ચાર ચિંતા..

ચાર ચિંતા….

શગુન અને આંચલની ચિંતાનો પાર નહીં.  જોકે  બંને કરોડપતિની વહુઓ હતી. બંને બહેનપણીઓ હમેશા શોપીંગમાં, કીટી પાર્ટીઓમાં, કલબોમાં નવી ફેશનમાં વ્યસ્ત રહેતી. તેમના બાળકો શિક્ષકો અને ડ્રાઇવરની છત્રછાયામાં મોટા થતા. કેમકે એટલો બધો સમય  બાળકો પાછળ બગાડવા માટે તેમની પાસે કયાંથી હોય ?

આ બંને બહેનપણીઓ હમેશા ચિંતામાં રહેતી.બંનેને કેટલા ટેન્સન હોય. કેટલી ચિંતાઓ હોય. જેમકે…

કઇ જગ્યાએ શું નવું આવ્યું છે..એ જાણવાની ચિંતા.  અને એ પછી પોતાની પહેલા બીજુ કોઇ ત્યાં પહોંચી ન જાય  એની ચિંતા ! પોતાનો ડ્રેસ ડિઝાઇનર કે જવેલરી ડિઝાઇનર બીજા કોઇ માટે ખાનગીમાં કામ નથી કરતો ને ? તેની પણ ચિંતા સ્વાભાવિક રીતે રહે જ ને ?

 

અને જમવામાં યે ઓછી ચિંતા હતી ? કયાંક કેલેરી વધી જાય ને ફીગર બગડી જાય તો ? તેમની કેટલીયે પ્રિય વાનગીઓ તેમને લલચાવતી રહેતી  પણ એ ખવાઇ ન જાય તેની કેટલી ચિંતા.

પાર્ટીમાં કોઇ પોતાનાથી વધું સુંદર તૈયાર થઇને નથી આવ્યું ને ? એની ચિંતા કંઇ ઓછી થોડી હતી ?

અને પોતે આપેલ પાર્ટીની રોનક કંઇક ઓર જ હોવી જોઇએ. અને એમાં કોણ કોણ આવ્યું છે. એ બધી ચિંતાઓ કમ નહોતી.

 હમેશાં પોતે જ ચર્ચામાં રહેવી જોઇએ અને બીજા પોતાનાથી કેમ નીચા દેખાય..અને તે માટે શું કરવું જોઇએ. એની યુક્તિઓ શોધવી, એ પ્રમાણે આયોજન કરવું. આ બધી જેવી તેવી ચિંતાઓ હતી ? એ તો આ બંને હિંમતવાન હતી એટલે પહોંચી વળતી !

 તો આ છે શગુન અને આંચલની ચિંતાનો થોડો ખ્યાલ. આ તો ફકત એક ઝાંખી છે. બાકી તેમની નાની મોટી ચિંતાઓનો તો પાર નથી.  બિચારી ! ખેર !

 દુનિયામાં કોને ચિંતા નથી ?

તો હવે મળીએ…અમિતા અને નમિતાને

 બંને ઉચ્ચ મધ્યમવર્ગની ગૃહિણીઓ. તેમને યે કંઇ ઓછી ચિંતા છે ?

પોતાના બાળકો હમેશાં આગળ, પ્રથમ જ રહેવા જોઇએ. સતત જીતતા જ રહેવા જોઇએ..એને દરેક પ્રવૃતિ આવડવી જોઇએ. અને  એટલે એક કલાસમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા…એમ  સતત હાંફતા હાંફતા બાળકને લેવા..મૂકવાની ચિંતા ! ડાન્સીંગ, સીન્ગીંગ,  ડ્રોઇંગ..કરાટે…તો વળી કયારેક સમર કેમ્પમાં કયારેક ટ્રેકીંગમાં  મોકલવાની ચિંતા !  પોતાના બાળકને સારામાં સારી અર્થાત્  સૌથી મોંઘી સ્કૂલમાં એડમીશન લેવાની ચિંતા ! કયાંય ખરાબ ન દેખાવું જોઇએ કે પોતે કોઇથી ઉતરતા ન દેખાવુ જોઇએ. આ બધી ઓછી ચિંતા છે  ?

 આ ઉપરાંત વીક એન્ડમાં..રવિવારે કઇ હોટેલમાં જમવા જવું, કયા થિયેટરમાં  પિકચર જોવા જવું, કયા મોલમાં શોપીંગ કે વીન્ડો શોપીંગ કરવા જવું. સતત હરિફાઇમાં રહેવું  અને બાળકોને યે રાખવા.  ઓહ! કેટકેટલી ચિંતા !


તેમને મારુતિથી ચલાવી લેવું પડતું હોય. મોટી ગાડી લેવાના તેમના સ્વપ્નો કેમ જલ્દી પૂરા થાય . તેની સતત ચિંતા.  મધ્યમ વર્ગને તે નીચા સમજતા હોય એટલે એટલે હાઇ સોસાયટીના કલ્ચરમાં  સતત  ટકી રહેવાની ચિંતા તેમને સ્વાભાવિક રીતે જ રહેતી. તેમની પાર્ટીઓમાં આમંત્રણ મેળવવાની ચિંતા ઓછી થોડી કહેવાય  ?

બિચારી અમિતા અને નમિતા  !

અને હવે વાત સંગીતા અને કોમલાની ચિંતાની. બંને સામાન્ય મધ્યમ વર્ગની ગૃહિણીઓ…!

પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકવાની તેમને ચિંતા રહેતી. સસ્તી છતાં સારી સ્કૂલની તેમને સતત શોધ રહેતી.  બાળકોને શકય તેટલું ઘેર ભણાવીને અને બીજા  એકાદ ટયુશનની વ્યવસ્થા કરવાની તેમને સતત ચિંતા રહેતી.  અને સાથે સાથે સાઇડમાં પોતે પણ  કંઇક આર્થિક ઉપાર્જન કરીને બે છેડા સારી રીતે ભેગા થઇ શકે તેની સતત ચિંતા.  નાની મોટી આવકનું સાધન  સતત શોધતા રહેવા માટે તેમને દોડતું રહેવું પડતું !  સમાજમાં રહી યોગ્ય વહેવાર સાચવવા..કયારેક સેલમાંથી સારી સાડી લેવી કે બાળકોને પ્રવાસે જવા દેવાની સગવડ કરવી. આ બધી ચિંતામાં તેઓ સતત ગૂંચવાયેલ રહેતી.

બિચારી સંગીતા અને કોમલા !

અને હવે વાત સવિતા અને મંજુલાની.   

 જોકે તેમને ખાસ કોઇ ચિંતા નહોતી ! તેમને નહોતી ચિંતા તેમના બાળકોને કઇ સ્કૂલમાં ભણવા મૂકવા તેની, ન’તી ચિંતા પાર્ટીઓમાં જવાની.  ન’તી કોઇ ફેશનની ચિંતા. કયાં કયું સેલ ચાલે છે તેવી તેને કોઇ ચિંતા કયાં હતી ? નહોતી કંઇ વસાવવાની ચિંતા

ના, ના, ભગવાન કોઇને પણ  સાવ ચિંતામુકત થોડો રાખે છે ?

પણ…આ સવિતા અને મંજુલાની ચિંતા તો ઠીક જાણે સમજયા…!  નાની નાની ચિંતા  !

જેમકે..આજે સાંજે પેટભરીને જમવા મળશે કે નહીં  ? આજે ચૂલો સળગાવવા લાકડા લેવા કઇ જગ્યાએ જઇએ તો વધુ લાકડા મળે કે પછી શિયાળામાં ઠંડીથી ધ્રૂજતા નાના બાળકોને કેમ બચાવવા એવી નાની નાની  ચિંતાઓ જ હતી. ! બાકી ખાસ કોઇ મોટી ચિંતા તેમને નહોતી !

અને…તેમની આવી સાવ નાની નાની   ચિંતાઓની આપણે થોડી  ચિંતા  કરવાની હોય  ?

One thought on “ચાર ચિંતા..

  1. प्रिय लेखिकाजी,
    मैं नेपाल से । मैं आपकी कथाएँ पढना चाहता हूँ । क्या कोई रचना हिन्दी व अंगरेजी मे अनूदित रचना इन्टरनेट में उपलब्ध है ?
    वधन्यवाद ।
    दिनेश पौडेल, ५२, शिक्षक, कृति सम्पादक तथा अनुवादक

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s