‘ મમ્મી..મમ્મી, કરતા ચાર વરસના લવના ડૂસકાં શમવાનું નામ નહોતા લેતા.મમ્મી કારમાં બેસીને ગઇ..તે તેણે નજરે જોયું હતું. આજે પોતાને કેમ સાથે ન લઇ ગઇ ? દાદીમાને પૂછતાં તેને બીક લાગતી હતી. દાદીમાને પોતે નહોતો ગમતો. એટલું તો આ અબોધ બાળક સમજી ચૂકયો હતો. માયાબેને રડતાં લવને શાંત કરતાં કહ્યું હતું.
’મમ્મી, થોડાં દિવસમાં આવી જશે. તે તારા માટે નાના ભાઇને લેવા હોસ્પીટલે ગઇ છે. ‘’
મને કેમ ન લઇ ગઇ ? ‘
ત્યાં તારે ન જવાય.
‘’ તો મારે ભાઇ નથી જોતો. મમ્મી જોઇએ છે.’’
‘ ચૂપ. ‘ પાછળથી દાદીમા જોશથી બોલ્યા.
લવ દોડીને કામવાળા બેનની સોડમાં લપાઇ ગયો.
’ માયા, આને વધારે માથે ચડાવીશ નહીં. શું સમજી ?
માયાએ સમજી હોવાના પુરાવા તરીકે માથું ધૂણાવ્યું. લવને લઇ તે ત્યાંથી ચાલી ગઇ.
રડતા લવને કેમ સમજાવવો તે માયાને ખબર પડી નહીં. અંતે તેણે બાળકને સૂવડાવવા ડરનો જ આશરો લીધો.
‘ જો , જલદી સૂઇ જા. દાદીમા આવશે ને તો પાછા ખીજાશે. તને ખબર છે ને દાદીમા કેવા ગુસ્સે થાય છે ? બાવા પાસે પકડાવી દેશે.
’’ મમ્મી, છોડાવશેને ?’
પણ મમ્મી તો હોસ્પીટલમાં ગઇ છે..ભાઇને લેવા.
‘’ પણ શું કામ ? મારે ભાઇ નથી જોતો. ભાઇ હોસ્પીટલમાં મળે ?
‘’ હા, ત્યાં મળે.’’
મમ્મી કયારે આવશે ? ‘
‘ ભાઇ આવી જશે ત્યારે.’
‘ ભાઇ કયારે આવશે ?’
થોડા દિવસ પછી.
‘’ જલદી કેમ નથી આવી જતો ?’
એમાં વાર લાગે. ભાઇ નાનો છે ને એટલે..’’
બધી વાતમાં ‘ ભાઇ..’ આ ન જોયેલા ભાઇ ઉપર નાનકડા લવને એવો તો ગુસ્સો આવ્યો. એક તો મમ્મીને લઇ ગયો. ને પોતે પાછો જલદી આવતો નથી. તેને ખબર નથી કે મમ્મી ન હોય ત્યારે દાદીમા એને કેવા ખીજાય છે.’ તેને ગુસ્સો તો મમ્મી ઉપર પણ આવતો હતો. ભાઇને લેવા ગઇ..તો ભલે ગઇ. પણ પોતાને સાથે લઇને કેમ ન ગઇ ? નહીંતર મમ્મી જે લેવા જાય એમાં પોતાને સાથે લઇ જ જતી હતી. ને આ બધાનું કારણ ભાઇ…ભાઇ આવે એટલી વાર છે. પોતે એને ખીજાશે..દાદીમા પાસે મૂકી આવશે. ભલે દાદીમા એને ખીજાયા કરે. પોતે તો મમ્મી પાસે….’
લવનું બાળમન કલ્પના કરતું રહેતું. પણ…
પણ.. આઠ દિવસ પછી નાનો ભાઇ ઘેર આવ્યો ત્યારે તેના આશ્ર્વર્ય સાથે લવે જોયું કે દાદીમાએ તો ભાઇની આરતી ઉતારી..તેને ચાંદલો કર્યો. ઘરમાં આવતાની સાથે જ તેને તેડી લીધો. દાદીમા તો ખીજાવાને બદલે ગીત ગાતા હતાં. ઘર આખું સરસ શણગાર્યું હતું.
મમ્મી પણ ખુશખુશાલ હતી. થોડીવાર તો તે પણ લવને જાણે ભૂલી જ ગઇ. પછી અચાનક ખ્યાલ આવતા લવને નજીક બોલાવ્યો. એકાદ મિનિટ તો લવ રિસાઇ રહ્યો.પણ પછી રહેવાયું નહીં. કેટલા દિવસે માને જોવા પામ્યો હતો. દોડીને મમ્મી પાસે પહોંચી ગયો.
‘ અરે, અરે, ઇરા, આઘો રાખ આ છોકરાને…આને કયાંક લગાડી દેશે…દાદીમાએ વહુને કહ્યું
ઇરા લવને નાનો ભાઇ બતાવી રહી. લવની આંખોમાં તો વિસ્મયના વાદળો ઉમટયાં હતાં.કેવો નાનકડો છે !મારો ભાઇ છે ? તેણે મમ્મીને પૂછયું. ઇરાએ હસીને હા પાડી. લવને આ નાનકા ભાઇ પર વહાલ ઉભરાઇ આવ્યું. તે તેને વહાલ કરવા નીચો નમ્યો.ત્યાં…દાદીમા તેનો હાથ પકડી દૂર ખેંચી ગયા.એકવાર કહ્યું ને કે એને અડવાનું નહીં. લાગી જશે’
‘ હું એને લગાડીશ નહીં. મારો ભાઇ છે. ‘
થોડાં ડરતાં ડરતાં લવે જવાબ દીધો.
‘ જોયો મોટૉ ભાઇ વાળો…’ બબડતા દાદીમા ત્યાંથી ચાલતા થયા.લવને રડવું આવી ગયું. ભાઇ તેનો છે એમ કહે છે પણ તેને કોઇ અડવા તો નથી દેતું. તે થોડો ભાઇને લગાડવાનો છે ? તે તો ભાઇને જોશે..રમાડશે… તેને ‘ વાલુ વાલુ ‘ કરશે.પોતાના રમકડાં આપશે.
બે દિવસ વીતી ગયા. કોઇ લવને ભાઇ પાસે જવા નથી દેતું. જે આવે છે તે બધા ભાઇના જ વખાણ કરે છે. તેને રમાડે છે. પોતાનું તો કોઇ પૂછતું પણ નથી. બધા ભાઇને કંઇક આપે છે. પોતાને કંઇ જ નહીં. મમ્મી પણ દાદીમા ન હોય ત્યારે જ બોલાવે છે. તેને ભાઇને અડવાનું મન થાય છે. પણ અડતો નથી. મમ્મી પણ ભાઇની જ વાત કરે છે. ભાઇનું નામ કુશ છે.
‘ લવ, તને ગમે છે ને તારો ભાઇ ? લવે જોશથી ડોકુ ધૂણાવી ના પાડી. ભાઇએ આવીને પોતાની મમ્મી લઇ લીધી હતી..કેમ ગમે ? કહે છે કે લવનો ભાઇ છે. પણ પોતાને એની પાસે જવા તો દેતા નથી. આવો ભાઇ કેમ ગમે લવને ?’
બેટા, એવું ન કહેવાય. ‘
મમ્મી લવને આગળ કશું સમજાવે ..તે પહેલાં દાદીમા હાજર..
લવ ત્યાંથી રફુચક્કર..ઇરાએ એક નિશ્વાસ નાખ્યો. સાસુને શું કહેવું ? લવ તેને કયારેય પોતાનો લાગ્યો જ નહોતો. ને લાગવાનો પણ નહોતો. એની પોતાને ખબર હતી જ. હવે કુશના આગમનથી તો લવ તેમને સાવ જ અળખામણો લાગતો હતો. શું કરે પોતે ?
તેણે લવને સાચવી લેવાનું પતિને કહ્યું. પણ અંકિત પાસે એવો સમય કે એવી ધીરજ કયાં હતા ?
‘ તું ચિંતા ન કર. થોડો સમય થશે એટલે લવ પોતે જ સમજી જશે બધું.
આખા ઘરમાં જાણે કુશનું રાજ છે. કુશ જરાક હસે તો બધા રાજી રાજી..કુશ રડે તો બધા દોડે. દાદીમા પણ કુશની આગળ પાછળ ફરે છે. લવને નવાઇ લાગે છે..દાદીમાના વર્તનની..
હવે પોતાને સ્કૂલે મૂકવા મમ્મી નથી આવતી. માયા મૂકી જાય છે. બસ..આખો દિવસ કુશને ખોળામાં લઇને મમ્મી બેસી રહે છે. કુશને પોતાની સાડી નીચે ઢાંકી રાખે છે. માયા કહે છે.
‘ કુશ મમ્મીના ખોળામાં “ મમ “ કરે છે. ‘
મમ્મી હવે પોતાને જમાડતી નથી. સૂવડાવતી નથી. વાર્તા કહેતી નથી.હવે એ બધું કામ માયા કરે છે. પણ લવને તો મમ્મી જોઇએ છે.
જોકે અકળાય તો ઇરા પણ છે પણ શું કરવું તે સમજાતું નથી. કયારેક લવને વહાલ કરી સમજાવવા જાય છે પણ સાસુ લવને તેની નજીક બહું આવવા જ નથી દેતા. કુશ રાતે જાગે છે અને પોતાને પણ આખી રાત જગાડે છે. કુશની ઉંઘ સાવ ઓછી છે. તેથી દિવસે પણ તેની પાછળ ધ્યાન આપવું પડે છે. પરિણામે ઇરાને લવ માટે સમય કયાં જ બચે છે ? ઇરાનું આખું અસ્તિત્વ કુશ પાછળ વ્યસ્ત થઇ ગયું છે. પોતાની છાતીમાંથી દૂધ પીતા કુશને નીરખી રહે છે. એક હૂંફાળો અનુભવ. આ અનુભવનો એહસાસ તો હવે જ પામી છે. લવની મા હોવા છતાં જનેતાનું ગૌરવ તો કુશે જ અપાવ્યું. પોતે જ યશોદા અને પોતે જ દેવકી..
કુશને દૂધ પીવડાવતાં તેના મનમાં લવના વિચારો ચાલી રહ્યા છે. આજે અચાનક મનમાં રમી રહી છે ત્રણ વરસ પહેલાની એ ક્ષણ…
એક વરસનો એ છોકરો …જોતાં જ ઇરાને ગમી ગયો હતો. થોડૉ શ્યામ વર્ણ..પણ તેની મોટી મોટી ભાવવાહી આંખોમાં પોતાનું પ્રતિબિંબ ઝિલાયું હતું કે શું ? આટલા બધા છોકરાઓમાંથી તેની ઉપર જ પસંદગીની મહોર લાગી. જયારે પસંદગીને અવકાશ હતો ત્યારે દિલને ગમી જાય એ જ લેવાય ને ? એક વરસનો આ છોકરો તેની સામે ટગર ટગર જોઇ રહ્યો હતો. ઇરાએ બોલાવ્યો તો ખિલખિલ હસી પડયો. પાસે તો ન આવ્યો. અજાણ્યું લાગતું હતું કે ડર લાગતો હતો તે ઇરાને સમજ ન પડી. પણ આ બાળકમાં તેને તેના કનૈયાના દર્શન જરૂર થયા. કાળા, વાંકડિયા વાળ, આકર્ષક ચહેરો, પ્રભાતના પહેલા કિરણ જેવું સ્મિત, આંખોમાં અપાર આશ્ર્વર્ય..હજુ બોલતા તો નહોતો શીખ્યો. પણ ડગુમગુ ચાલતા જરૂર શીખ્યો હતો.
ઇરાએ તેને ફરીથી બોલાવ્યો. થોડીવાર તે તેની સામે જોઇ રહ્યો. પછી ધીમેથી ડગલું ભર્યું. બે ચાર ડગલાં ભર્યા ત્યાં ગબડી પડયો. ઇરાને દોડીને ઉંચકવા ગઇ ત્યાં તો હસતો હસતો પાછો ઉભો થયો અને ફરીથી ડગુમગુ ચાલુ.. ઇરા ખુશખુશાલ. તેણે અંકિત સામે જોયું. અંકિતે માથું હલાવી સંમતિ દર્શાવી. આમ પણ આ નિર્ણય ઇરાનો હતો. તેને પોતાને તો એવી કોઇ જરૂર નહોતી લાગતી. પરંતુ ઇરાની ઇચ્છાને તેણે હમેશની જેમ સ્વીકારી હતી.સઘળી કાનૂની વિધી પતાવી એક વરસનું એ શિશુ તેમના ઘરમાં આવ્યું ત્યારે મકાન ઘર બની હસી ઉઠયું. દીવાલો એક બાળકની કિલકારીથી ચહેકી ઉઠી. ઇરાએ તેનું નામ લવ પાડયું.
ડગુમગુ ચાલતા પગ ધીમે ધીમે સ્થિર થયા. લવની આંખો ઇરાને ઓળખતી થઇ. લવના કાલાઘેલા શબ્દોથી ઘરમાં ચેતન ઉભરાયું. હવે અંકિત ઓફિસેથી મોડો આવે છે તો ઇરાને ફરિયાદ કરવાનો સમય પણ નથી હોતો. આજે લવે શું કર્યું..શું નવું શીખ્યો તેની વાતો અઢળક વાતો…અંકિત ઇરાનું આ બદલાયેલું સ્વરૂપ…માતૃસ્વરૂપ જોઇ રહે છે. આ ઇરાને તો તેણે કદી જોઇ નથી. પહેલીવાર લવે ઇરાને મમ્મી કહીને બોલાવી ત્યારે તો ઇરાની આંખોમાં ગંગા જમના ઉમટી હતી. આ શબ્દ સાંભળવા તે દસ વરસ તડપી હતી…તરસી હતી…આજે એ શબ્દ તેના અસ્તિત્વને ઝંકૃત કરી રહ્યો હતો..રણઝણાવી રહ્યો હતો…બે વરસ તો ચપટી વગાડતા જ..એક શમણાંની માફક ….
લવના ત્રીજા બર્થ ડેની પાર્ટીમાં જ અચાનક ઇરાને ઉલટીઓ….પાર્ટીમાં તેના ડોકટર મિત્ર હાજર હતા. અને…અને સર્જાયો હતો એક ચમત્કાર….જે ડોકટરે તેને તે મા બની શકે તેમ નથી એમ કહેલું તે જ ડોકટરે આજે…
‘ ઇટસ એ મીરેકલ..’ કહી તેને મા બનવાના સમાચાર આપી અભિનંદન આપ્યા હતા.
લવે તેના જન્મદિવસની તેને આપેલ આ ભેટ હતી ? વરસોથી જે પળની પ્રતીક્ષા હતી..તે પળ સામે આવી હતી…અંકિત પણ સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ…ઘરમાં ખુશીનું સામ્રાજય…તેના સાસુ પણ દોડી આવ્યા હતા. અનાથાશ્રમમાંથી છોકરો લાવ્યા તે ન ગમવાથી…..
‘ તમને ગમે તે કરો..મારું થોડું માનવાના છો ? ‘ કહી રિસાઇને ગામડે ચાલી ગયા હતા. હવે સારા સમાચારની જાણ થતાં જ બધું ભૂલીને ઘેર આવી ગયા હતાં. લવને લાવીને ઇરા માતા બની હતી. કુશે તેને જનેતા બનાવી. લવ પોતાની કૂખે નથી જન્મયો તે વાત પોતે તો ભૂલી ચૂકી હતી. પણ સમાજ તેને કયાં ભૂલવા દે તેમ હતો ?
આજે ઇરાની નજર સામે બધા દ્રશ્યો ફરી એકવાર …
કુશ મોટૉ થતો ચાલ્યો. તે બેસતા શીખ્યો, ડગુમગુ ચાલતા શીખ્યો. ખૂબ ચંચળ છે કુશ. લવની બુકસ,પેન્સિલ, રબર નાસ્તા બોક્ષ બધું તેને જોઇએ છે. કશું રહેવા નથી દેતો. દાદીમા તો લવને ખીજાવાનો એકે મોકો નથી છોડતા.
‘ કશું ઠેકાણે રાખતો નથી.. કંઇ સંસ્કાર જ નથી. ન જાણે કોનું….’
જોકે દાદીમા વાકય પૂરું કરતા નથી. લવને કંઇ સમજાતું નથી. કુશને તો કોઇ ખીજાતું નથી. તોફાન તો એ કરે છે. મમ્મી પણ આખો દિવસ તું મોટૉ છે..એ તો નાનો છે. એ થોડૉ સમજે છે ? એવું બધું જ કહ્યા કરે છે. નથી થવું તેને મોટું….કુશ આવ્યો એટલે જ પોતે મોટો થઇ ગયો. અતિ સંવેદનશીલ લવને વારેવારે રડવું આવી જાય છે. પણ તેને છાનો રાખવાનો સમય હવે કોઇ પાસે નથી.
જોકે નાનકડા કુશને તો લવ વિના એક મિનિટ ચાલતું નથી. ભાઇ..ભાઇ કહેતો કુશ લવની પાછળ પાછળ જ ફર્યા કરે છે. લવના બાળ મનને કુશ ગમે છે..અને નથી ગમતો…બંને એકી સાથે થાય છે. કશું સમજાતું નથી.
ઘરમાં લવ અને કુશની ધમાચકડી ચાલતી રહે છે. બંને ભાઇના તોફાનથી ઇરા કયારેક અકળાય છે. થાકી પણ જાય છે. તે કંઇ હવે ત્રીસ વરસની નથી.
એક દિવસ કુશના હાથમાં ભાઇના ક્રેયોનસ આવી ગયા. છ વરસનો લવ તેનું હોમવર્ક કરી રહ્યો હતો. લવની એક બુક લઇ તેણે તેમાં રંગો પૂર્યા.પછી હરખાઇને ભાઇને બતાવવા ગયો. પોતાની મેથ્સબુકમાં આમ કલર પૂરેલા જોઇ લવે ગુસ્સાથી કુશને એક લગાવી દીધી. કુશે ભેંકડો તાણ્યો. બરાબર ત્યારે જ ઇરા ત્યાં આવી. લવે કુશને માર્યું તે જોઇ તેનાથી ધડાધડ લવને બે લાફા લગાવાઇ ગયા. નાના ભાઇને મારે છે ?
લવ ડઘાઇ ગયો. મમ્મીએ તેને માર્યું ? મમ્મીએ ભાઇને માર્યું. તે જોઇ રડતો કુશ ચૂપ થઇ ગયો. અને ભાઇની આંખમાંથી વહેતા આંસુ પોતાના નાનકડા હાથોથી લૂછવા લાગ્યો. ત્યાં દાદીમા આવી પહોંચ્યા. અને પછી તો પૂછવું જ શું ? તેમની જીભ હવે કાબૂમાં કેમ રહે ?
ઇરાને તો શું બોલવું તે સમજાયું નહીં. તે લવ અને કુશ બંનેનો હાથ પકડી અંદર ચાલી ગઇ. તેના મનમાં કદી બંને ભાઇઓ વચ્ચે કોઇ ભેદભાવ નથી જાગ્યો. લવ મૉટો હતો અને કુશ અણસમજુ હતો એને લીધે સ્વાભાવિક રીતે જ લવને ખીજાવાનું વધારે થતું એટલું જ. પરંતુ આજે તેને એટલું તો જરૂર થયું કે પોતે થોડું સ્ટ્રીક તો થવું જ રહ્યું. નહીંતર છોકરાઓને બગડતા વાર કેટલી ?
રોજ કંઇ ને કંઇ તો બનતું જ રહે છે. ઇરા અકળાતી રહે છે. તેની અકળામણનું રૂપાંતર ગુસ્સામાં થતું રહે છે. મોટો હોવાથી સ્વાભાવિક રીતે જ એ ગુસ્સાનો ભોગ લવ જ બને છે. દાદીમા તો ખુલ્લેઆમ બંને ભાઇઓ વચ્ચે પક્ષપાત કરતા રહે છે. ઘરમાંથી એક લય ખોરવાતો રહે છે.
હવે તો કુશ પણ સ્કૂલે જાય છે. બંને ભાઇ વચ્ચે ઝગડાં તો દરેક ઘરની જેમ જ થાય છે. પણ ઉકેલ દરેક ઘરની જેમ નથી આવી શકતો. દરેક વખતે વાંક લવનો જ નીકળે છે. કુશ છાનોમાનો ભાઇની સળી કરતો રહે છે. અને લવ જાહેરમાં….
લવ તોફાની ગણાય છે. કુશ ચંચળ. હવે લવ દસ વરસનો થયો છે.. દાદીમાના આખો વખત બોલાતા શબ્દોના અર્થ હવે તે પૂરા તો નહીં પણ અડધાપડધા સમજતો થયો હતો. અલબત્ત પોતે જે સમજયો છે તે સાચું છે કે ખોટું..એની ખાત્રી કોને પૂછીને કરે ?
અંતે અંકિતની સૂચનાથી લવને થોડો સમય હોસ્ટેલમાં મૂકવાનું નક્કી થયું. ત્યાં સુધીમાં કુશ પણ થોડો મોટો થઇ જશે અને સમજદાર બની જશે. પછી લવને પાછો લાવીશું દાદીમા પણ થોડો સમય શાંત બને એ જરૂરી હતું. નકામા ગમે તેમ બોલતા રહીને લવને વધારે હર્ટ કરતા રહેશે એ વિચારે ઇરા પણ લવને થોડો સમય હોસ્ટેલમાં મૂકવા સંમત થઇ.
લવને હોસ્ટેલ માટે પૂછતી વખતે ઇરાને હતું કે લવ તેને છોડીને જવા તૈયાર નહીં જ થાય. પરંતુ તેના અશ્વર્ય વચ્ચે લવને વાત કરતા જ તેણે જરા પણ વિરોધ સિવાય તુરત હા પાડી. જાણે હોસ્ટેલમાં જવા તે આતુર કેમ ન હોય ? ઇરાને આશ્ર્વર્ય તો થયું પણ સાથે સાથે તેણે રાહતનો શ્વાસ પણ લીધો. તેને તો હતું કે લવને હોસ્ટેલમાં મૂકવાનું કેવું અઘરું બની રહેશે.પણ અહીં તો ઉલટુ જ બનતું જોઇ તેને ગુસ્સ્સો આવ્યો. ખરો છે આ છોકરો.. છે જરાયે પોતાને માટે માયા..મમતા..કેવી સીધી હા પાડી દીધી. એને તો હતું કે પોતાને છોડીને જવાની વાત કરતા જ લવ રડશે..ઘણાં ધમ પછાડા કરશે ..પોતે એને કેમ મનાવશે ? એ બધું તેણે વિચારી રાખ્યું હતું. પણ અહીં તો એવી કોઇ જરૂર જ ન પડી. લવ તો જાણે બધાથી છૂટવાનો હોય એમ તુરત તૈયાર.. અરે, કુશને તો લવનું કેટલું હતું. એ તો લવને જવાની વાત સાંભળતા જ રડી પડયો ને પોતે પણ સાથે જવાની જિદ પકડી ત્યારે લવે જ તેને મનાવ્યો હતો.
એટલે લવને જ જવાનું મન છે..એ જાણી ઇરાને આઘાત લાગ્યો. પોતે આટલો સ્નેહ આપ્યો છતાં તેને પોતા માટે એવી લાગણી કેમ નથી ? શા માટે તે પોતાને છોડીને જવા માટે આમ જલદી તૈયાર થઇ ગયો ?
સારી સ્કૂલ અને હોસ્ટેલમાં એડમીશન લેવાઇ ગયું. મૂકવા જવાની તૈયારી થતી રહી. ઇરા લવની જરૂરિયાતની એક એક વસ્તુઓ ભેગી કરતી રહી. કંઇ ભૂલાઇ ન જાય..જાતજાતની ખરીદી થતી રહી. જવાનો દિવસ નજીક આવતો ગયો. લવ વધુ ને વધુ મૌન બનતો ગયો. ઇરાની દરેક સૂચનાઓનું તે અક્ષરશ : પાલન કરતો રહ્યો. હા.. રોજ રાત્રે બંને ભાઇઓ પોતાના રૂમમાં એકલા હોય ત્યારે તેમની વચ્ચે થોડી વાત થતી રહેતી. બંને ભાઇઓ સ્નેહની રેશમગાંઠે બંધાયેલા હતા જ. જવાને આગલે દિવસે એકમેકને વળગીને બંને ભાઇ રડતા રહ્યા. અલબત્ત ફકત રાત્રે જ એકલા હોય ત્યારે જ. બાકી કોઇની હાજરીમાં તો લવ બધાથી અળગો જ રહેતો. ઇરાની અકળામણ ગુસ્સારૂપે જ બહાર આવતી. એમાં દાદીમાના શબ્દો આગમાં ઘી પૂરવાનું કામ કરતા..
પારકા તે કદી પોતાના થયા સાંભળ્યા છે ? આંગળીથી નખ વેગળા તે વેગળા જ.. કુશને જેટલું થાય એટલું આ પારકા છોકરાને તારું થોડું જ થવાનું ? જોયુંને આ કુશ આટલો હિજરાય છે પણ એને પડી છે કોઇની ? સાવ ઢીઢ છે ઢીઢ.. ન જાણે કોનું….
પણ હમેશની જેમ ઇરા સામે નજર પડતા આગળનું વાકય પૂરું ન કર્યું.
લવની આંખો ભીની બની હોવાનો ઇરાને આભાસ થયો કે શું ?
ઇરાએ આંસુને ભીતર જ શમાવીને લવનો સામાન પેક કર્યો. લવ તો આજે આખો દિવસ રૂમની બહાર જ નહોતો નીકળ્યો. કુશ એકલો એકલો અણોહરો થઇને ફરતો રહ્યો. આજે લવ તેની સાથે બોલવા પણ તૈયાર નહોતો.
બીજે દિવસે સવારે નીકળવાનું હતું. નક્કી એવું થયું હતું કે અંકિત એકલો જઇને મૂકી આવશે. ઇરા સાથે આવશે તો ઢીલી પડી જશે.. એથી અંકિતે જ ઇરાને ના પાડી હતી. ઇરા પણ કબૂલ થઇ હતી. લવને પૂછતા તેણે કહ્યું હતું. કે મમ્મીને ધક્કો ખાવાની જરૂર નથી. ઉલટું તે સાથે ન જ આવે એવો આગ્રહ કર્યો હતો.
અને કદાચ એટલે જ ઇરાએ મન મક્કમ કર્યું હતું.
કુશને આજે સ્કૂલે નહોતું જવું પણ ઇરાએ તેને પરાણે ધકેલ્યો હતો. લવને જવા દેવો કુશ માટે સહેલું નહોતું એની ઇરાને જાણ હતી જ. સવારે લવનો સામાન મોટરમાં મૂકાયો. ઇરાને હતું હવે તો લવ તેને વળગીને રડશે જ.. પણ..
લવ તેને પગે લાગ્યો. અને ચૂપચાપ ગાડીમાં બેઠો. ન જાણે કેમ પણ ઇરા ગાડીમાં ચડી બેઠી.
અરે, ઇરા.. આ શું ?
અંકિત, સવારે જઇને સાંજે પાછું જ આવી જવાનું છે ને ? હું પણ આવું છું. પ્લીઝ..
અંકિતે ઇરાની હિંગળૉક આંખ સામે જોયું. અને કશું બોલ્યા સિવાય ગાડી સ્ટાર્ટ કરી.
આખે રસ્તે લવને બોલાવવા માટે ઇરા જાતજાતની વાતો કરતી રહી. પણ લવનું ધ્યાન તેની વાતોને બદલે બારીમાથી બહાર જોવામાં જ વધારે હતું. જરૂર પડયે એકાદ બે શબ્દમાં જવાબ આપી તે મૌન બની જતો. અંતે ઇરા ચૂપ બની ગઇ.
હોસ્ટેલમાં પહોંચી જરૂરી વિધી પતાવી .ઇરાને લવની રૂમમાં આંટો માર્યો. તેની સાથે રૂમમાં બીજા કયા છોકરાઓ છે.. શું સગવડ છે બધી તપાસ કરી લીધી. બધું બરાબર લાગતા રાહતનો શ્વાસ લીધો. લવને તો જાણે આ બધા સાથે કોઇ નિસ્બત જ નહોતી.
બેટા, ફાવશે ને ? ગમશે ને ? નહીંતર આપણે પાછા જઇએ હોં..
ના..અહીં તો મારા જેવડા કેટલા બધા છોકરાઓ છે મને મજા આવશે. ઇરા સામે જોયા વિના જ લવ બોલ્યો. અને પાછળ ફરીને બીજા છોકરાઓ સાથે વાત કરવા લાગ્યો.
ગુસ્સો, દુ:ખ, હતાશા, વેદના, એક કસક.. ન જાણે કઇ કઇ લાગણીઓથી ઉભરાતી ઇરા લવને બાય કરી બહાર નીકળી ગઇ. ઇરા ગાડીમાં બેસી ગઇ. ગાડી નજરથી ઓઝલ થઇ ત્યાં સુધી લવ ગાડીની દિશામાં જોઇ રહ્યો. અત્યાર સુધી મહામહેનતે રોકી રાખેલા આંસુ હવે ધોધમાર વહી રહ્યા.
તેને થયું પોતે કોઇ હોસ્ટેલમાં નહીં..અનાથાશ્રમમાં આવી ગયો છે. અને કદાચ એ જ પોતાનું સાચું સ્થાન હતું.
ઇરા ઘેર પહોંચી ત્યારે સાંજ પડવાની તૈયારી હતી. કુશ કંઇક પૂછવા ગયો ત્યારે માથું દુખે છે કહીને ઇરા ડૂસકા સમાવતી પોતાના રૂમમાં જઇ પલ્ંગ પર પડી રડી પડી. લવે આમ કેમ કર્યું ? પોતે કોઇ ભૂલ કરી હતી ?
ત્યાં માયા હાથમાં ચાનો કપ લઇને આવી.
બહેન, આદુવાળી ચા પી લો..જરા સારું લાગશે. ઇરાના આંસુ જોઇને તે બોલી ઉઠી.
બહેન, જે થયું તે સારું ન થયું.. લવને ખબર ન પડી હોત તો સારું થયું હોત..
એટલે ? ઇરા સફાળી બેઠી થઇ ગઇ.
શેની ખબર ન પડી હોત તો ?
હમણાં થોડા દિવસો પહેલા દાદીમા લવ ઉપર ગુસ્સે થયા હતા અને ત્યારે મને કહેતા હતા અનાથાશ્રમમાંથી ગમે તે છોકરાને ઉપાડી આવીએ એટલે કંઇ એ પોતાના થઇ જાય. પારકા તો પારકા જ રહેવાના.. આ લવ મોટો થઇને કેવો નીકળશે કોને ખબર ? ‘
બહેન લવ આ બધું સાંભળી ગયો હતો મને પૂછતો હતો કે ..
માયા આગળ બોલતી રહી. પણ ઇરાને કશું સંભળાતું નહોતું. .
સૂર્ય અસ્તાચળ તરફ જઇ રહ્યો. પંખીઓ કિલબિલાટ કરતા પોતપોતાના માળા તરફ પાછા ફરીને હાશકારો પામતા હતા. ઇરાના ગળામાંથી મોટેથી એક ધ્રૂસકું સરી પડયું.
આવું વાંચ્યા હોવા છતાં પણ આ વાર્તા તારને ઝણઝણાવી મુકે છે… જસ્ટ સુપર્બ!
LikeLike
Reblogged this on ગુજરાતી રસધારા and commented:
कौन हुं मै किसकी मुझे तलाश ।
~ નિલમદીદીની એક ભાવસભર વાર્તા વાંચશો.
LikeLike
સમાજ બદલાઈ રહ્યો ત્યારે જીવન નાં મૂલ્યો ની ઉપેક્ષા માત્ર પોતાની કૂપમંડૂક વિચારધારા ને કારણે થાય ને સમાજ પાછો હતો ત્યાં ને ત્યાં જ…..પ્રમાણમાં નવો કન્સેપટ જે હવે ના સમયમાંવિશેષ રૂપે પ્રચલિત થવા જઈ રહ્યો છે તેમાં કેવી તકલીફો સર્જાઈ શકે તેની નાજુકાઈથી વાત કરી છે.તમારી વાર્તા દીવા દાંડી સમાન છે.સમાજ એના અજવાસે આગળ જઈ શકે। ખૂબ ખૂબ અભિનંદન
LikeLike
write and read https://play.google.com/store/apps/details?id=com.quick.kajaloza
LikeLike
ખુબજ સરસ
LikeLike