પ્લેટફોર્મ નંબર..1

પ્લેટફોર્મ નંબર એક  ( અભિયાન મેગેઝિનમાં પ્રકાશિત વાર્તા..મે 2015 )

 

હજુ અજવાસના પગરણ નહોતા મંડાણા.. સૂર્યના ઝગમગ  બિંબને  ક્ષિતિજની અટારી પર મૂકાવાને  વાર હતી.  છતાં અધીરું થઇ ગયું હોય તેમ ભળુભાંખળું અજવાળું  ડોકિયા કરવા મથી રહ્યું હતું. અહીં કંઇ  સવાર આળસ મરડીને ધીમે ધીમે  બેઠી  નહોતી થતી. અહીં તો દૂરથી ગાડીની વ્હીસલ સંભળાય અને સવાર ફટાફટ બેઠી થઇ જાય. 

 

રાત દિવસ સતત ધમધમતા આ  રેલ્વે સ્ટેશન પરની  સવાર  ચાય ગરમ, કે આજના તાજા સમાચાર ના પડઘાતા શોર સાથે ઉઘડતી. ગરમાગરમ ચા  અને ગાંઠિયાની તાજી સુવાસથી મુસાફરોની નીંદરની પૂર્ણાહૂતિ થતી. સેંડવીચ, કટલેસના ખૂમચા કે  ચાની કીટલી લઇને એક ડબ્બેથી બીજા ડબ્બા તરફ પતંગિયાની માફક ઉડી રહેતા છોકરાઓના કલબલાટથી  સ્ટેશન ધમધમી ઉઠતું.

 

ગાડીની વ્હીસલ વાગે અને  વહેંચનાર, ખરીદનાર બધા સાબદા. રાતભર જંપેલો સૌનો જઠરાગ્નિ સવાર પડતાની સાથે જ જાગી ઉઠે.  

 

સ્ટેશન આવતા જ રઘવાયા બનેલા લોકોની  ચડવા કે  ઉતરવાની  હોડ મચતી. માથા પર બોજ ઉંચકીને  દોડતા કુલીના હાથમાં એકાદ થેલો વધારે પકડાવી સંતોષ પામેલ લોકો કુલી પાછળ દોડી રહેતા.

 

ધ્યાન રાખીને જજો..પહોંચીને ફોન કરી દેજો.. ની સૂચનાઓ વાતાવરણમાં પડઘાઇ  રહેતી. પૂનમની રાતે ઉછાળા મારતા સમુદ્રના મોજાની જેમ અનેક ભાવોની ભરતી અહીં દેખા દેતી રહે. કયાંક  છૂટા પડતાં સ્વજનના  વિરહની ઉદાસીની છાંટ નજરે ચડતી તો કયાંક  આવનારને હેતથી ભેટી પડતી ક્ષણો પણ  દેખા દેતી.

   કોઇ અણગમતા અતિથિને વિદાય આપીને   છૂટયાનો હાશકારો અનુભવતું હોય તો  કોઇ આ બધાથી બિલકુલ અલિપ્ત બનીને  નિર્મોહીની માફક બેસી રહ્યું હોય. બિલકુલ સાક્ષી ભાવે.

 

કેટકેટલા કાળા, ધોળા કે   મેઘધનુષી દ્રશ્યો એકી સાથે સ્ટેશનના રંગમંચ પર ભજવાતા  રહે છે.

 

આ બધા કલબલાટની વચ્ચે પ્લેટફોર્મ નંબર એક પર  બાર તેર વરસનો  કિસનો પણ  ચાય ગરમ ની બૂમ સાથે  એક હાથમાં ચાની કીટલી અને બીજા હાથમાં  નાનકડાં ગ્લાસ લઇ એક ડબ્બાથી બીજા ડબ્બા તરફ   ઉડી રહેતો અચૂક જોવા મળે.  સૌથી વધારે ઘરાકી આ સમયે જ થતી. સવારમાં ઉઠતાની સાથે જ ચા પીવાવાળાની સંખ્યા સ્વાભાવિક રીતે જ વધારે હોવાની. પછી તો છેક નમતી બપોરે જમ્યા પછી ત્રણ ચાર વાગ્યે વારો આવતો. 

 

જોકે આ બધાની કોઇ અસર  દસ વરસની ગીતલી પર નહોતી થતી. એ તો ઉંઘરેટી આંખે પ્લેટફોર્મના એક ખૂણામાં અર્ધપાગલ નાનીને વળગીને નિરાંતે સૂઇ રહેતી. આમ પણ સવારના પહોરમાં તેનું પાણી પીવાવાળું ખાસ કોઇ મળતું નહીં. હા, ધોમધખતી બપોરે એક નાનકડી ડોલમાં  પાણીના પાઉચ લઇને  તે દોડી  રહેતી. ઠં..ડા પાની  નો તેનો લહેકો એવો તો મીઠો ગૂંજતો કે સાંભળનારનું ધ્યાન એકવાર તો તેની તરફ  જરૂર ખેંચાય જ.

 

 ગીતલી  પ્લેટફોર્મ નંબર એક  પર  સાવ અચાનક રીતે  જાણે સાતમા  પાતાળમાંથી ફૂટી નીકળી હતી.

 

  એકવાર ગીતલી બે પગે ઉંચી થઇને બારીમાંથી કોઇને ગ્લાસ અંબાવવા મથી રહી હતી પણ હાથ પહોંચતો નહોતો. ચાની કીટલી લઇને દોડતા કિસનાએ તે જોયું. તે દોડી આવ્યો અને ગ્લાસ અંબાવી દીધો. ગીતલી હસી રહી. બસ..એ હાસ્યે બંનેને જોડી દીધા. ગાડી ઉપડી ગયા પછી બંને પાછા વળ્યા ત્યારે ગીતલીની વાત પરથી કિસનો ફકત એટલું જાણી શકયો કે ગીતલી  પોતાની નાની સાથે હવે આ પ્લેટફોર્મ  પરની સદસ્ય બની છે.

 

  નોકરીમાં કોઇની  બદલી થાય અને સ્થળાંતર થાય તેવી રીતે ગીતલીનું  તેની અર્ધપાગલ નાની સાથે અહીં સ્થળાંતર થયું હતું. કયાંથી ? કયાં ? એ બધી  ચોક્કસ માહિતી ગીતલી આપી શકી નહોતી.  અલબત્ત કિસનાને તેની સાથે ઝાઝી નિસ્બત પણ કયાં હતી ? અહીં વસતી દરેક વ્યક્તિ પાસે એક પોતીકી કથા અને  વ્યથા હતી. જોકે કિસના અને ગીતલી જેવા પણ અનેક હતા જેમની કથાની તેમને ખુદને કે કોઇને ખબર નહોતી. સાગરપેટુ સ્ટેશન વરસોથી જાતજાતની કથાઓ સંઘરતું આવ્યું છે.

 

કદીક કિસનો અને ગીતલી ટ્રેનમાં ગાતા પણ જોવા મળી જાય છે. ખડખડાટ હસતી રહેતી ગીતલીનો અવાજ મીઠો છે.  તેને ગાવું બહું ગમે છે. કિસનો ખંજરી વગાડે અને ગીતલીના ગળામાંથી ટહુકા ફૂટે.

 

ગીતલીના હાસ્યના પૂરમાં બાર વરસનો કિસનો તણાતો રહેતો. શૈશવ એટલે શું ? પ્રેમ,  લાગણી… એવા કોઇ ભાવથી અપરિચિત કિશોર  કોઇ અજ્ઞાત દોર વડે આપોઆપ ગીતલી સાથે વીંટળાતો જતો હતો. ગીતલીના જીવનમાં તો ભલે અર્ધપાગલ તો પણ નાની હતી. ગીતલી ઇચ્છે ત્યારે એને વીંટળાઇ શકતી. કિસનાની લાગણીઓને તો વીંટળાવાનો..ટીંગાવાનો એક માત્ર આધાર ગીતલી…

 

તો  ગીતલી માટે પણ ઠલવાવાનું એક માત્ર પાત્ર એટલે કિસનો.  કયારેક કોઇ મુસાફર ગમે તેમ બોલી ગયું હોય, કોઇ વાંધો વચકો આવ્યો હોય,  ગીતલી દોડીને કિસના પાસે પહોંચી જતી. મનનો બધો ઉભરો  ઠાલવી દેતી. કોઇ સમજણ સિવાય કુદરતના કોઇ અકળ નિયમને અનુસરતા  બે અબૂધ બાળકો  પન્નાલાલના મળેલા જીવની જેમ એકબીજા સાથે અંતરના  અકળ  તાણાવાણાથી ગૂંથાતા જતાં હતાં..

માનવી માત્રને કયાંક ઠલવાવાના એકાદા ઠામ ઠેકાણાની જરૂર તો પડે જ ને ?

  કિસનો અને ગીતલી ખુશ છે, કોઇ ફરિયાદ નથી. સાવ ધૂળ જેવી વાતમાં પણ  બંને કિલકિલાટ કરી ઉઠતા.

  આમ પણ જીવવા માટે જે જોઇએ  તે બધું જ તો તેમની  પાસે છે. આ પ્લેટફોર્મ નંબર એક  પર જ ભગુકાકાની રેકડીએથી પૂરી શાક,  પરોઠા , ખીચડી, પુલાવ  બધું  દસ રૂપિયામાં મળી રહે છે. ભગુકાકાની રેકડી તેમના જેવા અનેક છોકરાઓનો વિસામો છે.  ગીતલી કે કિસનાને મોટે ભાગે કદી સાવ ભૂખ્યા નથી  રહેવું પડતું. અરે, કદીક તો આઇસ્ક્રીમ ખાઇ શકાય એટલા પૈસા પણ મળી જાય છે.  કિસનાને અને ગીતલીને બંનેને આઇસ્ક્રીમ બહું વહાલો. જે દિવસે આઇસક્રીમ જેટલો જોગ થઇ જાય તે દિવસે તો ટેસડો પડી જતો. આમ પણ આઇસક્રીમ  રોજ રોજ ખાય તો મજા કયાં રહે ? એ તો કોક દિ..કોક દિ જ ખાવાની મજા આવે..અને તે પણ પોતાના કમાયેલા પૈસાથી…

 સૂવામાં પણ  કોઇ તકલીફ નથી.  ગરમી હોય ત્યારે  પ્લેટફોર્મના ખુલ્લા ભાગમાં સૂવાનું મળે છે.. સરસ મજાનો  ઠંડો પવન વીંટળાઇ વળે  છે. શિયાળામાં  અંદરની બાજુએ ગોદડું ખેંચીને લપાઇ જવાની મજા આવે છે.તો  ચોમાસામાં  પ્લેટફોર્મની પાછલી તરફના ખૂણામાં  જરાયે પાણી નથી પડતું. ઘસઘસાટ નીંદર આવી જાય છે.

અને ટ્રેનમાં ગીતલી સાથે ગાવાની મજાની તોલે તો બીજું કંઇ ન આવે. 

 કિસના કે ગીતલીને તો બસ જલસા છે.  એમને નથી એમના અતીતની જાણ કે નથી ભવિષ્યની ચિંતા, નથી કોઇ ફરિયાદ, નથી કોઇ કલ્પના, કે ન કોઇ શમણાં..બસ..જે છે તે આજની મોજ છે. આ પ્લેટફોર્મ તેમનું વહાલું ઘર છે, વતન છે..જે નામ આપો તે.

રોજ ઊગતો એક જ સૂરજ  સવાર પણ  રોજ એકસરખી જ લાવે એવું જીવનમાં  કયાં બનતું  હોય છે ?

કિસના અને ગીતલી માટે પણ આજે સૂરજ એક જુદી  સવાર લઇને આવ્યો હતો.

આજે  રોજની જેમ પાણીના  પાઉચ લઇને દોડવાને બદલે ગીતલી એક  નાનકડી છોકરીને તેડીને એને શાંત રાખવાનો પ્રયાસ કરતી પ્લેટેફોર્મ  પર આમતેમ ફરતી હતી. અને વિચારતી હતી કે કિસનો જલદી આવે તો સારું. આવડીક  છોકરી કંઇ તેમની જેમ વધારે વાર ભૂખી થોડી રહી શકે ?

 ત્યાં  હાંફતો  હાંફતો કિસનો આવ્યો. તેના હાથમાં આજે ચાની કીટલીને બદલે બિસ્કીટનું નાનકડું પેકેટ અને પ્લાસ્ટીકના નાના ગ્લાસમાં થોડૂં દૂધ હતું.

 

ગીતલીએ છોકરીને ધીમે ધીમે દૂધ પીવડાવ્યું. અને  ભૂકો કરીને  બે બિસ્કીટ ખવડાવ્યા. પેટની આગ શમતા છોકરી ગીતલી સામે જોઇ હસી પડી.ગીતલીએ છોકરીને વહાલથી ચૂમી ભરી લીધી.

‘ કેવું મજાનું હસે છે નહીં ? ‘ કિસનો બોલી ઉઠયો.

‘ એ ય કિસના, નજર ન નાખતો. છોકરી માંદી પડે.’

 આજે ગીતલી જાણે નાનકડી મા હતી.

‘  હવે જા..નજરવાળી ન જોઇ હોય તો મોટી. સવારે હું જ તો એને પાટા વચ્ચેથી દોડીને તેડી લાવ્યો’તો. એને મારી નજર લાગવાની ? જો જરીક અમથો મોડો પડયો હોત  તો સામેથી આવતી ગાડી ફરી વળી હોત આની પર.

‘ હા, મેં એ જોયું ‘તુ એટલે તો બૂમ પાડતી હતી. મને  એવી બીક લાગતી હતી..મારી તો આંખ બંધ થઇ ગઇ હતી. ‘

‘ એમ ડર્યે થોડો પાર આવે ? કોઇને મરવા થોડું દેવાય ? ‘

‘ એ તો સાચું. પણ તને કંઇ થાત તો ? ‘

‘ મને વળી શું થાવાનું ? આ ગાડી, આ પાટાઓ તો આપણા માઇ બાપ.. એ આપણને કંઇ ન કરે. આપણે તો રોજ કેટલી વાર આ પાટાઓ ઠેકીને દોડીએ છીએ. એ શું આપણને નહીં ઓળખતા હોય ? ‘

‘ કિસના, આ કોની છોકરી હશે ? કેવી મજાની છે નહીં ? કેવડી હશે ? એને આમ પાટા પર કોણે મૂકી દીધી હશે ? ‘

‘ કોની હશે એ તો ભગવાન જાણે. અત્યારે તો મારી છે. ‘

‘ તારા એકલાની નહી..મારી યે છે.’

‘ તું  હજુ નાની છો.’

‘ અને પોતે જાણે બહું મોટો.’

‘ તારા કરતા મોટો જ ને ? ‘

‘ ગીતલી, આનું નામ કંઇક ગોતવું જોઇએ.’  

‘ હા.. શું નામ પાડીશુ એનું ?’

એક મિનિટ કહીને ગીતલી કેવા યે ઊંડા ચિંતનમાં પડી ગઇ.

‘ હીરી રાખશું ? ‘

‘ અહં..સરસ નામ ગોત..’

‘ મંજુ, સવિતા,શાંતિ, રમા…’

પણ કિસનાનું ઉંહુ ચાલુ રહ્યું.

એનાથી આગળ નવા નામ ગીતલી કયાંથી કાઢે ? 

આખરે ઘણી મહેનત પછી છોકરીનું નામ મીનુ નક્કી થયું.

‘ હા..એ સરસ નામ છે. પછી છોકરી સામે જોઇને કહે,’

‘ તો આજથી તારું નામ મીનુ, તને ગમ્યું ને ?’

મીનુ ગીતલીના વાળ ખેંચતી તાજી ઉઘડેલી કળી જેવું ખિલખિલાટ  હસતી હતી.

હવે ગીતલી અને કિસનાની દુનિયા નાનકડી મીનુની આસપાસ ગોઠવાઇ હતી. નવી જવાબદારીના ભાનથી રાતોરાત જાણે બંને મોટા થઇ ગયા હતા. કિસનો  હવે રાતે પણ ચાની કીટલી લઇને દોડે છે. વધારે પૈસા કેમ મળે એની ચિંતા આજ સુધી કદી નથી કરી.પણ હવેની વાત જુદી હતી. હવે તો વધારે મહેનત કરવાની છે. કદીક કોઇનો સામાન  ઉંચકવાનું કામ પણ હવે કરી  લે છે.  મીનુને તો દૂધ પણ આપવું પડે અને ટાઇમે ખવડાવવું પણ જોઇએ  ને ? ગીતલીને ગાડી આવે ત્યારે  દોડવું  પડે અને  એટલી વાર મીનુ  નાનીને સોંપવી પડે. બાકી  એ તો આખો દિવસ મીનુની પાછળ…

અર્ધપાગલ નાની પણ જાણે એકાએક ડાહી બની ગઇ છે.  મીનુ જરીક રડે ત્યાં તો કિસના, ગીતલી અને નાનીની દુનિયામાં   ઉથલપાથલ મચી  જતી.  નાની રઘવાયી થઇને ચીસાચીસ કરી મૂકતી.

  કયારેક થોડા પૈસાનો જોગ થઇ જાય તો મીનુ માટે પ્લાસ્ટીકનું એકાદ રમકડું આવતું. તો કદીક  કિસનો અને ગીતલી બંને એકાદ ટંક ભૂખ્યા રહીને પણ મીનુ માટે ગુજરીમાંથી બે ચાર કપડાં કે ઓઢવાની ચાદર લાવતા.

મીનુ તો કિસનો, ગીતલી અને નાનીના હેતને  ઝૂલે ઝૂલતી રહે છે.  દુનિયાથી સાવ બેખબર નાનીને પોતાની જાતનું યે પૂરું ભાન નથી.પણ કિસના, ગીતલી કે મીનુને તો નાની કદી ગાંડી નથી લાગી.

  કિસના કે ગીતલી સિવાય નાની મીનુને કોઇને અડકવા દેતી નથી. કોઇ અડવા જાય તો વાઘણની જેમ એની પર તરાપ મારે છે. અને મણ મણની ચોપડાવે છે.   

 પાગલ થતા પહેલા માનવી  પર શું શું વીતતું  હશે..કેવી  કેવી વેદનાના ડુંગરા ખડકાતા  હશે એ તો ઇશ્વર સિવાય કોણ જાણી શકે ?  કોઇ શિશુ પાગલ તરીકે થોડું જનમતું હોય છે  ? કેવી કેવી  વ્યથાના વીતક એને માનસિક સંતુલન ખોવડાવીને પાગલ બનાવતા હશે ?

મીનુ હવે ચાલતા શીખી ગઇ છે. ગીતલી હસતી જાય અને મીનુને  બોલતા શીખવાડતી જાય.

કિસનાને બતાવીને કહે,

‘ બોલ, મીનુ, કિસનો..ના,ના,  બોલ ભા..ઇ..

અને મીનુ ભા.. ઇ કહેતી હસીને  કિસનાને ચોંટી પડે  છે ત્યારે કિસનાને તો જાણે સ્વર્ગનો ખજાનો મળી જાય છે. 

‘ અને મીનુ, આ તારી બેન..ગીતલી..ગીતા, ના, ના તારી બેન..બોલ,  બેન બોલ..

મીનુ ગીતલીને વળગીને  બોલી ઉઠે . ‘મા..લી  બે..ન…’

કાલુ કાલુ બોલતી મીનુ બંનેને એવી તો વહાલી લાગે છે..

મીનુ ચાલતા શીખી એટલે  કિસનો  ગુજરીમાંથી એને માટે દસ રૂપિયાના  મજાના ઝાંઝર લઇ આવ્યો. એ માટે એને ફકત એક જ  ટંક ખાવાનું  જતું કરવું પડયું હતું.   

નાનકી મીનુ ઝાંઝર પહેરીને છમછમ ચાલે છે  એ જોઇને કિસના  અને ગીતલીને જાણે શેર લોહી ચડે છે.

કિસનો અને ગીતલી  ગાડીમાંથી પાછા વળે ત્યારે એમને આવતા જોઇ મીનુ હરખઘેલી બનીને દોડે અને કિસના અને ગીતલીના લંબાયેલા હાથમાં લપાઇ જાય.  

આજે ફરી એકવાર કિસના અને ગીતલી માટે  જુદી સવાર ઊગી હતી.

રોજના હસતા કિસનો અને ગીતલી આજે મૂંઝાયા છે. આજે સવારથી મીનુનું શરીર ગરમ હતું.  તેને સખત ઉધરસ ચડી હતી. તેને સતત રડતી જોઇને કિસનો અને ગીતલી ગભરાઇ ગયા.

‘ ગીતલી, મીનુને તાવ આવ્યો લાગે છે નહીં ?  

‘કિસના, હવે  શું કરીશું ? ‘

કિસનો અને ગીતલી સૂનમૂન બની ગયા. ગાડીઓ આવતી જતી રહી. પણ આજે કિસનો કે ગીતલી મીનુ પાસેથી ખસ્યા નથી.  બેમાંથી કોઇને ખાવા પીવાની સૂધ પણ નહોતી રહી. મીનુના શરીરે હાથ ફેરવતા બંને ચૂપચાપ બેસી રહ્યા. મીનુનું શરીર અંગારા જેવું ધખતું હતું. કશું ન સમજતી નાની પણ બેબાકળી બની હતી.

‘ ગીતલી, બોલને શું કરાય ?

‘ કિસના, મીનુને દાકતર પાસે લઇ જાઇએ તો  ?

અરે હા, એ તો મને સૂઝયું જ નહી. ચાલ જલદી..

પણ કિસના, દાકતર કયાં મળે ?

‘ ભગુકાકાને પૂછીએ..એને બધી ખબર હોય.  ‘

ભગુકાકાને પૂછતા કાકાએ તેને સરકારી હોસ્પીટલે લઇ જવાની સલાહ આપી. હોસ્પીટલ કયાં આવી એ પણ સમજાવ્યું.

કિસનાએ તાવથી ધીખતી,ખાંસતી મીનુને તેડી.  ગીતલી આપોઆપ તેની પાછળ દોરાઇ.

કિસનો અને ગીતલી  હોસ્પીટલનો રસ્તો પૂછતા પૂછતા   મીનુને લઇ ગાંડાની જેમ દોડતા રહ્યા.

આખરે હાંફતા હાંફતા બંને સરકારી હોસ્પીટલે પહોંચ્યા. આવડી મોટી હોસ્પીટલ જોઇ કિસનો મૂંઝાઇ ગયો. આમાં કયાં જવાનું ?

તેણે ગીતલી સામે જોયું. ગીતલીએ ચૂપચાપ  કિસનાનો હાથ દબાવ્યો.

 અથડાતા, કૂટાતા,  મીનુને સંભાળતા,  ગીતલી અને  કિસનો  આખરે કેસ કાઢવાની બારી સુધી પહોંચ્યા.  

 મીનુ મીનુ…એ એક શબ્દ સિવાય તેને કે ગીતલીને કશું સૂઝતું નહોતું.

કેસ કાઢનારે યંત્રવત રોજિંદી ઘરેડથી પૂછયું

‘ નામ ? ‘

નામ ? કોનું ? સાવ સાદા સવાલનો જવાબ પણ આ પળે  કિસનાને સૂઝયો નહીં.

‘ અરે, પેશન્ટનું નામ પૂછું છું. આમ બાઘાની જેમ જોઇ શું રહ્યો છે ? આ છોકરી માંદી છે ને ? એનું નામ પૂછું છું.

‘ મીનુ..એનું નામ મીનુ છે. ‘ કિસનાએ ઉતાવળથી જવાબ આપ્યો.

‘ પિતાનું નામ ? ‘

કિસનો ગૂંચવાયો.

મીનુના પિતાનું નામ ? એની તો કિસનાને પણ કયાં ખબર હતી?

‘ અરે, જલદી બોલ..અહીં આટલી લાઇન છે દેખાતી નથી ? ‘

‘ કિસનો..કિસનો નામ છે મીનુના બાપનું.’

‘ સરનામુ ? ‘

સરનામુ ? કિસનો વળી ગૂંચવાયો.

‘ સ્ટેશન ઉપર..પ્લેટફોર્મ નંબર એક. ‘  

એટલું તો માંડ માંડ બોલી શકયો કિસનો.

કેસ કાઢનાર ન જાણે શું  સમજયો.  પણ તેણે કંઇક લખીને  કેસ પેપર કિસનાના હાથમાં સોંપતા કહ્યું,

‘ સામે લાઇનમાં  બેસી જજે. વારો આવશે એટલે બોલાવશે. તારું નામ બોલાય એટલે અંદર દાકતર પાસે જવાનું.  આ છોકરાના ચહેરા સામે જોઇને ન જાણે કેમ પણ  તેને દયા આવી ગઇ હતી અને કદાચ તેથી જ થોડી વિગત સમજાવીને તેણે કર્તવ્ય બજાવ્યાનો સંતોષ લીધો.

ગીતલી મીનુને ખોળામાં લઇને બેઠી.  કિસનો દાકતરની કેબિન સામે  આંટા મારતો રહ્યો. ગીતલીએ જોયું કે  હવે મીનુ રડતી નહોતી. તેથી તેને થોડી નિરાંત થઇ.  મીનુનું શરીર પણ  ગરમ નહોતું લાગતું. હાશ ! મીનુને સારું લાગે છે.

‘ કિસના, આપણી મીનુને હવે તાવ ઉતરી ગયો લાગે છે. જો..દાકતર પાસે પહોંચ્યા ત્યાં સાજી થવા લાગી. ‘

‘ ઇ બધી આપણને ન ખબર પડે.  દાકતર કહે ઇ જ  સાચું. ‘

આજે સવારથી ગીતલી કે કિસનાના પેટમાં પાણીનું એક ટીપું સુધ્ધાં નહોતું ગયું. પણ બેમાંથી કોઇને ભૂખ કે તરસનું સૂધ  કયાં   હતી ?

કિસનાની ધીરજ ખૂટતી જતી હતી. પૂરા બે કલાકે તેમનો વારો આવ્યો.

કિસનો અને ગીતલી ગાંડાની જેમ કેબિનમાં ઘૂસ્યા.  

‘ દાકતર સાહેબ, મીનુ..મીનુ…’

 આગળ શું બોલવું તે કિસનાને સમજાયું નહીં.

દાકતરે મીનુનો ઠંડોબોળ  હાથ પકડયો. તપાસવાની જરૂર ન લાગી.  

કિસનો કેવી યે આશાભરી નજરે દાકતર સામે જોઇ રહ્યો હતો. દાકતરનો હાથ અડશે અને તેની મીનુ સાજી થઇ જવાની. !

દાકતર સાહેબ, મીનુને જલદી જલદી દવા આપોને..મારી પાસે પૈસા છે હોં. કિસનાએ ખીસ્સામાંથી બે બે ચાર ચોળાયેલી નોટ કાઢી.

દાકતર વારાફરથી ગીતલી અને કિસના તરફ જોઇ રહ્યા. ન જાણે તેમને કિસનાની આંખમાં કોણ દેખાતું હતું ? અતીતની કોઇ પુરાણી યાદ ? કોઇ વણવિસરાયેલી  પીડાની કસક ?

‘ સાહેબ, જલદી દવા આપોને.’  કિસનાથી દાકતરનો વિલંબ સહન થાય તેમ નહોતો.

જવાબ આપ્યા સિવાય દાકતરનો છૂટકો નહોતો.  

તે દિવસે મોડી સાંજે… દાકતરની મદદથી મીનુને માટીમાં મેળવી મરેલ ઘો જેવા  કિસનો અને ગીતલી   ખાલી હાથે, ખાલી હૈયે  પાછા ફર્યા.

તેમને જોઇ પાગલ નાની ચકળવકળ આંખ ફેરવતી  બરાડી ઉઠી..’ મીનુ..મીનુ…’

ગીતલીની આંખો વરસતી હતી. કિસનો તો સાવ કોરો ધાકોર…

બે યુગ જેવા બે મહિના વીતી ગયા છે.  નાની પણ તેમને છોડીને મીનુને મળવા ઉપર પહોંચી ગઇ છે.

કિસનો અને ગીતલી ચાની કીટલી અને પાણીના પાઉચ સાથે પ્લેટફોર્મ નંબર એક પર હજુ યે દેખા દે છે પણ ટહુકતા નથી.

એક દિવસ….

  ફરી પાછી એક નવી સવાર…  

આજે અચાનક ગીતલી દોડતી આવી છે. તેના હાથમાં એક નાનકડું શિશુ…

‘ કિસના, જો આપણી મીનુ પાછી આવી. આને રાખીશુંને  આપણે ?  ‘

વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ કિસનાનું  માથું ત્વરાથી  નકારમાં જોશપૂર્વક  હલ્યું.

બપોરે  કિસનો અને ગીતલી એક  અનાથાશ્રમમાં પહોંચ્યા.. શિશુને સંચાલકોના હાથમાં સોંપ્યું.

અને ફરી એકવાર ખાલી હાથે કિસનો અને ગીતલી પાછા ફર્યા.

તે રાત્રે…

‘ ગીતલી, આ મીનુને તો આપણે બચાવી લીધી નહીં ? ‘

અને મીનુના ગયા પછી આજે પહેલી વાર કિસનો ધોધમાર રડી પડયો…મુશળધાર રડી ઉઠયો. સૂપડાધારે રડી ઉઠયો.

કિસના અને ગીતલીનું  આક્રંદ ગાડીની વ્હીસલમાં ગૂંગળાઇ રહ્યું  અને  પ્લેટફોર્મ નંબર એક જલકમલવત ધમધમતું રહ્યું.

 

One thought on “પ્લેટફોર્મ નંબર..1

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s