જેનો જવાબ મારી પાસે નથી..

 જેનો જવાબ મારી પાસે નથી..

ફરી એકવાર ફાગણ આવી પહોંચ્યો છે. પાનખરે વિદાય લઇ લીધી છે.વસંતનું આગમન દબદબાભેર થઇ ગયું છે. પુષ્પો મહેકી ઉઠયા છે. કેસૂડો સજી ધજીને તૈયાર છે. ફકત બગીચાઓમાં જ નહીં વગડાઓમાં પણ વૈભવ રેલાયો છે.

ફાગણ પોતાની સાથે લાવે છે મેઘધનુષી રંગોથી છલકતો અને મલકતો  હોળીનો તહેવાર. હોલિકાનું દહન થાય છે.  પૂજા થાય છે.. બીજે દિવસે ધૂળેટી ઉજવાય છે. સૌ સાથે મળીને રંગથી રમાય છે. મસ્તી, મજાક થાય છે..અને બીજા દિવસથી ફરી પાછું બધું પૂર્વવત.. કોઇ તહેવાર આપણામાં એક નાનું અમથું  પણ પરિવર્તન નથી લાવી શકતું.. કે એ તહેવારની ઉજવણી કોઇ નવી રીતે પણ થઇ શકે એનો આપણે કોઇ વિચાર પણ નથી કરતા હોતા. તહેવારો આવે ને જાય.. એજ પરંપરા મુજબની ચીલાચાલુ  ઉજવણી..અલબત્ત એ પરંપરા ખોટી છે કે ખરાબ છે એવું કહેવાનો આશય નથી જ.. તહેવારોની ઉજવણી  આપણને રોજિંદી ઘરેડમાંથી બહાર લાવે છે..આજના યાંત્રિક જીવનની શુષ્કતામાં ઉત્સાહના રંગો પૂરે છે.. એથી કોઇ પણ રીતે તહેવારોની ઉજવણી  થાય એ મહત્વની ને અગત્યની વાત છે. આપણી સંસ્કૃતિ  જળવાઇ રહે  પણ ઓછી મહત્વની વાત નથી. પણ સમયની  સાથે કેટકેટલી વાતમાં આપણે પરિવર્તન લાવતા  હોઇએ છીએ.. નવી રીતે વિચારતા હોઇએ છીએ..તો તહેવારની ઉજવણી પણ કોઇ નવી રીતે ન કરી શકાય ? જેમાં નવા વિચારના  અમલ સાથે  આપણી પરંપરાનો.. આપણી સંસ્કૃતિનો સમન્વય થયેલો હોય.. એવી કોઇ રીતે ન શોધી શકાય ? સ્વજનો અને મિત્રો  સાથે આપણે જરૂર આનંદ કરીએ..પણ સાથે સાથે કદીક કોઇ પારકાને પણ એ ખુશીમાં સામેલ કરી શકીએ તો ?  

યા વરસે આવા જ કોઇ વિચાર સાથે અમારી લેડીઝ કલબે  હોળી ઉજવી. આ વખતે અમે બધા સભ્યો હોળીની ઉજવણીના આયોજન માટે એકઠા થયા હતા.

ત્યારે મારા મનમાં અચાનક એક વાત આવી. આ વખતે કશુંક નવું કરીએ તો ? શું નવું ? એ  અંગે  વિચારતા ઘણાં  પાસેથી  જુદા જુદા આઇડીયા મળ્યા. અને અંતે એક કાર્યક્રમ  સર્વાનુમતે નક્કી થયો.

અહીંથી થોડે દૂર અકે અનાથાશ્રમમાં 60 બાળકો રહે છે. ઓરીસ્સા આમ પણ ગરીબ રાજય અને તેમાં યે અનાથાશ્રમ.. એટલે કેવી હાલત હોય એ તો કલ્પના જ  કરવી રહી. પણ દરેક જગ્યાએ થાય છે એમ કોઇ મોટી વસ્તુ આપીએ ત્યારે એનો લાભ બાળકો  સુધી કદી પહોંચતો નથી. એનો અનુભવ અમને અહીં પણ ઘણી વખત થઇ ગયો હતો. એટલે આ વખતે એવું  નક્કી કર્યું કે ફકત બાળકો જ લાભ  લઇ શકે એવું જ કરવું છે.

અનાથાશ્રમના બાળકોને જમાડવા ઘણાં જતા હોય છે. અને આમ પણ રોજ જે મળતું હોય તે  પણ  બાળકો  ભૂખ્યા તો નથી  રહેતા એની અમને ખબર હતી.પણ એ બાળકોને રમકડાંથી રમવાની તક તો કયાંથી મળવાની ? જરૂરિયાતની વસ્તુઓ તો ગમે તેમ કરીને પણ મળી રહેતી હોય છે. પણ રમકડાંના તો એમને દર્શન પણ દુર્લભ જ ને ? એથી આ વખતે એમને રમકડાં  આપીએ તો બાળકોને ચોક્કસ ખુશી થાય. એવા કોઇ વિચારે  કલબ તરફથી બધા બાળકોને એક એક રમકડું આપવું..એવું નક્કી થયું. ચાવીથી ચાલતા જાતજાતના નવા રમકડાં લેવાયા.. ઉપરાંત  કલબના બધા સભ્યોએ પોતાના  ઘરમાંથી પણ પોતાના બાળકો જે રમકડાઓથી રમીને કંટાળી ગયા હોય પણ રમકડાં  સારી સ્થિતીમાં હોય એવા ઇલેક્ટ્રોનીક રમકડાં પણ હોંશે હોંશે આપ્યા. આમ ઘણાં રમકડાં આખી ટાઉનશીપમાંથી ભેગા કર્યા.. પછી બાળકો માટે આઇસ્ક્રીમ, કુરકુરે, કેક, ફ્રુટી, થમ્સ અપ..એવી બધી વસ્તુઓ જેના કદાચ સ્વાદ પણ બાળકોને ચાખવા નહીં મળ્યો હોય એવી બધી વસ્તુઓ લીધી. અને અમે બધા અનાથાશ્રમમાં ગયા.

કોઇ વીઝીટર આવ્યું જોતા જ બાળકો લાઇન બંધ ઊભા રહી ગયા. અને વારાફરથી એક પછી એક બધા બાળકો અમને બધાને પગે લાગવા માંડયા. જેમાં બે વરસના બાળકથી માંડીને  દસેક વરસ સુધીના બાળકો હતા. અમે ના પાડી એવું કરવાની.પણ કદાચ ત્યાંની એ પ્રથા હશે.. કે  પછી સંચાલકોની સૂચના હશે..

અમને બધાને જોઇને બાળકોને સમજ પડી ગઇ હતી કે હવે તેમને કશુંક મળશે..અમારા થેલા તરફ તેમની આશાભરી નજર મંડાઇ હતી.  

અમે લાવેલા રમકડાં  તેમને આપ્યા. એ જોઇને તેમની આંખોમાં જે ચમક ઉભરાણી.. હતી તેનો પ્રકાશ અમારા ભીતર સુધી સ્પર્શતો રહ્યો..

ચાર પાંચ વરસની એક છોકરી દોડીને અમારી પાસે આવી અને પોતાને ભાગે આવેલું રમકડું બતાવતા  પૂછયું,

આનાથી મારે રમવાનું ? આ મારું છે ?

અમે હકારમાં ડોકુ હલાવતા એ  રોમાંચિત બનીને હાથમાં રહેલી ગાડીને દોડાવવા લાગી. પછી તો એનું જોઇને બધા બાળકો પોતપોતાના રમકડાંથી રમવા લાગ્યા. અમે એ મજાના દ્રશ્યનો આનંદ માણી રહ્યાં. રીમોટથી ચાલતી કાર, પાટા પર દોડતી ટ્રેન, ઢોકલ વગાડતો વાંદરો, દૂધ પીતી અને ગાતી ઢીંગલીઓ..તો કોઇ મોટા ટેડી બેર…બાળકોના રોમાંચની તો શી વાત.! એમની હરખભરી ચિચિયારીઓ વાતાવરણમાં પડઘાતી રહી. કદાચ આશ્રમની દીવાલોએ પણ બાળકોનો આવો નિર્બંધ કિલકિલાટ પહેલી વાર નિહાળ્યો હતો.

પછી તો અમારા થેલાઓમાંથી  એક પછી એક વસ્તુ નીકળતી જોઇને બધાની આંખોમાં અચરજ છલકી રહ્યું. આવી વસ્તુઓ કદી તેમને કયાં મળી હતી ? જે વસ્તુઓ આપણા બધા માટે સાવ સામાન્ય હતી  બધી વસ્તુઓ અહીં કેવી અનોખી લાગતી હતી..આઇસક્રીમ કદાચ જીવનમાં પહેલી વાર તે બધાએ ચાખ્યો હતો. આજ સુધી લાડુ, જલેબી કે એવી કોઇ મીઠાઇ તેમને મળી હતી. પણ આઇસક્રીમ શું  ચીજ છે એની  તેમને કલ્પના પણ નહોતી. આજે એ ઠંડી વસ્તુથી બધા આહ.. વાહ..કરતા જતા હતા અને ખાતા જતા હતા. કોઇ નાના બાળકના મોઢામાંથી પીગળેલા આઇસ્ક્રીમના રેલા ઉતરતા હતા. અને તેની આંખોમાં જે ઉજાસ પ્રગટયો હતો.. તેણે અમારા સૌના અન્તરમાં પણ અજવાળા પાથર્યા હતા. અમે તેમને જે  ખુશી આપી હતી  તેના કરતા કયાંય અધિક ખુશી તેમણે અમને આપી હતી.. એવી ખુશી કે જે ગમે તેવી મોંઘી મળવાથી પણ મળી શકે. આજે વુમન્સ  ડે પણ હતો.અને અમને લાગ્યું કે આજે અમે બહું સારી રીતે ઉજવી રહ્યા હતા. 

એ પછી બાળકોની સાથે ગીતો ગાયા..નાચ્યા.. પછી  તેમને પૂછયું કે તમારે શું  જોઇએ છે ? તમને શું  ગમે છે ?

બે ચાર મિનિટ તો બાળકો કશું  ન બોલ્યા. પછી અમારો આગ્રહ જોઇને  બે ચાર નાના બાળકો બોલી  ઉઠયા.

પિચકારી અને રંગ..

અમને અમારી ભૂલ સમજાણી..અમે હોળીનો તહેવાર ઉજવવા આવ્યા હતા અને રંગ..મુખ્ય વસ્તુ જ ભૂલી ગયા હતા. અમે તુરત પાસેની માર્કેટમાં દોડયા. ત્યાંથી 60 પિચકારી અને રંગો  લાવ્યા.. આવીને બાળકોને આપ્યા.. અને…અને અમે બાળકો સાથે રંગમાં  રંગાઇને જાતને ભૂલતા રહ્યા.  પૂરા ત્રણ કલાક સુધી અમારી એ ધમાલ, મસ્તી ચાલ્યા.. અને  આટલા વરસોમાં હોળી રમવાનો  જે આનંદ આવ્યો હતો  એની તોલે આજના આનંદની..પ્રસન્નતાની વાત જ કંઇક અલગ હતી. આજે હોળી રમવાનો આનંદ કંઇક અનોખો જ અનુભવાતો હતો. બાળકો સાથે બાળકો બનીને અમે સૌ રમ્યા. તેમણે પહેલી વાર હોળી રમી હતી અને તે પણ પોતાની માલિકીની પિચકારીથી..

દીદી, અમે આ રાખીએ.. એક બાળકે પોતાની  પિચકારી બતાવતા કહ્યું,

હા..બેટા, એ તમારી જ છે. અને આ ગાડી પણ અમારી ? અમે આપેલ રમકડા બતાવતા તેણે  પૂછયું.

જતી વખતે અમે સંચાલકોને કહ્યું કે થોડા દિવસ પછી અમે પાછા આવીશું ત્યારે આ  બધા  બાળકો પાસે  તેમના આ રમકડાં હોવા જોઇએ.

દીદી, પાછા કયારે આવશો ?

આવતા મહિને ફરીથી  આવવાનું પ્રોમીસ આપી અમે પાછા ફર્યા.  આવતી વખતે અમે  તેમને પૂછયું,

‘ હવે આવીએ ત્યારે આ વખતે તમારે માટે શું  લેતા આવીએ ?

એક સાતેક  વરસની  છોકરીએ ધીમેથી જવાબ દીધો.

દીદી, મારી માને  લાવશો ?

સંચાલકે કહ્યું કે આ છોકરી હજુ હમણાં  જ નવી આવી છે. તેની મા થોડા સમય પહેલા જ મરી ગઇ છે અને તેનો બાપ તેને અહીં મૂકી ગયો છે.

તે છોકરી આશાભરી નજરે અમારી સામે જોઇ રહી હતી. તેમની બધી ફરમાઇશ અમે પૂરી કરી હતી તેથી તેને કદાચ આશા બંધાઇ હતી ..અમારામાં શ્રધ્ધા જાગી હતી કે અમે તેની આ ફરમાઇશ પણ  જરૂર પૂરી કરીશું.

અમારી પાસે તેના આ પ્રશ્નનો કોઇ જવાબ નહોતો. એક વસ્તુ અમે માર્ક કરી..કે અનાથાશ્રમની કુલ 60ની સંખ્યામાં પીસ્તાલીસ  છોકરીઓ હતી અને ફકત પંદર  છોકરા હતા.!

એ રાત્રે ભીતર આનંદ, સંતોષ અને કરૂણા્થી છલકાતું હતું આખી રાત ઉંઘમાં પણ એ બાળકોના ટહુકા મનમાં ગૂંજતા રહ્યા.  

એ પછી અમે બધા   કલબમાં એ બાળકો માટે સોફટ ટોયઝ જાતે બનાવીએ છીએ.  જેથી આવતે મહિને તેમને માટે લઇ જઇ શકાય.

પણ.. મને મનમાં ડર પણ લાગે છે કે આવતે મહિને ફરીથી એ બાળકી મને પૂછશે દીદી, મારી માને લઇ આવ્યા ? તો હું શો જવાબ આપીશ ?

 ( અખંડ આનંદમાં પ્રકાશિત )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s