એક નવી શરૂઆત

વાત એક નાનકડી..એક નવી શરૂઆત( સંદેશમાં પ્રકાશિત વાર્તા )

લગ્ન પછી ઘણાંના દીકરા બદલાઇ જાય છે. પણ આપણો દીકરો તો લગ્ન પહેલાં જ..

બોલતા સુમનબેનનો અવાજ ભરાઇ આવ્યો.

અરે, એવું શું કામ વિચારે છે ? ? અહીં આવ્યો ત્યારે એના વર્તનમાં કોઇ ફરક હતો ?

પણ એનો પગાર આટલો સારો છે એ આપણે જાણીએ છીએ..એણે જ કહ્યું છે. તો કયારેય બાપને એક પૈસો મોકલ્યો છે ખરો ? આવ્યો ત્યારે થોડી સગવડ કરી દીધી એટલે જાણે બધી ફરજ પૂરી.અને હવે પોતે ઘરનું ઘર પણ લીધું આપણને ખાલી જાણ કરી એટલું જ.. એકવાર પૂછવાની પણ તસ્દી ન લીધી ?

તને નાની નાની વાતમાં ઓછું આવી જાય છે. જો સુમન, માણસે બને એટલી અપેક્ષા ઓછી જ રાખવી તો જ સુખી થવાય.

દીકરા પાસે પણ નહીં ?

શું ફાયદો ? દુખી જ થવાનું ને ? જેટલું કરે એટલું જ આપણે તો જોવાનું ન કરી ભૂલી જવાનું.બાકી એને ખબર છે કે આપણે એના માટે છોકરીઓ જોઇએ છીએ. એટલે લગ્ન થાય તો પહેલા ઘરની જરૂર તો પડે જ ને ? તો ઘર લીધુ એમાં ખોટું શું કર્યું ? પૈસા બીજી કોઇ જગ્યાએ વેડફયા તો નથી ને ?

વિશાલભાઇ પત્નીને સમજાવવા મથી રહ્યા.

જે હોય તે..ઘર લઇ લીધા પછી આપણને ખાલી જોવા માટે બોલાવે છે. નથી જવું મારે.

સુમન, આપણે મોટા છીએ.આવી બાલિશ વાત આપણને શોભે ? કાલે જવાનું છે. તૈયારી કરી લે.

સુમનબેન મૌન બનીને દીકરા માટે ભાવતો નાસ્તો બનાવવા લાગી ગયા.

વિશાલભાઇ એ જોઇ મનમાં જ હસી પડયા.મા છે ને ? કયારેક પ્રેમથી રિસાય પણ ખરી.  અને સુમનભાઇ બંનેની  બેગ ભરવા લાગ્યા.

સુમનબેન અને વિશાલ પતિ,પત્ની અને એક માત્ર પુત્ર અંકિત..ત્રણેનો જાણે એક મંગલ ત્રિકોણ રચાયો હતો. વિશાલ એક કલાર્ક હતો. સામાન્ય પગારમાંથી બચત કરીને, થોડી લોન લઇને નાનકડું પણ પોતાનું ઘર લીધું હતું. આમ તો એક રૂમ, રસોડાનું જ એ ઘર હતું. પણ એક એક તણખલું વીણી વીણીને રચાયેલ એ માળો પોતીકો હતો એની ખુશી બંનેના હૈયામાં હતી.

દિવસોને પાંખો ફૂટી રહી હતી. પુત્ર અંકિત બંનેના જીવનમાં ઉલ્લાસ ભરી રહેતો. એક નાનકડું કુટુંબ કિલ્લોલ કરી રહેતું. કોઇ ફરિયાદ સિવાય…અંકિતને ખૂબ ખૂબ ભણાવવો જેથી તે પ્રગતિ કરી શકે..દરેક માતા પિતાની માફક આ સ્વપ્ન તેમના અંતરમાં પણ સ્વાભાવિક રીતે જ હતું. અને સદનસીબે અંકિત પણ ભણવામાં હોંશિયાર હતો. સુમનબેન પુત્રને જાતે જ ભણાવતા. અને સતત પુત્રની સાથે જ રહેતા. ઘરનું બધું કામ જાતે જ કરતા હતા. અસહ્ય મોંઘવારી, કયારેક બીમારી, અને બીજી નાની મોટી તકલીફો તો જીવનમાં આવતી જ રહેતી પરંતુ પુત્રને કોઇ વાતે ઓછું ન આવે તેની કાળજી બંને પતિ, પત્ની રાખતા.પોતાની જરૂરિયાતોમાં કાપ  મૂકીને પણ પુત્રની સગવડ સાચવી લેતા.

વરસો વીતતા ગયા. તેમની મહેનત રંગ લાવી. અંકિત  સી.એ. પાસ થયો અને પતિ, પત્નીનું વરસોનું સપનું ફળ્યું. બંનેની ખુશીનો પાર નહોતો. અહીં નાના ગામમાં અંકિતને કોઇ સારી તક મળે તેમ નહોતી. સુમનબેન અને વિશાલભાઇ  પણ આ વાસ્તવિકતા સમજતા હતા.

અંકિતને શહેરમાં નોકરી મળી ગઇ. વિશાલભાઇ  અને સુમનબહેનને હતું. હવે કોઇ અભાવ સહન નહીં કરવો પડે. અંકિતની નોકરી પણ સારી હતી. પુત્રને ઘરની પરિસ્થિતિની જાણ હતી જ. જિંદગી આખી અનેક સગવડોથી વંચિત રહીને પણ પુત્રને  સારું ભણાવ્યો હતો. હવે તેનું ફળ જરૂર મળશે જ.

છ મહિના એમ જ પસાર થઇ ગયા. અંકિત નિયમિત રીતે ઘેર ફોન કરતો રહેતો.ઉંડે ઉંડે સુમનબહેનના મનમાં હતું કે પહેલો  પગાર આવતા જ પુત્ર ઘેર પૈસા જરૂર મોકલશે. પણ એવું કશું થયું નહીં. અને પુત્ર પાસે પણ હાથ લાંબો કરી માગે એવો તેમનો સ્વભાવ નહોતો. આટલા વરસો ચાલ્યું જ છે ને ? તો હવે પણ ચાલશે.

પતિ, પત્ની બંને એ એમ મન મનાવી લીધું હતું. અને કયારેય પુત્રને પરોક્ષ રીતે  પણ ઇશારો નહોતો કર્યો. બસ  હવે દીકરાને પરણાવી દે એટલે પોતાની ફરજ પૂરી. બે ચાર વાર દીકરાને કાને વાત નાખી જોઇ હતી. પરંતુ દીકરાએ ચોખ્ખી મનાઇ કરી હતી. હજુ બે ચાર વરસ સુધી હું લગ્ન અંગે વિચારવા નથી માગતો.

નાસ્તો બનાવતા બનાવતા સુમનબેનના મનમાં છ મહિના પહેલા આવેલા દીકરાની યાદો તાજી થઇ.

તે દિવસે સવારથી સુમનબેન રસોઇની ધમાલમાં પડયાં હતાં.  છ મહિના બાદ અંકિતને એક અઠવાડિયાની રજા મળતા તે ઘેર આવવાનો હતો. તેથી સુમનબેન પુત્રને ભાવતી રસોઇ બનાવવામાં વ્યસ્ત હતા.

છ મહિને આવેલ દીકરાને જોઇ પતિ, પત્ની બંનેની આંખો હરખથી છલકાઇ ઉઠી હતી.

પુત્ર સાથે તેની નોકરીની અને બીજી અનેક વાતો થતી રહી. છોકરી જોવા માટે પણ અંકિતને ખૂબ આગ્રહ કર્યો.પણ અંકિત એક નો બે ન થયો.

પાછા જતાં પહેલાં અંકિત ઘર માટે કામવાળીની વ્યવસ્થા કરતો ગયો,’

મમ્મી, ઘણાં વરસો તેં જાતે કામ કર્યું. હવે આરામ કર. ઘરમાં મોટું ટી.વી. લઇ આવ્યો.જેનો વિશાલભાઇને ખૂબ શોખ હતો. બીજી પણ ઘણી સગવડો કરીને જ અંકિત ગયો. મમ્મી માટે ચાર પાંચ સરસ સાડીઓ અને પપ્પા માટે પણ કપડાં  લેતો જ આવ્યો હતો.

’પપ્પા, હવે શાંતિથી રહો. રીટાયર થવાને હજુ પાંચ વરસની વાર છે ને ? થાય એટલું કામ કરો. ન થાય તો પણ વાંધો નહીં.

ના બેટા, સાવ ઘરમાં બેસી રહેવું તો ન જ ગમે.

અઠવાડિયું તો જાણે આઠ કલાકનું બની ગયું હતું.  અંકિત પાછો ગયો અને ફરી પતિ, પત્ની એકલા પડયાં.

અંકિત કયારેય પૈસા મોકલતો નહીં. સુમનબેનને કયારેક થતું બસ..એકવાર થોડું લઇ આવ્યો એટલે જાણે બધું પૂરું….

અંકિતનો પગાર ખૂબ સારો હતો. એની પોતાને જાણ હતી જ ને ?

ઠીક છે..જેટલું કર્યું એટલું ઘણું…

બે વરસ આમ જ  પૂરા થઇ ગયા હતા. અંકિત નિયમિત ફોન કરતો રહેતો.

ગઇ કાલે તેણે અચાનક સરપ્રાઇઝ આપતા કહ્યું.

’મમ્મી, મેં અહીં એક ઘર લીધું છે. આજે જ બધું ફાઇનલ કર્યું. તમે તુરત આવી જાવ.’

બસ..સુમનબેનને એ વાતનું જ  ઓછું આવી ગયું હતું. પુત્રએ ઘર લઇ લીધું અને પોતાને કહ્યું પણ નહીં. ખેર! હવે પુત્ર મોટૉ થઇ ગયો છે.તેને જે કરવું હોય તે કરે.

બીજે દિવસે બંને શહેરમાં ગયા. સાંજે અંકિત તેમને ઘર જોવા લઇ ગયો.ઘર ઉપર મોટા અક્ષરે “સુમન” નામની તકતી ઝળહળતી હતી.

‘ મમ્મી, મારા તરફથી તમને આ ગીફટ….

સુમનબેન સજળ આંખે તકતી સામે તાકી રહ્યાં.આ શું ? પોતે શું ધારી બેઠા હતા ?

સામે બે બેડરૂમનું સરસ મજાનું ટેનામેન્ટ હતું. અને સુમનબેનના હાથમાં તેમના નામનો મકાનનો દસ્તાવેજ  હતો.

’ મમ્મી, હજુ બીજા બે વરસ મારે લગ્ન નથી કરવા. બે વરસમાં તમારે માટે જીવનભરની સગવડ કરી લઉં..તમને બંનેને થોડાં ફેરવી લઉં. પછી જ મારા લગ્નની વાત. લગ્ન પછી કદાચ કોઇ કારણસર હું તમારું ન કરી શકયો તો પણ જીવનમાં તમે કયારેય હેરાન ન થાવ કે ઓશિયાળા ન બની રહો,..એટલી સગવડ કર્યા બાદ જ હું મારા કુટુંબનો વિચાર કરીશ. જેથી ભવિષ્યમાં મને કયારેય કોઇ અફસોસ ન રહે.

‘ બેટા, એવું શું કામ વિચારે છે ? ભવિષ્યમાં પણ આપણે સાથે જ હઇશું. અને અમારે કશું નથી જોઇતું. બસ ..તારી આટલી ભાવના છે એ જ અમારે માટે પૂરતી છે.’

’ મમ્મી, આપણે સાથે જ છીએ અને રહીશું. પણ કાલની કોને ખબર છે ? અને મમ્મી, ભાવનાથી પેટ નથી ભરાતું. અને મારી કોઇ જરૂરિયાત માટે તમે મને પૂછવા રહ્યા હતા? આજે હું યે તમને પૂછતો નથી. ફકત મારી ફરજ બજાવું છું. લગ્ન થાય પછી કેવી છોકરી આવે એ જાણ નથી. આપણે ગમે તેટલું વિચારીને..જોઇને કરીએ તો પણ કોઇના મનનો પાર પામવો ખૂબ અઘરો છે. મેં ઘણાંના ઉદાહરણો જોયા જ છે. અને તેથી જ નક્કી કર્યું છે કે તમારા પ્રત્યેની જવબદારી પૂરી કરીને પછી જ હું બીજી જવાબદારી ઉઠાવવાની શરૂઆત કરીશ. ‘

સુમનબેન અને વિશાલભાઇની આંખો જ નહીં અંતર પણ ભીનું ભીનું.  મંગલત્રિકોણના ત્રણે ખૂણાઓ સલામત હતા. અને હવે એમાં આવનાર ચોથી વ્યક્તિને પણ પોતે દૂધમાં સાકરની માફક ભેળવી દેશે એવી શ્રધ્ધા તેમના અંતરમાં જાગી રહી.

 

4 thoughts on “એક નવી શરૂઆત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s