વસંતના વધામણા..

 

 વસંતના વાસંતી વધામણા.. ( published in monitor )

 

“ હાથ ફર્યો કિરતાર તણો, ત્યાં સૃષ્ટિ ગઇ બદલાઇ,

જલ, સ્થલ, નભ જયાં જયાં  નીરખું,  ત્યાં યૌવન લે અંગડાઇ.. “

આપણા દેશી કેલેન્ડર મુજબ મહા મહિનાની સુદ પાંચમ, અર્થાત શુક્લપક્ષનો પાંચમો દિવસ એટલે વસંત પંચમી.  વસંત પંચમી એ પૂર્ણરૂપે પ્રકૃતિનો ઉત્સવ છે.  આ સમય દરમ્યાન પ્રકતિના પાંચેય તત્વો જળવાયુ પૃથ્વી ,આકાશ અને અગ્નિ દરેક પોતપોતાનું રમણીય રૂપ પ્રગટ કરે છે અને કુદરતી  સૌન્દર્યનું  સામ્રાજ્ય સ્થપાય  છે. વસંત પંચમી  એ ઋતુચક્રમાં પરિવર્તનની શરૂઆત  છે. કાતિલ  ઠંડીથી સૌને મુક્તિ આપી ફૂલગુલાબી ઉષ્માની શાલ ઓઢેલ પ્રકૃતિ પોતાના અપ્રતિમ સૌંદર્યના નજારાને ખુલ્લો મૂકી સૌને એ વૈભવ માણવાનું  મીઠું ઇજન આપે છે.

 

 આ દિવસે કામદેવતા અનંગનો  આવિર્ભાવ થયેલ એવી પણ માન્યતા છે. કેમકે  આ રમણીય સમયે પ્રકૃતિ પોતાનું મોહિની સ્વરૂપ પૂર્ણરૂપે પાથરે છે. વસંત અને કામદેવને એકમેકના પૂરક માનવામાં આવ્યા છે. ફાગુ નામના  પૌરાણિક કાવ્યપ્રકારમાં વસંતનું વર્ણન આવશ્યક મનાય છે.  

 ભારતીય સંસ્કૃતિમાં વસંતના પોંખણા સદીઓથી થતા આવ્યા છે. શિવજીના તપનો ભંગ કરવાનો હોય, વિશ્વામિત્ર  જેવા ઋષિને ચલિત કરવાના હોય એવા કોઇ પણ સમયે  ઋતુઓના રાજા વસંતની સહાય લીધાની  વાત આપણા શાસ્ત્રોમાં ગાઇ વગાડીને કરવામાં આવી છે.

મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં વસંતનું મનોહારી ચિત્રણ કર્યું છે. ભગવાન કૃષ્ણે  પણ ગીતામાં

 “ ઋતુનામ કુસુમાકર “ કહી ઋતુરાજ વસંતને પોતાની વિભૂતી તરીકે વર્ણવ્યો છે. તો કવિવર  જયદેવ ગીતગોવિંદમાં  વસંતનું વર્ણન કરતા થાકયા નથી.  આમ આદિકાળથી આપણે ત્યાં વસંતનો મહિમા ગવાતો આવ્યો છે. કવિ કાંતના  “ વસંત વિજય “  ખંડ કાવ્યમાં પાંડુ રાજા ઉપર વસંતના સૌન્દર્યની  થયેલી અસરનું અદભૂત વર્ણન છે.

આ દિવસ સાથે એક પૌરાણિક દંતકથા સંકળાયેલી છે. કવિ કાલિદાસના લગ્ન એક તેજસ્વી રાજકુમારી સાથે થયા હતા. પરંતુ રાજકુમારીને કાલિદાસના અજ્ઞાનીપણાની જાણ થતા રાજકુમારીએ એમને  તરછોડી  દીધા. કાલિદાસ દુ:ખી થઇ  આત્મહત્યા કરવા  સરસ્વતી નદીમાં ઝંપલાવવા ગયા..ત્યારે મા સરસ્વતી નદીમાંથી  પ્રગટ થયા અને કાલિદાસને  નદીમાં ઉંડી ડૂબકી લગાવવા કહ્યું. કાલિદાસ ડૂબકી લગાવીને બહાર આવ્યા ત્યારે મા સરસ્વતીએ તેમના  મસ્તક પર પોતાનો હાથ મૂકયો. અને માની  કૃપાથી તેઓ વિદ્વાન અને સમર્થ લેખક બન્યા. આ દિવસ મહા મહિનાની પાંચમનો હતો. તેથી આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

 વસંત પંચમી એટલે જ્ઞાનનું મહાપર્વ. આ પર્વ  “બાગેશ્વરી જયંતિના નામથી પણ ઓળખાય છે. (બાગેશ્વરી એ સરસ્વતીનું જ બીજું નામ છે. અને સંગીતનો એક રાગ પણ છે.) 

 

 ઋગવેદમાં માતા  સરસ્વતીના અસીમ પ્રભાવ તેમ જ મહિમાનું વર્ણન કરેલું  છે.  આ દિવસને સરસ્વતીના આવિર્ભાવના દિવસ તરીકે  ઓળખવામાં આવે છે. મા સરસ્વતીને મૂર્તિ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવે છે. કેમકે ભારતીય સંસ્કૃતિમાં તેમને જ્ઞાનની અધિષ્ઠાત્રી એવી  વિદ્યાદેવીના  પ્રતીક  તરીકે સ્વીકારવામાં આવેલ છે.

 

આ દિવસે મા સરસ્વતીની પ્રતિમાને પીળા ફૂલોથી સજાવેલ લાકડાના મંડપ પર સ્થાપિત કરવામાં આવે છે.  પર્વમાં સામેલ થનાર  વ્યક્તિ પીળા વસ્ત્ર પરિધાન કરે છે.વસંતોત્સવ અને પીળા રંગનો ઘનિષ્ઠ નાતો છે. પીળૉ રંગ પરિપકવતાની નિશાની છે.  હિન્દુઓમાં હલ્દીને.. પીળા રંગને શુભ માનવામાં આવે છે. પીળૉ રંગ તેજસ્વિતા અને જીવંતતાનું પ્રતીક  ગણાય છે. સરસ્વતીની મૂર્તિની બાજુમાં ગણપતિની સ્થાપના પણ  કરાય છે. વિઘ્નહર્તા ગણપતિ એ સદગુણનું  પ્રતીક મનાય છે. જ્ઞાનની સાથે ગુણ..અર્થાત  સોનામાં સુગંધ.. આ દિવસના પ્રસાદમાં પણ  પીળી બરફી અથવા બેસનના લાડુનો સમાવેશ અચૂક થાય છે.

યૌવન એ આપણા જીવનની વસંત હોય તો વસંત એ  નિ:શંક પણે સૃષ્ટિનું   યૌવન છે.  હકીકતે વસંતનો ઉત્સવ એ અમર આશાવાદનું  પ્રતીક છે. પાનખરમાં પર્ણો ખરી જાય, પુષ્પો અદ્રશ્ય થઇ જાય, વૃક્ષો  નિરાધાર જેવા બનીને ઉભા રહી જાય ત્યારે કિરતારની  જાદુઇ છડી ફરી વળે છે  અને કોઇ ચમત્કારની જેમ નાનકડી કૂંપળ હાઉકલી કરતી દેખા દે છે. અને થોડા દિવસોમાં તો ડાળે ડાળે લીલીછમ્મ મખમલી કૂંપળૉ કોળી ઉઠે, ગઇ કાલ સુધી સૂકુ ભઠ્ઠ ઉભેલું  આખું વૃક્ષ હર્યુંભર્યું બની લહેરાઇ રહે, રંગબેરંગી ફૂલો મઘમઘી રહે એ કુદરતનો ચમત્કાર નહીં તો બીજું શું ?  વાતાવરણની  પરમ પ્રસન્નતાની  સીધી અસર માનવજીવન પર પડયા સિવાય કેમ રહી શકે ?

 

નિરાશા પર્ણ ખંખેરી નવી આશાઓ પાંગરતી ,

શિશિરો તો વસંતોની હમેશા પૂર્વગામી  છે.  

વગર વરસાદે સ્રષ્ટિને નવપલ્લવિત કરવાનો  ઇશ્વરનો ચમત્કાર વસંતમાં સાકારિત થતો દેખાય છે. વસંત સૃજનની આ ઇશ્વરીય  શક્તિ પર જે વ્યક્તિ  અખૂટ વિશ્વાસ  રાખી શકે એ  જીવનમાં કદી નિરાશ ન બની શકે. જીવનમાં આવતા દુ:ખો તરફ જોવાની વિધાયક દ્રષ્ટિ એનામાં આશા અને  ઉત્સાહનું સિંચન કરતી રહે છે.

અંગ્રેજ કવિ શેલીએ પણ આ જ વાત કહી છે. 

 if winter comes, can spring be far behind ?  

 હકીકતે વસંત એ નવસર્જનનું પ્રતીક છે. જીવનમાં પાનખર રૂપી નિરાશા ઘેરી વળી હોય ત્યારે હતાશાના સૂર ખંખેરી આશાની જયોત વડે જીવનને સંકોરવાનો સન્દેશ આ ઉત્સવ આપે છે. વિસર્જન  થાય પછી જ સર્જન શકય બને. જૂનું છૂટે  ત્યારે જ નવા માટે જગ્યા થાય ને ?

 સર્જન ને સન્હાર 

ઉભા હારોહાર,

અનંતને દરબાર ..

સર્જન અને વિસર્જન એ કુદરતને આંગણે સતત ચાલતી રમ્ય લીલા છે. જીવનમાં જો ફકત સુખ અને સુખ જ હોય તો એની કીમત ન રહે. દુ:ખ છે તો સુખની પ્રતીક્ષા છે.. વિરહ છે તો જ મિલનની મજા છે. પાનખર છે તો જ વસંતના આગમનના વધામણા શકય બને છે. સર્જનની જેમ જ વિસર્જનનું પણ આગવું મહત્વ છે.

વસંત કે વર્ષારૂપે ઇશ્વરનો હાથ સ્રષ્ટિ પર ફરતો રહે છે. 

જીવનમાં આશારૂપી દીપ જલતો રાખવાનો સન્દેશ આપતા આ ઉત્સવના  મહિમાથી આપણે શહેરી લોકો અપરિચિત જ રહી ગયા હોઇએ એવું નથી લાગતું ? પ્રકૃતિના આ તહેવારને ઉજવવાનું  કે  માણવાનું આપણે ચૂકી તો નથી જતા ને  ?  

કોઇ કવિએ સાચું જ લખ્યું છે.    

“  ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ…”  

શહેરમાં વસંત આવે કે જાય ..કોઇને જાણ પણ કયાં થવા પામે છે ? આપણા રોજિંદા જીવનમાં જાણે આ તહેવારની  કોઇ અસર જ નથી થતી. નવી પેઢીને તો વસંતપંચમી એવા શબ્દની જાણ પણ છે ખરી ? કમનસીબે  આજે આપણી પાસે વસંતના આ વૈભવને સત્કારવાનો કે બે ઘડી નિરાંતે માણવાનો સમય કયાં છે  ?  

 what is this life, is full of care,

we have no time to stand and stare.

આ સાથે જ પાબ્લો નેરૂદાની એક સુંદર પંક્તિ ભીતરમાં રણઝણી રહી છે.

“ હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.  

 એ ખૂલેલા પોપચાને નિહાળવા આપણા ભીતરના દરવાજા ખૂલેલા હોવા જરૂરી છે.

 જીવનમા વસંતની વેણુ વાગે તો જીવન સંગીતમય બની રહે. કલ્પનાની પાંખ અને વાસ્તવની આંખ સાથે જે માનવી વસંતને આવકારી શકે એ કદી નિરાશ, ઉદાસ ન બની શકે.

 માનવી જો કુદરત સાથે અનુસંધાન સાધી શકે , એની સાથે નેહનો નાતો બાંધી શકે  તો એના જીવન પર એનો પ્રભાવ પડયા સિવાય રહી શકતો નથી. નિસર્ગમાં સરળતા છે..સહજતા છે..અને સુન્દરતા તો છે જ ..

માનવજીવનને પણ એ સરળતા..સુન્દરતા અને સહજતાની દીક્ષા મળી શકે તો ? તો વસંતના વૈભવની જેમ જ માનવજીવન પણ કોળી ઉઠે.

દોસ્તો, આ વખતે વસંતપંચમીને વધાવીશું ?  મનની આંખો ખોલી બે ઘડી નિરાંતવા જીવે કુદરતની સમીપ બેસી એને સાંભળવાનો પ્રયત્ન કરીશું  ?

 

 

3 thoughts on “વસંતના વધામણા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.