પરમ સખા પરમેશ્વરને..

પરમ સખા પરમેશ્વરને…7

                                                          એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ, એક જ દે ચિનગારી,

વિશ્વાનલ ! હું અધિક ન માગું માગું એક ચિનગારી..

હે પરમાત્મા, આપણી દોસ્તી હજુ નવી નવી થઇ છે. હજુ તો શરૂઆત માત્ર થઇ છે, મેં તારા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. અને મને જાણ છે કે તારા દોસ્ત બનવાની પાત્રતા મારાથી કંઇ રાતોરાત નથી કેળવી શકાવાની.  રોજ રોજ આ વાત હું યાદ કરતો રહું છું જેથી  ચંચળ મન શાંત થતું રહે. મનના ખૂણે, ખાંચરે વરસોથી બાઝેલા બાવા, જાળાને સાફ કરવાની મારી મથામણ ચાલુ થઇ શકી છે એનો પણ આનંદ છે. ભલે ને સાવ જ ધીમી પણ એક સુંદર શરૂઆત કરી છે..તો કદીક કયાંક પહોંચાશે જ  ને ? મંઝિલ ન મળે તો પણ શું ? એ રસ્તે ચાલવાનું શરૂ થઇ શકયું છે,  ભીતરની  યાત્રાની મંગલ શરૂઆત તો થઇ છે એ આશ્વાસન પણ કયાં ઓછું છે ? બસ ધીમી પણ ગતિ ચાલુ રહે, રસ્તો ચૂકાયા સિવાય તો તારો સથવારાની અપેક્ષા જરૂર રાખી શકાય ને ? અને એક વાર તારો સથવારો મળે પછી તો હે આનંદસ્વરૂપ, જીવનપથ ઝળાહળાં થવાનો જ ને ?

 મારી મૈત્રીની પરીક્ષા તું અવારનવાર કરવાનો છે એનાથી હું અજાણ નથી જ. અને કસોટી કરવાની તારી રીત કંઇ આસાન નહીં હોય એ પણ હું  જાણું છું પણ હે મારા પ્રિય દોસ્ત, હું એમાં હવે ડગીશ નહીં, તારી દરેક કસોટી હું હસતા હસતા પાર કરી જઇશ એ વિશ્વાસના મૂળમાં પણ તારી પાક્કી  દોસ્તી મેળવવાની પ્રબળ ઝંખના જ ને ? અને જો મારી ઝંખના પ્રબળ હશે તો તારી કસોટીમાંથી પાર થવાનું સદભાગ્ય મને મળશે જ ને ? તારા દોસ્ત બનવાની લાલચ કંઇ જેવી તેવી છે ? અનેક વિઘ્નો ઓળંગવાની તાકાત એ મને આપતી  જ રહેવાની.

હે પરમ પિતા, તેં મને સ્મરણશક્તિ આપી છે. તેમ વિસ્મરણશક્તિ પણ આપી છે. એ તારો અમારી પર બહું મોટો ઉપકાર છે. કેમકે   જીવનમાં ભૂલી જવા જેવું ઘણું  છે પીડા, વેરભાવના , કટુતા,ક્રોધ, સંતાપ ઉપજાવે તે દરેકને ભૂલતા શીખવાનું છે. જીવનના કડવા અનુભવો, કટુ યાદો પણ ભૂલી જવા જેવી છે જેથી એ મનમાં ઉત્પાત ન મચાવી શકે. મનના ઉધામા રોકવા માટે સ્મરણ શક્તિની જેમ જ વિસ્મરણશક્તિ પણ બહું જરૂરી છે. વેરઝેર  અને મનની કટુતા, કોઇ પ્રત્યેની કડવાશ એ બધું વિસરી જવાની કલા મારે હસ્તગત કરવી જ રહી. પરમાત્મા, મારો આ નિર્ણય  તને ગમશે ને ? 

ચપટીક અજવાળું..

પૂજા સેવા નેમ વ્રત, ગુડિયન કા સા  ખેલ,

જબ લગી પિવ પિરસે નહિ, તબ લગી સંશય મેલ !

પૂજા સેવા, નિયમ, વ્રત વગેરે ઢીંગલીના ખેલ જેવા છે. અંતરમાં વસતા પિયુ, પરમાત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી આવા ખેલ ચાલ્યા કરવાના.

પ્રાર્થના એટલે..

સફળ માણસની પડખે રહેવું એના કરતા નિશ્ફળ માણસનો હાથ ઝાલવો એ પણ પ્રાર્થનાનો એક પ્રકાર છે.

વીજળીને ઝબકારે..

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે, નહીં કે તમારા પર.

ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે

પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,

તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

 

 

 

2 thoughts on “પરમ સખા પરમેશ્વરને..

  1. Right….પ્રભુ કૃપા સાથે મનમાં જો હોય પુરુષાર્થની ભાવના,
    મુશ્કેલ કામ પણ સરળ બની જાય ,એમાં નવાઈ ના.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s