અત્તરકયારી..

 

અત્તરકયારી..

                                                         ઇશ્વર સજા કરે છે એવું લાગે છે ?

તૂ પંખ લે લે , મુઝે સિર્ફ હૌસલા દે દે

ફિર આંધિયો કો મેરા નામ ઔર પતા દે દે..હરીશ ધોબી

જીવનમાં  આવી બુલંદી કયારે પ્રગટી શકે ? જયારે આપણને  આપણી જાતમાં, આપણા માતા પિતા પર કે પછી પરમાત્મા પર અખૂટ શ્રધ્ધા હોય ત્યારે  આવા કોઇ પડકારની ખુમારી માણસમાં પ્રગટી શકે છે. કોઇ પર વિશ્વાસ હોવો બહું મોટી વસ્તુ છે.

મને યાદ છે.વરસો પહેલાં હું સ્કૂલમાં ભણાવતી હતી ત્યારે એક વિધ્યાર્થી મને હમેશા તેના માતા પિતાની ફરિયાદ કર્યા કરતો કે તેના પપ્પા બહું કડક સ્વભાવના છે. અને થોડી પણ ભૂલ થાય તો બહું ગુસ્સે થાય છે. સ્વાભાવિક રીતે જ તેના મનમાં તેના પિતા વિશે આક્રોશ ભર્યો હતો. હું તેને મારી રીતે સમજાવવાનો પ્રયાસ કરતી પણ તેની કોઇ ખાસ અસર નહોતી થતી.

એક દિવસ સ્કૂલના કોઇ કાર્યક્રમ વખતે મોટી, જાડી  જાજમ પાથરેલી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ એને બરાબર ખંખેરી, ઝાટકીને ગડી કરીને મૂકવાની હતી. એ વિધ્યાર્થી પૂરા  ખંતથી જાજમને જોશથી ઝાટકીને અંદરની ધૂળ ઉડાડી રહ્યો હતો. મેં અચાનક તેની પાસે જઇને તેને પૂછયું

અરે, જાજમને આમ મારે છે કેમ ?

તેણે આશ્વર્યથી મારી સામે જોયું અને પછી જવાબ આપ્યો.

ટીચર, હું  કંઇ એને મારતો નથી.હું તો એની ઉપરની ધૂળ ખંખેરીને એને સાફ કરું છું.

મેં તક ઝડપી લીધી અને તેને સમજાવ્યું કે બસ જ રીતે તારા પિતાને કંઇ તને મારવાની કે ખીજાવાની ઇચ્છા નથી થતી કે મજા નથી આવતી. તારામાં કોઇ ધૂળ, કોઇ અવગુણ રહી ન જાય અને તું સાફ બનીને જીવનમાં ચમકી રહે. એ માટેના તેના પ્રયાસોને તું માર કે ગુસ્સો કેમ સમજી લે છે ?

જીવનનું પણ આવું જ છે ને ? જીવનમાં  કોઇ દુખ, કોઇ મુશ્કેલી , સંઘર્ષ આવે ત્યારે આપણે  એ જ શ્રધ્ધાથી વિચારવાનું છે કે ઇશ્વર આપણા પરની ધૂળ ખંખેરી રહ્યો છે. આપણા ભીતરને અજવાળવા  માટે.

આવી જ કોઇ વાત યાદ આવે છે.

એક વાર એક શિક્ષક તેમના વિધ્યાર્થીઓને  વાઇલ્ડ લાઇફ નેશનલ પાકમાં લઇ ગયા હતા. ત્યાં ગાઇડની સાથે શિક્ષક અને વિધ્યાર્થીઓ જંગલમાં પ્રાણીઓ જોવા નીકળ્યા. વચ્ચે વચ્ચે શિક્ષક અને ગાઇડ વન્ય  પશુઓ વિશે જાણકારી આપતા રહ્યા. બાળકોને ખૂબ આનંદ આવતો હતો. અનેક પ્રાણીઓ, પંખીઓ વગેરે જોઇને તેઓ રોમાંચિત થતા હતા.

ધીમે ધીમે તેઓ આગળ વધતા જતા હતા ત્યાં અચાનક ગાઇડે તેમને એકદમ શાંત રહેવા જણાવ્યું. અને  ધીમેથી કહ્યું,

જુઓ પેલી તરફ  એક  દુર્લભ દ્રશ્ય દેખાય છે. એકદમ ચૂપચાપ મૌન બનીને શાંતિથી જુઓ. એક માદા હરણ બચ્ચાને જન્મ આપી રહી છે. હમણાં કશું જ બોલશો કે પૂછશો નહીં.

બધા એકદમ જ ચૂપ થ ઇ ગયા. અને આતુરતાથી એ દ્રશ્ય જોઇ રહ્યા.માદા જિરાફ ખૂબ  લાંબી હતી. બચ્ચાનો  જન્મ  થતા  જ બચ્ચું લગભગ 8 થી દસ ફૂટની ઉંચાઇએથી નીચે પડયું. પડવાની સાથે  જ ડરી ગયેલા બચ્ચાએ પોતાના પગ અંદરની તરફ વાળી લીધા જાણે હજુ પણ એ માના પેટમાં જ હોય.

બાળકો ઉસુકતાથી બધી ક્રિયા  જોઇ રહ્યા હતા. અચાનક  જિરાફે બચ્ચાને જોશથી લાત મારી. બચ્ચું આખું પલટી ખાઇ ગયું. બાળકો ગભરાઇ ગયા તેમણે ધીમેથી શિક્ષકને કહ્યું,

 સર જિરાફને રોકો નહીંતર એ તો બચ્ચાને મારી નાખશે.

શિક્ષકે ફરીથી તેમને શાંત રહેવા કહ્યું

બચ્ચું હજુ પણ જમીન પર પડયું હતું. જિરાફે ફરીથી બચ્ચાને જોશથી બે ત્રણ લાત મારી. હવે બચ્ચું ધીમે ધીમે ઉભું  થયું. અને ડગમગતી ચાલે બે ચાર પગલાં  ભર્યા. માદા જિરાફ ચાલવા લાગી.  બચ્ચું  પણ ડગુમગુ પગે તેની માની પાછળ ધીમે ધીમે ચાલતું રહ્યું. થોડી વારમાં બંને દેખાતા બંધ થયા

બંને દેખાતા બંધ થયા પછી બાળકોએ શિક્ષકને પૂછયું,

સર,  જિરાફ પોતાના જ બચ્ચાને લાત કેમ મારતી હતી ? કયાંક બચ્ચાને લાગી ગયું હોત તો ?

ત્યારે શિક્ષકે સમજાવ્યું,

જંગલમાં સિંહ, વાઘ વગેરે જંગલી પ્રાણીઓ હોય છે જેની નજરે જો આ બચ્ચું ચડે તો તેમને તુરત મારીને ખાઇ જાય.  જંગલમાં આવા પ્રાણીનું જીવન એ વાત પર નિર્ભર હોય છે કે બચ્ચું કેટલું જલ્દી પોતાની જાતે ચાલતા શીખી જાય છે. અગર એની મા એને લાત ન મારત અને  એમ જ પડયું રહેવા દેત તો કોઇ જંગલી  જાનવર એને ચોક્કસ ખાઇ જાત.

પછી શિક્ષકે પોતાની વાત આગળ સમજાવતા  કહ્યું

બેટા, બરાબર આ જ રીતે તમારા માતા પિતા પણ ઘણી વાર તમને ટપલા મારી લે કે ખીજાતા હોય છે. એ  સમયે તમને ખરાબ પણ લાગતું હશે. અને માબાપ પર ગુસ્સો પણ આવતો હશે. પણ જયારે મોટા થયા પછી કદીક પાછળ વળીને જોશો તો સમજાશે કે કદાચ માબાપની શિક્ષાએ જ  તમને આગળ વધારીને અહીં સુધી પહોંચાડયા છે. માટે કદી માબાપના ખીજાવા સામે ન જોશો. એની પાછળનો એનો હેતુ તમારું સારુ કરવાનો જ હોય છે. માટે માતા પિતા પર અને એ જ રીતે આપણા પરમ પિતા પરમેશ્વર પર શ્રધ્ધા, વિશ્વાસ રાખતા શીખો.

સંઘર્ષ સિવાય જીવનમાં સફળતા કોને સાંપડી છે ? સમ્ઘર્ષથી જે નીખરી શકે છે એ મંઝિલ પ્રાપ્ત કરી જ લે છે.પણ સમ્ઘર્ષથી જે વિખેરાઇ જાય છે, હલબલી જાય છે એનાથી સફળતા દૂર જ રહેવાની ને ?

દોસ્તો, આપણે  સૌ જાણીએ છીએ કે  મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી હોય તો લહેરો ગૂંજતી નથી. નદીમાં પથ્થર હોય ત્યારે જ એ ખળખળ નાદે વહી શકે છે ને ?

 ( ગુજરાત ગાર્ડિયનમાં પ્રકાશિત થતી નિયમિત કોલમ )

4 thoughts on “અત્તરકયારી..

 1. સરસ દાખલા સાથે માં બાપના ગુસ્સાને બિરદાવ્યો છે.હવે કાયમ ગુસ્સામાં રહેતા માંબાપને ગુસ્સાને બદલે સમજાવટથી બાળકોને સુધારવા માટે પણ એકાદ આર્ટીકલ થઈ જાય!

  Liked by 1 person

 2. નિલમબેન ખૂબજ સરસ . વિશ્વાસે તો જીવન નાવ ચાલે છે બસ એક ડગલું ઈશ્વરના માર્ગે ચાલવાનું જ રહે છે. આપણે આત્માના પરમ શિક્શક, સદ્ગુરુ અને પરમપિતાને ઓળખીને ચાલતા જ રહીએ એવી પરમકૃપાળુ પરમાત્માને અંતઃકરણની સૌ ની પ્રાર્થના.
  ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, તુજ માર્ગે ચાલવા હવે મા રે એક જ ડગલું મુજ થાય. સુપ્રભાત….☺🚶🏃🌹⛅🎪🇺🇸🇭🇦

  Like

 3. નિલમબહેન;
  સુંદર લેખ અને લેખ દ્વારા સંદેશ. ખાસ કરીને મા-બાપને મીઠો લાગે તેવો.
  કોઈ મા-બાપ પોતાના સંતાનનુ અહિત નથી ઈચ્છતો હોતો એ જેટલું સાચું છે તેટલું જ સાચું એ પણ છે કે મોટાભાગના મા-બાપને એ ખબર જ નથી હોતી કે તેના સંતાનોનુ હીત શેમાં છે.
  ક્યાં પ્રેમ, ક્યાં ક્રોધ અને ક્યાં અને કેટલાં લાડ લડાવવા જોઈએ તે વિવેક ચુકી જવાને કારણે બાળમાનસ પર તેની વિપરીત અસરો જોવા મળે છે.
  મારે દેખ્યે ઘણા બધા મા-બાપ પોતાની આકાંક્ષાઓની પૂર્તિ તેમના સંતાનો દ્વારા થાય તેવી રીતે બાળઊછેર કરે છે અને પરિણામે જે બાળક એક સારો સંગિતકાર બની શકે તેમ હોય કે સારો બ્યુટિશીયન બની શકે તેમ હોય તેને ડોક્ટર કે એન્જીનીયર બનાવી દેવાની ઘેલછા જોવા મળે છે.
  મારી સમજ છે બાળકની જે પોટેન્શ્યાલીટી છે તેને વધુ વેગ મળે તે દિશામાં મા-બાપ પ્રયત્નશિલ હોવા જોઈએ સિવાય કે પોતાની આકાંશાઓ તેના પર થોપી બેસાડે. આના કારણે સંતાનો અને મા-બાપ વચ્ચે સંઘર્ષ સર્જાતો હોય છે.
  આપણે કાર ચલાવવી હોય તો કાર શિખવી પડે, લાયસન્સ મેળવવું પડે, મકાન બનાવવું હોય તો સિવીલ એન્જીનીયરની ડીગ્રી અને મકાન બાંધવાનો અનુભવ જરુરી છે. પરંતુ મા-બાપ બનવા અને બાળકોને ઘડવા કોઈ પ્રશિક્ષણ કે પ્રેક્ટીસની જરુર નથી હોતી. બસ એમ જ મા-બાપ બની જવાય. પછી અણઘડ મા-બાપ દ્વારા બાળકોનુ સર્જન, ઉછેર અને સંભાળ સામાજીક સમસ્યાઓનુ કારણ ન બને તો જ નવાઈ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s