હંસના મના હૈ..
પ્રિયની પ્રતીક્ષામાં…
હે પ્રિય,
આંખમાં આવકારનું આંજણ આંજી, હૈયામાં આસ્થાનો દીપ જલાવી,મેઘની રાહ જોતા ચાતકની જેમ હું તારી પ્રતીક્ષા કરી રહી છું. પ્રિય,તું આવીશને? તારા ઇંતજારમાં નયનો બિછાવી,તારા પુનિત પદરવ સાંભળવા મારા કાન જ નહીં, મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ અધીર બની ગયો છે.મારી આશાભરી આંખો રસ્તા પર દૂર દૂર સુધી દોડતી રહે છે. તારી એક ઝાંખી કરવા માટે હું જલ બિન મછલીની જેમ તડપી રહી છું.તારી ફકત તારી જ પ્રતીક્ષામાં જન્મજન્માંતરથી હું ઝૂરતી રહી છું તારા માટે જ. પ્રિય, તારા માટે જ…
હે પ્રિય, તારા વિરહમાં, તારી પ્રતીક્ષા કરતા કરતા મેં અનેક કાવ્યો લખી નાખ્યા. જેના કરૂણરસથી દ્રવિત થઇને ભીની થયેલ આંખો વડે કડક વિવેચકોને પણ તે કાવ્યોના વખાણ લખવા પડયા. કદાચ ટૂંક સમયમાં એ પ્રતીક્ષા કાવ્યનો એકાદ સંગ્રહ પણ થઇ જાય અને તેને બે– ચાર નાના મોટા એવોર્ડ મળવાની શકયતા પણ નકારી શકાય નહીં. જોકે એમ તો સમયાંતરે તારા અદભૂત મિલનનું સન્નિધ્ય પણ મને મળતું જ રહે છે. તેનો મારે સહર્ષ સ્વીકાર કરવો જ રહ્યો. મિલન પછી વિરહ અને ઇંતજાર…પ્રતીક્ષાના આ અગાધ મહાસાગરમાં હું વારાફરતી હિલોળા લેતી રહુ છું.
હે પ્રિય,તારું મિલન મને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે.આનંદરસના એ મોજા પર સવાર થઇને મારી ઉર્મિઓ છલકતી રહે છે. દૂર દૂરથી તારા દર્શનની ઝાંખી થતા જ હું ગાઇ ઉઠું છું.
આને સે ઉસકે આઇ બહાર, જાને સે ઉસકી જાયે બહાર.. બડી મસ્તાની હૈ મેરી મહેબૂબા..મેરી જિંદગાની હૈ મેરી મહેબૂબા..આવું કોઇ ગીત પણ હું ગણગણી ઉઠું છું. આમ જીવનના અદભૂત આનંદરસનું પાન કરાવવા બદલ હે પ્રિય,હું તારી ઓશિંગણ છું.
હે પ્રિય, તો કયારેક અચાનક તું તારા અણધાર્યા, આકસ્મિક, અણચિંતવ્યા વિરહથી મને કરૂણરસના ઘેરા મહાસાગરમાં ડૂબાડી , જીવનના સૌથી અમૂલ્ય રસ, કરૂણ રસનો પરિચય, અનુભવ કરાવી આપે છે.
( અલબત્ત એ કરૂણ રસ પછી રૌદ્ર રૂપ ધારણ કરીને ઘરના અન્ય સભ્યોને રૌદ્ર રસનો અનુભવ કરાવી જાય એ અલગ વાત છે. )
બાકી દરિયામાં યે ભરતી ઓટ છે, તો માનવજીવનમાં મિલનના માધુર્ય પછી વિરહની વેદના હોય જ ને? એ મહાન વેદના સાથે કાયમનો અતૂટ નાતો બંધાવી આપવા માટે હે પ્રિય,હું તારી ભવોભવની ઋણી છું ને રહીશ..અને વિરહની મારી ગઝલો તો હવે વિશ્વમાં પ્રખ્યાત થવા માંડી છે.શુધ્ધ વેદનાની શાહીમાં ઝબોળાઇને લખાયેલ એ કાવ્યોમાંથી ટપકતા કરૂણરસથી ભલભલા કઠોર હ્રદયો મીણની જેમ પીગળી ગયા છે.હે પ્રિય,આ માટે હું તારો આભાર ન માનું એટલી કૃતઘ્ન..કે નિર્દય તો હું ન જ થઇ શકું ને?
અને મિલન અને વિરહ વચ્ચે વહેતી પરમ ઇંતજાર…પ્રતીક્ષાની પુનિત ..પરમ પળોનું તો કહેવું જ શું ? કોઇએ કહ્યું છે કે
”પ્રાપ્તિ કરતા પ્રયત્નનો આનંદ વધુ હોય છે…” જોકે મને તો એ કયારેય સાચું નથી લાગ્યું. તારી પ્રાપ્તિનો જે અદભૂત આનંદ છે એ હું કેમેય જતો કરી શકું તેમ નથી જ.
પણ પ્રિય, મારી તને એક જ વિનંતિ છે…આજીજી છે કે પ્રતીક્ષાની આ પળો મહેરબાની કરી હવે બહુ લંબાવીશ નહીં. મારી ધીરજનો..દોર ,આશાનો તંતુ, પતંગની જેમ કપાઇ જાય, તૂટી જાય, બટકી જાય..એ પહેલા હે પ્રિય,તું આવીશને ? મારાથી તારો વિરહ હવે સહન નથી થતો…નથી થતો…
પ્રતીક્ષાની આ પળો મને પરમની સમીપે પણ લઇ જાય છે એની ના નહીં.તારી પ્રતીક્ષામાં મારા બે હાથ અનાયાસે ઇશ્વરને જોડાઇ જાય છે. આ રીતે જીવનના બીજા એક અમૂલ્ય રસ..ભક્તિરસનો પણ તેં મને લાભ આપ્યો છે.
જોકે ભગવાનના દર્શન કરતીવખતે પણ મારા મનમાં તો તારું જ રટણ હોય છે..એનો સ્વીકાર મારે ખાનગી ધોરણે પણ કરવો જ રહ્યો.
હે પ્રિય, તારો ઇંતજાર કરતી હું અનિમેષ નયને આવતી જતી દરેક વ્યક્તિને નીરખી રહું છું.કાલિદાસના કયા મેઘ સાથે હું તને સંદેશો પાઠવું ? એ યે મને સૂઝતું નથી. આવતી જતી દરેક વ્યક્તિમાં તારા દર્શન કરવાની મને તડપ જાગે છે. મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ તીવ્ર આતુરતાથી તને ઝંખી રહે છે.
હે પ્રિય તું આમ કઠોર શા માટે થાય છે ? તારી ઉપર ગુસ્સો કરવાની મારી હિંમત કે શક્તિ નથી જ. અને મારી આ મજબૂરી તું બરાબર જાણે છે, સમજે છે. પ્રિય, તું ખૂબ સારી રીતે જાણે છે કે તારા વિના મારી જીવનનાવ સરળતાથી આગળ ચાલી શકે તેમ નથી જ.
પણ હે પ્રિય,મારા આ મજબૂર પ્રેમથી મગરૂર થઇને એનો તું ગેરલાભ ન ઉઠાવીશ. તારી દરેક શરત મને મંજૂર છે. મને તારાવિના નહીં ચાલે એનો આજે હું અહીં જાહેરમાં સ્વીકાર કરું છું. આ મિથ્યા જગતમાં તારા વિના મારે બધું જ મિથ્યા છે.
“ તારા વિના મને જગ લાગે ખારો રે….” મીરાબાઇની જેમ હું યે આ ગાઇ શકું તેમ છું.
તારો વિરહ મને જેટલી અપસેટ કરી નાખે છે. તેટલુ અપસેટ બીજુ કોઇ કરી શકતું નથી. તારા વિરહનો પ્રતાપ મારા જીવનની એક એક ક્ષણમાં સંકળાયેલ છે,તાણાવાણાની જેમ વણાયેલ છે.હું બધું યે સહન કરી શકુ છુ. જો એક તારો સાથ મળે તો….
”બાકી તો યે દુનિયા અગર મિલ ભી જાયે તો કયા ?”
ના,ના, હે પ્રિય, હવે ઇંતજાર સહન નથી થતો. અને
“ઇંતજારકે એક એક પલકા બદલા લૂંગી”
એમ પણ હું નથી કહી શકતી.પ્રેમમાં બદલાની ભાવના તો પામર લોકો રાખે. એવો કુવિચાર મારા દિલમાં કેમ પ્રવેશે?
( જોકે અનેક કુવિચારો પ્રવેશે તો છે પણ છતાં કંઇ કરી શકું તેમ નથી..)
પણ હે પ્રિય, હવે તું મને વધુ તડપાવીશ નહીં. જીવનના ઘણા રસોનો વારંવાર અનુભવ કરાવવા બદલ હું તારી ઋણી છું ને રહીશ. લાગણીઓના લાખ લબાચાથી લથપથ થયેલી હું અત્યારે, આ પળે પણ તારી પ્રતીક્ષામાં તરફડી રહી છું. જળ વિનાની માછલીની જેમ ટળવળી રહી છું તારા વિરહમાં તારા પરનો ગુસ્સો ઘરની દરેક વ્યક્તિ પર અનાયાસે મારાથી નીકળી જાય છે. તારી ગેરહાજરીમાં મારા રૌદ્રરૂપના દર્શન ઘરમાં બધાને થાય છે. માટે હે પ્રિય,મને આમ તું વિરહવેદનામાં તડપાવીશ નહીં.કવિવર ટાગોરની પરમને પામવાની જે ઝંખના ગીંતાજલિમાં વ્યકત થઇ છે.એટલી જ ઉત્કટતા..પ્રબળ ઝંખના હું તારા માટે અનુભવી રહી છું.
તારા માટેના મારા પ્રેમના પુરાવા તો મારા ઘરની દરેક વ્યક્તિ આસાનીથી આપી શકશે.
પ્રિય, તો હવે તો તું મને તડપાવીશ નહી ને? પ્લીઝ…
”એક તું ના મિલી..સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ?” દુનિયા તો મારી પાસે છે..જરૂર છે ફકત તારી અને માત્ર તારી જ. કયારેક કયારેક તું તારી ઝલક દેખાડી જાય છે અને એ દિવસ મારા માટે ઉત્સવ બની જાય છે. કેમકે સામાન્ય રીતે દિવાળ, હોળી કે કોઇ પણ ઉત્સવ, તહેવારમાં તારા દર્શન દુર્લભ જ હોય છે. અને તારા વિના મારો દરેક તહેવાર વાંઝિયો બની જાય છે. એની શું તને જાણ નથી ? તારું આવવું, તારું દેખાવું એ મારે માટે અવસર બની રહે છે. મારે માટે તો તારી ઉપસ્થિતિ એ જ પરમ ઉત્સવનું ટાણુ. એ જ મારો તહેવાર. બાકી પ્રિય,તારા વિનાના ઉત્સવો મને હમેશા ફિક્કા જ લાગ્યા છે. (અને બીજાને પણ ફિક્કા લગાડયા છે..એ જુદી વાત છે.)
આ વિનંતિ…આજીજી હું હમેશા તને કરતી રહી છું.
”અરજી અમારી સુણજો પિયુજી….,આવજે તું મારા ધામમાં…”
પણ રે નિર્દય ,મારી અરજી તે હમેશા નિષ્ઠુર બનીને ફગાવી છે..
”દુનિયા રૂઠે તો ભલે રૂઠે,પણ તું ના રૂઠીશ મારા પ્રિય…” આ ક્ષણે પણ હું એ ગીત ગાતી તારા આવવાની દિશામાં નજર નાખતી બેઠી છું. મનમાં આશંકાનો ઓથાર છે.આજે તો તું આવીશ ને ?
અરે, મારી પ્રાર્થના ફળી કે? દૂરદૂરથી તારી ઝાંખી મને થઇ રહી છે.તારા પદરવને હું આટલે દૂરથી યે ઓળખી લઉ છું. મને તારા ભણકારા સંભળાઇ રહ્યા છે…ઓહ.. આખરે તું આવી. મારી અરજી સ્વીકારાઇ…અને તું આવી. બસ બસ હવે આ આનંદના અતિરેકમાં મારાથી આગળ નહી લખી શકાય.
આજ મારે આંગણે પધારશે મા ચંપાવાળી.. એ મારા વાલાજી આવ્યાની વધામણી રે…
એના દર્શન માત્રથી હરખાતું હૈયુ કેવું કેવું ગાઇ ઉઠયું છે નહીં ?
હાશ ! દોસ્તો, અંતે મારી કામવાળી બાઇ, મારી એકની એક કામવાળી.. ચંપા આવી ખરી !
આજ મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો ખરો. વધામણા..વધામણા. એને ચોખાથી વધાવું કે કંકુના છાંટણાં છંટાવું ?
મિત્રો,તમે તો એની પ્રતીક્ષા કરતા કરતા આ નથી વાંચી રહ્યા ને?
દોસ્તો, ચિંતા ન કરશો..જે આ લેખ બે વાર વાંચશે તે સૌને મને ફળ્યા તેમ જરૂર ફળશે.