એક વાર્તા…( published in mari saheli..dec.2016 )
તનુ ઉપર બેસીને વાંચતી હતી.ત્યાં અચાનક મમ્મીનો ઘાંટો સંભળાતા તે નીચે દોડી આવી.
મમ્મા કોઇ સાથે ફોનમાં વાત કરી રહી હતી.
‘ નો..નો વે, રાસ્કલ. તું શું એમ માને છે કે હું તારાથી ડરી જઇશ ? ‘
તનુના પગ અટકી ગયા. આ શું ?
મમ્માને આવી ગુસ્સે થતા કોઇ દિવસ જોઇ નથી. આજે શું થયું ?
વચ્ચે બોલવા જતી હતી ત્યાં કંઇક વિચારીને મમ્માનું ધ્યાન ન પડે એ રીતે ચૂપચાપ ઉભી રહી ગઇ. આમ પણ હમણાં બે ત્રણ દિવસથી મમ્મા અપસેટ દેખાતી હતી. મમ્માને પૂછતા એણે કશું નથી એમ કહી વાત ઉડાવી દીધી હતી. પણ એને પૂરી શંકા હતી કે કંઇક તો છે જે મમ્મા એનાથી છૂપાવે છે. પણ શું ? એ સમજાયું નહોતું. કદાચ એનું કારણ આજે જાણવા મળી જાય.
મમ્માની સામે કોણ હતું એ તો ખબર ન પડી.પણ હમેશની શાંત મમ્મા આજે પૂરા ચંડિકારૂપમાં હતી એ પાક્કુ.
નહીંતર મમ્માના મોઢે આવા શબ્દો ? ન ભૂતો ન ભવિષ્યતિ..
‘ સમજે છે શું તારા મનમાં ? તું મને બ્લેક મેઇલ કરે છે એમ ? આટલા વરસે ?’
‘ અરે, તારાથી થાય એ કરી લે.મારા પતિ કે મારી દીકરી જેને કહેવું હોય તે કહી દે. કાચી ઉંમરે થયેલી એ એક ભૂલ,નાદાની હતી..કોઇ પ્રેમ બેમ નહોતો..શું સમજયો ? અને બીજી વાર મને ફોન કરવાની હિંમત કરતો નહીં.
શટ અપ..ગેટ લોસ્ટ..હા..હા..થાય એ કરી લેજે.’
મમ્મા લાલઘૂમ બનીને ફોનમાં બરાડા પાડતી હતી.
મમ્માનું કદી નહીં જોયેલું આ સ્વરૂપ તનુ આશ્વર્યથી જોઇ રહી. આખરે વાત શું છે ? મમ્મા કોની સાથે આ રીતે વાત કરે છે ?
થોડી વારે માએ ફોન મૂકયો. પરસેવો લૂછતી, હાંફતી ત્યાં જ બેસી પડી.
કયાંય સુધી એકલી એકલી કશુંક બબડી રહી…
તનુને કશું સમજાયું નહીં .
તે ધીમે પગલે મમ્મા પાસે ગઇ.
‘ મમ્મા, એનીથીંગ રોંગ ? ‘
દીકરીને જોતા અનિતા હડબડી ઉઠી..
‘ ના..ના..કશું નથી.પણ તું તો ઉપર વાંચતી હતી ને ? નીચે કયારે આવી ? ‘
માને આડી વાત નાખતી જોઇ તનુની શંકા મજબૂત થઇ. કંઇક તો છે જે મા છૂપાવે છે.
‘ મમ્મા, વાત શું છે ? ‘
‘ અરે, ખાસ કંઇ નહીં..બેટા..જસ્ટ ફાલતુ.’
‘ મમ્મા, ન કહેવી હોય તો સીધી રીતે ના કહી દે. બાકી આમ વાત ઉડાવ નહી.’
‘ અરે, પણ એવી ખાસ કોઇ વાત જ નથી. બાય ધ વે, તારી એક્ઝામની તારીખ આવી ગઇ ?’
‘ મમ્મા, પ્લીઝ વાત બદલાવ નહીં. મેં બધું સાંભળ્યું છે. તું આ રીતે કોઇ સાથે વાત કરે એ માની શકાય એમ નથી અને છતાં તેં કરી છે મતલબ કોઇક તો એવી વાત છે જે તને આટલી હદે ઇરીટેટ કરે છે. કદી મોટેથી ન બોલનારી મારી મમ્મા ફોનમાં કોઇને ગાળો પણ આપી શકે ? ‘
‘ ઓહ્હ..અર્થાત તેં બધું સાંભળ્યું ? ‘
‘ સોરી મમ્મા, મારો એવો કોઇ ઇરાદો નહોતો..પણ તારો મોટો અવાજ સાંભળી હું ગભરાઇ ગઇ હતી એથી નીચે દોડી આવી.’
‘ ઓહ..મને ખ્યાલ ન રહ્યો.આવેશમાં અવાજ મોટો થઇ ગયો હશે. તને વાંચવામાં ડીસ્ટર્બ થયું હશે.
‘ મતલબ કે તારે વાત કરવી જ નથી. એમ ને ? હું સોળની થઇ ત્યારે તેં મને કહ્યું હતું કે બેટા, આજથી આપણે મિત્ર..પાક્કા દોસ્ત..દીકરી મારી દોસ્ત.,મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી સખી…આવું બધું કહેનાર તું જ હતી ને ? હવે જો ખરેખર મને મિત્ર માનતી હો તો છૂપાવવાનું શું છે ? કે પછી કહેવા પૂરતી જ મિત્ર ? ‘
‘ ના..બેટા, તું મારી મિત્ર જ છો.પરમ મિત્ર. ‘
‘ તો પછી મૈત્રીમાં કશું છૂપાવવાનું ન હોય.રાઇટ ?’
‘ રાઇટ..પણ બેટા, આ વાત તો બહું જૂની છે. હું તારા જેવડી હતી ત્યારની.. જેનો કોઇ અર્થ નથી.’
‘ અર્થ હોય કે ન હોય બટ આઇ વોંટ ટુ નો.’
‘ બેટા..પ્લીઝ..છોડ ને..ઇટ હેઝ નો મીનીંગ એટ ઓલ.’
‘જે વાત માટે તારે આ રીતે કોઇ સાથે બોલવું પડે તે વાત સાવ નાખી દેવા જેવી તો ન જ હોય ને ? ‘
‘ બેટા, એક મા પોતાની નાદાનીની, ભૂલની વાત કયા મોઢે કહે ?’
‘ મમ્મા, એમાં શું છે ? હું કંઇ પારકી થોડી છું ? કહી દઇશ તો એટલીસ્ટ મનનો ભાર, આક્રોશ ઓછો તો ચોક્કસ થશે. ‘
‘ ઓહો..ઇટસ ઓકે..તારી જિદ તું નહીં જ છોડે..પણ બેટા,એ વાત સાંભળીને તારે ભૂલી જવાની.એથી આગળ કોઇ પ્રશ્નો નહીં પૂછવાના.. એ શરત કબૂલ હોય તો જ.’
‘ સ્યોર મમ્મા, આઇ પ્રોમીસ.’
અનિતા બે ચાર પળ દીકરીની આંખોમાં જોઇ રહી.
‘ બેટા, તને મેં એ વાત તો ઘણી વાર કહી છે કે તારા નાના, નાની કેવા ને કેટલા સ્ટ્રીક હતા. મને કઇ શરતોએ કોલેજમાં જવા મળ્યું હતું.’
‘ હા, મમ્મા,,યુ આર ગ્રેટ..આવી કડક શરતો તેં પાળી બતાવી.’
અનિતાએ ધીમેથી કહ્યું
‘ ના, બેટા, હું નહોતી પાળી શકી.’
‘ મતલબ ? ‘
અને ધીમેથી અનિતાએ નીરવ સાથેના પોતાના અફેરની, એ પછી એની બેવફાઇની અને આજના ફોનની ધમકીની બધી વાત કરી.
‘ ઓહ્હ..મમ્મા..યુ એન્ડ અફેર ? આઇ જસ્ટ કાન્ટ બીલીવ..મારી સીધી સાદી મમ્મા, નાના નાનીને ઉલ્લુ બનાવી શકે ને આ રીતે કોઇને મળી શકે એ ખ્યાલ જ..
આઇ જસ્ટ કામ્ટ ઇમેજીન..’
‘ બેટા, જેની કલ્પના પણ ન થઇ શકે એવું જીવનમાં અનેક વાર બનતું હોય છે. જીવન પ્રવાહ કદી સાવ સીધી લીટીમાં નથી વહેતો. એ ઉંમરે મનના ઉધામા યે કયાં ઓછા હોય છે ? યૌવનને પગથિતે પગ મૂકતા કોઇ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ન થાય તો જ નવાઇ. અને ત્યારે તો એ સમજવા પણ કયાં સહેલા હોય છે ? ‘
‘ મમ્મા, પાપાને આ વાતની ખબર છે ? ‘
‘ ના બેટા.’
‘ તેં કેમ વાત ન કરી ? ‘
‘ બેટા, એ મારા અતીતની વાત હતી જેની સાથે તારા પપ્પાને કોઇ નિસ્બત નહોતી. અને એ કંઈ એવી મોટી ભૂલ નહોતી. એ ઉંમરનો તકાજો હતો. કોલેજની એ ઉંમર જ એવી હોય છે કે શારીરિક આવેગોને કારણે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ જન્મવાનું જ. ખાળી ન શકાય એવું આકર્ષણ. વિજાતીય સ્પર્શનો મીઠો તલસાટ શરીરના અંગ અંગમાં છલકાય. જેને પ્રેમનું નામ આપી દેવાય. હકીકતે બેટા, એમાં પ્રેમ હોતો જ નથી. વિજાતીય સ્પર્શની ઝંખના શરીરના અણુએ અણુમાં સ્પંદનો જગાવે છે.ત્યારે સારું , નરસું વિચારવાની ઇચ્છા કે તાકાત નથી હોતા.
તનુ કંઇક વિચારમાં પડી ગઇ.
‘ પણ મમ્મા, તેં પપ્પાને કેમ વાત ન કરી ? ‘
‘ બેટા, પુરૂષ કદી એવી વાત સહન નથી કરી શકતો. કયારેક તાત્કાલિક સાંભળી લે..સ્વીકારી લે..પણ એના મનમાં કયારે એ વાતનો કેવો પડઘો પડે.કેવા વમળો ઉભા થાય એ કોઇ કહી ન શકે. અતીતની વાત દાટી જ દેવાની હોય. ગડે મુર્દે કભી ઉખાડને નહી ચાહિએ..કયારેક કોઇ નાની, મોટી વાતમાં મતભેદ થાય તો બની શકે આવી કોઇ વાત વચ્ચે આડી આવે. હા, લગ્ન પછી સંપૂર્ણપણે વફાદાર રહેવાનું. બાકી અતીત આખરે અતીત છે. સ્ત્રી કે પુરુષ બંનેનો એક અતીત હોવાનો જ. જેને ભૂલીને જ જિંદગીમાં આગળ વધવાનું હોય.
બાકી એ ઉંમરમાં શરીરમાં હોરમોન્સ બદલાતા હોય ત્યારે પ્રબળ શારીરિક આવેગો ન ઉઠે તો જ નવાઇ.. કોઇ પણ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ન જાગે તો હું તો એને એબનોર્મલ જ કહું. પણ હા, એને પ્રેમ માની લેવાની ભૂલ કદી કરવા જેવી નથી. બધા ત્યાં જ ભૂલ કરે છે. અને તેથી જ પાછળથી પસ્તાવાનો વારો આવે છે. માણસને પારખવાની શક્તિ એ ઉંમરમાં કયાં હોવાની ? ઘરમાં બધા વિરોધ કરશે એવા કોઇ વિચારથી ઘરમાં કોઇને જાણ પણ નથી કરતા. સોરી બેટા..ફોર લેકચર..આ તો તેં જિદ કરી એટલે..
‘ ઓકે..તું હવે ઉપર જઇને તારું વાંચ. મારી કોઇ ચિંતા ન કરતી.આઇ એમ ફાઇન..એન્ડ આઇ કેન હેન્ડલ એની સીચ્યુએશન.’
તનુ કંઇક ઉંડા વિચારમાં ડૂબી ગઇ.
‘ અરે, બેટા, આમ સીરીયસ થવાની જરૂર નથી. મેં પણ એ વાત મનમાંથી ખંખેરી નાખી છે.તું પણ ભૂલી જા..આજે એક માએ પોતાની સાવ અંગત વાત, પોતાની જાંઘ દીકરી સમક્ષ ઉઘાડી કરી છે. એક વિશ્વાસ સાથે. પણ બેટા, ટેઇક ઇટ ઇઝી.આ તો આપણી બે સખીઓ વચ્ચેની વાત છે. પપ્પા પણ એમાં સામેલ ન હોય..રાઇટ ?
તનુ ધીમેથી ઉભી થઇ.
‘ રાઇટ મમ્મા, યુ ટેઇક કેર.’
કહેતી તનુ સડસડાટ ઉપર ચડી ગઇ.
અનિતાએ રાહતનો શ્વાસ લીધો.
લોઢું ગરમ થયું હતું.દીકરીની તરલ બનેલી આંખોએ અનિતાને ઘણું કદી દીધું હતું. સાવ જોડી કાઢેલી,આવડી મોટી અને સાવ ખોટી વાતની અસર દીકરી પર થઇ ચૂકી હતી એ સમજતા એક માને વાર નહોતી લાગી.
બાકી ત્યારે તો એ કેવી છળી ઊઠી હતી.
એ દિવસે તનુના કપડાનો કબાટ સાફ કરતા પોતાના હાથમાં જાણે સાપ આવી ગયો હોય એમ તે છળી ઉઠી હતી. આ શું જુએ છે પોતે ? કાંપતા હ્રદયે એ એક પછી એક મેસેજ એ વાંચતી ગઇ અને ધ્રૂજતા હાથે ફોટાઓ ફેરવતી રહી.
“ તનુ.” ગળામાંથી ચીસ નીકળી પડી.
ગુસ્સાના આવેશમાં એ પણ ભૂલાઇ ગયું કે પુત્રી તો કોલેજની પિકનીકમાં ગઇ છે. કાલે આવવાની છે. શું કરવું તે સમજાયું નહીં. આજે ઘરમાં સાવ એકલી હતી. કબીર પણ ઓફિસના કામે બહારગામ ગયો હતો. સાવ નવરી ધૂપ જેવી બેસીને કંટાળતી હતી. એથી થયું ચાલ, તનુનો કબાટ સાફ કરીને ગોઠવી નાખું. આમ પણ લાડકી દીકરીનું બધૂં અસ્તવ્યસ્ત જ રહેતું. કબાટ ગોઠવવાનું એને કેટલા દિવસથી કહ્યું છે..પણ એમ જલદી સાંભળે તો એ તનુ શાની ?
પોતે જ એને વધારે પડતા લાડ કરીને મોઢે ચડાવી છે.કબીરના શબ્દમાં બગાડી છે. કબીર ઘણી વાર ફરિયાદ કરતો,
અનિતા, દીકરીને આટલી બધી છૂટ ન આપ. કયારેક પસ્તાવાનો વારો આવે.
‘ કબીર, કયા જમાનાની વાત કરે છે ? છોકરીઓ ઉપર બંધન મૂકવાના જમાના ગયા. સમય કેટલો બદલાઇ ચૂકયો છે.’
‘ બંધન મૂકવાની વાત નથી. સમય ચોક્કસપણે બદલાયો છે પણ હજુ આપણૉ સમાજ એ બદલાવને લાયક કયાં બન્યો છે ? હજુ પણ સમાજની માનસિકતા તો એ જ રહી છે એ ભૂલી ન જતી.’
‘ હા..હા..કશું ભૂલી નથી. તું આટલી બધી ચિંતા ન કર.. આઇ વીલ ટેઇક કેર.’
‘ અનુ, દીકરી મને પણ ઓછી વહાલી નથી.પણ કદીક ચિંતા થાય છે. તનુ હવે નાની નથી રહી. આ તો તારું ધ્યાન દોરું છું. ‘
‘મને ખબર છે કબીર, એક જ તો દીકરી છે. એને લાડ નહીં કરીએ તો કોને કરશું ? આમ પણ હવે આપણે ઘેર એ કેટલો સમય ? ‘
‘ તારી બધી વાત સાચી..અને છતાં યુવાન દીકરીના માબાપે થોડું કેરફુલ તો રહેવું જ પડે. બદલાયેલા સમયમાં બધું સારું જ થયું છે એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. છાપાઓ અને ટીવીમાં આવતા સમાચારોથી કે આપણી આસપાસના સમાજના બનાવોથી આપણે અજાણ નથી જ. આપણે ઉંઘતા નથી ઝડપાવું..બસ..એટલું જ. ‘
‘ કબીર, તારી ચિંતા વ્યાજબી છે. હું ધ્યાન રાખું છું અને હવે વધારે રાખીશ..ઓકે ? બાકી આ ઉંમરમાં દીકરી પ્રત્યે વધારે કડક થવાથી શું પરિણામ આવી શકે એનાથી પણ આપણે અજાણ નથી જ. મીનાકાકીની દીકરીએ કેવા નજીવા કારણસર પોતાની જિંદગી ટૂંકાવી નાખી હતી એ યાદ છે ને ? ‘
આવી ચર્ચા પતિ પત્ની વચ્ચે કંઇ પહેલી વારની નહોતી.
દીકરીનો મોબાઇલ લઇને ઉભેલી અનિતાના મનમાં પતિ સાથેની વાતચીત ઉભરી આવી.
શું પોતે દીકરી પર વધારે પડતો વિશ્વાસ મૂકીને ભૂલ કરી હતી ?
હવે દિવસે દિવસે સમય વધારે કપરો, વધારે મુકત, કદાચ સ્વચ્છંદ કહી શકાય એવો આવ્યો હતો. વોટસ અપ, ફેસબુક..ટવીટર વગેરેએ કેટકેટલા નવા દરવાજા યુવા પેઢીને ખોલી આપ્યા છે. તનુ મુકત રીતે મનની વાત કરી શકે એવું વાતાવરણ આપવામાં શું પોતે નિષ્ફળ ગઇ ?
અનિતાના મનમાં વિચારોનું ધમસાણ મચી રહ્યું. દીકરીના જૂના મોબાઇલના ફોટા, મેસેજ વગેરેએ તેને જે માહિતી આપી હતી એ ચોંકાવનારી હતી. હજુ ચાર દિવસ પહેલાં જ તનુશ્રીના જન્મદિવસે પોતે એને નવા ફોનની ગીફટ આપી હતી. આ જૂના ફોનમાંથી કદાચ આ બધું ડીલીટ કરવાનો સમય તેને નહોતો મળ્યો. ફોન તો કયાંય અંદર કપડાંની વચ્ચે છૂપાવીને રાખ્યો હતો. સામાન્ય રીતે પોતે કદી દીકરીનો કબાટ ચેક નહોતી કરતી..આજે પણ એવો કોઇ ઇરાદો નહોતો જ. ફકત નવરાશને લીધે દીકરીના કપડાં સરખા ગોઠવવા જ બેઠી હતી. એમાં આ બધું હાથ આવતા અનિતા ચોંકી ઉઠી.
દીકરી કોઇ મુસ્લીમ છોકરા આરિફ સાથે પ્રેમ કરી બેઠી હતી એવું મેસેજ સ્પષ્ટ રીતે કહેતું હતું.
કબીરને આ વાતની જાણ થશે તો તનુની સાથે પોતાને પણ કેટલું સાંભળવું પડશે.સારું છે કબીર દસ દિવસ માટે બહારગામ છે. એ દરમ્યાન કશુંક કરવું રહ્યું. પણ શું ? કેવી રીતે ? તનુને પૂછવાથી સાચો જવાબ થોડો જ મળવાનો ? આરિફ મુસ્લીમ છે એથી એ પોતાની કોઇ પણ પૂછપરછનો સાચો જવાબ નહીં જ આપે. શીખામણ કે કોઇ પાબંદીનું પરિણામ સારું નહીં જ આવે એની પણ ખાત્રી હતી. બલ્કે વધારે આડું અવળું, ઉંધુ પરિણામ આવી શકે.. તો હવે ?સાપ મરે અને લાઠી પણ ન ભાંગે એવો કોઇ ઉપાય જ શોધવો રહ્યો.
અને એથી જ તો આ આખું નાટક..
તેજસ્વી પુત્રીને કોઇ સલાહ, શીખામણ આપવાને બદલે ખોટી, સાવ ખોટી એક વાર્તા ઉભી કરવી પડી હતી. બળથી નહીં આ નવી પેઢી સામે કળથી જ તો કામ લેવું રહ્યું ને ?
એક શ્રધ્ધાથી અનિતાએ, એક માએ બે હાથ જોડી મનમાં જ પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરી લીધા.
નીલમ દોશી,
બીરલા કોલોની,
બંગલા નં. 2, બી ગેઇટ
પોરબંદર 360576
94277 97524
વાર્તા સરસ છે પણ તેનો અંત સરસ અાવે તે જોશો.
LikeLike
ખરેખર.. આ નવી પેઢીને સીધી રીતે અપાતી સલાહ, શીખામણ હજમ થાતી નથી. આ વાર્તામાં ગોઠવેલી એ ખોટી વાર્તા નાટકીય રીતે ભજવાવામાં આવી છે. વાર્તા સરસ રીતે રજુ કરી છે.
LikeLike
અફલાતુન નિલમદી… સુપર્બ સ્ટોરી… એક શોર્ટ મુવી બની શકે એવી ધારદાર રચના!
LikeLike