શરણાઇના નવા  સૂર..વાત એક નાનકડી.( published in sandesh )

ઘરમાં લગ્નની તૈયારીઓ તો શરૂ થઇ ચૂકી. પણ શુચિતાના મનમાં ઉત્સાહની જગ્યાએ અનેક પ્રશ્નો ખળભળી રહ્યા હતાં. બહારથી તો શાંત દેખાતી હતી પરંતુ ભીતરમાં લાવા ઉકળતો હતો. અલબત્ત મમ્મી, પપ્પા એ બધું સમજતા હતા. અને દીકરીને સમજાવવાના પ્રયાસો કર્યા કરતા હતા.

બાકી પહેલી વાર જયારે  લગ્નની વાત સાંભળી ત્યારે તો શુચિતા કેવી યે અકળાઇ ઉઠી હતી.

મમ્મી, લગ્ન અને એ  પણ દીપેન સાથે ? ન ભૂતો, ન ભવિષ્યતિ..

શુચિ બેટા, પ્લીઝ, તું શાંતિથી મારી વાત સાંભળ અને સમજવાનો પ્રયાસ કર.

મમ્મી, બધું જાણવા છતાં તમે આવું વિચારી શકો છો ?

બેટા, જીવનમાં ન ગમતી અનેક વાતો સ્વીકારવી પડતી હોય છે. આપણું ધારેલું બધું થતું હોત તો તારી સાથે આવું થવા જ ન દેત ને ? બેટા, આપણે સમાજમાં રહેવું છે. સંજોગો સાથે સમાધાન કર્યા સિવાય બીજો કોઇ ઉપાય કયાં છે આપણી પાસે ? અને બેટા, જીવનમાં સમાધાન તો ડગલે ને પગલે  દરેક  વ્યક્તિને ભાગે વત્તે ઓછે અંશે કરવાનું આવતું જ હોય છે.

પપ્પા… કહેતી શુચિતા રડી પડી હતી. દીકરીનું આક્રંદ જોઇ મમ્મી, પપ્પાની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ? દીકરીની વ્યથા ન સમજે એવા જૂનવાણી નહોતા. પણ ઘણી વખત બધું સમજવા છતાં બીજો કોઇ ઉપાય નહોતો દેખાતો.

જે બની ગયું હતું એનો આઘાત, એ વેદના જીરવવી એમને માટે પણ  સહેલી નહોતી.

શુચિતા એ કડવી યાદ ભૂલી નહોતી શકતી અને એ સહજ જ હતું ને ? કોઇ પણ છોકરી માટે એ બધું ભૂલવાનું કયાં આસાન હોય છે ?

 એ યાદ જ એટલી ભયાનક લાગતી હતી..પોતાની સાથે કદી આવું બની શકે એવી તો  શુચિતાને કદી કલ્પના પણ કયાંથી આવી હોય ? છાપામાં અનેક વાર આવા સમાચાર વાંચ્યા હતા અને ભૂલાયા હતા પણ જયારે એ જ વાત પોતાની સાથે કે પોતાના સ્વજન સાથે બને ત્યારે એ જ વાત કેવી ભયંકર બની જતી હોય છે. કાશ ! એ સમયની એટલી મેમરી ડીલીટ કરી શકાતી હોત તો ? સમયના એ ખંડને ભૂંસી શકાતો હોત તો ? એ સ્મરણોની પીડા જીવનભર વેંઢારવી પડશે ?

એ બનાવ બન્યાના થોડા દિવસો પછી, આઘાતની થોડી કળ વળતા  શુચિતાએ પપ્પાને કહ્યું હતું,

પપ્પા, મારે પોલીસમાં ફરિયાદ કરવી છે. મારે ચૂપ નથી બેસી રહેવું.હું અન્યાય સહન નહી કરું. પપ્પા, મારી બદનામી ભલે થાય..પણ ગુનેગારને સજા તો થવી જ જોઇએ. મારા નસીબમાં જે થવાનું હશે તે થશે. પણ હું દીપેનને એના ગુનાની સજા અપાવીને જ રહીશ.

ત્યારે દિનકરભાઇ હચમચી ઉઠયા હતા. પોલીસમાં ફરિયાદ અર્થાત વરસો સુધી  કોર્ટના ધક્કા અને આખા કુટુંબની સમાજમાં બદનામી. જે થવાનું હતું એ તો થઇ ચૂકયું હતું હવે એમાં કોઇ ફેરફારને અવકાશ કયાં હતો ?

તેમણે દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બેટા, તારી વાત ખોટી નથી. હું  તારી બધી વાત સાથે સંમત છું અને અમે તારી સાથે જ છીએ. પણ બેટા, આ જિદ છોડી દે. પોલીસ કોર્ટમાં જાતજાતના સવાલો પૂછશે  જેના જવાબ આપવા સહેલા નહીં હોય. દીપેનનું કુટૂંબ આપણા કરતા વધારે  વગવાળૂં,  વધારે પૈસાવાળું છે. એ લોકો અનેક રીતે લાગવગ લગાવીને છૂટી જાય એવું પણ બને. અને આપણે ભાગે ન્યાયને બદલે બદનામી સિવાય કંઇ નહીં આવે.

પણ શુચિતા એકની બે નહોતી થઇ. પપ્પાની વાત ખોટી હોય કે સાચી પણ એને સ્વીકાર્ય નહોતી જ. તે મક્કમ હતી.

 પપ્પા, દીપેનનું નામ  અમારી કોલેજમાં આમ પણ બદનામ છે. બધી છોકરીઓએ એનાથી ફફડે છે. મારી સાથે જે થયું એ બની શકે બીજી કોઇ છોકરી સાથે પણ અગાઉ થયું હોય પણ બહાર ન આવ્યું હોય. આવા છોકરાને સજા થવી જ જોઇએ. નહીંતર હજુ ન જાણે કેટલી છોકરીઓને તે આમ હેરાન કરશે? કોઇએ તો આગળ આવવું જોઇશે ને ? તમે જ તો શીખવાડયું છે  કે અન્યાય સહન કરવો એ પણ એક ગુનો છે.

હા, બેટા..તારી બધી વાત સાચી પણ…

પ્લીઝ..પપ્પા,

શુચિતાનો ભાઇ બહેન સાથે હતો. એ બહેનની વાત સાથે સહમત હતો, એણે મમ્મી, પપ્પાને સમજાવ્યા. એ શુચિતાથી પાંચેક વરસ મોટો હતો. અને એક વરસ પહેલા જ તેના લગ્ન થયા હતા.શુચિતાની ભાભી પણ શુચિતા જેવડી જ હતી. બંને વચ્ચે નણંદ ભાભીના નહી પણ બહેનપણીનો સંબંધ વધારે હતો. તેણે પણ ઘરમાં બધાને સમજાવ્યા. 


 

અને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ… પણ ફરિયાદના બીજા જ દિવસે આખી વાતે એક નવો જ વળાંક લીધો. ફરિયાદ  થયાના  બીજે જ દિવસે… દીપેનના  ઘેરથી શુચિતાના લગ્નનું માગું આવ્યું.

દીપેનના પિતા શુચિતાને ઘેર આવ્યા હતા. અને શુચિતાના પપ્પાને સમજાવતા કહ્યું હતું,

જુઓ દિનકરભાઇ, જે થવાનું હતું તે થઇ ચૂકયું. દીપેન વતી હું માફી માગું છું. અમે તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવવા તૈયાર છીએ. નાહકની સમાજમાં બંને કુટુંબની બદનામી થાય એના કરતા દીપેન સાથે જ એના લગ્ન થાય તો પછી બીજો કોઇ સવાલ જ ન રહે ને ?  દીપેને નાદાનીમાં આવી મોટી ભૂલ કરી નાખી છે. પણ હવે એને પસ્તાવો છે એ તેની ભૂલ સુધારવા માગે છે.

ઘણી ચર્ચા બંને વચ્ચે થઇ હતી. દિનકરભાઇએ દીપેનને મળવાની વાત કરતા તેના પિતાએ કહ્યું હતું

દીપેન તમને મોં બતાવતા શરમાય છે. શું મૉઢું લઇને આવે તમારી પાસે ? એક વાર ઘીના ઠામમાં ઘી પડી રહેવા દો.. ધીમે ધીમે બધું બરાબર થઇ જશે.

બસ શુચિતાને તમે સમજાવો કે ફરિયાદ પાછી ખેંચી લે.

અને ઘણી સમજાવટ પછી શુચિતાના મા બાપ દીકરીને મનાવી શકયા હતા. તેમને હતું કે હવે દીકરીનું લગ્ન કરવામાં તકલીફ પડશે અને જો દીપેનને સાચો પસ્તાવો થયો છે તો એની સાથે જ લગ્ન થાય તો કંઇ ખોટૂં ન કહેવાય. કુટુંબ પૈસાવાળું છે. બીજો કોઇ વાંધો નહીં આવે.નકામી પોલીસની પળોજણમાં કયાં ફસાવું ?

પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાઇ. એક મહિનામાં લગ્ન કરવાનું નક્કી થયું. તારીખ અને મહૂરત જોવાયા. બંને ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ.

અંતે શુચિતાએ પરાણે હા પાડી હતી.પણ એને દીપેન માટે નફરત હતી. આ પહેલા પણ દીપેન કોલેજમાં ઘણી છોકરીઓની છેડતી કરી ચૂકયો હતો. કોલેજમાં દીપેનનું નામ મવાલી તરીકે બદનામ થયેલું હતું.જેના માટે દિલમાં કોઇ આદર, સન્માન ન હોય, ફકત નફરત હોય એવા છોકરાને પતિ તરીકે સ્વીકારવા શુચિતાનું મન કેમે ય તૈયાર નહોતું. તેણે મમ્મી, પપ્પાને તો હા પાડી.પણ ભાઇ, ભાભી સાથે પોતાનું દિલ ઠાલવ્યું. અને પોતાની અનિચ્છા જણાવી.

અને ભાઇ ભાભીએ મળીને કશુંક નક્કી કરી નાખ્યું.

લગ્નનો દિવસ આવી પહોંચ્યો. ધૂમ ધડાકા સાથે જાનનું આગમન થયું. લગ્નમંડપમાં વરરાજા ગોઠવાયા. અને કન્યા પધરાવો સાવધાનની ગોરમહારાજની બૂમ પડી.

શુચિતા મંડપમાં આવી.અને તેણે ધડાકો કર્યો.

આવા નરાધમ પુરુષ સાથે જિંદગી જોડવા હું કોઇ રીતે તૈયાર નથી. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી એથી ગભરાઇને આ લોકોએ લગ્ન માટે મારા માબાપને તૈયાર કર્યા હતા.અને મેં  એ વાત સ્વીકારી હતી. પોલીસમાં ફરિયાદ ભલે તેમણે પાછી ખેંચાવી લીધી છે. પણ આજે આટલા બધા સ્વજનોની હાજરીમાં હું તેને નકારું છું અને જાનને પાછું ફરવું પડશે એ જ એની સજા છે. બીજા કોઇ દીપેનને દીકરી દેતા પહેલા સો વાર વિચાર કરે એવી હું બધાને વિનંતી કરું છું. પોલીસ સજા કરે કે નહી, હું એને સજા કરું છું

દીપેન ઉશ્કેરાયો..તારા જેવી છોકરી સાથે હવે કોણ પરણે છે એ હું પણ  જોઇશ.

અત્યારે જ જોવાની છૂટ છે. જુઓ આ છે આજનો દુલ્હો..આજનો વરરાજા.

 શુચિતાના ભાઇ ભાભી  વરરાજાના ડ્રેસમાં સજ્જ એક યુવકને લઇને આગળ આવ્યા. શુચિતાના મમ્મી, પપ્પા તો જોઇ જ રહ્યા.

શુચિતાની ભાભીનો એ કઝિન ભાઇ હતો. જેની સાથે બધું અગાઉથી ગોઠવાઇ ચૂકયું હતું. ભાભીના પિયરના બધા જ હાજર હતા. યુવક, અવિનાશે કહ્યું,

બળાત્કાર એ સ્ત્રીનું નહીં, પુરુષનું કલંક છે. અને હું પૂરા સ્નેહ અને આદરથી શુચિતાને અપનાવું છું.

અને ધામધૂમથી લગ્ન સંપન્ન થયા.દીપેનની જાન વીલા મોઢે પાછી ફરી. શુચિતાએ સંતોષનો શ્વાસ લીધો.

વાતાવરણમાં શરણાઇના મંગલ સૂર ગૂંજી રહ્યાં.

 

2 thoughts on “

  1. સમાજમાં પ્રેરણા આપતી એક સુંદર વાર્તા…… અને આજના જમાનામાં જો સારી અને યોગ્ય કન્યા મળતી હોય તો અવિનાશ જેવાઓને પણ છોછ હોતો નથી, હા, તેના કુટુંબોને કદાચ ન ગમે, પણ આવા મરજીવાઓ પોતાને જે યોગ્ય લાગે તે કરવાનાજ.. અવિનાશ જેવાઓને અભિનંદન….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s