મીનુ

મીનુ..

 

મીનુની આંખો  ચકળવકળ….છ મહિના પહેલા જે પોતાની દુનિયા હતી તે આજે અપરિચિત ..સાવ અપરિચિત  કેમ લાગતી હતી ?

આવી ગંદકીમાં તે રહેતી હતી ? આમાં કેમ રહી શકાય ? તેણે નાકે સુગંધિત રૂમાલ દાબ્યો.

ત્યાં કાને એક ભણકારછ જ મહિના પહેલાનો અવાજ..

અરે મીનુતારા કોથળામાંથી તો આજે કેવી સરસ લાલ બંગડીઓ નીકળી…’

અને ખુશખુશાલ થતી મીનુએ હાથમાં બંગડી ચડાવી હતી..વાહ..પાછી પોતાના માપની જ..હાથ ઉંચા કરી તે બંગડી રણકાવી રહી. બંગડીના રણકારમાં મીનુના ખડખડાટ હાસ્યનો રણકો ભળી ગયો  હતો.

 ચાર વરસની હતી ત્યારથી મીનુ તેના જેવડી જ અન્ય છોકરીઓ સાથે કચરો વીણવા જતી. ખભ્ભે કોથળો લટકાવી મોજથી ચારે તરફ રખડીને સૌ છોકરીઓ  ઉકરડા ફંફોસતી  રહેતી. કયારેક એમાંથી કોઇએ અર્ધુ ખાઇને ફેંકી દીધેલું બિસ્કીટનું પેકેટ, કયારેક એકાદ ચોકલેટ કે એવું કશું મળી જતું ત્યારે તો ઉજાણી થઇ જતી. બધી બહેનપણીઓ એક જગ્યાએ બેસી પોતપોતાના કોથળામાંથી મળી આવેલી  વસ્તુઓ હરખથી એકમેકને બતાવી રહેતી. જાણે જાદુગરની પેટીમાંથી એક પછી એક વસ્તુઓ ન નીકળતી હોય. દરેક છોકરી બીજાના કોથળામાંથી શું નીકળે છે તે જોવા આતુર બની રહેતી. અને પછી સાથે મળીને બિસ્મીલાહ થતું. જેટલું પેટ ભરાયું તેટલું સાચું. અર્ધઉઘાડા તનની જેમ પેટ પણ મોટેભાગે અર્ધભૂખ્યું જ રહેવા પામતું. પણ જન્મથી ટેવાયેલા  હોઇ એમાં કોઇને વેદનાનો અનુભવ ન થતો. હા, કયારેક વધારે મળી જાય ત્યારે હાશકારો જરૂર અનુભવાતો. અને પછી બાકી રહેલા  પ્લાસ્ટીક વિગેરેનો કચરો બાજુની વખારમાં વેંચી તેના પૈસા આવે તે ઘેર જઇ બાપને આપી દેવાના. બાપ એમાંથી દેશી દારૂની કોથળી પીએ અને મા લોટ હોય તે મુજબ બે ચાર રોટલા ઘડી ભાગે પડતું બધાને ખવડાવેમીનુને બીજી એક બહેન અને એક  ભાઇ  પણ હતા. બંને તેનાથી નાના હતા.

મીનુનું ઘર એટલે  એક નાનકડી ઝૂંપડી..જેમાં સપનાઓને આવવાની કોઇ ગુંજાઇશ નહોતી. ભૂલથી કયારેક આવી ચડે તો પણ બીજી જ ક્ષણે ઠીંગરાઇ જતા. આજુબાજુ આવી અનેક ઝૂંપડીઓ બનીને આખી એક વસાહત સમાજ સામે લાલબત્તી ધરતી ઉભી હતી. ગરીબી રેખા એટલે શું એવા કોઇ શબ્દની જાણ વિના અહીં એ રેખાથી યે બદતર જિન્દગી શ્વાસ લેતી હતી. રોજ સવારે  આળસ મરડીને સજીવન થતી હતી.અને રોજ સાંજે હાંફતી, ખાંસતી.જીવંત હોવાનો પુરાવો આપી રાતે જયાં જગ્યા મળી ત્યાં ઢળી પડતી હતી. દુ:ખ કે તકલીફની કોઇ વાત અહીં ન થતી. જીવન આવું જ હોય..એનાથી બીજું શું હોય એનાથી તદ્દન અજાણ હોવાથી નિરાંત હતી.

બિહારના ગામડામાંથી આવેલા  આ લોકોની વસાહત અહીં મુંબઇમાં હજુ નવીસવી બની હતી. શહેરની ખાસ કોઇ જાણકારીથી  બિલકુલ અલિપ્ત. હા, કચરો વીણવા જતા છોકરા છોકરીઓ રસ્તામાં ફિલ્મોના પોસ્ટરો જોતા અને   ઘડીભર ઉભા રહીને માણતા થયાં હતાં. કયારેક કોઇ દુકાનમાં ટી.વી. ચાલુ હોય ત્યારે દૂરથી નીરખવાની તક નહોતા ચૂકતા. કેટલાક  તો અમિતાભશાહરૂખ કે બિપાસાને ઓળખતા પણ થયા હતાં. તો કદીક  કયાંકથી   સંભળાતા ફિલ્મી ગીતો ગણગણવાની મસ્તી માણતા હતા. શૈશવના કોઇ પ્રશ્નો તેમને નહોતાસ્કૂલ કે ટયુશનનો કોઇ ભાર નહીં..એક કલાસમાંથી બીજા કલાસમાં જવાની દોડાદોડી નહીં. સમર કેમ્પ કે ટ્રેકીંગ જેવા શબ્દોથી બિલકુલ અપરિચિત….

જીવન અહીં પણ દોડતું હતું. પોતાની રીતે..

ચાર વરસની ઉંમરથી કચરો વીણતી મીનુ હવે દસ વરસની કિશોરી બની ચૂકી હતી. અલબત્ત એથી તેના જીવનમાં કોઇ ફરક નહોતો પડયો. હા, હવે તે મોટૉ કોથળૉ ઉંચકી શકતી હતી. વધારે કચરો વીણી શકતી હતી. તેના કાળા. લાંબા વાળ..સારસંભાળના અભાવે ભૂખરા રંગના બની જીંથરાની માફક ઉડતા રહેતા. તેની મોટી મોટી આંખોમાં એક ચમક હતીખડખડાટ હસતી ત્યારે ગાલમાં પડતા ખંજન અને ચમકતા સફેદ દાંત જાણે કોઇ ટુથપેસ્ટની જાહેરખબર કરતા હોય તેમ ચમકી રહેતા. ઓળ્યા વિનાની ઉડતી લટોને પોતાના  ધૂળિયા હાથથી તદ્દન બેફિકરાઇથી ઉંચે ખસેડતી તેની સ્વાભાવિક રીતની કોઇ મોર્ડન યુવતી નકલ કરી શકે તો  જોતા જ રહી જવાયઇશ્વરે તેને રૂપ આપવામાં કંજૂસાઇ નહોતી દાખવી. અલબત્ત તાપમાં રખડી રખડીને તેની ગૌર ત્વચાનો રંગ  થોડો શ્યામ જરૂર પડી ગયો હતો. પણ તેની નમણાશ એવી જ અદભૂત રહી હતી. કોઇ કલાકારે અદભૂત રીતે તરાશી હોય  તેવું, કોઇ ખોડખાંપણ વિનાનું એ રૂપ કોઇ પારખું દ્રષ્ટિ જ પારખી શકે તેમ હતી. ધૂળમાં પડેલો  હીરો ઝવેરી જ પારખી શકે બાકી અન્ય માટે તો એ કાચનો સામાન્ય ટુકડો જ રહેવાનો. મીનુ પણ કદાચ એવો જ ઝગમગ  હીરો  હતી. વણપરખાયેલો  હીરો….અર્થાત્ કાચનો ટુકડો માત્ર

 એક દિવસ આ વણપરખાયેલા  હીરા પર એક ઝવેરીની નજર અનાયાસે જ પડી. મીનુ અને તેની બહેનપણીઓ કોથળો બાજુમાં મૂકી કયાંકથી હાથમાં આવેલી પૂરીઓ ખાતી હતી. હમણાં એક જગ્યાએથી મળેલ કાચની બંગડીઓ મીનુએ પહેરી હતી. લાંબા વાળની લટોને કંટાળાથી ખસેડતાં હાથમાં રહેલી બંગડીઓ રણકી ઉઠતી હતી.

કોઇક વાત પર મીનુ ખડખડાટ હસતી હતી. હસી હસીને બેવડ વળી ગયેલી મીનુની  પાણીદાર આંખો વધારે પાણીદાર બની હતી. બરાબર તે જ સમયે ચમચમાતી એક વિદેશી કાર ત્યાંથી ધીમે ધીમે પસાર થઇ. જાણે કોઇની તલાશમાં નીકળી હોય તેમ એમાં બેસેલી બે વ્યક્તિઓ આસપાસ ઝીણી નજરે જોઇ રહી હતી. તેમને કાને  મીનુના હાસ્યનો રણકો અથડાયો. અને  નજર ખડખડાટ હસતી મીનુ પર પડી. તેમના મોઢામાંથી શબ્દ નીકળી પડયો.. “ અદભૂત

ગાડી તુરત ઉભી રહી. બંને તેમાંથી બહાર નીકળ્યા. મીનુ અને બધી છોકરીઓ જોઇ રહી. આંખોમાં થોડો ભય અને થોડું આશ્ર્વર્ય અંજાયા.

ઉતરનાર વ્યક્તિમાં એક આધેડ ઉમરનો અને એક યુવાન દેખાતો હતો. ખડખડાટ હસતી મીનુ એક જ ક્ષણમાં બિલકુલ શાંત..જાણે જીવનમાં કદી  હસી જ નથી. આધેડ વ્યક્તિ થોડીવાર મીનુ  સામે જોઇ રહીછોકરીઓ ઉઠીને ભાગવા જતી હતી ત્યાં

શું નામ તારું ? ‘

મીનુએ ડર્યા સિવાય જવાબ દીધો.. મીનુ

સરસ નામ છે.’

મીનુ મૌનઆનો શું જવાબ આપવાનો હોય તે ખબર પડી નહીં.

તું કયાં રહે છે ? ‘

સામે…. ‘

ઝૂંપડપટ્ટી તરફ આંગળી ચીંધતી મીનુ ધીમેથી બોલી

હવે પ્રારંભિક ડર થોડો ઓછો  થયો હતો.

બધી છોકરીઓ મોટી, ચમચમાતી મોટરને જોવામાં વ્યસ્ત હતી. એકાદ બે મીનુ સાથે બેઠી હતી.

ફિલમ જોઇ છે કયારેય ? ‘

મીનુંનું ડોકુ નકારમાં હલ્યું.

જોવી ગમે ?  ‘

ડોકુ કઇ બાજુ ધૂણાવવું એ સમજ પડી નહીં.

મને તારે ઘેર લઇ જઇશ ? ‘

 મીનુ ઉભી થઇ. સાથે જ આખું ટોળું

ગાડી અંદર જઇ શકે તેવી કોઇ શકયતા ન દેખાતા સાહેબોએ પણ મીનુ સાથે પદયાત્રા શરૂ કરી.

થોડી મિનિટોમાં મીનુ ઝૂંપડી પાસે પહોંચી.

બાપ હજુ દારૂના અર્ધઘેનમાં હતો. મા કયાંક છાણા..લાકડા વીણવા ગઇ હતી.

આ તમારી છોકરી છે ? ‘

મીનુ તરફ દ્રષ્ટિ કરતાં પેલા યુવાને પૂછયું.

હા,મારી છોકરી છે. કેમ કંઇ ચોરી બોરી કરી છે ? ‘

જુઓ..અમે એક ફિલમ બનાવીએ છીએએમાં મીનુ જેવડી એક છોકરીની જરૂર છે. ‘ તમારી દીકરી એમાં કામ કરશે ?’

કદી ન કલ્પેલો પ્રસ્તાવ સાંભળી બાપ મૂંઝાયો.

એને એવું થોડું આવડે ? ‘

અમે બધું શીખડાવીશું..અને નહીં આવડે તો પણ  હજાર રૂપિયા  આપીશું.  ‘

ન આવડે તો પણઅને..અને હજાર રૂપિયા..

કેટલી દારૂની કોથળીઓ આવે ?

ગણતરી મંડાઇજવાબ આપવામાં વિલંબ થતો જોઇ પેલી આધેડ વ્યક્તિ રકમનો આંકડો વધારવા જતી હતી. પણ સાથેનો યુવાન દેશી હતોઅનુભવી હતો. તેણે આંખથી જ સાહેબને મૌન રાખ્યા.

ઠીક છે. ‘હજાર રૂપિયા પેલા જોઇશે..તમે સાહેબો પાછળથી ફરી જાવ તો અમારે તમને શોધવા કયાં જાવું ? ‘

બાપને હજાર રૂપિયા સિવાય કોઇ વાત સૂઝતી નહોતી.

જરૂર..પણ આ કાગળ પર સહી કરવી પડશે 

સહી કરતાં અહીં કોને આવડે છે ? ‘

 ’ઠીક છે..મારો અંગૂઠો… ‘

કયાંક હજાર રૂપિયા હાથમાંથી નીકળી ન જાય

બાપે જલદી જલદી સાહેબે બતાવ્યું ત્યાં  કાગળિયા પર અંગૂઠો માર્યો.

મીનુને તો હજુ કંઇ સમજણ જ નહોતી પડી..તે તો બધી છોકરીઓ સાથે ટોળામાં દૂર ઉભી હતી.

જો..તારી છોકરીને આજે લઇ જાશું. ને કામ આવડી જશે તો બહારગામ પણ લઇ જવી પડે..મહિનાઓ સુધી…’

એના એકસ્ટ્રા રૂપિયા લાગશે…’

મળી જશે…’

જેટલા દિવસ રહેશે એટલા દિવસના રોજના હજાર રૂપિયા આપીશું. … ‘

રોજના હજાર ?

 બાપની આંખો ફાટી રહી..

તો તો કાયમ આ છોરી ભલે ને એની પાસે જ રહે..કચરો વીણીને માંડ દસ રૂપરડી લાવે છે. ‘

બાપના મનમાં વિચાર ઝબકી ગયો.

પણ હજાર રૂપિયાના નશામાં કંઇ બોલ્યો નહીં.

બેટા, ચાલ, અમારી સાથે.

કયાં ? ‘

એટલું પણ મીનુ ન બોલી શકી. અલબત્ત તેની  બોલકી આંખોમાં એ પ્રશ્ન જરૂર ઉઠયો.

મોટા સાહેબે તુરત કહ્યું.

બેટા, ગભરાઇશ નહીં. તારા બાપુએ પણ હા પાડી છે. થોડું કામ કરવાનું છે અમે કહીએ તે..’

કચરા, પોતા, વાસણ કે કપડાં ધોવાના ?  ‘

હમણાં જ મીનુની એક બહેનપણી મંજુ મોટા શેઠના બંગલે રહેવા ગઇ હતીઅને કચરા,પોતા અને એવું બધું કામ કરતી હતી. મીનુની કલ્પના એનાથી આગળ વધે તેમ નહોતી.

દર રવિવારે મંજુ  ઘેર આવતી  ત્યારે શેઠના બંગલાની અદભૂત વાતો કરતાં ધરાતી નહીં.પોતે બધી કેવા યે રસથી સાંભળવા દોડી જતી. પોતાને પણ આવા જ કોઇ બંગલામાં જવાનું છે ? ‘

મીનુ થોડી હરખાઇ..થોડી મૂંઝાઇ..પોતાને એવું બધું આવડશે ? વાસણ ધોતા તો આવડતું હતું..કચરા પણ કાઢી શકે..પણ આ સાહેબ લોકોના કપડાં  ધોતા કેમ આવડશે ? કેટલો બધો સાબુ જોઇએ ? અહીં તો મા કયારેક એક ગૉટી લઇ આવતી અને ત્યારે પહેરેલા  કપડા મ્યુનીસીપાલીટીના નળે જઇને

મીનુ આગળ વિચારે તે પહેલા સાહેબે તેની સાથે ચાલવા કહ્યું.

મીનુ મૂંગીમૂંગી તેમની સાથે ચાલી નીકળી. તેની બહેનપણીઓ જોતી રહી ગઇ. મૉટર સુધી આખો ઘેરો સાથે ગયો.

મોટર પાસે જઇ મીનુ ઉભી રહી ગઇ.

મોટા સાહેબે મીનુને બેસવા કહ્યું.

મીનુ પોતાના ફાટેલ.તૂટેલ, ગંદા કપડાં સામે જોઇ રહી.

આવી સરસ મજાની મોટર ગંદી નહીં થઇ જાય ?

સાહેબ મીનુની મૂંઝવણ સમજી ગયા. જરા હસીને બોલ્યા

કંઇ વાંધો  નહીં. તું તારે નિરાંતે બેસ..’

ગભરાતી..સંકોચાતી મીનુ એકબાજુ સમેટાઇને બેઠી..

 મોટર મીનુને લઇને ચાલી

 શરૂ થઇ..શમણાંની દુનિયા….

મીનુની ચકળવકળ દ્રષ્ટિ ચારે તરફ  ફરી રહી. શરૂઆતમાં થોડી ગભરાઇ પણ ખરી. નવા કપડાં પહેરાવવામાં આવ્યાથોડૉ મેઇક અપઅરીસામાં જોતા તે ચોંકી ઉઠી..સામે કોણ દેખાય છે ?

અને છતાં…..સ્ક્રીન ટેસ્ટ આપતા કે પહેલીવાર કેમેરાનો સામનો કરતાં મીનુમાં ન જાણે કેવો યે આત્મવિશ્વાસ જાગી ઉઠયો.

વાંચતા તો કયાં આવડતું હતું ? પરંતુ રેકોર્ડ થયેલા  શબ્દો બે વાર સાંભળ્યા ત્યાં જ યાદ રહી ગયા..કેમ બોલવું તે બતાવાયું. અને કોઇ અજબ આત્મવિશ્વાસથી મીનુએ જાણે કમાલ કરી બતાવી. તાળીઓની વાહ વાહ…! વિદેશી ડાયરેકટરને જે જોતું હતું તે મીનુ પાસેથી મળી શકશે એની તેને  ખાત્રી થઇ ગઇઅને બસ..પછી તો

શરૂ થઇ મીનુની વણથંભી વિકાસયાત્રા….

એક નવી જ..ઝાકઝમાળભરી અજાયબ દુનિયા….જાત સાથેનો રોજ નવો પરિચય..નવી ક્ષિતિજ..નવું આસમાન.. અને મીનુ તો જાણે પરીલોકની રાજકુમારીમુખ્ય પાત્ર જ મીનુનું હતું. અને તે પણ કોઇ ગરીબની છોકરીનું નહીં..શ્રીમંત પણ સાવ ભોળી રાજકુમારીનું પાત્રદિવસમાં દસ વાર નવા નવા રેશમી કપડાં બદલાવવાનાઅવનવા શણગાર….પોતાના જેવા જ એક સુંદર છોકરા સાથે દોસ્તીમસમોટો મહેલ….નોકરચાકરની ફોજઅને એક દિવસ તો  મીનુ પ્લેનમાં..

કચરો વીણતા વીણતા કયારેક ઉંચે  ઉડતા પ્લેનની ઘરઘરાટી સાંભળીને બધું ભૂલી બધી બહેનપણીઓ સાથે વિમાન જોવા ઉભી રહી જતી. અલબત્ત ત્યારે પણ એમાં બેસવાનો વિચાર કે સપનું આંખમાં અંજાયા નહોતા જ.એવી વિશાળ આંખો કે પાંખોનો વિચાર પણ પહોંચની બહાર હતોઆજે એ પ્લેનમાં બેસીને..ઉડીને સાત સાગર પાર…..

પિકચરનું અમુક શુટીંગ વિદેશની ધરતી પર થયું. મીનુ તો આખી ઝગમગ ઝગમગ…..અજબ આત્મવિશ્વાસથી તે કહ્યા મુજબના દ્રશ્યો આપી શકતી. જાણે તે તો જન્મજાત અભિનેત્રીકોઇ શ્રીમંતની  છોકરીને  પણ ગ્લેમરની આ દુનિયા ચકાચોન્ધ કરાવી દે..ત્યારે મીનુ માટે તો આ સાક્ષાત પરીલોકતેનો પડયો બોલ ઝિલાતો. વિદેશી ડાયરેકટર આ ભોળી છોકરીનું ખૂબ  ધ્યાન રાખતા. મીનુ તેની લાડકી બની હતી.

પણ  દરેક સારી કે ખરાબ વાતનો એક અંત હોય છેતેમ સપના જેવા આ દિવસો પણ છ મહિનામાં પૂરા થયા. મીનુ માટે તો જાણે છ સેકન્ડ જ વીતી હતી. પિકચર પૂરું થયું. પૈસા કરાર મુજબ મીનુના બાપને મળતા રહ્યાં હતાં. મીનુને તો એ બધા સાથે  કોઇ સંબંધ જ નહોતોતે તો હમેશ અહીં જ રહેવાની હતી..એમ માની બેઠી હતી. ઘર માટે લાગણી જેવું કોઇ બંધન તેને હતું નહીં..કેમકે મા બાપના હાથનો માર ખાઇ ખાઇ..રખડી રખડીને જ મોટી થઇ હતી. મનથી  એ નિર્દોષ છોકરી પેલી  દુનિયાને અલવિદા કરી ચૂકી હતી. પણ…..

 કામ પૂરું થતાં વિદેશી સર્જક પોતાને દેશ પાછા ફર્યા..અને મીનુ

મીનુ ફરીથી પોતાની દુનિયામાં

 દસ વરસથી પરિચિત જગ્યા હવે સાવ અપરિચિત લાગી. હા,ઝૂંપડી થોડી મોટી થઇ હતી. એક  રૂમનું પાકું મકાન થયું હતું. જેમાં એક નાનકડું ટી.વી. આવ્યું હતું. બાકી બધું એમ જ. છ મહિના બાપે દેશી દારૂની કોથળીને બદલે વિદેશી શરાબની મોજ માણી હતી.

મીનુ પાછી આવીમતલબહવેથી પૈસા બંધ

બાપનો મિજાજ ગયો.. ધડાધડ મીનુને બે લાફા પડયા..

મને ખબર જ હતી..સરખું કામ નહીં જ કર્યું હોય  તો જ પાછી આવે ને ?

મીનુની આંખો અનરાધાર વરસી રહી. રાજકુમારીના આંસુ આજે વણલૂછયા રહ્યા. મોટેથી તે ભેંકડો તાણી રહી.

( ગુજરાત દીપોત્સવી અંકમાં પ્રકાશિત વાર્તા ) 

 

 

2 thoughts on “મીનુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s