મારો ગ્રંથરાગ..
આ વિષય પર લખવાનું આમંત્રણ મળ્યું અને મનમાં ફરી વળ્યા સ્મરણોના ઘૂઘવતા પૂર..અનેક સ્મૃતિઓ જે વરસોથી ભીતરમાં અડ્ડો જમાવીને બેઠી હતી તે અચાનક સળવળી ઉઠી..અને એ મીઠા સળવળાટે પહોંચી જવાયું..શૈશવની કુંજગલીઓમાં…
શૈશવની મારી એ કુંજગલી એટલે પોરબંદરનું કીર્તિમંદિર..ના..અત્યારે પૂ. બાપુના જન્મસ્થાનને લીધે નથી કહેતી. આ ક્ષણે તો મારી સમક્ષ તરવરે છે…
કીર્તિમંદિરની લાઇબ્રેરી…અને તેમાં અડિંગો જમાવીને બેસી રહેતી સાતેક વરસની એક છોકરી….લાઇબ્રેરી ખૂલે તે બંધ થાય ત્યાં સુધી ત્યાં જ અઠે દ્વારકા…
આ હતી મારા ગ્રંથરાગની…મારા never failing friend ની શરૂઆત…અને આવા કદી સાથ ન છોડનાર મિત્ર વિશે લખવાનું કોને ન ગમે ? એ નિમિત્તે ફરી એકવાર ઝરણા જેવા એ દિવસોની સંગાથે વહી શકાયાનો આનંદ…
પુસ્તકોની એ મૈત્રીએ જીવનમાં કયારેય નિરાશા નથી આપી.. હમેશા કંઇ ને કંઇ આપ્યું જ છે..અને હજુ યે એનું આપવાનું તો ચાલુ જ…અલબત્ત ઝિલી શકાય પોતાની ક્ષમતા મુજબ….એ અલગ વાત છે. હજાર હાથવાળો તો આપ્યા કરે..પણ બે હાથમાં એને ઝિલવાની પાત્રતા તો જાતે જ કેળવવી રહીને ?
સાત વરસની ઉમરે ચાલુ થયેલી મારી વાચનયાત્રા કે ગ્રંથયાત્રા આજે પણ યથાવત્…
આજે ઘણી જગ્યાએ લખું છું. પરંતુ આજે પણ લેખન કરતા વાંચનને પહેલું સ્થાન જ આપ્યું છે.
વાંચન મારા માટે એક નશાથી કમ નથી.જેનો કેફ ઘટવાને બદલે વધતો રહ્યો છે.
પુસ્તક સાથેની મૈત્રીની શરૂઆત કદાચ વાંચતા શીખી ત્યારથી જ થઇ ગઇ હતી..
ઝગમગ, રમકડું, બાલસંદેશ, ચાંદામામા,..વગેરે સાથે નાતો બીજા, ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારે જ જોડાઇ ગયેલ..મને યાદ છે ત્યાં સુધી મેં વાંચેલું પહેલું પુસ્તક..અર્થાત મારો પહેલો મિત્ર બકોર પટેલ…( આજે આ ઉંમરે પણ આ પહેલા મિત્રની મૈત્રી મારી ભીતર એવી જ લીલીછમ્મ રહી છે. આજે પણ હું એને મળતી રહું છું..અને છલકતી રહું છું. )
પછી એમાં મિંયા ફૂસકી, છકો, મકો, ખાપરો કોડિયો વગેરે ઉમેરાતા રહ્યા.
ધીમે ધીમે આ યાત્રા વિકસતી ગઇ..અનેક પાત્રો જોડાતા ગયા…તો કોઇ છૂટતા પણ ગયા…
પોરબંદરના કીર્તિમંદિરની લાઇબેરીની સભ્ય હું સાત વરસની ઉમરે બની ચૂકી હતી..અને ભૂખાળવાની જેમ જે હાથ લાગ્યું તે વંચાતું ગયું. એ સ્થાન મારે માટે તીર્થસ્થાન..કોઇ મંદિરથી કમ નહોતું..ત્યારે અઠવાડિયામાં બે વાર જ એ લાયબેરી ખૂલતી કે પછી અઠવાડિયે બે વાર જ પુસ્તકો બદલી શકાતા એવું યાદ છે. એ બે દિવસ મારો ડેરો અચૂક ત્યાં હોય જ..અનંતાબેન અને જેસંગભાઇ એ સમયે લાઇબ્રેરિયન હતા એ મને બરાબર યાદ છે કેમકે બાલમંદિરના મારા એ પ્રથમ શિક્ષકો હતા..એમનો ચહેરો આજે પણ હું ભૂલી શકી નથી..ખૂબ પ્રેમથી મને પુસ્તકો આપે. કોઇ રોકટોક નહીં…બે પુસ્તક ત્યાં બેસીને વાંચવાના… લાઇબ્રેરી બંધ થાય ત્યારે જ ત્યાંથી ખસવાનું.. બે પુસ્તકો ઘેર લાવવાના… બે દિવસમાં એ અચૂક પૂરા કરી લેવાના.બાકી રહી ગયા હોય તો ઘરમાં બધા સૂઇ જાય પછી હળવેથી ઉઠીને લાઇટ ચાલુ કરીને સૂતા સૂતા વાંચ્યા કરવાનું..
ઘરમાં ખાસ એવું કોઇ વાતાવરણ નહોતું..મારા સિવાય કોઇને વાંચવાનો શોખ પણ નહીં..પરંતુ મને કોઇ રોકતું નહીં. પપ્પા બહારગામ જાય ત્યારે મારે માટે બે ચાર પુસ્તકો અચૂક ખરીદી લાવતા.. આર્થિક સધ્ધરતાને લીધે ઘરમાં છાપા,મેગેઝિનો આવતા. પપ્પા એ જમાનામાં lions clubના પ્રમુખ હતા એ યાદ છે. કલબમાં યોજાતી વકતૃત્વ હરિફાઇમાં મારો નંબર આવતો ત્યારે પપ્પા રાજી રાજી થઇને ગૌરવ અનુભવતા અને મને વાંચવાનો છૂટો દોર મળી રહેતો.
મારી અંદર વાચનની એક ચિનગારી મારા બીજા ધોરણના શિક્ષક સરોજબહેને જલાવી..કીર્તિમંદિરની લાઇબ્રેરીના પગથિયા તેમણે જ બતાવ્યા.. ભૂખાળવાને જાણે બત્રીસ પકવાન મળ્યા…અને ચાલુ થઇ મારી વાચનયાત્રા…મારો ગ્રંથરાગ..ગ્રંથ ગાંડપણ…પણ કહી શકો…મારા ઘરના લોકો તો એવું જ કહેતા. પાંચમા ધોરણમાં આવીને ચશ્મા આવી ગયા તેથી હું બહું વાંચ્યા ન કરું એની ચિંતા મમ્મી, પપ્પા કરતા..ત્યારે દાદીમાને ઘેર રહેવા પહોંચી જતી. પપ્પાએ અભણ દાદીમાને બ્રાઉન પેપરના પૂંઠા બતાવીને કહી રાખ્યું હતું કે આવા પૂંઠાવાળી ચોપડી હોય તો વાંચવા દેવાની..બીજી કોઇ નહીં.. આપણે બંદાએ સાવ સહેલો ઉપાય તુરત શોધી લીધો..મન હોય તો માળવા કયાં દૂર હતું ?
પાઠયપુસ્તક પરના બ્રાઉન પેપરના પૂંઠા ઉતારીને ચડાવી દીધા વાર્તાની ચોપડી પર..કામ પૂરું. દાદીમા ભલે ને થોડી થોડી વારે આવીને ચેક કર્યા કરે….” બિચારી છોકરી આખો દિવસ ભણવાની ચોપડી વાંચે છે.”
જોકે ભણવામાં હમેશા પ્રથમ નંબર ઘરમાં હું એક જ લાવતી તેથી એ અંગે કોઇને કહેવાનું રહેતું નહીં. શૈશવના એ સમયમાં અકરાંતિયાની માફક જે મળે એ વાંચ્યા સિવાય મને ચેન ન જ પડે. ચોપાટી પર ભેળ ખાધી હોય ને કાગળ વાંચ્યા સિવાય ફેંકી દીધો હોય ત્યારે ઘરના બધા મારી મસ્તી અચૂક કરે..
’ દોડ..દોડ..વાંચ્યા સિવાય પેલો કાગળિયો ઉડી જાય છે..
અને હું દોડું પણ ખરી..! ’
સાતમા ધોરણમાં પહેલું કાવ્ય ( ? ) લખેલું સ્કૂલની હરિફાઇમાં..અને આશ્વાસન ઇનામ મેળવેલું…બસ…એટલું જ..સ્કૂલમાં મારા નિબંધો હમેશા વખણાતા. વાંચનની સ્પીડની હરિફાઇમાં હું દરેક વખતે અચૂક પહેલો નંબર મેળવતી…પોરબંદરની બાલુબા સ્કૂલમાં સાતમા ધોરણમાં એક વખત વાંચનની કોઇ હરિફાઇમાં એક મિનિટમાં બાવન લાઇન મેં મોટેથી વાંચી હતી એવું સ્મરણ છે.
અલબત્ત શું વાંચવું..? કેમ વાંચવું ? એની કોઇ ગતાગમ..કોઇ વિશેષ અર્થ નહોતો જ..બસ મજા આવતી હતી..વાંચવાની એટલું જ…નવમા ધોરણ સુધી આ વાચનયાત્રા એમ જ ચાલુ રહી.. કોઇ ચોક્કસ દિશા સિવાય…
પણ..ના આખરે એને દિશા પણ મળી..દસમા ધોરણમાં આવી અને પોરબંદર છૂટયું..અમે જેતપુર આવ્યા. અહીં મારા શિક્ષકો પ્રભાબહેન, સ્વ. ઉષાબહેન અને સ્વ, સંધ્યાબહેન…..અને આચાર્ય સિત્તુ સાહેબ…આ ચાર ગુરૂજનોએ એક નવી દિશા..નવી ક્ષિતિજ ઉઘાડી આપી..શું વાંચવું…કેવી રીતે વાંચવું ? એ સમજ અહીં ઘડાઇ..હવે મારા હાથમાં ચૂંટાયેલ પુસ્તકો આવ્યા…વાંચવાના શોખને એક નવો આયામ મળ્યો..જીવનઘડતરની સૂક્ષ્મ પ્રક્રિયા અભાનપણે ચાલુ થઇ…અહીં લે મિઝરેબલ, ગીતાંજલિ, સત્યના પ્રયોગો, સોક્રેટીસ, પથેર પાંચાલી, ગુજરાતનો નાથ, આમ્રપાલી, પાટણની પ્રભુતા, યુધ્ધ અને શાંતિ, બંધન અને મુક્તિ, સત્યના પ્રયોગો, ધરતીની આરતી, સૌરાષ્ટ્રની રસધાર, ફાધર વાલેસનું વ્યક્તિઘડતર… વિગેરે અનેક યાદગાર પુસ્તકો સાથે મૈત્રી કેળવાઇ. ( લીસ્ટ બહું લાંબુ છે.) હિન્દી, અંગ્રેજી પુસ્તકોનો સાથે પણ નાતો બંધાયો. સ્કૂલની લાઇબ્રેરીયન હું બની. કબાટ ખોલતા જ મારી સામે હારબંધ ઉભેલ પુસ્તકો જોતા હું કેવી હરખાતી…એ હરખ આજે પણ મારી ભીતર અકબંધ સચવાયેલ છે. આમાંથી પહેલું કયું પુસ્તક ઉપાડું ? મનમાં એ મીઠી અવઢવ ઉગતી રહેતી..અમારી સ્કૂલમાં મેઇન લાઇબ્રેરી તો ખરી જ..એ ઉપરાંત દરેક કલાસની પોતાની આગવી લાઇબ્રેરી પણ ખરી જ..જેની ચાવી મોનીટરના હાથમાં રહેતી..અને પુસ્તકની લેતી દેતી એ જ કરે..જે કામ હું હોંશે હોંશે કરતી. અને ખાસ વાત એ કે એમાં એક પણ પુસ્તક ફાલતુ ન મળે. પુસ્તકોની પસંદગી પ્રભાબહેન, ઉષાબહેન કે આચાર્ય સિત્તુ સાહેબ જેવી નિષ્ઠાવાન વ્યક્તિઓના હાથમાં હોય ત્યારે પુસ્તકની ગુણવત્તા અંગે બેમત હોય જ ન શકે..મેઘાણી, દર્શક, ક.મા..મુનશી, ધૂમકેતુ, ટોલ્સ્ટોય,શરદબાબુ, ટાગોર,પ્રેમચંદ, ગુરુદત્ત, પન્નાલાલ પટેલ,ર.વ.દેસાઇ, સ્વામી વિવેકાનંદ, સ્વામી આનંદ. વર્ષાબેન અડાલજા, ધીરુબેન પટેલ, હિમાંશીબેન શેલત..વગેરે વગેરે… સાથે માનસિક અનુસંધાન કેળવાતું રહ્યું.
એ મહાસાગરમાં ડૂબકી મારવાના અદભૂત આનંદ સાથે સાથે હાથમાં પહેલી કલમ પણ આ શિક્ષકોએ જ પકડાવી. સ્કૂલના મેગેઝિન..”સ્વાતિ” અંકમાં જાતજાતની રચનાઓ મારી પાસે લખાવડાવી..મઠારી..જાતજાતના શીર્ષકો આપી મારી પાસે સતત લખાવતા રહેતા..કયારેક તો શીર્ષકોનો અર્થ પણ ન સમજાય..આંખમાં પાણી આવી જાય..કેમ કહેવું ? કેમ પૂછવું ? કેટલાક શીર્ષકો આજે ચાલીસ વરસ બાદ પણ યાદ છે.. અમાસનો અજવાસ,…ભીતર ભીના ભીના, સ્નેહના અજવાળા….શિરસ્તા પરસ્તીની પરિસીમાએ( જેનો અર્થ ન સમજાતા રડી પડી હતી..કે હવે લખવું કેવી રીતે ? નથી આવડતું..એ કહેતા તો કેવી શરમ આવે..! શિક્ષકોએ રાખેલી ઉંચી અપેક્ષાઓ..વિશ્વાસને તોડવા કેમ ? )જેવા અનેક શીર્ષકો આપી વાર્તા લખવાની રહેતી.પાછું આ મેગેઝિનની કમિટીમાં હું..મારાથી તો ના પડાય જ નહીં કે નથી આવડતું એવું બોલાય જ નહીં..જેવું આવડે એવું એકવાર લખવું તો પડે જ..પછી એમાં સુધારા વધારા શિક્ષકો કરી આપે..અને અમારી કૃતિ ઝળકી ઉઠે.. આખા અંકમાં અનેકવાર આવતું મારું નામ હું આનંદથી જોઇ રહું..આ બે વરસ જાણે મારા જીવનના સુવર્ણયુગ..આજે આ લેખ નિમિત્તે મારા એ ગુરૂજનોને મારા સ્નેહવંદન.મારો લઘુકથા સંગ્રહ “પાનેતર “ આ શિક્ષકોને જ અર્પણ થયેલ છે..કમનસીબે એમાંથી સંધ્યાબહેન કે ઉષાબહેનઆજે હયાત નથી.પરંતુ પ્રભાબહેન સાથે આજે પણ મારો સ્નેહનાતો અતૂટ રહ્યો છે. એ શિક્ષકોએ જ મારી ભીતર છૂપાયેલી શક્તિ ઓળખીને વિકસાવી. મારી આજની શબ્દયાત્રાના મૂળ ફકત અને ફકત મારા શિક્ષકોએ જ રોપેલ છે. સ્વનો પહેલો પરિચય અહીં જ પામી. ઘરમાં સાહિત્યનું કોઇ વાતાવરણ નહીં…અમારી સાત પેઢીમાં પણ કોઇ વાંચનાર કે લખનાર નહીં..પણ મારી અંદર ન જાણે વાંચન શોખના…આ ગ્રંથરાગના બીજ કયાંથી આવ્યા એ આજ સુધી પામી શકી નથી.
આમ મારી આજની લેખનયાત્રાનાનો પાયો અહીં જ નખાયો…એ શિક્ષકો..એ સ્કૂલ જો મને ન મળી હોત તો આજે પણ હું આડેધડ ..વાંચવા ખાતર વાંચતી હોત..કદાચ કશું પામ્યા સિવાય..
કોલેજમાં હતી ત્યારે મારી પ્રથમ વાર્તા અખંડઆનંદમાં છપાઇ ત્યારે ખુશીની જે ચમક મારું નામ જોઇને છવાયેલ તે રોમાંચની તો વાત જ અલગ ને ? આજે અનેક જગ્યાએ વાર્તાઓ છપાય છે ત્યારે ખુશી અવશ્ય થાય છે. પણ એ રોમાંચ તો ગેરહાજર જ…પહેલા નશા..પહેલા ખુમારની તોલે તો એ ન જ આવે ને ? કેટલાયે દિવસો સુધી હાથમાં અખંડ આનંદનો એ અંક હાથમાં લઇને મારું નામ જોતી રહેતી…! જોકે અંતર્મુખ સ્વભાવને લીધે કોઇને બહું બતાવવાની તકલીફ લેતી નહોતી.એટલી નસીબદાર ખરી જ કે પુસ્તકો મેળવવામાં કયારેય કોઇ તકલીફ પડી નથી..સામેથી હાથમાં આવતા ગયા..વેકેશનમાં આખો દિવસ પૂ. પ્રભાબહેનને ઘેર પહોંચીને એમની અંગત લાઇબ્રેરી પૂરા હક્કથી ફેંદવાનું સદભાગ્ય મળ્યું છે. આજે પણ મારો એ હક્ક અબાધિત રહ્યો છે. એમની અંગત લાઇબ્રેરીની વારસદાર તો હું જ….!
કોલેજમાં હતી ત્યારે ફીશપોન્ડના એક કાર્યક્રમમાં મારી ઉપર …
”લાઇબ્રેરીમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરો છો કે આવતે જન્મે મને પુસ્તક જ બનાવે..જેથી અહીંથી ખસવું જ ન પડે”કે પછી…
” નીલમ એટલે પુસ્તકોને વળગેલી જળો…” એવા નામથી નવાજેલ..
એ યાદ આ ક્ષણે પણ ચહેરા પર સ્મિતની લહેરખી ફરકાવી દે છે.
મને બરાબર યાદ છે..કિશોરાવસ્થામાં જયા પાર્વતીનું વ્રત કરેલ..જાગરણને દિવસે મમ્મી ઘરમાં લોકોને ભેગા કરતી..મને જગાવવા માટે… હું એ બધાને પડતા મૂકીને એક રૂમમાં પુસ્તકો વચ્ચે ભરાઇ રહેતી..ને મમ્મીનો ગુસ્સો વહોરી લેતી.મમ્મી પૂરેપૂરી ટોળાનું માણસ..અને હું સાવ ઉલટી…મને મારું એકાંત વહાલું…
લગ્ન પછી મીઠાપુરમાં રોજ સાંજે અમારા ઘરમાં લાઇબ્રેરીનું વાતાવરણ જ છવાતું. પતિદેવ પણ વાંચવાના પૂરેપૂરા રસિયા. અમારા બાળકોને પણ હાથમાં રમકડાને બદલે પહેલું પુસ્તક જ આપ્યું છે..બંનેમાં અમારો એ શોખ જળવાયો છે. હવે એ બંને અંગ્રેજી પુસ્તકો વાંચે છે..એ અલગ વાત છે. અહીં અમેરિકામાં રહીને એટલો બદલાવ આવે એ સ્વાભાવિક જ કહેવાય ને ? આમ પણ પુસ્તકો…સાહિત્ય વચ્ચે કંઇ ભાષાના વાદવિવાદ થોડા જ હોય ?
પછી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઇ ત્યારે મારા શિક્ષકોનું ઋણ ચૂકવવાના ખ્યાલે મારા અનેક વિધ્યાર્થીઓને પણ વાંચતા કર્યા..લાઇબ્રેરીમાં સંભાળી અને વિધ્યાર્થીઓને એમાં જતા કર્યા. કલાસમાં પુસ્તકો લાવી જાતે વાંચીને રસ લેતા કર્યા…અને એક સંતોષનો એહસાસ…
આજે પણ વાંચનનો શોખ.. યથાવત્ રહ્યો છે. મારા સદાના આ સાથીદારોએ કયારેય દગો દીધો નથી. ગુજરાતથી દૂર બંગાળ અને ઓરીસ્સામાં આ પુસ્તકો જ મારી એકલતાને રળિયામણા એકાંતમાં પલટાવતા રહેતા. અલબત્ત પુસ્તકોની પસંદગી હવે બદલાણી હોય એ સ્વાભાવિક છે. પણ આજે યે એ વાંચનભૂખ તો એવી અને એટલી જ… પતિદેવ એના કામમાં સતત વ્યસ્ત..બાળકો પરદેશમાં, સ્વજનો બધા ગુજરાતમાં….ત્યારે સાથ મારા આ મિત્રોનો જ ને ?
આજે અવારનવાર અમેરિકા આવું છું ત્યારે હવે અંગ્રેજી પુસ્તકો સાથે પણ ઘરોબો કેળવાયો છે. અનેક અદભૂત પુસ્તકો અહીં પણ વાંચ્યા છે..વાંચતી રહું છું..માણ્યા છે.. ત્યારે નર્મદના શબ્દો કાનમાં ગૂંજે છે. ભાષાને શું વળગે ભૂર ? પુસ્તકો એ પુસ્તકો છે..ભાષા કોઇ પણ હોય..બકોર પટેલથી શરૂ થયેલી મારી યાત્રા આજે કાઇટ રનર, લાઇફ ઇઝ બ્યુટીફુલ, ગોન વીથ ધ વીન્ડ, ટયુસડે વીથ મોરીસ,મેમરી ઓફ ગેઇશા..અનેક નામો સુધી વિસ્તરી ચૂકી છે. જીવનના અંતિમ શ્વાસ સુધી આ યાત્રા ચાલુ રહેશે જ એ કોઇ શંકા સિવાયની વાત છે. મારા પલંગ પર ચાર, પાંચ પુસ્તકો..મેગેઝિનો પડયા ન હોય તો મને ઉંઘ ન જ આવે..તો એ પલંગ મારો ન જ હોય એમ બધા સ્વીકારી લે.
આજે જયારે ઘણી જગ્યાએ લખું છું..અને વાચકોના સુંદર પ્રતિસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ છલકાઉં છું…અલબત્ત એ કાર્ય મહાસાગરના એક બિંદુ જેટલું પણ નથી જ..એનો પૂરો ખ્યાલ છે. વાંચવું અને લખવું એ કદાચ મારી જરૂરિયાત છે. મારી એકલતાને એકાંતમાં પલટાવવાની જરૂરિયાત…બધી જવાબદારીઓ સારી રીતે પૂરી થઇ ગઇ છે. ઘરના કામમાંથી ઓલમોસ્ટ રીટાયર્ડ..સમયનો કોઇ અભાવ નહીં..મિત્ર પતિનો પૂરેપૂરો સાથ, સહકાર..જે કરવું હોય તે કરવાની સ્વતંત્રતા. કોઇ આર્થિક પ્રશ્ન નહીં..આવી અનેક અનુકૂળતાઓ માટે ઇશ્વરની ઋણી છું..”દીકરી મારી દોસ્ત “ મારા આ પુસ્તકે દેશમાં કે વિદેશમાં અનેક સુંદર આજીવન સંબંધો આપ્યા છે. શબ્દોની પવનપાવડીએ બેસીને કયાંથી કયાં સુધી પહોંચી શકાય છે.. લોકોના હ્રદયને સ્પર્શી શકાય છે એ અનુભૂતિ મનને સભર રાખે છે.
જયારે જયારે મારા પુસ્તકને કોઇ એવોર્ડ મળ્યા છે ત્યારે મારી નજર સમક્ષ બે વસ્તુઓ અચૂક તરવરી ઉઠે છે..એક કીર્તિમંદિરની લાઇબ્રેરી…અને બીજા મારા શિક્ષકો..આજે આ લખતી વખતે પણ તેમનો સાદ મારી ભીતર ઘૂઘવે છે.
તેમને ભાવપૂર્વક સ્નેહવંદન સાથે જ આ ગ્રંથરાગનો લેખ પૂર્ણ થઇ શકે ને ?
સાથે સાથે રણઝણી રહી છે…કલાપીની આ પંક્તિ….”
કલા છે ભોજય મીઠી..ને ભોકતા વિણ કલા નહીં..
કલાકાર, કલા સાથે ભોકતા વિણ મળે નહીં…”
એ ન્યાયે વાચકો સિવાય કોઇ પણ લેખક અધૂરો જ ને ? સદનસીબે અસંખ્ય વાચકોના અઢળક સ્નેહથી હું સભર સભર…. એમના સ્નેહને સલામ..શબ્દોની સાચી કદર કરનાર કોઇ ભાવકનો પ્રતિસાદ અચાનક આવી ચડે ત્યારે સર્જનની સાર્થકતા અનુભવાય…મારું જીવન એ જ મારો સંદેશ એમ તો ગાંધીજી જેવી મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા કયાં ?
પણ વાંચન કે લેખન.. શબ્દો એ જ મારું જીવન..પછી એ મારા હોય કે મારા અન્ય પ્રિય મિત્રોના…
સ્કૂલ, કોલેજમાં હતી ત્યારે વ્યક્તિઘડતર અને ગુણવંત શાહની કાર્ડિયોગ્રામ..એ બે પુસ્તકો લગભગ આખેઆખા મારી ડાયરીમાં કોપી કરેલા..અનેક કવિઓની સુંદર પંક્તિઓ મારી દસેક ડાયરીઓમાં આજે પણ ઝળહળી રહી છે. હકીકતે ભલે હું ગદ્ય જ વધારે લખું છું..પણ મારો પહેલો પ્રેમ તો કવિતા અને માત્ર કવિતા જ રહ્યો છે. પદ્ય સિવાય મારું ગદ્ય મને અધૂરું જ લાગે. લાખ ઇચ્છા છતાં છંદ સાથે નાતો બંધાયો નથી.. ઉતાવળિયો સ્વભાવ અને ધીરજનો અભાવ આ બે અવગુણોની લીધે છંદની ગાડી આજે તો અટકીને ઉભી છે..કયારેક ચાલી શકશે એ શ્રધ્ધા હજુ ખૂટી નથી..પણ એ માટે જરૂરી મહેનત..સાધના કયાં ? છંદ શીખવા બેઠી હોઉં અને એકાદ વાર્તા લખીને ઉભી થઇ હોઉં એવું અનેકવાર બનતું રહ્યું છે..કયાં સુધી ?એ ખબર નથી.
કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા….મુકેશ જોશી
Like this:
Like Loading...