વાત એક નાનકડી

વાત એક નાનકડી..

બે પંખીને મળવું  છે , પણ નથી મળાતું,

એક વળાંકે વળવું છે પણ નથી વળાતું. ..

 યૌવનના ઉંબરે પગ  મૂકતા જ દરેક યુવક,  યુવતીના  મનમાં એક અદીઠ રોમાંચ ઊછળતો હોય છે. આંખોમાં અનેક શમણાં ઝગમગી ઉઠે  છે.  હમસફરની કલ્પના બંધ આંખે ભીતરમાં પાંગરતી રહે છે. કુદરતનો એ સ્વાભાવિક ક્રમ છે. જેનાથી ગરીબ, અમીર કોઇ વંચિત નથી રહેતું. શમણાંને વળી ગરીબ શું ને તવંગર શું ? શમણાંની દુનિયામાં કોઇ ભેદભાવ નથી હોતા.

પરંતુ સાથે સાથે એક સત્ય એ પણ છે કે જીવનમાં દરેક શમણાં હમેશા સાચા નથી પડતા.

સપનાઓ માનવજીવનમાં રંગ ભરે છે રાતા,

તકદીરે જો લખ્યું હોય તો પડે છે કોક દિન સાચા..

અને સપનાઓ જયારે ખોટા પડે છે ત્યારે જો સાવાધાની ન વર્તાય તો માનવીને નિરાશાની ગર્તામાં ધકેલાઇ જતા વાર નથી લાગતી.

આવું જ કંઇક અનલ અને અર્ચિતા વચ્ચે બન્યું. બંને ભણેલા, ગણેલા અને સંસ્કારી ઘરના. આર્થિક રીતે પણ સમાન સ્તરના. જયારે બંનેના લગ્ન થયા ત્યારે આ લગ્નની સફળતા વિશે કોઇના મનમાં કોઇ આશંકા નહોતી. અનલ અને અર્ચિતાના લગ્નજીવનના પહેલા બે વરસ તો ખૂબ આનંદમાં સરસ રીતે વીતી ગયા. થોડા મતભેદ કદીક થતા પણ નવજીવનનની  શરૂઆતના આવા કોઇ મતભેદો  સામાન્ય રીતે નજર અન્દાજ થતા રહે છે. સદનસીબે બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. તેથી ઘર અને ઓફિસ બંને જગ્યાએ સાથે રહેવા મળતું હતું. બંને  પોતપોતાના કામમાં  વ્યસ્ત રહેતા  હતા.

આજે અર્ચિતા ખુશ ખુશાલ હતી. કેમકે આજે તેને પ્રમોશન મળ્યું હતું. પગારમાં પણ સારો એવો વધારો મળ્યો  હતો. ઓફિસમાં બધા અર્ચિતાને અભિનંદન આપતા હતા. અનલે પણ પત્નીને અભિનંદન તો આપ્યા. પણ તેના મનમાં ન જાણે કેમ કશુંક ખૂંચી રહ્યું હતું. હકીકતે આ પ્રમોશનની તે ઘણાં સમયથી રાહ જોઇ રહ્યો હતો. પણ તેને બદલે તેની પત્નીને મળ્યું.. અને તેથી તે પોતાની નારાજગી જાહેર કરી શકે તેમ પણ નહોતો.

તે સાંજે બધાએ અર્ચિતા પાસે પાર્ટીની ડીમાન્ડ કરી. અર્ચિતા એ ખુશી ખુશી પાર્ટી ની હા પાડી. અને બધું આયોજન કર્યું. પાર્ટીમાં સ્વાભાવિક રીતે જ તે દિવસે અર્ચિતાનું મહત્વ વધારે હોય. અનલ પણ પાર્ટીમાં સામેલ હતો અને બધાને આવકાર આપતો હતો.

પણ બીજાની ખુશી જોઇને  દુનિયામાં બધા લોકો ખુશ જ થાય એવું જરૂરી નથી હોતું.  ઇર્ષ્યાને લીધે બીજાની ખુશી સહન ન કરી શકતા લોકોની સંખ્યા કમનસીબે નાની સૂની નથી હોતી. આવા  વિઘ્ન સંતોષીઓ કોઇના આનંદમાં નાનકડી ચિનગારી સળગાવીને દૂર ખસી જતા હોય છે અને પછી  છાને ખૂણે આગ લાગવાની પ્રતીક્ષા કરતા હોય છે. બહારથી મિત્ર હોવાનો દંભ  કરતા આવા લોકોથી જો સાવધાન  ન રહેવાય  તો જીવનમાં કદીક મુશ્કેલી પણ ઉભી થઇ શકે.

અનલ, અર્ચિતાની ઓફિસમાં પણ આવા લોકોની કમી નહોતી. ચિરાગ નામનો એક કર્મચારી આવો જ વિઘ્નસંતોષી હતો. નામ તો તેનું ચિરાગ હતું. પણ  તેનું કામ બીજાના જીવનમાં રોશની ફેલાવવાનું નહીં પણ અન્ધકાર ફેલાવવાનું હતું. તેને  હતું કે આ જગ્યાએ પ્રમોશન તેને જ મળશે પણ એ મહત્વની જગ્યા અર્ચિતાને મળતા તે મનોમન  ધૂન્ધવાતો હતો. જોકે  કલીગ હોવાને નાતે બહારથી તો  ખુશ થવાનો દેખાવ કરીને અર્ચિતાને અભિનંદન આપતો હતો.

પાર્ટી સરસ રીતે ચાલી રહી હતી. ત્યારે ચિરાગે અનલને એક તરફ લઇ જઇને કહ્યું,

‘ યાર, તું નસીબદાર છે આવી હોંશિયાર, સ્માર્ટ પત્ની મળી છે તને. પણ એક વાત યાદ રાખજે..બી કેર ફુલ.. સ્માર્ટ પત્ની સારી પણ   સ્ત્રી જયારે  આપણાથી વધારે સ્માર્ટ હોય ત્યારે સાવધાન રહેવું જરૂરી બની રહે છે. અરે, આ જગ્યા માટે તારી લાયકાત કંઇ ઓછી હતી ? પણ આપણે કંઇ સ્ત્રી થોડા છીએ જેથી નખરા કરીને બોસને પટાવી શકીએ..એ વરદાન તો  ઇશ્વરે ફકત  સ્ત્રી ને જ આપ્યું છે. અલબત્ત હું અર્ચિતાભાભીની વાત નથી કરતો. આ તો જનરલ વાત થાય છે. તને પણ નથી લાગતું કે પ્રમોશન હમેશા સ્ત્રીને જ પહેલા મળે છે ?

આવી અનેક વાતો ચાલતી રહી. અનલને પણ પોતાને પ્રમોશન ન મળવાથી મનમાં થોડો કચવાટ તો હતો જ.. મનના કોઇ ખૂણે   નાનકડી આગ તો હતી જ ..એમાં ચિનગારી ચાંપવાનું કામ ચિરાગે કર્યું. આમ પણ  પોતાને ગમતી વાત માનવી આસાનીથી સ્વીકારી લેતો હોય છે. એ ન્યાયે અનલના મનમાં પણ આ વાત બેસી ગઇ. તેને લાગ્યું કે  અર્ચિતાને સ્ત્રી હોવાને લીધે જ આ પ્રમોશન મળ્યું છે અને તેને લીધે પોતાને અન્યાય થયો છે.

જોકે અનલે મોઢેથી કયારેય અર્ચિતાને કશું કહ્યું નહીં  પણ તેના વર્તનમાં જાણે અજાણે મનની વાતનો પડઘો પડતો રહ્યો. જોકે કદીક તેને એવું પણ લાગતું કે પોતે ખોટું કરી રહ્યો છે. એમાં અર્ચિતાનો કોઇ દોષ નથી. પણ સારા વિચારો ઝાઝા ટકતા નથી હોતા. ભીતરની ઘવાયેલી  લાગણી અવારનવાર ઉછાળા મારતી રહેતી.

એવામાં અર્ચિતાને  પૂરો એક મહિનો દેહરાદૂનમાં  ટ્રેનીંગ માટે જવાનું થયું. આ એક બહું સારી તક હતી. અને ભવિષ્યમાં એને લીધે એને સારો એવો ફાયદો થાય તેમ હતું. એથી  અર્ચિતા  સ્વાભાવિક  રીતે જ ખુશ હતી. તે હરખભેર તૈયારી કરવા લાગી.

અર્ચિતાની હોંશ જોઇ અનલને મજા ન આવી. એક મહિના માટે દૂર જવાનું છે છતાં અર્ચિતા કેટલી ખુશ છે. એને  પોતાની જરા યે  પડી નથી. એ તો બસ..પોતાની પ્રગતિનો જ વિચાર કરે છે..પોતે પાછળથી બધું કેવી રીતે મેનેજ કરશે એની જરા યે ચિંતા છે એને ?

બસ..આવા જ વિચારોમાં અનલ ખોવાયેલો રહેવા લાગ્યો. અને માનવીનું મન ..માનવીની દ્રષ્ટિ જયારે બદલાય છે ત્યારે બધી વસ્તુના અર્થ બદલાઇ જાય છે. નેગેટીવ દ્રષ્ટિ દરેક વાતનું અર્થઘટન નેગેટીવ રીતે જ કરતી હોય છે.  હવે અનલને નાની નાની વાતમાં અર્ચિતાની ખામી દેખાવા લાગી. અર્ચિતા હોંશથી પતિને વાત કરતી કે પોતે એક વાર આ ટ્રેનીંગ લઇ આવશે પછી એને  વધારે સારા ચાંસ  મળશે..વધારે આગળ અવાશે.. અને ભવિષ્યમાં પોતાના આવનાર બાળકને એક ઉજ્જવળ ભવિષ્ય આપી શકશે..આજકાલ  બાળકના ખર્ચા કંઇ ઓછા થોડા હોય છે ?  કેટલા પૈસાની જરૂર પડવાની..?   વગેરે વાતો  હોંશથી કરતી રહેતી. પોતાની હોંશમાં અનલ સામેલ નથી થતો એ એની જાણ બહાર જ રહી ગયું. આમ પણ એના મનમાં એવી કોઇ  વાત નહોતી.એ તો બિલકુલ સ્વાભાવિક  રીતે..સહજતાથી વાત કરતી હતી. અને હા, અનલ, પાછળથી તારે બીજી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મેં મંજુબેનને બધી સૂચના આપી દીધી છે. હું એક મહિનો નહીં હોઉં ત્યારે  તે રસોઇ અને બધું સંભાળી લેશે.જેથી તને કોઇ તકલીફ ન પડે. પરંતુ અનલે તેની  કોઇ વાતનો  જવાબ ન આપ્યો.

 જવાને આગલે દિવસે  જયારે અર્ચિતા બેગ ભરતી હતી ત્યારે  અનલનો ગુસ્સો બહાર આવી જ ગયો. તેનામાં રહેલો પતિ જાણે જાગી ઉઠયો. પુરૂષનો અહમ ઘવાયો અને તે સારાસારનું ભાન ભૂલી ગયો. એ ભભૂકી ઉઠયો. એણે  અર્ચિતાને કહી દીધુ..

આ  ટ્રેનીંગમાં જવાની કોઇ જરૂર નથી. તું ઓફિસમાં ના પાડી દે..એમ એકલા ત્યાં જઇને હોટેલમાં રહેવું.. ન જાણે કેવા માણસો હોય.અજાણી જગ્યાએ કેવા માણસો સાથે પનારો પડે..કોણ કેવું હોય કેમ ખબર પડે ? આજકાલ  સ્ત્રીઓની સલામતીના કેવા પ્રશ્નો હોય છે એનાથી તું કયાં  અજાણ છે ? આપણે એવી કોઇ જરૂર નથી.’

અર્ચિતા ડઘાઇ ગઇ. ‘ અનલ, આ કેવી વાત કરે છે તું ? એવા કોઇ ડરથી હું આવી તક છોડી દઉં ? અને મને મારો ખ્યાલ રાખતા મને આવડે છે. મને મારી જવાબદારીનું પૂરું ભાન છે. પછી તો ઘણી  ચર્ચાઓ ચાલી. બેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નહોતા. આવી ચર્ચામાંથી કદી સારા પરિણામ નથી નીપજતા હોતા.. .

અર્ચિતાને ખ્યાલ આવી ગયો કે અનલ શા માટે ના પાડે છે.. એની મનોવૃતિની જાણ થઇ ગઇ. તેણે કહયું,

અનલ, હું ફકત એક પત્ની  જ નથી. હું એક સ્ત્રી છું..અને એક સ્ત્રી તરીકે  મારું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. મારી પોતાની ઇચ્છાઓ, સપનાઓ છે. આ કોઇ નારીવાદની વાત નથી. આઇ એમ સોરી ટુ સે..પણ આ તારી અંદરનો પુરૂષ બોલે છે.. જે આજે પણ સ્ત્રીને પોતાનાથી ઉતરતી ગણે છે. તારા સપના પૂરા ન  થાય ત્યારે તને કેવું લાગે ? અને મારા સપના પૂરા ન થાય તો ચાલે એમ જ ને ? તારા સપના પૂરા કરવા માટે તું ગમે તે કરી શકે.. અને મને બંધન ? ના..અનલ, મને એ મંજૂર નથી. મારી પહેચાન ફકત તારી પત્ની તરીકેની નથી..  હું  પહેલા એક સ્ત્રી છું અને પછી જ તારી પત્ની..હા, પત્ની તરીકે હું મારી ફરજ  ચૂકવા નથી માગતી. પણ આજે આ તક જવા દેવા હું  તૈયાર નથી. સોરી..તારો આ દુરાગ્રહ મને મંજૂર નથી. તારે જે વિચારવું હોય તે વિચારી શકે છે. આ તક મને મારી કાબેલિયતને લીધે મળી છે. અને એ તક તને મળી હોત તો હું ખુશ ન થાત ? તો મને તક મળી તો તું કેમ ખુશ ન થઇ શકે ? બદલાતા સમયની સાથે અનલ, પુરૂષે બદલાવું જોઇએ એવું તને નથી લાગતું ? અનલ, પ્લીઝ શાંતિથી મારી વાત વિચારજે.. અત્યારે તું આવેશમાં છે. કયાંક ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય આપણી જિન્દગી બરબાદ ન કરી નાખે.  હું એક મહિના પછી પાછું આવું છું ત્યાં સુધી તું શાંતિથી, સ્વસ્થ મને તારી જાતને મારી જગ્યાએ મૂકી જોજે .. અને પછી વિચારજે..

અને  અર્ચિતા શાંતિથી બેગ ભરવા લાગી. અનલ વિચારમાં ડૂબી ગયો. કદાચ એની સામે કોઇ નવી ક્ષિતિજ ઉઘડી રહી હતી..

 ( શીર્ષક પંક્તિ.. ચન્દ્રકાંત શેઠ )

સંદેશમાં પ્રકાશિત કોલમ

સાવકી મા..

સાવકી મા…..

 

’  ભાઇવાળી મોટી ન જોઇ હોય તો..બેસ હવે હેઠી. આખો દિવસ ભાઇ ભાઇ કહી એની પાછળ ફર્યા કરે છે. કંઇ ભાન તો પડતી નથી. ‘

ફૈબાની વાત કંઇ ન સમજાતા નવ  વરસની પલક ચૂપચાપ ફૈબા સામે જોઇ રહી.

જોકે પછી ફૈબાને થયું.

’ આ બિચારી છોકરીનો શું વાંક ? એ શું સમજે ? એને શું ભાન પડે ? પણ મારે તો મા વિનાની આ છોકરીનું હિત વિચારવું રહ્યું ને ? ‘

અને ફૈબા પોતાની જવાબદારી ન  નિભાવે તેવું તો બને જ નહીં ને ? સાવકી માના પનારે પડેલી આ છોકરીને તે દિલથી ચાહતા હતા. મરતી વખતે ભાભીએ તેને જ જવાબદારી સોંપી હતી ને ?

‘ બહેન, મારી નમાયી દીકરીનું તમે ધ્યાન રાખશોને ? ‘

 

ભાભીના ગયા પછી પોતે બે મહિના ભાઇ સાથે રહી હતી. પરંતુ અંતે તો પોતાને ઘેર ગયા વિના કેમ ચાલે ?  જતી વખતે પલકને પોતાની સાથે લઇ જવાની ખૂબ જીદ કરી હતી. પરંતુ ભાઇ એક નો બે ન થયો.

 

’ બેન, પલકને સહારે તો મારે હવે જિન્દગી કાઢવાની  છે. એને લઇ જઇશ તો હું સાવ એકલો…અનાથ બની જઇશ. ‘

 

 પછી  બધાના સમજાવવાથી એક વરસમાં  ભાઇએ  બીજા લગ્ન કર્યા  હતા. ભાઇએ બીજા લગ્ન કર્યા તેની સામે તો બહેનને કોઇ વાન્ધો નહોતો. પરંતુ  એક તો ભાઇએ પોતાને પૂછયા વિના જ લગ્નનો નિર્ણય લીધો.  અને તે પણ ચાર વરસના દીકરાની મા સાથે. રમ્યા ભાઇની ઓફિસમાં જ કામ કરતી હતી. અને વિધવા હતી. શશાંક અને રમ્યાએ સાથે મળીને ખૂબ વિચાર્યા બાદ  આ નિર્ણય લીધો હતો.   લગ્ન કોર્ટમાં જ કર્યા હતા. ત્યારે મોટીબહેનના પતિની તબિયત થોડી સારી ન હોવાથી તે નહોતી આવી શકી. પછી તેની વહુને ડીલીવરી આવી.  બહેન એક પછી એક સંજોગોમાં ફસાતી રહી. તેથી લાખ ઇચ્છા છતાં જલદી  આવી શકી નહીં. હવે છેક  છ મહિને ભાઇને ઘેર આવી શકી હતી.

સાવકી મા ગમે તેટલી સારી હોય પણ પારકા જણ્યાને પોતાનાની જેમ થોડા સાચવી શકવાની હતી ? પુરૂષને બિચારાને શું ખબર પડે ? અને તે વળી ઘરમાં  કેટલો સમય હોય ?  આને તો વળી  આગલા ઘરનું પોતાનું છોકરું પણ છે. અને તે યે વળી દીકરો. પછી આ બિચારી છોકરીના ભાવ કોણ પૂછવાનું હતું ? પલકનું બિચારીનું શું થતું હશે એ વિચારી વિચારીને મોટીબહેન દુ:ખી થઇ રહેતી. હવે પોતાના સંસારમાંથી થોડી નવરાશ મળતાં તે પલક માટે થઇને દોડી આવ્યા હતા.   આવતાની સાથે જ પલકનો હવાલો પોતે સંભાળી લીધો હતો. રમ્યા મનમાં સમજી ગઇ. પરંતુ કશું બોલી શકી નહીં.

પલકને  નાનકડો લવ્ય  ખૂબ વહાલો હતો. રમ્યા કયારેય ભાઇ બહેન વચ્ચે કોઇ ભેદભાવ રાખતી નહીં. તેના મનમાં એવો કોઇ વિચાર પણ કયારેય આવ્યો નહીં કે  પલક પારકી છે. ભાઇ બહેન વચ્ચે નિર્વ્યાજ  સ્નેહ પ્રગટી રહે તેવા જ તેના પ્રયત્નો રહેતા. લવ્યના આવ્યા પછી પલક ખુશખુશાલ રહેતી. આ નાનકડો ભાઇલો કેવો તેની પાછળ પાછળ ફર્યા કરતો. તેને દીદી કહીને બોલાવતો. અને પોતે જે કરે  તેની  કોપી કર્યા કરતો. સાવ બુધ્ધુ છે. કંઇ ખબર નથી પડતી. ભાઇ બહેન આખો દિવસ સાથે જ ફર્યા  કરતા. પલક લવ્યનું ખૂબ ધ્યાન રાખતી. પણ  ફૈબા માટે તો લવ્ય પારકો જ હતો. એ કંઇ પોતાના ભાઇનો દીકરો થોડો હતો ? અને આ રમ્યા જબરી લાગે છે. પહોંચેલી માયા દેખાય છે. પોતાની હાજરીમાં કેવું મીઠું બોલે છે. પણ બાઇ, મેં આખી દુનિયા જોઇ છે. હું કંઇ એમ છેતરાઉં તેમ નથી. તારા શબ્દોથી ભરમાય એ બીજા…આ મોટીબહેન તો બધા સ્ત્રીચરિત્ર જાણે.  બારીક નિરીક્ષણ કરવા છતાં પણ રમ્યાનો કોઇ વાંક જલદી શોધી ન શકાતા ફૈબાને થયું પલકને જ સમજાવવી પડશે. નહીતર પોતે જશે પછી આ છોકરી હેરાન જ થવાની. બાપ આખો દિવસ ઓફિસમાં અને ઘેર સાવકી મા..અને સાવકો ભાઇ. ફૈબાનું દિલ કરૂણાથી ઉભરાઇ આવ્યું. ભીની આંખો લૂછી તેણે પલકને પોતાની પાસે બોલાવી ખોળામાં બેસાડી. રમ્યા  કશુંક લેવા બજારમાં  ગઇ હતી. અને લવ્ય  ઉંઘી ગયો હતો.

‘ જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળજે ને સમજજે.. બેટા, હવે તારે આ ઘરમાં ધ્યાન રાખીને રહેવાનું છે. ‘

’ શેનું ધ્યાન ફૈબા ? ‘

’ અરે, મારી ભોળી દીકરી…તને કેમ સમજાવવી ? તું માને છે તેવી દુનિયા સરળ નથી. અહીં તો જીવવા માટે, પોતાના હક્ક માટે જાતજાતના ખેલ કરવા પડતા હોય છે. બેટા, એ બધું તને કેમ સમજાવવું ? સાવકી માના સાચા ચહેરાને ઓળખવો કંઇ સહેલો છે ?

ફૈબા એકલા એકલા ગણગણી રહ્યા.

પલકને કશું સમજાયું નહીં. ફૈબા આ બધું શું બોલે છે ? અને ફૈબા  મમ્મીને સાવકી મા એવું કેમ કહ્યા કરે છે ? સાવકી મા એટલે વળી શું ?’

’ બેટા, આ મમ્મી તારું ધ્યાન રાખે છે ? તને મારતી તો નથી ને ? ‘

’મમ્મી વળી શું કામ મારે ? એ તો ધ્યાન જ રાખેને..પોતાને કેટલું વહાલ કરે છે. મમ્મી તો બધાને ગમતી જ હોય ને ? ફૈબા આમ કેમ પૂછે છે ?

‘ હા, ફૈબા, મમ્મી મને ખૂબ ગમે છે. મારો નાનકડો ભાઇલો લવ્ય તો મને બહું વહાલો છે. ‘

‘ જો બેટા, તારે છે ને ધ્યાન રાખીને રહેવાનું. આ મમ્મી છે એ કંઇ તારી સગી મા   નથી. અને આ લવ્ય  કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? ‘

‘ કોણ લવ્ય ? ના, ફૈબા પપ્પાએ જ મને કહ્યું છે કે લવ્ય તારો ભાઇ છે. ‘

 ત્યાં સૂતેલ ચાર વરસના ભાઇને સ્નેહથી નીરખતી પલક બોલી ઉઠી.

‘ અરે રે,આ  અબૂધ છોકરીને કેમ સમજાવવી ? આ  બાઇ પહેલા પોતાના છોકરાનું વિચારશે કે આ નમાયી પારકી છોકરીનું ? હવે આ ધીમેધીમે પોતાનું પોત પ્રકાશશે  અને આ બિચારી છોકરીને માથે દુ:ખના વાદળો આવવાના જ. આ માસૂમ તો કંઇ સમજવાની નહીં. પાછો પોતાનો દીકરો છે ને આ તો છોકરીની જાત.  અને તે પણ સાવકી…બીજી શું આશા એની પાસેથી રાખી શકાય ?  પોતે આવા દાખલા ઓછા જોયા છે ?  ફૈબા મનોમન પોતે જોયેલ ઉદાહરણો યાદ કરી રહ્યા. અને જીવ બાળતા રહ્યા.

 પોતાનો ભાઇ તો સાવ ભગવાનનું માણસ..જોને આ છોકરો જાણે પોતાનો સગો દીકરો હોય એમ જ એને ચાગ કરે છે ને ? આમાં બિચારી છોકરીનું કોણ બેલી ?  હજુ નવું સવું છે ત્યાં સુધી સારી રીતે સાચવશે. આ ભણેલા તો બહું ઉંડા હોય. અંદર જુદા ને બહાર જુદા. મન કળાવા જ ન દે ને…આપણી જેમ કંઇ જેવા હોય એવા ન દેખાય..

પણ પોતે કરી યે શું શકે ? પલકને  પોતાની સાથે લઇ જાય..પણ ભાઇ ચોખ્ખી ના જ પાડી દેવાનો..

છોડીને નશીબ ઉપર જ છોડી દેવાનીને ? ફૈબા મૂંઝાઇ રહ્યા.

પણ ફરી એકવાર પલકને સમજાવવાની કોશિશ કરવાનું તો ન જ ચૂકયા.

’ જો બેટા, આ ..શું નામ..લવ્ય ને ? ‘

’ જો એ કંઇ તારો સગો ભાઇ નથી શું સમજી ? અને આ તારી મા છે ને એ કંઇ તારી સગી મા નથી. એ તારી સાવકી મા છે.’

ફૈબાએ વહેવારનો એકડો ઘૂંટાવવો શરૂ કર્યો.

’ સાવકી મા ? કોણ ? મારી મમ્મી ? ‘

’ હવે રાખ..મમ્મી શાની ? તારી મમ્મી તો કયારની ઉપર ભગવાન પાસે પહોંચી ગઇ છે.

ફૈબાના અવાજમાં થોડી ભીનાશ તો ભળી..પરંતુ ન જાણે  કેમ પલકને સ્પર્શી નહીં.

ફૈબા ફરીથી પલકને સમજાવવામાં વ્યસ્ત થઇ ગયા.

થોડાં દિવસ પછી ફૈબા ગયા ત્યારે પલકને બીજું કશું તો નહીં પરંતુ  સાવકી માનો અર્થ સમજાઇ ગયો હતો. અને લવ્ય પોતાનો સગો ભાઇ નથી..અને હવે પોતાને આ નવી મમ્મી મારશે એવું બધું સમજાઇ ચૂકયું હતું. ફૈબા બિચારા પોતાની ફરજ બજાવી રડતી આંખે વિદાય થયા.

પલકનું બાળમાનસ ભયંકર ગૂંચવાડામાં પડયું હતું. ફૈબા કહેતા હતા એવું કશું દેખાતું તો નહોતું..પણ ફૈબા ખોટું થોડું બોલે ?  પોતાની મમ્મી ઉપર ભગવાન પાસે હમેશ માટે ચાલી ગઇ હતી એવું તો પહેલાં પણ બીજા કોઇક પાસેથી સાંભળ્યું હતું.

તો પછી શું ફૈબાની વાત સાચી હશે ? મમ્મી હવે મને દુ:ખ આપવાની ? ખાલી લવ્યનું જ ધ્યાન રાખવાની ? લવ્ય  મારો સગો ભાઇ નથી ? સાવકો અને સગો બે જુદા જુદા ભાઇ હોતા હશે ? હવે પૂછવું કોને ? પપ્પાને કે મમ્મીને પૂછવાની કે કશું કહેવાની ફૈબાએ ના પાડી છે. ફૈબાએ કહ્યું છે કે મમ્મી શું કરે છે તે બધું બરાબર જોતી રહેજે. જમવામાં પણ લવ્યને શું આપે છે ને તને શું આપે છે તેનું ધ્યાન રાખજે. તારે જ લવ્યનું બધું કામ કરવું પડશે..લવ્યની ગુલામ થઇને રહેવું પડશે. ગુલામ એટલે શું ? એ પણ ફૈબાએ સમજાવ્યું હતું.

પલક મનોમન ધ્રૂજી ઉઠી. એમાં એક દિવસ કોઇક ટી.વી.માં કોઇ જૂના પિકચરમાં સાવકી માને દીકરીને મારતી જોવામાં આવી ગયું. અને પલકના હોશહવાસ ઉડી ગયા. બસ હવે થોડા દિવસોમાં પોતાના હાલ પણ આવા જ થવાના.

હસમુખી, ચંચળ પલક ઉદાસ રહેવા લાગી. હવે એ લવ્યનું ધ્યાન રાખતી નથી. લવ્યને હેરાન કરવાની એક પણ તક ચૂકતી નથી. લવ્ય ‘ દીદી દીદી’  કરતો એની પાછળ ફરે છે. પણ પલક પહેલાની જેમ એને વહાલ કરવાને બદલે  એનાથી દૂર જ ભાગે છે.

આજે પણ એવું જ થયું.

‘ દીદી, કરતો લવ્ય પલક પાછળ દોડી રહ્યો હતો. પલકના હાથમાં રહેલ રંગીન ક્રેયોનનું બોક્ષ  લેવા મથી રહ્યો હતો. પહેલા તો પલક હોંશે હોંશે ભાઇલાને આપી દેતી હતી. પરંતુ હવે સાવકા ભાઇને કેમ આપે ?

નાનકડા લવ્યએ દીદીના હાથમાંથી ક્રેયોન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. પલકે ગુસ્સામાં આવીને લવ્યને ધક્કો માર્યો. લવ્ય પડી ગયો. અને રડવા લાગ્યો. રમ્યા શાક સમારતી ત્યાં જ બેઠી હતી. તેણે જોયું કે પલકે લવ્યને ધક્કો માર્યો.

તેણે સ્વાભાવિક રીતે જ પલકને ઠપકો આપ્યો’ ભાઇને આમ મરાય ? બેટા, તું તો મોટી છે. ભાઇને સોરી કહી દે.’

’ નહીં કહું સોરી..’ કહી પલક ત્યાંથી ભાગી ગઇ.

રમ્યા સ્તબ્ધ. પલક કયારેય આવું તો નહોતી કરતી. તે વિચારમાં પડી ગઇ.નક્કી આમાં ફૈબાનો જ હાથ..ફૈબા જૂનવાણી હતા. અને આખો વખત પલક સાથે કંઇક ઘૂસપૂસ કર્યા કરતા. પોતે આવી ચડે તો વાત બદલી નાખતા હતા. આ નિર્દોષ છોકરીના મનમાં કશુંક ભરાવ્યું છે તે ચોક્કસ. નહીંતર પલકને લવ્ય કેટલો વહાલો હતો. હમણાંથી પલક ‘ મમ્મી મમ્મી ‘ કરતી પોતાની પાસે પણ આવતી નથી. એનો ખ્યાલ પણ અચાનક રમ્યાને આવ્યો. આનો ઉપાય કરવો જ રહ્યો. શું કરવું તે રમ્યા વિચારતી રહી.

પણ હજુ રમ્યા કશું વિચારે તે પહેલા જ….

તે દિવસે રવિવાર હતો. પલકને થોડા શરદી, ઉધરસ થયા હતા. રમ્યાએ લવ્યને કેળુ આપ્યું. પલકને પણ કેળુ ખૂબ ભાવતું હતું. સામાન્ય રીતે તો રમ્યા રોજ બંનેને સાથે જ આપે. પરંતુ આજે પલકને શરદી હોવાથી તેણે પલકને ના પાડી. અને પલકને ભાવતો લાડુ આપ્યો. પલકે જોયું કે ભાઇને  કેળુ આપ્યું અને પોતાને ના પાડે છે. તેને ફૈબાની વાત યાદ આવી ગઇ.

તે કશું બોલ્યા સિવાય ઉપર ભાગી ગઇ. રમ્યાને થયું. પોતે કૂકર મૂકીને  હમણાં ઉપર જશે. અને પલકને મનાવી લેશે.

ત્યાં લવ્ય દીદીની પાછળ તેને કેળુ આપવા ઉપર  ગયો.

‘દીદી, કહી તેણે પોતાનો નાનકડો હાથ પલક તરફ લંબાવ્યો. પલક ગુસ્સામાં હતી. તેણે લવ્યને જોશથી ધક્કો માર્યો. લવ્ય દાદર પાસે જ હતો. રમ્યા બરાબર દાદર પાસે પહોંચી હતી. પલકને મનાવવા ઉપર આવતી હતી. ત્યાં…

લવ્યને દાદર પરથી ગબડતો જોઇ રમ્યાની ચીસ નીકળી ગઇ. શશાંક પણ દોડી આવ્યો. રમ્યાએ લવ્યને ખોળામાં લીધો. લવ્યના કપાળ ઉપરથી લોહીની ધાર વહેતી હતી. શશાંકે તુરત ડોકટરને બોલાવ્યા.

આટલું બધું લોહી અને ડોકટરની ધમાલ જોઇ પલક ગભરાઇ ગઇ હતી. પોતે ભાઇલાને  આ શું કરી નાખ્યું ?  તેને એ પણ ખબર પડી ગઇ હતી કે મમ્મીએ પોતાને લવ્યને ધક્કો મારતા જોઇ લીધી છે. હવે પોતાને….

તે ધ્રૂજી ઉઠી.

સદનશીબે લવ્ય બચી ગયો હતો.  કપાળ ઉપર બાર ટાંકા  લેવા પડયા હતા. લવ્યના કપાળ પર પટ્ટી બાન્ધેલી જોઇ પલક એક ખૂણામાં ગુનેગારની જેમ ઉભી હતી. તેને મનોમન રડવું આવતું હતું.

અચાનક શશાંકે  રમ્યાને પૂછયું,

’ પણ લવ્ય  પડી કેમ કરતાં ગયો ? ‘

બસ..પૂરું…. હમણાં મમ્મી પોતાનું નામ લેશે. અને પછી….

 પલક સામે જોતી રમ્યાએ ધીમેથી જવાબ આપ્યો.

’ તમને તો ખબર છે. લવ્ય કેટલો તોફાની છે. પલક તેને રમાડતી હતી ત્યાં ભાઇ સાહેબ ગબડી પડયા.

પલક સાંભળી રહી.

તે રાત્રે પલક ધીમેથી મમ્મી પાસે આવી.

’ મમ્મી,’

 તે ધીમેથી કશું બોલવા  જતી હતી. ત્યાં રમ્યાએ તેને વહાલથી ખોળામાં લીધી.

પલક મમ્મી કહી મોટેથી રડી ઉઠી

( akhand ananad )

 

 

 

 

શિવાજી…

સુહાગરાત….સાંવરીના રૂંવે રૂંવે જવાળા પ્રગટી હતી. ઘવાયેલી સિંહણની માફક તે ઓરડામાં આંટા મારી રહી હતી. માંગમાં પૂરાયેલ સિંદૂર જાણે તેની હાંસી ઉડાડતું હતું. અન્ય યુવતીઓની માફક આ ક્ષણના કોઇ શમણાં તેની આંખોમાં અંજાવા નહોતાં પામ્યાં. કે એક નવોઢાનો કોઇ રોમાંચ તેના અસ્તિત્વમાં ઉભર્યો નહોતો. એક કળીના ફૂલમાં પરિણમવાની આ પળ નહોતી. ફૂલ બનીને મઘમઘી ઉઠે તે પહેલાં જ કળી પીંખાઇ ગઇ હતી. એ પીંખનારને પોતે કયારેય માફ કરી શકે તેમ નહોતી..કયારેય નહીં. કમનશીબે આજે તે એની જ પરણેતર બની હતી. પરંતુ તેથી શું ? પતિનો દરજ્જો એને પોતાની પાસેથી પ્રાપ્ત નહીં જ થાય. સાંવરીને એ કદી પામી નહીં શકે. ભલે રોજ રોજ એના પર બળાત્કાર થાય. કાનૂનના, સમાજના પરવાના સાથેનો બળાત્કાર… સાંવરીના સમગ્ર અસ્તિત્વમાં એક ચિત્કાર…આક્રોશ…

શિવાજીને સંભળાવવાની અનેક વાતો તેના મનમાં ઘૂમરાતી હતી. તે દિવસે ભલે પોતે તેનો સામનો ન કરી શકી..આજે જરૂર કરશે..તેની પાસે જવાબ માગશે.. વિચારોના વંટોળમાં અટવાયેલી સાંવરીને શું કરવું અને શું ન કરવું તેની સૂઝ નહોતી પડતી. શિવાજી હવે તેનો પતિ હતો. એ તેની મજબૂરી હતી. બાપની સમજાવટ, નાની બહેનનો વિચાર અને માની આંસુભીની આજીજી…..આ બધાએ તેને લગ્ન માટે પીગળાવી હતી. બાકી એક બળાત્કારી સાથે તે કયારેય….. જે વ્યક્તિ માટે અંતરમાં ભારોભાર નફરત હતી. એ નફરત ચોરીના ચાર ફેરા ફરવાથી, કે ચપટી સિન્દૂરથી મટી શકે તેમ નહોતી.

મા બાપ તો કહેતા હતા કે પોતે નસીબદાર હતી. બાકી મુખી ન માન્યા હોત અને શિવાજી ફરી ગયો હોત..ગુનો કબૂલ ન કર્યો હોત તો પોતાની એવી હેસિયત કયાં હતી કે શિવાજીને સજા અપાવી શકે ? શણગારાયેલ ઓરડામાં આંટા મારતી સાંવરીના મનમાં ઘડીક વિષાદના વાદળો ગરજતા હતા….તો ઘડીકમાં આક્રોશની આંધી ઉમટતી હતી.

બરાબર ત્યારે જ શિવાજી ધીમા પગલે ઓરડા તરફ વળ્યો. પગ સાથ નહોતા આપતા. ગતિ ધીમી પડી હતી. તેની આંખોમાં પણ સુહાગરાતના કોઇ શમણાં ઉજાગર નહોતાં થયાં. કયા મોંએ પોતે સાંવરીનો સામનો કરશે ? સાંવરીની આંખોમાં પોતાને માટે કેવી નફરત હશે એનાથી તે અજાણ નહોતો.

શિવાજી મનોમન થરથરી રહ્યો. સાંવરીની માફી પણ કયા મોંએ માગે ? ઓરડાની નજીક પહોંચતા તો આખા અસ્તિત્વમાં ધ્રૂજારી…બારણા પાસે આવ્યો. પગ થંભી ગયા. એક અવઢવ…થોડી ક્ષણો એમ જ વીતી. અંતે અંદર પ્રવેશવાની હિંમત એકઠી કરી હળવેથી, ચોરપગલે ઓરડામાં દાખલ થયો. સાંવરી તેના નજીક આવવાની રાહ જોઇ રહી. જાણે શિકાર પર તરાપ મારવા તૈયાર બેસેલી સિંહણ…તે દિવસે પોતે હારી હતી..આજે નહીં હારે. શિવાજી હવે તેને માટે જિંદગી આખી તડપશે.પરંતુ સાંવરી તેને કયારેય નહીં મળે. તેનું સમગ્ર ધ્યાન શિવાજીની હિલચાલ પર કેન્દ્રિત થયું. તિરસ્કારયુકત શબ્દોના અનેક તીર ભાથામાં તૈયાર હતા.પણ……

પણ….શિવાજી પલંગ પાસે આવવાને બદલે બારી પાસે જઇને ઉભો રહ્યો. આકાશમાં ન જાણે કોને તાકી રહ્યો…સાંવરી તેના નજીક આવવાની પ્રતીક્ષા કરી રહી. પાસે આવે એટલી જ વાર…

થોડીવારે શિવાજીએ તેની સામે નજર કરી. કશુંક બોલવા ગયો.પણ શબ્દોએ સાથ ન આપ્યો. સાંવરી સામે આંખ ન માંડી શકયો. આંખો ભીનાશથી તગતગી ઉઠી. તેણે ધીમેથી એક ઓશીકું લીધું…ત્યાં પડેલ સોફા પર લંબાવ્યું.

’ લાઇટ બંધ કરું ? તું તારે સૂઇ જજે..કોઇ ભય રાખ્યા સિવાય.. મારો અપરાધ માફીને લાયક નથી એ હું જાણું છું. તેથી માફી નથી માગતો. તું ઇચ્છે એ સજા કરી શકે છે. તારી સજાની હું પ્રતીક્ષા કરીશ….અત્યારે તું થાકી છે..સૂઇ જા….’

એવા તો રોતલ શબ્દો હળવેથી સર્યા કે…..સાંવરી સ્તબ્ધ..ભભૂકતા રોષને હવે વાચા કેમ આપવી એ સમજાયું નહીં. આ તો ધારણાથી વિપરિત હતું…સાવ જ ઉલટું. ખાસ્સીવાર સાંવરી એમ જ બેસી રહી. હવે શું કરવું તે સમજાયું નહીં. મનની આગ બહાર નીકળવાને બદલે અંદર જ ધધકતી રહી.

ખેર! પછી વાત..દિવસોનો કયાં દુકાળ છે ? હવે તો આ ઘરમાં જ રહેવાનું છે ને ? જશે કયાં ? હું કંઇ બધું ભૂલી જાઉં તેમ નથી. સજા તો જરૂર થશે જ. ‘

આખી રાત સાંવરી રોષથી ફૂંગરાતી રહી….તો શિવાજી અસહ્ય અજંપામાં તરફડતો રહ્યો હતો.

આજે જેલની અંતિમ રાતે શિવાજીના અંતરમાં સુહાગરાતનું એ દ્રશ્ય ફરી એકવાર ડોકિયા કરી રહ્યું હતું. તે દિવસની માફક આજે પણ આંખમાં ઉંઘનું કોઇ કણસલું ડોકાયું નહીં. એક અજંપો…અતીતનો ઓથાર…..

કાલે…કાલે પોતે કયાં જશે ? ઘેર ? ના..સાંવરીની આંખમાં ઉભરતી નફરત જોવી હવે બહું વસમી લાગે છે. એના કરતાં એ ભલે શાંતિથી પોતાની રીતે રહે. પૈસા, મકાન બધું એના નામે કરી દીધું છે. તેથી એને કોઇ તકલીફ નહીં પડે. એક બળાત્કારી અને હવે તો… ખૂની પણ ખરો…એવા પતિથી કઇ સ્ત્રી છૂટકારો ન ઝંખે ? એમાં સાંવરીનો દોષ કોઇ રીતે કાઢી શકાય તેમ નથી.

શિવાજીની આંખે ઝળઝળિયા છલકી રહ્યાં. એ જળમાં અતીતના અનેક પ્રતિબિંબો…
શૈશવથી માના પ્રેમને સતત ઝંખતો શિવાજી… ઘરમાંથી હરદમ હડધૂત થતો..હડસેલાતો એક શિશુ એટલે શિવાજી..કમનશીબે અતિ સંવેદનશીલ…પણ બહારથી બિલકુલ રુક્ષ, પોતાની અંદર સતત ચાલતા રુદનની કોઇને કલ્પના પણ ન આવે તે માટે સતત જાગૃત શિવાજી..અને તેથી જ ખૂબ કઠોર દેખાવાના પ્રયત્નોમાં કચાશ ન રાખતો શિવાજી…
કોઇ કૂતરું શાંતિથી સૂતું હોય અને સાથે મિત્રો હોય કે કોઇ પણ જાણીતી વ્યક્તિ હોય તો બાર વરસના શિવાજીની લાત કૂતરાને લાગી જ હોય..કે પથ્થરનો ઘા એ કૂતરા કે ગાય તરફ થયો જ હોય. પણ એકલો હોય અને કોઇ જોતું ન હોય ત્યારે ઘરમાંથી ખાવાનું લાવીને એ કૂતરાને પ્રેમથી ખવડાવતા કે પંપાળતા શિવાજીને ખુદ પોતે પણ કયાં ઓળખતો હતો ?

પોતે કોઇથી ડરતો નથી..સાવકી માના ત્રાસથી તો બિલકુલ નહીં…એ દેખાડવા મથી રહેતો શિવાજી અંદરથી કેટલો ડરપોક હતો..એ ઇશ્વર સિવાય કોઇ જાણતું નહોતું. શૈશવમાં પાંચ વરસની ઉંમરથી સાવકી મા મારતી કે ડામ દેતી એ જખમ તેના શરીર પર આજે પણ મોજુદ હતા. પૂરા સાત વરસ સુધી અર્ધભૂખ્યા રહી શિવાજી માના હાથનો માર ખાતો રહ્યો. વહાલ માટે ઝંખતો એક શિશુ સતત હડધૂત થતો રહ્યો. બાપ મુખીપણામાંથી કયારેય ઉંચો ન આવતો. માના ભયથી કોઇ વાત બાપને કહેવાની હિંમત બાળક શિવાજીમાં નહોતી.
પરંતુ એક દિવસ…. સાવકી માએ મારવા માટે લાકડી ઉગામી ત્યારે બાર વરસના કિશોર શિવાજીમાં અચાનક ન જાણે કયાંથી હિંમત આવી ગઇ. માએ ઉગામેલ હાથ એક ઝાટકા સાથે પકડી, તેના હાથમાંથી લાકડી ખૂંચવી એ જ લાકડીથી સાવકી માને ધડાધડ ઝૂડી કાઢી.. ન જાણે શિવાજીને શું ઝનૂન ચડયું.. બસ..તે દિ’ ની ઘડી ને આજનો દિ…. હવે મા એનાથી ડરતી. બાર વરસનો શિવાજી હવે ભારાડી ગણાવા લાગ્યો.

પરંતુ રાત્રિના અંધકારમાં શિવાજીનું સાચું પોત પ્રગટતું. દિવસના ઉજાસમાં માથાભારે લાગતો શિવાજી રાતના અંધકારમાં બની રહેતો એક ગભરૂ કિશોર..જે કોઇના ચપટી વહાલ માટે વલવલતો રહેતો. રોજ રાતે એ ભારાડી છોકરો ભીની આંખે આસમાન સામે તાકી રહેતો અને દૂર દૂર દેખાતા કોઇ તારામાં પાંચ વરસની ઉંમરે ગુમાવેલ માને શોધવા મથી રહેતો કે કયારેક ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠતો.

ધીમે ધીમે તેના ભારાડી સ્વરૂપની છાપ વધુ ને વધુ દ્રઢ થતી ગઇ. દિવસે દિવસે શિવાજી બહારથી વધારે ને વધારે રૂક્ષ બનતો ગયો. પોતે કોઇથી ડરતો નથી, પોતાને કોઇની પરવા નથી એ સાબિત કરવા તે સતત મથી રહેતો. એક અબોધ કિશોર ધીમે ધીમે પોતાની પણ જાણ બહાર માથાભારે યુવકમાં પરિણમતો ગયો. મુખીનો દીકરો હોવાને નાતે તેની આસપાસ અનેક સાથીદારો ઘૂમતા રહેતા. જે શિવાજીને ઉશ્કેરતા રહેતા.

આખ્ખા યે સમાજ પ્રત્યે વિદ્રોહની જવાળા તેના અંગેઅંગમાં સળગતી રહી. તેના મિત્રો..સાથીદારો તેનો ભરપૂર લાભ ઉઠાવતા. શિવાજીને કોઇ વાતની ચેલેન્જ કરો..પડકાર ફેંકો..એટલે સારા, ખરાબ કોઇ વિચાર કર્યા સિવાય તે ઝઝૂમી રહે. અંદરનો ડર જેટલો વધતો જતો હતો તેટલો જ બહારથી….

શિવાજીનો એક મિત્ર મહેશ હતો. તેણે એકવાર એક છોકરીની છેડતી કરી તેના હાથનું ચપ્પલ ખાધું હતું. તેનો બદલો લેવા માટે તે આતુર હતો.

આ છોકરી એટલે ગામના શિવમન્દિરના પૂજારીની દીકરી સાંવરી….જેને પામવા ગામના યુવકો વચ્ચે શરતો લાગતી. અત્યંત તેજસ્વી, ખુમારીવાળી સાંવરીને હાથ અડાડવો આસાન નહોતો.

પરંતુ તે દિવસે ગામની બહારના મંદિરેથી પાછા ફરતા સાંવરીને મોડું થઇ ગયેલ અને આજે તે એકલી હતી. ઉજાસને હટાવીને પોતાનું સામ્રાજય સ્થાપવા અંધકાર હળું હળું પગલે આવી રહ્યો હતો. શિવાજી અને તેનો એ મિત્ર મહેશ પણ તે રસ્તેથી જ આવતા હતા. શિવાજીને છોકરીઓમાં કોઇ રસ નહોતો. તે ભારાડી જરૂર ગણાતો.પરંતુ છોકરીઓથી તે દૂર જ ભાગતો.

આજે સાંવરીને એકલી જોઇ બદલો લેવાનો આવો લાગ ફરી નહીં મળે. એ વિચારે મહેશે શિવાજીને બરાબર ઉકસાવ્યો.

મહેશ શિવાજીની મનોદશા પૂરેપૂરી સમજી ચૂકયો હતો. બસ..શિવાજીને ચેલેન્જ ફેંકાવી જોઇએ…ઉશ્કેરવો જોઇએ…અને શિવાજીને ઉશ્કેરાતા કેટલી વાર ? થોડી પ્રસ્તાવના પછી તેણે શરૂ કર્યું.

’ આ તારું કામ નહીં. એ તો કોઇ મરદનું કામ…’

થોડીવાર તો શિવાજીએ બહું દાદ ન દીધી. પણ મહેશ તેને એમ છોડે તેમ કયાં હતો ?

‘ મને ખબર જ હતી..કે આ કામ તારા જેવા નામર્દનું નહીં. તું બહારથી ભલે ભારાડી ગણાતો હોય..બાકી અંદરથી સાવ…..’

શિવાજી જે વાતનો સ્વીકાર જાત પાસે પણ નહોતો કરી શકતો. તે વાત આમ જાહેરમાં… ? પોતે નબળો છે એ વાત શિવાજી કયારેય આમ કબૂલ કરી શકે તેમ નહોતો. તેના સમગ્ર અસ્તિત્વમાં એક ઉશ્કેરાટ…આવેશ.. ઝનૂન…. ત્યાં ગરમ લોઢા પર ઘા કરતો હોય તેમ મહેશે શિવાજીની નબળી કડી, દુ:ખતી નસ બરાબર દબાવી.

’ રહેવા દે શિવાજી..મેં ખોટી વ્યક્તિ પકડી. આ કામ તો નરેશ જેવા મર્દ જ કરી શકે…’

શિવાજીના અંગેઅંગમાં એક જવાળા…..

અને….જે શિવાજીએ કયારેય કોઇ છોકરીનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો…તે શિવાજી, પોતે ગમે તે કરી શકે છે. તે સાબિત કરવા સાંવરી ઉપર……

અણધાર્યો હુમલો સાંવરી ખાળી ન શકી. અને… તે રાત્રે સાંવરી ધ્ર્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી હતી. તો શિવાજીની આંખે પણ રાતાચોળ ગુલમહોર અંજાયાં હતાં. પોતે આ શું કરી બેઠો ? એકલો પડતાં જ એનું ભાન શિવાજીના રૂંવેરૂંવે ફૂટી નીકળ્યું. આવડું મોટું પાપ કર્યા પછી તેને જીવવાનો કોઇ હક્ક નથી. શિવાજી આત્મહત્યા કરવા તત્પર બન્યો. પણ ના…સાંવરીની માફી માગ્યા સિવાય એ જઇ ન શકે. અને કદાચ એને કોઇ મદદની જરૂર હોય તો..? જિંદગી આખી એ કાયર રહ્યો છે. સાચા બહાદુર બનવાનો મોકો તો હવે આવ્યો છે ત્યારે એ આમ પલાયન થઇ જશે ? જે અંગારા એણે સળગાવ્યા છે એમાં જલવાથી એ ભાગી કેમ શકે ? રાત આખી પશ્વાતાપનો અગ્નિ અંગેઅંગને બાળતો રહ્યો. વલોવાતો રહ્યો. માથું પટકતો રહ્યો. પોતે આવો અધમ ? થયું ન થયું કેમ કરી શકે ? કાળને રીવર્સ ગીયરમાં કેમ ફેરવી શકે ?

બીજે દિવસે પૂર્વ દિશા હજુ તો પ્રભાતમાં પરિણમતી હતી ત્યાં જ પૂજારી મુખી પાસે આવી પહોંચ્યા હતા અને ન્યાય માગી રહ્યા હતા. મુખીને કંઇ સૂઝતું નહોતું. આ છોકરાએ શું કરી નાખ્યું ? મહારાજની દીકરી ઉપર નજર બગાડી ? પૂજારી જો પોલીસમાં ફરિયાદ કરે તો બદનામીનો પાર ન રહે..આ છોકરાને આવી કુબુધ્ધિ કેમ સૂઝી ?પોતાની સાત પેઢીમાં કોઇએ ગામની બહેન દીકરી પર નજર સુધ્ધાં નહોતી નાખી..અને આ નાલાયકે એક છોકરીની ઇજ્જત લૂંટી….?

શિવાજીને પૂછતાં તેણે કોઇ સફાઇ પેશ કર્યા સિવાય એક જ ક્ષણમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હવે મુખી શું કરી શકે ?

પૂજારી અને મુખી વચ્ચે મસલત ચાલી. અને પંદર દિવસમાં જ સાંવરી શિવાજી સાથે ચોરીના ચાર ફેરા ફરી મુખીના ઘરની વહુ બની. શરણાઇના સૂર ગૂંજયા અને શમ્યા પણ ખરા…એટલું સારું હતું કે શિવાજીની સાવકી મા થોડા સમય પહેલાં જ ફકત બે દિવસના તાવમાં મોટું ગામતરું કરી ગઇ હતી. નહીંતર આ વાતનો અંજામ કંઇક જુદો જ આવ્યો હોત.
મુખીના ઘરમાં પૂજારી જેવા..સાવ અકિંચન બ્રાહ્મણની છોકરી આવી તેનાથી ઘણાને ઇર્ષ્યા પણ થઇ હતી. અચાનક આ બધું કેમ થયું તેની કોઇને સમજ ન પડી. થોડી કાનાફૂસી જરૂર થઇ. કોઇને દાળમાં કાળું દેખાયું તો કોઇને આખી દાળ જ કાળી દેખાઇ….જે હોય તે પણ સાંવરી શિવાજી સાથે પરણીને મુખીના ઘરમાં આવી તે એક માત્ર હકીકત…ઇન્કાર ન થઇ શકે તેવી હકીકત…..

સુહાગરાત આવી અને ગઇ…. બંનેના હૈયામાં ભારેલો અગ્નિ….કારણો બંને માટે અલગ..પણ જવાળા તો એક જ ….

થોડાં દિવસ તો ઘર મહેમાનોથી ભરાયેલું રહ્યું. ભારેલા અગ્નિ નીચે બહારથી બધું સામાન્ય દેખાતું હતું. સાંવરીએ પણ ઘરમાં કોઇને કોઇ વાતનો અણસાર ન આવવા દીધો. રોજ રાતે બંને વચ્ચે મૌનની અભેદ દીવાલ આપોઆપ રચાઇ જતી. શિવાજી કશું બોલે તો પોતે બરાબર સામનો કરે. પરંતુ એવી કોઇ તક મળતી નથી. શિવાજી તો મૌન..બિલકુલ મૌન. તેના ચહેરા સામે જોઇ ન જાણે કેમ પણ સાંવરી કશું બોલી શકતી નહીં. શિવાજી રાત આખી સોફા પર સૂઇ રહેતો. સ્પર્શની વાત તો દૂર રહી. શિવાજી તેની સામે સરખી નજર પણ માંડતો નથી. કોઇ વાતચીત નહીં…કશું જ નહીં. જાણે સાવ જ અપરિચિત બે વ્યક્તિઓ ભૂલથી એક ઓરડામાં રાતવાસો કરવા આવી ગયા હોય..

લગ્નને એક મહિનો જ થયો હતો. ત્યાં મુખીને હાર્ટ એટેક આવતા તે પણ ઉપર પહોંચી ગયા. હવે ઘરમાં રહ્યા માત્ર પતિ, પત્ની…..

શિવાજી આખો બદલાયો હતો. ભારાડી તરીકેની તેની છાપ ધીમે ધીમે ભૂંસાતી હતી. સાંવરીની નાની બહેનના લગ્ન ખૂબ ધામધૂમથી તેણે કરાવ્યા હતા. પૂજારી તો આવો દેવ જેવો જમાઇ પામીને આગલી બધી વાતો ભૂલી ગયા હતા. જુવાનીના જોશમાં બિચારાએ ભૂલ કરી નાખી. બાકી એનામાં કંઇ કહેવાપણું નથી. શિવાજી તેના આખા ઘરની કાળજી એક દીકરાની માફક રાખતો હતો. આમ સાંવરીના ઘરમાં તો બધા એ વાત ભૂલી ગયા હતા. ..નહોતી ભૂલી શકી સાંવરી…નહોતો ભૂલ્યો શિવાજી…બંને વચ્ચેની દીવાલ અણનમ ઉભી હતી.

સમય સસલાની માફક દોડતો રહ્યો હતો. શિવાજી સાંવરીના કોઇ કામમાં માથું મારતો નહોતો. પૈસાનો વહીવટ સુધ્ધાં સાંવરીને સોંપી દીધો હતો. સાંવરીને ફરિયાદનો કોઇ મોકો મળતો નહીં. બલકે હમણાં તો સાંવરીને કયારેક પતિની દયા આવી જતી.. પતિ પ્રત્યેનો રોષ ધીમે ધીમે ઓગળતો હતો. એક ભૂલની સજા કંઇ જિંદગી આખી થોડી હોય ? અને શિવાજીએ પ્રાયશ્વિત કરવામાં કયાં કશું બાકી રાખ્યું હતું ?

શિવાજી એકવાર માફી માગી લે તો આસાનીથી માફ કરી શકે તે ભૂમિકાએ તે પહોંચી હતી. પણ શિવાજી મૌન..સાવ જ મૌન…

હમણાં ગામમાં તાવના વાસરા ચાલતા હતા.સ્વાઇન ફલ્યુનો ડર ગામમાં ફેલાયેલો હતો. એક દિવસ સાંવરી પણ તાવની ઝપટમાં આવી ગઇ. સાંવરી તો નહીં પરંતુ શિવાજી ભયભીત બની ગયો. દોડાદોડી કરી સાંવરીને હોસ્પીટલે પહોંચાડી. સદનશીબે વાઇરલ ફીવર નીકળ્યો. આમ તો આખા દિવસની બાઇ શિવાજીએ રાખી લીધી હતી. જે સાંવરીને પોતા મૂકવાનું અને બીજું બધું જ કામ કરી જતી. સાંવરીની સેવા કરવા માટે કે તેને સ્પર્શ કરવા માટે તે પોતાની જાતને લાયક નહોતો ગણતો. તેથી દૂર રહીને શકય તે બધું કર્યા કરતો. સાંવરીને કોઇ તકલીફ ન પડવી જોઇએ…મનમાં સતત એ રટણ ચાલતું રહેતું.

પરંતુ તે રાત્રે સાંવરી તાવના ઘેનમાં કણસતી હતી. શિવાજી હમેશની માફક સોફા પર આડો પડયો હતો. તેનું સમગ્ર ધ્યાન સાંવરીમાં જ હતું. તેને કશું જોઇએ ..કોઇ જરૂર પડે તો ? સાંવરીનો કણસાટ સાંભળી તે ઉભો થયો.

‘ સાંવરી, શું થાય છે ? કશું જોઇએ છે ? વધારે ઓઢાડું ? ‘

સાંવરીમાં બોલવાના હોંશ હવાસ નહોતા. તેનો કણસાટ સાંભળી શિવાજી મૂંઝાયો. શું કરવું તે સમજાયું નહીં. રાતે બે વાગ્યે કોને બોલાવે ?

તેણે હિંમત કરી. ધીમેથી સાંવરીને કપાળે હાથ મૂકયો. અંગારાની માફક કપાળ ધીખતું હતું. હવે ?

ના, ના, સાંવરીને પોતાનો સ્પર્શ નહીં ગમે..પણ આ ક્ષણે બીજો કોઇ ઉપાય નથી. તેણે મનોમન સાંવરીની માફી માગી. કાલે તેને જે વિચારવું હોય તે વિચારે. સાંવરીની વ્યથા પોતે નહીં જોઇ શકે…

તેણે ખુરશી પલંગ પાસે લીધી. સાંવરીના કપાળે, માથે પોતા મૂકવાનું શરૂ કર્યું.

પતિ તરીકેનો શિવાજીનો આ પહેલો સ્પર્શ. તે પોતા મૂકતો રહ્યો. સૂતેલી સાંવરી માટે હૈયામાં મમતા ઉમટતી રહી. આજે સાંવરીની આંખો બંધ હોવાથી નિર્ભય બનીને પહેલી વાર પત્નીને આટલી નજીકથી નિરાંતે નીરખી રહ્યો. આની ઉપર પોતે…?

એ યાદે કયારેય તેનો પીછો નથી છોડયો. જેમ જેમ ભૂલવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ દૂઝતા જખમની માફક એ કડવી યાદ દૂઝતી રહી છે. પોતાના ગુનાહિત માનસને લીધે કયારેય આંખ ઉંચી કરીને પત્ની સામે જોઇ શકયો નથી.

છેક વહેલી સવારે શિવાજીને બેઠાં બેઠાં ઝોંકુ આવી ગયું. સાંવરીને ભાન આવ્યું હતું. પોતાની પાસે ખુરશી પર બેસેલ શિવાજીને તે જોઇ રહી. તન્દ્રાવસ્થામાં યે તેને એહસાસ જરૂર હતો કે કોઇ તેને પોતા મૂકી રહ્યું છે. આખી રાત પતિ પોતાને માટે જાગ્યો છે ? સાંવરીના અંતરમાં કશીક ઉથલપાથલ મચી રહી.

શિવાજીની આંખ ખૂલી ત્યારે સાંવરી પોતાને નીરખી રહી છે તેનું ભાન થતાં તે ઉભો થઇ ગયો.

’ હું..હું….તને બહું તાવ હતો તેથી…… તેથી… પોતા મૂકવા તારી પાસે…. ‘

જાણે કોઇ આરોપી પોતાની કેફિયત થોથવાતા અવાજે રજૂ કરી રહ્યો હતો.

ઇચ્છા છતાં સાંવરીના ગળામાંથી કોઇ શબ્દો સરી ન શકયા. થોડો વધુ સમય શિવાજી બેઠો હોત તો કદાચ શબ્દો સાથ આપત એવું બની શકયું હોત. પણ…

‘ તારે માટે ચા બનાવી આવું. થોડું સારું લાગશે..’

કહેતો શિવાજી નીચે ઉતરી ગયો.

આઠ દિવસ સુધી તાવ સંતાકૂકડી રમતો રહ્યો. તે પછી પણ શિવાજી નબળી પડી ગયેલ સાંવરીની સંભાળ રાખવાનું કયારેય ચૂકયો નહીં.

પોતાની ભૂલ અક્ષમ્ય છે. કયારેક માફ ન થઇ શકે તેવી. એ વાત શિવાજીના મનમાં એવી તો જડબેસલાક બેસેલ હતી કે બીજો કોઇ વિચાર તેના મનની આસપાસ ફરકી શકે તેમ નહોતો. સાંવરીની આંખની પેલી નફરત ધીમે ધીમે અદ્રશ્ય થતી હતી. પણ શિવાજી એની સામે મીટ માંડે તો જાણ થાય ને ? ધીમે ધીમે સાંવરી સાજી થઇ. સાંવરીને મનમાં હતું એકવાર શિવાજી કશું બોલે તો..

થીજેલી સંવેદના કદાચ પીગળી શકે… પણ શિવાજી મૌન જ રહ્યો. બિલકુલ મૌન…

ખાસ કોઇ તકલીફ વિના જીવન જીવાતું રહ્યું. શિવાજી આખો દિવસ ગળાડૂબ કામમાં રહેતો. સાંવરી મુખીની પત્ની હોવાને નાતે ગામની સ્ત્રીઓના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત બની રહી. કામ પૂરતી બે ચાર શબ્દોની આપ લે થતી રહે છે. સાંવરીને બધી વાતની પૂરી સ્વતંત્રતા મળી છે. તેના કોઇ કામમાં શિવાજીની ડખલગીરી..રુકાવટ નથી. જરૂર પડયે સાંવરી કહે તે મદદ પણ કરતો રહે છે. કયારેક સાંવરી કંઇક વિચારમાં ડૂબી જાય છે. પરંતુ…. એવામાં એક દિવસ…. શિવાજી વાડીએથી પાછો ફરતો હતો. આજે રોજ કરતાં મોડું થઇ ગયેલું. ત્યાં… તેના કાને એક ચીસ.. શિવાજી દોડયો….. મહેશ.. ગામની કોઇ છોકરી પર…. શિવાજીના શરીરમાં જાણે માતાજી આવ્યા.. રૂંવેરૂંવે ફરી એક ઝનૂન…

દોડીને તેણે ત્યાં પડેલ એક મોટૉ પથ્થર ઉંચકયો બીજી જ ક્ષણે મહેશના માથા પર વીંઝાયો… છોકરી છૂટી ગઇ..બચી ગઇ…. શિવાજી સામે આંસુભીની આંખે…આભારવશ નજર નાખી કપડાં સરખી કરતી ઘર તરફ ભાગી. મહેશે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા..

શિવાજી જાતે પોલીસમાં હાજર…. ખૂનનો ગુનો… સાંવરીને આખી વાતની જાણ થઇ…તે શિવાજીને મળવા દોડી. પરંતુ શિવાજીએ મળવાની ના પાડી દીધી.. બળાત્કારી તો તે પહેલેથી હતો જ..
અને હવે ખૂની પણ… શું મોઢું બતાવે સાંવરીને ? તેની નફરત હવે ઝિલાતી નહોતી…હવે તે થાકયો હતો. કોનાથી ? કશું વિચારવાની શિવાજીમાં નહોતી હિમત કે નહોતી કોઇ ઇચ્છા..પોતાના ભાગ્યને તેણે સ્વીકારી લીધું હતું..કોઇ ફરિયાદ વિના. જે પળ સામે આવી હતી તે જીવી નાખી હતી.

કેસ તો થયો.. પરંતુ પેલી છોકરીએ આપેલ જુબાની… અને ગામ આખું તેની પડખે ..
થોડો સમય જેલમાં રહેવું પડયું.. પોતાને જેલમાં કોઇને મળવું નથી. કોઇને મળવા આવવાની પરવાનગી શિવાજી આપતો નથી. સાંવરીએ કેટલીયે વાર તેને મળવાના પ્રયત્નો કર્યા.પણ…..સાંવરીની આંખની નફરત હવે નથી જોવાતી….નથી જોવી..એ એક માત્ર વિચાર….

પોતે ઘેર જશે એટલે…

” શું મોં લઇને હવે ઘેર આવ્યા છો ? એક ગુનો ઓછો હતો ? તે હવે ખૂન પણ….? “

કદાચ મોઢેથી બોલે નહીં તો પણ….એ મૂંગો માર હવે નથી ખમાતો…નથી જીરવાતી એ નફરત…નથી જીરવાતી સાંવરીની વ્યથા. એક ખૂની અને બળાત્કારી પતિને સાંવરી જેવી સ્ત્રી કેમ સહન કરી શકે ? પોતે હમેશા માટે પત્નીની નજરમાં એક બળાત્કારી અને એક ખૂની જ રહેવાનો…

ના..ના.. નહીં જીરવાય…નહીં જીરવાય… શિવાજી સમક્ષ વીતેલ વરસો ફરી એકવાર….

આંખો નીતરતી રહી.. ના, ના, હવે સાંવરી સામે નથી જવું. તેને વધારે દુ:ખ નથી દેવું. પોતે જશે તો જ તેનો મારગ છૂટો થશે…પોતે કયાંક…. ગિરનારમાં ઓગળી જશે….જાતને ઓગાળી દેશે… મનોમન દલીલો..દ્વન્દ ચાલતા રહ્યા… પણ જતાં પહેલાં એકવાર…બસ…એકવાર સાંવરીને જોઇ લેવાની એષણા ન છૂટી….નહીંતર કદાચ મન શાંત નહીં થાય…અને હમેશાં ભટકતું રહેશે

સાંવરીને પોતે કેટલો પ્રેમ કરતો હતો..એની સમજણ આજે અચાનક તેના અંતરમાં ઉગી હતી. સાંવરી ભલે તેને જીવનભર નફરત કરતી રહે. પોતે દૂર રહીને સાંવરીને ચાહતો રહેશે. તેના સુખ માટે પ્રાર્થના કરતો રહેશે.

કાલે સાંવરીને છેલ્લીવાર દૂરથી જોઇને…તેને ખબર પણ ન પડે તેમ એક નજર નાખીને અલવિદા…બસ..ગિરનાર તેનો સહારો….એક માત્ર અંતિમ આશરો. એ જ તેની નિયતિ..ગિરનાર કોઇને કયારેય જાકારો નથી આપતો. પોતાને પણ નહીં આપે.

શિવાજી મનને સધિયારો આપતો રહ્યો. આજે ઘણાં સમય બાદ મા યાદ આવી. તેની નજર આસમાનને તાકતી રહી. રાત વીતતી રહી..ફરી જાણે તે પાંચ વરસનો અનાથ શિશુ..શૈશવમાં માને ઝંખતો ..તારલામાં માને શોધવા મથી રહેતો…. આજે શિવાજી એ જ શિશુ બનીને માને ઝંખી રહ્યો છે. જીવનભર કોઇના ચપટી વહાલ માટે તરસતા શિવાજીની આંખો નીતરી રહી.

બરાબર ત્યારે જ સાંવરીના અંગઅંગમાં શિવાજી માટે વહાલનો સાગર ઉમટયો હતો. કાલે સવારે પતિને આવકારવા, શણગાર સજવા…કયારેય નહોતા પહેર્યા તે દાગીનાઓ કાઢી કયા પહેરવા..કયા ન પહેરવા તેની મીઠી મૂંઝવણમાં… તેનો હાથ લાલચટ્ટક ઘરચોળા પર સ્નેહથી ફરી રહ્યો હતો. આજે તેનો પતિ એક બળાત્કારી નહોતો. એક વીર, સાચો મર્દ હતો. જેણે એક અબળાને બચાવવા પોતાની જાત હોમી હતી. એવા વીર પતિની તે પત્ની હતી. તેના અંતરમાં પતિ માટેનું ગૌરવ પ્રગટયું હતું. અંગઅંગમાં નવોઢાનો ઉન્માદ, રોમાંચ…અને આંખમાં સુહાગરાતના સપના…. બારસાખે એક કોડિયું પ્રકાશી રહ્યું હતું. સાંવરીના ગાલે લજ્જાની લાલી…અને અંતરમાં ઝગમગ ઉજાસ….

( અભિયાન દીપોત્સવી અંક 2010માં પ્રકાશિત મારી વાર્તા )

શાબાશ બેટા..

ઉંચે જતી ધૂમ્રસેરને મંથનભાઇ સજળ આંખે જોઇ રહ્યા.વહાલી પત્ની ને આજે પોતે સ્વહસ્તે….! એક ફૂલ હજુ તો અઢળક ફોરમ હૈયામાં સંઘરીને બેઠુ હતું. અને એ ફોરમના હકદાર…બે વ્યક્તિને આમ અધવચ્ચે મૂકીને…આવી અલવિદા તે હોતી હશે ? મંથનભાઇથી એક ડૂસકુ મૂકાઇ ગયું. મિત્રનો સાંત્વનાભર્યો હાથ વાંસામાં ફરતા એ શાંત થવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા.

તેર દિવસ તો સગા સ્નેહીઓ અને મિત્રોએ સંભાળી લીધા. સગાઓ તો ખાસ હતા જ કયાં ? મિત્રોની સંખ્યા પણ બહુ વધારે તો નહોતી જ. એક માત્ર મિત્ર હતી તે પણ આમ અધવચ્ચે છોડીને…! બધાનો સધિયારો..દિલાસો મૌન બની તે સાંભળી રહ્યા. પુત્રીને પણ કોઇએ સંભાળી લીધી હતી. મમ્મી માટેના તેના પ્રશ્નોના જવાબ કોણે કેવા આપ્યા હશે તે તો ખબર નહોતી. પરંતુ દસેક વરસની પુત્રી જયારે પપ્પા કહીને પોતાને વળગી પડી ત્યારે એટલું તો સમજાયું કે પુત્રીને જાણ થઇ ગઇ છે કે મમ્મી હવે પાછી નહીં જ આવે. મરનાર પાછું નથી આવતું..એટલું સમજી શકે તેવડી તો પુત્રી હતી જ.

અને પછી તો કેલેન્ડરના પાના ફાટતા રહ્યા. લાલચટ્ટક ગુલમહોર મહોરતો રહ્યો. કેસૂડાના ફૂલોની આવનજાવન ચાલુ રહી. અને પીળો ગરમાળો યે પર્ણને બદલે ફૂલોથી આચ્છાદિત થતો રહ્યો.

પપ્પા..બાય..કહેતી પુત્રી..સ્કૂલે જતાં પહેલા..પપ્પા દૂધ પી લેજો…ઓફિસમાં ચા બહું ન પીતા.સાંજે વહેલા આવી જજો.

શિખાના જ રોજના વાકયો.! રિચા સ્કૂલે દોડતી રહી.. રોજ સાંજે બાપ દીકરી વહાલના દરિયામાં ભીંજાતા રહે. કયારેય બેમાંથી કોઇ શિખાનું નામ ન લે..પરંતુ દરેક વાતમાં શિખાની હાજરી અચૂકપણે હોય જ. રિચા મમ્મી એવું બોલે નહીં.. પણ મમ્મી વિનાની તેની કોઇ વાત ન હોય. લાંબા વાળ ફાવતા નથી કહી કપાવી નાખ્યા હકીકતે રિચાને લાંબા વાળ બહુ ગમતા હતા.પણ હવે કોણ ઓળી આપે ? કામ કરનાર બેનને મમ્મી જેવા થૉડા આવડે ? તેથી દીકરીએ જાતે જ…..!

રિચા સમજણી થઇ ગઇ હતી. કદાચ મા વિનાની દીકરીઓ વહેલી જ સમજણી થઇ જતી હશે.! રિચાની ચંચળતાએ ગંભીરતાનું સ્થાન, નાદાનીએ સમજણનું સ્થાન લીધું હતું તેનું દરેક વર્તન તે વાતની સાક્ષી પૂરાવતું હતું. જોકે પપ્પાને તે વર્તન ખુશ કરવાને બદલે ઉદાસ બનાવતું હતું. પપ્પાને એકલા, ઉદાસ બેસેલ જોઇ રિચા બધું લેશન પડતું મૂકી પપ્પા, ચાલો..મારી સાથે રમોને… અને વહાલસોયી દીકરીને ના કહેવાનું પપ્પાનું ગજુ કેટલું ?

રિચા હવે સોળ વરસની તરુણી બની ગઇ હતી. બાપ દીકરી એકમેકના સાન્નિધ્યમાં ઓતપ્રોત રહેતા. અને તેમની દરેક વાતમાં જાણે શિખા તો હાજરાહજૂર.

એ શનિવારની સાંજ હતી. દર શનિવારે રિચા તૈયાર રહેતી. પપ્પા આવે ત્યારે બંને દરિયે જતા. આજે પણ પપ્પા આવ્યા..પરંતુ એકલા નહીં..સાથે કોઇ આન્ટી હતા. રિચા, આ શૈલા આન્ટી છે. આપણી ઓફિસમાં જ કામ કરે છે.

નમસ્તે આન્ટી….. અને પછી ત્રણે જણા સાથે દરિયે ગયા. વાતો તો હમેશની માફક મોટેભાગે બાપ દીકરીએ જ કરી.શૈલા વચ્ચે વચ્ચે બે ચાર શબ્દો બોલી એટલું જ. હા. મંદ સ્મિત જરૂર ફરકાવતી રહી. રિચા સાથે વાત કરવાના થોડા પ્રયત્નો કર્યા..પણ રિચાએ કંઇ બહુ ઉત્સાહ દાખવ્યો નહીં. અને તેનો અણગમો સમજી ગયેલ શૈલા પછી મૌન જ રહી.

જોકે પછી શૈલા આન્ટી ઘરમાં અવારનવાર આવતા થયા. કયારેક રિચાની હાજરીમાં તો કયારેક તેની ગેરહાજરીમાં. અવ્યવસ્થિત રહેતું ઘર વ્યવસ્થિત રહેવા લાગ્યું. એક સ્ત્રીની કાળજી ઘરમાં વર્તાવા લાગી.

પણ રિચાનો અણગમો આન્ટી માટે વધતો ચાલ્યો. રિચાને ભાવતું તે બનાવે તો રિચાને તે દિવસે તે ખાવાનો મૂડ ન જ હોય ! આન્ટી મમ્માના રૂમમાં જાય તે તેને ન જ ગમતું. એ રૂમ પર તો તેનો ને પપ્પાનો જ અધિકાર..ત્યાં કોઇ દાખલ કેમ થઇ શકે ? તેને થતુ..પપ્પા આન્ટીને તે રૂમમાં જવાની ના પાડી દેશે. પણ…પપ્પા તો..!

અને એક દિવસ તો… બેટા, આન્ટી આવે છે તો કેવું સારું લાગે છે નહીં ? ઘરમાં તેની હાજરી ઘરને જીવંત બનાવી દે છે..!

નહીં..પપ્પા… મને તો……

અને મમ્મી ન હોવા છતાં એ હમેશ આપણી વચ્ચે રહેતા જ..આજે મને એ કેમ અદ્રશ્ય થતા લાગે છે..?

જોકે રિચા મૌન જ રહી. પપ્પા પાસે તે પ્રગટ રીતે આવું કશું બોલી નહીં. પપ્પાને દુ:ખ થાય તેવું કશું બોલવાની તેને ઇચ્છા ન થઇ. અને તેની નજર…તેનો અણગમો પારખવા છતાં પપ્પા જાણે અજાણ્યા બની રહ્યા. કે પછી તે તરફ બેદરકાર..?

છેલ્લા એક વરસથી શૈલા આન્ટી સતત ઘરમાં આવતા જતા રહ્યા હતા. રિચાનું દિલ જીતવાના તેના પ્રયત્નો સમજી ન શકે તેવી અબૂધ તે નહોતી રહી. તેને કયારેક રડવું આવતું. કયારેક એકલી એકલી મમ્મીને ફરિયાદ કરતી. પણ મમ્મી તો ગુસ્સે થવાને બદલે ફોટામાંથી હસતી રહેતી. ગુસ્સામાં રિચાની આંખો છલકી રહેતી.

શિખાને ગયે આજે સાત વરસ થઇ ગયા હતા. રિચા સતર વરસની તરુણી બની ગઇ હતી. જીવનની એકએક ક્ષણ બાપ દીકરીના સ્નેહથી છલકતી રહેતી. વગર કહ્યે બંને એકબીજાની વાતો સમજતા હતા.દીકરી પપ્પાના ચહેરાની રેખા ઉકેલી શકતી…તેની આંખની લિપિ વાંચી શકતી.પુત્રીના દિલના અનર્ગળ વહેતા સ્નેહના ઝરણાએ પપ્પાની એકલતાના ઝૂરાપાને કંઇક સહ્ય બનાવ્યો હતો. તો પુત્રી કોઇ પણ ક્ષણે પ્રેમથી વંચિત ન રહે તેનો ખ્યાલ પપ્પાએ રાખ્યો જ હતો. અને બાપ દીકરીના આ વહાલના વારિથી ભીંજાતી શિખા ફોટામાં મલકતી રહેતી.

પણ..હવે આ સમીકરણ બદલાતુહતું કે શું ? એમાં કોઇ ચોથુ ઉમેરાતુ હોય તેવું કેમ લાગતું હતું..? પોતાના ત્રણ વચ્ચે ચોથા કોઇનો અનાધિકાર પ્રવેશ રિચા સહન કરી શકે તેમ નહોતી. પપ્પા બધાની સાથે હસતા રહે..એનાથી મોટી ખુશી રિચા માટે હોઇ જ ન શકે. રિચા એ માટે સતત પ્રયત્નશીલ હતી જ. પપ્પાને દુનિયામાં ફરીથી રસ લેતા તેણે જ કર્યા હતા. પપ્પાનો ચહેરો ઉદાસ રહે એ લાડકી પુત્રી કેમ સહન કરી શકે ?

પણ છતાં..પપ્પા આ શૈલા આન્ટી સાથે આ રીતે હસીને વાતો કરે..ઘરની વ્યક્તિની જેમ આવકારે. મમ્માના રૂમમાં તે પ્રવેશે..તે રૂમ સાફ કરે..ગોઠવે.. આ બધું રિચાથી કેમેય સહન નહોતું થતું. રિચાને કહેવાનું મન થઇ આવતું, આન્ટી, તમે રહેવા દો..મમ્માનો રૂમ કાયમ હું જ વ્યવસ્થિત કરું છું. એ કામ મારુ કે પપ્પાનુ છે… ત્રીજા કોઇનુ …પારકાનુ નહી…પણ શબ્દો બહાર નીકળતા નહીં અને મનોમન તે અકળાતી રહેતી.

પપ્પાના સ્નેહમાં કોઇ ફરક પડયો નહોતો. ઉલટુ પપ્પા જાણે ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિચાને પૂછયા કરતા. અને છતાં પપ્પાને હવે પોતાના કરતા શૈલા આન્ટીની જરૂર વધારે પડે છે તે સત્ય તેનાથી છૂપું કેમ રહે ? આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ થોડી હતી ? રિચાને કયારેક અણગમો..કયારેક રોષ..કયારેક દુ:ખ..ગુસ્સો આવતો. તેની નારાજગી એક યા બીજી રીતે તેના વર્તનમાં વ્યકત થતી રહેતી. અને પપ્પા શું રિચાનો અણગમો..નારાજગી પારખી શક્તા નહોતા ? અને છતાં યે…? બસ..આ એક વાત પર રિચા અકળાતી રહેતી. પોતાના અણગમાને પણ પપ્પાએ આ આન્ટી માટે નજરઅંદાજ કર્યો ? તેનું સૂક્ષ્મ અભિમાન ઘવાતું…

અને રિચા મૌન..ઉદાસ…!

શૈલા આંટી હવે રોજ ઘરમાં આવતા જતા હતા. રિચાની નાની નાની વાતોનો ખ્યાલ રાખવા તે મથતા. પણ રિચા તેનાથી અળગી જ રહેતી. આન્ટીના પ્રયત્નો જોઇ રિચાને વધારે ગુસ્સો આવતો..જાણે હું કેમ કશું સમજતી ન હોઉં.! હું કંઇ હવે નાની નથી. આ ઘરમાં મમ્માનું સ્થાન કોઇ નહી લઇ શકે..તમે પણ નહીં.. મૌન રિચાની આંખો બોલતી રહેતી. તે પપ્પાની સામે તીવ્રતાથી જોઇ રહેતી.. પપ્પા કશું બોલતા નહીં..પણ તેમની આંખોમાં વિષાદની લહેર ફરી વળતી. પણ રિચાને તો એમાં મમ્માની અવહેલના જ દેખાતી. ઉપરથી બધું સામાન્ય લાગતું હતું .. પણ છતાં એક તણાવ બધા મહેસૂસ કરી રહ્યા હતા.

અને એક દિવસ…….

શૈલા..જયાં સુધી રિચા મનથી તારો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી હું મજબૂર છું..એ માને છે કે હું તેની મમ્મીનો દ્રોહ કરી રહ્યો છું. તેથી તે….! પુરુષની એકલતા તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. શિખા પ્રત્યે આ મારી બેવફાઇ નથી…મારું મન તને આવકારે છે. તારામાં હું મારી ખોવાયેલી શિખા પામી શક્યો છું. પણ રિચાના સ્વીકાર વિના…..! અને હું જાણુ છું તેં રિચાનું દિલ જીતવાના ઘણાં પ્રયત્નો કર્યા છે..ફરિયાદનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય..તું અપાર ધૈર્ય રાખી શકી છે.. પણ….

બોલતા બોલતા પપ્પાનો અવાજ ગળગળો થઇ ગયો. જવાબમાં શૈલા કશું બોલી નહીં… ફકત પપ્પાની છાતી પર માથુ મૂકી……!

કોલેજથી અચાનક આવી ચડેલ રિચાથી આ દ્રશ્ય સહન થયું નહીં.. તેના આંખો રોષથી છલકાઇ આવી. તે ધીમે પગલે પાછી ફરતી હતી..ત્યાં શૈલા આન્ટીના શબ્દો તેના કાનમાં પડયા. મંથન, તમે ચિંતા ન કરો..મારામાં અપાર ધીરજ છે. હું રિચાના તેના ઘેર જવાની રાહ જોઇશ

રિચાની આંખો છલકાઇ આવી. તેને સમજ ન પડી પોતે વળી કયાં જવાની હતી ? તેની નજર સમક્ષ વારંવાર એ દ્રશ્ય જ તરવરતું હતું..પપ્પા આવું કરી જ કેમ શકે ? અને પોતાને કયાં મોકલવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે ? હોસ્ટેલમાં ? કેટલાયે પિકચરમાં જોયેલા દ્રશ્યો તેની આંખો સમક્ષ તરવરવા લાગ્યા…

રોષમાં…અભિમાનમાં.. એક આવેશમાં તે તેની બહેનપણી મિત્રાને ઘેર જવા નીકળી ગઇ. ત્યાં પહોંચી તેણે પપ્પાને ફોન કરી દીધો..પપ્પા..મારી ચિંતા ન કરશો..હું આજે રાત્રે મિત્રાને ઘેર રોકાવાની છું. અમે સાથે વાંચવાના છીએ..સવારે ઘેર આવી જઇશ. અને પપ્પા કશું વધારે પૂછે તે પહેલા તેણે ફોન મૂકી દીધો.

આખી રાત અજંપામાં વીતી. કશું ગમતું નહોતું. મિત્રાને પણ તેણે કશી વાત કરી નહીં. અભિમાન…રોષ…આક્રોશ…પપ્પા પર તેને ગુસ્સો આવતો હતો શૈલા આંટી વિશે તો તે વિચારવા પણ નહોતી માગતી. આ બધાનું મૂળ તે જ તો હતા…છે. !

ચન્દ્ર ચાંદની વિનાનો,તારાઓ રોશની વિના ફિક્કા અને રાત ડરામણી..સપના ભયાનક….! મિત્રા તેનો અજંપો જોઇ કશું પૂછવા ગઇ તો તેની ઉપર તે વરસી પડી..

મિત્રા મૌન રહી વહાલથી બહેનપણીના વાંસે હાથ ફેરવી રહી. રિચાની આંખો અભિમાનથી કે આંસુથી ધૂંધળી…

થોડા દિવસો એમ જ વીત્યા…રિચા પપ્પા સાથે સંતાકૂકડી રમતી રહી. કયારેક પપ્પાના પેલા શબ્દો..કયારેક પેલું દ્રશ્ય તેનો પીછો કયાં છોડતા હતા ?

આજે વેલેન્ટાઇન ડે હતો. કોલેજમાં ચહલપહલ હતી..વાતાવરણ રંગીન હતું. યૌવન આજે સ્વાભાવિક રીતે જ ઉન્માદઘેલું બન્યુ હતું. એક રોમાંચના પૂરમાં સૌ તણાતા હતા. એકબીજાને અવનવી ગીફટની લહાણી યુવક યુવતીઓ કરતા રહ્યા..કયાંક હૈયાની આપ લે પણ થતી રહી. રિચાની દુનિયામાં આજ સુધી કોઇ છોકરાનું..પપ્પા સિવાય કોઇ પુરુષનું સ્થાન નહોતું. તે કોઇના સંપર્કમાં ખાસ આવી નહોતી. તેની દુનિયા પપ્પા….અને અદ્રશ્ય રીતે દ્રશ્યરૂપે દેખાતી મમ્મી…એટલામાં સીમિત રહી હતી. બીજો કોઇ વિચાર તેના અબોટ મનને સ્પર્શ્યો નહોતો.,નિસ્પૃહભાવે આ બધું જોતી તે લાઇબ્રેરીમાં જવાનો વિચાર કરતી હતી.. ત્યાં ઉમંગ આવ્યો..તેના જ કલાસનો છોકરો..જેની દોસ્તી માટે છોકરીઓ ઝૂરતી..તેણે એક ગુલાબનું ફૂલ જેમાં સાથે ખીલતી મોગરાની કળી હતી તે અને એક સુંદર કાર્ડ ધીમેથી રિચાને આપ્યા. રિચા..આઇ લવ યુ.. તે ગણગણ્યો…રિચા સ્તબ્ધ..! મૌન..! હોઠ ફફડીને રહી ગયા..કોઇ શબ્દો બહાર ન નીકળ્યા. ઉમંગ પણ આગળ કશું બોલ્યો નહીં.. રિચાએ ધીમેથી ચૂપચાપ કાર્ડ અને ફૂલ લીધું. એક દ્રષ્ટિ ઉમંગ પર નાખી એક અસમંજસમાં તે આસ્તેથી ત્યાંથી સરકી રહી. પીઠ પાછળથી ઉમંગના શબ્દો સર્યા..આઇ વીલ વેઇટ ફોર યોર આન્સર.. રિચાએ પાછળ ફરીને જોયુ..ન જોયું અને પગ ઉપાડયા…

તેની દ્રષ્ટિ આગળ કશું ઉઘડતું જતું હતું કે શું ? કયારેય ન સમજાતા અર્થો આજે સ્પષ્ટ થતા જતા હતા કે શું ?

તે સાંજે તે ઘેર ગઇ ત્યારે શૈલા આન્ટીએ તેની મનપસંદ ચાઇનીઝ ડીશ બનાવી હતી. અને તેની રાહ જોઇ રહ્યા હતા. રિચા એકાદ ક્ષણ તેની સામે જોઇ રહી..એક હળવું સ્મિત આજે ન જાણે કયાંથી તેના હોઠ પર આવી ને…! બહાર કોઇ કોયલનો ટહુકાર તેના કાને અથડાયો.. આન્ટીને તેના નજર બદલાયેલી લાગી. પણ હમેશની માફક તે કશું બોલ્યા નહીં.

અઠવાડિયુ એમ જ પસાર થયું..પેલી સંતાકૂકડી થોડી ઓછી તો થઇ હતી..છતાં વાદળ હજુ ઘેરાયેલ જ રહ્યા.

ત્યાં અચાનક રિચાની બહેનપણીના લગ્ન નક્કી થયા. રિચા બે દિવસથી તેને ઘેર હતી. સાસરે જતી બહેનપણીને તેના પપ્પાને વળગીને રડતી તે જોઇ રહી.. તેના પપ્પા આંસુભીની આંખે દીકરીને માથે હાથ ફેરવી આશીર્વાદ આપી રહ્યા હતા…અને પુત્રી, પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો હોં… આજથી તમે એકલા થઇ ગયા..પપ્પા… કહી તે પપ્પાને વળગી રહી…

ઉપર ગોરંભાયેલું આસમાન એકાએક સ્વચ્છ, સ્ફટિક જેવું બની ગયું. વાદળો વિખેરાતા આકાશનો ગોરંભો અદ્રશ્ય…

તે દિવસે રાત્રે પપ્પાનો હાથ પકડી રિચા ધીમેથી બોલી ઉઠી, પપ્પા, મને પણ શૈલા આન્ટી ગમે છે…

રિચા અને પપ્પા બંને નું ધ્યાન સાથેજ ત્યાં રહેલ શિખાના ફોટા પર ગયું. અને રિચાના કાનમાં જાણે મમ્માના શબ્દો પડઘાયા……

શાબાશ બેટા..

સખ્યજીવન….

શ્યામલ રજની પોતાનો સઘળો અસબાબ એકઠો કરી ધીમે પગલે ધરતીને અલવિદા કરી રહી હતી. સૂરજદાદાની યે પહેલાં જાગી ગયેલ પંખીઓ વહેલી સવારને પોતાના કલરવથી જીવંત બનાવી રહ્યા હતા. અને રોજીરોટીએ જવાની તૈયારી કરી રહ્યા હતા. સીઝનનું બાર માસનું અનાજ તેઓ થોડા ભરતા હતા ? રોજ કમાવું ને રોજ ખાવું. આજની વાતો આજે અને કાલની વાતો કાલે. વર્તમાનમાં જીવતાં આ પંખીડાઓ રોજ સવારે પોતાના ગુંજારવથી સમસ્ત સૃષ્ટિને જગાડી પોતાના નિત્ય ક્રમમાં પ્રવૃત થઇ જાય. એ તો રોજિંદા દાડિયા હતા. કાલની ચિંતાથી મુકત.

પરંતુ માનવ એમ કાલથી ચિંતાથી મુકત હઇ શકે છે ખરો ? અરે, મોટા સાધુ સન્યાસીઓ જે કાલની ફિકર કરવાની ના પાડે છે..ધાર્યું ધણીનું જ થાય…એ બધું કહે તો છે..પણ એ મુજબ કરી શકે છે ખરા ?

તો પછી દિશા તો સામાન્ય સ્ત્રી હતી. એ ચિંતા મુકત કેમ થઇ શકે ? આજે સવારના ન જાણે કેમ તેના મનમાં અનેક વિચારો ઉગી રહ્યા હતા. બારીમાંથી પંખીઓનો કલશોર તે સાંભળી રહી હતી. ઉઠવાની ઇચ્છા આજે નહોતી થતી. પણ ઉઠયા વિના છૂટકો યે કયાં હતો ? ચિનારનો સ્કૂલે જવાનો સમય હમણાં થઇ જશે. પતિનો ઓફિસે જવાનો સમય થશે. પોતાને કયાં કશે જવાનું હતું? પોતે તો કયાં કંઇ કરતી હતી ? બસ… માત્ર અને માત્ર હાઉસ વાઇફ….બધાના સમય સાચવવાના…. સગવડ સાચવવાની…બધાના મિજાજ નો..મૂડનો ખ્યાલ રાખવાનો.. એ મુજબ બધાને એડજસ્ટ થવાનું. પોતાનો તો કોઇ સમય નહીં..કોઇ સગવડ નહીં. કોઇ રવિવાર નહીં ..કોઇ સીક લીવ..કોઇ કેઝયુઅલ નહીં..પી.એલ. નહીં…કેમકે પોતે તો કંઇ કરતી જ નથી. પછી હક્કની વાત જ કેમ આવે ?

દિશા મનોમન અકળાઇ ગઇ. કાલે પાર્ટીમાં પેલી ચીબાવલી અનેરી કહેતી હતી ‘ તમારે તો જલસા છે. એ ય ને મન ફાવે ત્યારે ઉઠવાનું…મન ફાવે ત્યારે બધું કરવાનું.. ન બોસ ખીજાશે તેની ચિંતા..ન ફાઇલોની ચિંતા. અરે મારી બઇ. તારે તો ઓફિસમાં એક જ બોસ..અહીં અમારે તો ઘરમાં જેટલા માણસ એટલા બોસ. અમારે તો બધાની નોકરી.. અને એ પણ વગર પગારની..ને છતાં અમે કંઇ કરીએ છીએ કયાં ? એ મજાના ઘરમાં જલસા કરીએ છીએ. આવ, મારી બઇ, તું યે મારી જેમ જલસા કર..એવા આશીર્વાદ આપું છું.’

મનમાં ઉઠતાં વિચારના વંટૉળને પ્રયત્નપૂર્વક ખંખેરી તે ઉભી થઇ..થવું પડયું. આ ઘડિયાળ પણ સવારના કેટલી ફાસ્ટ ભાગે છે! બાજુમાં નજર કરી. પતિદેવ હજુ આરામથી નસકોરાનું સંગીત વગાડી રહ્યા હતા.એને તો દસ વાગે જવાનું હતું. અત્યારથી શા માટે ઉઠે ? ચિનારને સાત વાગ્યે સ્કૂલે મૂકવા જવાનું હતું. પહેલાં પોતે તૈયાર થઇ..પછી ચિનારને ઉઠાડી..જલ્દી જલ્દી તૈયાર કરી..તેનું લંચ બોક્ષ ભરી,,દૂધ પીવડાવી તેની સાથે દોડવાનું ચિનાર પણ કંઇ એમ સહેલાઇથી દૂધ થોડો પી લે છે ?

એને મૂકીને આવીને પતિદેવનું ટિફિન તૈયાર કરવાનું..વચ્ચે જલ્દી જલ્દી ચા પી લેવાની. સવારે નિરાંતે નાસ્તો કરવાનો તો સમય જ કયાં મળે છે ? અને આજે તો પતિદેવનો ઓર્ડર હતો..ટિફિનમાં થોડું વધારે મૂકજે..આજે નિકેતની વાઇફ પિયર ગઇ છે. એણે તો જીભ હલાવી લીધી એટલે પૂરું. દોસ્તાર આગળ સારા પોતે દેખાશે..અને…! આમે ય..સકરમીની જીભ અને અકર્મીના પગ જ નહીં..હાથ ને હૈયું બેઉ બળે. બડબડાટ ગમે તેટલો કરે..પણ કર્યે તો છૂટકો જ ને ?
અને આજે તો થોડું મોડું થઇ ગયું હતું. દિશા એ જલ્દી હાથ હલાવ્યે જ છૂટકો. એના કરતાં પોતે નોકરી કરતી હોત તો કેવા જલસા. એ.સી. ઓફિસમાં બેસી ફાઇલો વચ્ચે ખોવાયેલ રહેવાનું. સાંજ પડે પર્સ ઝૂલાવતાં બહાર. કહેવાય કે હું પણ નોકરી કરું છું થાકી ને આવી છું.

પતિનું હમેશનું ધ્રુવ વાકય..તારે કયાં કંઇ કરવાનું છે ? ઘેર જલસા જ ને ? મન ફાવે ત્યારે કરો..છે કોઇ કહેવાવાળું ? ‘ એ સાંભળી સાંભળીને તે થાકી ગઇ હતી. હા, કોઇ કહેવાવાળું નથી..પણ વગર કહ્યે તમારા બધાના સમય સાચવું છું એ નથી દેખાતું? તેમાં કાલે અનેરીના શબ્દોએ જાણે બળતામાં ઘી હોમ્યું. પોતે ઘેર છે તો ધવલ આરામથી ઉંઘી શકે છે. ઓર્ડરો કરી શકે છે એ ભૂલી ગયો ? પોતે શું નોકરી નથી કરી શકતી ? કંઇ અભણ થોડી છે ?

બસ..દિશાના મગજમાં હવે નોકરીનું ભૂત બરાબર ભરાયું હતું. પોતે કંઇ નથી કરતી..એ તો કાઢયે જ છૂટકો..
અને રાત્રે દિશાએ ધવલ આગળ નોકરીની વાત કાઢી. પહેલાં તો ધવલે વાત હસી કાઢી. શું જરૂર છે નોકરી ની ? ઘર આરામથી ચાલે છે. અને બંને નોકરી કરશે તો પહેલો પ્રશ્ન તો ચિનારનો જ આવશે. એને કોણ સાચવશે ?

પણ આજે દિશા લડી લેવાના મૂડમાં હતી. ‘ એ કંઇ મારી એકલીનો પ્રશ્ન છે ? ચિનારની જવાબદારી મારી એકલીની છે ? અને મારે નોકરી કરવી હોય તો તમારી રજા લેવી પડે એવું શા માટે ? હું યે સ્વતંત્ર વ્યક્તિ છું. મારે પણ મારી ઇચ્છાઓ હોય ..સ્ત્રી છું તે શું બધી વાતમાં મારે તમારી મંજૂરીની મહોર લગાવવાની ? તમારે જે કરવું હોય તેમાં મારી રજા લો છો ? જયારે મિત્રોને બોલાવવા હોય કે કંઇ પણ કરવું હોય ત્યારે મારી સગવડતા..અનુકૂળતા પૂછો છો ? તમને બધી છૂટ..બંધનો બધા અમારે ? કેમ ? સ્ત્રી છીએ એટલે ? અમારું સ્વતંત્ર અસ્તિત્વ શું કંઇ નથી ? ‘ દિશા આજે બરાબર વિફરી હતી. વાત રહી ચિનારની..તો દુનિયામાં આટલી સ્ત્રીઓ નોકરી કરે છે. શું બધાને છોકરાં નહીં હોય ? ’

અને આમે ય દલીલોનો તો કયાં કયારેય અંત હોય છે ? કંટાળીને ધવલે કહી દીધું, ‘ ઠીક છે..તારે કરવું હોય તેમ કર. મેનેજ તારે કરવાનું છે. ‘

‘ કેમ મારે મેનેજ કરવાનું છે એટલે ? તમારી કોઇ જવાબદારી નથી ? ચિનારને સ્કૂલે મૂકવા જવા તમે પણ જઇ શકો. કે એની વોટર બોટલ તમે પણ કેમ ન ભરી શકો ? અને હું તેનું લંચ બોક્ષ ભરું ત્યાં સુધીમાં તેને બૂટ, મોજા પણ પહેરાવી જ શકાય ને?’

અંતે મને કમને ધવલે સંમતિ આપવી પડી. તેને થયું કે દિશા કંઇ કરતી નથી..એવું કહ્યા કરીને પોતે મોટી ભૂલ કરી નાખી છે. પણ હવે શું થાય ? હાથના કર્યા હૈયે વાગે જ ને ? અને વારે વારે કોઇને ઘેર જમવા બોલાવવાની કે કોઇના માટે ટિફિન લઇ જવાની શી જરૂર હતી ? નકામી દિશાને ઉશ્કેરી. પણ તીર કમાનમાંથી છૂટી ચૂકયું હતું. હવે કોઇએ વીંધાયે જ છૂટકો.
અને દિશા હોંશિયાર તો હતી જ. નોકરી મળતાં સમય ન લાગ્યો. ચિનાર ને સાચવવા માટે આખા દિવસના એક બહેન પણ શોધી લીધા.
હવે ધવલ ને પણ રોજ સવારે વહેલું ઉઠી જવું પડતું. ચિનારને તૈયાર કરવામાં મદદ કરવી પડતી. દિશા બંનેની રસોઇ બનાવી ટિફિન ભરે ત્યાં સુધીમાં નાના, મોટા કેટલાયે કામોની જવાબદારી તેની પર આવી ગઇ. નિરાંતે જલસાથી ઊઠી, કલાક સુધી છાપુ હાથમાં લઇ, ચા પીવાની આદત ભૂલવી પડી. ફોન પર રોજ સવારે મિત્રો સાથે ગપાટા મારવાનો તો સમય જ કયાં બચતો હતો ? “ તે હિ નો દિવસો ગતા: “ યાદો જ બાકી રહી ગઇ.

દિશા પણ પહેલાં આરામથી..શાંતિથી રસોઇ બનાવતી હતી. હવે ઉતાવળ કરવી જ રહી. બપોરે ઘરમાં ટી.વી. જોતાં જોતાં નિરાંતે ગરમ ગરમ જમવા પામતી હતી. તેને બદલે હવે ટિફિનનું ઠંડું થઇ ગયેલ તેને જમવું પડતું હતુ. અને મગજ પર સતત ચિનારનું ટેન્સન તો રહેતું જ. ચિનારનો સ્કૂલેથી આવવાનો સમય થઇ ગયો. કામવાળી બરાબર સમયસર તેડવા પહોંચી ગઇ હશે ને ? બરાબર જમાડયો હશે ને ? અને એ ટેન્શનમાં ફાઇલોમાં કેટલી યે ભૂલો રહી જતી. અને બોસનો ઠપકો ‘ સોરી ’ કહીને સાંભળી લેવો પડતો.

ઘેર જાય ત્યાં ચિનાર મમ્મી..કરતો તેને વળગી પડે. સાંજે બાઇ તો તેની રાહ જોઇને જ બેઠી હોય. તેને પણ ઘેર જવાની ઉતાવળ હોય. તેથી દિશા આવે એટલે તે તરત ચાલી જાય.. ધવલ ને તો રાત્રે આવવામાં હમેશ મોડું થતું. તેની નોકરી જ એવી હતી કે તેમાં દિશા કંઇ કહી શકે તેમ નહોતી. અને બાકી રહેલ કામ પતાવી દિશાએ બીજા દિવસની તૈયારી પણ ત્યારે જ કરવી પડતી. ધવલ આવે ત્યારે જલ્દી જમી લેવું પડતું..ચિનાર વાર્તા કરવાની જીદ કરતો..પણ થાકેલ દિશાએ કયારેક તેને ફોસલાવીને તો કયારેક ખીજાઇને સૂવડાવી દેવો પડતો. સવારે વહેલાં ઉઠવાની ચિંતા માથે સવાર હોય જ. જાણે બધું બેલેન્સ ખોરવાઇ ગયું હતું.

છતાં બે મહિના તો જીદમાં ને જીદમાં દિશાએ બધું ચલાવ્યું. ધવલ પણ મૌન રહીને પોતાથી થાય તે સહકાર આપતો હતો. પણ ન જાણે કેમ મજા નહોતી આવતી. કદી ન રડનાર ચિનાર પણ રોતલ અને જીદી બની ગયો હતો. જીવનમાંથી જાણે કંઇક ખૂટી ગયું હોય તેવું અનુભવાતું હતું. અને નોકરીનો ડુંગર દૂરથી જેટલો રળિયામણો લાગતો હતો તે નજીક જતાં છેતરામણો લાગ્યો. ઘણીવાર કોઇ વાંક વિના પણ અપમાન, અવહેલના સહન કરવા પડતાં હતાં. અને તે પણ મૌન રહી ને. પતિ, પત્ની વચ્ચે ની પેલી મીઠી નોકઝોક તો હવે કયાંય અદ્ર્શ્ય થઇ ગઇ હતી. રવિવાર વધારાના કામ નિપટાવવામાં અને થોડો આરામ કરવામાં કે ચિનારને બાકી રહી ગયેલું લેશન કરાવવામાં જ પૂરો થઇ જતો હતો.

કદાચ બંને ને પોતાની ભૂલનો એહસાસ થઇ ગયો હતો. પણ એકરારની પહેલ કોણ કરે ? એવામાં એક દિવસ રાત્રે ચિનારને તાવ આવ્યો હતો. બાઇ રજા લઇ ને ગઇ હતી. ધવલ ઓફિસના કામે બહારગામ ગયો હતો. દિશાને પણ બીજે દિવસે ઓફિસમાં ઓડીટર આવવાના હોવાથી જવું પડે તેમ હતું. આખરે નોકરી હતી. કોઇ મોં જોઇને કંઇ પૈસા થોડા આપતા હતા ? કાલે સવારે શું કરવું તે વિચારતી દિશાની આંખમાં ઉંઘ નહોતી. એક અસમંજસમાં આખી રાત તે અટવાતી રહી.
સવારે પણ ચિનારનું શરીર તાવથી ધીખતું હતું તેને સ્કૂલે મોકલવો શકય નહોતો. હવે ? ત્યાં પાંચ વરસના ચિનારે પૂછયું, ‘ મમ્મી, તારે ઓફિસે જવાનું છે ? તું મારી પાસે રહીશ આજે ? “

દિશાની આંખો ભરાઇ આવી. તેણે ધીમેથી માથું હલાવ્યું. પુત્રના ધખતા કપાળે હાથ ફેરવ્યો. અને હળવે હૈયે ઉભી થઇ એક મિત્રને ફોન જોડયો. કે ઓફિસે જાય ત્યારે તેના રાજીનામાનો પત્ર લેતી જાય.

બે દિવસ પછી ધવલ આવ્યો ત્યારે દિશા ચિનારને વાર્તા સંભળાવતી હતી. અને મા દીકરો ખડખડાટ હસતા હતા. અને આશ્ર્વર્ય તો દિશાને ત્યારે થયું કે બીજે દિવસે સવારે દિશાને નોકરી નથી જવાનું તે જાણતો હોવા છતાં ધવલ તેની સાથે જ ઉઠી ને ચિનારને તૈયાર કરવામાં મદદ કરવા હોંશે હોંશે લાગી ગયો. દ્રષ્ટિ બદલાતાં હવે શરૂ થયું હતું તેમનું નવજીવન..સહજીવન..સખ્યજીવન.

અને પૂર્વાકાશે બાલરવિ તેના મૃદુકિરણો વેરી ધરતીને અજવાળી રહ્યો. અને ઉષારાણી વાતાવરણમાં અબીલગુલાલના છાંટણા છાંટી રહી..

મંગલ ત્રિકોણ…..

શુભમ અને શચી જ્યારે સાથે જીવવા-મરવા ના ખ્વાબ જોતા હતાં ત્યારે જ સમય જાણે તેમની પર હસતો હતો.આવું તો કેટકેટલું સમયે જોઇ નાખ્યું હતું,,સાંભળી લીધુ હતું ને તે પછી ના દ્રશ્યો પણ તેણે ક્યાં ઓછા જોયા હતાં?ભલભલા પ્રેમ ના રંગ ફિક્કા પડતા સમયે જોયા હતા.પોતે બધાથી અલગ છે એવા દાવા ઉપર તો હવે તેને દયા આવતી હતી. શુભમ અને શચી જાણે..’’ made for each other ‘’.બને ના મિત્રો પણ એવું માનતા હતાં ને સ્વીકારતા હતાં. કેવા સુંદર દિવસો હતા!!સમય કેવી ઝડપથી ભાગતો હતો કે ઉડતો હતો.પ્રેમી ઓના સમય ને આમે ય હમેશા પાંખ હોય જ છે ને?વધુ માં વધુ સમય સાથે કેમ રહી શકાય એ જ પ્લાનીંગ બંને કર્યા કરતા. અને ચોરીછૂપી થી મળવાનો જે આનંદ,,જે મસ્તી,,જે ખુમારી હોય છે એ કદાચ officially મળવા માં નહી મળતો હોય!!માતાપિતા ના વિરોધ નો સામનો કરી…નિયમો નો ભંગ કરી ને મળવા માં યૌવન ને જે ઉત્સાહ,જે આનંદ આવે છે ..એ તો અનુભવે જ સમજી શકાય. જ્ઞાતિ ના તફાવત ને લીધે બંને ના કુટુંબ નો વિરોધ હતો.અને કદાચ એ વિરોધ ના પ્રતિકાર રૂપે ..બંને નો પ્રેમ વધુ ને વધુ મજબૂત બનતો રહ્યો.નવા નવા રંગો એમાં ઉમેરાતા રહ્યા.એ રંગ આગળ બીજા બધા રંગ ફિક્કા હતા.એક્બીજા વિના નહી જીવી શકાય એવો એક એહસાસ બધા પ્રેમીઓની જેમ તેમને પણ સ્વાભાવિક રીતે જ હતો.યૌવન સહજ આકર્ષણ થી ..એકબીજા માટે આકાશ ના તારા તોડી લાવવા યે બંને તૈયાર હતા.રંગીન સ્વપ્નો ને રંગીન દુનિયા હતી.અલૌકિક..સ્વર્ગીય સુખ ના ફિલ્મી ખ્વાબો હતાં.દરેક ની સામે લડી લેવાની વૃતિ હતી.

અને પગભર થતા જ બંને એ બધાના વિરોધ વચ્ચે કોર્ટ માં મેરેજ કરી લીધા.મિત્રો નો સાથ આવા વખતે તૈયાર જ હોય છે.

અને લગ્ન નું એકાદ વરસ તો ક્યાં દોડી ગયું એ ખબર પણ ન પડી.બંને પાસે સારી નોકરી હતી.સહિયારા સ્વપ્નો હતા.જીવન ની રંગીનીઓ હતી.ને સમય તો દોડતો હતો.ને હરિફાઇ ના આ યુગ માં..સતત સ્પર્ધા માં ટકી રહેવાસમય ની સાથે સાથે તેઓ પણ દોડતા હતા.બને પ્રતિભાશાળી હતા.સ્માર્ટ હતા.સફળતા સામેથી આવતી હતી.શુભમ ને પણ ખૂબ સારી તક મળી ગઇ.ને બે વરસ માં તો તે પૈસા અને પ્રસિદ્ધિ ના શિખરે હતો.શુભમે શચી ને એકાદ વાર કહી જોયું..નોકરી છોડી દેવા માટે..જેથી બાળક ના આગમનનું પ્લાનીંગ થઇ શકે.પણ શચી ને તેની કેરીયર છોડવી મંજૂર નહોતી.થોડી ચકમક બંને વચ્ચે થતી રહેતી….પણ પ્રણય નો રંગ હવે ધીમે ધીમે ફિક્કો પડવા લાગ્યો હતો પ્રેમીનું કદાચ પતિમાં રૂપાંતર થઇ રહ્યું હતું..દ્રષ્ટિ બદલતી ગઇ ને જે આંખો એક્બીજા ની ખૂબીઓ જોવા ટેવાયેલી હતી..એ હવે એક્બીજાની ખામીઓ જોવા ટેવાવા લાગી.અને દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે જેને જે જોવું હોય તે મળી જ રહે છે.નાની નાની વાત માં બંને ને હવે એકબીજા ના દોષ દેખાવા લાગ્યા.ટીકાઓ થવા લાગી…ને ટીકા ઓ તો પાળેલા કબૂતર જેવી હમેશા હોય છે.પાછી તે પોતાની પાસે જ આવી જાય.હવે એક્બીજા ને સહન કરવા પણ અઘરા લાગ્યા.સાવ નજીવી વાત પણ હવે મોટી દેખાતી હતી.રાઇ નો પર્વત બની ચૂકયો હતો.ને સર્વગુણસંપન્ન તો દુનિયામાં બે જ વ્યક્તિ હોઇ શકે ને?એક ન જન્મેલ ને બીજી મરી ગયેલ.શોધવા જ હોય તો દૂધ માંથી પણ પોરા મળી જ રહે ને?

છતાં આમ ને આમ સમાધાન કરી કરી ને ત્રણ વરસ કાઢ્યા.પણ હવે કદાચ બંને થાકી ગયા હતાં બને એજ્યુકેટેડ હતાં,,નવા વિચારોવાળા હતા.ને સતત સાથે રહી ને સહન કરવા કરતાં છૂટા પડવું વધારે સારું એમ બંને માનતા હતા.અલબત્ત હજુ આ તો વિચાર જ હતો.અમલ માં કેમ મૂકવો,ક્યારે મૂકવો..કોણ કહેવાની પહેલ કરે વિગેરે પ્રશ્નો તો હજુ વણઉકેલ્યા જ હતા.પણ એક્વાત બંને ના મનમાં પથ્થર ની લકીર ની જેમ થઇ ગઇ હતી કે હવે સાથે તો નહી જ રહી શકાય.જેમ હમેશાં બનતું આવ્યુ છે તેમ સાથે જીવવા મરવાની વાતો તો કયાંય ભૂલાઇ ગઇ હતી.

ત્યાં શુભમ ને કંપની ના કામે કેરાલા જવાનું થયું.શચી પણ ત્યારે થોડી free હતી.તેથી બંને એ સાથે ફરી આવવાનું નક્કી કર્યું.ત્રણ- ચાર દિવસ છેલ્લી વાર સાથે જઇ આવીએ ને સારી રીતે છૂટા પડીએ.એવું કદાચ બને ના અજ્ઞાત મનમાં હોઇ શકે.

ઘણી વખત માણસ ધારે છે કંઇ ને કુદરત કરે છે કંઇ.વિધિ નું નિર્માણ કોના માટે..ક્યારે..શું..કેવી રીતે નિર્માયુ છે ..કે ભાવિ ના ગર્ભ માં શું છૂપાયેલું છે તે કોણ જાણી શકયું છે?

કેરાલા ના રમણીય દરિયાકિનારે ..ઉછળતા મોજા ની મસ્તી બંને માણી રહ્યા હતાં.ત્યાં ..ત્યાંજ ..ક્ષણવાર માં જાણે કોપાયમાન કુદરતે તેનું ત્રીજુ નેત્ર ખોલ્યું ને સેંકડો માણસો ની સાથે સાથે શુભમ અને શચી પણ ક્યાંય ફેંકાઇ ગયા.ઝઝૂમવાની મહેનત કરી બંને એ ,,પણ સુનામી ના પ્રચંડ મોજા આગળ કેટલુ ટકી શકે?આમેય કુદરત આગળ માનવી હમેશા વામણો જ રહ્યો છે ને?બંને એ એક્બીજા ના હાથ સખત રીતે પકડી રાખ્યા હતાં પાણી ના જોર આગળ તેઓ સમતુલન તો ન જાળવી શક્યા.પણ કુદરત ની કરામત ની જેમ બંનેના હાથ ના આંગળા મડાગાંઠ ની જેમ ભીડાયેલા જ રહ્યા….

અને જ્યારે શુભમ ને ભાન આવ્યું ત્યારે એક ઝાડ માં બંને અટવાઇ ને પડયા હતાં.ક્યાં..ક્યારે..કેવી રીતે..કેટલો સમય થયો ?પ્રશ્નો બધા નિરુત્તર હતા.બાજુ માં જ શચી પણ અર્ધબેભાનાવસ્થા માં કણસતી હતી.ધીમે ધીમે મનોબળ મક્કમ કરી શુભમ બેઠો થયો.શું થયુ હતું અ યાદ કરવાનો પ્રયત્ન કર્યો ..ને તે ધ્રૂજી ઉઠયો..ઓહ!!..આભ ને આંબતા ઉછળતા પાણી ની થપાટો……તે અને શચી જાણે હજુ યે ગબડતા હતા..ખેંચાતા હતાં!!!! તેણે શચી ને જોશથી હલબલાવી.શચી…શચી… શચી ના દર્દ ભર્યા ઉંહકારા ચાલુ હતાં.પણ તે ઉંહકારા શુભમ ને આજે વહાલા લાગતા હતાં તેની શચી જીવંત હતી ..તેનો એ એહસાસ આપતા હતાં.પણ હવે શું કરવું?તેઓ ક્યાં હતા?શુભમ ધીમેધીમે ઉભો થયો.ચારે બાજુ મોત ના તાંડવ ના…તોફાન ના ચિન્હો નજરે પડતા હતાં.પોતે કેટલા સમયથી અહીં હતા તે પણ ખબર નહોતી પડતી.હાથમાં થી ઘડિયાળ ક્યાંક નીકળી ગયું હતું.તેના મન માં એક માત્ર વિચાર ઘૂમતો હતો.શચી…ને કેમ ભાન માં લાવવી?’તેના અંત:સ્તલ માં અત્યારે એક જ પોકાર હતો” શચી……શચી….શચી….!!!!”

ચારે બાજુ પાણી જ પાણી દેખાતુ હતું .વચ્ચે નાનકડા ગામડા જેવી..કોઇ ટાપુ જેવી જગ્યાએ પોતે પહોંચી ગયા હોય તેવું લાગ્યું.આજુબાજુ થોડા ભાંગેલા-તૂટેલા ઝૂંપડા..કે ઝૂંપડા ના અવશેષો દેખાતા હતા.કોઇ વ્યકિત ના ચિન્હો નજરે નહોતા પડતા.હવે શું કરવું? તે મૂંઝાઇ રહ્યો.તેને શચી ની ચિંતા થવા લાગી.ઇશ્વર ને અનાયાસે પ્રાર્થના થઇ ગઇ.આપત્તિ માં હમેશાં એ જ યાદ આવે છે ને બધા ને?એમાં એ થોડો અપવાદ હોઇ શકે?તેણે જોરથી શચી ને હચમચાવી.અને..અને અચાનક શચીની આંખો ખૂલી.ઇશ્વરે જાણે તેની પ્રાર્થના નો જવાબ આપ્યો.શચી ને જાણે કંઇ સમજાતું ન હતું.તે શુભમ ને એક મિનિટ જોઇ રહી.જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી.શુભમે ફરી થી તેને હલબલાવી .ને અચાનક શચી ની આંખોમાં જાણે ઓળખાણ ઉતરી આવી.તે શુભમ ને જોશથી વળગી પડી……

બંને એક્બીજા ની હૂંફ માં ક્યાંય સુધી પડી રહ્યા.વચ્ચે વચ્ચે શચી ના હીબકા ચાલુ હતાં.શુભમ મૌન બની ..વહાલભર્યા સ્પર્શથી તેને સાંત્વન આપવા મથતો હતો.શબ્દો અત્યારે વામણા બની ગયા હતાં.કુદરત ના કોપ આગળ બંને બધું ભૂલી ને એકાકાર થઇ ગયા હતાં.ફક્ત વહાલ નું..પ્રેમ નું સામ્રાજય ત્યાં છવાયેલું રહ્યું.સમય જાણે થંભી ગયો હતો.

અચાનક ક્યાંકથી નાના બાળકનો રડવાનો અવાજ જોરશોરથી તેમના કાન માં અથડાયો.બને ચોંકી ઉઠયાં અહીં આ અવાજ શેનો?બંને ની ભાવ સમાધિ તૂટી.આ ભ્રમ છે કે શું?ના,,,નાના બાળકનો રડવાનો અવાજ ક્રમશ:મોટો થતો જતો હતો.બંને સફાળા ઉભા થઇ અવાજ ની દિશામાં ગયા.

“સર્જન ને સંહાર ઉભા હારોહાર,
અનંત ને દરબાર…..”!!!!

ની જેમ, એક ભાંગેલ તૂટેલ ઝૂંપડા ની વચ્ચે નાનકડું બાળક હાથ હલાવતું રડી રહ્યું હતું.કુદરતે તેના પરમ પાવક સર્જન ને જાણે ટિટોડી ના ઇંડા ની જેમ બચાવી લીધુ હતું.તેમણે આસપાસ જોયું કોઇ જ દેખાયું નહીં.કદાચ આ તોફાન માં આ અભાગી બાળક ના માતાપિતા કયાંક તણાઇ ગયા હતા.જે હોય તે..અત્યારે એ બધું વિચારવાનો સમય કયાં હતો?શચી એ બાળકને ઉપાડ્યું ને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી.રડી રડી ને બાળક કદાચ થાકયું હતુ.શચી ના ખોળા ની હૂંફ મળતા જ ..તેની છાતી માં તે પોતાનું નાનકડું મોં નાખવા લાગ્યું.કદાચ હવે તેને અહીં દૂધ મળશે….પણ……! શચી સ્તબ્ધ થઇ ગઇ.બાળક ની ભૂખ ને તે સમજી…પણ તે લાચાર બની ગઇ.તેના દિલ માં વાત્સલ્ય નું..કરૂણા નું ઝરણું વહી રહ્યું હતું.પણ લાચાર શચી શું કરે?તેની કુંવારી છાતી માં દૂધ કયાંથી લાવે?

શચી અને શુભમ ને પણ ભૂખ તો લાગી હતી.ખાધે કેટલો સમય થઇ ગયો હતો,, કોને ખબર હતી?પણ આ બાળક ની વેદનામાં પોતાનું બધું ભૂલાઇ ગયું.અત્યારે તો બાળકની ભૂખ કેમ સમાવવી?એ જ એક માત્ર પ્રશ્ન હતો.કુદરતે માનવ મનમાં કેવી અદભૂત માયા મૂકી છે….!!!

બંને આજુબાજુ માં તપાસ કરવા કરવા લાગી ગયા…કંઇ મળી શકે તેમ હોય તો..રડી રડી ને ..થાકી ને બાળક બિચારું અત્યારે તો ભૂખ્યું..તરસુ જ સૂઇ ગયુ હતું..શચી ના ખોળા માં.પણ કેટલી વાર?જાગશે એટલે પાછું ભૂખથી રડશે…શું કરવું?

કોઇ ઝૂંપડા માં કાંઇ બચ્યું કયાંથી હોય?કોઇ માણસો યે નહોતા બચ્યા .ત્યાં ખાવા નું તો ક્યાંથી બચ્યું હોય?ચારે તરફ વિનાશ ની..તોફાન ની દાસ્તાન દેખાતી હતી.વિનાશ ના અવશેષો વેરવિખેર થઇ ને ચારે તરફ વેરાયેલા હતા.શુભમ શોધતો રહ્યો.જીજીવિષા જાગ્રુત હતી ને મરણિયો માણસ શું ન કરે?જીવવું ને જીવાડવું એ જ એક માત્ર ધ્યેય રહ્યું હતું.તે અને શચી પણ થાકયા હતાં..હાથે-પગે કેટલાયે ઉઝરડા પડયા હતાં. શરીર આખું તૂટતું હતું બંનેનું…ફકત વીલપાવર..મનોબળ ના જોરે જ ..બાળક ને ગમે તેમ કરી ને બચાવવાનું છે એ એક જ ખ્યાલે બંને ઝઝૂમતા હતાં.કુદરતે જાણે બંને ને અચાનક અખૂટ શકિત આપી દીધી હતી.

અચાનક શુભમ નું ધ્યાન ગયું..તેણે જોયું કે ઝાડ ની વચ્ચે ..કાદવ માં ઘણાં નાળિયેર રખડતા પડયા હતા.તેની આંખો ચમકી.દોડી ને તેણે એક નાળિયેર ઉપાડયું.ઓહ…યસ!!!!..પાણી થી ભરેલ અમ્રૂત સમાન નાળિયેર હતાં.કુદરતે જાણે તેના માટે જ ગોઠવણ કરી રાખી હતી.નાળિયેર પછાડી..કોપરું કાઢીતેણે શચી ને ખવડાવ્યું ને પછી પોતે પણ ખાધું.ને પાણીને અણમોલ ખજાનો સાચવતા હોય તેમ નાળિયેર ની કાચલી માં જ સાચવીને રાખી દીધું.બાળક જાગે ત્યારે ટીપેટીપે તેને પીવડાવી શકાય.બનેં એક્બીજા સામે જોઇ ને હસતા હતાં.નિર્ભેળ.. મુકત હાસ્ય….!

પછી તો આજુબાજુમાં થી ..દૂરદૂર થી..જેટલા મળ્યા એટલા નાળિયેર તેણે એક્ઠા કર્યા.જાણે દુનિયા માં એ એક જ કરવા જેવું કામ રહ્યું હતું.નાળિયેર મળતાં તે ખુશખુશાલ થઇ જાતો.શચી પણ તેની આ ખુશી જોઇ રહી.બધા નાળિયેર તેણે ભેગા કરી લીધા.અને એક તૂટેલા ઝૂંપડામાં થોડું સરખુ કરી,,થોડો આધાર મેળવી બંને બેઠા.

નાળિયેર ખાતા ખાતા બંને એક્બીજા સામે જોઇ હસી પડયા.આંખ માં આંસુ છલકાતા હતા..ને બંને હસતા હતા.થોડી વારે બાળક જાગ્યું ને ભૂખ શમાવવાની ચેષ્ટા નિષ્ફળ જતા રૂદન શરૂ કર્યું.શુભમે રૂમાલ નાળિયેર ના પાણી માં બોળ્યો,ને શચી ધીમેધીમે ટીપું ટીપું પાણી બાળક ના મોં માં રેડતી રહી.થોડી આનાકાની પછી બાળકે જાણે તે સ્વીકારી લીધું.જાણે તે પણ કુદરત ને..પરિસ્થિતિ ને અનુકૂળ થઇ ગયું.થોડું પાણી પેટ માં જતા બાળક ખિલખિલાટ કરતું હસી ઉઠયું.ને સાથે સાથે શુભમ ને શચી પણ.

બંને જાણે બધું વિસરી ગયા હોય ને આના સિવાય જાણે તેમને દુનિયામાં કંઇ હતું જ નહીં.કોઇ સંતાપ નહી,,દુ:ખ નહીં..ચિંતા નહી..મન ની પળોજણો નહી.નિર્ભેળ સુખ,સંતોષ …અહીં કોઇ સગવડતા નહોતી.ખાવાપીવાનું નહોતું..કંઇ જ નહોતું .છતાં બધું..બધું જ હતું.
તે રાત ત્રણે એ એક્બીજા ની હૂંફ માં કાઢી.બીજે દિવસે સવારે ફરી નાળિયેર ને એ જ ક્રમ.નાળિયેર ને સહારે પેટ ની ભૂખ ને એક્બીજા ની હૂફ માં મન ની અલૌકિક શાંતિ..જેનો અનુભવ જિંદગી માં કદાચ પહેલીવાર થઇ રહ્યો હતો.કેટલી ઓછી જરૂરિયાત વડે પણ જિંદગી ચાલી શકે છે..એનો અહેસાસ જાણે બંને ને થતો હતો.

મૃત્યુ નો અનુભવ કરી ને બંને જાણે નવજીવન પામ્યા હતા.જીવન નું ઘણું સત્ય અનાયાસે વગર બોલ્યે પામ્યા હતા. કોઇ ફરિયાદ,કોઇ ટીકા.કોઇ દોષારોપણ ,કોઇ દોડાદોડી કંઇ જ નહોતુ.દોડીદોડી ને હાંફી ગયેલ સમય જાણે થોડી વાર થાક ખાવા થંભી ગયો હતો.પરમ શાંતિ ને સંતોષ નો આ આહલાદક અનુભવ નવો જ હતો.બાળક પણ જાણે તેમને અનૂરૂપ થઇ ગયુ હતું.રે કુદરત!!..તારી લીલા યે અપરંપાર છે ! ચમત્કાર જો દુનિયા માં થતા હોય તો આ પણ એક ચમત્કાર જ હતો ને?

શચીતો જાણે સદીઓથી બાળક ની મા જ હતી….!!.તે બાળકને ઝૂલાવતી,,હસાવતી, આવડે તેવા હાલરડા ગાતી.સુવડાવતી .ઉછાળતી.તેની સાથે હસતી.તેને સાફ કરતી.બાળક માં તે ઓતપ્રોત થઇ ગઇ હતી.

આખરે બે દિવસ બાદ ..કંઇક હલનચલન થતું દેખાયું.ઓહ!! આ તો સરકારી મદદ હતી.અને પછી તો એ મદદ વડે ..બને અંતે સહીસલામત પોતાને ઘેર પહોંચ્યા.ત્યારે તેઓ બે જ નહોતા,સાથે નાનકડું બાળક પણ હતું.સરકારી રેકોર્ડ મુજબ તેના માતા પિતા આ તોફાન માં ક્યાંક મ્રુત્યુ પામ્યા હતા,,ને બીજું કોઇ સગુ તેનો કબજો લેવા આવ્યું નહીં.તેથી શુભમે બધી જરૂરી કાનૂની વિધિ પતાવી..બાળક ને અપનાવી લીધુ હતું .આમે ય શચી તેને છોડવા કયાં તૈયાર હતી?જનેતા તે નહોતી પણ ‘મા’તો જરૂર હતી જ.તેના માં રહેલું સુપ્ત માત્રુત્વ જાગી ઉઠયું હતું.હવે તે રહી ગઇ હતી..’યશોદા” માત્ર યશોદા….ને રચાયો હતો મંગલ ત્રિકોણ..જેના ત્રણે ખૂણા સાચા અર્થ માં જીવંત હતા.

અને..અને પેલા છૂટાછેડા..ને એ બધુ શું??એ બધું શું હતું??એ તો બે માંથી કોઇ ને યાદ પણ કયાં હતું?

ક્યાંકથી સંભળાઇ રહ્યુ હતું,

‘’કયાંક મળવું.કયાંક હળવું.કયાંક ઝળહળવું હવે…
કયાંક લીલા ત્રુણ નું ખડક તોડી પાંગરવું હવે….’’

નીલમ દોશી.
15-7-22 દિવ્ય ભાસ્કર, ‘મધુરિમા ‘ માં છપાયેલ વાર્તા.

અજંપો..

કોઇ દેખીતા કારણ વિના અર્ચનાનું મન ઉદાસ થઇ ગયું હતું.જાણે તેના સમગ્ર અસ્તિત્વને કોઇ અંદરથી ઢંઢોળી રહ્યું હતું,”ઉઠ અર્ચના,તારા ગૌરવભર્યા અતીત સામે જો..કયાં એક જમાનાની કોલેજમાં સ્ટેજ ધ્રૂજાવતી અર્ચના અને કયાં આજની સીધી સાદી,શાંત,ઘરેલુ ગૃહિણી અર્ચના!!!”

જાણ્યે અજાણ્યે અર્ચનાથી એક નિ:શ્વાસ નખાઇ ગયો.ભણવામાં છેક નાનપણથી તે કોલેજ સુધી ની તેની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી.અને ફકત ભણવામાં જ નહીં…એક એક પ્રવૃતિ,એક એક કાર્યક્રમ…અર્ચના વિના જાણે ફિક્કો પડી જતો.કોલેજમાં તે હમેશા બધાની ઇર્ષ્યાનું પાત્ર બની રહેતી.એ બધાની પરવા કર્યા સિવાય અર્ચના તેનામાં મસ્ત રહેતી.તેને આગળ વધવાની  તમન્ના હતી..કંઇક નવું કરી બતાવવાની હોંશ હતી.તે સામાન્ય બની રહેવા નહોતી માગતી.

પણ…સમયનું ચક્ર કંઇક એવી રીતે ફર્યું કે અર્ચના અવિનાશની પત્ની બની..શ્વસુરગૃહે આવી.અવિનાશ તેને નહોતો ગમ્યો…એવું નહોતું.તે ભાવનાશીલ આદર્શવાદી યુવાન હતો.તેના શાંત,સ્વસ્થ વિચારોએ તેને આકર્ષી હતી.અવિનાશના પ્રેમમાં..નવા સંસારમાં તેના નાનકડા ઘરને સજાવવામાં બે વરસ તો બે મહિનાની જેમ પસાર થઇ ગયા હતા.જીવન સભર બની ગયું હતું ખુશી છલકાતી હતી. તેમાં નાનકડા આદિત્ય અને તે પછી ત્રણ વરસ બાદ અંજલિના આગમનથી તો જીવન સાચા અર્થમાં જીવંત બની ગયું.

સમયની ગતિ વધુ ઝડપી બની. અર્ચના અને અવિનાશ બંને ની પ્રેમભરી માવજતથી બાળકો પૂર્ણકળાએ પાંગરવા લાગ્યા.અર્ચનાની તેજસ્વી કારકિર્દી પણ આ બને આગળ ઝાંખી લાગતી હતી.અર્ચના ખુશખુશાલ હતી.જીવનમાં કોઇ અભાવ નહોતો,સુખ,શાંતિ છલકતા હતા.આર્થિક રીતે પણ કોઇ અગવડ નહોતી. અને આદિત્ય દસ વરસનો અને અંજલિ સાત વરસની થઇ.અર્ચનાનું જીવન એ ત્રણેની આસપાસ ગૂંથાઇ ગયું હતું.અતીતની અલ્લડ અર્ચનાને ભૂલીને તે અવિનાશની વહાલસોઇ પત્ની અને બાળકોની પ્રેમાળ મા રૂપે જ રહી ગઇ હતી.અને તેમાં તેને પૂર્ણ સંતોષ હતો.કોઇ અભાવ કે અસંતોષ નહોતા.

પણ….અચાનક શાંત જળમાં પથ્થર પડે અને વમળો સર્જાય તે રીતે અર્ચનાના શાંત જીવનમાં તેની જ કોલેજની બહેનપણી શેફાલીની મુલાકાતે વમળો સર્જયા હતા.બે દિવસ પહેલાની શેફાલી સાથે ની વાતો અર્ચનાના કાનમાં આજે યે ગૂંજતી હતી. અચાનક વરસો બાદ ઘેર આવીચડેલ શેફાલીને જોઇ તે પણ ખુશ થઇ ઉઠી હતી.બંને કોલેજજીવનના સંસ્મરણોમાં ડૂબી ગયા હતા.અર્ચનાનું સીધું સાદું એક ગૃહિણીનું રૂપ જોઇ શેફાલી ને આશ્ર્વર્ય થયું હતુંતો શેફાલીની કલબ અને મહિલા સંસ્થાઓની પ્રવૃતિઓ વિષે સાંભળી અર્ચના તેનાથી ઘણી પાછળ રહી ગયાનો અનુભવ કરતી હતી.

શેફાલી પણ બે છોકરાઓની મા હતી.પત્ની હતી.અને છતાં તેણે પોતાનું આગવું વ્યકતિત્વ જાળવી રાખ્યું હોય અને પોતે ખોઇ નાખ્યું હોય તેવું તે અનુભવી રહી.અને શેફાલીએ પણ જતાં જતાં તેના જ મનની વાત નો પડઘો પાડયો,”અર્ચના,હું તો માની જ નથી શકતી કે…તું એ જ અર્ચના છે…તું તો સાવ ઘરકૂકડી બની ગઇ છે.અરે ભાઇ,ઘર,વર અને છોકરા તો અમારે યે છે.પણ તું તો જાણે બહારની દુનિયાથી સાવ અલિપ્ત બની ગઇ છે.તારી શક્તિ વેડફી નાખે છે!!!”

અને અર્ચનાને થતું હતું કે શેફાલી સાચી હતી…પોતે જીવનનો એક દસકાથી યે વધુ સમય વેડફી નાખ્યો હતો!! હા,શેફાલી ના કહેવા મુજબ તેના બાળકો ભણવામાં ને બધી રીતે સામાન્ય હતા..જયારે આદિત્ય અંજલિની તો વાત જુદી હતી.પણ…તેથી શું?શેફાલી કેવી સ્માર્ટ લાગતી હતી!!જયારે પોતે?એક અજંપો તેને ઘેરી વળ્યો..અચાનક જીવન જાણે ખાલી થઇ ગયું.અને તેનો પડઘો…તેના દરેક કાર્યમાં…રોજીન્દા જીવનમાં જાણ્યે ,અજાણ્યે દેખાવા લાગ્યો.તે સૂનમૂન બની ગઇ.

આ પરિવર્તનથી અવિનાશ અકળાઇ ગયો.આદિત્ય,અંજલિ કંઇ ન સમજાવાથી મૂંઝાતા હતા.અચાનક મમ્મીને શું થઇ ગયું છે?કેમ બરાબર બોલતી નથી?વાતો નથી કરતી?વાર્તા નથી કરતી?જાણે દરેક વાતમાંથી તેને રસ ઉઠી ગયો હોય તેવું તે અનુભવી રહી. અવિનાશ પૂછી પૂછી ને થાકી ગયો.પણ..અર્ચનાએ જાણે મૌન નું કવચ ઓઢી લીધું હતું.કાચબો જેમ પોતાના અંગો સંકોચી લે..તેમ તે અંદર ને અંદર સંકોચાઇ રહી હતી.શું કહેવું તેની તેને પોતાને યે પૂરી સમજ નહોતી પડતી.એક મૂંઝવણ…એક અજંપો..ખાલીપો તેના તન, મનમાં ઘેરી વળ્યો હતો.

અવિનાશ તેની કોઇ ઇચ્છાની અવગણના ન જ કરે તેની તેને ખાત્રી હતી.દરેક રીતે અવિનાશે તેને પૂરી સ્વતંત્રતા આપી જ હતી.કોઇ બંધન નહોતું ,તે ધારે તે કરી શકે તેમ હતી.પણ…..શું કરે તે હવે? વેડફેલા વરસો થોડા જ પાછા આવવાના છે?ઘરનો રોજિન્દો વહેવાર તો ચાલતો હતો..પણ…હવે એમાં પહેલાની ઉષ્મા,જીવંતતા..ખુશ્બુ નહોતી.મનને લાખ સમજાવવા છતાં એ વિચારો તેનો પીછો છોડતા નહોતા.બસ…અંતે તે સામાન્ય ,ઘરેલુ સ્ત્રી બની ને જ રહી ગઇ ને?અજંપાની આ આગે તેના તન અને મનની શાંતિ હરી લીધી હતી.

એવામાં અદિત્ય,અંજલિની સ્કૂલનો “પેરેન્ટસ ડે” આવ્યો.તેમની સ્કૂલમાં આ દિવસે તેજસ્વી બાળોકોએ આખા વરસમાં કરેલ પ્રવૃતિઓનું પરિણામ…ઇનામ બધુ જાહેર થતું.દર વરસે શ્રેષ્ઠ બાળકોનું ઇનામ આદિત્ય- અંજલિ ને ફાળે જ જતું અને તે દિવસે અર્ચના ફૂલી ન સમાતી. આજે તો તેને કયાં ય બહાર નીકળવાની જ ઇચ્છા નહોતી થતી.પણ છોકરાઓના અને અવિનાશના અતિ આગ્રહને તે ટાળી ન શકી.ને કમને ગઇ.

ત્યાંના ઉત્સાહભર્યા વાતાવરણમાં ..નાના બાળ્કોના સરસ કાર્યક્રમથી તેને થોડુ સારુ લાગ્યું..તે થોડી હળવાશ,પ્રસન્નતા અનુભવી શકી.પ્રોગ્રામને અંતે દરેકમાં પ્રથમ ઇનામ આદિત્ય ,અંજલિને ફાળે આવ્યા.વારંવાર અંજલિ..આદિત્યના નામ સાંભળી..દોડી દોડી ને તેને ઇનામ લેવા જતાં જોઇ અર્ચનાનું માતૃહ્રદય સ્વાભાવિક ખુશી અનુભવી રહ્યું શ્રેષ્ઠ છોકરા અને શ્રેષ્ઠ છોકરીનું ઇનામ પણ આદિત્ય અને અંજલિ ને જ મળ્યા.

છેલ્લે ઉદબોધનમાં આચાર્યશ્રીએ ગૌરવથી કહ્યું,”છેલ્લા ત્રણ વરસથી આ બે બાળકો જ બધા ક્ષેત્રમાં પ્રથમ ઇનામ લઇ જાય છે.અમારી શાળા માટે તેઓ ગૌરવરૂપ છે જ સાથે સાથે તેમના મા-બાપને પણ તેમના માટે ગર્વ હશે જ..અને તે મા-બાપ પણ આદરને પાત્ર છે.આ બંને ને જોઇને અમે બધા પણ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.અને તેના માતા પિતાને પણ અભિનન્દન આપીએ છીએ……”અને પછી આચાર્ય તો ન જાણે શું નું શું બોલતા રહ્યા….અને અર્ચના ના મનમાં તેના પડઘા ગૂંજતા રહ્યા.

કાર્યક્રમને અંતે બધાએ અવિનાશ અને અર્ચનાને પણ અભિનન્દન આપ્યા..ત્યારે અવિનાશે કહ્યું કે,

” સાચા અભિનન્દન ની હકદાર અર્ચના છે ..હું નહીં ….આ તેનું એક જાતનું તપ હતું જે આજે ફળ્યું છે.”

અને ઘેર પહોંચ્યા ત્યાં સુધી માં તો એ ધન્યતા અને ગૌરવ ની લાગણીમાં અર્ચનાના મનનો બધોયે પરિતાપ.અભાવ,અજંપો..ધોવાઇ ગયા હતા. તે ખુશખુશાલ બની ચૂકી હતી.ના,ના, શેફાલી કે કોઇ ગમે તે કહે..તેણે આ વરસો વેડફયા નહોતા.. જ…!!!!તેણે તો વરસો વાવ્યા હતા…!!!!જે આદિત્ય અને અંજલિ રૂપે સોળે કળાએ ઉગી નીકળ્યા હતા.અને આત્મસંતોષથી તેનું મન છલકાઇ રહ્યું.
                                                            નીલમ દોશી.
“અખંડ આનંદ” માં પ્રગટ થયેલ મારી વાર્તા.

આપ શું કહો છો..અર્ચનાએ વરસો વાવ્યા હતા કે વેડફયા હતા?તે ધારત તો ઘણું કરી શકી હોત!!!

ચાલો માણીએ વાર્તા…(8)

સાતમા મહિનાની પહેલી તારીખે જેસનને ફરી એકવાર તેના કાકાનો અવજ સાંભળવા મળ્યો,

કે,જેસન આ છ મહિનામાં તું આગળ જરૂર વધ્યો છે.પણ હજુ અડધો પ્રવાસ બાકી છે અને તેમાં જો તું હેમિલ્ટનને સંતોષ નહી આપી શકે તો આ યાત્રા બંધ થશે અને તારે સૌથી સરસ ,મૂલ્યવાન ભેટ ગુમાવવી પડશે.આ મહિને તારે એક એવી વ્યક્તિને શોધવાની છે ,જે તેના જીવનમાં પીડા અનુભવતો હોય,સમસ્યાથી ઘેરાયેલ હોય અને છતાં હસવાની તેની ક્ષમતા જાળવી શકતો હોય.જે કોઇ પ્રતિકૂળતા ,આપત્તિ સામે પણ હસી શકતો હોય તે જીવનભર સુખી રહી શકે.તેમ હું માનું છું.

જેસન ગયો ત્યારે હેમિલ્ટને તેની ઓફિસના એક માણસને જેસન કયાં ફરેછે ,શું કરે છે તે જોવા અને અહેવાલ આપવા જેસનની પાછળ જાસૂસ તરીકે મૂકયો.પણ તે માણસે મહિના પછે કહ્યું કે જેસન તેના રૂટિન મુજબ જ રોજ રહેતો હતો અને તેને કઇ મળ્યું હોય તેવું લાગ્યું નહીં

બીજે દિવસે જેસન તેને અહેવાલ આપવા આવ્યો ત્યારે તેની સાથે એક અંધ માણસ હતો.જેના હાથમાં લાકડી હતી અને તેણે કાળા ચશ્મા પહેર્યા હતા.જેસને તેનો પરિચય હેમિલ્ટનને કરાવ્યો કે,આ મી.ડેવિડ રીઝ ને મળો

ત્યાં ડેવિડે હસતા હસતા હેમિલ્ટનને કહ્યું કે હમણાં  ઘણાં સમયથી આપણે મળ્યા નથી ખરું ને?

હેમિલ્ટન આ રમૂજ છે તે થોડીવાર પછી જ સમજી શકયો.જેસને કહ્યું કે હું તેને લોકલ ટ્રેન માં મળ્યો હતો..તેની પાસે હાસ્યની બક્ષિસ છે એમ મને ઘણાં પ્રસંગો પરથી લાગ્યું.અને તેણે હેમિલ્ટનને ડેવિડના થોડા પ્રસંગો કહ્યા.હેમિલ્ટને પૂછ્યું કે તમારામાં આ રમૂજવૃતિ કયાથી આવી?ડેવિડે જવાબ આપ્યો કે જયારે મેં નાનપણમાં આંખો ગુમાવી અને પછી ઘણી તકલીફ અને સમસ્યાઓ ભોગવી.લોકોનું વર્તન મારા માટે બહું સારું નહોતું.

પછી મેં વિચાર્યું કે જીવનમાં બે રીત છે.હસવું અને રડવું.અને મેં હમેશા હસવાનું પસંદ કર્યું.જેસને કહ્યું કે ડેવિડનો અભિગમ બહુ સમજ્પૂર્વક નો છે,તેના સંપર્કમાં આવતા મારા સહિતના બધા લોકો ને તેના હાસ્યની બક્ષિસનો લાભ મળ્યા કરે છે.હેમિલ્ટને જેસનનું કામ સ્વીકાર્યું.જતા જતા ડેવિડે કહ્યું,મી.હેમિલ્ટન,આ તમે પહેરેલી ટાઇ ખૂબ સરસ છે.

હેમિલ્ટને તેનો આભાર માન્યો અને હસવા લાગ્યા.ડેવિડે પૂછયું કે, શા માટે હસે છે?ત્યારે હેમિલ્ટને જવાબ આપ્યો કેટાઇ ખરેખર સુંદર છે.!!!

                                                                -ક્રમશ:

(વાર્તા આગળ ચલાવવા માટે વાંચો છો કે નહીં…એટલી ખબર તો પડવી જોઇએને?વાંચો તો ટહુકો  કરશો ને?)

                                                                      

ચાલો માણીએ વાર્તા…(7)

  છઠા મહિનાની પહેલી તારીખે જેસને ફરી એકવાર તેના કાકા નો અવાજ સાંભળ્યો.
  તેમણે કહ્યું કે”  આ મહિને તને હેમિલ્ટન એક  જગ્યાએ  લઇ જશે ત્યાં  તારે એક મહિનો રહેવાનું  છે.અને પરિવાર એટલે શું તે શીખવાનું છે.” 

  બીજે દિવસે હેમિલ્ટન તેને “સ્ટીવંસ હોમ ફોર બોયસ”નામના અનાથાશ્રમ હતો,ત્યાં લઇ ગયો.જેસનને થયું કે આ અનાથ છોકરાઓ તેને શું શીખવશે? ત્યાં 6 થી 16 વરસની ઉમરના 36 છોકરાઓ હતા.હેમિલ્ટને તેને કહ્યું કે ” આજથી તારે એક મહિના માટે અહીં ગૃહપતિ તરીકેરહેવાનું  છે.”

  જેસને   શરૂઆતમાં તો અજાણ્યા માણસની જેમ વર્તન કર્યું.પણ ધીમે  ધીમે  બાળકોનો પ્રેમ અનેઉત્સાહ જોઇ ને તેના રંગમાં રંગાતો ગયો.હવે તે આ અનાથ બાળકોનો પિતા,માતા,ભાઇ,શિક્ષક અને મિત્ર બનીને ફરજ બજાવવા લાગ્યો.અને જયારે એક મહિના પછી હેમિલ્ટન તેને લેવા આવ્યા ત્યારે તેની આંખમાં આંસુ હતાં અને બાળકોની આંખમાંથી પણ આંસુ સરી રહ્યા હતા.બધા બાળકો જેસનને  ભેટયા.અને નાની મોટી ભેટ પણ આપી.

  જેસને કહ્યું કે એમાં કોઇ પણ છોકરાને તેનો પરિવાર નથી.છતાં પરિવાર કોને કહેવાય તેની બધાને મારા કરતા પણ  વધારે   સમજણ છે.મને લાગે છે કે કુટુંબ એટલે માત્ર લોહીની સગાઇ નથી પરંતું એકબીજા  સાથે    પ્રેમના સંબંધ એટલે કુટુંબ.”

 હેમિલ્ટન ખુશ  થયો.

                                       ક્રમશ:

(હપ્તો વાંચો છો ને?વંચાઇ જાય એટલે ટહુકો જરૂર કરશો.)
          

ચાલો માણીએ વાર્તા…(6)

જેસનમાં તેના કાકાએ જોયેલ ચિનગારી જાણે પ્રજવલિત થઇ રહી હતી.


હેમિલ્ટન ની ઓફિસે તે પહોંચ્યો ત્યારે નવી કેસેટ તેના માટે તૈયાર હતી.આ વખતે તેણે તેના કાકાને કહેતા સાંભળ્યા કે,
આ મહિને તારે એક બાળક,એક યુવાન,એક પ્રૌઢ અને એક વૃધ્ધ એમ ચાર વ્યકિતઓ—-જે દરેક ને કંઇ ને કંઇ સમસ્યાઓ છે..તે શોધી ને તેનું વર્ણન હેમિલ્ટનને કરવાનું છે.અને તે દરેક ની સમસ્યા થી તને શું જાણવા મળ્યું ..તે કહેવાનું છે.મહિનો પૂરો થયો અને જેસન અહેવાલ આપવા હેમિલ્ટનની ઓફિસે આવ્યો.તેણે કહ્યું કે,મારે ચાર જુદી જુદી ઉમરના માણસોને શોધવાના હતા.પણ પહેલાં પંદર દિવસમાં કોઇ મને ન મળ્યું.તેથી હું નિરાશ બની ને  એક બગીચામાં બેઠો હતો.ત્યાં બેંચ પર એક બહેન બેઠા હતા.તે બહેનની દીકરી ઝૂલા પર રમતી હતી.તેને તે જોતા હતા.તેણે મને કહ્યું કે,કેવી અલગ છોકરી છે નહીં?

પણ મેં કહ્યું કે મને તો તેનામાં કંઇઅ અલગ નથી દેખાતું.તો તેમણે કહ્યું કે,હું આ છોકરી ની મા નથી.આ છોકરી ને જીવલેણ કેન્સર ની બીમારી છેઅને હોસ્પીટલ વતી તેની છેલ્લી ઇચ્છા પૂરી કરવા હું તેને અહીં લાવી છું તેને એક બગીચામાં આખો દિવસ રમવું હતું આ તેના માટે આનંદ નો ખાસ દિવસ છે.

ત્યાં પેલી છોકરી ..જેનું નામ એમીલી હતું તે મારી પાસે આવી અને મીઠું હસી ને મને પૂછયું કે,શું તમારે પણ આ બગીચામાં આજે આનંદ નો ખાસ દિવસ છે?

મેં ના પાડી..તો એમીલીએ કહું કેમારો તો આજે ખાસ દિવસ છે તો આપણે સાથે આનંદ કરીએ?

જેસને કહ્યું કે,મારી આંખમાં આંસુ આવી ગયા.હું આખો દિવસ તેની સાથે રમ્યો અને મેં જોયું કે આ સાત વરસની બાળકીમાં અખૂટ હિંમત અને આનંદ હતા.સાંજ પડતાં એમીલી થાકી ગઇ.તેને વ્હીલચેરમાં લઇ જતા હતાં ત્યારે તેણે મને કહ્યું કેતમારે પણ આખો દિવસ મારી જેમ આ બગીચામાં આનંદ કરવો હોય તો,હું હોસ્પીટલમાં  કહીને તમારે માટે સગવડ કરવાનું કહીશ.

આટલું કહેતા જેસનની આંખમાં પહેલી વાર આંસુ આવી ગયા.આંખ લૂછી .ને તેણે આગળ અહેવાલ ચાલુ કર્યો.

તે જ અઠવાડિયે એક પ્રૌઢ વયનો માણ સ મારા ઘર પાસેથી પસાર થતો હતો.તેણે મને પૂછયું કે, તમને વાંધો ન હોય તો હું તામારી કાર સાફ કરુ?મેં તેને કારણ પૂછયું તો તેણે જવાબ આપ્યો કે ,મંદી ના આ દિવસોમાં તેની નોકરી છૂટી ગઇ છે અને તેને ત્રણ સંતાનો છે.તો જીવવા માટે  કૈક તો કરવું પડે ને?મેં તેને પૂછયું કે આવા કામ માંથી પૂરતા પૈસા ન મળે તો શું થાય?તેણે જવાબ આપ્યો કે આ સમસ્યાએ મને અને મારા સંતાનોને નવું શિક્ષણ આપ્યું છેઅને હવે પૈસા અને શ્રમ બંનેનું મૂલ્ય સમજાયું છે. અને અમે પહેલા કરતા પણ વધું આનંદ થી સાથે રહીએ છીએ.

મેં તેને કહ્યું કે હું તમારી સમસ્યાથી ખરેખર દિલગીર છું,તો તેણે કહ્યું કે,;અરે,હું તો મારી જાતને નસીબદાર માનું છું.આ સમસ્યાએ તો મને અને મારા બાળકોને ઘણું શીખડાવ્યું છે..

 

અને મને થયું કે આ માણસ સાથે સંબંધ રાખવા જેવા છે.

ત્યાર પછીના દિવસે હું સ્મશાનની બાજુમાંથી પસાર થતો હતો.ત્યાંમેં એક મોટી સ્મશાનયાત્રા નીકળેલી જોઇ.મને થયું કે જરૂર કોઇ પ્રખ્યાત વ્યકિત મરણ પામી છે.ત્યાં એક વૃધ્ધ માણસ ને પૂછ્યું,તો તેણે કહ્યું કે તે મારી પત્ની હતીઅને અમે 60 વરસ સાથે વીતાવ્યા છે.અને તે 40 વરસ શિક્ષક રહી હતી અને અનેક વિધ્યાર્થીઓને પ્રેમ આપ્યો હતો.આ બધા તેના વિધ્યાર્થીઓ છે.મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ,માફ કરજો…તમારા આ ખૂબ શોક ના દિવસે મેં તમને ખલેલ પહોંચાડી.

તે વૃધ્ધ માણસે જવાબ આપ્યો,ના,રે ના,ડોરોથી જેવી પત્ની સાથે જીવન વિતાવનારનો એક દિવસ પણ ખરાબ ન જ હોય.મેં મારી પત્ની ને વચન આપ્યું છે કે તારે નીચે જોવું ન પડે તેવું જીવન હું જીવીશ.

 

આમ ત્રણ જુદી જુદી વ્યક્તિઓને મળી ને તેમની સમસ્યાઓમાંથી મેં શીખ્યું છે.હેમિલ્ટને કહું કે હજુ યુવાન વ્યક્તિ બાકી છે?એનું શું?

જેસને કહ્યું કે, જેણે સમસ્યાઓમાંથી શિક્ષણ મેળ્વ્યું હોય તેવો કોઇ યુવાન હું શોધી નથી શકયો.પણ એવા યુવાન તતીકે હું મારી જા ત ને રજૂ કરું છું.અત્યારસુધી હું ફકત સ્વાર્થની જિંદગી જ જીવ્યો છું અને મને એમ જ હતું કે સમસ્યાઓ તો ફિલ્મ કે વાર્તા માં જ હોય છે.અત્યારસુધી જીવનની આ બાજુથી હું અજાણ જ હતો.

હેમિલ્ટને ચોથી વ્યક્તિ તરીકે જેસન નો સ્વીકાર કર્યો.

                                                     -ક્રમશ:

મિત્રો,વાર્તાનો પ્રતિભાવ આપશોને?