chapti ujas 200

 

ચપટી ઉજાસ.. 200

                                                                            ઝિલમિલ સિતારોંકા આંગન

અહીં ઋષિકેષના શાંત, પાવન વાતાવરણમાં અને ખાસ કરીને ઝિલમિલના આ વિશાળ, અનોખા પ્રાંગણમાં મારી બધી દીકરીઓને બહું ગમ્યું. અહીં આટલી બધી દીકરીઓ સાથે તેમને ભળતા વાર ન લાગી. બે દિવસમાં તો અહીંના વાતાવરણમાં તેઓ ઓતપ્રોત થઇ ગઇ. ફૈબાને તેમને મળીને ખૂબ આનંદ થયો હતો. મારા ફૈબા આજે પણ એવા જ હતા..અંદરથી જરાયે બદલાયા નહોતા. અને અસદ અંકલ નીરજની જેમ જ મુઠ્ઠી ઉંચેરા માનવી હતા એનો  અનુભવ અહીં મને થતો રહ્યો. ફૈબાની પસંદગી ખોટી સાબિત નહોતી થઇ.એનો મને આનંદ હતો. અહીં કોઇ હિંદુ કે કોઇ મુસ્લીમ કયાં હતું ? અહીં તો લેબલ વિનાના સાચુકલા માનવીઓ હતા.  ફૈબા કહે, અહીં  અમે ફકત છોકરીઓ એટલે રાખી છે. કે મોટા થઇને..પોતાના સંસારમાં ગયા પછી તેઓ જયારે મા બને ત્યારે તેમના બાળકોને સાચા સંસ્કારથી સીંચી શકે.. અને એ રીતે ધીમે ધીમે એક નવા સમાજના નિર્માણમાં તેઓ પોતાનું યોગદાન આપી શકે.જે સમાજની સ્ત્રી  સાચા અર્થમાં સંસ્કારી..તેજસ્વી હોય એ સમાજ આપોઆપ તન્દુરસ્ત થવાનો.

હા..ફૈબા, સમજાય છે મને તમારી વાત.

જૂઇ, એક રીતે આપણા બંનેનો માર્ગ એક જ થયો ને ? તું ને હું ..આપણી વેવલેંથ કેટલી મળતી આવી..આટલા દૂર રહ્યા છતાં ..વરસોથી ન મળ્યા હોવા છતાં જાણ્યે અજાણ્યે  આપણો જીવનરાહ એક જ બની રહ્યો. એ કોઇ યોગાનુયોગ છે કે શું ? આપણો આ કયો સંબંધ છે. આપનો સંબંધ કંઇ ફકત ફૈબા અને ભત્રીજીનો જ તો નથી. તારા જન્મના પહેલા દિવસથી.. તેં મારી સામે કરેલા પહેલા હાસ્યથી  હું તારી સાથે ન  જાણે કેવી રીતે જોડાઇ ચૂકી હતી..

ફૈબા ગળગળા અવાજે બોલતા રહ્યા.

હા..ફૈબા , મારા જીવનમાં મારી મમ્મી કરતા યે પહેલું સ્થાન હમેશા તમારું જ રહ્યું હતું..અને રહ્યું છે. જીવનની કોઇ પણ મુશ્કેલીના સમયે મને મા નહીં..મારા ફૈબા જ યાદ આવ્યા છે. ખબર છે ફૈબા. ? તમારા વિના હું..  મારું જીવન કેટલું અધુરું હતું ? દરેક પળે મેં અંદરથી તમને ઝંખ્યા છે. તમને શોધ્યા છે.

વાતો કરતા અમે બંને રીતસર રડી જ પડયા હતા.અમે બંને નસીબદાર હતા કે નીરજ અને અસદ અંકલ જેવા જીવનના સહયાત્રીઓ મળ્યા હતા.

અમે બંને  અમારી અલગ કેડી કંડારી શકયા હતા. કોઇને ચીલે ચાલવાને બદલે અમારો અલગ ચીલો બનાવી શકયા હતા..જેના ઉપર કદાચ ભવિષ્યમાં કોઇને ચાલવું ગમે. એવી આશા મનમાં જરૂર હતી. ઉપર જશું ત્યારે જીવનનો ઉજળો હિસાબ આપી શકાશે  એવી શ્રધ્ધા હતી.

ફૈબાએ દાદીમા, મમ્મી, પપ્પા ..આખા કુટુંબને યાદ કર્યા હતા.

જૂઇ, મારો કુટુંબ સાથે એટલો જ  ઋર્ણાનુબંધ હશે. જીવનમાં  કંઇક પામવા માટે કંઇક ગુમાવવું પણ પડતું જ હોય છે ને ? એકને અનેકમાં ઓગાળીને મને જીવન સાર્થક બન્યું હોય એમ લાગે છે. સ્વમાંથી પર તરફ જવાના  માર્ગમાં ઘણું  બધું છોડવું પડતું હોય છે. અને ઇશ્વરની આપણી ઉપર કેવી અનહદ  કૃપા છે કે આપણને આવા જીવનસાથી મળ્યા.. આવી મીઠડી દીકરીઓ મળી અને આવું સુંદર જીવનકાર્ય મળ્યું.

નીરજ અને અસદ અંકલ મારી ને ફૈબાની જેમ જ ભળી  ગયા હતા.

જૂઇ, આપણું જીવનકાર્ય .જીવનરાહ જયારે એક જ નીકળ્યો છે. ઇશ્વરે આપણને બંનેને સરખું જ કામ કરવાની પ્રેરણા આપી છે ત્યારે મને લાગે છે.. તું પણ અહીં જ આવી જા.. તમે બધા અહીં આવી જશો તો મને ગમશે. આમ પણ મારા ગયા પછી તું જ મારી સાચી વારસદાર છે.આ કામ તારે જ આગળ વધારવાનું  છે.

મને  અને નીરજને, બધી દીકરીઓને પણ વાત ગમી હતી. અમે થોડા દિવસો પાછા ગયા બધું સમેટીને અહીં જોડાઇ જવા..

અને આજે અમારી ઝિલમિલનો ઉજાસ અમારા જીવનમાં..અમારી આટલી બધી દીકરીઓના જીવનમાં રેલાઇ રહ્યો છે.

મિત્રો, હું જૂઇ, મારા જન્મથી યે પહેલાની ક્ષણોમાં મેં તમને બધાને  મારા જીવનમાં  સામેલ કર્યા હતા. હું એક સાવ સામાન્ય  છોકરી.. સામાન્ય ઘરની..મીડલ કલાસની છોકરી..ઇશ્વરક્રપાથી મારી  શક્તિ અને સમજણ મુજબ થોડું કંઇક કરી શકી એનો સંતોષ છે. મારા જીવનની આખી સફર મેં તમારી સાથે માણી છે.  મારા સુખ, દુખ મેં તમારી સાથે વહેંચ્યા છે. તમે સૌ એમાં સહભાગી થયા છો એના  આનંદ સાથે ..હું જૂઇ, તમારા બધાનો આભાર માનું છું. મિત્રો, મેં  મારી પ્રેરણામૂર્તિ મારા ફૈબાની ઓળખાણ પણ  તમને કરાવી છે. મિત્રો, અમને સૌને કયારેક  યાદ કરશો ને ? અમારા કાર્યમાં કદીક સહભાગી બનશો ને ?

આપ સૌના જીવનમાં ઝિલમિલ ઉજાસ  પથરાઇ રહે.અને આપનો  જીવનપથ ઉજ્જવળ બની રહે એ ભાવના સાથે  સૌની વિદાય લેતા આપ સર્વને જૂઇના સ્નેહ વંદન.

સમાપ્ત

with this chapti ujas completed..thanks a lot all my dear readers…

i would like to hear abt this series from you..and yes..this can be available as book too..its available on amazon.com…if any problem pl, do let me know.

once again thanks a lot my all readers for your support, for being with me whole time. salam..salam.. to my dear readers..and am sure for yur support in future too.. 

 

 

 

 

         

 

chapti ujas..199

ચપટી ઉજાસ..199

                                                                                      જીવનની સાર્થકતા..

ઉમંગી ફૈબાને આ રીતે ..આ સમયે અહીં મળીશ એવી  કલ્પના  તો સપનામાં યે નહોતી આવી.  હવે ફૈબાને આ જીવનમાં કદી મળાશે કે કેમ એ પણ  એક શંકા હતી. અને આજે ફૈબા..મારા વહાલા ફૈબા.. મારા જીવનનો આદર્શ ..  અમારી સામે ..મારી સાવ પાસે હતા. ત્રીસ વરસો તો કયાંયે ખરી પડયા. કેટલું બધું કહેવાનું  અને કેટલું બધું સાંભળવાનું હતું !

નીરજને ખબર હતી કે આજે હવે હું  ફૈબાને છોડીને અહીંથી કયાંય જઇ શકીશ નહીં. થોડીવાર પછી તેણે કહ્યું,

જૂઇ, મને લાગે છે આજે તું અહીં જ રોકાઇ જા..તમે નિરાંતે વાતો કરો.. સાંજ થવા આવી છે. હું જાઉં..છોકરીઓ રાહ જોતી હશે.

છોકરીઓ ? ફૈબાએ  આનંદથી  છલકાતા અવાજે પૂછયું.. અરે વાહ.. જૂઇ, તારી દીકરીઓ ? મારી જૂઇ આવડી મોટી થઇ ગઇ ? મને તો હજુ એ નાનકડી જૂઇ જ દેખાય છે.

મેં હસીને કહ્યું, ફૈબા… આપણે ત્રીસ વરસ પછી મળીએ છીએ. અને  હા.. મારે  એક બે નહીં પૂરી અગિયાર દીકરીઓ છે.  

અચાનક મને યાદ આવ્યું..આદત મુજબ હું અગિયાર બોલી ગઇ હતી..હવે તો દસ…મારી અમી તો…

મને અચાનક ઉદાસ થયેલી જોઇ ફૈબાને કશું સમજાયું  નહીં. પણ અત્યારે  તેમણે વધારે કશું  પૂછયું નહીં ને હું કશું બોલી નહીં.

નીરજ, એક કામ કર ને.. બધાને લઇને અહીં જ આવી જાવ.. મારી જૂઇની દીકરીઓને જોવાની મને કેટલી ઉતાવળ આવી છે એ કેમ સમજાવું ?

નીરજ જરા અવઢવમાં પડયો. કેમકે અમે એક બે નહીં આટલા બધા  હતા.

ફૈબા આજે પણ વગર કહ્યે  તે સમજી ગયા. 

અરે, અહીં પૂરી સો દીકરીઓ છે..માટે એવી ચિંતા કરવાની જરૂર નથી. અને આમ પણ  તમે કંઇ મહેમાન નથી જ.. આ તમારું ઘર ..તમારો હક્ક છે. જૂઇ..

મેં નીરજને કહ્યું ..ફૈબાની વાત સાચી છે. તું બધાને લઇને અહીં આવી જા.. હું તો હવે એક મિનિટ માટે પણ ફૈબા પાસેથી ખસી શકું તેમ નથી. એની તને પણ ખબર છે.

નીરજ બધાને લેવા ગયો. એ રાત્રે હું,  નીરજ, ફૈબા અને અસદ અંકલ આખી રાત મટકું યે માર્યા વિના બેઠા હતા. ત્રીસ વરસોનો અતીત ઉઘડતો જતો હતો. એની વાત કરતા તો વરસો વીતી જાય..શબ્દો ખૂટી જાય પણ ટૂંકમાં કહું તો..

ફૈબાએ ઘર છોડયું..દાદીમાએ ફૈબાની હાજરીમાં જ  તેના નામનું નાહી નાખ્યું હતું. તે જ ક્ષણે ફૈબાએ નક્કી કરી નાખ્યું હતું કે હવે તે કદી પાછું વાળીને નહીં જુએ.. અતીતના દરવાજા કયારેય નહીં ખખડાવે.. ભલે એને જીવનભર જવાળામાં શેકાતું રહેવું પડે..

અને એમણે પોતાનું પ્રણ પાળ્યું હતું. મનને વારંવાર માર્યું હતું. ઇચ્છાઓ દબાવી હતી. એ અને અસદ અંકલ બહું દૂર ચાલી ગયા હતા. બંને એ  પોતાનો સંસાર શરૂ કર્યો હતો. તેમને એક દીકરી થઇ હતી.. પણ કમનસીબે દીકરી બે વરસની થતા જ તેમને છોડી  ગઇ. ફૈબાને ખૂબ આઘાત લાગ્યો હતો. થોડો સમય અપસેટ રહ્યા હતા કમનસીબે ફૈબા  બીજી વાર  મા બની શકે તેમ નહોતા.

અને એક દિવસ …અનાથાશ્રમમાંથી એક દીકરી દત્તક લાવ્યા હતા. ત્યારે અનાથાશ્રમની દશા ..ત્યાંના બાળકોની પરિસ્થિતી તેમને મળતું વાતાવરણ તે બધું જોયું હતું. અને એક દિવસ તેણે અને અસદે એક નિર્ણય કર્યો હતો. પોતાના જીવનનું ધ્યેય નક્કી કર્યું હતું. જાણે એક મંઝિલ મળી ગઇ હતી. કામ અઘરું  જરૂર હતું. પણ અઘરા કામથી ફૈબા કયારે ડર્યા હતા ? પડકાર ઝિલવા એ તો ફૈબાનો સ્વભાવ હતો.

અસદ અંકલ અને ફૈબા વચ્ચે મિત્રતાનો..સખાનો સંબંધ  પાંગર્યો હતો. ધર્મ તેમની વચ્ચે કયારેય આડો નહોતો આવ્યો. સાચો ધર્મ..માનવધર્મ ને તેમણે સ્વીકાર્યો હતો..સમજયો હતો.

પછી તો કામ શરૂ થયું. ઘણી  મુશ્કેલીઓ આવી…આવતી રહી.. આર્થિકથી માંડીને અનેક પ્રશ્નો સામે ઉભા હતા. પણ જયાં ભાવના સાચી હોય..નિષ્ઠા સાચી હોય ત્યારે ગમે તેવા મોટા પ્રશ્નો પણ હલ થઇ શકે છે.

અનેક લોકોનો સહકાર મળતો ગયો. બે દીકરીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે સો દીકરીઓના કિલકિલાટથી ગૂંજે છે. અહીં કોઇ અનાથાશ્રમ નહોતું. દસ બંગલા હતા. અને દરેકમાં એક મા હતી..જેને દસ દીકરીઓ હતી. આખા પરિવારનું નામ ઝિલમિલ હતું. બધી દીકરીઓ પોતપોતાના ઘરમાં રહેતી હતી. પણ રોજ સવાર સાન્જ બધાની સહિયારી રહેતી. બધાની સ્કૂલ એક હતી. ઉમંગી  ફૈબા અને અસદ અંકલ સો દીકરીઓના દાદા, દાદી કે માતા પિતા જે નામ આપો તે બન્યા હતા. નવા નવા પ્રયોગો અહીં થતા રહેતા.. નિયમો હતા પણ એક મોટા પરિવારમાં હોય તેવા અને તેટલા જ નિયમો.. સ્નેહની હૂંફ હતી. કોઇ પણ ઘરની જેમ પ્રશ્નો  આવતા અને ઉકેલાતા રહેતા. ફૈબા અને ફૂઆને અહીં બધા કેટલા ચાહતા હતા એ મને અનુભવાયું.  ફૈબા મારી દીકરીઓને ભેટી પડયા હતા. દીકરીઓને પણ ફૈબા સાથે મજા આવી. નાનકડી શચીને ઉંચકી ફૈબા કહે,

મને મારી નાનકી જૂઇ મળી ગઇ. કહેતા ફૈબાની આંખો ભીની બની હતી.

મારા જીવનની  આખી વાર્તા સાંભળી ફૈબા કહે,

જૂઇ, તેં મારો વારસો જાળવ્યો. આજે મને તારે માટે ગર્વ થાય છે.

બસ.. મને બધું મળી ગયું. ફૈબાના આ શબ્દોને મારું જીવન સાર્થક બનાવી દીધું.

 

 

 

 

chapti ujas..198

 

 

 

ચપાટી ઉજાસ..198

                                                                            ભકત , ભગવાનનું મિલન ?

અમે ઝિલમિલમાં અંદર પ્રવેશ્યા ત્યાં કોઇએ પૂછયું, શું કામ છે ? કોઇને મળવું છે ? પૂછનારના અવાજમાં એક વિવેક, નમ્રતા, છલકતા દેખાતા હતા.

અમે જસ્ટ અહીં જોવા આવ્યા છીએ..કોઇએ સૂચન કર્યું એટલે..

આવો.. પહેલા ઉમંગી દીદીને મળવું છે ? કે સાહેબને ?

ઉમંગી દીદી..?  

હું ચમકી..મારું આખું અસ્તિત્વ થરથર્યું.

જોકે તુરત મનમાં થયું..ઉમંગી કંઇ ફકત મારા ફૈબાનું  એક નું જ નામ  થોડું હોય ? પણ છતાં એ નામની વ્યક્તિને મળ્યા સિવાય કેમ રહી શકાય ?

મેં  વ્યાકુળતાથી નીરજ સામે જોયું અને તુરત કહ્યું.. ઉમંગી દીદીને..

ઓકે..ચાલો..મારી સાથે.

અમે.. હું અને નીરજ  એને અનુસર્યા.

અમારી નજર ચારે તરફ ફરતી જતી હતી. વાતાવરણમાં એક પ્રસન્નતા પથરાયેલી હતી. વૃક્ષો, પુષ્પો..કમળ ભરેલી તલાવડીઓ.. કયાં  જોવું અને કયાં ન જોવું ? એવો પ્રશ્ન થાય એવું વાતાવરણ હતું. સ્વચ્છ્તા ઊડીને આંખે વળગે એવી હતી. અને ખાસ તો થોડે થોડે અંતરે સરસ મજાની કાવ્યપંક્તિઓ લખાયેલી હતી. વિશાળ જગ્યા હતી. ઘણી બાળાઓ રમતી દેખાઇ. હું પ્રસન્નતાથી જોઇ રહી.

ત્યાં  તે બહેન બોલ્યા..પેલી સામે દેખાય છે તે દીદીની ઓફિસ..તમે જઇ શકો છો.

હું ને નીરજ તે તરફ ગયા. ઓફિસ પાસે પહોંચ્યા. કોઇ બહેન ફોન પર વાતો કરતા હતા. હું એકદમ જોઇ રહી..બસ જોઇ જ રહી..આ..આ ચહેરો ? મારી કોઇ ભૂલ તો નથી થતીને ? ના, ના..એવી ભૂલ ન થાય. આ ચહેરો હું ગમે તેટલા વરસો પછી જોઉં તો  પણ ભૂલ ન કરું.. પણ એ અહીં ? કે પછી હું સપનું જોઉં છું ?

મેં આંખો  ચોળી. નીરજને કંઇ સમજાયું નહીં. તે મારી સામે જોઇ રહ્યો..

મેં  કહ્યું.. ફૈબા..ઉમંગી ફૈબા.. ?

 મારો અવાજ સાંભળી સામેની સ્ત્રી ચમકી. એકાદ મિનિટ તે પણ મારી સામે જોઇ રહી. તેની હાલત પણ મારી જેવી જ હતી. અમે છૂટા પડયા ત્યારે હું દસ વરસની છોકરી હતી.અને અત્યારે ચાલીસીએ પહોંચેલી સ્ત્રી. તેથી મારામાં  ઘણાં ફેરફારો થયા હોય પણ ફૈબા તો ત્યારે  પચીસ  વરસની આસપાસના હશે. અમારી વચ્ચે પૂરા ત્રણ  દાયકાનું અંતર હતું. 

પણ એ અંતર એકાદ મિનિટમાં જ ખરી પડયું.

જૂઇ..ઓહ..બાપ રે..માય ગોડ..જૂઇ..મારી જૂઇ ?

હવે હું મારી જાતને કેમ રોકી શકું ? હું ફૈબા બોલતી અંદર દોડી. બીજી મિનિટે અમે ભેટી પડયા..

ફૈબા અને જૂઇ એ બે શબ્દ સિવાય બીજું કંઇ બોલવુ અમને બેમાંથી  કોઇને સૂઝતું નહોતું. ફૈબાનો હાથ મારા પર ફરતો રહ્યો. થોડીવારે અમે સ્વસ્થ થયા.

જૂઇ, બેસ.. નિરાંતે વાત કરીએ.. અચાનક એમનું ધ્યાન નીરજ તરફ ગયું..

આ.. ? તારા પતિદેવ ?

મેં માથું હલાવી હા પાડી.. નીરજ.. આ ..

હા.. મને સમજાઇ ગયું બધું. આજે ભકતને ભગવાન મળી  ગયા. ભકત અને ભગવાન મળે ત્યારે એમનું મિલન કેવું હોય એ આજે ખબર પડી.

અરે.વાહ..જૂઇ, નીરજને તો સરસ બોલતા આવડે છે.

હજુ હું એમની સામે જોતા ધરાતી નહોતી. અચાનક હું બોલી ઉઠી..

કીટ્ટા ..ફૈબા તમારી કીટ્ટા ..તમે તમારી જૂઇને પણ ભૂલી ગયા ?

ભૂલી ગઇ જૂઇને ? સામે જો..

મારું ધ્યાન સામેની દીવાલ પર પડયું.

ઓહ્હ્હ્હ્હ્હ.. ત્યાં મારા નાનપણના કેટલા યે ફોટા મારી હાજરી પૂરાવતા હતા. બીજી બાજુ એક સમૂહ ફોટો હતો..જેમાં દાદીમા અને અમે બધા હતા.

ફૈબા..આગળ શું બોલવું તે મને સમજાયું નહીં.  

 ઘણાં પ્રશ્નો છે ને જૂઇ ? મારે પણ ઘણું કહેવું છે..ઘણું સાંભળવું છે. ત્રીસ ત્રીસ વરસોની વાતો કંઇ એમ થોડી થશે ? એ વાતો આમ ઉભડક રીતે અહીં નહીં..

પહેલા અમારા જમાઇની આગતા સ્વાગતા તો કરી લઉં..ફૈબા કશુંક મગાવવા જતા હતા. મેં  કહ્યું

 ફૈબા એ બધું પછી.. હવે હું કંઇ અહીંથી એમ થોડી જવાની છું ?

જવાનો સવાલ જ નથી ને? એક મિનિટ જૂઇ, તારે બીજા કોઇને મળવું છે ?

હું તેમની સામે જોઇ રહી. સમજવાનો પ્રયત્ન કર્યો. પછી ધીમેથી માથુ6 હલાવ્યું.

હા..અસદ અંકલ ..?

ઓહ..હજુ નામ યાદ છે ?

નીરજ કહે તમારી કઇ વાતો યાદ નથી ? જૂઇને જ નહીં મને..અમને બધાને ગોખાઇ ગયું છે.

ફૈબાએ ફોન કરીને અસદ અંકલને  જલદી બોલાવ્યા.

પછી ધીમેથી કહે, જૂઇ.. આપણા ઘરમાં… ? 

મેં કહ્યું..હવે હું અને કુંજકાકા.. કાકી,  જય  બસ…

ફૈબાની આંખો ભીની બની ઉઠી. હું કેવી કમનસીબ..

પણ ફૈબા..

એ બધી વાતો પછી..જૂઇ… આંસુ લૂછતા ફૈબા બોલ્યા. મારી આંખો તો સતત વરસતી હતી.

ત્યાં અસદ અંકલ આવ્યા.

શું થયું ઉમંગી ? અત્યારે કેમ જલદી બોલાવ્યો ? હું મારા કામમાં..

અરે ઉમંગી, તું રડે છે ? શું થયું ?

અચાંક તેમનું ધ્યાન મારા પર પડયું. ઉમંગી, આ ..આ કોણ ?

અસદ.. આ..આ મારી જૂઇ..

જૂઇ..? ઓહ..માય ગોડ આટલી મોટી થઇ ગઇ ? જૂઇ અહીં ? કયાંથી ?  કયારે ? હું તો હજુ સુધી નાનકડી જૂઇની જ વાતો સાંભળ્યા કરું છું.

કાળનું ચક્ર રીવર્સ ઓર્ડરમાં ફર્યું હતું કે શું ? .. હું ને ફૈબા ત્રીસ વરસ પાછળ કૂદી ગયા હતા.  

 

   

 

 

chapti ujas..197

 

ચપટી ઉજાસ.. 197

                                                                                  સ્મરણો બની  અમી..

અમારી હસતી ગાતી અમી હવે બની ગઇ છે માત્ર છબી..આજે અમીની વિદાયને દસ દિવસ વીતી ચૂકયા છે. ઘરનો સન્નાટો હજુ અકબંધ છે.  અમીની વિદાયના એ  દિવસને મારે યાદ નથી કરવો.. મારે રડવાનું નથી.અમારે કોઇને ઉદાસ બનવાનું નથી. પહેલાની જેમ જ ટહુકતા રહેવાનું છે. કિલ્લોલતા રહેવાનું છે. આ અમીની આખરી ઇચ્છા છે. એનો હુકમ છે.

કેવા અંધારામાં રહ્યા હતા અમે ? કે અમીને કશી જ ખબર નથી. એનું કેન્સર  પ્રાથમિક સ્ટેજમાં છે એવી વાત કેટલી સહેલાઇથી એણે સ્વીકારી લીધી હતી.પણ..ના એ અમારો  ભ્રમ હતો જે તેણે મરતા સુધી  જાળવી રાખ્યો હતો. ડોકટરની વાત તો તે પહેલે જ દિવસે સાંભળી ગઇ હતી. અમને છેતરી ગઇ હતી અમી. અને તેને સાથ આપ્યો હતો પ્રાચીએ.. પ્રાચીને ખભ્ભે માથું મૂકી તેણે  એકવાર રડી લીધું હતું. બંને બહેનોએ કદી અમને ખબર ન પડવા દીધી જેથી અમને દુખ ન થાય. કદાચ પ્રાચી અમને  કદી ખબર ન પડવા દેત.

પણ.. એણે કહેવું પડયું હતું. જયારે…

મમ્મી, અમીની ઇચ્છા હતી કે એની આંખ ડોનેટ કરવામાં આવે. એની જ સ્કૂલમાં ભણતી એક છોકરીને..

હું નીરજ સ્તબ્ધ.. ત્યારે  પ્રાચીએ ધ્રૂજતા અવાજે ફોડ પાડયો હતો કે અમીને બધી જ ખબર હતી. અને…

અમીનો છેલ્લો પત્ર પ્રાચીએ અમારા હાથમાં મૂકયો હતો.

મમ્મી, પપ્પા..સોરી..તમને છેતરવા માટે..પણ જેમ તમે મને દુખી નહોતા જોઇ શકતા તેમ હું પણ તમે દુખી કેમ જોઇ શકું ? મને માફ કરશો ને ? જનમોજનમ મને તમે જ માબાપ તરીકે જોઇએ..પ્રોમીસ આપશોને ? બનશો ને આવતા જન્મે મારા મારા પણ  મા બાપ ?  વધારે લખવાની શક્તિ નથી. બાકી બધી વાત પ્રાચીને કહી છે. અને તમે એ માનશો જ એની મને ખબર છે. મમ્મી, પપ્પા આવજો.. મને યાદ કરવાની છે ..પણ દુખી થયા વિના.. હસવાનું છે ઉદાસ થયા વિના.. 

તમારી અમી..

અમે અનરાધાર વરસ્યા હતા.. એક વાર ..બસ એક જ વાર..અને પછી જાતે જ આંસુ લૂછી નાખ્યા હતા. અમીએ જે તેર ચૌદ વરસો અમને સુખ અને આનંદ આપ્યા હતા એ જ અમે યાદ રાખીશું. બેટા, જયાં હો ત્યાં સુખી રહે..અમે હવેથી આંસુ સારશું નહીં. ઇશ્વરની ઇચ્છાનો સ્વીકાર કરીશું.

પ્રાચી અમને વળગીને આખો દિવસ રડતી રહી હતી. શાબાશ અમારી આ બહાદુર દીકરીને.! જેણે બહેનની સાથે આખરી ક્ષણ સુધી રહી તેની બધી ઇચ્છા પૂરી કરી હસતે મોઢે .અમીને દરેક વાતમાં સાથ આપ્યો.

અમીની આંખો તેના જ કલાસની કુંતીને અપાઇ..અને કુંતીની દુનિયામાં અજવાસના પહેલા કિરણે ડોકિયું કર્યું તે દિવસે કુંતીની આંખમાં સમાઇ ગયેલી અમી કેવી હસતી હતી. !

અમે બધા આ વેકેશનમં ઋષિકેશ આવ્યા છીએ.. અહીં ગંગામાં અમીના ફૂલને વિસર્જન કરવાના છે.  મનને શાંતિ મળે એ માટે પાંચ છ દિવસ અહીં ગંગાને કિનારે રોકવાના છીએ.. આ પહેલા પણ એકવાર અમીને લઇને અમે અહીં આવ્યા હતા. આ જગ્યા અમીની મનપસંદ જગ્યા હતી. આજે પણ  અમી અમારી સથે હતી જ ને ?

વહેલી સવારે અમે બધા ગંગાના કિનારે આવ્યા. પ્રાચીના હાથમાં  લાલ કપડું વીંટાળેલી એક નાનકડી મટકી હતી. અમે બધા ગંગાના પાવન નીરમાં ઉભા હતા નીરજના હાથમાં  ત્રણ વરસની શચી  હતી અને મારો  હાથ પકડીને ચાર વરસની મીની ઉભી  હતી. બીજી બધી દીકરીઓ એક્મેકનો હાથ પકડીને ઉભી હતી. પ્રાચીએ મારી અને નીરજની સામે જોયું.  પ્રાચીની આંખો ધૂંધળી બની હતી. અમે આંખોથી જ સંમતિ આપી. અને પ્રાચીએ ધીમેથી  મટકીને વહેતા નીરમાં મૂકી..અમે બધાએ વંદન કર્યા. મનોમન અમીને અલવિદા.. કહ્યું.  નાનકડી મટકી ગંગાના નીર પર સવારી કરીને ઉછળતી કૂદતી આગળ વધતી  રહી અને થોડી ક્ષણોમાં અમારી નજરથી ઓઝલ થઇ ગઇ. સદાને માટે..આજે બીજી વાર અમીને વળાવી હતી.

પ્રાચી અમને ભેટી પડી.. મમ્મી.. બીજા કોઇ શબ્દો એના ગળામાંથી બહાર ન નીકળી શકયા. ચૌદ વરસની પ્રાચી  આજે અચાનક મોટી થઇ ગઇ હતી એવું અમે અનુભવી રહ્યા. નીરજે પ્રાચીના માથા પર હાથ  મૂકયો.

તે દિવસે સાંજે અમને કોઇ યાત્રીએ કહ્યું,

અહીં સુધી આવ્યા છો તો ઝિલમિલ જોઇ ?

ઝિલમિલ ? એ વળી શું છે ?

અરે, આમ તો અહીંની સંસ્થા છે. પણ એને કંઇ સંસ્થા ન કહેવાય. એને તો નજરે જુઓ તો જ ખબર પડે.

કેટલી બધી દીકરીઓ અહીં કેવી રીતે રહે છે..અને પાંગરે છે. એકવાર જોવા જેવી છે.

અમને બધાને કુતુહલ થયું. ચાલો, જઇ આવીએ.. દીકરીઓની વાત સાંભળીને હું જવા તૈયાર થઇ.બાકી આ વખતે  કયાં ય જવાનું મન નહોતું.પણ મનને  વિચારોને બીજી દિશામાં  વાળવાનું  પણ જરૂરી હતું. બધી છોકરીઓનું ધ્યાન પણ બીજે વળે એ અગત્યનું હતું. ફરી એકવાર અમારે જીવન જીવવાનું  હતું..સારી રીતે જીવવાનું  હતું. હજુ દસ દીકરીઓની મોટી જવાબદારી અમારા ખભ્ભા પર હતી. એ સારી રીતે પૂરી કરવાની હતી.  

તે દિવસે સાંજે અમે બધા ઝિલમિલ પર  પહોંચ્યા. વાહ.સુંદર મજાની .મેઘધનુષી ઇમારત  બહાર મોટું બોર્ડ ચળકતું હતું..” ઝિલમિલ.. “ 

હળવે પગલે અમે અંદર ગયા. મારું મન ન જાણે કેમ પણ કોઇ અનોખી અનુભૂતિથી છલકતું હતું. કંઇક ..કંઇક તો અહીં એવું હતું જે મને ખેંચતું હતું. શું હશે ? મને કેમ આવી લાગણી થાય છે ?

 

 

chapti ujas..196

 

ચપટી ઉજાસ.. 196

બુઝાવા પહેલાનો ઉજાસ

આજે સવારે  અમી  મોડે સુધી સૂતી હતી..કદાચ રાત્રે પ્રાચી સાથે મોડે સુધી વાતો કરી હતી. શું વાત કરી હશે બંને બહેનોએ ? પછી નિરાંતે પૂછીશ. આજે તો અમીનો બર્થ ડે છે. મને યાદ આવી રહ્યો હતો એનો પહેલો જન્મદિવસ..જે દિવસે હું તેને આ ઘરમાં લાવી હતી..અને હવે  દુર્ભાગ્યે મારે આ માસૂમ ઉમરે તેને આ ઘરમાંથી વિદાય આપવાની હતી.

મમ્મી, આજે ઉદાસ રહેવાનું  નથી કે નથી કોઇ વિચારો કરવાના ‘

..પ્રાચી મારી પાસે આવીને બોલી. આજે સેલીબ્રેશન…મમ્મી, આજે અમીની બધી બહેનપણીનો સાંજે બોલાવી છે. અને અમે આખા દિવસનો કાર્યક્રમ નક્કી કર્યો.  અમીને થાક ન લાગે એનું પણ અમે ધ્યાન રાખ્યું છે.માટે ડોટ વરી મમ્મી..

થોડીવારમાં અમીના પલંગ પાસે અમે બધા એકઠા થયા હતા. અને બધાનું  હેપી બર્થ ડે.નું સમૂહ ગાન શરૂ થયું. .અમીએ આંખ ખોલી. બધાને પોતાની પાસે જોઇ ખુશ થઇ ઉઠી. તે હજુ થેંકસ કહે તે પહેલા તેની ઉપર ગુલાબની પાંખડીઓનો વરસાદ વરસ્યો. અમીની આસપાસ ચારે તરફ સરસ મજાના શુભેચ્છાના ..અભિનંદનના કાર્ડ જે બધી દીકરીઓએ  જાતે બનાવ્યા હતા તે સરસ રીતે ગોઠવાયા હતા. અમી એક પછી એક હાથમાં લઇને  જોતી રહી..વાંચતી રહી અને મલકાતી રહી.

તે કંઇક બોલવા જતી હતી ત્યાં મીલી બોલી ઉઠી.

અમી,  નો નીડ ઓફ થેંક્સ..તું તો અમારી વહાલી દીદી છે. મેં અને નીરજે પણ અમીના હાથમાં એક  સુંદર મજાનું આલ્બમ મૂકયું. જેમાં અમીના નાનપણથી શરૂ કરીને આજ સુધીના બધા ફોટા  હતા અને  બધા ફોટા નીચે અમે કંઇક સરસ કોમેન્ટ લખી હતી.

ઓહ્હ..વાઉ.. મમ્મી..પપ્પા..બેસ્ટ ગીફટ ઓફ ધ ડે..અમી એક પછી એક પાના ફેરવતી રહી. તેનો ચહેરો ખુશીથી ચમકી ઉઠયો હતો. ફોટાઓ નીચે ખાલી મેં અને નીરજે નહીં..અમારી બધી દીકરીઓએ કશુંક લખ્યું હતું. અમી હસતી ગઇ અને જોતી ગઇ.

ભગવાન તેનું આ હાસ્ય સલામત રાખે એવું પણ હું ન બોલી શકી. મારાથી ત્યાં રહેલી ભગવાનની મૂર્તિ સામે જોવાઇ ગયું. ઇશ્વર, કયારેક તું ચમત્કાર પણ કરી શકે છે. મારી નાનકડી દીકરી માટે એકાદ ચમત્કાર નહીં કરે તું ? મારા બે હાથ જોડાઇ ગયા. અને ફકત મારા જ નહીં..નીરજના..પ્રાચીના..પરીના બધાના હાથ જોડાઇ ગયા હતા. અમીએ પણ ભગવાનને વંદન કર્યા. અને હસતા હસતા બોલી.

હે ઇશ્વર, આ બધાએ મારે માટે કંઇક આડું અવળું માગ્યું  હોય તો એ કબૂલ કરતા પહેલા બે વાર વિચારજે હોં.. આ બધા તોફાની બારકસોનો ભરોસો કરવા જેવું નથી.

અને તે  ખડખડાટ હસી પડી. આજે જાણે તે સાવ સાજી હોય એમ તેનો ચહેરો ચમકતો હતો.

અમી, ચાલ જલદી તૈયાર થઇ જા.. થોડીવારમાં અમી પ્રાચીની મદદથી તૈયાર થઇ ગઇ. બધા હસી મજાક, મસ્તી કરતા નાસ્તો કરતા હતા. આજે અમીના ફેવરીટ આલુ પરોઠા બન્યા હતા.

મમ્મી, આજે કયાં જશું ? એવું અમી પૂછશે એવો મને ડર હતો. પણ અમીએ  એવું કશું ન પૂછયું.

આજે અમીના દુર્બળ બની ગયેલા શરીરમાં ન જાણે કયાંથી શક્તિ ઉભરાઇ આવી હતી. તે એકદમ ફ્રેશ લાગતી હતી.

મમ્મી, આજે ગાવાનો મૂડ થયો છે.તું વગાડ અને હું  ગાઉં.  આજે  ફિર એકબાર આપણી જુગલબન્દી  હો જાય ? મને વગાડવાનો કોઇ મૂડ નહોતો.પણ અમીને ના પાડવાનો કોઇ સવાલ નહોતો.

છોકરીઓએ તાળી પાડી. નાનકડી શચી તો અમીના ખોળામાં ઘૂસી ગઇ હતી. નીરજ તેને લેવા જતો હતો.પણ અમીએ ના પાડી. નીરજ અને પ્રાચી અમીની આસપાસ ગોઠવાયા..

અમીએ મારું પ્રિય ગીત શરૂ કર્યું.

અય, માલિક તેરે બન્દે હમ..

વાતાવરણ સૂર તાલથી ભરાઇ ગયું. અમીઆંખ બંધ કરીને ગાતી હતી..જાણે કોઇ સમાધિમાં મગ્ન બની હતી. નીરજ અને પ્રાચીની આંખો ન જાણે કેમ પણ વરસતી હતી. નીરજે મૂવી ઉતારી. ફોટાઓ પાડયા.. કેવો અદભૂત માહોલ સર્જાયો હતો. એક પછી એક ગીતો આજે ગવાતા રહ્યા.અમારી મા દીકરીની  જુગલબંદી ચાલુ રહી હતી.થોડીવાર બધા બધું ભૂલી ગયા હતા. આ ક્ષણે કોઇ વિષાદ નહીં.. કોઇ વિચાર નહીં..અમે બધા કયાંક ખોવાયા હતા.

સાંજે અમીની બધી બહેનપણીઓ આવી ચડી. અમી તો બધાને જોઇ ખુશખુશાલ..

અરે.વાહ.. આ તો ખરેખર સરપ્રાઇઝ મળી ગયું મને.બધાને મળવાની ખૂબ ઇચ્છા હતી મને. આજે તો રુટિન મુજબ કેક કપાઇ..અમીએ ફૂંક મારીને મીણબત્તી ઓલવી અને મારો જીવ જાણે તાળવે ચોંટી ગયો. ના..નથી ઓલવવી આ જ્યોત..આજે મારે નથી ઓલવવી. !

નીરજે મારો હાથ ધીમેથી દાબ્યો.  તાળીઓનો ગડગડાટ થતો રહ્યો. અમીએ  બધાને કેક ખવડાવી. પોતે પણ થોડી ખાધી. મમ્મી, આજે બધાની ગીફટ હું અત્યારે જ ખોલીશ હોં.. બધાએ હા પાડી.

અમી એક પછી એક બોક્ષ  નાના છોકરાના કુતૂહલથી ખોલતી રહી અને ખુશ થતી રહી. નીરજ આજે આખો દિવસ આ બધી પળૉને કચકડામાં  કેદ કરવામાં ગૂંથાયો હતો. જે થોડા સમયમાં અમારે માટે સ્મૃતિઓ બની રહેવાની હતી..ફકત સ્મૃતિઓ..

અમીની બહેનપણીઓ અને પ્રાચી જાતજાતની રમતો ગોઠવી હતી.જેમાં અમીને શ્રમ ન પડે  એની ચોકસાઇ રાખવાનું  પ્રાચી ભૂલી નહોતી. આજે તો ઘરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. પણ કોને જાણ હતી કે  આ તો  દીવાનો બૂઝતા પહેલાની રોશની હતી.

અને અમને કયાં ખબર હતીકે અને હવે અમારે દીવાના બૂઝાવાના  દિવસો નહીં કલાકો ગણવાના જ બાકી રહ્યા હતા. ?

 

chapti ujas..195

 

ચપટી ઉજાસ..195

                                                                           નજરૂ લાગી કાળની..  

આજે અમે અમીને ઘેર લાવ્યા છીએ. ઘરમાં આવીને અમી બહું ખુશ થઇ. તેનો હાથ પકડી અમે તેને તેની રોજની જગ્યાએ સૂવડાવી. હાશ..મમ્મી, ઘર જેવી મજા કયાંય ન આવે. હોસ્પીટલથી તો છૂટી. બધાએ ભેગા  મળીને અમીને વેલકમ કરવા માટે તેનો રૂમ સરસ રીતે ડેકોરેટ કર્યો હતો. અને ઘણું બધું લખ્યું પણ હતું. અમીની આંખો છલકાઇ આવી. વાહ.. મમ્મી, મારી બહેનોએ મારે માટે  કેટલું સરસ કર્યું છે. નાનકડી મીલી અને શચી સુધ્ધાં  આવીને અમીને ભેટી પડી. ઘરમાં થોડીવાર ખુશીનો માહોલ ફરી વળ્યો.

પછી મેં ધીમેથી બધાને કહ્યું, હવે આપણે અમીદીદીને થોડી વાર આરામ કરવા દેશું ને ?

બધા બાય અમીદીદી..કહેતા ગયા. પ્રાચી પણ જતી હતી ત્યાં અમી બોલી, પ્રાચી, પ્લીઝ તું મારી પાસે બેસ ને.. અને મમ્મી તું થોડી વાર આરામ કરી લે.મારી પાછળ તું કયારની દોડે છે..

બેટા, હું કંઇ થાકી નથી.

ના મમ્મી, હુ કહું એમ કરવાનું..બીમાર હું છું કે તું ? માન્દા હોય અને દવા પીતા હોય એનું બધાએ માનવાનું હોય ને ? કહેતા અમી હસી.

ઓકે..બેટા.. પ્રાચી, તું બેસ અમી પાસે..

બેટા, મારે બેસવાનું છે કે જવાનું  છે ? અમારી અમીરાણીનો શું હુકમ છે ?

નો..પપ્પા… આજે ફકત હું ને પ્રાચી.

ઓકે..એઝ  યુ વીશ..

અને હું અને નીરજ રૂમની બહાર નીકળ્યા. આમ પણ  કાલે અમીનો બર્થ ડે હતો. બહાર કયાંય જઇને તો ઊજવી શકાય તેમ નહોતો. ઘરમાં જ તેને ગમે એવું કશુંક કરવાનું મન હતું. પણ સાચું કહું તો આ વખતે પહેલી વાર  ખબર નહોતી પડતી કે હું શું કરું ? મારી અમીનો આ છેલ્લો જન્મદિવસ હું ઉજવવાની હતી ?  

નીરજ અને હું વિચાર કરતા બેઠા રહ્યા.

અચાનક નીરજ કહે,

આમ તો આપણે કયારેય કેક કાપતા નથી કે બહારના કોઇને બોલાવતા નથી. આ વખતે આપણે બીજા કોઇને નહીં  પણ એની સ્કૂલની બહેનપણીઓને બોલાવીએ  તો ? એને ગમશે. અને આ વખતે બધા જે રીતે ઉજવે છે એવી ધમાલ કરીને રીતસરની બર્થ ડે પાર્ટી જ કરીએ..

પણ અમીને ગમશે ? એવી ધમાલ ? હા..મને લાગે છે ગમશે. એને ખબર છે કે આ વખતે એ બહાર જઇ શકે એમ નથી.

હા..મને લાગે છે તારી વાત તો સાચી છે. અને આપણે એને આપીશું શું ? એ આપણી અંતિમ ભેટ હશે. બોલતા મારી અંખો વરસી પડી.

જૂઇ, આંસુ સાચવી રાખ..પાછળથી એની ઘણી જરૂર પડવાની છે. નીરજની વાત સાચી હતી. અમે થોડી વાર મૌન બેસી રહ્યા.

 

ત્યાં મીલી અને મીની બંને આવ્યા. મમ્મી, અમે અમી દીદી માટે  આ ઢીંગલી બનાવી છે.  કાલે એને આપવા માટે. જુઓ તો..

હું તો જોઇ જ રહી. મીલી અને મીની ક્રાફ્ટ કલાસમાં જતી હતી એમને એવું બધું બહું ગમતું હતું. ત્યાં  દસ દિવસ મહેનત કરીને બંને એ અમી જેવડી જ એક સરસ મજાની મોટી ઢીંગલી બનાવી હતી.એને દુલ્હનની જેમ સજાવી હતી. ખૂબ સુંદર થઇ હતી. આમ પણ અમીને ઢીંગલીઓ બહું ગમતી. એણે નાનપણથી અત્યાર સુધીની બધી ઢીંગલીઓ  સાચવીને રાખી હતી. એને માટે એ  નિર્જીવ ઢીંગલી નહોતી એની બહેનપણીઓ હતી. અમી એની સાથે કલાકો વાતો કરી શકતી.

મને ને નીરજને આ વાત ગમી ગઇ. તે રાત્રે અમી કહે,

મમ્મી, આટલા દિવસ હોસ્પીટલમાં તું જ મારી પાસે સૂતી હતી આજે પ્રાચીનો વારો.

ના બેટા, રાત્રે તને કંઇ જરૂર પડે તો હું બાજુમાં હોવી જોઇએ ને ?

કેમ હું કંઇ હવે એવી નાની નથી. હું અમીનું ધ્યાન રાખીશ. મમ્મી, તું સૂઇ જા..

બંને બહેનોએ મને પરાણે ધકેલી. અને મારે તો અમીની બધી  વાત માનવાની હતી ને ?

બેટા, બહું વાર વાતો ન કરતા હોં. પ્રાચી, એને સૂઇ જવા દેજે..થાકી જાય એવું  ન કરતી.

ઓકે..મમ્મી, તું ચિંતા ન કર. મેં  અમીને બરાબર ઓઢાડયું. તેને માથે હળવું ચુંબન કર્યું અને મારી આંખ છલકે એ પહેલા હું  ગુડ નાઇટ કહીને હળવે પગલે ત્યાંથી સરકી ગઇ.

આખી રાત મને ઉંઘ ન આવી. થોડી થોડી વારે હું અમીની રૂમમાં જતી હતી..મારી દીકરી બરાબર છે ને ? મોડી રાત સુધી અમી અને પ્રાચી કંઇક ગુસપુસ કરતા હતા એવું મને લાગ્યું હતું. શું વાત કરતા હશે ? પ્રાચીને બધી સાચી વાતની ખબર હતી. પણ મને પ્રાચીની મેચ્યોરીટી પર વિશ્વાસ હતો એ અમીને જાણ ન જ થવા દે.. એટલે એવી તો કોઇ ચિંતા નહોતી. અમી થાકી જશે એવો ભય હતો. પણ પ્રાચી સાથે વાત કરવાથી એને સારું લાગતું હોય તો ભલે વાત કરીને હળવી થતી. એમ વિચારતી હું પથારીમાં પડખા ફેરવતી રહી. નીરજની પણ એ જ દશા હતી.

દિવસો કેવા ફિક્કા અને રાત કેવી અંધારી લાગે છે. નીરજ કે હું કોણ કોને સાંત્વના આપે ? અમારા શબ્દો ખોવાઇ ગયા છે. અમી પાસે હોઇએ એટલી વાર સતત હસતા અને હસાવતા રહીએ છીએ..અમીની આસપાસનું વાતાવરણ જરા પણ ઉદાસીન ન બને એ માટે હમેશા સતર્ક  રહીએ છીએ.  પણ  એકલા પડીએ ત્યારે..? કાળની કેવી  નજર લાગી ગઇ અમારા હર્યાભર્યા સુખ ઉપર ?     

 

chapti ujas..194

 

ચપટી ઉજાસ.. 194

                                                                          એક માનો આર્તનાદ

અમીની ટ્રીટમેન્ટ તો ચાલુ જ રહી હતી. લડયા સિવાય અમે હારવા નહોતા માગતા. અમારા કિલ્લોલતા ઘરમાં સૂનકાર છવાયો હતો. હું  અમીની સાથે આખો દિવસ હોસ્પીટલમાં જ રહેતી. નીરજ ઘર અને હોસ્પીટલ વચ્ચે આંટા ફેરા કરતો રહેતો. પ્રાચી અને પરીને બધી સાચી વાતની ખબર છે. બીજી દીકરીઓ નાની છે તેથી તેમને તેમની વહાલી અમી દીદી બીમાર છે એટલી જ ખબર છે. રોજ સાંજે બધા હોસ્પીટલે આવે છે. અમી માટે સરસ મજાનું કાર્ડ બનાવીને લાવે છે. બધી બહેનો કેટ કેટલી વાતો કરે છે. અમીને હસાવવાના એમના પ્રયત્નો જોઇને મારી આંખો ભીની થતી રહે છે. નીરજનો મૌન સ્પર્શ  પણ હમણાં મને સાંત્વના આપી શકતો નથી.

કીમોથેરાપી કરવાની આમ તો ડોકટરે ના પાડી  હતી..અને છતાં એક ટકો પણ  ચાંસ હોય તો અમે ગુમાવવા તૈયાર નહોતા.તેથી અમીની  પહેલી કીમોથેરાપી  કરાઇ હતી. અમી બહાદુર હતી. તેના  મોઢામાંથી વેદનાનો ઉહકારો પણ  નહોતો નીકળતો. બેડ પર બેઠા બેઠા તે સ્કૂલનું વાંચતી રહેતી. આજે સ્કૂલમાં શું થયું તે પ્રાચીને ઉત્સાહથી પૂછતી રહેતી. હોમવર્ક લેતી રહેતી. મારો ચહેરો જરાક પણ  ઉદાસ જુએ તો એ તુરત મને ખીજાતી  ..

મમ્મા…આવું ઉદાસ મોઢું  કરીશ તો મને લાગશે કે આપણે તો ગયા..! અરે, હું ઉદાસ નથી થતી તો તમે શા માટે  ઉદાસ રહો છો ? 

પરીને જોકસ કરતા સરસ આવડતા. તે આવે ને રૂમમં હાસ્યનું મોજું ફરી વળે..   અમીને હસતી જોઇ મારું અંતર રડી ઉઠે. ઇશ્વરને પ્રાર્થના થઇ જાય… મારી અમીને બચાવી લે ભગવાન..બચાવી લે.. દિવસે દિવસે અમી શારીરિક રીતે વધારે વીક થતી ચાલી. પણ સારું હોય તેટલી વાર તે હમેશા મૂડમાં જ હોય.. અમે કોઇએ તેને કયારેય ઉદાસ કે રોતલ જોઇ નથી.

આજે હું કંઇ દવા લેવા ડોકટર પાસે ગઇ હતી. ત્યા6થી આવી તો અમી કહે,

મમ્મી, તને ખબર છે ? આજે બાજુના રૂમમાં એક મારા જેવડો જ છોકરો આવ્યો છે..તેને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. આજે તેની પાસે મેઇક અ વીશ વાળા લોકો આવ્યા હતા. મમ્મી, તે છોકરો બિચારો હવે વધારે જીવી શકે તેમ નથી. મને એવી દયા આવે છે. મરવાનું હોય ત્યારે વળી કેવી વીશ ને કેવી વાત ? એ બધાનો કોઇ અર્થ જ ન રહે ને મમ્મી ? મરવું કોને ગમે ? તેના મમ્મી , પપ્પાને બિચારાને કેવું થતું હશે નહીં ? મને તો કેન્સર પ્રાયમરી સ્ટેજમાં છે તો યે તું આખો દિવસ છાનીમાની રડતી હોય છે. અને એમ ન માનતી કે મને ખબર નથી પડતી..અરે, તારો ચહેરો તું ગમે તેટલી વાર ધોઇને આવે ને તો યે મને ખબર પડી જ જાય.. કે મારી મા રોઇ રોઇને આવી છે.

હેં મમ્મી, માણસ મરી જાય પછી શું થતું હશે ?

સાવ પાગલ જેવી વાત ન કર..અત્યારે બીજી વાત કરીએ..બોલ, આજે તારે માટે શું મંગાવું ?

મમ્મી, સાચું કહું મને કંઇ ખાવાનું ભાવતું જ નથી. એમ કેમ થાય છે ? મારી ફેવરીટ વસ્તુઓ રોજ બનાવો છો.પણ મારાથી પહેલાની જેમ કયાં ઝાપટી શકાય છે ? પહેલા તો તમારે રોકવી પડતી હેં ને ?

બેટા, દવાઓ પેટમાં જતી હોય ને એટલે એવું થાય.. એકવાર તું સાજી થઇશ પછી પાછું  પહેલાની જેમ જ ઝાપટીશ જોજે ને ?

પણ કયારે મમ્મી, હવે હું થાકી..હવે મારે ઘેર જવું છે. હવે મને અહીં હોસ્પીટલમાં નથી ગમતું . મમ્મી ડોકટરને પૂછી જો ને.. દવા તો હું ઘેર રહીને પણ ખાઇશ..

તે દિવસે મેં ડોકટરને વાત કરી..અમીની ઇચ્છા ઘેર જવાની છે. ડોકટરે તુરત હા પાડી..

હું તમને સામેથી જ કહેવાનો  હતો..આજે એનો જે રીપોર્ટ  આવ્યો એ જોતા લાગે છે કે…

શું ? શું  લાગે છે ડોકટર ?

કે હવે કદાચ આપણી પાસે વધારે દિવસો નથી. એને ગમે એમ કરો.. સોરી..પણ…

 ડોકટરે વાકય અધૂરું જ છોડી દીધું.. અને મને એ વાકય પૂરું સાંભળવાનું મન પણ નહોતું..એવી તાકાત પણ નહોતી.

આમ પણ બે દિવસ પછી અમીનો જન્મદિવસ આવતો હતો. છેલ્લો જન્મદિવસ… સાવ નાનકડી નવજાત અમીને હું એક દિવસ રસ્તામાંથી લાવી હતી..જેણે મને મા બનાવી હતી. મેં જેને લાડ પ્યારથી ઉછેરીને મોટી કરી હતી..જેની  આંખોમાં અઢળક શમણાં મેં  રોપ્યા હતા એ અમી.. હવે મને થોડા દિવસો જ જોવા મળશે ? પછી તો રહી જશે એની મીઠી  સ્મ્રતિઓ માત્ર ?

નીરજ મારા મનની બધી યે વયથા વગર કહ્યે સમજતો હતો. તેણે અમેરિકામાં પણ તપાસ કરી હતી ત્યાં બધા રીપોર્ટ મોકલ્યા હતા. જય  અને કુંજકાકાના   ફોન  રોજ આવતા રહેતા. પણ કોઇ કશું  કરી શકે તેમ નહોતું. ઇશ્વરનો બન્દોબસ્ત એવો તો જડબેસલાક હતો.. કે એમાંથી છટકી શકાય તેમ નહોતું. એક મા લાચાર ,..મજબૂર બનીને પોતાના સંતાનને પોતાના હાથમાંથી  રેતીની માફક સરી જતા જોઇ રહે એ વિવશતા શબ્દોમાં કેમ વર્ણવાય ? 

આજે હું એવી જ વિવશ ..મજબૂર મા હતી. મારી અમી સરી રહી છે..ઇશ્વર, મને મદદ કરો..મદદ કરો.

એક માનો આર્તનાદ પણ ઇશ્વરને કાને નહીં અથડાતો હોય ?

 

 

chapti ujas..193

 

ચપટી ઉજાસ.. 193..

                                                                             વી આર ફાઇટર..   

અમારી લડાઇ શરૂ થઇ ચૂકી હતી. અને સૌથી મોટી કમનસીબી એ હતી કે એમાં બહાદુરી પૂર્વક લડવા છતાં જીતવાની કોઇ આશા નહોતી. અને છતાં છેવટ સુધી લડવાનું પણ હતું. અમીને કોઇ વાતની શંકા ન જવી જોઇએ. અમી બહું સ્માર્ટ છોકરી હતી. કદાચ અમારી દસે દીકરીઓમાં સૌથી વધારે ડાહી..વધારે સમજુ અને વધારે સંવેદનશીલ.. એની પાસે  સાવ ખોટું બોલવું શકય નહોતું. એને થોડા દિવસોમાં જ ખબર પડી જવાની કે શંકા આવી જવાની.. એવું થાય અને એને આઘાત લાગે એવું અમે નહોતા ઇચ્છતા. પણ  સાવ  સાચું બોલવાનું યે શકય નહોતું. “ શહાણુ માણસ લાભત નાહિ.”  એવું વાંચેલું . અમારી અમી પણ એવી જ શાણી આક્કા  હતી ને ?

નીરજ સતત મારી સાથે હતો. અમી પોતાના રોગ વિશે  રોજ પૂછપરછ કરતી હતી. આમ પણ તેનું વાંચન સારું હતું. રીડર્સ  ડાયજેસ્ટથી માન્ડીને અંગ્રેજી, ગુજરાતી હીન્દી અનેક પુસ્તકો સાથે તેની દોસ્તી હતી. આમ તો અમારા ઘરમાં રોજ સાંજે બધા માટે લાઇબ્રેરી ટાઇમ જ હતો. બધી દીકરીઓને  વાંચવામાં રસ હતો. તેમને રસ પડે એવા પુસ્તકોથી અમારી લાઇબ્રેરી  ભરપૂર  હતી. અમીએ  કેન્સર સામે ઝઝૂમતા કિસ્સાઓવાળી અનેક   સત્ય ઘટનાઓ વાંચી હતી. એનાથી  વધારે વાર કશું છૂપાવી શકાય તેમ નહોતું જ.  અંતે અમે અમીને સાચું  પણ નહીં ને ખોટું નહીં પણ એમ અર્ધસત્ય કહ્યું. નીરજે જ એને કહેવાની હિમત કરવી પડી.  

જો, અમી બેટા..અમે તારાથી કશું છૂપાવવા નથી માગતા. તું અમારી બહાદુર દીકરી છે. કમનસીબે તને કેન્સર નીકળ્યું છે. પરંતુ તને ખબર છે આજે મેડીકલ સાયન્સ કેટલું  આગળ વધ્યું છે. આજે કોઇ પણ રોગ અસાધ્ય નથી રહ્યો. અને તારું  કેન્સર  તો હજુ એકદમ પ્રાથમિક તબક્કામાં છે. સો ટકા કયોરેબલ..તારે થોડો સમય હોસ્પીટલમાં રહેવું પડશે.. આપણે સૌએ મક્કમતાથી તેનો  સામનો કરવાનો છે. આપણે એને જરૂર ભગાડીશું.

કહેતા નીરજે મન ઉપર કેટલો કંટ્રોલ રાખવો પડયો હતો એ હું અનુભવી શકતી હતી.

પપ્પા..સાચું કહો છો ને મારું કેન્સર મટી શકે તેવું છે ? મને જે હોય તે સાચું જ કહેજો હોં..પ્લીઝ..

બેટા.. ખોટું જ કહેવું હોત તો કેન્સરનું નામ જ ન લેત ને ? બીજા કોઇ રોગનું નામ પણ અમે લઇ શકયા હોત..આ તારી મમ્મી ઢીલી થતી હતી એને પણ  મેં કહ્યું કે આપણી અમી કેવી બ્રેવ છે.. એની તને ખબર જ નથી. સાચી  વાત ને બેટા ?

યસ.. મમ્મી, પ્લીઝ.. તારે ઢીલું નથી થવાનું. હું કંઇ એમ મરી નથી જવાની. યાદ છે તે દિવસે રીડર્સ  ડાયજેસ્ટમાં મેં આ રોગ સામે લડતા બાળકની વાર્તા વાંચી હતી. હું પણ  તારી એવી જ બહાદુર દીકરી છું. હું કંઇ એમ ગભરાતી નથી. પણ મમ્મી, પ્રાચી કે પરી કોઇને કહેતા નહીં .એ બધા તો સાવ ઢીલા છે. આ રોગ વિશે ફકત હુ, તું ને પપ્પા  જ જાણીએ.. ઓકે ? અરે, મારે તો મમ્મીને પણ નહોતું જણાવવા દેવું. પણ હવે મમ્મીને તો ખબર પડી  ગઇ છે..એટલે શું થાય હેં ને પપ્પા ?

નીરજે માથું હલાવી હા પાડી. અમી તો નીરજને સૌથી વધારે વહાલી હતી.

છછલકાતી આંખ અમીની નજરે ન ચડી જાય માટે નીરજ

બેટા, હું જરાક ડોકટરને મળીને આવું છું.. કહેતો બહાર નીકળી ગયો. મને ખાત્રી હતી કે હવે બહાર જઇને એની આંખો ધોધમાર વરસવાની..

ત્યાં નર્સ કોઇ ઇંજેક્શન દેવા આવી. તેણે હસીને અમીને કહ્યું ,

બેટા, ગભરાતી નહીં હો તારો તાવ તો આપણે ચપટી વગાડતા ભગાડી દેશું..

સીસ્ટર, તમારે મારો તાવ  નહીં..મારું કેન્સર ભગાડવાનું છે. કહેતા  અમી હસી પડી.

સીસ્ટર બાઘાની જેમ મારી સામે જોઇ રહી.

મેં કહ્યુ, યેસ સીસ્ટર અમે અમીથી કશું નથી છૂપાવ્યું.. અમારી દીકરી કેવી બહાદુર છે તે તમને ખબર નથી.  આમ પણ એનું કેન્સર પ્રાયમરી સ્ટેજમાં છે એથી અમારે ડરવાનું  કોઇ કારણ નથી. આપણે બધા મળીને એને કયાંય તગેડી મૂકીશું..

નર્સ સમજી ગઇ અને હકારમાં માથું હલાવી હસીને બોલી..

યસ..અમી..વી આર ફાઇટર..અને આપણે જીતીશું. અમી સાથે કેટલી યે વાતો કરતા કરતા તેણે અમીને ઇંજેક્શન આપી દીધું.

અમીએ હસીને કહ્યું,

 ‘સીસ્ટર મને ઇંજેક્શન આપવા માટે તમારે વાતો ચાલુ રાખીને મારું ધ્યાન બીજે દોરવાની જરૂર નહીં પડે. હું ઇંજેક્શનથી ડરતી નથી.

સીસ્ટર મારી સામે જોઇ રહી. પછી હસીને બોલી

વાહ!  તમારી દીકરીએ તો મને બરાબરની પકડી  પાડી. સો સ્માર્ટ..

અમીની આંખો ઘેરાતી હતી. એમાં દવાનું ઘેન ભર્યું હતું. બેટા, તું થોડીવાર સૂઇ જા..અને સાંજે તારા માટે શું બનાવીએ ? તારે શું ખાવું છે ?

મમ્મી, તને તો ખબર છે મને બધું  જ ભાવે છે. એ બધા નખરા મીલીને અને પરીને છે.

હું એને કેમ સમજાવું ? કે હવેથી અમારે  એને ગમે તે જ બધું કરવું છે. કેમકે આ સુંદર પૃથ્વી પર તેની પાસે બહું  વધારે સમય નથી.

હું મૌન બનીને અમીને માથે હાથ ફેરવતી રહી. અમી સૂઇ ગઇ તેણે મારો હાથ જોશથી પકડી રાખ્યો હતો એ વિશ્વાસ સાથે કે માના હાથમાંથી તેને કોણ છોડાવી શકવાનું હતું  ? પણ….         

chapti ujas..192

 

ચપટી ઉજાસ.. 192

                                                                          કસોટીની ઘડી…  

પણ..ના મીલીએ તાવને ભલે છૂમંતર કહ્યું પણ અમીનો તાવ એમ જલદી છૂમંતર થયો નહીં. ડોકટર આવ્યા હતા. દવાઓ ચાલુ થઇ હતી.પણ ખાસ ફરક નહોતો પડતો. હું અને નીરજ ચિંતામાં  ફફડતા હતા.અતિ સ્નેહ હમેશા  અનિષ્ટની શંકા જ કરે એ ન્યાયે મારા મનમાં તો ન જાણે કેવા કેવા  વિચારો ઘૂમરાતા હતા.

તાવે મચક ન આપી એટલે ડોકટરે અમુક ટેસ્ટ કરાવવાના કહ્યા. અમારા મનના આકાશમાં કાળા  ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. શું હશે ? શું થશે ? અમે  અમીને હોસ્પીટલે લઇ ગયા. અમી અમને હૈયાધારણ આપતી રહી.. મમ્મી, પપ્પા તમે નકામા ચિંતા કરો છો ..આ ડોકટરોને કમાવા માટેના આ બધા આઇડીયા છે.

પણ મને શાંતિ  કેમ વળે ? એક માના હ્રદયમાં ફફડાટ જાગી ઉઠયો હતો. કોઇ અજ્ઞાત ભયથી મન ફફડી ઉઠયું હતું. નીરજ મને સાંત્વના આપવાનો મિથ્યા પ્રયાસ કરતો હતો. અંદરથી તો એ યે ફફડી ઉઠયો હતો.  મારું મન તો ન જણે કેવું યે આશંકિત થઇ ઉઠયું હતું.  કોઇ મોટી બીમારી તો નહીં નીકળેને ?

ટેસ્ટના   રીપોર્ટ આવી ગયા પણ એમાં ખાસ કશું જાણવા ન મળ્યું. ડોકટરોને કોઇ શંકા જાગી હતી  કે શું ? એક પછી એક ટેસ્ટ થતા રહ્યા.હવે અમીને હોસ્પેટલમાં દાખલ કરવી પડી  હતી. અમી મને કેમ ફિક્કી  લાગતી હતી ? અલબત્ત અમી તો  હસતી હતી અમને ચિંતા ન કરવાનું કહેતી હતી પણ  કદી ન થાકનાર અમી હમણાં  જલદી થાકી જતી હતી.તાવની નબળાઇ હશે કે બીજું કંઇ ?

 પૂરા પંદર દિવસ વીતી ગયા હતા. એક એક દિવસ એક એક વરસ જેવો લાગતો હતો.

અને ગઇ કાલે ડોકટરોની આખી ટીમે ચર્ચા કર્રી ને અંતે ન છૂટકે અમને સત્ય હકીકત જણાવી હતી.

અમારી અમીને બ્લડ કેન્સર હતું..અને તે પણ લાસ્ટ સ્ટેજમાં.. બચવાની કોઇ ઉમ્મીદ ..આશાનું કોઇ નાનકડું કિરણ પણ નહીં. વધુમાં વધુ એકાદ બે મહિના.. મારી નાનકડી અમી ..હજુ તો જીવનમાં પા પા પગલી પણ પૂરી નહોતી ભરી. અને કુદરતનો આ કારમો કેર ? આવી નાનકડી કળી જેને  હજુ તો ખીલવાનું..સુવાસ ફેલાવવાનું બાકી હતું. અને એને આવું દરદ ? કુદરત આવી ક્રૂર ? એને બીજું કોઇ ન મળ્યું ? મારી દીકરી..મારી અમી જ શા માટે ? આખરે શા માટે ? શો દોષ હતો એનો ? કયા ગુનાની આ સજા એને મળી રહી હતી ? કાશ ! એને બદલે મને આ બીમારી આવી હોત તો હું કોઇ ફરિયાદ ન કરત.. પણ..

પહેલા તો હું એ રીપોર્ટ માનવા… સ્વીકારવા તૈયાર જ નહોતી. નક્કી ડોકટરોની કોઇ ભૂલ થઇ હશે..કોઇ બીજાનો રીપોર્ટ ભૂલથી અપાઇ ગયો હશે..

પણ..ના..કોઇ ભૂલની શકયતા નહોતી.. ડોકટરોએ પૂરી ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટ આપ્યા હતા. કોઇ સારવારનું પરિણામ મળે તેમ નહોતું એમ ડોકટરોએ સ્પષ્ટ જ કહી દીધું હતું. અમને તે અંધારામાં રાખવા  નહોતા માગતા.જેથી  અમીના છેલ્લા દિવસો અમે તેને આનંદમાં રાખી શકીએ.. તેની બધી ઇચ્છાઓ પૂરી કરી શકીએ..

અમે ડોકટરને વિનંતી કરી કે ગમે તે થાય અમીને આ ખબર ન પડવી જોઇએ..

પણ તમારું વર્તન જ તેને ચોંકાવી દેશે.. તમારે નોર્મલ રહેવું બહું જરૂરી છે. અમી બહું હોંશિયાર છોકરી છે.. એને જો કોઇ શંકા આવી જશે તો ….

ના..અમે હ્રદય પર પથ્થર મૂકી દેશું એને અણસાર પણ નહીં આવવા દઇએ. પણ  ડોકટર પ્લીઝ   તમે તમારા પ્રયત્નો મૂકી ન દેતા. વિદેશમાં પણ કોઇ દવા ..કોઇ ટ્રીટમેન્ટ શકય હોય તો પ્લીઝ અમારી અમીને  બચાવી લેજો.

યુ ડોંટ વરી..અમે તમને સાવધાન કર્યા બાકી અમે ડોકટરો છેલ્લી મિનિટ સુધી ઝઝૂમતા જ રહેવાના.. અને અમીને બહું પેઇન સહન ન કરવું પડે એનું પણ ધ્યાન રાખીશું. હવે તમારે  ચહેરા  પર હાસ્ય ફરકાવતા..પ્રસન્ન રહેતા શીખવું પડશે.. તમારી ભીતરની બધી વેદનાને..પીડાને અંદર જ છૂપાવવાની છે. કરી શકશો ? અમારે હા જ પાડવાની હતી.

નીરજે  ધીમેથી કહ્યું, જૂઇ, આપણે …

પણ એ  યે વાકય કયાં પૂરું કરી શકયો ? મને સાંત્વના  આપતા તે પોતે જ …

હવે અમારે બંને એ એકબીજાને સાચવવાના હતા. નીરજ ભલે પુરૂશ હતો પણ તે મારા કરતા પણ વધારે સંવેદનશીલ  હતો. તેનું હૈયુ ખૂબ કોમળ હતું.

થોડીવાર અમે બંને એકબીજાનો હાથ પકડીને મૌન બેસી રહ્યા.  મનને તૈયાર કરતા રહ્યા.

થોડી વારે મેં જ કહ્યું,

નીરજ, અમી પાસે જશું ? તે રાહ જોતી હશે..

મેં અને નીરજે અમારી ભીની આંખ લૂછી .ચહેરો ધોયો. ફ્રેશ લાગવા જોઇએ.. અમીને કે ઘરમાં બીજી દીકરીઓને કોઇને ખબર ન પડવી જોઇએ.. હવે એ અમારી કસોટી હતી અને અમારે એ કસોટીમાંથી પાર ઉતરવાનું હતું. અમારે હસવાનું હતું અને બધાને હસતા રાખવાના હતા.

જીવનના રંગમંચ પર અમારે ફાળે આવેલું  પાત્ર અમારે સફળતાપૂર્વક ભજવવાનું હતું. અમારી અમીને હસતા રહીને..હસતી રાખીને  વિદાય કરવાની હતી. એ વિદાય કમનસીબે લગ્ન પછીની વિદાય નહોતી. આ તો પરમ પિતાનું તેડું આવ્યું હતું. એનો અનાદર કે આનાકાની કોણ કરી શકયું છે ?   

        

chapti ujas..191

 

ચપટી ઉજાસ..191

                                                                             અંતરમંતર છૂમંતર

રાત દિવસ વિચારતા રહીએ તો પણ જેની કલ્પના ન કરી શકાય એવું અનેકવાર જીવનમાં બનતું રહે છે. સમયની બંધ મુઠ્ઠીમાંથી આ પછીની ક્ષણ કેવી નીકળશે એની કલ્પના ફકત અઘરી નહીં  અશકય જ હોય છે.

હમણાં છલ્લી દસ વરસથી ઇશ્વરની કૃપા અમારા પરિવાર પર વરસી રહી હતી. અને મને થતું હતું હવે સુખનો આ સમય કદી પૂરો નહીં થાય. આમ જ જીવન વહેતું રહેશે..દીકરીઓ પરણી જશે અને પછી કોઇ ક્ષણે અમારું અસ્તિત્વ પણ આ પ્રથ્વીના પટ પરથી અદ્રશ્ય થઇ જશે.

પણ સુખ પછી દુખ અને દિવસ પછી રાત આવતી જ હોય છે. કુદરતના  એ ક્રમમાંથી અમે બાકાત કેમ હોઇ શકીએ ?

અમારા કિલ્લોલતા પરિવાર  ઉપર એ દિવસે જાણે વીજળી ત્રાટકી.

બે દિવસથી  અમીને તાવ આવતો હતો. અમી હવે તેર વરસની થઇ ચૂકી હતી. . ભણવામાં  હમેશા પહેલો નંબર અને સંગીતમાં એ સૌથી આગળ..કુદરતે એના ગળામાં ગજબની મીઠાશ ભરી હતી. અને અમી બધી છોકરીઓમાં સૌથી વધારે માયાળુ હતી. મારી એ પહેલી દીકરી હતી. એણે મને પહેલીવાર મા બનાવીને મા  શબ્દનો ..એ અનુભૂતિનો એહસાસ કરાવ્યો હતો.

અમીને તાવ આવ્યો ત્યારે પહેલા એકાદ દિવસ તો બહું ગણકાર્યું નહીં. આવું નાનું નાનું તો ચાલ્યા કરે.અમે દીકરીઓને ફોસી નહોતી બનાવી. અને આમ પણ આગલે દિવસે અનારાધાર વરસાદ વરસ્યો હતો અને વરસાદમાં કોરા રહેતા તો અમે કોઇ શીખ્યા જ નહોતા. આખો દિવસ અમે બધા  ખૂબ  પલળ્યા હતા. નીરજ,  હુ અને અમારી વહાલી દીકરીઓ બધાએ ખૂબ મસ્તી કરી હતી. વરસાદી ગીતો ગાયા હતા અને નાનકડી શચી અને મીલીએ કાગળની હોડીઓ બનાવીને તરાવી હતી. પ્રાચી અને અમી ભીંજાતા ભીંજાતા  મોટેમોટેથી ગીતો લલકારતી હતી.  તો નીલુ અને મીની ત્યાં બાંધેલા હીંચકા પર ઝૂલતા ઝૂલતા મોઢું ખુલ્લુ રાખીને વરસાદને સીધો મોં માં ઝિલતી હતી. હું અને નીરજ વરસાદને અને દીકરીઓના કિલ્લોલને માણતા હતા. છોકરીઓની ચીસાચીસ ચાલતી હતી.. મમ્મી.. પપ્પા.. ના ટહુકા ગૂંજતા હતા અને એના પડઘા વાદળો સુધી પહોંચતા હતા.

પૂરા બે કલાક મસ્તી ચાલી હતી. પછી માંડ માંડ અમે બધાને અંદર લીધા હતા.  કોરા થઇને પછી મહારાજે બનાવી રાખેલા ગરમાગરમ ભજિયા અને ચાને ન્યાય આપતા વાતોના વડા કર્યે જતા હતા. નાનકડી શચીને છીંકો આવવાની ચાલુ થઇ હતી.  અમી અને પ્રાચી બંને તેની ચિંતા કરતી હતી.

મમ્મી, આ શચીને કયાંક શરદી થઇ જશે. શચીને આદુવાળી ચા પીવડાવીને સૂવડાવી દીધી હતી. બીજે દિવસે સવારે શચી તો ઓલરાઇટ હતી. પણ અમી તાવમાં ધીખતી હતી.

મેં અમીને કહ્યું,

જો શચીને બદલે તને જ તાવ આવ્યો ને ? હજુ તો તારે જ વરસાદમાંથી બહાર નહોતું આવવું. શચી તો એ જલસા કરે છે. હવે તારે દવા ખાવાનો વારો આવ્યો.

મને અને નીરજને એમ જ હતું  કે ગઇ કાલે બહું ભીંજાયા એનું જ આ પરિણામ.. ગરમ રાબ બનાવીને અમીને પરાણે પીવડાવી.

પપ્પા, તમે બંને ખરા છો..એક જરાક તાવ આવ્યો એમાં આટલી ચિંતા કરવા બેસી ગયા ..અને હવે મારી ઉપર દવાનો હુમલો ..જાતજાતના અખતરા થવાના..એની મને ખબર છે. આ રાબની શરૂઆત થઇ ગઇ. હવે પછી શેનો વારો છે ?

અમી ખડખડાટ હસતી હતી. પ્રાચી કહે,

અમી, આજે નકામી માંદી પડી. આજે તો આમ પણ સ્કૂલમાં રજા છે એથી કોઇ ફાયદો નહીં થાય. કાલે તાવ આવ્યો હોત તો એક દિવસ રજા મળી જાત.

એ ય પ્રાચી, હું કંઇ તારી જેમ સ્કૂલની ચોર નથી. કે રજાની રાહ નથી જોતી. મને તો સ્કૂલ ગમે છે.

તો પછી  રવિવારની રાહ તો સૌથી વધારે તું જ જોતી હોય છે.

 રવિવારે મમ્મી કયાંનો પ્રોગ્રામ બનાવે છે એની રાહ તો આપણે બધા કયાં નથી જોતા ?

પાંચ વરસની મીલી તો અમીનું માથું દબાબવા બેસી ગઇ હતી.

દ્દીદી, માથું દબાવી આપું ?

અરે..વાહ આવી સેવા મળતી હોય તો કયારેક માંદા પડવાની પણ મજા આવી જાય..

એ તો હમણાં  મમ્મી જાતજાતના ઉકાળાનો મારો ચાલુ કરશે ને ત્યારે જ મજાની ખબર પડશે.

ઓહ..નો..મમ્મી..પ્લીઝ..નો ઉકાળા હોં. અરે,  જોજોને કાલે તો મારો તાવ પણ ગાયબ..

આજે સ્કૂલમાં રજા હતી એટલે બધી બહેનો આખો દિવસ અમીની આસપાસ ઘૂમતી રહી. થોડી  થૉડી વારે મસ્તી ચાલતી રહી. મેં જોયું તો અમીની આંખો ઘેરાતી હતી.

નીરજ કહે,

‘ હવે  ચાલો બધા પોતપોતાનું કામ કરો. અમીને ઉંઘ આવે છે. એને સૂઇ જવા દો..થોડો આરામ કરશે તો કાલે સારું  થઇ જશે.  મેં અમીનો તાવ માપ્યો તો 101 જેવો હતો. નીરજે અમીના માથા પર ઠન્ડા પાણીના  પોતા મૂકવા  માંડયા.

જૂઇ, તું કોઇનું હોમવર્ક બાકી હોય કે એવું કંઇ હોય તો જોઇ લે.. હું અમી પાસે બેઠો છું. હું બધાને લઇને અંદર ગઇ. અમીને કદાચ થાક લાગ્યો હતો. તેણે આંખ  મીંચી.

 મીલી જતા જતા  મોટેથી બોલી ઉઠી. ,

“ અંતરમન્તર..જાદુમંતર અમીદીદીનો તાવ છૂમંતર.. છૂમંતર ..”