અને આંખો વરસી પડી..

અને આંખો વરસી પડી..   

 ખાખી રંગની ચડ્ડી, અને ખાત્રીપૂર્વક ઓળખી ન શકાય પણ કદાચ બ્લુ  જેવા રંગનું કોથળા જેવું  ખમીસ, કદી કોઇ  સાર સંભાળ ન લેવાઇ હોવાથી જીંથરા જેવા કપાળ સુધી આડેધડ રખડતા  સૂક્કા વાળ, નિસ્તેજ ચહેરો,  ફિક્કા ફસ ગાલ જે મોટે ભાગે આંસુથી ખરડાયેલા રહેતા. ચામડીના શ્યામ વર્ણમાં આમ તો એવું કોઇ આકર્ષક તત્વ નહોતું. પરંતુ  જોનારનું તુરત ધ્યાન ખેંચાય એવું એક માત્ર અંગ એટલે એની મોટી મોટી આંખો…જેમાં શમણાં નહીં પણ સતત ભય ઉછરતો, એવો  આઠેક વરસનો મનુ.. મનિયો.. આશ્રમની દીવાલ પાસે ઉભો ઊભો ડૂસકાં ભરતો હતો. આંખમાંથી રેલાતી આંસુની ધાર ગાલને ભીંજવીને સરી જતી હતી.

આજે ફળિયું  વાળવામાં જરાક મોડું થઇ જતા સારો એવો માર પડયો હતો. આમ તો તે  મારથી ટેવાઇ ગયો હતો..પણ આજે વધારે લાગ્યું હતું.  વાંસામાં સોળ ઉઠી આવ્યા હતા. પણ કોને કહે ? અહીં કંઇ મા થોડી જ હતી ? છાનામાના  બે ચાર ડૂસકાં ભરીને જાતે જ ઠલવાવાનું. હા, કદીક મા આંસુ લૂછતી દેખાતી. કે કદીક કોઇ પરી આવીને ચપટીક  વહાલ કરી જતી. પણ એ બધું તો રાતે નીંદરમાં. સવાર પડે ને બધું  ગાયબ..      

પણ આજે કંઇક કૌતુક થયું. ગાલ પરથી  દદડી રહેલા આંસુ મેલાદાટ ખમીસની બાંયથી  લૂછવા જતો  હતો.  ત્યાં દીવાલ પાસેથી કોઇનો  સાદ આવ્યો.

‘ તું રડે છે ? શું થયું ? લે..આ બિસ્કીટ  ખાવું છે ? ‘

મનુ ચોંકયો.. આ અવાજ ? કયાંથી આવ્યો ? તે ગભરાઇ ગયો. આમતેમ જોયું..કોઇ દેખાયું નહીં..ડરીને  ભાગવા જતો હતો..ત્યાં ફરીથી અવાજ સંભળાયો.

‘  લે આ બિસ્કીટ ખાઇશ ? અને આ વખતે દીવાલની બીજી બાજુએથી  એક નાનકડો હાથ અને રૂપકડો ચહેરો પણ દેખાયો. મનુ પણ બે પગે થોડો ઉંચો થયો. હવે સામે સ્પષ્ટ દેખાતું હતું.

‘ તું રડતો હતો ? ‘

મનુ એકીટશે  નર્યા અચરજથી જોઇ રહ્યો. કોઇ પરી આકાશમાંથી ઉતરી આવી કે શું ? સાવ સાચુકલી પરી. પરીના  હાથમાં બે બિસ્કીટ હતા. અને તે પોતાના જેવડી જ દેખાતી હતી. ન જાણે કેમ મનુને  શરમ આવી. તેણે જલદીથી આંસુ લૂછી નાખ્યા.. અને બહાદુર બની ગયો..

કેમ રડતો હતો ?

મનુએ જવાબ ન આપ્યો.

‘ માર્યું હતું ? મમ્મીએ ? મને યે કાલે મમ્મીએ માર્યું હતું. હું તોફાન કરતી હતી ને એટલે…પણ પછી મમ્મીએ કેટલી બધી કીસી કરી હતી અને સોરી કહ્યું હતું. ને હું મમ્મીના ખોળામાં  સૂઇ ગઇ હતી. મમ્મી મારે  એ કંઇ બહું લાગે નહીં..જરીક અમથી ટપલી..પણ  આપણે ખોટું ખોટું કહેવાનું કે બહું લાગ્યું છે એટલે મમ્મી વહાલ કરે.’

કહેતા પરી  હસી ઉઠી. 

 મમ્મી ? ખોળૉ.. ?  વહાલ..? કીસી…? મનુની આંખોમાં પાણીદાર આશ્વ્રર્ય  અંજાયું. શું બોલવું તે નહોતું સૂઝતું  

ત્યાં પરીનો હાથ લંબાયો.  

‘  બિસ્કીટ ખાઇશ ? લે..  ..’  

‘ ના..’  મનુએ જોશથી માથું ધૂણાવ્યું. અને તેની સામે જોઇ રહ્યો.

‘ લે ને..મારી પાસે બીજા છે. ‘

હાથ લંબાવવો કે નહીં ? લેવાય કે નહીં ? એ મનુને ન સમજાયું.  બે ચાર ક્ષણ પરી સામે જોઇ રહ્યો. પછી  હળવેકથી બિસ્કીટ લીધું .

‘ તારું નામ પરી છે ? ‘

‘ પરી ? ના.. મારું નામ મીલી છે. પરી તો આકાશમાં હોય.એને પાંખ હોય. ‘

‘ તારું નામ.. ? મનિયો…મનુ.. ‘

‘ તું અહીં રહે છે ? ‘

મનુનું  ડોકું હકારમાં હલ્યું.

‘ તારા ઘરમાં મમ્મી છે ? પપ્પા છે ?  અમે હમણં જ અહીં આ ઘરમાં  રહેવા આવ્યા છીએ.. સામે આંગળી ચીંધતા મીલીએ એક નાનકડું ઘર બતાવ્યું. હું ને મારી મમ્મી  પપ્પા.. અને ભાઇલો..તારા ઘરમાં ?

ઘર, મમ્મી.પપ્પા..ભાઇલો.. બધા શબ્દો  મનુ માટે સાવ અપરિચિત..

‘ મારે એવું કંઇ નથી.. આ આશ્રમ છે. અહીં અમારે કોઇને મા બાપ ન હોય. અમે અનાથ કહેવાઇએ..’  

‘ અનાથ ? એટલે શું ? ‘

‘ એ ખબર નથી. કદાચ જેના મા બાપ ન હોય એને અનાથ કહેવાતું હશે. ‘

મનુએ આસપાસમાંથી મળેલા જ્ઞાનને આધારે જવાબ આપ્યો.

‘ પણ મમ્મી કે પપ્પા  કોઇ કેમ ન હોય ? ‘

‘ ખબર નથી.’

 આવા અઘરા પ્રશ્નનો જવાબ  મનુને કેમ આવડે ?

જનમથી આંખ ખૂલી છે ત્યારથી આ આશ્રમ જ જોયો છે. અને પોતે અનાથ કહેવાય એટલું તે સાંભળતો આવ્યો છે.

‘ આશ્રમ એટલે શું ? ‘

કહેતી છોકરી બે પગે ઉંચી થઇને ચારે બાજુ નજર ફેરવી રહી.

‘ અરે, વાહ.. અહીં  તો બહું બધા છોકરાઓ છે.  તને તો રમવાની મજા આવતી હશે નહીં ? મારી સાથે તો કોઇ રમવાવાળું નથી. ભાઇલો તો નાનો છે  આવડોક.. બે હાથેથી માપીને બતાવતા મીલીએ કહ્યું. મારા જૂના ઘર પાસે  ઘણી  બહેનપણીઓ હતી.  અહીં તો  કોઇ નથી. મને  અહીં જરાયે  મજા નથી આવતી.’   

‘ તને  તો મજા નહીં ? આટલા બધા સાથે રમવાનું મળે..’  

મનુ હકારમાં ડોકું ન ધૂણાવી શકયો.

હજુ આગળ વાત ચાલે તે પહેલા જ ઘંટનો અવાજ સંભળાયો.

‘ આ શેનો ઘંટ વગડયો ? અહીં સ્કૂલ છે ?’  મીલીએ કુતુહલથી પૂછયું..

‘ ના આ જમવાનો ઘંટ છે ? ‘

‘ વાહ..જમવાનો ઘંટ ? ‘

‘હવે તું જમવા જશે ? ‘

મનુએ ડોકી હલાવી હા પાડી.

‘ અમારા ઘરમાં આવો ઘંટ નથી. મમ્મી મોટેથી બૂમ પાડે.’

‘  મેં કોઇ દિ આશ્રમ નથી જોયો. મને બતાવીશ ? ‘

‘ અહીં કોઇથી ન અવાય.’  

‘ તું મારે ઘેર આવીશ ? ‘

‘ મારાથી કયાંય ન જવાય..’  

‘ તો ? ‘

‘  હું જાઉં નહીંતર..’  

કહીને હાથ હલાવતો મનુ દોડી ગયો. વાર લાગે તો શું થાય એની તેને ખબર હતી. તેના હાથમાં મીલીએ આપેલું બિસ્કીટ હતું. તે ખાતા જ ભૂલી ગયો હતો. કોઇને ખબર પડી જશે તો ?  દોડતા દોડતા તેણે  આખું  બિસ્કીટ મોઢામાં ઠૂંસી  દીધું ને જલદી જલદી  ઓગાળી ગયો.

  બીજે  દિવસે  પોતાના ભાગનું કામ ઝપાટાભેર પતાવી તેનાથી  દીવાલ પાસે  ઉભાઇ ગયું. મીલી આજે પણ દેખાશે ?  આતુરતાથી તે ધોમધખતા તડકામાં ઉભો ઉભો મીલીની પ્રતીક્ષા કરી રહ્યો. અને અચાનક મીલી દેખાઇ.. મનુનું હૈયુ ઉછળી ઉઠયું.

મીલીના હાથમાં  આજે ચોકલેટ હતી.

આશ્રમની દીવાલ તો ઉંચી હતી પણ તેની તેની પાછળની  બાજુએ એક ઉંચો પથ્થર હતો તેની પર ચડીને મીલી આશ્રમની અંદર જોઇ શકતી હતી.અને મનુ પણ આ તરફ એવા નાનકડા પથ્થર પર ઉભીને ઉંચો થતો હતો. વચ્ચે ઉભી હતી કાળમીંઢ દીવાલ..

‘ મનુ ,લે  ચોકલેટ ..’

કહેતા મીલીએ હાથ લંબાવ્યો. મનુએ જરીક અચકાયો પણ કાલ કરતા ઓછો.. થોડુંક હસીને તેણે મીલીના હાથમાંથી ચોકલેટ લીધી. કોઇ આપે ત્યારે થેંકયુ કહેવાનું શીખવાડવામં આવ્યું હતું. પણ અત્યારે મીલીને થેંકયું  કહેવાનું સૂઝયું નહીં. મીલીને એની જરૂર પણ કયાં હતી ?

‘ મનુ, તું સાચું જ કહેતો હતો. કાલે મારી મમ્મીએ  પણ કહ્યું કે અહીં રહેતા હોય એ કોઇને મમ્મી, પપ્પા ન હોય..જેના મમ્મી, પપ્પાને ભગવાને બોલાવી લીધા હોય એ લોકો અહીં રહે.’  

‘ પણ મનુ, તને  મમ્મી, પપ્પા વિના  ગમતું નહીં હોય ને ?  મને પણ ન ગમે. ‘

મનુએ જવાબ ન આપ્યો. મમ્મી..પપ્પા કેવા હોય કોને ખબર ? જોકે તે દિવસે કોઇ છોકરો લગભગ તેના  જેવડો જ બધાને ચોકલેટ બિસ્કીટ અને આઇસ્ક્રીમ દેવા આવ્યો હતો. તેનો બર્થ  ડે હતો એમ કહ્યું હતું.  તેની સાથે તેના મમ્મી પપ્પા  હતા.

 પોતાના  મમ્મી પપ્પાને ભગવાને  કેમ બોલાવી લીધા હશે ? કયાં બોલાવી લીધા હશે ? પોતાનો બર્થ ડે કયો હશે ?

મનુના ચહેરા સામે જોઇને  મીલીને થયું  કે પોતે  બોલવામાં  કંઇક ભૂલ કરી નાખી છે.પણ શું ? એ તેને સમજાયું નહીં. પણ તે વધારે સમય મૂંગી રહી શકે તેમ નહોતી. 

‘ મનુ, આજે સવારે તમે બધા અહીં  વાળતા હતા એ મેં જોયું હતું. તે રોજ તમારે વાળવું પડે ?

હા..

મનુ, તને કઇ કેડબરી ભાવે ?

કેડબરી ? મનુને આ અઘરા  શબ્દનો અર્થ ન સમજાયો. 

પણ તે જવાબ આપે એ પહેલા મીલી ચહેકી..

મને ખાલી કીટકેટ ભાવે..ડેરી મીલ્ક ન ભાવે. તને ભાવે ડેરી મીલ્ક ?

મનુ મૌન..

મીલી તો તેની વાતોમાં મશગૂલ હતી. માંડ કોઇ વાત કરવાવાળું મળ્યું હતું.

અને તને નુડલ્સ ભાવે કે પાસ્તા ભાવે ?  મને પાસ્તા ભાવે અને પીઝા ભાવે. પણ મમ્મી રોજ નથી આપતી. ખીચડી મને ન ભાવે પણ મમ્મી ઘણીવાર પરાણે ખવડાવે.. તને એક સીક્રેટ કહું ? હું તો છે ને મમ્મી દૂધ આપે ને તો છાનુમાનું થોડુંક ઢોળી દઉં..મમ્મીને ખબર ન પડવા દઉં..છેલ્લે થોડુંક પીવું પડે. મને દૂધ જરાયે ન ભાવે.

મનુને ફરીથી ન સમજાયું. ખીચડી જેવી વસ્તુ કોઇને કેમ ન ભાવે ? રોજ ચામડા જેવી કડક રોટલીને બદલે કદીક ખીચડી મળે ત્યારે એને તો તે કેવી ભાવતી ? અને દૂધ કંઇ  રોજ થોડું મળે ? રવિવારે કદીક થોડું મળે.. પણ મીલી  ઢોળી  કેમ દેતી હશે ?

અને પાસ્તા અને પીઝા આ બધા ખાવાની વસ્તુઓ નામ હશે ?

બંને  વચ્ચે જાતજાતની વાતો..કોઇ અર્થ વિનાની વાતો થતી રહે છે. વાતોડી  મીલી પાસે વાતોનો વણખૂટયો ખજાનો છે. સામે મનુ જેવો ભકત શ્રોતા છે. 

પૂરા ભક્તિભાવથી મીલીની વાત સાંભળતા મનુ  ધરાતો નથી.  બાપ રે !  મીલીને કેટલી બધી  ખબર પડે છે ?    

  હવે મનુ રોજ પોતાનુ બધું કામ પતાવીને ઝટપટ દીવાલ પાસે આવી જાય છે. કયારેક મીલી નથી આવતી તો ઘંટ પડે ત્યાં સુધી મટકું યે માર્યા સિવાય ત્યાં જ ઊભો રહે છે.

મીલી રોજ મનુ  માટે કંઇ ને કંઇ લાવે છે. ચોકલેટ, બિસ્કીટ, કે સીંગ , દાળિયા, કદીક ખજૂરની બે ચાર પેશી, કદીક એપલ, જામફળ… મનુ  ના પાડે તો યે ખવડાવીને જ છૂટકો કરે  છે.

બાળકો વચ્ચે નેહનો નાતો બન્ધાતા કયાં વાર લાગતી હોય છે ?

એક દિવસ મનુને થયું. પોતે રોજ મીલીનું ખાય છે. પણ  કદી મીલીને કશું આપી શકતો નથી. પણ શું આપે તે ? તેની પાસે છે શું ? પણ ગમે તેમ કરીને કંઇક તો આપવું જોઇએ..હમણાંથી  મનુના મનમાં  આ એક જ વિચારે ડેરો ઘાલ્યો.

 નસીબજોગે એક દિવસ મોકો મળી ગયો. કોઇ શેઠ આશ્રમમાં પેંડાના બોક્ષ આપી ગયા હતા. પેંડો મનુની સૌથી પ્રિય વસ્તુ. મનુ માટે પેંડો એટલે છપ્પન ભોગ.તેને  પેંડો બહું ભાવે. કયારેક આશ્રમમાં કોઇ પેંડા આપી જતું ત્યારે મનુની આંખો અવશ્ય ચમકી ઉઠે. જોકે  આપનારની હાજરીમાં મળ્યા તો મળ્યા નહીંતર કોઇના ભાગમાં ન આવે. ભાઇજીને ઘેર જ પહોંચી જાય બધું.

આજે પણ એવું જ થયું.. પેંડા આપીને કોઇ ખવડાવવા માટે ન ઊભું.  બોક્ષ મૂકીને ચાલ્યા ગયા. મનુ  નિરાશ થયો. પત્યું  હવે  પેંડો મળી રહ્યો. નહીંતર આજે તે ન ખાત અને મીલી માટે સાચવી રાખત.. તેને આપી શકત.. પણ હવે કોઇ આશા ન રહી.

પણ તેણે  જોયું કે એકાદ બે  બોક્ષ ભાઇજીએ  આશ્રમના રસોડામાં રાખ્યા હતા. મનુની  નજર તેના પર જ હતી. લાગ મળે તો એકાદ પેંડો કેમ સેરવી લેવાય અને મીલીને કેમ આપી શકાય  એનો પ્લાન મનમાં ઘડાતો રહ્યો.

તે રાત્રે બધા સૂઇ ગયા પછી મનુ છાનોમાનો ઉઠયો.. ધીમેકથી રસોડામાં ઘૂસ્યો. મનમાં બીક તો હતી. જો પકડાય તો શી દશા થાય તેની ખબર હતી. પણ એ ભય કરતા પણ મીલીને કશુંક ખવડાવવાની  ઇચ્છા  વધારે બળવાન હતી.

બિલ્લી પગે રસોડામાં પહોંચીને  અંધારામાં જ  ફંફોસતા ફંફોસતા તેણે  બોક્ષ શોધી કાઢયું. એમાં  એક પેંડો જ બચ્યો હતો. તેણે એ ઉપાડયો. અને આવ્યો હતો એવી જ રીતે બહાર નીકળી ગયો. દોડવા જતા એક પગથિયું ચૂકયો.. લાગ્યું.. પગમાં પથ્થર ખૂંચી જવાથી લોહી નીકળ્યું. એનું તો મનુને  ભાન પણ કયાં રહ્યું  હતું ? મનમાં મીલી અને પેંડો સિવાય  બીજી કોઇ વાત નહોતી..પોતાની સૌથી પ્રિય વસ્તુ તે મીલીને આપી શકવાનો હતો એ ખુશી કંઇ ઓછી હતી ?  

આખી રાત તે સૂઇ ન શકયો. કયારે સવાર પડે,  કયારે મીલી મળે ને કયારે તે પેંડો આપે. ચડ્ડીના ખીસ્સામાં પેંડો રાખી તેના ઉપર હાથ મૂકી સપનામાં તે મીલીને પેંડો આપતો  રહ્યો. મીલી કેવી ખુશ થઇને પેંડો ખાતી હતી  એ જોઇને મનુના હરખનો પાર નહોતો.

હજુ તો ભળુ ભાંખળું અજવાળું થતું  હતું ત્યાં જ મનુ  જલદી જલદી ઉઠીને  વાળવાનું અને બીજું પોતાના ભાગનું બધું કામ ફટાફટ પતાવવા લાગ્યો. ખીસ્સામાં સંતાડેલો પેંડો કોઇ જોઇ ન જાય માટે તેણે એકવાર પણ બહાર નહોતો કાઢયો.

સમય થતાં જ તે દીવાલ પાસે પહોંચ્યો. કયાંક મીલી આજે નહીં આવે તો ?

પણ ના..નસીબ સારા હતા. આજે મીલી પણ  આવી પહોંચી  હતી.

‘ મીલી, જો આજે  હું તારે માટે શું લાવ્યો છું ? ‘

  ઉત્સાહથી છલકાતા મનુએ ઉતાવળે ખીસ્સામાં હાથ નાખ્યો.. ખીસ્સામાંથી પેંડાના બચ્યા ખૂચ્યા અવશેષો  જેવો થોડો  ભૂકો  નીકળ્યો. કદાચ રાત્રે  કીડીઓને ગંધ આવી ગઇ હશે કે ઉન્દર તાણી ગયા હશે ?

મનુ સ્તબ્ધ.. ! ભીતરમાં કલરવ કરતું પારેવું છાનું આક્રન્દ કરી ઉઠયું. પેંડાના  અવશેષો  તેની સામે અટ્ટહાસ્ય વેરી રહ્યા.  

ત્યાં દીવાલની બીજી બાજુએ ઉભેલી મીલીનો  હાથ લંબાયો.   

‘ મનુ જો,  હું તારે માટે આજે પેંડા લાવી છું. ‘  કહેતા મીલીએ બે પેંડા તેની સામે ધર્યા.

પોતાના અતિ  પ્રિય પેંડા  જોઇને પણ આજે મનુની આંખમાં ચમક ન ઉભર કે  ન તેનો હાથ ન લંબાયો. મૂઢની જેમ  તે પેંડા સામે થોડી વાર  જોઇ રહ્યો…અને ફરી એકવાર તેની આંખો વરસી પડી.. ધોધમાર વરસી પડી.     

 ( જલારામ દીપ અંકમાં પ્રકાશિત વાર્તા )

 

One thought on “અને આંખો વરસી પડી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s