જિંદગી ના મિલેગી દોબારા..

અત્તરકયારી..

                                                                        જિંદગી ના મિલેગી દોબારા

તું છીણી, તું શિલ્પી, અને પથ્થર પણ તું..

ઘડી લે આકાર જીવનનો.. જેવો  ચાહે તેવો તું..

.હમણાં માઠા દિવસો ચાલે છે. ગ્રહો સરખા નથી ચાલતા. હમણાં સમય જ ખરાબ છે. આવા અનેક વાકયો આપણે અવારનવાર સાંભળતા કે બોલતા  હોઇએ છીએ.પણ જીવનમાં ચડતી, પડતી તો આવતા જ રહેવાના.કુદરતના એ સનાતન ક્રમમાંથી કોઇ બાકાત ન રહી શકે. કોઇ દિવસ ખરાબ જાય, આપણૂં ધારેલું કશું ન થાય કે ઉલટૂં થાય, કે કોઇ આપત્તિ આવી પડે એનો અર્થ એવો હરગિઝ ન હોઇ શકે કે હવે આખી જિંદગી આવી જ જવાની.

ગઇ કાલને પાછળ મૂકી દઇને, એમાંથી પાઠ શીખીને બીજો દિવસ બગડવા ન દેવો એ માનવ તરીકે આપણું કર્તવ્ય છે.કાલનો દિવસ જે ગયો તે ગયો…પણ  આજનો દિવસ તમારી સામે ઉભો છે..નવો નક્કોર, વણસ્પર્શેલો, અનવદ્ય. તમે આજ સુધી જીવ્યા હો એના કરતા અને વધારે  સુંદર બનાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરો.  દરેક ક્ષણ જાગૃત રહીને જીવી શકાય તો આપણો દિવસ જરૂર રળિયામણૉ બની રહે.

સામાન્ય રીતે આપણે સૌ  ત્રણ સ્તરે જીવતા હોઇએ છીએ.   પ્રાઇવેટ..જયાં આપણા પોતા સિવાય અન્ય કોઇ નથી  પ્રવેશી શકતું. દરેક માનવીના મનમાં એકાદ ખૂણો એવો અવશ્ય હોવાનો જે એના મરણની  સાથે રાખમાં ભસ્મીભૂત થઇ જતો હોય છે.

બીજું સ્તર હોય છે.., પર્સનલ..અર્થાત એમાં એનું કુટૂંબ, એના નિકટના સ્વજનો, એના સંતાનો, માતા, પિતા વગેરેનો સમાવેશ થતો હોય છે. ત્રીજું સ્તર છે…  સોશિયલ ..સામાજિક..

જેમાં તેનો અનુબંધ, તેની નિસ્બત સમાજ સાથે જોડાયેલી હોય છે. આમ ત્રણ સ્તરે જીવતા માનવીને આ  ત્રણે સ્તર સાથે અનુકૂલન પણ જાળવવું પડે છે. આજનો દિવસ છે જ સુખી થવા માટે. એવું મનને પૂરી દ્રઢતાથી કહેતા રહો. સારા કે નરસા કોઇ દિવસો રોકી શકાતા નથી. These days also will pass. એ હમેશા યાદ રાખીએ. ગમે તેવો ખરાબ દિવસ પણ ચોવીસ કલાકથી લાંબો નથી હોવાનો અને ગમે તેવો મજાનો દિવસ પણ એટલો જ હોવાનો. સારા હોય કે નરસા દિવસોને તો વીત્યે જ છૂટકો.

ઘણી વખત એવું પણ બને છે કે આપણા દુખનું મૂળ આપણે પોતે નહીં પણ અન્ય કોઇ હોય છે.કેમકે આપણું મન  જાણ્યે, અજાણ્યે સતત અન્ય સાથે સરખામણી કરતું રહે છે. કયાંક વાંચેલી વાત યાદ આવે છે. 

એક સમડીને એક મરેલો ઉન્દર મળી ગયો. એને તો મિજબાની..જયાફત. થઇ ગઇ.  એ તો ઉન્દરને બરાબર પકડીને ઉડી.. એની પાછળ બીજી પચ્ચીસ સમડીઓ પડી.. સ્વાભાવિક રીતે જ એમને સમડીમાં નહીં પરંતુ  એણે પકડેલા ઉન્દરમા રસ હતો. એમને સમડી સાથે કોઇ દુશમનવટ નહોતી.પણ  એની પાસે ઉન્દર હતો એનો વાંધો  હતો.

કોઇને  મળ્યું અને આપણે રહી ગયા. એ ભાવથી આખો સમાજ પીડાતો હોય છે. અને આપણા અનેક દુખોનું મૂળ આપણી ગ્રન્થિમાં જ હોય છે.

પ્રત્યેક માણસમાં વત્તે ઓછે અંશે તો સ્વાર્થ હોવાનો જ.  એમાં કશું ખોટું  પણ નથી. આટલી સ્વીકૃર્તિ પછી એટલું  ખરુ કે દંભ કે સ્વાર્થમા પ્રમાણભાન હોવુ જોઇએ.. ઘરેણામાં મજબૂતાઇ માટે  અનિવાર્ય એવું થોડું તાંબુ ઉમેરવુ પડે..પણ આપણે તો  કરૂણતા એવી છે કે તાંબામાં  જરી અમથુ સોનુ નાખીએ છીએ અને જીવનનો  અને વરવો ઘાટ ઘડી બેસીએ  છીએ..

દરેક સવારે જીવન કિતાબનું  એક પાનુ ઉથલાવીને નવેસરથી શરૂઆત કરો. તમે આ ધરતી પર હેમખેમ છો  એ જ મોટી મિરાંત છે.દરેક દિવસ જે સોગાદ લાવે એનો સ્વીકાર કરો.

હજારો ઇચ્છાઓની રેશમગાંઠથી વીંટળાયેલ તન મન અને દિલોદિમાગનું જતન કરો.

હે ઇશ્વર, મારી પાસે પૂરતું છે,આકાશમાં સૂર્ય છે,માથા પર છાપરૂં છે, મારા હાથને કામ મળી રહે છે, ખાવા પીવાની ખેંચ નથી. અને પ્રેમ કરી શકું એવા માણસો છે. હે  ઇશ્વર, મારી પાસે પૂરતું છે.

કુદરતના રૂતુચક્રની જેમ માણસનું પણ રૂતુચક્ર છે.આપણી હયાતિનો સાચો લય છે જીવવું અને જતું રહેવું.

આપણે ચારેબાજુ તો દીવાલો ચણી લીધી છે. પણ આપણા પોતાના ઘરને પણ કયાં છોડયું છે ?ન દેખાય એવી વિશાળ અને વિકરાળ  દીવાલોને વિસ્તારીને કુટુંબ સુધી પહોંચાડી દીધી છે. વિસ્તારી દીધી છે.આ દીવાલો  આપણા જીવનસૂર્ય પર લાગેલું ગ્રહણ છે.

આ બધા વાદળોને વિખેરવાનો એક જ રસ્તો છે.સાચી સમજણ.આ કૂંચીથી બંધ થયેલા કમાડ ખૂલી શકે છે. અને એક વાત હમેશા યાદ રાખીએ દુનિયામાં કોઇ પણ તાળુ ચાવી વિનાનું બન્યું હોતું નથી. જરૂર છે સાચી ચાવીની શોધ.

નદી જેમ પોતાના પ્રવાહમાં આવતા  ખરબચડા, કાળમીંઢ પથ્થરને નરમ બનાવીને શાલિગ્રામનું સ્વરૂપ આપે છે.એ જ રીતે..પગમાં છાલા પડયા પછી જ હિમતના ધોરિયા ફૂટે છે.

માનવહ્રદયમાં સારા બીજ પડયા જ છે. જરૂર છે એને ફૂલવા ફાલવાની..ધિક્કારથી ધિક્કાર મિટાવી શકાય નહીં. એને  ખીલવા માટે જરૂર હોય છે સાચી સમજણ અને સ્નેહના ખાતરની. જે સમયે સારો વિચાર મનમામ ઉદભવે એ જ સમયે એનો અમલ પણ કરી શકીએ તો જ એનો અર્થ સરે. કેમકે સારા વિચારને નાશ પામતા અને નરસા વિચારને ઉત્પન્ન થતા વાર નથી લાગતી. ભીતરમાં રહેલી અસદ વૃતિ ઉપર આવે એ પહેલા મનમાં ઉદભવેલી સદ વૃતિનો અમલ કરી લેવો જોઇએ. આખરે જિંદગી ન મિલેગી દોબારા.

દોસ્તો, કાળના અનંત પ્રવાહની સાથે સરખાવીએ તો આપણું જીવન આટલુ અમથુ ખોબા જેવું  જ ગણાય ને ?   એ જીવનને વૃન્દાવન બનાવવું કે   કાયમનું કુરૂક્ષેત્ર  બનાવવું એ આપણા જ હાથમાં છે. કદી ન ભૂલીએ કે જિંદગી ના મિલેગી દોબારા..જે કરવાનું છે કે કરવા જેવું છે એ કરવામાં વાર ન લગાડીએ કે સમય ન વેડફીએ.

દોસ્તો, આખરે એ ન ભૂલીએ કે જીવન હૈ ચલનેકા નામ, ચલતે રહો સુબહ ઔર શામ..

 

 

3 thoughts on “જિંદગી ના મિલેગી દોબારા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s