આવજે પ્રિયા..

  ત્રણ  વરસની કમુએ બગીચામાંથી એક ફૂલ તોડયું. ત્યાં તો વાંસામાં માનો ધબ્બો પડયો.

 કેટલીવાર ના પાડી છે કે ફૂલ નહીં તોડવાના…કોઇને ખબર પડશે તો..?’

 નાનકડી કમુએ બે હાથમાં ગુલાબના મોટા બે ફૂલ લઇ દોડતી તેના જેવડી જ પ્રિયાને દૂરથી બતાવી. તેની નિર્દોષ આંખમાં પ્રશ્ન હતો કે તે તોડે છે તો હું કેમ નહીં.? રમા એ પ્રશ્નને સમજતી હતી. પણ  કમુને કેમ સમજાવવી ?

 પ્રિયા માલિકની એકની એક પુત્રી હતી. અને કમુ નોકરની પુત્રી. આ તફાવત પાંચ વરસની કમુના મગજમાં કેમ ઉતારવો ? અને અણસમજુ કમુ એક કે બીજા કારણસર માના હાથનો માર ખાતી રહેતી. રમા આ અબુધ દીકરીને કેમ સમજવે કે આપણે તો ફૂલને ઉછેરવાના હોય તેને પાણી પીવડાવી તેનું જતન કરવાનું કામ આપણું. તેને તોડવાનો..વાપરવાનો હક્ક તો શેઠ લોકોનો..

જીવનનું આ સત્ય આ બાળકીને કેમ સમજાવવું ?

 બંગલાના એક ખૂણામાં  સુન્દરમની પેલી માકોર ડોશીની જેમ એક ખોલી રહેવા મળી છે તે પણ કયાંક છિનવાઇ જાય તો ? તો ઉપર આભ અને નીચે ધરતી…આવડી નાની છોકરીને લઇને એક નિરાધાર વિધવા કયાં જાય ? તેથી આખો દિવસ શેઠના બંગલામાં કામ કરતી રમાનું ધ્યાન કમુ બંગલામાં કશું અડતી નથી ને ? એમાં સતત રહેતું. આમ તો તે કમુને બહાર ઓસરીમાં જ બેસાડી રાખતી.પરંતુ કયારેક કમુ  માનું ધ્યાન ચૂકવી બંગલામાં અંદર દોડી જતી.અને પોતાના જેવડી જ પ્રિયા જે કરતી..તે જોઇ રહેતી.  પ્રિયા કરતી તે બધું કરવાનું તેને બહુ મન થતું. પણ મા કંઇ કરવા દેતી નહીં. તેથી કયારેક રડતી.ખીજાતી અને બેબસ મા મારી બેસતી.

 કયારેક મા રાત્રે તેને વાર્તા કરતી. વાર્તામાં આવતી પરી તેને આ પ્રિયા જ લાગતી.કેવી સરસ દેખાય છે..રોજ નવા નવા ફ્રોક,મેચીંગ બૂટ મોજા…અને સરસ મજાની તૈયાર થતી પ્રિયાને તે પરી જ માનતી.  કયારેક તો તેને તે પરીને….પ્રિયાને અડકી જોવાનું મન થઇ આવતું.  પણ…

પ્રિયાને પણ  શરૂઆતમાં તો કમુ સાથે રમવું બહું  ગમતું. પરંતુ એકવાર તે રમતી હતી ત્યારે તેની મમ્મી જોઇ ગઇ હતી અને તેને ખેંચીને દૂર લઇ ગઇ હતી.. કમુને ખીજાઇને કાઢી મૂકી હતી. અને નાનકડી પ્રિયાને સમજાવેલ કે એ ગન્દા છોકરા કહેવાય તેની સાથે આપણાથી રમાય નહીં.

‘ પણ તો હું કોની સાથે રમું ? ‘ પ્રિયાના  પ્રશ્નના જવાબમાં મમ્મીએ તેના જેવડી જ સુંદર મજાની ઢીંગલી ..બાર્બી ડોલ તેના હાથમાં મૂકી હતી.

‘ પણ આ તો બોલતી નથી..દોડતી નથી..’ ત્યારે તેને બોલતી ઢીંગલી આપવામાં આવી..પણ બે દિવસમાં પ્રિયા તેનાથી પણ કંટાળી ગઇ. આ તો રોજ એ જ  બે ચાર વાકયો બોલે. તેને મજા ન આવી.

પરંતુ તેના બાળમાનસમાં એ વાત સમજાઇ ગઇ કે આ બધી વસ્તુઓ પોતાની છે.   કમુથી તે અડાય નહીં.  કમુને તો ગમે ત્યારે ખીજાઇ શકાય.  મમ્મી આખો દિવસ એ જ કામ કરે છે ને ?  હવે અણસમજુ પ્રિયા અનાયાસે તેમાં ભળી…

હવે પ્રિયાનું  ધ્યાન આખો દિવસ  કમુની પાછળ  રહેતું. જાણીજોઇને તે કમુને લલચાવતી રહેતી. અને પછી કમુ જેવી અડકે તરત તેને ધમકાવે..આ મારું છે..

 કમુ ડરીને તુરત આપી દે..અને પ્રિયાને મજા પડી જાય. તેને મન તો આ એક રમત જ થઇ હતી. પોતે તેને ખીજાઇ શકે..કોઇ તેનાથી ડરે છે એ વાત તેને ગમી ગઇ.

આજે પ્રિયાના હાથમાં તેની બાર્બી હતી. આમ તો હવે તે બાર્બીથી કંટાળી હતી. પરંતુ કમુને બાર્બી ખૂબ ગમે છે તેની તેને ખબર હતી. કમુ બગીચાના ઓટલા પર બેઠી હતી. તેના ઘરમાં સફાઇનું કામ કરતી હતી. ત્યાં પ્રિયા આવી.

‘કમુ, તારે બાર્બી જોઇએ છે ? રમવું છે ? ‘

લલચાઇ આંખોથી બાર્બીને જોઇ રહેલ કમુએ માથુ હલાવ્યું.

બાર્બીને એક વાર અડકવાનું તો તેનું સપનુ હતું. પ્રિયાએ બાર્બી તેના તરફ લંબાવી. કમુને થોડો ડર તો લાગ્યો. મા જોઇ જશે ને મારશે તો ? પણ આવી મહાન તક મળી છે..કેમ ગુમાવાય ? અને આજે તો પ્રિયા સામેથી આપે છે. ‘

તેણે પોતાનો હાથ લંબાવી બાર્બી લીધી.

ત્યાં પ્રિયાએ રડવાનું ચાલુ કર્યું. કમુ ગભરાઇ ગઇ. પ્રિયાનો અવાજ સાંભળી એક તરફથી તેની મમ્મી અંદરથી દોડી આવી.તો બીજી તરફથી કમુની મા દોડી આવી.

’બેટા, શું થયું તને ?

 કમુએ મારી  બાર્બી  લઇ લીધી. કમુના હાથમાં રહેલી બાર્બી બતાવતા પ્રિયાએ કહ્યું.

અને..પછી તો…

કમુને જે માર પડયો છે. તેની માને વોર્નીંગ મળી. તારી છોકરીને પ્રિયાથી દૂર રાખજે. પ્રિયા પણ આવા ચોરીના સંસ્કાર શીખશે…’

કમુ ગમે તેટલું કહે કે બાર્બી પ્રિયાએ પોતે રમવા આપી હતી..પરંતુ તેનું કોણ સાંભળે ?  કે કોણ તેની વાત માને ? પ્રિયા માર ખાતી કમુ સામે જોઇ હસતી હતી. આ રમતમાં તેને તો મજા આવતી હતી. પોતાની પાસે સત્તા છે. કમુ ઉપર પોતાનું જ રાજ્ય ચાલે છે. તેના બાળમાનસમાં આ વાત સ્પર્શી ગઇ હતી.

દિવસે દિવસે પ્રિયા આવી કંઇક હરકત કર્યા કરતી. કમુ માર ખાતી રહેતી. અને મોટી થતી રહેતી.

 ધીમેધીમે કમુને સમજાઇ જતાં વાર ન લાગી. ગરીબની છોકરીને જીવનના સત્યો આમ પણ જલદી સમજાઇ જતાં હોય છે. હવે પ્રિયા બોલાવે તો પણ તે જતી નહીં. તે જે કરે છે તે પોતાને કરાય નહીં..પ્રિયાની વસ્તુને અડાય નહીં. તેનો  પલંગ સાફ કરાય..પણ  તેના પર બેસાય નહીં. નહીંતર માર પડે. આ સમજણે તે સતર્ક બની ગઇ.

 જરા મોટી થતાં તેને શેઠાણીના ઘરમાં નાનું મોટું કામ કરવાનું આવ્યું.  હવે તે મ્યુનીસીપલ સ્કૂલમાં ભણતી  હતી. પ્રિયાના સુંદર યુનીફોર્મ,બૂટ મોજા કે દફતરની શરૂઆતમાં તેને ઇર્ષ્યા થતી.પણ પછી તે ટેવાતી ગઇ. સ્વીકાર કરતી થઇ.

પ્રિયાનો સાદ પડતો રહેતો.

’  કમુ, મારા બૂટને પોલીશ બરાબર નથી થયું. ફરીથી કરી આવ.

અને બૂટનો ઘા થતો.

દસ વરસની કમુ ચૂપચાપ પોલીશ કરવા બેસી જતી.

કમુ, મારી ચોપડી નથી મળતી.

કમુ કલાકો સુધી ચોપડી શોધ્યા કરતી. પ્રિયા પોતે સંતાડેલ ચોપડી જાતે શોધી આવતી.

’મમ્મી, કમુથી મારું એક કામ પણ નથી થતું. મારી એક ચોપડી પણ નથી શોધાતી.અંતે મહેનત કરીને મેં જ શોધી ત્યારે થયું.

પરિણામ… કમુને અને તેની માને બંનેને ઠપકો …

કમુની આંખો કયારેક ભીંજાતી. પોતાને લીધે માને સાંભળવું પડે છે. માની મજબૂરી હવે તે સમજી શકતી. માને પણ હવે પ્રિયાની હરકતોની ખબર પડી ચૂકી હતી.પણ કોઇ ઉપાય નહોતો. શેઠાણીની લાદકી દીકરીને ખોટી પાડવી..તેનો અર્થ પોતાની નોકરી જોખમમાં મૂકવી. ખાસ તો રહેવાનો આશરો મલ્યો હતો તે જાય એ કેમે ય પોસાય તેમ નહોતું.તેથી મનમાં જ સમસમીને રહી જતી. કમુ માને ખૂબ વહાલ કરતી. અનુભવોએ તેને ઘડી હતી. બહુ નાની ઉમરમાં તે મેચ્યોર થઇ ગઇ હતી.

સ્કૂલેથી આવીને તે માને કામ કરાવતી.કમુ પોતા કરતી હોય ત્યારે પ્રિયા જાણી જોઇને પગલાં કરતી રહેતી, બધું વેરવિખેર કર્યા કરે..કમુને હેરાન કરવામાં તેને આનંદ આવતો.  હવે કમુ કોઇ ફરિયાદ ન કરતી, તેને પ્રિયાની દયા આવતી. કમુ કરતા પોતે ચડિયાતી છે તે દેખાવા તે સતત મથતી રહેતી. કમુને પ્રિયાના કામ કરવા માટે જ રાખી લેવામાં આવી હતી. અને પ્રિયાના કામનો કોઇ અંત નહોતો.

મારી ચાદર બરાબર પથરાઇ નથી. કે કમુ ચાદર પાથરી લે એટલે..

ના, આ ચાદર મને નથી ગમતી. બીજી પાથરી દે…અને બીજી ચાદરનો કમુ ઉપર ઘા થતો. કમુ ચૂપચાપ ચાદર પાથરતી. તેના મૌનથી પ્રિયાને વધારે ગુસ્સો આવતો. અને તેને વધારે કેમ હેરાન કરાય તેની યુક્તિઓની ખોટ તેને કયારેય ન પડતી.

એમાં યે મોટી થતાં કમુનું રૂપ ખીલી ઉઠયું હતું. તે લાંબી, પાતળી, મોટી પાણીદાર આંખો, લાંબા વાળ, અને હસતો ચહેરો…કમુના આ રૂપે પ્રિયાને વધારે અસહિશ્ણુ બનાવી. પ્રિયાનું શરીર ખૂબ વધી ગયું હતું. ઉંચાઇ આમ પણ તેની ઓછી હતી. તેમાં શરીર વધવાથી તે બેડોળ લાગતી હતી. તેનું માનસ હજુ પણ કમુને હેરાન કરવામાં જ રચ્યુપચ્યું રહેતું. દસમા ધોરણમાં તો માંડ માંડ પાસ થઇ હતી.પરંતુ તેની ગાડી બારમા ધોરણમાં અટકી પડી હતી. બે વાર પરીક્ષા આપવા છતાં તે પાસ ન થ ઇ શકી ત્યારે તેણે જીદ કરીને ભણવાનું જ છોડી દીધું. તેના બસની વાત નહોતી..તે ઘરમાં બધા સમજી ગયા હતા.

કમુ કોલેજમાં આવી હતી. કમુ આગળ ન ભણે..કોલેજમાં ન જઇ શકે તે માટે પ્રિયાએ ખૂબ ધમપછાડા કરી જોયા હતા. પરંતુ તેમાં સફળ નહોતી થઇ. કમુ અન એતેની મા બંને આ વાતમાં મક્કમ હતા.

ધીમે ધીમે કરતા કમુ ગ્રેજયુએટ થઇ ગઇ. તેની માના આનંદનો પાર નહોતો. દીકરીને જોઇ તેની આંખો હરખથી છલકી રહેતી. તેવામાં દીકરીને પ્રાયમરી સ્કૂલમાં નોકરી મળી ગઇ. અને રહેવા માટેનું નાનકડું કવાર્ટર પણ મળ્યું. કમુએ માને નોકરી છોડાવી દીધી. અને મ દીકરી વરસો બાદ પોતાના કહી શકાય તેવા ઘરમાં રહેવા ગયા.

આજે કમુના લગ્ન  લેવાયા છે. તેની જ સ્કૂલમાં કલાર્ક તરીકે કામ કરતા કિસન સાથે. કમુ મા સાથે પ્રિયાને ઘેર કંકોત્રી આપવા ગઇ.

કમુના લગ્ન લેવાયા.

 કમુએ આજે સોળે શણગાર સજયા છે. પ્રિયાએ થાય તે બધી રીતે તેને હેરાન કરી લીધી છે. કમુ મૌન છે. પરંતુ જતી વખતે પ્રિયા સામે નજર પડતાં તેની આંખો બોલી ઉઠી.

’ પ્રિયા, હું જાઉં છું.  આજે હું તારાથી ચડિયાતી છું. હું મારે ઘેર જાઉ છું. મારી સાથે મારો  વર છે, ઘર છે..તારી પાસે બાર્બી છે અને મમ્મી, પપ્પાનો બંગલો છે. આજે મને તારી દયા આવે છે. માત્ર દયા..

 આવજે પ્રિયા…’

 

3 thoughts on “આવજે પ્રિયા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s