જિંદગીકા સફર..

વાત એક નાનકડી…જિદગીકા સફર..

એક વાર ના પાડી ને..! આજે પિકચરમાં નથી જવું.

પણ શા માટે ? તને ખબર છે ને કરીના મારી ફેવરીટ હિરોઇન છે અને આજે છેલ્લો દિવસ છે. અને ન જવાનું કોઇ એવું કારણ પણ નથી.

કારણ હોય કે ન હોય બસ આજે  મને મૂડ નથી.

પણ મને મૂડ છે એનું શું ?

બહું ધખારા હોય કરીનાના તો એકલી જ ઇ આવ.

પિકચરમાં એકલી જાઉં ?

કેમ બીજી અનેક જગ્યાએ એકલી જાય જ છે ને ?

પણ પિક્ચરમાં કદી એકલી નથી જતી.

તો હવે એ પણ શરૂ કરી દે. બીજું શું ?

એટલે તું કહેવા શું માગે છે ?

કહેવા કંઇ જ નથી માગતો. તારે જે કરવું હોય તે કર. મને આજે કયાંય બહાર જવાનો મૂડ નથી અને હું ઘરમાં જ રહેવાનો છું.

એટલે મારી ઇચ્છાનું કોઇ મહત્વ જ નહીં એમ ને ?

તારે જે માનવું હોય તે માની શકે છે. બાકી તારી કરીનાને જોવા આજે હું નથી આવવાનો. તું  કરીનાને જોયા સિવાયની રહી ગઇ હોય તો તું જઇ શકે છે.

બસ..વધારે બોલવાની કોઇ જરૂર નથી. તું અમિતાભનું એકે પિક્ચર છોડે છે ખરો ? જેમ અમિતાભ તારો ફેવરીટ છે એમ મને કરીના ગમે છે.

અમિતાભ સાથે કરીનાની સરખામણી ન કરાય સમજી ?

વાત વધતી ગઇ. અને આખરે નિકિતા બે આંસુ સારીને રહી ગઇ અને  નયન પડખું ફેરવીને સૂઇ ગયો.

હમણાં એક કે બીજી કોઇ વાતમાં આવું અવારનવાર બનતું રહેતું.નાની વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી.અને વાતનું વતેસર થતા વાર કયાં લાગતી હોય છે ?  નિકિતાના લગ્ન એક સારા કુટુંબમાં થયા હતા. પતિ… નયન  આમ બધી રીતે સારો હતો. પરંતુ તેનો સ્વભાવ બહું ઉગ્ર હતો અને શોર્ટ  ટેમ્પરવાળો હતો. નાની સરખી વાતમાં એ ગુસ્સે થઇ જતો. અને ગુસ્સે થાય ત્યારે પોતે શું બોલે છે એનું ભાન કદી માણસને હોતું નથી. એ તો બોલીને ચાલ્યો જતો. પણ નિકિતાને બહું ઓછું આવી જતું.  આમ પણ તેનામાં સહનશીલતાનો અભાવ હતો. પિયરમાં તે બહું  લાડથી ઉછરેલી  હતી. કદી કોઇએ એક શબ્દ પણ મોટેથી કહ્યો નહોતો. તેથી અહીં પતિના શબ્દો એ સહન  ન કરી શકતી. અને પોતે પણ સામે બોલતી હતી.

દિવસે દિવસે વાત વધતી  ગઇ. વણસતી ગઇ. બંનેને એકમેક માટે અભાવ જાગવા લાગ્યો. અને અંતે વાત ડીવોર્સ સુધી પહોંચી ગઇ. ઘરના બધા લોકોએ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પણ બધું વ્યર્થ ..અમને અમારી રીતે સુખી થવાનો હક્ક છે. અમારા સ્વભાવનો મેળ સાત જનમમાં યે નથી પડવાનો. એ એની રીતે સુખી થાય અને હું મારી રીતે..

દલીલો થતી રહી. બેમાંથી કોઇ જરા પણ નમતું જોખવા તૈયાર નહોતું. અને અંતે એક દિવસ બંને કાયદેસર રીતે છૂટા પડી ગયા. મનથી તો કયારના છૂટા થઇ જ ગયા હતા. હવે કાયદાની મહોર પણ લાગી ગઇ. લગ્નના ચાર વરસ બાદ બંને અલગ થયા હતા. સદનસીબે હજુ બાળકો નહોતા તેથી બાળકોનો પ્રશ્ન નહોતો.

નિકિતા હવે પિયર આવી. આપણા સમાજમાં  કુંવારી દીકરીનું અને પરણેલી દીકરીનું  સ્થાન એક અલગ હોય છે. અને એમાં પણ દીકરી જયારે હમેશ માટે પાછી ફરે ત્યારે તેનું પૂરું ગૌરવ જળવાતું  હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. એના  ઘણાં  કારણો હોય છે અને દરેક માટે એ અલગ જ હોવાના.. નિકિતાના ભાઇના લગ્ન હવે થઇ ગયા હતા. ભાભી આમ તો સારા સ્વભાવના હતા. પણ નિકિતાની મમ્મીએ સ્વાભાવિક રીતે જ વહુનું સાચવવું પડતું. દરેક પ્રસંગે દીકરી કરતા વહુને પહેલું સ્થાન ..પહેલું મહત્વ આપવું પડતું. અત્યાર સુધી આ ઘરમાં હમેશા નિકિતાને જ પહેલું  મહત્વ મળતું આવ્યું હતું. પરંતુ હવે સંજોગો પલટાયા હતા. નિકિતાને એમાં પોતાનું અપમાન થતું લાગ્યું. એને થયું કે અહીં  હવે પોતાનું સ્વમાન સચવાતું નથી. અને સ્વમાન વિના કયાંય પણ રહેવા એ તૈયાર નહોતી. તેના પતિ નયને  બીજા લગ્ન  કરી લીધા હતા એ સમાચાર મળ્યા ત્યારે નિકિતાના મમ્મી, પપ્પાએ દીકરીને બીજા લગ્ન કરવા સમજાવી  જોઇ હતી. પણ હવે નિકિતાને લગ્ન પરથી મન ઊઠી ગયું હતું. એ તૈયાર ન જ થઇ. નોકરી માટે  ઘણી  જગ્યાએ નિકિતા ફરતી રહી. પણ સામાન્ય ગ્રેજયુએટને એમ સારી નોકરી મળવા કયાં સહેલી હોય છે ?

એમ કરતા એક દિવસ એક વૃધ્ધાશ્રમમાં હિસાબનીશની જગ્યા તેને મળી.ત્યાં રહેવા..જમવાની  સગવડ સાથે હતી. તેથી નિકિતા ઘર છોડીને હમેશ માટે ત્યાં આવી ગઇ. ઘરના  બધાએ આ નોકરીની  ના પડી પણ નિકિતા  કોઇનું સાંભળવા તૈયાર નહોતી. હવે જીવન સંઘર્ષ તે એકલે હાથે લડી લેવા માગતી હતી. હવે તે કોઇની દયા ઉપર જીવવા નહોતી માગતી.

સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું.  નિકિતા હવે સાઠ વરસની થવા આવી છે. હવે આ વૃધ્ધાશ્રમની તે કર્તા હર્તા બની ચૂકી હતી. આ આશ્રમને જ તેણે સર્વસ્વ માનીને જાળવ્યો છે. એમાં દરેક વૃધ્ધ સારી રીતે રહી  શકે.. પોતાનું સ્વમાન સાચવી ને જીવી શકે  એ માટે નિકિતા હમેશા સતત નિષ્ઠાવાન રહી છે. નિકિતાના  પ્રયત્નોથી આ  સંસ્થા  સોળે કળાએ પાંગરી હતી. આ  વૃધ્ધાશ્રમનું  સમાજમાં એક  નામ હતું. અહીં  કોઇને કોઇ જાતની તકલીફ ન પડે એ માટે નિકિતા સતર્ક રહેતી. સાથે  સાથે કોઇ વૃધ્ધ આળસુ બનીને બેસી ન રહે એ  પણ  તે જોતી રહેતી. અહીં બધાને સ્નેહની હૂંફ મળતી. અહીં  નિકિતાનો જાણે પુનર્જનમ થયો હતો. હવે તેને કોઇ સામે ફરિયાદ નહોતી. તે ખુશ હતી. પોતાની ઇચ્છા મુજબ જિંદગી જીવી  શકી હતી એનો આનંદ અને સંતોષ હતો..

એવામાં એક દિવસ એક વૃધ્ધ અહીં દાખલ થવા માટે આવ્યો. નિકિતા  નીચું જોઇને ફોર્મ  ભરતી હતી. નામ પૂછતા જ નયન સાંભળતા જ તેની નજર ઊંચી થઇ. સામે ઊભેલી વ્યક્તિ પર નજર પડતા જ તે ચોંકી ઉઠી. સામે એક વખતનો તેનો પતિ નયન હતો. નયન તેનાથી બે વરસ જ મોટો હતો. પણ અત્યારે તે જાણે સીતેર વરસનો ડોસો બની ગયો હતો. નયનભાઇ પણ નિકિતાને ઓળખી ગયા. તે સ્તબ્ધ  બનીને જોઇ રહ્યો. કશું બોલી ન શકયો. કુદરત તેને કયાં..કોની સામે લાવી હતી ? થોડી વારે નિકિતા સ્વસ્થ બની..તેણે ફોર્મ ભર્યું. વાતચીત પરથી ખબર પડી કે નયનના સ્વભાવથી કંટાળીને દીકરા વહુએ તેને ઘરમાંથી કાઢી મૂકયો હતો. બીજી વારની પત્ની બે વરસ પહેલા મૃત્યુ પામી હતી અને હવે દીકરો કે વહુ બાપને સાચવવા તૈયાર નહોતા.

નયનભાઇએ બે  હાથ જોડી નિકિતાની માફી માગી. નિકિતાએ અતીતની કોઇ વાત યાદ કરવાને બદલે અહીં શાંતિથી રહેવા કહ્યું. અને પોતે  કદીક એની પત્ની હતી એ વાત હમેશ માટે ભૂલી જવી પડશે એ સમજાવી દીધું.

આ  આશ્રમમાં આમ પણ બધાની કાળજી લેવાતી જ હતી. નિકિતાએ નયનભાઇની પણ  પૂરી કાળજી લીધી જેમાં અનાયાસે..તેની  પણ  જાણ બહાર થોડી લાગણી પણ ભળી જ ગઇ હતી. વાંક ફકત પતિનો જ નહોતો. પોતાનો પણ હતો જ એ વાત  નિકિતાને આટલા વરસોમાં અનેક વાર સમજાઇ હતી.. પોતે પણ ધીરજ નહોતી રાખી શકી એની તેને ખબર હતી. તેથી નયનભાઇનો એકલાનો દોશ નથી એનો ખ્યાલ હોવાથી તેને કદીક નયનભાઇની દયા પણ આવી જતી. કરૂણા ઉભરાતી. આમ પણ  અહીં રહીને બધાની  કરમકહાની ..દરેકની વ્યથા, કથા સાંભળ્યા પછી નિકિતાનું દિલ  વધારે લાગણીશીલ  બન્યું હતું. અહીં આવ્યા હતા ત્યારથી  નયનભાઇને સખત તાવ, શરદી, ઉધરસ  ચાલુ જ હતા. નિકિતા દિલ દઇને તેમની સેવા કરતી રહી.

નયનભાઇ નિકિતા સામે જોતા ત્યારે તેમને મનમાં સતત પસ્તાવો થતો. પોતે નિકિતાને અન્યાય કર્યો હતો એ અપરાધ ભાવ  તેમનાથી અનેક વાર નિકિતા સામે વ્યક્ત થતો રહેલો. નિકિતાએ ગઇ ગુજરી ભૂલીને તબિયત સાચવવા કહ્યું. દિવસે દિવસે નયનભાઇની તબિયત સુધરવાને બદલે બગડતી ચાલી. ડોકટરો પોતાની રીતે મથતા રહ્યાં.પણ જયારે શ્વાસ ખૂટી ગયા હોય ત્યારે કોઇ ડોકટર કયાં કશું કરી શકતા હોય છે ? નિકિતા જે રીતે  રાત દિવસ નયનભાઇની કાળજી લેતી તે જોઇ નયનભાઇ ગળગળા બની રહેતા. આંખો ભીની બની રહેતી.નિકિતાની માફી માગવા જતા ત્યારે નિકિતા કહેતી,

કદાચ આપણી નિયતિમાં જ આવું લખાયેલું હશે.છૂટા પડીને ભેગા થવાનું. યુવાનીના તોરમાં આપણે બંને  જિંદગી સાથે સમાધાન કરવાનું ભૂલી ગયા હતા. દરેક સંબંધમાં એક કે બીજી રીતે સમાધાન કરવાનું આવતું જ રહેવાનું. એ સત્ય હું પણ ભૂલી ગઇ હતી. ખેર ! હવે તમે મનમાં કોઇ અફસોસ ન રાખો.

નયનભાઇ કૃતજ્ઞતાભરી નજરે નિકિતાને નીરખી રહ્યા. એ જ રાત્રે ઉંઘમાં જ નયનભાઇનો આત્મા પિંજર છોડી અનંતની સફરે શાંતિથી ચાલી નીકળ્યો હતો.

નયનભાઇને અલવિદા કહેતા નિકિતાની આંખો વરસી રહી. નિયતિનો આ કેવો ખેલ, કેવો રૂણાનુબંધ હતો.

કયાંકથી રેડિયોમાં ગીતન શબ્દ વહેતા રહ્યા હતા.

જિંદગીકા સફર હૈ યે કૈસા સફર, કોઇ સમઝા નહી, કોઇ જાના નહી..

( published in sandesh in my regular column..date 10th feb.2015)

4 thoughts on “જિંદગીકા સફર..

  1. એક મૂવીની પટ કથા જેવી સરસ વાર્તા . વાર્તાના અંતમાં બે તિરસ્કૃત હૃદયો નું મિલન કરાવ્યું એ ગમ્યું.

    Like

  2. જીવનમાં સમાંધાન નકરેલ હોય તે માટેનો પસ્તાવો વિધુર કે વિધવા થયા પછી જ થાય છે.સરસ વાર્તા.આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s