બાંકડા મૈત્રી..

 

સંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું ?  રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ  સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.

રીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ  થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…

પણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય.  સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.

એક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ  એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…

પછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી  કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા  ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ  માણસ તેને ગમી ગયો હતો. 

 

હવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.

પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે ? કેમ નહીં આવતા હોય ? માંદા પડી ગયા હશે ? પોતે તપાસ તો કરવી જ જોઇએ.

એકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.

સંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.

એક સ્ત્રીએ બારણું ખોલ્યું.

નિખિલભાઇ અહીં રહે છે ?

 સ્ત્રીએ સંપતરાય સામે જોયું.

તમારે શું કામ છે ?

કામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….

તેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું

 જે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.

મતલબ ?

મતલબ જે હોય તે..એકવાર કહ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા

 તો કયાં રહે છે ?

જહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.

સંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.

પણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.

અને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી ? કયાં કરવી ?

ત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.

જવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.

દીકરા,  વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.

તે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.

દીકરાએ તુરત જવાબ આપ્યો.

 પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક  જ તો આવો વૃધ્ધાશ્રમ છે.

બીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી  લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ

નિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર ?

નિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની  વાત કેમ કરે ?

 

સંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?

થોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.

મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું ? તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.

હવે સંપતરાયનો દીકરો બોલ્યો,

અંકલ, એક વાત કહું ? આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.

સંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું,

અને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.

નિખિલભાઇને  તો આ  નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.

ભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.

બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે ? બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને  નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.

નિખિલભાઇ હમેશ માટે જવા તો  તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.

જોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે.

 

 

3 thoughts on “બાંકડા મૈત્રી..

  1. આ વાર્તા વાંચ્યા પછી એક સરસ વાક્ય એક મિત્રએ મને એકવાર કહેલું એ યાદ આવી ગયું …

    ઘરડાં મા-બાપને બે વાર આંખમાં આંસુ આવે છે ” દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે ”

    સરસ હૃદય સ્પર્શી વાર્તા અને સાથે સાથે એક બોધ કથા પણ …

    Like

Leave a reply to pravinshah47 જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.