવી જોઇએ. આ આપણું સર્વસ્વીકૃત ધોરણ છે. છોકરી કેટલી ભણેલી હોવી જોઇએ ? છોકરા કરતાં થોડી ઓછી.. હવે બહું બહું તો છોકરા જેટલી..વધારે ન ચાલે.

  આ બધું સહજતાથી સ્વીકાર્યા પછી આપણે સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ !  વિરોધાભાસ ઉડીને આંખે વળગે તેવો નથી ? 

જયાં દહેજ લેવાય છે ત્યાં દહેજના દૂષણો પણ વત્તે ઓછે અંશે  આવવાના જ ને ? ભવિષ્યમાં દહેજ ઓછું લાગે ત્યારે ?  માતા પિતા તો કદાચ દીકરી માટે થઇને ગમે તેમ કરીને આપી દે..પરંતુ  જે છોકરો દહેજ લઇને પરણવા આવે તેને છોકરી પોતે જ ના કેમ નથી  પાડી  શકતી ? દહેજ માગનાર છોકરા સાથે પરણવાનું શા માટે કબૂલ કરે છે ? કુંવારા રહી જવું પડે એટલે ? ગમે તેવા પાત્ર સાથે પરણીને આખી જિંદગી રિબાવા કરતાં તો હું માનું છું કે કુંવારા રહેવું પણ લાખ દરજ્જે સારું.

 કોઇ છોકરો કહે છે કે હું પોતે દહેજમાં માનતો નથી. પણ મારા મા બાપ આગળ લાચાર છું. એને કહી શકતો નથી.  મારે પણ બહેન છે  તેના લગ્નમાં અમારે પણ આપવાનું જ છે. ‘

આવો જવાબ આપતા છોકરાની વાત સ્વીકારી શકાય તેવી ખરી ? અરે, ઘણી વખત પુરૂષ….યુવકનો પિતા દહેજની ના પાડે ત્યારે યુવકની મા તેને ચૂપ કરી દે છે.

એ બધી વહેવારની વાતમાં તમને ખબર ન પડે.  રિવાજ મુજબ કરવું પડે..એમાં કંઇ નવી નવાઇ નથી કરતા.  આપણે પણ દીકરી પરણાવવાની છે ને ? ‘

અને મોટે ભાગે પતિ ચૂપ થઇ જાય છે.

આવું બને ત્યારે એમ જ કહેવાય ને કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે ?

એક છોકરાએ કહ્યું કે’ સ્ત્રીઓ પુરૂષોથી ચડિયાતી છે કે કેમ એની તો અમને જાણ નથી. પણ સ્ત્રીઓ પોતે ખરેખર દિલથી એમ માને છે ખરી ?

જો ખરેખર એનો જવાબ હા હોય તો.. દરેક છોકરી પોતાનાથી ચડિયાતો છોકરો જ શા માટે શોધે છે ? પોતાનાથી ઉંચો, પોતાથી વધારે ભણેલો, પોતાનાથી વધારે કમાતો, પોતાથી ઉંમરમાં એકાદ બે વરસ  મોટો..બધી રીતે ચડિયાતો… એવો જ છોકરો હોવો જોઇએ.એવું શા માટે માને છે ?

કોઇ છોકરી પોતાથી જરાક પણ નીચો હોય, થોડું ઓછું કમાતો હોય કે પોતાનાથી એકાદ બે વરસ નાનો હોય,પોતાનાથી થોડું ઓછું ભણેલો હોય… એવો છોકરો  પસંદ કરે છે ખરો ? છોકરો તો દરેક રીતે પોતાથી ચડિયાતો જ હોવો જોઇએ એવું છોકરીઓ પોતે સ્વીકારે છે. શા માટે ? પરોક્ષ રીતે સ્ત્રી પોતે જ સ્વીકારી લે છે કે તે પુરૂષ કરતાં  ઉતરતી છે. પુરૂષ તો પોતાના કરતા ચડિયાતો જ હોવો જોઇએ. ‘

એની વાત ખોટી છે એમ કહી શકાય તેમ છે ?

ઉર્મિ પંડિત તેમની કવિતામાં આ જ વાત કંઇક આ રીતે કહે છે.

  બહુ યે મળીએ છીએ રોજ બધાને,

પોતાને પણ થોડી વાર મળી આવીએ

ચાલને થોડું ફરી આવીએ,..

ખોટું જીવીને કયારેક થાકી જવાય છે

ચાલ, થોડુ સાચુકલુ જીવી આવીએ.”

હમણાં બાલિકાવધૂ સીરીયલ કયારેક જોતી હોઉં છું..હજુ આજે પણ ઘણી જગ્યાએ બાળલગ્નો થતા જ રહે છે.  અનેક કુરિવાજોના દૂષણોથી સમાજ ખરડાતો  રહે છે.

 જનક ત્રિવેદીના સુંદર પુસ્તક “ મારો અસબાબ”માં વૃન્દાવનમાં વિધવાઓની સ્થિતિ વિશે હમણાં જ એક લેખ વાંચ્યો.  મને તો કમકમાટી ..ધૂજારી આવી ગઇ. નરકની યાતના ભોગવતી આ સ્ત્રીઓ પોતાના આયખાને ટૂંકુ કરતી રહે છે. માનવામાં ન આવે એવી વ્યથાની શરમજનક અને દર્દજનક કથાઓ..આપવીતીઓ અહીં ઠેર ઠેર ડૂસકા ભરે છે.

આપણે સ્પેસયુગની, નેટજગતની, ગ્લોબલવિશ્વના ગાણા ગાઇએ છીએ..નારી મુક્તિના આન્દોલનો ચલાવીએ છીએ..સાવ નાની વાતોને સ્વતંત્રતાનો ..સ્વમાનનો મુદ્દો બનાવીને ચર્ચાઓ કરતા રહીએ છીએ.. ત્યારે આવા અનેક ખૂણાઓના હીબકા આપણને સંભળાય કે સમજાય છે ખરા ?

નારી નરકની ખાણ… ” કહેતા પણ આપણે કયાં અચકાણા છીએ ? એ કહેનારા અને ધકેલનારા બંને કોણ ?   આજે આપણે સૌ જે સમાજમાં રહીએ છીએ..ત્યાં પુરૂષોમાં ઘણું હકારાત્મક પરિવર્તન આવ્યું છે. સ્ત્રીઓની સ્થિતિ સુધરી છે..પણ એ વર્ગની સંખ્યા હજુ પણ પ્રમાણમાં ઓછી જ છે.

દીકરીને કાળજાનો કટકો કવિતામાં કહેતા રહેવાય છે. બાકી સમાજ માટે તો હજુ પણ એ પારકી થાપણ જ ગણાય છે.

વરસમાં એક દિવસ  મહિલા દિન  તરીકે ઉજવીને કે સંસદમાં 33% અનામતનો કાયદો પસાર કરવાથી આપણું કર્તવ્ય પૂરું નથી થઇ જતું. મમ્મી, મને તો લાગે છે

33% મહિલા અનામત રખાયા બાદ પણ એનો પાછળથી દોરીસંચાર તો મોટે ભાગે પુરૂષના હાથમાં જ રહેવાનો.રાબડીદેવી મુખ્યમંત્રી બન્યા..પણ સત્તાની લગામ તો લાલુપ્રસાદ પાસે જ હતી..એનાથી આપણે કોઇ અપરિચિત નથી જ ને ? મોટેભાગે તો આવું જ થવાનું ને ? અનામતના કાયદાથી કંઇ બહું જાજો સુકરવાર વળે એમ મને તો નથી લાગતું. બાકી સાચી વાત તો સમય જ કહેશે.

સારું ભણેલી..સારી નોકરી કરતી છોકરીને પરણતાં પહેલા…’’

આ એક એવી યુવતી છે જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારા જેવા જ સપનાં અને મહત્વાકાન્ક્ષા છે. કેમકે એ પણ તમારા જેવી જ મનુષ્ય છે. એણે પણ તમારી કે તમારી  બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો. કેમકે એ પણ ભણવામાં વ્યસ્ત હતી.

એક એવી સીસ્ટમ સાથે એ લડી રહી હતી જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઇ વિશિષ્ટ સગવડ આપતી નથી.

એણે પણ પોતાના મા, બાપ અને ભાઇ બહેનોને વીસથી પચ્ચીસ વરસ સુધી  તમારી જેમ અને તમારી જેટલો જ પ્રેમ કર્યો છે.

આ એ સ્ત્રી છે..જે પોતાનું ઘર, પોતાના સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુધ્ધાં અપનાવવા તૈયાર થઇ છે.

પ્રથમ દિવસથી જ તે રસોઇમાં પારંગત હોવાનું ધારી લઇ,નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો.

એ કદાચ તમારા જેટલી જ થાકેલી હોય છતાં તમારી બધી અપેક્ષાઓ એણે પૂરી કરવી જોઇએ ..એ માન્યતામાંથી તમે એને મુક્તિ આપી શકતા નથી.

એને પણ  તમારી જેમ જ પોતાનું મિત્ર વર્તુળ છે. જેમાં છોકરાઓ પણ છે અને નોકરી કરે છે એ જગ્યાએ પુરૂષ મિત્રો પણ છે.

એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી કે ગાઇ શકે છે. લાઇફ એંજોય કરી શકે છે.

કામના સ્થળેથી આવતા તમારી જેમ એને પણ મોડું થઇ શકે છે.

તમારી જેમ એના માતા પિતા માટે પણ એને કશુંક લેવાની, એને મદદ કરવાની  ઇચ્છા થાય છે.

અને આ બધા માટે એ જાગૃત થાય છે. ત્યારે એના પર નારીવાદીનું..બંડખોરનું બિરુદ લાગે છે.

હા, એને બંડ કરવો પણ પડે કેમકે  આજે પણ એને પુરૂષપ્રધાન સમાજમાં જીવવું પડે છે. જે એને એની આગવી પહેચાન આપતા..એના યોગ્ય હક્ક આપતા અચકાય છે.અને એને બંડખોર બનાવવામાં ફાળો આપે છે.

એને બંડખોર બનાવવી કે સ્નેહ અને સમજણથી અંતરના દ્વાર ઉઘાડા રાખીને એને દરેક રીતે મદદરૂપ થઇ, સહકાર આપી એને સાચા અર્થમાં તમારી અર્ધાગિની બનાવવી એ  તમારે નક્કી  કરવાનું છે. “

વચ્ચે એકવાર યુ.એસ.ના સાપ્તાહિક ટાઇમ્સના સ્ત્રી વિષેશાંકમાં મુખપૃષ્ઠ ઉપર  એક સ્ત્રીનો ચહેરો છપાયેલ હતો. કદાચ તમે પણ જોયો હોય એવું બની શકે. તેમાં અડધો ચહેરો પ્રકાશમાં ઉજ્જવળ બતાવ્યો હતો  અને અડધો ચહેરો અન્ધકારમાં કાળો ધબ્બ…

કેટલી  સૂચક રીતે  તંત્રીને જે કહેવું હતું તે કોઇ શબ્દો વિના કહી દીધું હતું.

સાંપ્રત સમયમાં સ્ત્રીનો ચહેરો કંઇક આવો જ નથી ? આપણે જે સ્ત્રીઓ જોઇએ છીએ..જેમનો આપણને પરિચય છે તે અપર મીડલ કલાસ કે પછી હાઇ સોસાયટીની સ્ત્રીઓ… જેની સામે એક વિશાળ સ્ત્રી સમુદાય માટે આજે પણ જીવન અન્ધકારમય છે. તેમની આંખોમાં દૂર દૂર સુધી કોઇ આશા કે ઉજાસનું કોઇ કિરણ આજે પણ  ડોકાતું નથી. તેની આંખોમાં વેદના તો છલકાય છે. પરંતુ સ્ત્રીના જીવનમાં તો  વેદના હોય જ..એ એટલું તો સહજતાથી  તેમણે સ્વીકારી લીધું છે કે જયાં આ બધી નાની નાની વાતો તો હાસ્યાસ્પદ  બની રહે છે. સ્વાતંત્ર્ય  એવો કોઇ શબ્દ શબ્દકોષમાં છે એમની પણ જેને જાણ નથી. તેઓ જો આપણી વાતો સાંભળે તો તેને તો આપણે કદાચ પાગલ જ લાગીએ ને ?

તમે જ તો થોડા દિવસો પહેલાં આપણી કામવાળી ગંગાની વાત કરી હતી ને ? કે ગંગાને મોઢા ઉપર સોજો  આવેલ જોઇને તમે પૂછેલ કે આ શું થયું ? પડી  ગઇ હતી ? ત્યારે એનો જવાબ હતો..

મેરે સ્વામીને મારા….”

કારણ ફકત એટલું જ કે તે દિવસે કામ વધારે હોવાથી  તેને ઘેર જતાં મોડું થયું હતું અને તેનો પતિ ઘેર આવ્યો ત્યારે રસોઇ તૈયાર નહોતી. તેથી પતિએ તેને મારી હતી.

અને તમે કશું કહેવા ગયા ત્યારે ..

ના..ના..સ્વામી તો મારે જ ને ? વો તો  આમાર ઠાકુર…! ‘

સ્વામીની નિંદા કરીએ તો પાપ લાગે….અહીં તો ઘેર ઘેર આ જ કથા હોય.

મને તો તમારી વાત સાંભળીને તે દિવસે ઉંઘ પણ નહોતી આવી. આપણો દેશ ગામડામાં વસે છે.એની પ્રતીતિ આવે સમયે થાય છે. અહીં આપણે નાની નાની વાત માટે..સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરીને એક અલગ પહેચાન માટે ઝઝૂમી રહ્યા છીએ..એ માટે ઘણું બધું હોડમાં  મૂકી રહ્યા છીએ ત્યારે સામે આવો એક વિશાળ સ્ત્રી સમુદાય છે એને ભૂલી કેમ શકાય ?

બાકી આપણે..તમે અને હું જે સમાજમાં રહીએ છીએ ત્યાં જીવનમાં આજે બધી દિશાથી કિનારાની સીમા વિસ્તરતી જાય છે. નદી એક મહાનદ થતી જાય છે.એની દ્રષ્ટિ દૂર દૂરની ક્ષિતિજ તરફ છે.પતિને એ પરમેશ્વર માનવા હરગિઝ તૈયાર નથી. પતિમાં એ સાચો જીવનસાથી..મિત્રને જોવા ઝંખે છે. એની આગળ કે પાછળ નહીં પરંતુ એની  સાથે ચાલવા એ તત્પર છે. એક તરફી હોય એવું કોઇ સમાધાન એને કબૂલ નથી. પોતાની અસ્મિતા જળવાઇ રહે એવા સંબંધોના નવા સમીકરણો એ શોધે છે.

કેટલો વિરોધાભાસ આ બંને  સ્ત્રી સમુદાય વચ્ચે દેખાય છે ?

પહેલાના જમાનામાં સ્ત્રીનું સ્થાન મોટે ભાગે ઘરમાં જ હતું. કુટુંબમાં તેનું  ખાસ કોઇ  આર્થિક યોગદાન નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર ચલાવે..એ સહજ હતું.  પરિણામે આજના જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા નહીં..કે પ્રમાણમાં ઓછા થતા.. આજે પરિસ્થિતિ બદલાઇ છે. છોકરી વધારે ભણતી થઇ છે,  કમાતી થઇ છે. બહારની દુનિયામાં એણે પ્રવેશ કરી લીધો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એ પોતાના અધિકાર વિશે જાગૃત બની હોય. અને જયારે એ  અધિકાર ન મળે ત્યારે એનું મન વિદ્રોહ કરી ઉઠે છે કે એ ગૂંગળાઇ રહે છે.

આ ક્ષણે હીરાબહેન પાઠકના એક સુંદર કાવ્યની  પંક્તિઓ મનમાં રમી રહી છે.

હવે તો માળામાંથી ઊડું !

બસ, બહું થયું

કયાં લગી આમ ભરાઇ રહેવું ?

સાવ ઘરકૂકડી !

આ જ કાવ્યમાં હીરાબહેન પાઠક આગળ કહે છે

હા, માળામાં છે

મારા સુંવાળા સુખ શાંતિ,

પણ આ દૂરનું આકર્ષણ

તો છે આભ, મારી ગતિ

હવે એ જ સન્મતિ,

હું જીવું મારા વતી..

પાંખોમાં  વિધ્યુત સંચાર

અડધા ચરણ  માળામાન્હ્ય,

અડધા કેવા ઉંચકાય!

ચંચુ ને ચક્ષુ આભે ધાય

કરું ગતિ ઉતાવળી

આ હું ઊ…..ડી ચલી!  “

એક પગ ઘરમાં અને બીજો બહાર જવા તત્પર..દ્રષ્ટિ વિશાળ ગગન તરફ..

 આવા સંક્રાંતિકાળે  પ્રશ્નો તો આવવાના જ. એ પ્રશ્નના સાચા જવાબ શોધવાની  આ આપણી જાગૃત મથામણ બની રહેશે.

એક ચિનગારી જલી શકે અને વધારે નહીં તો ચપટીક ઉજાસ ફેલાઇ શકે

બધાને વધારે ભણેલી છોકરી જોઇએ છે. પરંતુ  એ ભણેલી છોકરીને પણ ઘરમાં  તો એક આદર્શ વહુ બનીને જ રહેવાનું. ગમે તેટલી ભણેલી ભલે હોય..જીવવાનું એ રુઢિગત ઢાંચામાં જ. 

આવા લોકો  વધારે ભણેલી છોકરીની અપેક્ષા શા માટે રાખતા હશે ?

કમલા ભસીન” ની આવી કોઇ પંક્તિ વાંચી હતી. મને ગમી જતા મારી ડાયરીમાં લખી લીધી હતી. તમને લખું ?કદાચ તમને પણ ગમશે.

  અવરની મરજીથી જીવી જોયું, હવે છે ખુદની મરજીથી જીવવું,

 જગતના ચીંધ્યા રસ્તે ચાલી જોયું, હવે છે ચાલવું ખુદની કેડી પર

એમની બધી આશાઓ સાકાર કરી, ખુદની આશા ધરબીને,

 બીજાની ઝોળીમાં બહું ભર્યું, હવે ખુદની ઝોળી ભરવી છે. “

સ્ત્રીને  પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકવાની સ્વતંત્રતા મળી શકે છે ખરી ? ખુદની ઝોળી એ કયારેય ભરી શકશે ખરી ?

કે પછી એને પોતાના સમણાંઓનો ભંગાર લઇને જ જીવવાનું ? સપનાઓને અંતરના ઊંડાણમાં ધરબી દઇને  દંભના પરદા નીચે જ જાતને ઢબૂરીને રહેવાનું  ?

નાનપણથી જ છોકરીને… ચાલશે, ફાવશે, ચલાવવું પડશે, ફવડાવવું પડશે  વગેરે શબ્દોની ગળથૂથી ઘૂંટી ઘૂંટીને  પીવડાવવામાં આવતી હોય છે. મારા દાદીમાને મેં અનેક વાર બોલતા  સાંભળ્યા છે.

 “ આપણે બૈરાને તો આમ જ હોય…”

નાની હતી ત્યારે તો આવા  વાકયોનો અર્થ સમજાતો નહીં. આજે સમજાય છે ત્યારે મનમાં આક્રોશ જાગ્યા સિવાય રહી શકતો નથી.  છોકરી છીએ એ કંઇ અમારો ગુનો છે ? કોઇ તુલસી કયારો કહે તો કોઇ સાપનો ભારો કહી જાય..કોઇ પથરો કહી જાય..શા માટે ? અમારે હવે સહનશીલતાની મૂર્તિ કે ત્યાગ મૂર્તિ નથી થવું. પુરૂષને  સીતાનો ખપ તો છે પરંતુ રામ  બનવાની તૈયારી કયાં ?

સોરી…સોરી કદાચ હું પણ એક આવેશમાં આવી ગઇ હતી. પરંતુ સાચી વાત કહું તો અમારી બહેનપણીઓ વચ્ચે ઘણીવાર આવી ચર્ચાઓ ચાલતી રહે છે. કોઇ પોઝીટીવ બોલે છે..કોઇ નેગેટીવ. જોકે  બધી ચર્ચાને અંતે ફરી એકવાર સૌ પોતપોતાના નાના કે મોટા પિંજરમાં  ગોઠવાઇ પણ જાય છે. અલબત્ત  પિંજર શબ્દ બધા માટે સાચો નથી.

નોકરી કરી શકો..એનો વાંધો નથી. પરંતુ  સાથે સાથે ઘરની જવાબદારી પણ  સંભાળવી જોઇએ. ‘

 આજે કયા ક્ષેત્રમાં સ્ત્રી પાછળ છે ? કોલેજમાં  ભણવામાં કે અન્ય પ્રવૃતિઓમાં બંને સમકક્ષ જ હોય છે. પરંતુ તે છતાં..કોલેજની બહાર નીકળીને એ છોકરી..એની ટેલેન્ટ કયાં ખોવાઇ જાય છે ?

આટલા વરસોની સખત મહેનત પછી હાથમાં આવેલ ડીગ્રીના  સર્ટીફિકેટની વેલ્યુ કેટલી ? એ જ સર્ટીફિકેટ છોકરાના હાથમાં હોય ત્યારે ? 

લગ્ન પછી છોકરાને ફકત કેરીયર પાછળ ધ્યાન આપવાનું  હોય છે.જયારે છોકરીને અનેક મોરચા સંભાળવાના હોય છે.

શિક્ષિત છોકરીને હમેશા એના એક આગવા આકાશની ઝંખના રહેવાની જ.

 મને તો કયારેક લાગે છે.. અપર મીડલ કલાસ વર્ગમાંથી આજે હાઉસવાઇફની પ્રજાતિ જાણે નાશ પામી રહી છે. એ આધુનિક હોય છે. વધારે ભણેલી હોય છે. એની પાસે પોતાના વિચારો હોય છે. જિંદગીના અનેક વર્ષો એણે પણ છોકરાની જેમ જ ભણવામાં..મહેનત કરવામાં વીતાવ્યા છે. એને માત્ર ગૃહિણિની ભૂમિકામા આનંદ કે  સંતોષ કેવી  રીતે મળે ? તેને લાગે છે કે  એની બુધ્ધિપ્રતિભા, ચેતનાનો વિસ્તાર…વિકાસ ફકત અને ફકત ઘરની ચાર દીવાલમાં રહીને ન થઇ શકે. અને એની એ એ માન્યતા ખોટી છે એમ કેમ કહી શકાય ?   આર્થિક સ્વતંત્રતા વિના સ્વમાનપૂર્વક જીવી ન શકાય એમ તેને લાગે છે.

 આજની નારીને યોગ્ય રીતે જ પોતાનુ કશુંક આગવું..પોતાની સ્વતંત્ર ઓળખ પણ જોઇએ છે. પોતાની પ્રતિભાનો ઉપયોગ કર્યાનો સંતોષ એ ઝંખે છે.   બહારના જગતના પડકાર એને આકર્ષે છે.  સાથે સાથે એના પ્રકૃતિદત્ત સ્વભાવ મુજબ  એને પતિ, બાળકો, ઉષ્માભર્યા ઘરની ઝંખના પણ રહે જ છે. એવા સંજોગોમાં જયારે ઘરમાંથી સહકાર ન મળે ત્યારે એને  સંઘર્ષ, માનસિક તણાવ, અને દ્વિધાનો અનુભવ એને થતો રહે છે.

બંને  ભૂમિકા નિભાવવી કંઇ આસાન તો નથી જ.

હકીકતે ગૃહિણિનું કામ સૌથી વધારે આદર અને માનને પાત્ર છે. કેમકે એક સારી ગૃહિણી જ ઇંટ, ચૂનાના મકાનને ઘર બનાવી શકે છે. પરંતુ કમનસીબે આપણા સમાજમાં ઘરના કામને એટલું આદરભર્યું સ્થાન, ગૌરવ અપાયા નથી. એ મોટી કમનસીબીની વાત છે.

કોઇ પૂછે છે..તમે શું કરો છો ? ત્યારે શિક્ષિત સ્ત્રીનો જવાબ થોડો હતાશાભર્યો આવો હોય છે.

કશું નહીં, ખાલી હાઉસવાઇફ છું.”

અરે, તમે કશું નથી કરતા એમ શા માટે માનો છો અને શા માટે કહો છો ? બહાર જઇને કમાવ તો જ કશું કર્યું કહેવાય ?

આ વાત સદંતર ખોટી હોવા છતાં આજના આપણા સમાજની આ માનસિકતા છે. એ ન છૂટે ત્યાં સુધી પરિસ્થિતિમાં બહું ફરક ન પડી શકે.

હકીકતે હાઉસવાઇફને બદલે સ્ત્રીને હોમમેકર જ કહેવી જોઇએ..એવું મને તો લાગે છે.

સરૂપબેનની એ પંક્તિ..

મિથ્યા છે..ભાસ્વતીને ફરી ભામતિ કરવાના

દયનીય તમારા પ્રયાસ

સુણો છો વાચસ્પતિઓ…

કે અમારી આંખે પાટા બાન્ધી

તમે કાને પૂમડાં ખોસ્યા છે ?

છત્રીસ છત્રીસ વરસોથી

દીવો ધરી, બસ ચૂપચાપ ઉભી રહી

તમે થયા વાચસ્પતિ

અને હું સાવ અબોલ જ રહી. “

કયાં સુધી સ્ત્રીએ દીવો ધરીને અબોલ રહેવાનું છે. દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રી અવશ્ય હોય છે એમ કહેવાયું છે…સ્વીકારાયું છે…અને છતાં એની અવગણના શા માટે ?

હું તો ઘણીવાર શું સાચું અને શું ખોટું એ નક્કી જ નથી કરી શકતી. બધાએ પોતાના સંજોગો જોઇને પછી જ પોતાને યોગ્ય લાગે તે નિર્ણય લેવો જોઇએ..એવું લાગે છે. કોઇ સર્વસામાન્ય નિયમ આ બધામાં ન ચાલે. હા..ગાઇડલાઇન તરીકે કોઇ  વાત કામ લાગી શકે. બાકી તો બધાનું સત્ય  પોતપોતાની રીતે અલગ જ હોવાનું ને ?

કોઇ માતા પિતા  દીકરી પાસેથી લેવામાં ખુશ નથી થતા.બલ્કે સંકોચ અનુભવે છે. દીકરીને તો અપાય. તેની પાસેથી લેવાય નહીં.  આપણી આ સામાજિક  માન્યતાના મૂળ એટલા તો ઉંડા છે કે તેને જલદી બદલી શકાતા નથી. સમાજે દીકરીને આપવા લાયક,  બિચારી જ માની છે. પહેલાના સમયમાં છોકરી સાસરામાં એટલી સ્વતંત્ર નહોતી કે કોઇને પૂછયા સિવાય માતા પિતાને પોતાને ઘેર જમાડી શકે.  આપવાની તો વાત જ દૂર રહી.  તેથી દીકરીને દુ:ખ ન થાય માટે રિવાજમાં ઘૂસાડી દીધું કે દીકરીને ઘેર ખાઇએ તો પાપ લાગે. સમાજને  સુધારી ન શકયા તેથી રિવાજ બનાવી દીધો.

બહું દૂરની વાત કયાં છે ? મારા પપ્પા મારે ઘેર આવતા ત્યારે મારા ઘરનું  પાણી પણ નહોતા પીતા.વરસો સુધી આ નિયમ તેમણે જાળવ્યો હતો. એ પછી અમે સમજાવીને એ રિવાજ દૂર કરાવ્યો હતો. જોકે તો પણ જાય ત્યારે દીકરીના હાથમાં દેવાનું ચૂકે જ નહીં. સદીઓ જૂની માન્યતા બદલાતા સમય લાગવાનો જ ને ?

બાકી કોઇ પતિને પત્ની ઉપર હાથ ઉપાડવાનો હક્ક નથી જ. પણ એ હક્ક છે કે નહીં એ પૂછવા પુરૂષ કયાં રોકાય છે ? ઢોર, ગમાર, શુદ્ર, પશુ, નારી..યે સબ તાડનકે અધિકારી…આપણા ધર્મશાસ્ત્રોએ વરસો પહેલાં આવું કહી જ દીધું છે ને ? વરસો પહેલાના શાસ્રોમાં તો એમ જ લખાયેલ હોય ને ? આજે સમયને અનુરૂપ ધર્મશાશ્ત્રો પણ નવેસરથી લખાવા જોઇએ એવું નથી લાગતું ?

યોસેફ મેકવાનની એક સરસ મજાની પંક્તિ હમણાં વાંચી..એ ટાંકીને આજે અહીં જ વિરમીશ.

હું માત્ર પુરૂષ, તું માત્ર નારી,

તું એકમાત્ર સર્જન કરે છે,

હું એક માત્ર વિસર્જન પામું છું

તારી મહીં…”

 લેખિકા ઓરિઆના ફેલાસીના એ પુસ્તકનું નામ છે

         “  Letter to a child Never Born “

    આ પુસ્તકમાં એક મા પોતાના ગર્ભસ્થ શિશુ સાથે વાત કરે છે. જે દુનિયામાં  એને અવતરવાનું છે એ દુનિયાના દુ:ખ અને અન્યાયની જાણકારી આપે છે. જન્મ પછી એને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડશે એનો ખ્યાલ આપે છે.

સાથે સાથે મા એ સમજાવવાનું પણ ચૂકતી નથી કે આ વિશ્વ ખૂબ સુંદર છે. અદભૂત છે. માનવ અવતાર દુર્લભ છે,મોંઘો છે.અનેક વિષમતાઓ વચ્ચે..અનેક અસુંદર બાબતો વચ્ચે પણ જીવવાલાયક ઘણું છે. માણવા જેવું ઘણું છે. અહીં દુ:ખ છે તો સુખની ક્ષણો પણ ગેરહાજર નથી જ.

મા આશાવાદી છે, ચૈતન્યથી સભર છે.

એ પોતાની ભીતર રહેલ શિશુને પૂછે છે..’

બેટા, તું દીકરો છે કે દીકરી ? એ તો મને ખબર નથી.પણ મારા બાળ! હું તો ઇચ્છું છું કે તું દીકરી થઇને અવતરે.

મને ખબર છે કે આ પુરૂષપ્રધાન સમાજ છે. અહીં પુરૂષને કેન્દ્રમાં રાખીને જ આખી સમાજવ્યવસ્થા રચાયેલી છે. અને છતાં હું ચાહું છું કે તું દીકરી હોય.

સ્ત્રી થવું એ પોતે એક મંત્રમુગ્ધ ઘટના છે. એનું જીવન પ્રત્યેક ક્ષણે એક પડકાર છે.

તારે અહીં આવીને એ પૂરવાર કરવાનું છે કે સ્ત્રીના નાજુક, દેહની ભીતરમાં એક અદભૂત પ્રાણશક્તિ પડેલી છે. જે પોકારી પોકારીને કહે છે કે આ દુનિયાએ મને સાંભળવી જ પડશે. મારી અવગણના હવે  શકય નથી.તારે આ માટે ઝઝૂમવું પડશે. સંઘર્ષ જારી રાખવો પડશે.

બેટા, હું આશા રાખું છું કે સ્ત્રીના અવતારને તું શાપિત હરગિઝ નહીં માને. અને નિસાસા નાખવાના ખ્યાલને તો તું તારી આસપાસ ફરકવા પણ નહીં દે..

 આવી અગણિત વાત મા તેના ન જન્મેલા શિશુ સાથે કરે છે. અને અંતે પ્રશ્ન પૂછે છે..

હે મારા બાળ, તારે આ દુનિયામાં અવતરવું છે ? “

કેટલો વેધક પ્રશ્ન છે..વાંચતા વાંચતા મારી આંખો ને અંતર બંને ભીના ભીના…

અબલા જીવન ! હાય યહી જીવન કહાની,

 આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની. “

આ  પંક્તિ કવિ મૈથીલીશરણ ગુપ્તએ વરસો પહેલાં લખી હતી. આજે પણ પરિસ્થિતિમાં કંઇ બહું ઝાઝો સુધારો નથી થયો. જે થોડૉ ઘણૉ થયેલ  દેખાય છે તે પણ અમુક વર્ગ સુધી જ સીમિત છે.  આપણે એ વર્ગથી જ વધારે પરિચિત છીએ તેથી ઘણીવાર આપણને આ બધી વાતો નકામી લાગે. પરંતુ હકીકતે એવું નથી.

સ્ત્રી પ્રત્યેક યુગે બદલાઇ છે.  કેમકે એને ભાગે દરેક સમયે પીડા આવી છે. ફિનીકસ પક્ષીની જેમ સ્ત્રી નાશ પામતી આવી છે અને ફરી બેઠી થતી આવી છે.

સ્ત્રીને આપણા પુરાણોમાં શાશ્ત્રોમાં  મા કે દેવી તરીકે પૂજી છે.  એને એટલા ઉંચા પેડેસ્ટેલ પર બેસાડી દેવામા આવી કે બીજી બધી વાતોથી એ દૂર રહીને મા કે દેવી તરીકે સતત ભોગ આપતી રહે. સહનશીલ બનીને અન્યાય સુધ્ધાં સહેતી રહે..સીતા, સાવિત્રીથી સ્ત્રીને  નવાજતા રહ્યાં અને પતિની ચિતા પર જલાવતા રહ્યાં.પણ સ્ત્રીનો એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો સ્વીકાર હજુ દિલથી કરી શકયા નથી. એ વિકસી શકે..વિસ્તરી શકે…પણ ચોક્ક્સ માપમાં..એની લિમિટમાં રહીને..અને એ લિમિટ નક્કી કરી છે..સમાજે..પુરૂષે..

આપણા પાઠયપુસ્તકો આજે પણ કેવું ચિત્ર દર્શાવે છે એની ચર્ચા  હમણાં જ એક પરિસંવાદમાં દાખલા સાથે કરવામાં આવી.

ગુજરાતીના પાઠયપુસ્તકોમાં જે ચિત્ર દોરેલા હતા એની પર બધાનું ધ્યાન દોરવામાં આવ્યું.

એક ચિત્રમાં દર્શાવેલ સ્ત્રી રસોડામાં કામ કરે છે. પિતા લાંબા પગ કરીને છાપું વાંચે છે. દીકરો ક્રિકેટ રમે છે અને દીકરી મમ્મીને મદદ કરાવે છે.

તેની નીચે લખાયેલ વાકયોની ચર્ચા પણ થઇ.

મોહન, રમવા જા..

 સીતા, ઘર સાફ કર.”

બાળપોથીમાં આવા વાકયો આજે પણ પાઠયપુસ્તકમાં યથાવત્ છે. સમાજ કયાંથી બદલાઇ શકે  ?

સ્ત્રીને  કઇ રીતે વર્તવુ એ માટે ભારતીય સમાજમા ચોક્ક્સ નિયમો. ઘડાયેલા છે.  ચિત્રકાર  ભારતીય સ્ત્રીનું ચિત્ર  દોરે તો એ  કયા પ્રકારનું હોય છે ? આપણે સૌ એનાથી પરિચિત છીએ જ. પણ આજની સ્ત્રીને એનું એ ચિત્ર હવે કબૂલ નથી.  ઇટાલિયન એવા  સોનિયા ગાંધીને પણ દેશ સમક્ષ આવવા માટે સાડી પહેરીને માથે ઓઢવું પડે છે. દેશના સર્વોચ્ચ હોદ્દાએ પહોંચેલા પ્રતિભા પાટિલને પણ માથે ઓઢેલું ઉતરી ન જાય એનો ખ્યાલ રાખવો પડે છે. એ સિવાય સ્ત્રીનું બીજું કોઇ ચિત્ર ભારતીય  સમાજને કે ભારતીય રાજકારણને મંજૂર નથી. પ્રિયંકા ગાંધીએ પણ રાજકારણમાં આવવું હોય તો  સાડી પહેરવી પડે.  કેમકે આપણો સમાજ..આપણું રાજકારણ એને જ સ્વીકારી શકે છે. બાહ્ય દેખાવ તો ભારતીય જ હોવો જોઇએ. અંદરનું સત્વ તો આપણે કદાચ જોતા જ નથી શીખ્યા.

પણ આજની  સ્ત્રી ચીખી ચીખીને કહી રહી છે..’ અમારે પૂજાવું નથી. અમારે અમારી આગવી પહેચાન જોઇએ છે. ‘

જોકે  દરેક સાચી, નવી પ્રક્રિયા હમેશા ધીમી અને નક્કર હોય છે..સદીઓથી લાગેલો કાટ કંઇ એકાદ પેઢીના પ્રયત્નોથી  પરિણામો ન પણ બતાવે. પરંતુ ધીરજ ગુમાવ્યા સિવાય કે નિરાશ થયા સિવાય પ્રયત્નો ચાલુ રાખવા જ રહ્યાં. સાચી વાત ને મમ્મી ?

મને એક વિચાર આવે છે. મમ્મી, દરેક પતિએ અઠવાડિયામા એકવાર ગૃહિણીની માફક રહેતા ન શીખવુ જોઇએ ? અરે, એક પ્રયોગ ખાતર કે એક ચેલેન્જ ખાતર પણ અઠવાડિયામાં એક દિવસ ..અરે એટલીસ્ટ મહિનામાં એક દિવસ તો એવો નક્કી કરી જુઓ..કે જે દિવસે  સવારે દૂધવાળો આવે ત્યારથી રાત્રે બારણા બન્ધ થાય..ત્યાં સુધીના તમામ કામ  પુરૂષ જાતે કરે…

મને ખાત્રી છે કે તે પછી જિંદગીમાં કયારેય પુરૂષ એક પ્રશ્ન પૂછતાં તો ભૂલી જ જશે કે..

 “ ઘરમાં આખો દિવસ કરે છો  શું ? “

 જાત અનુભવ પછી એ સવાલ પૂછવાની હિંમત તે નહીં જ કરે.

પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે કયો પુરૂષ આ પ્રયોગ માટે તૈયાર થશે ?

માના ઘરને છાતીમાં ઢબૂરી

    એક છોકરી ગૂપચૂપ જીવે.”

મુંબઇ  એરપોર્ટ પર થયેલ એક અનુભવની વાત યાદ આવે છે.

મુંબઇથી ભુવનેશ્વર  જતી ફલાઇટ બે કલાક મોડી હતી. એરપોર્ટ પર પ્રતીક્ષા કરવા સિવાય કોઇ ઉપાય નહોતો.  ઘડિયાળ સવારના દસ વાગ્યાનો સમય બતાવતી હતી..

મારી બાજુમાં લગભગ ત્રીસ વરસની આસપાસની એક સ્ત્રી બેઠી હતી. દેખાવે ખૂબ જ સુન્દર અને ઘરેણાથી લદાયેલી હતી..હાથમાં બધી આંગળીઓમાં હીરાની વીંટીઓ ઝગમગતી હતી.  મોટો લાલચટ્ક ચાન્દલો,  કુમકુમથી આખો સેંથો પૂરેલો, કપાળ સુધી માથે ઓઢેલું, હાથમાં બંગડીઓનો ઝૂડો… નખશિખ પરંપરાગત  ભારતીય વહુનું સ્વરૂપ..

તેની બાજુમાં વીસેક વરસની એક છોકરી બેઠી હતી. સ્લીવલેસ ટી શર્ટ,, જીંસ પેંટ, માથા ઉપર ચડાવી રાખેલ ગોગલ્સ…એકવીસમી સદીની આધુનિક યુવતી…. તેની બાજુમાં બેસેલ પાંત્રીસેક વરસના યુવાન સાથે હસીને વાતો કરી રહી હતી. કદાચ તેનો ભાઇ હતો. પેલી યુવતી માથે ઓઢેલું જરા પણ ખસી ન જાય…તેમ છેડો સખત રીતે પકડીને બેઠી હતી. ચહેરો માંડ થોડો  દેખાતો હતો. તેનું ધ્યાન ભાઇ બહેનની વાતોમાં નહીં..પરંતુ માથા ઉપરનો છેડો જરા પણ સરી ન જાય તે જોવામાં જ હતું.

થોડીવારે બંને ભાઇ બેન ઉભા થયા. અને રેસ્ટોરંટ તરફ ગયા. પેલી  સ્ત્રીનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ ચાલતા થયા.

હવે યુવતી એકલી પડી. તેની નજરને જાણે ચારે તરફ ફરવાની મોકળાશ  મળી. મારાથી પૂછાઇ ગયું.

’ તમે આટલા સરસ દેખાવ છો. શ્રીમંત કુટુંબના છો તે પણ દેખાય છે. આ જમાનામાં પણ આટલું બધું માથે ઓઢીને ફરો છો ? તમારી સાથેની પેલી છોકરી તો કેવી મોર્ડન દેખાય છે  ! ‘

સામેથી કોઇ આવતું નથી એની ખાત્રી કરીને સ્ત્રીએ ધીમેથી જવાબ આપ્યો,

’ એ તો દીકરી છે…અને હું એ ઘરની વહુ છું. મોટા, ખાનદાન ઘરની વહુવારૂ…’

તેના અવાજમાં શ્રાવણી ભીનાશ ભળી હતી.

મેં પૂછયું, ‘ તમારા પતિ…?

આગળ બોલું તે પહેલાં જ તેણે જવાબ આપ્યો,

‘ એ પણ એની માનો આજ્ઞાંકિત દીકરો છે.  અને નણંદ મારી ચોકી કરવા  સતત….. ‘

વાકય પૂરું થાય તે પહેલાં જ  તેનું ધ્યાન સામેથી આવતા પતિ અને નણંદ પર પડયું અને તેણે સાડીનો છેડો કપાળ સુધી ખેંચી ઝડપથી મોં ફેરવી લીધું.

 પરંતુ  તેની પાંપણે છવાયેલ બે બુંદ મારાથી અદ્ર્શ્ય રહી ન  શકયાં.

 હું શું બોલું ? સમાજમાં મોટા કહેવાતા લોકોના ઘરના આવા અનેક દાખલા જોયા છે. બહાર મોટી મોટી વાતો કરતા હોય..વહુ દાગીના પહેરીને ફરતી હોય પણ  તેને નામ માત્રની સ્વતંત્રતા ન હોય…શણગારેલી, ચાવી દીધેલી ઢીંગલીની માફક જીવનભર એક દંભના અંચળા હેઠળ જ તેણે જીવવાનું હોય છે. તમાચો મારી ગાલ લાલ રાખી હસતા રહેવાનું હોય છે. ધીમા અવાજે મીઠીમીઠી વાતો કરતા રહેવાનું હોય છે.  અને આ આજની જ વાત કરું છું હોં..આપણા કહેવાતા સુધારાવાદી સમાજની..શિક્ષિત લોકોની વાત.

હાથીની જેમ ચાવવાના અને દેખાડવાના દાંત સમાજમાં  પણ અલગ જ હોય છે ને ?

જાણીતા નારીવાદી વિવેચક એલેન શોવાલ્ટરે  તેના પુસ્તક….” a literature of their own  “  માં ત્રણ શબ્દો આપ્યા છે.

ફેમીનાઇન, ફેમીનિસ્ટ,અને ફીમેલ..

ફેમિનાઇન..અર્થાત આવી સ્ત્રીઓમાં  પુરૂષ સમોવડી જ નહી પુરૂષ જેવા બનવાની વૃતિ રહેલી હોય છે.

 ફેમીનિસ્ટમાં ..દરેક વાતમાં પુરૂષનો વિરોધ કરનારી સ્ત્રીનો સમાવેશ થાય છે.

જયારે ફિમેલમાં…સ્ત્રીની  પુરૂષથી અલગ પોતાની વ્યક્તિગત ઓળખ અકબન્ધ રાખી દરેક ક્ષેત્રમાં ભાગીદારી દ્વારા પોતાની અસ્મિતાને પ્રગટ કરવાની મથામણ છે.

જે આજની સ્ત્રી કરી રહી છે. આજે સ્ત્રીની મથામણ…

છટપટાહટ..ગૂંગળામણની અભિવ્યક્તિ આ દિશામાં જ છે, જે ભવિષ્યમાં  સમાજમાં આવનારા પરિવર્તનની એંધાણી આપે છે.પરંતુ આ પરિવર્તનની સાથે એ પણ એક હકીકત છે કે 

અદિકાળથી પિતૃસત્તાત્મક સમાજે સ્ત્રીને, પત્નીને અને માના રોલ મોડેલ્સ જેવી બનાવી છે.  સહનશીલતા, ત્યાગ, મમતા વગેરે અનેક વાત પરંપરા અને  સંસ્કારરૂપે એને ગળથૂથીમાં પીવડાવ્યા છે.

કુદરતે એના તનનું અને મનનું બંને  બંધારણ અલગ ઘડયા છે. તેથી ગમે તે સ્થાને પહોંચ્યા પછી પણ  મોટે ભાગે એની ભીતર સતત એક  ઝંખના હોય છે..મારે પણ એક ઘર હોય.

આ ઘર એટલે પતિ, પત્ની અને બાળક.  સ્ત્રી હ્રદયની આ આંતરિક તસ્વીર છે. જેને સ્ત્રી પોતે  ધારે તો પણ ઝડપથી ભૂંસી શકતી નથી.

મા થવામાં એ ધન્યતા સમજે છે. કેમકે નહીંતર સમાજે એને માટે વાંઝણી શબ્દ તૈયાર જ રાખ્યો છે. પુરૂષને કોઇ જલદી વાંઝિયો કહે છે ?

હકીકતે હું તો માનું છું કે શું મા થવામાં જ  બધા ગુણો સમાઇ જાય છે ?પથ્થર ફાડી વહી નીકળતા ઝરણાની માફક એનું   માતૃત્વ નાત, જાત,રિવાજ, પરંપરા, ધર્મ બધા બન્ધનો તોડી જગત માત્રના દુ:ખી શિશુઓ પ્રત્યે કેમ વહી જતુ નથી ? દેવકી બન્યા સિવાય પણ યશોદાનું માતૃત્વ જરૂર પ્રાપ્ત થઇ શકે.

દર્શ અને દિયા..

સ્વાતિબહેનના ઘરમાં દીકરો વહુ અને તેના બે નાના સંતાન..એક પુત્ર અને એક પુત્રી હતા. છ વરસનો પુત્ર  દર્શ અને આઠ વરસની પુત્રી દિયા…બંને સ્વાતિબહેનના ચાર્જમાં રહેતા..કેમકે દીકરો વહુ બંને પોતપોતાની નોકરીમાં વ્યસ્ત હતા. સ્વાતિબહેન દર્શ અને દિયામાં કોઇ ભેદભાવ કોઇ રીતે કરતા નહીં. આમ તો ઘરમાં કામ કરનાર નોકર હતો  જ. પરંતુ દિયા અને દર્શે પોતાનો રૂમ સાથે મળીને જાતે જ સાફ કરવાનો રહેતો.  બંને હજુ નાના હતા તેથી હોંશે હોંશે દોડી દોડીને કામ કરતા. દર્શ હાથમાં કપડું લઇને બધું લૂછી નાખે અને દિયા કચરો વાળી લે. પોતપોતાના પુસ્તક, કપડાં, બૂટ મોજા બધું જગ્યાએ ગોઠવીને જાતે જ રાખવાનું. પોતાની વોટરબેગ ભરવાની. સ્કૂલબેગ રાત્રે તૈયાર કરીને જ સૂવાનું. અને બધું કામ સરસ રીતે જાતે કરી નાખે એટલે સ્વાતિબહેને તેમને વાર્તા અચૂક કરવી પડે.

શરૂઆતમાં વહુ..ચૈતાલીને થતું કે સાસુ પોતાના છોકરાઓ આગળ આવા બધા કામ કરાવે છે. દર્શ તો હજુ કેટલો નાનો છે. છોકરો છે છતાં છોકરીના પણ બધા કામ તેને કરવાના જ..અને દિવસે દિવસે રોજ સાસુ તો તેમના કામ વધારતા જાય છે. એકાદ બે વાર સાસુ સાથે તે ઝગડી પણ પડી.

મમ્મી, ઘરમાં નોકર છે જ..પછી આવા બધા કામ બાળકો પાસે કેમ કરાવો છો ?

ત્યારે સ્વાતિબેને તેને પાસે બેસાડીને કહ્યું, તું મને ઘણીવાર અર્પિતની ફરિયાદ કરે છે ને કે અર્પિત તને કોઇ મદદ નથી કરાવતો.

હું જાણું છું કે તું  નોકરી કરે છે ત્યારે એની પણ ફરજ છે કે તને રસોડામાં મદદ કરાવે. પણ સાથે સાથે હું એ પણ જાણું છું કે એ નહીં કરાવી શકે. કેમકે નાનપણથી એને એવી આદત જ નથી પડી..અને રસોડાનું કામ છોકરાથી કરાય જ નહીં..એ એના દાદીમાએ તેના દિમાગમાં નાનપણથી  ફીટ કરી દીધું છે કે એ તો છોકરીઓનું કામ છે. અર્પિત નાનો  હતો અને કયારેક રસોડામાં ઘૂસતો તો પણ મારા સાસુ તેને તુરત બોલાવી લેતા

છોકરીની જેમ રસોડામાં કયાં ભરાયો છે ?

હું ઇચ્છવા છતાં કશું બોલી શકતી નહોતી. અમારા જમાનામાં સાસુને સામો જવાબ કયાં આપી શકાતો હતો ?

પણ બેટા, મારા સાસુએ જે ભૂલ કરી તે ભૂલ મારે નથી કરવી. છોકરાને નાનપણમાં કોઇ કામ કરવા ન દઇએ અને પછી મોટો થાય ત્યારે તેની પાસેથી આશા રાખીએ કે તે કંઇ મદદ કરાવતો નથી. પણ એ કેવી રીતે કરાવે ?

આજે જયારે સ્ત્રી જાગૃત બની છે ત્યારે પુરૂષ એને સહકાર નથી આપી શકતો એના કારણો તેના શૈશવમાં જ કયાંક હોય છે. પુરૂષપ્રધાન સમાજને બદલવો હશે તો એ શરૂઆત નાનપણથી જ થઇ શકે. છોકરો નાનો હોય ત્યારે એની માનસિકતા આસાનીથી બદલી શકાય..ઘરમાં બહેનને આદર આપતા શીખડાવીએ અને બહેનની સાથે સાથે જ ઘરમાં દરેક કામ બંને સાથે મળીને જ કરે એવો આગ્રહ રાખવામાં આવે તો એ છોકરો છે માટે કંઇક અલગ છે એવો ભાવ ઉત્પન્ન જ ન થાય. શૈશવથી જ પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર થઇ શકે તો પાછળથી કોઇ પ્રશ્નો ઉભા ન થાય.આ માટે ઘરના દરેક સભ્યે જાગૃત રહેવું પડે.

બોલ…હવે તું કહે તેમ કરું..તારી વહુ પણ તારી જેમ જ ફરિયાદ કરતી રહેશે…તું તો હજુ ફકત ફરિયાદ કરીને જ રહી જાય છે…નવી પેઢી તમારાથી  પણ એક સ્ટેપ આગળ જ હોવાની ને ? અમે ફરિયાદ નહોતા કરી શકતા..તમે ફરિયાદ સુધી પહોંચ્યા અને તમારી આવનાર વહુ એથી આગળ જ પહોંચવાની. અને બેટા, આ કામ આપણે સ્ત્રીએ જ કરવાનું છે. કદાચ એના ફળ આપણને ખાવા ન મળે તો યે શું ? આવનાર પેઢી માટે આપણે ઉત્તમ વારસો તો તૈયાર કરી શકીએ ને ? પુરૂષપ્રધાન સમાજ છે..એમ કહીને બેસી રહેવાથી કે નારા લગાવવાથી કે બગાવત કરવાથી, બંડખોર બનવાથી કશું નક્કર પરિણામ નહીં મળી શકે. નક્કર પરિણામ તો નવી પેઢીને એ રીતે ઉછેરવાથી જ મળી શકે.

બસ..સાસુની આ વાત સાંભળ્યા અને સમજયા પછી ચૈતાલી સાસુને પૂરો સહકાર આપે છે. છોકરાઓ કેળવાય છે. ઘરના કામમાં મદદ મળે છે. સ્વાશ્રયની આદત પડે છે. અને ભાવિ પેઢીની પ્રગતિના પગરણ મંડાય છે.એક નવી દિશા ઉઘડી રહી હોય એવું ચૈતાલીને લાગે છે. બાળકો નાના છે ત્યારે હોંશથી બધું કરે છે અને પછી તો એ આદત બની જાય છે. હવે તો ચૈતાલી સાંજે આવે ત્યારે પોતે જ બાળકોને રસોડામાં મદદ માટે બોલાવે છે. અને મમ્મીને મદદ કરવા દર્શ અને દિયા બંને હોંશથી દોડે છે. પોતે જાણે મોટા થઇ ગયા હોય એવો ગૌરવપૂર્ણ એહસાસ તેમના મનમાં જાગે છે. એક સુદ્રઢ પાયો નખાઇ રહ્યો છે..તેના પર ભવિષ્યમાં મજબૂત ઇમારત અચૂક રચાઇ શકશે.

સ્વતિબહેનની આ સમજણ મને તો બહું ગમી. આપણે સ્ત્રીઓ જ સંતાનો નાના હોય ત્યારે છોકરા, છોકરીમાં અમુક ભેદભાવ ઉભા કરીએ છીએ અને પછી પાછળથી બૂમો પાડીએ છીએ..આમ કેમ ચાલે ?

ઘણાં માબાપ કહેતા હોય છે કે અમે અમારી દીકરીને દીકરાની જેમ જ ઉછેરી છે. અરે, ભાઇ..દીકરાની જેમ ઉછેરવાની કોઇ જરૂર નથી..અને દીકરાની જેમ એટલે એટલું તો કબૂલ કરો છો ને કે છોકરાને વધારે સારી રીતે રાખો છો? ભેદ તમે જ  પાડો  છો ને ? આવનાર સમયમાં બંનેનો ઉછેર બધી બાબતમાં  સમાન જ થવો જોઇએ.  હવે જયારે દીકરી પણ દીકરા જેટલું જ શિક્ષણ લેતી થઇ છે ત્યારે દીકરાના ઉછેરમાં..તેના માનસિક વલણમાં  ફેરફાર કરવાની જરૂરિયાત ઓળખીને શૈશવથી જ એની શરૂઆત કરવી જોઇએ. જેથી છોકરાના મનમાં પોતે  છોકરીથી  ઉંચો, ચડિયાતો છે કે અમુક કામ તેનાથી ન થાય એવા કોઇ  ખ્યાલ જન્મે નહીં અને  ઘરમાં કે બહાર બધી જગ્યાએ બંને આપોઆપ સમાનતાની ભૂમિકાએ રહી શકે.

વિચારીશું આપણે આ દિશામાં ?

છે કોઇ જવાબ ?

એક સવાલ…

 શૈશવમાં મદારી તેના વાંદરાને નચાવતો હોય તેવો ખેલ કોણે નહીં જોયો હોય ? અલબત્ત આ પ્રશ્ન અમારી ઉંમરના..એટલેકે પચાસની આસપાસની ઉંમરની વ્યક્તિ માટે છે. બની શકે તમે લોકોએ તે ન જોયો હોય..તમે બધા તો વીડીયો ગેઇમ રમીને મોટા થવાવાળા….અમારા જમાનામાં તો  એની કલ્પના સુધ્ધાં કયાં હતી ? નસીબદાર તમે કહેવાવ કે અમે ? એ પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આપી શકાય તેમ નથી.આમ પણ  અત્યારે એ ચર્ચા અસ્થાને છે.

 મૂળ વાત એ હતી કે નાનપણમાં મદારીની ડુગડુગીનો અવાજ સાંભળતા જ અમે સૌ  શેરીમાં દોડી જઇએ. મદારી પાસે વાંદરો અને  સાપ આ બે તો હોય જ. ઘણાં મદારી પાસે બે વાંદરા હોય..એક વાંદરી..અર્થાત્ નારી જાતિ…અને એક વાંદરો…નર જાતિ..અને બધા મદારીના વાંદરા..વાંદરીના નામ ન જાણે કેમ પણ એક જ હોય..રતનિયો..અને રતની…ખબર નહીં પણ  મેં તો જેટલી વાર આ ખેલ જોયો છે એટલી વાર આ જ નામ સાંભળ્યા છે. મદારી બદલાય..વાંદરો..વાંદરી બદલાય..પણ નામ ન બદલાય. આ નામ પાછળ કોઇ રહસ્ય હશે કે કેમ એ તો ખબર નથી.

 મદારી રતનિયાને એક તરફ બેસાડે..પછી રતનીને તૈયાર કરે..પફ, પાઉડર અને  લિપસ્ટીક  લગાવી, હાથમાં બંગડી, પગમાં ઝાંઝર  પહેરી રતની તૈયાર થાય..મદારી જાહેર કરે કે રતનિયો રતનીને જોવા આવ્યો છે. કોઇ આધુનિક… એ જમાનાના શબ્દમાં કહું તો છેલબટાઉ  રતનિયો  ગોગલ્સ ચડાવીને બેઠો હોય.  રતની સજી ધજીને તૈયાર થઇ હાથમાં ચાનો કપ લઇ રતનિયા પાસે જાય. રતનિયો ઘૂરકીને તેની સામે જુએ. રતની નીચું માથું કરી ઉભી રહે.  પછી મદારી મોટેથી  જાહેર  કરે કે રતનિયાને રતની પસંદ આવી છે તેથી હવે તેના લગ્ન  થશે. ( રતનીને રતનિયો પસંદ આવ્યો છે કે નહીં ? એવો સવાલ કોઇને કદી થતો નહીં.)  અને લગ્ન માટે ચાંદલો તો આપવો પડે ને ?  એટલે જોનાર સહુ સામે મદારી તેની ટોપી ફેરવે. સૌ તેમાં યથાશક્તિ પૈસા નાખે. રતનિયો, રતની એકબીજાને હાર પહેરાવે..નાચે..રતની પગમાં ઝાંઝરી પહેરી છમ છમ કરતી રતનિયાની આગળ પાછળ ગોળ ગોળ ફરતી રહે. અને ખેલ પૂરો થાય.

 ત્યારે તો બાલસહજ આનંદ અને વિસ્મયથી હું પણ એ ખેલ માણતી.

 આજે આ લખતા લખતા ન જાણે કેમ મગજમાં એ દ્રશ્ય ઉભરી આવ્યું. નજર સમક્ષ દેખાય છે. ગર્વભરી, ટટ્ટાર ચાલે ચાલતો રતનિયો અને તેની આસપાસ ઝાંઝર પહેરી ગોળ ઘૂમતી રતની…

વધારે કંઇ કહેવાની જરૂર છે ખરી ?

 પણ હવે આજની રતનીને રતનિયાની પાછળ ગોળ ગોળ..એક જ પરિઘમાં ઘૂમવું પસંદ નથી. પરિઘની બહારની દુનિયા..બહારનું આકાશ એણે જોઇ લીધું છે. દૂરની ક્ષિતિજો એને સાદ કરે છે. અલબત્ત એનું કેન્દ્ર..એનું ઘર એને  કુદરતી રીતે ખેંચતું  રહે છે. પરંતુ સાથે સાથે   દૂરની ક્ષિતિજનો સાદ એને સતત આકર્ષી રહે છે. હવે આજનો રતનિયો તેને મુક્તિ આપવા તૈયાર તો થયો છે. એને જવું હોય ત્યાં ભલે જાય..પણ એને પૂછીને..એની મંજૂરી લઇને..અને તે પણ સીમિત દાયરામાં જ. પોતાનું સ્વામીત્વ, સત્તા,પઝેસીવનેસ એ જલદીથી છોડી શકે તેમ નથી. પરંતુ  આજની રતનીને  એવી શરતી મુક્તિ મંજૂર નથી. સ્વામીત્વની નહીં સખ્યની ભાવના તે ઝંખે છે.   બહારથી ઘરમાં આવતા  તેને મોડું થાય તો આરોપીના પિંજરમાં ઉભીને ખુલાસા આપવાની વાત તેને કબૂલ નથી. પુરૂષની જેમ તે પણ ફકત એટલો જવાબ આપી શકે કે કામ હતું. શંકાની દ્રષ્ટિએ  આરોપીની માફક  તેની પૂછપરછ થાય એ હવે તેને મંજૂર નથી.  આજની રતની  ફકત સ્ત્રી નહીં..એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની પહેચાન માગે છે.

 રતનિયા અને રતનીનો સંઘર્ષ ચાલતો રહે છે. જયાં રતનિયાની વાત ખાસ કોઇ વિરોધ સિવાય  જે રતની  સ્વીકારી લે છે  એને આવા કોઇ પ્રશ્નોનો સામનો કરવાનો આવતો નથી. પણ જેને એ સ્વીકાર્ય નથી એને માટે અગણિત પ્રશ્નો આવવાના જ. એના સૂક્ષ્મ સંવેદનો એની પીડા બની રહે છે.

છે કોઇ જવાબ ?

સમય બદલાયો છે.

સમય બદલાયો છે….!

અવનીશને તેના પિતાએ માંડમાંડ ભણાવ્યો હતો. જોકે નાનપણથી  ભણવામાં તે હોંશિયાર હતો. અને અભણ પિતાને પુત્રને ભણાવવાની હોંશ હતી. તેથી પેટે પાટા બાંધીને પણ  પુત્રને ભણાવ્યો હતો. પૈસા હોવા છતાં ગમે તેમ કરી ઉછીના લઇ ને પણ શહેરમાં મોકલી કોલેજમાં પણ દાખલ કરીને રહ્યા.

અને અવનીશે અંતે બી.એ. અને બી. એડ. પૂરું કરી સ્કૂલમાં નોકરી લીધી. ત્યાં પિતા ઇશ્વર આગળ હરખ કરવા ઉપડી ગયા. તેમનું સપનું, તેમનું જીવન કાર્ય જાણે પૂરું થયું હતું. અને અવનીશનો સંસાર શરૂ થયો. સાદાઇથી ગામની એક છોકરી સાથે તેના લગ્ન થયા. અને હવે ઢીંગલી જેવી દીકરી પણ તેના સંસારને ઉજાળતી હતી. જોકે તેને તથા તેની પત્નીને બંનેને દીકરાની ઇચ્છા હતી. પણ  અંતે મને..કમને લક્ષ્મી કહી દીકરીને વધાવી હતી..કે વધાવવી પડી હતી. અને જીવન યાત્રા આગળ ચાલી હતી.

 સ્કૂલમાં ઇતિહાસ અવનીશનો પ્રિય વિષય હતો. વર્ગમાં ઇતિહાસ ભણાવતાં ભણાવતાં બાળકોને તે સમયમાં લઇ જઇ શકતો. છોકરાઓ નજર સમક્ષ તે  ઇતિહાસ અનુભવી શકતા. અવનીશની ભણાવવાની સિધ્ધિ હતી. અને તેથી અવનીશ છોકરાઓનો પ્રિય શિક્ષક હતો.

 આજે તે છોકરાઓને રજપૂત યુગ વિષે સમજાવતો હતો.તે યુગની ખામીઓ અને ખૂબીઓ બતાવતો હતો.તેમાંથી દહેજ પ્રથા,સતી પ્રથા અને છોકરીઓને કેવી રીતે દૂધપીતી કરીને મારી નાખતા, તે બધું સમજાવતા, સમજાવતા તે આવેશમાં, જુસ્સામાં આવી ગયો હતો. સતીપ્રથાની વાત કરતા કરતા તેનો અવાજ અનાયાસે ઉંચો થઇ ગયો હતો. ત્યાં એક છોકરાએ તેને સવાલ પૂછયો,

સર, દૂધપીતી કરે એટલે શું કરે ? ’ અવનીશે સમજાવ્યું કે  કેવી રીતે જન્મેલી છોકરીઓને દૂધભરેલ વાસણમા ડૂબાડીને મારી નાખતા. છોકરાઓના મોઢામાંથી અરેરાટી નીકળી ગઇ.’ સર, એમ છોકરીઓને મારી નાખતા કેમ જીવ ચાલતો હશે ? ’

 સરે સમજાવ્યું કે ‘ જમાનો, સમય જુદો હતો. ત્યારે છોકરીઓ બોજારૂપ ગણાતી. દીકરીને પરણાવવા માટે દહેજનો મોટો પ્રશ્ન હતો. ગરીબ  મા બાપ બધી જરૂરિયાતો પૂરી કરી શકે. કે પછી ઘણીવાર આબરૂના બીજા સામાજિક પ્રશ્નો ઉભા થતા એટલે દીકરી જનમતાં જ…..! અને ત્યારે સમાજમાં જાગૃતિ નહોતી, શિક્ષણ નહોતું..

જોકે હવે સમય બદલાયો છે, મૂલ્યો બદલાયા છે. હવે જાગૃતિ આવી છે. આજે દીકરી મા બાપ માટે બોજારૂપ નથી. આજે દીકરીનું,  સ્ત્રીનું સમાજમાં એક ચોક્કસ સ્થાન છે. આજે સ્ત્રી જીવનના દરેક ક્ષેત્રમાં પહોંચી શકી છે અને પોતાનું અને  માતા પિતાનું નામ ઉજ્જવળ કર્યું છે. નારીશક્તિના કેટકેટલા જવલંત ઉદાહરણો આપણી સમક્ષ છે. અરે, દીકરી તો બે કુળને તારી શકે છે. પારકાના ઘરને પણ રોશનીથી ઝળાહળા કરી શકે છે. દીકરીને આજે સાપનો ભારો નહીં.. પણ તુલસી કયારો ગણવામાં આવે છે. ‘

જુસ્સાથી  બોલતા બોલતા અચાનક અવનીશનો અવાજ બંધ થઇ ગયો. તેના હાથ પગમાંથી જાણે ચેતન ચાલ્યું ગયું. તે બેસી ગયો. છોકરાઓને થયું કે સરની તબિયત બરાબર નથી.

 તેમને શું ખબર કે તેમના સર..આજે તેમના પત્નીનું એબોર્શન કરાવવાનું નક્કી કરી આવ્યા હતા !  ગર્ભમાં બીજી છોકરી હોવાની ખબર પડવાથી. ! 

વિશ્વ દીકરી દિવસ શા માટે ?

વિશ્વ દીકરી દિવસ શા માટે ઉજવવો પડે છે ?

                                        વિશ્વ દીકરી દિવસ.. world daughter day

દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ,  બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે  આંગણાનો તુલસી કયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..

 નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.

 અને છતાં વાસ્તવિકતા કંઇક જુદી કેમ દેખાય છે ? દીકરી વહાલનો દરિયો એમ કહેવું પડે છે. દીકરી વિશે…દીકરી વહાલનો દરિયો, દીકરી એટલે દીકરી, દીકરી મારી દોસ્ત, વહાલી આસ્થા જેવા  અનેક પુસ્તકો લખાતા રહે છે.  કેમકે દીકરી વહાલી હોવી આપણા સમાજમાં હજુ પણ સર્વસામાન્ય કે સર્વસ્વીકૃત વાત નથી. સમાજ માટે હજુ પણ વાત આગવી છે. જરા “ હટકે “  છે અને તેથી લખવું પડે છે..કહેતું રહેવું પડે છે.   એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો”  આંદોલન કરવા પડે છે કે વિશ્વ દીકરી દિવસ ઉજવવાની જરૂર પડે છે. આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખ માટે ઝઝૂમવું પડે છે. પોતાના આગવા વ્યક્તિત્વની મથામણ કરતી સ્ત્રીને નારીવાદીનું લેબલ લગાડાય છે.

 જયારે દીકરો તો વહાલો હોય જ…એમાં કહેવા જેવું શું છે ? એમાં નવી વાત શી છે ?  સદીઓથી સમાજમાં એનું સ્થાન સ્થાપિત થયેલું છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું. અને તેથી કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની  મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી  આપણો સમાજ પુરૂષપ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતા રહ્યા છે. માનતાઓ માનતા રહ્યા છે. તરસતા રહ્યા છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો માબાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઇ શકે, દીકરો ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે, દીકરો એટલે વંશવેલો વધારનાર,  કૂળને તારનાર,  વૃધ્ધાવસ્થાની ટેકણ લાકડી, માબાપનું ગૌરવ, દીકરો એટલે“ પૂં “ નામના નરકમાંથી ઉગારનાર….દીકરાનું મહત્વ દર્શાવતી અનેક ઉક્તિઓ આપણા લોકસાહિત્યમાં પથરાયેલી જોવા મળે છે. જે આપણા સમાજની માન્યતાઓનું સુપેરે પ્રતિબિંબ પાડે છે. દા. ત.  

 પહેલું સુખ તે જાતે નર્યા,  બીજું સુખ તે પેટ દીકરા,

 ત્રીજુ સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે સુલક્ષણી નાર.

કે પછી..   

  જેવો તો યે ચૂડલો , ઘરડો  તો યે તોખાર,   હીણો તો યે દીકરો, સારો તો સુનાર

 જયારે  દીકરી એટલે તો પારકી થાપણ..સાપનો ભારો..કે પેટે પાકેલો પાણૉ …  એવી અનેક માન્યતાઓને આધારે  લોકો દીકરા માટે  ઝૂરતાં રહ્યાં છે.  ઘણી  વખત તો  દીકરાની  પ્રતીક્ષામાં એકથી વધુ દીકરીઓને મને, કમને જન્મ આપતા રહ્યા છે,….કે કયારેક જન્મ્યા પહેલા છાને ખૂણે ભ્રૂણહત્યા થતી રહે છે. ફકત કાયદાથી ખાસ કશું થઇ શકે. જનજાગૃતિ પાયાની જરૂરિયાત છે.

વિશ્વ દીકરા દિવસ ઉજવવાની જરૂર કેમ નથી જણાતી ?

હમણાં નજરે જોયેલી એક વાત.. એક મિત્રને ત્યાં દીકરીનો જન્મ  થયો.. ત્યારે તે સ્ત્રીના સાસુ, સસરા અને પતિ સુધ્ધાં એક શબ્દ બોલ્યા સિવાય ત્યાંથી  ચાલતા થઇ ગયેલા. ડીલીવરી સુધી બધા ત્યાં હોંશથી હાજર હતા. પરંતુ તેમને પ્રતીક્ષા હતી પુત્રની..પરંતુ જેવા પુત્રી જન્મના સમાચાર આવ્યા કે  નિરાશ થઇને સૌ ત્યાંથી નીકળી ગયા. સ્ત્રીની આંખો વરસતી હતી. ઘેર જઇને હવે શું થશે..કેમ બોલાવશે..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી.! તેનો દોષ ફકત એટલો હતો કે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જેના માટે સ્ત્રી  પોતે તો જવાબદાર પણ નથી હોતી. અને છતાં  સહન કરવાનું તો સ્ત્રીને  ભાગે આવતું હોય છે. આપણા  પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી…પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે ?

આવી તો અગણિત સ્ત્રીઓ સમાજમાં  છે.  જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી  તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે.  પુત્રનો જન્મ સ્ત્રીને ગૌરવ પ્રદાન કરે છે. વઢકણી વહુએ દીકરો જણ્યો.. આવી કોઇ કહેવત એથી આવી હશે.

શું   સમાજનું વલણ એકવીસમી સદીમાં યે નહીં  બદલાય ? “ દીકરી વહાલનો દરિયો..” શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે રહેશે ?

પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં. પણ જવાબ……?

મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી.. પણ, નિરાશ શા માટે થવું ?

“ Every Cloud Has A Silvar Lining ” આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા..ભૂલી કેમ જવાય ?  ક્ષણે મનમાં ગૂંજી રહી છે  કયાંક વાંચેલી પંક્તિ…. 

કેલેન્ડર કહે છે…આજે આપનો જન્મદિન દિવસે, વરસો પૂર્વે…તમે ખોલી હશે આંખ. ચોતરફ અજાણ્યો….અજાણ્યાનો… ઘૂઘવતો હશે સંસાર….એવામાં મળી હશે વત્સલ જનનીની…લાગણી નીતરતી પાંખ ને તે ક્ષણે તમને લાગ્યું હશે.

આપણે બંદા નથી રે રાંક.! ”

 આજે વિશ્વ દીકરી દિવસ ઉજવીએ છીએ ત્યારે વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક બને પ્રાર્થના સાથે અસ્તુ..

અને આવા કોઇ દિવસ ઉજવવાની આપણને જરૂર જ ન પડે એવી આસ્થા સાથે.

માત્ર નળ તરફ જાય છે..

ગૃહિણીને

કોઇ જયારે પૂછે છે

તે કેમ છે ?

કેવો છે ઘર સંસાર ?

ત્યારે ગ્રુહિણી કહે છે

સારા છે બધા,

બહું ધ્યાન રાખે છે મારું,

આમ કહીને ભાગે છે ગ્રુહિણી,

મોઢૂં દબાવીને

નળ તરફ

મોં ધોઇને

એ જયારે પાછી આવે છે

ત્યારે એના હોઠ પર તરતું રહે છે સ્મિત,

એ બહું સુખી છે

માત્ર નળતરફ

દિવસમાં  ઘણી વાર જાય છે.

anuvad by  smt. સુશી દલાલ.. written by વિનોદ દાસ 

દિવસમાં  ઘણી વાર જાય છે. સુશી દલાલ..વિનોદ દાસ

ક્યા હૈ યે ઔરત ?

કિસી કે ઘર મેં બેટી બનકે જનમ લેતી હૈ,

માંકી પરછાઇ બનકે રહતી હૈ

બાપકી ઇજ્જત બનકે ચહકતી હૈ,

 ભાઇયો કે સાથ હસતી ખેલતી રહતી હૈ,

ફિર..

ઇન્હી રિશ્તોંકો વહ અપની દુનિયા સમઝ લેતી હૈ,

ફિર સે..  એક દિન આતા હૈ,

 હમ ઉસે નયે રિશ્તો, નયી જિમ્મેદારીયોકે સાથ જોડ દેતે હૈ

કુછ ઔર રિશ્તોકો નિભાને ઘર સે ભેજ દેતે હૈ,

અપની મહકસે કિસી ઔર કે  ઘર કો વહ મહકાતી હૈ.

યે ઔરત ન જાને કિતને રિસ્તોમે સિમટ જાતી હૈ,

હર રિશ્તોકો નિભાના ઉસકે લિએ એક ફર્ઝ કહલાતા હૈ

 નારી હી તો જનમ દેતી હૈ હર મર્દ કો

ફિર ભી અય ઔરત તેરી પરિભાષા,

તેરી અપની કોઇ  પહચાન ક્યૂં નહી ?

 અય ઔરત, તેરી હર બાત નિરાલી હૈ

તૂ એક ઐસા પૌધા હૈ,  જિસસે ઘર ઘરમે હરિયાલી હૈ

ઔરત  પ્યારહૈ,  દુલારહૈ, યહ  જિંદગીકા  શ્રિંગારહૈ,

મમતાભરે  ઉસકે હાથોમેં ,  ફિરક્યું દુખોકા  હારહૈ ?

કોઇપૂજતા, કોઇચાહતા, કોઇ  અદબસે  હૈ પુકારતા,

કોઇ  કોસતા, કોઇ  તોડતા, કોઇ પ્રતાડતા,

કોઇ  કુછ  પલોકા  ભોગ  કરકે  બેદિલીસે  છોડતા

 જિસને હર કદમ પર અપની ઇચ્છાઓકા  બલિદાન  દિયા

ઉસકો સમઝો, કરીબ સે જાનો,પૂરા સન્માન દો,

એક દિન નારી દિન મનાકે મત ભૂલ જાઓ..

નારી ગૌરવ એક દિનકા નહી, હર દિનકા અવસર હૈ

નારી  બિન  સબ  યહા  વ્યર્થ  હૈ,  નારી હૈ  તો  સબમે  અર્થ  હૈ

જિસને  યહ  સ્રુષ્ટિ  શ્રુન્ગારી  હૈ, વો  ઔરત  હૈ, વો  નારી  હૈ,

અય  સ્ત્રી, તુઝે  ઝુકકર હર દિન   સલામ હૈ

 Why did god create man first  before creating woman  ? of course because its always good to make a rough draft first before making  a masterpiece… so    girls ,women are the masterpiece of God.

મહિલા દિવસ શા માટે ?

અત્તરકયારી..

                                                                      આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ    

હમણાં 8 માર્ચે આપણે સૌએ હોંશે હોંશે મહિલા દિવસ ઉજવ્યો. મન ભરીને નારીના ગુણગાન ગાયા.વોટસ અપ અને ફેસબુક જેવા માધ્યમોથી સરસ મજાના સંદેશાની આપ લે આખો દિવસ ચાલતી રહી. નારીને અનુલક્ષીને  અનેક કાર્યક્રમો યોજાયા. અનેક મહાન નારીઓનું પુણ્ય સ્મરણ કરીને તેમને શ્રધ્ધાંજલિ અપાઇ. નારીની ગૌરવગાથા ગવાતી રહી. ખૂબ સારું કામ છે એની ના નહીં . એ નિમિત્તે સ્ત્રીનું ગૌરવ સ્થાપિત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ જરૂર કહી શકાય. એને અભિનંદીએ.પણ એની સાથે સાથે મનમાં એક પ્રશ્ન પણ જરૂર ઉઠે છે.

હકીકતે આ દિવસ ઉજવીને આપણે એટલું તો જરૂર સાબિત કરીએ જ છીએ ને કે આવો કોઇ દિવસ ઉજવવાની આપણે જરૂર પડે છે. મેન ડે..પુરૂષ દિવસ ઉજવવાનો વિચાર કેમ નથી આવતો ? નહીતર આપણા પુરૂષ પ્રધાન સમાજમાં પહેલો વિચાર તો એનો જ થતો હોય છે. પરંતુ એવી જરૂર જ કયાં છે ? પુરૂષનું સ્થાન સદીઓથી સ્થાપિત થયેલું જ છે. એનું સ્થાન ઉંચુ છે જ. એથી એને માટે આવા  કોઇ દિવસની જરૂર જ નથી. એને માટે તો કદાચ બધા દિવસ એના જ છે.

નારી દિનની જેમ જ  આપણે વિશ્વ દીકરી દિવસ ઉજવીએ છીએ, કદાચ ઉજવવો પડે છે એમ કહી શકાય.કેમકે એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો”  આંદોલન કરવા પડે છે કે વિશ્વ દીકરી દિવસ ઉજવવાની જરૂર પડે છે.  આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખ માટે ઝઝૂમવું પડે છે.

જયારે દીકરો તો વહાલો હોય જ…એમાં કહેવા જેવું શું છે ? એમાં નવી વાત શી છે ?  સદીઓથી સમાજમાં એનું સ્થાન સ્થાપિત થયેલું છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું.  તેથી કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની  મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી  આપણો સમાજ પુરૂષપ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતા રહ્યા છે. માનતાઓ માનતા રહ્યા છે. તરસતા રહ્યા છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો માબાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઇ શકે, દીકરો ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે, દીકરો એટલે વંશવેલો વધારનાર,  કૂળને તારનાર,  વૃધ્ધાવસ્થાની ટેકણ લાકડી, માબાપનું ગૌરવ, દીકરો એટલે“ પૂં “ નામના નરકમાંથી ઉગારનાર.

જયારે દીકરી એટલે સાપનો ભારો, પેટે પાકેલો પથરો, નારી નરકની ખાણ એમ કહેતા પણ આપણો સમાજ  અચકાણો નથી. ધોકે નાર પાંસરી, બૈરાની બુધ્ધિ પગની પાનીએ..આવી અનેક કહેવતોને હવે દેશવટો મળવો જોઇએ એવું નથી લાગતું ? અરે, ભગવાનને પણ જન્મ લેવા માટે પહેલા નવ મહિના સ્ત્રીના ઉદરમાં રહેવું પડે છે. એવી સ્ત્રીને આજે એકવીસમી સદીમાં પણ  પોતાની આગવી ઓળખ માટે ઝઝૂમવું પડે છે.

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા..કે પછી જે કર ઝૂલાવે પારણૂં જગ પર શાષન કરે..આવી ઉક્તિઓ પણ છે જ પણ એનો અમલ કયાં ?

તાજેતરમાં નારી દિન નિમિત્તે આટલી ધામધૂમ પછી..ગૌરવની ગાથા ગવાયા બાદ આજે સ્ત્રીના સ્થાનમાં તસુ ભાર પણ ફરક પડયો ખરો ? અરે, જે પુરૂષે અનેક મિત્રોને નારી દિનના મજાના  મેસેજ કર્યા એણે પણ પોતાના ઘરની સ્ત્રીનું,પોતાની પત્ની,માતા,બહેન, ભાભી..કોઇનું ઉચિત સન્માન  કર્યું ? એક દિવસ પૂરતું પણ ઘરનું કામ સંભાળ્યુ ? કેટલા ટકા લોકોએ આવું કશું કર્યું ? મિત્રોને મેસેજ કર્યા પણ ઘરની સ્ત્રીઓનું શું ?

પણ સૌ પ્રથમ તો સ્ત્રીએ પોતે સ્ત્રીનું સન્માન કરતા શીખવું પડશે.સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એ મેણામાંથી બહાર આવવું પડશે. આજે મહિલા દિને પ્રત્યેક શિક્ષિત નારી પોતાને અનુરૂપ, પોતાના સંજોગો પ્રમાણે  થોડા સંકલ્પો પોતાની જાતે કરે અને નિષ્ઠાપૂર્વક વળગી રહે તો વહેલો કે મોડો વત્તે ઓછે અંશે બદલાવ જરૂર આવી શકે.

સમાજને બદલવો હશે, સ્ત્રી, પુરૂષને સમાનતાની ભૂમિકામાં લાવવા હશે તો એની શરૂઆત પાયાથી થવી જોઇએ.

  દીકરા કે દીકરીના ઉછેરમાં, તેમને મળતી સ્વતંત્રતામાં કોઇ ભેદભાવ શૈશવથી જ ન હોવો જોઇએ. આ બહું અગત્યની પાયાની વાત છે. આજે આપણે દીકરીને પણ દીકરા જેટલું શિક્ષણ જરૂર આપતા થયા છે. પરંતુ હજુ પણ  આપણે ઘેર કોઇ મહેમાન આવે ત્યારે દીકરીને કહેતા હોઇએ છીએ કે ‘ બેટા, પાણી  લાવ તો.’  દીકરો ત્યાં જ બેઠો હોય તો પણ તેને ઉઠાડતા નથી.અર્થાત સ્ત્રી જ માને છે  કે આવા કોઇ કામ દીકરીને જ કહેવાય,દીકરાને નહીં.બહારનું કામ હોય તો દીકરાને  કહીએ છીએ. અને ઘરનું કે રસોડાનું કોઇ કામ હોય તો દીકરીને..આવા ભેદભાવ આપણે જ શૈશવથી પાડીએ છીએ..છોકરો નાનપણથી આ બધું જોઇને જ મોટો  થાય છે. અને ત્યારે સ્વાભાવિક રીતે જ એનામાં એક ગ્રંથિ બંધાય છે કે આવું બધું કામ તો છોકરીનું જ ગણાય. ઘરનું કામ તેણે જ કરવું જોઇએ. સ્ત્રી કે પુરૂષની આ માનસિકતા જયાં સુધી નહીં બદલાય ત્યાં સુધી સમાનતા સંભવી શકે નહીં. સદનસીબે આ વલણમાં સુધારાની ધીમી પ્રક્રિયા શરૂ ચોક્ક્સ થઇ છે. પણ હજું એનું પ્રમાણ પાશેરામાં પહેલી પૂણી જેટલું જ રહ્યું છે.

હવે શાંતિથી વિચાર કરીએ તો આ ગ્રન્થિ તેનામાં રોપનાર કોણ ? સ્ત્રી પોતે જ ને ?

તો સુધારો શૈશવથી જ થવો જોઇએ એવું નથી લાગતું ? બહારનું કામ છોકરીને અને ઘરનું કામ છોકરાને સોંપવાની શરૂઆત થવી જોઇએ એવું નથી લાગતું ?  દરેક વખતે કામની અદલાબદલી થવી જોઇએ. નાનપણથી જ છોકરો કે છોકરી બંનેને ભાગે બંને કામ આવવા જોઇએ.અને એ પણ સાવ સહજતાથી. બીજ રોપાશે તો કદીક સમાનતાની  કૂંપળ જરૂર ફૂટશે. સ્ત્રી કે પુરૂષ કોઇ આગળ કે પાછળ નહીં..મિત્રતાની સમાનતાની ભૂમિકાએ કેમ ન રહી શકે ? પુરૂષ પ્રધાન સમાજ પણ નહીં અને સ્ત્રી પ્રધાન સમાજ પણ નહીં જ. જીવનરથના બે પૈડામાં કોણ મુખ્ય ને કોણ ગૌણ એ પ્રશ્ન જ અસ્થાને ન કહેવાય ?

જો આવો કોઇ પ્રયત્ન થાય તો બની શકે એક દિવસ નવા સમાજના મંડાણ થાય, એક નવી શરૂઆત થાય અને જીવન રળિયામણું બની રહે.કયારેક, કયાંકથી, કોઇકે તો શરૂઆત કરવી જ રહી ને ? ફરિયાદ કરવાને બદલે શરૂઆત જ કરીએ તો ?

 આપણું માન, સ્વમાન, ગૌરવ જાળવવું એ આપણા હાથમાં જ છે જો સાચા દિલથી સંકલ્પ કરીએ તો.

બાકી  વરસમાં એક દિવસ  મહિલા દિન  તરીકે ઉજવીને કે સંસદમાં 33% અનામતનો કાયદો પસાર કરવાથી આપણું કર્તવ્ય પૂરું નથી થઇ જતું. મમ્મી, મને તો લાગે છે 33% મહિલા અનામત રખાયા બાદ પણ એનો પાછળથી દોરીસંચાર તો મોટે ભાગે પુરૂષના હાથમાં જરહેવાનો.રાબડીદેવી મુખ્યમંત્રી બન્યા..પણ સત્તાની લગામ તો લાલુપ્રસાદ પાસે જ હતી..એનાથી આપણે કોઇ અપરિચિત નથી જ ને ?

દોસ્તો, સ્ત્રી, પુરૂષને સમાન ભૂમિકાએ લાવવામાં આપણે આપણી રીતે આપણા ઘર પૂરતો તો  થોડો ફાળો જરૂર નોંધાવીશું ને ? સૌ પ્રથમ આપણા ઘરની સ્ત્રીઓને તો સન્માનીશું ને ?

( ગુજરાત ગાર્ડિયન નિયમિત કોલમ “અત્તરકયારી”માં પ્રકાશિત તારીખ 16 માર્ચ 2014 )