પરમ સખા પરમેશ્વરને..

પરમ સખા પરમેશ્વરને..17

સુખ દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા,

ટાળ્યા તે કોઇના નવ ટળે,રઘુનાથના જડિયા..

પ્રાર્થના એટલે પોતાની જાતને પામવાનો સરળ માર્ગ

હે પરમાત્મા, હું કદીક કંટાળીને  બોલતો રહું છું  કે જીવવું કેટલું અને વાત કેટલી ? મોજ કરોને યાર ! એક દિવસ મરી જ જવાનું છે ને ? શા માટે આટલી બધી પળોજણ ? આટલા  બધા નીતિ નિયમો ?  જલસાને જ જીવન સમજનારા અમે કોઈને કોઈ બહાનાં શોધી જ લઇએ છીએ. કોઇ અઘરું કે અણગમતું  કામ કરવાનુ આવે ત્યારે મારું મન અનેક છટકબારી વિચારીને પોતાની વાતને જસ્ટી ફાઇ કરી લે છે. પણ હે પ્રભુ, હવે જયારે મારી અંતરની આંખ ઉઘડી છે ત્યારે  આ જ  વાત   હું અલગ રીતે જોઇ શકું છું,  જુદી રીતે વિચારી શકું છું કે  પરમાત્માએ અપાર કૃપા કરીને માનવ  જીવન આપ્યું છે તો કંઈક સારું ન કરીએ ?  આ મહામૂલું જીવન એળે કેમ જવા દેવાય ? જીવન જેવા જીવનને વેડફી કેમ શકાય ?

હે ઇશ, જીવન તો તેં  બધાને એકસરખું જ આપ્યું  હોય છે પણ કેવી રીતે જીવવું એ જીવનકલા છે. એ કલા જેને આવડી જાય તેનું જીવન પુષ્પની જેમ મહેકી ઉઠે છે.  હે ઋગ્વેદમાં કહેવાયું છે કે, આ જગત શુભ, મધુર અને મંગલકારી પદાર્થોથી ભરેલું છે, પરંતુ તે તેને જ પ્રાપ્ત થાય છે જે તપશ્ચર્યા દ્વારા એનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહે છે.  આમ પણ દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે.

હે ઈશ્વર, મને જાણ છે કે તું આત્માની ભાષા જ સમજે છે. એ સિવાય બીજી કોઇ ભાષા તું સાંભળતો કે સમજતો નથી.  જયારે કોઈ વાતનો કંઈ નિર્ણય લેવાનું આવે ત્યારે મને હમેશા એક કરતા વધારે જ વિચારો આવતા હોય છે. દરેક વખતે નિર્ણય લેવો આસાન નથી હોતો. જીવનમાં આવી કોઇ દ્વિધા ઉભી થાય, કોઇ ત્રિભેટે આવીને ઉભી જવાય ત્યારે કયો અવાજ આત્માનો  તે જો પારખી શકાય અને એને અનુસરી શકાય તો એ નિર્ણય, એ વળાંક હે ઇશ્વર, મને તારી સમીપ લઇ જનાર એક પગથિયા સ્વરૂપ સાબિત થતો હોય છે.

પણ હે પરમાત્મા, કમનસીબે આજ સુધી હું  આત્માને બદલે બુદ્ધિનો ઉપયોગ જ વધારે કરતો આવ્યો છું. કેમકે બુદ્ધિ મોટા ભાગે લાભનો જ વિચાર કરે છે. મને શું અને મારું શું ? એ વિચારનો અવાજ એટલો તીવ્ર બની જાય છે કે પછી આત્માની મધુર વાણી મને સંભળાતી નથી. હે પરમ સખા, હવે હું સમજી શકયો  છું કે આત્મા અને  બુદ્ધિની ભાષામાં બાંસુરીવાદન અને ડીસ્કો જેટલો જ તફાવત છે.

 હે મારા પ્રભુ, મારી પાસે સુખના, સગવડના અનેક સાધનો હોવા છતાં  મારી સુખ અને શાંતિની શોધ, સુખ, શાંતિની મારી ઝંખના તો આજે યે યથાવત જ છે. મને લાગે છે કે હું કદાચ ખોટી જગ્યાએ શાંતિ  શોધતો હતો. જયાં જે વસ્તુ હોય જ નહીં ત્યાં શોધવાથી એ કેવી રીતે પ્રાપ્ત થાય ? પણ હે કૃપાળુ,  હવે હુ તારે શરણે આવ્યો છું.  હે વિભુ, તારા જેવુ યે કોઇ નથી તો તારાથી અધિક તો કેમ હોય ? હે પરવરદિગાર, આજથી હુ મારી જાતને તારા પર છોડુ છું. હે સર્વેશ્વર, બહુ થયુ હવે મને તારો બનાવી લે. આ જીવન કેમ જીવવુ એની મને કદાચ ગતાગમ નથી. હવે મારો ભીષ્મ સંકલ્પ છે  કે તું જિવાડે એમ જીવીશ, તું રાખે એમ રહીશ. અને આ ફકત કહેવા ખાતર નહીં દિલના ઉંડાણમાંથી સાચી પ્રતીતિ કર્યા બાદ કહું છું. ઇશ્વર, તારે શરણે આવનારને તો તું કદી નિરાશ કરતો નથી ને ?

ચપટીક અજવાળું..

પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય,

રાજા પ્રજા જેહિ રૂચે, શીશ દિયે લે જાય

પ્રેમ ખેતરમાં ઊગતો નથી કે બજારમાં વેચાતો મલતો નથી. પ્રેમ તો માથા સાટે મળે છે. અનેક ભોગ આપ્યા પછી મળે છે. રાજા કે પ્રજા જે ભોગ આપી શકે તે  પ્રેમને પામી શકે છે.

 

 

 

 

4 thoughts on “પરમ સખા પરમેશ્વરને..

  1. 👍👌સાચે જ નિલમબેન ઈશ્વરને પામવાની ઝંખના જ આપણ સૌને તેના મિલન સુધી લઈ જશે જ, એની લગનની અગ્નિ તીવ્ર થઈ જવાની જ વાર છે બસ …એક ज्ञान ना गीतनी कुछ कडी याद आती है..जो यहाँ लिखे बीना रह नही सकती…
    “वक्त है कम, लम्बी मंझिल तुम्हें तेज कदम चलना होगा, है परम तपस्या के पथिकों तुम्हें नूतन पथ रचना होगा। .”..
    👣
    👣
    👣ओमशांति । शुभरात्रि। उषा

    Liked by 2 people

  2. કેવી રીતે જીવવું? એ જીવનકલા છે.. અને મોટા ભાગે એ વિચાર કરનાર કદી નિરાશ થતો નથી.
    “આત્મા અને બુદ્ધિની ભાષામાં બાંસુરીવાદન અને ડીસ્કો જેટલો જ તફાવત છે.”

    Liked by 2 people

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.