ઇશ્વરના ઇ મેઇલ વાત મૈત્રીની શરૂઆતની..

 

વાત એક અદભૂત મૈત્રીની…ઇશ્વરના ઇ મેઇલ.

મિત્રતા, આ સંબંધનું પોત સૌથી નિરાળું, સૌથી સુંદર, સૌથી અલગ ભાત પાડતું, ભાવનાના નિસ્વાર્થ  તાણાવાણાથી બંધાયેલું હોય છે. અહીં જે મૈત્રીની વાત થાય છે એ કોઇ તકલાદી મૈત્રીની, હાય, હેલ્લોની , સવારે ખીલીને સાંજે ખરી જનાર મૈત્રીની, કે કોઇ ગણતરીમાંથી નીપજેલી, સ્વાર્થના હેતુથી બંધાયેલી મૈત્રીની વાત નથી. અહીં તો મૈત્રી છે પરમ સખા સાથેની.

ઇશ્વરના લંબાયેલા હાથની વાત છે. એના હાથમાં આપણે આપણો હાથ મૂકી શકવાની પાત્રતા કેળવવાની વાત છે. ઇશ્વર સાથેની મૈત્રી એ તો ખાંડાના ખેલ જેવી, તલવારની ધાર પર ચાલવા જેવી વાત છે. ઇશ્વર કંઇ ગમે તેની મૈત્રી સ્વીકારતો નથી. એ માટે નરસિંહ કે મીરા જેવી ધગધગતી તરસ હોવી જોઇએ. કસોટી કર્યા સિવાય ઇશ્વર આપણને કેવી રીતે સ્વીકારી શકે ? જેમ સાચુકલા મિત્રોનો આપણને ખપ હોય છે એમ ઇશ્વરને પણ સાચુકલા મિત્રોની આજે તાતી જરૂર છે. સાંપ્રત સમયને અનુલક્ષીને ઇશ્વરને આજે ભક્ત કરતા મિત્રની જરૂર વધારે વરતાય છે. આપણો મિત્ર બનવા એ આતુર છે. બસ હવે આપણામાં એ આતુરતા પ્રગટે એની એને પ્રતીક્ષા છે.

આપણે તો કોઇને જરા સરખી આર્થિક મદદ કરીએ તો એ પહેલાં પણ એની માત્રતા વિચારીએ છીએ. કે આપણા પૈસા નકામા ન જાય. તો ઇશ્વરે આપણને કશું આપતા પહેલાં આપણી ચકાસણી કરે કે નહીં ? એ પણ જુએ જ ને કે આવું સરસ જીવતર આપ્યું છે, માણસનો અવતાર આપ્યો છે તો આપણે એનો ગેરઉપયોગ તો નથી કરતા ને ? એની કસોટીની રીતે એની પોતાની આગવી જ હોવાની ને ? એટલો હક્ક તો એનો ખરો જ ને ?

થોડા સમય પહેલા પ્રકાશિત થયેલા મારા બે પુસ્તકો “ સાંભળીએ સાદ સર્જનહારનો “ અને “પરમ સખા પરમેશ્વરને “ માં પણ ઇશ્વર સાથે મોકળા મને વાતો કરેલી. ઇશ્વરની રટણા તો સતત અને સાતત્યભરી જ હોવી જોઇએ ને ? એથી એ જ શ્રેણીમાં આજે એક ડગલું વધારે આગળ ભર્યું છે. ઇશ્વર પોતે આપણને ઇ મેઇલ કરે તો શું લખે ? એ આપણાથી ખુશ કયારે થાય, કે આપણાથી નારાજ કયારે અને શા માટે થાય એ વાત સ્વયં ઇશ્વર કહેવા ઇચ્છે તો શું કહે ?

દિમાગથી નહીં , સંપૂર્ણપણે દિલથી લખાયેલી વાતો સહ્રદય ભાવકને જરૂર સ્પર્શશે એવી આસ્થા છે. અગાઉના આ જ પ્રકારના પુસ્તકોને જે સુંદર પ્રતિભાવ સાંપડયો છે એથી જ એક પગલું આગળ ભરાયું છે. વત્તે ઓછે અંશે કોઇ બે ચારના દિલને ઉજાગર કરે તો મારી મહેનત વસૂલ. ભીતરમાં એકાદ ઉજળી લકીરનો એહસાસ આ લખતી વખતે મેં જરૂર કર્યો છે. અને થોડા વધુ સારા બનવાની કોશિશ સતત ચાલુ રહી છે અને રહેશે.  કયાંય પહોંચવાનો ધખારો નથી, એવી તો લાયકાત પણ કયાં છે ? બસ સાચી દિશામાં ચાલવાની ઝંખના જરૂર જાગી છે એ પૂરી પ્રામાણિકતા સાથે કહી શકું. ભીતરના બાવા જાળાની સફાઇ થોડે અંશે તો જરૂર થઇ છે. અને  આ નિમિત્તે બાહ્ય યાત્રા નહીં પણ અંતર્યાત્રા તરફ એકાદ ડગલું માંડવાની ઉત્કંઠા શરૂ થઇ શકી છે એનો આનંદ ઓછો નથી. લક્ષ્ય સુધી પહોંચાય કે નહીં,મંઝિલ મળે કે નહીં..પણ યાત્રા શરૂ થઇ શકી છે એની પ્રસન્નતા છે અને એ પ્રસન્નતા આપ સૌ સુધી પહોંચશે એવી શ્રધ્ધા સાથે અસ્તુ,,

અનેક મિત્રો, સ્વજનો, અને જીવનસાથીની હૂંફ અને સહકાર તો હમેશના.. એ સિવાય તો આગળ વધવું અશકય જ ને ? એમનો આભાર કયા શબ્દોમાં માની શકાય એની જાણ નથી.

નવભારત સાહિત્યના શ્રી જયેશભાઇનો એક  સારા પ્રકાશક તરીકે નહીં પણ ઉમદા માનવી તરીકેનો પરિચય, અનુભવ હમેશા અકબંધ જ રહ્યો છે અને રહેશે એની ખાત્રી છે.

આ શબ્દો આપણે ભીતરથી ભીના કરી રહે અને મારી જેમ જ સૌ ભાવકોના દિલમાં ઉજાસનું એકાદું કિરણ અવશ્ય ઝળહળી રહે એ પ્રાર્થના અને શ્રધ્ધા સાથે અસ્તુ..

નીલમ દોશી.

94277 97524

nilamhdoshi@gmail.com

https://paramujas.wordpress.com

મારા અન્ય પ્રકાશિત પુસ્તકો..

1 ગમતાનો ગુલાલ( ગુજરાતી  સાહિત્ય અકાદમી એવોર્ડ વર્ષ 2006 )

2 જન્મદિવસની ઉજવણી ( ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ વર્ષ ..2008 )

3 દીકરી મારી દોસ્ત

4 અંતિમ પ્રકરણ.. ( નવલિકા સંગ્રહ  ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ભગિનિ નિવેદીતા એવોર્ડ )

5 દોસ્ત, મને માફ કરીશ ને ? ( નવલકથા..કલાગુર્જરી મુંબઇ દ્વારા પ્રથમ પારિતોષિક વર્ષ 2014 )

6 દીકરો વહાલનું આસમાન

7 સાસુ વહુ ડૉટ કોમ

8 આઇ એમ સ્યોર..( વાર્તા સંગ્રહ )

9 અત્તરકયારી

10 જીવનઝરુખેથી

11 સાંભળીએ સાદ સર્જનહારનો

12 પરમ સખા પરમેશ્વરને..

13 પાનેતર ( લઘુકથા સંગ્રહ )

14 ડોટર માય ફ્રેન્ડ ( અન્ગ્રેજી )

15 અત્તરગલી

16..ભીતરે ટહુકયા મોર

17.. ચપટી ઉજાસ

18.. જીવનની ખાટી મીઠી..

19 સ્માઇલ પ્લીઝ..

20..ઇશ્વરના ઇ મેઇલ.

 

6 thoughts on “ઇશ્વરના ઇ મેઇલ વાત મૈત્રીની શરૂઆતની..

 1. ઈશ્વરના ઈમેઈલમાં મૈત્રીની સુંદરવાત કરતો લેખ જે ભાવ ભરી પ્રર્થના સાથે પુર્ણ થયો. બહુ ગમ્યો.

  Like

 2. ભિતર પરમ ચૈતન્યની પ્યાસ ઉઠે તેનાથી વધુ શુભ શું હોઈ શકે? એ સદા અને સર્વત્ર મોજુદ છે પરંતુ એની પ્રતિતિ કે અનુભવ ક્યાં? જરુર કોઈ વચ્ચે પડદો પડેલ છે. આ પડદાને જ બુધ્ધપુરુષો અવિદ્યા કહે. જેમ જેમ ભિતર જોવાની ટેવ પડતી જાય તેમ તેમ આ પડદો દેખાવા માંડે અને એક દિ’ આ પડદો કેમ ઊંચકાય તેની ચાવી પણ મળી જાય. મારા ગુરુને કોઈએ પ્રશ્ન પુછ્યો, ” સાધનાના સુત્ર શું છે?” ગુરુએ કહ્યું, ” પ્રતિક્ષા અને તિતિક્ષા”. બસ આ સુત્ર યાદ રાખઓ અને એક દિ’ અચાનક પડદો ઊચકાઈ જશે. અનેક શુભેચ્છાઓ.

  Liked by 1 person

 3. આભાર વિમલા બહેન , શરદભાઇ..
  શરદ ભાઇ, આપના શબ્દોને નમન..એક સાચા ભાવક તરીકે આપના આટલા ઉત્તમ પ્રતિભાવો વડે ઘણી પ્રેરણા મળે છે. આપના શબ્દોમાં નીતરતી સચ્ચાઇની મહેક અનુભવી શકાય છે. પડદો ઉંચકાશે કે કેમ એની તો જાણ નથી.મોટે ભાગે ન પણ ઉંચકાય. પણ એથી શું ? મંઝિલ ન મળે તો પણ એ તરફની યાત્રા શરૂ થઇ શકે..અરે, એકાદ પગલું પણ આગળ ભરી શકાય તો ભયો ભયો.. એ નિરવધિ આનંદ પણ કયાં ઓછો છે ?
  બાકી આચાર વિનાના શબ્દ સઘળા તો ફીફા માત્ર જ ને ? ભીતરની મૌન યાત્રા અવિરત ચાલુ રહી શકે એ જ ઇશ્વરને મારી પ્રાર્થના..બાકી ઇશ્વરને બે હાથ જોડી નમન ન કરી શકાય તો મને ચાલશે પણ કોઇના લંબાવેલા બે હાથમાં મારી શક્તિ અને સામર્થ્ય મુજબ મારો હાથ મૂકી શકું.એટલે ઇશ્વરને વંદન આપોઆપ થ ઇ જ જાય ને ? બાકી એ તો આ બેઠો આપણા સૌની ભીતરમાં.. જો એનો અહેસાસ પામી શકાય તો જીવન ધન્ય ધન્ય ..
  ખૂબ ખૂબ આભાર સાથે સ્નેહ વંદન શરદ ભાઇ.
  કદીક આ રીતે પ્રેરણા આપતા રહેશો ને ?

  Like

  • નિલમબહેન, કેવળ પ્રેરેણા જ નહી, મારું આપને નિમંત્રણ પણ છે એ અલખના ઓટલે. માધવપુર ઘેડ પોરબંદરથી તદ્દન નજીક પણ છે. ભિતર પ્યાસ ઉઠી છે તો મીઠાજળની વીરડી છે મારા ગુરુ, “સ્વામી બ્રહ્મવેદાંતજી”. એકવાર પધારવા ફરી નિમંત્રણ.
   પડદો મોટાભાગે ન પણ ઉચકાય એવી પૂર્વધારણા શા માટે? જે ઘટવાનુ છે તે ઘટશે, ક્યારે અને કેમ તે ખબર નથી જ, પણ આપણૅ વચમાં પૂર્વધારણાના રોડા શા માટે નાખવા?.
   રવિન્દ્રનાથ ટાગોરનુ એક કાવ્ય છે. “પરમાત્માનુ ઘર”. આપે વાંચ્યું હશે.
   રવિન્દ્રનાથ લખે છે,” જીવનભર પરમાત્માની શોધ કરતો રહ્યો અને જે મળે તેને પરમાત્માનુ સરનામુ પુછતો. એક સવારે એક સંત મળ્યા અને તેમણે પરમાત્માનુ સરનામુ આપ્યું. સરનામે પહોંચ્યો તો ઘર પર લખેલ કે પરમાત્માનુ ઘર. ઝડપથી ઘરના દાદરા ચઢ્યો. ભિતર આંનંદ ઊછાળા મારતો હતો. અને દરવાજે પહોંચી દરવાજો ખટખટાવવા હાથ લંબાવ્યો કે વિચાર આવ્યો,” અરે! ક્યાંક આ સચ્ચે જ પરમાત્માનુ ઘ હશે તો? આખી જીંદગી તો પરમાત્માને શોધવામાં ગઈ પણ ખરેખર મળી જાય તો પછી કરવાનુ શું? સાવ નવરો થઈ જઈશ.
   રવિન્દ્રનાથ લખે છે. ચુપચાપ ત્યાંથી પગથીયા ઉતરવા લાગ્યો અને ચપ્પલ પણ પગમાંથી કાઢી માથે મુકી દીધા. ક્યાંક ચપ્પલનો અવાજ સાંભળી પરમાત્મા ઘરનો દરવાજો ખોલી બહાર ન આવી જાય. બીલ્લી પગે ત્યાંથી ભાગી છુટ્યો.
   આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. બધ્ધા શાસ્ત્રો/બુધ્ધો એક જ વાત કરે છે કે પરમાત્મા, મંદિર મસ્જીદમાં નથી, ભિતર છે. બધાને ખબર છે તેમ છતાં ભિતર ક્યારે ઉતરતા નથી. બે ડગલાં ભિતર ચાલીએ કે તરત બિલ્લી પગે ત્યાંથી ભાગીએ છીએ.
   આપની ભિતરની યાત્રા શુભ બને.

   Liked by 1 person

 4. ભીતરના આયનામાં નિયમિત જોવાના હામ -હિંમત કેળવવા એજ ” અંતર-યાત્રા !
  [આત્મ-નિરીક્ષણ ની ટેવ પાડી હોય,સારા સાહિત્ય,લોકો,સંસ્કૃત સમાજના નવા અભિગમોનો સ્વીકાર કરવાનું ખૂલ્લું મન ધરાવતા હોઈએ તો આપણે વધુ સારા નિર્ણયો લેવા માટે સમર્થ બનીએ .એકંદર એમાં આપણું શ્રેય જ રહેલું છે,એવું પ્રતીત થયા વિના નહીં રહે.
  જ્યારે આપણે ‘પર’ચિંતન( અન્યોની પંચાત ) છોડી, “સ્વ”પરના ધ્યાનમાં સ્થિર થઇએ,મહાવરો કેળવીએ, ત્યારે, આપણે શું-કોણ છીએ?,કેવા વિચારો આવે છે અને આપણું મન કેવું ને કેટલું ‘શાતિર’( બુદ્ધિની દખલગીરીને આધીન છે),અને કેવા કેવા ખેલ રચે-રચાવે છે ! એનો અંદાઝ આવે છે . આપણે કેવા અને કેટલા સ્વાર્થી , સંકુચિત વલણ-વર્તન અપનાવીએ છીએ ,તેનો પાકો-પૂરો ખ્યાલ આવે . આપણી અંદરનું ‘સત્ય’ અદ્દલ પ્રતિબિંબ તાદૃશ કરી આપે છે. એ ‘સાચનો કાચ‘ આપણી ભીતરનાં શુદ્ધ સાચા સ્વરૂપ‘ ઉજાગર કરે તેનો સામનો કરવા જીગર જોઈએ, હીંમતવાન કલેજું ખપે .નિખાલસતા એ આપણી ખાસ સ્વભાવ-ખૂબી હોવી ઘટે .સાચુકલાપણું એ આપણી આગવી મિરાત હોય તો જ આમ શક્ય બને – -લા’કાન્ત / ૧૩.૫.૧૬

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s